Tuesday 16 January 2024

Out Of Place Artifact : ઇતિહાસ અને વિજ્ઞાનની સમયરેખા સાથે મિસમેચ થતા પુરાવાઓ








ધારો કે ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા, સિંધુ ખીણની સંસ્કૃતિ ધરાવતા દરિયા કિનારા નજીક આવે બંદર ઉપર, ખોદકામ કરવામાં આવે છે. આ ખોદકામની દરમિયાન હજારો વર્ષ પહેલાં, બનેલ માટેની એક ટેબલેટ મળી આવે. જેનો દેખાવ નોકિયા કંપનીના 5100 મોડેલના લાંબા મોબાઈલ જેવો છે! તો આર્કિયોલોજિસ્ટથી માંડીને સાયન્ટિસ્ટ સુધીનો વર્ગ, કેવો પ્રતિભાવ આપશે? આ એક સામાન્ય વાત છે કે મોબાઈલ ટેકનોલોજી છેલ્લી વિસમી સદીમાં વિકસી છે, અને એના પ્રતિકૃતિ જેવા માટીની ટેબલેટ ઉપર મોબાઈલ જેવી રચના જોવા મળે તો, સામાન્ય માણસથી માંડીને વિજ્ઞાનીઓ પણ આશ્ચર્યચકિત થઈ જાય કે “ પ્રાચીન સભ્યતા મોબાઈલ ટેકનોલોજી વિશે જાણતી હતી ખરી?. અહીંયા વિજ્ઞાન જગતને ખુલાસો કરવા માટે કે આશ્ચર્યચકિત કરવા માટે, જે નમૂનો મળ્યો છે. તેની કેટલીક લાક્ષણિકતા છે. પ્રાચીન સમયકાળના ખડકો ખોદતા ખોદતા, અર્વાચિન લાગે તેવી ચીજ એટલે કે મોબાઈલનો આકાર ધરાવતી માર્કેટની ટેબલેટ મળી આવે તો , પ્રાચીન સભ્યતાનો સમયકાળ અને આધુનિક મોબાઈલ ટેકનોલોજીનો સમયગાળો, એ બે વચ્ચે કોઈ મેળ ખાતો નથી.

આ ઉદાહરણમાં ધારણા કરવાનું તમને કહેવામાં આવ્યું છે. કારણકે ઘણીવાર આવું જ બને છે. જ્યારે પ્રાચીન સંસ્કૃતિના નિશાન જેવી કલાકૃતિ મળી આવે છે ત્યારે, જે સમય સાથે મેળ ખાતી નથી, તે સમયની ટેક્નોલોજી કરતાં આગળ હોયછે. આ પ્રકારની કલાકૃતિ કે પુરાવાને, વિજ્ઞાન જગત “Out Of Place Artifact” અને સંક્ષિપ્તમાં Ooparts / ઓપાર્ટસ કહે છે. 1981માં જ્યોર્જ લુકાસ જેવા નામચીન ફિલ્મ નિર્દેશકની હોલીવુડ ફિલ્મ “રાઈડર્સ ઓફ ધ લોસ્ટ આર્ક” નામની ફિલ્મ રજૂઆત પામીએ હતી. 20 જૂન 2023ના રોજ “ઇન્ડિયાના જોન્સ” સીરીઝની પાંચમી ફિલ્મ રજૂઆત પામી , જેનું નામ હતું : ઇન્ડિયાના જોન્સ એન્ડ ધ ડાયલ ઓફ ડેસ્ટિની. “ઇન્ડિયાના જોન્સ” ફિલ્મ સીરીઝમાં આવા કેટલાક Out Of Place Artifact / Ooparts / ઓપાર્ટસ રજૂ કરીને પ્રેક્ષકોના દિલ જીતી લેવામાં આવ્યા હતા. ત્યારે સવાલ થાય કે “ વાસ્તવમાં મળી આવતા Ooparts / ઓપાર્ટસ અને ફિલ્મમાં દર્શાવવામાં આવતા કાલ્પનિક Ooparts / ઓપાર્ટસનું સાચું રહસ્ય શું છે?

મિસપ્લેસ્ડ આર્ટિફેક્ટ્સ : હંમેશા બનાવટ કે નકલ હોતા નથી.


કેટલીક વાર ઉડતી રકાબી , પરગ્રહવાસી અને પ્રાચીન સભ્યતા સાથે એલિયન સભ્યતાનો સંબંધે દર્શાવવા માંગતા નિષ્ણાતોનો સમૂહ ઓપાર્ટસ જેવા પુરાવાઓ, પોતાની થીયરી સાચી સાબિત કરવા માટે રજૂ કરતા હોય છે, તેવું વિજ્ઞાન જગત માને છે. ઘણીવાર એવું બને છેકે “ વિજ્ઞાનીઓ માટે પણ , ઓપાર્ટસનું રહસ્ય ઉકેલવું મુશ્કેલ બની જાય છે.”. વૈજ્ઞાનિક સંશોધનમાં કેટલાક ઓપાર્ટસ બનાવટ અને નકલી સાબિત થયા છે, તેના ઉપરથી રજૂ કરવામાં આવતા બધા જ ઓપાર્ટસ બનાવટ કે નકલ હોય તેવું માની લેવાની જરૂર નથી. ઓપાર્ટસ વિશે વિજ્ઞાનીઓ શું માને છે?


મિસપ્લેસ્ડ આર્ટિફેક્ટ્સ (OOPART અથવા OOPARTS) એ ઐતિહાસિક, પુરાતત્વીય અથવા પેલિયોન્ટોલોજીકલ રસની કલાકૃતિઓ છે. જે અસામાન્ય સંજોગોમાં મળી આવી છે. જેની હાજરી પરંપરાગત ઐતિહાસિક ઘટનાક્રમો પર, પ્રશ્ન ઊભો કરે છે. જાણીતી ટેક્નોલોજી માટે, તેના જેવી કલાકૃતિઓનું અસ્તિત્વમાં હોવાનું ખૂબ જ અદ્યતન દેખાઈ શકે છે. અથવા તેઓ એવું સૂચવી શકે છે કે મનુષ્યો અસ્તિત્વમાં છે, તે પહેલાંના સમયમાં જાણીતી ટેક્નોલોજી અસ્તિત્વમાં હતી. અન્ય ઉદાહરણો વિવિધ સંસ્કૃતિઓ વચ્ચેના સંપર્કો સૂચવી શકે છે. જે ઇતિહાસની પરંપરાગત સમજમાં સમજાવવા મુશ્કેલ છે. પુરાતત્વીય વસ્તુઓના વર્ણનનો ઉપયોગ માત્ર ક્રિપ્ટોઝૂઓલોજી જેવા પેરિફેરલ વિજ્ઞાન દ્વારા જ નહીં, પણ પ્રાચીન અવકાશયાત્રી સિદ્ધાંતના સમર્થકો, યુવા પૃથ્વી સર્જનવાદીઓ અને પેરાનોર્મલ ઉત્સાહીઓ દ્વારા પણ કરવામાં આવે છે. તેઓ ચીજવસ્તુઓની વિશાળ શ્રેણીનું વર્ણન કરી શકે છે. મુખ્ય પ્રવાહના વિજ્ઞાન દ્વારા અભ્યાસ કરાયેલ વિસંગતતાઓથી લઈને સ્યુડોઆર્કિયોલોજી સુધી એનો વ્યાપ ફેલાયેલો છે. જે વસ્તુઓ કેટલીક વાર છેતરપિંડી રૂપે આવે છે. પરંપરાગત ઇતિહાસ અને વિજ્ઞાન વચ્ચે ભેદભાવ સર્જે છે. અને પુરાવાઓને રહસ્યમય બનાવી દે છે..” આમ પણ સામાન્ય માનવીને રહસ્ય કથામાં ઉલઝન જેવું વધારે ગમતું હોય છે, તેવા સમયે સીમિત વિજ્ઞાન કે મર્યાદા ઓપાર્ટસને સમજાવવામાં નિષ્ફળ જાય છે ત્યારે , રહસ્ય વધારે ઘેરુ બની જાય છે.

ઇન્ડિયાના જોન્સ : પુરાતત્ત્વશાસ્ત્રને હોટ સીટ પર બેસાડે છે


“સિક્રેટ ઓફ ધ લોસ્ટ રેસીસ” નામના પુસ્તકના શરૂઆતના પ્રકરણમાં લેખક રેને નૂરબર્જેન લખે છે કે “ આપણે 20મી સદીને વિજ્ઞાન વિકાસની સદી અને ગુંચવણનો યુગ પેદા કર્યો છે. આપણી પાસે એવો પ્રાચીન વારસો છે. જે પ્રાચીનકાળના ઐતિહાસિક પુરાવાઓ ઉપર પ્રકાશે છે. નવું જ્ઞાન મેળવવા માટે આપણે નવી હાઇપોથીસીસ વારંવાર ચકાસીએ છીએ, આપણી વૈજ્ઞાનિક થિયરીને બદલીએ છીએ. નવી ફોર્મ્યુલાઓની રચના કરીએ છીએ. જ્ઞાન પ્રાપ્તિની આપણી ચકાસણી, કેટલીક વાર સમસ્યાઓ સર્જાય છે. આપણે આજે થિયરી ઓફ ઈવોલ્યુશન , થિયરી ઓફ રિલેટિવિટી અને અન્ય વિજ્ઞાન થિયરી સાથે જીવી રહ્યા છીએ. આમ છતાં વિજ્ઞાનીઓ અને ઇતિહાસકાર, સજીવ પ્રોટોપ્લાઝમથી માંડીને વાનર સુધીની સફરનું લેખન અલગ અલગ રીતે કરે છે. હવે સમય પાકી ગયો છે કે આપણે અત્યાર સુધી મેળવેલા પુરાવા ઉપર, વર્ગીકૃત , વિભાજીત અને તંદુરસ્ત નજર નાખીએ. જેમાં નવો દ્રષ્ટિ પણ પણ રાખીએ, નવા પુરાવાઓને યોગ્ય પરિપેક્ષમાં મુલવવાની શરૂઆત કરીએ. આપણે વિદ્યુત ઉર્જાથી માંડીને નાભી ઉર્જા સુધી પહોંચી ગયા છીએ, પરંતુ કેટલાક પુરાવાઓ એટલે ઓપાર્ટસનું રહસ્ય આપણે ખોલી શકતા નથી. આપણો પ્રયત્ન એવો હોવો જોઈએ કે “ઓપાર્ટસનું સ્થાન આપણે વિજ્ઞાનની લોકપ્રિય થીયરીમાં શોધી કાઢીએ અને તેનો રહસ્ય ઉકેલીએ.”


ત્રણ દાયકા પહેલાં, ઇન્ડિયાના જોન્સની પુરાતત્ત્વશાસ્ત્રની સ્વેશબકલિંગ બ્રાન્ડે, મૂવી જોનારાઓની નવી પેઢીને પ્રેરણા આપી હતી. નેશનલ જિયોગ્રાફિક મ્યુઝિયમમાં એક નવું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં વાસ્તવિક કલાકૃતિઓ અને ફિલ્મમાં દર્શાવેલ કાલ્પનિક ચીજો પણ રજુ કરવામાં આવી હતી. ફિલ્મમાં દર્શાવેલી કેટલીક કલાકૃતિઓ વાસ્તવિક છે. જેમાં વિશ્વનો સૌથી જૂનો નકશો (નિપ્પુર શહેર દર્શાવતી ક્યુનિફોર્મ ટેબ્લેટ), 5,000 વર્ષ જૂના મેસોપોટેમીયાના દાગીનાના ટુકડાઓ અને નાઝકા લાઇન્સના રહસ્યને ખોલવામાં મદદ કરનાર પ્રતિકાત્મક માટીના વાસણોનો સમાવેશ થાય છે. જયારે અન્ય વસ્તુઓ - જેમ કે શંકરા સ્ટોન્સ, ક્રોસ ઓફ કોરોનાડો અને ચાચાપોયન પ્રજનન મૂર્તિ -વગેરેની ફિલ્મ માટે કલ્પના કરવામાં આવી હતી. ચાચાપોયાન પ્રજનન મૂર્તિ એ ઇન્ડિયાના જોન્સ શ્રેણીની સૌથી જાણીતી કાલ્પનિક કલાકૃતિઓમાંની એક છે. જેની પ્રતિકૃતિઓ ઓનલાઇન વેચાય છે.

ચર્ચાસ્પદ રામસેતુ અને બહામા’સ દિવાલ:


વિજ્ઞાન જગતમાં ચર્ચાસ્પદ બનેલ Out Of Place Artifact / Ooparts / ઓપાર્ટસની ઉપર એક નજર નાખીએ… બહામાસ નજીક પ્રાગૈતિહાસિક દિવાલ: 1968માં બહામાસના દરિયાકાંઠે વિશાળ, જાડા બ્લોક આકારની ખડકની દિવાલ મળી આવી હતી. પુરાતત્વવિદ્ વિલિયમ ડોનાટોએ દિવાલની તપાસ કરવા માટે અનેક વાર ડૂબકીઓ / ડાઇવ્સ લગાવ્યા હતા. અને અનુમાન લગાવ્યું છે કે બહામાસ નજીક પ્રાગૈતિહાસિક દિવાલ માનવસર્જિત માળખું છે. જેની રચના દરિયાઈ મોજાઓમાંથી પ્રાગૈતિહાસિક વસાહતનું રક્ષણ કરવા માટે કરવામાં આવ્યું હતું. આ દિવાલ 12,000 થી 19,000 વર્ષ જૂની હોવાનું અનુમાન લગાવવામાં આવે છે. મનુષ્ય આદિમાનવમાંથી ખેતી કરતો સંસ્કૃતિ મનુષ્ય બન્યો તે તે ઘટના આજથી આઠથી દસ હજાર વર્ષ પહેલા બની હોવાનું વિજ્ઞાનીઓ અનુમાન લગાવે છે. જ્યારે મળી આવેલ દિવાલ 12000 થી ૧૯ હજાર વર્ષ જૂની હોવાનો અંદાજ છે. શું આ સમયકાળમાં આદિમાનવ રક્ષણ માટે દિવાલ બનાવવાનું શીખી ગયો હતો?


ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલ રામસેતુ: પ્રાચીન ભારતીય કથા અનુસાર, રાજા રામે ભારત અને શ્રીલંકા વચ્ચે સદીઓ પહેલા એક પુલ બનાવ્યો હતો. આવા પુલના અવશેષો સેટેલાઇટ ઇમેજમાં પણ જોવા મળે છે. પરંતુ ઘણા નિષ્ણાતો તેને કુદરતી રચના કહે છે. જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. બદ્રીનારાયણે પુલમાંથી મુખ્ય નમૂનાઓનો અભ્યાસ કર્યો હતો. દરિયાઈ રેતીના પડની ટોચ પર પત્થરોના દેખાવથી તે આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેણે અનુમાન કર્યું કે પથ્થરો કૃત્રિમ રીતે ત્યાં મૂકવામાં આવ્યા હોવા જોઈએ. ભૂસ્તરશાસ્ત્રીઓ સમય નિર્ધારણ માટે કોઈ એક સર્વમાન્ય સમજૂતી પર સંમત થયા નથી. રેડિયો કાર્બન ડેટિંગ પણવિવાદાસ્પદ રહી છે, કારણ કે કેટલાક વિશેષજ્ઞ કહે છે કે “પુલનો કોઈ પણ ભાગ (જેમ કે કોરલ સેમ્પલ) આખો પુલ કેટલો જૂનો છે? તેનું સાચું ચિત્ર આપી શકતું નથી. રામસેતુ ફિલ્મમાં ઇતિહાસને વધારે સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

રહસ્યમય આર્ટિફેક્ટ : ઇતિહાસ અને વિજ્ઞાન વચ્ચેની સમસ્યા


ઉપરોક્ત બે દ્રષ્ટાંતને બાજુમાં રાખીને વાત કરીએ તો, ભગવાનની ઈસુ ખ્રિસ્તનું માનવામાં આવતું કફન એટલે કે શ્રોઉડ ઓફ તુરિન ઉપર ઈસુ ખ્રિસ્તનો ચહેરો ફિલ્મની નેગેટિવ માફક છપાયેલો છે. 14મી સદી સુધી શ્રોઉડ ઓફ તુરિન વિશે કોઈ જાણતું ન હતું. પરંતુ ત્યારબાદ, આ પ્રાચીન કૃતિના કારણે વિજ્ઞાન જગતમાં અનેક વિવાદો સર્જાયા છે. બગદાદમાંથી મળી આવેલ 2000 વર્ષ પ્રાચીન બગદાદ બેટરી તરીકે ઓળખાતો આર્ટિફેક્ટ, આપણી ડ્રાય બેટરી માફક ઈલેક્ટ્રીક વોલ્ટેજ પેદા કરતો હોવાનું ધ્યાનમાં આવ્યું છે. આ બેટરીના મૂળિયાં ભારતમાં અગસ્ત્ય ઋષી સુધી પહોંચે છે. બગદાદ બેટરીની રચના અગસ્ત્ય ઋષી બતાવેલ વિદ્યુતકોષની રચનાને મળતી આવે છે. સવાલ એ થાય કે પ્રાચીન કાળમાં પણ લોકો રાસાયણિક વિદ્યુત ઉર્જા વિશે જાણતા હતા?


પ્રાચીનકાળની વિદ્યુત ઉર્જાની વાત આગળ વધારીએ તો, ઇજિપ્તના ડેન્ડેરા ખાતે હેથોરના મંદિરની નીચે પથ્થર ઉપર ચિત્રમાં વિશાળ લાઇટ-બલ્બ જેવી વસ્તુની આસપાસ ઉભેલી માનવ આકૃતિઓ બતાવવામાં આવી છે. એરિક વોન ડેનિકેન નામના લેખકે “ચેરિઓટ ઓફ ગોડ” નામનું પુસ્તક લખ્યું છે. આ ચિત્રનો આધાર લઈને તેમણે બલ્બનું એક મોડેલ બનાવ્યું હતું. જે પાવર સ્ત્રોત સાથે જોડવામાં આવે ત્યારે કાર્યરત બને છે. વિલક્ષણ જાંબલી પ્રકાશનું ઉત્સર્જન કરે છે.

1513માં તુર્કીના એડમિરલ અને નકશાકાર પીરી રેઈસ દ્વારા બનાવવામાં આવેલો નકશો પણ ચર્ચાસ્પદ બનેલ છે. જ્યારે દક્ષિણ ધ્રુવની જમીનનો મોટો ભાગ બરફ નીચે ઢંકાયેલો હતો, એને પણ આ નકશામાં બતાવવામાં આવેલ છે. આ ભાગ દક્ષિણ અમેરિકાના દક્ષિણી દરિયાકાંઠામાંથી એક લેન્ડમાસ બહાર નીકળતો બતાવવામાં આવ્યો છે. ડો. હેપગુડ જાહેરમાં પ્રથમવાર સૂચન કર્યું કે “પીરીરીસ નકશો પ્રાગૈતિહાસિક સમય દરમિયાન એન્ટાર્કટિકાને દર્શાવે છે.” ડો. હેપગુડ હાર્વર્ડમાં અભ્યાસ કરનાર ઈતિહાસકાર હતા. આધુનિક અભ્યાસ હેપગુડના સિદ્ધાંતનું ખંડન કરે છે કે “ જમીનના સમગ્ર ટુકડાનું સ્થળાંતર હજારો વર્ષોમાં થઈ શકે છે. પરંતુ ટૂંકા સમય ગાળામાં નહીં.” સામાન્ય રીતે ઇતિહાસ, આર્કિયોલોજી અને વિજ્ઞાનની સમયરેખા કે કાલ રેખા એકબીજાને સમાંતર ચાલતી રહેવી જોઈએ. પરંતુ Out Of Place Artifact ઇતિહાસ, આર્કિયોલોજી અને વિજ્ઞાનને એકબીજાની સામે હરીફ તરીકે લાવી રહસ્ય અને વિવાદની ભૂમિને હરિયાળી રાખે છે.