Wednesday 27 February 2013

કિંગ રિચાર્ડ ત્રીજો: શેક્સપીઅરથી સાયન્ટિસ્ટ સુધી...


કબરમાંથી મડદા બેઠા કરતા વૈજ્ઞાનિકો

ફ્યુચર સાયન્સ - કે.આર ચૌધરી

રિચાર્ડ - તૃતિય, એ વિલિયમ શેક્સપીઅરનું ખ્યાતનામ ઐતિહાસિક નાટક છે, જે અંદાજે ૧૫૯૨ની આસપાસ લખાયેલું માનવામાં આવે છે. આ નાટકનું એક પાત્ર એટલે રિચાર્ડ ત્રીજો જે ડયુક ઓફ ગ્લોસેસ્ટર તરીકે (ઉમરાવ) જાણીતો હતો. બે વર્ષ માટે તે ઇંગ્લેન્ડના રાજા તરીકે એટલે કે કિંગ રિચાર્ડ ત્રીજા તરીકે બ્રિટિશ ઇતિહાસમાં પ્રસિદ્ધ છે. બે વર્ષના શાસનકાળમાં એવો સમય જ્યારે રાજકીય ખટપટ, કાવાદાવા ચાલતા હોય, રાજકીય બળવો ફાટી નીકળ્યો હોય તેવા સમયે તેનું મૂલ્યાંકન કરવું અધકચરું જ રહે. લોકોમાં કિંગ રિચાર્ડ ત્રીજાની છબી શેક્સપીઅરે તેના નાટકમાં ચિતરેલ વિલન જેવી છે. કિંગ રિચાર્ડ ત્રીજો ખરેખર કોણ હતો એની ઐતિહાસિક ખણખોદ કરીએ તો...
પંદરમી સદીમાં ઇંગ્લેન્ડના રાજવી એટલે કે કિંગ તરીકે પ્લાન્ટગેનેટ વંશનું શાસન ચાલતું હતુ આ પરિવાર હાઉસ ઓફ યોર્ક તરીકે જાણીતો હતો. ડયુક ઓફ યોર્ક એટલે કે, રિચાર્ડ પ્લાન્ટાગેનેટને ત્રણ પુત્રો હતા. એક એડવર્ડ ચોથો, જ્યોર્જ - ડયુક ઓફ ક્લેરેન્સ, રિચાર્ડ ત્રીજો ડયુક ઓફ ગ્લોસેસ્ટર. એડવર્ડ ચોથા અને એલિઝાબેથ વુડવિલેના ત્રણ સંતાનો હતા જેમાં બે દિકરા અને દિકરી હતી. એડવર્ડ પાંચમો, રિચાર્ડ અને એલિઝાબેથ (બ્રિટિશ ઇતિહાસ વાંચતા એમ થાય કે અહીં નામોની કમી હશે.) બાપ અને બેટાના નામો એક સરખા, માતા અને પુત્રીના નામો પણ એક સરખા, તેઓ વળી નંબરથી ઓળખાય. પહેલો, બીજો... પાંચમો વગેરે ! ઇતિહાસ ભણનારનું મગજ કદાચ એટલે જ આવા નામો સાંભળીને ગોથા ખાઈ જાય છતાં.. આગળ વધીએ તો,

૧૪૮૩માં રિચાર્ડ ચોથાનું અવસાન થયું અને તેના સ્થાને રાજ્યાભિષેક માટે તેના પુત્ર એડવર્ડનું નામ બોલાવા લાગ્યું. ૨૨ જૂન ૧૪૮૩ના રોજ એડવર્ડ પાંચમાના રાજ્યારોહણની તારીખ નક્કી થઈ ગઈ પરંતુ... તેને રાજા તરીકે મુગટ પહેરાવાય તે પહેલા તેના મા-બાપના લગ્નને ગેરકાયદેસર ગણવામાં આવ્યા. તેમના વારસદાર પણ હવે કાયદેસર રીતે ઇંગ્લેન્ડના રાજા તરીકે ગેરકાયદેસરના સંતાન અને વારસદાર હતા. આવા સમયે મૃત્યુ પામેલ રિચાર્ડ ચોથાના સગા ભાઈ અને એડવર્ડ પાંચમાના કાકાને ઇંગ્લેન્ડના રાજા તરીકેનો તાજ પહેરાવવામાં આવ્યો. તાજ કાંટાળો હતો અને લાંબો ટકવાનો ન હતો. રિચાર્ડ ત્રીજા સામે તેને ગાદીએથી હટાવવા માટે બે બળવાઓ થયા પ્રથમ બળવો રિચાર્ડ- ત્રીજાનો સાથી હેનરી સ્ટેફોર્ડ દ્વારા થયો. હેનરીને શૂળીએ ચઢાવી દેવામાં આવ્યો. બીજો બળવો હેનરી ટુડોર અને તેના કાકા જાસ્પર ટુડોરએ પોકાર્યો. બળવામાં પગે ચાલાનારા સૈનિકો, નિષ્ણાત ધનુર્ધારી અને ફ્રેન્ચ સૈનિકો હતા. બીજીબાજુ કિંગ રિચાર્ડના સૈનિકો હતા બંને પક્ષે ૫૦૦થી ૮૦૦ સૈનિકોનું નાનું લશ્કર હતું. તેમની વચ્ચે જે લડાઈ થઈ તેને બેટલ ઓફ બોસવર્થ ફિલ્ડ કહે છે. આ લડાઇનું બીજું નામ વોર્સ ઓફ રોસીઝ પણ કહે છે. આ લડાઈમાં દુશ્મનો કિંગ રિચાર્ડ ત્રીજાનો ક્રૂર અને અમાનુષી વધ કરી નાખે છે. તેના શરીરને નગ્ન કરીને લોકો સમક્ષ મૂકવામાં આવે છે. છેવટે કોફીન, રાજકીય સન્માન કે અંતિમ ક્રિયા કર્યા વગર કિંગ રિચાર્ડ ત્રીજાને અજાણ્યા સ્થળે દફન કરી નાખવામાં આવે છે. ૨૨ ઓગસ્ટ ૧૪૮૫ના રોજ કિંગ રિચાર્ડ ત્રીજાના શાસન અને જિંદગીનો પણ અંત આવી જાય છે. અહીંથી શરુ થાય છે શેક્સપીઅરની સાહિત્યિક કૃતિ જેમાં રિચાર્ડ ત્રીજાનું મૂલ્યાંકન તેણે પોતાની રીતે કર્યું છે. ખેર... ઇતિહાસ જ્યાંથી થંભી જાય છે ત્યાંથી 'સાયન્સ'ની સફર શરુ થાય છે.

૨૦૧૨માં લેંકેન્સ્ટર સીટી કાઉન્સિલ અને રિચર્ડ ત્રીજો સોસાયટી દ્વારા લગભગ પાંચ સદી પહેલાં અજાણી જગ્યાએ દફન કરવામાં આવેલ કિંગ રિચાર્ડ ત્રીજાના અવશેષો શોધી કાઢવા માટે પ્રયત્ન શરુ કરવામાં આવે છે. આર્કિયોલોજીસ્ટ રિચાર્ડ બકલેને આ પ્રોજેક્ટમાં ખાસ રસ પડવા લાગ્યો હતો. યુનિવર્સિટી ઓફ લેન્કેસ્ટર છેવટે એક પ્રોજેક્ટ શરુ કરે છે જેનો આખરી મકસદ કિંગ રિચાર્ડના શરીરના અવશેષો અને છેલ્લે દફન કરવામાં આવ્યા હતા તે જગ્યા શોધી કાઢવાનોં હતો. પ્રોજેક્ટ માટે જૂનું સાહિત્ય, નકશાઓ, ડાયરીઓ, ઐતિહાસિક નોંધો વગેરે તપાસવાનું કામ રિચાર્ડ ટેલર શરુ કરે છે. છેવટે સંશોધનમાં જાણવા મળે છે કે...

રિચાર્ડ ત્રીજાના શરીરને ગ્રે ફીઆર્સ તરીકે જાણીતી જગ્યામાં દફન કરવામાં આવ્યું હતું. ફીન્સીસ્કન પંથના સાધુ-મહાત્માઓના મઠને અંગ્રેજીમાં 'ફીઆર્સ' કહે છે. આ મઠને હેનરી સાતમાના સમયમાં તોડી પાડવામાં આવ્યો હતો અને એવું કહેવામાં આવ્યું હતું કે રિચાર્ડના શરીરને નદીમાં વહેવડાવી દેવામાં આવ્યું હતું. સોળમી સદીમાં આ જગ્યા, ઓલ્ડરમાન રોબર્ટ હેરીક નામની વ્યક્તિ ખરીદે છે જે લેકેન્સ્ટરના મેયર હોય છે. તેઓ આ જગ્યાએ એક વિશાળ ગાર્ડન ઉભો કરે છે. ૧૬૧૨માં તે સમયના ખ્યાતનામ આર્કિટેક્ટના પિતા ક્રિસ્ટોફર રેન પોતાના લખાણમાં નોંધે છે કે, 'આ બગીચામાં ત્રણ ફૂટનો એક પથ્થર ખોડેલો છે જેના ઉપર લખાણ લખ્યું છે કે, 'ઇંગ્લેન્ડના કેટલાક સમય માટેના કિંગ રિચાર્ડ ત્રીજાનું શરીર અહીં દફન છે.' આ એક અગત્યની ઐતિહાસિક નોંધ હતી. ૧૯૧૪માં આ જગ્યા લેન્કેસ્ટર સિટી કાઉન્સિલ ખરીદી લે છે. છેવટે અહીં આર્કિયોલોજીસ્ટ દ્વારા ખોદકામ કરવાનું નક્કી થાય છે. રિચાર્ડ-૩ સોસાયટીની ફિલીપા લાંગલી કહે છે કે, 'અમે એક સ્વપ્ન નિહાળ્યું છે અને જો સ્વપ્ન વાસ્તવિકતા બની જશે તો તેનાથી મોટો કોઈ ચમત્કાર નહીં હોય અને ખરેખર ચમત્કાર જેવી ઘટના બને છે. ડેન બ્રાઉનની ઐતિહાસિક નવલકથા વાંચતા હો તેવી ઘટનાઓ બને છે.' (કદાચ ડેન બ્રાઉનને નવી નવલકથા લખવાનો મસાલો પણ મળી જાય.) અહીં ત્રણ જગ્યાએ ઊંડી ખાઈ ખોદવામાં આવે છે અહીં રિચાર્ડ બકલી નામના પુરાતત્ત્વવિદને મધ્યકાલીન ટાઇલ્સો વડે આડોઅવળો પેવિંગ કરેલો માર્ગ મળી આવે છે. ટાઇલ્સો બધી અલગ અલગ સાઇઝની અને ખૂબ જ ઘસાઈ ચૂકેલી હોય છે. અહીં જૂના ચર્ચના અવશેષો પણ છે જેને ૧૫૩૮માં તોડી પાડવામાં આવ્યું હતું. છેવટે સપ્ટેમ્બર ૨૦૧૨માં અહીંથી એક વ્યક્તિના શરીરના હાડકા અને ખોપરીઓ મળી આવે છે. 

વિજ્ઞાાન જગતમાં 'તહલકા' મચી જાય છે. શું ખરેખર ખોદકામમાંથી મળેલ હાડપિંજર રિચાર્ડ ત્રીજાનું છે ? ત્રણ અઠવાડિયાના ખોદકામ બાદ, પ્રેસ કોન્ફરન્સ બોલાવીને અહીંથી મળેલ હાડપિંજરની વિગતો પ્રેસને આપવામાં આવે છે. લગભગ પાંચ મહિના પછી કિંગ રિચાર્ડ ત્રીજાના ચાહકો અને વૈજ્ઞાાનિકોના ઉત્સાહ વચ્ચે, ફાઇનલ જાહેરાત કરવામાં આવે છે કે, હાલના કારયપાર્ક અને જૂની ગ્રે ફિઆર્સ ખાતે મળેલ હાડપિંજર રિચાર્ડ ત્રીજાનું જ છે ! આખરે આવું શક્ય કઈ રીતે બન્યું ? શરુઆતથી જ અનેક વૈજ્ઞાનિકો અને સંશોધકો આ પ્રોજેક્ટમાં કામ કરી રહ્યા હતા. તેમણે કાર પાર્ક ખાતે ગ્રાઉન્ડ રડાર વાપરીને ખોદકામ માટેના ત્રણ 'ટ્રેન્ચ' નક્કી કર્યા અને ત્યાં ખોદકામ કર્યું. છેવટે હાડપિંજર મળી આવ્યું ત્યારે...
વૈજ્ઞાનિકોએ જોયું કે, ખોપરીના એકબાજુના ભાગમાંથી હાડકાનો મોટો ટુકડો નીકળી ગયો હશે. અહીં તીક્ષ્ણ ધારવાળી કુહાડી કે અન્ય ઓજારથી હુમલો કરવામાં આવ્યો હતો. ઘા વાગતાની સાથે વ્યક્તિ બેભાન થઈ હશે અને તુર્ત જ મૃત્યુ પામી હશે. હાડપિંજરની ઉંમર વૈજ્ઞાનિક રીતે કાઢતાં તે ૨૦- ૩૦ વર્ષ વચ્ચેના પુરુષનું લાગતું હતું. રિચાર્ડ- ત્રીજા મૃત્યુ પામ્યા ત્યારે તેમની ઉંમર ૩૨ વર્ષની હતી. હાડકાના રોગના કારણે આ વ્યક્તિની કરોડરજ્જુ પ્રશ્નાર્થ ચિન્હ માફક વળી ગયેલી હતી. જેના કારણે ૫ ફૂટ ૮ ઇંચની વ્યક્તિની ઉંચાઈમાં એક ફૂટ ઘટાડો થઈ ગયો હતો. પેટ પાસેની પાંસળીઓ તૂટી ગયેલી હતી. ડાબી બાજુના થાપાનું હાડકું પણ તૂટેલું હતું. કબરમાંથી તેના પગના પંજા મળી આવ્યા નથી. ખોદકામ દરમ્યાન તે ભૂતકાળમાં નાશ પામ્યા કે ખસેડાઈ ગયા હોઈ શકે. ચહેરા ઉપર કટાર કે ચપ્પાનો ઘા વાગ્યાનું હાડકા પર નિશાન છે, દાઢી ઉપર પણ આવાં જ નિશાન છે.
વૈજ્ઞાનિક સંશોધન પ્રમાણે શરીર ઉપર દસ જેટલા પ્રાણઘાતક ઘા છે. માથાનો પાછળનો ભાગ જોતાં તે સમયે વપરાતા હેલબર્ડ નામના ૧૫ સદીમાં વપરાતા હથિયારથી ઘા કરવામાં આવ્યો હશે. ખોપરી નીચેના ભાગમાં પણ તીક્ષ્ણ હથિયાર ઘૂસાડવામાં આવ્યું હોવાનું અનુમાન છે. જે દર્શાવે છે કે તિક્ષ્ણ હથિયાર ચહેરાના ભાગમાં દસ સેન્ટીમીટર સુધી ઘૂસી ગયું હશે. ઓસ્ટીઓ આર્કિયોલોજીસ્ટ જો એપલ બી કહે છે કે તેના કુલાના ભાગમાં જમૈયો ખોસ્યો હશે. યુદ્ધ દરમ્યાન કિંગ રિચાર્ડે બખ્તર અને હેલ્મેટ પહેર્યા હોત તો ઘણી બધી ઇજાઓમાંથી મુક્તિ મળી હોત. વૈજ્ઞાનિકોની એક ટીમ માને છે કે આ બધા ઘા રિચાર્ડ ત્રીજાના મૃત્યુ બાદ તુર્ત જ સૈનિકો કમ દુશ્મનો દ્વારા ગુસ્સો ઉતારવા માટે કરવામાં આવ્યા હશે.
ઐતિહાસિક નોંધ બતાવે છે કે, 'વોર ઓફ રોઝીસ'માં મૃત્યુ પામ્યા બાદ રિચાર્ડના શરીરને દોરડાથી બાંધીને ઘોડાની પીઠ પર લાદવામાં આવ્યું હતું જેથી લેન્કેસ્ટરના લોકો તેને જોઈ શકે. છેવટે લેન્કેસ્ટરમાં આવેલ ગ્રે ફીઆર્સ ચર્ચમાં બાંધેલી હાલતમાં જ શરીરને દફન કરવામાં આવ્યું હતું.
શરીરનું હાડપિંજર મળી આવતાં જ વૈજ્ઞાાનિકોએ ખોપરીનું સ્કેનિંગ કરીને તેના ઉપર સ્નાયુઓ ચઢાવીને, કોમ્પ્યુટર દ્વારા ચહેરાનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું હતું. ફેસ રિકન્સ્ટ્રક્શનની આખી પ્રક્રિયાને ડોક્યુમેન્ટરી ફિલ્મ તરીકે ઉતારવામાં આવી છે. ચેનલ ફોર નામની ટી.વી. ચેનલ તેનું પ્રસારણ કરી ચૂકી છે. વૈજ્ઞાાનિકોએ કઈ રીતે સાબિત કર્યું કે, ''આ અવશેષો ખરેખર કિંગ રિચાર્ડ ત્રીજાના જ છે ?''
હાડપિંજર મળી આવતાં જ તેની ઓળખ અને કિંગ રિચાર્ડ તરીકે તેને ઓફીસીઅલી જાહેર કરવા માટે, હાડપિંજર ઉપર અનેક પરીક્ષણો કરવામાં આવ્યા હતા જેમાં ડીએનએ પરીક્ષણ મુખ્ય હતું. જમણા પગના હાડકા અને દાંતમાંથી વૈજ્ઞાનિકો ડીએનએ મટીરીઅલ્સ અલગ કાઢીને પરીક્ષણ માટે પ્રયોગશાળામાં લઈ ગયા હતા.
૨૦૦૫માં નિવૃત્ત થઈ ગયેલા પત્રકાર જોયસ ઇબ્સનને એક ફોન કોલ મળે છે. જોયસ ઇબ્સન કેનેડામાં રહે છે. ફોન કરનારી વ્યક્તિ હતી ઇતિહાસકાર જ્હો એસડાઉન હીલ જેણે સતત ત્રણ વર્ષ સુધી ખાંખાખોળા કર્યા બાદ જોયસ ઇબ્સનને ફોન કર્યો કે તેઓ જો સોળ પેઢી દૂર કરીએ તો સત્તરમી પેઢીએ ઇંગ્લેન્ડના રાજા કિંગ રિચાર્ડના ભત્રીજી થાય. તેઓ કિંગ રિચાર્ડની નાની બહેન એન ઓફ યોર્કના સીધા વારસ થાય. ૮૨ વર્ષની ઉંમરે ૨૦૦૮માં મૃત્યુ પામનાર જોયસ ઇબ્સને વૈજ્ઞાનિકોને પોતાના ડીએનએ સેમ્પલ આપ્યા હતા. છેવટે ૨૦૧૨માં રિચાર્ડ ત્રીજાના અવશેષો મળી આવતા, વૈજ્ઞાનિકોએ તેમના પુત્ર જે ૫૫ વર્ષના છે તેઓના સેમ્પલ અને તેની માતા જોય ઇબ્સનના ડીએનએ સાથે મેચિંગ કરવામાં આવ્યું.

વૈજ્ઞાનિકો એ જોયું કે, બંને સેમ્પલો મળતા આવતા હતા. આ પરિણામ બતાવતું હતું કે, આર્કિયોલોજીસ્ટે શોધી કાઢેલ હાડપિંજર કિંગ રિચાર્ડ ત્રીજાનું હતું. હવે વૈજ્ઞાનિકોએ જાહેર કર્યું કે, અસ્થિઓ કિંગ રિચાર્ડ ત્રીજાના છે. એટલે હવે જાગવાનો વારો સરકારનો હતો. સરકારે જાહેર કર્યું કે યુનિવર્સિટી ઓફ લેન્કેસ્ટર તેમના વૈજ્ઞાનિક પરીક્ષણો પૂર્ણ કર્યા બાદ અવશષો સોંપશે ત્યારે તેને સન્માન સાથે દફનાવવામાં આવશે. મધ્ય યુગના ઘણા બધા રાજાઓ અને શાહી ખાનદાનના સંતાનોને અહીં દફન કરવામાં આવ્યા છે. મિનિસ્ટ્રી ઓફ જસ્ટિસ કહે છે કે, ''લેન્કેસ્ટર સિટી કાઉન્સિલ અને લેન્કેસ્ટર યુનિવર્સિટી'' તેમણે શોધી કાઢેલ રિચાર્ડ ત્રીજાના અવશેષોને દફન કરવા માટેનું સ્થાન નક્કી કરી શકે છે.

રિચાર્ડ ત્રીજાની દફનવિધિ દાન મેળવીને કરવામાં આવશે. હાલના બ્રિટિશ રાજવી કુળના બકિંગહામ પેલેસ દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી કે કિંગ ઓફ રિચાર્ડ થર્ડની દફનવિધિ વખતે કોણ હાજર રહેશે. રિચાર્ડ ત્રીજાની શોધ કરનાર પ્રોજેક્ટના સભ્યો માને છે કે લેન્કેસ્ટરમાં જ તેમની દફનવિધિ કરવામાં આવે જ્યારે વેસ્ટમિન્સટર એબે લંડનમાં આવેલી છે. અહીં સત્તર જેટલા રાજાઓ અને રાણી દફન કરવામાં આવ્યાં છે. રાજા તરીકે માત્ર બે વર્ષ રાજ કરનાર કિંગ રિચાર્ડ ૫૩૦ વર્ષ બાદ વિધિવત્ રીતે અંતિમક્રિયા પામશે. ઐતિહાસિક તથ્યોને જાણી જોઈને વિજ્ઞાન લેખથી થોડા અળગા રાખવામાં આવ્યા છે છતાં કહેવું પડે કે કિંગ રિચાર્ડ ત્રીજા એ પ્લાન્ટાગેનેટ વંશના છેલ્લા રાજા હતા. બ્રિટનની ભૂમિ પર મૃત્યુ પામનાર બીજા અને છેલ્લા રાજવી કિંગ રિચાર્ડ ત્રીજા હતા.  કિંગ રિચાર્ડ પછી હવે સંશોધકો બ્રિટનના રાજવી "કિંગ આલ્ફ્રેડ ધ ગ્રેટ"ના અવશેષો શોધવા માગે છે.
જો બાર્થોલોમેવ ચર્ચમાંથી કિંગ આલ્ફ્રેડ ધ ગ્રેટના અવશેષો મળે તો તેમનું ડીએનએ ટેસ્ટિંગ કરવું ખૂબ જ મુશ્કેલ પડે તેમ છે. આ રાજવીના હાલના જીવંત સગા શોધવા ખૂબ જ મુશ્કેલ છે. વિન્ચેસ્ટર યુનિવર્સિટીની આર્કિયોલોજીસ્ટ કેટી ટફર કહે છે કે અમને ખબર છે કે ખોદકામ દરમ્યાન પાંચ ખોપરી અને હાડકાઓ મળશે. અમારે તેમની ઉંમર નક્કી કરવાની છે, તેમની જાતિ નક્કી કરવાની છે અને હાડકાઓને ફરીવાર ગોઠવવાના છે. વૈજ્ઞાનિકોને કબરમાંથી મડદા બેઠા કરવા અને બોલતા કરવામાં મજા આવતી લાગે છે !

Tuesday 19 February 2013

રેક્ષ: અ વન મીલીયન ડોલર મેન, રોબોટીક્સ અને પ્રોસ્થેટીક્સનો અનોખો સંગમ

ફ્‌યુચર સાયન્સ - કે.આર ચૌધરી.

આજનાં પ્રોસ્થેટીક્સમાં ચહેરા, કુલાં, ગોઠણ, પગ અને હાથ બધું જ અત્યારે બજારમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત કૃત્રિમ રેટીના, બાયોનીક આંખ, હૃદય વગેરે પણ તબીબો લગાડી આપે છે


યહુદી સાહિત્યમાં એક લોકકથા છે, જેમાં મનુષ્ય જેવાં એક કૃત્રિમ સજીવની રચનાની વાત આવે છે. આ કુત્રીમ માનવીનું નામ છે. ''ગોલેમ''. ઓગણીસમી સદીમાં ડો. ફ્રેન્કેસ્ટાઇન, ચોરેલાં અંગોથી એક કૃત્રિમ માનવી બનાવે છે, જે રાક્ષસી શક્તિ ધરાવતો હોય છે. જેને નિયંત્રણમાં ંરાખવો તેનાં સર્જક માટે પણ મુશ્કેલ બની જાય છે. માનવીને મનુષ્ય જેવા કૃત્રિમ માનવી પેદા કરવાનો અભરખો, માનવી સમજણો થયો ત્યારથી રહ્યો છે. તેની કલ્પનામાંથી અનેક કલ્પનાકથાઓ સાહિત્ય અને સાયન્સ ફિકશન તરીકે અવતરી ચુકી છે. પૈડાની શોધ માનવીએ કરી ત્યારથી તે પોતાની ટેકનોલોજીને નવુ સ્વરૃપ આપી, પોતાની દીમાગી ધાર તેજ રાખતો આવ્યો છે. મનુષ્યએ ઝડપથી અંતર કાપવું હોય તો સાયકલ સિવાયનો વિકલ્પ કયો?
પગમાં કૃત્રિમ સ્નાયુઓ બેસાડો જેથી ૬૦ કી.મી. પ્રતિ કલાકની ઝડપે ભાગી શકાય! ૧૯૭૦નાં દાયકામાં નવી ટેકનોલોજીથી બનેલ ''બાયોનિક મેન''ની વાત આવે છે. માયકલ કેઇડીન દ્વારા ''સાયબોર્ગ'' નામની નવલકથા પ્રકાશિત થાય છે, જે ખૂબ જ લોકપ્રિય નિવડે છે. આ નવલકથાનો આધાર લઇને, ''ધ સિક્સ મિલીયન ડોલર મેન'' નામની અમેરીકન ટી.વી. સીરીઅલ્સ તૈયાર થઇને પ્રકાશિત થાય છે. આ શ્રેણીની સફળતા જોઇને ''ધ બાયોનિક વુમન'' નામની બીજી ટી.વી. શ્રેણી પણ બનાવવામાં આવે છે. સ્ટાર વોર્સનાં પાંચમાં એપીસોડમાં લ્યુક સ્યાકવોકર તેનો હાથ ગુમાવી બેસે છે, ત્યારે તેને પરફેક્ટ બાયોનીક રિપ્લેસમેન્ટવાળો હાથ મળી જાય છે. જો ''શોલે''ને નવા ટેકનોલોજીકલ સ્વરૃપે રજુ કરવી હોય તો, ગબ્બરે બે હાથ કાપી નાખેલ ''ઠાકુર''ને નવા સ્ટ્રોંગ બાયોનિક કમ રોબોટીક હાથ બેસાડીને થિયેટરમાં દર્શાવી શકાય. ટેકનો- 'શોલે' બનાવવા મુંબઇના સર્જકોને હિંમતની નહીં પણ, ટેકનોલોજીની જરૃર છે. વાત પછી ફિલ્મો બનાવવાની ટેકનોલોજીની હોય કે ''બાયોનિક મેન''નાં વાસ્તવિક સર્જનની વાત હોય. માનવીએ છેલ્લા દાયકામાં આ રેસમાં ઘણું બધું અંતર કાપી નાખ્યું છે. હવે મનુષ્ય એ કક્ષાએ પહોંચ્યો છે કે જેને સાયન્સ ફિકશનની ભાષામાં સિગ્યુલારીટી કહે છે. આ ''સિગ્યુલારીટી'' એ સમયરેખા ઉપર એવું બિંદુ છે, કે મશીન એટલે કે રોબોટ સુપર ઈન્ટેલીજન્ટ બાયોનિક મેનમાં ફેરવાઇ જાય છે, જેનો ચહેરો માનવી જેવો છે પરંતુ તેનાં અંગો કૃત્રિમ છે. તેનું લોહી કૃત્રિમ છે. તેની તાકાત મશીનની તાકાત છે. હોલીવુડની ટર્મીનેટરનો આર્નોલ્ડ અને હોલીવુડની ''રોબોટ''નો રજનીકાંત અવશ્ય યાદ આવી જાય. આ ટર્નીંગ પોઇન્ટ ઉપર એક સવાલ જરૃર થાય કે શું માનવી ''બાયોનિક મેન''નું સર્જન કરી શકે તેવી ટેકનોલોજી વિકસાવી શક્યો છે ખરો? વૈજ્ઞાાનિકોએ આ સવાલનો જવાબ ''વન મીલીયન ડોલર મેન'' જેનું નામ ''રેક્ષ'' રાખવામાં આવ્યું છે તેનું સર્જન કરીને આપ્યો છે.
રેક્ષની ચર્ચા પહેલાં થોડી અન્ય વાત કરી લઇએ. છેલ્લાં કેટલાંક દાયકાઓમાં વૈજ્ઞાાનિકોએ મનુષ્ય શરીરનાં વિવિધ અંગોને કૃત્રિમ સ્વરૃપ ''સિન્થેટીક'' બનાવવામાં સફળતા હાંસલ કરી છે. આ ઉપરાંત કેટલાંક કિસ્સાઓમાં તો માનવીના 'રીઅલ' અંગોને ટક્કર મારે તેવાં કૃત્રિમ અંગો વિકસાવી શકાયા છે પરંતુ, આ અંગોને માનવીના જૈવિક શરીર સાથે જોડીને નિયંત્રીત કરવામાં વૈજ્ઞાાનિકોને ઘણીવાર મુશ્કેલીઓ નડે છે. માનવ શરીરનાં પરફેક્ટ સબસ્ટીટયુટ જેવાં કુત્રીમ અંગો ભલે મજબુત અને શક્તિશાળી હોય, પરંતુ માનવી પોતાનાં ચેતાતંત્ર દ્વારા કુદરતી અંગોનો ઉપયોગ જે સહેલાઇથી અને વૈવિધ્યપૂર્ણ રીતે કરી શકે છે તેટલી નિપુણતા 'બાયોનિક' અંગો પાસેથી હજી મેળવી શકાતી નથી.
અહીં એક વાત અલગ તરી આવે છે કે મેડિકલ જગત કૃત્રિમ અંગોનાં પ્રત્યારોપણ કરતાં સ્ટેમ સેલથી બનાવેલ બાયોનિક અંગો વિકસાવવાનું ધ્યેય રાખે છે. સ્ટેમ સેલ ટેકનોલોજી હજી સંપૂર્ણ સ્વરૃપ મેળવી શકી નથી ત્યારે, અને મનુષ્યને જ્યારે જૈવિક અંગો દાનમાં મળવા મુશ્કેલ હોય ત્યારે, માનવીની અપંગતાને દૂર કરવાનો આસાન ઉપાય કૃત્રિમ અંગો છે જેને વિજ્ઞાાન ''પ્રોસ્થેટીક્સ'' કહે છે. વૈજ્ઞાાનિકો અત્યારે પ્રયત્ન કરી રહ્યા છે કે મનુષ્યનાં ''ઓર્ગેનિક બોડી''ની કાર્બન બેઝડ સર્કીટ સાથે ટેકનોલોજી આધારીત સીલીકોન બેઝડ સર્કીટનું જોડાણ કરી શકાય. કદાચ આ રીતે આર્ટીફીશીઅલ ઈન્ટેલીજન્સ કે બ્રેઇન પાવર ક્ષેત્રે ક્રાંતિ લાવી શકાશે. ધારી લો કે એક બ્રેઇન ચીપ ઈમ્પ્લાન્ટ કરવાથી બ્રિટીશ લાયબ્રેરીમાં છે તે બધું જ જ્ઞાાન તમને મળી શકે છે પરંતુ જ્ઞાાનનો એક હથિયાર બતાવીને ઉપયોગમાં લેવાનું કામ તો મનુષ્યએ જાતે જ કરવું પડે, જેમાં સામાજીક, ધાર્મિક, નીતિશાસ્ત્ર સંકળાએલું છે. જો આ બધાને બાજુમાં રાખીએ તો, માનવી એક 'રોબોટ'થી વધારે કંઇ જ નથી. મનુષ્યમાંથી માનવતા ખોવાઇ જાય તો માનવું કે માનવી હવે રોબોટ નથી બનાવી રહ્યો. સ્વતંત્ર રોબોટ બની રહ્યો છે. આ અર્થમાં બાયોનિક મેન એક 'બાઇસીકલ' કરતાં વધારે મિકેનિકલ હશે.
લંડનનું સાયન્સ મ્યુઝીયમ, ટેકનોલોજી ક્યાં પહોંચી છે તેનો વ્યાપ બતાવવા ''વન મીલીયન ડોલર બાયોનિક મેન'' નામનાં કૃત્રિમ માનવીને પોતાનાં મ્યુઝીયમમાં ગોઠવવાની તૈયારી કરી રહ્યું છે. બ્રિટનની ચેનલ ફોરને ''રેક્ષ'' નામનો આ બાયોનિક મેન કઇ રીતે તૈયાર થયો તેની ડોક્યુમેન્ટરી ફિલ્મ દ્વારા ટેકનોલોજીનો વિકાસ દર્શકો સુધી પહોંચાડવાનો છે. રેક્ષ એટલે કે ''રોબોટીક એકક્ષો સ્કેલેટન''નું ટુકું સ્વરૃપ છે. આ બાયોનિક મેનનાં કૃત્રિમ અંગો અને આંતરીક રચના, વિશ્વનાં નામી વૈજ્ઞાાનિકોની લેબોરેટરીમાંથી એકઠા કરવામાં આવ્યાં છે. રેક્ષને ''વન મીલીયન ડોલર મેન'' તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે તેની રચનામાં એક મીલીયન એટલે કે દસ લાખ ડોલરનો ખર્ચ થયો છે. જાણે અજાણે મીડીયા વન મીલીયન ડોલર મેનની સરખામણી ૧૯૭૦નાં દાયકાનાં ''સિક્સ મિલીયન ડોલર મેન'' ટી.વી. સીરીઝનાં નાયક અને અંતરીક્ષયાત્રી સ્ટીવ ઓસ્ટીન સાથે કરે છે, જેનું પાત્ર લી મેજર નામનાં એક્ટરે ભજવ્યું હતું. એક વિમાની દુર્ઘટનામાં સ્ટીવ પોતાનો એક હાથ, બે પગ અને એક આંખ ગુમાવી નાખે છે. તેને ઝૂમ લેન્સ વાળી આંખ અને કૃત્રિમ અંગો બેસાડવાનો ખર્ચ તે સમયની ટેકનોલોજી પ્રમાણે છ મીલીયન ડોલર થયો હોય છે.
વૈજ્ઞાાનિકોએ જે બાયોનિક મેનનું સર્જન કર્યું છે, તે રેક્ષનાં શરીરનાં બધા જ અંગો કૃત્રિમ છે. અહીં બધાં અંગો કહેવું જરા વ્યાજબી નથી કારણ કે આ બાયોનિક માનવી પાસે હજી પેટ અને આંતરડા ઉપરાંત અમુક અંગો, કૃત્રિમ રીતે ઉપલબ્ધ નથી. બ્રિટનનાં રોબોટીક વિજ્ઞાાનનાં નિષ્ણાંત રિચાર્ડ વોકર અને મેથ્યુ ગોડેને ''રેક્ષ''નું સર્જન કર્યું છે. રેક્ષનાં કૃત્રિમ અંગોની પંચાત કરીએ તો,
સિડનીની મેકવેરી યુનિવર્સિટીનાં વૈજ્ઞાાનિકોએ ''રેક્ષ'' માટે કૃત્રિમ કાન વિકસાવ્યા છે. કાનની આંતરીક રચનામાં રાખેલ નવ ફાઈબર અવાજ દ્વારા ધુ્રજે છે. કૃત્રિમ બ્રેઈન તેને અવાજમાં ફેરવીને સાંભળે છે. યુનિવર્સિટી ઓફ કેલીફોર્નીયાનાં વૈજ્ઞાાનિકોએ બાયોનીક મેનની આંખો વિકસાવી છે. આંખ ઉપર રાખેલા ગોગલ્સ, આંખમાં આવેલ ''રેટીના''ને દ્રશ્યો મોકલે છે. દ્રશ્યપટલ-રેટીનામાં આવેલ માઈક્રોચીપ તેને વિદ્યુત તરંગોમાં ફેરવીને મગજને મોકલે છે. તેની શ્વાસનળી લંડનની રોયલ ફ્રી હોસ્પીટલનાં તબીબોએ વિકસાવી છે. યાદ રહે કે ૨૦૧૧માં આવી જ કૃત્રિમ શ્વાસનળીનો ટુકડો વૈજ્ઞાાનિકોએ સ્વીડનનાં એક કેન્સરગ્રસ્ત દર્દીનાં શરીરમાં પ્રથમવાર પ્રત્યારોપીતા કર્યો હતો. રેક્ષ પાસે હૃદય પણ છે. અમેરીકાની સોનકાર્કાયા કંપનીએ કૃત્રિમ હૃદય બેસાડયું છે. બેટરીથી ચાલતાં આ હૃદયની કિંમત ૭૬ હજાર ડોલર છે. સામાન્ય રીતે દર્દીને જૈવિક હૃદય ન મળે ત્યાં સુધી તબીબો આ કૃત્રિમ હૃદય બેસાડીને કામ ચલાવે છે.
રેક્ષની બરોળની રચના અમેરીકાનાં કતેકટીકટ ખાતે આવેલ યેલે યુનિવર્સિટીનાં વૈજ્ઞાાનિકોએ કરી છે. બરોળમાં વૈજ્ઞાાનિકોએ ખાસ પ્રકારનું માઈક્રો-ફિલ્ટર લગાડેલું છે. મનુષ્યનાં લોહીમાં રહેલ ચેપી પદાર્થોને આ ફિલ્ટર વડે દૂર કરવામાં આવે છે. જેથી લોહીમાં ઝેર એકઠું થતું અટકે છે. 'રેક્ષ'ને ડાયાબીટીસ ન થાય તે માટે પાવરફુલ પેન્ક્રીયાસ એટલે કે સ્વાદુપીંડ લેન્કેસ્ટરની દ મોન્ટેફોર્ડ યુનિવર્સીટીનાં વૈજ્ઞાાનિકોએ પૂરું પાડયું છે. જ્યારે લોહીમાં બ્લડ સ્યુગરનું પ્રમાણ વધી જાય છે ત્યારે, કૃત્રિમ પેન્ક્રીયાસ એક્ટીવ બને છે અને ઈન્સ્યુલીનનો સ્ત્રાવ કરે છે.
મનુષ્યની મુખ્ય જીવાદોરી તેનું લોહી છે, જેના વિના શરીર કંઈ જ કામનું નથી. શેફીલ્ડ યુનિવર્સિટીનાં વૈજ્ઞાાનિકોએ 'રેક્ષ'ને સંપુર્ણ કૃત્રિમ લોહી પુરૃં પાડયું છે. આ આર્ટીફીશીયલ બ્લડ પ્લાસ્ટીકમાંથી બનેલ છે. જેની સેલ્ફ-લાઈફ, બ્લડ બેંકમાં સાચવી રાખવામાં આવતાં કુદરતી લોહી કરતાં વધારે છે. ખુબીની વાત એ છે કે ''આ લોહી ચેપમુક્ત છે.''
રેક્ષનાં સર્જક રિચાર્ડ વોકર કહે છે કે ''મનુષ્યનાં શરીરનાં કેટલાં ભાગોને બદલીને કૃત્રિમ અંગો લગાડી શકાય છે તે જાણીને અમને ખૂબ જ આશ્ચર્ય થાય છે.'' જોકે રેક્ષ નામનાં કૃત્રિમ બાથોનીક મેનનાં ૬૦થી ૭૦ ટકા અંગો વૈજ્ઞાાનિકોએ કૃત્રિમ રીતે વિકસાવ્યા છે. હજી અન્ય અંગોનું સંશોધન ચાલું જ છે.
જ્હોન હોપકીન્સ યુનિવર્સિટીનાં પ્રો. સ્ટીવન શીઆપો કહે છે કે 'આ ફિલ્ડમાં રહેલ દરેક વ્યક્તિ ટેકનોલોજીની પ્રગતિથી પ્રત્યાવિત થઇ છે તેવું નથી. ઈલેક્ટ્રીક મોટર દ્વારા હાથ-પગનું હલનચલન કરી શકાય છે. પરંતુ કુદરતી અંગો જેવું લચયતાપણુ અને વૈવિધ્ય શકય નથી. કૃત્રિમ અંગો પણ છેવટે તો માનવીનાં જીવંત ચેતના તંત્રને અનુસરે છે. (ટૂંકમાં કૃત્રિમ ચેતના તંત્ર વિકસાવવું અને કૃત્રિમ મગજ વડે નિયત્રીત કરવું આજના તબક્કે શક્ય નથી.'
પ્રો. શીઆપો સ્ટારવોર્સ અને વાસ્તવિક જિંદગીની સરખામણી કરતાં કહે છે કે 'સ્ટારવોર્સમાં લ્યુક સ્કાયવોકરને નવો બાયોનિક હાથ મળે છે. તેનાં હાથમાં થતી ઈજાની પીડાને અનુભવી શકે છે. અત્યારના ઉપલબ્ધ 'પ્રોસ્થેસીસ'માં હાળનાં વાસ્તવિક જીવનમાં આ વાત શક્ય નથી.' આવનારા દસ વર્ષમાં કદાચ આપણે એવા રોબોટ પેદા કરી શકીશું જે ટેબલ ઉપર પડેલ પેન ઉઠાવીને લખવાની શરૃઆત કરી શકશે. પરંતુ, લખવાનો આનંદ ચેતાતંત્રને પાછો મોકલી શકતો નથી.
આજનાં પ્રોસ્થેટીક્સમાં ચહેરા, કુલાં, ગોઠણ, પગ અને હાથ બધું જ અત્યારે બજારમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત કૃત્રિમ રેટીના, બાયોનીક આંખ, હૃદય વગેરે પણ તબીબો લગાડી આપે છે. આ અંગો હાલનાં તબક્કે દર્દીના શરીરમાં બેસાડો તો કામ લાગે તેવાં છે. જોકે પેન્ફીયાસ, કૃત્રિમ ફેફસા, બ્લેડર, હજી સંશોધનનાં તબક્કામાં છે. કેટલીક ટેકનોલોજી એવી છે જેમાં માનવીનાં 'ઈનપુટ' વગર કૃત્રિમ અંગો કામ કરી શકતા નથી. ઉદાહરણ તરીકે હાથ, પગ, અને સ્નાયુઓનાં હલનચલન માટે મગજમાંથી આવતાં સંવેદનો જરૃરી છે. જ્યારે હૃદય, પેન્ફીયાસ જેવા અંગો આપમેળેજ કાર્યરત રહે તેવા છે. જે અંગો વૈજ્ઞાાનિકો વિકસાવી શક્યા નથી તેનાં વિશે મિ. વોકર કહે છે કે કૃત્રિમ પેટનો ભાગ જે અમે જોયો તે ખૂબ જ વિશાળ હતો અને તે વિદ્યુત પેદા કરતો હતો. આ હિસાબે મનુષ્યનાં પેટ (જઠર) તરીકે તેને રિપ્લેશ કરી શકાય તેમ નથી.
મને લાગે છે કે આપણા પ્રયોગો તેમનાં જીવનકાળ દરમ્યાન સંપૂર્ણ બાયોનિક માનવી જોઈ શકશે. જે મનુષ્ય શરીરના સંપૂર્ણ જૈવિક સ્વરૃપને કૃત્રિમ રીતે કાર્યરત કરી શકતો હશે, તેની પાસે કૃત્રિમ બૌદ્ધિક ક્ષમતા પણ હશે. માનવીનું એક જમા પાસુ છે કે તે પોતાની ઓળખ જેવા સંતાનો ભવિષ્યની પેઢી સમક્ષ મુકી જાય છે. બાયોનિક મેન માટે 'સેક્સ' એક સમસ્યા જ રહેશે!

Monday 11 February 2013

નેનો-પાર્ટીકલ્સ જોખમી બની રહેશે ?

ફ્યુચર સાયન્સ - કે.આર ચૌધરી.

વાત ૨૦૦૯ની છે. ચીનની પેઇન્ટ બનાવતી કંપનીમાં કામ કરનારી સાત મહીલાઓ એક સાથે માંદી પડી, જેમાંથી બે સ્ત્રીઓનાં મોત પણ થયા. આમ તો, મનુષ્યનું મોત એ કુદરતી ઘટના ગણાય છે. પરંતુ અહીં વૈજ્ઞાાનિકોને આ કામદાર સાત મહીલાઓની માંદગીમાં કાંઈક અજુગતું લાગ્યું અને તેમણે સંશોધન કરવાનો નિર્ધાર કર્યો.
બીજીંગની ચાયોઆંગ હોસ્પીટલનાં વૈજ્ઞાાનિક યુગુઓ સોંગ દ્વારા આ કેસનું તલસ્પર્શી અધ્યયન કરવામાં આવ્યું. સાત મહીલા કામદારને શ્વાસોશ્વાસની તકલીફ માટે દવાખાનામાં દાખલ કરવામાં આવી હતી. શ્વાસ ઉપરાંત ચામડી, ચહેરા અને હાથ ઉપર ખંજવાળ આવતી હતી. ફેફસાનાં કોષોની આજુબાજુ પ્રવાહીનો ભરાવો થઇ ગયો હતો, જેને દૂર કરવો તબીબો માટે આસાન કામ નહોતું. દર્દીનાં ફેફસાનાં કોષો, આજુબાજુ ભરાએલ પ્રવાહી, જે ફેકટરીમાં તેઓ કામ કરતાં હતાં તે વાતાવરણની હવા અને પેઇન્ટ બધાની તપાસ કરવામાં આવી. જે તારણ નીકળ્યું એ ચોકાવનારું હતું. આ બધા જ માધ્યમોમાં ખાસ પ્રકારના ''નેનો-પાર્ટીકલ્સ''ની હાજરી હતી. યુગુઓ સોંગ કહે છે કે ''ચીનની પેઇન્ટ બનાવનારી કંપનીમાં પોલી-એક્રેલીક પ્રકારનો પેઇન્ટ બનતો હતો. આ ઉત્પાદન પ્રક્રીયામાં જ નેનો-પાર્ટીકલ પેદા થતાં હતાં. દુનિયાનો આ પ્રથમ કિસ્સો હતો, જેમાં નેનો-પાર્ટીકલ શ્વાસમાં જતાં શ્વસનતંત્રની બીમારી થાય છે એનો સીધો પુરાવો આપતી હતી. આ સમય એવો હતો કે વિશ્વમાં ચારેબાજુ ''નેનો-ટેકનોલોજી''ની વાહવાહ કરવામાં આવતી હતી. વિશ્વ સમક્ષ આ કિસ્સો બહાર આવતાં વૈજ્ઞાાનિકો અને સંશોધકો સાવચેત બની ગયા છે.
જોખમનાં ઉંડાણમાં જઈએ તે પહેલાં, નેનો ટેકનોલોજીની દુનિયાની એક ઝલક મેળવી લઈએ. બે તત્ત્વો ભેગા મળીને અણુ કે રેણુ કક્ષાએ જે રચના કરે છે, તેમનું કદ ૧ થી ૧૦૦ નેનો મીટર વચ્ચે હોય તો આવા કણોને નેનો-પાર્ટીકલ કહે છે. નેનો મીટરની વ્યાખ્યા કરવી હોય તો એક મીટર માપનાં એક અબજ ટુકડા કરતાં જે એક સૌથી નાનો ટુકડો મળે તેને નેનો મીટર કહેવાય. હવામાં ઉડતી જે ઘુળની રજકણો ઉડતી દેખાય છે તેનાં એક લાખ જેટલાં ટુંકડા કરો ત્યારે એક નેનો મીટર કદનો પાર્ટીકલ મળે. આટલાં સુક્ષ્મ કણોને આપણી આંખ જોઇ શકતી નથી.
૧૯૮૧માં વિવિધ મટીરીઅલ્સની સપાટીની રચના નિહાળવા માટે આઇબીએમ કંપનીની, ઝુરીક રિસર્ચ લેબોરેટરીનાં બે સંશોધક જેર્ડ બીનીંગ અને હેનરીક રોટરર દ્વારા એક નવા પ્રકારનાં માઇક્રોસ્કોપની રચના કરવામાં આવી હતી, જેને સ્કેનીંગ ટનલીંગ માઇક્રોસ્કોપ નામ આપવામાં આવ્યું. આ માઇક્રોસ્કોપમાં નેનો-પાર્ટીકલ્સને આસાનીથી જોઇ શકાતા હતાં. તેમનાં બંધારણનું આસાનીથી અધ્યયન થઇ શકતું હતું. આ શોધ માટે ૧૯૮૬માં બંને વૈજ્ઞાાનિકોને ભૌતિકશાસ્ત્રનું નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું હતું. આ સમયગાળામાં વૈજ્ઞાાનિકોએ કાર્બન કણોની વિશિષ્ટ રચના જેવી ''બકીબોલ'' તરીકે જાણીતી ભ૬૦ ની ''બકમીનસ્ટરફુલરેન''ની શોધ કરી. ૧૯૮૫માં બકીબોલ આધારીત ફુલરેનની શોધ માટે, હેરી ક્રોટો, રિચાર્ડ સ્મૉલી, અને રોબર્ટ કર્લનીને ૧૯૯૬નું રસાયણશાસ્ત્રનું નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું. આ શોધોએ વિશ્વ આખાનું ધ્યાન ''નેનો ટેકનોલોજી'' તરફ આકર્ષીત કરી દીધું હતું.
નેનો-સ્કેલ લેવલે નવા પાર્ટીકલ અને મટીરીઅલ્સની શોધ કરવા માટે ખૂબ જ મોટો અવકાશ છે એ વાત ૧૯૫૯માં ખ્યાતનામ વૈજ્ઞાાનિક રિચાર્ડ ફેયમીન તેમનાં લેકચર ''ધેર ઇઝ એ પ્લેન્ટી ઓફ રૃમ એટ ધ બોટમ''માં કરી ચુક્યાં હતાં. જોકે વિજ્ઞાાનને ''નેનો-ટેકનોલોજી'' જેવો નવો શબ્દ પ્રયોગ, નોરીયો તાનીગુચી નામનાં સંશોધકે આપ્યો હતો. આ શબ્દને કે.એરિક ક્રેક્ષલરે લોકપ્રિય બનાવી આપ્યો હતો. ૧૯૮૬માં નેનો-ટેકનોલોજી વિશે એરિક ડેક્ષલરે ''એન્જીન ઓફ ક્રિએશનઃ ધ કમિંગ એરા ઓફ નેનો ટેકનોલોજી'' પ્રકાશીત કર્યું હતું. ડેક્ષલરે જે આવનારાં ભવિષ્યની કલ્પનાં કરી હતી તે વિજ્ઞાાનનાં નવા ક્ષેત્રને ''મોલેક્યુલર નેનો ટેકનોલોજી'' કહે છે. ૧૯૮૦નાં દાયકામાં નેનો ટેકનોલોજી ક્ષેત્રે જે કલ્પનાઓ ગણાતી હતી, તે વાત આજે વાસ્તવિકતા બની ચુકી છે. નેનો-ટેકનોલોજી, મનુષ્યની પ્રગતીનો આધાર બની શકે છે, એ વાત નિર્વિવાદ છે પરંતુ હવે તેની સાઇડ ઇફેક્ટ જેવી, મનુષ્યનાં સ્વાસ્થ્યને લગતા ખતરાની વાતો પણ વૈજ્ઞાાનિકોનાં ધ્યાનમાં આવી છે. વૈજ્ઞાાનિકો હવે નેનો-પાર્ટીકલ અને નેનો-પ્રોડક્ટનાં ઉત્પાદનને કારણે મનુષ્યનાં શરીરને થતાં નુકશાન વિશે વધારે સંશોધન કરવા માંગે છે. એટલું જ નહીં, આ ઉત્પાદનને કારણે મનુષ્ય અને પર્યાવરણ વધારે પ્રદૂષિત ન બને તેના માટે ખાસ પ્રકારનાં નિયંત્રણો રાખી શકે તેવી સમગ્ર વિશ્વ માટે એક કોમન ગાઇડ લાઇન, રૃલ્સ અને રેગ્યુલેશનની માગણી થઈ રહી છે. વર્તમાન જગતમાં ''જીનેટીકલી મોડીફાઇડ'' (ય્સ્)  જૈવિક ઉત્પાદનો માટે જે પ્રાકરનો વાદ-વિવાદ થઈ રહ્યો છે, હવે આ લીસ્ટમાં નેનો-પાર્ટીકલ અને નેનો-મટીરીઅલ્સનો સમાવેશ થઇ રહ્યો છે.
આજની તારીખે, કોમ્પ્યુટર ચીપનાં ઉત્પાદન, મોબાઇલ ફોન, સેલ્ફ કલીનીંગ ગ્લાસ, માનવ અંગોમાં સીધા જ ડ્રગનો છંટકાવ કરતી મેડિકલ શોધો વગેરેમાં મોટા પાયે નેનો ટેકનોલોજી અને નેનો-મટીરીઅલ્સનો ઉપયોગ થઇ રહ્યો છે. વિશ્વમાં ૬૦૦ કરતાં વધારે ઉત્પાદનમાં હવે નેનો-મટીરીઅલ્સનો બહોળો ઉપયોગ થાય છે. જેનાં લીસ્ટમાં પગનાં મોજાં, સનસ્ક્રીન, ટુવાલ, ઘા ઉપર કરવામાં આવતું ડ્રેસીંગ, બીયર, ફુડ પેકેજીંગ, એન્ટી-એજીંગ ક્રીમ, એરોપ્લેન્સ, કોમ્પ્યુટર પાર્ટસ, ટેનીસ રેકેટ, રેઝર બ્લેડ, મેડીકલ ટુલ્સ અને ખાદ્ય પદાર્થમાં ઉમેરાતાં પુરક પદાર્થોનો સમાવેશ થાય છે. એસ્બેસ્ટોસ જેવો પદાર્થ કેન્સર પેદા કરે છે એ વાત જગજાહેર થઇ ગઈ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જેવી સંસ્થાએ મનુષ્યનાં સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ''એસ્બેસ્ટોસ''નાં ઉત્પાદન અને ઉપયોગ પર પ્રતિબંધની જાહેરાત કરી છે. હવે વૈજ્ઞાાનિકોએ નેનો-પાર્ટીકલ્સ વિશે પણ વિચારવાનો સમય પાકી ગયો છે. આવું શા માટે ?
નેનો-પાર્ટીકલ કદમાં ખૂબ જ સૂક્ષ્મ હોય છે તેથી વિવિધ કોષીકાઓમાં આરામથી દાખલ થઇ શકે છે. આ સુક્ષ્મ કણો કેવાં પ્રકારની ''બાયો-કેમિસ્ટ્રી''ની અસરો પેદા કરશે એ વૈજ્ઞાાનિકો જાણતા નથી. શરીરમાં પ્રવેશ પામ્યા બાદ નેનો-પાર્ટીકલ મગજ અને સ્ત્રીનાં ગર્ભમાં વિકસતા ભુ્રણ સુધી પહોંચી શકે છે. હાલનાં નવાં પ્રકારનાં સ્પોર્ટસવેરમાં 'નેનો-સીલ્વર'નો ઉપયોગ થાય છે. જે બગલ અને શરીરમાં દુર્ગંધ પેદા કરતાં બેક્ટેરીયાનો નાશ કરે છે. આવા કપડા જ્યારે ધોવામાં આવે છે ત્યારે નેનો-પાર્ટીકલ પાણીમાં ભળી જાય છે. આ દુષિત પાણી પર્યાવરણને પ્રદૂષિત કરી શકે છે. સ્પોર્ટસનાં કપડામાં રહેલાં નેનો-ફાયબર, એસ્બેસ્ટોસનાં રેસાઓ જેવાં નુકસાનકારી સાબીત થઇ શકે છે.
સનસ્ક્રીનમાં વપરાતા ટીટાનિયમ ડાયોકસાઈડ જેવાં રસાયણો ઉપયોગી પણ સાબીત થાય છે. જેમાં નેનો-પાર્ટીકલ્સ ચામડીનું કેન્સર થતું રોકે છે. શરીરમાં પેદા થયેલ ગાંઠ સુધી દવાઓનો ચોક્કસ 'ડોઝ' પહોંચાડવા માટે કાર્બન નેનો-ટયુબનો ઉપયોગ થાય છે. અહીં એક વાત નોંધવા જેવી છે કે વિવિધ નેનો-પાર્ટીકલ મળીને બનતા એક નેનો-મટીરીઅલ્સનાં ગુણધર્મો અલગ હોય છે. આવા નેનો-કણોને આવા પદાર્થમાંથી અલગ છુટા પાડી દો ત્યારે તેમની લાક્ષણિકતા અને ગુણધર્મો અલગ અલગ થઇ જાય છે.
એડિનબર્ગની નેપીયર યુનિવર્સિટીનાં ટોક્સકોલોજી વિભાગનાં પ્રોફેસર વિકી સ્ટોન કહે છે કે ''નેનો ઉત્પાદનો કેટલાં સલામત છે એની પુરેપુરી ચકાસણી કર્યા બાદ લોકો સુધી પહોંચવા જોઇએ.'' પ્રો. એન. ડોલીંગ નામનાં વૈજ્ઞાાનિક કહે છે કે ''એક સમગ્ર રસાયણ કરતાં છુટક ''ફોર્મ''માં ફરતાં નેનો-પાર્ટીકલ્સ વધારે ઝેરી સાબીત થાય છે.'' આ કારણે કોસ્મેટીક્સ અને અન્ય ઉત્પાદનો, જે સીધા જ માનવ શરીરનાં સંપર્કમાં આવે છે તેવાં ઉત્પાદનોને સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ ''એપ્રુવલ'' આપવી જોઇએ.
તાજેતરમાં જ યુરોપીઅન એન્વાયરમેન્ટ એજન્સી દ્વારા નેનો-પાર્ટીકલને લગતો રિપોર્ટ પ્રકાશીત થયેલ છે, જેમાં જણાવાયું છે કે 'નેનો-મટીરીઅલ્સ દ્વારા થતાં નુકસાનને લગતાં રિપોર્ટ પ્રકાશીત થયા તેને આજ ૨૦ વર્ષ વીતી ગયા છે. વચ્ચેનાં સમયગાળામાં નેનો મટીરીઅલ્સ, વિવિધ કોષો સ્તન્ય પ્રાણીઓ અને જળચર પ્રાણીઓ સાથે કેવી પ્રતિક્રિયા કરે છે તેને લગતાં સંશોધનો થઈ ગયાં છે. આમ છતાં, ઘણી સરકાર હજી વધારે માહિતી માંગી રહી છે ત્યારબાદ કોઈપણ પ્રકારનાં પગલાં લેવાં જોઈએ.
આ રિપોર્ટમાં કાર્બન નેનો-ટયુબથી મનુષ્યને વધારે ખતરો હોવાની વાત કરવામાં આવી છે. કાર્બન નેનો ટયુબ એસ્બેટોસનાં રેસાઓ માફક નુકસાનકારી સાબીત થઈ શકે તેમ છે. કાર્બન નેનો-ટયુબ કેન્સર પેદા કરે તેવું કાર્સાનોજેન છે. યુની. ઓફ એડિનબર્ગનાં પ્રો. કેન ડોનાલ્ડસન કહે છે કે 'કાર્બન નેનો ટયુબનાં લાંબા સંપર્કમાં મનુષ્ય આવે તો કેન્સર થાય છે. ઉંદર ઉપરનાં પ્રયોગોમાં જાણવા મળ્યું છે કે ''કાર્બન નેનો ટયુબનાં કારણે ઉંદરમાં 'મેસોથેલીયોમાં'નું કેન્સર થાય છે. ડો. કેન ડોનાલ્ડસન કહે છે કે ''સૌથી મોટું જોખમ ફેક્ટરીઓમાં છે. માનવી હવે જથ્થાબંધનાં હિસાબે કાર્બન નેનો ટયુબનું ઉત્પાદન કરી રહ્યો છે. જેનાં કારણે તેનાં હેન્ડલીંગ અને ટ્રાન્સપોર્ટેશન સમયે ઘણા બધા લોકો તેનાં સંપર્કમાં આવે છે. લોકોએ કાર્બન નેનો ટયુબથી સંભાળવું પડશે.
એન્વાયરમેન્ટલ ઓર્ગેનાઈઝેશન 'ક્લાયન્ટ અર્થ'નાં વકીલ વિટો બ્યુઓનસાન્ટે કહે છે કે 'દરેક દેશ પાસે કંપલસરી પ્રોડક્ટ રજીસ્ટર હોવું જોઈએ. જેમાં ઉત્પાદન થતાં દરેક નેનો મટીરીઅલની નોંધ હોવી જોઈએ. સરકાર તેનાથી જાણી શકે કે ઉત્પાદન કઈ રીતે થાય છે અને તેનો ઉપયોગ ક્યાં થવાનો છે. ફેક્ટરીમાં કામ કરનારાં મજુરો, પ્રયોગશાળાનાં ગીનીપીગ બનવા ન જોઈએ.''
જોકે બધા જ પ્રકારનાં નેનો મટીરીઅલ્સ ઝેરી નથી. આ તબક્કે દરેક પ્રકારનાં નેનો મટીરીઅલ્સનું ઉત્પાદન થાય તે પહેલાં સજીવો ઉપર થતી તેની અસરો વિશે સંશોધન થવું જોઈએ. કાર્બન નેનો ટયુબ, નેનો-પાર્ટીકલ્સ અને એપોક્ષી રેઝીનને એકબીજા સાથે ભેળવવામાં આવે છે ત્યારે સાવધાની રાખવી જોઈએ. નેનો-પાર્ટીકલ્સની કેમિસ્ટ્રી સમજાવતા પ્રો. ડેમ એન ડોવલીંગ કહે છે કે 'નેનો-પાર્ટીકલ્સ સ્વરૃપે રહેલાં રસાયણનાં ગુણધર્મો અલગ હોય છે. (આ કારણે જ તેમનો વિશીષ્ટ ઉપયોગ થાય છે.) નેનો-પાર્ટીકલ, મટીરીઅલ્સનો સપાટી વિસ્તાર (સરફેસ એરીયા) વધારી આપે છે, જેનાં કારણે તેનાં કેમીકલ રિએક્સશનમાં 'રીએક્ટીવીટી' પણ વધારે પ્રમાણમાં જોવા મળે છે. તેઓ પર્યાવરણ અને માનવ શરીરમાં અલગ અલગ રીતે મુવમેન્ટ કરે છે. મોટા કણો કરતાં નેનો-પાર્ટીકલ્સ અલગ રીતે વર્તે છે. તેની આ ખાસીયતનાં કારણે જ નવીન શક્યતાઓ પેદા થાય છે. પરંતુ તેની પ્રક્રિયાને કાયદાકીય નિયંત્રણની નજરે હજી સુધી જોવામાં આવ્યું નથી.
કોસ્મેટીક્સ અને ખાદ્ય પદાર્થો માનવ શરીર સાથે સીધા જ પ્રક્રીયામાં આવે છે. નેનો પાર્ટીકલ્સનો તબીબી ક્ષેત્રમાં પણ ઉપયોગ થાય છે. આવા કણો મગજમાં ઘુસી શકે છે એટલે મગજનાં રોગોની સારવારમાં તેનો ઉપયોગ થઈ શકે છે. ઈલેક્ટ્રોનીક આઈટમ, આઈ-પેડ, ઈલેક્ટ્રીક સેવર, ફ્રિડ્ઝ, હેર કટીંગ આયર્નમાં માત્ર નેનો-પાર્ટીકલ્સ વપરાય છે એવું નથી. કોસ્મેટીક્સનાં ઉત્પાદકો લોરીઅલ અને લાનક્સ જેવી કંપનીઓ તેમનાં ઉત્પાદનોની જાહેરાત કરે છે. એન્ટી રીંકલ ક્રીમમાં માઈક્રો-પાર્ટીકલ્સ, ન્યુટ્રીકેરનાં ઉત્પાદનમાં 'નેનો-લાઈપોઝોમ'ની જાહેરાત કરવામાં આવે છે. બાળકો માટેનાં ઓર્ગેનીક બેબી ક્રિમમાં પણ નેનો-પાર્ટીકલ્સ હોય છે. ચાંદીની એન્ટી-બેક્ટેરીઅલ પ્રોપર્ટી જોઈને કંપનીઓ પ્લાસ્ટીક કન્ટેઈનર, સીલ્વર નેનો-પાર્ટીકલ્સ ઉમેરવા લાગ્યા છે. મોજામાંથી દુર્ગંધ ન આવે તે માટે પણ નેનો-પાર્ટીકલ્સ ઉમેરવામાં આવે છે. કપડા ઉપર એવા કણોનું કોટીંગ કરવામાં આવે છે કે તે પ્રવાહીને શોષી શકે નહી. આવા કપડાં ઉપર કોફી કે ચા રેડો તો પણ દાગ પડતો નથી. કપડા ઉપર પ્રવાહી પડતા તે પરપોટા જેવી રચના સર્જે છે જેથી પ્રવાહીનો કપડાની સપાટી સાથે સંપર્ક થતો જ નથી.
નેનો-મટીરીઅલ્સ ઉત્પાદન કરનારી કંપનીઓની ઉત્પાદન પ્રક્રીયાનો વૈજ્ઞાાનિક ઢબે ટેસ્ટ કરવો જરૃરી છે. કંપનીઓ જ્યારે નવા પ્રકારના નેનો-પાર્ટીકલ ઉત્પાદન કરે છે ત્યારે તેની જાણ સરકારને કરતી નથી. જે કંપનીમાં એક ટન કરતાં વધારે પ્રમાણમાં નેનો પાર્ટીકલ્સ ધરાવતાં નેનો-મટીરીઅલ્સનું ઉત્પાદન થતું હોય, તેણે સ્વાસ્થ્યલક્ષી 'હેઝાર્ડ રિપોર્ટ' પ્રકાશીત કરવો જોઈએ. યુરોપીઅન એજન્સીનાં અંદાજ પ્રમાણે આ વર્ષે એકલાં યુરોપમાં ૧૧ થી ૨૦ અબજ યુરોનું નેનો-મટીરીઅલ્સ કે નેનો-પાર્ટીકલ્સનું ઉત્પાદન કરવામાં આવશે. નેનો-ટેકનોલોજી આધારીત ઉત્પાદન આવનારાં વર્ષોમાં વધવાનું છે ત્યારે મનુષ્ય સાથેનો તેનો સંપર્ક કેવો રંગ લાવશે અને તેની સ્વાસ્થ્ય ઉપર કેવી અસરો થશે તેનું વધારે સંશોધન જરૃરી બની જાય છે. સ્ટેમ સેલ આધારીત સંશોધનો ઉપર જે પ્રકારનાં નિયંત્રણો મુકવામાં આવે છે તેવાં નિયંત્રણોની ભલામણ નેનો-ટેકનોલોજી માટે પણ કરી શકાય.

Monday 4 February 2013

''ધ થિયરી ઓફ ઓરીજીન'' : ચાર્લ્સ ડાર્વિનના પડછાયામાં ઢંકાયેલ વ્યક્તિ...

ફ્યુચર સાયન્સ - કે.આર ચૌધરી

- ૨૦૧૩નું વર્ષ આલ્ફ્રેડ રસેલ વોલેસ વર્ષ તરીકે ઉજવાશે !

 કેપ્ટને આવીને એક જહાજના મુસાફરને કહ્યું કે, ''મને (બીક) લાગે છે કે જહાજમાં આગ લાગી છે ! તમે જાતે જ આવો ને જુઓ કે શું થઈ શકે તેમ છે ?'' ૬ ઓગસ્ટ ૧૮૫૨નો દિવસ હતો. ૨૩૫ ટનના બ્રિગ. મેરી હેલેન જહાજ ઉપર જયા કર્મચારીઓ, કેપ્ટન, નાવિકો અને રસોયો સિવાય એકમાત્ર પેસેન્જર હતો. આ પ્રવાસી બપોરનો નાસ્તો કરીને ઉભો થયો હતો. જહાજ આટલાન્ટિકા મહાસાગરની મધ્યમાં હતું. વિશ્વવિખ્યાત ટાઇટેનિક ટ્રેજેડી થવાને હજુ ૬૦ વર્ષ જેટલી વાર હતી પરંતુ જહાજના એકમાત્ર પેસેન્જર માટે આ સૌથી મોટી દરિયાઈ દુર્ઘટના હતી. કેપ્ટને લાઇફ બોટ તૈયાર કરવાની સૂચના આપી. પ્રવાસી હાંફળોફાંફળો થઈને બચી શકે તેટલો સામાન બચાવવા દોડી ગયો પરંતુ કમનસીબી તેના કરતા થોડા ડગલા આગળ દોડતી હતી. ધુમાડાના ગોટેગોટા અને ગરમીમાં તે માત્ર લોખંડની એક પેટી, કેટલીક નોટબુક્સ અને પોતે ચીતરેલા કેટલાક ડ્રોઇંગ માત્ર બચાવી શક્યો. લાઇફ બોટમાં પોતાનો સામાન લઇ તે ઊતર્યો ત્યારે લાઇફબોટ જીવન બચાવી શકે તેમ લાગતી ન હતી. લાઇફ બોટમાં પડેલા કાણાઓમાં, રસોઈયો, બોટના 'કોર્ક'ના બુચ છોલીને લગાવી રહ્યો હતો. જહાજથી લાઇફ બોટ દ્વારા એકમાત્ર પ્રવાસી દૂર થઈ ગયો ત્યારે...
પ્રવાસીએ છેલ્લા ત્રણ વર્ષથી લખેલાં જર્નલો, ડ્રોઇંગ અને નોંધોની વિશાળ ફાઇલ, બ્રિટિશ મ્યુઝિયમ માટે લીધેલ પામવૃક્ષનું ૧૫ મીટર લાંબુ 'પર્ણ', તેના લખાણ અને જંગલોમાંથી ભેગી કરેલ દુર્લભ સજીવોના નમૂનાઓથી ભરેલી લોખંડની અસંખ્ય પેટીઓ બળતા જહાજમાં 'સ્વાહા' થઈ ચૂક્યું હતું. ૧૮૪૮માં શરુ કરેલ પ્રવાસમાં આ પ્રવાસીએ ઘણું બધું ગુમાવ્યું હતું. આ કમનસીબ યાત્રીનું નામ હતું. આલ્ફ્રેડ રસેલ વોલેસ અને જહાજના કેપ્ટનનું નામ હતું ચાર્લ્સ મેલ્વીલે સ્કાસોન.
વિજ્ઞાાન જગતના બહારના નવા નિશાળીયા માટે 'આલ્ફ્રેડ રસેલ વોલેસ' નવું નામ જરૃર લાગે પરંતુ વિજ્ઞાાનના ઇતિહાસમાં આ પાત્રના ઉલ્લેખ વગર ઉત્ક્રાંતિના ભીષ્મપિતા ગણાતા ચાર્લ્સ ડાર્વિનનું મહાભારત અધૂરું ગણાય. કેટલાક નિષ્ણાતો એવી પણ શંકા સેવે છે કે, ચાર્લ્સ ડાર્વિને ઉત્ક્રાંતિનો આઇડિયા અને 'નેચરલ સિલેક્શન' જેવા સિદ્ધાંતો, આલ્ફ્રેસ રસેલ વોલેસના લખાણોમાંથી ચોરી લીધો હતો. જો કે, રિસર્ચરોએ આ ક્ષેત્રે પણ સંશોધનો કર્યા છે જેમાં 'આ વાતમાં વજૂદ નથી' તેવું તેમનું માનવું છે. ખેર ! એક વાત નિશ્ચિત છે કે પૃથ્વી પર સજીવોની વિવિધ પ્રજાતિઓ કઈ રીતે અસ્તિત્વમાં આવી ? તેનો ઉત્તર સમજાવતા 'ઉત્ક્રાંતિ' એટલે કે ઇવોલ્યુશનનો આઇડિયા ચાર્લ્સ ડાર્વિન અને આલ્ફ્રેડ વાલેસને એક સાથે આવ્યો હતો. ચાર્લ્સ ડાર્વિન પોતાની દરિયાઈ મુસાફરી 'વોયેજ ઓફ બીગલ'માંથી મળેલ જ્ઞાાન અને નમૂનાઓના આધાર ઉપરથી 'ઉત્ક્રાંતિ'ના તારણ પર વહેલા પહોંચી ગયા હતા. આલ્ફ્રેડ વોલેસને સજીવ પ્રજાતિઓ વચ્ચેનો ભેદ અને સર્જનના કારણો સમજાઈ ગયા હોવા છતાં, તેને એક સુરેખ રૃપરેખા હજી આપી ન હોતી.
આગ લાગ્યા પછીના દસ દિવસ સુધી જહાજના સભ્યો અને વોલેસે દસ દિવસ સુધી ખુલ્લી નૌકાઓમાં મધદરિયે પોતાને બચાવી શકે તેવા જહાજની તલાશમાં ગુજારી નાખ્યા. છેવટે બ્રિગ. જોર્ડસન જહાજમાં તેમને બચાવી લેવાયા. અહીં 'બચાવી' લેવો શબ્દ વાપરવો અયોગ્ય છે કારણ કે આલ્ફ્રેડ વોલેસ અને અન્યના માત્ર જીવ બચ્યા હતા. તેમની જિંદગીભરની મહેનત ઉપર 'આગ' ફરી વળી હતી. અપૂરતી ખોરાક સામગ્રી અને અડચણોનો સામનો કરી છેવટે જોર્ડસન જહાજ ૧ ઓક્ટોબર, ૧૮૫૨ના રોજ લંડન પહોંચી ગયું.
લંડન પહોંચી પહેલું કામ તેણે સ્વાદિષ્ટ વાનગીઓની મિજબાની માણવાનું કર્યું. અહીં તેણે બે બાબતે મન મક્કમ કરી લીધું. હવે પછી તે દરિયાઈ મુસાફરી ક્યારેય નહીં કરે. તેનો જે કિંમતી સમય અને સંગ્રહ નાશ પામ્યો છે તે બાબતે દુઃખી થયા વગર ભરપુર આનંદદાયક જીંદગી જીવશે. તેના બેમાંથી એક પણ નિર્ધાર અડગ રહેવાના ન હતા. ખૂબ જ ટૂંકા ગાળામાં તે સંશોધન અર્થે બીજી દરિયાઈ મુસાફરીનું આયોજન કરવાનો હતો. લંડન પહોંચ્યા પછી બ્રિટનના ખ્યાતનામ પ્રકૃતિવિદોમાં તેનું નામ ચર્ચાવા લાગ્યું હતું. કારણ કે...
અનુભવથી તેણે જાણ્યું હતું કે, ચોક્કસ પ્રકારના જીવો ખાસ પ્રકારના પર્યાવરણવાળા ભૌગોલિક ભાગોમાં જ સ્થિર હતા. આ ભૌગોલિક સ્થાનોને નકશા ઉપર આંકીને પૃથ્વીનું જૈવિક વૈવિધ્ય નકશા ઉપર આંકી શકાય તેમ હતું અને અગત્યની બાબત એ હતી કે... સજીવોની વિવિધ જાતિઓ, જૈવિક અને શારીરિક રીતે એકબીજાને મળતી આવતી હતી. આમ છતાં તેમનામાં ક્યાંક ક્યાંક અલગ લક્ષણો પણ દ્રષ્ટિગોચર થતા હતા. આમ બધા જ સજીવોના સમુદાયમાં વૈવિધ્યની સાથે સાથે ભૌગોલિક સીમાઓમાં એકતા દેખાતી હતી. હવે પ્રકૃતિએ સજીવ સૃષ્ટિની વિવિધ જાતિઓનું અસ્તિત્વ કઈ રીતે ઘડવું હતું તેનો જવાબ મેળવી શકાય તેમ હતો. જો કે પૃથ્વી પરની સજીવ સૃષ્ટિનું વૈવિધ્ય નિહાળીને તેમની વચ્ચેના સંબંધો સમજવાની કોશિષ આલ્ફ્રેડ રસેલ વોલેસ પહેલા એક અન્ય બ્રિટિશ યુવાન વ્યક્તિએ કરી હતી. તેનું નામ હતું ચાર્લ્સ ડાર્વિન તેણે પોતાની થિયરીના મૂળિયામાં જઈને ઓરીજીન શોધવાની કોશિષ કરી હતી. જે પ્રમાણે....
ચાર્લ્સ ડાર્વિન જાણી ચૂક્યા હતા કે પૃથ્વી પરના બધા જ સજીવોના પર્વજો કોઈ એક આદિ પ્રજાતિના પૂર્વજમાંથી ઉતરી આવ્યા હતા. જેમ એક વૃક્ષના થડને મુખ્ય પૂર્વજ ગણીએ તો, વિવિધ શાખાઓમાંથી નાની નાની ડાળીઓ ફૂટે તેમ અલગ અલગ પ્રજાતિઓ પેદા થઈ હતી. આ જૈવિક શાખાઓની પેટર્નને હાલમાં આપણે 'ઉત્ક્રાંતિ' તરીકે ઓળખીએ છીએ. આમ થવા પાછળનું મુખ્યકારણ ચાર્લ્સ ડાર્વિન કુદરતના નિયમ એટલે કે કુદરના પ્રાકૃતિક પસંદગીના સિદ્ધાંત એટલે કે નેચરલ સિલેક્શનને માનતા હતા. બસ આવા જ તારણ ઉપર ચાર્લ્સ ડાર્વિન બાદ આલ્ફ્રેડ રસેલ વોલેસ પહોંચ્યા હતા. અહીં નોંધવા જેવી બાબત એ છે કે સજીવ સૃષ્ટિનું બધું જ વૈવિધ્ય કુદરતના નેચરલ સિલેક્શન માનનાર ચાર્લ્સ ડાર્વિન પોતાના મંતવ્ય ઉપર અડગ હતા જ્યારે આલ્ફ્રેડ વોલેસ પોતાની પાછલી જિંદગીમાં વિજ્ઞાાન કરતા અધ્યાત્મવાદ તરફ વધારે ઝૂકી ગયા હતા અને કુદરતના જૈવિક વૈવિધ્ય પાછળના કુદરતી કારણો જાણવા છતાં આ બધું કોઈ અલૌકિક શક્તિ દ્વારા નિર્માણ પામ્યું છે એવું માનવા લાગ્યા હતા. એની વે, આમ છતાં આલ્ફ્રેડ રસેલ વોલેસના વૈજ્ઞાાનિક સંશોધનને તેમના પાછલી જિંદગીના 'સ્પીરીચ્યુઆલીસ્ટ'ના વિચારોના કારણે કોરાણે મૂકી શકાય નહીં. દીવા જેવું વૈજ્ઞાાનિક સત્ય તે સમયના બધા જ પ્રકૃતિવિદ સ્વીકારી ચૂક્યા હતા. છતાં 'ઉત્ક્રાંતિ'ની ઘટના વિશે વાદવિવાદ અને ઉહાપોહ ચાલુ જ હતો અને હજી પણ ચાલુ જ છે. અમેરિકા જેવા શિક્ષિત દેશના નાગરિક મનુષ્યના પૂર્વજો કોઈ મહાકાયી ગ્રેટ એપ્સ હોય તેમ માનવા તૈયાર નથી અને છાશવારે ચાર્લ્સ ડાર્વિનની થિયરી ઓફ ઇવેલ્યુશન સંબંધે બળાપો કાઢે રાખે છે.
આલ્ફ્રેડ રસેલની કમાણીનું મુખ્ય સાધન તેણે વિશ્વના અલગ અલગ ટાપુઓ ફરીને મેળવેલ સજીવોના વિવિધ નમૂનાઓ હતા જે તે વિવિધ નેચરલ સોસાયટી અને રોયલ જ્યોગ્રાફિ સોસાયટી જેવી સંસ્થાઓને અભ્યાસ કર્યા બાદ વેચી નાખતા હતા. એમેઝોનના જંગલોમાં ફરતા ફરતા તેમને હમીંગબર્ડ, વાંદરાઓ અને અન્ય પ્રજાતિઓનું ભૌગોલિક વિતરણ અચંબામાં નાખતું હતું. તેમણે એક આર્ટિકલ પ્રસિદ્ધ કર્યો હતો અને સાદો નિયમ આપ્યો કે, 'દરેક સજીવ સમય અને અવકાશના ચોક્કસ અંતરાલમાં અન્ય પહેલેથી અસ્તિત્વ ધરાવતી જાતિઓ (જેને આપણે કોમન એન્સેન્ટ કહીશું) તેમાંથી વિકસી છે.' આ આર્ટિકલ ચાર્લ્સ ડાર્વિનની પૂર્વ ધારણાને સાચી સાબિત કરતો હતો. પરંતુ હકીકત પણ એ જ છે કે આ તારણ ઉપર આલ્ફ્રેડ વોલેસ સ્વતંત્ર રીતે પહોંચ્યા હતા. ૧૮૫૫માં તેમણે પોતાનો આર્ટિકલ પ્રકાશિત કર્યો હતો.
આર્ટિકલમાં આલ્ફ્રેડ વોલેસે 'ઉત્ક્રાંતિ'ની ભાષા વાપરી ન હતી. નવી જાતિનું સર્જન એટલે 'ઉત્ક્રાંતિ' (ઇવોલ્સ)ના સ્થાને તેમણે ક્રિએટેડ શબ્દ વાપર્યો હતો. યોગાનુયોગે ચાર્લ્સ ડાર્વિન અને આલ્ફ્રેડ રસેલ વોલેસ બંનેએ 'ઉત્ક્રાંતિ'ને લગતા અલગ અલગ પેપર લીનન સોસાયટી ઓફ લંડનની સભામાં રજૂ કર્યા હતા. ૧૮૫૯ના અંત ભાગમાં ચાર્લ્સ ડાર્વિનનું જગવિખ્યાત પુસ્તક 'ઓલ ધ ઓરીજીન ઓફ સ્પીસીસ' પ્રકાશિત થયું અને ચાર્લ્સ ડાર્વિન લાઇમ લાઇટમાં આવી ગયા. અંતે વૈજ્ઞાાનિકોના વૈજ્ઞાાનિક થિયરીના માનસ સર્જનમાં ચાર્લ્સ લ્પેલનો મોટો પ્રભાવ હતો. જેણે 'પ્રિન્સીપલ ઓફ જીઓલોજી' પુસ્તક લખ્યું હતું અને... તેનું બીજું વોલ્યુમ ઉત્ક્રાંતિવાદ ક્ષેત્રે અનોખું પ્રદાન કરનાર એટલે કે તણખો પાડનાર જીન-બાપ્ટીસ્ટ લેમાર્કને અર્પણ કર્યું હતું.
ઉત્ક્રાંતિની દોડમાં ચાર્લ્સ ડાર્વિન શરુઆતથી આગળ હતાં. પોતાના મંતવ્ય અને ઉત્ક્રાંતિની થિયરીને લગતો પત્ર, આલ્ફ્રેડ રસેલ વોલેસ, ચાર્લ્સ ડાર્વિનને લખે તેના છ મહિના પહેલા એટલે કે ૫ સપ્ટેમ્બર ૧૮૫૭ના રોજ પોતાની થિયરીની આઉટલાઇન ચાર્લ્સ ડાર્વિન અમેરિકન વનસ્પતિશાસ્ત્રી આસા ગ્રેને લખી ચૂક્યા હતા. આમે થિયરી ઓફ ઇવોલ્યુશનની ક્રેડિટ છેવટે ચાર્લ્સ ડાર્વિનના ખાતે જમા થાય છે. ૧૮૮૫માં બંને વૈજ્ઞાાનિકના પેપર 'લીનેન સોસાયટી' સામે રજૂ કરવામાં આવે છે. ૧ જુલાઈ ૧૮૫૮ના રોજ પોતાનો પુત્ર સ્કારલેટ ફીવરથી મૃત્યુ પામ્યો હોય છે તેને દફન કરીને ચાર્લ્સ ડાર્વિન સોસાયટીની મીટીંગમાં હાજર રહે છે. આખરે.. આ લેખમાં આલ્ફ્રેડ રસેલ વોલેસને... યાદ કરવાનું કારણ ખરું ?
૨૦૧૩ એ 'વોલેસ યર' છે, ૭ નવેમ્બર ૧૯૧૩ના રોજ વોલેસનું અવસાન થયું હતું એ વાતને આ વર્ષે ૧૦૦ વર્ષ પૂરા થશે. સત્ય એ છે કે વિજ્ઞાાન જગત જાણે છે તે કરતાં વોલેસનું યોગદાન ખૂબ જ વધારે અને મહત્ત્વપૂર્ણ છે. પ્રાકૃતિક પસંદગીના સિદ્ધાંત, કોન્ટીનેન્ટલ ડ્રીફર્ટ અને બાયો-જ્યોગ્રાફીને આકાર આપનાર આલ્ફ્રેડ વોલેસનું સાહિત્ય વાંચવા જેવું છે. એક સર્વેયર તરીકે કારકિર્દી શરુ કરનાર વોલેસ, નિઆથની કાઉન્સિલ બિલ્ડીંગની ડિઝાઇન તૈયાર કરે છે. દક્ષિણ અમેરિકાનો પ્રવાસ કરે છે જ્યાં જંગલોમાં તેના ભાઈ હરબર્ટ વોલેસનું યલો ફીવરથી મૃત્યુ થાય છે. ૧૨ જુલાઈ ૧૮૫૨ના રોજ બિગ હેલેનમાં તે લંડન પાછા ફરવા સમુદ્રી મુસાફરી શરુ કરે છે. મુસાફરીના ૨૬મા દિવસે જહાજમાં આગ લાગે છે અને જહાજ ડૂબી જાય છે. આ બધા દિવસોની વચ્ચે વોલેસ બાયોજ્યોગ્રાફીનું વિજ્ઞાાન વિકસાવે છે. ચાર્લ્સ ડાર્વિન, મિત્રો અને બીજા નિષ્ણાતોની સલાહ માનીને ૧૮૭૬માં વોલેસ નકશો તૈયાર કરે છે, જેમાં વિશ્વના વિવિધ પ્રાણીઓ અને વનસ્પતિની વિવિધ પ્રજાતિઓનું ભૌગોલિક વિસ્તરણ આંકી બતાવે છે. આ વિસ્તરણમાં ક્યાંક અનિયમિતતા પણ દેખાય છે જેને વોલેસ લાઇન કહે છે અને છેવટે 'ધ જીઓગ્રાફિકલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ એનિમલ' પ્રકાશિત થાય છે તેની સિક્વલ જેવી બીજી કિતાબ 'ધ આઇલેન્ડ લાઇફ' ૧૮૮૦માં પ્રકાશિત થાય છે. ૧૮૭૬ના આ નકશામાં સજીવ સૃષ્ટિને છ અલગ અલગ ભૌગોલિક વિસ્તારમાં આવરી લેવામાં આવી હતી.
વોલેસના આ નકશાને ૧૩૭ વર્ષ બાદ ડેન્માર્કના સેન્ટર ફોર મેક્રો-ઇકોલોજીના વરિષ્ઠ વૈજ્ઞાાનિક ડો. બેન હોલ્ટની આગેવાની હેઠળ આધુનિક વૈજ્ઞાાનિકોએ અપડેટ કર્યો છે. આજની તારીખે તેમાં પૃથ્વીને ૧૧ જેટલા ભૌગોલિક વિસ્તારોમાં વહેંચીને, વનસ્પતિ અને પ્રાણીઓનું જૈવિક વિવિધ્ય બતાવવામાં આવ્યું છે. ૧૫ જેટલા વૈજ્ઞાાનિકોની ટીમને વૈજ્ઞાાનિક ડેટા કોમ્પાઇલ કરવામાં ૨૦ વર્ષ લાગ્યા છે. નવા અપડેટેડ નકશામાં ઉત્ક્રાંતિ અને ભૌગોલિક સ્થાનોને લગતી વિગતો છે. ૨૦ હજાર કરતાં વધારે સજીવની પ્રજાતિઓ તેમાં આવરી લેવામાં આવી છે. જેમાં જાણીતા બધા જ સ્તન્યવંશી પ્રાણીઓ, પક્ષીઓ અને ઉભયજીવી સજીવોનો સમાવેશ થાય છે. ડૉ. કાર્સ્ટેન રેહબેક કહ છે કે, આ ફંડામેન્ટલ બાયોલોજી સમજાવતો શીલાલેખ છે.
લંડનના નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમમાં આ વર્ષે આલ્ફ્રેડ રસેલ વોલેસનું કાંસાનું શિલ્પ મૂકવામાં આવશે. વોલેસ માટે ૫૦,૦૦૦ પાઉન્ડનું મેમોરિયલ ફંડ ઉભું કરવામાં આવનાર છે. આ મ્યુઝિયમમાં ચાર્લ્સ ડાર્વિનનું પૂતળું તો છે જ. ડાર્વિનને લાંબા સમય પછી તેનો મિત્ર સ્ટેચ્યુ તરીકે મળશે. વેલ્સમાં આવેલ વોલેસના જન્મ સ્થળને 'મેમોરિયલ પ્લેસ' બનાવી જાળવી રાખવામાં આવશે. ભૂતકાળમાં બ્રિટિશ સમ્રાટ દ્વારા એક વ્યક્તિને આપવામાં આવતો 'હાઇએસ્ટ ઓનર' જેવો ઓર્ડર ઓફ મેરિટ વોલેસને આપવામાં આવ્યો હતો. આલ્ફ્રેડ વોલેસના રહેઠાણની કિંમત સાડા ત્રણ લાખ પાઉન્ડ કરતાં વધારે છે.
૨૦૦૯ને 'બીગ ડાર્વિન યર' તરીકે ઉજવવામાં આવ્યું હતું. કેમ્બ્રિજ યુનિવર્સિટીએ ડો. વાન વીહેની રાહબરીમાં પ્રોજેક્ટ શરુ કરી ડાર્વિનનું સમગ્ર સર્જન ડાર્વિન ઓનલાઇન સ્વરૃપે ઇન્ટરનેટ ઉપર મૂક્યું હતું. ૨૦૧૩ બિગ વોલેસ યર છે. હવે નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપોર, વોલેસ ઓનલાઇન પ્રોજેક્ટ અમલમાં મૂકી રહી છે. ઓનલાઇન ડેટાબેઝમાં ૨૮,૦૦૦ ડોક્યુમેન્ટ હશે. ૨૨,૦૦૦ જેટલા ફોટોગ્રાફ, સ્કેચ વગેરે હશે. ચાર્લ્સ ડાર્વીન માફક વોલેસ પણ એક મહાન સંશોધક- મુસાફર હતા. તેમણે પહેલા બ્રાઝિલમાં (૧૮૪૮- ૧૮૫૩) અને ત્યારબાદ દક્ષિણ- પૂર્વ એશિયામાં (૧૮૫૪- ૧૮૬૨) ૧૮થી ૨૦ વર્ષ ગાળ્યા હતા.
આલ્ફ્રેડ વોલેસે તે સમયના સમકાલીન મહામાનવો જેવા કે, ડેવિડ લોઇડ જ્યોર્જ, વિલિયમ ગ્લેડ સ્ટોન, રડયાર્ડ કિપ્લિંગ, જ્યોર્જ બર્નાર્ડ શૉ, આર્થર કોનન ડાયલ અને ચાર્લ્સ ડાર્વિન સાથે પત્ર વ્યવહાર કર્યો હતો. લંડન નેચરલ હિસ્ટ્રી દ્વારા વોલેસે લખેલા ૪થી ૫ હજાર પત્રો અત્યારે અકબંધ હાલતમાં હોવાની આશા સેવાઈ રહી છે. વોલેસ કોરસપોન્ડન્સ પ્રોજેક્ટ હેઠળ આ બધા પત્રો એકઠા કરવાની કામગીરી પણ લંડનનું નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ કરી રહ્યું છે. ૧૨૦૦ પત્ર વોલેસના કુટુંબીજનો પાસે, બ્રિટીશ લાયબ્રેરીના ૧૭૦૦ પત્રો અને અન્ય પુસ્તકાલયો અને ઇન્સ્ટીટયૂટ પાસે ૨૦૦૦ જેટલા પત્રો એકઠા થવાની સંભાવના છે. આફ્ટર ઓલ લાંબા અંતરાલ બાદ ચાર્લ્સ ડાર્વિનના પડછાયામાંથી વૈજ્ઞાાનિકો આલ્ફ્રેડ રસેલ વોલેસને અલગ તારવી રહ્યા છે.