Monday 1 April 2013

''માર્સ ડેઝર્ટ રિસર્ચ સ્ટેશન'' : મંગળ ગ્રહ ઉપર કરવાની કામગીરીનું, પૃથ્વી ઉપર રિહર્સલ કરતા વૈજ્ઞાનિકો..

અમેરિકાનો ઉટોહનો રણપ્રદેશ છે તેનાં ઉપર નજર નાખો તો તમને એમ જ લાગે કે પૃથ્વી પર કેટલોક ભાગ કુદરતી રીતે જ મંગળ જેવો થઈ ગયો છે. માત્ર ભૌગોલિક વિગતો જ નહીં, પર્યાવરણ અને આબોહવા પણ મંગળ જેવી છે

અમેરિકાની ખ્યાતનામ 'નાસા' માનવીને મંગળ ઉપર ઉતારશે, તેના માટે પૃથ્વીવાસીઓએ ૨૦ વર્ષ કરતાં વધારે રાહ જોવી પડશે. ૨૦૧૦માં અમેરીકન પ્રમુખ બરાક ઓબામાએ અમેરિકન નાગરીકને ફરીવાર ચંદ્ર ઉપર ઉતારવાના બીલ ઉપર, પ્રોગ્રામ કેન્સલનો શેરો મારીને, ''મિશન મુન''ને અભરાઈ ઉપર ચડાવી દીધું હતું. ૨૦૨૫માં એક એસ્ટ્રોઈડ ઉપર માનવીને ઉતારવાનો પ્લાન ''નાસા''નો છે. ત્યારબાદ ૨૦૩૦ના દાયકામાં મંગળનો વારો આવે તેવું લાગે છે. 'માર્સ વન' નામનો એક ખાનગી પ્રોજેક્ટ ૨૦૧૨માં શરૃ થયો છે. જેનો મુખ્ય હેતું મંગળ ઉપર ૨૦૨૩માં માનવ વસવાટ ઉભો કરવાનો છે. વિવિધ પ્રોજેક્ટને અમલમાં આવતાં, એટલીસ્ટ ૧૫ વર્ષતો લાગી જશે જ. નાટક પહેલાં રિહર્સલ થાય તેમ, પૃથ્વી પર મંગળનું સર્જન થયું છે. અમેરિકાનો ઉટોહનો રણપ્રદેશ છે તેનાં ઉપર નજર નાખો તો તમને એમ જ લાગે કે પૃથ્વી પર કેટલોક ભાગ કુદરતી રીતે જ મંગળ જેવો થઈ ગયો છે. માત્ર ભૌગોલિક વિગતો જ નહીં, પર્યાવરણ અને આબોહવા પણ મંગળ જેવી છે. બસ વૈજ્ઞાનિકોને આટલું જોઈતું હતું. જો ખરેખર માનવીને મંગળ ઉપર ઉતારવો હોય તો શું થાય ? તેનાં વસવાટ કેવાં હોવા જોઈએ ? સંદેશાવ્યવહારનું સ્ટેશન કેવું હોવું જોઈએ ? માનવી ઉતર્યા પછી વાહન વ્યવહાર માટે શું વાપરશે ? આ બધા સવાલોનાં જવાબ માટે વૈજ્ઞાનિકો મંગળ ઉપર ઉતર્યા પહેલાં જ, પૃથ્વી પર 'મંગળ' અભિયાન શરૃ કરીને એક ગ્રાન્ડ માર્સ મિશનનું રિહર્સલ છેલ્લાં એક દાયકાથી કરી રહેલ છે. મનુષ્ય મંગળ ઉપર ઉતરે એ પહેલાં જ, પૃથ્વી ઉપર ''માર્સ બેઝ'' ઉભો કરી નાખ્યો છે, જેને માર્સ ડેઝર્ટ રિસર્ચ સ્ટેશન (MDRS) કહે છે.
ફોટો જર્નાલીસ્ટ જીમ ઉર્કુહાર્ટનું પણ સ્વપ્ન છે. તેને અંતરિક્ષમાં જવું છે. અંતરિક્ષમાં જઈને ફોટોગ્રાફી કરવી છે. તેનું સ્વપ્ન સાકાર થાય તે પહેલાં જ, તે તેનાં સ્વપ્નાંની નજીક પહોંચી ગયો છે. ઉટાહનાં રણપ્રદેશમાં આવેલ માર્સ ડેઝર્ટ રિસર્ચ સ્ટેશન ઉપર તે પહોંચી ગયો છે. અહીં કાર્યરત વૈજ્ઞાનિકોની ટીમનું તેણે ફોટો ડોક્યુમેશન કર્યું છે. તેણે જે સુંદર તસ્વીરો લીધી છે તેને ધ ગાર્ડીયન, ધ ડેઈલી મેઈલ, ધ ઈન્ડીપેન્ડન્ટ, ટાઈમ્સ ગ્રુપ્ અને અન્ય અખબારોએ છાપી છે. જીમ ઉર્કુહાર્ટની તસ્વીરો જોઈને કોઈ એમ નહી કહી શકે કે ''આ પૃથ્વી પરથી લીધેલ ફોટોગ્રાફસ છે.''
જીમ ઉર્કુહાર્ટ, ઉટાહનાં રણમાં આવેલ માર્સ ડેઝર્ટ રિસર્ચ સ્ટેશન ઉપર જઈ આવ્યા તે હેન્કવિલે પાસે આવેલું છે. માર્સ સ્ટાઈલની માનવ વસાહત ૨૦૦૨માં અહીં ઉભી થઈ ત્યારથી અત્યાર સુધી અહીં ૧૨૬ ટીમ આવીને રહી ચુકી છે. આ સ્ટેશન બનાવવા પાછળનો મુખ્ય મકસદ એ છે કે ''મનુષ્ય મંગળ ઉપર ઉતરે તે પહેલાં, વિવિધ વૈજ્ઞાનિક ઉપકરણો, ટુલ્સ અને ટેકનીકનો આ માર્સ સ્ટેશન ઉપર ઉપયોગ કરીને, અનુભવ મેળવી લે. અહીં લગભગ ૬ જેટલાં લોકો એક વૈજ્ઞાનિક અભિયાન લઈને આવે છે અને....લગભગ ૧૫ દીવસ જેટલો સમય અહીં વિતાવે છે. તેમને લાગે છે કે તેમણે ખરેખર મંગળ ઉપર જ પોતાનું વાસ્તવિક સંશોધન કર્યું છે.'' ઉટાહ રણનો કેટલોક ભાગ મંગળની માફક ઠંડો, અને સુકો પ્રદેશ છે. મંગળ જેવું જ વાતાવરણ અને ભુસ્થળ મળે તે માટે કેનેડીયન આર્કટીક, નોર્વેનો સ્વાલબાર્ડ મુખ ત્રીકોણ પ્રદેશ, ઈટાલીઅન ગુફાઓ (સાર્ડીનીયા ટાપુ) અને રશિયામાં પણ ખાસ પ્રકારની લેબોરેટરી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
અહીં આવનારાંમાં નાસાનાં સંશોધકો, વૈજ્ઞાનિકો, વિજ્ઞાન શિક્ષકો અને વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે ક્યારેક ક્યારેક તેમાં પત્રકાર અને ફોટોગ્રાફરને પણ સામેલ કરવામાં આવે છે. અનુભવ માટે આવનારાં વિદ્યાર્થીને ટ્રાવેલીંગ ખર્ચ પેટે ૫૦૦ ડોલરનું સ્ટાઇપેન્ડ 'નાસા' દ્વારાં આપવામાં આવે છે. છ વ્યક્તિની એક ટુકડી અહીં બે અઠવાડીયા માટે આવે છે. અત્યારે અહીં પેરુની ૧૨૬ ટુકડી આવેલી છે. કમાંન્ડર, એક્ઝીક્યુટીવ ઓફીસર, હેલ્થ એન્ડ સેફટી ઓફીસર, ક્રુ બાયોલોજીસ્ટ, ક્રુ જીઓલોજીસ્ટ અને ક્રુ એન્જીનીયર તરીકે અહીં સંશોધકો સેવા આપે છે. ક્રુ ટીમમાં મુખ્યત્વે ખગોળશાસ્ત્રી, ભૌતિકશાસ્ત્રી, જીવવિજ્ઞાની, ભૂસ્તરશાસ્ત્રી, એન્જીનીયર્સ વગેરે ભાગ લે છે.
રોબર્ટ ઝુબ્રીન અમેરિકન એરો-સ્પેસ એન્જીનિયર છે. મંગળ ઉપર માનવીને ઉતારવાની તેઓ શરૃઆતથી જ ભલામણ કરતાં આવ્યાં છે. મંગળ યાત્રાનો ખર્ચ કઈ રીતે ઘટાડી શકાય તે બાબતે હંમેશાં તેઓ વિચારશીલ રહે છે. મંગળનાં વાતાવરણનો જ ઓકસીજન પેદા કરવા ઉપયોગ કરવો, મંગળ ઉપર જ જરૃરી પાણી કરવું, વળતાં પ્રવાસ માટે રોકેટ બળતણ પણ મંગળ ઉપર જ પેદા કરી લેવું વગેરે તેમનાં ફળદ્રુપ દીમાગનો આઇડીયા છે. નાસાએ રોબર્ટ ઝુબ્રીનનાં આઇડીયાને તેમનાં માર્સ મિશનનાં ''ડિઝાઇન રેફરન્સ મિશન'' તરીકેનાં પ્લાન તરીકે સ્વીકાર્યો છે. મંગળનાં સંશોધન માટે તેમને સરકાર પાસે ઘણી આશાઓ હતી. આશાઓ ઉપર ઠંડું પાણી ફરી વળતાં તેમણે મંગળલક્ષી ''ધ કેસ ઓફ માર્સ'' પુસ્તક લખ્યું હતું. જે ખૂબ જ સફળ ગયું હતું. હાલ તેઓ માને છે કે ખાનગી ભંડોળ એકઠું કરીને પણ માનવીને મંગળ ઉપર ઉતારવો જોઈએ. રોબર્ટ ઝુબ્રીન માર્સ સોસાયટીનાં પ્રમુખ છે.
સાયન્સ ફિકશન ક્ષેત્રે કિમ સ્ટેન્લી રોબીસનનું નામ જાણીતું છે. માર્શ ટ્રાયોલોજી માટે તેઓ વધારે જાણીતા છે. મંગળ ઉપર માનવીની વસાહત કઈ રીતે શરૃ થાય છે તેને સાયન્સ ફિકશન દ્વારા તેમણે વર્ણવી છે. રેડ મર્સ, ગ્રીન માર્સ અને બ્લ્યુ માર્સ એ ટ્રાયોલોજીનાં ત્રણ પુસ્તકો છે. જેમ્સ કેમેરોનની ઓળખાણ આપવા માટે આમ તો 'નામ' જ કાફી છે. પરંતુ અધકચરા જ્ઞાની માણસો માટે તેમની બે ફિલ્મો ''ટાઈટેનિક'' અને ''અવતાર''ને આગળ કરી શકાય. જોકે જાણકારો તો તેમને ધ ટર્મીનેટર (સીરીઝ), ટ્રુ લાયઝ, ડાર્ક એન્જેલ અને ધ એબીસ જેવી ફિલ્મોથી જ ઓળખતા થઈ ગયા હતાં. આ બંને મહાનુભાવનો માર્સ સોસાયટીને એક્ટીવ સપોર્ટ છે.
 મંગળયાત્રા માટે માનવીને ''મંગળ'' નડે તેમ છે. કેટલીક અંતરીક્ષ ક્ષેત્રની સમસ્યાઓ છે જેનો ઉકેલ મનુષ્યને મંગળ ઉપર ઉતારતાં પહેલાં લાવવો જરૃરી છે. જેમકે....
* હાઈ એનર્જી કોસ્મીક રે અને આયોનાઈઝીંગ રેડિયેશન સામે રક્ષણ.
* લો-ગ્રેવીટીમાં માનવ શરીર પર પડતી અસરો, જેમાં કાયમી ધોરણે દ્રષ્ટિ ગુમાવવાનો ખતરો પણ રહેલો છે.
* પૃથ્વીથી લાંબા સમયગાળા માટે માનવીને અંતરીક્ષમાં એકલા રહેવું અને તેની માનસિક અસરો.
* રોકેટ પ્રપાઝનની નિષ્ફળતા અથવા લાઇફ સપોર્ટીંગ સીસ્ટમની નિષ્ફળતા.
સમસ્યાઓનાં ઢગલા ઉપરનાં આ બધા મુખ્ય સવાલો છે. ટેકનોલોજીકલ અને અન્જીન્યરીંગને લગતાં સવાલોનું લીસ્ટ વળી અલગ છે. આ સમસ્યાઓ સામે માનવી કઇ રીતે ઝઝુમી શકે અને આપબળે કેવી રીતે રસ્તો કાઢી શકે તેનો અનુભવ માનવીએ ઉપરનાં રણમાં સ્થાપેલ માર્સ ડેઝર્ટ રિસર્ચ સ્ટેશનમાંથી મેળવી શકાય છે.
સંશોધન સ્ટેશનમાં મુખ્ય ત્રણ બિલ્ડીંગ છે. એક હેબીટેટ એટલે કે વસવાટ માટેનું બિલ્ડીંગ છે. જે દસ મીટરનાં નળાકારમાં બે માળમાં બાંધવામાં આવ્યું છે, જેને સામાન્ય રીતે ''ધ હબ'' તરીકે ઓળખવામાં આવે છે. રહેવા, જમવાની વ્યવસ્થા ઉપરાંત અહીં છ વ્યક્તિ માટે નાનાં છ બંક્સ છે. શાવર, ટોઇલેટની વ્યવસ્થા છે. નાનું રિડીંગ ડેસ્ક છે. ડાઇનીંગ અને મનોરંજન માટે અલગ એરીયા છે. પરંતુ બધું જ મર્યાદીત સ્પેસવાળી માત્રામાં છે. ૨૪ વોલ્ટની ૧૨ રિચાર્જેબલ બેટરીથી 'હબ'ને લીમીટેડ પાવર સપ્લાય મળે છે. આ ઉપરાંત કાસ્પર અને વેન્ડી નામનાં ઈમરજન્સી પાવર જનરેટર પણ છે.
ગ્રીન હબ તરીકે અહીં નાનકડું ગ્રીન હાઉસ છે, જેમાં છોડ ઉછેરવામાં આવે છે અને દુષિત પાણીનો નિકાલ કરવામાં આવે છે. બે ભાગમાં વહેંચાયેલા આ ગ્રીન હબનાં ઉતર ભાગમાં ખેતી થાય છે જ્યારે દક્ષિણ ભાગમાં ખરાબ પાણીનો પ્રોસેસીંગ કરી નિકાલ કરવામાં આવે છે. ડેઝર્ટ સ્ટેશનનું વૈજ્ઞાનિક રીતે મહત્વનું ''મસ્ક માર્સ ડેઝર્ટ ઓબ્ઝરવેટરી'' મથક છે. અહીં ૧૧ ઈંચનું શ્મીટ્ઝ-કેરોગ્રેઇન ટેલીસ્કોપ લાગેલું છે. જેને દૂરથી ઓપરેટ કરી શકાય છે. શોખીનો અને વ્યવસાયીકો બંને તેનો ઉપયોગ ઈન્ટરનેટ દ્વારા પણ કરી શકે છે. આ વેધશાળાનો ઉપયોગ ક્રુ મેમ્બર ઉપરાંત, સ્થાનિક શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ કરી શકે છે.
આ બધાથી દૂર ૭ મીટર ઉંચાણનો એન્જીનિયરીંગ ઈક્વીપમેન્ટ સપોર્ટ એરિયા આવેલો છે. આ એસ્ટ્રોનટ સોરી! મર્સોનટ્સ તૈયાર કરવાનું મીની કારખાનું છે. આઉટડોર સ્પેસ એક્સપ્લોરેશન સ્પેસ સ્યુટ પહેરીને જ કરવામાં આવે છે. એર સપ્લાય માટેનાં બેક પેક્સ લગાવવા પડે છે. અહીં ક્રુને મર્યાદીત સંદેશાવ્યવહારનાં સાધનો સાથે જીવતાં શીખવું પડે છે. વિદ્યુત, ખોરાક, ઓક્સીજન અને પાણી બધું જ લીમીટેડ સ્ટોકમાં છે. જીવવા માટે જરૃરી સંશાધનો  તમારે જાતે જ અહીં પેદા કરવાનાં છે.
હાલમાં MDRSમાં બારમી વાર્ષિક ફિલ્ડ સેશન ચાલી રહી છે જે ડિસેમ્બરમાં શરૃ થઇ હતી અને મે ૨૦૧૩માં ખતમ થશે. ક્રુ ૧૨૬ - પેરુ ટીમ અત્યારે અહીં સંશોધન કરી રહી છે. ટીમનાં કમાન્ડર એલેકઝાન્ડ્રો ડાયઝ છે. ૧૯૯૮થી તેઓ બોઈંગ કંપનીમાં કામ કરે છે. સ્પેસ વેહીકલની ડીઝાઇન, ઉત્પાદન અને તેનાં લોંચીંગ બાબતનાં તેઓ નિષ્ણાંત પણ છે. તેમની પસંદગી નાસા દ્વારા કરવામાં આવી છે.
હમબર્ટો દલાસ કસાસ ઝોલેજી ટીમમાં એક્ઝિક્યુટીવ ઓફીસર છે. પેરૃની પોન્ટીકલ યુનિવર્સિટીનાં ડિપાર્ટમેન્ટ ઓફ મેકાટ્રોનીક્સનાં તે વિદ્યાર્થી છે. ફિલ્ડ ઓફ મિકેનિક્સ, ઈલેકટ્રોનિકસ અને કોમ્પ્યુટર એન્જીન્યરીંગ તેમને અહીં ખેંચી લાવ્યુ છે. અંતરીક્ષમાં મનુષ્ય દ્વારા સંશોધન થાય તેવાં તેમનાં અભિગમને સફળ બનાવવા તેઓ MDRSમાં ખંતથી કામ કરી રહેલ છે.
ટીમમાં આઇજી ઓન્જી એન્જીનીયર છે. પેરુની યુનિ.નો તે મેકાટ્રોનીક્સની વિદ્યાર્થી છે. રોબોટ અને ઓટોમેશનમાં તેની માસ્ટરી છે. ૨૦૧૦માં વર્લ્ડ રોબર્ટ ઓલ્પીયાડમાં પેરુનું પ્રતિનિધિત્વ કરીને તે છઠ્ઠા ક્રમે આવ્યો હતો. એડ્રીયા લાઝારને નામની સુંદર યુવતી એન્વાયરમેન્ટલ એન્જીન્યરીંગની વિદ્યાર્થીની છે. મંગળ ઉપર માનવ વસવાટ થાય તો, પર્યાવરણ, ધન અને પ્રવાહી કચરાનો નિકાલ કઇ રીતે કરવો તે સમજવા તે અહીં આવી છે. પાણી કઇ રીતે મેળવવું, તેનું શુધ્ધીકરણ કઇ રીતે કરવું એ તેનો રસનો વિષય છે. ૨૦૦૮થી ૨૦૧૦ સુધી ટોક્યો યુનિવર્સિટીની બાયો-બીઝનેસની સ્કોલરશીપ પણ તે મેળવી ચુકી છે. તે જાપાની, અંગ્રેજી અને બેઝીક પોર્ટુગીઝ ભાષા જાણે છે.
મોનીકા લ્યુઝીયા આલાસ્કા ગ્રીન હબની ઈન્ચાર્જ છે. તે માને છે કે મનુષ્યસના અંતરીક્ષ સંશોધનનાં પ્રયત્નો અને પરીણામો ક્ષિતિજ ફેલવવાની ક્ષમતા રાખે છે. જર્મનીમાં તેણે અભ્યાસ કર્યો છે. માઇનીંગ અને બાંધકામ ક્ષેત્રે જર્મનીમાં જ પાંચ મહિના કામ કર્યું છે. સાઉલ ટ્રુજીલો ક્રુ-૧૨૬નો એન્જીન્યર છે. તેણે પણ વર્લ્ડ રોબોટીક ઓલમ્પિયાડમાં અનેકવાર ભાગ લીધો છે. પેરૃની એરપોર્ટ અને એવીયેશન કંપનીમાં તેણે કામ કર્યું છે. તે હાઇસ્કૂલમાં વિદ્યાર્થીઓને રોબોટીક્સનાં પાઠ પણ ભણાવે છે. આમ યુવાનોની આખી ટીમ અહીં સંશોધન માટે એકઠી થયેલ છે.
છેલ્લે સવાલ એ થાય કે અહીં એકઠી થયેલ ટીમ સંશોધનમાં શું કામ કરતી હશે? અહીં આવનારી દરેક ક્રુ ટીમનાં ઉદેશ્યો અને મકસદ અલગ અલગ હોય છે. મોટા ભાગે અહીં એક્સટ્રીમ વાતાવરણમાં કેવા પ્રકારનાં બેકટેરીયા અને લીલ ટકી શકે છે તેનો અભ્યાસ થાય છે. રણવિસ્તારમાંથી જ બાયોલોજીકલ સેમ્પલ લેવામાં આવે છે. તેમનાં ઘશછ નો અભ્યાસ થાય છે. તેમનાં વૈવિધ્ય અને પર્યાવરણનો અભ્યાસ કરવામાં આવે છે.
અહીં મિથેનોજેન્સ રિસર્ચ માટે માટી અને વરાળનાં નમુના એકઠા કરવામાં આવે છે. ખડકોનાં નમૂના તેનો અભ્યાસ, ખડકાળ પ્રદેશની જીઓલોજીનો પણ અહીં અભ્યાસ થાય છે. ખડકોમાં રહેનારાં બેકટેરીયા ફોટો સિન્થેસીસ દ્વારા કઇ રીતે ઉર્જા મેળવે છે, ખડકોમાં ઊંડાણ સુધી તેઓ કઇ રીતે ઊંડા ઉતરે છે. આ દિશામાં સંશોધકો કામ કરે છે. અન્ય પ્રયોગોમાં એકસ્ટ્રા - વેરીક્યુલર એક્ટીવીટીની માનવશરીર ઉપર શું અસર થાય છે? હૃદયનાં ધબકારા અને બ્લડ પ્રેસર ઉપર આ પ્રવૃત્તિની શું અસર થાય છે? આ બધા જ સવાલો અહીં સંશોધન માટેનાં હોટ ફેવરીટ સબ્જેક્ટ ગણાય છે.

પ્રકાશન: ૨૪ માર્ચ ૨૦૧૩ (ગુજરાત સમાચાર, રવિપૂર્તી - ફ્યુચર સાયન્સ કોલમ.)

No comments: