Monday 24 December 2012

૨૧ ડિસેમ્બર ગઈ! પૃથ્વી હજી પ્રલયની ઝપટમાં આવી નથી!

 ફ્‌યુચર સાયન્સ કે.આર ચૌધરી

- પૃથ્વી પરની સજીવ સૃષ્ટીનાં વિનાશનું સૌથી મોટું શસ્ત્ર મનુષ્ય પાસે છે. પૃથ્વી વિનાશ માટે આમ કેલેન્ડરનો અંતિમ દિવસ નક્કી કરવાની જરૂર પડે તેમ નથી. ન્યુકલીયર વોર ગમે ત્યારે આપણા કેલેન્ડરને ફુલ સ્ટોપ લગાવી શકે છે

 
 
૨૧ ડિસેમ્બર ૨૦૧૨, માયા સભ્યતા માટે આ બહુ જ અગત્યનો દિવસ હતો. આ દિવસે તેમનાં કેલેન્ડરનો અંત આવતો હતો. ૨૧ ડિસેમ્બર તેમના માટે જીવન અને સભ્યતા માણવાનો છેલ્લો દિવસ હતો. સંજોગો-વસાત આ સભ્યતા ૨૧ ડિસેમ્બર ૨૦૧૨નો દિવસ જુએ તેનાં પહેલાં જ પૃથ્વી ઉપરથી લુપ્ત થઈ ગઈ છે. વઘ્યા છે માત્ર તેમનાં અવશેષો, પુરાતત્વવિદોએ શોધેલા સભ્યતાનાં ખડેરો, અવશેષો અને નાના-મોટા આર્ટીફેક્ટ જે માયા સભ્યતાની કહાની ઐતિહાસિક પરિપેક્ષ્યમાં આપણી સામે મુકે છે. માયા સભ્યતાની દરેક ચીજવસ્તુઓને ઈતિહાસકારથી માંડીને વૈજ્ઞાનિકો સુધી ચકાસી ચુક્યાં છે.
માયા કેલેન્ડર જ્યાં અટકી જાય છે તે તારીખને ઘણા લોકોએ પૃથ્વી વિનાશનો દિવસ જાહેર કરી દીધો હતો. મિડિયાવાળાને એક ઐતિહાસિક મસાલો મળી ગયો છે. ધાર્મિક વિચારો ધરાવતા અને પ્રાચીન ખગોળશાસ્ત્ર પર વિશ્વાસ રાખનારાઓને માયા કેલેન્ડરનો અંત એક મહત્વપૂર્ણ દિવસ લાગે છે. આ કોલમમાં આ પહેલાં પણ ૨૦૧૨ પૃથ્વી વિનાશ વિશે લેખ પ્રકાશીત થઈ ચૂક્યો છે શું ખરેખર ૨૧ ડિસેમ્બરનાં દિવસે પ્રલય થવાનો છે? એ સવાલ હવે આપ્રસ્તુત બની ગયો છે, કારણ કે તમે આ વાંચતા હશો ત્યારે, તમે, હું અને પૃથ્વીવાસી સહીતની અંતરીક્ષમાંથી દેખાતો ‘પાલ બલ્યુ ડોટ’ બ્રહ્માંડનાં નિયમોને આધીન તેમનું કાર્ય આગળ ધપાવી રહ્યો છે. માયા સભ્યતા અને સંભવિત રીતે પૃથ્વીનો સંપૂર્ણ વિનાશ કઈ રીતે થઈ શકે તેમ છે તેની એક ચર્ચા કરી લઈએ. પૃથ્વીનો પ્રલય કોઈ તારીખ આપીને આવશે નહીં. ખગોળીય દુર્ઘટનાથી પૃથ્વીનો અંતિમ દિવસ આવવાનો હશે તો, વૈજ્ઞાનિકો તેની આગોતરી જાણ કરી જ દેશે પરંતુ કુદરતી હોનારતની આગાહી કરવી એટલી સહેલી નથી. છતાં એક વાત નક્કી છે કે પૃથ્વીનો તારણહાર કે મારણહાર જે ગણો તે ‘સૂર્ય’ પોતે છે. જ્યાં સુધી સૂર્ય એક ‘રેડ જાયન્ટ’ કે ‘રક્ત દાનવ’માં ફેરવાઈને મૃત્યુ ન પામે ત્યાં સુધી ‘પૃથ્વી’ને ‘ઓકસીજન’ પર રાખવાની જરૂર નહીં પડે (પૃથ્વીવાસી ઓલરેડી ઓકસીજન ઉપર જ જીવે છે.)
માયા સભ્યતાનાં ખગોળશાસ્ત્રની આપણી જાણકારીએ એક દંતકથાને જન્મ આપ્યો છે. આપણે માયા કેલેન્ડરનાં છેલ્લાં દિવસને પૃથ્વી પ્રલયનો દિવસ માની લીધો છે. માયા ખગોળશાસ્ત્રનાં નિષ્ણાંતો સૂર્યનો માર્ગ જાણતા હતાં. ચંદ્રની વિવિધ કળાઓનું તેમને જ્ઞાન હતું. દરમિયાન બધા જ ગ્રહને તેઓ ઓળખતા હતાં. આમ છતાં આકાશમાં એમણે તારાઓની એવી પેટર્ન નિહાળી જેનાં કારણે તેમણે કેલેન્ડરનો છેલ્લો દિવસ ભાખી દીધો. ૨૧ ડિસેમ્બર ૨૦૧૨. માયા સંસ્કૃતિનાં ખગોળ નિષ્ણાંતો કઈ રીતે આ તારીખ ઉપર પહોંચ્યા? તેમનાં મગજમાં કેવી કલ્પનાઓ હતી? આપણે જાણતા નથી. આપણને એમની સંસ્કૃતિનાં મળેલાં, જે અવશેષો ઉપરથી માહીતી મળે છે. એ માયા સભ્યતા, તેમનાં કેલેન્ડરનાં અંત અને પૃથ્વી વિનાશની આપણી વાતોતે એક સાથે સંકલીત કરી સીધી નજરે જોઈ શકીએ.
માયા સંસ્કૃતિનાં ખગોળશાસ્ત્રની માહીતી આપણને ‘ડ્રેસડેન કોડેક્ષ’ નામનાં પુસ્તકમાંથી મળે છે. અથવા બારમી સદીમાં અંજીર વૃક્ષની છાલમાંથી બનેલ ફોલ્ડીંગ પુસ્તકમાં ખગોળશાસ્ત્રનાં વર્ણનો છે. આ પુસ્તક જર્મનીનાં જે શહેરમાં રાખવામાં આવ્યું છે તેનાં ઉપરથી તેનું નામ ડ્રેસડેન કોડેક્ષ રાખવામાં આવ્યું છે. પુસ્તકમાં સૂર્ય-ગ્રહણોનું ટેબલ અને શુકનાં સંભવિત સ્થાન બતાવવામાં આવ્યાં છે. ૧૭૩૯થી જર્મનીનાં ડ્રેસડેન શહેરમાં આ પુસ્તક રાખવામાં આવ્યું છે. ૨૦૧૨ની શરૂઆતમાં અમેરિકી આર્કીયોલોજીસ્ટ, ગ્વાટેમાલાનાં લા કોરોના પ્રાચીન શહેરમાં ખોદકામ કરી રહ્યાં હતાં. અહીંથી તેમને પ્રાચીન ઈમારતની સીડીનો એક ભાગ જોવા મળેલ જેનાં ઉપર પ્રાચીન લીપીમાં લખાણ લખેલું હતું. ન્યુઓરસીયન્સનાં તુલેન યુનિવર્સિટીનાં વૈજ્ઞાનિકોએ જ્યારે, માયા સભ્યતાનાં આ શિલાલેખનો ઝીણાવટભર્યો અભ્યાસ કર્યો અને તેમને એક તારીખ મળી - ડિસેમ્બર ૨૧, ૨૦૧૨.
ડુમ્સડે, કયામતનો દિવસ, પૃથ્વી પ્રલયનાં હિમાયતીઓએ ‘આ તારીખને પૃથ્વી પરથી જીવસૃષ્ટીનો વિનાશ થશે’ એવી જાહેરાત કરી છે. આ તારીખે માયા સભ્યતાનાં કેલેન્ડરનાં સૌથી લાંબા સાયકલ-સમયકાળનો અંત આવે છે. પૃથ્વી વિનાશનાં ભવિષ્યવેત્તાઓ માટે ૧૩૦૦ વર્ષ પ્રાચીન શિલાલેખ એ તેમનાં દાવાઓને સમર્થન આપનારો ‘અભૂતપૂર્વ અવશેષ’ ગણે છે. જીવસૃષ્ટીનાં વિનાશેનો ૨૧ ડિસેમ્બર સાથે સંબંધ દર્શાવતો આ બીજો પુરાવો છે. પ્રથમ પુરાવો ૨૦૦૪માં મેકસીકોમાંથી મળેલ અવશેષોનાં અભ્યાસ બાદ રજુ કરવામાં આવ્યો હતો.
૨૧ ડિસેમ્બરની તારીખ સાથે માયા સંસ્કૃતિનો સંબંધ, આપણે પુરાત્વનાં રેકોર્ડ, સંદર્ભો સાંકળીને ગણી કાઢયો છે. આમાનાં કોઈ લખાણો ભવિષ્યવાણી કરતાં નથી. તેઓ તેમના દેવ-દેવીઓનો સંબંધ અને તેમનાં રાજાઓને આ લખાણ સાંકળે છે. ગણતરીઓ સાચી છે. અને, ડિસે. ૨૧, ૨૦૧૨ માયા સંસ્કૃતિનાં લોકો માટે એક અર્થપૂર્ણ દિવસ હતો. આ તારીખ માયા-ગણિત અને આંકડાવિજ્ઞાનનાં આધારે નક્કી થઈ છે. વિવિધ સમયકાળની ગણના દ્વારા માયાવાસીઓ પસાર થયેલ ‘સમય’ને એક આયામ આપીને સાચવતાં હતાં. માયા કેલેન્ડરની શરૂઆત દંતકથા રૂપ તારીખ, ઓગસ્ટ ૧૧, ઈ.સ. પૂર્વે ૩૧૧૪થી શરૂ થાય છે. તેમનાં કેલેન્ડરનો લાંબો સમયકાળ (સાયકલ) ૧,૪૪,૦૦૦ દિવસનો છે. જે ‘બેંક્ટમ’ તરીકે ઓળખાય છે. જ્યારે ડિસે. ૨૧ આવી ત્યારે, આ ‘કાળ’ ૧૩ વાર પુનરાર્તન પામીને ૫,૧૨૫ વર્ષ પુરા કરી ચુકયો હશે. માયા કેલેન્ડરમાં ૧૩મો ‘બેંક્ટમ’ કેન્દ્રવર્તી ભૂમિકામાં છે. માયા દંતકથામાં ૧૩માં બેંકટમનો વિશેષ અર્થ થાય છે. આપણે પણ ‘૧૩’નાં આંકડાને અશુભ માનીએ છીએ જ. માયા પ્રમાણે આપણું વિશ્વએ ચોથી પેઢી ? એટલે કે ફોર્થ જનરેશન છે. જે પહેલાંનાં ૧૩ બેંક્ટમ બાદ વિકસેલ છે. આ હિસાબે કેટલાંક લોકો માને છે કે ૨૧ ડિસેમ્બરે પૃથ્વી પરથી જીવસૃષ્ટીનો વિનાશ થશે. જોકે માયા લખાણોમાં જીવસૃષ્ટીનાં મૃત્યુને લગતો કોઈ જ ઉલ્લેખ નથી. વૈજ્ઞાનિકો માને છે કે ૨૧ ડિસેમ્બરે પૃથ્વી પરથી જીવસૃષ્ટિનો વિનાશ થશે. જોકે માયા લખાણોમાં જીવસૃષ્ટીનાં મૃત્યુને લગતો કોઈ જ ઉલ્લેખ નથી. વૈજ્ઞાનિકો માને છે કે ૨૧ ડિસેમ્બરે ૧૩માં બેંકટમનો અંત થશે. જેનો અર્થ થાય નવું ૧૪મું બેંકટમ શરૂ થશે. જેમ આપણું નવું વર્ષ ૧લી જાન્યુઆરીએ ચાલુ થાય છે તેમ, માયા કેલેન્ડર એકવાર પુરું થઈ નવેસરથી ૨૨ ડિસેમ્બરથી ચાલુ થશે? નિષ્ણાંતો માને છે કે આપણે જેમ વર્ષનો અંત ભાગ નાતાલ તરીકે ઉજવીએ છીએ તે મુજબ તેઓ પણ તેમના કેલેન્ડર ‘સાયકલ’નાં અંતિમ દીવસો ઉત્સવ તરીકે ઉજવતાં હોવાં જોઈએ. આપણી માફક માયાવાસીઓ પણ આશાવાદી હતાં. તેમને પણ તેમની સંસ્કૃતિ ખૂબ જ લાંબા સમય સુધી જળવાઈ રહેશે તેવી આશા હતી. તેમનો રાજવી જેણે તેમનાં કેલેન્ડરનાં ૮૦૦માં વર્ષે ગાદી ધારણ કરી હતી તે પ્રસંગ ૪૭૭૨માં પણ ઉજવાશે તેવો આશાવાદ સેવતો હતો. કંિગ પાકાલનો આત્મવિશ્વાસ ગજબનો કહેવાય.
માયા કેલેન્ડર ટુંકાગાળાની આવૃત્તિ (આપણાં વર્ષ માફક) અને લાંબા માણાની ગણતરી (આપણી સહસ્રાબ્ધિ) માફક સમયને કેલેન્ડર રૂપે સાચવતાં હતાં. ઝોલ્કીન નામનું ટુંકું સાયકલ ૨૬૦ દીવસનું બનેલું રહેલું હતું. લાબું સાયકલ ૧ બેંકટમ એટલે કે ૧,૪૪,૦૦૦ દીવસોનું બનેલું હતું. તેમનું લાંબુ કેલેન્ડર ‘હાબ’ તરીકે ઓળખાય છે. તેમાં આપણા ખગોલીય વર્ષ માફક ૩૬૫ દિવસો રહેતાં હતાં. પરંતુ મહીનાની સંખ્યા ૧૨ના બદલે ૧૮ની હતી અને ૫ દિવસ વધારાનાં ઉમેરવામાં આવતાં હતાં. આ બે સિસ્ટમને ભેગી કરીને આપણા ‘યુગ’ જેવી કલ્પના અમલમાં મુકીને માયાવાસીઓએ નવું કેલેન્ડર પેદા કર્યું હતું. જે ૧૮૯૮૦ દીવસ એટલે કે આપણાં ૫૨ વર્ષ (અડધી સદી જેટલું) લાંબુ રહેતું હતું, કદાચ આ સમયગાળો તેમની એ કાળનો સરેરાશ ઉંમર સાથે બંધબેસતો હતો. આ કેલેન્ડરમાં કોઈ પણ ઘટનાને આસાનીથી યાદ રાખી શકાતી હતી. જ્યારે ભવિષ્યકાળ માટે તેઓ બેંકટમ જેવાં લાંબા સાયકલનો ઉપયોગ કરતાં હતાં. એક તર્ક તરીકે માની લઈએ કે પૃથ્વી પરથી સજીવ-સૃષ્ટિનો ગમે ત્યારે વિનાશ થઈ શકે તેમ છે તો આવી પૃથ્વી વિનાશની ઘટના ક્યારે અને કેવી રીતે બની શકે તેમ છે? એક વાત સિદ્ધ થઈ ચુકી છે કે ૨૧ ડિસેમ્બર જેવી આગાહીઓ બેબુનિયાદ સાબીત થઈ છે પરંતુ, પૃથ્વીનાં ભૂતકાળ અને ઇતિહાસમાં ડઝન કરતાં વધારે વાર પૃથ્વી પરની જીવસૃષ્ટીનો ૨૫ ટકાથી માંડીને ૮૦ ટકા જેટલો વિનાશ થઈ ચૂક્યો છે. પૃથ્વી પરથી ‘ડાયનોસૌર’ જેવાં પ્રાણીઓનું નિકંદન પણ એક આવી જ ઘટના છે છતાં, પૃથ્વી આવી ઘટનાઓ બાદ પણ સજીવ સૃષ્ટીથી લથબથ રહી છે. ભવિષ્યમાં સજીવ સૃષ્ટીનો વિનાશ શક્ય છે. પરંતુ તેની આગાહી શક્ય નથી.
અત્રે આ પૃથ્વી વિનાશની શક્યતાને ‘સાયન્સ’ વડે સમજીએ. બાહ્ય ગ્રહની ટકરામણ, માયક્રોન્સ વડે ફેલાયેલી મહામારી અથવા સુપર વોલ્કેનો કે જ્વાળામુખી ગમે તે ઘટના દ્વારા પૃથ્વી પરથી જીવસૃષ્ટિ અદૃશ્ય થઈ શકે છે! માનવીએ કરોડો કે અબજો વર્ષ પછી પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા જંગ ખેલવાનો છે એ વાત નક્કી છે. એક કહેવત છે કે દરેક સારી વસ્તુનો પણ અંત તો આવે જ છે.
પૃથ્વી સાથે કોઈ ઘૂમકેતુ અથવા ગ્રહ ટકરાય તો ઉલ્કાપાત મચી શકે છે. કોઈ ઘુમકેતુ બે લાખ કી.મી. પ્રતિ કલાકની ઝડપે આવીને પૃથ્વી સાથે ટકરાય તો, સમુદ્રમાં સેંકડો ફુટ ઉંચી ‘સુનામી’ આવે. ટકરામણથી જ્વાળામુખી પણ ફાટે. ઘુળ, રાખ, વરાળ અને સલ્ફર વાયુનું મિશ્રણ સૂર્યપ્રકાશને પૃથ્વી સુધી પહોચવા ન પણ દે. અંતે... સજીવ સૃષ્ટી નાશ પણ પામે. ઓસ્ટ્રેલીયાની ન્યુ સાઉથ વેલ્સ યુનિ.નાં વૈજ્ઞાનિકો માને છે કે આવી ઘટના ભૂતકાળમાં અઢી અબજ વર્ષ પહેલા બની હતી. આવી ટકરામણથી મનુષ્ય અસ્તિત્વ ખતરામાં આવી જાય ખરું! કદાચ આવો કોઈ ઘુમકેતુ પૃથ્વી સાથે ટકરાવા આવી રહ્યો હોય તો તેનાં ‘ડિપ ઈમ્પેક્ટ’થી બચવા મનુષ્યએ હજી સુધી કોઈ સીસ્ટમ વિકસાવી નથી.
યલો સ્ટોન નેશનલ પાર્ક નીચે ૪૫ટ૩૪ માઈલનો વિશાળ ખાડો પડેલ જોવા મળે છે જે ૬ લાખ ચાલીસ હજાર વર્ષ પ્રાચીન સુપર જ્વાળામુખી ફાટવાથી બનેલ છે. જ્વાળામુખીનાં લાવાએ લાખો ચોરસ કી.મી.નો વિસ્તાર જીવસૃષ્ટી વિહીન કરી નાખ્યો હતો. વાતાવરણમાં ભળેલ રાખના કારણો ઘણા વર્ષો સુધી વૈશ્વિક હવામાન, આબોહવા બદલાયેલા રહ્યાં હતાં. આવી ઘટના હવે ક્યારે બને તેમ છે? કોઈ જાણતું નથી. જ્વાળામુખી ફાટવાના પગલે પગલે ધરતીકંપ, કલાયમેટ ચેન્જ થઈ શકે છે.
ત્રીજી એક શક્યતા પણ છે. નજીકનો તારો હાઈપરનોવા સ્વરૂપે ફાટે અને માત્ર ૧૦ સેકંડ પુરતો ગામા-કિરણોનો કિરણોત્સર્ગ વહેતો થાય તો પૃથ્વી પરનું ૫૦ ટકા ઓઝોન લેયર ભસ્મીભૂત થઈ શકે છે. જેનાં કારણે સેંકડો સજીવ પ્રજાતીઓનું રામનામ સત્ય થઈ જાય, અને ખોરાકની શૃંખલા, ફુડ ચેઈન જોખમમાં મુકાઈ જાય. સજીવ સૃષ્ટિમાં ફુડ ચેઈન અગત્યનું પરિમાણ છે. એક અંકોડો પણ તુટી જાય તો સૃષ્ટિનો અમુક સજીવ સમુહ વિનાશ પામી શકે. વૈજ્ઞાનિકો હાઈપરનોવાની આગાહી કરી શકે છે. પરંતુ તેમાંથી બચવાનો કોઈ ઉપાય નથી. ભૂતકાળમાં વૈજ્ઞાનિકો અન્ય આકાશગંગામાં ‘ગામા-રે બસ્ટ’ નિહાળી ચૂક્યાં છે. આપણી ગેલેક્સીમાં આવો હાઈપરનોવા ‘ગામા રે બસ્ટ’ હજી સુધી વૈજ્ઞાનિકો નિહાળી શક્યા નથી.
એક અણકલ્પ્યો સિનારિયો, જો મંગળ તેની ભ્રમણકક્ષામાંથી વિચલિત થઈ જાય અને પૃથ્વી સાથે આવીને ટકરાય તો, પૃથ્વી ઉપરનું જીવન સંપૂર્ણ નાશ પામે ખરું? ફ્રેન્ચ એસ્ટ્રો-ફીજીક્સની ગણતરીઓ બતાવે છે કે આવી ઘટના આવનારાં ત્રણ અબજ વર્ષ પહેલાં થવાની નથી. પૃથ્વીનાં આંતરીક ગ્રહ બુધ, મંગળ કે શુક્ર સાથે પૃથ્વીની ટકરામણ થઈ શકે છે. આંતર-તારાંકીય અથડામણ બ્રહ્માંડમાં નવી ઘટના નથી. ચંદ્રનું સર્જન પણ, સૂર્યમાળાનાં સર્જન સમયે આવી કોઈ ઘટનાનું પરિણામ છે. આવી ઘટનાની આગોતરી જાણ વૈજ્ઞાનિકો કરી શકે અને મનુષ્ય જાતીનાં કેટલાં જ નમુનારૂપ સ્ત્રી પુરુષોને અન્યગ્રહ ઉપર સમયસર પહોંચાડીને મનુષ્ય જાતીનાં નમુનાઓ બચાવી શકાય ખરા. આવી ઘટના અબજો વર્ષમાં એકાદ વર્ષ બનતી હોવાથી નજીકનાં ભવિષ્યમાં કોઈ ખતરો નથી. ચંદ્રનું સર્જન સાડાચાર અબજ વર્ષ પહેલાં થયું હતું.
આ અમાનવીય કારણો સિવાય પણ માનવી પોતે જ પોતાનું અને સમગ્ર સજીવ સૃષ્ટિનું ભવિષ્ય દાવ ઉપર લગાવી શકે છે. સાયન્સ ફિકશન આઈ, રોબોટ માફક આપણે જ બનાવેલા આર્ટીફીશીઅલ ઈન્ટેલીજન્સવાળા રોબોટ આપણા ઉપર સામ્રાજ્ય સ્થાપી શકે છે. ‘ધ સીંગ્યુલારીટી ઈઝ નીયર’ જેવી નવલકથા દ્વારા ભવિષ્યકાળનાં ભવિષ્યવેત્તા જેવાં ફ્‌યુરોલોજીસ્ટ રે કુર્ઝવેલની ભવિષ્યવાણી પ્રમાણે આવી ઘટના ૨૦૪૫ પહેલાં બનવાની શક્યતા ‘ઝીરો’ છે.
ભવિષ્યમાં દરિયામાં ઢોળાતા ઓઈલને દૂર કરવા નેનો-રોબોટ તૈયાર થઈ રહ્યાં છે. જે કાર્બન બેઝડ ‘વેસ્ટ’ ને ચુસીને પ્રદુષણમાંથી મુક્તિ આપી શકે છે. આ પ્રોગામીંગને બદલી નાખવામાં આવે તો સુક્ષ્મ માઈકોબ્સથી માંડીને મનુષ્ય જેવાં ઓર્ગેનીક મેટરથી બનેલ સજીવોનો સફાયો નેનો રોબોટ કરી શકે તેમ છે. આ હિસાબે પણ નેનો રોબોટ સજીવ સૃષ્ટી માટે ખતરારૂપ બની શકે તેમ છે. નેનો રોબોટ સિવાય મનુષ્યની પ્રયોગશાળામાં હાલમાં કૃત્રીમ જેનોમને પ્રયોગશાળામાં બનાવીને તેનું સુક્ષ્મ જીવાણુંઓમાં આરોપણ થઈ રહ્યું છે. આવો પ્રથમ ‘સિન્થેટીક જીવ’ જન્મ પણ લઈ ચુક્યો છે.
૨૦૧૧માં નેધરલેન્ડ અને અમેરિકાના વૈજ્ઞાનિકોએ ‘બર્ડ-ફલ્યુ’ વાયરસનાં જેનોમમાં ફેરફાર કરીને વધારે ખતરનાક વાયરસ પેદા કર્યો હતો. જો આવા વાયરસ કે અન્ય સિન્થેટીક સજીવ લેબોરેટરી બહાર નિકળી જાય તો, મનુષ્ય સામે ખતરો બની શકે છે. શિતળા જેવાં રોગોનાં સાચવી રાખેલા સેમ્પલો ત્રાસવાદ સાથે સંકળાયેલાં વૈજ્ઞાનિકોનાં હાથમાં આવી જાય તો લાખો મનુષ્યનાં જીવન સામે પ્રશ્નાર્થચિન્હ મુકાઈ જાય તેમ છે!
છેલ્લો પ્રલય મનુષ્ય પોતે જ લાવી શકે છે. અને શસ્ત્ર છે પરમાણુ શસ્ત્ર, વિશ્વનાં સૌથી વધારે પરમાણુ શસ્ત્રો ૧૯,૦૦૦ ન્યુકલીયર વેપન્સ અમેરિકા અને રશિયાની ભૂમી ઉપર છે. જો તેનો ઉપયોગ બંને દેશ કરે તો પળવારમાં ૭૫ કરોડ લોકો સીધા જ મોતનાં મુખમાં ધકેલાઈ જાય તેમ છે. બાકી બચેલાં રેડિપેશનનો ભોગ બનીને બચી જાય તો પણ તેમની જંિદગી નર્ગાકાર બની જાય તેમ છે. પરમાણુ યુદ્ધ પછી તો ‘ન્યુકલીયર વિનર’ બાકીની સજીવ સૃષ્ટિનો પણ સફાયો કરી શકે છે. આ ભયાનક્તાથી અવગત સુપર પાવર આ સાહસ ખેડી શકે તેમ નથી. પરંતુ, પૃથ્વી પરની સજીવ સૃષ્ટીનાં વિનાશનું સૌથી મોટું શસ્ત્ર મનુષ્ય પાસે છે. પૃથ્વી વિનાશ માટે આમ કેલેન્ડરનો અંતિમ દિવસ નક્કી કરવાની જરૂર પડે તેમ નથી. ન્યુકલીયર વોર ગમે ત્યારે આપણા કેલેન્ડરને ફુલ સ્ટોપ લગાવી શકે છે. કદાચ માયા-સંસ્કૃતિનાં લોકોને આવી કોઈ કલ્પના તો આવી નહીં હોયને? બોલો તમારું શું કહેવું છે?
પ્રલયમાંથી બચી ગયેલાં (થયો છે જ ક્યાં?) કદાચ ‘હેપ્પી ન્યુયર’ પણ કહી શકે નહીં. વિનાશ પછી કેલેન્ડર અને તવારિખની સાડીબાર કોઈ રાખવાનું હતું?