Monday 4 March 2013

કેમિકલ લોચો:૧૩૦૦ કરતાં વધારે રસાયણો દ્વારા, મનુષ્યની અંતઃસ્ત્રાવી તન્ત્રનો બગાડ.

ફ્યુચર સાયન્સ - કે.આર ચૌધરી.

 

ગયા  વર્ષે યુનાઇટેડ નેશન્સનાં એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇજેશન દ્વારા એક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યુ હતું, જેનું ટાઇટલ હતું ''સ્ટેટ ઓફ સાયન્સ ઓફ ધ એનોફાઇન ડિસરપ્ટિંગ કેમિકલ્સઃ૨૦૧૨''જેમાં ૮૦૦ જેટલા રસાયણોનું લિસ્ટ બન્યુ, જે સજી વ સમુદાય માટે હાનિકારક હતા. આ વર્ષે ફરીવાર આ લિસ્ટ પ્રકાશીત થયું છે ત્યારે રસાયણોની સંખ્યા ૧૩૦૦ થી ઉપર પહોચી ગઇ છે. ચર્ચામાં રહેલા આ રસાયણોનું ખતરનાક કામ શું છે ? ઉતર મેળવતા પહેલાં આગળ વાંચો.
છેલ્લા કેટલાંક સમયથી અમેરિકા, યુરોપ અને અન્ય દેશોમાં કેટલીક અસામાન્ય ઘટનાઓનો ઉલ્લેખ થઇ રહ્યો છે. જેમ કે...
* પુરૃષની જાતીની માછલીઓ સ્ત્રી જાતીના અંગો લઇને જમ્મી રહી છે.
* કેટલાક દેડકાઓને ચારનાં બદલે પાંચ પગ છે. ક્યારેક એક પગ ઓછો હોય તેવા પણ કિસ્સા નોંધાયા છે.
૧૯૮૦નાં દાયકાઓથી આ પ્રકારની અસામાન્ય ઘટનાઓ વૈજ્ઞાાનિકોના ધ્યાનમાં આવતી રહી છે. ૧૯૮૧માં કેલીફોર્નિયા યુનિવર્સીટી દ્વારા કરવામાં આવેલ એક અભ્યાસમાં જોવા મળ્યું કે ''DDT જેવાં રસાયણોનાં સંપર્કમાં આવેલ ગંગા ચકલી (ગલ) નાં પુરૃષ પક્ષીઓમાં માદા પક્ષીના પણ પ્રજનન અંગો જોવા મળ્યા હતા. પ્રાણી પક્ષીઓમાં જોવા મળતી અસરો હવે મનુષ્ય સુધી પહોચી ચૂકી છે. અમેરિકાના નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ એન્વાયરમેન્ટલ હેલ્થ સાયન્સે આવા રસાયણો અને પર્યાવરણનાં કારણે બાળકોના સ્વાસ્થય ઉપર જે ખરાબ અસરો પડી રહી છે તેના અભ્યાસ માટે ખાસ પ્રોગ્રામ ઘડયા છે.વજ્ઞાાનિકો આ ક્ષેત્રે નોંધપાત્ર સંશોધન કરી રહ્યા છે. તેમણે મેળવેલ માહીતી મુજબ... મોટા ભાગના બધા જ રોગો પાછળ ૮૫% ફાળો પર્યાવરણનો રહેલો છે. કેટલાંક રસાયણોનો 'લો ડોઝ' અને પર્યાવરણના કેટલાંક ઘટકો સાથે મળીને મનુષ્યનાં શારીરિક વિકાસ અને માનસિક સ્વાસ્થ્ય માટે ખતરો પેદા કરી રહ્યા છે. બાળકોના યોગ્ય વિકાસમાં બાધારૃપ બનનારા ફેક્ટરની એક યાદી અમેરિકન સંસ્થાએ બહાર પાડી છે. એ મુજબ, હવાનું પ્રદુષણ, પીવાના પાણીમાં આર્સેનિકની અશુદ્ધિ, ડાયોક્સીન નામનું રસાયણ, જંતુનાશક રસાયણો અને છેલ્લે, એનોફાઇન ડિસરપ્ટિંગ કેમિકલ્સ  (EDC) નો સમાવેશ કર્યો છે.''
વૈજ્ઞાાનિકોએ પોતાના સંશોધનોમાં જોયું છે કે ''ન્યુયોર્ક શહેરનાં બાળકો, જેઓ દુષિત હવાના પ્રદુષણમાં જીવે છે. તેઓનો ઇન્ટેલીજન્સ ટેસ્ટ લેતા માલુમ પડયું છે કે'' હવાના પ્રદુષણના ઓછા સંપર્કમાં આવનારા બાળકો કરતાં ન્યુયોર્કના બાળકોનો સ્કોર ઓછો રહે છે. આર્સેનિકવાળુ પાણી પીનારાં બાળકોમાં લીવર, ફેફસા અને કિડનીના કેન્સરની માત્રા વધારે છે. ડાયોક્સીન જેવાં ઝેરી પદાર્થનાં અવશેષો માંસ, ડેરી પ્રોડક્ટ, દરિયાઇ ખોરાક દ્વારા લોકોના પેટમાં જઇ રહ્યા છે. સગર્ભા માતા દ્વારા, ગર્ભનાળ અને સ્તન દુધ દ્વારા નવજાત શીશુનાં શરીરમાં ડાયોક્સીન પ્રવેશી રહ્યું છે, જેનાં કારણે કાતમાં ઇન્ફેક્શન અને ચીકન પોક્સનાં કિસ્સા વધી રહ્યા છે.
અમેરિકામાં દુધાળાં ઢોર વધુ દુધ આપે તે માટે, કુગોમ હોર્મોન્સનાં ઇન્જેક્શનો ઢોરને આપવામાં આવે છે. આવા સિન્થેટીક હોર્મોન્સ દુધ અને દુધની બનાવટ દ્વારા બાળકો સુધી પહોચે છે. હવે માત્ર અમેરિકા જ નહી, ભારતનાં મોટા શહેરોમાં કિશોરીઓના સ્તનોનો વિકાસ સામાન્ય કરતાં વધારે થઇ રહ્યો છે. સ્તનોનાં કદમાં ઉંમર કરતા વધારે વિકાસ થવા પાછળ આવા સિન્થેટીક હોર્મોન્સ જવાબદાર છે. કેટલાંક કિસ્સાઓમાં આનાથી ઉલટુ બની રહ્યું છે. રસાયણોના કારણે મનુષ્ય શરીરમાં રહેલા હોર્મોન્સ એટલે કે અંતઃસ્ત્રાવો તેમની નૈસર્ગીક તાકાત ગુમાવી રહ્યા છે.રસાયણોના કારણે શરીરનું આખું અંતઃસ્ત્રાવ ગ્રંથી તંત્ર એટલે કે ''એન્ડોફાઇન સિસ્ટમ ખોરંભે પડીને ખાડે જઇ રહી છે.'' લેખમાં ચર્ચાનો મુદ્દો પણ આવા એનોફાઇન ડિસરપ્ટર કેમિકલ્સ (EDC) જ છે. આવું શા માટે થઇ રહ્યું છે ? કેટલાંક રસાયણો શરીરમાં જઇ અંતઃસ્ત્રાવ જેવી અસર ઉભી કરે છે અથવા અંતઃસ્ત્રાવોની અસરને આડા માર્ગે ચડાવી દે છે.
૧૯૯૧માં વિસ્કોસીન ખાતે ભરાયેલ કોન્ફરન્સમાં પ્રથમ વાર 'એનોફાઇન ડિસરપ્ટર' શબ્દપ્રયોગ કરવામાં આવ્યો હતો. મનુષ્ય શરીર માટે 'હોર્મોન્સ'એટલે કે અંતસ્ત્રખો ખુબ જ જરૃરી છે. અંતઃસ્ત્રોવો પેદા કરતા તંત્રને અંતઃસ્રાવી તંત્ર કે એનોફાઇન સીસ્ટમ કહે છે. અંતઃસ્રાવોના કારણે શરીરના અંગોનો વિકાસ અને પરીપક્વતા આવે છે. પિરયુટરી, થાઇરોઇઝ, એડીનલ, પેન્ફીયાસ, અંડાશય અને પુરૃષ વૃષણ માં અંતસ્ત્રાવો પેદા થાય છે. આ અંગો દ્વારા પેદા થતા અંતઃસ્ત્રાવો રક્તપ્રવાહમાં ભળીને શરીરમાં ખુણેખુણે પહોચે છે. કેમિકલ મેસેન્જર જેવાં આ અંતસ્ત્રાવો યોગ્ય અંગ પાસે જઇને રાસાયણીક પ્રક્રિયા શરૃ કરે છે. જેનાં કારણે કેટલીક જૈવીક પ્રક્રિયાઓ ઉપર નિયમન થઇ શકે છે.
જ્યારે સિન્થેટીક કેમિકલ્સ કે હોર્મોન્સ, માનવ શરીરમાં પ્રવેશી ને મુળ અંતઃસ્ત્રાવોની ખોટા સમયે મિમીક્રી કરે કે મુળ અંતસ્ત્રાવોના કાર્યને નુકશાન પહોચાડે તેવા રસાયણોને વૈજ્ઞાાનિકોએ એન્ડ્રોફાઇન કિસરપ્ટર્સ નામ આપ્યું છે. ગુજરાતીમાં તેને ''અંતસ્ત્રાવ વિભાજક ''તરીકે ઓળખી શકાય. રસાયણોનું વર્ગીકરણ આગળ કરીએ તે પહેલા... મનુષ્ય આવા રસાયણોનાં સંમ્પર્કમાં કઇ રીતે આવે છે તે જોઇએ. દુષિત પાણી, ખોરાક કે દવા, જંતુનાશક દવાઓવાળા શાકભાજી, ડિટરજન્ટ પાવડર, રેઝીન, પ્લાસ્ટીસાઇઝર્સ વગેરેના ઉપયોગ વખતે મનુષ્ય આવા રસાયણોના સંપર્કમાં આવે છે. પ્લાસ્ટીક બોટલો, કન્ટેનર્સ, ફુડ કેન, રમકડા, સૌદર્ય પ્રસાધનો અને ગાર્ડનીંગ માટે વપરાતાં કેમિકલ્સનાં કારણે પણ માનવીના શરીરમાં EDC પ્રવેશે છે. શરીરમાં ભળેલા આવા રસાયણો મનુષ્યના પ્રજનન અંગો માટે ખુબ જ સમસ્યાઓ સર્જે છે. વૈજ્ઞાાનિકોને પણ શંકા હતી કે આવા રસાયણો ખરેખર મનુષ્યને નુકશાન પહોચાડે ખરા ? ૧૯૫૦ અને ૧૯૬૦નાં દાયકામાં વૈજ્ઞાાનિકોએ સગર્ભા સ્ત્રીઓને ''ડાઇઇથીસસ્ટીબેસ્ટ્રોલ''જેને સિન્થેટીક ઇસ્ટ્રોજેન કહે છે, તેને ટ્રીટમેન્ટ ખાતર લખી આપી હતી. ૧૯૭૧ના ગાળામાં આવી સગર્ભા સ્ત્રીઓથી જન્મેલ કન્યાઓમાં યોની કેન્સરનાં અસામાન્ય લક્ષણો નિહાળ્યા હતા. કેટલીક સ્ત્રીઓમાં અંડાશય અને ગર્ભાશયની ખામીઓ જોવા મળી હતી. હાલનાં તબક્કે બાળકો માટે એનોફાઇન ડિસરપ્ટર કેમિકલ્સનો મોટો ખતરો રહેલો છે.
એનોફાઇન ડિસરપ્ટરની મિકેનિઝમની આછી ઝલક મેળવીએ તો, ખબર પડે કે તેઓ કઇ રીતે કામ કરે છે. EDC મોટા ભાગ મનુષ્યના સેક્સ હોર્મોન્સને આડા પાટે ચડાવે છે. શરીરમાં રહેલા ઇસ્ટ્રોજેન રિસેપ્ટરને તેઓ એક્ટીવેટ કરે છે. અથવા તેની સાથે 'બાઇન્ડ'થઇને ઇસ્ટ્રોજેન તો અસર ઉભી કરે છે. કેટલીક વાર માત્ર ઇસ્ટ્રોજેન રિસેપ્ટર સાથે બાઇન્ડ થાય છે. પરંતુ તેને એક્ટીવેટ કરતાં નથી જેનાં કારણે એન્ટી-ઇસ્ટ્રોજેન ઇફેક્ટ જોવા મળે છે. કેટલાંક રસાયણોેે આ પ્રકારની પ્રક્રિયા નર-અંતસ્ત્રાવો સાથે કરે છે. પુરૃષનાં વૃષણમાં ઇસ્ટ્રોજેનને હજમ કરે (મેટાબોલીઝમ) તેવાં પ્રકારના ખાસ એન્ઝાઇમ્સ હોય છે. જે ઇસ્ટ્રોજેનનાં રેણુઓને તોડી નાખે છે. હવે આ રેણુઓ ઇસ્ટ્રોજન રિસેપ્ટર સાથે જોડાઇ શકતા નથી. EDC ના કારણે ઇસ્ટ્રોજેનની મેટાબોલીઝમ (ચયાપચયની) કામગીરીમાં ઘટાડો થાય છે. ગર્ભાવસ્થા દરમ્યાન ભુ્રણ વિકાસનાં તબક્કે ઇસ્ટ્રોજેનનું એક સામાન્ય લેવલ જળવાઇ રહેવું જોઇએ. EDC કુદરતી અંતસ્ત્રાવોની ચયાપચય પ્રક્રિયા ઘટાડે છે જેનાં કારણે સેક્સ હોર્મોન લેવલ ઉંચું જાય છે.
માનવ શરીરમાં કોષોમાં રહેલા હોર્મોન રિસેપ્ટરની સંખ્યા ઉપર જટીલ પ્રક્રિયા દ્વારા નિયંત્રણ રાખવામાં આવે છે. રસાયણોનાં કારણે મનુષ્ય કોષોમાં રહેલાં આ રિસેપ્ટરોની સંખ્યામાં અસામાન્ય વધારો ઘટાડો થાય છે. આ ઉપરાંત આવા રસાયણો થાઇરોઇડ ગ્રંથી, રોગ પ્રતિરક્ષા પ્રણાલી અને ચેતાતંત્રની કેમિકલ સિગ્નલીંગ સીસ્ટમને નુકશાન પહોચાડે છે. જેથી માનવ શરીરમાં પેદા થતાં કુદરતી અંતસ્ત્રાવોનાં ઉત્પાદન ઉપર પણ અસર પડે છે.
૨૦ ફેબુ્રઆરી ૨૦૧૩ના રોજ યુનાઇટેડ નેશન્સે રજુ કરેલ રિપોર્ટમાં દર્શાવ્યું છે કે ''કેટલાંક દેશોમાં યુવાન પુરૃષોમાં શુક્રાણુની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. તેમનાં વિર્યની ગુણવત્તા પણ નબળી છે જે તેમને સંતાન આપવા માટે અક્ષમ બનાવી રહી છે.''વૈશ્વીક ધોરણે અંતસ્ત્રાવો સાથે સંકળાયેલ, સ્તનનું, અંડાશયનું, પ્રોસ્ટેટનું, વૃષણનું અને થાઇરોડનું કેન્સરનું પ્રમાણ વધેલું જોવા મળ્યું છે. કન્યાઓમાં નાની ઉંમરે સ્તન વિકાસ વધી રહ્યો છે. જે આગળ જતાં બ્રેસ્ટ કેન્સર માટેનું મોટું 'રિસ્ક ફેક્ટર'છ. યુવાનોમાં જનનાંગોનો ખામીજન્ય વિકાસ વધી રહ્યો છે. યુનાઇટેડ નેશન્શનાં નિષ્ણાતો કહે છે કે આ પ્રકારનાં ''સેક્સ ડિસઓર્ડર''એટલાં ટુંકા ગાળાનાં છે. કે તેની પાછળનું કારણ 'જીનેટીક ડિફેક્ટ' હોય તેવું માની શકાતું નથી. પ્રયોગશાળાનાં સંશોધનો દર્શાવે છે કે 'આ બધી સમસ્યાઓનું મૂળ એન્ડોફાઇન ડિસરપ્ટર કેમિકલ છે.'
એનોફાઇન ડિસરપ્ટરનું વર્ગીકરણ કરવું હોય તો ચાર-પાંચ ગુ્રપમાં થઇ શકે. જેમાં DDT, પોલીકલોરીનેટેડ બાયફિનાઇલ (PCBs), બિસ્ફેનોલ એ (BPA), પોલી ખોમીનેટેડ ડાય-ફિનાઇલ ઇથર (PBDEs) અને ફથેલેટેસ. ઝેનોઇસ્ટ્રોજેન જે ઇસ્ટ્રોજેનનું સિન્થેટીક સ્વરૃપ છે. તેવી જ અસરો ઉપર દર્શાવેલાં રસાયણો પેદા કરે છે. પ્લાસ્ટીક બોટલ, બિસ્પેનોલ-એ હોય છે. કાગળ ઉપર સારી રીતે પ્રિન્ટીંગ થઇ શકે તે માટે પણ BPA વાળી માટીનું કોટીંગ ચડાવવામાં આવે છે. ૨૦૧૧નાં એક અભ્યાસ પ્રમાણે અમેરિકાની સગર્ભા મહિલાઓમાંથી ૯૬ % મહિલાઓના શરીરમાં બિસ્ફેનોલ એ ની હાજરી જોવા મળી હતી. પોલી બ્રોમીનેટેડ ડાયફીનાઇલ ઇથર મોટાભાગે ટેલીવીઝન અને કોમ્પ્યુટરનાં પ્લાસ્ટીક કેસ, કાર્પેટ, લાઇટીંગ, કપડાં, કારનાં ભાગ, ફોમ કુશન, વગેરેમાં હોય છે.
પરફ્લોરોઓક્ટેનિક એસીડનાં કારણે થાઇરોઇડનાં અંતસ્ત્રાવોનું લેવલ બદલી નાખે છે. તેનાં કારણે વિર્યની ગુણવત્તા ઘટે છે. તેનાં કારણે નાની ઉંમરની છોકરીઓમાં વહેલો યૌવન પ્રારંભ થઇ જાય છે. પેરાબીન્સ જે સૌદર્ય પ્રસાધનોમાં પ્રિઝરવેટીવ્સ તરીકે વપરાય છે. ક્યારેક તે એન્ટી-બેક્ટેરીઅલ ટુથપેસ્ટમાં પણ હોય છે. આ કેમિકલ ઇસ્ટ્રોજેન જેવી અસર પેદા કરે છે.
બ્યુટીલેટેડ હાઇડ્રોઝાઇનીસોલ, ફુડ પેકેટમાં એન્ટિઓક્સીડેન્ટ તરીકે ઉમેરવામાં આવે છે, જે બ્રેસ્ટ કેન્સર પેદા કરે છે.
હાલમાં ૨૦૦૦ કરતાં વધારે રસાયણો બજારમાં છે, જેનાં સીધા સંપર્કમાં માનવી આવે છે. આ રસાયણો ઝેરી અસર પેદા કરતાં નથી ને તે ચકાસવા માટે સાદા ટેસ્ટ પણ કરવામાં આવતા નથી ત્યારે તેનો એનોક્રાઇન ડિસરપ્ટર તરીકે સંશોધન થાય થે વિચારવું ખુબ જ વધારે પડતું ગણાય. EDC ના જોખમમાંથી બચી શકાય ખરૃ ?
તમારી જાત અને કુંટુબને એનોક્રાઇન ડિસરપ્ટરને વિશે માહિતી અને શિક્ષણ પુરું પાડો. શક્ય હોય ત્યા સુધી ઓર્ગેનિક ખેતીથી પકવેલ શાકભાજી અને અનાજ વાપરવાનો આગ્રહ રાખો. ઘરમાં, બગીચામાં અને કોર્ટ યાર્ડમાં જંતુનાશક દવાઓ, મોસ્કીટો, રીપેલેન્ટ વગેરેનો ઉપયોગ કરવાનું ટાળી દો. નોન-ઓર્ગેનિક ફળો વાપરો ત્યારે તેની છાલ ઉતારીને વાપરવાનો આગ્રહ રાખો. શક્ય હોય ત્યા સુધી ડેરીની પ્રોડક્ટ જેવી કે ચિઝ અને રેડીમેડ માંસાહારી ખોરાકનો ઉપયોગ ન કરો.પ્લાસ્ટીકનાં વાસણમાં ખોરાકને ગરમ ન કરો.માઇક્રોવેવ ઓવનમાં પ્લાસ્ટીકનાં વાસણો ન વાપરો, શક્ય હોય ત્યા સુધી કાચના વાસણોનો માઇક્રોવેવમાં ઉપયોગ કરો. નાના શિશુઓને આપવા માટે પ્લાસ્ટીકનાં ''ટીથર'' કે રમકડા ન આપો. ટુંકમાં ઘરની ચીજ વસ્તુઓમાં પ્લાસ્ટીક, એક્રેલીક અને તેનાં જેવા ઉત્પાદનોનો ઉપયોગ ઘટાડી નાખો. દાંતની સારવાર કરાવો ત્યારે મટકાપુરી એમાલ્ગમનાં સ્થાને પોર્સેલીન, સોનુ કે અન્ય મિશ્ર પદાર્થનો ઉપયોગ કરવા માટે ડેન્ટીસ્ટને જણાવો. કારનો ઉપયોગ ઘટાડો. ચાલવાનું, સાયકલ કે પબ્લીક બસનો ઉપયોગ વધારવાથી હવાનાં પ્રદૂષણમાં ઘટાડો થઇ શકશે. સુપર સ્ટ્રેન્થવાળા ડીટરજન્ટ અને ક્લીનરનો ઉપયોગ કરવો હિતાવહ નથી. એનોફાઇન ડિસરપ્ટર એક્સેન્જ નામની સંસ્થાની લેડી રિસર્ચર કેરોલ ક્વાટકોવસ્કી કહે છે ''હાલમાં ૧૩૦૦ જેટલાં રસાયણોનું લિસ્ટ વૈજ્ઞાાનિકોએ તૈયાર કર્યું છે. આ લિસ્ટમાં સતત વધારો થઇ રહ્યો છે. આપણે ક્યાંક તો આવીને વિરામ લેવો પડશલ, જેથી લિસ્ટમાં વધારો ન થાય. આ લિસ્ટ માત્ર આઇસબર્ગનું ટોપકું છે. નીચે છુપાયેલ બરફનો ડુંગર જોઇ શકાય તેવો નથી.''આપણે એટલુ તો ઇચ્છીએ કે આપણાં શરીરમાં કોઇ કેમિકલ લોચો ન પડે.



No comments: