Monday 12 January 2015

નાઇટહૂડ, વાયેગ્રા અને યુ ટયુબ...



ભારતમાં થોડા સમય પહેલા જ 'ભારત રત્ન' સન્માન આપવાની જાહેરાત થઈ હતી. સન્માનમાં જ્યારે રાજકીય ક્ષેત્રના મહાનુભાવોની પસંદગી થાય અથવા મરણોત્તર એવોર્ડની જાહેરાત થાય ત્યારે વિવાદ વકરે છે. બ્રિટન અને કોમનવેલ્થના દેશોના નાગરિક માટે રાણી એલિઝાબેથ 'નાઇટહૂડ' ખિતાબ દ્વારા નાગરિક સન્માન આપવામાં આવેછે જેમાં કમ્પેનિયન ઓફ ઓનર  (CH) , નાઇટહૂટ બેચલર (Kt) જેવા નાગરિક અને લશ્કરી હેતુ માટે એક ડઝન કરતા વધારે 'સન્માન પત્ર' આપવામાં આવે છે જેની તુલના ભારત રત્ન, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, પદ્મશ્રી વગેરે સાથે થઈ શકે છે. નવા વર્ષની શરુઆતમાં બ્રિટનના રાણી એલિઝાબેથ જેમને 'નાઇટહૂડ' અને અન્ય સન્માન આપવામાં આવે છે તેની જાહેરાત તાજેતરમાં થઈ છે. વિજ્ઞાન જ્ઞાન સાથે સંકળાયેલા મહાનુભાવના સન્માનને એક માનભરી નજરે જોઈ લઈએ.

વાયેગ્રાના શોધક: ડો. સિમોન કેમ્પબેલ

આ વર્ષે બ્રિટનની રાણી એલિઝાબેથ દ્વારા નાઇટહૂડનો ખિતાબ એ રસાયણશાસ્ત્રીને આપવામાં આવ્યો. વાયેગ્રા જેવી પુરૃષાતનને લગતી 'શિશ્નોત્થાન' માટેની દવા શોધવા બદલ ડો. સિમોને કેમ્પબેલને 'નાઇટહૂડ બેચલર' એનાયત કરવામાં આવશે. ડો. કેમ્પબેલ વિશ્વના પ્રસિદ્ધ ઔષધ નિર્માણ કરનારી મલ્ટીનેશનલ કંપની 'ફાઇઝર' સાથે સંકળાયેલા છે. અહીં તેઓ 'હાઇબ્લડપ્રેશર' માટેના ડ્રગ્સનું નિર્માણ કરતા હતા. એમની ૨૬ વર્ષની કેમિસ્ટ કારકિર્દીમાં ત્રણ નવા ડ્રગ્સ શોધ્યા હતા તેમણે શોધેલ ડ્રગ્સના કારણે તેમને આંતરરાષ્ટ્રીય નામના મળી હતી. તેમણે નવા ડ્રગ્સના આવિષ્કારની સંશોધન નોંધ લખી તેમાં 'ઇરેક્ટલ ડિસફંક્શન' 'શિષ્નોત્થાન નિષ્ક્રિયતાં'નો ક્યાંય ઉલ્લેખ ન હતો અનુભવથી જોવા મળ્યું છે. ડ્રગ્સની સાઇડ ઇફેક્ટના કારણે શિશ્નની રક્તવાહિનીઓ ફૂલે છે અને તેમાં રક્તનો પ્રવાહ વધી જાય છે. મોટી ઉંમરના પુરુષો માટે જાતીય સુખ માણવા માટેનું આ એક નવું વરદાન સાબિત થયું. ૧૯૯૮માં 'વાયેગ્રા' વંડર ડ્રગ તરીકે માર્કેટમાં આવી અને બેહદ સફળતા મેળવી ગઈ હતી. આજે ડો. કેમ્પબેલને ફાધર ઓફ વાયગ્રા તરીકે ઓળખવામાં આવે છે. તેમને નાઇટહૂડનો ખિતાબ મળતા તેમના નામની આગળ માનવાચક શબ્દ 'સર' લાગશે. ૧૯૯૯માં તેમને રોયલ સોસાયટીના 'ફેલો' તરીકે ચૂંટવામાં આવ્યા હતા. રોયલ સોસાયટીમાં શિક્ષણ જગતની બોલબાલા છે જ્યાં 'ઇન્ડસ્ટ્રી'ના રસાયણશાસ્ત્રીને આવી તક મળે એ ડો. સિમોન કેમ્પબેલ માટે ગૌરવની વાત છે.

યુ ટયુબ વિડિયો અપલોડર:પ્રો. માર્ટિન પોલીઆકોફ

પ્રો. માર્ટિન પોલીઆકોફેનું નામ 'ગ્રીન કેમિસ્ટ્રી'ના પ્રણેતાઓમાં થાય છે. બીજી ખ્યાતિ તેમને 'પીરીઓડીક ટેબલ ઓફ વિડિયો' દ્વારા મળી છે. યુનિવર્સિટી ઓફ નોટિંગહામમાં તેઓ રસાયણશાસ્ત્રના પ્રોફેસર છે. તેમનો ચહેરો જોઈને 'મેડ સાયન્ટીસ્ટ'ની કલ્પના સાકાર થતી હોય તેવું તમને લાગે. હાલમાં તેઓ રોયલ સોસાયટીના વાઇસ પ્રેસિડેન્ટ અને વિદેશ મંત્રી છે ૨૦૦૮માં ઓનલાઇન વિડિયોની એક શ્રેણીની શરુઆત થઈ હતી. આ પ્રોજેક્ટમાં તેમનું યોગદાન મહત્ત્વનું છે. તેમણે પાંચ અઠવાડિયાના સમયમાં ૧૨૦ વિડિયો તૈયાર કરી નાખી હતી. પીરીઓડીક ટેબલમાં આવતા દરેક તત્ત્વ / એલિમેન્ટની એક અલગ વિડિયો બનાવવાનો ક્રેઝી આઇડિયા વિડિયો જર્નાલિસ્ટ બ્રેડી હારાનનો હતો. તેમની વિડિયો જોઈને ચાહકોએ કહ્યું કે તમે ગમે તે વિષય પર વિડિયો બનાવો પરંતુ વિડિયો બનાવવાનું પડતું ન મૂકતા. યુ ટયુબ ઉપર તેમની વિડિયોને આઠ કરોડ કરતા વધારે દર્શકોએ નિહાળી છે. તેમનો દેખાવ એવો છે કે પેરિસનું મેટ્રો થિયેટર હોય કે બીજીંગનું એરપોર્ટ તેઓ એક સનકી 'મેડ' સાયન્ટીસ્ટ તરીકે અલગ તરી આવે. તેમના આવા દેખાવનો તેમને ગર્વ પણ છે. નાઇટહૂડનો ખિતાબ મળવાની સાથે પ્રથમવાર યુ ટયુબનું કનેક્શન ખરા અર્થમાં 'નાઇટહૂડ' સાથે થયું છે. પર્યાવરણના રક્ષણ માટે 'ગ્રીન કેમિસ્ટ્રી' શરુ કરનારા અગ્રેસરમાં પ્રો. માર્ટિનનું નામ લેવાય છે. અત્યાર સુધી તેઓ ૫૦૦ કરતા વધારે શોર્ટ વિડિયો કરી ચૂક્યા છે શરુઆતમાં વિડિયો માત્ર તત્ત્વોના પરમાણુ સુધી સીમિત હતી હવે તત્વોમાંથી બનતા સંયોજનોના રેણુઓ (એક કરતા વધારે પરમાણુઓ) સુધી પહોંચી છે. કદાચ યુ ટયુબ પરની એમની આગામી વિડિયો 'નાઇટહૂડ'ના સેલીબ્રેશનને લગતી હશે.

ક્લોકવર્ક રેડિયોના આવિષ્કારક:ટ્રેવર બેચલીસ

પુનામાં ભરાયેલી વિશ્વની પ્રથમ 'ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ સાયન્સ કોમ્યુનિકેટર્સ'ના અધિવેશનમાં ટ્રેવર બેચલીસને સાંભળવાનો અને સંપર્કમાં આવવાનો મોકો મળ્યો હતો. ટીપીકલ બ્રિટિશ મિજાજ અને મજાકીયા સ્વભાવના ટ્રેવર બેચલીસે અધિવેશનમાં લોકોનું સૌથી વધુ ધ્યાન આકર્ષિત કર્યું હતું. આફ્રિકાના દેશો માટે તેમણે ખાસ પ્રકારના રેડિયો તૈયાર કર્યા હતા જે બેટરી પાવર કે બાહ્ય વીજળી સપ્લાય વગર વાગતો હતો. જૂના જમાનાની ચાવીવાળી ઘડિયાળ અને રમકડામાં આવતી સ્પ્રીંગ કમાન જેને 'ક્લોકવર્ક' કહે છે તેનાથી વીજળી ઉત્પન્ન કરી રેડિયો વગાડી બતાવ્યો હતો. ટૂંકમાં તેમનો રેડિયો પાવર વગરનો અને ચાવીવાળો હોવા છતાં વધારે પાવરફૂલ સાબિત થયો હતો. સ્પ્રિન્ગમાં સચવાયેલી ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૃપાંતર કરવા ડાયનેમો જેવી રચના વાપરવામાં આવી છે. હાલ તેઓ ટ્રેવર બેચલીસ નામની કંપની ચલાવે છે જે નવા યુવાન શોધકોને તેમના આઇડિયાને ઉત્પાદનમાં ફેરવવામાં અને પેટન્ટ હક્ક મેળવવામાં મદદરૃપ થાય છે. સર ટ્રેવર બેચલીસે મિકેનિકલ અને સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. પ્રોફેશનલ તરવૈયા અને સ્ટંટમેન તરીકે પણ તેમણે કામ કર્યું હતું. અપંગોને ઉપયોગી થાય તેવી ઘણી શોધો તેમણે કરી છે. જો કે સાચા અર્થમાં પ્રખ્યાતિ તેમને ક્લોકવર્ક રેડિયોએ અપાવી છે. તેમને ઓર્ડર ઓફ બ્રિટિશ એમ્પાયર (CBE) નો ખિતાબ આપવામાં આવ્યો છે.

ભારતીય મૂળ ધરાવનારા બ્રિટિશ ભૌતિકશાસ્ત્રી:તેજીન્દર વિરડી

લગભગ બધા જ જાણે છે કે જીનેવા ખાતે આવેલ લાર્જ હેડ્રોન કોલાયકટ ભૌતિકશાસ્ત્રી માટે 'સ્વર્ગ' સમાન છે. ૨૦૧૫માં તે ફરી ચાલુ થનાર છે આ LHC માટે બ્રિટિશ ભૌતિકશાસ્ત્રી તેજીન્દર વિરડીએ કોમ્પેક્ટ મ્યુઓન સોલેનાઇડ (CMS)નામનો પ્રયોગ તૈયાર કર્યો હતો. CMS એ લાર્જ હેડ્રોન કોલાયકરના બે સામાન્ય હેતુ માટેના 'પાર્ટીકલ ડિરેક્ટર'માંના એક છે. CMS પરીક્ષણનો હેતુ હિગ્સ બોસોન, કણોના એક્સ્ટ્રા ડાયમેન્શન અને ડાર્ક મેટર રચનારા તત્ત્વોના પરમાણુ રચનારા મૂળભૂત કણો શોધવાનો છે. થોડા સમય પહેલા જ ગોડ પાર્ટીકલ એટલે હિગ્સ બોસોનની શોધ માટે CMS ચર્ચામાં રહ્યું હતું CERN ખાતેની તેમની ભૂમિકા સિવાય તેમણે ભારતમાં અને આફ્રિકામાં વિજ્ઞાન અને શિક્ષણને લોકભોગ્ય બનાવવા માટે કામ કર્યું છે. ૬૧ વર્ષના તેજીન્દર વિરડીએ ડિરેક્ટર માટે ખાસ નવી ટેકનોલોજી શોધી હતી. જેના કારણે હિગ્સ બોસોનની શોધ અને ઓળખ આસાન બની હતી. તેજીન્દર વિરડી અને તેમના સહાયક ટોમ કિબલને પણ 'નાઇટહૂડ'નું સન્માન મળ્યું છે. સન્માન તેમના માટે એક સરપ્રાઇઝ સમાન છે. તેઓ કહે છે કે 'આઇમ ઓવર ધ મુન ટુ બી ફ્રેન્ક' ૨૦૧૨માં તેમને રશિયન અબજોપતિ યુરી મિલ્નરે સ્થાપેલ ફન્ડામેન્ટલ ફીજીક્સ પ્રાઇસનું ખાસ ઇનામ આપવામાં આવ્યું હતું. સર તેજીન્દરનો જન્મ શીખ કુટુંબમાં, કેન્યામાં નિએરીમાં થયો હતો. તેમના માતાપિતા સાથે કેન્યા છોડીને ૧૯૬૭માં તેઓ બ્રિટનમાં સ્થાયી થયા હતા તેઓ ભૌતિકશાસ્ત્રના પોપ્યુલર લેક્ચર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં આપે છે.

જનીન વિદ્યા વિશારદ:એડ્રીઅન પિટરબર્ડ

એડ્રીયન પિટરબર્ડ વિશ્વ પ્રસિદ્ધ જીનેસ્ટીક છે. મનુષ્યનો જેનોમ ઉકેલવાનો મહાન પ્રયોગ કરનાર વેલકમ ટ્રસ્ટ સેન્ટર ફોર સેલ બાયોલોજીના તેઓ ડિરેક્ટર રહી ચૂક્યા છે. તેમનું સંશોધન મુખ્યત્વે BNA  મિથાઇલેશન અને CPG આઇલેન્ડ સાથે સંકળાયેલું છે. જેના સંબંધ રેટ સિન્ડ્રોમ નામના વારસાગત રોગ સાથે છે. વિજ્ઞાન જગત સાથે સંકળાયેલા એડ્રીયન બર્ડ લોકલ ટીમ દ્વારા ક્રિકેટ અને હોકી રમતા હતા ૧૯૯૦માં તેઓ યુનિ. ઓફ એડિનબર્ગના જીનેટીક વિભાગના પ્રોફેસર નિમાયા હતા તેમના પ્રયત્નોના કારણે યુનિવર્સિટીમાં વેલકમ ટ્રસ્ટ સેન્ટર ફોર સેલ બાયોલોજી અસ્તિત્વમાં આવ્યું હતું. રેટ સિન્ડ્રોમને લગતું તેમનું સંશોધન ૨૦૦૭માં 'સાયન્સ જર્નલ'માં પ્રકાશિત થયું હતું. તેમણે આ રોગ માટે જવાબદાર Mecp2  જનીન અને તેને લગતી 'જીન થેરાપી' વિકસાવી હતી. આજે ૬૬ વર્ષના જીનેસ્ટીક નિવૃત્તિ લેવાનું નામ લેતા નથી અત્યારે પણ તેમના સંશોધનો વિવિધ જર્નલમાં છપાય છે.  તેમને બ્રિટનને આપેલ અમૂલ્ય સેવાઓ બદલ ઓર્ડર ઓફ બ્રિટિશ એમ્પાયર  (CBE) એનાયત કરવામાં આવ્યો છે. ૨૦૧૩માં તેમને DNA મિથાઇલેશન અને જીન એક્સપ્રેશન માટે તબીબી વિજ્ઞાન/ શરીરક્રિયા વિજ્ઞાનનું નોબેલ પ્રાઇઝ મળવાની સંભાવના હતી. જો કે છેવટે તે પ્રાઇઝ જેમ્સ રોથમાન, હેન્ડી શેકમાન અને થોમસ સુડોફને ફાળે ગયું હતું. તેમના એપીજીનેટીક્સને લગતા સંશોધનો માટે ૨૦૧૩માં પણ પ્રાઇઝ મળ્યું હતું.

હવામાન અને મૌસમ વિજ્ઞાનની મહિલા વૈજ્ઞાનિક:ડેમ જુલીયા સ્લીન્ગો

વિજ્ઞાન ક્ષેત્રે હંમેશા સ્ત્રી વૈજ્ઞાનિકોની અછત રહી છે. અત્યાર સુધી વિજ્ઞાનને લગતા અપાયેલા ૩૧૯ નોબેલ પ્રાઇઝમાંથી માત્ર ૧૭ ! જી હા, માત્ર સત્તર પ્રાઇઝ મહિલા વૈજ્ઞાનિકોના ફાળે ગયા છે. ઘણી મહિલાઓએ વિજ્ઞાન ક્ષેત્રે કામ કર્યું છે પરંતુ નામના અને પ્રસિદ્ધિ જૂજ મહિલાઓને મળી છે.
બ્રિટન આ ક્ષેત્રે નસીબદાર છે ડિસેમ્બરના અંત ભાગમાં બાળકો સુધી વિજ્ઞાનને લઈ જવા માટે ખાસ ફેરાડે ક્રિસમસ લેક્ચર સિરીઝ રાખવામાં આવી હતી જેમાં બ્રિટનની બે મહિલા વૈજ્ઞાનિક ફોલી ડેવિસ અને ડેમ જુલીયા સ્લીન્ગો અને ડેમ કેરોલ રોબીન્સનનો સમાવેશ થતો હતો. જુલીયા સ્લીન્ગોની પસંદગી 'નાઇટહૂડ' માટે થઈ છે. હાલમાં ૬૩ વર્ષના જુલીયાની પસંદગી ૨૦૦૯માં મિટીરીયોલોજી (હવામાન - મૌસમ વિજ્ઞાન)ના ચીફ સાયન્ટીસ્ટ તરીકે થઈ હતી.
 બ્રિટનની મિટીરીયોલોજીકલ બ્રાન્ચના પ્રથમ મહિલા પ્રોફેસર અને રોયલ મિટીરીયોલોજીકલ સોસાયટીના પ્રથમ મહિલા પ્રમુખ બનવાનું બહુમાન જુલીયા સ્લીન્ગોના ફાળે જાય છે. ચાલીસ વર્ષ પહેલાં તેમણે વૈજ્ઞાનિકની કારકિર્દીની શરુઆત કરી હતી. અત્યાર સુધી તેઓ ૫૦૦થી વધારે વૈજ્ઞાનિકો સાથે કામ કરી ચૂક્યા છે. તેઓ માને છે કે ગ્લોબલ વાર્મિંગ અને ક્લાયમેન્ટ ચેન્જને વધારે સીરીયસલી લેવાની જરૃર છે શરૃઆતમાં ભૌતિક શાસ્ત્રનો અભ્યાસ કરનાર જુલીયાએ છેવટે મિટીરીયોલોજીને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું હતું.

No comments: