Tuesday 16 February 2016

પહેલાં ચિકન ગુનિયા, પછી, ડેન્ગ્યુ અને... હવે ''ઝીંકા'' વાયરસ...

'ઈબોલા'' વાયરસનો હાહાકાર માંડ માંડ શમ્યો છે ત્યાં, નવી આફતનાં સમાચાર આવી રહ્યા છે..

''બ્રાઝીલમાં બાળકો નાના મગજ સાથે જન્મી રહ્યાં છે''
ઝીકા વાયરસ :- ખતરાનું નવું નામ

માની લો કે એક વર્ષ પહેલેથી તમે તમારા ગમતા ડેસ્ટીનેશન ટાપુ પર રોમેન્ટીક ટુર પર જવા માંગો છો. હજારો રૃપિયા ખર્ચીને ક્રુઝ શીપમાં બુકીંગ કરાવ્યું છે અને... અચાનક તમારે તમારી ટુર કેન્સલ કરવી પડે તો કેવું લાગે ? આવા જ હાલ અને મનોસ્થિતિ બ્રિટીશ કપલ કાયલી બોવી અને રિચાર્ડ બુટની છે. તેમણે ચાર હજાર પાઉન્ડ ખર્ચીને રોયલ કેરેબીયન ક્રુઝની બાર રાત્રીની મુસાફરી બુક કરાવી હતી. જેમાં હેઇટી, પોર્ટોરીકો, સેન્ટ માર્ટીન, માર્ટીનીક અને બાર્બાડોસા ટાપુઓની મુલાકાત લેવાનું નક્કી હતું. મિસ બોવી બાળક પેદા કરવાની ઈચ્છા ધરાવતી સ્ત્રી છે. તેણે ખાસ ગર્ભાધાન થાય તે માટે પતિ સાથે મળીને કેરેબીયન ટાપુઓની રોમેન્ટીક ટુર નક્કી કરી હતી. ગર્ભવતી થવા માટે તેણે ક્લોમીથીન નામનું ફર્ટીલીટી ડ્રગ લેવાની શરૃઆત પણ કરી હતી. જેથી તેનાં અંડાશયમાંથી મુક્ત અંડકોષ મુક્ત થાય અને ગર્ભ રહી જવાની શક્યતામાં વધારો થાય. એક સવારે તેઓ મોબાઇલની બીબીસી ન્યુઝ એપમાં ઝીકા વાયરસનાં આઉટબ્રેકનાં સમાચાર વાંચે છે. અને તેમનાં સપનાં રોળાઇ જાય છે. તેઓ તેમનો ટુર પ્રોગ્રામ કેન્સલ કરે છે. કારણ ? કેરેબીયન ટાપુ ઉપર ઝીકા નામનાં વાયરસનો કાળો કેર વર્તાયેલો છે. એક નવી મહામારી - બીમારીને ઝીકા વાયરસે જન્મ આપ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને દુનિયાને ઝીકા વાયરસથી બચવાનાં ઉપાય કરવાની ચેતવણી આપી છે. કારણ કે ઝીકા વાયરસનો આઉટબ્રેક વિશ્વનાં લોકોને માટે ખતરાંની ઘંટડી વગાડે તેવો છે.

ઝીકા વાયરસને સૌપ્રથમ યુગાન્ડામાં ૧૯૪૭માં વાનરનાં શરીરમાં ઓળખી કાઢવામાં આવ્યો હતો. મનુષ્યમાં 'ઝીકા' વાયરસનો ચેપનો કેસ ૧૯૫૪માં નાઈજીરીયામાં નોંધાયો હતો. ત્યારબાદ વાયરસની મહામારી ''આઉટબ્રેક'' આફ્રીકાના દેશો, દક્ષિણ પૂર્વ-એશીયા અને પ્રશાંત મહાગારનાં ટાપુઓમાં જોવા મળ્યો હતો. ૧૯૭૭-૭૮માં પાકિસ્તાન, મલેશીયા અને ઈન્ડોનેશીયામાં પણ વાયરસની હાજરી જોવા મળી હતી. ૨૦૦૭માં     ...., માઇકોનેશીયામાં વાયરસ પહોંચ્યો હતો. ૨૦૧૩માં ફ્રેન્ચ પોલીનેશીયામાં વાયરસે પોતાનું અસ્તિત્વ છતું કર્યું હતું. હવે ૨૦૧૫થી તે બ્રાઝીલ અને આસપાસનાં વિસ્તારોમાં મોટા પ્રમાણમાં જોવા મળ્યો છે. અમેરીકામાં 'ઝીકા' વાયરસનાં મેપનાં ૨૦ કેસ નોંધાયા છે. વિશ્વમાં મચ્છરોનાં ઉપદ્રવમાં ક્રમાંકે ભારત આવે છે. આ કારણે 'ઝીકા' વાયરસને ભારતમાં ફેલાતાં વાર લાગે તેમ નથી. આજકાલ હવાઇ મુસાફરીનાં કારણે વાયરસનો ચેપ વિવિધ દેશોની સરહદ ઓળંગીને  ગણતરીનાં દિવસોમાં વિશ્વભરમાં ફેલાઇ શકે છે.
   ઝીકા વાઇરસ ''ફ્લેવીવીટીડી'' વર્ગનો વાયરસ છે. જે ઝીકા નામનો તાવ પેદા કરે છે. પહેલાં આ વાયરસને બહુ ગંભીર માનવામાં આવતો ન હતો. બ્રાઝીલમાં થયેલ ''ઝીકા વાયરસ આઉટબ્રેક'' બાદ વિશ્વની સ્વાસ્થ્ય સંસ્થાઓ હવે તેને ગંભીરતાથી લેવા લાગી છે. ઝીકા વાયરસનો સીધો સંબંધ ડેંગ્યુ, યલો ફીવર, જાપાની એન્સેફેલીટીસ (હાથીપગા) અને વેસ્ટ નાઇલ વાયરસ સાથે છે. ઝીકાનો ચેપ, ડેન્ગ્યુ વાયરસથી પેદા થતાં તાવનાં લક્ષણો પેદા કરે છે.
હાલમાં નવજાત શીશુમાં જોવા મળતી મગજના અલ્પ વિકાસની   સમસ્યા માઇક્રોસિફાલી માટે ''ઝીકા'' વાયરસને જવાબદાર ગણવામાં આવ્યો છે.
આ ખામી સાથે ઝીકા વાયરસનાં સીધા સંબંધની વૈજ્ઞાાનિકોએ
તપાસ કરી નથી પરંતુ, ''માઇક્રોસિફાલી''થી મૃત્યુ પામનાર બાળકોનાં મગજમાં 'ઝીકા' વાયરસની હાજરી જોવા મળી છે.

મચ્છરો : વિવિધ વાયરસનાં ખતરનાક વાહક

ઝીકા અને ડેંગ્યુ જેવા વાયરસને દીવસ દરમ્યાન સક્રીય રહેતાં મચ્છરની પ્રજાતિ એડિસ ઈજીપ્તી ફેલાવે છે. વાયરસ મચ્છરનાં શરીરમાં પ્રવેશ્યા બાદ માત્ર દસેક દિવસમાં જ સક્રીય બની જાય છે. ઝીકા વાયરસ, એઈડ્સનાં વાયરસની માફક સેક્સ-સમાગમ વડે ફેલાઈ શકે છે. ગર્ભવતી માતાને લાગેલ વાયરસનો ચેપ તેનાં ગર્ભાશયનાં વિકસતા ગર્ભસ્થ શિશુને પણ લાગી શકે છે. 'ઝીકા' નામ ઝીકા જંગલ પરથી રાખવામાં આવ્યું છે. જેનો આફ્રીકાની યુગાન્ડા ભાષામાં અર્થ થાય ''વધારે વિકસીત''.
વિષુવવૃત્તનાં પ્રદેશોમાં ''એડિસ ઈજીપ્તી'' મચ્છરોનાં અસ્તિત્ત્વની ઘટના સામાન્ય છે. વિશ્વનાં જે દેશોમાં 'ડેંગ્યુ'નો ઉપદ્રવ છે. ત્યાં 'ઝીકા' વાયરસ ફેલાવાની શક્યતા વધારે છે. કારણ કે બંને વાયરસનાં વાહક મચ્છરો એક જ છે ''એડિસ ઈજીપ્તી''. આ ઉપરાંત એશીયન ટાઈગર મોસ્કીટો નામે ઓળખાતી મચ્છરની એક પ્રજાતી 'એડિસ એલ્બોપિક્ટસ' પણ ઝીકા વાયરસનો વાહક બને છે. એશીયાના હૂંફાળા વાતાવરણમાં આવા મચ્છરો જોવા મળે છે. 'એડિસ એલ્બોપિક્ટસ'ની ઠંડી સહન કરવાની ક્ષમતા વધારે હોવાથી બેલ્જીયમ, નેધરલેન્ડ જેવાં યુરોપનાં દેશોમાં પણ તે પગ પેસારો કરી શકે છે. મચ્છરો ડેંગ્યુ, ચિકનગુનિયા અને ઝીકા જેવાં વાયરસનો ફેલાવો કરે છે. દર વર્ષે દુનિયામાં ૪૦ કરોડ લોકોને ડેંગ્યુ વાયરસનો રોગ લાગે છે. નર અને માદા બંને પ્રકારના, એડિસ ઈજીપ્તીનાં મચ્છરો વનસ્પતિનાં કોષરસ ઉપર જીવે છે. પરંતુ માદાને ઇંડા મુકવા માટે 'લોહી'નાં ખોરાકની જરૃર પડે છે. જે મોટાભાગે મનુષ્ય અથવા પ્રાણીમાંથી મળે છે. માદા એડેસ ઈજીપ્તી મચ્છરો દિવસ દરમ્યાન કરડે છે. મચ્છર કરડવાથી વાયરસનો ચેપ એક વ્યક્તિથી બીજી વ્યક્તિને ઝડપથી લાગે છે. આવા મચ્છરો ડંખ મારી ઓછું લોહી ચુસે છે પરંતુ વધારે લોકોને કરડે છે. મહત્ત્વની વાત અને સારી વાત એ છે કે ''આ વાયરસનો ફેલાવો કરનારાં મચ્છર આળસુ પ્રકૃતિનાં છે. તેઓ ઉડીને વધારે દૂર જતાં નથી. આ કારણે વાયરસનો ચેપ વધારે દૂર ફેલાતો નથી. એડેસ ઈજીપ્તી જ્યાં જન્મે તેનાથી ૧૦૦ મીટર કરતાં વધારે દૂર જતાં નથી. ભારતમાં 'ઝીકા' વાયરસનો ચેપ લાગવાની સંભાવના ખુબ જ વધારે છે.

જ્યાં જીનેટીકલી મોડીફાઈડ મચ્છરોને છોડવામાં આવ્યા
હતાં ત્યાં જ, 'ઝીકા' આઉટબ્રેકનું 'એપી સેન્ટર' છે

ઉર્લ્લંની આંતરરાષ્ટ્રીય કમીટીએ તારણ આપ્યું છે કે ' બ્રાઝીલનાં બાળકોમાં જોવા મળેલ અલ્પવિકસીત માથા અને ન્યુરોલોજીકલ ખામીઓ માટે 'ઝીકા' વાયરસ જોડાએલો હોવાની શક્યતાઓ પ્રબળ છે.'
બ્રાઝીલ હાલમાં ઝીકા વાયરસનાં આઉટબ્રેકનું એપી સેન્ટર માનવામાં આવે છે. અહીં ઓક્ટોબર-૨૦૧૫થી અત્યાર સુધી અલ્પવિકસીત મગજ/માથા સાથે જન્મેલ બાળકોની સંખ્યા ૪૦૦૦ કરતાં ઉપર પહોંચી છે. આ ઘટનાની તપાસ થતી હોય ત્યારે બધી જ બાબતો ચકાસી લેવી જોઈએ.ઓક્સીરેટ-ઓક્સફોર્ડ બ્રિટનમાં આવેલ બાયો-ટેક કંપની છે. જેણે ડેન્ગ્યુ અને મેલેરિયાનો ફેલાવો અટકાવે તેમાં જીનેટીકલી મોડીફાઈડ મચ્છરોની નવી પ્રજાતિ પેદા કરી છે. જેનાં મુળમાં 'એડિસ ઈજીપ્તી' મચ્છરો છે. જેવો વિકાસ ઓક્સફોર્ડ યુનિવર્સીટીનાં પ્રો-લુક એલ્ફેયે કર્યો હતો. ભારતની ખાનગી કંપની ગંગાભિષણ ભીખુલાલ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ટ્રેડીંગ પ્રાઈવેટ લીમીટેડ કંપનીએ ઓક્સીટેક સાથે કરાર કર્યા છે અને ભારતમાં મેલેરીયા અને ડેન્ગ્યુનાં મચ્છરોનો ખાત્મો બોલાવવા માટે જીનેટીકલી મોડીફાઈડ 'નર' મચ્છરોની આયાત કરશે. નર મચ્છરમાં  ર્ંઠ૫૧૩છ નામનું જનીન ઉમેરવામાં આવ્યું છે. જેનાં કારણે નર મચ્છર નપુંસક બની જાય છે. છુટા મુકેલા ય્સ્ મચ્છરો, અન્ય માદા સાથે સમાગમ કરીને જે ઈંડા મુકે છે. તે ઇંડા 'લાર્વા' બનવાની અવસ્થામાં જ મૃત્યુ પામે છે. તેમને જીવતાં રાખવા હોય તો 'ટેટ્રા સાયક્લીન' દવા આપવી પડે. જે કુદરતી અવસ્થામાં ઉપલબ્ધ નથી. જે વિસ્તારમાં 'એડેસ ઈજીપ્તી'નો પ્રકોપ વધારે હોય ત્યાં આવા મચ્છરો છોડવાથી તેમની સંખ્યા ઘટી શકે છે. એડેસ ઈજીપ્તીનો જીવનકાળ માત્ર ૧૫ દિવસનો છે. આ ટેકનોલોજી માટે પ્રો. આલ્ફેયને ઈનામો પણ મળ્યા છે.યાદ રહે કે ઓક્સીરેટનાં જીનેટીકલી મોડીફાઈડ મચ્છરોનો વ્યાપારી ધોરણે ઉપયોગ કરવામાં, વિશ્વમાં પ્રથમ દેશ 'બ્રાઝીલ' બન્યો છે. અહીં જ 'ઝીકા' વાયરસનો હાહાકાર મચ્યો છે. આ શું સુચવે છે. જીનેટીકલી મોડીફાઈડ મચ્છરો 'ઝીકા' વાયરસનાં ફેલાવા માટે જવાબદાર છે? શું જીનેટીકલી મોડીફાઈડ મચ્છરો, જે કામ માટે તેમને પેદા કરવામાં આવ્યા હતાં, તે કામ કરવામાં નિષ્ફળ ગયા છે? જવાબ માત્ર વૈજ્ઞાાનિકો જ આપી શકે છે.

માઈક્રોસિફાલી : ''ઝીકા'' વાયરસે આપેલ કુદરતી ભેટ

તાજેતરમાં ઝીકા વાયરસે લોકોનું ખુબજ ધ્યાન ખેચ્યું છે. મચ્છરથી ફેલાતાં 'ઝીકા' વાયરસને જન્મનારાં ગર્ભસ્થ શીશુનાં મગજનો વિકાસ કુંઠીત થઈ જાય છે અને બાળક ન્યુરોલોજીકલ બર્થ ડિફેક્ટ લઈને જન્મે છે. ઝીકા વાયરસનો ચેપ ગર્ભસ્થ મહિલા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. કારણ કે તેનું જન્મનાર બાળક અલ્પવિકસીત મગજ અને ચેતાતંત્ર સંબંધી ખામીઓને લઈને જન્મે છે. તાજેતરમાં બ્રાઝીલમાં ચાર હજાર કરતાં વધારે બાળકો ચેતાતંત્રની ખામી 'માઈક્રોસીફેલી' લઈને જન્મ્યા છે. માઈક્રોસીફેલી એક એવી ખામી છે. જેનાં કારણ શીશુનું માથું અસામાન્ય રીતે અત્યંત નાનું હોય છે. ટુંકમાં ગર્ભાવસ્થા દરમ્યાન તેનો પુરો વિકાસ થયો હોતો નથી. આ ખામીનાં કારણે ભવિષ્યમાં શારીરિક વિકાસની સમસ્યા પેદા થાય છે અથવા બાળકનું મૃત્યુ નિપજે છે. ૨૦૧૪માં આવાં કેસોની સંખ્યા બ્રાઝીલમાં ૧૫૦ હતી. જે વધીને ૪૦૦૦ કરતાં આગળ વધી ગઈ છે. આ મગજનાં અલ્પ વિકાસ માટે જવાબદાર છે. 'ઝીકા' વાયરસ. આવી ખામીવાળા બાળકો 'પીનહેડ' તરીકે ઓળખવામાં આવે છે.
''માઈક્રોસિફાલી'' જેવી મગજની અવિકસીત અવસ્થા માટે જીનેટીક ડિફેક્ટ જવાબદાર ગણવામાં આવે છે. કેટલાક ડ્રગ્સનાં કારણે પણ આ ખામી પેદા થઈ શકે છે. રેડિયેશનની અસર, માતાને મળતો પોષણનો અભાવ, ગર્ભાવસ્થા દરમ્યાન 'ડાયાબીટીસ'ને નિયંત્રણમાં ન રાખવામાં આવ્યો હોય, કે ગર્ભાવસ્થામાં વિકાસ માટે નડતી મુશ્કેલીનાં કારણે અલ્પ વિકસીત મગજની બીમારી 'માઈક્રોસિફાલી' થઈ શકે છે. જો કે તાજેતરમાં બ્રાઝીલમાં જોવા મળેલ આવા રોગનાં કિસ્સા પાછળ મચ્છર દ્વારા ફેલાતો 'ઝીકા' વાયરસનો ચેપ કેન્દ્ર સ્થાને છે. એક વાત યાદ રહે કે ગ્લોબલ વાર્માગ જેવી ઘટનાનાં કારણે વાયરસનો વ્યાપ વધી રહ્યો છે. 'ઈબોલા' બાદ, 'ઝીકા' નામનો વાયરસ તેનો ત્રાસ ફેલાવવા આવી ગયો છે.

No comments: