Monday 1 April 2013

ધ મિકેનિક્સ ઓફ મેન:લીઓનાર્દો-દ-વિન્સીનાં એનોટોમિકલ ડ્રોંઇગનો અનોખો ચિતાર...

 એમઆરઆઇ, સીટીસ્કેન અને 3D સોનોગ્રાફી કરતાં, લિઓનાર્દોએ પાંચસો વર્ષ પહેલા વાપરેલ ટુલ્સ વધારે પાવરફુલ હતાં.


ઓક્ટોબર ૧૫૧૭ની આ વાત છે. ચર્ચના મહત્વના અધિકારી જેને કાર્ડીનલ કહે છે, તેઓ નવા 'પોપ'ની નિમણૂક સર્વાનુમતે કરે છે. આરાગોનના કાર્ડીનલ લુગઇ ઓફ આરાગોન 'લોઇરવેલી'ની મુલાકાત લઇ રહ્યા હતા. તેમની સાથે તેમનો સેક્રેટરી કમ પાદરી એન્તોનીયો દ બેટીસ હતો. બેટીસને રોજનીશી ડાયરી લખવાની આદત હતી. નવમી ઓક્ટોબરના દિવસે તેઓ એમ્બોઇસમાં આવી પહોચ્યા. એમ્બોઇસ એક સુંદર નાનું ગામડું હતું. બીજા દિવસે તેમણે ફ્રેન્ચ ઉમરાવની ગામડાની હવેલીની મુલાકાત લીધી. હવેલીની શોભાનાં તેમણે ભરપેટ વખાણ કર્યા. ત્યારબાદ તેમણે ગામના સૌથી વધારે ચર્ચાસ્પદ અને ખ્યાતનામ ઘરની મુલાકાત લીધી. બેટીસે તેની ડાયરીમાં લખ્યું કે 'ફ્લોરેન્ટાઇનમાં લીઓનાર્દો વિન્સી'નું મકાન અદ્ભૂત હતું.'
કહેવાય છે કે મહેમાનોને ૬૫ વર્ષના લીઓનાર્દોએ કેટલાંક ચિત્રો બતાવ્યાં હતા. જેમાંનું એક 'ફ્લોરેન્ટાઇન'લેડીનું હતું. કદાચ આપણે આ પેઇન્ટીંગને 'મોનાલીસા'નાં નામે ઓળખીએ છીએ. મુલાકાતીઓને આ પેઇન્ટીંગ કરતાં વધારે રસ તેમનાં બીજા ડ્રોઇંગ્સમાં પડયો હોવાનો તેમની ડાયરીનાં લખાણ ઉપરથી માલૂમ પડે છે. બેટીસ તેની ડાયરીમાં નોંધે છે કે આ જેન્ટલમેને શરીર રચના (એનેટોમી) ઉપર ખૂબ જ વિગતવાર લખાણ લખ્યા છે. તેમણે શરીરનાં અંગો, સ્નાયુઓ, ચેતાતંત્રની નેટવર્ક, રક્તવાહીનીઓ, આંતરડાં,અરે ! સ્ત્રી પુરુષનાં જે અંગોની તમે ચર્ચા કરી શકો તે બધાં જ અંગોનું વર્ણન તેમણે કર્યુ છે. આ પહેલાં અન્ય કોઇ વ્યક્તિએ આવું વર્ણન કર્યું હોય તેવું ધ્યાનમાં આવતું નથી. તેણે ડાયરીમાં નોંધ્યું કે ''આ એક એકસ્ટ્રા ઓર્ડીનરી વન્ડર'' હતું. આ બધું જ અમે અમારી નરી આંખે નિહાળ્યું છે.'' કાર્ડીનલ અને પાદરીએ જે ડ્રોઇંગ્સ નરી આંખે નિહાવ્યા હતા, તે ડ્રોઇંગ્સ શરીરશાસ્ત્ર એટલે 'એનેટોમી'ને લગતા હતા. આ ડ્રોઇંગ્સ આવનારા ઓગષ્ટ મહીનામાં બ્રિટનની નેશનલ ગેલેરીમાં પ્રદર્શીત થવાનાં છે. ઓગસ્ટ મહીનામાં એડીનબર્ગ ઇન્ટરનેશનલ ફેસ્ટીવલ યોજાવાનો છે તેમાં આ ડ્રોંઇગ પ્રદર્શીત થવાનાં છે.
લિઓનાર્ડોની ઓળખ આપવાની જરૃર નથી. યુરોપના 'નવજાગૃતિકાળ' રેનેસા પીરીઅડનાં તેઓ ચિત્રકાર ગણાય છે. લીઓનાર્દોને માત્ર ચિત્રકાર કહેવા એ તેમનાં અપમાન બરાબર ગણાય. તેઓ સારાં વૈજ્ઞાનિક, એન્જીનિયર, આર્કિટેક્ટ, જેવા બહુરંગી આવાસ ધરાવતું વ્યક્તિત્વ હતા. જે જમાનામાં એક્સરે, સીટી સ્કેન, એમઆરઆઇ જેવી મેડિકલ ઇમેંજીંગ ટેકનોલોજી વિકસી ન હતી, તેવા સમયમાં જાણે આ ઇમેંજીંગ ટેકનોલોજી અને કોમ્પ્યુટરની મદદથી 3D ચિત્રો બનાવ્યા હોય, તેવા ચિત્રો આજથી  પાંચસો વર્ષ પહેલા બનાવ્યા હતો. ચિત્રોની પાસે 'મીરર રાઇટીંગ' એટલે કે જે લખાણને અરીસામાં રાખીને વાંચી શકાય તેવું લખ્યું હતું. આવું લખાણ લખવું એ 'લીઓનાર્દો'ની વિશેષતા ગણાય છે. લખાણની મીરર ઇમેજ તૈયાર કરવીએ પણ જહેમત માંગી લે તેવું કામ છે.
લિઓનાર્દોના ડ્રોઇંગમાં કેટલી સચ્ચાઇ, કેટલી વાસ્તવિક્તા છે તે જોવા માટે વૈજ્ઞાનિકોએ લિઓનાર્દોએ જે અંગોના ચિત્રો દોર્યા છે તે અંગોની એમઆરઆઇ દ્વારા ઇમેજો તૈયાર કરી છે. આગામી પ્રદર્શનમાં લીઓનાર્દોનાં ડ્રોઇંગ્સની સાથે સાથે MRI અથવા સીટી સ્કેનની ઇમેજો પણ મુકવામાં આવશે. કલા પારખું અને દર્શકો જાતે જ નક્કી કરી શકશે કે કઇ ઇમેજ સારી છે, લીઓનાર્દોની કે આધુનિક ટેકનોલોજીની ? આ સરખામણી કરવા આધુનિક ઇમેજો મુકવા પાછળનો એક માત્ર આશય એ છે કે લોકોને જાણવા મળે કે ''તબીબી જ્ઞાન અને ટેકનોલોજીનાં અભાવ હોવા છતાં લીઓનાર્દોએ કેટલી કુશળતાથી એનેટોમીને લગતાં ડ્રોઇંગ્સ તૈયાર કર્યા છે. કલાના ઇતિહાસમાં એનેટોમીના આટલાં વિગતપૂર્ણ ડ્રોઇંગ્સ અત્યાર સુધી કોઇને તૈયાર કર્યા નથી. લિઓનાર્દોએ દોરેલ ડ્રોઇંગ્સની લગભગ પાંચ સદી વીતી ગયા બાદ પણ તે આજની મોડર્ન સોસાયટીને સુસંગત થાય તેવાં ચિત્રો છે. આજનાં તબીબોને પણ આ ડ્રોઇંગ્સ ૧૦૦% એક્યુરેટ લાગે છે. બસ એટલું જ કહી શકાય કે ''લીઓનાર્દો વોઝ રાઇટ.'' લિઓનાર્દોના ચિત્રોની વિગતવાર વાત કરીએ તો, તેને ૧૫૧૦-૧૧ની આસપાસ દોરવામાં આવ્યા છે. ચિત્રો બનાવતા પહેલાં તેણે મનુષ્યનાં ૩૦ કરતાં વધારે શબ ઉપર 'ડિસેક્શન'કર્યા હતાં. જેમાં હાડકા, સ્નાયુ અને માસપેસીઓને આબેહુબ ચિતરવામાં આવી છે. હૃદયના ચિત્રમાં હાર્ટની 'પમ્પીંગ એક્શન'ને પણ બેમિસાલ રીતે ચિતરવામાં આવી છે. આજની આધુનિક મેડિકલ વિડીયો જોતા હો તેવી સચોટ 'બ્લડ મુવમેન્ટ'ચિત્રમાં બતાવવામાં આવી છે.
ચિત્રકારની ખાસીયત એ છે કે કરોડરજ્જુનાં હાડકાની સાચી ગોઠવણનું સૌથી પહેલું સચોટ ચિત્ર લીઓનાર્દોએ બનાવ્યું છે. આ ઉપરાંત માતાના ગર્ભમાં રહેલ બાળકને પણ આધુનિક 3D ટેકનોલોજી માફક આબેહુબ ચિતરેલ છે. આ ચિત્રો ઓગષ્ટ મહિનામાં કવિન્સ ગેલેરી, પેલેસ ઓફ હોલીરૃડ હાઉસ ખાતે પ્રદર્શીત થશે. પ્રદર્શનનું ટાઇટલ છે : લિઓનાર્દો-દ-વિન્સી : "ધ મિકેનિક્સ ઓફ મેન". રાણીના શાહી ખજાનામાં રહેલા ૨૪૦ ડ્રોઇંગ્સમાંથી સીલેકટેડ ચિત્રો રજુ કરવામાં આવશે.
વિશ્વનું આ પ્રથમ પ્રદર્શન છે જેમાં કલાકારની કૃતિઓ સાથે આધુનિક મેડિકલ ઇમેંજીગ ટેકનોલોજી દ્વારા લીધેલ ચિત્રો પણ પ્રદર્શીત થશે. લિઓનાદો તેમના સમય કરતાં પાંચ સદી આગળ હતો એ વાત આ પ્રદર્શન પુરવાર કરી બતાવશે. રેનેસા પીરીયડનાં તે એક જાયન્ટ સ્વપ્નદ્રષ્ટ્રા હતાં. તેમણે એવા ચિત્રો દોર્યા છે. જેની ટેકનોલોજી સદીઓ બાદ વિકસાવવામાં વૈજ્ઞાનિકોને સફળતા મળી છે. હેલીકોપ્ટરનો સ્કેચ જોઇને આપણને ખ્યાલ આવે કે લીઓનાદોમાં કેવો સારો મિકેનિક્સ, એન્જીનિયર અને ઇન્વેટરનો પ્રાણ વસતો હતો.
શરૃઆતમાં લિઓનાર્દોએ પોતાના પેઇન્ટીંગમાં નેચરલ માસ્ટરી લાવવા માટે માનવ શરીરનો અભ્યાસ કરવાનું શરૃ કર્યું હતું. પરંતુ પોતાના સ્કેચને જોઇને લાગ્યું કે તેણે માનવશરીર શાસ્ત્રને લગતો ગ્રંથ લખવો જોઇએ. અને તેણે આ દિશામાં દિલ લગાવીને કામ કરવાનું શરૃ કરી દીધુ હતું. શરૃઆતમાં તેમણે હોસ્પિટલ અને મેડીકલ સ્કૂલમાં ૩૦ જેટલા મૃતદેહોનું ''પોસ્ટમોર્ટમ''કરીને સેકડો ચિત્રો બનાવ્યા હતા. નોટબુક્સમાં વિગતવાર વર્ણનો લખ્યા હતા. જેમાનાં કેટલાક ૧૫૧૦-૧૧નાં સમયગાળામાં શિયાળામાં બનાવવામાં આવ્યા છે. યુનિવસીર્ટી ઓફ પાવીઆની સાથે સંકળાએલ મેડિકલ સ્કૂલમાં, તે સમયનાં એનેટોમીનાં પ્રોફેસર માર્કેન્ટોનીઓ ડેલા ટોરેનાં સહયોગમાં ૨૦ મૃતદેહોને કાપીકૂપીને પોતાના ડ્રોઇંગ્સ તૈયાર કર્યા હતો, જેમાની ૧૮ શીટોને કલાજગતમાં લીઓનાદોની એનેટોમીકલ મેન્યુસ્ક્રીપ્ટ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં ૨૪૦ જેટલાં વિવિધ અંગોના સ્કેચ છે. ૧૩,૦૦૦ કરતાં વધારે શબ્દોમાં શરીરવિજ્ઞાનનું વર્ણન છે. આમ જોવા જઇએ તો ચિત્રો જ એટલાં પરફેક્ટ છે કે શબ્દોના વર્ણનની તેને જરૃર નથી. આ એક સુખદ યોગાનુયોગ છે કે ''ગુજરાત સમાચારે શરૃ કરેલ સાયન્સ @ નોલેજ.કોમની પ્રથમ કવર સ્ટોરીમાં પણ લિઓનાર્દો-દ-વીન્સીના એનેટોમીકલ ડ્રોઇંગની ચર્ચા કરી હતી. બાય ધ વે તે સમયે બીજી ઇન્ટરનેશન સાયન્સ કોન્ફરન્સ માટે હું લિઓનાર્દો ઉપર પોસ્ટર ડિઝાઇન તૈયાર કરી રહ્યો હતો. સાયન્સ @ નોલેજ.કોમની પ્રથમ પૂર્તિ ૧૬-૦૬-૨૦૦૩નાં રોજ છપાઇ હતી. આજે દસ વર્ષ બાદ રવિપૂર્તિમાં ફ્યૂચર સાયન્સની કોલમમાં ફરીવાર લિઓનાર્દોની ચર્ચા છે. આ સમયગાળામાં અવિરત રીતે પાંચસો કરતાં વધારે લેખો પ્રકાશિત થઇ ચુક્યા છે.
લિઓનાર્દો જ્યારે તેના ગુરૃ આન્દ્રીયા દેલ વેરાસીયો પાસે પેઇન્ટીંગની તાલીમ લઇ રહ્યા હતા ત્યારે, ગુરૃએ તેના દરેક શિલ્પ માટે દબાણપૂર્વક માનવ શરીર અને શરીર રચનાનું ઉંડુ જ્ઞાન મેળવવાની તાકીદ કરી હતી. લિઓનાર્દોમાં રહેલ આર્ટીસ્ટે ખુબ જ ઝડપથી 'ટોપોગ્રાફીક એનેટોમી'માં માસ્ટરી મેળવી લીધી હતી. સફળ આર્ટીસ્ટ તરીકે નામના મેળવતા તેમને ફ્લોરેન્સની હોસ્પિટલ ઓફ સાન્તા મારીયા નુઓવામાં મડદાની ચીરફાડ કરવા માટે પરવાનગી મળી ગઇ હતી. મનુષ્યનાં અસ્થીપીંજરનાં પણ લીઓએ અસંખ્ય ડ્રોઇંગ બનાવ્યા હતા. આટલું પુરતું નથી. હાડકાનાં કાર્યો કરવા માટે હાડકા અને સ્નાયુઓ કેટલા પ્રમાણમાં બળ વાપરે છે તેની ગણતરીઓ પણ કરી હતી. આધુનિક સમયમાં આવો અભ્યાસ 'બાયો મિકેનિક્સ'નામની વિજ્ઞાન શાખામાં થાય છે. લીઓએ માનવશરીર ક્રિયા વિજ્ઞાાનમાં ઉંમર વધવાનો પ્રભાવ અને લાગણીઓમાં કેવા ફેરફાર આવે છે, તેનો વિગતવાર અભ્યાસ કર્યો હતો. તેણે ઉંમર અથવા રોગનાં કારણે માનવ ચહેરામાં થતી વિકૃતિઓના ડ્રોઇંગ પણ બનાવ્યા છે. માત્ર મનુષ્ય જ નહી તેમણે પક્ષીઓ, વાંદરા, રીછ અને દેડકાનાં શરીર શાસ્ત્રનો અભ્યાસ કરી ડ્રોઇંગ બનાવ્યા હતા, જેની સરખામણી માનવશરીર સાથે પણ કરી હતી- જાણે ઉત્કાંતિ વિશે તેઓ સંશોધન કરી રહ્યા ના હોય. ઘોડો તેમનાં અભ્યાસનું મહત્વપૂર્ણ પ્રાણી હતું. ઘોડાનાં પણ અસંખ્ય ડ્રોઇંગ્સ તેમણે બનાવ્યા છે.
લીઓના એક ચિત્રમાં હાથને વિવિધ લેયરમાં ચાર ડિસેક્શનમાં કાપીને હાથની રચના દોરી આપી છે. શરૃઆત તેણે હાડકાઓ દોરીને કરી છે. પછી તેમાં હથેળીનાં સ્નાયુઓ ઉમેર્યા છે. તે પછી સ્નાયુઓ અને હાડકાને એકબીજા સાથે મજબૂતથી પકડી રાખનાર ''ટેન્ડેન''(રજજુ) દોરી આપ્યા છે. તેને પણ બે લેયરમાં દર્શાવ્યા છે. ખભાના સ્નાયુઓ દર્શાવવા સમગ્ર બાહુ (આર્મ)ને અલગ અલગ આઠ જેટલાં ન્યુ પોઇન્ટથી દોર્યા છે, જેથી માનવ શરીરને ૧૮૦ ડિગ્રી એ ગોળ ફેરવીને તેટલી ચોક્સાઇથી ડ્રોઇંગ તૈયાર થયા છે. પ્રદર્શનમાં ખભાની 3D ફિલ્મ આધુનિક ટેકનીકથી બનાવી છે તે પણ દર્શાવવામાં આવશે. સાથે સાથે બાજુમાં 'લીઓ'નાં એક્યુરેટ ડ્રોઇંગ હશે.
લીઓની મહત્વની ખાસીયત એ છે કે કરોડરજ્જુનું આબેહુબ ચિત્રાંકન તેમણે કર્યુ છે. લીઓનાર્દોએ તેનાં  પોસ્ટમોર્ટમ ડિસેકશનની વિગતો નોંધી છે, તેમાં ૧૦૦ વર્ષનાં વૃધ્ધ માનવીનું ડિસેક્શન કરી તેણે લીવરનાં 'સોરાયસીસ'રોગનાં વર્ણનો લખ્યા છે. લીઓએ જે ગર્ભમાં રહેલ બાળકનું ડ્રોઇંગ બનાવ્યું છે તેની બાજુમાંજ આધુનિક 3D અલ્ટ્રાસાઉન્ડ ટેકનીકથી લીધેલ સ્ત્રીના ગર્ભમાં રહેલ બાળકની મેડિકલ ઇમેજ પણ દર્શાવવામાં આવશે.
નિષ્ણાંતો કહે છે કે 'લીઓ'જ્યારે પેઇન્ટીંગ બનાવતા ત્યારે તેને પૂર્ણ કરવા સુધીની કક્ષાએ પહોચતાં તેમને ઘણી મુશ્કેલીઓ પડતી હતી. અડધી સદીની તેની કારકીર્દીમાં લીઓએ ૨૦ કરતાં વધારે પેઇન્ટીંગ બનાવ્યા નથી. જેમાંનાં ૧૫ પેઇન્ટીંગ્સ અત્યારે હયાત છે. કલા નિષ્ણાતો એક મતે સ્વીકારે છે કે આ પેઇન્ટીંગ લીઓનાર્દોના જ છે. બાકીના ચાર ચિત્રો અધુરા છે. પેઇન્ટીંગ કરતાં એનોટોમીકલ ડ્રોઇંગ બાબતે ઉલટું બન્યું છે. તેમાંનાં કોઇ ડ્રોંઇગ અધુરા નથી. ત્રીસીની વયે પહોચ્યા બાદ લીઓએ નોંધપોથી રાખવાની શરૃઆત કરી હતી. જેમાં દરરોજની અંદાજે એક કે બે શીટ ઉપર ડ્રોઇંગ કરેલા છે. અને સાથે સાથે લખાણ પણ છે. ૧૫૧૯માં ૬૭ વર્ષની ઉંમરે તેનું અવસાન થયું ત્યાં સુધી દરરોજની એક-બે શીટ દોરવાનો ક્રમ જાળવી રાખ્યો હતો. આ ખજાનાનો મોટો હિસ્સો તેનાં મિત્ર અને વિદ્યાર્થી ફ્રાન્સેસકો મેલ્ઝીને મળ્યો હતો. આશરે ૭૦૦૦ જેટલી દોરેલી શીટો હાલ અસ્તિત્વમાં અને ઉપલબ્ધ છે.
લીઓનાર્દોનાં એનોટોમીકલ ડ્રોઇંગ્સનો ઇતિહાસ પણ જટીલ છે. લીઓના મૃત્યુ બાદ તેની બધી સામગ્રી, એમ્બોઇસમાં લીઓ સાથે રહેનાર ફ્રાન્સેસ્કો મેલ્ઝીને મળી હતી. મેલ્ઝીનું અવસાન થતાં, તેનાં કુટુંબે લીઓના મોટાભાગના પેપર મૂર્તિકાર કલાકાર પોમ્પેઓ લેઓનીને વેચી માર્યા હતા. તેણે છુટી છુટી શીટોને એકઠી કરીને અલગ અલગ વોલ્યુમમાં બાંધી દીધી. જેમાંનું એક વોલ્યુમ એનોટોમીકલ ડ્રોઇંગનું હતું. (જે હાલમાં રોયલ લાયબ્રેરી, વિન્ડસરમાં છે) ૧૬૦૮માં લેઓની મેડ્રીકમાં મૃત્યુ પામ્યો ત્યારે તેની પાસેના લીઓના બધાજ ડ્રોઇંગ, અર્લ ઓફ એરૃનડેલનાં હાથમાં આવ્યા. તે જમાનાનો અર્લ ઓફ એરૃનડેલ અંગ્રેજ ઉમરાવ અને કલાકૃતિઓનો સંગ્રહકર્તા હતો. બ્રિટનમાં જ્યારે સીવીલ વોર (આંતરવિગ્રહ) ફાટી નિકળ્યું ત્યારે એરૃનડેલે ઇગ્લેંન્ડ છોડી અન્ય દેશમાં આશરો લીધો હતો. છેવટે તે ઇટાલીમાં મૃત્યુ પામ્યો. તે પછી શું બન્યુ તેનો ઇતિહાસ ધૂંધળો છે. એક શક્યતા પ્રમાણે, ત્યાર બાદ બ્રિટનના ગાદીવારસ ચાર્લ્સ બીજાએ આ ખજાનો ખરીદ્યો હતો. કોમવેલના શાસનકાળમાં ચાર્લ્સ બીજો દેશનિકાલ પામેલ હતો. છેવટે ગમે તે બન્યુ પરંતુ ૧૭મી સદીમાં લિઓનાર્દાે ના ડ્રોઇંગ બ્રિટિશ રોયલ કલેકશનની શોભા વધારી રહ્યા હતા. ૧૬૯૮માં વાઇટ હોલ પેલેસમાં લાગેલી આગમાં પાતળી માર્જીનની સંખ્યામાં, લીઓનાર્દોનાં એનોટોમીકલ ડ્રોઇંગ્સ માંડ માંડ બચ્યા હતા.
હાલમાં રોયલ લાયબ્રેરીમાં લીઓનાં ૨૦૦ જેટલાં ડ્રોઇંગ્સ છે. (લીઓએ સ્ત્રી અને પુરૃષનાં પ્રજનન તંત્રના દોરેલા ડ્રોઇંગ્સ હાલમાં વેઇમરની આર્ટ ગેલેરીમાં છે.) સદીઓ સુધી તેનાં ઉપર કોઇએ ધ્યાન આપ્યું નહી. પ્રસંગોપાત રસ ધરાવનારા તેનું અવલોકન કરતાં હતા, જેમાં ૧૮મી સદીનાં જગવિખ્યાત એનોટોમીસ્ટ વિલીયમ હન્ટરનો પણ સમાવેશ થાય છે. ૧૯મી સદી સુધી લીઓનાર્દોના એનોટોમીકલ ડ્રોઇંગ્સનું પ્રકાશન થયું ન હતું.
લીઓનાર્દોના અવસાનના એક દાયકા બાદ, પાઓલો જીઓવીઓએ લીઓનાર્દોની મહેનતનું અલગ અંદાજમાં બયાન લખ્યું છે. પાઓલો એક સારો લેખક હતો. તેણે નોંધ્યું કે ''રેનેસાની ડિટેક્ટીવ સ્ટોરીમાં લીઓનાર્દો, પેથોલોજીસ્ટની ચિવટતાથી અંગોનો અભ્યાસ કરતો હતો.''પાઓલો, લીઓને વ્યક્તિગત રીતે જાણતો હતો. તે નોંધે છે કે લીઓ તે સમયનાં ગુનેગારોનાં મૃતદેહોને હોસ્પિટલમાં ચીરફાડ કરી પોતાની જ્ઞાનપિપાસા સંતોષતો હતો. લીઓની ઇચ્છા હતી કે, વર્ષો સુધી તેણે જેના માટે આટલી મહેનત કરી છે તે એનોટોમીકલ વર્ક, તાંબાના પતરાં ઉપર એન્ગ્રેવીંગ પામીને 'ક્લા'ને લાભકારી બની રહે.
લેખક આગળ નોંધે છે કે 'મૃતદેહનું ડિસેક્શન કરવું એ તે જમાનામાં ઘૃણાસ્પદ કાર્ય ગણાતું હતું. ત્યારે મૃતદેહને સાચવી રાખવા માટે કોલ્ડ સ્ટોરેજ કે રેફરીજેટર કે અન્ય સાચવણીની ટેકનીક ઉપલબ્ધ ન હતી. લીઓને ખુદ આ કામ કરતા ઉબકા આવતા અને સુગ ચડતી હતી. પોતાની નોંધપોથીમાં તે લખે છે.'તમને પોતાને જ્યારે પેટમાં આંતરડા ઉપર ચડી જાય ત્યારે ગભરાટ છુટી જાય''એક નોટમાં તે નોંધે છે કે નિર્જન રાત્રીઓ આ મૃતમાનવીઓની કંપનીમાં વિતાવવી એ ભયાનક, ખોફનાક દશા હોય છે. ડિસેકશનની ટેકનીક માટે લીઓનાર્દો નોંધે છે કે તે તિક્ષ્ણ ચીપીયા, અણીદાર દાંતની બનેલ કરવત અને તબીબી સર્જરીમાં વપરાંતી સ્કાલપેલ માત્ર વાપરતો. (લીઓએ લખાણમાં પોતાની જાતને ત્રીજા પુરૃષ એકવચનમાં ઉદેશી છે. આ તેની લાક્ષણીક્તા હતી.) લીઓનાર્દો એક સેન્સેટીવ પેઇન્ટર હતો તો પછી ? મૃતદેહો ઉપર છરી અને કરવત ચલાવવાનો કસબ તેણે શા માટે અપનાવ્યો હતો ?
એન્તોનીયો દ બેટીસ પોતાની ડાયરીમાં નોંધે છે કે ''લિઓનાર્દોએ ત્રીસ કરતાં વધારે સ્ત્રી પુરૃષોના શબ છેદન કર્યા હતા ! તેણે શા માટે આવી ભયંકર, બિહામણી અને વિકરાળ અગ્નિપરીક્ષા આપી હતી ! આપણે જાણીએ છે કે દિલથી લીઓનાર્દો આર્ટીસ્ટ હતો અને દિમાગથી તે એક વૈજ્ઞાનિક કરતાં આગળનું ભવિષ્ય જોનાર સ્વપ્નદ્રષ્ટા હતો. લિઓનાર્દોના એનોટોમીકલ ડ્રોઇંગ સાબિત કરી બતાવે છે કે આજના MRI સીટીસ્કેન, 3D ઇમેંજીંગ કરતાં, પાંચસો વર્ષ પહેલાં વાપરેલ છરી, ચીપીઆ, કરવત અને પેન્સીલ વધારે પાવરફુલ સાબિત થયા છે.'' લીઓનાર્દો દ વિન્સીએ આખી જીંદગી કલા, કસબ અને કલાકૃતિ સર્જવા માટે હમેશાં ''એક્સટ્રીમ લાઇન''ઉપર જઇને જ કામ કર્યું છે.

પ્રકાશન: ૩૧ માર્ચ ૨૦૧૩ (ગુજરાત સમાચાર, રવિપૂર્તી - ફ્યુચર સાયન્સ કોલમ.)

''માર્સ ડેઝર્ટ રિસર્ચ સ્ટેશન'' : મંગળ ગ્રહ ઉપર કરવાની કામગીરીનું, પૃથ્વી ઉપર રિહર્સલ કરતા વૈજ્ઞાનિકો..

અમેરિકાનો ઉટોહનો રણપ્રદેશ છે તેનાં ઉપર નજર નાખો તો તમને એમ જ લાગે કે પૃથ્વી પર કેટલોક ભાગ કુદરતી રીતે જ મંગળ જેવો થઈ ગયો છે. માત્ર ભૌગોલિક વિગતો જ નહીં, પર્યાવરણ અને આબોહવા પણ મંગળ જેવી છે

અમેરિકાની ખ્યાતનામ 'નાસા' માનવીને મંગળ ઉપર ઉતારશે, તેના માટે પૃથ્વીવાસીઓએ ૨૦ વર્ષ કરતાં વધારે રાહ જોવી પડશે. ૨૦૧૦માં અમેરીકન પ્રમુખ બરાક ઓબામાએ અમેરિકન નાગરીકને ફરીવાર ચંદ્ર ઉપર ઉતારવાના બીલ ઉપર, પ્રોગ્રામ કેન્સલનો શેરો મારીને, ''મિશન મુન''ને અભરાઈ ઉપર ચડાવી દીધું હતું. ૨૦૨૫માં એક એસ્ટ્રોઈડ ઉપર માનવીને ઉતારવાનો પ્લાન ''નાસા''નો છે. ત્યારબાદ ૨૦૩૦ના દાયકામાં મંગળનો વારો આવે તેવું લાગે છે. 'માર્સ વન' નામનો એક ખાનગી પ્રોજેક્ટ ૨૦૧૨માં શરૃ થયો છે. જેનો મુખ્ય હેતું મંગળ ઉપર ૨૦૨૩માં માનવ વસવાટ ઉભો કરવાનો છે. વિવિધ પ્રોજેક્ટને અમલમાં આવતાં, એટલીસ્ટ ૧૫ વર્ષતો લાગી જશે જ. નાટક પહેલાં રિહર્સલ થાય તેમ, પૃથ્વી પર મંગળનું સર્જન થયું છે. અમેરિકાનો ઉટોહનો રણપ્રદેશ છે તેનાં ઉપર નજર નાખો તો તમને એમ જ લાગે કે પૃથ્વી પર કેટલોક ભાગ કુદરતી રીતે જ મંગળ જેવો થઈ ગયો છે. માત્ર ભૌગોલિક વિગતો જ નહીં, પર્યાવરણ અને આબોહવા પણ મંગળ જેવી છે. બસ વૈજ્ઞાનિકોને આટલું જોઈતું હતું. જો ખરેખર માનવીને મંગળ ઉપર ઉતારવો હોય તો શું થાય ? તેનાં વસવાટ કેવાં હોવા જોઈએ ? સંદેશાવ્યવહારનું સ્ટેશન કેવું હોવું જોઈએ ? માનવી ઉતર્યા પછી વાહન વ્યવહાર માટે શું વાપરશે ? આ બધા સવાલોનાં જવાબ માટે વૈજ્ઞાનિકો મંગળ ઉપર ઉતર્યા પહેલાં જ, પૃથ્વી પર 'મંગળ' અભિયાન શરૃ કરીને એક ગ્રાન્ડ માર્સ મિશનનું રિહર્સલ છેલ્લાં એક દાયકાથી કરી રહેલ છે. મનુષ્ય મંગળ ઉપર ઉતરે એ પહેલાં જ, પૃથ્વી ઉપર ''માર્સ બેઝ'' ઉભો કરી નાખ્યો છે, જેને માર્સ ડેઝર્ટ રિસર્ચ સ્ટેશન (MDRS) કહે છે.
ફોટો જર્નાલીસ્ટ જીમ ઉર્કુહાર્ટનું પણ સ્વપ્ન છે. તેને અંતરિક્ષમાં જવું છે. અંતરિક્ષમાં જઈને ફોટોગ્રાફી કરવી છે. તેનું સ્વપ્ન સાકાર થાય તે પહેલાં જ, તે તેનાં સ્વપ્નાંની નજીક પહોંચી ગયો છે. ઉટાહનાં રણપ્રદેશમાં આવેલ માર્સ ડેઝર્ટ રિસર્ચ સ્ટેશન ઉપર તે પહોંચી ગયો છે. અહીં કાર્યરત વૈજ્ઞાનિકોની ટીમનું તેણે ફોટો ડોક્યુમેશન કર્યું છે. તેણે જે સુંદર તસ્વીરો લીધી છે તેને ધ ગાર્ડીયન, ધ ડેઈલી મેઈલ, ધ ઈન્ડીપેન્ડન્ટ, ટાઈમ્સ ગ્રુપ્ અને અન્ય અખબારોએ છાપી છે. જીમ ઉર્કુહાર્ટની તસ્વીરો જોઈને કોઈ એમ નહી કહી શકે કે ''આ પૃથ્વી પરથી લીધેલ ફોટોગ્રાફસ છે.''
જીમ ઉર્કુહાર્ટ, ઉટાહનાં રણમાં આવેલ માર્સ ડેઝર્ટ રિસર્ચ સ્ટેશન ઉપર જઈ આવ્યા તે હેન્કવિલે પાસે આવેલું છે. માર્સ સ્ટાઈલની માનવ વસાહત ૨૦૦૨માં અહીં ઉભી થઈ ત્યારથી અત્યાર સુધી અહીં ૧૨૬ ટીમ આવીને રહી ચુકી છે. આ સ્ટેશન બનાવવા પાછળનો મુખ્ય મકસદ એ છે કે ''મનુષ્ય મંગળ ઉપર ઉતરે તે પહેલાં, વિવિધ વૈજ્ઞાનિક ઉપકરણો, ટુલ્સ અને ટેકનીકનો આ માર્સ સ્ટેશન ઉપર ઉપયોગ કરીને, અનુભવ મેળવી લે. અહીં લગભગ ૬ જેટલાં લોકો એક વૈજ્ઞાનિક અભિયાન લઈને આવે છે અને....લગભગ ૧૫ દીવસ જેટલો સમય અહીં વિતાવે છે. તેમને લાગે છે કે તેમણે ખરેખર મંગળ ઉપર જ પોતાનું વાસ્તવિક સંશોધન કર્યું છે.'' ઉટાહ રણનો કેટલોક ભાગ મંગળની માફક ઠંડો, અને સુકો પ્રદેશ છે. મંગળ જેવું જ વાતાવરણ અને ભુસ્થળ મળે તે માટે કેનેડીયન આર્કટીક, નોર્વેનો સ્વાલબાર્ડ મુખ ત્રીકોણ પ્રદેશ, ઈટાલીઅન ગુફાઓ (સાર્ડીનીયા ટાપુ) અને રશિયામાં પણ ખાસ પ્રકારની લેબોરેટરી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
અહીં આવનારાંમાં નાસાનાં સંશોધકો, વૈજ્ઞાનિકો, વિજ્ઞાન શિક્ષકો અને વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે ક્યારેક ક્યારેક તેમાં પત્રકાર અને ફોટોગ્રાફરને પણ સામેલ કરવામાં આવે છે. અનુભવ માટે આવનારાં વિદ્યાર્થીને ટ્રાવેલીંગ ખર્ચ પેટે ૫૦૦ ડોલરનું સ્ટાઇપેન્ડ 'નાસા' દ્વારાં આપવામાં આવે છે. છ વ્યક્તિની એક ટુકડી અહીં બે અઠવાડીયા માટે આવે છે. અત્યારે અહીં પેરુની ૧૨૬ ટુકડી આવેલી છે. કમાંન્ડર, એક્ઝીક્યુટીવ ઓફીસર, હેલ્થ એન્ડ સેફટી ઓફીસર, ક્રુ બાયોલોજીસ્ટ, ક્રુ જીઓલોજીસ્ટ અને ક્રુ એન્જીનીયર તરીકે અહીં સંશોધકો સેવા આપે છે. ક્રુ ટીમમાં મુખ્યત્વે ખગોળશાસ્ત્રી, ભૌતિકશાસ્ત્રી, જીવવિજ્ઞાની, ભૂસ્તરશાસ્ત્રી, એન્જીનીયર્સ વગેરે ભાગ લે છે.
રોબર્ટ ઝુબ્રીન અમેરિકન એરો-સ્પેસ એન્જીનિયર છે. મંગળ ઉપર માનવીને ઉતારવાની તેઓ શરૃઆતથી જ ભલામણ કરતાં આવ્યાં છે. મંગળ યાત્રાનો ખર્ચ કઈ રીતે ઘટાડી શકાય તે બાબતે હંમેશાં તેઓ વિચારશીલ રહે છે. મંગળનાં વાતાવરણનો જ ઓકસીજન પેદા કરવા ઉપયોગ કરવો, મંગળ ઉપર જ જરૃરી પાણી કરવું, વળતાં પ્રવાસ માટે રોકેટ બળતણ પણ મંગળ ઉપર જ પેદા કરી લેવું વગેરે તેમનાં ફળદ્રુપ દીમાગનો આઇડીયા છે. નાસાએ રોબર્ટ ઝુબ્રીનનાં આઇડીયાને તેમનાં માર્સ મિશનનાં ''ડિઝાઇન રેફરન્સ મિશન'' તરીકેનાં પ્લાન તરીકે સ્વીકાર્યો છે. મંગળનાં સંશોધન માટે તેમને સરકાર પાસે ઘણી આશાઓ હતી. આશાઓ ઉપર ઠંડું પાણી ફરી વળતાં તેમણે મંગળલક્ષી ''ધ કેસ ઓફ માર્સ'' પુસ્તક લખ્યું હતું. જે ખૂબ જ સફળ ગયું હતું. હાલ તેઓ માને છે કે ખાનગી ભંડોળ એકઠું કરીને પણ માનવીને મંગળ ઉપર ઉતારવો જોઈએ. રોબર્ટ ઝુબ્રીન માર્સ સોસાયટીનાં પ્રમુખ છે.
સાયન્સ ફિકશન ક્ષેત્રે કિમ સ્ટેન્લી રોબીસનનું નામ જાણીતું છે. માર્શ ટ્રાયોલોજી માટે તેઓ વધારે જાણીતા છે. મંગળ ઉપર માનવીની વસાહત કઈ રીતે શરૃ થાય છે તેને સાયન્સ ફિકશન દ્વારા તેમણે વર્ણવી છે. રેડ મર્સ, ગ્રીન માર્સ અને બ્લ્યુ માર્સ એ ટ્રાયોલોજીનાં ત્રણ પુસ્તકો છે. જેમ્સ કેમેરોનની ઓળખાણ આપવા માટે આમ તો 'નામ' જ કાફી છે. પરંતુ અધકચરા જ્ઞાની માણસો માટે તેમની બે ફિલ્મો ''ટાઈટેનિક'' અને ''અવતાર''ને આગળ કરી શકાય. જોકે જાણકારો તો તેમને ધ ટર્મીનેટર (સીરીઝ), ટ્રુ લાયઝ, ડાર્ક એન્જેલ અને ધ એબીસ જેવી ફિલ્મોથી જ ઓળખતા થઈ ગયા હતાં. આ બંને મહાનુભાવનો માર્સ સોસાયટીને એક્ટીવ સપોર્ટ છે.
 મંગળયાત્રા માટે માનવીને ''મંગળ'' નડે તેમ છે. કેટલીક અંતરીક્ષ ક્ષેત્રની સમસ્યાઓ છે જેનો ઉકેલ મનુષ્યને મંગળ ઉપર ઉતારતાં પહેલાં લાવવો જરૃરી છે. જેમકે....
* હાઈ એનર્જી કોસ્મીક રે અને આયોનાઈઝીંગ રેડિયેશન સામે રક્ષણ.
* લો-ગ્રેવીટીમાં માનવ શરીર પર પડતી અસરો, જેમાં કાયમી ધોરણે દ્રષ્ટિ ગુમાવવાનો ખતરો પણ રહેલો છે.
* પૃથ્વીથી લાંબા સમયગાળા માટે માનવીને અંતરીક્ષમાં એકલા રહેવું અને તેની માનસિક અસરો.
* રોકેટ પ્રપાઝનની નિષ્ફળતા અથવા લાઇફ સપોર્ટીંગ સીસ્ટમની નિષ્ફળતા.
સમસ્યાઓનાં ઢગલા ઉપરનાં આ બધા મુખ્ય સવાલો છે. ટેકનોલોજીકલ અને અન્જીન્યરીંગને લગતાં સવાલોનું લીસ્ટ વળી અલગ છે. આ સમસ્યાઓ સામે માનવી કઇ રીતે ઝઝુમી શકે અને આપબળે કેવી રીતે રસ્તો કાઢી શકે તેનો અનુભવ માનવીએ ઉપરનાં રણમાં સ્થાપેલ માર્સ ડેઝર્ટ રિસર્ચ સ્ટેશનમાંથી મેળવી શકાય છે.
સંશોધન સ્ટેશનમાં મુખ્ય ત્રણ બિલ્ડીંગ છે. એક હેબીટેટ એટલે કે વસવાટ માટેનું બિલ્ડીંગ છે. જે દસ મીટરનાં નળાકારમાં બે માળમાં બાંધવામાં આવ્યું છે, જેને સામાન્ય રીતે ''ધ હબ'' તરીકે ઓળખવામાં આવે છે. રહેવા, જમવાની વ્યવસ્થા ઉપરાંત અહીં છ વ્યક્તિ માટે નાનાં છ બંક્સ છે. શાવર, ટોઇલેટની વ્યવસ્થા છે. નાનું રિડીંગ ડેસ્ક છે. ડાઇનીંગ અને મનોરંજન માટે અલગ એરીયા છે. પરંતુ બધું જ મર્યાદીત સ્પેસવાળી માત્રામાં છે. ૨૪ વોલ્ટની ૧૨ રિચાર્જેબલ બેટરીથી 'હબ'ને લીમીટેડ પાવર સપ્લાય મળે છે. આ ઉપરાંત કાસ્પર અને વેન્ડી નામનાં ઈમરજન્સી પાવર જનરેટર પણ છે.
ગ્રીન હબ તરીકે અહીં નાનકડું ગ્રીન હાઉસ છે, જેમાં છોડ ઉછેરવામાં આવે છે અને દુષિત પાણીનો નિકાલ કરવામાં આવે છે. બે ભાગમાં વહેંચાયેલા આ ગ્રીન હબનાં ઉતર ભાગમાં ખેતી થાય છે જ્યારે દક્ષિણ ભાગમાં ખરાબ પાણીનો પ્રોસેસીંગ કરી નિકાલ કરવામાં આવે છે. ડેઝર્ટ સ્ટેશનનું વૈજ્ઞાનિક રીતે મહત્વનું ''મસ્ક માર્સ ડેઝર્ટ ઓબ્ઝરવેટરી'' મથક છે. અહીં ૧૧ ઈંચનું શ્મીટ્ઝ-કેરોગ્રેઇન ટેલીસ્કોપ લાગેલું છે. જેને દૂરથી ઓપરેટ કરી શકાય છે. શોખીનો અને વ્યવસાયીકો બંને તેનો ઉપયોગ ઈન્ટરનેટ દ્વારા પણ કરી શકે છે. આ વેધશાળાનો ઉપયોગ ક્રુ મેમ્બર ઉપરાંત, સ્થાનિક શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ કરી શકે છે.
આ બધાથી દૂર ૭ મીટર ઉંચાણનો એન્જીનિયરીંગ ઈક્વીપમેન્ટ સપોર્ટ એરિયા આવેલો છે. આ એસ્ટ્રોનટ સોરી! મર્સોનટ્સ તૈયાર કરવાનું મીની કારખાનું છે. આઉટડોર સ્પેસ એક્સપ્લોરેશન સ્પેસ સ્યુટ પહેરીને જ કરવામાં આવે છે. એર સપ્લાય માટેનાં બેક પેક્સ લગાવવા પડે છે. અહીં ક્રુને મર્યાદીત સંદેશાવ્યવહારનાં સાધનો સાથે જીવતાં શીખવું પડે છે. વિદ્યુત, ખોરાક, ઓક્સીજન અને પાણી બધું જ લીમીટેડ સ્ટોકમાં છે. જીવવા માટે જરૃરી સંશાધનો  તમારે જાતે જ અહીં પેદા કરવાનાં છે.
હાલમાં MDRSમાં બારમી વાર્ષિક ફિલ્ડ સેશન ચાલી રહી છે જે ડિસેમ્બરમાં શરૃ થઇ હતી અને મે ૨૦૧૩માં ખતમ થશે. ક્રુ ૧૨૬ - પેરુ ટીમ અત્યારે અહીં સંશોધન કરી રહી છે. ટીમનાં કમાન્ડર એલેકઝાન્ડ્રો ડાયઝ છે. ૧૯૯૮થી તેઓ બોઈંગ કંપનીમાં કામ કરે છે. સ્પેસ વેહીકલની ડીઝાઇન, ઉત્પાદન અને તેનાં લોંચીંગ બાબતનાં તેઓ નિષ્ણાંત પણ છે. તેમની પસંદગી નાસા દ્વારા કરવામાં આવી છે.
હમબર્ટો દલાસ કસાસ ઝોલેજી ટીમમાં એક્ઝિક્યુટીવ ઓફીસર છે. પેરૃની પોન્ટીકલ યુનિવર્સિટીનાં ડિપાર્ટમેન્ટ ઓફ મેકાટ્રોનીક્સનાં તે વિદ્યાર્થી છે. ફિલ્ડ ઓફ મિકેનિક્સ, ઈલેકટ્રોનિકસ અને કોમ્પ્યુટર એન્જીન્યરીંગ તેમને અહીં ખેંચી લાવ્યુ છે. અંતરીક્ષમાં મનુષ્ય દ્વારા સંશોધન થાય તેવાં તેમનાં અભિગમને સફળ બનાવવા તેઓ MDRSમાં ખંતથી કામ કરી રહેલ છે.
ટીમમાં આઇજી ઓન્જી એન્જીનીયર છે. પેરુની યુનિ.નો તે મેકાટ્રોનીક્સની વિદ્યાર્થી છે. રોબોટ અને ઓટોમેશનમાં તેની માસ્ટરી છે. ૨૦૧૦માં વર્લ્ડ રોબર્ટ ઓલ્પીયાડમાં પેરુનું પ્રતિનિધિત્વ કરીને તે છઠ્ઠા ક્રમે આવ્યો હતો. એડ્રીયા લાઝારને નામની સુંદર યુવતી એન્વાયરમેન્ટલ એન્જીન્યરીંગની વિદ્યાર્થીની છે. મંગળ ઉપર માનવ વસવાટ થાય તો, પર્યાવરણ, ધન અને પ્રવાહી કચરાનો નિકાલ કઇ રીતે કરવો તે સમજવા તે અહીં આવી છે. પાણી કઇ રીતે મેળવવું, તેનું શુધ્ધીકરણ કઇ રીતે કરવું એ તેનો રસનો વિષય છે. ૨૦૦૮થી ૨૦૧૦ સુધી ટોક્યો યુનિવર્સિટીની બાયો-બીઝનેસની સ્કોલરશીપ પણ તે મેળવી ચુકી છે. તે જાપાની, અંગ્રેજી અને બેઝીક પોર્ટુગીઝ ભાષા જાણે છે.
મોનીકા લ્યુઝીયા આલાસ્કા ગ્રીન હબની ઈન્ચાર્જ છે. તે માને છે કે મનુષ્યસના અંતરીક્ષ સંશોધનનાં પ્રયત્નો અને પરીણામો ક્ષિતિજ ફેલવવાની ક્ષમતા રાખે છે. જર્મનીમાં તેણે અભ્યાસ કર્યો છે. માઇનીંગ અને બાંધકામ ક્ષેત્રે જર્મનીમાં જ પાંચ મહિના કામ કર્યું છે. સાઉલ ટ્રુજીલો ક્રુ-૧૨૬નો એન્જીન્યર છે. તેણે પણ વર્લ્ડ રોબોટીક ઓલમ્પિયાડમાં અનેકવાર ભાગ લીધો છે. પેરૃની એરપોર્ટ અને એવીયેશન કંપનીમાં તેણે કામ કર્યું છે. તે હાઇસ્કૂલમાં વિદ્યાર્થીઓને રોબોટીક્સનાં પાઠ પણ ભણાવે છે. આમ યુવાનોની આખી ટીમ અહીં સંશોધન માટે એકઠી થયેલ છે.
છેલ્લે સવાલ એ થાય કે અહીં એકઠી થયેલ ટીમ સંશોધનમાં શું કામ કરતી હશે? અહીં આવનારી દરેક ક્રુ ટીમનાં ઉદેશ્યો અને મકસદ અલગ અલગ હોય છે. મોટા ભાગે અહીં એક્સટ્રીમ વાતાવરણમાં કેવા પ્રકારનાં બેકટેરીયા અને લીલ ટકી શકે છે તેનો અભ્યાસ થાય છે. રણવિસ્તારમાંથી જ બાયોલોજીકલ સેમ્પલ લેવામાં આવે છે. તેમનાં ઘશછ નો અભ્યાસ થાય છે. તેમનાં વૈવિધ્ય અને પર્યાવરણનો અભ્યાસ કરવામાં આવે છે.
અહીં મિથેનોજેન્સ રિસર્ચ માટે માટી અને વરાળનાં નમુના એકઠા કરવામાં આવે છે. ખડકોનાં નમૂના તેનો અભ્યાસ, ખડકાળ પ્રદેશની જીઓલોજીનો પણ અહીં અભ્યાસ થાય છે. ખડકોમાં રહેનારાં બેકટેરીયા ફોટો સિન્થેસીસ દ્વારા કઇ રીતે ઉર્જા મેળવે છે, ખડકોમાં ઊંડાણ સુધી તેઓ કઇ રીતે ઊંડા ઉતરે છે. આ દિશામાં સંશોધકો કામ કરે છે. અન્ય પ્રયોગોમાં એકસ્ટ્રા - વેરીક્યુલર એક્ટીવીટીની માનવશરીર ઉપર શું અસર થાય છે? હૃદયનાં ધબકારા અને બ્લડ પ્રેસર ઉપર આ પ્રવૃત્તિની શું અસર થાય છે? આ બધા જ સવાલો અહીં સંશોધન માટેનાં હોટ ફેવરીટ સબ્જેક્ટ ગણાય છે.

પ્રકાશન: ૨૪ માર્ચ ૨૦૧૩ (ગુજરાત સમાચાર, રવિપૂર્તી - ફ્યુચર સાયન્સ કોલમ.)