Friday 14 June 2013

વોયેજર-૧: એક વિશ્વવિક્રમ

માનવસર્જિત 'યાન' સૂર્યમાળાની સીમારેખા પાસે પહોંચી ગયું!

માની લો કે હજારો વર્ષની મુસાફરી કર્યા બાદ, વોયેજર યાન કોઈ આપણા કરતાં વધારે બુદ્ધિશાળી પ્રજા ધરાવતાં ગ્રહ પર જઈ શકશે તો, પૃથ્વીવાસીનાં વિઝીટીંગ કાર્ડ જેવી 'ગોલ્ડન રેકોર્ડ' વૈજ્ઞાનિકોએ બંને યાનમાં મૂકી છે



માનવ ઇતિહાસ કહો કે, અંતરિક્ષ યુગની તવારીખ કે... પછી સૂર્યમાળાની સિદ્ધિ. પાત્રીસ વર્ષ પહેલાં અંતરીક્ષમાં પહોંચનાર માનવસર્જીત સ્પેસક્રાફટ સૂર્યની સીમારેખા જેવાં વિસ્તારમાં પહોંચી ગયું છે. સૂર્યથી આટલે દૂર જનાર, વિશ્વનો આ માનવસર્જિત પ્રથમ 'ઓબજેક્ટ' છે. સૂર્ય અને અન્ય તારા વચ્ચેનાં બે તારા વચ્ચે આવેલ અંતરીક્ષ એટલે કે ઈન્ટરસ્ટીલર સ્પેસમાં પહોચતાં વોયેજર-૧ને હજી બીજા બે-ચાર વર્ષ લાગે તેમ છે. વોયેજર-૧ સૂર્યમાળાને પસાર કરી ચૂક્યું છે કે નહીં તેનો અંદાજ બાંધવો વૈજ્ઞાનિકો માટે પણ થોડો મુશ્કેલ છે. હાલનાં તબક્કે...
વોયેજર-૧ ઉપર નાસાનું એક નવું મોડયુલ નજર રાખી રહ્યું છે. જે દર ૬ કલાકે રિઅલ ટાઈમ ડેટા અપડેટ કરી રહ્યું છે. મોડયુલ ત્રણ ચીજ ઉપર નજર નાખી રહ્યું છે. એક, અત્યંત ઝડપે ભાગતા કણોની માહીતી. બે, અત્યંત ધીમેથી પસાર થઈ રહેલા કણોની માહીતી. ત્રણ, ચુંબકીય ક્ષેત્રની દીશા અને તિવ્રતા અત્યંત ઝડપે ભાગતાં કણોમાં એવાં કોસ્મીક રેનો સમાવેશ થાય છે જે સૂર્યમાળાનાં બાહ્ય આવરણ જેવા 'હેલીઓસ્ફીઅર'ની બહારથી આવી રહ્યા છે. ધીમે ગતી કરનારાં કણોમાં પણ હેલીઓસ્ફીઅરમાં કેદ થયેલ કોસ્મીક રે છે. જે સૂર્યમાળાનાં વિવિધ અવરોધ, ચુંબકીય ક્ષેત્ર અને ગુરુત્વાકર્ષણનાં કારણે પોતાની ઝડપ ઘટાડી ચૂક્યાં છે. ફાસ્ટ અને સ્લો મુંવીંગ બંને પ્રકારના કણોમાં મુખ્યત્વે 'પ્રોટોન'નો સમાવેશ થઈ રહ્યો છે. વૈજ્ઞાનિકો માને છે કે વોયેજર-૧, સૂર્યમાળાનાં છેલ્લા ક્ષેત્ર જેને 'મેગ્નેટીક હાઈવે' કહે છે ત્યાં પહોંચ્યું છે. આ ક્ષેત્રમાં સૂર્યમાળાની બહારનાં કણો ખૂબ જ ઝડપે અંદર આવી રહ્યાં છે. જ્યારે સૂર્યમાળાનાં હેલીઓસ્ફીઅરનાં કણો ધીમે ધીમે સૂર્યમાળા બહાર છાટકી રહ્યાં છે.
માર્ચ ૨૦૧૩માં બિલવેબર નામનાં એસ્ટ્રોનોમીનાં પ્રોફેસરે કહ્યું કે, અમારું નવું મોડયુલ વોયેજર-૧નો ડેટા વાંચી બતાવી રહ્યું છે કે હવે સૂર્યમાળામાં રહેલ કોસ્મીક રેની તીવ્રતા એકદમ ઘટી રહી છે જ્યારે સૂર્યમાળાની બહારથી આવતી કોસ્મીક રેની તીવ્રતામાં અચાનક ઉછાળ આવેલ જોવા મળેલ છે. ચુંબકીયક્ષેત્રમાં નજીવો ફેરફાર નોંધાયો છે.
સૂર્યમાળાની બાહ્ય દિશામાં ચાર્જ પાર્ટીકલ્સ અને મેગ્નેટીક ફિલ્ડનો એક મોટો ફુગ્ગો રચાયેલો છે જેને હેલીઓસ્ફીઅર કહે છે. નાસાનાં ડિરેક્ટર દ્વારા ચુંબકીય ક્ષેત્રમાં કોઈ મોટો ફેરફાર કે ચુંબકીય ક્ષેત્રની દિશામાં ફેરફાર થયેલ જોવા મળેલ નથી. જેનો સીધો સાદો અર્થ એ થાય કે 'વોયેજર-૧ હજી સૂર્યમાળાની આખરી સીમા રેખાની બહાર નિકળી ગયું નથી. સૂર્યમાળામાં ચુંબકીય ક્ષેત્રની દીશા પૂર્વ-પશ્ચિમ તરફની છે. જેવું આ ઓરીએન્ટેશન બદલાઈને ઉત્તર-દક્ષિણ બતાવા માંડે તો માની લેવાનું કે 'વોયેજર સૂર્યની અસરથી સંપૂર્ણ મુક્ત થઈને, ઈન્ટરસ્ટીલર સ્પેસમાં પહોંચી ગયું છે. વૈજ્ઞાનિકો આંકડાકીય રીતે જાણી શકતાં નથી કે...'હેલીઓસ્ફીઅર'નો વ્યાપ કેટલો ફેલાયેલો છે. સૂર્યમાળામાં પૃથ્વીનાં ભૌગોલીક ફેરફારો જેવી કોઈ રચના નથી કે જમીન અને મહાસાગરને અલગ પાડતી સીમારેખ દોરીએ છીએ, તેવી સીમારેખા દોરી શકાય. આ કારણે જ વોયેજર-૧ ખરેખર ક્યારે સૂર્યમાળાની બહાર નિકળી જશે, તેની કોઈ ચોક્કસ તારીખ કે સમય આપી શકાતો નથી.

આ લેખ લખાઈ રહ્યો છે ત્યારે, વોયેજર-૧ પૃથ્વીથી ૧૨૩.૫૨૫૫ એસ્ટ્રોનોમીકલ યુનીટ (૧૮,૪૭૯,૧૫૨,૨૯૫ કિ.મી.) દૂર પહોંચી ગયું છે. વોયેજર-૨ પૃથ્વીથી ૧૦૧.૧૭૯૮૭૮ એસ્ટ્રોનીમીકલ યુનીટ (૧૫,૧૩૬,૨૯૪,૪૨૩ કિ.મી.) દૂર સુધી જઈ શક્યું છે. પૃથ્વી પરથી મોકલેલ સંદેશો વોયેજરથી પાછો ફરે તેમાં ૩૪ કલાક લાગે છે. વોયેજર-૧ દ્વારા મોકલેલ ડેટા પૃથ્વી પર ઝલાય છે ત્યાં સુધી ૧૭ કલાક વિતી ચૂક્યાં હોય છે. વોયેજર-૧ને લગતો લેખ ડો. વેબર અને ડો. મેક્કોનાલ્ડે ધ અમેરિકન જીઓ-ફીજીકલ યુનીયનનાં મુખપત્રમાં લખ્યો હતો જેમાં બાહ્યાવકાશનાં કોસ્મીક રેમાં વધારો બમણો થયેલ અને સૂર્યમાળાનાં આંતરિક કોસ્મીક રેની તિવ્રતામાં ૯૦% ઘટાડો થયેલ નોંધ્યો હતો. આ પરીણામો ગયા વર્ષનાં ૨૫ ઓગસ્ટનાં હતા. ડો. મેક્ડોનાલ્ડે કોસ્મીક રેમાં જે ફેરફાર જોયો હતો. તેનાં છ દીવસ બાદ તેમનું અવસાન થયું હતું. સૂર્યમાળાથી દૂર અને ઈન્ટરસ્ટીલર સ્પેસ વચ્ચેનાં વિસ્તારને તેમણે 'હેલીયોકલીફ' તરીકે ઓળખાવ્યો હતો. વોયેજર-૧નો આ વર્લ્ડ રેકોર્ડ છે. માનવસર્જીત સ્પેસક્રાફટ હજી સુધી સૂર્યથી આટલે દૂર ગયું નથી. આ પહેલાં પાયોનિઅર-૧ અને પાયોનિઅર-૨ સૂર્યથી દૂર ગયા છે, પરંતુ વોયેજરની સાથે તેની સરખામણી કરી શકાય નહીં.
જ્યારે વોયેજર પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો ત્યારે જીમી કાટર્રે કહ્યું હતું કે 'આપણી આ દૂરની દુનિયા માટે નાની ભેટ છે. આપણો ધ્વની, આપણું વિજ્ઞાન, આપણા દૃશ્યો, આપણું સંગીત, આપણાં વિચારો અને આપણી લાગણીઓ (અન્ય ગ્રહ ઉપર સજીવો હોય તો તેમનાં માટે એક શુભ સંદેશો છે. અમે અમારાં સમયમાં ટકી જવા માંગીએ છીએ. જેથી અમે તમારાં યુગમાં પણ જીવી શકીએ.' અમેરિકન પ્રમુખનો આ આશાવાદ સાવ નિષ્ફળ ગયો નથી. હજી ઘણા વૈજ્ઞાનિકો માને છે કે સૂર્યમાળા બહાર આપણા કરતાં વધારે એડવાન્સ સજીવ સૃષ્ટિ હશે. શક્ય છે કે સૂર્યમાળા બહાર, ઈન્ટરસ્ટીલર સ્પેસમાં અન્યત્ર એડવાન્સ્ડ સીવીલાઈઝેશન હોય તો, તેમના માટે પૃથ્વીવાસીઓએ ગોલ્ડન રેકોર્ડ ઉપર સંદેશો ચીતરીને મુક્યો. ઉપરાંત ગોલ્ડન ડિસ્કમાં વિવિધ ડેટા પણ રેકોર્ડ કરેલો છે.


નાસાનાં વોયેજર સીરીઝનાં સ્પેસક્રાફટનો સાચો મકસદ ગુરુ, શની, યુરેનસ અને નેપ્ચ્યુન જેવાં દુરનાં ગ્રહોનો સર્વે કરવાનો હતો. તેમણે પોતાનું આ કામ ૧૯૮૯ સુધીમાં પૂરુ કરી નાખ્યું હતું. હવે બંને વોયેજર યાન એકબીજાથી અલગ દિશામાં એકબીજાથી દૂર જઈ રહ્યા છે. બંનેની દીશા એકબીજાથી સંદતર વિરુદ્ધ રહ્યાં છે. વોયેજર-૧નાં કેટલાંક ઈન્સ્ટ્રુમેન્ટ જેવાં કે લો ચાર્જડ પાર્ટીકલ ઈન્સ્ટ્રુમેન્ટ હજી ચાલું છે. તે સૂર્યનાં સોલાર વિન્ડ એટલે કે સૌર પવનોનો વેગ માપતું રહે છે. સૌર પવનો એ સૂર્યમાંથી નિકળેલ વિજભારીત કણોનો સમુહ છે. જે સુપર સોનીક સ્પીડથી બાહ્યાવકાશ તરફ ગતી કરતાં હોય છે.
૧૪ ફેબુ્રઆરી ૧૯૯૦નો દિવસ વોયેજર-૧ માટે ઐતિહાસીક દિવસ હતો. આ દિવસે વોયેજરે સમગ્ર સૂર્યમાળાનાં બધા જ ગ્રહ અને સૂર્ય દેખાય તેવો ફેમીલી ફોટોગ્રાફ લીધો હતો. જ્યાંથી પૃથ્વી ઝાંખા વાદળી રંગના ટપકા જેવી દેખાતી હતી. કાર્લ સગાને 'પાલ બ્લ્યુ ડોટ' નામે સુંદર વિજ્ઞાન પુસ્તક પણ લખ્યુ છે. ૧૭ નવેમ્બર ૧૯૯૮નાં રોજ વોયેજર-૧એ પાયોનિયર-૧૦ નામનાં સ્પેસક્રાફટને ઓવરટેક કરીને નવો રેકોર્ડ કર્યો હતો. વોયેજર-૧એ હવે પૃથ્વી-સૂર્યથી સૌથી દૂર પહોંચવાનું, માનવસર્જિત યાન હોવાનું બહુમાન મેળવ્યું હતું. હાલમાં વોયેજર કરતાં વધારે ઝડપી સ્પેસક્રાફટ ન્યુ હોરાઈજન અંતરિક્ષમાં ગયું છે. પરંતુ તે ક્યારેય વોયેજરને ઓવરટેક કરી શકશે નહીં. અત્યારે જ્યાં વોયેજર પહોંચ્યું છે ત્યાં તેની ઝડપ પ્રતિ સેંકન્ડે ૧૭ કિ.મી. જેટલી છે. આ સ્થાને વોયેજર પહોંચશે ત્યારે તેની ઝડપ માત્ર ૧૩ કિ.મી. પ્રતિ સેકન્ડ જેટલી હશે. સારાંશ એજ કે 'પૃથ્વીવાસી સર્જિત સ્પેસ યાનનો સૂર્યમાળાથી સૌથી દૂર જવાનો રેકોર્ડ વોયેજર-૧નાં નામે કાયમ રહેવાનો છે.'
ફેબુ્રઆરી ૨૦૦૩માં વોયેજર સૂર્યનાં 'ટર્મીનેશન શોક' નામનાં વિસ્તારમાં પ્રવેશ્યું હતું. ટર્મીનેશન શોક એવો વિસ્તાર છે, જ્યાં સૌર પવનોની ઝડપ સુપર સોનીક કરતાં સબસોનીક થઈ જાય છે. અવાજ કરતાં ઓછી ઝડપને સબસોનીક સ્પીડ કહે છે. માર્ચ ૨૦૦૩માં વોયેજર પૃથ્વીથી માત્ર ૧૧૫.૨૫૧ એસ્ટ્રોનોમીકલ યુનીટ દૂર હતું. એક એસ્ટ્રોનોમીકલ યુનીટ એટલે કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર. જે લગભગ ૧૪.૯૫ કિ.મી. જેટલું થાય. આ અંતરને પ્રકાશવર્ષ તરીકે ગણતરીમાં લઈએ તો, ખૂબ જ નાનું માપ એટલે કે ૦.૦૦૨ પ્રકાશવર્ષ થાય. સૂર્યનો પ્રકાશ એક સેંકન્ડમાં લગભગ ત્રણ લાખ કિ.મી. અંતર કાપે છે. આ ઝડપે એક વર્ષમાં સૂર્ય પ્રકાશ જે અંતર કાપે તેને એક પ્રકાશ વર્ષ કહેવાય. સૂર્યથી સૌથી નજીકનો તારો પ્રોક્સીમા સેન્ટોરી સૂર્યથી ૪.૨૦ પ્રકાશવર્ષ દૂર છે. જે ૨૬૫૦૦ AU જેટલું થાય. નાસાની ગણતરી મુજબ નવેમ્બર ૧૯, ૨૦૧૪નાં રોજ વોયેજર સૂર્યથી ૧૩૩.૧૫ AU દૂર હશે. અત્યારે વોયેજર જે દીક્ષામાં જઈ રહ્યું છે. તે માર્ગમાં નજીકનાં ભવિષ્યમાં કોઈ સ્ટાર એટલે કે તારો આવવાનો નથી. જો વોયેજર હેમખેમ રહી પોતાની મુસાફરી ચાલું જ રાખશે તો, ૪૦ હજાર વર્ષ બાદ cametopargalis તારા મંડળમાં આવેલ તારા ક્રમાંક  AC+793888 ની નજીકથી પસાર થશે. જોકે આ 'નજદીકીયા' પણ ૧.૬૦ પ્રકાશ વર્ષ જેટલી દૂર હશે.
૩૧ માર્ચ ૨૦૦૬નાં રોજ જર્મનીનાં રેડિયો શોખીનોએ ૨૦ મીટરની ડીશ વાપરીને વોયેજર-૧નાં સિગ્નલ ઝડપ્યા હતાં. ૫ સપ્ટેમ્બર ૨૦૦૭માં વોયેજરે ૩૦ વર્ષ પુરા કર્યા ત્યારે, વોયેજર-૧ સૂર્યથી ૧૨.૫૦ અબજ કિ.મી. દૂર હતું. વોયેજર સીરીઝનાં બંને યાન આપણી મંદાકીની 'દૂધ ગંગા' મિલ્કીવે તરફ જઈ રહ્યાં છે. વોયેજર મિશનનાં મેનેજરની ધારણાં છે કે વોયેજરમાં રહેલ નાભીકીય ઊર્જા પેદા કરવામાં વપરાતું રેડિયો એક્ટીવ ફ્યુઅલ યાનને વીજળી પુરું પાડતું રહેશે. જો કોઈ અકસ્માત નડશે નહીં તો, વોયેજર-૧ની સિસ્ટમ ૨૦૨૦ સુધી ટ્વેન્ટી ટ્વેન્ટી માફક વર્કીંગ કન્ડીશનમાં ચાલું રહેશે. હાલમાં વોયેજર જ્યાંથી પસાર થઈ રહ્યું છે કે ભવિષ્યમાં પસાર થવાનું છે. ત્યાં માર્ગમાં કોઈ ગ્રહ કે તારાં આવવાનાં નથી. જેના વિશે તે માહિતી મોકલી શકે. હાલમાં આ પાન સૂર્યમાળાની સીમારેખા જયા શરૃ થાય છે તે 'હેલીયોપોઝ' અને હેલીઓસ્ફીઅરની માહિતી આપી રહ્યુ છે.
વૈજ્ઞાનિક સંશોધનની વાત કરીએ તો, વોયેજર-૧નાં જોડીયા ભાઈ જેવું વોયેજર-૨ વધારે નસીબદાર ગણાય. ૧૯૭૯માં તેણે ગુરુ, ૧૯૮૦માં શની, ૧૯૮૬માં યુરેનસ અને ૧૯૮૯  નેપ્ચ્યુનની મુલાકાત લઈ પુષ્કળ માહિતી મોકલી હતી. વોયેજર-૨ દ્વારા યુરેનસનાં ન ઓળખાયેલાં ૧૦ ચંદ્રની શોધ કરી હતી. યુરેનસ કદની દૃષ્ટિએ સૂર્યમાળાનો ત્રીજા નંબરનો વિશાળ ગ્રહ છે. વોયેજરે શની ગ્રહની માફક યુરેનસ ગ્રહનો પણ રેડિયેશન બેલ્ટ શોધી કાઢ્યો હતો.
અત્યારે વોયેજર-૨ પૃથ્વીથી ૧૫.૧૪ અબજ કી.મી. દૂર છે. તેણે સેડેના નામનાં લઘુગ્રહની સીમા વટાવી નાખી. ડવાર્ફ પ્લેનેટ 'એરીસ'ની ભ્રમણકક્ષા પણ વટાવી ચૂક્યું છે. ડવાર્ફ પ્લેનેટ 'એરીસ'ની શોધ ૨૦૦૫માં માઈક બ્રાઉન, ચેડ ટ્રજીલો અને ડેવીડ રોબીનોવિટ્ઝે કરી હતી. આ ટીમે શોધેલા પ્લુટો કરતાં મોટા ગ્રહના કારણે, આંતરરાષ્ટ્રીય સંગઠને પ્લુટોને પણ લઘુગ્રહની વ્યાખ્યામાં સમાવી લઈને સૂર્યમાળાનાં ગ્રહોની સંખ્યામાંથી આઠ કરી નાખી હતી. પાછા મૂળ વાત ઉપર આવીએ તો...
વોયેજર-૨ સૌ પ્રથમ અંતરીક્ષમાં ગયું હતું. ત્યારબાદ વોયેજર-૧નો નંબર આવ્યો હતો. આમ છતાં, વોયેજર-૨ કરતાં વોયેજર-૧ અત્યારે વધારે આગળ પહોંચી ગયું છે. વોયેજર-૧ કરતાં વોયેજર-૨ની ઝડપ ઓછી છે. યાન પોતાની ધરી ઉપર એક વર્ષમાં છ વાર ગોળ ફરે છે. બંને યાનનાં ગાયરો ઓપરેશન બરાબર ચાલી રહ્યાં છે. યાન પોતાની ધરી ઉપર ફરે છે. તેનાં કારણે સ્પેસક્રાફટ જે વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું છે ત્યાંના ચુંબકીય ક્ષેત્રની માહિતી એક્ઠી કરીને મોકલે છે. મેગ્નેટો મીટરે મેળવેલાં ડેટાની સરખામણી કરતાં ચુંબકીય ક્ષેત્રની દિક્ષા અને તિવ્રતા નક્કી થઈ શકે છે. વોયેજર-૨, ૨૦૧પ ને વોયેજર-૧નું ગાયરો ઓપરેશન ૨૦૧૬માં બંધ કરવામાં આવશે.
બંને યાન પાસે પુરતો વિજપ્રવાહ ઉપલબ્ધ છે. ૨૦૨૫ સુધી બંને યાનનાં કાર્યરત ઉપકરણો વીજળી પુરવઠો મેળવતા રહેશે. ૨૦૨૫ પછી ઉપલબ્ધ વીજ ઊર્જી પર્યાપ્ત ન હોવાનાં કારણે તેવાં વીજાણું સાધનો કામ કરતાં અન ે પૃથ્વી તરફ ડેટા મોકલતાં અટકી જશે તેવો વૈજ્ઞાાનિકોનો અંદાજ છે. ૨૦૨૫ પછી કોઈ વૈજ્ઞાાનિક ચમત્કાર થાય તો કાંઈ જ કહી શકાય નહીં. હાલનાં તબક્કે બંને યાન ૨૦૨૫ સુધી પૃથ્વીવાસીઓનાં સંપર્કમાં રહી શકશે ત્યારબાદ પૃથ્વી સાથેનો સંપર્ક કપાઈ જતાં તેમનું ભવિષ્ય શું છે? તે આપણે જાણી શકીશું નહીં.
માની લો કે હજારો વર્ષની મુસાફરી કર્યા બાદ, વોયેજર યાન કોઈ આપણા કરતાં વધારે બુદ્ધિશાળી પ્રજા ધરાવતાં ગ્રહ પર જઈ શકશે તો, પૃથ્વીવાસીનાં વિઝીટીંગ કાર્ડ જેવી 'ગોલ્ડન રેકોર્ડ' વૈજ્ઞાનિકોએ બંને યાનમાં મૂકી છે. થોડા સમય પહેલાં Gliese 445 ગ્રહ શોધી કાઢ્યો હતો, જે પૃથ્વી જેવો સજીવ સૃષ્ટિ માટે વસવાટ યોગ્ય માનવામાં આવે છે. આ ગ્રહ પાસેથી વોયેજર-૧ ૧.૬ પ્રકાશવર્ષ દૂરથી પસાર થશે. જો કોઈ પરગ્રહવાસીને આપણી ગોલ્ડન રેકોર્ડ મળશે તો, તેના ઉપર સૂર્યમાળા અને પૃથ્વીનું સરનામું ચિત્રલીપીથી મુક્યું છે તે ઉપરથી આપણો સંપર્ક કરી શકે પરંતુ તે સમયે પૃથ્વી પર હજારો મનુષ્ય પેઢીઓ પસાર થઈ ચૂકી હશે. અસંખ્ય પ્રકાશવર્ષ દૂરથી આપણા સુધી સંદેશો આવે, અને ભવિષ્યની પેઢી તે ઉકેલે તે પછી શું થઈ શકશે? એક સાયન્સ ફિક્શન જેવી કલ્પના કથા વિચારવી પડે !
Publication 09.06.2013

No comments: