Monday 21 January 2013

મનુષ્ય ચાલતાં ક્યારે શીખ્યો ?

મનુષ્યની પા પા પગલી, એક ઉત્ક્રાન્તિમય ઈતિહાસ

ફ્ચુયર સાયન્સ - કે.આર. ચૌધરી

 નાનું બાળક શરૃઆતમાં બે હાથ અને પગ વાળીને ઠીચણ ઉપર વજન મુકીને ચાલતાં શીખે છે. ત્યારબાદ બે પગ ઉપર ઊભા રહીને સંતુલન જાળવતા શીખે છે. આ સંતુલન રાખતાં આવડયા પછી... ધીમે ધીમે પા... પા... પગલી ભરે છે. આ ક્ષણો યાદગાર હોય છે અને દરેક માબાપનું સંતાન જ્યારે પ્રથમ વાર ચાલતાં શીખે છે ત્યારે, તેમના માટે તે ક્ષણો આનંદ, રોમાંચ અને ઉત્તેજનાથી સભર હોય છે. સમય મળે ત્યારે કદાચ તમારાં માબાપને સવાલ કરી શકો છો, તમે જ્યારે પ્રથમ વાર પા પા... પગલી ભરી ત્યારે તેમની અનુભૂતી કેવી હતી ?
વૈજ્ઞાાનિકો માટે પણ મનુષ્ય જાતી એટલે કે હેમોસેપીઅનની પા-પા પગલી ઉત્તેજના, રોમાંચ અને સંશોધનનો વિષય છે. દરેક નૃવંશ શાસ્ત્રીને એક સવાલ જરૃર થતો હોય છે કે મનુષ્ય ચાલતાં ક્યારે શીખ્યો ? મનુષ્યની આ ના...ની પા...પા... પગલી, માનવજાત માટે ઉત્કાન્તિમાં ઈતિહાસની એક મોટી હરણ-ફાળ હતી. મનુષ્યની પા...પા... પગલીને સાયન્ટીફીકલી ''ટેરીસ્ટ્રીઅલ બાયપેડલી ઝમ'' એટલે કે ભૂમી ઉપર બે પગ વડે ચાલવાની શરૃઆત કહે છે. પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓને શીખવવામાં આવે છે કે મનુષ્યની ઉત્ક્રાન્તિ વાનરમાંથી થઈ છે. મનુષ્યનાં પૂર્વજો વાનર હતા. એટલે કે નેચરલી વાનર ઝાડ ઉપર વધારે રહેતા હતાં અને આજે પણ ભૂમિ ઉપર આવે ત્યારે ચાર પગે (મતલબ આગળ-પાછળનાં બંને પગ) ચાલે છે. ચિમ્પાઝી, ગોરીલા, બબુન જેવાં કેટલાંક અપવાદ છે જે બે પગે સ્થિર ઉભા રહી શકે છે અને ચાલી પણ શકે છે. એન્થ્રોપોલોજીસ્ટ એટલે કે નુવંશ શાસ્ત્રીઓ આજે પણ જાણવા માગે છે કે મનુષ્ય વાનરવેડા છોડીને ખરેખર માનવીની માફક બે પગે ચાલતા ક્યારે શીખ્યો ? ઉત્કાંન્તિના સંશોધકો માટે પણ આ એક ચર્ચાનો વિષય છે. તાજેતરમાં કેટલાંક નવા સંશોધનો થયા છે જે મનુષ્યના 'બાયપેડલી ઝમ' સમજવા માટે ઉપયોગી બની શકે તેમ છે.
પ્રિમેટ્સ (નર-વાનર સમુદાય)માંથી હ્યુમન એટલે કે મનુષ્યને અલગ પાડતી એકમાત્ર ઓળખની જરૃર હોય તો તે છે ''મનુષ્યની બે પગે ચાલનારી ખાસીયત. પગની રચનાનાં આધારે જ મનુષ્યનાં પૂર્વજોને વાનરથી અલગ પાડીને ઓળખી કાઢવામાં આવે છે. પરંતુ આપણી પાસે આ અશ્મીજના અવશેષો (ફોસીલ રેકોર્ડ) ખુબ જ ઓછા હોવાથી ઉત્કાંન્તિના કયા કાળમાં મનુષ્ય ચાલતાં શીખ્યો હશે તેનો સમયગાળો નક્કી કરવામાં વૈજ્ઞાાનિકોને પણ નાકે દમ આવી જાય છે. આધુનિક વૈજ્ઞાાનિકો મનુષ્ય અને વાનરકુળના વિવિધ પ્રાણીઓના હાંડપીજર અને હરવા ફરવાની રીતભાત (લોકોમોશન) ઉપરથી મનુષ્ય ક્યારે ચાલતાં શીખ્યો તે સવાલનો જવાબ મેળવવાની મથામણ કરી રહ્યાં છે.
ચિમ્પાન્ઝી, બોનોબોસ, ગીબન્સ અને બબુન જેવા વાનર સામાન્ય વાનર અને મનુષ્યની વચ્ચે આવે છે, જેમણે મનુષ્ય જેવું એડવાન્સ 'બાયપેડલીઝમ' મેળવવાની કોશિશ કરી છે. વાનરોને જ્યારે એકાંતમાં નાના, સાંકડા પાજરામાં રાખવામાં આવે છે ત્યારે તે મનુષ્યની માફક બે પગે ચાલતાં શીખે છે. પરંતુ વાનરોની એક ખાસ લાક્ષણિકતા એ છે કે જો તેમની પાસે હાથમાં (આગળનાં પગમાં) ખોરાક ઉઠાવેલો હોય છે ત્યારે તે સંતુલન રાખી બે પગે ચાલે છે. વાનરની આ વર્તણુકને વૈજ્ઞાાનિકો મનુષ્યની પા...પા... પગલી માટેનું પ્રથમ પગથીયું માને છે. પોતાનાં સમુહની વ્યક્તિઓ સાથે ખોરાક લઈ જઈને સમુહ ભોજનનો આનંદ માણવા માગતાં મનુષ્યના પૂર્વજો, વાનરની માફક હાથમાં ખોરાક લઈને ચાલતાં શીખ્યાં હશે.
મનુષ્ય ઉત્કાંન્તિને થોડાક શબ્દોમાં સમજવી હોય તો, શરીર રચના પ્રમાણે મનુષ્યને મળતાં આવતા વાનર સહીતની ''હોમોનીક'' ફેમીલીથી શરૃઆત કરવી પડે. નર-વાનરના આ કુળને 'ગ્રેટ એપ્સ' એટલે કે મહા-વાનર ફેમીલી પણ કહે છે. જેમાં માનવી (હોમો) ઉપરાંત ચિમ્પાન્ઝી, બોનોબોસ (જેનાં વૈજ્ઞાાનિક નામ આગળ ''પાન'' શબ્દ લાગે છે.) અને ઉરાંગ ઉટાંગનો (જેનાં વૈજ્ઞાાનિક નામ આગળ પોંગોશબ્દ લાગે છે) સમાવેશ થાય છે. આ ચારેય પ્રાણીઓનાં પૂર્વજો બે કરોડ વર્ષ પહેલાં એકજ હતાં.
ગીબન વાનરનો વંશ આશરે ૧૮ થી ૨૦ લાખ વર્ષ પહેલાં અલગ થયો હતો. ઉરાંગ ઉટાંગ ૧૨ લાખ વર્ષ પહેલાં નવા પ્રજાતી તરીકે પૃથ્વી પર ઉભરી આવ્યા હતા. ૮ થી ૪ લાખ વર્ષ પહેલાં ગોરીલા, ત્યારબાદ ચિમ્પાન્ઝી અને બોનોબોસ પોતાની સ્વતંત્ર ઓળખ મેળવી ચુક્યા હતા. અને છેલ્લે વાનર ફેમીલીમાંથી મનુષ્ય અલગ પડયા. મનુષ્યના ડિએનએનું ૯૮.૪૦ ટકા જીનેટીક મટીરીઅલ્સ ચિમ્પાન્ઝીને મળતું આવે છે. હવે ઉત્ક્રાંન્તિના સંદર્ભમાં આપણી પાસે જે ફોસીલ રેકોર્ડ છે તેની વાત કરીએ તો...
સૌથી પ્રાચીન વાનરની ખોપરી લેક વિક્ટોરીયા, કેન્યામાંથી મળી હતી જેને વિક્ટોરીયા મેકીનેસી કહે છે. જે ૨૦ લાખ વર્ષ જુની માનવામાં આવે છે. મનુષ્યના નજીકના પ્રાચીન પૂર્વજોની પણ એક ડઝન જેટલી પ્રજાતી છે. જેમાંની હોમો-હેબીલીસ ૨૩ થી ૧૪ લાખ વર્ષ પહેલાં અસ્તિત્વમાં હતી અને તેના અવશેષો મેરી અને લુઈસ લીકીએ આફ્રીકામાંથી શોધ્યા હતા. કેન્યાના રૃડોલ્ફ સરોવર પાસેથી મળેલ અશ્મી એટલે હોમો-રૃડોલ્ફેન્સીસ જેની શોધ બર્નાડ ગેનેઓએ કરી હતી. દક્ષિણ આફ્રીકામાંથી હોમો-એર્ગાસ્ટરનો ફોસીલ મળ્યા પરંતુ તેનાં વર્ગીકરણ બાબતે વૈજ્ઞાાનિકોમાં પણ વિવાદ ચાલે છે. આ બધા મનુષ્યના પૂર્વજો છે જે બે પગે ચાલતા હતા. પરંતુ હોમોનીન ફેમીલીમાંથી બે પગે ચાલવાની શરૃઆત ઓસ્ટ્રેલોપિથેક્સના સમયગાળામાં થઈ હોવાનું માનવામાં આવે છે.
૧૯૭૨માં ફ્રેન્ચ વૈજ્ઞાાનિક મોરીસ ''તૈયેબ'' ને ઈથોપીયાના આફાર ત્રિકોણાકાર હાદર ફોર્મેશન નામની ભૂસ્તરશાસ્ત્રને લગતી વિશિષ્ટ રચના જોવા મળી હતી. તેમને લાગ્યું કે અહીથી પ્રાચીન અશ્મીઓ મળી આવી શકે તેમ છે. અમેરિકન નૃવંશશાસ્ત્રી કોનાલ્ડ જોહાનસન, બ્રિટીશ આર્કાઓલોજીસ્ટ મેરી લીકી અને ટવેશ કોપેનને લઈ હાદાર ફોર્મેશનમાં ખોદકામ કરવાનું ચાલુ કર્યું હતું. મોરીસ તૈયેબ પોતે એક સરાં ભૂસ્તરશાસ્ત્રી હતા. અહીથી એક માદાનાં અવશેષો મળી આવ્યા જેને ''લ્યૂસી'' નામ આપવામાં આવ્યું. તે સમયના બિટલ્સ ગુ્રપનાં જાણીતા ગીત ''લ્યુસી ઈન ધ સ્કાયવીથ ડાયમંડ'' ગીતમાંથી લ્યૂસી નામ આ અવશેષોને આપવામાં આવ્યું. આ ગીત આ વૈજ્ઞાાનિકોનાં કેમ્પમાં ટેપરેકોર્ડર ઉપર ખુબ જ મોટા અવાજે વગાડવામાં આવતું હતું.
વૈજ્ઞાાનિક અંદાજ પ્રમાણે લ્યુસીની ઉંચાઈ ૩ ફુટ સાત ઈંચ અને વજન લગભગ ૩૦ કી.ગ્રામ જેટલું હોવું જોઈએ. તેની રચના ચિમ્પાન્ઝીને મળતી આવતી હતી. તેની ખોપરીમાં મગજનું કદ નાનું હતું. ગુપ્તાંગની આસપાસનાં હાડકા અને પગનાં હાડકા આજના આધુનિક માનવને મળતા આવતા હતા. આ ઉપરથી વૈજ્ઞાાનિકોએ થિયરી આપી હતી કે, ''લ્યુસી'' બે પગે ચાલતી હતી. જો આ વાતને સ્વીકારી લઈએ તો આજથી ૩૦ લાખ વર્ષ પહેલાં મનુષ્યના પૂર્વજો એવાં ઓસ્ટ્રેલોપીથેકસ મનુષ્યની માફક બે પગલે ચાલતાં શીખી ગયા હતા.
વૈજ્ઞાાનિકોએ બે પગે ચાલવાની બાબતે મનુષ્ય અને ચિમ્પાન્ઝી ઉપર ખૂબ જ અભ્યાસ કર્યો છે અને તેમના પગની રચના પણ તપાસી, ચકાસી લીધી છે. જેમાં જે મુખ્ય બાબતો જાણવા મળી છે તે પ્રમાણે ચિમ્પાન્ઝી તેનાં ઘુટણનાં સાંધાને કારણે લાંબા ડગલા ભરી શકતો નથી. શરીરને ટેકવી રાખવા સ્નાયુઓ દ્વારા તેને બળ વાપરવું પડે છે. મનુષ્યની માફક પગનાં આંગળાનાં ભાગમાં વજન મુકીને, એડી ઉચી કરીને ચાલી શકે તેવી ચિમ્પાન્ઝીના પગની રચના નથી. આમ ટેરેસ્ટીઅલ બાયપેડાલીઝમ માટે મનુષ્યના પગની રચના જેવી હાડકાની રચના જરૃરી છે. જ્યારે ચિમ્પાન્ઝીના પગની રચના ઝાડ ઉપર ચઢવા માટે અને જમીન ઉપર સંજોગો અને જરૃરીયાતના સમયે બે પગે ચાલવા માટે આદર્શ ગણાય છે. આ પગની રચનાને, મળી આવતાં મનુષ્યનાં પૂર્વજોના અશ્મીઓનાં પગના હાડકાની સરખામણી કરીને વૈજ્ઞાાનિકો નક્કી કરી શકે છે કે આ પુર્વજો વાનર માફક વૃક્ષો ઉપર વસતા હતાં કે મનુષ્ય માફક જમીન ઉપર ચાલી શકતા હતાં.
ચાર્લ્સ ડાર્વિને પણ મહા-વાનર ગ્રેટ એપ્સ એટલે કે હોમીનીક ફેમિલીમાં ટટ્ટાર ઉભા રહીને ચાલવાની, ભૌતિકવાદી સંસ્કૃતિ, જડબાની બદલાએલી રચના અને અન્ય પ્રાણી કરતાં વધારે બૌધ્ધિક ક્ષમતાની ચર્ચા તેનાં પુસ્તકમાં કરી છે. હોમીનીક ફેમીલીનાં મુખ્ય ખોરાકમાં વનસ્પતિનો જ સમાવેશ થતો હતો. ૧૫ લાખ વર્ષ પહેલાં હોમીનીક વનસ્પતિ અને ફળો ઉપર જીવતો સમુદાય હતો. ત્યાર બાદ તેનાં ખોરાકમાં માંસનો સમાવેશ થયો હતો. આ હિસાબે તેમનાં ટેકનોલોજીકલ ઈનોવેશન અને નવી સામાજીક વર્તણુક માટે વેજીટેરીઅન ખોરાક જવાબદાર હતો. તેણે પોતાનાં સમુદાયની માદાઓ અને બાળકો માટે ''ખોરાક'' લઈ વહેંચીને ખાવાની પ્રથા વિકસાવી હતી. જેનાં કારણે બે પગે ચાલવાની ક્રિયાને ઉત્ક્રાંતિ દરમ્યાન સ્વીકારવામાં આવી અને મનુષ્યના બે પગ ચાલવા માટે યોગ્ય બન્યા. આમ હાથ અને પગની રચનામાં પાયાનો તફાવત પેદા થયો.
એન્થ્રોપોલોજી એટલે કે નૃવંશ શાસ્ત્રમાં પહેલાં મોટો સવાલ કરવામાં આવતો હતો કે ૩૨ લાખ વર્ષ પહેલાં લ્યુસી વાનરની માફક ઝાડ ઉપર રહેતી હતી કે જમીન ઉપર વસવાટ કરતી હતી? આ સવાલનો જવાબ વૈજ્ઞાાનિકોને મળી ગયો છે. છતાં સંશોધકો કહે છે કે યુગાન્ડામાં વસતી, ઝાડ ઉપરથી મધ ઉતારી લાવનાર આદિજાતીની પ્રજાનો અભ્યાસ કરીને આ સવાલનો જવાબ પણ મેળવી શકાય છે. સંશોધકો માને છે કે મનુષ્યની પા... પા... પગલી એ માનવજાત માટે એક પ્રકારનો 'હોલમાર્ક' છે. જે વાનરથી આપણને અલગ પાડે છે, 'હોમીનીક' ફેમીલી માટે ૩૫ લાખ વર્ષ 'સીન' જરા બદલાયો હશે. મનુષ્યએ ઝાડ છોડીને જમીન ઉપર વસવાટ અને નાના બાળક માફક ચાલવાની પ્રેક્ટીસ શરૃ કરી હશે.
તાજેતરમાં પ્રકાશીત થયેલ પ્રોસીડીંગ ઓફ ધ નેશનલ એકેડેમી ઓફ સાયન્સમાં નાથાનીઅલ ડોમીની નામનાં વૈજ્ઞાાનિક નોંધે છે કે ''ઓસ્ટ્રેલોપેથેક્સ આફ્રેન્સીસ'' નાં ઘુંટીનાં હાડકા કઠોર અને અક્કડ હતાં. પગ કમાન આકારનો હતો. આ પ્રકારનાં લક્ષણોને ઝાડ ઉપર ચઢવા માટે અનુકુળ ન હોય તેવી (પ્રતિકૂળ) રચના માનવામાં આવે છે. જેનો એક જ અર્થ થાય કે તે ભૂમી ઉપર ચાલવા માટે (ઉત્ક્રાંતિ દરમ્યાન) વિકસ્યા હતાં. નાથાનીઅલ ડોમીનીએ આ પ્રકારનાં અંતિમ શબ્દો ઉચ્ચારતાં પહેલાં ફિલીપાઈન્સ અને યુગાન્ડામાં આધુનિક મનુષ્યનો અનોખો અભ્યાસ કર્યો છે.
યુગાન્ડાનાં ત્વા આદિવાસી શીકાર અને વન પેદાશ ભેગી કરે છે. જ્યારે ફિલીપાઈન્સ નાંબાકીગા વનવાસી આગનાં શીકાર પ્રવૃત્તિ કરે છે. જ્યારે માનાબો ખેતીવાડીનું કામ કરે છે ત્વા અને આગના જાતીના લોકો મધ એકઠું કરવા ઝાડ ઉપર ચડઉતર કરે છે જે તેમનાં ખોરાકનો પોષણક્ષમ આહાર છે. તેમની ઝાડ ઉપર ચઢવાની ક્રિયા, નાનાં વ્યાસવાળા વૃક્ષો ઉપર માનવી ચાલતો હોય તેવી છે. આ લોકો પગના પંજાનો આગલો ભાગ સીધો જ થડનાં સંપર્કમાં રાખે છે. પછી એક હાથ અને એક પગ આગળ પાછળ કરીને ઝાડ ઉપર ચડે છે. ડોમીનીની ટુકડીએ આ લોકોમાં 'એક્સ્ટ્રીમ ડોટ્સીફ્લેક્સીન' નામની ક્રિયા નિહાળી છે જેમાં પગનો પંજો આગળનાં ભાગમાં ખુબજ વધારે ખુણે વાંકો વળે છે. જે આજનાં ઔદ્યોગીક શહેરોનાં આધુનિક માનવી કરતાં રેન્જમાં ખુબજ વધારે ગણાય. સંશોધકોએ માન્યું કે ''આ લોકોની ઘુંટીનો સાંધો અને પગનાં હાડકાં સામાન્ય છે. પરંતુ તેમની પોચી માંસ પેશીઓ આવી એક્સ્ટ્રીમ ડોરસી ફ્લેક્સીઅન'' માટે જવાબદાર છે.
વૈજ્ઞાાનિકોએ આગના, માનોબો, ત્વા અને બાકીની ચારેય જાતીનાં લોકોની ચાલવાની અને વૃક્ષો પર ચઢવાની પ્રક્રિયાને અલ્ટ્રા સાઉન્ડ ઈમેજીંગ વડે અભ્યાસ કર્યો છે. જેમાં પગ અને પિડીઓનાં સ્નાયુઓની લંબાઈનો પણ સમાવેશ થઈ જાય છે. સંશોધનમાં જાણવા મળ્યું કે ઝાડ ઉપર ચડનારાં આગના અને ત્વાં વનવાસીમાં સ્નાયુઓની લંબાઈ વધારે છે. સંશોધન બતાવે છે કે ત્વા અને આગના પુરૃષોનાં પગનાં સ્નાયુઓનું બંધારણ, તેમનાં ઝાડ ઉપરની ચડવાની પ્રક્રિયા સાથે બદલાયેલ છે જેથી ઘુંટી દ્વારા ખુબજ લચીલાપણું (ડોર્સીફ્લેક્સીઅન) જોવા મળે છે. આ સંશોધનનો સારાંશ એ નીકળે છે કે શિકારી વનવાસી પ્રજા કે લ્યુસી (ઓસ્ટ્રેલોપીથેક્સ)નાં પગનાં હાડકા, સ્નાયુઓ અને ઘુંટીનો સાંધો, જમીન ઉપર ચાલવા માટે ઉત્ક્રાંતિ દરમ્યાન સારો ફેરફાર પામીને કુદરત દ્વારા સ્વીકારાયો હોવા છતાં, આ પ્રજાતીને ઝાડ ઉપર ચડવા ઉતરવામાં કોઈ મુશ્કેલી ઉભી થતી હોય એવું લાગતું નથી. આ હિસાબે આજનાં આધુનિક માનવીની શરીર રચનાને પણ આપણાં પુર્વજોની ટેવોને સમજવામાં ઉપયોગમાં લઈ શકાય તેમ છે.
આ સંદર્ભમાં વૈજ્ઞાાનિકોએ આફ્રીકામાંથી મળી આવેલ ફોસીલ્સ ''ઓસ્ટ્રેલોપીથેક્સ આફ્રેન્સીસ' એટલે કે લ્યુસીનો અભ્યાસ પણ કર્યો છે. અહીં ભૂમિ ઉપર પડેલ તેનો પગલાંની છાપનું ૩ઘ ઈમેજીંગ કરેલ છે. આજનાં માનવીનાં સંદર્ભમાં 'લ્યુસી' ઠીંગણી હતી અને ઉંમર માત્ર ૨૦ વર્ષની આસપાસ હોવી જોઈએ. આજનાં માનવીનાં આઠ દસ વર્ષનાં બાળકનાં શરીરને મળતી આવે તેવી શરીર રચના છે. તેને ડહાપણની દાઢ ઉગેલી છે પરંતુ તેને ઘસારો પડેલ નથી. તેના પગ ટુંકા અને બાહુઓ લાંબા હતાં. સ્નાયુઓ મજબુત હતાં. ઝાડ ઉપર વસનારી લ્યુસીને જમીન વસવાટ માટે અનુકુલન સ્થાપવું પડયું હતું. પર્યાવરણમાં ફેરફારો થતાં આફ્રિકાનાં જંગલો, સવાનાનાં ઘાસનાં પ્રદેશો જેવાં ફેરવાઈ ગયા હશે. જેમાં લ્યુસીને ચાલવાનું અને ખોરાક મેળવવાનું સહેલું બની ચુક્યું હશે. લ્યુસીનાં સાથળ અને ગુપ્તાંગની આસપાસનાં હાડકાનો વિકાસ આજનાં માનવી જેવો છે. જે બે પગે ઉભા રહીને ચાલી શકે તેવી રચના ધરાવે છે. પરંતુ બાળકનો જન્મ આપતી વખતે મુશ્કેલી પડે તેવો છે. આ રચનાની સામે ચિમ્પાન્ઝીનું બંધારણ સરળ છે. તેમનાં બચ્ચાનાં માથાનું કદ નાનું હોય છે અને જન્મ માર્ગમાંથી આસાનીથી પસાર થઈ જાય છે. મનુષ્ય માદાની માફક ચિમ્પાન્ઝી માદાને વધારે જોર કરવું પડતું નથી. લ્યુસીનાં સમયગાળામાં શારીરિક નકશો બદલાયો હતો. જેની કિંમત માદાએ ઉત્ક્રાંતિ દરમ્યાન ચુકવવી પડી છે. આગળનાં પૂર્વજો કરતાં લ્યુસીનો બસ્તીપ્રદેશ (પેલ્વીસ) અને જન્મ માર્ગ (બર્થ કેનાલ) અલગ છે. લ્યુસી જેવાં આપણા પુર્વજોએ ટેરીસ્ટ્રીઅલ બાયપેડિઝમ અપનાવતાં, શરીર રચનાં આસાનીથી ચાલી શકાય તેવી બની ગઈ પરંતુ, માદા માટે બાળક જન્મ કરાવવો થોડો મુશ્કેલ બની ગયો. આ ઉત્ક્રાંતિની મનુષ્યને મળેલ ભેટ છે.
નારીને જન્મ અપાવતા તબીબોએ જોયું છે કે બાળકનું માથું અને ખભાનો ભાગ બર્થ કેનાલમાં કેવો 'ફીટોફીટ' થયેલો હોય છે. અને બાળકનો જન્મ સામાન્ય ડિલીવરીથી કરાવવામાં કેવી તકલીફો આવે છે. મનુષ્યની ચાલવાની ક્રિયાનાં સંદર્ભમાં હોમો-ઈરેક્ટ્સ અને હોમો-નિએન્ડરથાલ વિશે પણ સંશોધન થયેલ છે. જગ્યાનાં અભાવે તેની ચર્ચા કરી નથી. મનુષ્યની પાપા પગલીએ વૈજ્ઞાાનિકોને જ્ઞાાનનો ખજાનો આપ્યો છે. તમારું બાળક પા પા પગલી ભરે ત્યારે લ્સુસીને યાદ કરજો.

Sunday 13 January 2013

૨૦૧૩ઃ એક્સ ફેકટર-પૃથ્વીનું નવું વર્ષ કેવું જશે ? વૈજ્ઞાનિક વર્તારો...

ફ્‌યુચર સાયન્સ - કે.આર ચૌધરી


- સાયન્સ અને ટેકનોલોજી ભલે ગમે ત્યાં પહોચી જાય. નૃવંશ શાસ્ત્રીઓ, એન્થ્રોપોલોજીસ્ટ તો માનવ વંશનો મુળીયા શોધવામાં વ્યસ્ત રહેશે. માનવ ઇતિહાસ ભલે આફ્રિકાથી શરૃ થયો હોય, એશિયામાં તેમનો આગમન અને નવાં માનવ વંશનો વિકાસ એ સંશોધનનું કેન્દ્ર બિંદુ રહેશે.

 ૨૦૧૨, એઝ યુઝવલ વિદાય થઇ ગયું. ગુડબાય ૨૦૧૨ પણ કહ્યું અને બીજા દિવસે હેપી ન્યુ યર પણ કર્યુ. જ્યોતિષના વર્તારાઓ એ લોકોનું નવા વર્ષનું ભવિષ્ય પણ ભાખી નાખ્યું અને હવે. આવનારા ભવિષ્યકાળ નાં ''એક્સ ફેક્ટર'' ૨૦૧૩ ને સાયનટીફીકલી કેવો 'શેપ'આપશે. લાર્જ હેડ્રોન કોલાપારમાં બે અજનબી નવા કણો મળી આવ્યા છે. ભવિષ્યના ગર્ભમાં ઘણુ બધુ છુપાએલું છે. છતાં કેટલીક હકીકતો અને શક્યતાઓ ૨૦૧૩ને વૈજ્ઞાાનિક પરીપેક્ષમાં ઉપર નવું માઇલ સ્ટોન હશે. નાના મોટા સ્ટોપેજ હશે. અને સ્કેલ ઉપર તેની નોંધ પણ ન લેવાય એવો ટચુકડો કાલ ખેડ અદ્રશ્ય થઇ જશે. ટેલીસ્કોપ માંથી જોતા સમયનું એક ટપકું માઇસ્ક્રોસ્કોપ નીચે ૩૬૫ દિવસનો પૃથ્વીનો પરીભ્રમણ કાળ બની જશે. ૨૦૧૩માં શું થઇ શકે તેમ છે. આ અજાણ્યા ''એક્સ ફેક્ટર''નું એક્સ વાય જેડ કંઇક આવુ હશે.
પહેલા પૃથ્વીના પર્યાવરણની ચીંન્તા કરનારા માટે એક ખબર. આ વર્ષે ગ્લોબલ વાર્મીંગ કરતા ધુ્રવ પ્રદેશો નાં બરફનાં ગલન બિંદુ વૈજ્ઞાાનિકોને વધારે નજર રાખવી પડશે. આ ''ગ્લોબલ વોર્મિંગ'' સમસ્યા બનશે. ૨૦૧૨માં આર્કટીક પ્રદેશનો બરફ પીગળવો મોટી ઘટના જરૃર હતી. પરંતુ, બરફના આ રન અવે કોલેપ્સનું સ્ટાર્ટ પોઇન્ટ ૨૦૧૩ બનશે. ગ્લોબલ વાર્મીંગમાં વાર્ષીક બે ડીગ્રી નો વધારો અનસ્ટોપેબલ છે. ઇન્ટર ગર્વમેન્ટલ પેનલ એન્ડ ક્લાયમેટ ચેન્જ (IPCC) એ સેટેલાઇટ ઇમેજ ઉપર વધારે ધ્યાન આપવું પડશે. ૨૦૧૨નું સંશોધન કહે છે ક ઉત્તર ધુ્રવ પ્રદેશનું હુફાળા બનવાની ઘટના યુરોપ, રશિયા, અમેરીકા અને વિશ્વના અન્ય દેશો માટે ખરાબ હવામાન અને આબોહવામાં અણધાર્યા બદલાવ લાવશે. 'અલ નિનો વાર્મીંગ 'અને 'સોલાર મેક્સીમમી' નો પ્રકોપ ૨૦૧૩માં ઉતરી શકશે.
લોકોનાં વૈશ્વીક આરોગ્ય ક્ષેત્રે અવનવા સંશોધનો નાં પરિણામો હવે ચાખવા મળશે. વ્યક્તિગત ધોરણે તેનો લાભ મળવાનું શરૃ થશે. ટુંકમાં ''હેલ્થ'' માટે ૨૦૧૩નું વર્ષ સારું જશે. ૨૦૦૬માં જાપાની વૈજ્ઞાાનિક શિન્યા યામાનાકાએ ચામડીનાં કોષોને રીવર્સ ગીઅરમાં દોડાવીને ભુ્રણ વિકાસ તબક્કે પેદા થતાં, કોરી પાટી જેવા એમ્બ્રીયોનેક સ્ટેમ સેલમાં રૃપાંતર કરી બતાવ્યા હતા. જેને તેમણે 'ઇન્ડયુસ્ડ પ્લુરી પોટેન્ટ સ્ટેમ સેલ'નામ આપ્યું હતું. ટૂંકમાં જે IPSC તરીકે ઓળખાય છે. આ કોષો માનવ શરીર માં વિવિધ ગ્રોથ ફેક્ટરની અસર નીચે તેઓ શરીરનાં કોઇપણ પ્રકારનાં કોષોમાં ફેરવી શકાય તેમ છે. બધુ ધાર્યા પ્રમાણે ચાલશે. એમ માનીએ તો, ૨૦૧૩માં આ રિવાઉન્ડ સેલની મનુષ્ય ઉપર ટ્રાયલ કરવામાં આવશે. માર્લબોરો અને માસેરયુસેટની એડવાન્સ સેલ ટેકનોલોજી કેન્સર અને લોહી સંબધી રોગોમાં તેનો સારવાર તરીકે ઉપયોગ થશે.કેન્સરની સારવાર લેનારાઓને બ્લડ પ્લેટલેટ્સ નુકસાન પામેલ કોષોને રીપેર કરવામાં અને અનિયંત્રીત બ્લીડીંગ વખતે કામ લાગે છે. આ રક્ત કણોમાં કોષ કેન્દ્ર હોતું નથી. જેનાં કારણે કેન્સરમાં પેદા થતી વિકૃત ગાંઠ પેદા થતી નથી. આ કારણે IPSC ક્લીનીકલ ટ્રાયલ માટે ''આદર્શ'' કોષો સાબીત થશે. જો આ કામમાં સફળતા મળશે તો, કેન્સરથી પીડાતા લોકોનાં ચામડીના કોષોને રીચર્સ એન્જીનિયરીંગ વડ IPSC બતાવવામાં આવશે અને આ IPSC ને બ્લ પ્લેટલેટમાં ફેરવી નાંખવામાં આવશે. મનુષ્ય માટે વરદાન સાબીત થાય તેવી IPSC ટેકનીક શોધવા બદલ શિન્યા યામાનાકાને ૨૦૧૨નાં અંત ભાગમાં નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું હતું. નવી સ્ટેમ સેલ ટેકનોલોજી ૨૦૧૩માં આશાવાદી અભીગમ અપનાવવા માટે મનુષ્યને મજબુર કરશે.
ખગોળ રશિયાઓ માટે આ વર્ષ આનંદ દાયક બની રહેશે. c/2012 S1 તરીકે ઓળખાતો ધુમકેતુ ''આઇસોન'' પૃથ્વીના આકાશની સુંદરતામાં વધારો કરવા આવી પહોચ્યો છે. ગયા સપ્ટેમ્બર મહીના માં નવો શોધાયેલ આ ધુકમેતુ નવેમ્બર મહીનામાં સુર્યની સૌથી નજીક પહોચી જશે. કહેવાય છે તેવી તેજસ્વીતા તે સમયે. આ ઉપરાંત આ વર્ષ આપણી આકાશ ગંગામાં અલગ પ્રકારની આતશબાજી જોવા મળશે. આકાશ ગંગાનો કેન્દ્રમાં ખુબ જ વિશાળકાય ''સુપર મેસીવ'' બ્લેક હોલ આવેલો છે. પૃથ્વીના દળ કરતા ત્રણ ગણુ વધારે દ્રવ્ય ધરાવનારા ગેસ ક્લાઉડ આ બ્લેક હોલ તરફ ખેચાઇ રહ્યા છે. બ્લેક હોલ સાથેની ટકરામણ નરી આંખે દેખાશે નહી પરંતુ, પૃથ્વી ઉપર આવેલ એક્સ-રે વિશિષ્ટ પ્રકારનું રેડિયેશન પકડી પાડશે. બ્લેકહોલની બાહ્ય સપાટી પરનાં ગરમ વાદળો સાથે આ ''ગેસ ક્લાઉડ'' ટકરાશે ત્યારે રેડિયેશન રૃપે આતશબાજી થશે.
બ્લેક હોલ સેજીટેરીઅસ એ (ગુજરાતીમાં ધર્તુધારી) તરીકે ઓળખાય છે. પૃથ્વીથી ૨૫ હજાર પ્રકાશ વર્ષ તે દુર છે. આજથી ત્રણસો વર્ષ પહેલા આ બ્લેકહોલ જરા વધારે પ્રકાશીત હતો. (રેડીયેશનનાં સદર્ભમાં, પ્રકાશના સંદર્ભમાં નહી!) તેની રેડીયેશન તેજસ્વીતા ત્રણસો વર્ષ પહેલા વધારે શા માટે હતી તેની માહિતી આ ટકરામણ ઉપરથી મળી શકશે. ખગોળશાસ્ત્રની વાત નિકળી છે તો નવા વર્ષ માટેની 'મંગળ' વાત પણ કરી લઇએ.
ક્યુરીઓસીટી ને મંગળ ગ્રહ ઉપર ઉતારવાતાં મીઠાફળ હવે નાસાને ચાખવા મળશે. ક્યુરીઓસીટી જે જગ્યાએ ઉતર્યુ છે. તે ગેલ ક્રેટર પહેલા એક વિશાળ સરોવર હોવાતું વૈજ્ઞાાનિક અનુમાન છે. સપ્ટેમ્બર મહીનામાં આ રોવર એઓલીસ મોન્સ નામની જગ્યાએ પહોચશે. જેને માઉન્ટ શાર્પ કહે છે. અહીનો વિસ્તાર વિવિધ જમાવ (ડિપોઝીશન) વડે બનેલ છે. ભુતકાળમાં મંગળ ઉપર સુક્ષ્મ જીવોની હાજરી હતી કે નહી એ વાતનો ફેસલો અહી થાય તેમ છે. માઉન્ટ શાર્પ લગભગ પાંચ કી.મી જેટલો ઉંચો છે. મગંળની ભ્રમણ કક્ષા માંથી માહીતિ મળી છે. એ મુજબ માઉન્ટ શાર્પ નાં વિવિધ થર (લેયર) પાણીની હાજરીમાં બન્યા લાગે છે. આ હિસાબે અહીનાં જામેલા થરમાં ઓર્ગેનિક એટલે કે ''કાર્બનિક'' જમાવ મળી શકે છે જે મંગળ પરનાં સુક્ષ્મ સજીવોની નિશાની હોઇ શકે. જો અહી માઇક્રો- ઓર્ગેનિઝમનાં ઓળખ ચિન્હો જેવાં ઓર્ગેનિક કેમીકલ ન મળે તો નિરાશ થવાની જરૃર નથી. મંગળનાં ભુતકાળમાં અહી કેવા પ્રકારનાં ખનીજ તત્વો હતા અને તેમનાં વચ્ચે કેવી કેમિકલ પ્રોસેસ થઇ હતી તેની માહીતી અવશ્ય મળશે જ. ટુંકમાં ''મંગળ''ની આ દશા પૃથ્વીવાસીઓ ને કષ્ટદાયક નિવડશે નહી?
કોમ્પ્યુટર રસીયાઓ બડાશમાં કહી શકશે કે એક સમય એવો હતો કે અમે 'માઉસ' વાપરતાં હતા. ૨૦૧૩માં કોમ્પ્યુટરમાં વપરાતાં માઉસની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે. માઇક્રોસોફટની નવી ટેકનોલોજી આવી રહી છે. જેને 'લીપ મોશન' કહે છે. તમારા હાથ અને આંગળાની મુવમેન્ટ ને સમજી શકે તેવું નાનું 3D ટ્રેકીંગ ડિવાઇસ એટલે જ ''લીપ મોશન'' આંગળી ઉપર રાખેલ ટચુકડા LED હાથનાં હલનચલન તો માહીતી લીપ મોશન ને આપશે. કંપનીના દાવા પ્રમાણે હાલની 'મોશન' એટલે કે 'ગતી' માપક મોશન ડિટેકટર ટેકનોલોજી કરતાં, લીપ મોશન ની 'સચોટતા' ૨૦૦ ગણી વધારે છે. છેલ્લા ત્રીસ વર્ષથી માનવી માઉસ ઉપર ક્લીક કરતો આવ્યો છે હવે,
ત્રીસ ડોલરમાં લીપ મોશન મળશે જે તમારાં કોમ્પ્યુટરના સ્ક્રીન આગળ ૩ ઇન્ટરકેશન માટેની ''સ્પેસ'' તૈયાર કરશે. તમે આંખમાં નહી આંગળીના ઇશારે કોમ્પ્યુટર અને ઇન્ટરનેટનાં એપ્લીકેશન ને નચાવી શકશો. લીપ મોશન નું પ્રિ-રીલીઝ વર્ઝન ક્રાન્તિકારી લાગી રહ્યું છે. તેની સફળતા આવનારાં વર્ષોમાં 'માઉસ'માટે મૃત્યુ ઘંટ સાબિત થશે. ધીરે ધીરે તેની સંખ્યા ઘટતી જશે. અને નામશેષ થઇ જશે? આજે ફલોપી ડિસ્કેને કોણ યાદ કરે છે? તમારા નવી જનરેશનનાં બાળકો પૂછી પણ શકે.. કે ડેડી આ માઉસ અને ફ્લોપી ડ્રાઇવ શું હતા?
કોમ્પ્યુટરની વાત નિકળી છે તો, વિશ્વના નાણાંનો મોટો દાવ ''ફ્યુચર-આઇસીટી''પર લાગેલ છે. 'ફ્યુચર આઇસીટી'એ આપણાં વિશ્વનું વાસ્તવિક ''સીમ-સીટી'' જેવું વર્ઝન છે. સાયન્સનાં એક્સ ફેક્ટર ગણાય તેવા છે. શોર્ટ લીસ્ટ થયેલ પ્રોજેક્ટની સંખ્યા ''૬''છે. સફળ થનાર ને એક અબજ ''યુરો'' ઇનામ માં મળશે. કુલ ૨૧ આઇડીયા માંથી ૬ આઇડીયા 'ફાયનલીસ્ટ' છે. જેમાં માનવીનાં મગજ ને સુપર કોમ્પ્યુટર વાપરીને ઉત્તેજીત અને ઉપયોગી કરવાનો છે. બીજો આઇડીયા હાલનાં સીલીકોન મટીરીઅલને છોડી ને ઇલેક્ટ્રોનીક્સ નો નવો 'અવતાર' પેદા કરવાનો છે. જે કાર્બનનાં નવતર સ્વરૃપ ''ગ્રેફીન'' આધારીત હોય.
ફ્યુચર આઇસીટી વડે વ્યક્તિગત, કંપનીના અને દેશો વચ્ચેનાં સંબંધો રીઅલ-ટાઇમ ઇન્ફેરમેશન દ્વારા જળવાશે. પૃથ્વીનાં 'ક્લાયમેન્ટ ચેન્જ' જેવાં ગ્લોબલ ઇસ્યુ ને ફ્યુચર આઇસીટી વડે સોલ્વ કરી શકાશે. પૃથ્વીની આખી માનવ સભ્યતા (સીવીલાઇઝેશન) એક સોસીયલ નેટવર્કીંગ માફક ઇલેક્ટ્રોનીક્સ નાં તાંતણે બંધાયેલી રહેશે. ૨૦૧૩માં એક્સ ફેક્ટર જેવી અવનવી શોધો ને વિકસવા માટે પુરેપુરી તક મળે તેમ છે.
નવા વર્ષમાં ફક્ત 'પૃથ્વી'ની વાત કરીએ તે ઠીક ન ગણાય. બ્રહ્માંડ ની ઓળખ મેળવવા માટે પણ નવાં પ્રયત્નો કરવાં જોઇએ, યુરોપીઅન એજન્સીના પ્લાંન્ક સેટેલાઇટ ૨૦૧૩માં બ્રહ્માંડ નવો નકશો આપશે. બીંગ બેગ પછી શું બન્યું હતું. તેની માહીતી પ્લાંન્ક સેટેલાઇટ પુરી પાડશે. શરૃઆતનું બ્રહ્માંડ ઓળખ વીહિન ગરમ પ્લાઝમાં સુપ જેવું હતું. છેવટે આજના જેવું વિવિધ ગેલેક્ષીનું ઝુમખું બની ગયું છે. બ્રહ્માંડ સર્જન બાદ પ્રથમવાર પ્રકાશનો ચમકારો (રીપીટ ફરી વાર લાઇટ નહી પરંતુ રેડીયેશનનાં સંદર્ભમાં, બિગ બેગ બાદ ત્રણ લાખ વર્ષે થયો હતો. જેને કોસ્મીક માઇક્રોવેવ બેકગ્રાઉન્ડ રેડિયેશન કરે છે. જે બતાવે છે કે બધી જ દીશાઓ માંથી બ્રહ્માંડ એક સરખું લાગે છે.
બ્રહ્માંડ સર્જન સમયે હવાનો ફુગાવો ઇન્ફલેશન શા માટે થયું એ યક્ષ પ્રશ્ન છે. સ્ટીફન હોકીંગ કહે છે કે ભૌતિક શાસ્ત્રીઓની કેરીયરમાં ''ઇન્ફલેશન'' એ ખુબ જ ઉત્તેજક શબ્દ રહ્યો છે. નાસાનાં ૨૦૦૧માં અંતરીક્ષ ગયેલ પ્રોબ વિલ્કીન્સન માઇક્રોવેવ એનીશોદોપી પ્રોબ (WMAP) નો ડેટા બતાવે છે કે સ્પેસ ટાઇમમાં થયેલ કર્વાન્ટમ ફલ્કચ્યુએશન, એ બ્રહ્માંડનાં ત્વરીત ફુગાવા માટે કી-ફેક્ટર જેવું છે. WMAP દ્વારા CMB ની પેટર્નમાં અવનવા વણાંકો જોયા છે. કોસ્મોલોજીસ્ટ હવે પ્લાન્ક સેટેલાઇટની હાઇ-રીઝોલ્યુશન ઇમેજ ની રાહ જોઇ રહ્યા છે.
પ્લાંન્ક સેટેલાઇટ આપણી હાલની માહીતીને જીણું જીણું કાંતીને રજુ કરશે. ડાર્ક એલર્જી, ડાર્ક મેટર અને સામાન્ય દ્રશ્યમાન મેટરનાં આંકડાઓમાં વધારે ''એકપુરસી'' આવશે. સ્પેસ ટાઇમમાં પથરો નાંખતા પેદા થતાં વમળો એટલે ગુરૃત્વાકર્ષીય તરંગો જેનાં કારણે ગુરૃત્વાકર્ષણ બળ પેદા થાય છે. જો આવા તરંગો વાસ્તવિકતા ધરાવતા હશે તો, તેની સીધી જ નિશાની પ્લાંન્ક સેટેલાઇટ આ વર્ષે આપણને પુરી પાડશે.
3D ગેમનાં ચાહકો માટે ખુશખબર છે. અલ્ટ્રા HD ગેમ કોન્સોલ આવી રહ્યા છે જેનુ રીઝોલ્યુશન 1008P કરતાં ચાર ગણું વધારે છે. માઇક્રોસોફ્ટનાં એક્સ બોક્સ ૩૬૦ અને સોનીનાં પ્લે-સ્ટેશન- ૩માં કંટ્રોલ પેડસમાં ટચ સ્ક્રીન આવી રહ્યો છે. ગેમીંગનાં કન્સેન્ટમાં ડબલ સ્ક્રીન નો આઇડીયા પણ અજમાવાશે. વિડીયો ગેેમમાં માત્ર પિક્સેલની સંખ્યા વધારવાથી મજામાં વધારો થવાનો નથી. માઇસ્ક્રોસોફ્ટે લીવીંગ રૃમની દીવાલો ઉપર ઓગમેન્ટેડ 3D ઇમેજને પ્રોજેકટ કરવા માટે ''પેટન્ટન્ટ'' ફાઇલ કરી છે. ગેમ હવે ટી.વી અને કોન્સોલની બહાર આવી ને તમારા ડ્રોઇંગ રૃમમાં પહોચી જશે.
સાયન્સ અને ટેકનોલોજી ભલે ગમે ત્યાં પહોચી જાય. તૃવંશ શાસ્ત્રીઓ, એન્થ્રોપોલોજીસ્ટ તો માનવ વંશ નો મુળીયા શોધવામાં વ્યસ્ત રહેશે. માનવ ઇતિહાસ ભલે આફ્રિકાથી શરૃ થયો હોય, એશિયામાં તેમનો આગમન અને નવાં માનવ વંશ નો વિકાસ એ સંશોધન નું કેન્દ્ર બિંદુ રહેશે. ચીનમાં કેટલાંક ભાગમાં પ્રાચીન રેડ ડિપર કેવ પીપલ નો વસવાટ હતો. આ હોમોનીલ પ્રજાતી છેલ્લા પંદર હજાર વર્ષ પહેલાં પોતાના અસ્તિત્વનો લોપ કરી ચુકી છે. ડેની સોવીયન પ્રજાતી વિશે પણ જાણવાનું છે. વિવિધ માનવ પ્રજાતીઓના DNA ઉપરથી વંશવૃક્ષ ઉભુ કરીને, વિશ્વનાં ખુણે ખુણે તેમનો વસવાટ અને સ્થળાંતર સમજવા જેવું છે.
બ્રહ્માંડ, પૃથ્વી અને છેવટે મનુષ્યનાં પોતાના મુળીયા સુધી જવાનો પ્રયત્ન ૨૦૧૩નાં નવા સાયન્ટીફીક સાહસ હશે. ગયા વર્ષ હિગ્સ બોસોનની શોધ આપનાર સનનું લાર્જ હેડ્રોન કોલાયડર ફેબુ્રઆરી ૨૦૧૩ પછી અપગ્રેડેશન માટે શટ ડાઉન થઇ જશે. બંધ થતાં પહેલા કર્વાર્ક ગ્લુઓન પ્લાસ્મા વિશે વૈજ્ઞાાનિકો વધારે જાણી શકશે. પ્રોટોન અને લીડ એટલે કે શીસાનાં આયનો તે LHCમાં ટકરાવવામાં આવશે. આ કણ પ્રવેગક માં વૈજ્ઞાાનિકો પદાર્થની એક નવી અવશ્થાનાં દર્શન કરી શક્યા છે. જેને ''કલર ગ્લાસ કન્ડેનસેટ'' કહે છે. ૨૦૧૪નાં અંત ભાગ સુધી લાર્જ હેડ્રોન કોલાપડર બંધ રહેશે.
નવા વર્ષની શરૃઆત માં જ એનીઝ પર્વતમાળા ઉપર આવેલ ''આલ્મા''રેડીયો ટેલીસ્કોપ દ્વારા એક નવા ગ્રહની રચના થઇ રહી હોય તેવી તસ્વીર ખેચી છે. HD 142527 નામનાં તારાની આજુબાજુ આપણાં ગુરૃનાં ગ્રહ જેવો વાયુનાં ગોળા જેવો ગ્રહ રચના પામી રહ્યો છે, ચિત્ર દર્શાવે છે કે અહી એક નહી બે નવા ગ્રહની રચના થઇ રહી છે. ટુંકમાં નવા વર્ષનાં શુકન અને શરૃઆત સારી છે. બાકી સાયન્ટીફીકલી સ્પીકાંગ ૨૦૧૩ કેવું જશે?

Monday 7 January 2013

જ્યારે એક યહુદી હિટલરના 'જર્મની'ને પોતાનો કીમતી પ્રાચીન ખજાનો સોંપે છે

ઈજીપ્તના ઇતિહાસનું રહસ્યરંગી પાત્ર- રાણી નેફરતીતી..

ફ્‌યુચર સાયન્સ - કે.આર ચૌધરી

- ઈજીપ્તનાં ઇતિહાસ વિશે ઓછું જાણનાર માણસનાં કાને પણ બે નામ અવશ્ય પડયાં હોય છે. એક સૌંદર્ય સામ્રાજ્ઞાી નેફરતીતી અને બીજો ફારોહ તુતેન-ખામોન.

'અને અચાનક અમારા હાથમાં ઈજીપ્તનાં પ્રાચીન આર્ટ વર્કનો જીવંત નમુનો હતો. તમે તેને શબ્દોમાં વ્યક્ત કરી ન શકો. તમારે તેને નિહાળવું જ રહ્યું.' આ શબ્દો લુડવીગ બોખાર્ત નામનાં જર્મન પુરાતત્વવિદે તેને જગપ્રસિદ્ધ શોધ કર્યા પછી તેની ડાયરીમાં નોંધ્યાં હતાં. તેની જગપ્રસિદ્ધ શોધ હતી ચુનાનાં પથ્થરમાંથી કોતરી કાઢેલ ઈજીપ્તની રાણીનું ખભાથી ચહેરાનાં ભાગનું 'બસ્ટ.' ઈજીપ્તના ઇતિહાસમાં તે 'મોનાલીસા' માફક પ્રખ્યાત છે. ઈજીપ્તનાં પ્રાચીન નમુનાઓમાંથી આ રાણીનાં શીર્ષશિલ્પની સૌથી વધારે નકલ થયેલી છે.
૬ ડિસેમ્બર ૧૯૧૨નાં રોજ આ શોધની એક સદી પુરી થઇ છે. તેનાં ઇતિહાસ ઉપર વિશ્વ યુદ્ધ બાદ જર્મન પ્રજાએ પડદો પાડી દીધો હતો. અન્ય હકીકત હવે દુનિયાની સામે આવી રહી છે. ઈજીપ્તનાં પ્રાચીન ખજાનાની પ્રસિદ્ધિ પામેલ રાણી એટલે 'નેફરતીતી'. ઈજીપ્તનાં ઇતિહાસ વિશે ઓછું જાણનાર માણસનાં કાને પણ બે નામ અવશ્ય પડયાં હોય છે. એક સૌંદર્ય સામ્રાજ્ઞાી નેફરતીતી અને બીજો ફારોહ તુતેન-ખામોન. નેફરતીતીનાં નામનો અર્થ થાય સૌંદર્યની શ્રેષ્ઠતાનું આગમન.
નેફરતીતી ઈજીપ્તનાં અઠારમાં વંશનાં ફારોહ અખ્તાતેનની પટરાણી હતી. તેનાં રોયલ વંશ કે જન્મ વિશે ઇતિહાસ ચુપ છે. ઇતિહાસકારોની દલીલ મુજબ નેફરતીતી રજવાડી ખાનદાનનું ફરજંદ હતી અથવા... પરદેશી રાજકુમારી હતી અથવા... સરકારનાં ઉચ્ચ અધિકારીની પુત્રી હતી. તેનાં પિતાનું નામ હતું 'આય', જે ફારોહ તુતેન ખામોનનાં અવસાન બાદ ઈજીપ્તનો ફારોહ બન્યો હતો. નેફરતીતીએ પણ ટૂંકા ગાળા માટે રાજવહીવટ ચલાવ્યો હતો. તેણે છ રાજકુમારીને જન્મ આપ્યો હતો અને તેમાંની એક 'આંખેએનપાતેન' નેફરતીતીનાં જ સાવકા પુત્ર અને પ્રખ્યાત તુતેન-ખામોનને પરણી હતી. ફારોહ અખ્તાતેનનું શાસન ચાલુ થયા બાદ લગભગ બારમા વર્ષ બાદ, ઈજીપ્તનાં ઇતિહાસમાંથી 'નેફરતીતી'નું નામ ગાયબ થઈ જાય છે. કારણ... એક રહસ્ય જેવું છે.
નેફરતીતીએ નવું નામ ધારણ કર્યું હતું કે તેનું અવસાન થયું હતું? એક મત એવો પણ પ્રવર્તે છે કે નેફરતીતીની હત્યા થઈ હતી. ઇજીપ્તનાં ઇતિહાસમાં મૃત્યુ બાદ નેફરતીતી એક 'રહસ્ય' બની ગઈ છે.ચુનાનાં પત્થરમાંથી કોતરેલ તેનું માથાથી ખભા સુધીનું પત્થરનું બાવલું મળ્યું છે. પરંતુ તેનું દફનાવેલ 'મમી' મળ્યું નથી. અથવા તેનું 'મમી' મળ્યું હોય તો તેની ઓળખ પ્રસ્થાપિત થઈ શકી નથી.
૨૦૧૦માં બે અલગ અલગ 'મમી' નેફરતીતીનાં હોવાનું ચચાર્યું હતું. વૈજ્ઞાાનિકોએ તેને 'ડિએનએ ટેસ્ટ' વડે ચકાસી જોયું હતું. રિપોર્ટ નેગેટીવ અવ્યો હતો. મતલબ કે બે માંથી એક પણ 'મમી' નેફરતીતીનું ન હતું. જુન ૨૦૦૩માં આર્કિયોલોજીસ્ટ જોઆન ફલેચરે જાહેરાત કરી હતી કે વેલી ઓફ કીંગ તરીકે જાણીતા સ્થળેથી, KV35 નામનાં ખંડમાંથી મળેલ 'ધ યંગર લેડી'નું મમી જ નેફરતીતીનું મમી છે. ડિસ્કવરી ચેનલે 'નેફરતીતી'નાં મમીને શોધવાનું અને ઓળખવાનું અભિયાન આ આર્કિયોલોજીસ્ટ 'જોઆન ફલેચર'ને સોપ્યું હતું. કેન્ટ વિકસ અને પિટર લોકાવારા સહીતનાં અનેક ઈજીપ્તોલોજીસ્ટ, ફલેચરનાં દાવાનુ ખંડન કરતાં કહે છે કે 'ડિએનએ' ટેસ્ટ સીવાય વ્યક્તિની ઓળખ પ્રસ્થાપિત કરવી અશકય છે. આમ આજદીન સુધી નેફરતીતીનાં મમી વિશે એક રહસ્યમય પડદો પડેલ છે. નેફરતીતીનું ચૂનાનું કોતરેલ ચહેરાનું શિલ્પ મળી આવ્યું છે.તેનું સીટી સ્કેન કરી, આ ચહેરાને મળી આવેલ સ્ત્રી મમીનાં ચહેરાઓ સાથે પણ સરખાવવામાં આવ્યા છે. વૈજ્ઞાાનિકોને ચહેરાનાં આધારે મમીની ઓળખ કરવામાં પણ નિષ્ફળતા મળી છે. સીટી સ્કેનમાં રિપોર્ટ, જર્નલ ઓફ રેડિયોલોજીમાં પ્રકાશીત થઈ ચૂક્યાં છે.
'ધ યંગર લેડી'નાં મમીને નેફરતીતીનું મમી ગણવાની વાત પણ નિષ્ણાંતોએ ફગાવી દીધી છે. કારણ કે તેનાં સીટી સ્કેનનાં રીપોર્ટ તુતેન ખામોનની બાયોલોજીકલ મધર, ઈમ્હેનોતોપ અને રાણી 'તીય'ની પુત્રીને મળતાં આવે છે. આમ નેફરતીતીનો દાવો રદ થાય છે. ૨૦૦૧માં 'ધ એલ્ડર લેડી'નાં મમીનો વિવાદ ચગ્યો હતો. આ મમી નેફરતીતીનું માનવામાં આવતું હતું. પરંતુ ડિએનએ ટેસ્ટ બાદ માલુમ પડયું કે આ મમી રાણી  તીયનું છે. આમ વૈજ્ઞાાનિક પરીક્ષણમાં ધ એલ્ડર લેડીનું મમી 'રાણી 'તીય'' અને ધ યંગર લેડીનું મમી રાણી 'તીય'ની પુત્રીનું હોવાનું સાબીત થયું છે. ઇતિહાસમાં કલીપોપેત્રા બાદ, નેફરતીતી પ્રાચીન ઈજીપ્તનાં પ્રશ્ચિમીજગતની કલ્પનામાં એક 'આયકન' બની ચુકી છે. જેનાં ઉપર 'મીસીંગ લીંક ઈન આર્કિયોલોજી'નામનું પુસ્તક લખવામાં આવ્યું છે. નેફરતીતીને જગત સામે લાવનાર એક સદી બાદ, ફરીવાર જર્મન પ્રજાની નજરમાં 'હિરો' તરીકે રજુ કરવામાં આવશે. જેણે બર્લીનનાં મ્યુનિયમને પ્રાચીન કિમતી ખજાનો જે તેની માલીકીનો હતો તે જર્મનીને સોંપી દીધો હતો. માનવામાં ન આવે તેવી એક વાત છે. એક યહુદીએ પોતાનો ખજાનો જર્મન મ્યુઝીયમને સોંપી દીધો હતો.
બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન એડોલ્ફ હિટલરે, યહુદીઓનું યુરોપમાંથી કાસળ કાઢી નાખવાનાં પ્રયત્નો કર્યા હતાં. જર્મન અને યહુદી વચ્ચેનો વેરભાવ ઇતિહાસમાં અમર થઈ ગયો છે. આવા દુશ્મનીનાં યુગમાં એક યહુદી દિલ દઈને માતૃભૂમિ 'જર્મની' માટે કામ કરે તે એક અનોખી ઐતિહાસીક મિસાલ છે.
પ્રાચીન દુનિયાની મોનાલીસા ગણાતી ઈજીપ્તની રાણી નેફરતીતીનું ચહેરાનું શિલ્પ, નવા રંગરૃપમાં જર્મનીનાં નેયુસ મ્યુઝીયમમાં સહેલાણીઓનાં આકર્ષણનું કેન્દ્ર બનશે. આજથી એક સદી પહેલાં જર્મન આર્કિયોલોજીસ્ટ લુડવીંગ બોખાર્ત દ્વારા તેની શોધ કરવામાં આવી હતી. કલાનો આ સુંદર નમુનો ૩૪૦૦ વર્ષ પ્રાચીન છે. સૂર્યની પુજા કરનારા ફારોહ અખ્નાતેનની પત્નીનું આ ચહેરાનું શિલ્પ પહેલીવાર ૧૯૨૩માં બર્લીન મ્યુઝીયમમાં મુલાકાતીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. ઈ.સ. ૧૯૧૨માં ઈજીપ્તનાં આમરાણા ક્ષેત્રમાંથી ખોદકામ કરીને આર્કિયોલોજીસ્ટ લુડવીના બોખાર્ન દ્વારા તેને મેળવવામાં આવ્યું હતું. આટલી હકીકત વિશ્વ સમક્ષ જગજાહેર છે. બહુ ઓછા લોકો જાણે છે કે ઈજીપ્તમાં સંશોધન અને ખોદકામ કરવા માટેનાં નાણા અને સહાય જર્મનીનાં તે સમયના માલેતુજાર એવા એક યહુદી હેનરી જેમ્સ સિમોને પુરા પાડયા હતાં. જેમ્સ સીમોન કલાના કદરદાન, દાનેશ્વરી, દયાળુ અને પરોપકારી હતાં. તેમણે વિશ્વભરમાંથી મેળવેલ કલાનાં નમુનાઓ અને અન્ય કીમતી ખજાનો, બર્લીન સ્ટેટ મ્યુઝીયમને દાનમાં આપ્યો હતો. આ ખજાનામાં જગવિખ્યાત નેફરતીતીનાં ચહેરાનું શિલ્પ પણ સામેલ હતું.
જેમ્સ સિમોન યહુદી સુતરાઉ કાપડનાં વેપારીનું સંતાન હતાં. તે સમયની જર્મન વગદાર વ્યક્તિમાં જેમ્સનું સ્થાન હતું. જર્મનીનાં સમ્રાટ વિલ્હેમ બીજાની સાથે તેઓ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ભાગ લેતા હતાં. રજવાડી ખાનદાન સાથેનાં તેમનાં સંબંધોને યહુદી સમાજ પણ ઇર્ષ્યાની નજરે જોતો હતો. જર્મનીનાં સમ્રાટ વિલ્હેમ બીજાને આર્કિયોલોજીમાં પુષ્કળ રસ હતો. જેમ્સ સિમોન પણ આર્કિયોલોજીનાં દિવાના હતાં. ૧૯૧૧માં તેમણે ફારોહ સખ્તાતેનનાં શહેર આમર્ણામાં ખોદકામ કરવા પુરાત્વવિદ્ લુડવીગ બોખાર્તને આમંત્રણ આપીને બોલાવ્યા અને સંપૂર્ણ નાણાકીય મદદ પુરી પાડી હતી.
જર્મનીનાં યહુદી કબ્રસ્તાનમાં જેમ્સ સીમોનને દફન કરવામાં આવ્યા છે. બીજા વિશ્વયુદ્ધ પૂર્વની યહુદી સમાજની આગેવાની પણ તેમની પાસે હતી. આજે બર્લીન મ્યુઝીયમમાં વર્ષે દહાડે પાંચ લાખ લોકો 'નેફરતીતી'નાં દર્શન કરે છે. મ્યૂઝિયમનું મુખ્ય આકર્ષણ નેરફતીતી ગણાય છે. એ વાત શંકાથી ઉપર છે કે જો આ યહુદીએ તેનો ખજાનો 'મ્યુઝિયમ'ને સોંપ્યો ન હોત તો, મુલાકાતીઓની સંખ્યા આટલી ન રહેત.
બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન એડોલ્ફ હિટલરે યુરોપનો નકશો બદલવાની કોશીશ કરી હતી. યહુદીઓ તેનાં જાની-દુશ્મન ગણાતા હતાં. આ એક માત્ર કારણસર જર્મન ઇતિહાસનાં પુસ્તકોમાંથી ૧૯૩૩ પછી જેમ્સ સીમોનનું નામ કાઢી નાખવામાં આવ્યું હતું. જર્મનીનું ખ્યાતનામ 'દર સ્પીગેલ' નોંધે છે કે 'અન્ય મિડલ કલાસ યહુદીઓ માફક જર્મનનાં સાંસ્કૃતિક વારસાને વિકસાવવાનું કામ જેમ્સ સીમોને કર્યું હતું. સામાજિક સમસ્યાનાં ઉકેલ માટેનું તેમનું યોગદાન પણ અમુલ્ય હતું.'
બીજા વિશ્વયુદ્ધ પછી પશ્ચિમ જર્મનીમાં જેમ્સ એક ખોવાયેલ વ્યક્તિત્વ બની ગયા હતા. ખેર, ફરીવાર 'નેફરતીતી' ચર્ચામાં આવી, તેના ચહેરાની કલાકૃતિ મળ્યાને એક સદી વીતી ચુકી છે. એટલે મ્યુઝીયમ તેને ઉજવણી સ્વરૃપે જગત સમક્ષ મુકવા માંગે છે. અને એકવાર કલાનો કદરદાન જેમ્સ સીમોન ફરીવાર જર્મની ઉપરાંત વિશ્વનાં મીડીયા અને પત્રકારોની નજરમાં આવી ચુકયો છે. કેરોલા વેડેલ નામની ફિલ્મ નિર્દેશીકા એક ટેલીવિઝન ડોક્યુમેટરીમાં બનાવી રહી છે જેનો કેન્દ્રવર્તી વિષય નેફરતીતી અને જેમ્સ સિમોન છે.
ડોક્યુમેન્ટરી જેમ્સની જિંદગીનાં દિવસો દર્શાવાયા છે. શાળાનાં અભ્યાસ દરમ્યાન જેમ્સને પ્રાચીન ઇતિહાસમાં રસ પડવા લાગ્યો હતો. પરંતુ તેમના કુટુંબીજનોએ ઇતિહાસનો અભ્યાસ છોડીને જેમ્સને પિતાનાં ધંધામાં જોડાવા માટે દબાણ કર્યું હતું. સીમોન બ્રધર્સ નામની કોટન કંપનીનું એ સમયનું ટર્નઓવર ૫ કરોડ જર્મન રૃપિયાનું હતું. જેમાંથી તેમને વર્ષે ૬૦ લાખ જર્મન રૃપિયાની ચોકખી કમાણી થતી હતી. જેમ્સ સીમોને પોતાની આવકનો ૨૫ ટકા હિસ્સો કલા પાછળ અને સમાજ સેવાનાં કાર્યોમાં વાપર્યો હતો. તેમની નાણાકીય સહાયથી બર્લીનની નેશનલ ગેલેરીનું ૧૮૭૬માં ઓપનીંગ કરવામાં આવ્યું હતું. જ્યારે વિશ્વમાં પેરીસ અને લંડનની આર્ટ ગેલેરીનાં અન્ય દેશોમાં પ્રદર્શન અને નામનાં વધવા માંડી ત્યારે, બર્લીનની આર્ટ ગેલેરીના ગણ્યાગાંઠયાં પ્રદર્શનો થયા હતાં. મુખ્ય કારણ એ હતું કે દર્શનાર્થીઓને બતાવવા માટે આર્ટ ગેલેરી પાસે કોઈ મોટો ખજાનો ન હતો. આવા કપરાં કાળમાં સીમોન આર્ટ ગેલેરીની મદદે આવ્યા હતાં. ૧૮૮૫માં યુરોપની નવજાગૃતીકાળ 'રેનેસાં'ને લગતાં પેઈન્ટીંગ તેમણે આર્ટ ગેલેરીને દાનમાં આપ્યા હતા, જેમાં જગવિખ્યાત 'રેમ્બ્રા' કલાકારનાં ચિત્રો પણ હતા. આ ઉપરાંત જાણીતી ચિત્રકાર બેલીની અને મોન્તેરના ચિત્રો પણ તેમણે દાનમાં આપી દીધા જેની કિંમત કરોડો ઉપજે તેમ હતી.
છેલ્લે વારો આવ્યો મધ્યકાલીન ઇતિહાસ અને પ્રાચીન ઇતિહાસ, બેબીલોનની કલાકૃત્તિઓનો. જર્મન આર્કિયોલોજીસ્ટ બ્રિટીશ અને ફ્રેન્ચ આર્કાયોલોજીસ્ટ સામે સ્પર્ધામાં ટકી શકે માટે તેમણે પુરાતત્વનાં ખોદકામ માટે નાણાકીય સહાય આપવાની શરૃઆત કરી દીધી હતી. તે સમયનાં કાયદા કાનુન પ્રમાણે, જે ઐતિહાસિક નમુનાઓ મળે તેમાંથી અડધોઅડધ એટલે કે ૫૦ ટકા કલાકૃતિઓ ઉપર જેમ્સ સીમોનનો હક્ક હતો. આ પ્રમાણે તેમને ઘણી પ્રાચીન કીમતી ખજાનાની દુર્લભ વસ્તુઓ પ્રાપ્ત થઈ હતી. જેમાં 'નેફરતીતી'નું અર્ધ-શીલ્પ પણ સામેલ હતું. સીમોને 'નેફરતીતી'નાં ચહેરાનાં શીલ્પને બર્લિન મોકલવાની વ્યવસ્થા કરી હતી. ૧૯૨૦માં આ દુર્લભ કલાકૃતિ તેમણે બર્લીન સીટી મ્યુઝીયમને ભેટમાં આપી દીધી હતી.
અહીં સીમોનની પરોપકાર વૃત્તિનો અંત નથી આવતો. ૧૮૮૯માં તેમણે શહેરમાં વિશાળ પબ્લીક બાથ બનાવડાવ્યું હતું. કામદાર વર્ગનાં બાળકો માટે એક કલબ ખોલવામાં આવી. જેનો ખર્ચ સીમોને પુરો પાડયો હતો. ૧૯૦૬માં લાવારીશ, તરછોડાએલા બાળકો માટે અનાથાશ્રમ તેમણે શરૃ કર્યું હતું. વિશ્વયુદ્ધનાં વાદળો ધેરાવા લાગ્યા હતાં તેવા સમયે યહુદીઓને જર્મની છોડીને અમેરિકા અને પેલેસ્ટાઈન જેવા પ્રદેશોમાં જવા માટે લાખો રૃપીયાનું રોકાણ કર્યું હતું. કહેવાય છે નસીબ હમેશાં સાથ આપતું નથી.
૧૯૨૫માં જેમ્સ સીમોન આર્થિક કટોકટીમાં આવી ગયા. તેમને પોતાનો ધંધો સંકેલી લેવો પડયો. વિશાળ જાજરમાન વિલા છોડીને તેમને એક સામાન્ય એપાર્ટમેન્ટમાં વસવાટ કરવો પડયો. ઈજીપ્તે રાષ્ટ્રીય ખજાના જેવી નેફરતીતીનાં શિલ્પની માગણી જર્મની સમક્ષ મુકી હતી. સીમોને બર્લીન મ્યુઝીયમને પત્રમાં લખ્યું કે અત્યારે 'નેફરતીતી'ની માલીકી મ્યુઝીયમની છે. પરંતુ દાન લેતી વખતે તેમણે બાહેધરી આપી હતી કે 'ઈજીપ્ત દ્વારા નેફરતીતી'ની માંગણી કરવામાં આવશે તો, મ્યુઝીયમ આ ઉત્કૃષ્ટ નમુનો ઈજીપ્તને પાછો સોપશે. જર્મનીએ ઈજીપ્તની માંગણીઓ ફગાવી દીધી છે અને ઈજીપ્તની કલાકૃતિઓ તેમને પાછી આપી નથી. જેમ્સ સીમોન મ્યુઝીઅમનાં વલણથી નાખુશ હતાં.
જેમ્સ સીમોને શહેરનાં ખ્યાતનામ પેર્ગામોન મ્યુઝીયમનાં ઓપનીંગનું આમંત્રણ ઠુંકરાવી દીધું હતું. ૧૯૩૨માં તેમણે મ્યુઝીયમ સત્તાવાળાનાં વલણનો વિરોધ કરતાં કરતાં વિશ્વમાંથી વિદાય લીધી. આજે એક સદી બાદ બર્લીનનાં મ્યુઝીયમમાં 'નેફરતીતી'ની શિલ્પાકૃતિ દર્શાવાઈ રહી છે તે ગેેેલેરીને નવું નામ આપવામાં આવ્યું છે,'જેમ્સ સીમોન ગેલેરી'