Sunday 3 July 2016

ટાર્ગેટ મુન : ફરીવાર ચંદ્ર ઉપર ચઢાઈ કરવાનો સમય પાકી ગયો છે.

વિશ્વ અલગ અલગ રીતે તૈયારી કરી રહ્યું છે...

Pub. date: 03.07.2016

જુન મહિનો અંતરીક્ષ કાર્યક્રમો માટે સફળતા તાજ લઈને આવ્યો છે. ઈસરોએ વિશ્વ વિક્રમ નોંધાવ્યો છે. ભારતે એક જ રોકેટ પર ૨૦ જેટલાં સેટેલાઈટ ગોઠવીને અંતરિક્ષમાં ધકેલ્યા છે. જેમાંથી ત્રણ ઉપગ્રહ ભારતનાં અને ૧૭ ઉપગ્રહ પરદેશનાં છે. અંતરીક્ષમાં આવેલ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) ઉપર ૬ મહિના જેટલો સમય વિતાવીને બ્રિટનનાં પ્રથમ અંતરિક્ષયાત્રી ટીમ પીક પૃથ્વી પર પાછા ફર્યા છે. મેજર પીકની સફળતાની ઉજવણી માટે જર્મનીમાં યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં યુરોપીઅન સ્પેસ એજન્સીએ નવી જાહેરાત કરી છે. પૃથ્વી અને ચંદ્રની વચ્ચે યુરોપીઅન સ્પેસ એજન્સી ''હયુમન આઉટપોસ્ટ'' ઉભી કરવા માંગે છે. જે સ્પેસ જંકશન જેવું કામ કરશે. અંતરીક્ષમાં જવા આવવા અને બાહ્ય અંતરીક્ષમાં વિવિધ મિશન માટે, આ આઉટપોસ્ટ એક બેઝ સ્ટેશન કે મુકામ તરીકે કામ લાગશે. ISS ઉપરથી પાછા ફરેલાં ટીમ પીકનું સ્વપ્ન છે કે તેને બ્રિટનનાં પ્રથમ નાગરીક તરીકે ચંદ્ર ઉપર ઉતરાણ કરીને પગલાં પાડવાની તક મળે. ગયા માર્ચ મહીનામાં ચંદ્ર ઉપર પગલા પાડનાર વિશ્વની બીજી વ્યક્તિ 'બઝ' એલ્ડરીને નાસાને અનુરોધ કર્યો હતો કે, મંગળ પર મનુષ્યને મોકલતાં પહેલાં, ફરીવાર મનુષ્યને ચંદ્ર ઉપર ઉતારીને ''રિહર્સલ'' કરવું જોઈએ.

ચંદ્ર 'ફ્યુઅલ સ્ટેશન' તરીકે કામ આપી શકે ! - બઝ એલ્ડરીન

અમેરિકાની 'એપોલો-૧૧' સ્પેસ ફલાઈટ વડે મનુષ્ય પહેલી વાર ચંદ્ર પર પૃથ્વી નિવાસીનાં પગલાં પાડવાનો મોકો મળ્યો હતો. અમેરિકાની 'નાસા' એ પોતાની સફળતાનો વિજય ધ્વજ ચંદ્ર પર 'રાષ્ટ્રધ્વજ' લગાવીને ફરકાવ્યો હતો. આજથી ૪૬ વર્ષ પહેલાં નિલ આર્મસ્ટ્રોગ અને 'બઝ' એલ્ડરીન (એડવીન યુજીન એલ્ડરીન) ચંદ્ર ઉપર ઉતરીને પગલાં પાડયા હતા. પ્રથમ માનવીનો 'યશ' નિલ આર્મસ્ટ્રોગને મળ્યો હતો. 'બઝ' એલ્ડરીન બીજી વ્યક્તિ તરીકે 'ચંદ્ર' પર ઉતર્યા હતાં. આજની તારીખે ઘણા લોકો મનુષ્યની ચંદ્ર યાત્રાને એક બનાવટ ગણે છે. 'બઝ' એલ્ડરીને પોતાની આત્મકથા રિટર્ન ટુ અર્થ (૧૯૭૩) અને મેગ્નીફિશન્ટ ડિસોલેશન (૨૦૦૯)માં પ્રકાશીત કરી હતી. તેમની "મિશન ટુ માર્સ "૨૦૧૩માં પ્રકાશીત થઈ હતી. જ્યારે ગયા એપ્રીલ મહીનામાં તેમણે ''નો ડ્રીમ ઈઝ ટું હાઈ'' પ્રકાશીત કરી હતી.
તેમણે અમેરિકાને સલાહ આપી હતી કે ''અમેરિકન સરકારે જુની ટેકનોલોજીનાં સહારે (એલન મસ્કની સ્પેસ એક્સ જેવી) પ્રાઈવેટ એરોસ્પેસ કંપની સાથે સ્પર્ધા કરવાનું છોડીને સહયોગથી કામ કરવું જોઈએ.'' એલ્ડરીને મંગળ ગ્રહ પર મનુષ્યને મોકલવા માટેનો 'માસ્ટર પ્લાન' પણ રજુ કર્યો હતો. જોકે મંગળ પર મનુષ્યને ૨૦૩૫-૨૦૪૦ સુધીમાં મોકલતાં પહેલાં ફરી એક વાર 'ચંદ્ર'ની મુલાકાતે મનુષ્યને મોકલવાની હિમાયત કરી હતી. તેમણે એપોલો મિશન કરતાં વધારે સારા રોકેટ, ચીન, રશિયા અને જાપાનની મદદથી બાંધી શકાય તેવું વલણ દર્શાવ્યું હતું.
૧૯૬૬માં જેમીની ૧૨ મિશન દરમ્યાન અંતરીક્ષમાં પ્રથમ ''સેલ્ફી'' લેવાનો રેકોર્ડ 'બઝ' એલ્ડરીને પોતાનાં નામે કર્યો હતો. બઝ એલ્ડરીન અને અન્ય નિષ્ણાતો માને છે કે નાસા સ્પેસ એક્સપ્લોરેશનનો મહત્ત્વનો પડાવ ભુલી રહ્યું છે. મંગળ ઉપર જતાં પહેલાં ચંદ્રની બીજી બાજુએ કાયમી અંતરીક્ષ થાણું નાખવું જોઈએ. અન્ય દેશોને પણ આ કાર્યક્રમમાં સામેલ કરવા જોઈએ. ચંદ્ર ઉપર 'ફ્યુઅલ ડિપો' બાંધવાથી મંગળ યાત્રાનો ખર્ચ ઘટાડી શકાય. ચંદ્રનાં ધ્રુવ પ્રદેશો પર બરફ રહેલો છે. જેને રોકેટ માટેનાં બળતણ તરીકે આસાનીથી ફેરવી શકાય તેમ છે. બરફાળ પાણીમાંથી રોકેટ માટેનાં ઈંધણ જેવા કે હાઈડ્રોજન અને ઓક્સીજનમાં રેણુઓ અલગ તારવી શકાય તેમ છે. આ ઉપરાંત ચંદ્ર ઉપર માનવ વસાહતની સ્થાપના કરવાની હોય તો, ધ્રુવ પ્રદેશો પર રહેલાં પાણીનાં જથ્થાને સ્વચ્છ અને સલામત રાખવો જોઈએ.

પ્રાઈવેટ ''સ્પેસ મિશન''ને અમેરિકા મંજુરી આપવા માટે આગળ વધી રહ્યું છે

અમેરિકા બિન-સરકારી સ્પેસ એજન્સીને ચંદ્ર પર 'લેન્ડર પ્રોબ' ઉતારવાની મંજુરી આપવા તૈયારી કરી રહ્યું છે. 'મુન એક્સપ્રેસ' નામની પ્રાઈવેટ કંપની આવતાં વર્ષે MX-1 માઈકો લેન્ડર સ્પેસક્રાફ્ટને ચંદ્ર પર ઉતારવાની તડામાર તૈયારી કરી રહ્યું છે. માઈક્રો લેન્ડરમાં ૨૦ કી.ગ્રા. વજનનાં સાયન્ટીફીક હાર્ડવેર લઈને જશે. માઈક્રો લેન્ડરનું કદ, હવાઈ મુસાફરી માટે વપરાતી મોટી લગેજ બેગ જેટલું રહેશે.
ગુગલની સહયોગી કંપની આલ્ફાબેટ દ્વારા "ગુગલ લ્યુનાર એક્સ પ્રાઈઝ કોમ્પીટીશન" રાખવામાં આવી છે. જેમાં વિજેતા માટે બે કરોડ ડોલરનું ઈનામ રાહ જોઈ રહ્યું છે. શું આટલા નાણા, બિન-સરકારી સ્પેસ એજન્સીનાં સ્પેસ પ્રોબને ચંદ્ર ઉપર ઉતારવા માટે પુરતાં છે ? નાસાએ એપોલો પ્રોગામ પાછળ ૧૩૭ અબજ ડોલરનો ખર્ચ કર્યો છે. આજની લેટેસ્ટ ટેકનોલોજીનો સહારો લઈએ તો પણ ચંદ્ર પર નાના લેન્ડર યાનને ઉતારવા માટે અંદાજે ૫ કરોડ ડોલર જેટલો ખર્ચ થાય.
ઈનામ જીતવા માટે સ્પેસ આઈએલ અને મુન એક્સપ્રેસ નામની બે બિન-સરકારી કંપની મેદાનમાં ઉતરી છે. મુન એક્સપ્રેસને માત્ર પૃથ્વીનું ગુરૃત્વાકર્ષણ જ નહીં, અમેરિકાની સ્પેસ પોલોસી અને કાયદા કાનુન નડવાના છે. અમેરિકા પાસે હાલની તારીખે બિન-સરકારી સંસ્થાને ચંદ્ર, મંગળ કે અન્ય ગ્રહ પર 'સ્પેસ મિશન' મોકલવા માટે મંજુરી આપી શકે તેવી સંસ્થાની રચના કરવામાં આવી નથી. ૧૯૬૭માં આંતરરાષ્ટ્રીય સહયોગથી યુનાઈટેડ નેશન્સ દ્વારા કરવામાં આવેલ 'આંતરરાષ્ટ્રીય કરાર' પણ સ્પેસ હવનમાં 'હાડકાં' નાખી શકે છે. જેમાં વિવિધ રાષ્ટ્ર અને તેની સરકારી સંસ્થાઓના અંતરિક્ષ કાર્યક્રમને નિયંત્રણમાં રાખવા માટેની માર્ગદર્શિકા ઘડવામાં આવે છે. જેમાં  બિન-સરકારી અંતરીક્ષ સંગઠન ને અંતરીક્ષ મિશન મોકલવું હોય તો શું કરવું જોઈએ તેના વિશે કોઈ ચોખવટ કરવામાં આવી નથી.
હાલમાં અમેરિકાનાં રોકેટ લોન્ચીંગ દ્વારા અંતરીક્ષમાં મિશન મોકલવામાં આવે છે ત્યારે ફેડરલ એવિયેશન એડમિનીસ્ટ્રેશન (FAA) સલામતી અને સુપરવિઝનનાં કાર્યો માટેની મંજુરી આપે છે અને મિશનની જવાબદારી સ્વીકારે છે. આવતાં વર્ષે મુન એક્સપ્રેસ માઈક્રો લેન્ડર, ચંદ્રની સપાટી પર ઉતારવા માંગે છે પરંતુ તેને લઈ જનાર રોકેટ હજી સુધી એક પણ વાર ટેસ્ટ કે ટ્રાયલ માટે ઉડયું નથી.

ESAનો માસ્ટર પ્લાન : ''સ્પેસ બેઝ સ્ટેશન''

હાલનાં ઈન્ટરનેશન સ્પેસ સ્ટેશન કરતાં ૧૦૦૦ ગણાં દૂરના અંતરે, યુરોપીયન સ્પેસ એજન્સી 'સ્પેસ બેઝ' સ્થાપવા માંગે છે. બ્રિટીશ નાગરીક ટીમ પિકે ચંદ્ર પરની અંતરિક્ષયાત્રામાં જોડાવા માટેની પોતાની તૈયારી અને મરજી બતાવી છે. યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) હવે 'ડિપ સ્પેસ હેબીટેટ'નાં પ્લાનીંગ તરફ આગળ વધી રહ્યું છે, કારણ કે... ISS ની આવરદા હવે પુરી થવા આવી છે. પૃથ્વી અને ચંદ્ર વચ્ચે આવેલ ''હયુમન પોસ્ટ'' પૃથ્વી પર આવવા જવા માટે શટલ સર્વિસ પુરી પાડી શકે છે. અહીંથી ચંદ્ર પર 'હયુમન કોલોની' માટે જરૃરી માલસામાન મોકલી શકાય છે. ખાણકામ માટે જરૃરી સાધન સામગ્રી સ્ટોર કરવા માટેનું 'સ્ટોરેજ' તૈયાર થઈ શકે છે. પૃથ્વીવાસી માટે મંગળ ઉપર પહોંચતા પહેલાં, પ્રથમ પડાવ તરીકે ચંદ્ર પૃથ્વી વચ્ચેની 'સ્પેસહયુમન પોસ્ટ' કામ લાગી શકે છે. બીજા પગલાં તરીકે ખુદ ચંદ્ર ઉપયોગી બને તેમ છે. ફરીવાર મુન મિશનનું નામ સાંભળીને અનેક અંતરિક્ષ યાત્રીઓનાં હૃદયનાં ધબકારાં અટકી જાય છે.
ESA નાં હયુમન સ્પેસ ફલાઈટનાં સંચાલક ડેવ પાર્કર કહે છે કે, ''આવતાં વર્ષે કોન્ફરન્સ ભરવામાં આવશે. જેમાં 'સ્પેસ બેઝ' પ્રોજેક્ટની ચર્ચા કરવામાં આવશે. એકાદ ક્ષણ પૂરતું માની લો કે આપણે ૨૦૨૬માં પહોંચી ગયા છીએ. ISS તેની જીંદગીનાં અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. ચંદ્ર અને પૃથ્વી વચ્ચે 'સ્પેસ બેઝ સ્ટેશન' આવેલું છે. જ્યાં પૃથ્વી અને ચંદ્રની ગુરૃત્વાકર્ષણ મર્યાદા સંતુલન અવસ્થામાં છે. જેને અંતરીક્ષમાં આવેલ ચાર રસ્તા કે હાઈવે કહી શકાય. જ્યાંથી મંગળ કે પૃથ્વી કે ચંદ્ર તરફજવાનો માર્ગ મોકળો ને સરળ હોય. અહીં અંતરિક્ષયાત્રીઓ વસવાટ કરી શકતા હોય, અંતરીક્ષમાં કઈ રીતે કામ પાર પાડવું તેની નેટપ્રેકટીસ કરતાં હોય, સુર્યમાળાનાં અન્ય ગ્રહો વિશે અહીંથી સંશોધન થતું હોય. મનુષ્ય આસાનીથી ચંદ્રની સપાટી પર ઉતરી શકતો હોય.''
આવી કલ્પનાને સાકાર કરે તેવા  'બેઝ સ્ટેશન'  માટે ESA આગળ વધી રહ્યું છે. આ 'બેઝ સ્ટેશન'  પર ચાર અંતરીક્ષયાત્રીઓ માટે રહેવાની સગવડ કરવામાં આવશે. ઉર્જા મેળવવા સુર્ય પ્રકાશનો ઉપયોગ થશે. અહીં સ્પેસ ફાર્મમાં જરૃરી વનસ્પતિ ઉગાડીને તેનો ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવશે. કચરા અને પાણીને રિ-સાયકલ કરીને વારંવાર વાપરવામાં આવશે. યુરોપિઅન સ્પેસ એજન્સીનો આ 'ગોલ્ડન' માસ્ટર પ્લાન છે. જેના માટે ESA ઝડપથી આગળ વધી રહ્યું છે.

''લ્યુનાર હયુમન કોલોની'' : રશિયા તૈયારી કરી રહ્યું છે

રશિયાની સ્પેસ એજન્સી- રોસકોસમોસ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ૨૦૩૦માં રશિયા ચંદ્ર ઉપર માનવ વસાહત એટલે કે હયુમન કોલોની નામે કાયમી વસાહતની સ્થાપના કરશે. જેમાં બાર જેટલાં અંતરિક્ષયાત્રીઓ લાંબા સમય માટે વસવાટ કરી શકશે. ચંદ્રનો ઉપયોગ સંશોધન માટે કરવામાં આવશે. ચંદ્રની ભૂમી પર રહેલાં અતિ કિંમતી ખનીજોને મેળવવા માટે 'માઈનીંગ' /ખાણકામ કરવામાં આવશે. નિષ્ણાંતો માને છે કે યુદ્ધ સમયે આ 'હયુમન કોલોની'નો લશ્કરી હેતુ માટે પણ ઉપયોગ થઈ શકે તેમ છે.
આવનારાં બે દાયકામાં અમેરિકાની નજર 'મંગળ' તરફ ટંકાએલી છે. ત્યારે રશિયા ચંદ્ર ઉપર ચડાઈ કરવાની તૈયારી કરી રહ્યું છે. ૨૦૩૦ સુધીમાં રશિયા 'કોલોની'નું બાંધકામ કરે તે પહેલાં યોગ્ય સ્થળની પસંદગી માટે લ્યુનાર પ્રોબ, ૨૦૨૪માં મોકલવામાં આવશે.  જે કોલોની બાંધકામ માટે સૌથી યોગ્ય, સ્થળની પસંદગી કરશે. સેન્ટ્રલ રિસર્ચ ઈન્સ્ટીટયુટ ઓફ મશીન બિલ્ડીંગનાં સંશોધક ઓલ્ગા ઝારોવાનાં મત પ્રમાણે, શરૃઆતનાં તબક્કે ૨ થી ૪ માણસ રહી શકે તેવું 'બેઝ સ્ટેશન' બનાવવામાં આવશે. તેને સપાટી નીચેનાં એનર્જી સ્ટેશન દ્વારા પાવર સપ્લાય મળતો રહેશે. પાવર સ્ટેશન ચંદ્રનાં ધ્રુવ પ્રદેશની નજીક હશે.
આ ઉપરાંત સુર્યના રેડિયેશન અને ભવિષ્યનાં ન્યુક્લીયર એટેકથી અંતરિક્ષયાત્રીઓને બચાવવા ભુગર્ભમાં ''ફોલઆઉટ શેલ્ટર'' બાંધવામાં આવશે. રશિયાની મુખ્ય સમાચાર સંસ્થા 'તાસ' જણાવે છે કે ''રશિયાએ સર્વેક્ષણ કરવા માટે લ્યુના-૨૫ નામનાં લેન્ડરનું બાંધકામ શરૃ કરી દીધું છે. ચંદ્ર સુધી પહોંચવા માટે રશિયા અંગારા- A5V નામનું હેવી લીફ્ટ ધરાવતું રોકેટ વિકસાવી રહ્યું છે. માનવ વસાહત માટે જરૃરી માલસામાન આ રોકેટ દ્વારા મોકલવામાં આવશે. રશિયા તેનાં "મિશન મુન'' ને છ અલગ અલગ અંગારા રોકેટની ફલાઈટ વડે પુર્ણ કરશે.

No comments: