Sunday 28 February 2016

યુનિટી સ્પેસશીપ-૨ સ્પેસ ટ્રાવેલની સફર શરૃ કરવા તૈયાર

'જોહું (અંતરીક્ષમાં) જવા માટે સક્ષમ હોઉ અને રિચાર્ડ ખરેખર મને લઈ જાય તો, મને તેમનાં સ્પેસશીપમાં ઉડવાનો ગર્વ થશે ! આ શબ્દ કોઈ સામાન્ય માનવીનાં નથી. ખ્યાતનામ ભૌતિક શાસ્ત્રી સ્ટીફન હોર્કીંગનાં છે. ''ગુરૃત્વાકર્ષણનાં તરંગોની સીધી શોધ થઈ છે.'' ત્યારથી ભૌતિકશાસ્ત્રીઓ ગેલમાં આવી ગયા છે. જોકે સ્ટીફન હોર્કીંગનાં આનંદનું કારણ જરા અલગ છે. તેને ભૌતિકશાસ્ત્ર સાથે સીધી લેવા દેવા નથી. વિશ્વ વિખ્યાત કંપની વર્જીન ગેલેકટીક દ્વારાં વિએસએસ યુનીટી નામનું નવું સ્પેસશીપ લોકો સમક્ષ રજુ કરવામાં આવ્યું છે. વર્જીન ગેલેક્ટીક કંપની વ્યાપારી ધોરણે સ્પેસ ટુરીઝમ શરૃ કરવા માંગે છે. જેમાં મોજ-મજા માટે સામાન્ય (માલેતુજાર) માનવી અંતરીક્ષની સફર ખેડી અંતરીક્ષ યાત્રી બનવાનો લ્હાવો લઈ શકશે. વર્જીન ગેલેક્ટીક દ્વારા ૧૯ ફેબુ્રઆરીનાં રોજ તેનાં નવા સ્પેસશીપ-૨ ''યુનીટી'' લોકો સમક્ષ રજુ કરવામાં આવ્યું હતું. સ્પેસશીપ ટુનાં અનાવરણ પ્રસંગે પ્રો. સ્ટીફન હોકીંગે તેનો રેકોર્ડેડ વિડીયો મેસેજ મોકલી ''યુનીટી''નું ઉદઘાટન કર્યું હતું. કુવૈત ટાઈમ્સ લખે છે કે ''વર્જીન ગેલેક્ટીવનું નવું રોકેટ પ્લેન આવી ગયું છે. જે સીવીલીઅનને એસ્ટ્રોનર બનાવવાનાં ધ્યેય સાથે લોંચ થયું છે.'' શક્ય છે કે નવા વ્યાપારીકરણ વાળી સ્પેસ ટ્રાવેલ અને ટુરીઝમનો સુર્યોદય થઈ રહ્યો છે.''

વર્જીન ગેલેક્ટીક-સ્પેસ રેસમાં શામેલ

૨૦૧૪માં વર્જીન ગેલેક્ટીક તેનું સ્પેસ ક્રાફ્ટ પ્રયોગાત્મક ઉડ્ડયન વખતે ગુમાવ્યું હતું. જેમાં પાયલોટ માયકલ આલ્સબુરીનું અવસાન થયું હતું. આ ઘટનાનાં કારણે ૨૦૧૬નો શરૃઆતમાં વ્યાપારી ધોરણે 'સ્પેસ ટ્રાવેલ' કરાવવાનું કંપનીનાં સ્થાપક સર રિચાર્ડ બ્રાનસનનું શમણું બે ડગલાં પાછું હટી ગયું હતું. કંપનીએ તેનું નવું આધુનિક સ્પેસશીપ-ટુ ''યુનીટી''ને ફરી વાર રજુ કરી, હવે સ્પેસ ટુરીઝમની રેસમાં પોતાના ''ઘોડા'' દોડાવવાની શરૃઆત કરી દીધી છે.
યુનીટી સ્પેસશીપ બે પાયલોટ અને છ પેસેન્જરને લઈને પૃથ્વીની સપાટીથી માત્ર ૧૦૦ કિ.મી.ની ઉંચાઈએ લઈ જઈને 'સ્પેસ'ની મજા કરાવે છે. જોકે આખી યાત્રા આમ જોવા જાવ તો માત્ર પાંચ મિનિટની છે. ટિકિટનાં ભાવ અઢી લાખ ડોલર છે. જે માત્ર સુપરશીપ કલાસનાં થ્રિલ શીકર ધનવાનોને જ પોસાઈ શકે તેમ છે. વર્જીન ગેલેક્ટીકની પોતાની ''સ્પેસશીપ'' કંપની છે. જે સ્પેસશીપ બનાવે છે. ગયા વખતનાં અકસ્માત બાદ, નવા સ્પેસશીપને ફેરફારો સાથે તૈયાર કરવામાં આવ્યું છે. કંપનીએ સ્પેસ ટુરીઝમ માટે ખાસ પ્રકારનું ''સ્પેસ પોર્ટ'' મોજાવે ખાતે બાંધ્યું છે. કંપની તેનાં કસ્ટમર્સને અંતરીક્ષમાં લઈ જાય તે પહેલાં, અસંખ્ય ટેસ્ટ કરીને, નવા વિક્રમો સ્થાપવા માંગે છે. કંપની સ્પેસશીપ અને તેને અંતરીક્ષમાં લઈ જાય તેવાં રોકેટ લોન્ચર (મધરશીપ)ની ડિઝાઈન કરી ચૂક્યું છે.
ધનવાનોને અંતરીક્ષ યાત્રા કરાવવાની રેસમાં ''સ્પેસ એક્સ'' અને રેસ્લાં કંપની સામેલ છે. ૩૧ ઓક્ટોબર ૨૦૧૪નાં રોજ 'સ્પેસશીપ'ને અકસ્માત નડયો હતો. જેનું તારણ કાઢવા માટે, નેશનલ સેફ્ટી બોર્ડ દ્વારાં ઈન્વેસ્ટીગેશન કરવામાં આવ્યું હતું. જેમાં લોકીંગ પીનની ખામી જોવા મળી હતી. જેનાં કારણે અકસ્માત થયો હતો. વર્જીન ગેલેક્ટીક પાંચ સ્પેસશીપ બનાવાની ફિરાકમાં છે.

સ્પેસ એક્સ

સ્પેસ ટ્રાવેલ માટેની ''સ્પેસ રેસ''માં જેનો ઘોડો સૌથી આગળ દોડી રહ્યો છે તે કંપની છે ''સ્પેસ એક્સ.'' જેની સ્થાપનાં ૨૦૦૨માં પેપાલનાં માલિક અને ટેસ્લા મોટર્સનાં સીઈઓ એલન મસ્કે કરી હતી. કંપનીનો અંતિમ ધ્યેય તો, મંગળ ઉપર ''માર્સ કોલોની'' બાંધવાનો છે. કંપની મુખ્યત્વે એવાં રોકેટ તૈયાર કરવા માંગે છે જેને વારંવાર વાપરી શકાય. આ કામ માટે તેણે ફાલ્કન-૧થી ફાલ્કન-નાઈન સુધીની રોકેટ સફર ખેડી. જેમાં તેણે સફળતા અને નિષ્ફળતાં બંનેનો સ્વાદ ચાખ્યો છે. કંપનીએ અંતરીક્ષ યાત્રીને અંતરીક્ષમાં લઈ જવા ખાસ પ્રકારનું સ્પેસક્રાફ્ટ વિકસાવેલ છે. જેને ફ્રેમન કોસ્યુલ કહે છે. 'ફ્રેમન કોસ્યુલ' દ્વારા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર માલસામાન મોકલાવવા ''ડ્રેગન કેપસ્યુલ'' સફળ રહ્યું છે. ૨૦૧૦માં ''સ્પેસ એક્સે'' ખાનગી કંપની દ્વારા રોકેટ લોંચીંગ કરવાની ઘટના ઈતિહાસનાં ચોપડે નોંધી હતી. ૨૦૧૨માં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર સ્પેસ ક્રાફ્ટ મોકલવાનો 'ખાનગી કંપની' તરીકેનો રેકોર્ડ પણ તેણે સ્થાપ્યો હતો.
અમેરિકાની 'નાસા'એ સ્પેસ એક્સની વ્યાપારી સેવાઓ લેવા માટે કરાર કર્યા છે. ૨૦૧૫ સુધી સ્પેસ એક્સ, ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સુધી કાર્ગો સપ્લાયનાં છ મિશન સફળતાપૂર્વક પાર પાડી ચૂક્યું છે. નાસાએ સ્પેસ એક્સને અંતરીક્ષ યાત્રીઓને લઈ જઈ શકાય તેવાં હ્યુમન રેટેડ 'ડ્રેગન સ્પેસશીપ'ની ડિઝાઈન, ડેવલપમેન્ટ અને ડેમોનસ્ટ્રેશન માટેનાં વ્યાપારી કરાર કરેલાં છે. જે કંપનીની સફળતા બતાવે છે. ખાનગી ક્ષેત્રે અંતરીક્ષ માટે સેવા આપવાનું બહુમાન કંપનીનાં નામે નોંધાયેલ છે. જોકે હાલનાં તબક્કે ધનકુબેરોને માત્ર મોજ શોખ માટે અંતરીક્ષમાં લઈ જવાનો 'મોંઘો સ્પેસ ટ્રાવેલ'નો કોઈ પ્લાન કંપનીએ ઘડેલ નથી.
કંપની ખરા અર્થમાં સ્પેસ ટ્રાવેલ માટે કામ કરવા માંગે છે. સ્પેસ ટ્રાવેલનાં નામે અવનવા ગતકડાં કાઢવા તેને પાલવે તેમ નથી. સ્પેસ એક્સનો અંતિમ ધ્યેય એવી સ્પેસ કેપ્સ્યુલ વિકસાવવાનો છે. જે મનુષ્યને મંગળ સુધી લઈ જાય અને સલામત રીતે પાછાં પણ લાવી શકે.
બ્લ્યુ ઓરીજીન

સ્પેસ એક્સ પછી બીજા ક્રમે જેનો 'ઘોડો' રેસમાં દોડી રહ્યો છે તે કંપની છે. 'બ્લ્યુ ઓરીજીન' એમેઝોન ડોટ કોમનાં સ્થાપક જૈફ બેઝોસે બ્લ્યુ ઓરીજીનની સ્થાપનાં કરેલ છે. કંપની વર્ટીકલ ટેક ઓફ અને વર્ટીકલ લેન્ડીંગ કરાવી શકાય તેવાં રોકેટની રચના કરવા માંગે છે. પૃથ્વી બ્લ્યુ પ્લેનેટ તરીકે ઓળખાય છે. પૃથ્વી પરથી પેદા થયેલ રોકેટને આ રીતે ''બ્લ્યુ ઓરીજીન'' નામ આપવામાં આવ્યું છે. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં કંપનીએ વારંવાર વાપરી શકાય તેવાં રોકેટનું ઉડ્ડયન કરી બતાવ્યું હતું. જાન્યુઆરી ૨૦૧૬માં પણ ફરીવાર ''ન્યુ શેફર્ડ'' સ્પેસ ક્રાફ્ટને સબ સ્ટોરર્વીટલ સ્પેસ એટલે કે લગભગ ૧૦૦ કિ.મી.ની ઉંચાઈએ ઉડાડી બતાવ્યું હતું. ૨૦૧૫માં કંપનીએ 'ઓરબીટલ' સ્પેસ ક્રાફ્ટ રચના કરવાની જાહેરાત કરી હતી. જેનો મતલબ થાય કે કંપની ૧૦૦ કિ.મી. કરતાં વધારે ઉંચાઈએ સ્પેસ ક્રાફ્ટ મુકવા માંગે છે. જે પૃથ્વીની પ્રદક્ષિણા કરી શકે. જેનો વેગ૮ કી.મી. પ્રતિ સેકન્ડ કરતાં વધારે હોય.
બ્લ્યુ ઓરીજીનની સફળતાનાં કારણે જૈફ બેઝોલ અને એલન મસ્ક વચ્ચે ''ટવિટર યુદ્ધ'' શરૃ થયું હતું. છેવટે સ્પેસ એક્સે પણ તેના તોતીંગ રોકેટને અંતરીક્ષમાં ઉડાડયું હતું. જેની ફરીવાર નિશ્ચિત કરેલ ''રીકવરી લેન્ડીંગ ઝોન''માં પાછું મેળવ્યું હતું.
૨૦૦૯માં નાસા દ્વારા સ્પેસ એક્ટ એગ્રિમેન્ટ કરવામાં આવ્યો હતો. જેમાં કંપનીને ૩૭ લાખ ડોલર સંશોધન અને વિકાસ અર્થ મળ્યા હતાં. ૨૦૧૧માં બીજા સ્ટેજ માટે ૨૨ લાખ ડોલર મળ્યા હતાં. કંપનીએ કરેલ કરાર મુજબ બ્લ્યુ ઓરીજીન ૨૦૧૭ સુધીમાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સુધી અંતરીક્ષ યાત્રીઓને પહોંચાડી શકાય તેવી 'ક્રુ ડીલીવરી' સિસ્ટમ પુરી પાડશે.

સ્ટાર ઓફ સ્પેસ ટીમ
માનવીની મહત્વાકાંક્ષા અને મજબુત મનોબળ હોય તો જ સફળતા મળે. ખાનગી કંપની દ્વારા નવો ''પ્રાઈવેટ સ્પેસ એજ'' શરૃ કરવાની ખ્વાહિશ અનેક વ્યક્તિ ધરાવતા હતાં, હજી ધરાવે છે. જેમાંના કેટલાંકને ઓળખવા જેવો છે. આ રહ્યું ''શોર્ટ'' કટ સમીકરણ....
પિટર ડાયમંન્ડીસ :-

જેમણે સિંગ્યુલારીટી યુનિવર્સીટીની સ્થાપનામાં ભાગ લીધો હતો. ૧૯૯૬માં જાહેર કર્યું હતું કે જે કંપની ત્રણ વ્યક્તિ બેસી શકે તેવું સ્પેસ વ્હીકલ બનાવીને પંદર દિવસમાં બે વાર તેનું ઉડ્ડયન કરી બતાવશે તેને દસ અબજ ડોલરનું ઈનામ મળશે. એક કરોડ ડોલરનાં ઈનામ માટે સાત દેશોની ૨૬ ટીમે ૧૦ કરોડ ડોલરનું રોકાણ કરી નાખ્યું હતું. જેમાં 'સ્પેસશીપ વન' વિજેતા બન્યું હતું. તેનું નવું વર્જીન 'સ્પેસશીપ-ટુ-યુનીટી' તાજેતરમાં સમાચારોમાં ચમકી રહ્યું છે.
જૈફ બેઝોસ :-
નવી ટેકનોલોજી વિકસાવવાની ધૂન ધરાવનાર ધૂની માનવી એટલે જૈફ બેઝોસ. ઈ-કોમર્સને વેગ આપવામાં તે અગ્રેસર ગણાય છે. ઈ-બિઝનેસમાં માસ્ટર ગણાતી એમેઝોન.કોમનાં સ્થાપક છે. જૈફ બેઝોસ જે ઈન્ટરનેટનાં લાર્જેસ્ટ રિટેઈલર ગણાય છે. ૨૦૧૩માં તેમણે ધ વોશીંગ્ટન પોસ્ટ અખબાર ખરીધ્યું હતું. ૨૦૦૦માં તેમની પોતાની સ્પેસ ટ્રાવેલની કલ્પનામાંથી ''બ્લ્યુ ઓરીજીન'' કંપની સ્થાપી. સ્પેસ ટ્રાવેલની કલ્પનાને હકીકતમાં બદલવા મક્કમ છે.
એલન મસ્ક :-
દ.આફ્રિકામાં જન્મેલ અને કેનેડીઅન-અમેરીકન ઉદ્યોગપતિ એટલે એલન મસ્ક. તેમણે ''સ્પેસ એક્સ''ની સ્થાપનામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. મનુષ્યનાં અસ્તિત્વ સામે ખતરો ન રહે તે માટે તેઓ મંગળ ઉપર માનવ વસાહત સ્થાપવાનાં ધ્યેય સાથે કામ કરી રહ્યાં છે. હાઈસ્પીડ ટ્રાન્સપોર્ટેશન માટે તેઓ ''હાઈપરલુપ'' નામની સીસ્ટમની સંકલ્પના આપી ચુક્યો છે.
રિચાર્ડ બ્રાનસન :-
 ૪૦૦ કંપનીનું અનોખું ગુ્રપ એટલે વર્જીન ગુ્રપ. સોળ વર્ષની ઉંમરે તેમણે ''સ્ટુડન્ટ'' મેગેજીન શરૃ કરી, પોતાનાં ધંધાની શરૃઆત કરી હતી. એ વ્યક્તિ ૬૫ વર્ષની ઉંમરે લોકોને 'સ્પેસ ટ્રાવેલ' કરાવવાનો અનોખો ધંધો ખોલીને બેઠાં છે. સામાન્ય માનવી માટે એક ગતકડું છે. જ્યારે ધનકુબેરો માટે નવો શોખ. ૧૯૮૦નાં ગાળામાં વર્જીન કંપનીનો ખૂબ જ વિકાસ થયો હતો. વાંચનનાં શોખીનને નોન-ફીકશન, વાસ્તવિકકથાઓ વધુ ગમે છે.

Monday 22 February 2016

ગ્રેવિટેશનલ વેવ્ઝ : બ્રહ્માંડનો માનવી સાથેનો સીધો વાર્તાલાપ


એકવીસમી સદીની અદ્ભૂત-અપૂર્વ શોધ


૧૧ફેબુ્રઆરીનો દિવસ વિજ્ઞાન જગત માટે સૌથી મહત્ત્વનો સાબિત થયો હતો. ''ફિઝિકલ રિવ્યુ લેટર્સ''માં સંશોધન પણ પ્રકાશિત કરીને વૈજ્ઞાનિકોએ એકવીસમી સદીની સૌથી મહાન શોધ કરી હોવાનો દાવો રજુ કર્યો છે. સમગ્ર બ્રહ્માંડને જીવંત રાખનાર અદ્ભૂત બળ ''ગુરૃત્વાકર્ષણ'' પેદા કરવા માટે જવાબદાર ''ગુરુત્વાકર્ષણના તરંગો'' શોધી કાઢવામાં આવ્યાં છે. ગુરુત્વાકર્ષણના તરંગોની શોધ, લીગો કોલાબહેશન નામે ઓળખાતી ટીમે કરી છે. જેમાં ૧૦૦૦ જેટલાં આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકો સહયોગ આપી રહ્યાં છે. ટીમનું નેતૃત્વ કરનાર યુરોપીય દેશ જર્મની છે. મેકસ પ્લાંન્ક ઈન્સ્ટીટયૂટ ફોર ગ્રેવિટેશનલ ફીઝિક્સ અને લાઇબનીઝ યુનિવર્સિટી તેનાં મુખ્ય ભાગીદાર છે. આ ઇન્સ્ટીટયૂટનાં પ્રો. કર્સ્ટેન ડેન્ઝમાન જણાવે છે કે ''તેમની શોધ અદ્ભૂત અને અભૂતપૂર્વ છે. જેની સરખામણી ભૂતકાળમાં થયેલ શોધ, હિગ્સ બોઝોન અને ડીએનએનાં બંધારણની શોધને સમકક્ષ મુકી શકાય તેમ છે.''  સમગ્ર બ્રહ્માંડને ચલાવનાર અને અત્યાર સુધી જેની હાજરી બધા જ અનુભવતા હતાં. તેવાં ''ગુરુત્વાકર્ષણ''નો ભેદ હવે ઉકલી ગયો છે.

ઘટનાનાં સાક્ષી અને સ્ત્રોત બનેલા ''બાયનરી બ્લેક હોલ્સ''


૧૯૧૬માં મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇનસ્ટાઇને સાપેક્ષતાવાદનો સામાન્ય સિધ્ધાંત આપ્યો હતો. જેમાં બ્રહ્માંડનાં ચોથા પરીમાણ તરીકે અંતરીક્ષ અને સમયની જુગલબંધી જેવી ભૌતિકશાસ્ત્રી ''સ્પેસ-ટાઇમ''ની સંકલ્પનાં રજુ કરવામાં આવી હતી. બ્રહ્માંડનો કોઇપણ અવકાશી પીંડ હોય તેની ગતિ-વિધિ દ્વારા આ સ્પેસ ટાઇમમાં ખલેલ પહોંચાડે છે ત્યારે સ્પષ્ટ કે ડમરી સ્વરૃપે ''તરંગો'' પેદા થાય છે. જેની ગતિ પદાર્થનાં સ્ત્રોતથી બહાર તરફની હોય છે. આ તરંગોને ''ગુરુત્વાકર્ષણના તરંગો'' કહે છે. ''લીગો'' નામની અંતરીક્ષ વેધશાળા દ્વારા એક અદ્ભૂત ઘટના જોવા મળી હતી. ગયા વર્ષની ૧૪મી સપ્ટેમ્બરનાં રોજ વેધશાળાનાં ઉપકરણો ૧.૩૦ અબજ પ્રકાશ વર્ષ દૂર આવેલાં બે બ્લેક હોલને એકબીજાની પાસે આવીને એકબીજામાં સમાઈ જતાં જોયા હતાં. આ ઘટનાનાં સાક્ષીરૃપ ''ગુરુત્વાકર્ષણના તરંગો'' લીગો નામની વેધશાળાનાં બે એકબીજાથી દૂર આવેલ ઉપકરણોએ પકડી પાડયા હતાં. પૃથ્વી પરની આ પ્રથમ ઘટના છે. જેમાં ગુરુત્વાકર્ષણના તરંગોની ''સીધી'' ડાયરેક્ટ સાબિતી મળી છે.
 બ્રહ્માંડનાં બાયનરી બ્લેક હોલ્સે ગુરુત્વાકર્ષણના તરંગો વડે લીગોનાં વૈજ્ઞાનિકો સાથે સીધો જ વાર્તાલાપ કર્યો છે. અત્યાર સુધી બ્લેક હોલ્સની હાજરીનાં અદ્રશ્ય પુરાવાઓ જરૃર મળ્યા હતાં. પરંતુ કોઈ પણ વૈજ્ઞાનિક એ વાત જાણતો ન'હતો કે જો બે વિશાળકાય બ્લેક હોલ્સ/ શ્યામ વિવર એકબીજા સાથે ટકરાઈને એકમેકમાં ઓતપ્રોત થઈ જાય તો અતિ-વિશાળકાય બ્લેકહોલ બને.   ગુરુત્વાકર્ષણના તરંગોની આગાહી ૧૦૦ વર્ષ પહેલા થઈ હતી અને, ગુરુત્વાકર્ષણના તરંગો પકડી પાડવાનાં યંત્રની ડિઝાઇન વૈજ્ઞાનિકોએ ૪૦ વર્ષ પહેલાં આપી હતી. ઘટનામાં જોવા મળેલ બે બ્લેક હોલમાંથી એકનું દ્રવ્ય આપણી સૂર્યમાળાનાં સમગ્ર દ્રવ્યથી ૧૯ ગણું વધારે હતું. જ્યારે બીજાનું દ્રવ્ય/પદાર્થ સૂર્યમાળાનાં પદાર્થ કરતાં ૩૬ ગણું વધારે છે. બંને એકબીજામાં ભળી જતાં તેમનો દ્રવ્યનો સરવાળો ૬૦ સૂર્યમાળાનાં દ્રવ્ય કરતાં ૬૨ ગણો વધારે થયો છે. જેમાંથી ઉદ્ભવેલાં ગુરુત્વાકર્ષણના તરંગોને પૃથ્વી પર આવેલી ''લીગો''નાં લિવીંગસ્ટન અને હેન્ડફોર્ડ ખાતે આવેલા ડિરેક્ટરોએ સાત મિલી સેંકન્ડનાં તફાવતથી શોધી કાઢ્યા હતાં.

યશસ્વી શોધનાં હક્કદાર :- લીગો ઓબ્ઝરવેટરી


ગુરુત્વાકર્ષણના તરંગોની શોધ અને સંશોધન માટે વિશ્વની અનેક સંસ્થાઓ અને વૈજ્ઞાનિકો પ્રયત્નો કરી રહ્યા હતાં. થોડા સમય પહેલાં ''માઇક્રોવેવ કોસ્મીઝ બેકગ્રાઉન્ડ રેડિયેશન''ની તસવીરમાં જોવા મળેલા અસામાન્યતાનાં આધારે વૈજ્ઞાનિકો એ ગુરુત્વાકર્ષણના તરંગો શોધી કાઢ્યાની જાહેરાત કરી હતી, પરંતુ તે સાચી પુરવાર થઈ ન હતી. આ વખતે લીગો ઓબ્ઝરવેટરી દ્વારાં વૈજ્ઞાનિકોએ પ્રેવિટેશનલ વેવ્ઝ શોધ્યાનો 'ડાયરેક્ટ' દાવો કર્યો છે. જે લગભગ સાચો સાબિત થાય તેમ છે. 'ગુરુત્વાકર્ષણના તરંગો' શોધવાનો ખરો શ્રેય આપવાનો હોય તો, 'લીગો' ઓબ્ઝરવેટરીનાં ઉપકરણોને આપવો જોઇએ જેણે ખૂબ જ ઝીણું કાંતીને ઘાસની વિશાળ ટેકરીમાંથી ગુરુત્વાકર્ષણના તરંગો જેવી ટાંકણી શોધી કાઢી છે. લીગોનું લાંબું નામ લેસર ઇન્ટરફેરોમીટર ગ્રેવીટેશનલ વેવ્ઝ ઓબ્ઝરવેટરી (ન્ૈંય્ર્ં) છે. જેનો પાયો ખ્યાતનામ વૈજ્ઞાનિક કિપ થોર્મ અને રોનાલ્ડ ફ્રેવરે નાખ્યો હતો. ભૌતિકશાસ્ત્રી કિપ થોર્મ તેનાં 'હોલીવૂડ' કનેકશનનાં કારણે ચર્ચામાં રહે છે. ગયા વર્ષે આવેલી 'ઈન્ટરસ્ટેલર' હોલીવૂડ ફિલ્મનાં કારણે પણ તેઓ સમાચારોમાં ચમક્યા હતો. લીગોનાં બાંધકામમાં અમેરિકાની નેશનલ સાયન્સ ફાઉન્ડેશન, બ્રિટનની સાયન્સ એન્ડ ટેકનોલોજી ફેસિલિટી કાઉન્સીલ, જર્મનીની મેક્સ પ્લાંન્ડ સોસાયટી અને ઓસ્ટ્રેલિયન રિસર્ચ કાઉન્સીલનું ભંડોળ અને ભાગીદારી કામે લાગેલ છે. ૨૦૦૨થી ૨૦૧૦માં કાર્યરત રહેલ લીગોને, ગુરુત્વાકર્ષણના તરંગોની ભાળ મળી ન'હતી. અપગ્રેડ માટે વેધશાળા બંધ રહી હતી. ૧૪-૧૮ સપ્ટેમ્બર ૨૦૦૮નાં રોજ અહીં ગુરુત્વાકર્ષણના તરંગોનાં સિગ્નલ ઝડપી પાડવામાં આવ્યા હતાં. જેની જાહેરાત તાજેતરમાં ફિજીકલ રિવ્યુ લેટર્સ અને વોશિંગ્ટનમાં પ્રેસ કોન્ફરન્સમાં ''લીગો'' દ્વારા કરાઈ.
ઇન્ડીયન ઈનિશિએટીવ ઇન ગ્રેવિટેશનલ વેવ્ઝ- ''ઇન્ડીગો'' અને 'લીગો' વચ્ચે એક પ્રસ્તાવ રચાયોે છે. ભવિષ્યમાં ભારતમાં 'લીગો'નું વર્લ્ડ કાગસ ડિરેક્ટર ધરાવતી 'લીગો-ઇન્ડીયાં' વેધશાળાની સ્થાપના થવાની સંભાવનાં છે.

ગ્રેવિટેશનલ એસ્ટ્રોનોમી : ભવિષ્યની આશા


એક બેહદ અભૂતપૂર્વ કહેવાય તેવી બ્લેક હોલની ટકરામણ અને એકબીજામાં સમાઈ જવાની ઘટના લીગોનાં ડિટેક્ટરોએ શોધી કાઢી છે. બ્રહ્માંડમાં બનતી ઘટનાનાં સાબિતી જેવાં ઇલેકટ્રો-મેગ્નેટિક રેડિયેશન અને દ્રશ્યમાન પ્રકાશ વારંવાર માર્ગમાં આવતાં અવકાશીપિંડ, અવકાશી ડસ્ટ અને વાયુનાં કારણે અટવાઈ જાય છે. જ્યારે ગુરુત્વાકર્ષણના તરંગોને આવી મર્યાદા નડતી નથી. આ કારણે હવે ગુરુત્વાકર્ષણના તરંગો આધારીત ખગોળશાસ્ત્રનો વિકાસ થવાની સંભાવના વધારે છે.
વૈજ્ઞાનિકો ગુરુત્વાકર્ષણના તરંગો વડે બ્લેક હોલની સંપૂર્ણ જન્મ કુંડળી બનાવી શકે તેમ છે. એ જ રીતે ન્યુટ્રોન સ્ટારનાં અભ્યાસમાં ગુરુત્વાકર્ષણના તરંગો ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે. ન્યુટ્રોન સ્ટાર મગજને ચકરાવે ચડાવી દે તેવું તારાનું બળી ગયા બાદ બચેલ હાડપિંજર છે. જેમાં એક ચમચી જેટલાં દ્રવ્યનું વજન પૃથ્વી પર અબજો ટન થઈ શકે છે. ન્યુટ્રોન સ્ટારમાં સામાન્ય 'દ્રવ્ય'માં એવું શું બને છે કે તેનું વજન ખૂબ જ વધી જાય છે ? આ સવાલનો જવાબ ગુરુત્વાકર્ષણના તરંગો આપી શકે છે. આ ઉપરાંત બ્રહ્માંડનાં અદ્રશ્ય પદાર્થ-ડાર્ક મેટરનાં રહસ્ય ખોલવામાં પણ ''ગ્રેવિટેશનલ વેવ્ઝ'' કામિયાબ નિવડે તેમ છે. જેનાં માટે ભવિષ્યમાં અતિ-અતિ-સંવેદનશીલ 'ડિરેક્ટર' વિકસાવવા પડશે. જે અતી નબળા જણાતા ''ગ્રેવિટેશનલ તરંગો''ને અલગ તારવી શકે.

૧૦૦ વર્ષ પહેલાં કોઈ પણ કમ્પ્યુટરની મદદ વગર આઇનસ્ટાઇને કરેલું ગ્રેવિટેશનલ વેવ્ઝનું અનુમાન સાચુ ઠર્યુ

ગુરુત્વાકર્ષણના તરંગોની શોધ : સામાન્ય માનવી એ કઈ રીતે સમજવી ?


સામાન્ય માણસ માટે સમજદારીપૂર્વકની વાત 'આટલી જ' સરળ છે. ગુરુત્વાકર્ષણના તરંગો વિશે આલ્બર્ટ આઇનસ્ટાઇને તેનાં જગવિખ્યાત સાપેક્ષતાવાદનાં થિયરીમાં વણી લીધા હતાં. ગુરુત્વાકર્ષણ બળની પરોક્ષ અસર બ્રહ્માંડનાં દરેક પદાર્થ ઉપર વરતાતી જોવા મળે છે. પરંતુ ગુરુત્વાકર્ષણનું બળ કઈ રીતે કામ કરે છે. એ સમજવું હોય તો ''ગુરુત્વાકર્ષણના તરંગો'' તેનો મુખ્ય આધાર છે. ગુરુત્વાકર્ષણના તરંગોનાં કારણે આપણે બ્રહ્માંડને અલગ રીતે અને આશા દ્રષ્ટિથી નિહાળી શકતાં હતાં. બ્રહ્માંડને આપણે દ્રશ્યમાન પ્રકાશનાં ઉપયોગથી ટેલિસ્કોપ વડે નિહાળ્યું છે. વિવિધ ઇલેકટ્રોમેગ્નેટિક રેડિયેશનથી નિહાળ્યું છે. હવે ગુરુત્વાકર્ષણનાતરંગોનાં આધારે બ્રહ્માંડને નિહાળી શકીશું.
જો દ્રશ્યમાન પ્રકાશની રીતે વાત કરીએ તો, હવે આપણું બ્રહ્માંડ પારદર્શક નથી. અપારદર્શક છે. હવે મનુષ્ય ગુરુત્વાકર્ષણના તરંગો નિહાળી શકે છે. તો, પ્રકાશની મદદથી બ્રહ્માંડનો જે ભૂતકાળ આપણે જાણી શક્યા નથી. એ ભૂતકાળ ગુરુત્વાકર્ષણના તરંગો વડે જાણી શકાશે. અત્યાર સુધી પૃથ્વી પરનો માનવી અવકાશીપિંડોની હાજરી માત્ર તેણે મુક્ત કરેલ ઇલેકટ્રોમેગ્નેટિક રેડિયેશનથી જાણી શકતા હતાં. આ રેડિયેશનમાં દ્રશ્યમાન પ્રકાશ, એક્સ-રે, ગામી રે, અને માઇક્રોવેવ બેક ગ્રાઉન્ડ રેડિયેશનનો સમાવેશ થાય છે.
બ્રહ્માંડનાં કેટલાંક પદાર્થ એવા છે. જે ઇલેકટ્રોમેગ્નેટિક રેડિયેશન મુક્ત કરતા નથી પરંતુ પુષ્કળ....અધધધ....થઈ જવાય તેટલી માત્રામાં ગુરુત્વાકર્ષણ બળ મુક્ત કરે છે. ''બ્લેક હોલ'' આવો જ બ્રહ્માંડનો પદાર્થ છે. બ્રહ્માંડની શરૃઆતને જો બંદૂક નો ધડાકો ગણીએ તો, ગુરૃત્વાકર્ષણ એ ધડાકામાં પેદા થયેલ ધૂમાડો છે. ધુમાડાની માત્રા ઉપરથી ધડાકાની તીવ્રતા નક્કી થઈ શકે તેમ છે. હવે બ્રહ્માંડનો અદ્રશ્ય પદાર્થ ગુરુત્વાકર્ષણના તરંગોનાં કારણે વિજ્ઞાનીઓ માટે ''દ્રશ્યમાન'' બનશે. કારણ કે ગુરુત્વાકર્ષણનાતરંગો કોઇપણ પદાર્થમાંથી પસાર થાય તેઓ બદલાતા નથી. દ્રશ્યમાન પ્રકાશ ઉપર બ્રહ્માંડનાં અન્ય પદાર્થો અસર કરે છે. ગુરુત્વાકર્ષણનાતરંગો પોતાની પ્રકૃતિ બદલ્યા વિનાં બ્રહ્માંડનાં ખૂણે ખૂણે પ્રસરી શકે છે.

ફેક્ટ ફાઇલ : આઇનસ્ટાઇનથી 'લીગો'


* ગ્રેવિટેશન વેવ્ઝની સંકલ્પના આલ્બર્ટ આઈનસ્ટાઈને તેની જનરલ થિયરી ઓફ રિલેટીવિટી દ્વારા આપી હતી.
* પ્રવેગી આંકાશીપિંડ ગુરુત્વાકર્ષણના તરંગો પેદા કરે છે જે પ્રકાશની ઝડપે મુસાફરી કરે છે.
* ભેગા થતાં બ્લેક હોલ્સ અને ન્યુટ્રોન સ્ટાર્સમાંથી ગુરુત્વાકર્ષણના તરંગોની સીધી સાસિતી મળી શકે છે. તાજેતરમાં એકબીજામાં ભળી જાય તેવાં બાયનરી બ્લેક હોલ્સમાંથી જ વૈજ્ઞાનિકોએ ગુરુત્વાકર્ષણનાતરંગોની પ્રથમ સીધી ખોજ કરી છે.
* ગુરુત્વાકર્ષણના તરંગો પ્રકાશનાં તરંગોને પણ ખલેલ પહોંચાડે છે. ગમે તેવો વિશાળ બ્લેક હોલ માંથી ગુરુત્વાકર્ષણના તરંગો પસાર થાય તો પણ તેમનાંમાં કોઇપણ પ્રકારની ખલેલ પહોંચતી નથી.
* સ્ટીફન હોકિંગ, (જે જીવંત આઇનસ્ટાઇન ગણાય છે.) તેઓ બ્લેક હોલનાં નિષ્ણાંત ગણાય છે તેમણે ગુરુત્વાકર્ષણના તરંગોની શોધને વિજ્ઞાન ઇતિહાસની મહાન ઘટના અને મહત્ત્વની ક્ષણો તરીકે ઓળખાવી છે.
* ગુરુત્વાકર્ષણના તરંગોનાં કારણે બ્રહ્માંડને જોવાનો અને સમજવાનો દ્રષ્ટીકોણ બદલાઈ જશે.
* આલ્બર્ટ આઇનસ્ટાઇને તેની જનરલ થિયરી ઓફ રિલેટીવિટી લખી ત્યારે તેનાં મુખ્ય બે હિરો હતાં માયકલ ફેરાડે અને જેમ્સ મેકલવેલ પ્લાંન્ક
* લીગો દ્વારા ગુરુત્વાકર્ષણના તરંગોની જે નોંધ લેવાઈ છે. તે અવલોકનોનું નામ GW૧૫૦૯૧૪ છે.
* બ્લેક હોલ્સની સમજ આપતું ફિલ્ડ ઇક્વેશન ૧૯૧૬માં સ્વાર્ઝ ચાઇલ્ડે પ્રકાશિત કર્યું હતું.
* ૨૦૧૬માં થયેલ એસ્ટ્રો ફિજીકલનું આધુનિક સંશોધન બતાવે છે કે ''ડાર્ક મેટર''નાં કારણે ગુરુત્વાકર્ષણના તરંગોમાં વિકૃતિ પેદા થઈ શકે છે. જેનો હજી સુધી કોઈ સીધો પુરાવો મળ્યો નથી.

Tuesday 16 February 2016

ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન

માનવ સર્જીત દુનિયાનું સૌથી મોંઘું બાંધકામ


પૃથ્વીની પ્રદક્ષિણા કરનાર દુનિયાનો સૌથી વિશાળ કૃત્રિમ ઉપગ્રહ

આજકાલ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન બ્રિટનનાં સમાચારોમાં છવાયેલું છે. કારણ સ્પષ્ટ છે. પ્રથમ બ્રિટિશ નાગરીક ૧૫ ડિસે.નાં રોજ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર પહોંચ્યો છે. છ મહિના તેઓ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇ એસ એસ) ઉપર રહેશે. યુરોપિઅન સ્પેસ એજન્સીએ બ્રિટીશ નાગરીક ટીમ પિકને આઇએસએસ પર મોકલ્યો છે. ટીમ પીક બ્રિટીશ આર્મીમાં મેજરનો હોદ્દો ધરાવતા હતાં. ૨૩ ડિસે.નાં રોજ પ્રોગ્રેસ ૬૨ કાર્ગોશીપ ૨.૮૦ ટન કરતાં વધારે ખોરાક, બળતણ અને બીજો સપ્લાય સમાન લઇન ISS  સાથે જોડાણ કરવામાં સફળ રહ્યું હતું. પ્રોગ્રેસ કાર્ગો શીપનું જોડાણ થયું તે પહેલાં, ISS  પર રહેતાં અંતરિક્ષયાત્રી સ્કોટ કેલી અને ટીમ કોપ્રાઅ ISS  માંથી બહાર નિકળીને ૩ કલાક એસેમ્લી અને મેઇન્ટેનન્સ ઓપરેશન કર્યું હતું. ISS  માટે આ અણધાર્યું અને આયોજન વિહીન સમારકામ હતું. સ્પેસ સ્ટેશનને રિપેર કરવા માટે ૧૯૧મી સ્પેસ વોક સ્કોટ કેલી અને ટીમ કોપ્રાએ કરી હતી. બ્રિટીશ નાગરીક હાલ ISS  ઉપર પહોંચ્યો હોવાથી, બ્રિટનનાં આકાશમાં નરી આંખે સ્પેસ સ્ટેશન ક્યારે દેખાશે તેનું સમયપત્રક, સમાચાર પત્રો છાપી રહ્યાં છે. લોકો બસ એટલું જાણે છે કે ISS  અંતરીક્ષમાં ફરતી એક પ્રયોગશાળા છે. જો ISS ને પુરેપૂરૃં જાણે  તો તમારૃં આશ્ચર્ય બેવડાઇ જશે !

ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન  ફેક્ટ ફાઇલ
પૃથ્વી પર સર્જન પામેલો, વિશ્વનું સૌથી મોંઘું બાંધકામ એટલે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન. પૃથ્વીની સપાટીથી લગભગ ૪૦૦ કી.મી.એ તે કલાકનાં ૨૭ હજાર (યસ, રીપીટ ૨૭ હજાર કી.મી.) પ્રતિ કલાકની ઝડપે પૃથ્વીની પ્રદક્ષિણા કરી રહ્યું છે. અત્યાર સુધી ISS સીધી લીટીમાં મુસાફરી કરતું હોત તો ૨.૫૦ અબજ કી.મી. દૂર પહોંચી ગયું હોત. છેલ્લા ૧૫ વર્ષોથી એ અનેક અંતરિક્ષયાત્રીઓનું ''હોમ'' બની રહ્યું છે. માત્ર ૯૩ મિનિટમાં તે પૃથ્વીનું એક ચક્કર પૂરું કરી લે છે. એક દિવસમાં ૧૫ વાર પૃથ્વીની પ્રદક્ષિણા ISS  કરે છે. જેનાં બાંધકામ પાછળ ૧૫૦ અબજ ડોલર ખર્ચાયા છે. ૧૦૯ મીટર પહોળુ અને ૭૩ મીટર લાંબુ ૈંજીજી એક ફૂટબોલ પિચ જેટલું છે. તેનું વજન ૪૦૦ ટન છે. અંતરિક્ષમાં માનવીની હાજરીનો સૌથી લાંબો સમયગાળો ISS નાં નામે નોંધાયેલો છે. ISS  ૧૫ વર્ષ ૫૩ જેટલાં દિવસથી અંતરિક્ષમાં છે. રશિયાનાં 'મિર' સ્પેસ સ્ટેશનનો રેકોડ ISS  દ્વારા તૂટયો છે. ૈંજીજી અંતરિક્ષમાં ૯ વર્ષ અને ૩૫૭ વર્ષ રહ્યું હતું. અત્યાર સુધી ૧૭ જેટલાં રાષ્ટ્રનાં નાગરિકો  ૈંજીજી ની મુલાકાત લઇ ચુક્યાં છે. તેનું કદ એટલું વિશાળ છે કે નરી આંખે તેને પૃથ્વી પરથી નિહાળી શકાય છે. તેને જોવા યોગ્ય સમયે, યોગ્ય સ્થળે તમારી હાજરી હોવી જરૃરી છે. સ્પેસ સ્ટેશનના બાંધકામ અને સંચાલનમાં નાસા, રોસકોસમોસ, જાક્ષા, એસા અને ભજીછ જેવી અંતરિક્ષ સંસ્થાનો સહયોગ રહેલો છે. સ્ટેશનને બે ભાગમાં વહેંચી નાખવામાં આવ્યું છે. અમેરિકન ઓરબીટસ સેગમેન્ટ (USOS) અને રશિઅન ઓરબીટલ સેગમેન્ટ (ROS). સત્તાવાર માહિતી પ્રમાણે ISS ૨૦૧૪ સુધી કાર્યરત રહેશે. વિશ્વનાં અગ્રણી દેશો નવા સ્પેસ સ્ટેશન માટે આયોજન કરશે. ત્યારબાદISS નિવૃત્ત થઇ જશે. ISS નાં અગત્યનાં મોડયુલની માહિતી મેળવીએ.

ડેસ્ટીની
નાસા માટેની સંશોધનની પ્રાથમિક સુવિધાઓ ડેસ્ટીની ધરાવે છે. અહીંની સેવાઓ 'નફો' લીધો વિના અન્ય રાષ્ટ્રને આપવામાં આવે છે. તેમાં ૨૪ જેટલા રેક છે. જેમાં વિવિધ 'પેલોડ' ગોઠવવામાં આવે છે. આ મોડયુલની ખાસીયત તેની ૧૫૧ સે.મી.ની ઓપ્ટીકલ બારી છે. જેમાંથી પૃથ્વીની તસ્વીરો અંતરિક્ષયાત્રીઓ લઇ શકે છે.
 
ક્વેસ્ટ 
ક્વેસ્ટ એ અમેરિકાની એરલોક સિસ્ટમ ધરાવે છે. સ્પેસ વોક માટે અંતરિક્ષયાત્રી તેનો ઉપયોગ કરે છે. તેમાં બે ભાગમાં લોકીંગ સિસ્ટમ વિકસેલી છે. સ્પેસ સ્યુટ અને સાધનો અહીં રાખવામાં આવે છે. અહીનું વાતાવરણ અલગ રીતે નિયંત્રિત કરવામાં આવે છે. અહીં અંતરિક્ષયાત્રી સુઇ જાય છે. શ્વાસમાં ઓછી માત્રાવાળા નાઇટ્રોજનયુક્ત ગેસ છે. દબાણ અચાનક ઘટી જતાં, જે બેચેની લાગે તેને દૂર કરવા માટેની લો-પ્રેસર સ્યુટ વ્યવસ્થા પણ અહીં છે.
 
પીર અને પોશ્ક 
આ રશિયાનું વિશિષ્ટ ડૉકીંગ મોડયુલ છે. જેમાં બે એકસરખા ડૉકીંગ હેમ છે. રશિયાનાં ક્વેસ્ટ જેવું નામ આ મોડયુલ આપે છે. સોયુઝ અને પ્રોગ્રોસ સ્પેસ ક્રાફટ સાથેના જોડાણ માટે તેનો ઉપયોગ થાય છે. એક વાર ગિર સ્ટેશન સ્ટેશન સાથે જોડાણ કરવામાં, બહારનો ઓપનિંગ લેંચ નિષ્ફળ જતાં સમસ્યા સર્જાઇ હતી. એન્જીન માટેનાં પ્રવાહી બળતણની ઓટોમેટીક  ટ્રાન્સફર કરવાની વ્યવસ્થા  અહીં ગોઠવેલી છે.
 
હાર્મની 
અમેરિકાનું વિવિધ સેવાઓ માટેનું યુટીલીટી મોડયુલ 'હાર્મની' છે. તેમાં ચાર રેક છે. તે વિદ્યુત સપ્લાય પુરો પાડે છે. ઈલેકટ્રોનિક ડેટા માટે કેન્દ્રવર્તી મોડયુલનું કામ કરે છે. તેની સાથે જાપાની પ્રયોગશાળા કીબો અને યુરોપીઅન સ્પેસ એજન્સીની પ્રયોગશાળા કોલંબસ જોડાએલી છે. અહીં વિવિધ પ્રકારનાં પ્રયોગો થાય છે.

ઝાર્યા
અંતરીક્ષમાં ગયેલ ISS નું પ્રથમ મોડયુલ એટલે ''ઝાર્યા'' છે. તેનું બાંધકામ રશિઅન કંપનીએ કરેલું છે. માલીકી અમેરિકાની છે. હાલમાં તેનો ઉપયોગ સ્ટોરેજ માટે થાય છે. તેનું ટેકનીકલ નામ ફંકશન કાર્ગો બ્લોક છે. તેનું વજન ૧૯ ટન જેટલું છે. અંતરિક્ષમાં તેનું બાંધકામ ૧૯૯૪માં શરૃ થયું હતું અને જાન્યુ. ૧૯૯૮માં પૂરૃ કરવામાં આવ્યું હતું. પ્રોટોન રોકેટ દ્વારા, બૈકોનોર (રશિયા)થી તેને અંતરિક્ષમાં ધકેલવામાં આવ્યું હતું. તેની સાથે ત્યાર બાદ યુનિટી મોડયુલ જોડવામાં આવ્યું હતું.
 

યુનિટી
સ્પેસ સ્ટેશનનાં ત્રણ મહત્વનાં મોડયુલમાંનું એક મહત્વનું મોડયુલ યુનિટી છે. ગોળ નળાકાર જેવું મોડયુલ, અમેરિકા દ્વારા બાંધવામાં આવેલ પ્રથમ મોડયુલ છે. તેમાં લાઇફ સપોર્ટ સિસ્ટમ, ઈલેક્ટ્રીક સપ્લાય અને વૈજ્ઞાાનિકોને રહેવા માટેની સગવડ પૂરી પાડે છે. તેમાં ૬૦ હજાર કરતાં વધારે મિકેનિકલ આઇટમ છે. ૨૧૬ વિવિધ પાઇપલાઇન પ્રવાહી અને વાયુનું વહન કરે છે. યુનિટીનું વજન ૧૨ ટન જેટલું સ્પેસ શટલ અને રશિઅન મોડયુલ સાથે જોડાણ કરી શકાય તેવી ડૉકીંગ સિસ્ટમ પણ તેમાં છે.

ટ્રાન્ક્વીલીટી 
અમેરિકાનું ત્રીજું અને છેલ્લું મોડયુલ છે. જેમાં અંતરિક્ષયાત્રીઓ માટે વધારાની લાઇફ સપોર્ટ સિસ્ટમ ગોઠવેલી છે. તેની સાથે 'લિઓનાર્દો' નામની કાર્ગો 'બે' સિસ્ટમ જોડાયેલી છે. બીજા છેડે ''કુપોલો'' મોડયુલ છે. ટ્રાન્કવીલીટીની છ બર્થમાંથી ચાર બર્થ વપરાય છે. બાકીની બે ઉપયોગમાં લેવાતી નથી.

ઝવેઝદા 
ઝવેઝદાનો અર્થ થાય 'સ્ટાર' તારો. તે રશિયન સર્વિસ મોડયુલ છે. કાયમી ધોરણે અંતરિક્ષયાત્રીઓ માટે રહેઠાણ પૂરૃ પાડે છે. છ વ્યક્તિ તેમાં રહી શકે છે. તેમાં રહેલ કોમ્પ્યુટર સિસ્ટમ વડે સ્પેસ સ્ટેશનનું સંચાલન થઇ શકે છે. તેનું બાંધકામ ૧૯૮૫માં પૂરૃ કરવામાં આવ્યું હતું. તેમાં વિવિધ સેવાઓ ૧૯૮૬માં લગાવવામાં આવી હતી. મુસાફરીની દિશાને અનુલક્ષીને કહીએ તો તે, પાછળનાં ભાગમાં આવેલ મોડયુલ છે. સ્ટેશનને વધારાનો બુસ્ટ કે થ્રસ્ટ આપવા તેમાં ખાસ એન્જીન પણ  લાગેલાં છે.

કોલંબસ
યુરોપિયન સ્પેસની રિસર્ચ લેબોરેટરી એટલે કોલંબસ. તેમાં જીનેટીક લેબોરેટરી છે. જીવવિજ્ઞાાન, જૈવ-તબીબી સંશોધન અને 'તરલ ભૌતીકી'ને લગતા પ્રયોગો   થાય છે. તેની સાથે બહાર અન્ય પ્રયોગોનાં ઉપકરણો છે. ક્વૉન્ટમ ફીજીક્સ અને કોસ્મોલોજીનાં અભ્યાસ માટે અહીં સુવિધાઓ વધારવાનું આયોજન થઇ રહ્યું છે.

કીબો 
સ્પેસ સ્ટેશનનું સૌથી મોટું મોડયુલ એટલે જાપાનની પ્રયોગશાળા ''કીબો'' છે. અંતરિક્ષ તબીબી શાસ્ત્ર, જીવવિજ્ઞાાન, પૃથ્વીનાં અવલોકન, નવાં મટીરીઅલનું ઉત્પાદન, બાયોટેકનોલોજી, વગેરેનાં પ્રયોગો કરવાની અહીં સુવિધા છે. અહીં વનસ્પતિ અને માછલીઓને ઉછેરવા માટેની સુવિધા છે. અહીં ખાસ પ્રકારનું એક્સ રે ટેલીસ્કોપ અંતરિક્ષનું ધ્યાન રાખે છે. વિશાળ બ્લેક હોલ, તારાને ગળી જતો હોય તેવી દુર્લભ તસવીર આ ટેલીસ્કોપે ખેંચી હતી.
કુપોલો 
કુપોલો પૃથ્વીને નિહાળવા માટેની સાત બારીવાળી વેધશાળા છે. અન્ય સ્પેસક્રાફ્ટ સાથે જોડાણ કરવાની વ્યવસ્થા પણ કુપોલોમાં છે. કુપોલો ઈટાલીઅન શબ્દ છે. જેનો અર્થ થાય, ''ડૉમ''. નાસા અને બોઇંગ દ્વારા તેની શરૃઆત કરવામાં આવી હતી. બજેટની સમસ્યા બાદ કુપોલોનો વિકાસ યુરોપીઅન સ્પેસ એજન્સીએ કર્યો હતો. તેની સાથે રોબોટીક વર્ક સ્ટેશન જોડાએલું હોય છે. તસ્વીરોમાં દેખાતો રોબોટીક આર્મ કુપોલો સાથે જોડાએલો હોય છે. વચ્ચોવચ ૮૦ સે.મી.ની ગોળ બારી છે.

સજીવ સૃષ્ટિના સામૂહિક નિકંદનની શરુઆત થઈ ચૂકી છે

પૂરી પૃથ્વી પર સજીવોની અનેક પ્રજાતિઓ આપણી જાણ બહાર નષ્ટપ્રાયઃ થઈ રહી છે. મનુષ્યના આગમન બાદ પૃથ્વી પર પ્રજાતિના વિનાશનો વેગ બમણો થઈ ગયો છે. પૃથ્વી પર એક સાથે ઘણી બધી પ્રજાતિઓનો વિનાશ થઈ જાય છે તે ઘટનાને અંગ્રેજીમાં 'માસ એક્સટીન્કશન' એકસટીકન્શન ઇવેન્ટ અથવા બાયોટીક સાઇસીસ તરીકે ઓળખાય છે. અત્યાર સુધી પૃથ્વી પર સૌથી મોટાં પાંચ 'માસ એક્લટીક્શન' આવી ચૂક્યા છે. જેને ગુજરાતીમાં 'સામૂહિક વિનાશ' કે મહત્તમ પ્રજાતિની વિલુપ્તીની ઘટના તરીકે ઓળખાવી શકાય. પર્યાવરણનો માનવી જે રીતે દાટ વાળી રહ્યો છે એ મુજબ છઠ્ઠો પ્રજાતિનો સામુહિક પ્રલય જાણે ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. પૃથ્વી પર અચાનક કોઈ વિશાળ ઉલ્કા ટકરાય કે પરમાણુ શસ્ત્રનો ઉપયોગ સજીવોનો સામુહિક વિનાશ નોંધરે તેવી કલ્પના કરવી પણ ભયાનક છે. પૃથ્વીના સજીવોને સામુહિક વિનાશમાંથી બચાવવાનો કોઈ રસ્તો છે ખરો ?

સામુહિક નિકંદનની વાત
આજથી દસ હજાર વર્ષ પહેલાં પૃથ્વી પર 'શીતયુગ - આઇસ એજ' પથરાયો હતો. જેમાં વનસ્પતિ, સ્તનધારી પક્ષીઓ. જીવજંતુઓ, ઉભયજીવી અને પેટે ચાલનારા પ્રાણીઓની સેંકડો પ્રજાતિઓ રોકેટ ગતિએ વિનાશના મુખમાં ધકેલાઈ ગઈ હતી. વૈજ્ઞાાનિકોએ મૂકેલા આધુનિક અંદાજ પ્રમાણે દર વર્ષે ૧.૪૦ લાખ સજીવ પ્રજાતિઓ કાયમ માટે પોતાનું અસ્તિત્વ ગુમાવીને નામશેષ થઈ રહી છે. આંકડો ચોંકાવનારો છે. ખરી સમસ્યા નામશેષ થઈ ગયેલા સજીવોને માથે નથી સમસ્યા મનુષ્યને નડવાની છે જો આપણે પોતાના અસ્તિત્વને ટકાવી રાખવું હોય અને સામુહિક વિનાશમાંથી બચવાના ઉપાય વિચારવા હોય તો ફરીવાર વિચારવાનો સમય પાકી ગયો છે. આપણા આહાર, સ્વચ્છ પાણી, સારા કપડા અને શ્વાસ લેવા જેવી સ્વચ્છ હવા જોઈતી હોય તો દર વર્ષે લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવાની કોશિષ કરવી પડશે.
તાજેતરમાં નેશનલ ઓટોનોમસ યુનિવર્સિટીના પોલએહલીંસ અને જેરાર્ડો સેબોલોસ દ્વારા એક સંશોધન લેખ પ્રકાશિત થયો જેમાં લેખક નોંધે છે કે, પૃથ્વી પર હાલ એવી સામુહિક વિનાશની ઘટના 'સ્લો' મોશનમાં ચાલી રહી છે. ભૂતકાળમાં જેમ ડાયનૌસોરનો વિનાશ થયો હતો તેવી ઘટના ઇતિહાસ રીપીટ કરી રહી લાગે છે.

પર્યાવરણ પ્રશ્નો - જાગ્યા ત્યાંરથી સવાર
૧૯૬૮માં 'ધ પોપ્યુલેશન બોમ્બ' નામનું પુસ્તક પ્રકાશિત થયું હતું ત્યારથી માનવી પર્યાવરણ બાબતે ચિંતિત બન્યો હતો. ૨૦૧૨માં એન્થની બારનોસ્કી નામનો વૈજ્ઞાાનિક 'નેચર' મગેઝિનમાં નોંધે છે કે ભૂતકાળમાં ફોસીલ રેકોર્ડ દ્વારા 'માસ એક્સટીન્ક્શન'નો દર નક્કી કરવામાં આવ્યો હતો તેના કરતા હાલનો પ્રજાતિ વિલુપ્તિનો દર ખૂબ જ વધારે છે. તાજેતરનું સંશોધન કહે છે કે, હાલમાં નષ્ટપ્રાયઃ થઈ ગયેલી ૧૩% જેટલી સજીવોની પ્રજાતિ પાછળ મનુષ્યનો સીધો હાથ છે. પર્યાવરણને બચાવવા માટે પ્રથમ પ્રયત્નરૃપે ૧૯૭૦માં પહેલીવાર 'ધ ફર્સ્ટ અર્થ ડે' મનાવવામાં આવ્યો હતો. ગ્રીનપીસ નામની જગવિખ્યાત કંપનીની સ્થાપના ૧૯૭૧માં થઈ હતી તેના બે દાયકા બાદ ૧૯૯૨માં વિશ્વના ૧૬૮ દેશો ભેગા થયા જેનો મકસદ હતો 'બાયોડાયવર્સિટી બચાવો.
ત્યારથી 'જૈવિક વૈવિધ્ય' પર્યાવરણનો સૌથી 'હોટ ટોપિક' માનવામાં આવે છે. ૨૦૦૪માં મનુષ્યની આહાર સલામતીને ધ્યાનમાં લઈને એક નવા ટ્રસ્ટની શરુઆત કરવામાં આવી જેનો મકસદ હતો અનાજ માટે વપરાતી વનસ્પતિની વિવિધ જાતિઓને વિનાશમાંથી બચાવવી જેના માટે ગ્લોબલ ડ્રોપ ડાયવર્સિટી ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થા ખેતીવાડી માટે જરૃરી અનાજની વિવિધ પ્રજાતિઓ ઉપર નજર રાખી આપણા ભવિષ્યને બગડતું બચાવી રહી છે.

સજીવ સૃષ્ટિમાં મનુષ્ય - સંબંધોની માયાજાળ :
આપણું એટલે કે મનુષ્યનું અસ્તિત્વ કેટલાક સજીવોના અસ્તિત્વ સાથે જોડાયેલું છે. જો તેમનો એક સાથે સામુહિક વિનાશ થઈ જાય તો મનુષ્યનું અસ્તિત્વ પણ ખતમ થઈ જાય. આ રહ્યું તેનું લિસ્ટ :
મધમાખી - દસ કરોડ વર્ષથી વનસ્પતિની 'પરાગરજ'ને લઈને પુષ્પોનું ફલીનીકરણ કરવાનું કામ મધમાખી કરી રહી છે. આજની ખેતીની ૭૦% ખેતપેદાશો માટે 'મધમાખી' જરૃરી છે. જંતુનાશક દવા અને તેમના નિવાસ ક્ષેત્રમાં થઈ રહેલો ઘટાડો 'મધમાખી'ના અસ્તિત્વ સામે ખતરો બની શકે છે.
ચામાચીડીયા - સમશીતોષ્ણ કટિબંધના આહાર ઉત્પાદનમાં મહત્ત્વની ભૂમિકા ચામાચીડીયાની છે. તેઓ ફૂલોને ફલિત કરવાનું કામ કરે છે. ફળોના બિયાને દૂર સુધી ફેલાવવાનું પણ કામ કરે છે. ચામાચીડીયા ફળો ઉપરાંત જીવાતોનું ભક્ષણ પણ કરે છે. જો ચામાચીડીયા ના હોત તો કેળા, કેરી અને ટેકીલા જેવા ફળો ભવિષ્યમાં ચાખી શકીશું નહિ.
કોરલ - પૃથ્વી પરની સૌથી સમૃદ્ધ 'ઇકો સિસ્ટમ' કોરલ રીહા (પરવાળાના ટાપુઓ) છે જેમાં વિશાળ જૈવિક વૈવિધ્ય સચવાઈ રહ્યું છે જેમાં માછલીઓ, મોલાસ્ક, શાર્ક, કાચબા, સ્પોન્જ પોતાનુ અસ્તિત્વ ટકાવી રહ્યા છે. તે દરિયા કિનારાને ઝંઝાવાતથી બચાવે છે પાણીનું તે શુદ્ધીકરણ કરે છે. કાર્બનને પોતાનામાં સાચવી રાખે છે.
પ્લાન્કટોન - તમે શ્વાસ લઈ રહ્યા છો કારણ કે દરિયામાં રહેલ પ્લાન્ક્ટોન ૬૦થી ૬૮ ટકા ઓક્સિજન પેદા કરે છે. જે સીધો વાતાવરણમાં ભળે છે. ઘણા સજીવો કાર્બનને સમુદ્રના તળિયે દફન કરી આપે છે.
ફુગ - ફુગ કુદરતના સફાઈ કામદાર છે. કચરાને તે પોષણક્ષમ આહારમાં ફેરવી આપે છે. વનસ્પતિ અને પ્રાણીઓ માટે અનેક ઉત્પાદન માટે ફૂગનો ઉપયોગ થાય છે.ચીઝ, ચોકલેટ, સોફ્ટ ડ્રીંક અને મહત્ત્વના ઓષધો બનાવવા માટે ફૂગનો ઉપયોગ થાય છે. પેનીસીલીનથી માંડીને કોલેસ્ટેરોલને કંટ્રોલ કરનાર સ્ટેટીન જેવા ઔષધો આપણને ફુગ દ્વારા મળે છે. ફુગનું અસ્તિત્વ જોખમાય તો મનુષ્યએ પોતાના અસ્તિત્વની જોખમી સફર ખેડવી પડે.

સ્વાલબાર્ડ ગ્લોબલ સીડ વોલ્ટ - બિયારણ બેન્ક
આંતરરાષ્ટ્રીય જીનબેંક, ગ્લોબલ ક્રોપ ડાયવર્સિટી ટ્રસ્ટ અને ઇન્ટરનેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટીટયૂટ જેવી સંસ્થાઓ સાથે મળીને ખેતીલાયક 'બિયારણ' બચાવવા માટે પ્રયત્નશીલ છે. ઉપરોક્ત સંસ્થાના સહયોગથી 'સ્વાલબાર્ડ ગ્લોબલ સીડ વોલ્ટ'ની સ્થાપના કરવામાં આવી છે. ઉત્તર ધુ્રવથી ૧૧,૩૦૦ કી.મી. દૂર 'સ્વાલવોર્ડ ગ્લોબલ સીડ વોલ્ટ' સ્થાપવામાં આવી છે. ૨૩૨ દેશોમાંથી ૫૧૦૩ જાતના બિયારણ અહીં સાચવવામાં આવી રહ્યા છે. જેમાંની કેટલીક વનસ્પતિની પ્રજાતિઓ પણ નાશ પામી ચૂકી છે.
સ્વાલબાર્ડની પસંદગી ખાસ એટલા માટે કરવામાં આવી છે કે, અહીંની ભૂમિ સ્ટેબલ છે. આ ભૂમિ પર કાયમ માટે બરફ છવાયેલો રહે છે. સૂર્ય અહીં માત્ર ચાર મહિના માટે ઉગે છે. બિયારણને સાચવી રાખવા જરૃરી તાપમાન અહીં મળી રહે છે. સ્થળ એટલું દૂર છે કે કોઈ તેને ચોરી જવાના કે વોલ્ટને કબજામાં કરવાનું વિચારવાનું માંડી વાળે ! સમુદ્ર સપાટીથી ૧૩૨ મીટરની ઉંચાઈએ 'સ્વાલબાર્ડ વોલ્ટ' આવેલું છે. પૃથ્વી પરનો બધો જ બરફ ઓગળી જાય તો પણ આ સ્થળે સમુદ્રની સપાટી પહોંચી શકે નહિ. ગ્લોબ જીન બેંક, તેના બિયારણના સેમ્પલ ત્રણ અલગ અલગ સ્થળે જાળવી રાખે છ જેમાંનું એક સ્થળ 'સ્વાલબાર્ડ' પણ છે.
'સ્વાલ બાર્ડ વોલ્ટ'ની રચના એવી રીતે કરવામાં આવી છે કે સદીઓ સુધી તેના બાંધકામની કાંકરી પણ ખરે તેમ નથી. આખરે મનુષ્યને ભૂખમરાથી બચાવવો હશે તો અનાજના સારી ગુણવત્તાવાળા બિયારણોને ભવિષ્ય માટે સાચવી રાખવા પડશે.

ફ્રોઝન ઝુ  ભવિષ્યની આશા
માત્ર વનસ્પતિ કે અનાજના 'બિયારણ'ને વૈજ્ઞાનિકો સાચવતા નથી. પ્રાણીઓના અસ્તિત્વ માટે પણ તેઓ એટલા જ ચિંતાતુર છે. દુનિયામાં ડઝનબંધ 'ફ્રોઝન ઝુ' છે જેમાં પ્રાણીઓના જૈવિક વૈવિધ્યને સાચવવા માટે પ્રાણીઓના શુક્રાણુ- અંડકોષ, જીનેટીક મટિરિયલ કે વિવિધ જૈવિક કોષો સાચવી રાખવામાં આવ્યા છે. જેમાંનું પ્રથમ ફ્રોઝન ઝુ અમેરિકાના સાનડિયાઝગોનું છે. જ્યાં ૪૦૦ જાતના પ્રાણીઓના ૮૪૦૦ સેમ્પલ સાચવી રાખવામાં આવ્યા છે. ૧૯૭૬થી તેમને પ્રવાહી નાઇટ્રોજનમાં સાચવી રાખવામાં આવ્યા છે. ભવિષ્યમાં ક્લોનીંગ અથવા ટેસ્ટ ટયુબ બેબી ટેકનિકથી પ્રાણીઓને સજીવ કરી શકાય તેમ છે.
ખરીવાત એ છે કે કુદરતમાં રહેલ સજીવો ેએટલે કે વનસ્પતિ કે પ્રાણીઓને પ્રયોગશાળા, ફોઝન ઝુ કે સીડ વોલ્ટમાં સાચવવાની જગ્યાએ તેમને તેમનૈં કુદરતી પર્યાવરણમાં રાખી તેમનાં સંવર્ધન માટે પ્રયત્ન કરવામાં આવે તો મોટી સફળતા મળી ગણાશે. પર્યાવરણનું રક્ષણ માત્ર મનુષ્યને જ નહી, વનસ્પતિ અને પ્રાણીઓની સેંકડો પ્રજાતીઓને બચાવી શકાશે.

થર્મો-ન્યુકિલયર વેપન્સ

દક્ષિણ કોરિયાનો હાઈડ્રોજન બોમ્બ 'ટેસ્ટ' કર્યાનો દાવો


દક્ષિણ કોરિયાની ઉત્તર પુર્વિય પર્વતમાળામાં યોંગ યાંગ આવેલું છે. મંગળવાર સવારનાં દસ વાગ્યાનો સમય હતો. કેલેન્ડર છઠ્ઠી જાન્યુઆરી ૨૦૧૬નો દિવસ બતાવતું હતું. યોંગયાંગની આસપાસનાં વિસ્તારનાં લોકોને લાગ્યું કે જાણે ધરતી ધુ્રજી ઉઠી હતી. નજીકનાં દેશનાં સિસ્મોગ્રાફમાં ધુ્રજારીઓની નોંધ થઈ ચુકી હતી.
અવલોકનકારો ધુ્રજારીનાં ગ્રાફ જોઈ જાણી ચુકયા હતાં કે ધરતી ધુ્રજ્યાનાં સીગ્નલ કુદરતી નહીં પરંતુ, કૃત્રીમ હતાં. લોકો ધુ્રજારીનાં કેન્દ્રની માહિતી મેળવે તે પહેલાં જ દક્ષિણ કોરિયાની સરકારે વિધીવત જાહેરાત કરી કે તેમણે 'હાઈડ્રોજન બોમ્બ'નું સફળ પરિક્ષણ કર્યું છે. ટેકનિકલ ભાષામાં હાઈડ્રોજન બોમ્બને 'થર્મો-ન્યુકિલયર વેપન્સ' અથવા 'ફયુઝન બોમ્બ' કહે છે. ટુંકમાં તે 'એચ-બોમ્બ' તરીકે પણ ઓળખાય છે. કોરિયાએ કરેલ હાઈડ્રોજન બોમ્બ વિસ્ફોટ, વિશ્વનો પ્રથમ ધડાકો ન હતો. આ પહેલાં તેનો ઇતિહાસ અમેરિકાએ લખવાની શરૃઆત કરી હતી અને... રશિયાએ 'કોલ્ડ વોર'નાં જમાનામાં પાછળ રહે તેમ ન'હતું. આજથી ૬૩ વર્ષ પહેલાં અમેરિકાએ પ્રથમ 'એચ-બોમ્બ'નો ટેસ્ટ કર્યો હતો. ત્યારબાદ રશિયા, ચીન, ફ્રાન્સ અને બ્રિટને 'હાઈડ્રોજન બોમ્બ' બનાવી ફોડી બતાવ્યા હતા. ઉત્તર કોરિયાએ ખરેખર એચ-બોમ્બનો વિસ્ફોટ કર્યો છે કે તેનું સુરસુરીયુ થઈ ગયું ?

ન્યુકલીયર વેપન્સ પ્રાથમિક માહિતી
ખરા અર્થમાં તેને નાયિકીય હથિયાર કહેવા જોઈએ, પરંતુ તેને પરમાણુ શસ્ત્ર કહેવામાં આવે છે. જેમાં પરમાણુનાં નાભિકેન્દ્રમાં રહેલ બ કણો વચ્ચેનાં 'સ્ટ્રોમ ફોર્સ'નો ઉપયોગ કરવામાં આવે છે. સ્ટ્રોંગ ફોર્સ અતિ અતિ સુક્ષ્મ અંતર ઉપર જ લાગુ પડે છે. ગુરૃત્વાકર્ષણ કરતાં તે ૧૦-૩૮ ગણુ વધારે શક્તિશાળી છે. (એકની પાછળ ૩૮ મીંડા જેટલી મોટી સંખ્યા). નાભિકેન્દ્રમાં રહેલાં પ્રોટોન-ન્યુટ્રોન જેવાં કણોને બાહ્ય બળ વડે તોડીને અલગ કરવામાં આવે તે પ્રક્રિયાને 'ફિશન' એટલે કે વિખંડન કહે છે. જ્યારે બે પરમાણુનાં નાભી કેન્દ્રને ભેગા કરી, મોટા નાભીકેન્દ્રમાં ફેરવવામાં આવે ત્યારે 'ફયુઝન' એટલે કે સંલગ્ન થયુ ગણાય. એટમ બોમ્બ તરીકે ઓળખાતા એ-બોમ્બ ફિશન એટલે કે વિખંડન પ્રક્રીયા આધારીત હોય છે. જ્યારે થર્મોન્યુકલીયર વેપન્સ એટલે કે હાઈડ્રોજન બોમ્બ (એચ-બોમ્બ) 'ફયુઝન' પ્રક્રિયા આધારીત બોમ્બ છે. જેમ આપણાં સુર્યમાં હાઈડ્રોજનનાં બે નાભીકેન્દ્ર વચ્ચે ફયુઝન-સંલગ્ન થઈ હિલીયમનું નાભી કેન્દ્ર બને છે. તેવી રીતે જ હાઈડ્રોજન બોમ્બમાં હાઈડ્રોજનનાં નાભી કેન્દ્ર એક બીજા સાથે જોડાઈને હીલીયમનાં નાભી કેન્દ્રમાં ફેરવાઈ જાય છે. 'ફિશન' હોય કે 'ફયુઝન' બંને પ્રક્રિયામાં પુષ્કળ ઉર્જા મુક્ત થાય છે. જે વિનાશક હોય છે.
હાઈડ્રોજન બોમ્બ, ફયુઝન પ્રક્રીયા આધારીત છે. ફિશન કરતાં ફયુઝન પ્રક્રીયામાં ખુબજ વધારે ઉર્જા મુક્ત થાય છે. આ કારણે એટમ બોમ્બ કરતાં હાઈડ્રોજન બોમ્બ વધારે શકિતશાળી અને વિનાશક ગણાય છે. બીજા વિશ્વ યુદ્ધમાં જાપાનના 'હીરોશીમા' અને 'નાગાસાકી' પર ફેંકવામાં આવેલ બોમ્બ પરમાણુ બોમ્બ એટલે કે ફિશન પ્રક્રીયા આધારીત બોમ્બ હતાં. અત્યાર સુધી યુદ્ધમાં  ક્યારેય હાઈડ્રોજન બોમ્બનો ઉપયોગ થયો જ નથી. હાઈડ્રોજન બોમ્બનાં પરિક્ષણ નિયત્રીત અવસ્થામાં પ્રયોગાત્મક ધોરણે જ થયાં છે.

ઉત્તર કોરિયાનો હાઇડ્રોજન બોમ્બ - વિસ્ફોટ કે સુરસુરિયું ?
ઉત્તર કોરિયાએ હાઇડ્રોજન બોમ્બનો વિસ્ફોટ કર્યો છે. નિષ્ણાતો ઉ. કોરિયાના દાવાને શંકાની નજરે જોઈ રહ્યા છે. તેના માટે સબળ કારણો પણ છે. ભારત- પાકિસ્તાન અને ઇઝરાયેલ પણ આવા થર્મોન્યુક્લીયર વિસ્ફોટ કરી ચૂક્યા છે. જે ખરેખર હાઇડ્રોજન બોમ્બના વિસ્ફોટ સામે વામણા લાગે તેવા છે. ઉત્તર કોરિયાના દાવા સામે પ્રશ્નાર્થ ચિન્હ મૂકવાના કારણો તપાસીએ તો...
ઉ. કોરિયાના એચ- બોમ્બના વિસ્ફોટને કારણે જે ભૂકંપનો આંચકો નોંધાયો તે ૫.૧ રિક્ટર સ્કેલનો હતો. ૨૦૦૬માં ઉ. કોરિયાએ કરેલ પરમાણુ પરીક્ષણ રિક્ટર સ્કેલ પર ૪.૮૫નું હતું. જે એક કિલો ટન કરતા નાનો બોમ્બ હતો. ૨૦૦૯માં બે કિલો ટન અને ૨૦૧૩માં તેણે ૮ કિલો ટન બોમ્બનો વિસ્ફોટ કર્યો જે ૫.૦થી ૫.૧૦ સ્કેલન ભૂકંપ પેદા કરી શક્યા હતા. ૨૦૧૬નો વિસ્ફોટ પણ આ શ્રેણીમાં જ આવે છે. એટલે કહી શકાય કે કોરિયાએ 'બુસ્ટેડ' પ્રકારનો મીન હાઇડ્રોજન બોમ્બ વિસ્ફોટ કર્યો લાગે છે.
સામાન્ય રીતે હાઇડ્રોજન બોમબની ક્ષમતા 'સો' કે 'હજાર'ના ગુણાંકમાં કિલો ટનની હોય છે. ૧૯૫૧માં અમેરિકાએ કરેલ પ્રથમ 'આઇટમ' હાઇડ્રોજન બોમ્બની કેપેસીટ માત્ર ૪૬ કિલોટનની હતી. જેની સામે રશિયાએ 'જો-૪' નામનો એચ બોમ્બનો વિસ્ફોટ કર્યો તે ૪૦૦ કિલો ટન એટલે કે અમેરિકા કરતા લગભગ ૧૦ ગણો વધારે શક્તિશાળી હતો. નિષ્ણાતો માને છે કે ઉત્તર કોરિયાએ હાઇડ્રોજન બોમ્બના સ્થાને વધારે શક્તિશાળી 'ફિશન' બોમ્બ વિસ્ફોટ કર્યો છે જેની સંહારક શક્તિ 'ટ્રીટીયમ' જેવા રેડિયો એક્ટીવ હાઇડ્રોજન વડે વધારી લાગે છે.
અમેરિકાએ જાહેર કર્યું છે કે, ઉ. કોરિયાના દાવા પ્રમાણે એશિયાના મોનીટર સ્ટેશનોએ મેળવેલ 'ડેટા' મેળ ખાતો નથી. મતલબ ગરબડ છે. દક્ષિણ કોરિયાના પૂર્વીય સાગરસીમા પરની હવાનું પૃથક્કરણ કરતા ખૂબ જ અલ્પ માત્રામાં રેડિયો એક્ટીવ પદાર્થની હાજરી બતાવે છે જે પરંપરાગત પરમાણુ બોમ્બ સાથે મેળ ખાય છે. ખરેખરા હાઇડ્રોજન બોમ્બ સાથે નહિ. બીજી મહત્વની વાત મોટા કદનો 'હાઇડ્રોજન બોમ્બ' બનાવવો ટેકનિકલી વધારે સરળ છે. પરંતુ નાનો હાઇડ્રોજન બોમ્બ બનાવવો ખરેખર મુશ્કેલ અને જટિલ છે. જેની ટેકનોલોજી ઉ. કોરિયા પાસે હોવાની વાત નિષ્ણાતો ભરોસો મૂકતા નથી.

પરમાણુ શસ્ત્રોની આંધળી દોટ : 'અમેરિકા- રશિયા રેસ'
જુલાઈ ૧૯૪૬નો સમયગાળો હતો. અમેરિકાએ બે પરમાણુ પરીક્ષણ કરવાનું નક્કી કર્યું હતું. ઓપરેશનનું કોડનેમ હતું 'ઓપરેશન ક્રોસ રોડ' પ્રશાંત મહાસાગરના બીઝીની આટોલ પાસે પરીક્ષણ કરવાનું નક્કી થયું હતું. ૯૫ જેટલા યુદ્ધ જહાજોનો કાફલો અહીં ખડકવામાં આવ્યો હતો. જેથી પરમાણુ બોમ્બની ક્ષમતા ખબર પડે તેમાં જાપાની પાસેથી કબજે કરેલ 'નાગારો' જહાજનો સમાવેશ પણ થતો હતો. વૈજ્ઞાાનિકો, રિપોર્ટરો અને ૪૨ હજારના સૈન્યએ વિસ્ફોટનો નજારો નિહાળ્યો હતો.
'એબલ' નામનો પ્રથમ બોમ્બ મ્-૨૯ વિમાનમાંથી નીચે ફેંકવામાં આવ્યો હતો. ૧૫૦૦થી ૨૦૦૦ ફૂટની ઉંચાઈએ બોમ્બ વિસ્ફોટ થયો હતો. બીજો બોમ્બ 'બેકર' ૨૫ જુલાઈના રોજ ફોડવામાં આવ્યો હતો. અમેરિકા ખુશ હતું તેમની પરમાણુ બોમ્બની ડિઝાઇન કામ કરી ગઈ હતી. અમેરિકાએ આ બોમ્બના 'ક્લોન' જેવા બોમ્બ હિરોશીમા- નાગાસાકી પર ફેંકીને હાહાકાર મચાવ્યો હતો. હવે વારો રશિયાએ ચેતી જવાનો હતો. ઓગસ્ટ- ૧૯, ૧૯૪૯માં કઝાકસ્તાન ખાતે ૨૨ કિલો ટનનો 'જો વન' નામનો રશિયાનો પ્રથમ પરમાણુ બોમ્બનો વિસ્ફોટ કરી બતાવ્યો હતો. અમેરિકાનું ખાસ પ્લેન સાઇબીરીયાની સીમારેખા ઉપર ઉડયું અને વિસ્ફોટ વાતાવરણના નમૂના ચકાસ્યા. અમેરિકન પ્રમુખ હેરી ટ્રુમેનને હવે વાસ્તવિકતા સ્વીકાર્યા વિના છૂટકો ન હતો.
અમેરિકાએ જવાબમાં હાઇડ્રોજન બોમ્બનો વિસ્ફોટ કરવાનું નક્કી કર્યું. એનરીઝો ફર્માએ એડવર્ડ ટેલરને હાઇડ્રોજન બોમ્બની શરુઆત કરવાનો આઇડિયા આપ્યો હતો. ટેલર અને સાથીઓએ ચાર ડિઝાઇન તૈયાર કરી જેમાંથી 'ટેલર-ઉલ્મ'ની ડિઝાઇન કારગત નીવડી. અમેરિકાએ ૧ નવેમ્બ, ૧૯૫૨માં 'આઇવી' માઇકનો નામનો હાઇડ્રોજન બોમ્બ વિસ્ફોટ કરી બતાવ્યો હતો. જે જાપાન પર નાખવામાં આવેલ બોમ્બ કરતા ૪૫૦ ગણો વધારે શક્તિશાળી હતો.
ક્લોઝ દ્વારા પૂરી પાડવાાં આવેલ ડિઝાઇન પ્રાથમિક કક્ષાની હતી. આન્દ્રેવ અખારોવે 'લેયર કેક' ડિઝાઇન તૈયાર કરીને ૪૦૦ કિલોટનનો રશિયાનો પ્રથમ હાઇડ્રોજન બોમ્બ ૧૨ ઓગસ્ટ, ૧૯૫૩ના રોજ ફોડી નાખવાનો હતો. વિસ્ફોટ અમેરિકાના બોમ્બની બરાબરી કરી શકે તેવો ન હતો. ત્યારબાદ રશિયાએ બે હાઇડ્રોજન બોમ્બના પરીક્ષણ કર્યા હતા. ઓક્ટોબર ૧૯૬૧માં રશિયા 'ઝાર બોમ્બ' નામનો હાઇડ્રોજન બોમ્બ ફોડયો જે. ૫૦ હજાર કિલો ટનની ક્ષમતાવાળો હતો. અત્યાર સુધી થયેલા પરમાણુ પરીક્ષણમાં વિશ્વનો સૌથી મોટી હાઇડ્રોજન બોમ્બ વિસ્ફોટ 'ઝાર બોમ્બ'નો છે.

શા માટે હાઇડ્રોજન બોમ્બ વધારે ખતરનાક ગણાય છે.
અત્યાર સુધી અમેરિકા, રશિયા, બ્રિટન, ચીન અને ફ્રાન્સ દ્વારા હાઇડ્રોજન બોમ્બ વિકસાવવામાં આવ્યા છે. ભારત, પાકિસ્તાન અને ઇઝરાયેલના હાઇડ્રોજન બોમ્બ બુસ્ટેડ પ્રકારના એટમ બોમ્બ જ છે. જે હાઇડ્રોજન બોમ્બ જેટલી સંહારક શક્તિ ધરાવતા નથી આખરે હાઇડ્રોજન બોમ્બ શા માટે વધારે ખતરનાક અને પ્રાણઘાતક માનવામાં આવે છે. આ રહ્યા મહત્ત્વના મુદ્દાઓ...
(૧) અન્ય પરમાણુ બોમ્બ કરતા નાના હાઇડ્રોજન બોમ્બ વધારે શક્તિશાળી છે.
(૨) પરમાણુ બોમ્બ કરતા એચ- બોમ્બ વધારે ઊર્જા મુક્ત કરે છે. જેના દ્વારા મુંબઈ જેવા વિશાળ ક્ષેત્ર પર ફેલાયેલા આખેઆખા શહેરનો ખાત્મો બોલાવી શકનાર છે.
(૩) હાઇડ્રોજન બોમ્બની ઉર્જા પરમાણુઓના 'ફ્યુઝન'માંથી મળે છે. પરમાણુ બોમ્બની ઊર્જા પરમાણુના નાભિ-કેન્દ્રનું વિખંડન- ફીશન થવાથી મળે છે.
(૪) ફ્યુઝન પ્રક્રિયા આપણા સૂર્ય જેવા તારામાં અવિરત ચાલે છે.
(૫) ફ્યુઝન પ્રક્રિયામાં બે હલકા તત્ત્વોનો પરમાણુ ભેગા મળી તેનાથી ભારે તત્ત્વના પરમાણુ બને છે.
(૬) ફિશનમાં ભારે તત્ત્વના નાભિકેન્દ્રને તોડીને બે તેનાથી હલકા તત્ત્વોને નાભિકેન્દ્રની રચના થાય છે.
(૭) એચ બોમ્બમાં જામગીરી એટલે કે વિસ્ફોટની શરુઆત કરવા માટે 'ફિશન બોમ્બ' (પરમાણુ બોમ્બ) વપરાય છે.
(૮) હાઇડ્રોજન બોમ્બ બનાવવો અઘરું કામ છે.
(૯) હાઇડ્રોજન બોમ્બનું કદ નાનું રાખી શકાય છે તેને મિસાઇલના માથા ઉપર ફીટ કરીને ધારેલા સ્વરૃપે ફેંકી શકાય છે.
(૧૦) હીરોશીમા અને નાગાસાકી ઉપર ફેંકેલા બોમ્બ એટમબોમ્બ (પરમાણુ બોમ્બ) હતો. હાઇડ્રોજન બોમ્બનો હજી સુધી યુદ્ધમાં એક વાર પણ ઉપયોગ થયો નથી.
(૧૧) કોરિયાએ હાલમાં કરેલ બોમ્બ વિસ્ફોટ 'ફ્યુઝન બોમ્બ' છે કે નહીં તે બાબતે નિષ્ણાતો શંકા સેવે છે.