Sunday 9 December 2012

ધ કોસ્મીક ટૂરીસ્ટ:સર પેટ્રીક મુર

બીજા વિશ્વયુધ્ધની 'લવસ્ટોરી'નો કરૃણ અંજામ...

ફ્‌યુચર સાયન્સ - કે.આર ચૌધરી


- બીજા વિશ્વયુધ્ધે સર પેટ્રીકને જીંદગીભરનાં જખ્મ આપી દીધાં.લોરેના નામની નર્સ સાથે પેટ્રીક પ્રેમમાં પડયા હતા. પેટ્રીક માટે લોરેના સર્વસ્વ હતી. જર્મનોનો બોમ્બ લોરેનાની એમ્બ્યુલન્સ ઉપર ઝીંકાયો અને લોરેના મૃત્યુ પામી. એક લવસ્ટોરીનો કરૃણ અંજામ આવ્યો.

 

 દુનિયાનો પ્રથમ કૃત્રીમ ઉપગ્રહ ૧૯૫૭માં સોવિયેત યુનિયન દ્વારા પૃથ્વીની ફરતે ગોઠવવામાં આવ્યો, ત્યારે અમેરીકન 'ઈગો' ઉપર વજ્રાઘાત થયો હતો. 'સ્પેસ રેસ'માં રશિયા આગળ વધી જાય તે અમેરીકાને પાલવે તેમ ન'હતું. 'સ્પુટનીક' ઉપગ્રહ એ વિશ્વનાં સમાચાર પત્રોમાં હલચલ મચાવી દીધી હતી. કેટલાંક અમેરિકનો રશિયાનાં આ સાહસથી ગભરાઈ પણ ગયા હતાં. આ સમયે ૧૭ વર્ષનો એક ઈટાલીઅન અમેરિકન યુવાન 'સ્પુટનીક'નાં સમાચાર સાંભળીને મનોમન નક્કી કરી ચુક્યો હતો કે જીંદગીમાં એકવાર તો અંતરિક્ષ સફર કરવી જ છે. આ નવજુવાનનું નામ છે ''ડેનિસ એન્થની ટીટો.'' 'ટીટો'નું નામ પડે એટલે ઈટાલી પણ જરૃર યાદ આવે જ. ડેનીસનાં માતા-પિતા 'ઈટાલીઅન' મુળ ધરાવતો હતો.
૨૮ એપ્રિલ, ૨૦૦૧માં સાઈઠ વર્ષની વયે, યુવાન ડેનીસનું દિવાસ્વપ્ન પુરું થયું. રસિયાના બે કોસ્મોનટ તલગાન મુસાબાએવ અને યુરી બાતુરીન સાથે ઓયુઝ સ્પેસ કેપ્સ્યુલમાં બેસીને ડેનીસ, આંતરરાષ્ટ્રીય અંતરીક્ષ મથક - (ઈન્ટરનેશનલ સ્પેશ સ્ટેશન) ISSની મુલાકાત લીધી હતી. કલાક ટેલીવિઝન દ્વારા આ ઘટના ટી.વી. ઉપર દર્શાવવામાં આવી હતી. ટીટોનાં સંબંધીઓ અને તેની ગર્લફ્રેન્ડ ડોન અબ્રાહમ પણ આ ઘટનાની સાક્ષી બની હતી. બાપને રોકેટમાં બેસી અંતરીક્ષ તરફ જતો જોઈને ટીટોનો પુત્ર માઈક ઉત્સાહમાં આવીને ચીસ પાડીને બોલી ઊઠયો હતો. ''હી રીઅલી ગોન અહેડ એન્ડ ડન ઈટ. આયમ થ્રીલ્ડ.'' સ્પેસ ટ્રાવેલ આમ પણ થ્રીલીંગ લાગે છે. ડેની ટીટોએ 'સ્પેસ હીસ્ટ્રી'માં અનોખી રીતે નામ નોંધાવ્યું હતું. અંતરીક્ષ મુસાફરી માટે નાણા ખર્ચીને અંતરીક્ષ સફર ખેડનાર વિશ્વનાં પ્રથમ માનવી તરીકે તેણે પોતાનું નામ અમર કરી દીધું હતું. દુનિયા તેને 'વર્લ્ડ'ઝ ફર્સ્ટ સ્પેસ ટુરીસ્ટ'' ગણે છે. પોતાની સ્પેસ ટુર માટે તેણે બે કરોડ અમેરિકન ડોલર ખર્ચ્યા હતાં. સ્પેસ સ્ટેશનમાં તેણે ૭ દીવસ, ૨૨ કલાક અને ૪ મીનીટ વિતાવી હતી. સફર દરમ્યાન ૧૨૮ વાર પૃથ્વીની પ્રદક્ષીણા કરી હતી. ખેર... ડેનિસ ટીટો જવાંમર્દ ઈન્સાન હતો. જેણે પોતાનાં દેશની ઈચ્છાઓ વિરુધ્ધ જઈને પણ સ્પેસ ટુરને આકાર કરી હતી.
ડેનિસ ટીટોએ અંતરીક્ષમાં જવાની વાત કરી ત્યારે, નાસાનાં તે સમયનાં વડા ડેનિયલ ગોલ્ડીને, ડેનીસની ઈચ્છાઓ ઉપર ઠંડુ પાણી રેડતાં કહ્યું હતું કે ''એક ટુરીસ્ટ તરીકે સ્પેસ રાઈડ કરીને અંતરીક્ષમાં જવા માટેનો આ સમય અયોગ્ય છે.'' (ડેનીસની ઉંમર ત્યારે ૬૦ વર્ષની હતી.) રશિયન સોયુઝ TM-32મિશન સાથે અંતરીક્ષ યાત્રાની ગોઠવણ, ટુરિસ્ટ કંપની સ્પેસ એડવેન્ચર લીમીટેડ દ્વારા કરવામાં આવી હતી. રશિયન વૈજ્ઞાાનિકોએ ટીટોને પોતાનાં ત્યાં ટ્રેઈનીંગ આપ્યા બાદ, ISSનાં અમેરીકન ભાગોમાં જવા અને ત્યાં પ્રયોગો કરવા માટે, ટ્રેઈનીંગ માટે નાસાનાં જ્હોનસન સ્પેસ સેન્ટર ખાતે મોકલ્યો હતો. નાસાનાં મેનેજર રોબર્ટ કે બાના એ ટીટો અને અન્ય બે તેનાં સાથીદાર કોસ્મોનટને લીલા તોરણે ઘેર રવાના કરતાં કહ્યું કે ''અમે તેમની ટ્રેઈનીંગ શરૃ કરી શકીએ તેમ નથી. કારણ કે અમે નથી ઈચ્છતા કે તેઓ (બે રશીયન કોસ્મોનટને) ડેનીસ ટીટો સાથે ટ્રેઈનીંગ મળે'' નાસાને મુળ વાંધો ડેનીસ ટીટો, રશીઅન સાથે અંતરીક્ષમાં જાય તે બાબતે હતો. છેવટે ડેનીસ ટીટો અંતરીક્ષ 'ટુર' કર્યા પછી જ ઝંપ્યો. અહીં નોંધવા જેવી બાબત એ છે કે અબજોપતિ ડેનીસ ટીટોએ બુતકાળમાં નાસાનાં જેટ પ્રપાઝન લેબોરેટરીમાં સાયન્ટીસ્ટ તરીકે કામ કરી ચુક્યો હતો. શેરબજારનાં માર્કેટ રીસ્ક માટે ટીટોએ શોધેલ મેથેમેટીક્સ ટુલ્સને નાસાએ, સ્પેસ ક્રાફ્ટનાં 'માર્ગ' નિધારણમાં વાપરી હતી. જો કે એરોસ્પેસ એન્જીન્યરીંગમાંથી કેરીયર ચેન્જ કરીને ટીટો ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટમાં જતા રહેવા છતાં, 'સ્પેસ' પ્રત્યેનો લગાવ એવો જ રહ્યો હતો. ડેનીસ કદાચ નસીબદાર અને અબજોપતિ હતો કે ''૧૭ વર્ષની ઉંમરે જોયેલ 'સ્પેસ ટ્રાવેલ'નું સ્વપ્ન ૬૦ વર્ષની ઉંમરે પુરી કરી શક્યો પરંતુ... દુનિયામાં અત્યારે એવા ઘણા યુવાનો છે જેને અંતરીક્ષ વિજ્ઞાાન આકર્ષે છે. પૃથ્વી બહારનાં ગ્રહો, તારાઓ, ઉલ્કાપીંડો, પુંછડીયા તારાઓ, આકાશગંગાઓ આકર્ષે છે. પૃથ્વી બહાર વિસ્તરેલ બ્રહ્માંડ તેમને અચંબામાં નાખી દે છે. શું પ્રત્યક્ષ રીતે નહીં તો... પરોક્ષ રીતે પણ વિજ્ઞાાન રસિકો કે શોખીનોને 'સ્પેસ ટ્રાવેલ' કરાવી શકાય તેમ છે? આ સવાલ એમેચ્યોર એસ્ટ્રોનોમર સર પેટ્રીક મુરને પણ ઉદ્ભવ્યો લાગે છે! તેમણે તાજેતરમાં 'ધ કોસ્મીક ટુરિસ્ટ' નામનું પુસ્તક પ્રકાશીત કરેલ છે.
ધ કોસ્મીક ટુરિસ્ટ સર પેટ્રીકે તેનાં 'સ્કાય એટ નાઈટ'નાં સાથીદાર ડો. ક્રિસ લિનટૉટ અને એસ્ટ્રોફીજીક્સમાં ડોક્ટરેટ મેળવેલ નજીકનાં મિત્ર બ્રાયન મે સાથે મળીને લખ્યું છે.
વિખ્યાત ફિલ્મ સર્જક સ્ટીવન સ્પીલબર્ગે એક્સ્ટ્રા ટેરેસ્ટ્રીઅલ્સ એટલે કે ET ફિલ્મ બનાવીને પરગ્રહવાસીઓ પ્રત્યે પૃથ્વીવાસીની લાગણીનાં તાણાંવાણાં વણીને એક અદ્ભુત ફિલ્મ બનાવી હતી. ET દ્વારા પરગ્રહવાસી 'એલીયન્સ'નાં અસ્તિત્ત્વનાં સવાલો અનેક માનવીનાં દિમાગમાં ઘુમરાતા થઈ ગયા હતાં. જેની શોધ માટે ‘SETI' જેવો પ્રોગ્રામ શરૃ થયો હતો. ખ્યાતનામ ખગોળશાસ્ત્રી સર પેટ્રીક મુર કહે છે કે, ''આવનારાં ૫૦ વર્ષોમાં પરગ્રહવાસીઓની જીંદગીને સપોર્ટ કરતાં હોય તેવાં ગ્રહો સુર્યમાળા બહારથી મળી આવશે! જેઓને લાગે છે કે પરગ્રહવાસી પૃથ્વી પર આવીને ઉલ્કાપાત મચાવશે તેમનાં માટે આગાહી કરતાં પેટ્રીક મુર કહે છે કે ‘‘ET માટે પૃથ્વી ખુબજ 'બોરીંગ' સાબીત થાય.''
નેવ્યાસી વર્ષનાં પેટ્રીક મુર આશાવાદી છે. તેઓ માને છે કે આ સદીનાં અંત ભાગમાં માત્ર અંતરિક્ષ યાત્રીઓની જ નહી, સામાન્ય માનવીની સ્પેસ ટુર શક્ય બનશે. ચંદ્ર અને મંગળ ઉપરાંત સુર્યમાળાની ભાગોળ સુધી માનવી 'સ્પેસ ટુરિસ્ટ' બનીને યાત્રા કરી શકશે. 'ધ કોસ્મીક ટુરિસ્ટ' પુસ્તકનાં પ્રકાશન સમયે તેમણે ક્હયું હતું કે, ''મને વિશ્વાસ છે કે (સુર્યમાળાની બહાર) ત્યાં પણ જીવન છે. (બ્રહ્માંડમાં) આપણે માત્ર એકલાં જ ન હોઈ શકીયે.'' હું એમ પણ વિચારતો નથી કે પૃથ્વી પરગ્રહવાસીઓનાં 'ટુરીસ્ટ લીસ્ટ'માં સામેલ હશે. આપણો ગ્રહ તેમના માટે નિરસ સાબીત થાય. જે નિરસ તારાં સુર્યની આજુબાજુ ફરે છે. પેટ્રીક મુર જણાવે છે કે 'પૃથ્વી જેવાં અનેક એક્ઝો-પ્લેનેટ મનુષ્યએ ઓછી કાઢ્યાં છે. હવે આગળનાં તબક્કામાં ત્યાં વાતાવરણ છે કે નહીં તે સંભાવના ચકાસવાની છે. જો ત્યાંના વાતાવરણમાં પ્રાણવાયુની શક્યતાઓ હોય તો, પૃથ્વી પર જેમ જીવન વિકસ્યું છે તે પ્રકારની સજીવ સૃષ્ટિનાં વિકાસની સંભાવનાઓ ત્યાં પણ રહેલી છે. આપણે તેમને શોધી કાઢવાનાં છે. પેટ્રીક મુરનો મોટો બળાપો એ છે કે બ્રિટન જેવો દેશ અફઘાનિસ્તાન યુધ્ધ માટે ૨૦ અબજ પાઉન્ડ જેટલો ખર્ચ કરી નાખે છે. જો આવું ફંડ બ્રિટનનાં 'સ્પેસ પ્રોગ્રામ' માટે કરવામાં આવ્યું હોત તો, બ્રિટીશ 'ડિસ્કવરી'ને કોઈ રોકી શકત નહી!
સર પેટ્રીક મુરે ખગોળશાસ્ત્ર ઉપર ૭૦ કરતાં વધારે પુસ્તકો લખ્યાં છે. સાયન્સને પોપ્યુલર બનાવવા અનેક પુસ્તકો લખ્યાં છે. BBCની (દુનિયાની પણ) લાંબી ચાલનારી સાયન્સ ટી.વી. સીરીઅલ્સ ''ધ સ્કાય એટ નાઈટ''નાં મુખ્ય એંકર પર્સન તરીકે પડદા ઉપર અને પડદા પાછળ પણ તેમણે બેનમુન કામ કરેલ છે. ખ્યાતનામ ખગોળશાસ્ત્રી ઉપરાંત તેઓ, સારા લેખક, સંશોધક ટી.વી. અને રેડિયો 'પ્રેઝન્ટર' તરીકે જાણીતા બનેલ છે.
તાજેતરમાં પ્રકાશીત થયેલ 'ધ કોસ્મીક ટુરીસ્ટ' એ રસીકોને સ્પેસ ક્રાફ્ટમાં બેસાડયા સિવાય બ્રહ્માંડની સફરે લઈ જાય છે. આ કોસ્મીક ટુરનાં અન્ય સાથીઓ પણ તમારી સાથે છે જેનાં નામ છે પેટ્રીક, મુર, બ્રાયન પે અને ક્રિસ લિનટોટ. બ્રહ્માંડના ટુરિસ્ટ લીસ્ટમાં ૧૦૦ જેટલાં એમેઝીંગ હોટ સ્પોટ કમ સાઈટ છે. ઉલ્કાપીંડથી લઈને કોસ્મીક ડફ્ટ, પૃથ્વીની પ્રદક્ષીણા પુરી કર્યા બાદ દુર આવેલી આકાશ ગંગાઓની સફર, આ બધુ માત્ર પૃથ્વી પર બેસીને 'ધ કોસ્મીક ટુરિસ્ટ' વાંચીને સ્પેસ ટુર કરી શકાય છે. લેખકો દરેક સ્થળને ઝીણવટથી સમજાવે છે.
ધ કોસ્મીક ટુરીસ્ટનાં અન્ય લેખક ડો. લિનટોટે ગયા અઠવાડીયે જ નવા ગ્રહ PH1ની શોધ થયાની જાહેરાત કરી હતી. જે સુર્યથી ૫૦૦૦ પ્રકાશ વર્ષ દુર આવેલો છે. તેનું કદ પૃથ્વી કરતાં છ ગણું વધારે છે. આ ગ્રહનાં આકાશમાંથી ચાર સુર્ય (તારાં) દેખાય છે. બે તારાંઓની આજુબાજુ આ ગ્રહ ફરે છે. જ્યારે બે તારાંઓ આ ગ્રહમંડળની ગોળ ફરતાં રહે છે. આ શોધ આર્મચેર એસ્ટ્રોનોમર દ્વારા થઈ છે. ડો. લીનટો 'પ્લેનેટ હંન્ટર્સ' નામની વેબસાઈટ ચલાવે છે. જેનો ડેટા વાપરીને વિવિધ શોખની ખગોળશાસ્ત્રીઓ અવનવી શોધ કરે છે.
ગયા વર્ષે બીબીસીની 'સ્ટાર ગેઝીંગ લાઈવ' પ્રોગ્રામ જોનારા બે દર્શકો ક્રિસ હોલ્મસ અને લી થ્રેઆપ્લેટને ૩૦૦૦ વર્ષ દૂર આવેલ ગ્રહ શોધી કાઢ્યો હતો. તેમણે પણ 'પ્લેનેટ હન્ટર્સ' વેબસાઈટનો ડેટા વાપર્યો હતો. રોયલ ફેમીલીનાં ખગોળશાસ્ત્રી લોર્ડ રીસ જણાવે છે કે ''૨૦૨૫ સુધીમાં એસ્ટ્રોફીજીસ્ટ સોલાર સીસ્ટમની બહાર આવેલાં ગ્રહોની તસ્વીરોનો અભ્યાસ કરી શકશે. આ તસ્વીરો ઉપરથી ત્યાં કોઈપણ પ્રકારની સજીવ સૃષ્ટિ છે કે નહી તેનો અંદાજ લગાવી શકશે.'' ખગોળશાસ્ત્રમાં લોકોનો રસ વધતો જાય છે. શોખીનો માટે એસ્ટ્રોનોમીને એક શોખ તરીકે વિકસાવવાનુ ંકામ સર પેટ્રીક મુરે કરેલ છે. સર પેટ્રીક મુરની જીંદગી પણ ઝંઝાવાતી રહી છે. શોખીન એમેચ્યોર એસ્ટ્રોનોમર્સ માટે પેટ્રીક મુર એક જીવંત દંતકથા સમાન છે.
પ્રથમ વિશ્વયુધ્ધ દરમ્યાન પેટ્રીકનાં માતા-પિતા એકબીજાનાં સંપર્કમાં આવ્યા હતાં અને લગ્ન કર્યા હતાં. તે સમયે ભણતર એટલું મોઘું હતું કે તેમનાં માતા-પિતાને લાગ્યું કે તેઓ એક કરતાં વધારે બાળકને સારી રીતે ઉછેરીને શિક્ષણ આપી શકશે નહી એટલે તેમણે માત્ર એક પુત્ર પેટ્રીકથી સંતોષ માણી લીધો. તેનાં પિતા લશ્કરમાં હતાં. તેઓ ઈચ્છતા હતાં કે તેમનો પુત્ર પહેલવાની શરીર ધરાવતો 'એથ્લેટ' બને. કુદરતને કંઈક બીજુ જ નિર્માણ કરવાનું હતું.
પાંચ વર્ષની ઉંમરે પેટ્રીકને હૃદયને લગતી તકલીફ ડોક્ટરોનાં ધ્યાનમાં આવી. જેણે તેનાં ફેમીલીનો પેટ્રીક માટેનો એજ્યુકેશનલ પ્લાન ઉંધો વાળી નાખ્યો. તેનાં માબાપે નક્કી કર્યું હતું કે પહેલાં તે પ્રી-સ્કુલ કરશે. ત્યાર બાદ એટન કોલેજમાં જશે. (આ કોલેજમાં ભણેલ વિદ્યાર્થી જ્હોન ગર્ડોનને ૨૦૧૨નું મેડીસીન ક્ષેત્રનું નોબેલ પ્રાઈઝ મળ્યું છે. યોગાનુયોગ સર પેટ્રીક મુર અને જ્હોન ગર્ડોનની ઉંમર પણ સરખી છે. જો પેટ્રીક એટન કોલેજમાં ગયા હોત તો બંને ક્લાસમેટ હોત!) એટન કોલેજ બાદ સર પેટ્રીક કેમ્બ્રીજમાં અભ્યાસ કરે તેવું નક્કી થયું હતું. પેટ્રીકનાં કમનસીબે તેને શાળામાં જવાનો મોકો જ ન મળ્યો. ઘરે બેઠા પ્રાઈવેટ ટયુટર દ્વારા તેને ભણીને સંતોષ માનવો પડયો. કોઈ કોલેજની વિધીવત્ ડીગ્રી કે શિક્ષણ તેમણે ન લીધુ હોવા છતાં એસ્ટ્રોનોમીમાં તેમણે નામના મેળવી છે. ડીગ્રી વડે જ આગળ વધી શકાય તેવું માનનારાં માટે સર પેટ્રીક મુર, આવા લોકોનાં 'ઈગો' પર ઉંધા હાથની ઝાપટ સમાન છે. છ વર્ષની ઉંમરથી તેમને ખગોળશાસ્ત્રનો શોખ લાગ્યો હતો. ચૌદ વર્ષની ઉંમરે તેઓ પુર્વ ગ્રીનસ્ટીક ખાતે આવેલ ખગોળશાળા ચલાવવા માંડી હતી. તેનાં સંચાલક રોડ અકસ્માતમાં મૃત્યુ પામતાં, આ કામ પેટ્રીકને મળ્યું હતું.
બીજા વિશ્વયુધ્ધમાં ૧૬ વર્ષની ઉંમરે તેમણે રોયલ એરફોર્સમાં જોડાયા હતાં. ૧૯૪૦-૪૫માં તેમણે યુધ્ધમાં ભાગ લીધો હતો. કેનેડામાં તેમની ફ્લાઈંગ ટ્રેઈનીંગ ચાલતી હતી. રજાનાં દિવસોમાં ન્યુયોર્કમાં જઈ તેઓ આલ્બર્ટ આઈનસ્ટાઈન અને ઓરવીલ રાઈટ (વિમાન શોધક બેલડીમાંનો એક ભાઈ)ને મળ્યા હતાં. બીજા વિશ્વયુધ્ધે સર પેટ્રીકને જીંદગીભરનાં જખ્મ આપી દીધાં. તેઓ જીંદગીભર જર્મનોને ધિક્કારતા રહ્યાં. લોરેના નામની નર્સ સાથે પેટ્રીક પ્રેમમાં પડયા હતા. પેટ્રીક માટે લોરેના સર્વસ્વ હતી. જર્મનોનો બોમ્બ લોરેનાની એમ્બ્યુલન્સ ઉપર ઝીંકાયો અને લોરેના મૃત્યુ પામી. એક લવસ્ટોરીનો કરૃણ અંજામ આવ્યો.
૨૦૦૩માં તેમની આત્મકથા ''૮૦ નોટ આઉટ'' બહાર પડી હતી. તેમાં પેટ્રીક નોંધે છે એવા 'રેર' પ્રસંગો મારી જીંદગીમાં ખુબજ ઓછા આવ્યા હશે જ્યારે, ચોવીસ કલાકમાંથી અડધા કલાક માટે પણ મેં તેના વિશે વિચાર્યું નહી હોય જ્યારે એમ્બ્યુલન્સ ઉપર બોમ્બ ઝીંકાયો ત્યારે આ પ્રેમી પંખીડાની ઉંમર માત્ર ૨૦ વર્ષની હતી. પેટ્રીક મુર આ ઘટનાથી આઘાત પામી ગયા. તેમને લાગ્યું કે લોરેનાનું સ્થાન કોઈ લઈ શકે નહીં. ''સેકન્ડ બેસ્ટ ઈઝ નો ગુડ ફોર મી''. પેટ્રીક નોંધે છે બીજી પસંદગી મારા માટે સારી સાબીત થાત નહીં.'' બસ, આ એક જ કારણ હતું કે 'લોરેના'નાં કારણે પેટ્રીક મુર આજીવન કુંવારા રહ્યાં છે. લોરેનાને મોતનાં મુખમાં ધકેલનારાં જર્મન પ્રત્યે તેમનો તિરસ્કાર જાણીતો છે.
કહેવાય છે કે એક જર્મન જનરલે પેટ્રીકને કહ્યું હતું કે ''તમે બે યુધ્ધો જીત્યાં છો. પરંતુ ત્રીજું યુધ્ધ તમે જીતી શકશો નહીં.'' ત્રીજા યુધ્ધ તરીકે જર્મન જનરલનો સંકેત 'આર્થીક યુધ્ધ' તરફ હતો. જેમાં જનરલની ભવિષ્યવાણી ખોટી પડી હતી. પેટ્રીક મુર ૧૬ વર્ષની ઉંમરે બે વર્ષ મોટી ઉંમર બતાવીને એરફોર્સમાં જોડાયા હતાં. કહેવાય છે કે બ્રિટીશ ઈન્ટેલીજન્સ માટે તેમણે જાસુસીનું કામ પણ કર્યું હતું. ૧૭ વર્ષની ઉંમરે તેઓ ઓફીસર બની ગયા હતા. યુધ્ધ દરમ્યાન તેમની કરોડરજ્જુને નુકસાન પહોંચ્યું હતું. એરફોર્સ છોડતાં તેમણે ગુ્રપ કેપ્ટનને વચન આપ્યું હતું કે તેઓ 'યુધ્ધનાં રેકોર્ડ'ની વાત કોઈને કરશે નહીં. યુધ્ધનો તેમનો ઈતિહાસ એક સિક્રેટ બની ગયું છે. બીજા વિશ્વયુધ્ધે સર પેટ્રીક મુરની જીંદગી બદલી નાખી હતી. જર્મનો તેમનાં જાતી દુશ્મન બની ગયા હતાં.
આત્મકથામાં તેઓ નોંધે છે કે ''જર્મનોએ આપણને જીતી લેવાનો પ્રયત્ન કર્યો. ફ્રેન્ચ લોકોએ દગાબાજી કરી, અને ઈટાલીઅનોએ આપણો આઈસ્ક્રીમ બનાવી નાખ્યો. 'ધ ઈંગ્લીશ આર બેસ્ટ. સ્ટેન્ડ અપ ફોર ઈંગ્લેન્ડ' તેઓ કહેતાં કે 'ધ ઓન્લી ગુડ ક્રાઉડ ઈઝ ડેડ ફાઉટ.' સારામાં સારો ક્રાઉટ એ છે કે જે મૃત્યુ પામ્યો છે. (જીવતો કાઉટ ક્યારેય સારો ન હોઈ શકે.) ક્રાઉટ એટલે કે જર્મન મુળ ધરાવતો વ્યક્તિ એટલે કે જર્મન. યુધ્ધમાં પોતાની પ્રેમીકા ખોઈ બેસનાર માનવી, આજે વિશ્વનાં યુવાનોને 'કોસ્મીક ટુરિસ્ટ' બનાવી રહ્યાં છે. ૨૯ વર્ષની ઉંમરે પ્રથમ પુસ્તક 'ગાઈડ ટુ ધ મુન' લખનાર, નેવ્યાસી વર્ષની ઉંમરે 'ધ કોસ્મીક ટુરીસ્ટ' લખે છે. કદાચ જીવંત દંતકથાઓનો જન્મ પણ આ રીતે જ થતો હશે.

No comments: