Sunday 9 December 2012

હિગ્સ બોસોન-કણકણમાં ''ગોડ''નું સુક્ષ્મ દર્શન

ફ્‌યુચર સાયન્સ - કે.આર ચૌધરી


- હિગ્સ બોસોનને શોધવા આંતરરાષ્ટ્રીય ભાગીદારીમાં અબજો રૃપિયાનું આંધણ થયું છે. સરળ ભાષામાં કહીએ તો, સાયકલની શોધ માટે, આખા ભારતનું રેલવે બજેટ વાપરીએ તેટલો ખર્ચ થયો છે. પરંતુ આ ખર્ચ ઉગી નિકળે તેવો છે.

 

હિગ્સ બોસોનઃ તાજેતરમાં સમાચારોમાં છવાયેલો રહ્યો છે. સામાન્ય માણસ પણ વૈજ્ઞાાનિકોએ કંઈક નવું શોધી કાઢ્યું છે. એમ જાણતો થઈ ગયો છે. સમાચારો લખે છે કે વૈજ્ઞાાનિકોએ પ્રયોગશાળામાં ઈશ્વરીય તત્ત્વ શોધી કાઢ્યું છે. મીડીયા તેને ઈશ્વરીય કણ કે ઈશ્વરીય તત્ત્વ ગણે છે. કારણકે અંગ્રેજી છાપાઓમાં હિગ્સ બોસોનને 'ગોડ પાર્ટીકલ' તરીકે ઓળખવામાં આવે છે. કેટલાંક લોકો તેને સરળ ભાષામાં બ્રહ્માંડ સર્જન સમયનું તત્ત્વ ગણે છે. વિજ્ઞાાનમાં તત્ત્વ, અણુ, પરમાણુ, ઉપ-પરમાણુ કણ વગેરેની વ્યાખ્યાઓ અલગ અલગ છે. છતાં એક વાતનો આનંદ છે કે સામાન્ય માણસને ફરીવાર સાયન્સ સાથે જોડવાનું કામ થયું છે. અનેક યુવા વિદ્યાર્થીઓને ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ અને શોધ કરવાની પ્રેરણા આપી છે. સમાજમાં વૈજ્ઞાાનિકોનું સ્થાન મુઠ્ઠી ઉચેરું સાબિત કર્યું છે. ભારતિય લોકો પણ હરખાયા છે કે નવા શોધાયેલા કણ પાછળ સત્યેન્દ્રનાથ બોઝનું નામ જોડાયેલું છે. તથા કણનું નામ હિગ્સ હોય તો, અટક બોસોન છે. આ બોસોન વર્ગ ખાસ પ્રકારનાં કણો માટે વપરાય છે અને એક સમુદાય દર્શાવે છે. આલ્બર્ટ આઈનસ્ટાઈન અને સત્યેન્દ્રનાથ બોસ દ્વારા પ્રતિપાદીત કરેલો બોસ-આઈનસ્ટાઈન સ્ટેટીક્સનાં નિયમોને જે ઉપ-પરમાણુ કણ (સબએટમીક પાર્ટીકલ) અનુસરે છે તેને બોસોન કહે છે. આ ''બોસોન'' શબ્દ પોલ ડિરાક નામનાં મહાન વૈજ્ઞાાનિકે આપ્યો છે. ભૌતિકશાસ્ત્રનાં સ્ટાન્ડર્ડ મોડેલમાં y,g,z અને w નામનાં ચાર કણો પહેલાં શોધાઈ ચુક્યાં છે. એક બોસોન ખુટતો હતો તે હિગ્સ બોસોન હતો. વૈજ્ઞાાનિકોએ તાજેતરમાં જ એની શોધ કરી છે ને જાહેરાત પણ કરી છે. ભૌતિકશાસ્ત્રનાં સ્ટાન્ડર્ડ મોડેલમાં હજી એક કણને સમાવાયો નથી જેને ગ્રેવીટોન કહે છે. ગુરૃત્વાકર્ષણ બળ સાથે તેને સંકળાએલો માનવામાં આવે છે. કદાચ ભવિષ્યમાં તેની શોધ થાય તો તેનો સમાવેશ પણ આ બોસોન વર્ગમાં જ થશે. વિસમી સદીનાં વૈજ્ઞાાનિકો માનતા હતાં કે ''ભૌતિકશાસ્ત્ર એટલે કે ફીઝીક્સની સીમારેખાઓ આવી ચુકી છે. બધી જ મહત્ત્વપૂર્ણ શોધો થઈ ચુકી છે. હવે નવું શોધવાનું કાંઈ જ બાકી નથી.'' નવાં બંધાયેલા કણ પ્રવેશકોએ આ સીમારેખાઓ તોડી નાખી અને અસંખ્ય નવા કણો શોધી આપ્યા છે જેને વૈજ્ઞાાનિકો એલીમેન્ટરી પાર્ટીકલ એટલે કે પ્રારંભિક કણો કહે છે. એલીમેન્ટરી પાર્ટીકલનું સબ-સ્ટ્રકચર એટલે ઉપબંધારણ શેનું બનેલું છે તે વૈજ્ઞાાનિકો જાણતા નથી. આજે એકવિસમી સદીમાં પણ ભૌતિકશાસ્ત્રની સીમારેખાઓ આવી નથી. હજી ઘણી બધી શોધો બાકી છે. કેટલીક થિયરીઓ હજી પ્રારંભિક અવસ્થામાં છે જે ભવિષ્યમાં સાચી સાબીત થાય તો, ભૌતિકશાસ્ત્રમાં નવા ચેપ્ટર ઉમેરવા પડે તેમ છે. સ્ટાન્ટર્ડ મોડેલ સીવાયની અન્ય થિયરીઓની સાબીતી હજી મેળવવાની બાકી છે. ગ્રાન્ડ યુનીફાઈડ થિયરી સ્ટાન્ડર્ડ મોડેલને ઈલેક્ટ્રોનિક અને સ્ટ્રોગ ઈન્ટરેકશન વડે બાંધે છે. જેમાં ટ અને અ નામનાં અન્ય બોસોનની પરીકલ્પના રજુ થઈ છે. જે શોધવાનાં બાકી છે. જેનાં કારણે 'પ્રોટોન ડિકેપ' જેવી ભૌતિક ઘટનાઓ જોવા મળે છે.
સ્ટ્રોંગ થિયરીમાં એવું માનવામાં આવે છે કે બધા જ કણ જે તત્ત્વનું ઘડતર કરે છે તે એક પ્રકારની 'સ્ટ્રીંગ'નાં બનેલાં છે. આ થિયરી મુજબ બ્રહ્માંડ ૧૧ પરિમાણ ડાયમેન્શનનું બનેલું છે. સ્ટ્રીંગ થિયરીમાં પરીમાણ એટલે 'બ્રાન' કહે છે. આપણું હાલનું વિશ્વ ૪ બ્રાનનું છે. જેમાં ત્રણ પરીમાણ લંબાઈ, પહોળાઈ અને ઉંડાઈ કે ઉંચાઈને આપણે અનુભવીએ છીએ. ચોથુ પરીમાણ 'ટાઈમ' છે. બાકીનાં છ થિયોરેટીઝલ ડાયમેન્શન કાં તો અતીશય સુક્ષ્મ છે અથવા અતિશય સુક્ષ્મ અને ગુચળા જેવાં છે જેની કોઈ સીધી અસર 'બ્રહ્માંડ' ઉપર જોઈ શકાતી નથી. સ્ટ્રીગ થિયરી 'ગ્રેવીટોન' જેવા કણનાં અસ્તિત્વની વાત કરે છે જે હજી સુધી શોધાયા નથી. આ સિવાય ટેકનીકલ, પ્રેઓન થિયરી, એસેલેરોન થિયરી જેવી અન્ય થિયરી પણ છે જે અત્યારે એક પ્રકારની પુર્વ-ધારણા છે જે કદાચ ભવિષ્યમાં સાચી પણ સાબીત થાય. કહેવાનો મતલબ એ છે કે આજે એકવિસમી સદીમાં પણ ભૌતિકશાસ્ત્રનું 'બોટમ' કે બાઉન્ડરીને હજી આપણે સ્પર્શી ચુક્યાં છે. ભૌતિકશાસ્ત્રનો હાલનો મુકામ એટલે કે નવો માઈલ સ્ટોન 'હિગ્સ બોસોન' છે. ભૌતિકશાસ્ત્રમાં હિગ્સ બોસોનની થયેલ શોધને વૈજ્ઞાાનિકો માનવીએ ચંદ્ર ઉપર પગ મુક્યો તે સિદ્ધી સાથે સરખાવે છે. વાસ્તવમાં ફીઝીકસની દુનિયા માટે આ એક જાયન્ટ લીપ જેવી 'યુરેકા' મોમેન્ટ છે. સ્ટીફન હોકીંગ તો કહે છે કે હિગ્સ બોસોનની આગાહી કરનાર બ્રિટીશ વૈજ્ઞાાનિક પીટર હિગ્સને આ શોધ બદલ નોબેલ પ્રાઈઝ મળવું જોઈએ. નોબેલ ફાઉન્ડેશન અને સ્વીડીશ એકેડમી સુધી આ વાતનું મહત્ત્વ સમજાવું જોઈએ.
મીડીયા માટે પિટર હિગ્સ રાતોરાત હિરો બની ગયાં છે. સત્તાવાર રીતે યુરોપીઅન સંસ્થા 'સર્ન' દ્વારા 'હિગ્સ બોસોન'ની શોધની જાહેરાત થઈ ત્યારે પિટર હિગ્સની આંખોમાં ઝળઝળીયા આવી ગયા હતાં. તેઓ માનતા હતા કે તેમનાં જીવનકાળ દરમ્યાન તેમણે આગાહી કરેલ કણ 'હિગ્સ બોસોન'ની શોધ થવી સંભવ વાત નથી. છેવટે વૈજ્ઞાાનિકોએ અસંભવને સંભવ બનાવી દીધું છે. ''હિગ્સ બોસોનની શોધ''નાં પ્રારંભિક ઉદ્દેશ્ય સાથે જ્યારે ''લાર્જ હેડ્રોન કોલાપડર'' કાર્યરત બન્યું હતું ત્યારે અણસમજુ ટીવી મીડીયાએ હોબાળો મચાવ્યો હતો. પૃથ્વી વિનાશ કરી શકે તેવું સંયત્ર શરૃ થયું છે. જીનીવાની પ્રયોગશાળામાં મીની બ્લેક હોલ રચાશે. વૈજ્ઞાાનિકોનો બિગબેંગ રચવાના પ્રયોગનાં કારણે પૃથ્વીનો નાશ થશે. આવી અસંખ્ય વાહિયાત વાતોનો મારો તેમણે ચલાવ્યો હતો. આ મીડીયા હવે લાર્જ હેડ્રોન કોલાપડરનાં વૈજ્ઞાાનિકોનાં વખાણ કરતાં થાકતાં નથી. હવે એક વાત સાબીત જરૃર થઈ છે કે બિગબેંગ એક્સપરીમેન્ટનાં કારણે પૃથ્વીનો વિનાશ નથી થયો પરંતુ, વિશ્વને એક નવા કણ હિગ્સ બોસોનની ભેટ મળી છે. વૈજ્ઞાાનિકોએ સુક્ષ્મ કણમાં ઈશ્વરનું વિરાટ દર્શન કરાવ્યું છે.
ઈશ્વરે બ્રહ્માંડનું સર્જન કર્યું હોય તો, બ્રહ્માંડ સર્જન સમયની સાયન્ટીફીક ઘટના ''બિંગબેંગ'' મહાવિસ્ફોટમાં તેની સીગ્નેચર હોવી જોઈએ. અંદાજે ૧૩.૭૦ અબજ વર્ષ પહેલાં બ્રહ્માંડનું સર્જન ''બિગબેંગ'' ઘટના વડે થયું હોવાનું વૈજ્ઞાાનિકો સ્વીકારે છે. આ વિસ્ફોટમાં જે કણો દસેય દીશામાં વિખેરાયા તે હિગ્સ બોસોન હોવા જોઈએ. આ કણોનું અસ્તિત્વ સેકન્ડનાં દસ લાખમાં ભાગ પૂરતું જ રહ્યું હોવું જોઈએ. મહાવિસ્ફોટ સમયે કોઈ જ કણો પાસે પોતાનું દ્રવ્યમાન ન હતું. એક અંદાજ પ્રમાણે વિસ્ફોટનાં સમય એટલે કે વિસ્ફોટ પછીની સેકન્ડનાં એક પરાર્ધ (૧ની પાછળ ૧૨ મીડા લાગે તેટલી સંખ્યા) પછી ''હિગ્સ ફેલ્ડ'' તરીકે ઓળખાતું ''ફિલ્ડ''/ક્ષેત્ર અસ્તિત્વમાં આવ્યું હતું. આ ફોટા સાથે હિગ્સ કણોની આંતરપ્રક્રીયા થતા દરેક કણોને અલગ અલગ દ્રવ્યમાન/માસ મળ્યો હતો. હિગ્સ બોસોન સંગઠીત થતાં કવાર્ક અને લેપ્ટોનમાં ફેરવાયા અને છેવટે લાંબો સમય ટકી શકે તેવાં પરમાણુની રચના કરનારા પ્રોટોન, ન્યુટ્રોન અને ઈલેક્ટ્રોન સર્જન પામ્યા છે. બિંગબેંગની શરૃઆતથી સેકન્ડનાં ૧૦ -૪૩ ભાગ સુધી ખરેખર શું બન્યું હતું તેનો ઈતિહાસ કે ચિતાર વૈજ્ઞાાનિકો પાસે નથી. એક મત મુજબ આ સમયગાળામાં વરતાતાં ચાર ભૌતિક બળ, ગુરૃત્વાકર્ષણ, વિજચુંબકીય બળ, સ્ટ્રોગ ફોર્સ અને વિક ફોર્સ એકત્રીત સુપરફોર્સ તરીકે હતાં. ત્યાર બાદ આ બળો સ્વતંત્ર રીતે અસ્તિત્વમાં આવ્યા હતાં. ભૌતિકશાસ્ત્રને સમજવા વૈજ્ઞાાનિકો આધુનિક 'સ્ટાન્ટર્ડ મોડેલ'નો ઉપયોગ કરે છે. જેનો આધાર 'હિગ્સ ફિલ્ડ' ઉપર છે.
કણ ભૌતિકીને સમજવા માટે ૧૯૬૪માં બ્રિટનનાં એડિનબર્ગ યુનિવર્સિટીનાં પ્રો. પિટર હિગ્સ દ્વારા ત્રણ ગ્રાઉન્ડ બ્રેકીંગ પેપર પ્રકાશીત કરવામાં આવ્યા હતાં. આ સંશોધન ક્ષેત્રે અન્ય વૈજ્ઞાાનિકો રોબર્ટ બ્રોઉટ, ફ્રાન્કોઈસ એગ્લર્ટ, ટોમ કિમ્બલ, સી.આર. હેગેન, અને જેરાલ્ડ ગુરાલનીકનો અમુલ્ય ફાળો હતો. જે હાલ ''હિગ્સ મિકેનિશમ'' તરીકે ઓળખાતી ઘટનાની સમજ આપતાં હતાં. આ હિગ્સ મિકેનિઝમ છેવટે હિગ્સ ફિલ્ડ અને બોસોન સાથે જોડાયેલું હતું. પિટર હિગ્સે હિગ્સ ફિલ્ડની આંતરપ્રક્રિયા દ્વારા પેદા થતાં કણ હિગ્સ બોસોનની આગાહી કરી હતી. આ આગાહીને લગભગ ૫૦ વર્ષ જેટલો સમય થયો ગણાય. જેમ વિજચુંબકીય ક્ષેત્રમાં પેદા થતાં વમણ/આંતરપ્રક્રિયાનાં કારણે ''ફોટાન'' નામનો પ્રકાશનો કણ પેદા થાય છે તેજ રીતે હિગ્સ ફિલ્ડમાં માસ લેસ કણની આંતર પ્રક્રિયા દ્વારા ''હિગ્સ બોસોન'' પેદા થાય છે. જેને દ્રવ્યમાન હોય છે. બ્રહ્માંડમાં રહેલ પરમાણુઓથી માંડી મોટી આકાશ ગંગાઓમાં રહેલ દ્રશ્યમાન પદાર્થ એટલે કે મેટર અને અદ્રશ્ય પદાર્થ ડાર્ક મેટર આ બધાને દ્રવ્યમાન આપવાનું એટલે કે 'માસ' આપવાનું કામ 'હિગ્સ બોસોન' કરે છે. આજની ક્ષણે હિગ્સ બોસોનનો ઉપયોગ શું ? તેની આગાહી કરનાર પિટર હિગ્સ કહે છે કે ''પ્રકૃતિમાં હિગ્સ બોસોનનું નિર્માણ શા માટે થયું છે તે હું જાણતો નથી.'' જો તેનાં અસ્તિત્વનું કારણ ન જાણી શકાતું હોય તો ઉપયોગ વિશે દુવિધા રહે એ સાચી વાત છે. પરંતુ જેમ ઈલેકટ્રોનની શોધ બાદ તેનાં ઉપયોગો શોધી કાઢવામાં આવ્યા હતાં તેમ, હિગ્સ બોસોનની બાબતે પણ બને તેમ છે. આજનાં તબક્કે હિગ્સ બોસોન કણ-ભૌતિકી અને કણો વચ્ચે થતી આંતરપ્રક્રીયા સમજવામાં મદદરૃપ બનશે. હિગ્સ બોસોનને શોધવાની કવાયત છેલ્લાં ત્રીસ વર્ષથી ચાલું જ હતી. અમેરીકામાં ફરમી લેબોરેટરી, જર્મનીની ડેઈઝી, યુરોપની સર્ન અને જાપાનીઝ KEK દ્વારાં આ પ્રયત્નો થતાં હતાં. છેવટે યુરોપની CERN નાં CMS પાર્ટીકલ એસેલરેટર દ્વારા હિગ્સ બોસોનની શોધ થઈ ચુકી છે.
બ્રહ્માંડનાં અવનવા ભેદને ઉકેલી એક સરળ પદ્ધતિમાં ગોઠવવામાં ભૌતિકશાસ્ત્રીઓ છેલ્લી વિસમી સદીથી તલપાપડ બનેલાં હતાં. વિસમી સદીનાં અંત ભાગમાં જે.જે. થોમસને ઈલેકટ્રોનની શોધ કરી હતી. અહીંથી પરમાણુથી માંડી બ્રહ્માંડ સર્જન સુધીનો ભૌતિકશાસ્ત્રનો વ્યાપ સમજવાની કોશીશ શરૃ થઈ. થોડા દાયકા બાદ પ્રોટોન અને ન્યુટ્રોનનો વારો આવ્યો. પ્રોટોનને સૌપ્રથમ વાર નિહાળનાર વ્યક્તિ જર્મન વૈજ્ઞાાનિક વિલ્હેમવેઈન હતાં અને તેની સાચી ઓળખ બ્રિટનનાં જે.જે. થોમસને પ્રસ્થાપિત કરી. ૧૯૩૨માં બ્રિટીશ ભૌતિકશાસ્ત્રી જેમ્સ ચેડવિકે ન્યુટ્રોનની શોધ કરી. ન્યુટ્રોન, પ્રોટોન અને ઈલેક્ટ્રોનનું ઝુમખુ બ્રહ્માંડનાં ૧૧૮ વિવિધ તત્ત્વોનાં પરમાણુઓની રચના કરે છે. પરમાણુથી નીચેના લેવલે સબ-એટમીક પાર્ટીકલને વધારે સુક્ષ્મતાથી સમજવાનું ભગીરથ કાર્ય અર્નેસ્ટરઓ લોરેન્સ દ્વારા શરૃ થયું. ૧૯૩૭માં બે અલગ વૈજ્ઞાાનિક જુથ દ્વારા 'મ્યુયોન' નામનાં પ્રાથમિક કણ શોધવામાં આવ્યા હતાં. આ વૈજ્ઞાાનિકો હતાં કાર્લ એડારસન, જેબેઝ સ્ટ્રીટ, એડવર્ડ સ્ટીવનસન, વગેરે. ત્યારબાદ ઘણા એલીમેનરી પાર્ટીકલ વૈજ્ઞાાનિકોની ટીમે શોધી કાઢ્યા હતા. પરમાણુનાં નાભી કેન્દ્રને પાર્ટીકલ એસેલરેટરમાં તોડવાનું કામ બ્રિટીશ વૈજ્ઞાાનિક જ્હોન ક્રોફોર્ડ અને આયરલેન્ડનાં અર્નેસ્ટ વોલ્ટને કર્યું હતું. ન્યુટ્રોન, પ્રોટોન અને ઈલેક્ટ્રોનનું બંધારણ ઘડનારા આદી કણો/એલીમેન્ટરી પાર્ટીકલને ફરીવાર ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યા. આ વિભાજન હતું. લેપ્ટોન, કવાર્ક અને બોસોન.
આ પ્રારંભિક કણોનાં કારણે પ્રોટોન, ન્યુટ્રોન અને ઈલેકટ્રોનની વર્તણુક સમજવાનું સરળ બન્યું હતું. છતાં સ્ટાર્ન્ડ મોડેલમાં એક ખાનું 'હિગ્સ બોસોન' નામે ખાલી હતું જે નવીન આધુનિક શોધથી ભરાઈ ગયું છે. હિગ્સ બોસોને જીગ-સો પઝલ જેવાં ભૌતિકશાસ્ત્રનાં મોડેલનાં ચિત્રમાં ખુટતો 'પીસ' ઉમેરી આપ્યો છે. આધુનિક સંશોધન મુજબ... હિગ્સ બોસોનનો આવિષ્કાર બ્રહ્માંડનાં અનેક ભેદ ઉકેલવાની ચાવી સાબીત થાય તેમ છે. બ્રહ્માંડનું મુખ્ય રહસ્ય, ડાર્કમેટર ઉપર પ્રકાશ પડે તેમ છે. પ્રકાશની ઝડપે ''માસલેસ'' કણોનાં બનેલ પદાર્થથી ટાઈમ ટ્રાવેલ શક્ય બને તેમ છે. મહત્વની બાબત એ છે કે આજનું બ્રહ્માંડ જે સ્વરૃપે છે તે સ્વરૃપે શા માટે છે એ રહસ્યોદઘાટન 'હિગ્સ બોસોન' કરી શકે તેમ છે. બિંગબેંગની શરૃઆતથી સેંકન્ડનાં દસ લાખમાં ભાગ સુધીમાં શું બન્યું હશે તેનો ચિતાર વૈજ્ઞાાનિકો મેળવી શકશે. હિગ્સ પાર્ટીકલ, સામાન્ય પદાર્થ-મેટર, તેનાં રચનાર કણો, અને ડાર્ક મેટરને સમજવા માટે સેતુ બને તેમ છે. છેલ્લાં બે વર્ષથી લાર્જ હેડ્રોન કોલાપડર લગભગ બંધ જેવી હાલતમાં હતું. ગયા ડિસેમ્બર મહીનામાં તેને શરૃ કરવામાં આવ્યું હતું અને તેનાં પાર્ટીકલ એસેલરેરમાં ૧૪ ટ્રીલીયન ઈલેક્ટ્રોન વોલ્ટની ઊર્જા લેવલે કણોને અથડાવવાનું શક્ય બન્યું હતું.
વૈજ્ઞાાનિકોએ હાલનાં તબક્કે હિગ્સ બોસોનની જે ઓળખ પ્રસ્થાપિત કરી છે તે મુજબ... હિગ્સ બોસોન કોઈપણ પ્રકારની સ્પીન (ધરી ભ્રમણ) વિદ્યુત ભાર (ચાર્જ) કે કલર ધરાવતો નથી. અન્ય કણો સાથે તે કણ-કણ વચ્ચેનો ''વિક ફોર્સ'' અને યુકાવા ટાઈપનાં ઈન્ટરેકશન વડે ફર્મીઓન અને હિગ્સ ફિલ્ડ વચ્ચે પ્રક્રિયા કરે છે. જેનું દ્રવ્યમાન ૧૨૫ ગીગા ઈલેક્ટ્રોન વોલ્ટ અથવા પ્રોટોન કરતાં ૧૩૩ ગણાં વધારે દ્રવ્યમાન ધરાવે છે. કિલોગ્રામમાં કહીએ તો, એક કીલોને એકડા પાછળ ૨૫ મીંડા મુક્યા પછી જે સુક્ષ્મ ગ્રામમાં વજન આવે તેટલું વજન હિગ્સ બોસોનનું છે. તમારી આંખોથી માંડીને, છાપાનાં પાના સુધી હિગ્સ ફિલ્ડ નામનું ભૌતિકક્ષેત્ર વિસ્તરેલું હોય છે. આ ક્ષેત્રમાં દ્રવ્યમાન રહીત કણ ખલેલ પાડે છે ત્યારે જે આંતરપ્રક્રિયા થાય તે મુજબ કણોને દ્રવ્યમાન મળે છે. હિલ્સ ફિલ્ડ સાથે તે વધારે અસરકારક પ્રક્રિયા થતાં કણોને વધારે દ્રવ્યમાન મળે છે. જો પ્રક્રિયા ન થાય તો દ્રવ્યમાન મળતું નથી અથવા ઓછું મળે છે. પ્રકાસનો કણ આ રીતે 'માસલેસ' છે. જ્યારે ખૂબ જ ઓછી પ્રક્રિયા કરનાર ઈલેક્ટ્રોનનો 'માસ' ખૂબ જ ઓછો છે. સ્ટાન્ડર્ડ મોડેલમાં ખુડતો 'પીસ' હિગ્સ બોસોન પુરો પાડે છે એટલે હવે... વૈજ્ઞાાનિકોને ''સુપર-સીમેટ્રી'' નામની થિયરી ચકાસવાનો મોકો મળશે જેમાં કણ માત્ર મેટર કે એન્ડી મેટર એમ બેની જોડીમાં નહીં પરંતુ ''ચાર''ની જોડીમાં કલ્પવામાં આવેલ છે. સંભવ છે કે કવાર્કની માફક ''હિગ્સ બોસોન''નાં અન્ય જોડીયા કણો પણ હોય.
સામાન્ય માનવીને આધુનિક જમાનાની શોધો જેવી કે ડીએનએનું બંધારણ ઉકેલાયું કે માનવીએ ચંદ્ર ઉપર પગ મુક્યો, તે પછીની ટેકનોલોજી વડે લાભ થયો તેવો દેખીતો લાભ આ શોધથી થાય તેમ નથી, પરંતુ આ શોધે વૈજ્ઞાાનિકોની બ્રહ્માંડ સમજવાનાં જ્ઞાાનની સીમારેખાનો વિસ્તાર કર્યો છે. હિગ્સ બોસોનને શોધવા આંતરરાષ્ટ્રીય ભાગીદારીમાં અબજો રૃપિયાનું આંધણ થયું છે. સરળ ભાષામાં કહીએ તો, સાયકલની શોધ માટે, આખા ભારતનું રેલવે બજેટ વાપરીએ તેટલો ખર્ચ થયો છે. પરંતુ આ ખર્ચ ઉગી નિકળે તેવો છે. આંતરરાષ્ટ્રીય સમુદાય લાર્જ હેડ્રોન કોલાપડર કરતાં પણ વધારે શક્તિશાળી પાર્ટીકલ એસેલરેટર, ''ઈન્ટરનેશનલ બીનીયર કોલાપડર'' (ILC) બાંધવા માટે કટીબદ્ધ બની ચુક્યો છે. જેનું બાંધકામ ૨૦૧૫માં શરૃ થનારૃ છે. આ પાર્ટીકલ એસેલરેટરમાં નવી શોધો થશે. હિગ્સ બોસોન પછીના ભૌતિકશાસ્ત્રનાં નવા ચેપ્ટર અહીંથી લખાશે. 'હિગ્સ બોસોન'ની શોધનાં કારણે LHC અને તેનો ભાગ CMS જગવિખ્યાત બની ચુક્યો છે. નિવૃત્ત થયેલ પ્રો. પિટર હિગ્સ સમાચારોમાં છવાયેલા છે. આશા રાખીએ કે ''હિગ્સ બોસોન'' તેમને ભવિષ્યમાં ''નોબેલ પ્રાઈઝ'' અપાવે.

No comments: