Wednesday 9 March 2016

એટ્રેકશન થી એટેક સુધીનું ઉડ્ડયન

- એરીયલથી ગ્રાઉન્ડ ડ્રોન

ગયા સપ્ટેમ્બર મહિનાના લંડનના હિથ્રો એરપોર્ટ પર એરબસ એ-૩૧૯ ઉતરાણ કરવાની તૈયારી કરતું હતું. ત્યારે ૫૦૦ ફૂટની ઉંચાઈએ પ્લેનની કોકપિટથી માત્ર ૨૦ ફૂટની ઉંચાઈએ હેલિકોપ્ટર સ્ટાઇલ ડ્રોન વિમાન પસાર થયું હતું. એરબસ સાથે અકસ્માત થતાં થતાં બચી ગયો હતો. ૨૭ ફેબુ્રઆરી ૨૦૧૬ના રોજ અફઘાનિસ્તાનમાં થયેલ ડ્રોન હુમલામાં અલ-કાયદા સાથે સંકળાયેલા ત્રણ ત્રાસવાદીઓ મૃત્યુ પામ્યા હતા. આ હુમલો અફઘાનિસ્તાનના પકટીકા પરગણામાં થયો હતો.
ત્રાસવાદીઓ સામે હાલમાં પાકિસ્તાનમાં પણ ડ્રોન વિમાન દ્વારા હુમલા કરવામાં આવે છે. છેલ્લા ૧૨ વર્ષમાં અમેરિકાએ પાકિસ્તાનમાં કરેલા ડ્રોન હુમલામાં ૩૦૦૦ કરતા વધારે લોકો મૃત્યુ પામ્યા છે. આ લોકો મોટા ભાગે સીઆઇએના હિટલિસ્ટ પર હતા. ટાઇમ સ્કવેરમાં થયેલા કાર બોમ્બ વિસ્ફોટના બોમ્બર ફૈઝલ શરઝાદ કહે છે કે પાકિસ્તાનમાં સીઆઇએ ડ્રોન એટેક કરાવી રહ્યું છે. સી.આઇ.એ.ના ડ્રોન પ્રોગ્રામને ટ્રાયલ એટલે કે કોર્ટ- કચેરી કે ઇન્કવાયરી કર્યા વગર કરવામાં આવતી 'ડેથ પેનલ્ટી' ગણવામાં આવે છે. હવે એવું રહ્યું નથી કે ત્રાસવાદીને મારવા માટે ડ્રોન વપરાય છે. ત્રાસવાદીઓ પણ હવે હુમલા કરવા ડ્રોન વાપરે તેવી આશંકા સેવાઈ રહી છે. આમ ડ્રોન વિમાન એટેક્શનથી એટેક સુધીની સફર ખેડી  ચૂક્યું છે.

ડ્રોન બેકગ્રાઉન્ડથી ફ્રેન્ટલાઇન સુધી

આપણે જેને ડ્રોન વિમાન તરીકે ઓળખીએ છીએ તેનું ટેકનિકલ નામ અનમેન્ડ એરિયલ વેહીકલ છે. જે 'યુએવી' તરીકે ઓળખાય છે. શોખીનોથી માંડીને વ્યાપારી ધોરણે ડ્રોન હવે વપરાવા લાગ્યા છે. લશ્કરી હેતુ માટે વપરાતા ડ્રોન એક અલગ જ કિસ્મની જમાત છે જેને અનમેન્ડ કોમ્બેટ એરિયલ વેહીકલ તરીકે ઓળખવામાં આવે છે. મોટા ભાગે એરિયલ ફોટોગ્રાફી માટે રિમોટ કંટ્રોલ સંચાલિત ડ્રોન અને કેમેરા વપરાય છે. ઘણા દેશોએ ડ્રોન માટે લાયસન્સ ફરજિયાત કરેલ છે છતાં પ્રતિબંધિત વિસ્તારો નજીક ડ્રોન ઉડતા જોવા મળે છે. છ ઇંચથી માંડીને ૬૦ ફૂટનો વિંગ સ્પાન ધરાવતા ડ્રોન વિશ્વમાં વપરાય છે. ટૂંકમાં મનુષ્ય એટલે કે પાયલટ વગર ઉડાડવામાં આવતા વાહનને 'ડ્રોન' તરીકે ઓળખવામાં આવે છે.
૧૮૪૯માં વેનિસ ઉપર હુમલો કરવા માટે 'બોમ્બ' ભરેલ બલુનનો ઉપયોગ થયો હતો ત્યારથી લશ્કરી હેતુ માટે 'ડ્રોન' સંબંધી અલગ પ્રકારનું સંશોધન થઈ રહ્યું છે. યુ.એ.વી.ના આ વિકાસ અને સંશોધન કાર્ય પ્રથમ વિશ્વયુદ્ધથી આરંભાયું હતું. ડેટનરાઇટ એસલેન કંપનીએ પાઇલોટ રહિત એરિયલ ટોર્પિડો પણ વિકસાવ્યા હતા. ફિલ્મ સ્ટાર અને મોડેલ વિમાન બનાવવાના શોખીન રિગનાલ્ડ હેતીએ ૧૯૩૫માં ડ્રોનના આદિમાનવ જેવા પ્લેન વિકસાવ્યા હતા. ૧૯૫૯માં લશ્કરી ક્ષેત્રે અમેરિકાએ અસંખ્ય પાલોટ ગુમાવ્યા ત્યારે તેને અનમેન્ડ એરક્રાફ્ટ વિકસાવવાનો વિચાર જન્મ્યો જેમાંથી એક 'ક્લાસિફાઇડ યુએવી' પ્રોગ્રામ શરુ થયો જેનું નામ હતું 'રેડ વેગન' અમેરિકા- રશિયાના શરુઆતના તબક્કાના ગુપ્ત પ્રયોગોમાં ઉડાડવામાં આવેલા વિવિધ આકારના 'યુએવી'ને લોકોએ ઉડતી રકાબી 'યુફો' સમજ્યા હતા. પ્રયોગો અને પરીક્ષણો ખાતરી રાખવાના હોવાથી 'યુએવી' કાર્યક્રમો વિશે તેઓ મૌન રહ્યા હતા.
જાસૂસી કામ માટે ૧૯૬૭- ૭૦ વચ્ચે મધ્ય-પૂર્વમાં વોર ઓફ એટ્રીશન શરુ થયું હતું. ૧૯૭૩માં અમેરિકા- વિયેતનામ અને એશિયાના યુદ્ધોમાં સાડા ત્રણ હજાર 'યુએવી' વાપર્યા હતા. આધુનિક ટેકનોલોજી અને સંશોધન હવે ભવિષ્ય દિશામાં આગળ વધી રહ્યા. ડ્રોનના ક્ષેત્રોમાં થતા નવા સંશોધન અને ઉપયોગો બદલાઈ રહ્યા છે. ડ્રોનની સાથે એક એરિયલ સફર શરુ કરીને વિહંગાવલોકન કરીએ.

એર બોર્ન લેસર ટેકનોલોજી, હવે ડ્રોનમાં સવારી કરશે !

અમેરિકા તેના 'સ્ટાર વોર્સ' કાર્યક્રમને પડતો મૂક્યો હતો. છતાં સ્પેસ ટેકનોલોજીના વિકાસ માર્ગ ખુલ્લા રાખ્યા છે. પેન્ટાગોન મુખ્યત્વે મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ વિકસાવવા 'લેસર વેપન'નો ઉપયોગ કરવા માંગે છે. ચાર વર્ષના સંશોધન બાદ પેન્ટાગોને તેની લેસરગનને બોઇંગ ૭૪૭માં બેસાડી ટેસ્ટિંગ કર્યું હતું. હવે બોઇંગ ૭૪૭ પરીક્ષણ પડતું મૂકીને પેન્ટાગોન તેની લેસર આધારિત લશ્કરી હેતુવાળી 'ડ્રોન' વાપરવાનું આયોજન કરી રહી છે. પેન્ટાગોનના ડ્રોનની ખાસિયત એ છે કે ૬૫ હજાર ફૂટની ઉંચાઈએ (૨૦ કિ.મી.) સ્થિર ઉડતું રહી શકે છે. દિવસો સુધી તેને હવામાં ઉડતું રાખવાનું પણ શક્ય છે. મિસાઇલ ડિફેન્સ એજન્સીના ડિરેક્ટર જેમ્સ સીરીંગ જણાવે છે કે, 'ત્રણ વર્ષમાં લેસર ટેકનોલોજી તેના અંતિમ સ્વરૃપે પહોંચી હશે.'
દુશ્મન દેશોની મિસાઇલ લોન્ચિંગ સાઇટ નજીક લેસર ધરાવતા ડ્રોન ઉડતા રાખવાનું અને દુશ્મન દેશના મિસાઇલ છૂટે તે પહેલાં જ 'લેસરગન' વડે ફૂંકી મારવાનું પેન્ટાગોનનું પ્લાનિંગ છે. જેમાં મુખ્ય નાયક અને દુશ્મન માટે ખલનાયકની ભૂમિકા ડ્રોન વિમાન ભજવશે. પેન્ટાગોને તેના એરબોર્ન લેસર ટેકનોલોજી વિકસાવવા માટે ૧૬ વર્ષ અને પાંચ અબજ ડોલર ખર્ચ્યા છે. બોઇંગના જેટ વિમાનના નાક પાસે કેમિકલ આધારિત મોટું લેસર સંયત્ર ગોઠવ્યું હતું. તેના પ્રથમ પરીક્ષણમાં ૨૦૧૦માં એક મિસાઇલ ફૂંકી માર્યું હતું. જે દર્શાવે છે કે પુરતી ઉર્જા હોય, લેસર બિમ ક્વોલીટી ઉત્તમ હોય, પૂરતું ઉંચાઈ પર લેસરનો સ્તોત્ર હોય તો મિસાઇલને આંતરીને નષ્ટ કરવાનું કામ સરળ બની જાય તેમ છે. ડ્રોન માટે વાપરવામાં આવનાર હાઇ એનર્જી લેસરનો વિકાસ એરોસ્પેસ અને ડિફેન્સ કોન્ટ્રાક્ટ નોરથ્રોપ ગ્રુમાન કંપની કરવાની છે. જ્યારે લેસર બીમ અને ફાયર ટેકનોલોજી લોકહીડ માર્ટિન કંપની વિકસાવશે. એક દિશામાં વહેતી ઊર્જા દ્વારા એન્ટી મિસાઇલ ટેકનોલોજીનો વિકાસ આકર્ષક છે. અમેરિકાની એરફોર્સ રિસર્ચ લેબોરેટરી લેસર વેપન્સને ૨૦૨૦ સુધીમાં જેટ ફાઇટર સાથે જોડીને ૩૬૦ ડીગ્રીએ લેસર બબલફિલ્ડ તૈયાર કરશે. જેના કારણે વિમાન નજીક આવનાર વિમાન કે મિસાઇલ સુરક્ષિત અંતરે નાશ પામશે.

ગ્રાઉન્ડ ડ્રોન: કુરિયર સર્વિસનો મૃત્યુઘંટ વગાડશે

સ્ટારશીપ ટેકનોલોજી માર્ચ મહિનામાં લંડનમાં પાર્સલ ડીલીવરી માટે રોબોટીક વેહીકલ વાપરશે જેને કંપની ગ્રાઉન્ડ ડ્રોન તરીકે ઓળખાવે છે. જેનું નામ 'સ્ટારશીપ બોટ' રાખવામાં આવ્યું છે. જે રોબોટ ઓછો અને માર્સ પર ચાલતા પાથપાઇન્ડરની યાદ વધારે અપાવે તેવું છે. ગ્રોસરી માર્કેટમાં આપવામાં આવતી બે બાસ્કેટ જેટલો સામાન તેના ક્મ્પાર્ટમેન્ટમાં રહી શકે છે. છ પૈડા ધરાવતા ગ્રાઉન્ડ ડ્રોનને સંપૂર્ણ રીતે ઇન્ટરનેટ કનેક્શન અને 3G ટેકનોલોજીથી સંચાલિત કરવામાં આવ્યો છે. ગ્રાહકનું સરનામું, ઇન્ટરનેટ અને  GPS સિસ્ટમથી તે શોધી નાખે છે. મનુષ્ય માફક ચાલે તેવો રોબોટ કલાકના ત્રણ કિ.મી.નું અંતર કાપે છે. રોડ, રસ્તા, રોડની ધાર કે ખાડા ટેકરામાંથી તે આસાનીથી પસાર થઈ શકે છે. સ્થાનિક ડિલીવરી ૫થી ૩૦ મિનિટમાં પૂરી કરી શકે છે. કંપનીના કહેવા પ્રમાણે કુરિયર સર્વિસ કરતા તે ૧૦થી ૧૫ ગણી વધારે સસ્તી છે. રસ્તામાં વાહનોની અડચણ આવે, રાહદારી નડે તો પણ તે પોતાનો માર્ગ સરળતાથી પૂર્ણ કરે છે. આ તબક્કે મુખ્ય સવાલ એ થાય કે રસ્તામાં જ કોઈ કન્સાઇન્મેન્ટની ચોરી કરી જાય અથવા નુકસાન પહોંચાડવાની કોશિષ કરે તો સલામતી વ્યવસ્થા શું છે ?
આવા ગ્રાઉન્ડ ડ્રોનની સુરક્ષા માટે મનુષ્ય ઓપરેટરની એક ટીમ ડ્રોનના લોકેશન પર નજર રાખે છે. જાણે કે પેટ્રોલિંગ કરે છે. કોઈ કંપાર્ટમેન્ટ તોડવાની કોશિષ કરે અથવા આખા આખા ગ્રાઉન્ડ ડ્રોનને ચોરી કરવાનો પ્રયત્ન કરે ત્યારે નજીકના પોલીસ સ્ટેશને ડ્રોન જાણ કરે છે. ડ્રોનમાં રાખેલા નવ જેટલા કેમેરા સક્રિય થઈને ચોરના ચહેરાની તસ્વીરો અને વિડિયો ખેંચી લે છે. મહત્ત્વની વાત એ છે કે ડ્રોનનું સ્થાન ઇન્ટરનેટ વડે ટ્રેક કરી શકાય છે. ચોરી કરનાર ડ્રોનને ક્યાં લઈ જઈ રહ્યો છે તેની પૂરેપૂરી માહિતી મળી રહે છે. છેલ્લે મહત્ત્વની વાત કસ્ટમરની કાર્ગો ટ્રંક કે કમ્પાર્ટમેન્ટ ચોરી કે ટેમ્પરીંગનો પ્રયત્ન થતાં જ લોક થઈ જાય છે. માત્ર કસ્ટમરના કોડ અને ચોક્કસ એપ્લીકેશન વડે જ કાર્ગો કમ્પાર્ટમેન્ટ ખુલે છે. ઇ-કોમર્સને ધ્યાનમાં રાખીએ તો આવનારા સમયમાં ગ્રાઉન્ડ ડ્રોન કુરિયર સર્વિસને તાળા મારી નાખશે.

પાવર એગ ડ્રોન, રેસક્યુ ડ્રોન અને ઇન્ફ્રારેડ ટેકનોલોજી

એરિયલ ફોટોગ્રાફી માટે સૌથી શ્રેષ્ઠ શસ્ત્ર 'ડ્રોન' વિમાન છે. ચીનની પાવર વિઝન રોબોટ એરિયલ ફોટોગ્રાફી માટે પાવર એગ નામનું ડ્રોન વિકસાવ્યું છે. જેનો આકાર 'ઇંડા' જેવડો છે પરંતુ કદ ઇંડા જેટલું નથી. પીઠ પાછળ થેલામાં લઈને ફરી શકાય તેવું ડ્રોન ફોટોગ્રાફરો માટે આશીર્વાદ સમાન છે. ૩૬૦ ડિગ્રી પેનોરેમિક વ્યૂ લઈ શકે તેવો કેમેરા તેમાં ગોઠવી શકાય છે. જે ચાર રિઝોલ્યુશનવાળી એચ.ડી. ફિલ્મ ઉતારી શકે છે. ફિલ્મ રેકોર્ડીગ માટે ૩ એકબીલ/ધરી પર ફરી શકે અને આંચકા ન લાગે તેવી 'ગિમ્બલ' ગોઠવવાની વ્યવસ્થા છે. સામાન્ય રીતે ડ્રોનમાં રોટર બ્લેડ ખુલ્લી રહેતી હોય ત્યારે ડેમેજ થવાની શક્યતાઓ વધી જાય છે. ડ્રોનની હેરફેર વખતે બ્લેડ સાચવવાની એક સમસ્યા ઉભી થાય છે તેમાંથી બચવા માટે ઇંડા આકારનું ડ્રોનની ડિઝાઇન રોટર બ્લેડને વધારાની સેફ્ટી પૂરી પાડે છે (તેની વિડિયો પોપ્યુલર સાયન્સની સાઇટ પર ઉપલબ્ધ છે.

www.youtube.com/watch?v=4QVK3B7hsFQ

જંગલમાં હાઇકિંગ માટે જનારા યુવાનો કેટલીકવાર ભૂલા પડી જાય છે. કેટલીકવાર અકસ્માતનો ભોગ બને છે. આવા સમયે ખોવાયેલ હાઇકરને શોધવા અને અકસ્માત કે આફતગ્રસ્ત પરીસ્થિતિમાં સપડાયેલ હાઇકરને શોધવા માટે નવતર શૈલીનું ડ્રોન કેનેડીઅન એન્જિનિયર સ્ટેફાન વેસેનબર્ગે તૈયાર કર્યું છે. બચાવ કામગીરીના લોકોને હાઇકરની પરીસ્થિતિથી ડ્રોન વાકેફ કરી શકે છે. ડ્રોનમાં ઇન્ફ્રારેડ કેમેરા લગાડી શકાય છે. જેના કારણે જીવંત વ્યક્તિના શરીરના તાપમાન આધારે વિડિયો લઈ શકાય છે. જે એક પ્રકારના રિમોટ સેન્સિંગ જેવું કામ કરે છે. કુદરતી આફત સમયે પણ આ ડ્રોન બચાવ કામગીરી માટે ઉપયોગી સાબિત થાય તેમ છે. નવું સંશોધન ધરાવતું ડ્રોન પાંચ હજાર ડોલરની કિંમતે બજારમાં મૂકવામાં આવનાર છે. ડ્રોન એડવેન્ચરના શોખીન ફોટોગ્રાફર બ્રેડલી એમ્બ્રોસે કોંગોના માઉન્ટ નિરાગોન્ગોં નામની સક્રીય જ્વાળામુખીના મુખમાં ડ્રોન વિમાન ઉતારીને અદ્ભુત વિડિયો ઉતારી છે. આ જ્વાળા મુખી વિશ્વનું સૌથી વિશાળ ધગધગતા લાવાનું સરોવર ધરાવે છે. યુ ટયુબ ઉપર વર્લ્ડ ક્લાસીઝ એજ વોલ્કેનો વિડિયો પણ જોવા લાયક છે.

No comments: