Tuesday 4 October 2016

આઇસમેન ''ઉત્ઝી'' :સિલ્વર જ્યુબિલીની સસ્પેન્સ સ્ટોરી !

Pub. Date: 02.10.2016

૫૩૦૦ વર્ષ પ્રાચીન કુદરતી 'મમી' અનેક રહસ્ય ખોલે છે. સિલ્વર જ્યુબિલીની સસ્પેન્સ સ્ટોરી !

૧૯ સપ્ટેમ્બર ૧૯૯૧નો દિવસ હતો. આજથી બરાબર ૨૫ વર્ષ પહેલાંની વાત છે. બે જર્મન ટુરિસ્ટ હેલ્મુટ અને એરીકા સિમોન ઓસ્ટ્રીયા - ઈટાલીની બોર્ડર પર આવેલ આલ્પસ પર્વતમાળાનાં ઓસટ્રઝલ આલ્પસની પૂર્વ તરફ આવેલ ફિનેલીસ્પીટ્ઝ ધાર પર ૩૨૧૦ મીટરની ઊંચાઈ પર ફરી રહ્યા હતાં. રસ્તો ચુકી તેઓ હોસ્લેજોચ અને રિસેનજોચ વચ્ચેનાં પર્વતાળ માર્ગમાં આવી ગયા. અહીં તેમણે બરફમાં દેખાતું એક સુકાયેલું શબ જોયું. શબનો ધડથી નીચેનો ભાગ બરફમાં દટાયેલો હતો. તેમણે માની લીધું કે શબ કોઇ પર્વતારોહકનું હોવું જોઇએ.જે કુદરત સામે હારી જતાં મૃત્યુ પામ્યો હતો. છેવટે ૨૨ સપ્ટેમ્બરનાં રોજ શબને બરફમાંથી ખોદી કાઢવામાં આવ્યું. તેની આસપાસ દટાએલી જુની ચીજ વસ્તુઓ પણ ખોદી કાઢવામાં આવી. આજે એજ શબ માટે ઓસ્ટ્રીયા અને ઈટાલી વર્ષોથી ઝગડી રહ્યાં છે. આખરે આ શબ વૈજ્ઞાનિકો માટે અતિ કિમતી શા માટે છે? વૈજ્ઞાનિકો તેને ઓત્ઝી કે ઉત્ઝી તરીકે ઓળખે છે. આખરે ''ઉત્ઝી'' કોણ હતો ?

આઇસમેન  ''ઉત્ઝી'' કોણ હતો ?

ઈટાલી અને ઓસ્ટ્રીયાની બોર્ડર પર આવેલ પર્વતમાળાનાં પહાડમાંથી મળેલ શબને નજીક આવેલાં ઈન્સબુ્રક ખાતે તબીબી પરીક્ષણ માટે લઇ જવામાં આવ્યું. યુનિ. ઑફ ઈન્સબૂર્ગનાં આર્કીયોલોજીસ્ટ કોનરાડ સ્પિન્ડલર દ્વારા તપાસવામાં આવ્યું. શબ પાસેથી મળેલ કુહાડી જોઇને તેમણે જાહેરાત કરી કે બરફમાં દટાઇને 'મમી'માં ફેરવાઇ ગયેલ મનુષ્ય દેહ અંદાજે  ૪ હજાર વર્ષ પ્રાચીન છે. હવે જેને એક સાદા પર્વતારોહકનું શબ માનતા હતાં, તે અચાનક વિજ્ઞાન જગત માટે એક દુર્લભ મમી સાબીત થઇ ગયું અને... ઑસ્ટ્રિયા તેનો કબજો લેવા ઈટાલી સાથે ઝગડવા લાગ્યું છે. જે બે દેશોની સીમારેખાનાં વિવાદમાં ઝગડાનો નિવેડો આવ્યો નથી. ખરી વાત એ છે કે આ માત્ર બે દેશનો સવાલ નથી. કારણ કે વિજ્ઞાન જગત માટે ''ઉત્ઝી'' એક દુર્લભ મમી છે. ઈ.સ. પૂર્વે ૩૩૦૦ વર્ષ પહેલાં, તે એક જીવંત વ્યક્તિ હતો. લોકો તેને આઇસમેન ''ઉત્ઝી''નાં હુલામણા નામે ઓળખે છે. કોઇ તેને ફ્રોઝન 'ફ્રિટ્ઝ' તરીકે ઓળખે છે.

પુરાતત્વવિદ્ તેને હોમો-ટાયસેલેન્સીલ તરીકે ઓળખે છે. બરફમાં દટાઇને મૃત્યુ પામેલ 'ઉત્ઝી'ની આખી જન્મકુંડળી વૈજ્ઞાનિકોએ ઉકેલી કાઢી છે. વૈજ્ઞાનિકો હજી પણ તેનાં ઉપર વધારે સંશોધનો કરી રહ્યાં છે. તાજેતરમાં તેનાં ગળા અને સ્વર પેટીનું ૩ડી મોડેલ બનાવીને વૈજ્ઞાનિકોએ કોમ્પ્યુટર પર ચકાસ્યું છે. જેથી ખબર પડે કે ''ઉત્ઝી''નો અવાજ કેવો હતો. ''ઉત્ઝી''નો પુરો ડેટા બેઝ ઈન્ટરનેટ પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આજની તારીખે, ''ઉત્ઝી'' યુરોપમાંથી મળી આવેલ સૌથી પ્રાચીન કુદરતી માનવ 'મમી' છે. ઈટાલીનાં દક્ષિણ ટાઇટોલ ખાતે આવેલ બોલ્ઝાનોનાં આર્કીયોલોજીકલ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવ્યું છે. જો કે 'મમી'ની શરૂઆતની ઓળખ ઓસ્ટ્રીયાનાં ઈન્સબર્ગ યુનિ.ના પુરાતત્વવિદ્ કોનરાડ સ્પીન્ડલરે કરી હતી.

તામ્ર યુગનાં માનવીનું 'અવતરણ'

જ્યાંથી ઉત્ઝીનું શબ મળ્યું હતું. ત્યાંથી તામ્ર યુગનો પત્થર મળી આવ્યો હતો. આધુનિક ચર્ચમાં વપરાતાં પ્રભુ ભોજનનાં ટેબલનાં પત્થર તરીકે તેનો અનેકવાર ઉપયોગ થતો હતો. પત્થર ઉપર એક ધનુષ્યધારી વ્યક્તિ, એક હથિયાર રહીત વ્યક્તિની પીઠમાં તીર મારતો હોય તેવું દેખાય છે. જે ''ઉત્ઝી''નાં 'મૃત્યુ' સમયની ઘટનાને આબેહૂબ મળતું આવે છે. પરંતુ સંશોધકોને તેનાથી સંતોષ થયો નથી. કદાચ આ ઘટના યોગાનુયોગ છે. ઉત્ઝીએ બાંધેલા ચામડાના પટ્ટામાં વનસ્પતિનાં ભુકા જેવો પાવડરનો ગઠ્ઠો મળી આવ્યો હતો. જેમાં પિપ્ટો પોરસ બેટુલીનસ ફુગના અવશેષો જોવા મળ્યા છે. જેને ખાવામાં આવે તો ઝાડા થઇ જાય છે. બની શકે કે ''ઉત્ઝી'' તેનાં પેટની તકલીફ દૂર કરવા / વિપવોર્મને નાબૂદ કરવા તેનો દવા તરીકે ઉપયોગ કરતો હોય. તેનાં ટૅટુ બનાવવામાં કોલસો / ચારકોલનો ઉપયોગ થયો છે. ટૅટુ સામાન્ય રીતે હાડકાનાં સાંધાના ભાગમાં જોવા મળ્યા છે. કદાચ સાંધાના દુખાવા દૂર કરવા તેનો પ્રયોગ કરવામાં આવ્યો હોય. ઈટાલીનાં ઘઃય્ ડિઝાઇનરો પુરુષ માટે ચામડાનો ડ્રેસ ડિઝાઇન કરે તે પહેલાંથી ''ઉત્ઝી'' સ્વયમ્ ડિઝાઇન કરેલ ચામડાના વસ્ત્રો પહેરતો હતો. તેનાં કમર - ગુપ્તાંગને ઢાંકનાર વસ્ત્ર ઘેટાની ચામડીનું બનેલું હતું. પગનાં વસ્ત્રો બકરીના ચામડાનાં હતાં. તેની ટોપી કથ્થઇ રીંછનાં ચામડામાંથી બનેલી હતી. તેનાં બુટની દોરી જંગલી ગાયનાં ચામડામાંથી બનાવેલી હતી. તેનો તીર રાખવાનો ''ભાથો'' હરણનાં ચામડામાંથી  બનાવવામાં આવ્યો હતો. પ્રાચીન ટેક્નોલૉજી વાપરવામાં ''ઉત્ઝી'' મોખરે હતો. તેની કમરે ફલીન્ટ પત્થરમાંથી બનાવેલ જમૈયો / કટાર રહેતી હતી. તેનાં ભાથામાં બે સંપૂર્ણ તીર હતાં. જ્યારે એકાદ ડઝન લાકડાની સળીયો હતી. જેમાંથી તીર બનાવી શકાય તેમ હતાં. તેનાં ડાબી બાજુનાં દાંત વધારે ઘસાયેલા હતાં. તેનાં વાળમાં આર્સેનીક અશુદ્ધિ બતાવે છે કે તે તાંબુ ગાળવામાં માસ્ટર હતો.

ઐતિહાસિક જન્મ-કર્મ કુંડલી

એક વાત નક્કી થઇ ચુકી છે કે ''ઉત્ઝી''નું મમી ૫૩૦૦ વર્ષ પ્રાચીન છે. તે સમયે ઈતિહાસની વાત કરીએ તો 'તામ્રયુગ' ચાલતો હતો. વૈજ્ઞાનિકોએ 'ઉત્ઝી'નો સંપૂર્ણ જેનોંમ ઉકેલ્યો છે. વૈજ્ઞાનિકો માને છે કે ''ઉત્ઝી'' મૃત્યુ પામ્યો તે પહેલાં તે માંદો હતો. તેનાં માથામાં ઈજા થયેલી છે. ખભા પાસે તેને તીર વાગેલું હતું. ઉત્ઝીનાં થાપાનાં હાડકામાંથી DNA મેળવવામાં આવ્યું હતું. જેનો  ૫૧૦માં નૃવંશશાસ્ત્રી આલ્બર્ટ ઝીન્કની લીડરશીપમાં પુરો 'ઝેનોમ' ઉકેલવામાં આવ્યો હતો. યુરોપમાં આઇસમેન 'ઉત્ઝી'નાં સેંકડો પેઢી બાદનાં ૧૯ જેટલાં જીવતાં વારસદારો હાલમાં આર્કીનીઆમાં વસે છે. વિશ્વનો પ્રથમ લીમ રોગનો કેસ એટલે 'ઉત્ઝી'. જે પરોપજીવી જીવાતથી થતો હતો. 'ઉત્ઝી' મૃત્યુ પામ્યો ત્યારે તેની ઉંમર ૪૬ વર્ષ હતી. તેની આંખોનો રંગ 'છીકણી' હતો. તેની પાસે તીર કામઠું અને તીર રાખવાનો ભાથો પણ હતો. તેની કુહાડી તાંબાની બનેલી હતી. તે શિકારી હતો અથવા યોદ્ધો. તીર વાગવાથી તે ઊંચાઇએથી પડી ગયો હતો. જેથી માથામાં ઈજા થઇ હોવાનું જણાય છે. તેનાં આંતરડામાં ''વિપવોર્મ'' નામનાં પરોપજીવી જીવો મળ્યા છે. તેનાં પેટમાં હેલીયો બેકટર પાયલોરીનો સંપૂર્ણ જેનોમ જોવા મળ્યો છે. જેનાં કારણે પેટમાં ચાંદા પડે છે અને પેટની અનેક સમસ્યાઓ નડે છે. 'ઉત્ઝી'નાં શરીર ઉપર શાહીથી બનાવેલ છુંદણું / ટેટું જોવા મળ્યું છે. ગિનેસ બુક ઑફ રેકર્ડમાં ટૅટુ ધરાવનાર સૌથી પ્રાચીન મનુષ્નો રેકૉર્ડ ''ઉત્ઝી''નાં નામે કરવામાં આવ્યો છે. ''ઉત્ઝી'' તેની સાથે પ્રાથમિક સારવાર માટેની દેશી કીટ લઇને ફરતો હતો. તેનાં નખનાં અંગૂઠાનાં તબીબી પરીક્ષણમાં જાણવા મળ્યું હતું કે મૃત્યુનાં ચાર મહીના પહેલેથી તે વારંવાર ગંભીર રીતે બીમાર થઇ જતો હતો.

રહસ્ય ઉકેલતી આધુનિક ટેક્નોલૉજી


'ઉત્ઝી'નાં મમીને મ્યુઝિયમમાં ખાસ પ્રકારે ડિઝાઇન કરેલ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યું છે. જેનું તાપમાન સતત માઇનસ છ ડિગ્રી રાખવામાં આવે છે. ચેમ્બરમાં રાખેલ ખાસ બારીમાંથી મુલાકાતી ''ઉત્ઝી''નું શબ નિહાળી શકે છે. ૫૩૦૦ વર્ષ પ્રાચીન 'મમી'નો ભેદ ઉકેલવા અને આવવા માટે આધુનિક ટેકનોલોજીએ કમાલ કરી છે. મમીને ૩ઘ સ્કેન કરીને 'ઉત્ઝી'નું લેટેસ્ટ ૩ઘ મોડેલ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં શબવિધી અને ફોરેન્સીક ટેક્નોલૉજી વાપરવામાં આવી છે. આ ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને બે ડચ આર્ટિસ્ટ આલ્ફોન્સ અને એન્દ્રી કેનીએ કમાલનું ૩ઘ મોડેલ તૈયાર કર્યું છે. વૈજ્ઞાનિકો 'ઉત્ઝી'નાં શરીરમાંથી મળેલ હેલીકોબેકટર પાયરેલીનાં અલગ અલગ નમૂનાઓ વિશ્વમાંથી એકત્રીત કરીને, પ્રાચીન મનુષ્યનાં સ્થળાંતર / માઇગ્રેશનનો નકશો તૈયાર કરી રહ્યાં છે. આજના આધુનિક એશિયન લોકોનાં શરીરમાં એચ. પાયલોરીનાં જે સ્ટ્રેઇન જોવા મળે છે. તેવાં સ્ટ્રેઇન 'ઉત્ઝી'નાં શરીરમાં છે. વનસ્પતિ, પ્રાણી, ઓલાદ કે વંશની વિશિષ્ટ ખાસિયત  ધરાવતા લક્ષણને જીનેટીકની ભાષામાં સ્ટ્રેઇન  કહે છે. તેનાં ડીએનએ ઉકેલતા માલુમ પડયું હતું કે તેનાં હાડકા પોલા પડવાની સંભાવના વધારે હતી. તે દૂધમાં રહેલું લેકટોસને પચાવવા માટે સક્ષમ ન હતો. સંશોધકો માને છે કે 'ઉત્ઝી'નો સંબંધ યુરોપનાં 'નિએન્ડરથાલ' મનુષ્ય વંશ સાથે જોડી શકાય તેમછે. ઉત્ઝીનાં શરીરમાંથી ૫૩૦૦ વર્ષ પ્રાચીન રક્તકોષોનાં અકબંધ અવશેષો પણ મળી આવ્યા છે. જેનો કદ અને આકાર આજના આધુનિક મનુષ્ય જેવો જ છે.

શું એ ''મમી'' શાપિત હતું ?

પ્રાચીન ''મમી''ને શોધી કાઢીને તેનો ભેદ ઉકેલવો એક અભિશાપ ગણાય છે. ઘણા લોકો માને છે કે 'મમી'ને શોધનાર કે તેનું રહસ્ય ઉકેલવા મથનાર માનવીને મમીનો 'શાપનડે છે અને તેનું મૃત્યુ થાય છે. ફારોહ 'તુતેન ખામેન'નાં મમીની શોધ સાથે તેની સાથે સંકળાએલા લોકનાં રહસ્યમય મોતે 'શાપ'ની થિયરીને બિન-વૈજ્ઞાનિક ઢબે સાચી પુરવાર કરી છે. આવી જ કથા ''ઉત્ઝી''નાં 'મમીસાથે લોકો જોડી રહ્યાં છે કે શાપની સત્ય ઘટના છે કે માત્ર યોગાનુયોગ એ નક્કી કરવું તમારી વિવેક બુદ્ધિ પર છોડી દેવામાં આવે છે.

'ઉત્ઝીસાથે સંકળાયેલા સાત વ્યક્તિનાં આકસ્મિક કે અચાનક મોત થયા છે.''ઉત્ઝી''નાં શબને શોધનાર હલ્મુટ સીમોન મુસાફરનું પર્વત પરથી પડતાં મૃત્યુ થયું હતું. પર્વત પરથી 'મમી'ને હવાઇ માર્ગે લાવનાર ગાઇડનું 'હિમ તોફાન'માં મૃત્યુ થયું હતું. જે ફોટોગ્રાફરે 'મમી'નાં ખોદકામની વિડીયો બનાવી હતી. તેનું બ્રેઇન ટયૂમરથી મૃત્યુ થયું હતું. ફોરેન્સીક ઍક્સ્પર્ટ જેણે ''ઉત્ઝી''નાં શરીરને સ્પર્શ કર્યો હતો. તે મમી વિશે વ્યાખ્યાન આપવા જતો હતો ત્યારે ડો. રેઇનર હેનનું માર્ગમાં જ અકસ્માત મૃત્યુ થયું હતું. ''ઉત્ઝી'' વિશે સંશોધન કરનાર ઈન્સબર્ગનાં આર્કીયોલોજીસ્ટ કોનરાડ સ્પીન્ડલરનું ૨૦૦૫માં મલ્ટીપલ સ્કેલોરોસીસનાં કારણે મૃત્યુ થયું હતું. કોનરાડ સ્પીન્ડલરે 'મમી'નાં શાપની વાત પત્રકારો દ્વારા જાણીને મજાકમાં કહ્યું હતું કે હવે મારો વારો છે. અને.. તેનું મૃત્યુ થયું હતું. જો કે ''ઉત્ઝી''ને ખોદી કાઢવાથી માંડીને સંશોધન કરવામાં સેંકડો લોકો જોડાયેલા છે. દરેકનાં મૃત્યુને 'શાપ'ની નજરે જોઇ ન શકાય. અને.. જે જન્મે છે તે વહેલાં કે મોડા મૃત્યુ તો પામવાનો જ છે.

No comments: