Sunday 9 December 2012

‘ધ ફન્ડામેન્ટલ ફિઝીક્સ પ્રાઇઝ’

ફ્‌યુચર સાયન્સ - કે.આર ચૌધરી


- યુરી મિલ્નર દ્વારા વિજ્ઞાન જગતને આંચકો આપે તેવા એવોર્ડનો આવિષ્કાર...

- હવે ભૌતિકશાસ્ત્રની કેરીયરમાં કરોડપતિ થવાના ચાન્સ છે !

- દર વર્ષે ૩ મિલિયન ડોલરનું ‘ફંડામેન્ટલ ફીઝીક્સ પ્રાઇઝ’ સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રમાં નોંધપાત્ર પ્રદાન આપનાર યુવાન વૈજ્ઞાનિકને આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

 

ફન્ડામેન્ટલ ફિઝીક્સ પ્રાઇસ, જેનું નામ કોઈએ સાંભળ્યું ન હતું એ પ્રાઇઝે રાતોરાત વિશ્વના નવ યુવાન ભૌતિકશાસ્ત્રીઓને કરોડપતિ બનાવી નાખ્યા છે. વિશ્વના વૈજ્ઞાનિકોને અત્યાર સુધી વર્લ્ડ ફેમસ ‘નોબેલ’ પ્રાઇઝ જીતવાની મહત્ત્વાકાંક્ષા રહેતી હતી. હવે સીનારીયો બદલાઈ ગયો છે. વિશ્વના વૈજ્ઞાનિકોથી માંડી ફીજીક્સ એટલે કે ભૌતિકશાસ્ત્ર સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોનું હવે એક જ સ્વપ્ન હશે ઃ ફન્ડામેન્ટલ ફીઝીક્સ પ્રાઇઝ જીતવાનું. ઘણા વૈજ્ઞાનિકો આ પ્રાઇઝને હવે ‘રશિયન નોબેલ’ પ્રાઇઝ તરીકે ઓળખવા લાગ્યા છે. પરંતુ વાસ્તવિકતા જરા મરડાયેલી છે. ‘ફન્ડામેટલ ફિઝિક્સ પ્રાઇઝ’ના સ્થાપક યુરી મિલ્નર કહે છે કે મારું પ્રાઇઝ નોબેલ પ્રાઇઝનું પ્રતિસ્પર્ધી નથી. સૈદ્ધાંતિક રીતે જ બંનેની વિજેતાની પસંદગીથી માંડી પ્રક્રિયા સુધીની ઘટમાળ ‘નોબેલ’ પ્રાઇઝથી માત્ર અલગ જ નહીં, અનોખી છે. ભારતીય વૈજ્ઞાનિક અશોક સેનને આ ઇનામ મળતાં જ તેઓ રાતોરાત કરોડપતિ બની ગયા છે. આજની તારીખે કોણ જાણતું હતું કે જેને પ્રયોગાત્મક પુરાવાઓ / એક્સપરીમેન્ટલ પ્રુફ મળ્યા નથી તેવા સિદ્ધાંત, સ્ટ્રીન થિયરી, બ્લેક હોલ, કોસ્મિક ઇન્ફલેશન જેવા ભૌતિકશાસ્ત્ર સાથે જોડાયેલા ટોપીક્ઝને કારણે વૈજ્ઞાનિકો રાતોરાત કરોડપતિ બની જશે. ફન્ડામેન્ટલ ફિજીક્સ પ્રાઇઝની મુખ્ય ખાસિયત એ છે કે માત્ર વિજ્ઞાનજગત જ નહીં, વિશ્વના અન્ય પ્રાઇઝની સરખામણીમાં વિશ્વનું સૌથી વધારે મુલ્યવાન પ્રાઇઝ છે તેના વિજેતાને ૩ મિલિયન એટલે કે ૩૦ લાખ ડોલર મળે છે. ભારતીય ચલણમાં તેનું મૂલ્ય અંદાજે ૧૬.૭૦ કરોડ રૂપિયા છે. શા માટે રાતોરાત નોબેલ પ્રાઇઝને ટક્કર મારે તેવું ભૌતિકશાસ્ત્રનું રશિયન નોબેલ પ્રાઇઝ ગણાતું ફંડામેન્ટલ ફિઝીક્સ પ્રાઇઝ અસ્તિત્વમાં આવ્યું ?
ફંડામેન્ટલ ફીજીક્સ માટે જેનું દિમાગ અને ડોલર બંને કામ કરી ગયા છે તેનું નામ છે યુરી મિલ્નર. પચાસ વર્ષનો યુરી મિલ્નર રશિયન નાગરિક છે. ૨૦૧૦માં ફોર્ચ્યુન મેગેઝીને વિશ્વના ૫૦ ધનાઢ્‌ય ધંધાદારી માનવીનું લિસ્ટ બહાર પાડ્યું તેમાં યુરી મિલ્નર ૪૬મા સ્થાને હતો. આ લિસ્ટની બીજી ખાસિયત એ હતી કે ૫૦ના લિસ્ટમાં તે એકમાત્ર રશિયન હતો.
૧૯૮૫માં મિલ્નર મોસ્કો સ્ટેટ યુનિવર્સિટીમાથી સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્ર સાથે ગ્રેજ્યુએટની ડિગ્રી લઈ બહાર આવ્યો તેની આંખોમાં પણ એક અજીબોગરીબ ચમક અને આકાંક્ષા ઝબુકતી હતી તેની મહેચ્છા ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પ્રાઇઝ જીતવાની હતી. થોડા સમય માટે તેણે રશિયન એકેડમી ઓફ સાયન્સના લેબડેવ ફીઝીક્સ ઇન્સ્ટીટયૂટમાં કામ કર્યું. જ્યાં ભૂતકાળમાં રશિયાના હાઇડ્રોજન બોમ્બના સર્જક ગણાયેલ (ફાધર ઓફ રશિયન હાઇડ્રોજન બોમ્બ) અને નોબેલ પ્રાઇઝ વિજેતા વિટલી લેઝારેવિચ ગીન્ઝબર્ગકામ કરી ચૂક્યા હતા. પીએચડીની થિસીસ તૈયાર કરતી વખતે મિલ્નર રશિયાના ન્યુક્લીયર સાયન્ટીસ્ટ, નોબેલ પ્રાઇઝ વિજેતા અને માનવતાવાદી વિચારસરણીના પ્રખર આંદોલનકારી આન્દ્રેઈ અખારોવના સંપર્કમાં આવ્યા હતા, જેમની તેજ અને સીધી વિચારસરણીની સીધી અસર મિલ્નરના દિલો-દિમાગ ઉપર પડી હતી. એક તબક્કે તેને લાગ્યું કે એક ભૌતિકશાસ્ત્રી તરીકે કારકિર્દી ઘડીને ‘નોબેલ’ પ્રાઇઝ સુધી પહોંચવામાં જંિદગી આખી લેવાઈ જાય તેમ હતી. તેમ છતાં ય ‘નોબેલ’ પ્રાઇઝ મળશે જ તેની કોઈ ગેરન્ટી ન હતી. તેમને લાગ્યું કે, એક વૈજ્ઞાનિક કરતાં એક બિઝનેસમેન તરીકે તે વધારે સફળ બની શકે તેમ હતા અને તેમણે પીએચડીની થિસિસ પડતી મૂકીને અમેરિકામાં ૧૯૯૦માં વાર્ટન સ્કૂલ ઓફ બિઝનેસમાંથી માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેટરની ડિગ્રી મેળવી. હવે તેમની દુનિયા બદલાઈ ગઈ હતી. ૧૯૯૦ પછીના દાયકામાં તેમણે વૉશંિગ્ટનમાં વર્લ્ડ બેન્કમાં રશિયન બેન્કંિગ સ્પેશ્યાલીસ્ટ તરીકે સેવા આપી. ૧૯૯૯માં પોતાની કંપની સ્થાપી અને પોતાના નાણાંનું ફેસબુક, ટ્‌વીટર, ઝીંગા અને સ્પોટીફાય અને ગુ્રઅપોનમાં રોકાણ કર્યું. આમ છતાં, વિજ્ઞાન જગત સાથેનો તેનો નાતો અકબંધ રાખવા માટે તેણે અનોખું સાહસ કર્યું.
યુરી મિલ્નરે ૨૦૧૨ના જુલાઈમાં ‘ધ ફંડામેન્ટલ ફિઝીક્સ પ્રાઇઝ ફાઉન્ડેશન’ની સ્થાપના કરી હતી. દર વર્ષે ૩ મિલિયન ડોલરનું ‘ફંડામેન્ટલ ફીઝીક્સ પ્રાઇઝ’ સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રમાં નોંધપાત્ર પ્રદાન આપનાર યુવાન વૈજ્ઞાનિકને આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. વિશ્વપ્રસિદ્ધ નોબેલ પ્રાઇઝ અને ‘ટેમ્પલટન’ એવોર્ડના નાણાંને ભેગા કરો તેના કરતાં વધારે ધન એક વૈજ્ઞાનિક રાતોરાત મેળવે છે. માસેચ્યુએટ્‌સ ઇન્સ્ટીટયૂટ ઓફ ટેકનોલોજી (સ્ૈં્‌) નો વૈજ્ઞાનિક એલન એચ. મુથને અચાનક ઝાટકો લાગ્યો હતો. તેના બેંક એકાઉન્ટમાં માત્ર ૨૦૦ ડોલરનું બેલેન્સ હતું અને એક વાયર ટ્રાન્સફર મેસેજ બેંકને મળતાં આ બેલેન્સ ૩૦ લાખ બસો ડોલરનું થઈ ગયું. બેંકે બાર ડોલરનો ચાર્જ વાયર ટ્રાન્સફર માટે લીધો પરંતુ આટલા બધા નાણાં મળતા હોય ત્યાં બાર ડોલર બેલેન્સમાંથી માઇનસ થાય તો વાંધો આવે તેમ ન હતો. એલન યુથ ભાગ્યવાન હતો કે યુરી મિલ્નરે જે નવ યુવાન વૈજ્ઞાનિકોની પસંદગી ‘ધ ફન્ડામેન્ટલ ફીઝીક્સ પ્રાઇઝ’ માટે કરી હતી તેમાં એલન મુથનો પણ સમાવેશ થતો હતો.
નોબેલ પ્રાઇઝમાં સામાન્ય રીતે એવું બનતું જોવા મળ્યું છે કે, ‘પ્રાઇઝ’ બે કે ત્રણ વૈજ્ઞાનિકો વચ્ચે વહેંચવામાં આવ્યું હોય છે. જે સંશોધન બદલ તેમને નોબેલ મળે છ તે બે- ત્રણ દાયકા જૂનું હોય અને નવા પ્રયોગાત્મક પરિણામો વડે જૂની થિયરી સાબિત થાય ત્યારે મળે છે.
સામાન્ય માનવી ફંડામેન્ટલ ફીઝીક્સ તરફ આકર્ષાય, સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રની સમજ વધે તે માટે વિજેતા વૈજ્ઞાનિક શક્ય તેટલા બહોળા સમુદાય માટે ‘પબ્લિક લેક્ચર્સ’ આપશે. આવા લેકચર્સ દ્વારા ભૌતિકશાસ્ત્રના નવા એડવાન્સ રિસર્ચનો સાચો અર્થ લોકોને સમજાશે. આ વર્ષે આપવામાં આવેલા નવ વૈજ્ઞાનિકોનું સંશોધન અને યોગદાનનું સરવૈયું એટલે ‘ધ ફંડામેન્ટલ ફિઝીક્સ પ્રાઇઝ’ જે યુવા વૈજ્ઞાનિકોની આંખોમાં નવા સ્વપ્નનું વાવેતર કરશે. જે વૈજ્ઞાનિકોને આ પ્રાઇઝ મળ્યું છે તેની ઝલક પણ માણી લઈએ.
નિમા આર્કાની - હેમેદ ઃ નીમા પ્રિન્સ્ટન્ટ ઇન્સ્ટીટયૂટ ઓફ એડવાન્સ સ્ટડીમાં કાર્યરત છે. નામ ઉપરથી રખે તેને સ્ત્રી માની લેતા પાર્ટીકલ ફીઝીક્સમાં તેમનું યોગદાન અતિ મહત્ત્વનું છે. જેમાં તેમણે નવા એક્સ્ટ્રા લાર્જ ડાયમેન્શન, હિગ્સ બોઝોનની નવી થિયરી, સુપર સીમેટ્રીનું અનોખું વાસ્તવીકરણ, ડાર્ક મેટરને લગતી થિયરી અને ગેજ થિયરીમાં નવા મેથેમેટીકલ મોડેલનો ઉમેરો કર્યો છે.
એલન ગુથ ઃ એલન ગુથે કોસ્મોલોજી નહીં પરંતુ પાર્ટીકલ ફીઝીક્સનો અભ્યાસ કરેલ છે. શરુઆતમાં તેમણે ‘ક્વાર્ક’ ઉપર કામ કર્યું હતું. ત્યારબાદ ગ્રાન્ડ યુનીફાઇડ થિયરી ઉપર હાથ અજમાવ્યો હતો. ૧૯૭૮માં તેમણે રોબર્ટ ડીકનું ‘ફ્‌લેટનેસ ઓફ યુનિવર્સ’ લેક્ચર સાંભળ્યું જેમાં બિગબેંગ પછી બ્રહ્માંડનું કદ અચાનક કઈ રીતે ઘટી ગયું તે સમસ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. બીજા વર્ષે ૧૯૭૯માં તેમણે સ્ટીવન વેઇનબર્ગને ગ્રાન્ડ યુનિ. ફાઇડ થિયરી વિશે લેક્ચર આપતા સાંભળ્યા અને એલન ગુથના મગજમાં ‘અચાનક બ્રહ્માંડનું થયેલું વિસ્તરણ’ સમસ્યાનો હલ મળી ગયો. જેના કારણે ઇન્ફ્‌લેશનરી કોસ્મોલોજીનો જન્મ થયો અને... કોસ્મોલોજી ડેન્સીટીમાં થયેલા ફેરફારોને લગતી થિયરી તેમણે આપી. યુરી મિલ્નરે તેમને પ્રાઇઝ આપ્યું છે.
એલેક્ષી ક્રિટાએવ ઃ એલેક્ષી કેલ્ટેકમાં કામ કરે છે. તેમણે કોમ્પ્યુટર ક્ષેત્રે ‘ટોયોલોજીકલ ક્વોન્ટમ કોમ્પ્યુટર’ નામનો કોન્સેપ્ટ આપ્યો છે. મિલ્નરની માફક એલેક્ષી રશિયન છે અને મોસ્કોમાં અભ્યાસ કરેલ છે.
મેક્સીમ ફોન્ઝેવીચ ઃ મેક્સીમ પેરીસ અને મિયામીના વૈજ્ઞાનિક સંગઠનોમાં સેવા આપી રહેલ છે. મૂળભૂત રીતે તેઓ ગણિતશાસ્ત્રી છે. જે થિયોરેટીકલ ફીઝીક્સના પ્રોબ્લેમ સોલ્વ કરી શકે છે. તેમણે નોટ થિયરી અને મીટર સીમેટ્રી પર કામ કરેલ છે. ગણિત અને ભૌતિકશાસ્ત્રને સાંકળીને સિદ્ધાંતોની યોગ્યતા પુરવાર કરી બતાવી છે.
આન્દ્રે લીંદ ઃ આન્દ્રે લીંદ રશિયન અમેરિકન ભૌતિકશાસ્ત્રી છે. બ્રહ્માંડ વિશ્વમાં જે ઇન્ફ્‌લેશનરી યુનિવર્સ થિયરી આપવામાં આવી છે તે બ્રહ્માંડનો બીગબેંગ બાદ ‘ફુગાવો’ શા કારણે થયો તે દર્શાવતી થિયરીના મુખ્ય સૂત્રધારોમાંના એક છે. તેમણે ‘આંતરિક ફુગાવો’ અને ‘ફુગાવાજન્ય મલ્ટીવર્સ’ની થિયરી પણ આપેલ છે. ૧૯૮૧માં તેમણે બ્રહ્માંડના ફુગાવાને લગતી નવી થિયરી ‘ન્યુ ઇન્ફ્‌લેશન’ આપી હતી જે એલન ગુથના મોડેલમાં દર્શાવેલ સમસ્યાનો ઉકેલ આપતી હતી. આ ઉપરાંત સ્ટ્રીંગ થિયરી ઉપર પણ તેમણે કામ કરેલ છે.
જુઆન માર્ટીન માલ્દસીના ઃ જુઆન આર્જેન્ટીના ઇટાલી અને અમેરિકન નાગરિકત્વ ધરાવે છે. ૨૦૦૧થી ન્યુજર્સીના ઇન્સ્ટીટયૂટ ઓફ એડવાન્સ સ્ટડીમાં કામ કરે છે. આ ઇન્સ્ટિટયૂટ સાથે ભૂતકાળમાં આલ્બર્ટ આઇન્સ્ટાઇનના પણ સંબંધો રહેલ છે. જુઆનનું મુખ્ય વર્ક ‘હોલોગ્રાફીક પ્રિન્સિપલ’ સાથે સંકળાયેલું છે. ગ્રેવીટેશનલ ફીઝીક્સ અને ક્વોન્ટમ ફિલ્ડ થિયરીને સાંકળવાનું કામ તેમણે કરેલ છે. સંશોધન દ્વારા તેમણે જણાવ્યું છેેે કે, ‘બ્લેક હોલ’ને ક્વોન્ટમ મિકેનિક્સના સિદ્ધાંતો લાગુ પાડી શકાય છે. ઉચ્ચ તાપમાને નાભિકીય પદાર્થ અથવા સુપર કન્ડક્ટર્સ કઈ રીતે કામ કરે છે તેના ઉપર તેમણે પ્રકાશ પાડેલ છે.
નાથાન સેઇબર્ગ ઃ જન્મે ઇઝરાયેલી નાથાન અમેરિકન નાગરિક છે. તેમનું મુખ્ય યોગદાન સ્ટ્રિંગ થિયરી ક્ષેત્રમાં છે. ક્વોન્ટમ ફિલ્ડ થિયરી અને સ્ટ્રીંગ થિયરીના સિદ્ધાંતોનો ઉપયોગ કરી સુપર સીમેટ્રીક ક્ન્ટમ ફિલ્ડ થિયરી તેમણે સમજાવી છે. આ ઉપરાંત સૈદ્ધાંતિક ભૌતિકી ઉપર અનેક રિસર્ચ પેપર લખ્યા છે.
અશોક સેન ઃ હરિશ્ચંદ્ર રિસર્ચ ઇન્સ્ટીટયૂટમાં કામ કરી રહેલ અશોક સેન, ધ ફંડામેન્ટલ ફીઝીક્સ પ્રાઇઝ મેળવનારા પ્રથમ ભારતીય છે. આ પહેલા અમેરિકાની ફર્મી લેબ અને સ્ટેનફોર્ડના જીન્છભ માં કામ કરી ચૂકેલા છે. ભારત સરકારે તેમને પદ્મશ્રીનો ઇલ્કાબ પણ આપેલ છે. સ્ટ્રીંગ થિયરીમાં તેમનું યોગદાન છે. સુપર સીમેટ્રીક સ્ટ્રીંગ અને ગેજ થિયરીમાં ‘સ્ટ્રોંગ વીક ડ્યુઆલીટી’ જે એસ ડ્યુઆલીટી કહેવાય છે તેને લગતાં સૈદ્ધાંતિક પુરાવા પણ તેમણે શોધેલ છે. જેના કારણે વૈજ્ઞાનિકો સમજી ચૂક્યા છે કે ‘સ્ટ્રીંગ થિયરી’ના અલગ અલગ મોડેલ છેવટે તો એક જ થિયરીની ભિન્ન ભિન્ન લીમીટ્‌સ બનાવે છે.
એડવર્ડ વિટેન ઃ પ્રિન્સ્ટનના ઇન્સ્ટિટયૂટ ઓફ એડવાન્સ સ્ટડીના તે ભૌતિકશાસ્ત્રી છે. મેથમેટીકલ ફીઝીક્સના તે માસ્ટર ગણાય છે. સુપર સ્ટ્રીંગ થિયરી અને ક્વોન્ટમ ગ્રેવીટી તેમના સંશોધનના ક્ષેત્ર છે. ૨૦૪૦માં ટાઇમે એડવર્ટ વિટેનને વિશ્વના શ્રેષ્ઠ થિયોરેટીકલ ફીજીસ્ટ તરીકે ઓળખાવ્યા હતા. સુપર સ્ટ્રીંગ થિયરી માટે તેમણે ‘વિટેન ઇન્ડેક્સ’ આપેલ છે જેના ઉપરથી જાણી શકાય છે કે સુપર સિમેટ્રીનો ભંગ થયો છે કે નહીં ? વિટેન દ્વારા એક સંયોજી થિયરી રજૂ કરવામાં આવી છે જેને ‘એમ-થિયરી’ કહે છે. ધ ગ્રાન્ડ ડિઝાઇનમાં સ્ટીફન હોકીંગ લખે છે કે, ‘યુનિવર્સને સમજવા માટે ભવિષ્યમાં એમ- થિયરી જ અલ્ટીમેટ થિયરી સાબિત થશે.’
કહેવત છે કે, જંગલ હોય ત્યાં કાગડા રહેવાના જ. વિજ્ઞાન જગતમાં ધ ‘ફંડામેન્ટલ ફીઝીક્સ પ્રાઇઝ’ની આલોચના કરનારા હાલ લધુમતીમાં છે. પિટર વોઇટ નામના ગણિતશાસ્ત્રી કહે છે કે, ‘જેને ટેસ્ટ ન કરી શકાય તેવી સ્પેક્યુલેટીવ થિયરી જેવી કે ‘સ્ટ્રિંગ થિયરી’ વગેરને કઈ રીતે સ્વીકારી શકાય ? હાલના લાર્જ હેડ્રોન કોલાયરમાં થયેલા પ્રયોગોના પરિણામે સુપર સિમેટ્રી અને એક્સ્ટ્રા ડાયમેન્શન સામે ગંભીર પ્રશ્નો પેદા થયા છે. મુઠ્ઠીભર લોકોને ૩ મીલીયન ડોલરનું ઇનામ મળે છે જ્યારે તેમનું સંશોધન ચકાસી શકાતું નથી. તેમના સિદ્ધાંતોમાં તેઓ ખોટા પણ હોઈ શકે. ખેર ! આ પ્રાઇઝના નેગેટીવ દર્શન કરનાર પણ ખોટા હોઈ શકે. વિજ્ઞાન જગતમાં કંઈ જ ‘સ્થિર’ નથી.

No comments: