Monday 14 March 2016

ડેથ સ્ટાર, ડી-સ્ટાર અને ડીપ-ઇન

પૃથ્વી સાથે વિશાળકાય એસ્ટેરોઇડની ટકરામણ થાય તો... તેની ભયાનકતા જોવા નીચેની વિડીયો જરૂર જુઓ. (સૌજન્ય : ડિસ્કવરી ચેનલ)





માનવજાતના અસ્તિત્વ સામે સૌથી મોટો ખતરો કયો છે ? ત્રાસવાદ ? વિનાશક રોગચાળો ? ભૂકંપ ? પૃથ્વી પરથી સમગ્ર સજીવ સૃષ્ટીનું નામોવિજ્ઞાન કાઢી નાખવાની તાકાત કોણ ધરાવે છે ? આ સવાલનો જવાબ છે એસ્ટ્રોઇડ અથડામણ ! એસ્ટ્રોઇડ એટલે કે લઘુ ગ્રહીકા. મંગળ અને ગુરૃ વચ્ચે આવા અસંખ્ય લઘુગ્રહનો આખો બેલ્ટ/ પટ્ટો આવેલો  છે. કરોડો વર્ષ પહેલા ડાયનોસૌરનાં અસ્તિત્વ લોપની ઘટના માટે લઘુગ્રહ જવાબદાર માનવામાં આવે છે. આ લઘુગ્રહનો વ્યાસ દસ કિ.મી. જેટલો આંકવામાં આવે છે. પૃથ્વી પરથી ચંદ્ર અલગ થયા પાછળ પણ કોઇ વિશાળકાળ લઘુગ્રહની અથડામણ જવાબદાર ગણવામાં આવે છે. પચાસ હજાર વર્ષ પહેલા, ૧.૨૦ કિ.મી.નો લઘુગ્રહ એરીઝોનામાં ટકારાયો હતો.
જ્યાં બેરીન્જર મિટિઓરાઇટ ક્રેટરનું સર્જન થયેલ છે. ૧૪૯૦માં ચીનના ચિલીંગ-યાન શહેર ઉપર ઉલ્કાપીંડનો વિસ્ફોટ થયો હતો ત્યારે દસહજાર લોકો મૃત્યુ પામ્યા હતાં. ૧૯૦૮માં સાઇબીરીયાના તુગુસ્કા ક્ષેત્ર પર ૫૦ મીટરનો ઉલ્કાપીંડ ખાબક્યો હતો. જેણે ૨૦૦૦ ચો.કિ.મી.નો વિસ્તાર સપાટ કરી નાખ્યો હતો. માયકલ પેઇન નામના ઓસ્ટ્રેલીયન ઇજનેરની કોમ્પ્યુટરે માંડેલ ગણતરી મુજબ, માત્ર પાંચ કિ.મી.નો આકાશીપીંડ પૃથ્વી પર ટકરાય તો બે કરોડ મેગાટન ઉર્જા જેટલો વિસ્ફોટ થાય અને પૃથ્વી પરની સમગ્ર માનવ જાત ખતમ થઇ જાય ! તેનાથી બચવાનો ઉપાય છે ?

એસ્ટેરોઇડ એટેક અને મીડીયા
૧૮૭૭માં ખ્યાતનામ વિજ્ઞાનકથા લેખક જુલ્સ વર્ને 'ઓફ ઓન એ કોમેટ' લખી હતી. જેમાં સુર્યમાળાની સફર ખેડવા માટે 'કોમેટ ગાલીઆ'ની કલ્પના કરવામાં આવી હતી. જેને માર્ગમાં 'નેટીના' નામનો એસ્ટ્રોઇ મળે છે. ત્યારબાદ સાયન્સ ફિકશનમાં પૃથ્વીવાસી મોટી હોનારત/ આફતમાં ફસાઇ ગયા હોય તેવી રચનાઓ આવવા લાગી હતી. 'લુસીફર્સ હેમર' નામની નવલકથામાં પૃથ્વી સાથે ધુમકેતુ/ પુછડીયો તારો અથડાય અને સભ્યતાનો નાશ થઇ જાય તેની વાત છે. આર્થર સીકલાર્ક નામનાં સાયન્સ ફિક્શનના મહાન લેખકે, 'ધ હેમર ઓફ ગોડ'માં અથડામણ માટે આવી રહેલા એસ્ટ્રોઇડને અન્ય માર્ગે વાળવા માટે મોકલવામાં આવતાં સ્પેસક્રાફ્ટની વાત આલેખી હતી. ''એસ્ટ્રોઇડ અથડામણ'' હવે હોલિવૂડના માધાંતાઓની નજરમાં વસી ગઇ અને...
એસ્ટ્રોઇડ અથડાવવા આવે ત્યારે કેવી હાલત થાય, તેનાથી બચવાના ઉપાય કઇ રીતે કરવા, એસ્ટ્રોઇડ અથડામણથી થતી તબાહી આ બધાને લક્ષ્યમાં રાખીને હોલિવૂડનાં દિગ્દર્શકોએ ચાર જેટલી ઉત્તમ ફિલ્મ આપી છે. એક, વ્હેન વર્લ્ડ કોલાઇડ, બે : મિટીયોર, ત્રણ- આર્માગેડોન અને ચાર ડિપ ઇમ્પેક્ટ.  ફિલ્મ બાદ ટીવી ઉપર પણ આ વિષય આવવા લાગ્યો. સ્ટારટ્રેક નામની અતિ ખ્યાતી પ્રાપ્ત સીરીયલમાં એક આખી સભ્યતાના વિનાશ માટે આવી રહેલ એસ્ટ્રોઇડને વિચલીત કરવા માટે ખાસ ડિફલેક્ટર વિજ્ઞાનિક કલ્પના સાથે 'ધ પેરેડાઇઝ સિન્ડ્રોમ (૧૯૬૮)માં હજુ થાય છે.
આ વિજ્ઞાન કલ્પના કથાથી આગળ જ્યોર્જ બુકાસની ફિલ્મ ''સ્ટાર વોર્સ'' એક ડગલું આગળ વધે છે. સ્ટારવોર્સમાં એક આખા ગ્રહ, તેની સભ્યતાને હૂકી મારે તેવાં કુત્રિમ મોબાઇલ સ્પેશ સ્ટેશનની કલ્પના છે. જેનું નામ છે 'ડેથ સ્ટાર'.  કુત્રિમ ડેથ સ્ટારનું કદ ૧૦૦ કિ.મી.ના ગોળા જેટલું છે. તેના ઉપર ૧.૭૦ કરોડ લશ્કરી અધિકારી અને ચાર લાખ રોબોટ- ડ્રોઇડ વસે છે. ફિલ્મમાં ડેથ સ્ટારનું મોડેલ જ્હોન સ્ટીરઅર વિકસાવે છે. ડેથ સ્ટારમાંથી નિકળતાં ખાસ પ્રકારના કિરણો, એસ્ટ્રોઇડ કે ગ્રહનો વિનાશ કરવા માટે સક્ષમ છે. પૃથ્વીવાસીઓને સંભવિત એસ્ટ્રોઇડ અથડામણથી બચાવવા વૈજ્ઞાનિકો 'ડેથ સ્ટાર' જેવી ટેકનોલોજી વિકસાવવામાં આગળ વધી ચુક્યાં છે.

લેસર બીમ ટેકનોલોજી :

માનવજાત અને ખાસ કરીને પૃથ્વી સાથે એસ્ટ્રોઇડની ટકરામણ થાય તો ? આ સંભવિત ઘટનાથી લોકોને વાકેફ કરવા માટે દર વર્ષે ૩૦ જૂનનાં રોજ 'એસ્ટ્રોઇડ ડે' ઉજવવામાં આવે છે. એસ્ટ્રોઇડ ડે એક વિશાળ અભિયાન છે. કરોડો વર્ષ પહેલાં ડાયનોસોરનું અસ્તિત્વ ખતમ થઇ ગયું હતું. આવનારા દિવસોમાં મનુષ્યની હાલત, ડાયનૌસોર જેવી ન થાય તેવી વૈજ્ઞાાનિક મથામણમાંથી એક નવી ટેકનોલોજી જન્મી છે. જે સ્ટારવોર્સનાં 'ડેથ સ્ટાર'ની કલ્પનાને 'મીની' સ્વરૃપે સાકાર કરે છે.
અમેરિકન વૈજ્ઞાનિકો માને છે કે 'સુપર લેસર' બીમ, પૃથ્વી તરફ આવનારા અંતરીક્ષના ખડકો, ઉલ્કાઓ કે વિશાળકાય લઘુગ્રહને તેનો માર્ગ બદલવામાં/ વિચલિત કરવામાં કામ લાગે તેમ છે. વર્ષોથી આ આઇડિયા ઉપર યુનિવર્સિટી ઓફ કેલીફોર્નિયાના વૈજ્ઞાાનિકો કામ કરી રહ્યાં હતા. જેમણે De-Star (ડિ-સ્ટાર) નામની ટેકનોલોજી વિકસાવી છે. જેનું પુરૃનામ છે ડાયરેકટેડ એનર્જી સિસ્ટમ ફોર ટાર્ગેટીંગ ઓફ એસ્ટ્રોઇડ એન્ડ એક્સપ્લોરેશન પૃથ્વીવાસીના નેનો-ડેથ સ્ટાર જેવી આવૃત્તિવાળા 'ડિ-સ્ટાર' અંતરીક્ષમાં જ ખડક ને વાયુ સ્વરૃપમાં પરિવર્તિત કરી નાખશે. આ પ્રક્રિયાને 'સબ્લીમેશન' કહે છે. આ પ્રક્રિયામાં પેદા થતો વાયુ, એસ્ટ્રોઇડ કે ઉલ્કાપીંડનો માર્ગ બદલવા માટે જરૃરી બળ/ ધક્કો પેદા કરશે.
આ સિસ્ટમને વિકસાવવા માટેની સૌથી મોટી ચેલેન્જ તેની અસરકારકતા ધરાવતાં 'કદ/ સ્કેલ' ડિઝાઇનની છે. પૃથ્વી પર બેસાલ્ટ નામના અગ્નિકૃત્ત ખડક ઉપર 'ડિસ્ટાર' સિસ્ટમની ચકાસણી સફળતા પૂર્વક કરવામાં આવી છે. એસ્ટ્રોઇના બંધારણમાં પણ બેસલ્ટ જેવી ખડક રચના જોવા મળે છે. જ્યારે કાળો ભમ્મર બેરગાટ ગરમ થઇને સફેદ જેવો ચમકવા લાગે છે ત્યારે તે તેનું દ્રવ્ય ગુમાવવા લાગે છે. આ પ્રક્રિયામાં વાયુઓનું એક દબાણ બળ પેદા થાય છે. જે ન્યુટનની ગતિનાં ત્રીજા નિયમ પ્રમાણે વિપરીત દિશામાં બળ પેદા કરી આપે છે. જે ધીમે ધીમે એસ્ટોઇડની ગતિ અટકાવે છે. છેવટે અલગ દિશામાં તેને ધકેલી દે છે.

ડી-સ્ટાર એટલે ડેથ સ્ટારનું મીની વર્ઝન

ડિસ્ટારનું મીની વર્ઝન તૈયાર થઇ ગયેલ છે. જેને લગતું સંશોધન પત્ર ''જર્નલ'' અર્થ એન્ડ પ્લેનેટરી એસ્ટ્રો-ડિજીટલમાં પ્રકાશિત થયેલ છે. આઇડીયા યુનિ. ઓફ કેલીફોર્નિયાનાં ભૌતિકશાસ્ત્રી ફિલીપ લુબીન અને ગેરી હ્યુજીસનો છે. આ પ્રકારની બીજી સિસ્ટમ 'ડિ-સ્ટાર લાઇટ' પણ વિકસાવવામાં આવી છે. જેની માહિતી એસ્ટ્રોવોચ નેટ પર મુકવામાં આવી છે.
'ડિ-સ્ટાર'માં ૩૩૦ ફુટની વિશાળ લેસર બીજાની હરોળ ગોઠવવામાં આવી છે. જે લગભગ તેટલાં જ વ્યાસવાળા (૩૩૦ ફૂટ)ના ઉલ્કાપીંડને માર્ગમાંથી વિચલીત કરવા માટે સક્ષમ છે. વૈજ્ઞાાનિકો ડિ-સ્ટાર લાઇટ વિકસાવી રહ્યાં છે. જે લગભગ ૧૬ વર્ષ કામ આપશે. ૨૦ કિ.વોટ ઊર્જા વાપરીને પૃથ્વીથી ૧૨૮૦૦૦ કિ.મી. દૂરના અંતરે ૧૦૦૦ ફૂટના એસ્ટ્રોઇડનો ખાત્મો બોલાવી શકે તેમ છે. ગયા વર્ષ પ્રયોગશાળામાં ડિ-સ્ટારનું નાનું મોડેલ વૈજ્ઞાાનિકોએ ચકાસ્યું હતું. આ ટેકનોલોજી એસ્ટ્રોઇડને રોકેટ એન્જીન જેમ ફેરવી નાખે છે. જેને નિર્ધારીત માર્ગે લેસર વડે ફેકી શકાય છે.
આ ઉપરાંત વૈજ્ઞાનિકો હવે લેસરની જગ્યાએ 'કોટોન' (પ્રકાશ કણ)ને વાપરીને 'ડિપ-ઇન' નામનો પ્રોજેક્ટ અમલમાં મુકી ચુક્યાં છે. જેમાં સાયન્સ ફિકશનમાં આવતાં ''ફોટોન પ્રયલ્ઝન સિસ્ટમ''ને વાસ્તવિક સ્વરૃપ આપવાની શરૃઆત કરવામાં આવી છે. લેસરબીમ છોડનાર 'એરે' અથવા ફોટોનનો ઉપયોગ 'સ્પેસક્રાફ્ટ'ને અંતરિક્ષમાં મુસાફરી કરવા માટે વાપરી શકાય તેમ છે. જો આવું શક્ય બને તો રિલીટીવિસ્ટોક સ્પીડ એટલે કે પ્રકાશની ઝડપની નજીકની ઝડપે અંતરીક્ષ યાન મુસાફરી કરી શકે છે. સુર્યમાળાની બહાર આંતર-તારાંકીય મુસાફરી (ઇન્ટરસ્ટીલર ટ્રાવેલ) માટે આ પ્રકારના સ્પેસક્રાફ્ટનો ઉપયોગ થઇ શકે તેમ છે. ડાયરેક્ટ એનર્જી પ્રયલ્ઝન ફોર ઇનરસ્ટીલર એક્સપ્લોરેશન (ડિપ-ઇન)ને નાસાએ ખાસ ગ્રાન્ટ આપી છે. નાસાનાં ઇનોવેટિવ એડવાન્સ કન્સેપ્ટ પ્રોગ્રામ હેઠળ ૧૫ ગુ્રપને  નવી ટેકનોલોજી વિકસાવવા ગ્રાન્ટ આપવામાં આવી છે.

ઇન્ટરસ્ટીલર ટ્રાવેલનો લેબ ટેસ્ટ

પૃથ્વીની નજીક આવેલા આલ્ફા સેન્ટોરી નામના તારાની મુસાફરી કરવામાં પૃથ્વીવાસીને માત્ર ૨૦ વર્ષ લાગે એમ કહેવામાં આવે તો ! તમને લાગશે કે સાયન્સફિકશનની વાત કરી રહ્યો છો. આ તારો પૃથ્વીથી ૪.૩૭ પ્રકાશવર્ષ દૂર આવેલો છે. ફિલીપ્સ લુબીનના મત પ્રમાણે નજીકના ભવિષ્યમાં ઇન્ટરસ્ટીલર ટ્રાવેલ શક્ય બને તેમ છે. યુનિ. ઓફ કેલિફોર્નિયાનું એક ગુ્રપ લેસર અને ફોટોન આધારીત સ્પેસક્રાફ્ટ માટેનું પ્રપલ્ઝન એન્જીન વિકસાવવા પ્રયત્નશીલ છે. જેનું નામ ''એક્સલપરીમેનલ કોસ્મોલોજી ગુ્રપ છે.''
આવનારા દાયકામાં મંગલ જેવા ગ્રહ પર જવા આવવાનો સમય ઘટાડવો હશે તો નવતર શૈલીના સ્પેસક્રાફ્ટ વિકસાવવા પડશે. હાલમાં ઉપલબ્ધ ટેકનોલોજીવાળા સ્પેસક્રાફ્ટને મંગળ ગ્રહની યાત્રા કરી પાછા આવવા માટે છ મહિનાથી માંડીને એક વર્ષ જેટલો સમય લાગી શકે છે. આટલો લાંબો સમય અંતરીક્ષયાત્રી 'સ્પેસ'માં રહે ત્યારે તેના ઉપર ઝીરો ગ્રેવીટી, કોસ્મિક રેડિયેશન અને સ્પેસ ટ્રાવેલની શારીરિક, માનસિક, સામાજીક અને નૈતિક અસરો શું પડે તે ચકાસવામાં આવ્યું છે. નાસાનો સ્કોટ કેલી નામનો અંતરીક્ષયાત્રી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર એક વર્ષ જેટલો સમય વિતાવીને પૃથ્વી પર પાછો ફર્યો છે. સ્કોટકેલી અને રશિયન જોડીદાર મિખાઇલ કોરનીપેન્કો ૩૪૨ દિવસ સુધી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર રહ્યાં હતા. માઇક્રો ગ્રેવીટીનાં કારણે તેની કરોડરજ્જુ પરનું દબાણ ઘટી ગયું હતું. જેના કારણે કરોડરજ્જુની લંબાઇ વધી ગઇ હતી. સ્કોરકેલી તેની પહેલાની ઉંચાઇમાં ૧.૫૦ ઇંચનો વધારો કરીને પૃથ્વી પર પાછો ફર્યો છે. જો કે અંતરીક્ષ પ્રવાસની અસરોના અભ્યાસનાં તારણો હજી આવવાનાં બાકી છે. નાસાને મંગળ ગ્રહ પર અંતરીક્ષયાત્રીઓને મોકલવા માટેનું માર્ગદર્શન, અંતરીક્ષ મુસાફરીના તારણોમાંથી મળી શકે તેમ છે.

No comments: