Monday 21 March 2016

Exo-Mars mission: 'યુરોપિયન સ્પેસ એજન્સી અને રશિયન સ્પેસ એજન્સીનો એક સંયુક્ત પ્રયાસ'

મંગળ ગ્રહ ઉપર સુક્ષ્મ સજીવોનાં અસ્તિત્વની કસોટી કરવામાં હવે સફળતા મળશે ?!

માનવીનો મંગળ પ્રત્યેનો પ્રેમ જાણીતો છે. ૧૪ માર્ચના રોજ યુરોપિયન સ્પેસ એજન્સીનું એક્ષો-માર્સ મિશન અંતરિક્ષમાં પ્રક્ષેપિત થવાનું છે. સામાન્ય રીતે અમેરિકાની નાસા આજકાલ મંગળના કારણે ચર્ચામાં રહે છે. હવે વારો યુરોપિયન સ્પેસ એજન્સીનો છે. ભારત પણ મંગળયાન દ્વારા શરૃઆત કરી ચુકયું છે. વિજ્ઞાાનીકો માટે મહત્વની સમસ્યા એે છે કે ભૂતકાળ કે વર્તમાનકાળમાં મંગળ ગ્રહ ઉપર પ્રાથમિક કક્ષાનું જીવન વિકસ્યું હતું કે કેમ તે કઈ રીતે જાણવું ? આ સવાલનો જવાબ મેળવવા અત્યાર સુધી અનેક પ્રયત્નો થઈ ચૂકયા છે. છતાં વિજ્ઞાનીકો હજી થાક્યા નથી. યુરોપિયન સ્પેસ એજન્સીનું એક્ષો-માર્સ મિશનએ નવું નક્કોર, તરોતાજા અભિયાન છે.
યુરોપિયન સ્પેસ એજન્સીનો મુખ્ય મકસદ માર્શિયન લાઈફની બાયો-સિગ્નેચર મેળવવાનો છે. આ કામ માટે યુરોપિયન સ્પેસ એજન્સી ઓર્બીટર, લેન્ડર અને રોબોટિક રોવર મંગળ ઉપર ઉતારવા માંગે છે. ૧૪ માર્ચના રોજ તેનું મંગલાચરણ થશે. યુરોપ અને રશિયા નવી મંગળયાત્રામાં ભાગ લેશે. એક્ષો-માર્સ મિશનનું ટ્રેસ ગેસ ઓર્બિટર (TGO) ૧૪ માર્ચના રોજ એક પ્રોટોન રોકેટની મદદથી કઝાકિસ્તાનમાં આવેલા બેઇકોનુર અંતરીક્ષ મથકેથી ધડાકા સાથે અંતરિક્ષમાં ઉડી જવાનું છે. આશા રાખીએ કે તપાસમાં મંગળ પર જીવનના પુરાવા મળે અને સાબિત થાય કે બ્રહ્માંડમાં મનુષ્ય સિવાય પણ જીવન વિકાસ થવાની શકયતા રહેલી છે.

મંગળ, મિથેન અને જીવન ચક્ર

પૃથ્વી પરનો ૯૦% મિથેન વાયુ જીવંત સજીવો દ્વારા પેદા થયેલ છે. મંગળનાં ઉત્તર ગોળાર્ધમાં મિથેન વાયુની હાજરી મળી આવતાં, વિજ્ઞાાનીકોમાં ઉત્સાહ ફરી વળ્યો હતો. કોઈ પણ ગ્રહ ઉપર હુંફાળુ વાતાવરણ, મિથેન ગેસની હાજરી અને પ્રવાહી પાણીનાં અવશેષો જોવા મળે ત્યારે, માનવું જોઈએ કે અહીં કાર્બનીક રસાયણો આધારીત સુક્ષ્મ જીવોથી માંડી વિશાળકાય જીવો માટે જીવન વિકાસની શકયતા રહેલી છે. મિથેન વાયુનો આયુષ્યકાળ ૩૦૦ થી ૬૦૦ વર્ષ જેટલો છે.
પૃથ્વી અને સુર્યમાળાનું સર્જન આશરે ૪.૫૦ અબજ વર્ષ પહેલાં થયું હતું. મિથેનનો આયુષ્ય કાળ જોતા, મંગળ ઉપર તેની હાજરી છેલ્લાં ૬૦૦ વર્ષમાં પેદા થઈ છે એમ કહી શકાય. સુર્યનાં કિરણોનાં કારણે મિથેન વાયુનું વિઘટન થતું રહે છે. આ પ્રક્રીયા સતત ચાલુ રહે છે. મંગળ ઉપરનાં મિથેન વાયુની હાજરીનું કારણ માઇક્રોસ્કોપીક ઓર્ગેનીઝમ / અતિસુક્ષ્મ જીવો હોય તો. આવા જીવોની હાજરી મંગળની સપાટીની માટીની નીચેના ભાગમાં હોવી જોઈએ.
સુક્ષ્મ જીવો દ્વારા મિથેન વાયુ પેદા થવાની પ્રક્રિયા મિથેનોજેન તરીકે ઓળખાય છે. પ્રારંભિક કક્ષાનો બહુકોષો જીવો કે બેકટીરીયાની ચયાપચયની પ્રક્રિયા દરમ્યાન મિથેન વાયુ પેદા થઇ શકે છે. બાયોમાસનાં વિઘટનમાંથી પણ મિથેન પેદા થાય છે. જો મંગળ પર સુક્ષ્મ જીવોની હાજરીને 'આગ' માનવામાં આવે તો મિથેન વાયુ તેને ધુમાડો છે. તાર્કીક રીતે ધુમાડો દર્શાવે છે કે 'આગ'નું અસ્તિત્વ હોવું જોઈએ. મંગળ પર મિથેન વાયુનાં પ્રમાણ મળ્યા છે પરંતુ તેનો સ્ત્રોતનું પૃથ્થકરણ કરવાનું બાકી છે. જે કામ  એક્ક્ષો માર્સ મિશન કરશે.
એક શકયતા એ પણ રહેલી છે કે મંગળ ઉપર મિથેન વાયુનાં અસ્તિત્વનો સ્ત્રોતનું ખરું કારણ પ્રાચીન મિથેનોજેન કરનારાં સુક્ષ્મ જીવો હોવા જોઈએ. જેનું અસ્તિત્વ અત્યારે કદાચ ખતમ પણ થઇ ચુકયુ હોય ? મિથેન વાયુનાં સ્ત્રોતનું બીજુ બીન-જૈવિક કારણ, ભૂ-રાસાયણીક પ્રક્રિયા પણ હોઇ શકે છે. જે લોહતત્વનું ઓકસીડેશન થતાં પેદા થયો હોઈ શકે છે. પૃથ્વી પરનાં ગરમ પાણીનાં ઝરા અથવા ઝરણા કે જ્વાળામુખી પ્રવૃત્તિનાં કારણે પૃથ્વીનાં વાતાવરણમાં મિથેન વાયુ ઉમેરાય છે.

એક્ષો-માર્સ મિશન : યુરોપિયન સ્પેસ એજન્સી અને રશિયન સ્પેસ એજન્સીનો એક સંયુક્ત પ્રયાસ

એક્ષો-માર્સ મિશનએ યુરોપિયન સ્પેસ એજન્સી (ઈએસએ) અને રશિયા રોસકોસ્મોસ સ્પેસ એજન્સી વચ્ચેનો એક સંયુક્ત પ્રયાસ છે. આ મિશનનાં ત્રણ તબક્કા છે. પ્રથમ તબક્કે ટ્રેસ ગેસ ઓર્બિટર (TGO)  મંગળ પર ઉતારનાર લેન્ડર લઇને ૧૪ માર્ચના રોજ અંતરીક્ષમાં જશે. ઉતારનાર લેન્ડરનું નામ શિયાપારેલી છે. જેનું નામકરણ ઇટાલીયન ખગોળશાસ્ત્રી જીઓવાની શિયાપારેલી પરથી પાડવામાં આવ્યું છે. તેણે તેના સમયમાં ખોટી માન્યતાને જન્મ આપ્યો હતો. જે તેના ઇટાલીયન શબ્દોનું અંગ્રેજી ભાષામાં અનુવાદના કારણે થયેલી ભૂલ હતી. ચેનલ માટે તેણે કેનાલી (ઈટાલીયન) શબ્દ વાપર્યો હતો. જે અંગ્રેજીમાં કેનાલ બની ગયો. લોકો માનવા લાગ્યા કે મંગળ પર દેખાતી કેનાલ, મંગળ ગ્રહના માનવીએ બનાવી છે. બીજા તબક્કે (૨૦૧૮માં) માર્સ રોવરને લેન્ડીંગ માટેની પ્લેટફોર્મ સિસ્ટમને મંગળ પર ઉતારવામાં આવશે. ત્રીજા અને અંતિમ તબક્કામાં (૨૦૧૯માં) રોબોટિક માર્સ રોવરને મંગળની ધરતી પર ઉતારવામાં આવશે.
જો ઈએસએનો પ્રયત્ન અને આયોજન સફળ રહેશે તો, TGO મિથેન જેવા દુર્લભ ગેસ અને બીજા વાતાવરણના વાયુઓની એક વિગતવાર યાદી બનાવશે. મિથેન મંગળ પર જીવન અસ્તિત્વ ધરાવે છે કે નહીં તે માટે સૌથી મોટી કડીઓ પૂરી પાડી શકે તેમ છે. પૃથ્વી પર, મિથેનનો મુખ્ય સ્ત્રોત બેકટેરિયા છે. ઘણા પશુ અને ઉધઇના આંતરડામાં સ્થૂળ સૂક્ષ્મ જીવાણુઓ રહે છે. જે જૈવિક પ્રક્રિયામાં મિથેન વાયુ પેદા કરે છે. પશુઓ ઓડકાર ખાય કે વાછૂટ કરે ત્યારે મિથેન ગેસ વાતાવરણમાં ભળે છે. મિથેન વાયુ જવાળામુખી અને ભૂ-રાસાયણીક પ્રક્રિયા દ્વારા પણ પેદા થાય છે.
વિજ્ઞાનીકો માને છે કે મંગળ ઉપર અતિ સૂક્ષ્મ જીવાણુઓની હાજરી હોય તો, મિથેન ગેસની હાજરી મળવી જોઈએ. ટ્રેસ ગેસ ઓર્બિટરમાં (TGO)  સુપર સંવેદનશીલ સાdhaનો લાગેલા છે. જે અતિસૂક્ષ્મ માત્રામાં મિથેન અને અન્ય વાતાવરણીય વાયુઓને મિનિટ શોધવા માટે સક્ષમ છે. ટ્રેસ ગેસ ઓર્બિટર મંગળની સપાટ પર મિથેન વાયુના હોટસ્પોટ શોધવાની કવાયત કરશે. આ ઉપરાંત મિથેન વાયુનો સ્ત્રોત, જ્વાળામુખી, ભૂ-રાસાયણીક પ્રક્રિયા કે જૈવિક-રાસાયણિક પ્રક્રિયા છે ? તેનો તાગ મેળવશે. આ પહેલા નાસાનાં કયુરિયોસિટી રોવર દ્વારા મિથેન વાયુની હાજરી શોધી કાઢવામાં આવી હતી, પરંતુ તેનો સ્ત્રોત કયો છે, તે નક્કી થઇ શકયું ન હતું. ૨૦૦૩ અને ૨૦૦૬માં મંગળના ત્રણ ચોક્કસ પ્રદેશોમાં મિથેન કેન્દ્રીકરણ જોવા મળ્યું હતું.

મંગળ યાત્રા :- બહોત કઠીન હૈ સફર, થોડી દેર સાથ ચલો

એક્સો માર્સ, ૧૪ માર્ચનાં રોજ રશિયાનાં લોંચીંગ પેડ પરથી ઉડ્ડયન ભરીને મંગળ તરફની યાત્રા શરૃ કરશે. લગભગ સાત મહિના બાદ ૧૬ ઓકટોબરનાં રોજ સ્પેસ ક્રાફટ મંગળની ભ્રમણ કક્ષામાં દાખલ થશે. અહીંથી TGO અને શિયાપારેલી લેન્ડર અલગ થશે. ત્રણ દિવસ બાદ શિયાપારેલી લેન્ડર મંગળની ભુમી ઉપર ધીમે ધીમે ઉતરાણ કરશે. યુરોપિયન સ્પેસ એજન્સી, શિયાપારેલી દ્વારા નવી લેન્ડીંગ સિસ્ટમ અને ટેકનોલોજી ચકાસવાની છે. સમગ્ર મિશન દરમ્યાન TGO એક ઉપગ્રહ માફક મંગળની પ્રદક્ષિણા કરતું રહેશે. જે એકસો મિશનનાં બીજા તબક્કા માટે ડેટા રિલે કેન્દ્ર જેવું કામ કરશે. આ તબક્કામાં માર્સ પર ઉતરનાર માર્સ રોવરને અંતરીક્ષમાં મોકલવામાં આવશે. એકસો મિશન દ્વારા મંગળનાં સંશોધનને નવી દિશા મળશે. રશિયા અને યુરોપ બંનેની ભાગીદારી નસીબદાર ગણાય. અત્યાર સુધી રશિયાનાં કોઇ પણ મંગળ મિશનને સફલતા મળી નથી. તેમની સહીયારી ભાગીદારી રંગ લાવશે. ૨૦૦૩માં રશિયાએ યુરોપ સાથે બાગીદારી કરીને માર્સ એક્સપ્રેસની સફળતા મેળવી હતી. જો કે તેનું બીગલ-૨ બેન્ગ નિષ્ફળ ગયું હતું. બિગલ-૨ મંગળ ઉપર 'ક્રેશ' લેન્ડીંગ કરવાનાં કારણે પૃથ્વી સાથે તેનો સંપર્ક કરી શકયું ન હતું. રશિયાનું ફોબોસ- ગ્રાન્ટ મિશનને પણ નિષ્ફળતા મળી હતી. બંને સ્પેસ એજન્સી ઇચ્છે છે કે તેમને નાસા જેવી સફળતા મળે. ભારત જેવો નાનો દેશ પણ ટેકનોલોજીમાં અગ્રેસર રહ્યો છે. તેનું માર્સ મિશન સફળ રહ્યું છે.
નાસાનું 'માવેન' પ્રોબ મંગળ ગ્રહની ઉપરની સપાટીનાં વાતાવરણનું પૃથ્થકરણ કરી રહ્યો છે. ગયા વર્ષે નાસાનાં સ્પેસ ક્રાફટ વડે મેળવેલી માહિતી દર્શાવે છે કે મંગળનાં વાતાવરણનાં વાયુઓ ધીમે ધીમે અંતરીક્ષામાં ખેંચાતા જાય છે. તેમ તેમ મંગળનું કાર્બન-ડાયોકસાઇડ ધરાવતું વાતાવરણ બદલાતું અને ઘટતું જાય છે. મંગળનું વાતાવરણ મંગળ ગ્રહને હુંફાળો રાખી રહ્યું છે. ભૂતકાળમાં તેનાં હુંફાળા વાતાવરણનાં કારણે મંગળની સપાટી પર પ્રવાહી પાણી વહેતું રહ્યું હશે. મંગળનાં TGO નાં સંવેદકો અતિ સંવેદનશીલ છે જે અબજો-અબજો કણોમાંથી જરૃરી એક રેણુની હાજરી પારખી શકે છે.

માર્સ એક્સપ્રેસ : વો ભુલી દાસ્તાન.

મંગળ ગ્રહ સાથેનો યુરોપિયન સ્પેસ એજન્સીનો નાતો પુરાણો છે. ડિસે. ૨૦૦૩નાં રોજ તેમણે માર્સ એક્સપ્રેસ નામનું મિશન અંતરીક્ષમાં ધકેલ્યું હતું. આ મિશન સફળ રહ્યું ન હતું. કારણ કે મંગળની ભૂમી ઉપર ઉતરનાર બિગલ-૨ લેન્ડર નિષ્ફળ નિવડયું હતું. મિશનનો એક ભાગ માર્સ અક્સપ્રેસનું ઓરબીટર હતું. જેનાં કેમેરા, બિગલ-૨નું લેન્ડીંગનું રેકોર્ડીંગ કરી તેનાં ઉપર દેખરેખ રાખવાનાં હતાં. પરંતુ બિગલ-૨ નિષ્ફળ જતાં,  ESA હવે ઓરબીટરનાં VMC કેમેરાનો ઉપયોગ મંગળનાં 'વેબકેમ' માફક કરી રહ્યું છે.
છેલ્લાં કેટલાક મહિનાઓથી માર્સ એક્સપ્રેસનાં કેમેરા મંગળ ગ્રહની તસ્વીરો મોકલી શક્યા ન હતાં. કારણ તેનાં કેમેરાં ગ્રહણ જેવી અવસ્થામાં હતાં. એટલે કે કેમેરાનાં લેન્સ મંગળ તરફ નહીં અન્ય દિશામાં જોઈ રહ્યાં હતાં. લગભગ ફેબુ્રઆરી મહિનામાં કેમેરાં ફરી પાછા મંગળની દીક્ષામાં ગોઠવાય તેવી અવસ્થામાં આવી જાય છે.
૧૦ માર્ચનાં રોજ માર્સ એક્સપ્રેસનાં VMC કેમેરાઓએ મંગળની નવી તસ્વીરો પૃથ્વીવાસીને મોકલી આપી હતી.
માર્સ એક્સપ્રેસની આંશિક નિષ્ફળતા પૃથ્વીવાસીઓને ભારે પડે તેમ છે. સૌર મંડળમાં પૃથ્વી સિવાય અન્યત્ર 'જીવ વિજ્ઞાન' ની શરૃઆત થઇ હોય તો, મંગળ ગ્રહ એસ્ટ્રો-બાયોલોજી અને જીઓ-કેમિસ્ટ્રી માટે શોધ-સંશોધન કરવા માટેની પ્રથમ પસંદગી ગણાય. માર્સ એક્સપ્રેસે જો કે પૃથ્વીવાસીને ઘણી ઉપયોગી માહિતી મોકલી છે. તેનાં કારણે મિશનની અવધી છ મહિના જેટલી વધારવામાં આવી છે. માર્સ એક્સપ્રેસનું ઓરબીટર, મંગળ ગ્રહની પ્રદક્ષિણા કરતું રહીને, તેની કામગીરી ૨૦૧૬નાં અંત ભાગ સુધી નિભાવતું રહેશે. અત્યાર સુધી મંગળ મિશનમાં ગયેલ અને લાંબો સમય કાર્યરત રહેવાનો વિક્રમ નાસાનાં 'માર્સ ઓડીસી'નો છે. જે ૨૦૦૧માં મંગળની મુલાકાતે ગયુંહતું. ત્યારથી અત્યાર સુધી એકટીવ-કાર્યરત છે. બીજા ક્રમે ESAનાં માર્સ એક્સપ્રેસનો આવે છે. જે માર્સ એક્સપ્રેસની ડિઝાઇન રશિયાનાં માર્સ ૯૬ મિશન અને ESA નાં રોસેટા મિશનનાં સમન્વય જેવી છે.

Monday 14 March 2016

ડેથ સ્ટાર, ડી-સ્ટાર અને ડીપ-ઇન

પૃથ્વી સાથે વિશાળકાય એસ્ટેરોઇડની ટકરામણ થાય તો... તેની ભયાનકતા જોવા નીચેની વિડીયો જરૂર જુઓ. (સૌજન્ય : ડિસ્કવરી ચેનલ)





માનવજાતના અસ્તિત્વ સામે સૌથી મોટો ખતરો કયો છે ? ત્રાસવાદ ? વિનાશક રોગચાળો ? ભૂકંપ ? પૃથ્વી પરથી સમગ્ર સજીવ સૃષ્ટીનું નામોવિજ્ઞાન કાઢી નાખવાની તાકાત કોણ ધરાવે છે ? આ સવાલનો જવાબ છે એસ્ટ્રોઇડ અથડામણ ! એસ્ટ્રોઇડ એટલે કે લઘુ ગ્રહીકા. મંગળ અને ગુરૃ વચ્ચે આવા અસંખ્ય લઘુગ્રહનો આખો બેલ્ટ/ પટ્ટો આવેલો  છે. કરોડો વર્ષ પહેલા ડાયનોસૌરનાં અસ્તિત્વ લોપની ઘટના માટે લઘુગ્રહ જવાબદાર માનવામાં આવે છે. આ લઘુગ્રહનો વ્યાસ દસ કિ.મી. જેટલો આંકવામાં આવે છે. પૃથ્વી પરથી ચંદ્ર અલગ થયા પાછળ પણ કોઇ વિશાળકાળ લઘુગ્રહની અથડામણ જવાબદાર ગણવામાં આવે છે. પચાસ હજાર વર્ષ પહેલા, ૧.૨૦ કિ.મી.નો લઘુગ્રહ એરીઝોનામાં ટકારાયો હતો.
જ્યાં બેરીન્જર મિટિઓરાઇટ ક્રેટરનું સર્જન થયેલ છે. ૧૪૯૦માં ચીનના ચિલીંગ-યાન શહેર ઉપર ઉલ્કાપીંડનો વિસ્ફોટ થયો હતો ત્યારે દસહજાર લોકો મૃત્યુ પામ્યા હતાં. ૧૯૦૮માં સાઇબીરીયાના તુગુસ્કા ક્ષેત્ર પર ૫૦ મીટરનો ઉલ્કાપીંડ ખાબક્યો હતો. જેણે ૨૦૦૦ ચો.કિ.મી.નો વિસ્તાર સપાટ કરી નાખ્યો હતો. માયકલ પેઇન નામના ઓસ્ટ્રેલીયન ઇજનેરની કોમ્પ્યુટરે માંડેલ ગણતરી મુજબ, માત્ર પાંચ કિ.મી.નો આકાશીપીંડ પૃથ્વી પર ટકરાય તો બે કરોડ મેગાટન ઉર્જા જેટલો વિસ્ફોટ થાય અને પૃથ્વી પરની સમગ્ર માનવ જાત ખતમ થઇ જાય ! તેનાથી બચવાનો ઉપાય છે ?

એસ્ટેરોઇડ એટેક અને મીડીયા
૧૮૭૭માં ખ્યાતનામ વિજ્ઞાનકથા લેખક જુલ્સ વર્ને 'ઓફ ઓન એ કોમેટ' લખી હતી. જેમાં સુર્યમાળાની સફર ખેડવા માટે 'કોમેટ ગાલીઆ'ની કલ્પના કરવામાં આવી હતી. જેને માર્ગમાં 'નેટીના' નામનો એસ્ટ્રોઇ મળે છે. ત્યારબાદ સાયન્સ ફિકશનમાં પૃથ્વીવાસી મોટી હોનારત/ આફતમાં ફસાઇ ગયા હોય તેવી રચનાઓ આવવા લાગી હતી. 'લુસીફર્સ હેમર' નામની નવલકથામાં પૃથ્વી સાથે ધુમકેતુ/ પુછડીયો તારો અથડાય અને સભ્યતાનો નાશ થઇ જાય તેની વાત છે. આર્થર સીકલાર્ક નામનાં સાયન્સ ફિક્શનના મહાન લેખકે, 'ધ હેમર ઓફ ગોડ'માં અથડામણ માટે આવી રહેલા એસ્ટ્રોઇડને અન્ય માર્ગે વાળવા માટે મોકલવામાં આવતાં સ્પેસક્રાફ્ટની વાત આલેખી હતી. ''એસ્ટ્રોઇડ અથડામણ'' હવે હોલિવૂડના માધાંતાઓની નજરમાં વસી ગઇ અને...
એસ્ટ્રોઇડ અથડાવવા આવે ત્યારે કેવી હાલત થાય, તેનાથી બચવાના ઉપાય કઇ રીતે કરવા, એસ્ટ્રોઇડ અથડામણથી થતી તબાહી આ બધાને લક્ષ્યમાં રાખીને હોલિવૂડનાં દિગ્દર્શકોએ ચાર જેટલી ઉત્તમ ફિલ્મ આપી છે. એક, વ્હેન વર્લ્ડ કોલાઇડ, બે : મિટીયોર, ત્રણ- આર્માગેડોન અને ચાર ડિપ ઇમ્પેક્ટ.  ફિલ્મ બાદ ટીવી ઉપર પણ આ વિષય આવવા લાગ્યો. સ્ટારટ્રેક નામની અતિ ખ્યાતી પ્રાપ્ત સીરીયલમાં એક આખી સભ્યતાના વિનાશ માટે આવી રહેલ એસ્ટ્રોઇડને વિચલીત કરવા માટે ખાસ ડિફલેક્ટર વિજ્ઞાનિક કલ્પના સાથે 'ધ પેરેડાઇઝ સિન્ડ્રોમ (૧૯૬૮)માં હજુ થાય છે.
આ વિજ્ઞાન કલ્પના કથાથી આગળ જ્યોર્જ બુકાસની ફિલ્મ ''સ્ટાર વોર્સ'' એક ડગલું આગળ વધે છે. સ્ટારવોર્સમાં એક આખા ગ્રહ, તેની સભ્યતાને હૂકી મારે તેવાં કુત્રિમ મોબાઇલ સ્પેશ સ્ટેશનની કલ્પના છે. જેનું નામ છે 'ડેથ સ્ટાર'.  કુત્રિમ ડેથ સ્ટારનું કદ ૧૦૦ કિ.મી.ના ગોળા જેટલું છે. તેના ઉપર ૧.૭૦ કરોડ લશ્કરી અધિકારી અને ચાર લાખ રોબોટ- ડ્રોઇડ વસે છે. ફિલ્મમાં ડેથ સ્ટારનું મોડેલ જ્હોન સ્ટીરઅર વિકસાવે છે. ડેથ સ્ટારમાંથી નિકળતાં ખાસ પ્રકારના કિરણો, એસ્ટ્રોઇડ કે ગ્રહનો વિનાશ કરવા માટે સક્ષમ છે. પૃથ્વીવાસીઓને સંભવિત એસ્ટ્રોઇડ અથડામણથી બચાવવા વૈજ્ઞાનિકો 'ડેથ સ્ટાર' જેવી ટેકનોલોજી વિકસાવવામાં આગળ વધી ચુક્યાં છે.

લેસર બીમ ટેકનોલોજી :

માનવજાત અને ખાસ કરીને પૃથ્વી સાથે એસ્ટ્રોઇડની ટકરામણ થાય તો ? આ સંભવિત ઘટનાથી લોકોને વાકેફ કરવા માટે દર વર્ષે ૩૦ જૂનનાં રોજ 'એસ્ટ્રોઇડ ડે' ઉજવવામાં આવે છે. એસ્ટ્રોઇડ ડે એક વિશાળ અભિયાન છે. કરોડો વર્ષ પહેલાં ડાયનોસોરનું અસ્તિત્વ ખતમ થઇ ગયું હતું. આવનારા દિવસોમાં મનુષ્યની હાલત, ડાયનૌસોર જેવી ન થાય તેવી વૈજ્ઞાાનિક મથામણમાંથી એક નવી ટેકનોલોજી જન્મી છે. જે સ્ટારવોર્સનાં 'ડેથ સ્ટાર'ની કલ્પનાને 'મીની' સ્વરૃપે સાકાર કરે છે.
અમેરિકન વૈજ્ઞાનિકો માને છે કે 'સુપર લેસર' બીમ, પૃથ્વી તરફ આવનારા અંતરીક્ષના ખડકો, ઉલ્કાઓ કે વિશાળકાય લઘુગ્રહને તેનો માર્ગ બદલવામાં/ વિચલિત કરવામાં કામ લાગે તેમ છે. વર્ષોથી આ આઇડિયા ઉપર યુનિવર્સિટી ઓફ કેલીફોર્નિયાના વૈજ્ઞાાનિકો કામ કરી રહ્યાં હતા. જેમણે De-Star (ડિ-સ્ટાર) નામની ટેકનોલોજી વિકસાવી છે. જેનું પુરૃનામ છે ડાયરેકટેડ એનર્જી સિસ્ટમ ફોર ટાર્ગેટીંગ ઓફ એસ્ટ્રોઇડ એન્ડ એક્સપ્લોરેશન પૃથ્વીવાસીના નેનો-ડેથ સ્ટાર જેવી આવૃત્તિવાળા 'ડિ-સ્ટાર' અંતરીક્ષમાં જ ખડક ને વાયુ સ્વરૃપમાં પરિવર્તિત કરી નાખશે. આ પ્રક્રિયાને 'સબ્લીમેશન' કહે છે. આ પ્રક્રિયામાં પેદા થતો વાયુ, એસ્ટ્રોઇડ કે ઉલ્કાપીંડનો માર્ગ બદલવા માટે જરૃરી બળ/ ધક્કો પેદા કરશે.
આ સિસ્ટમને વિકસાવવા માટેની સૌથી મોટી ચેલેન્જ તેની અસરકારકતા ધરાવતાં 'કદ/ સ્કેલ' ડિઝાઇનની છે. પૃથ્વી પર બેસાલ્ટ નામના અગ્નિકૃત્ત ખડક ઉપર 'ડિસ્ટાર' સિસ્ટમની ચકાસણી સફળતા પૂર્વક કરવામાં આવી છે. એસ્ટ્રોઇના બંધારણમાં પણ બેસલ્ટ જેવી ખડક રચના જોવા મળે છે. જ્યારે કાળો ભમ્મર બેરગાટ ગરમ થઇને સફેદ જેવો ચમકવા લાગે છે ત્યારે તે તેનું દ્રવ્ય ગુમાવવા લાગે છે. આ પ્રક્રિયામાં વાયુઓનું એક દબાણ બળ પેદા થાય છે. જે ન્યુટનની ગતિનાં ત્રીજા નિયમ પ્રમાણે વિપરીત દિશામાં બળ પેદા કરી આપે છે. જે ધીમે ધીમે એસ્ટોઇડની ગતિ અટકાવે છે. છેવટે અલગ દિશામાં તેને ધકેલી દે છે.

ડી-સ્ટાર એટલે ડેથ સ્ટારનું મીની વર્ઝન

ડિસ્ટારનું મીની વર્ઝન તૈયાર થઇ ગયેલ છે. જેને લગતું સંશોધન પત્ર ''જર્નલ'' અર્થ એન્ડ પ્લેનેટરી એસ્ટ્રો-ડિજીટલમાં પ્રકાશિત થયેલ છે. આઇડીયા યુનિ. ઓફ કેલીફોર્નિયાનાં ભૌતિકશાસ્ત્રી ફિલીપ લુબીન અને ગેરી હ્યુજીસનો છે. આ પ્રકારની બીજી સિસ્ટમ 'ડિ-સ્ટાર લાઇટ' પણ વિકસાવવામાં આવી છે. જેની માહિતી એસ્ટ્રોવોચ નેટ પર મુકવામાં આવી છે.
'ડિ-સ્ટાર'માં ૩૩૦ ફુટની વિશાળ લેસર બીજાની હરોળ ગોઠવવામાં આવી છે. જે લગભગ તેટલાં જ વ્યાસવાળા (૩૩૦ ફૂટ)ના ઉલ્કાપીંડને માર્ગમાંથી વિચલીત કરવા માટે સક્ષમ છે. વૈજ્ઞાાનિકો ડિ-સ્ટાર લાઇટ વિકસાવી રહ્યાં છે. જે લગભગ ૧૬ વર્ષ કામ આપશે. ૨૦ કિ.વોટ ઊર્જા વાપરીને પૃથ્વીથી ૧૨૮૦૦૦ કિ.મી. દૂરના અંતરે ૧૦૦૦ ફૂટના એસ્ટ્રોઇડનો ખાત્મો બોલાવી શકે તેમ છે. ગયા વર્ષ પ્રયોગશાળામાં ડિ-સ્ટારનું નાનું મોડેલ વૈજ્ઞાાનિકોએ ચકાસ્યું હતું. આ ટેકનોલોજી એસ્ટ્રોઇડને રોકેટ એન્જીન જેમ ફેરવી નાખે છે. જેને નિર્ધારીત માર્ગે લેસર વડે ફેકી શકાય છે.
આ ઉપરાંત વૈજ્ઞાનિકો હવે લેસરની જગ્યાએ 'કોટોન' (પ્રકાશ કણ)ને વાપરીને 'ડિપ-ઇન' નામનો પ્રોજેક્ટ અમલમાં મુકી ચુક્યાં છે. જેમાં સાયન્સ ફિકશનમાં આવતાં ''ફોટોન પ્રયલ્ઝન સિસ્ટમ''ને વાસ્તવિક સ્વરૃપ આપવાની શરૃઆત કરવામાં આવી છે. લેસરબીમ છોડનાર 'એરે' અથવા ફોટોનનો ઉપયોગ 'સ્પેસક્રાફ્ટ'ને અંતરિક્ષમાં મુસાફરી કરવા માટે વાપરી શકાય તેમ છે. જો આવું શક્ય બને તો રિલીટીવિસ્ટોક સ્પીડ એટલે કે પ્રકાશની ઝડપની નજીકની ઝડપે અંતરીક્ષ યાન મુસાફરી કરી શકે છે. સુર્યમાળાની બહાર આંતર-તારાંકીય મુસાફરી (ઇન્ટરસ્ટીલર ટ્રાવેલ) માટે આ પ્રકારના સ્પેસક્રાફ્ટનો ઉપયોગ થઇ શકે તેમ છે. ડાયરેક્ટ એનર્જી પ્રયલ્ઝન ફોર ઇનરસ્ટીલર એક્સપ્લોરેશન (ડિપ-ઇન)ને નાસાએ ખાસ ગ્રાન્ટ આપી છે. નાસાનાં ઇનોવેટિવ એડવાન્સ કન્સેપ્ટ પ્રોગ્રામ હેઠળ ૧૫ ગુ્રપને  નવી ટેકનોલોજી વિકસાવવા ગ્રાન્ટ આપવામાં આવી છે.

ઇન્ટરસ્ટીલર ટ્રાવેલનો લેબ ટેસ્ટ

પૃથ્વીની નજીક આવેલા આલ્ફા સેન્ટોરી નામના તારાની મુસાફરી કરવામાં પૃથ્વીવાસીને માત્ર ૨૦ વર્ષ લાગે એમ કહેવામાં આવે તો ! તમને લાગશે કે સાયન્સફિકશનની વાત કરી રહ્યો છો. આ તારો પૃથ્વીથી ૪.૩૭ પ્રકાશવર્ષ દૂર આવેલો છે. ફિલીપ્સ લુબીનના મત પ્રમાણે નજીકના ભવિષ્યમાં ઇન્ટરસ્ટીલર ટ્રાવેલ શક્ય બને તેમ છે. યુનિ. ઓફ કેલિફોર્નિયાનું એક ગુ્રપ લેસર અને ફોટોન આધારીત સ્પેસક્રાફ્ટ માટેનું પ્રપલ્ઝન એન્જીન વિકસાવવા પ્રયત્નશીલ છે. જેનું નામ ''એક્સલપરીમેનલ કોસ્મોલોજી ગુ્રપ છે.''
આવનારા દાયકામાં મંગલ જેવા ગ્રહ પર જવા આવવાનો સમય ઘટાડવો હશે તો નવતર શૈલીના સ્પેસક્રાફ્ટ વિકસાવવા પડશે. હાલમાં ઉપલબ્ધ ટેકનોલોજીવાળા સ્પેસક્રાફ્ટને મંગળ ગ્રહની યાત્રા કરી પાછા આવવા માટે છ મહિનાથી માંડીને એક વર્ષ જેટલો સમય લાગી શકે છે. આટલો લાંબો સમય અંતરીક્ષયાત્રી 'સ્પેસ'માં રહે ત્યારે તેના ઉપર ઝીરો ગ્રેવીટી, કોસ્મિક રેડિયેશન અને સ્પેસ ટ્રાવેલની શારીરિક, માનસિક, સામાજીક અને નૈતિક અસરો શું પડે તે ચકાસવામાં આવ્યું છે. નાસાનો સ્કોટ કેલી નામનો અંતરીક્ષયાત્રી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર એક વર્ષ જેટલો સમય વિતાવીને પૃથ્વી પર પાછો ફર્યો છે. સ્કોટકેલી અને રશિયન જોડીદાર મિખાઇલ કોરનીપેન્કો ૩૪૨ દિવસ સુધી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર રહ્યાં હતા. માઇક્રો ગ્રેવીટીનાં કારણે તેની કરોડરજ્જુ પરનું દબાણ ઘટી ગયું હતું. જેના કારણે કરોડરજ્જુની લંબાઇ વધી ગઇ હતી. સ્કોરકેલી તેની પહેલાની ઉંચાઇમાં ૧.૫૦ ઇંચનો વધારો કરીને પૃથ્વી પર પાછો ફર્યો છે. જો કે અંતરીક્ષ પ્રવાસની અસરોના અભ્યાસનાં તારણો હજી આવવાનાં બાકી છે. નાસાને મંગળ ગ્રહ પર અંતરીક્ષયાત્રીઓને મોકલવા માટેનું માર્ગદર્શન, અંતરીક્ષ મુસાફરીના તારણોમાંથી મળી શકે તેમ છે.

Wednesday 9 March 2016

એટ્રેકશન થી એટેક સુધીનું ઉડ્ડયન

- એરીયલથી ગ્રાઉન્ડ ડ્રોન

ગયા સપ્ટેમ્બર મહિનાના લંડનના હિથ્રો એરપોર્ટ પર એરબસ એ-૩૧૯ ઉતરાણ કરવાની તૈયારી કરતું હતું. ત્યારે ૫૦૦ ફૂટની ઉંચાઈએ પ્લેનની કોકપિટથી માત્ર ૨૦ ફૂટની ઉંચાઈએ હેલિકોપ્ટર સ્ટાઇલ ડ્રોન વિમાન પસાર થયું હતું. એરબસ સાથે અકસ્માત થતાં થતાં બચી ગયો હતો. ૨૭ ફેબુ્રઆરી ૨૦૧૬ના રોજ અફઘાનિસ્તાનમાં થયેલ ડ્રોન હુમલામાં અલ-કાયદા સાથે સંકળાયેલા ત્રણ ત્રાસવાદીઓ મૃત્યુ પામ્યા હતા. આ હુમલો અફઘાનિસ્તાનના પકટીકા પરગણામાં થયો હતો.
ત્રાસવાદીઓ સામે હાલમાં પાકિસ્તાનમાં પણ ડ્રોન વિમાન દ્વારા હુમલા કરવામાં આવે છે. છેલ્લા ૧૨ વર્ષમાં અમેરિકાએ પાકિસ્તાનમાં કરેલા ડ્રોન હુમલામાં ૩૦૦૦ કરતા વધારે લોકો મૃત્યુ પામ્યા છે. આ લોકો મોટા ભાગે સીઆઇએના હિટલિસ્ટ પર હતા. ટાઇમ સ્કવેરમાં થયેલા કાર બોમ્બ વિસ્ફોટના બોમ્બર ફૈઝલ શરઝાદ કહે છે કે પાકિસ્તાનમાં સીઆઇએ ડ્રોન એટેક કરાવી રહ્યું છે. સી.આઇ.એ.ના ડ્રોન પ્રોગ્રામને ટ્રાયલ એટલે કે કોર્ટ- કચેરી કે ઇન્કવાયરી કર્યા વગર કરવામાં આવતી 'ડેથ પેનલ્ટી' ગણવામાં આવે છે. હવે એવું રહ્યું નથી કે ત્રાસવાદીને મારવા માટે ડ્રોન વપરાય છે. ત્રાસવાદીઓ પણ હવે હુમલા કરવા ડ્રોન વાપરે તેવી આશંકા સેવાઈ રહી છે. આમ ડ્રોન વિમાન એટેક્શનથી એટેક સુધીની સફર ખેડી  ચૂક્યું છે.

ડ્રોન બેકગ્રાઉન્ડથી ફ્રેન્ટલાઇન સુધી

આપણે જેને ડ્રોન વિમાન તરીકે ઓળખીએ છીએ તેનું ટેકનિકલ નામ અનમેન્ડ એરિયલ વેહીકલ છે. જે 'યુએવી' તરીકે ઓળખાય છે. શોખીનોથી માંડીને વ્યાપારી ધોરણે ડ્રોન હવે વપરાવા લાગ્યા છે. લશ્કરી હેતુ માટે વપરાતા ડ્રોન એક અલગ જ કિસ્મની જમાત છે જેને અનમેન્ડ કોમ્બેટ એરિયલ વેહીકલ તરીકે ઓળખવામાં આવે છે. મોટા ભાગે એરિયલ ફોટોગ્રાફી માટે રિમોટ કંટ્રોલ સંચાલિત ડ્રોન અને કેમેરા વપરાય છે. ઘણા દેશોએ ડ્રોન માટે લાયસન્સ ફરજિયાત કરેલ છે છતાં પ્રતિબંધિત વિસ્તારો નજીક ડ્રોન ઉડતા જોવા મળે છે. છ ઇંચથી માંડીને ૬૦ ફૂટનો વિંગ સ્પાન ધરાવતા ડ્રોન વિશ્વમાં વપરાય છે. ટૂંકમાં મનુષ્ય એટલે કે પાયલટ વગર ઉડાડવામાં આવતા વાહનને 'ડ્રોન' તરીકે ઓળખવામાં આવે છે.
૧૮૪૯માં વેનિસ ઉપર હુમલો કરવા માટે 'બોમ્બ' ભરેલ બલુનનો ઉપયોગ થયો હતો ત્યારથી લશ્કરી હેતુ માટે 'ડ્રોન' સંબંધી અલગ પ્રકારનું સંશોધન થઈ રહ્યું છે. યુ.એ.વી.ના આ વિકાસ અને સંશોધન કાર્ય પ્રથમ વિશ્વયુદ્ધથી આરંભાયું હતું. ડેટનરાઇટ એસલેન કંપનીએ પાઇલોટ રહિત એરિયલ ટોર્પિડો પણ વિકસાવ્યા હતા. ફિલ્મ સ્ટાર અને મોડેલ વિમાન બનાવવાના શોખીન રિગનાલ્ડ હેતીએ ૧૯૩૫માં ડ્રોનના આદિમાનવ જેવા પ્લેન વિકસાવ્યા હતા. ૧૯૫૯માં લશ્કરી ક્ષેત્રે અમેરિકાએ અસંખ્ય પાલોટ ગુમાવ્યા ત્યારે તેને અનમેન્ડ એરક્રાફ્ટ વિકસાવવાનો વિચાર જન્મ્યો જેમાંથી એક 'ક્લાસિફાઇડ યુએવી' પ્રોગ્રામ શરુ થયો જેનું નામ હતું 'રેડ વેગન' અમેરિકા- રશિયાના શરુઆતના તબક્કાના ગુપ્ત પ્રયોગોમાં ઉડાડવામાં આવેલા વિવિધ આકારના 'યુએવી'ને લોકોએ ઉડતી રકાબી 'યુફો' સમજ્યા હતા. પ્રયોગો અને પરીક્ષણો ખાતરી રાખવાના હોવાથી 'યુએવી' કાર્યક્રમો વિશે તેઓ મૌન રહ્યા હતા.
જાસૂસી કામ માટે ૧૯૬૭- ૭૦ વચ્ચે મધ્ય-પૂર્વમાં વોર ઓફ એટ્રીશન શરુ થયું હતું. ૧૯૭૩માં અમેરિકા- વિયેતનામ અને એશિયાના યુદ્ધોમાં સાડા ત્રણ હજાર 'યુએવી' વાપર્યા હતા. આધુનિક ટેકનોલોજી અને સંશોધન હવે ભવિષ્ય દિશામાં આગળ વધી રહ્યા. ડ્રોનના ક્ષેત્રોમાં થતા નવા સંશોધન અને ઉપયોગો બદલાઈ રહ્યા છે. ડ્રોનની સાથે એક એરિયલ સફર શરુ કરીને વિહંગાવલોકન કરીએ.

એર બોર્ન લેસર ટેકનોલોજી, હવે ડ્રોનમાં સવારી કરશે !

અમેરિકા તેના 'સ્ટાર વોર્સ' કાર્યક્રમને પડતો મૂક્યો હતો. છતાં સ્પેસ ટેકનોલોજીના વિકાસ માર્ગ ખુલ્લા રાખ્યા છે. પેન્ટાગોન મુખ્યત્વે મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ વિકસાવવા 'લેસર વેપન'નો ઉપયોગ કરવા માંગે છે. ચાર વર્ષના સંશોધન બાદ પેન્ટાગોને તેની લેસરગનને બોઇંગ ૭૪૭માં બેસાડી ટેસ્ટિંગ કર્યું હતું. હવે બોઇંગ ૭૪૭ પરીક્ષણ પડતું મૂકીને પેન્ટાગોન તેની લેસર આધારિત લશ્કરી હેતુવાળી 'ડ્રોન' વાપરવાનું આયોજન કરી રહી છે. પેન્ટાગોનના ડ્રોનની ખાસિયત એ છે કે ૬૫ હજાર ફૂટની ઉંચાઈએ (૨૦ કિ.મી.) સ્થિર ઉડતું રહી શકે છે. દિવસો સુધી તેને હવામાં ઉડતું રાખવાનું પણ શક્ય છે. મિસાઇલ ડિફેન્સ એજન્સીના ડિરેક્ટર જેમ્સ સીરીંગ જણાવે છે કે, 'ત્રણ વર્ષમાં લેસર ટેકનોલોજી તેના અંતિમ સ્વરૃપે પહોંચી હશે.'
દુશ્મન દેશોની મિસાઇલ લોન્ચિંગ સાઇટ નજીક લેસર ધરાવતા ડ્રોન ઉડતા રાખવાનું અને દુશ્મન દેશના મિસાઇલ છૂટે તે પહેલાં જ 'લેસરગન' વડે ફૂંકી મારવાનું પેન્ટાગોનનું પ્લાનિંગ છે. જેમાં મુખ્ય નાયક અને દુશ્મન માટે ખલનાયકની ભૂમિકા ડ્રોન વિમાન ભજવશે. પેન્ટાગોને તેના એરબોર્ન લેસર ટેકનોલોજી વિકસાવવા માટે ૧૬ વર્ષ અને પાંચ અબજ ડોલર ખર્ચ્યા છે. બોઇંગના જેટ વિમાનના નાક પાસે કેમિકલ આધારિત મોટું લેસર સંયત્ર ગોઠવ્યું હતું. તેના પ્રથમ પરીક્ષણમાં ૨૦૧૦માં એક મિસાઇલ ફૂંકી માર્યું હતું. જે દર્શાવે છે કે પુરતી ઉર્જા હોય, લેસર બિમ ક્વોલીટી ઉત્તમ હોય, પૂરતું ઉંચાઈ પર લેસરનો સ્તોત્ર હોય તો મિસાઇલને આંતરીને નષ્ટ કરવાનું કામ સરળ બની જાય તેમ છે. ડ્રોન માટે વાપરવામાં આવનાર હાઇ એનર્જી લેસરનો વિકાસ એરોસ્પેસ અને ડિફેન્સ કોન્ટ્રાક્ટ નોરથ્રોપ ગ્રુમાન કંપની કરવાની છે. જ્યારે લેસર બીમ અને ફાયર ટેકનોલોજી લોકહીડ માર્ટિન કંપની વિકસાવશે. એક દિશામાં વહેતી ઊર્જા દ્વારા એન્ટી મિસાઇલ ટેકનોલોજીનો વિકાસ આકર્ષક છે. અમેરિકાની એરફોર્સ રિસર્ચ લેબોરેટરી લેસર વેપન્સને ૨૦૨૦ સુધીમાં જેટ ફાઇટર સાથે જોડીને ૩૬૦ ડીગ્રીએ લેસર બબલફિલ્ડ તૈયાર કરશે. જેના કારણે વિમાન નજીક આવનાર વિમાન કે મિસાઇલ સુરક્ષિત અંતરે નાશ પામશે.

ગ્રાઉન્ડ ડ્રોન: કુરિયર સર્વિસનો મૃત્યુઘંટ વગાડશે

સ્ટારશીપ ટેકનોલોજી માર્ચ મહિનામાં લંડનમાં પાર્સલ ડીલીવરી માટે રોબોટીક વેહીકલ વાપરશે જેને કંપની ગ્રાઉન્ડ ડ્રોન તરીકે ઓળખાવે છે. જેનું નામ 'સ્ટારશીપ બોટ' રાખવામાં આવ્યું છે. જે રોબોટ ઓછો અને માર્સ પર ચાલતા પાથપાઇન્ડરની યાદ વધારે અપાવે તેવું છે. ગ્રોસરી માર્કેટમાં આપવામાં આવતી બે બાસ્કેટ જેટલો સામાન તેના ક્મ્પાર્ટમેન્ટમાં રહી શકે છે. છ પૈડા ધરાવતા ગ્રાઉન્ડ ડ્રોનને સંપૂર્ણ રીતે ઇન્ટરનેટ કનેક્શન અને 3G ટેકનોલોજીથી સંચાલિત કરવામાં આવ્યો છે. ગ્રાહકનું સરનામું, ઇન્ટરનેટ અને  GPS સિસ્ટમથી તે શોધી નાખે છે. મનુષ્ય માફક ચાલે તેવો રોબોટ કલાકના ત્રણ કિ.મી.નું અંતર કાપે છે. રોડ, રસ્તા, રોડની ધાર કે ખાડા ટેકરામાંથી તે આસાનીથી પસાર થઈ શકે છે. સ્થાનિક ડિલીવરી ૫થી ૩૦ મિનિટમાં પૂરી કરી શકે છે. કંપનીના કહેવા પ્રમાણે કુરિયર સર્વિસ કરતા તે ૧૦થી ૧૫ ગણી વધારે સસ્તી છે. રસ્તામાં વાહનોની અડચણ આવે, રાહદારી નડે તો પણ તે પોતાનો માર્ગ સરળતાથી પૂર્ણ કરે છે. આ તબક્કે મુખ્ય સવાલ એ થાય કે રસ્તામાં જ કોઈ કન્સાઇન્મેન્ટની ચોરી કરી જાય અથવા નુકસાન પહોંચાડવાની કોશિષ કરે તો સલામતી વ્યવસ્થા શું છે ?
આવા ગ્રાઉન્ડ ડ્રોનની સુરક્ષા માટે મનુષ્ય ઓપરેટરની એક ટીમ ડ્રોનના લોકેશન પર નજર રાખે છે. જાણે કે પેટ્રોલિંગ કરે છે. કોઈ કંપાર્ટમેન્ટ તોડવાની કોશિષ કરે અથવા આખા આખા ગ્રાઉન્ડ ડ્રોનને ચોરી કરવાનો પ્રયત્ન કરે ત્યારે નજીકના પોલીસ સ્ટેશને ડ્રોન જાણ કરે છે. ડ્રોનમાં રાખેલા નવ જેટલા કેમેરા સક્રિય થઈને ચોરના ચહેરાની તસ્વીરો અને વિડિયો ખેંચી લે છે. મહત્ત્વની વાત એ છે કે ડ્રોનનું સ્થાન ઇન્ટરનેટ વડે ટ્રેક કરી શકાય છે. ચોરી કરનાર ડ્રોનને ક્યાં લઈ જઈ રહ્યો છે તેની પૂરેપૂરી માહિતી મળી રહે છે. છેલ્લે મહત્ત્વની વાત કસ્ટમરની કાર્ગો ટ્રંક કે કમ્પાર્ટમેન્ટ ચોરી કે ટેમ્પરીંગનો પ્રયત્ન થતાં જ લોક થઈ જાય છે. માત્ર કસ્ટમરના કોડ અને ચોક્કસ એપ્લીકેશન વડે જ કાર્ગો કમ્પાર્ટમેન્ટ ખુલે છે. ઇ-કોમર્સને ધ્યાનમાં રાખીએ તો આવનારા સમયમાં ગ્રાઉન્ડ ડ્રોન કુરિયર સર્વિસને તાળા મારી નાખશે.

પાવર એગ ડ્રોન, રેસક્યુ ડ્રોન અને ઇન્ફ્રારેડ ટેકનોલોજી

એરિયલ ફોટોગ્રાફી માટે સૌથી શ્રેષ્ઠ શસ્ત્ર 'ડ્રોન' વિમાન છે. ચીનની પાવર વિઝન રોબોટ એરિયલ ફોટોગ્રાફી માટે પાવર એગ નામનું ડ્રોન વિકસાવ્યું છે. જેનો આકાર 'ઇંડા' જેવડો છે પરંતુ કદ ઇંડા જેટલું નથી. પીઠ પાછળ થેલામાં લઈને ફરી શકાય તેવું ડ્રોન ફોટોગ્રાફરો માટે આશીર્વાદ સમાન છે. ૩૬૦ ડિગ્રી પેનોરેમિક વ્યૂ લઈ શકે તેવો કેમેરા તેમાં ગોઠવી શકાય છે. જે ચાર રિઝોલ્યુશનવાળી એચ.ડી. ફિલ્મ ઉતારી શકે છે. ફિલ્મ રેકોર્ડીગ માટે ૩ એકબીલ/ધરી પર ફરી શકે અને આંચકા ન લાગે તેવી 'ગિમ્બલ' ગોઠવવાની વ્યવસ્થા છે. સામાન્ય રીતે ડ્રોનમાં રોટર બ્લેડ ખુલ્લી રહેતી હોય ત્યારે ડેમેજ થવાની શક્યતાઓ વધી જાય છે. ડ્રોનની હેરફેર વખતે બ્લેડ સાચવવાની એક સમસ્યા ઉભી થાય છે તેમાંથી બચવા માટે ઇંડા આકારનું ડ્રોનની ડિઝાઇન રોટર બ્લેડને વધારાની સેફ્ટી પૂરી પાડે છે (તેની વિડિયો પોપ્યુલર સાયન્સની સાઇટ પર ઉપલબ્ધ છે.

www.youtube.com/watch?v=4QVK3B7hsFQ

જંગલમાં હાઇકિંગ માટે જનારા યુવાનો કેટલીકવાર ભૂલા પડી જાય છે. કેટલીકવાર અકસ્માતનો ભોગ બને છે. આવા સમયે ખોવાયેલ હાઇકરને શોધવા અને અકસ્માત કે આફતગ્રસ્ત પરીસ્થિતિમાં સપડાયેલ હાઇકરને શોધવા માટે નવતર શૈલીનું ડ્રોન કેનેડીઅન એન્જિનિયર સ્ટેફાન વેસેનબર્ગે તૈયાર કર્યું છે. બચાવ કામગીરીના લોકોને હાઇકરની પરીસ્થિતિથી ડ્રોન વાકેફ કરી શકે છે. ડ્રોનમાં ઇન્ફ્રારેડ કેમેરા લગાડી શકાય છે. જેના કારણે જીવંત વ્યક્તિના શરીરના તાપમાન આધારે વિડિયો લઈ શકાય છે. જે એક પ્રકારના રિમોટ સેન્સિંગ જેવું કામ કરે છે. કુદરતી આફત સમયે પણ આ ડ્રોન બચાવ કામગીરી માટે ઉપયોગી સાબિત થાય તેમ છે. નવું સંશોધન ધરાવતું ડ્રોન પાંચ હજાર ડોલરની કિંમતે બજારમાં મૂકવામાં આવનાર છે. ડ્રોન એડવેન્ચરના શોખીન ફોટોગ્રાફર બ્રેડલી એમ્બ્રોસે કોંગોના માઉન્ટ નિરાગોન્ગોં નામની સક્રીય જ્વાળામુખીના મુખમાં ડ્રોન વિમાન ઉતારીને અદ્ભુત વિડિયો ઉતારી છે. આ જ્વાળા મુખી વિશ્વનું સૌથી વિશાળ ધગધગતા લાવાનું સરોવર ધરાવે છે. યુ ટયુબ ઉપર વર્લ્ડ ક્લાસીઝ એજ વોલ્કેનો વિડિયો પણ જોવા લાયક છે.

Tuesday 1 March 2016

જીનેટીક્સ: ઉત્ક્રાંતિનો ખરો આધારસ્તંભ

 
મૈ ઐસા કયું હું ! સવાલનો જવાબ છે જીનેટીક્સ ! ધ સાયન્સ ઓફ જીન્સ ! જનિન વિજ્ઞાન. પહેલાંના જમાનામાં લોકો કહેતા 'આવું અમારાં લોહીમાં જ હોય છે ! હવેની પેઢી કહી શકે, 'આ બધું અમારા જનીનોમાં છે.' વટાણા ઉપર પ્રયોગ કરનાર પાદરી ગ્રેગર મેન્ડેલને સ્વપ્નેય ખ્યાલ ન હતો કે વારસાગત લક્ષણોને લગતો તેનો પ્રયોગ આગળ જતાં ચાર્લ્સ ડાર્વિનનાં ઉત્ક્રાંતિવાદ સાથે જોડાઈ જશે. તેનાં પ્રયોગનાં કારણે વિજ્ઞાાનની એક નવી વિદ્યાશાખા ખુલી જશે. જેની શાખાઓ અનેક ફુટી નીકળશે. બાયોલોજી અને ટેકનોલોજીનો સંગમ જીનેટીક એન્જીનીયરીંગનો પાયો નાખશે. પાદરી ગ્રેગર મેન્ડેલે કયારેય જનીન કે જીનેટીક્સ જેવો શબ્દ વાપર્યો નથી. ૧૯૦૫માં વારસાગત લક્ષણો સમજાવવા માટે વિલીયમ- બેટસન નામનાં વૈજ્ઞાનિકે 'જીનેટીક્સ' શબ્દપ્રયોગ કર્યો હતો. આ ઘટનાની લગભગ અડધી સદી બાદ ફ્રાન્સીસ ફીક અને જેમ્સ વોટસને જનીનોનાં બંધારણીય ઘટક જેવાં DNA નું ત્રિ-પરીમાણમાં એકસરે દ્વારા બંધારણ નિહાળ્યું હતું. જે ડબલ હોટિકલ એટલે કે બેવડું સર્પાકાર જેવું હતું. જીનેટીક્સની મદદથી આજે ગુના ઉકેલાય છે. માબાપની સાચી ઓળખ થઇ શકે છે. રોગોને થતાં પહેલાં જ ઉપાય અજમાવાવમાં આવે છે. તમારાં જનીનો આધારીત 'જીનેટીક્સ ડ્રગ્સ' તૈયાર કરવામાં આવે છે. જીન્સ ટ્રાન્સફર વડે સજીવોમાં નવાં ગુણ અને ગુણવત્તાનો ગુણાકાર થઇ શકે છે. જે વિજ્ઞાન ક્યારેય બંધીયાર અવસ્થામાં આવવાનું નથી તે છે 'જીનેટીક્સ.' માનવ જીવનની શારીરીક બંધારણની આધારશીલા કરોડરજ્જુ હોય તો, કેમીકલ આધારશીલા જીન્સ અને ડિએનએ છે. આવનારા સમયમાં તમે તમારાં સ્માર્ટ આઇડી કાર્ડમાં તમારો પૂરેપૂરો જેનોમ લઇને ફરતાં હશો એ દાયકો દુર નથી !

જનિન ઃ માનવીની બાયોલોજીકલ 'સાપ-સીડી'
આપણી વ્યાખ્યા જનિનો લખે છે. તે વારસાગત લક્ષણોને એક પેઢી સુધી પહોંચાડવાની રચનાત્મક એકમ જેવી સીડી છે. દરેક જનિન મનુષ્ય શરીરમાં અનોખા પ્રકારનું પ્રોટીન પેદા કરવાની 'કેમીકલ ફોર્મ્યુલા' છુપાવીને બેઠું છે. મનુષ્ય શરીરમાં આમ પ્રોટીન પેદા કરનારાં કોડ ધરાવતાં જનિનોની સંખ્યા માત્ર ૨૦,૫૦૦ જેટલી છે. બાકીનાં જનિનો નોન-કોડીંગ જનીન તરીકે ઓળખાય છે. માનવીનાં જેનોમના માત્ર બે ટકા હિસ્સાનાં જનિનો પ્રોટીન કોડીંગ ધરાવતા જનિનો છે. બાકીનાં ૯૮% અત્યારે બીન ઉપયોગી લાગતાં જનિનોની કામગીરી વૈજ્ઞાાનિકો ચકાસી રહ્યાં છે. કેટલાંક વૈજ્ઞાાનિકો માને છે કે મનુષ્ય જનિનોની જટીલ માયાજાળમાં આવાં બિન ઉપયોગી જનિન એક ઉપયોગી સરકીટ રચે છે. જનિનની લંબાઇ પાંચસો-છસો બેઝ પેરથી લઈ ૨૦ લાખ બેઝ પેર સુધીની હોઇ શકે છે. આપણા શારીરીક બંધારણની દરેક ખુબીઓ અને ખામીઓ આપણાં 'જીન્સ' આપે છે.
મનુષ્યનાં શરીરમાં જનિનોની બે કોપી હોય છે. એક કોપી પિતા તરફથી અને એક કોપી માતા તરફથી મળે છે. મજાની વાત એ છે કે જો આ જનિનોમાં બદલાવ ન આવ્યો હોત તો દુનિયાનો દરેક માનવી દેખાવમાં એક સરખો જ હોત ! બધાજ માનવી સરખા નથી અને મહીલાઓ વધારે ખુબસુરત છે તેનો જવાબ પણ જનિનોમાં રહેલો છે. જનિનોમાં થતાં અતિ સુક્ષ્મ ફેરફાર મનુષ્યનાં શરીરમાં બહુ મોટો ફેરફાર લાવી દે છે. જનિનોમાં ક્રમશઃ આવતાં ફેરફાર જો વિકૃતિનું સ્વરૃપ ધારણ કરે તો વિવિધ રોગો કે શારીરીક ખોડખાંપણ પેદા થાય છે.


આપણાં જનીનો અવળા માર્ગે ચાલે તો શું થાય ? કેન્સર
માત્ર એક કે બે જનીનોમાં પેદા થતી વિકૃતિનાં કારણે 'કેન્સર' થતું નથી. સેલમાં પેદા થતી ખામીથી લઈ, કેન્સરની ગાંઠ વિકસે ત્યાં સુધી તબક્કાવાર અનેક જૈવિક ક્રિયાઓ આકાર લે છે. કોષમાં કેન્સર પેદા કરનાર 'ઓન્કોજીન' હોય છે તો તેને એકટીવ બનતા અટકાવવા માટે 'સપ્રેસર જીન' પણ હોય છે. ટયુમર સ્રેસર જનીન કોષને સુચના આપે છે કે ક્યારે કોષ વિભાજન કરી એક કોષમાંથી કાર્બન કોપી જેવાં બે કોષ પેદા કરવા. કોષ વિભાજનની સમગ્ર પ્રક્રીયા ઉપર 'ટયુમર અગ્રેસર જીન' નિયંત્રણ રાખે છે. જયારે આ જનીનમાં ખામી પેદા થાય છે ત્યારે કોષ વિભાજન ઉપર તેનું નિયંત્રણ હોતું નથી. મતલબ કે 'સેલ ડિવીઝન'ને બંધ કરવાની 'સ્વીચ' ખોટકાઇ જાય છે. પરીણામે અનિયત્રીત રીતે કોષ પેદા થતાં જ જાય છે. જે સામાન્ય ગાંઠ પેદા કરે છે. જેમ જેમ કોષ વિભાજન વધતું રહે છે તેમ તેમ એક કોષની બીજી કોપી થવાની ભુલ થવાની શક્યતા વધી જાય છે. પર્યાવરણનાં પરીબળોનાં કારણે ઓન્કોજીન એકટીવ બની જાય ત્યારે 'કેન્સર' થવાની શરૃઆત થાય છે. છેવટે કોષ વિભાજન સમયે 'ભુલ' થાય જ છે અને સામાન્ય ગાંઠ છેવટે 'કેન્સર'ની ગાંઠમાં ફેરવાઇ જાય છે.


હ્યુમન જેનોમ પ્રોજેક્ટ
માનવ શરીરનાં દરેક જનીનોનાં કોડ ઉકેલી એક સંપૂર્ણ 'મેપ' જેને મનુષ્યની જીનેટીક 'બલ્યુ પ્રિન્ટ' કહેવાય તે તૈયાર કરવાની કવાયત વૈજ્ઞાાનિકો એ ૧૯૯૦માં શરૃ કરી હતી. આ એક મોટું વિશાળ કામ હતું. જેમાં વિવિધ દેશોનાં વૈજ્ઞાાનિકોની સહાય લઈ એક પ્રોજેકટ શરૃ થયો. જેનું નામ હતુ. હ્યુમન જેનોમ પ્રોજેકટ (HGP) મનુષ્યનાં જનીનોનો આખો જાદુઈ ચીરાગ એટલે 'જેનોમ' જેનોમની પુરી લંબાઈમાં ૩.૩૦ અબજ બેઝ પેર ગોઠવાયેલી હોય છે. હ્યુમન જેનોમ પ્રોજેકટમાં ૧.૫૦ લાખ બેઝ પેરનાં ટુકડા કરી વૈજ્ઞાાનિકોએ તેને ઉકેલવાની કોશીશ કરી હતી. પ્રોજેકટ ૨૦૦૩માં પુર્ણ થયેલ જાહેર કરવામાં આવ્યો હતો. પ્રોજેકટનાં અંતે વૈજ્ઞાાનિકો પાસે ૨૦,૫૦૦ જેટલાં પ્રોટીન કોડીંગ જનીનોનો ડેટાબેઝ તૈયાર થયો હતો. માનવીને થતાં ૧૮૦૦ જેટલાં રોગો માટે જવાબદાર જનીનોને પણ વૈજ્ઞાાનિકો ઓળખી ચુકયાં છે. બ્રેસ્ટ કેન્સરથી માંડી સ્મૃતીલોપ (અલ્ઝાઇમર) જેવાં રોગો માટે કોઇ ચોક્કસ જનીન જોડાએલાં હોય છે. જો આ ખામીયુક્ત 'જનીન'ને સુધારીને માનવ શરીરમાં આરોપણ કરવામાં આવે તો, રોગને જડમુળથી દુર કરી શકાય છે. તબીબી ક્ષેત્રે થતી આ સારવારને 'જીન ટ્રાન્સ પ્લાન્ટ' કહે છે.


ક્રોમોઝોમથી ડીએનએ
માનવીનાં શરીરનાં બધા જ અંગો કોઈ ખાસ પ્રકારનાં કોષોનાં બનેલાં હોય છે. દરેક કોષમાં કેપીટલ ટાઉન જેવું નાભીકેન્દ્ર એટલે કે ન્યુકલીયસ હોય છે. જેમાં એક માત્ર અપવાદ લાલ રક્તકોષ છે જેમાં નાભીકેન્દ્ર હોતું નથી. (કદાચ કુદરતનો સેફટી વાલ્વ છે. બીજાનું લોહી લેવાથી તેનાં જનિનો આપણા શરીરમાં પ્રવેશે નહીં તેનાં માટે કદાચ કુદરતે આ કરામત કરી હોય !) દરેક કોષનાં નાભી કેન્દ્રમાં રંગસુત્ર, ગુણસુત્ર, ક્રોમોઝોમ હોય છે. ડબલ હેલીકલ સ્ટ્રકચરનાં દોરાથી લપેટાયેલી મોટી ફીરકી એટલે મનુષ્યનાં ક્રોમોઝોમ. વારસાગત લક્ષણો માટે માનવ શરીરનાં ૪૬ રંગસુત્રો જવાબદાર છે. જેમાંના અડધા 'માતા' અને અડધા 'પિતા' તરફથી બર્થ ડે ગીફટ તરીકે મળે છે. જનિનોનો સંગ્રહ એક ચોક્કસ પ્રકારનો ક્રમોક્રોઝોમ. જનીનો DNA એટલે કે ડિ-ઓક્સી ન્યુકલીક એસીડનાં બનેલા હોય છે. તેનાં મુળ મુળાક્ષર માત્ર ચાર છે. જેને ન્યુક્લીઓ બેઝ કહે છે.એડેનાઇન (A) ગ્યુઆનાઇન (G)  સાયોટસાઇન (C) અને થિમાઈન (T) આખી રચનાને સરળભાષામાં સમજાવવા ફ્રાાન્સીક ફીકે કહ્યું હતું કે, DNA, RNA ની રચના કરે છે. RNA ચોક્કસ બીબામાં પ્રોટીન બનાવે છે અને પ્રોટીન મનુષ્યને બનાવે છે. માનવ શરીરનો મહત્તમ હિસ્સો પ્રોટીનનો બનેલો છે. મનુષ્ય રક્તમાં રહેલ હિમોગ્લોબીનથી માંડી પેન્કીયાસ ગ્રંથીમાં પેદા થતું 'ઇન્સ્યુલીન' બધી જ માનવીય પ્રોડકટ પ્રોટીનની બનેલ છે.


DNA ફિંગર પ્રિન્ટ વડે ગુનેગારને કઈ રીતે ઓળખી કાઢવામાં આવે છે ?
ગુનાશોધન વિજ્ઞાાનનાં વૈજ્ઞાાનિકો DNA નો ઉપયોગ ગુનાહીત પ્રવૃત્તિમાં સંડોવાયેલી વ્યકિતની ઓળખ પ્રસ્થાપીત કરવા માટે કરે છે. માનવીનો જેનોમ, અન્ય માનવી જેવો જ હોય છે. તેમાં મોટો તફાવત હોતો નથી. આ કારણે ગુનેગારની ઓળખ મેળવવા માટે આરોપીનો સંપૂર્ણ જેનોમ ઉકેલવાની જરૃર પડતી નથી. બે વ્યકિતનાં જેનોમમાં માત્ર ૦.૧૦ ટકાનો તફાવત હોય છે. વૈજ્ઞાાનિકોને ખબર છે કે જેનોમનાં કયાં ક્ષેત્રમાં બે વ્યક્તિ વચ્ચેનો તફાવત સહેલાઇથી પકડી શકાય તેમ છે. વૈજ્ઞાાનિકોએ માનવીના ૧૩ DNA ક્ષેત્ર શોધી કાઢેલ છે, જે બે વ્યક્તિ વચ્ચેનાં જેનોમનો તફાવત દર્શાવે છે. ૧૩ DNA ક્ષેત્રનાં તફાવત વડે વૈજ્ઞાાનિકો DNA ફિંગર પ્રિન્ટ તૈયાર કરે છે. દરેક ક્ષેત્રમાં બે થી માંડી ૧૩ જેટલાં ન્યુકલીઓરાઇડની પેટર્ન પુનરાવર્તીત / રીપીટ થતી રહે છે. DNA નો નાનો ટુકડો જેને પ્રોબ કહે છે. રીપીટ થતી પેટર્નનાં આ બ્લોકની પોલીમરેઝ ચેઇન રિએકશન ટેકનીક વડે લંબાઇ જાણવામાં આવે છે. બે વ્યક્તિનાં પ્રોબ સરખા હોવાની શકયતા એક અબજ વ્યક્તિ દીઠ એકની છે. ટુંકમાં બે વ્યક્તિ વચ્ચેનાં પ્રોબ સરખા હોતા નથી. વૈજ્ઞાાનિકો બે વ્યક્તિનાં ૧૩ DNA રિજીઅનની સરખામણી કરીને સાચા ગુનેગારને શોધી કાઢે છે.

નાસાને પબ્લિસીટી સ્ટંટની જરૃર પડે છે ?

ફેસ ઓફ ગૉડ UFO, ડ્રેગન, ઑરાયન

આ અઠવાડીયે નાસા ન્યુઝમાં છવાયેલ છે. એલન મસ્કની 'સ્પેસ એક્સ'ને નાસાએ અંતરીક્ષયાત્રીઓને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)  પર મોકલવા માટે ખાનગી કંપનીને કોન્ટ્રેક્ટ આપ્યો છે.
મંગળ ઉપર નાસાએ મોકલેલ માર્સ ઓપર્ચ્યુનીટી રોવર દ્વારા મંગળની સપાટીની એક તસ્વીર મોકલી છે. જેમાં UFO માં માનનારાં લોકોને પ્રાચીન અસીરીયન ભગવાનનો 'ચહેરો'દેખાયો છે.
UFO વાળા માટે બીજા ખાસ ખબર એ છે કે ISS ઉપર ગયેલ અંતરીક્ષયાત્રી સ્કોર કેલીએ  ISS ની બારીમાંથી એક તસ્વીર લીધી છે જેમાં પૃથ્વી દેખાય છે. આ તસ્વીરનાં એક ખૂણા ઉપર UFO સ્પષ્ટ દેખાય છે. જેની બે લાઇટ પણ દેખાય છે. ફોકસ ન્યુઝ ટીવી પર UFO વિશે લાંબી ચર્ચા ચાલી હતી.
આવા સમાચારોનાં વમળમાં 'નાસા' ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી માંડી મંગળ સુધીની સફર માટે ભવિષ્યનાં માર્ગ પર નવાં મુકામ મેળવવાનું ચાલુ જ રાખ્યું છે. નાસાએ જોકે જાહેર કર્યું છે કે તેને માર્સ પરનાં ચહેરા કે તસ્વીરમાં દેખાતાં યુફોમાં રસ નથી. તે માત્ર ટેકનોલોજીકલ હરણફાળ ભરવામાં જ વ્યસ્ત છે. નાસાની સફરનાં તરોતાજાં સમાચારો મેળવી લઇએ.

મંગળ ઉપર 'ભગવાનનો ચહેરો' દેખાય છે ?

ટેલીસ્કોપમાંથી મંગળ પર આવેલી સુકાઇ ગયેલી નદીઓ જેવી રચનાને ભૂતકાળમાં પૃથ્વીવાસીઓ મંગળવાસીએ બાંધેલ કેનાલ માનવાની ભૂલ કરી ચુક્યા હતાં. આવા જ નવા સમાચાર હવે આવ્યા છે. નાસાનાં માર્સ ઓપર્ચ્યુનીટી રોવર, મંગળનાં કન્સેપ્શન ક્રેટરની તસ્વીર મોકલી છે. આ ખાડો-ક્રેટર વૈજ્ઞાનિકો માટે પણ રહસ્યમય જેવો છે. આ ક્રેટર ગર્ત મંગળ પરનો સૌથી યુવાન ભૂસ્તરીય રચના ધરાવે છે. ત્યાંના ખડકોની સપાટી પર રહસ્યમય પદાર્થનું કોટીંગ આવેલું હોય તેવું જોવા મળ્યું છે.
યુફો અને પરગ્રહ સાથે સ્નેહસંબંધ ધરાવનારાં 'ઓપર્ચ્યુનીટી'એ મોકલેલ તસ્વીરથી ખુશ છે. પૃથ્વીવાસીઓમાં એક દંતકથા એવી છે કે પ્રાચીન અસીરીયન પ્રજા ટેકનોલોજીકલી સક્ષમ હતી. તે સ્પેસ ટ્રાવેલ પણ કરી શકતી હતી.
તેમણે તેમનાં ભગવાન ''નાબુ''નું પુતળું બનાવીને મંગળ ઉપર ગોઠવ્યું હતું. નાબુને ગોડ ઓફ વિઝડમ એટલે કે સમજદારીનાં ઈશ્વર ગણાય છે. કન્સેશન ક્રેટરની ઘાટ ઉપર વિચિત્ર આકારવાળા ખડકોનાં ટુકડા છે. જેમાં એક ટુકડો માનવ ચહેરાં જેવો દેખાય છે. ફોકસ ન્યુઝને માહિતી આપતાં નાસાનાં પ્રવકતા ગાય વેબસ્ટરે કહ્યું હતું કે ક્રેટરની ધાર પર કુદરતી રીતે રચાયેલ ખડકના ટુકડા છે. કોઇ સ્ટેચ્યુ-પુતળાનો ટુકડો નથી.
લોકો પોતાની કલ્પનાશક્તિનાં ઘોડાઓને છુટો દોર આપીને લોકોની ઉત્તેજનામાં વધારો કરી રહ્યાં છે. લોકોની એક માનસીકતાને 'ક્રેસ પેરોડોલીયા' કહે છે. જેમાં લોકો ચિત્ર, પેટર્ન કે રચનાઓમાં માનવ કે પ્રાણી ચહેરો શોધવાનું કામ કરતાં હોય છે. કાપેલા ફળો, દીવારનાં ઉખડેલા પ્લાસ્ટર કે વૃક્ષોની છાલમાં પણ લોકોને વિવિધ ચહેરા કે ધાર્મિક ચિન્હો દેખાતા હોય છે. ૧૯૭૬માં વાઇઝીંગ દ્વારા લેવાયેલ તસ્વીરમાં  પણ લોકોએ 'માનવ ચહેરો' શોધી કાઢ્યો હતો.
પૃથ્વીવાસીઓનો એક વર્ગ યુફો અને પરગ્રહવાસીઓની હાજરીમાં વિશ્વાસ રાખે છે. ગયા મહિને તેમણે મંગળનાં ખડકોમાં ભગવાન બુધ્ધનાં દર્શન થયા હતાં. આ લોકોનું માનવું છે કે મંગળ પર એક વાર બુધ્ધિશાળી જીવોનો વસવાટ હતો. જોકે કોઇ તસ્વીરોમાં આપણને મંગળ ઉપર વસાહત કે રહેઠાણનાં પુરાવાઓ મળ્યા નથી. ત્યારે સપાટીની રચનાઓને આપણી કલ્પનાનાં ''ચહેરા'' આપવા ન જોઇએ.

દક્ષિણ ભારતનાં આકાશમાં UFO દર્શન ?

અમેરીકન અંતરીક્ષયાત્રી ૨૩૬ દિવસથી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં કાર્યરત છે. સ્પેસ સ્ટેશનમાં લાંબો સમય વિતાવવાનો રેકોર્ડ પણ તે સર્જવાનાં છે. તેમણે ગયા રવિવારે એટલે કે ૧૫ નવેમ્બરે એક તસ્વીરને પોતાનાં ટ્વિટર એકાઉન્ટ ઉપર 'શેર' કરીને લખ્યું હતું કે ''ડે ૨૩૩, અન્સ અપોન એ સ્ટાર ઓવર સર્ધન ઈન્ડીયા. ગુડ નાઇટ ફ્રોમ સ્પેસ સ્ટેશન.'' યર ઈન ધ સ્પેસ.''
તસ્વીરને જ્યારે પૃથ્વીવાસીઓએ નિહાળી ત્યારે તેમને જમણી બાજુ ઉપલા ભાગમાં એક અનઆઇડેન્ટીફાઇડ ફ્લાઇંગ ઓબ્જેક્ટ'' એટલે કે UFO નાં દર્શન થયાં હતાં. તસ્વીરનાં સંદર્ભમાં સ્કોટકેલીએ લખ્યું હતું કે ''તેને ભારત ઉપર ખેંચવામાં આવી હતી.'' મજાની વાત એ છે કે સ્કોટ કેલીને કોઇ પણ ''યુફો'' જેવી ચીજ ઉડતી દેખાઇ ન હતી. કેટલાંક લોકો માને છે કે પરગ્રહવાસી અને UFO ને લગતી માહિતી 'નાસા'વાળા  જાણી જોઇને  છુપાવી રહ્યાં છે.
જાણકારનાં મત પ્રમાણે તસ્વીરમાં મેટાલીક બોડીમાં 'સીગાર' આકારનું સ્પેસ યાન છે. જે લગભગ ૨૫ મીટર લાંબુ છે અને સ્પેસ સ્ટેશનથી ૨૦૦થી ૩૦૦ મીટર દૂર હશે ? શું જાણી જોઇને નાસાનાં સ્કોટ કેલીએ મૂંગા રહીને તસ્વીર પૃથ્વીવાસીને પહોંચાડી છે જેથી ''એલીયન''નાં અસ્તિત્વની પૃથ્વીવાસીને જાણ થાય ? સ્ટોરી માનો યા ના માનો પ્રકારની છે. એમાં પાછું તસ્વીર ખેંચનાર ચુપ છે ! નાસાએ પણ વ્યક્તિગત રીતે આ તસ્વીર પર ''કોમેન્ટ'' કરવાનું રાખ્યું છે.
જોકે સાચી હકીકત પીટર કેલ્ટનર દર્શાવે છે. તસ્વીરમાં દેખાતી ચીજ યુફો નથી. તે સ્પેસ સ્ટેશનનું જ વિશિષ્ટ એન્ટેના છે. જે તસ્વીરમાં દેખાય છે. જોકે યુફો બીલીવર આ વાત માનવા તૈયાર નથી. બોલો તમારૃં શું માનવું છે ?

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે નાસાએ કરાર કર્યો છે

નાસાનું સ્પેસશટલ રિટાયર્ડ થઇ ગયું ત્યારે, નાસાને સમસ્યા સતાવતી હતી. હવે ઇન્ટરનેશનલ સ્પેશ સ્ટેશન પર અંતરીક્ષ યાત્રીઓને મોકલવા કઇ રીતે ? રશિયા અને ખાનગી કંપનીઓ આ બે વિકલ્પ તેમની પાસે બચ્યા હતા. સપ્ટેમ્બર ૨૦૧૪માં નાસાએ બોઇંગ કંપનીને ૪.૨૦ અબજ ડોલર અને સ્પેસ એક્સ કંપનીને ૨.૬૦ અબજ ડોલરનો કોન્ટ્રેક્ટ આપવાની જાહેરાત કરી હતી. વર્ષની શરૃઆતમાં બોઇંગ કંપનીએ જાહેર કર્યું હતું કે '' CST-૧૦૦'' સ્ટાર લાઇનર કેપ્સ્યુલ દ્વારાં બોઇંગ પાયલોટ મિશનને ISS ઉપર મોકલશે. આમ કરનારી તે પ્રથમ કંપની હશે. નાસાએ ખુલાસો કર્યો કે બોઇંગ કે સ્પેસ એક્સ કોને પ્રથમ ફુ મોકલવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે એ વાત 'નાસા' આવનારા સમયમાં નક્કી કરવામાં આવશે.
સ્પેસ એક્સ કંપની આઇએસએસ પર કાર્ગો મિશન મોકલતું આવ્યું છે. કાર્ગો મિશન વાળી ડ્રેગન કેપ્સ્યુલમાં સુધારા વધારા કરીને અંતરીક્ષયાત્રીઓને લઇ જઇ શકાય તેવું કેપ્સ્યુલ તૈયાર કરવામાં આવશે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ૨૦૨૪ સુધી કાર્યરત રહેવાનું છે. અંતરીક્ષ યાત્રીઓને ત્યાં પહોચાડવા માટે નાસા ચાર ગેરટીવાળા ઓર્ડર આપવાનું છે.જેના બીજા ઓર્ડરની સીરીઝમાં બોઇંગ અને સ્પેસ એક્સને ચાન્સ મળ્યો છે. ૨૦૧૧ બાદ નાસાનો શટલ પ્રોગ્રામ બંધ થઇ ગયો હતો.
રશિયાની સોયુઝ કેપ્સ્યુલ દ્વારા હાલમાં અંતરીક્ષયાત્રીઓ સ્પેસ સ્ટેશન પર જાય છે. એક સીટ માટે નાસા, રશિયાને સાત કરોડ ડોલર ચુકવે છે. આગામી ૨૦૧૭માં સ્પેસ એક્સ તેના ડ્રેગન ફુ મિશન દ્વારા અંતરીક્ષયાત્રીઓને સ્પેસસ્ટેશન પર મોકલશે.
સ્પેસ એક્સનું ડ્રેગન સ્પેસક્રાફ્ટ ચાર વર્ષ પહેલાં શરૃઆત કરી ચુક્યું છે. ડિસેમ્બર ૨૦૧૦માં પૃથ્વી ફરતે પ્રદક્ષિણાની ભ્રમણકક્ષામાં જઇને પૃથ્વી પર પાછુ ફરનાર પ્રથમ સ્પેસ ક્રાફ્ટનો ઇતિહાસ 'ડ્રેગન' દ્વારા લખાયો હતો. આ પ્રકારની સફળતા આ પહેલા માત્ર અમેરિકા, રશિયા અને ચીને મેળવી હતી. ડ્રેગનનું હિટ-શીલ્ડ અત્યાર સુધીનું સૌથી વધારે પાવરફુલ હિટશીલ્ડ છે તે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા યાત્રીને ગરમી સામે રક્ષણ આપે છે. જે નાસાના ફેનોલીક ઇમ્યુગ્નેટેડ કાર્બન એબ્લેટર (PICA) નું અતિ આધુનિક સ્વરૃપ છે. ડ્રેગન કુલ ૩.૩૦ ટન વજન ઉચકી જવાની ક્ષમતાં ધરાવે છે. માત્ર કાર્ગો કેપ્સ્યુલ હવે ૭ ટનનું વજન ઉચકવા સક્ષમ છે. નાસાને હવે આઇએસએસ માટે યોગ્ય વિકલ્પ મળી ચુક્યો છે.

ઓરાયન

સ્પેસ શટલ કોલંબીયાને અકસ્માત નડયો ત્યારે જ પ્રમુખ જ્યોર્જ બુશને લાગ્યું હતું કે સ્પેસ શટલનો કોઇ વિકલ્પ હોવો જોઇએ. કોલંબિયાને પહેલી ફેબુ્રઆરી ૨૦૦૩માં અકસ્માત નડયો હતો. જેમાં કલ્પના ચાવલાનું દુ:ખદ અવસાન થયું હતું. લગભગ તેનાં અગીયાર મહીના બાદ, બુશે નવા ફુ એક્સપ્લોગેરેશન વેહીકલ વિકસાવવાની જાહેરાત કરી હતી.
તેનું પરિણામ એટલે 'ઓરાયન' મલ્ટીપર્પઝ વેહીકલ ગયા ડિસેમ્બરની ૫ તારીખે ડેલ્ટા-૪ રોકેટ દ્વારા 'ઓરાયન'ની પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ થઇ હતી. જો કે ૨૦૨૩ સુધીમાં તેની અંતરીક્ષયાત્રી સાથેની કોઇ ફ્લાઇટ જવાની નથી. નાસા માટે ૨૦૨૧  સુધીમાં 'ઓરાયન' તૈયાર કરી નાખવાનું છે.
કોઇપણ સ્પેસક્રાફ્ટ માટે પૃથ્વીના વાતાવરણમાં પાછુ પ્રવેશવું હીટ-શીલ્ડ વગર મુશ્કેલ બને છે. છેલ્લી ફ્લાઇટમાં ઓરાયન સેકન્ડનાં ૩૦ હજાર ફુટની ગતીથી પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યું હતું. આ સમયે લગભગ ચાર હજાર ફેરનહીટ જેટલી ગરમી પેદા થઇ હતી. ચંદ્ર તરફ યાત્રા કરીને યાન પૃથ્વી પર પાછુ ફરે ત્યારે આટલી ગરમી પેદા થવાની છે.
યાનની દિશા સૂર્ય તરફની હોય ત્યારે પણ યાનની સપાટી પર પુષ્કળ ગરમી પેદા થવાની છે. ઓરાયનનું નવું સીલ્વર મેટાલીક કોટીંગ પોતાનું તાપમાન ૧૫૦થી ૫૫૦ વચ્ચે જાળવી રાખે છે. ઓરાયનના મુખ્ય રચનાકાર કંપની લોકહીડ માર્ટીન છે. યાનનું હીટશીલ્ડ ૧૮૦ અલગ અલગ બ્લોક વડે બનાવવામાં આવશે.
ઓરાયન કેપ્સ્યુલ દ્વારાં નાસાનો ભૂતકાળ જાણે કે જીવંત થયો છે. નાસાનાં એપોલો ૧૭ની યાદ 'ઓરાયન' અપાવે તેવું છે. સાત ડિસે.૧૯૭૨માં નાસાએ ચંદ્ર તરફ એપોલો-૧૭ મોકલ્યું હતું. તેની ક્રુ કેપ્સ્યુલ અને ઓરાયન વચ્ચે દેખાવનું પણ સામ્ય છે. એપોલો ત્રણ અંતરીક્ષ યાત્રીને લઇ જવા સક્ષમ હતું. જ્યારે ઓરાયન ચાર અંતરીક્ષયાત્રીઓને નજીકના એસ્ટ્રોઇડ કે મંગળ સુધી લઇ જવાની ક્ષમતા ધરાવે છે. આ યાનમાં અંતરીક્ષયાત્રી ૪૫૦ દિવસ દિવસ વિતાવવાનાં છે. નાસાની બધી જ આશાઓ હવે 'ઓરાયન' સાથે જોડાયેલી છે.