Monday 27 November 2017

ચાર્લ્સ ડાર્વિનનાં પગલે પગલે...

Pub-Date:19.11.2017

આધુનિક સંશોધન સાબિતી આપે છે...

ભૌતિક શાસ્ત્ર જેમ આલ્બર્ટ આઈનસ્ટાઈનનાં ઉલ્લેખ વગર અધુરુ છે. એ રીતે જીવવિજ્ઞાાન એટલે કે બાયોલોજી ચાર્લ્સ ડાર્વીનનાં ઉલ્લેખ વગર અધુરૃં ગણાય. ચાલ્સ ડાર્વીનની થિયરી ઓફ ઈવોલ્યુશન એટલે કે ''ઉત્ક્રાંતિવાદ'' એ ધર્મ દ્વારા આપેલ સજીવ ઉત્પતિની સંકલ્પનાને ખોટી પાડે છે. આજે બે સદી બાદ પણ, ધર્મ અને ચાર્લ્સ ડાર્વીનની થીયરી વચ્ચેનો વિગ્રહ દૂર થાય તેમ નથી. આમ છતાં ચાર્લ્સ ડાર્વિને ''બિગલ'' નામનાં જ્હાજમાં દરીયાઈ મુસાફરી કરીને, વિવિધ ટાપુઓ ઉપર રહેલાં સજીવોનાં નમુના એકઠા કર્યા. આ ઉપરાંત અનુભવજન્ય અને અવલોકનજન્ય તારણોનો સમન્વય કરીને એક ક્રાન્તિકારી, ઉત્ક્રાંતિની થિયરી આપીને દુનિયાને આશ્ચર્યચકિત કરી હતી. આ પ્રકારની થિયરી આલ્ફેડ વોલેસ રસેલે પણ શોધી કાઢી હતી. ચાર્લ્સ ડાર્વીને રસેલનું સંશોધન પણ વાંચ્યું હતું. જોકે પોતાનાં સંશોધનને પહેલાં રજુ કરીને ઉત્ક્રાંતિવાદની ક્રેડીટ પોતાના નામે કરવામાં ચાર્લ્સ ડાર્વીન સફળ રહ્યાં હતાં. આજનાં આધુનિક સંશોધન પણ ચાર્લ્સ ડાર્વિન સાચા હોવાની સાબીતી આપે છે. ચાર્લ્સ ડાર્વિનનું વિરાટ કદ જોઈને, યુનિ. ઓફ કનેક્ટીક્ટ દ્વારા, મિ. ડાર્વિન - બિગ મેન ઓન કેમ્ચસ નામનું લેકચર ગયા ઓક્ટોબર મહિનાની ૨૮ તારીખે ગોઠવાઈ ગયું હતું. 

ચાર્લ્સ ડાર્વિન : અધૂરી કહાની... 

ચાર્લ્સ ડાર્વિન વિશે લખીએ તો, પુસ્તકો ભરાઈ જાય. અને સાચે જ... ચાર્લ્સ ડાર્વિને લખેલ સાહીત્ય કરતાં, ચાર્લ્સ ડાર્વિન વિશે વધારે પુસ્તકો લખાયા છે. ૧૮૩૧માં ચાર્લ્સ ડાર્વિન યુની. ઓફ કેમ્બ્રીજમાંથી ગ્રેજ્યુએટ થયા હતાં. સામાન્ય ડિગ્રી મેળવનારાં ૧૭૮ વિદ્યાર્થીઓમાં ચાર્લ્સ ડાર્વિન દસમા ક્રમે હતો. એમણે પોતાના વક્તવ્યમાં એક વાર કહ્યું પણ ખરૃં કે, ''મારો અભ્યાસકાળ એ સમયની બરબાદી હતો.'' આવો સામાન્ય વિદ્યાર્થી આખરે તેના યુગનો મહાન વૈજ્ઞાાનિક કઈ રીતે બની ગયો ? વૈજ્ઞાાનિક તરીકેની કારકીર્દીને તેમણે કઈ રીતે વ્યવસાય બનાવી લીધો ? તે સમયે શાળા-કોલેજો અને યુનિવર્સીટીઓ તો ચાર્લ્સ ડાર્વિન વિશે શું અભિપ્રાય હતો ? આ બધા સવાલોનાં જવાબ મેળવવા માટે ચાર્લ્સ ડાર્વિન વિશે ખૂબ વાંચવું પડે. તેમણે ખેડેલી HMS  ''બિગલ''ની દરિયાઈ સફરે તેનાં જીવનમાં આમુલ પરીવર્તન લાવી દીધું હતું. ૧૮૫૯માં તેમણે લખેલ ''ઓન ધ ઓરીજીન ઓફ સ્પીસીઝ'' મુખત્વે પ્રાણીઓ અને પક્ષીઓની વાત કરે છે. જ્યાં ઈવોલ્યુશન એટલે ઉત્ક્રાંતિ માટે ''ટ્રાન્સમ્યુટેશન'' જેવો શબ્દ વપરાયો છે. ૧૮૩૮માં તેમણે જાહેર કર્યું હતું કે ''મનુષ્યનું મૂળ/ઉત્પતિ રહસ્ય હવે પકડાઈ ગયું છે. 
૧૭૫૮માં વૈજ્ઞાાનિક નામોની વિશિષ્ટ પ્રણાલી આપનાર કાર્લ લીનસ દ્વારા ''પ્રાઈમેટ'' (અથવા પ્રિમેટ) શબ્દ વપરાયો હતો. લેટીન ભાષામાં તેનો અર્થ થાય ''પ્રથમ ક્રમાંક દરજ્જાનું'' જેમાં વાનરથી માંડી નર મનુષ્ય સુધીનો સમાવેશ થતો હતો. ચાર્લ્સ ડાર્વિને ''પ્રિમેટ''ને પણ પોતાનાં અભ્યાસનું સાધન બનાવ્યા હતાં.'' મનુષ્યનાં હાવભાવ, લાગણીઓની સાથે સાથે મુખાકૃતિ કઈ રીતે બદલાય છે તેનું દસ્તાવેજી કરણ કઈ રીતે કરવું ? આ સવાલનો જવાબ મેળવવા માટે નવજાત શિશુનું અધ્યઅન કરવું જરૃરી હતું. પોતાના સાળા હેન્સલે વેડવુડનાં તાજા જન્મેલાં સંતાન અર્નેસ્ટ પર તેમણે અધ્યન ચાલુ કર્યું હતું. જેનો જન્મ ૧૮૩૮માં થયો હતો. ૨૯ જાન્યુઆરી ૧૮૩૯માં ચાર્લ્સ ડાર્વિનનાં ઘરે પારણું બંધાયું અને વિલીયમ ઈરાસ્મસનો જન્મ થયો. જે ડાર્વિનનાં દસ સંતાનોમાં પ્રથમ હતો. અને ''આંખનું રતન'' પણ તેનાં ઉપર ડાર્વિને અભ્યાસ શરૃ કર્યો. ઈરાસ્મસ ડાર્વિન પણ આગળ જતાં બેન્કીંગ ધંધામાં ઝંપલાવે છે. પરંતુ ચાર્લ્સ ડાર્વિન માટે તે ઈન્ફત્ટ સાયકોલોજી સમજવા માટેનું હથિયાર હતો. તેનાં શરૃઆતનાં ત્રણ વર્ષનાં તેના ચહેરાના હાવભાવ અને શારીરિક હલન ચલનની ડાયરી ડાર્વિને રાખી હતી. 

પક્ષીઓનો પાંખોનો ફફડાટ 

૧૫૦ વર્ષ પહેલાં ચાર્લ્સ ડાર્વિન કહી ગયા હતાં કે, પક્ષીઓ તેની પાંખોનો ઉપયોગ માત્ર ઉડવા માટે કરતાં નથી. સંદેશાવ્યવહાર માટે પણ પાંખોનો ફફડાટ ઉપયોગમાં લે છે. આ વાત તે સમયે કોઈએ માની ન હતી કારણ કે દરેક પક્ષી પાસે વિશિષ્ટ પ્રકારનો પોતાનો ગળાનો અવાજ હોય છે. શા માટે પછી પંખી બીજી પ્રકારનાં કોમ્યુનીકેશનને ઉપયોગમાં લે ? જોકે આધુનિક સંશોધને ચાર્લ્સ ડાર્વિનને સાચો ઠેરાયો છે. રોબર્ટ મેગાર્થ નામનાં સંશોધકે પોતાનું સંશોધન કબુતર પર સ્થીર કર્યું છે. સંશોધન દરમ્યાન જાણવા મળ્યુંછે કે કલગીવાળા કબુતર, તેની ઉડવાની મુખ્ય પાંખોનાં પીછાનો ઉપયોગ, હાઈ પીચ વોર્નીગ સાઉન્ડ આપવા માટે કરે છે. જેથી કરીને તેની સાથે ઉડનારા અન્ય કબુતરને ખતરાની જાણ થાય અને ખતરાવાળા સ્થાનથી તેઓ દુર ચાલ્યા જાય. શરૃઆતમાં વૈજ્ઞાાનિકોને લાગ્યું કે પાંખોનાં ફફડાટનો તીણો અવાજ એ એક સાઈડ ઈફેક્ટ છે. પરંતુ ઉડાં ઉતરતાં જાણવા મળ્યું કે ''ઉડવા માટેનો અલગ અલગ પ્રકારનાં પીંછા જ્યારે ખતરો જોવા મળે ત્યારે જ, આઠમું નાનું પીછુ કબુતર વાપરે છે.'' 
અત્યારનું પક્ષીઓનાં સંદેશાવ્યવહારનું વિજ્ઞાાન મોટા ભાગે પક્ષીઓનાં અવાજને કેન્દ્રમાં રાખીને ફોક્સ થયેલું હતું. જેમાં ગળાનાં અવાજને વધારે મહત્વ આપવામાં આવ્યું હતું. સંશોધકોએ જોયું કે પક્ષીઓ તેમની પાંખોનો ઉપયોગ સંગીત પેદા કરવા માટે પણ કરે છે. જેમાં કબુતર મોખરે છે. કબુતરની પાંખોનો અવાજ, જ્યારે ખતરો હોય ત્યારે વધારે તીણો બની જાય છે. હાઈ સ્પીડ વિડિયોમાં કબુતરની પાંખોનાં પીછા અલગ કરીને પણ સંશોધન કરવામાં આવ્યું હતું. ત્યારે ખતરાની સીટી વાગી ન'હતી. જેમ જેમ પક્ષી વધારે ઝડપથી પાંખો વિઝે છે તેમ તેમ વધારે અલગ પ્રકારનો અવાજ પેદા થાય છે. પક્ષીનું આઠમુ પીછું. ''હાઈ નોટ'' અવાજ પેદા કરે છે. જ્યારે નવમું પીછું ''લો નોટ'' અવાજ પેદા કરે છે. શાંત બેઠેલા પક્ષીઓ પાસે આ અવાજનું રેકોર્ડીંગ વગાડતા, પક્ષીઓ ભયના માર્યા ઉડી જતાં હતાં. જે પક્ષીનું આઠમું પીછું દુર કરી નાખ્યું હોય તેવાં કબુતરનો અવાજ અન્ય શાંત કબુતરને સંભળાવવામાં આવ્યો ત્યારે કબુતર ભયનાં માર્યા ઉડવાને બદલે શાંત બેસીને, આમતેમ માત્ર જોતા રહે છે. ચાર્લ્સ ડાર્વિનના પગલે પગલે ચાલતાં, વૈજ્ઞાાનિકોને અનોખુ રહસ્ય જાણવા મળ્યું હતું. 

પરગ્રહવાસી ''એલીયન્સ''નાં આકાર વિશે... 

સ્ટાર ટ્રેક જેવી સીરીઅલ્સ શરૃ થઈ અને લોકોનાં મનમાં વિચિત્ર પ્રકારનાં ''એલીયન્સ''નો આકાર ઉભરતો રહ્યો હતો. માની લો કે સુર્યમાળાની બહાર કોઈ ગ્રહ પર સજીવ સૃષ્ટિની શરૃઆત થઈ ગઈ છે ! તો તેમનો દેખાવ કેવો હોઈ શકે ? આ સવાલનો જવાબ યુનિ. ઓફ ઓક્સફોર્ડનાં પ્રાણીશાસ્ત્રનાં વૈજ્ઞાાનિકો આપે છે ! પરગ્રહવાસીઓનો દેખાવ જોવો હોય તો, પૃથ્વી પર વિકસેલાં સજીવો તેનાં આકાર અને અંગો, જેવા કે ચહેરો, આંખ, હાથપગ વગેરેને લક્ષમાં રાખીને કલ્પના કરશો નહીં. ગ્રહની કેમેસ્ટ્રી ઉપર પણ આધાર રાખશો નહીં. અહીં તમને માત્ર એક થિયરી કામ લાગશે. ચાર્લ્સ ડાર્વિનની થિયરી ઓફ ઈવોલ્યુશન અને નેચરલ સિલેકશન એટલે કે પ્રાકૃતિક પસંદગીનો સિદ્ધાંત. વૈજ્ઞાાનિકો માને છે કે ચાર્લ્સ ડાર્વિનની થિયરી માત્ર પૃથ્વી ગ્રહ પુરતી જ નહીં અન્ય ગ્રહનાં સજીવો માટે પણ વાપરી શકાય તેમ છે. જેમ જેમ સમય વિતતો જાય છે તેમ તેમ સજીવ તેનો પર્યાવરણને વધારે અનુકૂળ થવાની કોશીશ કરે છે. જેમાંથી તેનાં અંગોને ઉત્ક્રાંન્તિનાં માર્ગે પસાર થવું પડે છે. 
જે કુદરતી પરીબળોનો સામનો કરી ટકી જાય છે તે વધારે લાંબુ જીવે છે અને વધારે સંતાનો પેદા કરે છે. પ્રાકૃતિક પસંદગીનો સિદ્ધાંત, સજીવથી માંડી વ્યક્તિગત સેલ એટલે કે પ્રારંભીક કોષ લેવલ સુધી લાગુ પડે છે. ટીમ લીડર સેમ્યુઅલ લેવીન કહે છે કે ''ડાર્વિનનો ઉત્ક્રાંન્તિવાદ જટીલ કોષો, મલ્ટીસેલ્યુલર સજીવ, પ્રાણી અને છેવટે સામાજીક માળખું પેદા કરે છે.'' આ હિસાબે લીલા રંગનો માનવી, વધારે મોટા દાંત જેવી કલ્પનાઓ કરવી વ્યાજબી નથી. વૈજ્ઞાાનિકો અલગ અલગ પ્રકારનાં સજીવોની મુખ્ય ખાસીયત રિપ્રોડકશન એટલે કે સંતાનોત્પતિ છે. માત્ર સંતાન ઉત્પન્ન કરતાં સજીવો જ જીવી શકે તે વ્યાખ્યા ખોટી છે. ઘોડા અને ગધેડાનાં મિશ્રણ જેવી પ્રજાતિ ''ખચ્ચર'', જૈવિક રીતે સ્ટરાઈલ એટલે કે સંતાન પેદા કરવા લાયક નથી છતાં પોતાની જીંદગી તો જીવે જ છે. કાર્બન આધારીત 'ડિએનએ'ની કલ્પના કરી નવા ગ્રહનાં સજીવોની કલ્પના કરવી પણ વ્યાજબી નથી. સીલીકોન પણ કાર્બન જેવી કેટલીક ખાસીયતો ધરાવે છે. આમ સીલીકોન આધારીત જીવન સંભાવના પણ વિચારવી જોઈએ. 

ગાલાપેગોસ ટાપુની જીવ સૃષ્ટી, જીનેટીક એન્જીન્યરીંગ વડે બચાવી શકાશે ? 

૨૫ સપ્ટેમ્બર ૧૮૩૫નાં રોજ HMS બીગલનો કાફલો ગાલાપેગોસ આર્કીપેલાગોએ પહોંચ્યો હતો. જ્યાં ચાર્લ્સ ડાર્વિને પ્રથમવાર પગ મુક્યો તે ટાપુ ''ચાર્લ્સ'' ટાપુ તરીકે ઓળખાય છે. અહીં ૨૦૦ થી ૩૦૦ લોકોની વસ્તી દ્વારા મનુષ્યએ પ્રકૃતિને ખરાબ કરવાનું કામ શરૃ કર્યું હતું. આ ટાપુ પર ઈકવેડોરમાં બળવો પોકારનાર લોકોને ચાર્લ્સ ટાપુ પર કાળા પાણીની સજારૃપે ધકેલવામાં આવ્યા હતાં. નિચાણવાળો ભાગ ચાર્લ્સ ડાર્વિનને આકર્ષી શક્યો ન'હતો. ૨૫ ઓગસ્ટ ૨૦૧૭માં કાર્લ કેસ્પબેલ નામનો જીવવિજ્ઞાાની ટ્વીન એન્જીનવાળી બોટ દ્વારા આ ટાપુ પર પહોંચે છે જેનું નામ ''ફલોરીના'' છે. તે પહોંચ્યો ત્યારે અહીં માત્ર ૧૪૪ માણસો હતો. ચાર્લ્સ ડાર્વિનનાં સમય કરતાં માત્ર અડધા. 
છેલ્લા ૨૦ વર્ષથી કાર્લ કેમ્પબેલ ગાલાપેગોસ ટાપુઓ પર વસવાટ કરતો રહ્યો છે. જેનો મુખ્ય મકસદ અહીંની જીવસૃષ્ટિનું નિકંદન નિકળી ન જાય અને ભવિષ્ય માટે સજીવ પ્રજાતીઓને બચાવી લેવાનો રહ્યો છે. ફલોરીનાની પ્રજાતિ નિકંદનનો દર ખૂબ ઉંચો છે. અહીં એન્ડેન્નર સ્પીસીઝની સંખ્યા પણ ખૂબ વધારે છે. અહીં ઉંદરોની સંખ્યા પુષ્કળ વધી ગઈ છે. જેને મારવા માટે ૪૦૦ ટન ઉંદર મારવાનું ઝેર લોકો વાપરી ચુક્યા છે. જેની અસર સ્થાનિક પક્ષીઓ અને સરીસૃપ પ્રાણીની વસ્તી ઉપર થઈ રહી છે. ઉંદર મારવાની દવાની અસર એ થઈ છે કે બાકીનાં ઉંદર પણ ઝેર સામે પ્રતિરક્ષા કેળવી રહ્યાં છે. આમ લુપ્ત થતી પ્રજાને હવે માત્ર જીનેટીક એન્જીન્યરીંગ વડે જ બચાવી શકાય તેમ છે. ઉંદરો માત્ર નર પેદા કઈ રીતે કરે છે તે માહિતી ઉંદરનાં તાજેતરમાં થયેલ જીનેટીક મ્યુટેશનથી જાણી શકાય તેમ છે. આધુનિક ''ક્રિસ્પર'' ટેકનીક વાપરીને સજીવોનું સંરક્ષણ વધારી શકાય તેમ છે. ઉંદરોની પ્રજાતિને નિયંત્રણમાં લેવા માત્ર પુરૃષ ઉંદર પેદા થાય તેવી જીનટેકનીક વાપરવાથી સરવાળે માદા રહીત ટાપુ પરથી ઉંદરોની પ્રજાતી ખતમ કરી શકાય તેમ છે. આમ ઝેર કે બુલેટ કરતાં રામબાણ ઈલાજ સાબીત થાય તેમ છે. ચાર્લ્સ ડાર્વિને જોયેલા વિશાળકાય કાચબા પણ હવે લુપ્ત થવાની અણી પર આવી ગયા છે. ફલોરીના ટાપુ પર તેમની વસતી ખતમ થઈ જવાથી બે ડઝન કાચબા અન્ય ટાપુ પરથી અહીં લાવવામાં આવ્યાં છે.

No comments: