Sunday 9 October 2016

થ્રી પેરેન્ટસ બેબી : ડિઝાઈનર બેબી કે જીવન દાન?

Pub Date: 09.10.2016

બે સ્ત્રી અને એક પુરૃષનું બાળક!


ન્યુયોર્કની હોસ્પિટલની નર્સે, મહિલાને ઉદ્દેશીને કહ્યું  :  'મુબારક હો! બાબો જન્મ્યો છે. આ સાંભળી જોર્ડનની મુસ્લિમ મહિલાની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. તેને ખબર હતી નવજાત શીશુનું તેની જીંદગીમાં શું મહત્ત્વ છે! લગ્નનાં પ્રથમ દસ વર્ષમાં એકપણ બાળકને તે જન્મ આપી શકી નહી. દસ વર્ષ બાદ ચાર ચાર કસુવાવડ થઈ ગઈ. છેવટે એક બાળકીનો જન્મ થયો. પણ કમનસીબી કે છ વર્ષની ઉંમરે તેનું અવસાન થઈ ગયું.

થોડા મહીના બાદ, ફરીવાર મહિલાને મહીના રહ્યાં. આ વખતે 'છોકરો' જન્મ્યો. પણ... આનંદ લાંબો ટક્યો નહીં. આઠ મહીના બાદ છોકરો પણ મૃત્યુ પામ્યો. ટુંકમાં છ વાર ગર્ભવતી થયેલ મહીલા આખરે 'બાળક' વિનાની જ રહી. કારણ.... મુસ્લિમ મહિલાના કોષોમાં રહેલા કણાભસૂત્ર જેને અંગ્રેજીમાં 'માઈટોકોન્ડ્રીયા' કહે છે તે ખામીયુક્ત હતી. આમ તો કણાભ સુત્રને કોષનું પાવર હાઉસ કે બેટરી ગણવામાં આવે છે. પરંતુ, આ કણાભ સૂત્રો ૩૭ જેટલાં જનીનો પણ ધરાવે છે. જો આ જનીનોમાં વિકૃતિ થાય તો વિશિષ્ટ પ્રકારનો રોગ થાય છે. જોર્ડનની મહીલાના કણાભસુત્રમાં જનીનોની ખામીથી જે રોગ બાળકને વારસામાં મળતો હતો તેનું નામ છે 'લેંગ ડિસીઝ'. ગયા એપ્રિલ મહિનામાં ૮ તારીખે જન્મેલું 'બાળક' વિજ્ઞાનની ભાષામાં વિશિષ્ટ હતું. વૈજ્ઞાનિકો તેને થ્રી પેરેન્ટ બેબી કહે છે.

ઘટનાની આજુબાજુ

થોડા મહીના પહેલાં વંધ્યત્વની સારવાર મેક્સીકોમાં કરાવ્યા બાદ, ન્યુયોર્કની હોસ્પિટલમાં જોર્ડનનાં દંપતીના ઘરે પારણુ બંધાયું છે. બાળક ન હોય, તેના કરતાં જન્મીને ભગવાનને વ્હાલુ થઈ થાય એ વેદના કેવી હોય? એ વાત વાસુદેવ-દેવકી જેવાં દંપતી જ જાણે છે. વાસુદેવ દેવકીનાં ત્યાં સાત બાળક બાદ, ખુદ ઈશ્વરે જન્મ લીધો હતો. ત્યારે જોર્ડનનાં દંપતી માટે તબીબોએ એ 'ઈશ્વર' બનીને બાળ જન્મ કરાવ્યો છે. વૈજ્ઞાનિકો જેને 'થ્રિ પેરન્ટ બેબી' કહે છે. જે માટે વપરાયેલી સ્પીન્ડલ ટ્રાન્સ્ફર ટેકનિક થોડી વિવાદાસ્પદ છે. સાથે સાથે તેને વાપરનારાં તબીબ જ્હોન ચાંગ પણ વિવાદાસ્પદ વ્યક્તિત્વ ધરાવે છે.

જોર્ડનનાં મુસ્લિમ દંપતીની વ્યથા-કથાની શરૂઆત ૨૦૧૧થી શરૃ થાય છે. તેઓ ન્યુયોર્કનાં તબીબ ડૉ. જેમ્સ ગ્રીફોને મળવા આવે છે. જે ગર્ભધાન વિદ્યાના નિષ્ણાંત છે. તેમણે એક નવી પધ્ધતિ ઉંદર ઉપર અજમાવી હતી. ડૉ. જેમ્સ ગ્રીફો દંપતીને ચાઈનીઝ તબીબ ડૉ. જ્હોન ચાંગ પાસે મોકલે છે. જેમણે ડૉ. જેમ્સ ગ્રીફોની પધ્ધતિ ૨૦૦૩માં ચીનમાં એક મહિલા ઉપર અજમાવી હતી. જો કે કોઈ કારણસર ૩૦ વર્ષની મહિલાને જન્મેલા પ્રિ-મેચ્યોર જોડકા બાળકો જન્મ પછી તુર્ત જ મૃત્યુ પામ્યા હતા. જો કે બાળકોનાં કોષોમાં માઈટોક્રોન્ડીયા/કણાભસુત્રો ખામી રહીત 'સ્વસ્થ' હતા.

જોર્ડનનાં મુસ્લિમ દંપતીની મહીલાનાં કણાભસુત્ર-ખામીયુક્ત હોવાથી બાળક 'લેંગ ડીસીસ' સાથે જન્મતા હતાં. છેવટે મૃત્યુ પામ્યા હતા. બ્રિટનમાં 'થ્રિ પેરેન્ટ બેબી' પેદા કરવા માટે પ્રતિબંધ નથી. પરંતુ અહી અલગ ટેકનિક વાપરવામાં આવે છે. જેમાં મુખ્ય મહિલા અને દાતા મહિલાનાં અંડ કોષને પુરુષનાં શુક્રાણુથી ફલન કર્યા બાદ કણાભ સુત્રોની અદલાબદલી કરવામાં આવે છે. જેમાં બે અંકુરિત નાનાં ગર્ભનો વિનાશ કરવામાં આવતો હતો. મુસ્લિમ દંપતિ માટે વિકસતા ગર્ભને નુકસાન કરવું ધર્મ વિરુદ્ધ લાગતું હતું. કોષકેન્દ્ર અને કણાભસુત્રોની અદલાબદલી કર્યા બાદ, અંડકોષનું ફલન કરીને પૂર્ણ ગર્ભ તરીકે વિકસવા દેવામાં આવવાનો હતો.

આ ટેકનિક અપનાવતા પહેલાં દંપતીએ છેલ્લી વાર, સામાન્ય રીતે જ બાળક પેદા કરવાનું નક્કી કર્યું હતું. તેને બાળક થયું પણ ખરું! કમનસીબે કણાભ સુત્રની ખામીયુક્ત ડિએનએ ધરાવતું બાળક લેંગ ડિસીઝ લઈને જ જન્મ્યું હતું. જે છેવટે મૃત્યુ પામે છે. હવે... દંપતી પાસે નવી ટેકનિક વાપરવા સિવાય કોઈ ઉપાય બચ્યો ન હતો. જો કે અમેરિકામાં 'થ્રિ પેરેન્ટસ બેબી' ટેકનિકને માન્યતા મળી ન હોવાથી ડૉ. ચાંગ દંપતીને શરૃઆતની સારવાર મેક્સીકોમાં આપે છે. કારણકે ત્યાં કાયદા 'થ્રિ પેરેન્ટસ બેબી' માટે સ્પષ્ટ થયા ન'હતાં. કાયદા ઘડાઈ રહ્યાં હતાં. છેવટે જોર્ડનની મહિલા ન્યુયોર્કની હોસ્પિટલમાં 'બાળક'ને જન્મ આપે છે. જે હાલનાં તબક્કે તંદુરસ્ત છે.

 થ્રી પેરેન્ટસ બેબી  :  સ્પીન્ડલ ન્યુક્લીયર ટ્રાન્સફર

ગયા અઠવાડીયે 'થ્રિ પેરેન્ટસ બેબી' નામે જન્મેલા બાળકે ખુબજ વિવાદ જગાવ્યો છે. વિજ્ઞાન  જગતમાં તેનાં મિશ્રાઘાત પડયા છે. બાળક હાલમાં પાંચ મહિનાનું થવા આવ્યું છે. જેની 'નવતર ટેકનિક'ની પ્રથમ જાહેરાત ન્યુ સાયન્ટીફીક મેગેજીનમાં કરવામાં આવી છે. વૈજ્ઞાનિકે પ્રથમવાર 'સ્પીન્ડલ ટ્રાન્સફર ટેકનિક વાપરીને 'બાળક'ને જન્મ આપ્યો છે. બાળક વૈજ્ઞાનિક રીતે ત્રણ વ્યક્તિનાં જનીનો ધરાવે છે. માટે મીડિયાએ તેને 'થ્રી પેરેન્ટસ બેબી' નામ આપ્યું છે. જે ખરેખર ગેરમાર્ગે દોરનારું છે. આ પ્રકારનું બાળક પેદા કરવાનો તબીબોનો આશય, માતાના કણાભસુત્રોની ખામીને લીધે બાળકમાં 'લેંગ સિન્ડ્રોમ' નામનો રોગ વારસામાં ન ઉતરે તે જોવાનો હતો. આ રોગનાં કારણે જન્મનાર બાળક વધુમાં વધુ માત્ર ૬-૮ વર્ષ જીવે છે. છેવટે મૃત્યુ પામે છે.

તબીબોએ સ્વસ્થ બાળકનો જન્મ કરાવવા તેનાં માતાનાં માત્ર કોષ કેન્દ્રનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દાતા મહિલા પાસેથી 'ડોનર એગ' લઈને તેમાંથી દાતા મહીલાનું કોષકેન્દ્ર કાઢી નાખી માતાનું કોષકેન્દ્ર આરોપવામાં આવ્યું હતું. યાદ રહે કે મનુષ્યનો વારસાગત લક્ષણોયુક્ત આખો ડિએનએનો ડાબરો, કોષકેન્દ્રમાં આવેલા ૪૬ રંગસુત્ર ધરાવતા હોય છે. જ્યારે કણાભસુત્ર કોષકેન્દ્રની બહાર આવેલી એક વિશિષ્ટ અંગીકા છે. જેમાં માતા તરફથી વારસાગત લક્ષણો ધરાવતા ૩૭ જનીનો બાળકને મળે છે. જોર્ડનનાં મુસ્લિમ દંપતીના કિસ્સામાં મહિલાના કણાભસુત્રોનાં ડિએનએમાં વિકૃતિ સર્જાતા, તેનાં બે બાળકો 'લેંગ ડિસીઝ'માં આ પહેલાં મૃત્યુ પામ્યા હતાં.

તબીબોએ રોગને જડમૂળથી દુર રાખવા કોષકેન્દ્ર તો મુળ મહિલાનું રાખ્યું પરંતુ કણાભસુત્રો અને અન્ય જૈવિક મટીરીઅલ્સ તંદુરસ્ત દાતા મહિલાનું રાખ્યું હતું. નવાં તૈયાર કરાયેલા અંડકોષને ત્યારબાદ તેનાં પિતાનાં શુક્રાણુ સાથે ફલિનીકરણ કરી મહિલાનાં ગર્ભાશયમાં આરોપવામાં આવ્યું હતું. તબીબોએ સ્પીન્ડલ ટ્રાન્સફર ટેકનિક વાપરી પાંચ કોષોનો વિકાસ કર્યો હતો. જેમાંથી માત્ર એક ગર્ભનો સંપૂર્ણ વિકાસ થતા તેને માતાનાં ગર્ભાશયમાં રોપવામાં આવ્યો હતો. છેવટે એક તંદુરસ્ત બાળકનો જન્મ થયો છે. જેનાં કોષોમાં બે મહિલા અને એક પુરુષનાં ડિએનએ છે. જેને મીડિયા થ્રી પેરેન્ટસ બેબી કહે છે. જે ખરેખર ગેરમાર્ગે દોરનારું અને વિવાદાસ્પદ છે. શા માટે?

ડિઝાઇનર બેબી કે જીવન દાન ?

'થ્રી પેરેન્ટ્સ બેબી' શબ્દ કેમ છેતરામણો છે ? નામ પ્રમાણે બાળકનાં માતા-પિતા-માતા એમ ત્રણ વ્યક્તિ હોય છે પરંતુ, તેને ત્રણ પેરેન્ટ કહેવાનાં બદલે ત્રણ વ્યક્તિનું બાળક કહેવું વધારે હિતાવહ છે. એક વાત યાદ રહે કે જ્યારે, કોઇપણ દર્દી તેનાં બગડેલા અંગ જેવા કે કીડની, પેન્ક્રીયાસ કે હૃદયનું પ્રત્યારોપણ કરાવે છે ત્યારે તેનાં શરીરમાં તેનાં માબાપનાં જનીન ઉપરાંત અન્ય વ્યક્તિનાં જનીનો ધરાવતું અંગ હોય છે. આવી વ્યક્તિને  આપણે થ્રિ પેરેન્ટ  કહેતા  નથી.

મુળ વાત વ્યક્તિને તેનો દેખાવ, ખાસિયતો અને વારસાગત લક્ષણો મળે છે તે ડિએનએ કોષકેન્દ્રમાં હોય છે. જે મનુષ્યના જેનોમનો ૯૯.૯૯ ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે ૦.૧૦ ટકા ડિએનએ વ્યક્તિને તેની માતા પાસેથી મળે છે. જે કોષકેન્દ્રની બહાર આવેલા જીવરસમાં આવેલી નાની નાની અંગિકા છે. જેનું મુખ્ય કામ કોષ માટે ઉર્જા પેદા કરવાનું છે. કોષમાં દાખલ થતાં શક્તિદાયક પદાર્થોની ચયાપચયની પ્રક્રીયા કરીને કણાભસુત્ર કોષ માટે 'ઉર્જા' પેદા કરે છે.

એક આડ વાત આ કણાભસુત્રો ૩૭ જેટલાં જનીનો ધરાવે છે. તેમાં થતો બદલાવ કે વિકૃતિ,રોગ કે શારીરિક ખામી પેદા કરે છે. મહત્વની વાત એ છે કે કણાભસુત્રોનાં જનીનનો વ્યક્તિનો બાહ્ય દેખાવ, શારીરિક બંધારણ કે બુધ્ધિમતા સાથે સંકળાએલા નથી. 'ડિઝાઇનર બેબી' પેદા કરવા માટે કણાભસુત્ર / માઇટોકોન્ટ્રીઅલ ડિએનએ વાપરવામાં આવતું નથી.આ હિસાબે ડો. ચાંગે નવી ટેકનિક વડે પેદા કરેલા બાળક 'ડિઝાઇનર બેબી' કહી શકાય નહીં. આ ઉપરાંત તેને થ્રી પેરેન્ટ બેબી પણ કહી શકાય નહીં. કારણ કે બાળકનાં શરીરમાં ૯૯.૯૦ ટકા ડિએનએ તેનાં મૂળ માબાપનું છે. શું માત્ર ૦.૧૦ ટકા ડિએનએ અન્ય સ્ત્રીનું હોવાથી તેને થ્રિ-પેરેન્ટ્સ બેબી કહીશું ? હકીકત એ છે કે બાળકનાં શરીરમાં ત્રણ વ્યક્તિનું જીનેટીક મટીરીઅલ છે ખરૃ પણ, ત્રીજી વ્યક્તિનું ડિએનએ એક ટકાનાં પણ માત્ર દસમા ભાગ જેટલું છે. જે બાળકને કોઇ વિશેષતા  કે  ખાસ લાક્ષણીકતા  આપવાનું  નથી.

તબીબોએ કણાભસુત્રોનાં ડિએનએમાં બદલાવ આવતા પેદા થતાં 'લેંઘ ડિસીઝ' જેવાં જીવલેણ રોગ મુક્ત 'બાળક' પેદા કરવા માટે જે આસીસ્ટેડ રિ-પ્રોડક્ટીવ ટેકનિક વિકસાવી છે. તેનો હેતુ બાળકને રોગથી બચાવવાનો છે. કાયદા અને નીતિ શાસ્ત્રની દલીલો બાજુમાં રાખીને એક માતાને પૂછજો કે છ બાળક ગુમાવ્યા બાદ, સાતમું બાળક લાંબુ જીવે ત્યારે તેની લાગણી કેવાં પ્રકારની હશે ?

 કણાભ સુત્ર  :  કોષનું મીની-પાવર હાઉસ

શરીરનાં દરેક કોષોમાં પાવર હાઉસ-બેટરી જેવું 'ઉર્જા' કણાભ સુત્ર / માઇટોકેન્દ્રીયા આવેલું હોય છે. જે કોષમાં આવેલ સૂક્ષ્મ કોષનાં મીની-વર્જન માફક કામ કરે છે. વિજ્ઞાન  તેને 'અંગિકા' કહે છે. કણાભ સુત્રની એક અસામાન્ય વાત એછે કે તે ૩૭ જેટલાં જનીનો ધરાવે છે. જે બધા જ જનીનો તેને ફક્ત અને ફક્ત માત્ર માતા તરફથી જ મળેલા હોય છે. તેમાં પિતા તરફથી મળતાં જનીનોની ભેળસેળ થવી સંભવ નથી. આમ શા માટે ?

પુરુષનાં શુક્રાણુમાં પણ કણાભ સુત્ર નામની તેની પોતાની 'બેટરી' હોય છે. જ્યારે તે મહિલાનાં અંડકોષ સાથે જોડાઇને ગર્ભ રચવાની શરૃઆત કરે છે ત્યારે પુરૃષ તરફથી મળેલા કણાભ સુત્રો મુરઝાઇને મટી જાય છે. આમ વિકસિત થતાં ગર્ભમાં માત્ર માતાનાં કણાભ સુત્રો બચે છે. જે માત્ર ને માત્ર માતાનાં જનીનો જ ધરાવતાં હોય છે. આ કારણે બાળકનો માતાપિતા સાથે સંબંધ નક્કી કરવાનો હોય ત્યારે માતા તરફથી મળેલા માઇટોકોન્ટ્રીઅલ ડિએનએ મહત્વનું સાબિત થાય છે. મૃત્યુ પામેલા ઐતિહાસિક વ્યક્તિઓની સાચી ઓળખ પ્રસ્થાપિત કરવા માટે માતા તરફથી મળતાં માઇટોકોન્ટ્રીઅલ જનીનો ઉપયોગી બને છે. એક પુરૃષ કે સ્ત્રીમાં, માઇટોકોન્ટ્રીઅલ ડિએનએ તેનાં માતૃપક્ષ તરફથી વારસામાં મળતું જાય છે.

માઇટોકોન્ટ્રીઅલ ડિએનએમાં ૨૫% કરતાં વધારે બદલાવ - વિકૃતિ પેદા થાય ત્યારે રોગ - ખામી પેદા થાય છે. કોષમાં કણાભસુત્ર, પાચન તંત્ર જેવું કામ કરે છે. જે પોષક તત્ત્વોને તોડી નાખીને ઊર્જાથી ભરપૂર રેણુઓ છુટા પાડે છે. કોષમાં ચાલતી શ્વસનતંત્ર લક્ષી કાર્ય પણ કણભાસુત્રમાં થાય છે. શરીરનાં અંગોને તેમની ઉર્જા જરૃરીઆત પ્રમાણે કોષમાં કણાભ સુત્રોની સંખ્યા નક્કી થાય છે. સ્નાયુઓને કાર્ય કરવા માટે વધારે ઊર્જાની જરૂર પડે છે. જેથી સ્નાયુ કોષોમાં કણાભસુત્રોની સંખ્યા વધારે હોય છે. જ્યારે ચેતાતંત્રને સંદેશા વ્યવહાર ચલાવવા વધુ ઊર્જાની જરૂર પડતી નથી માટે, ચેતાકોષોમાં કણાભસુત્રો મર્યાદિત સંખ્યામાં હોય છે. જ્યારે કોષને લાગે કે તેને વધારે ઉર્જાની જરૃર છે પરંતુ કણાભસુત્રો ઓછા છે ! આવી અવસ્થામાં કોષ પોતે જ વધારે કણાભસુત્રો કોષમાં પેદા કરી નાખે છે. કેટલીક વાર બે કે તેથી વધારે કણાભસુત્ર જોડાઇને વિશાળ કણાભસુત્ર બની જાય છે. આ ઉપરાંત કોષમાં રહેલાં કોલ્સીયમનાં આયનોનાં જથ્થાનું નિયંત્રણ પણ કણાભસુત્ર કરે છે.

 લેંઘ સિન્ડ્રોમ !

લેંઘ સિન્ડ્રોમ નામે ઓળખાતી જનાની ખામી પ્રથમવાર ડેનીશ લેંઘ દ્વારા ૧૯૫૧માં શોધી કાઢવામાં આવી હતી. ૧૯૬૮માં પ્રથમવાર તેને કણાભસુત્રોની પ્રવૃતિ સાથે સાંકળવામાં આવ્યો હતો. ૧૯૭૭માં 'લેંઘ સિન્ડ્રોમ' સાથે સંકળાયેલ નાભીકીય ડિએનએ યુક્ત 'જનીનો' પણ ઓળખવામાં આવ્યાહતા. લેંઘ સિન્ડ્રોમ મુખ્યત્વે ૭૫થી ૮૦% કિસ્સામાં નાભીકીય જનીનોની વિકૃતિ સાથે સંકળાયેલો હોય છે. અપવાદરૃપ ૨૦થી ૨૫% કિસ્સામાં આ રોગ, કણાભસુત્ર / માઇટોકોન્ટ્રીઅલ ડિએનએમાં પેદા થતી વિકૃતિનાં કારણે જન્મ લે છે.

લેંઘ સિન્ડ્રોમ એ મુખ્યત્વે ચેતાતંત્ર સાથે સંકળાએલી બિમારી છે. જેનાં લક્ષણો બાળકનાં જન્મથી એક વર્ષમાં દેખાવા માંડે છે. રોગ લાગુ પડયા બાદ બેથી ત્રણ વર્ષમાં દર્દી મૃત્યુ પામે છે. આ રોગનાં લક્ષણો કોઇપણ ઉંમરે દેખાઇ શકે છે. મોટા ભાગે સ્નાયુઓની નિષ્ક્રીયતા સર્જાતા, શ્વસનતંત્ર નિષ્ફળ જતાં  દર્દીનું અવસાન થાય છે.

બાળકનાં જન્મ સાથે આ રોગ દેખા દે છે ત્યારે શરૃઆતમાં ઝાડા-ઉલ્ટી થાય છે. બાળકને ગળા નીચે ખોરાક ઉતારવામાં તકલીફ પડે છે.જેનાંથી તેનો શારીરિક વિકાસ અટકી જાય છે. બાળકનું વજન વધતું નથી. સ્નાયુઓનાં હલનચલનની સમસ્યા પેદા થવા માંડે છે. સ્નાયુ નિર્બળ બની જાય છે. છેવટે અંગો સંવેદના ગુમાવી દે છે. રોગને જાણવા માટે MRI કરવી જરૂરી બની જાય  છે. મુખ્યત્વે કોષમાં રહેલા કણાભસુત્રો કોષ માટે જરૂરી ઉર્જા પેદા ન કરી શકવાનાં કારણે બધી સમસ્યા સર્જાય છે.

No comments: