Thursday 16 May 2013

5 સિગ્મા : હિગ્સ બોસોન શોધની સિલસિલાબંધ સ્ટોરી.

આખરે એટલાસના વૈજ્ઞાનિકો રેસમાં જીતી ગયા હતા. છેવટે ૬૦૦૦ વૈજ્ઞાનિકોએ શૂન્યાવકાશના ભૂતિયા આકાર ઉપર હિગ્સ બોસોનનો ચહેરો મૂકી દીધો હતો.

ડૉ.વિવેક શર્માએ પોતાના કુટુંબીજનોને છોડીને, મહિનાઓ સુધી જીનીવા શહેરની બહાર આવેલ લાર્જહેડોન કોલાથડરમાં વિતાવવાના હતા પરંતુ ૧૫ એપ્રિલ ૨૦૧૧ના રોજ તેની પુત્રી મીરાં શર્માનો જન્મદિવસ હતો. હવાઈ મુસાફરી કરીને ડૉ. શર્મા કેલિફોર્નિયા પહોંચ્યા. ઘરથી મહિનાઓ લગી દૂર રહેલ ડૉ. શર્માને લાગ્યું કે, હાશ હવે એક બે મહિના આરામથી કુટુંબ સાથે ગાળી શકાશે. દીકરીની બર્થ-ડે સારી રીતે ઉજવવાનો તેમને આનંદ હતો, જે લાંબો ટકવાનો ન હતો. બીજા દિવસે ઇન્ટરનેટ ઉપર નજર નાખતા તેઓ હેબતાઈ ગયા. એક બ્લોગ પોસ્ટ દર્શાવી રહી હતી કે પ્રતિસ્પર્ધી ભૌતિકશાસ્ત્રીઓની ટીમે 'ગોડ્સ પાર્ટિકલ' ગણાતા, દાયકાથી વૈજ્ઞાનિકો જેની શોધ માટે મથતા હતા એ 'હિગ્સ બોસોન'ની શોધ કરી નાખી છે.
અચાનક દીકરીની સાતમી વર્ષગાંઠ ઉજવીને ડૉ. શર્માને શા માટે જીનીવા પાછું ફરવું પડયું ? જીનીવા ખાતે આવેલ લાર્જ હેડ્રોન કોલાયડરમાં પ્રતિસ્પર્ધીઓની બે ટીમ નહી, લશ્કર જીવલેણ સ્પર્ધા કરી રહ્યું છે. દરેક લશ્કરમાં ૩૦૦૦ હજાર કરતા વધારે આઇન્સ્ટાઇન છાપ દીમાગ ધરાવતા ભૌતિકશાસ્ત્રીઓ કામ કરી રહ્યા છે. લાર્જ હેડ્રોન કોલાયડરમાં ક્ણો વચ્ચે થતી અથડામણ બાદ પેદા થતા નવા સબએટમિક પાર્ટિકલને પકડવા માટે બે ડિટેક્ટર ગોઠવેલા છે જેના નામ અનુક્રમે CMS અને એટલાસ છે. ભૌતિકશાસ્ત્રીઓના બે લશ્કર આ બે ડિટેક્ટરમાં કામ કરે છે જેમની ગળાકાપ રેસનો અંતિમ મકસદ છે 'હિગ્સ બોસોનની શોધ.'
૧૯૬૪માં હેરી પોટર જેવા જાદુઈ લક્ષણો ધરાવતા કણની કલ્પના યુનિ. ઓફ એડિનબર્ગના ડો. પીટર હિગ્સે કરી હતી. અદ્રશ્ય, રહસ્યમય બળક્ષેત્ર હિગ્સ ફિલ્ડમાં આ કણ હોય છે. બંને એકબીજાના પૂરક છે. આ પરિકલ્પનાની થિયરી અન્ય પાંચ વૈજ્ઞાનિકોએ પણ આપી હતી. એલીમેન્ટરી પાર્ટિકલ્સ એટલે કે ઇલેક્ટ્રોન અને બીજા સબ એટમિક પાર્ટિકલ્સ આપણા ડીએનએથી માંડી મોબાઇલ ફોનના દરેક મટિરિયલ્સમાં ફરી વળેલા છે. પોતાની દીકરીનો બર્થ-ડે મનાવી ઉતાવળે પાછા ફરેલા ડૉ. શર્મા જે ઘટના નોંધે છે તે હિગ્સ બોસોનની શોધના રોલર કોસ્ટર રાઇડની એક નજીવી 'ઇસ્ટર બમ્પ હન્ટ' તરીકે ગણાતી એપ્રિલ ૨૦૧૧ની ઘટના છે. લાર્જ હેડ્રોન કોલાપડરમાં હજારો ટન વજનના મેગ્નેટ અને વાયરોના ગુંચળા ગોળાકારે દોડી રહ્યા છે. વચ્ચે ટ્રેક પર નાસાના એન્જિનિયરો સ્ટેન્ડ બાય પોઝીશનમાં તેમની હેટ પહેરીને ઉભા છે. વિચારે છે હિગ્સની શોધના સમાચાર મળે કે તરત જ ટોપી ઉતારી મસ્તક ઝુકાવી શોધ અને શોધકોનું બહુમાન કરી લઈએ. આવા ઉત્તેજક વાતાવરણમાં હિગ્સની શોધના બૅકગ્રાઉન્ડને ફંફોસીએ.

ઓગષ્ટ ૨૦૧૨ - અગનગોળાના આગમનના વચનો:

ફાબીઓલા ઇઝાનોરી એટલાસ નામના ડિટેક્ટરના વૈજ્ઞાનિકોની મહિલા લીડર છે. ફાબીઓલાના પ્રતિસ્પર્ધી ટીમના લીડર ૬૩ વર્ષના ગુઇડો ટોનેલી છે.  CMS ડિટેક્ટરના વૈજ્ઞાનિકોના તે અડીખમ નેતા છે. શરુઆતથી ટોનેલીએ હિગ્સ બોસોન શોધવા પોતાનું મનોબળ મક્કમ કરી નાખ્યું હતું. લાર્જ હેડ્રોન કોલાયડરમાં(LHC) કણોની અથડામણમાં ક્ષણિક પેદા થતા ટચુકડા અગનગોળામાં એ 'હિગ્સ'ને શોધવાનો હતો. સામે છેડે ફાબીઓલા પણ દમદાર પ્રતિસ્પર્ધી હતી એક જ બિલ્ડીંગમાં બંને ટીમો સાથે ચા-નાસ્તો કરતી, આનંદ મસ્તી મજાક શેયર કરતી પણ પ્રોફેશનલ સિક્રેટ એકબીજાથી સીલબંધ- અકબંધ રાખતા હતા.

ગેમ ઑફ બમ્પ્સ - ૨૦૧૦:

આખરે કઈ રીતે સમજવવું કે હિગ્સ બોસોનની શોધ થઈ ? ડિટેક્ટરમાં હિગ્સને કઈ રીતે ઓળખવો ? ભૌતિકશાસ્ત્રીઓ કહે છે કે, થિયરીમાં જ્યારે હિગ્સ પેદા થાય ત્યારે થોડીક જ ક્ષણોમાં તે તેનાથી નાના કણોમાં ફેરવાઈ જવાનો અને પુષ્કળ પ્રમાણમાં ગામા રે છૂટા પાડતો જશે. હિગ્સના અસ્તિત્વ માટે આ સીનારીઓ ભૌતિકશાસ્ત્રીઓના દિમાગમાં ફરતો હતો. અથડામણના ગ્રાફ ઉપર એક વધારાના 'ઉછાળ' એટલે કે 'બમ્પ' સ્વરૃપે હિગ્સની સિગ્નેચરની વિલક્ષણતા દેખાવાની હતી. વૈજ્ઞાનિકો માટે આ 'ગેમ ઓફ બમ્પ્સ' હતી. દૈવયોગે કણ પ્રવેગમાં કેટલીકવાર આવા 'રેન્ડમ' આડેધડ બમ્પ પણ જોવા મળતા હતા આમ 'હિગ્સ'ના બમ્પને અન્ય રેન્ડમ બમ્પસથી અલગ પાડવા પારખુ નજર અને જબરજસ્ત ડેટા એનાલીસીસનો ટેકો હોવો જરૃરી હતો. જેમાં ભૂલ થવાની શક્યતા ઘણી જ ઓછી હોય તેવી સિગ્મા પધ્ધતિ વૈજ્ઞાનિકોએ એક માપદંડ તરીકે વિસકાવી હતી. જો ડેટા અને બમ્પ ગ્રાફ બંનેનું સિગ્મા લેવલ ૫ હોય તો વૈજ્ઞાનિકો છાતી ઠોકીને કહી શકે કે હિગ્સની શોધ (અથવા અન્ય જે કણ શોધતા હો)ની સાબિતી ૧૦૦% મળી છે. ૫ સિગ્મા એ ભૌતિકશાસ્ત્રીઓનું 'ગોલ્ડ સ્ટાન્ડર્ડ' ગણાય જેમાં ૩૫ લાખ વાર તમે સાચા હો અને માત્ર એક જ વાર ખોટા ઠેરવવામાં આવે.
લાર્જ હેડ્રોન કોલાપટરની બંને ટીમોને ૫ સિગ્માનો જવાબ મળવો જોઈએ. હજારો વૈજ્ઞાનિકો ધાસમાથી સોય શોધી રહ્યા હતા. કોઈ ક્ષણિક ગામા-રેના ચમકારાને પકડી કોઈ મુરખ બનવા ઇચ્છતું ન હતું. છતાં ડિસેમ્બર ૨૦૧૦માં ડો. ટોનેલીને ઉડતા સમાચાર મળ્યા કે, 'એટલાસ'ની ટીમને તે હિગ્સનો આશાવાદી 'બમ્પ' જોવા મળ્યો છે. અફવાના મૂળમાં જતા ટોનેલીને જાણવા મળ્યું કે, CMS ની ટીમે જર્મનીની વર્કશોપમાં જે નાનો 'બમ્પ' જોયો હતો તે વાતનું વતેસર 'એટલાસ'વાળાએ કરી નાખ્યું હતું. મતલબ કે ડૉ. ટોનેલી પોતાની પૂંછડીનો જ પીછો કરતા હતા.

હજુ કંઈક ખૂટતું હતું - જુલાઈ ૨૦૧૧:

આગ ઓકતા પાઇપમાંથી અબજો અથડામણનો ડેટા ઓકાઈ રહ્યો હતો. ૨૦૧૧ના ઉનાળા સુધી એટલાસ અને CMS બંને ટીમોને અથડામણના ડેટામાં W બોસોનનો ધરખમ વધારો જોવા મળ્યો હતો. ડબલ્યુ બોસોનના કારણે કણો વચ્ચે વિક ફોર્સ પેદા થાય છે અને રેડિયોએક્ટીવ કિરણો છોડી કણ તૂટતો જાય છે. હિગ્સ બોસોનની ઓળખની આ બીજી આડકતરી નિશાની હતી. ફ્રાન્સની ગ્રેનોબ્ટલ કોન્ફરન્સમાં CMS ના ડૉ. વિવેક શર્મા અને એટલાસના બીલ મુરેએ શિખર મંત્રણાની શરુઆત કરવા પોતપોતાના લેપટોપ ખોલ્યા. બંનેએ એકબીજાને ડેટા બતાવ્યો. કોફીની આપ-લે થઈ. કોન્ફરન્સમાં રિપોર્ટ દ્વારા ઇંતેજારી પેદા થઈ અને એક મહિના બાદ ભારતના મુંબઈ શહેરમાં મોટી કોન્ફરન્સ ભરાઈ ત્યારે ઇંતેજારી અને હિગ્સના બમ્પ બંને શમી ગયા હતા.
હવે સર્ન(CERN)ના ભૌતિકશાસ્ત્રીઓએ પોતાના સંશોધનની સીમારેખાઓ સાંકડી કરીને ૧૧૫થી ૨૦૦ અબજ ઇલેક્ટ્રોન વોલ્ટ વચ્ચે 'હિગ્સ'ને શોધવાની નવી કવાયત શરુ કરી દીધી. સામાન્ય રીતે કોઈ પણ કણના દળ એટલે કે 'માસ'ને ઇલેક્ટ્રોન વોલ્ટમાં દર્શાવવામાં આવે છે. આઇનસ્ટાઇનની દુનિયામાં માસ (દળ) અને એનર્જી (ઉર્જા)એ એક જ છે. કહો કે પદાર્થ નામના સિક્કાની બે બાજુઓ. ઇલેક્ટ્રોન જેવા નાના કણનું દળ (માસ) ૫.૧૧ લાખ ઇલેક્ટ્રોન વોલ્ટ છે જ્યારે પ્રોટોનનો માસ ૯૩.૮૦ કરોડ ઇલેક્ટ્રોન વોલ્ટ છે. હિગ્સની સ્ટોરીની આ શરુઆત હતી. 'નેરો' પેસેજના વૈજ્ઞાનિકો હિગ્સને શોધતા હતા અને નિષ્ફળ જાય તો ! પતલી ગલી સે વાપસ ફીઝીક્સ ક્લાસ મેં ચલે જાનેવાલે થે. સ્ટોરીનો ધ એન્ડ આ રીતે આવે તે કોઈને મંજૂર ન હતું.

હવે અવગણના કરવી શક્ય નથી - ઓક્ટોબર ૨૦૧૧:

ડો. મુરેની સેનામાં હવે એક નવા બ્લેક કેટ કમાન્ડોની ભરતી થઈ. એક મહિલા મેટરનીટી લીવ ઉપર ગઈ અને ઇઝરાએલના વેઇઝમાન ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સના આઇલમ ગ્રોસ જે પહેલા રોક મ્યુઝિશિયન હતા તેમને 'સર્ન'ની અચાનક લોટરી લાગી ગઈ હતી. ઇઝરાયેલના લશ્કરમાં ઇન્ટેલીજન્સ ઓફિસરની નોકરી કર્યા પછી, ન્યુયોર્કમાં તે સાઉન્ડ એન્જિનિયરીંગનો અભ્યાસ કરવા પહોંચી ગયા હતા. અહી તેમણે કાપ્રાનું 'ધ તાઓ ઓફ ફીઝીક્સ' વાંચ્યું. બધું જ પડતું મૂકીને ગ્રોસ ઇઝરાયેલ પાછા ફર્યા અને દિબુ્ર યુનિવર્સિટીમાં 'સ્ટ્રીંગ થિયરી'નો અભ્યાસ શરુ કર્યો. હિગ્સની નોકરી માટે વર્ષ સુધી કોશિષ કરી. જ્યારે આશા છોડી દીધી ત્યારે 'સર્ન'માંથી 'કૉલ' આવ્યો.
હવે ભૌતિકશાસ્ત્રીઓના ચાર્ટમાંથી W બોસોન ગાયબ થઈ ગયો હતો. ડૉ. મુરેની એટલાસની ટીમને ૧૨૮ અબજ ઇલે. વોલ્ટ ઉપર 'ગામા'રેનો ઓચિંતો થયેલો વધારો જોવા મળ્યો હતો. પ્રોટોન કરતાં આ કણ લગભગ એક અબજ ગણો મોટો ગણાય અને વજનમાં આયોડીનના પરમાણુ જેટલો થાય. શરઆતમાં કોઈએ તેને લક્ષમાં ન લીધો. ચકાસણી કરતાં પરિણામો ૩ સિગ્મા લેવલના હતા ૭૪૦ સામે એક કિસ્સામાં પરિણામ ખોટું હોઈ શકે ! શોધની શક્યતાને હકીકત ગણવા માટે પરિણામ પૂરતા હતા પરંતુ તેને 'ડિસ્કવર'નું લેબલ મારી વિશ્વ સમક્ષ મૂકવા માટે અપૂરતા ગણાય. નવેમ્બર ૨૦૧૧માં ડૉ. ગ્રોસ પેરીસ વર્કશોપ માટે સાથી કાર્યકરના પેરીસના મકાનમાં રોકાઈને રાત્રિ વીતાવી રહ્યા હતા. રાત્રે ત્રણ વાગે તેમના સહકાર્યકર મારૃમી કાડો અને એલેક્ષ રીડે તેમના બોસને ઊંઘમાંથી ઉઠાડીને નવો ડેટા બતાવ્યો. હવે મુરામી, એલેક્ષ અને ડૉ. ગ્રોસને ખાતરી થઈ ગઈ કે 'હિગ્સ બોસોન' માત્ર પરીકલ્પના નથી.

ધુંધળું ચિત્ર ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહ્યું હતું : નવેમ્બર ૨૦૧૧

CMS ની ટીમમાં ખામોશી પ્રવર્તી રહી હતી. આઠમી નવેમ્બરના રોજ ડો. ટોનેલીએ નવા ગુ્રપનો ડેટા હાથમા લઈને જોયો. અથડામણમાં દુર્લભ કહી શકાય તેવા ચાર હલકા કણો 'ફોર લેપ્ટોન' છૂટા પડેલ જોવા મળતા હતા. હિગ્સ બોસોનની સિગ્નેચર નીચેની આ એક મોટી અન્ડરલાઇન હતી. બપોરે કાફેટેરીયામાં વૈજ્ઞાનિકોનું બીજું ગુ્રપ ભેગુ થયું. તેમણે લેપટોપ ખોલીને ગામા-રે ચેનલનો ડેટા બતાવ્યો. ૧૨૫ બીલીયન ઇલે. વોલ્ટ પર ગામા રેનો અણધાર્યો બમ્પ દેખાઈ રહ્યો હતો. આજના દિવસે મારો જન્મદિવસ હતો. મને ભેટ મળી ચૂકી હતી. તે પછીના અઠવાડિયે ડો. ટોનેલી પેરીસ વર્કશોપમાં ભાગ લેવા ગયા. કેટલાક લોકો 'હિગ્સના ડેથ' વિશે વાત કરી રહ્યા હતા. ડો. ટોનેલી અંદરખાને હસી રહ્યા હતા. લાર્જ હેડ્રોન કોલાયડરમાં હિગ્સના જન્મના સમાચારની ટીમ રાહ જોઈ રહી હતી. પ્રસવ પીડા શરુ થઈ ચૂકી હતી. ડૉ. વિવેક શર્મા હવે આરામથી પોતાના ફેમીલી પાસે પાછા ફર્યા. પડોશીઓ સંશોધન વિશે પૂછી રહ્યા હતા. ડૉ. શર્મા ચૂપ હતા હવે મિડિયાવાળાએ હોબાળો મચાવ્યો હતો. 'ગોડ પાર્ટિકલ'ની શોધમાં પેદા થનારા બ્લેકહોલ પૃથ્વીનો વિનાશ નોતરશે એવી ખબરો વહેતી થઈ હતી. ગુજરાતી મિડિયા ઉપર પણ આ અસર દેખાઈ રહી હતી. ડૉ. શર્માના પડોશીઓ જણાવતા હતા કે ડૉ. શર્મા પણ આ 'બ્લેક હોલ' એક્સપરીમેન્ટલમાં સામેલ હતા.

મુલાકાતનો દૌર - ૧૩ ડિસે. ૨૦૧૧:

નવેમ્બર- ૨૮ સુધી એટલાસ કે CMS બેમાંથી કોઈ જાણતું ન હતું કે તેમના કોથળામાં શું છે ? ડો. ઇઝનારો અને ડો. ટોનેલી સર્નના ડાયરેક્ટર હેયરની ઓફિસમાં ભેગા થયા. એટલાસના રિઝલ્ટ પ્રમાણે નવા કણનું દળ ૧૨૬ અબજ ઇલે. વોલ્ટ હતું. CMS નો ડેડા ૧૨૪ અબજ ઇલે. વોલ્ટ બતાવતું હતું. બન્નેમાંથી એક પણ પરિણામ ૫ સિગ્મા લેવલના ન હતા. ૪ જુલાઈ ૨૦૧૨ના રોજ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં 'હાઇ એનર્જી ફીઝીક્સ' ઉપર કોન્ફરન્સ ગોઠવવામાં આવી હતી ત્યાં સુધી ડેટા ડબલ થઈ જવાની બધાને આશા હતી.
ડૉ. ટોનેલી મક્કમ હતા. તેમણે ડાયરેક્ટર જનરલને તેમનું સૈન્ય તૈયાર રાખવાની સૂચના આપી તેમના જૂના મિત્ર ડો. એગ્લર્ટ જેઓએ 'હિગ્સ'ની થિયરીમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું તેમને જુલાઈની શરુઆતમાં 'વેકેશન' બુક ન કરવા તાકીદ કરી હતી. જ્યારે બીજી બાજુ ડૉ. શર્માને લાગતું હતું કે, 'ધ ગેમ ઇઝ સ્ટીલ ઓન'. લોકોએ 'હિગ્સ નથી મળ્યો' તેવા સમાચારની પણ તૈયારી રાખવી જોઈએ.

આનંદ પર્વની તૈયારી - જાન્યુઆરી ૨૦૧૨:

જાન્યુઆરી ૨૦૧૨માં ડો. ટોનેલીએ CMS નો કારભાર જો ઇન્કેન્ડેલા નામના નવા મહારથીને સોંપી દીધો. 'હિગ્સ બોસોન'ની શોધ એ કોઈ રેસ નથી. આ વીસ વર્ષનો લાંબો પ્રયોગ અને સીરીયલ બિઝનેસ છે. ડો ટોનેલીએ પોતાના બ્લોગમાં નોંધ્યું.  શિલ્પકાર બનવાના સ્વપ્ન જોનાર જો ઇન્કેડેલા યુનિ. ઓફ શિકાગોમાં 'સિરામિક્સ કેમેસટ્રી'માં પીએચડી કરીને સર્ન અને ફરમી લેબમાં કામ શરુ કર્યું હતું ૧૯૯૫માં તેમણે સ્ટાન્ડર્ડ મોડેલમાં ખૂટતા 'ટોપ ક્વાર્ક'ની શોધ કરી હતી.
માર્ચ- ૨૦૧૨માં અમેરિકાની ફરમી લેબના વૈજ્ઞાનિકોએ જાહેર કર્યું, 'તેમને લેબના ટેવાટ્રોન કોલાયડરમાં ૧૧૫થી ૧૩૫ બીલીયન ઇલે. વોલ્ટ વચ્ચે વિશાળ બમ્પ જોવા મળ્યો છે. ફરમી લેબના દસમી ડેનીસોવ ઇમેલમાં લખે છે. 'ક્રોસવર્ડનો આ ક્લીયર આન્સર નહી પરંતુ પઝલનો મહત્ત્વનો ટુકડો છે.' ફરમી લેબમના તારણો ૩ સિગ્મા લેવલના હતા. આ મહિનામાંબ્રેકડાઉન થતા ડો. ગ્રોસે તેની ગર્લફ્રેન્ડ તાલીયા લેવ રાઇરીઅને એટલાસ કોલાયડરમાં લઈ જઈને 'પ્રપોઝ' કરવાનું વિચાર્યું કારણ કે એટલાસ તેની લાઇફના એક સિમ્બોલ સમાન હતો. એક વાત છે પ્રપોઝ કરતા પહેલા તાલીયા 'હા' જ પાડશે એની હજારવાર ચકાસણી કરી હતી.

રિઝલ્ટ બોક્સ ખૂલે છે - જૂન ૨૦૧૨:

૧૮ જૂન ૨૦૧૨, સર્નમાં બંને પ્રયોગો અટકાવી દેવામાં આવ્યા. મેલબોર્ન કોન્ફરન્સ માટે બધા તૈયારી કરવા માગતા હતા. એટલાસની એક ટીમ એક અઠવાડિયા પહેલાનો ડેટા ચકાસી રહી હતી. ડો. કાકોએ આ નવા ડેટાનો પ્લોટ ડો. હઝાનાટીને મોકલ્યો ત્યારે તેઓ ફરમી લેબની કોન્ફરન્સમાં હતા. ડો હઝાનોટીએ પ્લોટ પર નજર નાખી. 'ઓહ માય ગોડ' ગામા રેનો બમ્પ નવા ડેટામાં પણ દેખાતો હતો. ડૉ હઝાનોટીના અવાજમાં ન્યુરોન્સ ડાન્સ કરવા લાગ્યા હતા. ૧૪ જૂનના દસ વાગે ભસ્જી નું બોક્સ ખોલવામાં આવ્યું. ડો. ઇન્કેન્ડેલાએ ૪ લેપ્ટોન ચેનલમાં ૧૨૪ અબજ ઇલે. વોલ્ટ પર મોટો 'સ્પાઇક' જોવા મળ્યો હતો. પ્રથમ રિઝલ્ટ સાંભળવા લગભગ ૨૦૦ વૈજ્ઞાનિકો હાજર હતા. ૩૦૭ વિડિયો કોન્ફરન્સ પર હાજર હતા ૨૨ જૂને ડો. હેયુરે (સર્નના ડાયરેક્ટર જનરલે) જાહેરાત કરી કે, '૪ જુલાઈના રોજ સર્ન ખાસ ખાસ સિમ્પોઝીયમ ગોઠવવામા આવ્યો છે. આ દિવસે મેલબોર્નની કોન્ફરન્સ શરુ થવાની હતી જેણે પહેલા ટિકિટ બુક કરાવી હતી તેઓ બુકિંગ બદલાવવા ભાગદોડ કરવા લાગ્યા. ૪ જુલાઈ ૨૦૧૨ ભૌતિક શાસ્ત્રના ઇતિહાસમાં અમર થઈ જવાની હતી જો કે કોઈને ૫ સિગ્માના રિઝલ્ટ મળ્યા ન હતાં.
ડૉ. હેયુરે બધા જ વૈજ્ઞાનિકોને ચેતવણી આપી કે મેલ્બોર્નમાં રજૂઆત કરવા માંગતા વૈજ્ઞાનિકોએ તેમના રિપોર્ટ્સ માટે એપ્રુવલ મેળવવાની રહેશે. CMS ના ડો. ઇન્કેન્ડેલાને લાગ્યું કે, 'તે ઘાયલ શિકાર થયેલ પ્રાણી છે' બધા જ વૈજ્ઞાનિકો તનાવમાં હતા. ૨૪ જૂનના રોજ એટલાસના ન્યુયોર્ક યુનિ.ના વિદ્યાર્થી સ્વેન ફ્રેઇસને ૫ સિગ્માની ફીનીશ લાઈને પહોંચતું રિઝલ્ટ મળ્યું. બીજા દિવસે રિઝલ્ટ તેના એડવાઇઝર કાયલ ફેનમેરને મોકલવામાં આવ્યું. વિદ્યાર્થીની બીજી જોડી હાઓસંગ જી અને આરોન આર્મબ્રસ્ટરને ૫ સિગ્માના પરિણામ મળ્યા. આલેન આર્મબુ્રસ્ટરે નવેમ્બર ૨૦૧૧ના રોજ ડૉ. . ગ્રોસને ઉંઘમાંથી જગાડયા હતા. ૨૫ એ જૂનની બપોરે હાઓસંગ જીએ જાહેરાત કરી કે તેમને ૫.૦૮ સિગ્માનું રીઝલ્ટ મળ્યું છે. સર્નના કોરીડોરમાં આનંદની ચિચિયારીઓ બોલવા લાગી. બીજા દિવસે આરોન આર્મબુ્રસ્ટરને પણ આવું જ પરિણામ મળ્યું. આખરે એટલાસના વૈજ્ઞાનિકો રેસમાં જીતી ગયા હતા.

'હિગ્સ બોસોન'નો જન્મ થઈ ચૂક્યો હતો. પરિણામ હતું:

એટલાસ :

૫ સિગ્મા
૧૦૦૦ ટ્રીલીયન પ્રોટોન- પ્રોટોન અથડામણ
૨,૪૦,૦૦૦ હિગ્સ બોસોન, ૩૫૦ જોડી ગામા- રે, લેપ્ટોન ચેનલમાં હલકા કણોના ૮ સેટ.

છેવટે ૬૦૦૦ વૈજ્ઞાનિકોએ શૂન્યાવકાશના ભૂતિયા આકાર ઉપર હિગ્સ બોસોનનો ચહેરો મૂકી દીધો હતો. ડો. ઇન્કેન્ડેલા તેમની સ્પીચનું રિહર્સલ કરી રહ્યા હતા.

ચાર જુલાઈ ૨૦૧૨ - અંતિમ અધ્યાય:

સ્પેશીયલ સિમ્પોઝીયમમાં ભારે ધસારો ન થાય તે માટે ત્રણ દિવસ પહેલાથી ઓડિટોરિયમના દરવાજાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા. છતાં આગલી રાત્રે વિદ્યાર્થીઓ અને વૈજ્ઞાનિકો પગથિયા ઉપર સ્થાન જમાવીને ઉંધવા લાગ્યા હતા. ચાર જુલાઈની સવારે જ્યારે ડો. પીટર હિગ્સ અને બીજા વૈજ્ઞાનિકો જેમણે 'હીગ્સ' થીયરીમાં યોગદાન આપ્યું હતું તેઓ (ડો. એગ્લર્ટ, ડો. હાગેન, ડો. ગુચલ્નીક વગેરેએ) ઓડિટોરિયમમાં પ્રવેશ્યા ત્યારે બધાએ ઉભા થઈ તેમને વધાવી લીધા. ડો. ઇન્કેન્ડેલાએ પોતાની સ્પીચનો ડ્રાફ્ટ પૂરો કર્યો અને સેમીનાર નવ વાગે શરુ થયો.

ડૉ. ઇન્કેન્ડેલાએ વકતવ્ય શરુ કર્યું ત્યારે એડ્રેનાલીનના અધિક સ્ત્રાવના કારણે તેમના હૃદયના ધબકારા વધી ગયા હતા. લેસર પોઇન્ટર પકડેલા તેમના હાથ પણ ધૂ્રજતા હતા. છેલ્લે CMS નું ફાયનલ ડેટા એનાલીસીસ રજૂ થયું ત્યારે મોટો બમ્પ સ્પષ્ટ દેખાતો હતો. આખા રૃમમાં તાળીઓનો ગડગડાટ અને આનંદની ચિચિયારીઓ સ્પર્ધા કરી રહી હતી. ડો. ઇન્કેન્ડેલાએ કહ્યું, 'ધીઝ રિઝલ્ટ આર ગ્લોબલ એન્ડ નાઉ શેર્ડ વિથ ઓલ મેનકાઇન્ડ' (આ પરિણામો વૈશ્વિક છે, જેને સમગ્ર માનવજાત સાથે વહેંચવામાં આવે છે.) ડો. હઝાનોરીએ ૫ સિગ્મા લેવલના પરિણામો બતાવ્યા. છેલ્લા સર્નના ડાયરેક્ટર જનરલ ડો. હેયુરે ઓફિસીયલી નવા કણ 'હિગ્સ બોસોન'ની વિધિવત્ જાહેરાત કરી દીધી. સમગ્ર હોલ હર્ષોલ્લાસમા ડૂબી ગયો હતો. પ્રથમ હરોળમાં બેઠેલા ડો. પીટર હિગ્સ તેમની આંખોમાં આવેલા હર્ષના આંસુ લૂછી રહ્યા હતા. ડો. વુ ભીડ ચીરીને પીટર હિગ્સને ભેટી પડતાં બોલ્યા, 'આખી જિંદગી અમે તમારી તલાશમાં હતા મિ. હિગ્સ.' 

ડૉ. પીટર હિગ્સ બોલ્યા, 'આખરે તમે મને શોધી કાઢ્યો ખરો.'

1 comment:

TAPU said...

very very informative and exciting story of Higs Boson. Keep it up dear.