Tuesday 1 November 2016

ડાઇરેક્ટેડ એનર્જી વેપન્સ :અમેરિકા, રશિયા અને ચીનની આગેકૂચ..


Pub. Date : 23.10.2016

નિકોલા ટેસ્લાને અમેરિકાના સૌથી મહાન આવિષ્કારની યાદીમાં આગળ મૂકવામાં આવે છે. ટેસ્લાની સર્જન પ્રતિભા, નૈતિક સ્ફુરણા અને શોધકની વૃત્તિ અનન્ય હતી. ઓલ્ટરનેટ કરંટ પાવર એ નિકોલા ટેસ્લાએ દુનિયાને આપેલી સૌથી મોટી ભેટ છે. નિકોલા ટેસ્લાનો વિરોધી અને પ્રતિસ્પર્ધી એટલે થોમસ આલ્વા એડિસન. એડિસન ડાયરેક્ટ કરંટ (DC) નાં હિમાયતી હતાં. આજે આપણે જોઇએ છે કે વિશ્વભરમાં AC કરંટની બોલબાલા  છે. ૧૯૩૦નાં ગાળામાં ટેસ્લાએ દાવો કર્યો હતો કે તેમણે મિલીટરીને ઉપયોગી બને તેવાં ''ડેથ રે''ની શોધ કરી છે. જે દસ હજાર જેટલાં દુશ્મન એર ક્રાફ્ટને ૨૫૦ માઇલ દૂરથી વિનાશ કરી શકે છે. આધુનિક વિજ્ઞાન તેને ડાયરેક્ટેડ એનર્જી વેપન્સ કહે છે. આ શ્રેણીમાં આવતાં લેસર બીમ વેપન્સનું ડેમોસ્ટ્રેશન અમેરિકા કરી ચુક્યું છે. તાજેતરમાં રશિયાએ ''માયક્રોવેવ્ઝ'' આધારીત 'ડેથ રે' વિકસાવ્યા છે. પ્રયોગોમાં તેણે ૧.૬૫ કી.મી. દૂર આવેલ ઉડતાં ડ્રોન વિમાનને ઉડાડી મૂકવાની ક્ષમતા કેળવી લીધી છે. આ રેસમાં ચીન પણ ૨૦૧૦થી સામેલ છે. અમેરિકાને રશિયા કરતાં ચીનનાં ડાયરેક્ટ એનર્જી વેપન્સ (DEN) ની વધારે બીક લાગી રહી છે. પેન્ટાગોન તેનો ઉપાય પોતાની રીતે વિચારી રહ્યું છે. અને... મહાસત્તા મેદાનનું આધુનિક 'અસ્ત્ર' ભવિષ્યમાં વાપરવા પ્રયત્નશીલ બની રહ્યાં છે.

ડેથ રે અને ડેથ બીમ - સાયન્સ ફિકશનથી....
વર્ષો પહેલાં, સાયન્સ ફિકશનમાં 'ડેથ રે'ની વાત આવતી હતી. ફ્લેશ ગોર્ડન જેવાં કાલ્પનિક પાત્ર પાસે હાથમાં પકડી શકાય તેવી 'રે ગન'નો કૉન્સેપ્ટ સાયન્સ ફિકશનને આપ્યો હતો. લેસર આધારીત 'લેસર ગન'ને જ્યોર્જ લુકાસે તેની સાયન્સ ફિકશન ફિલ્મો 'સ્ટાર વોર્સ'માં દર્શાવી લોકોનાં દિલ જીતી લીધા હતા. સાયન્સ ફિકશનને હકીકતમાં બદલવા માટે વૈજ્ઞાનિકો વીસમી સદીની શરૂઆતથી લાગી ગયા હતાં. ૧૯૨૩માં સાન ફ્રાન્સીસ્કોનાં એડવિન સ્કોટે વિશ્વનું પ્રથમ 'ડેથ રે' શસ્ત્ર વિકસાવ્યાનો દાવો કર્યો હતો. જે મનુષ્યને ખતમ કરવા સક્ષમ હતું. આ ડેથ રે વિમાનને તોડી પાડવા માટે પણ વાપરી શકાય તેમ હતું. ડેરી ગ્રીન્ડેલ મેથ્યુ નામનાં સંશોધકો બ્રિટીશ એર મીલીટરીને ૧૯૨૪માં, ડેથ રે ગન વેચવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેને ડેથ રેનું વર્કીંગ કે પ્રયોગાત્મક મોડેલ બનાવવામાં, બતાવવામાં નિષ્ફળતા મળી હતી.

અમેરિકાનાં નિકોલા ટેસ્લાએ 'ડેથ બીમ'ની શોધ કરી હોવાની જાહેરાત ૧૯૩૦નાં દાયકામાં કરી હતી. જોકે જેને ટેસ્લા ''ટેલીફોર્સ'' ગણાવતા હતાં. તેનું અસ્તિત્વ કે ઉપયોગીતા 'ટેસ્લા' તેનાં મૃત્યુ સુધી પુરવાર કરી શક્યા ન હતાં. બીજા વિશ્વયુધ્ધમાં જર્મનીએ 'ડેથ રે' વિકસાવવા માટે બે પ્રોજેક્ટ અમલમાં મૂક્યા હતાં. જ્યારે જાપાને એક પ્રોજેક્ટ શરૃ કર્યો હતો. જર્મન પ્રોજેક્ટમાં ડેથ રે તરીકે પાર્ટીકલ બીમ વાપરવાનાં ગુપ્ત પ્રયોગો થયા હતાં. બીજા જર્મન પ્રોજેક્ટમાં ડો. રોલ્ફ વાઇડરોએ ડેથ રે મશીન બનાવ્યું હોવાનો ખુલાસો પોતાની આત્મકથામાં કર્યો હતો. ૧૯૪૫માં ડ્રેસડેન પ્લાઝમા ફિજીક્સ લૅબોરેટરી ટીમે તેમનું વિકસાવેલ સયંત્ર ખસેડીને જનરલ પૅટર્નની ત્રીજી ડીવીઝનને સોંપ્યું હતું જે છેવટે અમેરીકનોનાં હાથમાં ગયું હતું. જાપાનને માઇક્રોવેવ આધારીત 'કું-ગો' નામનું ડેથ રે વિકસાવ્યું હતું. ડેથ રે કે ડેથ બીમ તરીકે જાણીતાં વેપન્સને આજનું વિજ્ઞાન ડાયરેક્ટેડ એનર્જી વેપન્સ તરીકે ઓળખાવે છે. સબ એટમિક પાર્ટીકલ આધારીત શસ્ત્ર પણ વિસાવવામાં આવી રહ્યાં છે. જેમાં ઉર્જાને વાયર વગર એક બીમ / શેરડા રૃપે 'ટાર્ગેટ' પર તાકવામાં આવે છે. આવ પ્રણાલી મિસાઇલ ડિફેન્સમાં વાપરવામાં આવે છે. ડેથ રે કે ડેથ બીમનો ઉપયોગ ઈલેક્ટ્રોનિક સીસ્ટમ, સેટેલાઇટ મોબાઇલ ફોન ઉપરાંત કાર, ડ્રોન, પાણીનાં જહાજ, ટૅન્કર વગેરેને ખત્મ કરવા થઇ શકે છે.

રશિયાની ''માઇક્રોવેવ'' ગન
તાજેતરમાં રશિયાનાં લશ્કરી અધિકારીઓ એક કી.મી. દૂર આવેલા ડ્રોન વિમાન કે મિસાઇલને ફુંકી મારી શકાય તેવી 'માઇક્રોવેવ' ગનને વિશ્વ સમક્ષ રજુ કરી છે. રશિયન ડિફેન્સ મિનીસ્ટ્રીનાં પ્રદર્શનમાં તેને દર્શાવવામાં આવી હતી. ડેથ રેનો ઉપયોગ ડ્રોન વિમાનની રેડિયો પ્રણાલીને નિષ્ફળ બનાવવા માટે કરવામાં આવ્યો હતો. માઇક્રોવેવ ગન વડે ડ્રોનમાં રહેલાં વોર હેડ્સ (બૉમ્બ)ને પણ નિષ્ફળ બનાવી શકાયા હતાં. રેડિયો સીસ્ટમ ખોરવાતા વિમાન પોતે જ નિયંત્રણ ગુમાવી તૂટી પડે છે.

આ પ્રકારની પ્રણાલી ડાયરેક્ટેડ એનર્જી વેપન્સ તરીકે ઓળખાય છે. રશિયાએ વિકસાવેલ માઇક્રોવેવ ગન માટે જરૂરી અલ્ટ્રા હાઇ ફ્રિકવન્સી માઇક્રોવેવ એક જનરેટર દ્વારા પેદા કરવામાં આવે છે. પેદા થયેલા માઇક્રોવેવને ડિશ એન્ટેના વડે પરાવર્તિત કરીને ટાર્ગેટ તરફ મોકલવામાં આવે છે. ખાસ પ્રકારની ટ્રાન્સમિશન સીસ્ટમ માઇક્રોવેવ એક બીમ / શેરડો રચે તેનું ધ્યાન રાખે છે. રશિયાની યુનાઇટેડ ઈન્સ્ટ્રુમેન્ટલ મેન્યુફેકચરીંગ કંપનીએ, રશિયાને સરફેસ ટુ એર મિસાઇલ સીસ્ટમ '‘BUK મિસાઇલ સીસ્ટમ'' માટે માઇક્રોવેવ ગન ડિઝાઇન કરી છે. જો કે તેની રેન્જ લાંબી ન હોવાથી, યુધ્ધભૂમી ઉપર ઉડતા અમાનવ એરક્રાફ્ટને નિષ્ફળ બનાવવા તેનો ઉપયોગ થઇ શકે છે. હાઇ ફ્રીકવંસીની માઇક્રોવેવનાં કારણે રક્ષિત ન હોય તેવાં ઈલેક્ટ્રોનિક પાર્ટસ ખરાબ થઇ જાય છે. એલેકઝાન્ડર પેરેન્ઝીયેવ કહે છે કે ''જેમાં માઇક્રો-ઈલેક્ટ્રોનીક એલીમેન્ટ કે સરકીટ હોય તેવી દરેક ચીજને માઇક્રોવેવ ગનનાં ટાર્ગેટમાં મૂકી શકાય છે. આ ગનમાં માઇક્રોવેવ ઉપરાંત, રેડીયો વેવ્ઝ, લેસર અને અવાજનાં તરંગોનો પણ ઉપયોગ થઇ શકે છે. નિષ્ણાંતો માને છે કે માઇક્રોવેવ ગન, ક્રાસુબા નામની ઈલેક્ટ્રોનિક વૉરફેર સીસ્ટમ ધરાવતી મિલિટરી ટ્રક પર ગોઠવવામાં આવશે. માઇક્રોવેવ ગનમાંથી નીકળતા બીમ વચ્ચે મનુષ્ય આવી જાય તો તેને પણ મરણતોલ ફટકો પડી શકે છે.

ડિવાઈન લાઈટ :- ચીની લશ્કરી સાહસ
ચીન હાલમાં માત્ર એન્ટી સેટેલાઈટ સીસ્ટમ, એન્ટી મિસાઈલ લેસર વેપન્સ અને ટેકનોલોજી ક્ષેત્રે આગેકૂચ કરી રહ્યું છે. એટલું જ નહીં જાણકારોનાં મત પ્રમાણે લેસર વેપન્સ વિકસાવવામાં ચીને અમેરિકાની બરોબરી કરી છે, અથવા તેનાથી આગળ નિકળી ગયું છે. ચીને 'ડિવાઈન વાઈટ' કોડ નેમ હેઠળ લેસર બીમ અને અન્ય ડાયરેકટેડ એનર્જી વેપન્સ તૈયાર કરવાનો પ્રોજેક્ટ અમલમાં મુકેલ છે. બીજીંગ દ્વારા ૧૯૬૦નાં દાયકામાં પ્રોજેક્ટ ૬૪૦-૩ નામે લેસર વેપન્સ ટેકનોલોજી વિકસાવવાની શરૃઆત કરવામાં આવી હતી. ૧૯૭૯માં પ્રોજેક્ટનું નામ બદલીને ૮૬૩ પ્રોગ્રામ રાખવામાં આવ્યું હતું. આજે ચીન તેની લેસર ટેકનોલોજી વિકસાવવા ૧૦ હજાર લોકોને કામમાં જોતરી ચૂક્યું છે. જેમાં ૩૦૦૦ ઈજનેરો અને ૩૦૦ વિવિધ સંશોધન સંસ્થાઓ જોડાએલી છે. ચીનનાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનાં ૪૦ ટકા નાણા લશ્કરી એપ્લીકેશનનાં વિકાસ માટે વાપરવામાં આવી રહ્યાં છે.

ચીન તેનાં નવા કૉન્સેપ્ટ વેહીકલ તૈયાર કરવા માંગે છે. તેમાં હાઈપાવર લેસર, હાઈપાવર માઈક્રોવેવ, રેલ ગન, કોઈલ ગન, પાર્ટીકલ બીમ અને પ્લાનિંગ વેપન્સનો સમાવેશ થઈ રહ્યો છે. ૧૯૯૭માં પાઉન્ડ બેઝ લેસર વાપરીને ચીને તેનાં એરફોર્સનાં MSTI-૩ સેટેલાઈટને નાકામીયાબ બનાવ્યા હતાં. ત્યારબાદ અમેરીકાનાં DRNO અને બોઈંગ કંપનીએ ૭૪૭ એરલાઈનર પર લેસર વેપન્સ ગોઠવીને ચકાસણી કરી હતી જે ઈન્ટરકોન્ટીનેટલ બેલાસ્ટીક મિસાઈલને તોડી પાડવા વાપરી શકાય તેમ છે.

ચીન કાઈનેટીક વેપન્સ જેવા મિસાઈલ તૈયાર કરી રહ્યું છે. ૨૦૦૭માં આવા મિસાઈલ વડે પોતાનો સેટેલાઈટ તોડી નાખ્યો હતો. જેનો ૩૦૦૦ ટુકડાનો ભંગાર વાતાવરણમાં ફેલાતા સ્પેસક્રાફટને નુકશાન થવાનો ભય આંતરરાષ્ટ્રીય સમુદાયે વ્યક્ત કર્યો હતો. મે- ૨૦૧૩માં ચીને એન્ટી બેલાસ્ટીક મિસાઈલ તૈયાર કરીને ટેસ્ટ કરી હતી. જેમાં એન્ટી સેટેલાઈટ વેપન્સને ભ્રમણકક્ષામાં ગોઠવવાની ક્ષમતા ધરાવતું હતું. વર્લ્ડ નેટ ડેઈલીની માહિતી પ્રમાણે ચીને ફ્રી ઈલેક્ટ્રોન લેસર વિકસાવ્યું છે. જેની તરંગ લંબાઈ અને બેન્ડ વિન્ડ 'એડજસ્ટ' કરીને તેની રેન્જ પાંચ હજાર કી.મી. સુધી પહોંચાડી શકાય છે.

અમેરિકન ડિફેન્સ ઈન્ટેલીજન્સ એજન્સીને જાસુસોની જરૃર છે
ચીનની ડાયરેક્ટેડ એનર્જી વેપન્સમાં વધતી જતી દિલચસ્પીનાં કારણે વર્જીનિયા ખાતે આવેલા ડિફેન્સ ઈન્ટેલીજન્સ એજન્સી સક્રીય બની ગઈ છે. તેઓ ચીનની આ ક્ષેત્રમાં થયેલી પ્રગતિ પર ચાંપતી નજર રાખવા માંગે છે. એજન્સીએ લો એનર્જી અને હાઈ એનર્જી લેસર બીમ વેપન્સ પર ધ્યાન કેન્દ્રીત કરેલ છે. ચીન પર જાસૂસી કરવા એજન્સીએ નવા જાસુસોની ભરતી માટે જાહેરાત અને આદેશ આપી દીધા છે. જેમાં ઉમેદવાર પાસે ૧૦ વર્ષનો શસ્ત્રો ઓળખવાનો અનુભવ અને ગણીત કે કોમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર કે પીએચડીની ડિગ્રીની લાયકાત માંગી છે. અમેરિકા તેમની પાસે જેમ્સ બૉન્ડ સ્ટાઇલમાં જાસૂસી કરાવવા માંગતું નથી. વિવિધ એજન્સીઓ પાસેથી મેળવેલ ડેટા અને સેટેલાઈટ દ્વારા મેળવવામાં આવતાં ફોટોગ્રાફ ઉપરથી ચોક્કસ તારણ નિષ્કર્ષ કાઢવા માટે નવી ટીમ તૈયાર કરવામાં આવી છે.

અમેરિકન ડિફેન્સ એજન્સી તેનાં ૧૪ કોન્ટ્રેક્ટર પાસેથી જાસૂસી દ્વારા મેળવાયેલી સામગ્રીને છુટી પાડી માહિતી મેળવવાનું, પરદેશી ભાષામાં લખાયેલા દસ્તાવેજનું ભાષાંતર કરવાનું અને માહિતી આધારીત પ્રોટોટાઈપ મોડેલ તૈયાર કરવા માંગે છે. અમેરિકા માત્ર ચીન જ નહીં અન્ય દેશો ઉપર પણ જાસૂસી કરવા માંગે છે. ચીન ઉપર પ્રભુત્વ જાળવી રાખવા માટે અમેરિકા ૩૦ કીલો વોટની લેસર વેપન સીસ્ટમ વિકસાવી છે. જેનાં બે પ્રયોગો સફળ રહ્યા હતાં. આ સીસ્ટમ અમેરિકન નેવલ સી સીસ્ટમ કમાન્ડને સોંપવામાં આવી છે. નેવીને અમેરિકન સીમમાં ઘુસી આવતા બીન-અધિકૃત ડ્રોન વિમાન, હેલિકોપ્ટર કે ફાસ્ટ પેટ્રોલ ક્રાફ્ટને આ સીસ્ટમ વડે તોડી પાડવા આદેશ અપાયેલાં છે.

ચીન અમેરીકાનાં વોરશીપ પર સસ્તા ડ્રોનની ટુકડીઓ વડે હુમલો કરવાની યોજના બનાવી રહ્યું છે. તેના જવાબમાં અમેરિકા પોતાના ડાયરેકટેડ એનર્જી વેપન્સ વિકસાવી રહ્યું છે. જેની ઘણી બધી માહિતી અમેરિકા ગુપ્ત રાખી છે.

No comments: