Friday 14 June 2013

વોયેજર-૧: એક વિશ્વવિક્રમ

માનવસર્જિત 'યાન' સૂર્યમાળાની સીમારેખા પાસે પહોંચી ગયું!

માની લો કે હજારો વર્ષની મુસાફરી કર્યા બાદ, વોયેજર યાન કોઈ આપણા કરતાં વધારે બુદ્ધિશાળી પ્રજા ધરાવતાં ગ્રહ પર જઈ શકશે તો, પૃથ્વીવાસીનાં વિઝીટીંગ કાર્ડ જેવી 'ગોલ્ડન રેકોર્ડ' વૈજ્ઞાનિકોએ બંને યાનમાં મૂકી છે



માનવ ઇતિહાસ કહો કે, અંતરિક્ષ યુગની તવારીખ કે... પછી સૂર્યમાળાની સિદ્ધિ. પાત્રીસ વર્ષ પહેલાં અંતરીક્ષમાં પહોંચનાર માનવસર્જીત સ્પેસક્રાફટ સૂર્યની સીમારેખા જેવાં વિસ્તારમાં પહોંચી ગયું છે. સૂર્યથી આટલે દૂર જનાર, વિશ્વનો આ માનવસર્જિત પ્રથમ 'ઓબજેક્ટ' છે. સૂર્ય અને અન્ય તારા વચ્ચેનાં બે તારા વચ્ચે આવેલ અંતરીક્ષ એટલે કે ઈન્ટરસ્ટીલર સ્પેસમાં પહોચતાં વોયેજર-૧ને હજી બીજા બે-ચાર વર્ષ લાગે તેમ છે. વોયેજર-૧ સૂર્યમાળાને પસાર કરી ચૂક્યું છે કે નહીં તેનો અંદાજ બાંધવો વૈજ્ઞાનિકો માટે પણ થોડો મુશ્કેલ છે. હાલનાં તબક્કે...
વોયેજર-૧ ઉપર નાસાનું એક નવું મોડયુલ નજર રાખી રહ્યું છે. જે દર ૬ કલાકે રિઅલ ટાઈમ ડેટા અપડેટ કરી રહ્યું છે. મોડયુલ ત્રણ ચીજ ઉપર નજર નાખી રહ્યું છે. એક, અત્યંત ઝડપે ભાગતા કણોની માહીતી. બે, અત્યંત ધીમેથી પસાર થઈ રહેલા કણોની માહીતી. ત્રણ, ચુંબકીય ક્ષેત્રની દીશા અને તિવ્રતા અત્યંત ઝડપે ભાગતાં કણોમાં એવાં કોસ્મીક રેનો સમાવેશ થાય છે જે સૂર્યમાળાનાં બાહ્ય આવરણ જેવા 'હેલીઓસ્ફીઅર'ની બહારથી આવી રહ્યા છે. ધીમે ગતી કરનારાં કણોમાં પણ હેલીઓસ્ફીઅરમાં કેદ થયેલ કોસ્મીક રે છે. જે સૂર્યમાળાનાં વિવિધ અવરોધ, ચુંબકીય ક્ષેત્ર અને ગુરુત્વાકર્ષણનાં કારણે પોતાની ઝડપ ઘટાડી ચૂક્યાં છે. ફાસ્ટ અને સ્લો મુંવીંગ બંને પ્રકારના કણોમાં મુખ્યત્વે 'પ્રોટોન'નો સમાવેશ થઈ રહ્યો છે. વૈજ્ઞાનિકો માને છે કે વોયેજર-૧, સૂર્યમાળાનાં છેલ્લા ક્ષેત્ર જેને 'મેગ્નેટીક હાઈવે' કહે છે ત્યાં પહોંચ્યું છે. આ ક્ષેત્રમાં સૂર્યમાળાની બહારનાં કણો ખૂબ જ ઝડપે અંદર આવી રહ્યાં છે. જ્યારે સૂર્યમાળાનાં હેલીઓસ્ફીઅરનાં કણો ધીમે ધીમે સૂર્યમાળા બહાર છાટકી રહ્યાં છે.
માર્ચ ૨૦૧૩માં બિલવેબર નામનાં એસ્ટ્રોનોમીનાં પ્રોફેસરે કહ્યું કે, અમારું નવું મોડયુલ વોયેજર-૧નો ડેટા વાંચી બતાવી રહ્યું છે કે હવે સૂર્યમાળામાં રહેલ કોસ્મીક રેની તીવ્રતા એકદમ ઘટી રહી છે જ્યારે સૂર્યમાળાની બહારથી આવતી કોસ્મીક રેની તીવ્રતામાં અચાનક ઉછાળ આવેલ જોવા મળેલ છે. ચુંબકીયક્ષેત્રમાં નજીવો ફેરફાર નોંધાયો છે.
સૂર્યમાળાની બાહ્ય દિશામાં ચાર્જ પાર્ટીકલ્સ અને મેગ્નેટીક ફિલ્ડનો એક મોટો ફુગ્ગો રચાયેલો છે જેને હેલીઓસ્ફીઅર કહે છે. નાસાનાં ડિરેક્ટર દ્વારા ચુંબકીય ક્ષેત્રમાં કોઈ મોટો ફેરફાર કે ચુંબકીય ક્ષેત્રની દિશામાં ફેરફાર થયેલ જોવા મળેલ નથી. જેનો સીધો સાદો અર્થ એ થાય કે 'વોયેજર-૧ હજી સૂર્યમાળાની આખરી સીમા રેખાની બહાર નિકળી ગયું નથી. સૂર્યમાળામાં ચુંબકીય ક્ષેત્રની દીશા પૂર્વ-પશ્ચિમ તરફની છે. જેવું આ ઓરીએન્ટેશન બદલાઈને ઉત્તર-દક્ષિણ બતાવા માંડે તો માની લેવાનું કે 'વોયેજર સૂર્યની અસરથી સંપૂર્ણ મુક્ત થઈને, ઈન્ટરસ્ટીલર સ્પેસમાં પહોંચી ગયું છે. વૈજ્ઞાનિકો આંકડાકીય રીતે જાણી શકતાં નથી કે...'હેલીઓસ્ફીઅર'નો વ્યાપ કેટલો ફેલાયેલો છે. સૂર્યમાળામાં પૃથ્વીનાં ભૌગોલીક ફેરફારો જેવી કોઈ રચના નથી કે જમીન અને મહાસાગરને અલગ પાડતી સીમારેખ દોરીએ છીએ, તેવી સીમારેખા દોરી શકાય. આ કારણે જ વોયેજર-૧ ખરેખર ક્યારે સૂર્યમાળાની બહાર નિકળી જશે, તેની કોઈ ચોક્કસ તારીખ કે સમય આપી શકાતો નથી.

આ લેખ લખાઈ રહ્યો છે ત્યારે, વોયેજર-૧ પૃથ્વીથી ૧૨૩.૫૨૫૫ એસ્ટ્રોનોમીકલ યુનીટ (૧૮,૪૭૯,૧૫૨,૨૯૫ કિ.મી.) દૂર પહોંચી ગયું છે. વોયેજર-૨ પૃથ્વીથી ૧૦૧.૧૭૯૮૭૮ એસ્ટ્રોનીમીકલ યુનીટ (૧૫,૧૩૬,૨૯૪,૪૨૩ કિ.મી.) દૂર સુધી જઈ શક્યું છે. પૃથ્વી પરથી મોકલેલ સંદેશો વોયેજરથી પાછો ફરે તેમાં ૩૪ કલાક લાગે છે. વોયેજર-૧ દ્વારા મોકલેલ ડેટા પૃથ્વી પર ઝલાય છે ત્યાં સુધી ૧૭ કલાક વિતી ચૂક્યાં હોય છે. વોયેજર-૧ને લગતો લેખ ડો. વેબર અને ડો. મેક્કોનાલ્ડે ધ અમેરિકન જીઓ-ફીજીકલ યુનીયનનાં મુખપત્રમાં લખ્યો હતો જેમાં બાહ્યાવકાશનાં કોસ્મીક રેમાં વધારો બમણો થયેલ અને સૂર્યમાળાનાં આંતરિક કોસ્મીક રેની તિવ્રતામાં ૯૦% ઘટાડો થયેલ નોંધ્યો હતો. આ પરીણામો ગયા વર્ષનાં ૨૫ ઓગસ્ટનાં હતા. ડો. મેક્ડોનાલ્ડે કોસ્મીક રેમાં જે ફેરફાર જોયો હતો. તેનાં છ દીવસ બાદ તેમનું અવસાન થયું હતું. સૂર્યમાળાથી દૂર અને ઈન્ટરસ્ટીલર સ્પેસ વચ્ચેનાં વિસ્તારને તેમણે 'હેલીયોકલીફ' તરીકે ઓળખાવ્યો હતો. વોયેજર-૧નો આ વર્લ્ડ રેકોર્ડ છે. માનવસર્જીત સ્પેસક્રાફટ હજી સુધી સૂર્યથી આટલે દૂર ગયું નથી. આ પહેલાં પાયોનિઅર-૧ અને પાયોનિઅર-૨ સૂર્યથી દૂર ગયા છે, પરંતુ વોયેજરની સાથે તેની સરખામણી કરી શકાય નહીં.
જ્યારે વોયેજર પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો ત્યારે જીમી કાટર્રે કહ્યું હતું કે 'આપણી આ દૂરની દુનિયા માટે નાની ભેટ છે. આપણો ધ્વની, આપણું વિજ્ઞાન, આપણા દૃશ્યો, આપણું સંગીત, આપણાં વિચારો અને આપણી લાગણીઓ (અન્ય ગ્રહ ઉપર સજીવો હોય તો તેમનાં માટે એક શુભ સંદેશો છે. અમે અમારાં સમયમાં ટકી જવા માંગીએ છીએ. જેથી અમે તમારાં યુગમાં પણ જીવી શકીએ.' અમેરિકન પ્રમુખનો આ આશાવાદ સાવ નિષ્ફળ ગયો નથી. હજી ઘણા વૈજ્ઞાનિકો માને છે કે સૂર્યમાળા બહાર આપણા કરતાં વધારે એડવાન્સ સજીવ સૃષ્ટિ હશે. શક્ય છે કે સૂર્યમાળા બહાર, ઈન્ટરસ્ટીલર સ્પેસમાં અન્યત્ર એડવાન્સ્ડ સીવીલાઈઝેશન હોય તો, તેમના માટે પૃથ્વીવાસીઓએ ગોલ્ડન રેકોર્ડ ઉપર સંદેશો ચીતરીને મુક્યો. ઉપરાંત ગોલ્ડન ડિસ્કમાં વિવિધ ડેટા પણ રેકોર્ડ કરેલો છે.


નાસાનાં વોયેજર સીરીઝનાં સ્પેસક્રાફટનો સાચો મકસદ ગુરુ, શની, યુરેનસ અને નેપ્ચ્યુન જેવાં દુરનાં ગ્રહોનો સર્વે કરવાનો હતો. તેમણે પોતાનું આ કામ ૧૯૮૯ સુધીમાં પૂરુ કરી નાખ્યું હતું. હવે બંને વોયેજર યાન એકબીજાથી અલગ દિશામાં એકબીજાથી દૂર જઈ રહ્યા છે. બંનેની દીશા એકબીજાથી સંદતર વિરુદ્ધ રહ્યાં છે. વોયેજર-૧નાં કેટલાંક ઈન્સ્ટ્રુમેન્ટ જેવાં કે લો ચાર્જડ પાર્ટીકલ ઈન્સ્ટ્રુમેન્ટ હજી ચાલું છે. તે સૂર્યનાં સોલાર વિન્ડ એટલે કે સૌર પવનોનો વેગ માપતું રહે છે. સૌર પવનો એ સૂર્યમાંથી નિકળેલ વિજભારીત કણોનો સમુહ છે. જે સુપર સોનીક સ્પીડથી બાહ્યાવકાશ તરફ ગતી કરતાં હોય છે.
૧૪ ફેબુ્રઆરી ૧૯૯૦નો દિવસ વોયેજર-૧ માટે ઐતિહાસીક દિવસ હતો. આ દિવસે વોયેજરે સમગ્ર સૂર્યમાળાનાં બધા જ ગ્રહ અને સૂર્ય દેખાય તેવો ફેમીલી ફોટોગ્રાફ લીધો હતો. જ્યાંથી પૃથ્વી ઝાંખા વાદળી રંગના ટપકા જેવી દેખાતી હતી. કાર્લ સગાને 'પાલ બ્લ્યુ ડોટ' નામે સુંદર વિજ્ઞાન પુસ્તક પણ લખ્યુ છે. ૧૭ નવેમ્બર ૧૯૯૮નાં રોજ વોયેજર-૧એ પાયોનિયર-૧૦ નામનાં સ્પેસક્રાફટને ઓવરટેક કરીને નવો રેકોર્ડ કર્યો હતો. વોયેજર-૧એ હવે પૃથ્વી-સૂર્યથી સૌથી દૂર પહોંચવાનું, માનવસર્જિત યાન હોવાનું બહુમાન મેળવ્યું હતું. હાલમાં વોયેજર કરતાં વધારે ઝડપી સ્પેસક્રાફટ ન્યુ હોરાઈજન અંતરિક્ષમાં ગયું છે. પરંતુ તે ક્યારેય વોયેજરને ઓવરટેક કરી શકશે નહીં. અત્યારે જ્યાં વોયેજર પહોંચ્યું છે ત્યાં તેની ઝડપ પ્રતિ સેંકન્ડે ૧૭ કિ.મી. જેટલી છે. આ સ્થાને વોયેજર પહોંચશે ત્યારે તેની ઝડપ માત્ર ૧૩ કિ.મી. પ્રતિ સેકન્ડ જેટલી હશે. સારાંશ એજ કે 'પૃથ્વીવાસી સર્જિત સ્પેસ યાનનો સૂર્યમાળાથી સૌથી દૂર જવાનો રેકોર્ડ વોયેજર-૧નાં નામે કાયમ રહેવાનો છે.'
ફેબુ્રઆરી ૨૦૦૩માં વોયેજર સૂર્યનાં 'ટર્મીનેશન શોક' નામનાં વિસ્તારમાં પ્રવેશ્યું હતું. ટર્મીનેશન શોક એવો વિસ્તાર છે, જ્યાં સૌર પવનોની ઝડપ સુપર સોનીક કરતાં સબસોનીક થઈ જાય છે. અવાજ કરતાં ઓછી ઝડપને સબસોનીક સ્પીડ કહે છે. માર્ચ ૨૦૦૩માં વોયેજર પૃથ્વીથી માત્ર ૧૧૫.૨૫૧ એસ્ટ્રોનોમીકલ યુનીટ દૂર હતું. એક એસ્ટ્રોનોમીકલ યુનીટ એટલે કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર. જે લગભગ ૧૪.૯૫ કિ.મી. જેટલું થાય. આ અંતરને પ્રકાશવર્ષ તરીકે ગણતરીમાં લઈએ તો, ખૂબ જ નાનું માપ એટલે કે ૦.૦૦૨ પ્રકાશવર્ષ થાય. સૂર્યનો પ્રકાશ એક સેંકન્ડમાં લગભગ ત્રણ લાખ કિ.મી. અંતર કાપે છે. આ ઝડપે એક વર્ષમાં સૂર્ય પ્રકાશ જે અંતર કાપે તેને એક પ્રકાશ વર્ષ કહેવાય. સૂર્યથી સૌથી નજીકનો તારો પ્રોક્સીમા સેન્ટોરી સૂર્યથી ૪.૨૦ પ્રકાશવર્ષ દૂર છે. જે ૨૬૫૦૦ AU જેટલું થાય. નાસાની ગણતરી મુજબ નવેમ્બર ૧૯, ૨૦૧૪નાં રોજ વોયેજર સૂર્યથી ૧૩૩.૧૫ AU દૂર હશે. અત્યારે વોયેજર જે દીક્ષામાં જઈ રહ્યું છે. તે માર્ગમાં નજીકનાં ભવિષ્યમાં કોઈ સ્ટાર એટલે કે તારો આવવાનો નથી. જો વોયેજર હેમખેમ રહી પોતાની મુસાફરી ચાલું જ રાખશે તો, ૪૦ હજાર વર્ષ બાદ cametopargalis તારા મંડળમાં આવેલ તારા ક્રમાંક  AC+793888 ની નજીકથી પસાર થશે. જોકે આ 'નજદીકીયા' પણ ૧.૬૦ પ્રકાશ વર્ષ જેટલી દૂર હશે.
૩૧ માર્ચ ૨૦૦૬નાં રોજ જર્મનીનાં રેડિયો શોખીનોએ ૨૦ મીટરની ડીશ વાપરીને વોયેજર-૧નાં સિગ્નલ ઝડપ્યા હતાં. ૫ સપ્ટેમ્બર ૨૦૦૭માં વોયેજરે ૩૦ વર્ષ પુરા કર્યા ત્યારે, વોયેજર-૧ સૂર્યથી ૧૨.૫૦ અબજ કિ.મી. દૂર હતું. વોયેજર સીરીઝનાં બંને યાન આપણી મંદાકીની 'દૂધ ગંગા' મિલ્કીવે તરફ જઈ રહ્યાં છે. વોયેજર મિશનનાં મેનેજરની ધારણાં છે કે વોયેજરમાં રહેલ નાભીકીય ઊર્જા પેદા કરવામાં વપરાતું રેડિયો એક્ટીવ ફ્યુઅલ યાનને વીજળી પુરું પાડતું રહેશે. જો કોઈ અકસ્માત નડશે નહીં તો, વોયેજર-૧ની સિસ્ટમ ૨૦૨૦ સુધી ટ્વેન્ટી ટ્વેન્ટી માફક વર્કીંગ કન્ડીશનમાં ચાલું રહેશે. હાલમાં વોયેજર જ્યાંથી પસાર થઈ રહ્યું છે કે ભવિષ્યમાં પસાર થવાનું છે. ત્યાં માર્ગમાં કોઈ ગ્રહ કે તારાં આવવાનાં નથી. જેના વિશે તે માહિતી મોકલી શકે. હાલમાં આ પાન સૂર્યમાળાની સીમારેખા જયા શરૃ થાય છે તે 'હેલીયોપોઝ' અને હેલીઓસ્ફીઅરની માહિતી આપી રહ્યુ છે.
વૈજ્ઞાનિક સંશોધનની વાત કરીએ તો, વોયેજર-૧નાં જોડીયા ભાઈ જેવું વોયેજર-૨ વધારે નસીબદાર ગણાય. ૧૯૭૯માં તેણે ગુરુ, ૧૯૮૦માં શની, ૧૯૮૬માં યુરેનસ અને ૧૯૮૯  નેપ્ચ્યુનની મુલાકાત લઈ પુષ્કળ માહિતી મોકલી હતી. વોયેજર-૨ દ્વારા યુરેનસનાં ન ઓળખાયેલાં ૧૦ ચંદ્રની શોધ કરી હતી. યુરેનસ કદની દૃષ્ટિએ સૂર્યમાળાનો ત્રીજા નંબરનો વિશાળ ગ્રહ છે. વોયેજરે શની ગ્રહની માફક યુરેનસ ગ્રહનો પણ રેડિયેશન બેલ્ટ શોધી કાઢ્યો હતો.
અત્યારે વોયેજર-૨ પૃથ્વીથી ૧૫.૧૪ અબજ કી.મી. દૂર છે. તેણે સેડેના નામનાં લઘુગ્રહની સીમા વટાવી નાખી. ડવાર્ફ પ્લેનેટ 'એરીસ'ની ભ્રમણકક્ષા પણ વટાવી ચૂક્યું છે. ડવાર્ફ પ્લેનેટ 'એરીસ'ની શોધ ૨૦૦૫માં માઈક બ્રાઉન, ચેડ ટ્રજીલો અને ડેવીડ રોબીનોવિટ્ઝે કરી હતી. આ ટીમે શોધેલા પ્લુટો કરતાં મોટા ગ્રહના કારણે, આંતરરાષ્ટ્રીય સંગઠને પ્લુટોને પણ લઘુગ્રહની વ્યાખ્યામાં સમાવી લઈને સૂર્યમાળાનાં ગ્રહોની સંખ્યામાંથી આઠ કરી નાખી હતી. પાછા મૂળ વાત ઉપર આવીએ તો...
વોયેજર-૨ સૌ પ્રથમ અંતરીક્ષમાં ગયું હતું. ત્યારબાદ વોયેજર-૧નો નંબર આવ્યો હતો. આમ છતાં, વોયેજર-૨ કરતાં વોયેજર-૧ અત્યારે વધારે આગળ પહોંચી ગયું છે. વોયેજર-૧ કરતાં વોયેજર-૨ની ઝડપ ઓછી છે. યાન પોતાની ધરી ઉપર એક વર્ષમાં છ વાર ગોળ ફરે છે. બંને યાનનાં ગાયરો ઓપરેશન બરાબર ચાલી રહ્યાં છે. યાન પોતાની ધરી ઉપર ફરે છે. તેનાં કારણે સ્પેસક્રાફટ જે વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું છે ત્યાંના ચુંબકીય ક્ષેત્રની માહિતી એક્ઠી કરીને મોકલે છે. મેગ્નેટો મીટરે મેળવેલાં ડેટાની સરખામણી કરતાં ચુંબકીય ક્ષેત્રની દિક્ષા અને તિવ્રતા નક્કી થઈ શકે છે. વોયેજર-૨, ૨૦૧પ ને વોયેજર-૧નું ગાયરો ઓપરેશન ૨૦૧૬માં બંધ કરવામાં આવશે.
બંને યાન પાસે પુરતો વિજપ્રવાહ ઉપલબ્ધ છે. ૨૦૨૫ સુધી બંને યાનનાં કાર્યરત ઉપકરણો વીજળી પુરવઠો મેળવતા રહેશે. ૨૦૨૫ પછી ઉપલબ્ધ વીજ ઊર્જી પર્યાપ્ત ન હોવાનાં કારણે તેવાં વીજાણું સાધનો કામ કરતાં અન ે પૃથ્વી તરફ ડેટા મોકલતાં અટકી જશે તેવો વૈજ્ઞાાનિકોનો અંદાજ છે. ૨૦૨૫ પછી કોઈ વૈજ્ઞાાનિક ચમત્કાર થાય તો કાંઈ જ કહી શકાય નહીં. હાલનાં તબક્કે બંને યાન ૨૦૨૫ સુધી પૃથ્વીવાસીઓનાં સંપર્કમાં રહી શકશે ત્યારબાદ પૃથ્વી સાથેનો સંપર્ક કપાઈ જતાં તેમનું ભવિષ્ય શું છે? તે આપણે જાણી શકીશું નહીં.
માની લો કે હજારો વર્ષની મુસાફરી કર્યા બાદ, વોયેજર યાન કોઈ આપણા કરતાં વધારે બુદ્ધિશાળી પ્રજા ધરાવતાં ગ્રહ પર જઈ શકશે તો, પૃથ્વીવાસીનાં વિઝીટીંગ કાર્ડ જેવી 'ગોલ્ડન રેકોર્ડ' વૈજ્ઞાનિકોએ બંને યાનમાં મૂકી છે. થોડા સમય પહેલાં Gliese 445 ગ્રહ શોધી કાઢ્યો હતો, જે પૃથ્વી જેવો સજીવ સૃષ્ટિ માટે વસવાટ યોગ્ય માનવામાં આવે છે. આ ગ્રહ પાસેથી વોયેજર-૧ ૧.૬ પ્રકાશવર્ષ દૂરથી પસાર થશે. જો કોઈ પરગ્રહવાસીને આપણી ગોલ્ડન રેકોર્ડ મળશે તો, તેના ઉપર સૂર્યમાળા અને પૃથ્વીનું સરનામું ચિત્રલીપીથી મુક્યું છે તે ઉપરથી આપણો સંપર્ક કરી શકે પરંતુ તે સમયે પૃથ્વી પર હજારો મનુષ્ય પેઢીઓ પસાર થઈ ચૂકી હશે. અસંખ્ય પ્રકાશવર્ષ દૂરથી આપણા સુધી સંદેશો આવે, અને ભવિષ્યની પેઢી તે ઉકેલે તે પછી શું થઈ શકશે? એક સાયન્સ ફિક્શન જેવી કલ્પના કથા વિચારવી પડે !
Publication 09.06.2013

Thursday 6 June 2013

એન્જેલિના જોલી : સુંદર સ્તનો જ્યારે સમસ્યા બનેછે.

અનેક મેગેજીનોએ જેને ''વર્લ્ડઝ બ્યુટીફુલ વુમન'', ''વર્લ્ડઝ સેક્સીએસ્ટ વુમન'' તરીકે વખાણી હોય તેવી સૌંદર્ય સામ્રાજ્ઞાી, અચાનક જાહેર કરે કે ''સ્તન કેન્સરના ડરના કારણે તેણે પોતાનાં બંને સ્તનોને દૂર કરાવી નાખ્યા છે ત્યારે તેનાં ચાહકો ઉપર કેવી વિજળી ત્રાટકી હશે ?!!

'ઓસ્કાર વિનર એકટ્રેસનાં જીનેટીક મેકઅપનો વિલન 'BRCA-1 જનીન'

 
૧૯ મે ૨૦૦૩ નાં રોજ હોલીવુડની વર્લ્ડ ફેમસ હિરોઇન, ધ ન્યુયોર્ક ટાઇમ્સમાં ''માય મેડિકલ ચોઇસ'' નામનો પત્ર પ્રકાશીત કરે છે અને રાતોરાત તેનાં ચાહકોમાં આશ્ચર્યજનક સોપો પડી જાય છે. કાયમ સનસનીખેજ સમાચાર છાપનારાં ''ધ સન'' ટેબ્લોઇડ મીઠી મૂંઝવણમાં મુકાઈ ગયું હશે. હંમેશા જે ગ્લેમરને પેજ-૩ પર ચમકાવ્યું હોય તેને પેજ-૧૧ની સીરીયસ ન્યુઝ આઇટમ કઈ રીતે બનાવવી. પીપલ, એફએચએમ, એક્સવાયર, જેવા અનેક મેગેજીનોએ જેને ''વર્લ્ડઝ બ્યુટીફુલ વુમન'', ''વર્લ્ડઝ સેક્સીએસ્ટ વુમન'' તરીકે વખાણી હોય તેવી સૌંદર્ય સામ્રાજ્ઞી, અચાનક જાહેર કરે કે ''સ્તન કેન્સરના ડરના કારણે તેણે પોતાનાં બંને સ્તનોને ''ડબલ માસ્ટેકટોમી'' જેવી સર્જીકલ પ્રોસીજર વડે દૂર કરાવી નાખ્યા છે ત્યારે તેનાં ચાહકો ઉપર કેવી વિજળી ત્રાટકી હશે ?!! આખરે એન્જેલીના જોલીએ પોતાનાં સ્તન દૂર કરાવ્યાની જાહેરાત ન્યૂયોર્ક ટાઇમ્સમાં કરવાની શું જરૃર પડી ?''
સામાન્ય રીતે હોલીવૂડ સેલીબ્રીટી તેમને થયેલ રોગ અને સારવારને પબ્લીક નજરથી બચાવીને રાખે છે. ખણખોદણીમાં પત્રકારો અને પાપારાઝી ફોટોગ્રાફરો તેમનો પીછો કરીને, ખાનગી વાતો છાપતા હોય છે. ''ધ સન'' જેવા ટેબ્લોઇડ સેલીબ્રીટીઝની ખાનગી વાતો અને તસ્વીરો છાપવા માટે મોટી રકમ ચૂકવે છે. એટલું જ નહીં હંમેશા આવા ન્યૂઝ માટે તલપાપડ રહે છે. એન્જેલીના જોલીએ જો ચાહ્યું હોત તો 'પીપલ' કે 'સન'ને પોતાની સ્ટોરી વેચીને રોકડી કરી લીધી હોત. પોતાની આ કમાણી ત્યારબાદ જોલી-પીટ ફાઉન્ડેશનને ડોનેશનમાં આપી દીધી હોત. આખરે આવું વિચારવાનું કારણ ભૂતકાળમાં એન્જેલીના જોલીએ પોતાનાં સંતાનનો જન્મ થતાં જ તેની તસ્વીર કોઈ પાપારાઝી ચોરીછૂપીથી ખેંચી, ખાસ્સા નાણાં કમાય તે પહેલાં પોતાના પ્રથમ સંતાનની તસ્વીર મીડીયાને વેચવાનો નિર્ણય લીધો હતો. ૨૦૦૬માં તેમણે પુત્ર ''સિલોહ''ની તસ્વીર ''ગેટ્ટી ઇમેજ''ને વેચી હતી. ''પિપલ'' દ્વારા નોર્થ અમેરીકન રાઈટ માટે ચાર કરોડ ડોલર ચુકવ્યા હતા. ''હેલો'' એ બ્રિટીશ રાઈટ્સ માટે સાડા ત્રણ કરોડ ડોલર ચુકવ્યા હતાં. એન્જેલીનાએ તસ્વીરનો નફો આફ્રીકન બાળકો માટે ડોનેશનમાં આપી દીધો. એન્જેલીના બીજીવાર ગર્ભવતી બની અને જોડીયા બાળકોને જન્મ આપ્યો ત્યારે પણ આવું બન્યું. પુત્ર લિઓન અને પુત્રી વિવિએન માર્સેલીનની તસ્વીરો ફરીવાર ''પિપલ'' અને ''હેલો''ને વેચવામાં આવી. અને એક તસ્વીરને અધધ...ધ કિંમતે વેચવાનો વર્લ્ડ રેકોર્ડ નોંધાયો. ૧૪ કરોડ ડોલર ચૂકવીને લેવાયેલી આ સૌથી મોંઘી ''સેલીબ્રીટી'' તસ્વીર હતી.


એન્જેલીનાની બ્રેસ્ટ કેન્સરની સ્ટોરી પણ કરોડોમાં વેચી શકાઈ હોત. પણ આવ્યુ બન્યું નહીં તેનાં બે કારણ છે. એક સમાચાર સુખદ નહીં, ઝોરકા ઝટકા ધીરે સે લગે તેવાં દુઃખદ હતાં. બીજું: આંતરરાષ્ટ્રીય લેવલે એન્જેલીનાની તસ્વીર હવે એક મસીહા તરીકે ઉભરેલી છે. યુદ્ધ દરમિયાન થતાં સ્ત્રીઓ ઉપરનાં અત્યાચાર અને, યુદ્ધનાં કારણે નિશ્ચિત બનેલ ''રેફયુજીઓની'' હાલત સુધારવા એન્જેલીનાએ આંતરરાષ્ટ્રીય ધોરણે અનેક પ્રયાસ કર્યા છે. યુનાઈટેડ નેશન્સે તેને 'ગુડવીલ એમ્બેસેડર' તરીકે નિમણૂંક કરી છે. ન્યૂયોર્ક ટાઇમ્સમાં તેણે બ્રેસ્ટ કેન્સરની શક્યતામાંથી ઉગરી જવાં, પોતાનાં બંને સ્તનો કાઢી નંખાવ્યા હતાં તે સ્ટોરી પ્રકાશીત થતાં, લોકો તેને વધારે માનની નજરે જોવા લાગ્યા છે. (બાય ધ વે એન્જેલીના એ રિકન્ટ્રક્ટીવ સર્જરી દ્વારાં, કુદરતી દેખાય તેવાં સ્તનો પ્લાસ્ટીક સર્જરીથી ઉભારી નાખ્યા છે. એન્જેલીનાનાં ચાહકોને કદાચ આ સમાચારથી થોડી રાહત થાય.) હવે એમ ન પૂછતા કે ફયુચર સાયન્સમાં એન્જેલીનાનાં ફયુચરની વાત ક્યાંથી આવી.' કમિંગ ટુ ધ પોઇન્ટ. એન્જેલીનાએ જાહેર કર્યું છે કે ''ઓપરેશન પછી તે પોતાની જાતને ''શારીરિક રીતે'' એક સ્ત્રીથી ઓછી ગણતી નથી.'' આંતરરાષ્ટ્રીય ધોરણે સ્ત્રીઓને થતાં બ્રેસ્ટ કેન્સરનાં રોગો માટે આપણે ''ગુલાબી રીબન'' ખીસ્સા પાસે લગાડીને સહાનુભૂતી બતાવીએ તેનાં કરતાં, એન્જેલીના જોલીએ પોતાની વાત કોઈ ખણખોદીયો પત્રકાર કે પાપારાઝી પ્રકાશીત કરે તે પહેલાં પ્રકાશીત કરી નાખી છે. સ્તન કેન્સર પ્રત્યે જાગ્રતી લાવવાનું અને સ્ત્રીઓનું શરીર માત્ર સેક્સનું રમકડું નથી. તેને લાગણીભીનો સથવારો પણ જોઈએ છે એ વાતનું સુંદર ઉદાહરણ એન્જેલીનાએ પૂરૃં પાડયું છે. આ પહેલાં સમાચાર નથી કે કોઈ સેલીબ્રીટીને સ્તનનું કેન્સર થયું હોય. સમાચારની ગંભીરતા એ છે કે ''એન્જેલીના જોલીએ પોતાને સ્તન કેન્સર થાય તે પહેલાં જ પોતાનાં કુદરતી સ્તનો સર્જરીથી કઢાવી નાખ્યાં છે. આવનારાં સમયમાં તે પોતાની બંને 'ઓવરી' એટલે કે અંડાશય પણ કઢાવી નાખવાની છે. હોલીવુડ જેવાં સૌંદર્ય પુજનારાં શહેરમાં, વર્લ્ડઝ મોસ્ટ બ્યુટીફુલ વુમને, પોતાનાં ફિગર અને ફોરચ્યુન વચ્ચેથી 'નિપલ ડીલે' અને ડબલ માસ્ટેકટોમી ઉપર પસંદગી શા માટે ઉતારી ?''
એન્જેલીના જોલીનાં માતૃપક્ષનાં 'નાનીમાં' ૪૫ વર્ષની ઉંમરે ''અંડાશય'' ઓવરીયન કેન્સરનાં કારણે મૃત્યુ પામ્યા હતાં. એન્જેલીના જોલીની માતા, માર્સેલીન બર્ટાન્ડ, ૫૬ વર્ષની ઉંમરે ૨૦૦૭માં અવસાન પામ્યા હતાં. ટૂંકમાં એન્જેલીનાનો ફેમિલી હીસ્ટ્રી બતાવે છે કે તેમનાં કુટુંબની છેલ્લી બે મૃત પેઢી, સ્તન અને અંડાશયનાં કેન્સરનાં કારણે મૃત્યુ પામી હતી. જીનેટીક્સની ભાષામાં વાત કરીએ તો, માતૃ તરફી વારસાગત લક્ષણોને કારણે એન્જેલીનાં જોલીને પણ સ્તન કેન્સર અથવા અંડાશયનું કેન્સર થવાની શક્યતાઓ નકારી ન શકાય ! એન્જેલીનાની આ 'ફયુચર પોસીબીલીટી'ને સાયન્સે જીનેટીક ટેસ્ટ વડે ચકાસવાનું નક્કી કર્યું અને...પરિણામ?


એન્જેલીનાની જાહેરાતે, જીનેટીક ટેસ્ટીંગને સ્પોટ લાઇટમાં લાવી દીધું છે. પ્રખ્યાત 'ટાઇમ' મેગેજીન તેને કવર સ્ટોરી ઉપર ''ધ એન્જેલીના ઇફેક્ટ'' કહે છે. હવે બ્રેસ્ટ કેન્સર અને ઓવરીઅન કેન્સરનો ફેમિલી હીસ્ટ્રી ધરાવનારી સ્ત્રીઓ, જાગરૃક બની જીનેટીક ટેસ્ટીંગ કરાવશે. એન્જેલીના જોલીનાં જીનેટીક ટેસ્ટમાં પરીણામ એ આવ્યું કે ''જોલીનાં જેનોમમાં બ્રેસ્ટ અને ઓવરી કેન્સર પેદા કરનાર બ્રેસ્ટ કેન્સર ટાઇપ વન પ્રોટીન પેદા કરનારાં "BRCA1" નુકસાનકારી વિકૃત જનીનની હાજરી હતી.'' આ મ્યુટેશન પામેલ જનીન તેને માતૃ પક્ષ તરફથી મળ્યાં હતાં. એન્જેલીનાની સ્ટોરીએ BRCA-1 જીન્સને પણ સ્પોટ લાઇટમાં લાવી દીધાં છે. આ એક કુદરતી વિટંબણા છે કે BRCA જનીન સામાન્ય રીતે, કેન્સર સામે રક્ષણ આપે છે. કેન્સર પેદા કરનારાં તથા અન્ય જનીનોને રીપેરીંગ કરવાનું કામ કરે છે. આ જનીનમાં વિકૃતિ કે પરીવર્તન (મ્યુટેશન) આવે છે ત્યારે BRCA1 અને BRCA-2 નામનાં જનીનો ખુદ કેન્સર પેદા કરવા માટે કારણભૂત બની જાય છે. બ્રેસ્ટ કેન્સર અને ઓવરી કેન્સરનાં જન્મદાતા  BRCA-1 જનીનોની સાયન્ટીફીક કુંડળી ચકાસીએ તે પહેલાં થોડો ઐતિહાસિક દ્રષ્ટિપાત....
સ્તનનાં આકારમાં જોવા મળતાં ફેરફારોનાં કારણે પ્રાચીન સાહીત્યમાં પણ સ્તનનાં કેન્સરનો ઉલ્લેખ જોવા મળે છે. ઈ.સ. પૂર્વે ૧૬૦૦નાં ઈજીપ્તનાં લખાણોમાં સ્તન કેન્સરનું વર્ણન નોંધાએલું છે. ઈ.સ. ૫૪૮માં એટીયોસ ઓફ એમીડાએ સંપૂર્ણ સ્તન દૂર કરવાનું ઓપરેશન ''માસ્ટેકટોમી'' કર્યાનાં રેકોર્ડ છે. ફ્રેન્ચ સર્જન જીન લુઇસ પેટીટ અને સ્કોટીશ સર્જન બેન્જામીન બેલે સ્તન પાસે રહેલ લીમ્ફોટીક ગાંઠ, સ્તનની કોષીકાઓ અને સ્નાયુઓ દૂર કરવાનું આધુનિક ઓપરેશન કર્યું હતું. વિશ્વમાં સ્ત્રીઓને થતાં બધા પ્રકારનાં કેન્સરમાંથી સ્તનનાં કેન્સરનો હિસ્સો ૩૦ ટકા જેટલો મોટો છે. એક અંદાજ પ્રમાણે દર વર્ષે લગભગ પાંચ લાખ સ્ત્રીઓ કેન્સરનાં કારણે મૃત્યુ પામે છે. પશ્ચિમનાં દેશોમાં સ્તનનું કેન્સર થવાનાં કેસો સૌથી વધારે હોય છે. જેની સરખામણીમાં ભારત જેવાં અને એશીયાનાં અન્ય દેશોમાં (પશ્ચિમની સરખામણીમાં) સ્તન કેન્સરનાં કેસ ઓછાં છે. એન્જેલીના જોલીનાં દેશ અમેરીકામાં દર વર્ષે ૨,૩૨,૦૦૦ જેટલાં કેસ સ્તન કેન્સરનાં નોંધાય છે. જેમાંથી દર વર્ષે ૪૦,૦૦૦ સ્ત્રીઓ મૃત્યુ પામે છે. સ્તન કેન્સરની શરૃઆત થયા પછી દર્દી લગભગ પાંચ વર્ષ જેટલો સમય કેન્સર સામે ઝઝૂમતો રહે છે. સ્તનનું કેન્સર માત્ર સ્ત્રીઓને જ થાય છે એવું નથી. પુરુષોમાં પણ સ્તન કેન્સર જોવા મળે છે. પરંતુ આવા કેસ જવલ્લે જ જોવા મળે છે.
રોગ થતા પહેલાં જ તેની આગાહી કરવાની અને રોગની સારવાર કરવાની વાતો પહેલાં માત્ર સાયન્સ ફિકશનમાં જ આવતી હતી. એન્જેલીના જોલીએ પોતાને સ્તન કેન્સર થવાનાં ચાન્સ ૮૭ ટકા જેટલાં અને ઓવરીઅન કેન્સર થવાનાં ચાન્સ ૫૪ ટકા જેટલાં છે, એ વાત જીનેટીક ટેસ્ટીંગ અને વૈજ્ઞાનિક સંશોધન ઉપરથી જાણી હતી. સામાન્ય રીતે કુટુંબમાં જે સ્ત્રીને બ્રેસ્ટ કે ઓવરીનું કેન્સર થયું હોય તેની ઉંમર કરતાં દસ વર્ષ પહેલાં તેની આવનારી પેઢીને આ પ્રકારનું કેન્સર થવાનાં ચાન્સ રહે છે. આ હિસાબે એન્જેલીના જોલીએ યોગ્ય સમયે જીનેટીક ટેસ્ટ કરાવીને, યોગ્ય સમયે 'પ્રિવેન્ટીવ ટ્રીટમેન્ટ' રોગ અટકાવનારી સારવાર લઈને બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ માત્ર ૫ ટકાએ લાવી દીધું છે. સવાલ એ છે કે ''માત્ર જીનેટીક ટેસ્ટ''નાં આધારે રોગ થયા પહેલાં જ તેની પ્રિવેન્ટીવ ટ્રીટમેન્ટ લેવી કેટલી હિતાવહ છે ?
હકીકત એ છે કે વ્યક્તિનો વિકાસ માત્ર જનીનોના પ્રભાવથી જ થતો નથી. એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ પણ એક ફેકટર તરીકે કામ કરે છે. માનવ શરીરમાં મ્યુટેશનવાળા જનીન ક્યારે અને કેવી પર્યાવરણની અસર નીચે 'ઓન' થશે એ સમજવાનું વૈજ્ઞાનિકોએ પણ બાકી છે. કોઈ એક રોગ પેદા કરવા માટે જનીનો વચ્ચે થતી આંતરક્રીયા અને જૈવિક પ્રક્રીયા ખરેખર જટીલ છે. આ માહોલમાં એન્જેલીના જોલીનાં જીનેટીક ટેસ્ટમાં જે જનીન BRCA1 ને વિલન ચીતરવામાં આવ્યો છે તેનો આછો પાતળો પ્રોફાઇલ જોઇએ તો.....
માનવીનાં જેનોમમાં BRCA1 ક્રોમોસોમ-૧૭ (રંગસૂત્ર ૧૭)નાં લાંબા બાહુ ઉપર રીજીઅન (ક્ષેત્ર) ૨ અને બેન્ડ (પટ્ટી)૧ની બેઝ પેર 41196312 થી શરૃ થાય છે અને 41277500 વચ્ચે પૂરૃ થાય છે. સામાન્ય સ્વસ્થ માનવીમાં BRCA-1 જનીન સ્તનોની કોષીકાઓ અને અન્ય કોષોમાં DNA ને નુકસાન પહોંચે છે ત્યારે તેની જાણ BRCA-1 ને થાય છે અને તે DNA ને થયેલ નુકસાનનું ત્વરિત સમારકામ કરી નાખે છે. પરંતુ જ્યારે BRCA-1 માં નુકસાન થાય અને જનીનમાં ફેરફાર/વિકૃતિ એટલે કે મ્યુટેશન પેદા થાય ત્યારે, BRCA-1 ડેમેજ/નુકસાન પામેલ DNA ને રિપેર કરી શકતું નથી. જેના કારણે કેન્સરનું જોખમ વધી જાય છે. BRCA પ્રકારનું કોઈ જનીન હોય છે. તેનો પ્રથમ પુરાવો યુસી બર્કેલેની કિગ્સ લેબોરેટરીએ ૧૯૯૦માં આપ્યો હતો. સતત ચાર વર્ષ સુધી આ જનીનને શોધી અલગ તારવવાની કોશીશ વૈજ્ઞાનિકો કરતાં રહ્યા હતાં. ૧૯૯૪માં યુનિ.ઓફ યુટાહ, નેશનલ ઈન્સ્ટીટયૂટ ઓફ એન્યાપરમેટલ હેલ્થ સાયન્સ અને મિરીયાડ જીનેટીક્સે, BRCA-1 જનીનની કલોન કોપી મેળવવામાં સફળતા મેળવી હતી. મિરિયડ જીનેટીક્સ પાસે  BRCA-1 ને લગતી પેટન્ટ છે. આ કારણે BRCA-1 ને લગતો જીનેટીકો ટેસ્ટ કરાવવો મોંઘો પડે છે. BRCA-1 નાં મ્યુટેશન પામેલ જનીન માટે ટેસ્ટ કરાવવાનો ખર્ચ ૩૦૦૦ થી ૪૦૦૦ અમેરિકન ડોલર આવે છે.
જ્યોર્જ યઉન લોમ્બાર્ડી કેન્સર સેન્ટરનાં વૈજ્ઞાનિકોને એક નવી વાત જાણવા મળી છે. ગર્ભાવસ્થા દરમિયાન સગર્ભા સ્ત્રીનાં શરીરમાં ઇસ્ટ્રોજેન હોમોન્સનું લેવલ એક મર્યાદા કરતાં વધી જાય છે ત્યારે તેની અસર જો સ્ત્રીનાં પેટમાં માદાનો ગર્ભ હોય તો તેને થાય છે. મિથાઇલેશન પ્રક્રીયા વડે તદુરસ્ત BRCA-1 માં મોલેક્યુલર લેવલ વિકૃતિ પેદા થાય છે જે જન્મ લેનાર બાળકીને ભવિષ્યમાં સ્તન કેન્સર થવા માટે જવાબદાર બને છે. અહીં ખાસ યાદ રાખવા જેવી બાબત એ છે કે....
પ્રો. ગિલ્બર્ટ વેલ્ચ કહે છે કે, ''એન્જેલીના જોલીની સ્ટોરી વાંચી સ્તન કેન્સર પીડિત સ્ત્રી પોતાની જાતમાં એન્જેલીના જોવા માંડી છે. આ સ્ટોરીને કારણે સ્તન કેન્સરની દર્દીઓને ખોટો મેસેજ પહોંચે છે.'' કારણ ? "BRCA-1 નું મ્યુરેશન બહુ દુર્લભ 'રેર' ચીજ છે. ૯૯% કેસમાં આ પ્રકારનું મ્યુરેશન જોવા મળતું નથી. એક આંકડાકીય માહીતીમાં જણાવાય છે કે દર વર્ષે પાંચ લાખ જેટલી સ્ત્રીઓ સ્તન કેન્સરનાં કારણે મૃત્યુ પામે છે. સાચી હકીકત એ છે કે તેમાંથી ૯૦ ટકા સ્ત્રીઓને BRCA-1 મ્યુટેશન સાથે કોઈ લેવા દેવા હોતી નથી. તેમનાં કેન્સરનું કારણ અલગ હોય છે. ફેમીલી હિસ્ટ્રી સિવાય  BRCA-1 નું મ્યુરેશન મળી આવે તો, સંભવીત કેન્સરની સ્ત્રી દર્દીએ, કેન્સરથી બચવા માટે પ્રિવેન્ટીવ માસ્ટેકટોમી (સ્તન કઢાવી નાંખવાની) સર્જરી કરાવવી જરૃરી હોતી નથી. ખેર....એન્જેલીના જોલીનાં ફેમિલીમાં તેની માતા અને નાનીમાં કેન્સરમાં અવસાન પામ્યા હોવાથી, એન્જેલીના જોલી એ જે નિર્ણય લીધો હતો એ વ્યાજબી અને ઉચીત હતો. આ નિર્ણય પછી એન્જેલીના જોલીનાં ડૉક્ટરોએ તેનાં ઉપર સર્જરી કરવાનું નક્કી કર્યું હતું.



૨ ફેબુ્રઆરી ૨૦૧૩નાં રોજ એન્જેલીના ઉપર ''નિપલ ડિલે'' નામની સર્જરી કરવામાં આવી હતી. આ પ્રક્રીયામાં સ્તનની ડિંટડીઓ નીચેથી કોષીકાઓ કાઢી, પહેલાં તપાસવામાં આવે છે કે ત્યાં કેન્સરની અસર નથી ને ! જો ત્યાંનાં કોષો તંદુરસ્ત હોય તો સ્તનની ડિટડીઓને બચાવી લેવા તેને સ્તનકોષો સિવાય અન્ય રક્તવાહીનીઓ દ્વારા લોહી પહોંચાડવામાં આવે છે. ટૂંકમાં સ્ત્રીનાં સ્તનનાં બધા કોષો કાઢી નાખવામાં આવે છે પરંતુ નિપલ એટલે કે ડીંટડીઓ બચાવી લેવામાં આવે છે. નિપલ ડિલે બાદ બે દિવસે જાણવા મળ્યું કે એન્જેલીના જોલીનાં સ્તનની ડિંટડીઓ 'નોર્મલ' છે., હવે ૧૬ ફ્રેબુઆરીએ મુખ્ય સર્જરી ડબલ માસ્ટેકટોમી કરવામાં આવી, જે આઠ કલાક ચાલી હતી. ત્યારબાદ પ્લાસ્ટીક સર્જન ડૉ. જય ઓરીન્જરે બ્રેસ્ટ રિકન્સ્ટ્રકશન એટલે કે સ્તન પુનઃનિર્માણની પ્રથમ તબક્કાની સર્જરી કરી હતી. સામાન્ય રીતે પેટ ઉપરથી ચામડી, જાંઘ અથવા સ્ત્રીના પાછળના ભાગમાંથી ચામડી લઈ તેને સ્તનનાં આકારમાં ગોઠવવામાં આવે છે. એપ્રીલ ૨૭નાં રોજ સ્તન પુનઃનિર્માણ માટેનું અંતિમ ઓપરેશન કરવામાં આવ્યું જેને બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ પણ કહે છે. જેમાં મોટા ભાગે સિન્થેટીક સીલીકોન મટીરીઅલ ભરીને સ્તનને સુંદર આકાર આપવામાં આવે છે. બીજા પ્રકારનાં ઇમ્પ્લાંટમાં દર્દીનાં શરીરની ચામડી વાપરીને કુદરતી દેખાય તેવાં સ્તનોનું નિર્માણ કરવામાં આવે છે. એન્જેલીનાં જોલીએ બ્રેસ્ટ ઇમ્પ્લાંન્ટ માટે પોતાના શરીરમાં કુદરતી કોષો વાપર્યાં છે, જે બીજો વિકલ્પ હતો. જ્યારે તમારી પાસે ભરાવદાર શરીર હોય, અને તમારો દેખાવ તમારી આવક ''ગ્લેમર''નું મુખ્ય હથિયાર હોય તેવાં સંજોગોમાં સ્તનોને દૂર કરાવવા ૩૬ ની છાતી (સ્તન નહીં) જોઈએ.