Sunday 28 August 2016

ઓલિમ્પિક રમતોત્સવમાં સુપર સ્પોર્ટસ વુમન : સ્ત્રી-પુરૃષ વચ્ચેની જૈવિક ભેદ રેખા સમસ્યા બને ત્યારે !


Pub. date : 28.08.2016.

કેટલીક વાર કુદરત ભુલ કરે છે અને ભોગ બને છે સ્ત્રી ખેલાડી. સામાન્ય રીતે આપણે કોઈ સ્ત્રીને મજબૂત, ખડતલ શરીરવાળી, સ્નાયુબદ્ધ અને પુરૃષ જેવાં શરીરની જોઈએ છીએ ત્યારે, વિજેતા સ્ત્રી, આપણા દીમાગમાં પુરૃષ જેમ છવાઈ જાય છે.

રિઓડી જાનેરોમાં ઓલિમ્પિક ઉત્સવ પૂરો થયો છે. ભારતની બે વિરાંગનાઓએ હિંદુસ્તાનનું નાક બચાવી રાખ્યું છે. સાક્ષી મલીક કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીતી લાવી છે. જ્યારે પી.વી. સિધ્ધુએ બેડમિન્ટનમાં રજત ચંદ્રક જીતીને ભારતની આબરૃ સાચવી છે. મેડલ ટેલીમાં ભારત ૬૭માં છે. ભારતનો કોઈપણ પુરૃષ ખેલાડી મેડલ મેળવવામાં સફળ રહ્યો નથી.  સ્મીથસોનીઅન મેગઝીને એક સ્ટોરી કરી છે. જેનું ટાઇટલ છે. ''ધ રાઇઝ ઓફ મોર્ડન સુપર વુમન.'' હાલ ઓલિમ્પિકમાં લગભગ અગીયાર હજાર ખેલાડીઓ ભાગ લઈ રહ્યાં છે. જેમાંથી ૪૫% સ્ત્રીઓ છે. પરંતુ....વર્ષો પહેલાં પરિસ્થિતિ કંઇક અલગ હતી. ગ્રીસનાં એથેન્સ શહેરમાં વિશ્વનો પ્રથમ આધુનિક ઓલિમ્પિક ખેલ શરૃ થયો ત્યારે ૨૧૪ ખેલાડીઓએ (૧૪ દેશનાં) ભાગ લીધો હતો. બધાં જ ખેલાડી પુરૃષો હતા. પ્રવેશ દ્વાર પર નોટીસ લાગેલી હતી કે, ''નો ગર્લ્સ એલાઉડ.'' મતલબ સ્ત્રીઓનો પ્રવેશ વર્જ્ય છે. એક સ્ત્રી તરીકે રમતગમતમાં 'ટોપ' પર પહોંચવું કેટલું અઘરૃ છે. આપણે સ્ત્રી-પુરૃષ સમાનતાની આઇડીયોલોજીકલ વાત કરીએ છીએ. પણ જ્યારે કોઈ વિજેતા સ્ત્રીને એમ કહે કે ''તું સ્ત્રી નથી ! પુરૃષ છે. અને....પુરૃષ હોવા છતાં 'સ્ત્રી' તરીકે ખેલમાં ભાગ લઇને વિજેતા બની છે. ત્યારે શું હાલત થાય ? કોને આ બાબતે જવાબદાર ગણવા ?''

રમત-જગત સ્ત્રીઓનું સ્થાન

કહેવાય છે કે ૧૯૩૬ની ઓલિમ્પિક ગેમ્સ વખતે, અધિકારીઓએ, અમેરિકન ગોલ્ડ મેડલ વિજેતા સ્ત્રી ખેલાડી હેલન સ્ટીફન્સ મહીલા છે કે પુરૃષ તેવી તપાસ કરવા ''સેક્સ ચેક'' પ્રક્રિયા કરેલી હતી. આ ઓલિમ્પિક ગેમમાં હેલન સ્ટીફન્સે, પોલેન્ડની મહીલા રનર સ્ટેલા વોલ્સને પરાજીત કરી હતી. હવે વિરોધાભાસ જુઓ....સ્ટેલા વોલ્સે ૧૯૩૨માં લોસ એન્જલસની સમર ઓલિમ્પિકમાં ૧૦૦મી દોડમાં ગોલ્ડ મેડલ જીતેલો અને ૧૯૩૬ની ઓલિમ્પિકમાં ૧૦૦ મીટર દોડમાં સિલ્વર મેડલ જીતેલો. ૧૯૮૦માં સશસ્ત્ર લૂંટની ઘટના બની હતી. જેમાં લૂંટારૃની ગોળીઓએ સ્ટેલા વોલ્સને ઘટનાસ્થળે જ મોતને ઘાટ ઉતારી નાખી હતી. જ્યારે પોસ્ટમોર્ટમ માટે શરીર વિચ્છેદન (ઓટોપ્સી) કરવામાં આવી ત્યારે ખબર પડી કે સ્ટેલા વોલ્સ પુરૃષ ગુપ્તાંગ ધરાવતી હતી.

૧૯૦૦માં પેરીસમાં રમાયેલ ઓલિમ્પિકમાં સ્ત્રીઓને માત્ર ગોલ્ફ, રેનીસ અને ક્રોકેવટ જેવી ભાગ લેવાની છૂટ આપવામાં આવી હતી. જો કે ટ્રેક એન્ડ ફિલ્ડની રમતોમાં તેમને પ્રવેશ મળતો ન'હતો. એથ્લેટીક ખેલમાં સ્ત્રીઓને ભાગ લેવા મળે તે માટે એલીસ મિલશેન નામની મહીલાએ અથાગ પ્રયત્નો કર્યા હતાં. જેમાં તેને સફળતા ન મળતાં, તેણે એક ફેડરેશનની રચના કરીને, ૧૯૨૨માં પેરીસમાં ખાસ સ્ત્રીઓ માટેની વુમનેસ ઓલિમ્પિક ગેમ્સ શરૃ કરી હતી. જેમાં ૧૦૦ મીટરની દોડ પણ સામેલ હતી. છેવટે ૧૯૨૬માં સમાધાન થયું અને આમસ્ટરડેમ ખાતે રમાયેલી ઓલિમ્પિકમાં સ્ત્રીઓ માટે પ્રથમવાર એથ્લેટીક્સ-ટ્રેક એન્ડ ફિલ્ડની રમતોમાં ભાગ લેવાનું શક્ય બન્યું હતું. જોકે ૮૦૦ મીટર દોડ જેવી રમત, સ્ત્રીઓ માટે એક દાયકા બાદ ઉમેરવામાં આવી હતી. હવે અમેરિકામાં કોલેજ અને યુનિવર્સિટીમાં સ્ત્રીઓ માટેનાં ખાસ એથ્લેટીક પ્રોગ્રામ શરૃ થવા લાગ્યા હતાં. ૧૯૧૨માં સ્ત્રીઓને પાણીની રમતમાં પણ ભાગ લેવાની છૂટ આપવામાં આવી હતી.

૧૯૪૦નાં દાયકામાં સ્ત્રી અને પુરૃષ વચ્ચેની ભેદરેખા દોરવાની અધિકારીઓને જરૃર જણાઈ હતી. ૧૯૬૬માં પ્રથમવાર પ્રયોગાત્મક ધોરણે સ્ત્રી-પુરૃષની ઓળખ કરવાની શરૃઆત થઈ. જેને 'ન્યુડ પરેડ' કહેવામાં આવી આ પરેડમાં સ્ત્રીઓને તેમનાં ગુપ્તાંગ દેખાય તે રીતે પરેડમાં નગ્ન ચાલવું પડતું હતું. જેનો વિરોધ થતાં, ૧૯૬૬માં સ્ત્રીઓ માટે રંગસૂત્ર-ગુણસૂત્ર આધારિત ક્રોમોસોમલ ટેસ્ટ શરૃ કરવામાં આવ્યો હતો. આ ટેસ્ટ પણ આધારભૂત ન ગણવામાં આવ્યો, કારણ કે જીનેટીક ખામીઓનાં કારણે, સ્ત્રી-પુરૃષ વચ્ચે દોરવામાં આવતી ભેદરેખા પાડવી મુશ્કેલ બની હતી. ૧૯૯૬માં જેન્ડર વેરીફીકેશનને તિલાંજલી આપવામાં આવી. જોકે તાજેતરમાં કાસ્ટર સિમેન્યા અને દુત્તીચંદ જેવી મહિલા ખેલાડી વિશે પ્રશ્નાર્થ ચિન્હ ઉભું થતાં ઇન્ટર સેક્સ કે ટ્રાન્સ જેન્ડર માટે ખાસ ગાઇડ લાઇન નક્કી કરવામાં આવી છે.

સ્ત્રી એટલે માત્ર 'XX’ રંગસૂત્ર ?

વિશ્વની ખેલ જગતની દુનિયામાં તેમનાં નામ જાણીતાં છે. તેઓ સ્ટેલાં વોલ્સ, ડોરા રાજેન, ફોકજે ડિલેમા, તમારા અને આઇટીના પ્રેસ બહેનોની જોડી, ઇવા કોબુકોવાસ્કા અને એરિક સ્નીગર. આ યાદીમાં નવાં નામોનો ઉમેરો થયો છે. દક્ષિણ આફ્રિકાની એથ્લીટ કાસ્ટર સિમેન્યા અને ભારતની દુતીચંદ  (કે ચાંદ ?) તેમનાં ક્ષેત્રોમાં વિજેતા રહેલી આ સ્ત્રીઓ પર સ્ત્રી ન હોવાનાં આરોપ લાગેલાં છે. આવું કેમ ?

કેટલીક વાર કુદરત ભુલ કરે છે અને ભોગ બને છે. સ્ત્રી ખેલાડી. સામાન્ય રીતે આપણે કોઈ સ્ત્રીને મજબૂત ખડતલ શરીરવાળી, સ્નાયુબદ્ધ અને પુરૃષ જેવાં શરીરની જોઈએ છીએ ત્યારે, વિજેતા સ્ત્રી, આપણા દીમાગમાં પુરૃષ જેમ છવાઈ જાય છે. આપણાં ત્યારે ઉદગાર હોય છે. 'જો ને ભાયડા જેવી લાગે છે ને !' . સ્ત્રી વિશેની આપણી કલ્પના અને હકીકત દર્શાવે છે કે 'સ્ત્રીનું શરીર નાજુક બાંધો નમણો અને નબળો, વિકસીત સ્તનપ્રદેશ, સુવાળો મખમલી અવાજ.' 'બાયોલોજીકલ ફિમેલ'ની બેઝીક જરૃરીયાત દર્શાવે છે. બેશક ! આવું જ હોય ! જો કુદરતે કોઈ 'જીનેટીક ગેમ' ખેલી ન હોય તો સ્ત્રીનું શારીરિક બંધારણ આવું જ હોય પરંતુ, કેટલીક વાર તમને વિજેતા બનતાં રોકવા માટે જીનેટીક ડિફેક્ટ બહું મોટી 'ગેમ' રમી જાય છે.

વિજ્ઞાાન અને જીનેટીક્સનાં સંદર્ભમાં વાત કરીએ તો, રમતજગતમાં સ્ત્રી અને પુરૃષ વચ્ચે 'ભેદરેખા' ખેંચવી એ લક્ષ્મણ રેખા ખેચવા બરાબર દુષ્કર કાર્ય છે. જો માત્ર બાયોલોજીને ધ્યાનમાં રાખીને સ્ત્રી-પુરૃષ વચ્ચે ભેદ રેખા દોરવામાં આવે તો, ઘણી બધી મહીલા ખેલાડીઓ સામે પ્રશ્નાર્થ ઉભા થાય !

ખેલ જગતમાં માત્ર  ગુણસૂત્રમાં "Y" હાજરીને પુરૃષની નિશાની ગણી લેવું ખોટું પગથિયું છે. ખેલ જગતમાં સ્ત્રી-પુરૃષ વચ્ચે મુખ્ય ભેદરેખા ખેંચનાર પદાર્થ છે. ''સેક્સ હોમોન્સ''. પુરૃષોમાં ટેસ્ટોસ્ટેરોન અને એન્ડ્રોજેન. પુરૃષોમાં વિજેતા પ્રદર્શનમાં મહત્તમ ભૂમિકા ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સ ભજવે છે. આ કારણે તેને ડોપીંગ એજન્ટ પણ ગણવામાં આવે છે. ખેલ વખતે ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ ઊંચું હોય તો, ખેલાડીને જીત મેળવવી આસાન થઈ પડે છે. આવો ખેલાડી પુરૃષ હોય તો વાત બરાબર છે. કારણ કે 'ટેસ્ટોસ્ટેગેન' પુરૃષ શરીરમાં પેદા થતો ''સેક્સ હોર્મોન'' છે. માની લો કે....ટેસ્ટોસ્ટેરોનનું ઊંચું લેવલ સ્ત્રી ખેલાડીમાં જોવા મળે તો ? બે શક્યતા છે. એક અવૈધ ડ્રગ એટલે 'ડોપીંગ' વડે સ્ત્રીએ સામર્થ્ય મેળવ્યું છે. અથવા બે : તેનાં શરીરમાં પુરૃષનાં ગુણસૂત્ર છે. જેનાં કારણે ટેસ્ટોસ્ટેરોનનું લેવલ ઊંચું ગયું છે. આવાં ઊંચા ટેસ્ટોસ્ટેરોન વાળી મહિલા ખેલાડીને પુરૃષ ગણીશું ?

દુતિચંદ : ઓલિમ્પિકની નિષ્ફળતા પાછળનું કારણ ?

પશ્ચિમ ભારતનાં ગોપાલપુર ગામમાં દુતિચંદ નામની મહિલા ખેલાડીનો ઉછેર થયો હતો. ૨૦૧૨માં ૧૬ વર્ષની ઉંમરે, દુતિચંદને નેશનલ લેવલ એથ્લેટીક ટ્રેનીંગ પ્રોગ્રામમાં સામેલ કરવામાં આવી હતી. જેને તેણે સાર્થક કરી બતાવી હતી. ૧૬ વર્ષની ઉંમરે તે, અન્ડર ૧૮ કેટેગરીમાં ૧૦૦ મીટર દોડમાં વિજેતા બની હતી. તે પછીના વર્ષે તેણે ૧૦૦ અને ૨૦૦ મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીતી ગઈ. જૂન ૨૦૧૪માં તાઇપેઇમાં રમાયેલ એશીયન ચેમ્પિયનશીપમાં દુતિચંદ ગોલ્ડ મેડલ જીતી લાવી, ત્યાર બાદ દુતિચંદ આરામ ફરમાવી રહી હતી.

અચાનક, ડિરેક્ટર ઓફ એથ્લેટીક ફેડરેશન ઓફ ઇન્ડિયાએ, દુતિચંદને દિલ્હી બોલાવી. દુતિચંદ ગ્લાસગોમાં રમાનારી કોમનવેલ્થ ગેમ્સ માટે તૈયારી કરી રહી હતી. દિલ્હીમાં પહોંચતા જ તેને, ફેડરેશનનાં તબીબોને મળવાનું કહેવામાં આવ્યું હતું. અહીં તેનો યુરીન, બ્લડ અને અલ્ટ્રાસાઉન્ડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેણે સવાલ પૂછ્યો તો જાણવા મળ્યું કે આ રૃટીન ચેકઅપ છે. તેને અંદાજ પણ ન હતો કે તેનાં 'ગોલ્ડ-મેડલ' પ્રદર્શનને શંકાની નજરે જોવામાં આવશે . તેનાં શારીરિક બંધારણ વિશે નિષ્ણાંતો વિમાસણમાં હતાં. ટેસ્ટનાં ત્રણ દિવસ બાદ, ફેડરેશને ભારત સરકારને 'જેન્ડર વેરીફીકેશન રીપોર્ટ' સુપ્રત કર્યો. જેમાં તેની સેક્સ/જાતીભેદ બાબતે શંકા ઉભી કરવામાં આવી હતી. ત્યારબાદ, દુતિચંદને બેંગ્લોરની ખાનગી હોસ્પિટલમાં તપાસ માટે મોકલવામાં આવી હતી. જ્યાં તબીબોએ તેનાં રક્તમાં રહેલા ટેસ્ટોસ્ટેરોનનાં પ્રમાણ ચકાસવા માટે બ્લડ ટેસ્ટ કર્યા. દુતિચંદ હજી સમજી ન શકી હતી કે શું થઇ રહ્યું છે. અહીં તેનો ક્રોમોસેમ્પલ ટેસ્ટ, MRI અને ગાયનોકોલોજીકલ ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. એસોસીએશનનાં પ્રોટોકોલ મુજબ, દુતિચંદનાં ગુપ્તાંગનાં માપ લેવામાં આવ્યા હતાં. યોની માર્ગ, મંદનાકુરની લંબાઈ (કલીટોરીસ) જેવાં ભાગોના જીણવટભર્યા માપ લેવામાં આવ્યા. ઉપરાંત ગુપ્તાંગ પર આવેલ વાળનું પણ પૃથ્થકરણ કરવામાં આવ્યું હતું. જે તબીબ ભાષામાં "ડિફરન્સ ઓફ સેક્સ ડેવલપમેન્ટ" માટેનાં પરીક્ષણો હતાં. જ્યારે સ્ત્રીનાં ગુણસૂત્ર XX હોવા છતાં ઘણીવાર તેમનાં ગુપ્તાંગને સ્ત્રી કે પુરૃષ એમ અલગ તારવી શકાય તેવું હોતું નથી. કેટલીક વાર સ્ત્રીઓનાં ક્રોમોસોમમાં વધારાનો Y  ક્રોમોસોમ હોય છે એટલે કે ૪૭માં ગુણસૂત્ર "XXY" હોય છે. જેને કલીનફેલ્ટર સિન્ડ્રોમ કહે છે. સામાન્ય સ્ત્રીમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ અંદાજે ૧.૦ થી ૩.૩૦ નેનો મોલ પ્રતિ લીટર લોહી હોય છે. એથ્લેટીક્સની રમતો માટે બોર્ડર લાઇન પર આવતાં જીનેટીક ખામીવાળા કેસોની ઊંડી તપાસ થાય છે.

ટેસ્ટોસ્ટેરોન : ગેમ પોઈન્ટ ?

૨૦૧૨થી ઓલમ્પિક રમતોમાં, સ્ત્રી-પુરૃષો વચ્ચેનો ભેદ પાડવા માટે, ટેસ્ટોસ્ટેરોનનો માપદંડ ઉભો કરવામાં આવ્યો છે. ૨૦૧૨ પહેલાંનાં દરેક ટેસ્ટમાંથી મહિલા ખેલાડીએ પસાર થવું ફરજીયાત હતું. હવે 'ટેસ્ટોસ્ટેરોન' લેવલ માટેનો ટેસ્ટ, નેશનલ ઓલમ્પિક કમિટીનાં મુખ્ય તબીબ ભલામણ કરે તો જ કરવાનો હોય છે. પુરૃષોમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ, પ્રતિ લિટરે ૭ થી ૩૦ નેનો મોલ્સ હોય છે. જો કોઈ મહિલા ખેલાડીમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ, ઉપરોક્ત રેંન્જમાં જોવા મળે તો તેને, સ્પર્ધામાં ભાગ લેવા દેવામાં આવતો નથી. સ્ત્રીઓ માટે ટેસ્ટોસ્ટેરોનની મહત્તમ મર્યાદા ૩ નેનો મોલ પ્રતિ લીટર જેટલી રાખવામાં આવી છે. ટેસ્ટોસ્ટેરોનની માત્રા રક્તમાંથી માપવામાં આવે છે.

૨૦૦૩થી ટ્રાન્સસેક્સ્યુઅલ (જેણે પુરૃષથી સ્ત્રી જાતિમાં પરીવર્તનની સર્જરી કરાવી હોય) ને ઓલિમ્પિક રમતોમાં ભાગ લેવા દેવામાં આવતો હતો. જોકે ખેલાડીએ સર્જરી બાદ, બે વર્ષ સુધી 'હોર્મોન થેરાપી' લીધી હોવી જોઇએ તેવી આકરી શરત રાખવામાં આવી હતી. આ નીતિમાં ઓલિમ્પિક કમિટીએ ૨૦૧૬માં ફેરફાર કર્યાં છે. હવે ટ્રાન્સજેન્ડર વ્યક્તિ ''સેક્સ ચેન્જ''ની સર્જરી કરાવ્યા સિવાય પણ રમતોમાં ભાગ લઈ શકે છે. શરત માત્ર એટલી કે પ્રથમ સ્પર્ધાથી એક વર્ષ પહેલાં, તેનાં રક્તમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ પ્રતિ લીટરે ૧૦ નેનો મોલ કરતાં ઓછું હોવું જોઈએ. રમતમાં ખેલાડીનાં દેખાવ સંદર્ભમાં ટેસ્ટોસ્ટેરોનનાં માપદંડ રાખવા પાછળનું લોજીક ઉચિત લાગતું હોવા છતાં ઘણીવાર તેનાં દ્વારા મળતાં જૈવિક લાભો વ્યક્તિદીઠ અલગ અલગ હોઈ શકે છે. ટેસ્ટોસ્ટેરોનની માત્રા, સ્ત્રીપુરૃષ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરી શકે છે. છતાં, હજી સંશોધનો થયા નથી કે, ટેસ્ટોસ્ટેરોનનું વધુ પ્રમાણ હોય તો મહિલાને રમતમાં વિજેતા બનવા માટે વધારાનાં જૈવિક લાભ મળતાં હોય ! સામાન્ય રીતે શરીર જો ટેસ્ટોસ્ટેરોન પ્રતિ સકારાત્મક રીતે સંવેદનશીલતાં ધરાવતું હોય તો જ વિજેતા બનવામાં ટેસ્ટોસ્ટેરોન ઉપયોગી બને. ટેસ્ટોસ્ટેરોન પુરૃષ હોર્મોન્સ તરીકે પ્રભાવક છે તેટલો સ્ત્રીઓ માટે પણ પ્રભાવક છે કે નહીં? તે બાબતે વધારે સંશોધન થવા જોઈએ.

ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ અને ક્રિયા-કાર્યદક્ષતા માપવી એ સહેલું કામ નથી. ઓલમ્પિક અને એથ્લેટીક સ્પર્ધા માટે સ્ત્રી-પુરૃષની ભેદરેખા પાડવા ટેસ્ટોસ્ટેરોનનો માર્ગ સાચો છે પરંતુ, પરફેક્ટ નથી.