Sunday 9 October 2016

બેટલ ટેન્ક @ 1૦૦: ઈતિહાસ અને યુધ્ધનાં પાસા બદલવાની તાકાત ધરાવનાર વાહન અને વેપન

Pub. Date : 25.09.2016

બેટલ ટેન્ક એટલે રણગાડી. કોઈ કહે કે રણગાડીનાં પ્રથમ ઉપયોગ થવાને માત્ર સો વર્ષ થયા છે તો, આશ્ચર્યનો અજીબો ગરીબ આંચકો લાગે. લોક માનસમાં ટેંક એટલે રણગાડી .એ લશ્કરનો અભિન્ન ભાગ છે, એમ ઠસાઈ ગયું છે. રણગાડીઓનાં પુર્વજો આદી કાળથી ચાલ્યા આવે છે તેમ માની શકાય. જ્યારે તિર કામઠાંનો જમાનો હતો ત્યારે પણ યુધ્ધમાં 'રથ' આગળ પડતી ભુમિકા ભજવતા હતાં, અને સવાર કે સૈનિક 'રથ'માંથી શસ્ત્રો ચલાવતાં હતાં. ટેકનોલોજીનાં આવિષ્કારનાં કારણે 'બેટલ ટેંક'નો જન્મ થયો. બેટલ ટેંક યુધ્ધનાં પરીણામ બદલવાની તાકાત ધરાવે છે. વૈચારીક કક્ષાએ યુધ્ધ લડાતું હોય ત્યારે રણનીતી ઘડનાર વિશેષજ્ઞ માટે મિડીયા એક શબ્દ વાપરે છે. થિંક ટેન્ક. આમ માનસીકથી વાસ્તવિકતા સુધી 'ટેન્ક'નું સામ્રાજ્ય છે. યુધ્ધનાં ઈતિહાસની અનોખી ઘટનાને આજે 'સો' વર્ષ એટલે કે એક સદી થઈ ગઈ છે. બેટલ ઓફ સોમે (કે સોમ)માં બ્રિટનને પ્રથમવાર રણગાડીનો ઉપયોગ કર્યો ત્યારે તારીખ હતી. ''૧૫ સપ્ટેમ્બર ૧૯૧૬'' જી! હા! પ્રથમ વિશ્વયુધ્ધનાં એ ગોઝારા દિવસો હતાં. એક બાજુ ફ્રાન્સ અને બ્રિટન તથા મિત્ર રાષ્ટ્ર હતાં. સામે પક્ષ હતું : શક્તિશાળી 'જર્મની'. યુધ્ધમાં હવે 'બેટલ ટેન્ક'નો પ્રવેશ થયો હતો અને... માત્ર પ્રથમ વિશ્વયુધ્ધ જ નહી, ત્યારબાદ લડાયેલાં... દરેક યુધ્ધમાં 'બેટલ ટેન્ક' નિર્ણાયક ભુમિકા ભજવવાની હતી.

બેટલ ટેંક અને બેક ગ્રાઉન્ડ

ઈતિહાસ બોલે છે કે, ૨૮ જુન ૨૦૧૪નાં રોજ ઓસ્ટ્રિયાની રાજગાદીનાં વારસદાર આર્ચ ડયુક ફ્રાન્ઝ ફર્ડીનાન્દની ગોળી મારીને હત્યા કરવામાં આવે છે. હત્યારો ગવરીલો પ્રિન્સીપ, યંગ બોસ્નીયાનો સભ્ય હતો. ઉપરાંત બ્લેક હેન્ડ સિક્રેટ સોસાયટીનો સભ્ય પણ હતો. ઓસ્ટ્રીયા-હંગેરીએ અલ્ટીમેટમ આપ્યું. છેવટે સર્બીયા સામે તેમણે યુધ્ધ જાહેર કર્યું અને પ્રથમ વિશ્વયુધ્ધની શરૃઆત થઈ. એકબાજુ મિત્ર ત્રિપુટી, ફ્રાન્સ, બ્રિટન અને રશિયા અને સામે પક્ષ જર્મની, ઓસ્ટ્રીયા અને હંગેરીને સામસામે આવી જવાની ફરજ પડી. પ્રથમ વિશ્વયુધ્ધ 'ગ્રેટ વૉર' તરીકે જાણીતું છે. જેમાં સાત કરોડ લશ્કરી માણસોએ ભાગ લીધો. જેમાંથી ૬ કરોડ લોકો યુરોપિઅન હતાં. યુધ્ધ છેવટે તો માણસ સંહાર કરવાની સામુહીક પ્રવૃત્તિ છે. પ્રથમ વિશ્વયુધ્ધમાં નેવુ લાખ લશ્કરી લોકો અને સાત લાખ નાગરીકો, મૃત્યુનાં મુખમાં ધકેલાઈ ગયા હતાં. જો કે અહીં વિશ્વયુધ્ધને યાદ કરવાનો મુદ્દો અલગ છે.

પ્રથમ વિશ્વયુધ્ધનાં ભાગરૃપે એક લાંબી નિર્ણાયક લડાઈ/સંગ્રામ ખેલાયો. જેને ઈતિહાસકારો 'બેટલ ઓફ સોમે' તરીકે ઓળખે છે. જે ફ્રાન્સની નદી 'સોમે'નાં કિનારે ખેલાયો હતો. જેણે યુધ્ધ પ્રત્યે બ્રિટનનો આખો અભિગમ બદલી નાખ્યો હતો. ૩૧ ઓગષ્ટ ૧૯૬૧નાં રોજ, બ્રિટન તરફ લડનાર 'હેરી બટર', વિશ્વયુધ્ધમાં મરનાર પ્રથમ અમેરિકન નાગરીક બન્યો હતો. સોમે સંગ્રામની શરૃઆત પહેલી જુલાઈ ૧૯૧૬નાં રોજ થઈ. જેમાં પ્રથમ દિવસે જ ૫૭,૪૭૦ બ્રિટીશ નાગરીકો ઘાયલ થયા. જે ક્રિશ્ચીઅન, બોઅર કે કોરીઅન યુધ્ધમાં થયેલ કુલ ઘાયલોની સંખ્યા કરતાં અનેકગણી વધારે હતી. જ્યારે ઘાયલ થનારાં ફ્રેન્ચ લોકોની સંખ્યા માત્ર ૨૦૦૦ની હતી. યુધ્ધનો અંત થયો ત્યારે બ્રિટીશ કેસ્યુઅલ્ટીની સંખ્યા ૪.૨૦ લાખ, ફ્રેન્ચની સંખ્યા બે લાખ અને જર્મનોની સંખ્યા ૪.૬૫ લાખ હતી.

આવું શા માટે બન્યું? જર્મનો ફ્રેન્ચ / ખાડી ખોદીને સંતાઈ રહેવામાં અત્યંત ઝડપી હતા. બ્રિટીશરો વાયરો કાપીને જર્મનો સુધી પહોંચવામાં સફળ રહ્યા નહી અને દુશ્મનોની બંદુકો ગર્જતી રહી. ફ્રાન્સ પાસે પુષ્કળ દારૃગોળો અને ટ્રેઈન્ડ થયેલા સૈનિકો હતાં. બ્રિટીશરોને દરેક પ્રકારની ભૂમી પર ચાલી શકે તેવાં વાહનની જરૃર હતી. કાદવ, કિચડ અને ખોદેલાં ખાડાઓમાંથી લશ્કરને બહાર નીકળવું ભારે પડી ગયું હતું. છેવટે વિશ્વનાં ઈતિહાસમાં નવ જેટલી ટેન્ક સીમા રેખા ઓળંગીને 'નો મેન્સ લેન્ડ'માં પસાર થઈ શકી અને ત્યારબાદ, વિશ્વનાં ભૂમી પર લડાનાર દરેક યુદ્ધમાં 'બેટલ ટેંક' પોતાનો જાદુ બતાવવાની હતી. વિજ્ઞાાન તેને ટેકનોલોજીનાં વાઘા પહેરાવીને 'અજેય' બનાવવાનું હતું.

બખતરીયા તોપ ગાડી : મેકીંગથી મોનોપોલી સુધીની સફર

પ્રથમ વિશ્વયુધ્ધનાં દસ વર્ષ પહેલાં પથરાળ, ખડકાળ, કાદવ કીચડ, નદી, નાળા જેવી વિકટ ભુમી અને યુધ્ધ ટ્રેન્ટમાં પસાર થઈ શકે તેવી બખ્તરીયા ગાડીની દરેક દેશનાં લશ્કરને જરૃર હતી. તેની અનેક ડિઝાઈન રજુ થઈ હતી પરંતુ, ફળદ્રુપ પરીણામ આપે તેવું એકપણ વાહન સર્જાયું ન'હતું. બખ્તરીયા ગાડી/રણગાડી/ટેન્ક શરૃઆતમાં 'લેન્ડશીપ' તરીકે ઓળખાતું હતું. શરૃઆતમાં ટેન્કનાં બે પ્રકાર હતાં. મેલ/નર ટેન્ક અને માદા/નારી/ફિમેલ ટેન્ક. મેલ ટેન્કમાં છ નેવલગન / તોપ લગાડવામાં આવી હતી. ફિમેલ ટેન્કમાં પાંચ મશીનગન લગાવવામાં આવતી હતી.

બ્રિટનને બખ્તરીયા ગાડીનો આઈડિયા, લશ્કરનાં કર્નલ અર્નેસ્ટ સ્વીટન અને વિલીયમ હેન્કીએ આપ્યો હતો. જે છેવટે બ્રિટીશ નેવી મિનીસ્ટર વિન્સ્ટન ચર્ચીલ પાસે પહોંચ્યો. બીજા વિશ્વયુધ્ધમાં 'ચર્ચિલ' નિર્ણાયક ભુમિકામાં આવી જવાના હતાં. છેવટે 'લેન્ડ બોટ' તરીકે ઓળખાતાં બખ્તરીયા વાહનનાં બાંધકામની શરૃઆત બ્રિટને કરી. દુશ્મનોથી પ્રોજેક્ટને બચાવવા તેને છુપો રાખવામાં આવ્યો. ફેક્ટરીમાં કામ કરનાર કારીગરોને જણાવવામાં આવ્યું કે 'નવું વાહન યુધ્ધભુમી ઉપર પાણી પહોંચાડવા માટે વપરાવાનું હતું. લોકોએ તેને 'પાણીનીટાંકી' એટલે કે 'ટેન્ક' નામ આપી દીધું અને વોરફેર ટેકનોલોજીમાં 'ટેન્ક'નો જન્મ થયો.

ઈન્ગ્લેન્ડની ફેક્ટરીમાં, જે પ્રથમ પ્રોટોટાઈપ આવૃત્તિ બની તેનું નામ લિટલ વિલી હતી. જેનું વજન ૧૪ ટન હતું. તે ખાંચાદાર-પટ્ટાવાળા વ્હીલ અને પટ્ટાની મિકેનિકલ ડિઝાઈનથી ચાલતી હતી. 'લીટલ વીલી' બાદ, બીજી ટેન્ક 'બિગ વીલી'નાં નામે તૈયાર કરવામાં આવી. અને ત્યારબાદ બ્રિટને માર્ક-વન નામે બેટલ ટેન્કની પ્રથમ બેચ તૈયાર કરીને, 'બેટલ ઓફ સોમે'ની રણભુમી પર મોકલી આપી હતી. જોકે શરૃઆતની માર્ક-વન ટેંક અતિશય ગરમ, ઘોંઘાટીયું અને મિકેનિકલ નિષ્ફળતાનાં સરવાળા જેવી હતી. જોકે બ્રિટને તેની ખામીઓને સુધારીને ૧૯૧૭માં માર્ક-ફોરની ૪૦૦ બેટલ ટેન્ક તૈયાર કરી હતી. જેણે ૮ હજાર સૈનિકોને શરણે આવવાની ફરજ પાડી અને ૧૦૦ તોપોને કબજે કરવામાં મહત્વની ભુમિકા નિભાવી હતી. હવે અચાનક બેટલ ટેન્ક મહત્ત્વનું લશ્કરી શસ્ત્ર સાબીત થઈ ગઈ.

બેટલ ટેન્કના બાંધકામમાં બ્રિટને વિશ્વમાં 'પ્રથમ' બનવાનું બહુમાન મેળવ્યું પરંતુ, બેટલ ટેન્ક ટેકનોલોજીમાં જર્મનીએ માસ્ટરી મેળવીને 'વર્લ્ડ ક્લાસ' ટેન્ક બનાવવા લાગ્યા. બીજા વિશ્વયુધ્ધમાં એડોલ્ફ હિટલરની બખ્તરીયા ગાડીનાં કાફલા, પેન્ઝર ડીવીઝને હાહાકાર મચાવી વિશ્વયુધ્ધમાં પોતાનું વર્ચસ્વ સાબીત કર્યું હતું. બેટલ ટેન્કની મોનોપોલી 'ગલ્ફ વોર'માં પણ એટલી જ જોવા મળી હતી.

વિશ્વયુધ્ધ, જર્મની અને યુધ્ધ ટેંક

પ્રથમ વિશ્વયુધ્ધમાં શરૃઆતમાં ઝટકો ખાધા બાદ પણ, જર્મનીએ 'બેટલ ટેન્ક' વિકસાવવા ઉપર પુરતું ધ્યાન આપ્યું નહીં. તેમને લાગતું હતું કે 'ટેન્ક' યુધ્ધમાં જલ્દી શિકાર બની જાય છે અથવા નિષ્ફળ જાય છે. પરંતુ બ્રિટનની ટેંકની શરૃઆતની નિષ્ફળતા અને માર્ક-૪ની સફળતા બાદ, જર્મની સફાળુ જાગ્યું અને 'બેટલ ટેન્ક' બનાવવાનાં પ્રયત્નો કરવા લાગ્યું હતું.

જર્મનોનો ટેંક બનાવવાનો પ્રોજેક્ટ A7Vથી શરૃ થાય છે. જો કે તેમની સુપર હેવી K-વેગન અને લાઈટ ટેન્ક LK-II  પ્રથમ વિશ્વયુધ્ધના અંત સુધીમાં તૈયાર થઈ શકી નહતી. A7Vની ડિઝાઈન અને બાંધકામમાં જોસેફ વોલ્મરનું નામ લેવામાં આવે છે. હોલ્ટ ટ્રેક્ટરનાં વિવિધ ભાગો ભેગા કરીને A7V ટેન્ક બનાવવામાં આવી હતી. જેનાં ઉપર ૫૭ એમ.એમ.ની ગન ફિટ કરવામાં આવી હતી. એપ્રિલ-૧૯૧૮માં વિશ્વમાં પ્રથમવાર 'ટેન્ક વર્સીસ ટેન્ક'નું દ્વન્દ્વ યુદ્ધ શરૃ થયું હતું. બાહ્ય રીતે જોતાં A7Vનો દેખાવ બખ્તરીયા ટેન્કનાં ડબ્બા જેવો વિકસાવવામાં આવ્યો હતો. જેનું વજન ૩૬ ટન જેટલું હતું. જેમાં ડેમ્લર બેન્ઝનાં ૪ સીલીન્ડરવાળા, ૨૦૦ હોર્સ પાવરનાં બે પેટ્રોલ એન્જીન બેસાડવામાં આવ્યા હતાં. ૧૯૧૭ના અંતભાગમાં જર્મન આર્મીએ ૧૦૦ ટેન્કનો ઓર્ડર આપ્યો હતો. પરંતુ તેનું બાંધકામ એટલું ધીમું ચાલતું હતું કે ૧૯૧૮માં પ્રથમ વિશ્વયુધ્ધની સમાપ્તિ સુધીમાં માત્ર ૨૦ ટેન્કનું બાંધકામ પુરુ કરી શકાયું હતું. ૧૯૧૮માં જર્મનીને ચાર માર્ક-૪ ટેંક કબજે કરવાનો મોકો મળ્યો. સાથે સાથે પોતાની અને બ્રિટીશ ટેકનોલોજીની સરખામણી કરવાનો અવસર પણ મળ્યો. જેમાંથી જર્મનીએ બોધપાઠ લઈને બેટલ ટેન્ક ક્ષેત્રે પોતાની આગેકૂચ કરવાની હતી. પ્રથમ વિશ્વયુધ્ધ પછી જર્મનીએ યુધ્ધનો ખર્ચ બ્રિટન, ફ્રાન્સ વગેરેને ચુકવવાનો હતો. તેના પર વિવિધ પ્રતિબંધ હતાં. જેમાં બેટલ ટેન્ક બાંધકામ ઉપર પણ પ્રતિબંધ હતો. છતાં, જર્મનોએ બેટલ ટેન્ક ડિઝાઈનમાં મન પરોવ્યું. ટાઈગર-વન, ટાઈગર-ટુ સીરીઝનું નિર્માણ કર્યું. હિટલરે તેની પેન્ઝર ટેન્ક, KV-1, KL-રેટ જેવી સુપરહેવી ટેન્કનો પ્રોજેક્ટ અમલ મુક્યો હતો. બીજા વિશ્વયુધ્ધમાં હિટલરની યુધ્ધ રણનીતિમાં બેટલ ટેન્કે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.બીજા વિશ્વયુધ્ધ બાદ, કોલ્ડ વૉરનાં સમયગાળામાં તેની સર્જનાત્મક ચરમ સીમાએ પહોંચી હતી. આજે જર્મનીની લેપર્ડ-2A7 વિશ્વની ટોપ-૧૦ બેટલ ટેન્કમાં સ્થાન પામે છે.

વોર ઝોન : ટેકનોલોજીનો પગપેસારો...

જાન્યુ. ૧૯૯૧માં સદ્દામ હુસેનને મહાત કરવા માટે ઓપરેશન ડેઝર્ટ સ્ટોર્મ શરૃ કરવામાં આવ્યું. જેમાં સ્ટીલ્થ ફાઈટર, ક્રુઝ મિસાઈલ, લેસર ગાઈડેડ સ્માર્ટ બોમ્બ અને ખાસ... ગ્લોબલ પોઝીશનીંગ સીસ્ટમ  (GPS)નો ઉપયોગ કરવામાં આવ્યો. જો કે કુવૈતમાંથી સદ્દામ હુસેનને ખદેડી મુક્યા બાદ, ખરી લડાઈ, બીનરહેઠાણ વગડાઉ વિસ્તાર અને રણમાં લડાઈ હતી. જેમાં બેટલ ટેન્કે ખાસ કામગીરી નિભાવી હતી. આજે સમય બદલાઈ ગયો છે. રશિયાએ, પોતાની ફ્યુચર બેટલ ટેન્કનો પ્લાન વિશ્વ સમક્ષ મુક્યો એટલે...   રશિયાની T-90 ટેન્કમાંથી પ્રેરણા લઈને સર્બીયા  M-20UP વિકસાવી રહ્યું છે તો ભારત T-90ની સ્વદેશી આવૃત્તિ જેવી T-90M 'ભિષ્મ' વિકસાવી છે. જે ભારતની મુખ્ય બેટલ ટેન્ક 'અર્જુન'નો આધુનિક પર્યાય બનાવવા માટે છે. બ્રિટન તેની આધુનિક ટેન્ક ચેલેન્જર-૨ને અપગ્રેડ કરશે. જેમાં વપરાતી ટેકનોલોજી જેવી ટેકનોલોજી અન્ય દેશોની ટેન્કને અપગ્રેડ કરવામાં વપરાશે.

* થર્મલ ઈમેજીંગ : થર્મલ ઈમેજીંગ દ્વારા દિવસે અને રાત્રે પણ ચોકીપહેરો ભરી શકાય છે. જેનાં કારણે ચોવીસ કલાક કાર્યરત રહી શકે છે.

* કમાન્ડર ૩૬૦-આઈ : ટેન્કનાં તોપથી અને ચાલકને નવી દ્રષ્ટિ આપવાનું કામ કમાન્ડર ૩૬૦ વિઝન આપે છે. જેમાં થર્મલ ઈમેજીંગ અને અન્ય સિસ્ટમ પણ વપરાય છે.

* ગન કન્ટ્રોલ સિસ્ટમ : GPS અને કોમ્પ્યુટર એઈડેડ સીસ્ટમથી ગન કંટ્રોલ ઈક્વીપમેન્ટ ચાલે છે. જેમાં સમયસર ચોક્કસ નિશાન પર ફાયરીંગ કરવાની સિસ્ટમ લગાડવામાં આવે છે.

* ઈલેક્ટ્રોનીક આર્કીટેક્ચર : યુધ્ધ ભુમીમાં થતાં વિસ્ફોટો અને ફાયરીંગથી નુકસાન ન પામે તેવી ઈલેક્ટ્રોનીક સિસ્ટમ એ બેટલ ટેન્કની પ્રાથમિક જરૃરિયાત ગણાય. ઈલેક્ટ્રોનીક સર્કીટ હવે અતિસુક્ષ્મ થઈ જતાં, વધારે ઉપકરણો ટેન્કમાં ગોઠવી શકાય છે.

સ્ટીલ્થ અને રડાર : ટેન્ક હવે દુશ્મન દેશના રડાર પર ન દેખાય તે માટે સ્ટીલ્થ મટીરીઅલ લગાડવામાં આવે છે. ટેંકની પોતાની પોર્ટેબલ સીસ્ટમ પણ છે. જે રડાર સીસ્ટમ પણ ધરાવે છે.

TOP - 1૦ બેટલ ટેન્ક

હાલમાં વિશ્વની શ્રેષ્ઠ ગણાતી દસ મેઈન બેટલ ટેંક નીચે પ્રમાણે છે.
(૧) K-2 બ્લેક પેન્થર : દ. કોરીયા
(૨) T-90 AM : રશીયા
(૩) M1A2 SEP V.2 અમેરીકા
(૪) મરકાવા-4  ઈઝરાયેલ
(૫) ટાઈપ-10  જાપાન
(૬) લેપર્ડ A2A7 જર્મની
(૭) ચેલેન્જર-2 ગ્રેટ બ્રિટન
(૮) AMX-56 ju ક્લાર્ક ફ્રાન્સ
(૯) ટાઈપ-99 A2 ચીન
(૧૦) T-84ઓપ્લોટ-M યુક્રેન

ટોપટેન - ભવિષ્યની બેટલ ટેન્ક

ભવિષ્યમાં જેનો ડંકો વાગવાનો છે તેવી ટેન્ક
(૧) T-14અર્માતા રશિયા
(૨) PL-01 પોલેન્ડ
(૩) એસ્પ્રો-A ઈઝરાયેલ
(૪) M1A3 અમેરીકા
(૫) MBT-3000 ચીન
(૬) M-95 ડેગમેન ક્રોશીયા
(૭) ટાઈપ-૧૦ જાપાન
(૮) એલ્ટે  ટર્કી
(૯) અર્જુન મેક-II  ભારત
(૧૦) M-20 UP-1  સર્બીયા

No comments: