Sunday 9 December 2012

રશિયા દ્વારા હત્યાના કાવતરાનું રહસ્ય

બર્નાડ લોવેલ રેડિયો ટેલિસ્કોપ:  રશિયા દ્વારા હત્યાના કાવતરાનું રહસ્ય ટુંક સમયમાં ખુલશે ?!

ફ્‌યુચર સાયન્સ - કે.આર ચૌધરી


- બ્રિટીશ રેડિયો એસ્ટ્રોનોમીના પાયોનિયરનો ૯૮ વર્ષે બુઝાએલ જીવનદીપ...

- ટેલીસ્કોપનાં પાયામાં બ્રિટીશ સામ્રાજ્ય છે તો, રેડિયો એસ્ટ્રોનોમીનાં પાયામાં સર બર્નાડ લોવેલ રેડિયો ટેલીસ્કોપ છે. રશિયા દ્વારા તેમની હત્યાનાં ષડયંત્રને લગતી વિગતો આગામી સમયમાં કેટલાં વમળો સર્જશે?

 

કેટલીક વ્યક્તિ જીવનકાળ દરમ્યાન મહત્ત્વપૂર્ણ સિદ્ધિ મેળવે છે ત્યારે લોકચર્ચાનો વિષય બની જાય છે. અમુક સમય માટે તેઓ સેલીબ્રીટી બની જાય છે અને પછી, તેમનાં જીવતાં જીવ વૃદ્ધાવસ્થામાં લગભગ ગુમનામ થઈ દંતકથા જેવું જીવન જીવી જતાં હોય છે. આવી એક સફળ અને સિદ્ધિ પ્રાપ્ત વ્યક્તિ એટલે સર બર્નાડ લોવેલ. વિશ્વનાં ત્રીજા ક્રમે આવતાં વિશાળ રેડિયો ટેલીસ્કોપને બર્નાડ લોવેલ ટેલિસ્કોપ નામ આપવામાં આવ્યું છે. બ્રિટીશ રેડિયો એસ્ટ્રોનોમીનાં આ પાયોનિયર સાયન્ટીસ્ટ ''ફાધર ઓફ બ્રિટીશ રેડિયો એસ્ટ્રોનોમી''નું બિરૃદ પામ્યા છે. તાજેતરમાં ૬ ઓગસ્ટ ૨૦૧૨ના રોજ ૯૮ વર્ષની ઉંમરે અવસાન પામ્યા છે. ક્રિકેટનાં શોખીન આ સાયન્ટીસ્ટ, સેન્ચ્યુરી મારવાનું ચુકી ગયા છે. સર બર્નાડ લોવેલે બ્રિટન માટે જે યોગદાન આપ્યું છે તે અનન્ય છે. બીજા વિશ્વયુદ્ધ અને રશિયા-અમેરિકા વચ્ચેનાં 'કોલ્ડવોર'માં તેમનું સાયન્ટીફીક વર્ક ચર્ચાનો વિષય બની ગયું હતું.
ગિલ્બર્ટ લોવેલ અને લોરા લોવેલનું બ્રિટનનાં બ્રિસ્ટલમાં જન્મેલ સંતાન એટલે આલ્ફ્રેડ ચાર્લ્સ બર્નાડ લોવેલ. જે સર બર્નાડ લોવેલ તરીકે સમય જતાં જગવિખ્યાત બની ગયા. ૧૯૩૪માં ભૌતિકશાસ્ત્ર સાથે યુનિ. ઓફ બ્રિસ્ટલમાંથી સાયન્સની ડીગ્રી તેમણે મેળવી લીધી. પાતળી ફિલ્મની વિદ્યુત વાહકતા ઉપર થિસીસ લખીને તેમણે ડૉક્ટરેટની પદવી મેળવી ત્યારે બીજા વિશ્વ યુદ્ધનું વાતાવરણ બંધાઈ રહ્યું હતું. બીજા વિશ્વ યુદ્ધની શરૃઆત પહેલાં તેમણે ટેલિકોમ્યુનિકેશન રિસર્ચ ઈસ્ટાબ્લીશમેન્ટ (TRE) માં સંશોધન કામ શરૃ કર્યું. TRE દ્વારા રોયલ એરફોર્સ (RAF) નાં એરક્રાફ્ટમાં નવો આવિષ્કાર પામેલ રડાર સિસ્ટમ બેસાડવામાં આવતી હતી. અહીં તેમણે વૈજ્ઞાાનિકોની ટીમને નેતૃત્વ આપીને H2S નામની બ્રિટીશ એરબોર્ન રડાર સિસ્ટમ વિકસાવી હતી. બ્રિટનનાં બોમ્બર વિમાનો આ રડાર સિસ્ટમનાં આધારે દુશ્મન લક્ષ્યાંક પર સફળતા પૂર્વક હુમલો કરી શકતા હતાં. તેમનું આ રડાર આકાશનું નહીં પરંતુ, આકાશમાં રહીને ગ્રાઉન્ડનું સ્કેનિંગ કરી શકે તેવી પ્રથમ રડાર સિસ્ટમ હતી. તેમની આ સિસ્ટમ રાત્રે દુશ્મન દેશોનાં હુમલાખોર વિમાનોને ઓળખીને ફુંકી મારવા સમર્થ હતી. દરિયાકાંઠાનાં 'કોસ્ટલ કમાન્ડ એરક્રાફ્ટ' રાત્રીનાં અંધકારમાં દરિયાની સપાટી નીચે ડુબેલ સબમરીનો પણ શોધી કાઢતી હતી. આટલાંન્ટીક સમુદ્રમાં બર્નાડ લોવેલની રડાર સિસ્ટમનાં કારણે બ્રિટને ઓછાં યુદ્ધવાહક જહાજો ગુમાવવાનો વારો આવ્યો હતો.
હિટલરે ખુદ કબૂલ્યું હતું કે દુશ્મન દેશની (બ્રિટનની) એક સિંગલ ટેકનિકલ આવિષ્કારનાં કારણે જર્મન-યુ બોટનાં હુમલાનાં પ્રયાસોને ''ટેમ્પરરી'' બ્રેક વાગી ગઈ હતી. બીજા વિશ્વયુદ્ધમાં સર બર્નાડ લોવેલની સેવાને ધ્યાનમાં લઈને ૧૯૪૬માં સરકારે તેમને ''ઓફિસર ઓફ ધ મોસ્ટ એક્સલન્ટ ઓર્ડર ઓફ બ્રિટીશ એમ્પાયર'' (OBE) નો ખિતાબ આપ્યો. લશ્કર માટે OBE ની સ્થાપના બ્રિટીશ સમ્રાટ જ્યોર્જ પંચમે ૧૯૧૭માં કરી હતી. નાની ઉંમરે બર્નાડ બ્રિટીશ પાર્લામેન્ટ અને પ્રજામાં જાણીતા બની ગયા હતાં. છેવટે બીજુ વિશ્વ યુદ્ધ ખતમ થઈ ગયું અને...
બર્નાડ લોવેલે એક આર્મીનું મોબાઈલ રડાર યુનીટ અને બે ટ્રેલર વધારાનાં રડાર સામાન લઈને માચેસ્ટર પાછા ફર્યા. હવે પાછુ તેમનું ધ્યાન 'વિજ્ઞાાન' તરફ કેન્દ્રીત થયું. વિશ્વયુદ્ધ પહેલાં તેઓએ, પ્રો. લોર્ડ પેટ્રીક બ્લેકેટનાં માર્ગદર્શન હેઠળ ''કોસ્મીક રે'' ઉપર સંશોધન કરવાની શરૃઆત કરી હતી. ૧૯૪૮માં લોર્ડ પેટ્રીક બ્લેકેટને ભૌતિકશાસ્ત્રનું નોબેલ પ્રાઈઝ પણ મળ્યું હતું. બર્નાડ લોવેલ માટે હવે 'કોસ્મીક રે'નાં સંશોધન માટે વિશિષ્ટ રડાર સિસ્ટમ વિકસાવવાની જરૃર લાગી હતી. જોકે તેમણે શરૃઆતમાં યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટરનાં કેમ્પસમાં મિલીટરીની જુનીપુરાણી રડાર સિસ્ટમથી સંશોધન આગળ ધપાવ્યું. થોડા સમયમાં તેમણે અનુભવ્યું કે ''શહેરની ઈલેક્ટ્રીમ ટ્રામનાં કારણે રડાર સિસ્ટમમાં વારંવાર ખલેલ પડતી હતી.'' અહીંથી તેઓ યુનિવર્સીટી ઓફ માન્ચેસ્ટરને 'વનસ્પતિશાસ્ત્ર' માટે આપવામાં આવેલ જમીન એટલે કે દક્ષિણ ભાગમાં આવેલ જોડ્રેલ બેંક પહોંચી ગયા. બે માળીની મદદથી જોડ્રેલ બેંક ખાતે તેમણે મીની રડાર સિસ્ટમ ઉભી કરી.
બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન આર્થર સી કલાર્ક દ્વારા, કોમ્યુનિકેશન ક્ષેત્રે ઉપયોગી બને તેવાં 'સેટેલાઈટ'ને અંતરીક્ષમાં ગોઠવી શકાય તેવી રજુઆત થઈ ચુકી હતી. બર્નાડ લોવેલ આ સમયે અમેરિકા-રશિયા વચ્ચે ચાલતાં 'કોલ્ડવોર' અને 'પરમાણુ હુમલા'નાં સંભવિત ખતરાઓ વિશે જાણતાં હતાં. રશિયા અને અમેરિકા એકબીજાને મ્હાત કરવા અવનવા રોકેટો અને રોકેટોને મિસાઈલોમાં કન્વર્ટ કરી રહ્યાં હતાં. બર્નાડ લોવેલને લાગ્યું કે દુનિયાનો ગમે તે દેશ કૃત્રિમ ઉપગ્રહ છોડે, મિસાઈલ છોડે કે મિસાઈલ સાથે પરમાણુ હુમલો કરે આ બધી પરિસ્થિતિને પહોંચી વળવા આકાશ અને અંતરીક્ષને સતત મોનીટર કરી શકે તેવાં રેડિયો ટેલીસ્કોપની 'બ્રિટન'ને ખાસ જરૃર છે.
૧૯૪૮માં બર્નાડ લોવેલે વિશાળ ટેલીસ્કોપ બાંધવાની અને સાયન્ટીફીક ક્ષેત્રે અગ્રેસર રહેવા બ્રિટીશ સરકારને અનુરોધ કર્યો. તેમણે અંદાજ આપ્યો કે ટેલીસ્કોપ સાઈઠ હજાર પાઉન્ડમાં બાંધી શકાય તેમ છે. ૧૯૫૦માં ટેલીસ્કોપ બાંધવાની શરૃઆત થઈ. ૧૯૫૨માં લાગ્યું કે ટેલીસ્કોપનાં બાંધકામમાં સાડા ત્રણ લાખ પાઉન્ડનો ખર્ચ થાય તેમ છે. છેવટે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્ટીફીક એન્ડ ઈન્ડસ્ટ્રીઅલ રિસર્ચ અને નુફિલ્ડ ફાઉન્ડેશનને ખર્ચો 'શેર' કરવાની જાહેરાત કરી. જોકે આ અંદાજ પણ ખોટો હતો. છેવટે જ્યારે જોડ્રેલ બેન્ક ખાતે ૨૫૦ ફુટ વ્યાસવાળુ વિશાળ રેડિયો ટેલીસ્કોપ બંધાઈ ગયું ત્યારે ખર્ચ છ લાખ સિત્તેર હજાર પાઉન્ડે પહોંચ્યો હતો. પાર્લામેન્ટમાં આ ખર્ચા માટે ઉગ્ર ચર્ચાઓ ચાલી. પબ્લીક એકાઉન્ટ કમિટીએ, પબ્લીક નાણાનાં વ્યય કરવા બદલ 'લોવેલ'ને જેલમાં પુરવાની પણ વાત કરી. પરંતુ ભવિષ્ય કંઈક અકળ કલમે લખાએલું હતું. વિવાદોમાં સપડાએલું ટેલિસ્કોપ બીજી ઓગસ્ટ ૧૯૫૭માં કાર્યરત બન્યું. અને...
બરાબર બે મહીના પછી રશિયાએ દુનિયાનો પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ સ્પુતનીક-૧ અંતરીક્ષમાં તરતો મુક્યો. સ્પુતનીક-૧ દ્વારા બર્નાડ લોવેલ 'લાઈમ લાઈટ'માં આવી ગયા. બર્નાડ લોવેલનું એક માત્ર ૨૫૦ ફૂટ વ્યાસવાળુ પશ્ચિમ ગોળાર્ધમાં આવેલ રેડિયો ટેલિસ્કોપ સેટેલાઈટનું ટ્રેકીંગ કરી શકતું હતું. બર્નાડ લોવેલે જે હેતુ માટે ટેલીસ્કોપ બાંધ્યું હતું એ માત્ર બે મહીનામાં સાકાર થઈ ગયો હતો. અંતરીક્ષમાં વિશ્વમાં કોઈપણ દેશે તરતાં મુકેલ સેટેલાઈટ ઉપર બાજનજર રાખવા માટે લોવેલનું ટેલિસ્કોપ પાવરફુલ પુરવાર થયું. જે લોકો આ ટેલિસ્કોપને સફેદ હાથી અને ખર્ચાળ કહેતાં હતાં તે બધા જ આલોચકોની બોલતી બંધ થઈ ગઈ હતી. ટેલિસ્કોપ માત્ર સેટેલાઈટનું જ પગેરૃ નહોતું રાખતું. જે આંતરખંડિય મિસાઈલ દ્વારા સ્પુટનિક અંતરીક્ષમાં ગયો હતો તે મિસાઈલની ટ્રેજેક્ટરીને પણ ટેલીસ્કોપે નોંધી લીધી હતી.
ખરેખર મજાની વાત હવે બનવાની હતી. અંતરીક્ષમાં ગયા પછી ૨૨ દીવસ બાદ સેટેલાઈટનો પાવર ખતમ થઈ ગયો ત્યારે રશિયા સેટેલાઈટનું ટ્રેકીંગ કરી શકતું ન હતું. સોવિયેત રશિયાએ છેવટે જોડ્રેલ બેંકનાં ટેલિસ્કોપની મદદ માંગી અને ત્રણ મહીના પછી સેટેલાઈટ પૃથ્વી પર પટકાયો ત્યાં સુધી લોવેલનું રેડિયો ટેલિસ્કોપ તેનો પીછો કરતું રહ્યું હતું. આ સમયગાળામાં જ અમેરિકા અને રશિયા વચ્ચે 'સ્પેસ' રેસ શરૃ થઈ ગઈ હતી. હવે આ ટેલિસ્કોપ અમેરીકા અને રશિયાનાં ઇ-૭જેવાં રોકેટ જે પરમાણુ શસ્ત્ર લઈ જવાની ક્ષમતા રાખતાં હતાં તેનું પણ ટ્રેકીંગ કરી શકતું હતું. બ્રિટીશરોને લાગ્યું કે બર્નાડ લોવેલે બનાવેલ ટેલિસ્કોપનાં પૈસા રાતોરાત વસુલ થઈ ગયાં હતાં.
કોલ્ડ વૉર દરમ્યાન રશિયા અને અમેરીકા જે અંતરીક્ષનાં ભાગને જોવામાં નિષ્ફળ જતાં હતાં એ આકાશ અને અંતરીક્ષ જોડ્રેલ બેંકનું ટેલિસ્કોપ નિહાળી શકતું હતું. એક સમયે રશિયાએ જાહેર કર્યું કે એપોલો-ૈંૈં ને ખલેલ પહોંચાડે તેવી કોઈ પણ ચીજ રશિયા તેની ભ્રમણ કક્ષામાં મુકશે નહીં. ૧૯૬૯માં નિલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર ઉપર પગ મુક્યો તે એપોલો-ૈંૈંને પોતાનાં દ્રષ્ટિક્ષેત્રમાં રાખી શકતું હતું. રશિયાએ અમેરિકા પહેલાં ચંદ્ર ઉપર પોતાનું માનવ રહીત સ્પેસ પ્રોબ ઉતારવાનો પ્રયત્ન કર્યો હતો. આ પ્રોબ તેની નિશ્ચિત કામગીરી બજાવે તે પહેલાં જ ચંદ્રની ભુમી ઉપર તુટી પડયું હતું તે વાત લોવેલનાં ટેલિસ્કોપે પકડી પાડી હતી. જોકે બર્નાડ લોવેલે ક્યારેય એવું ઈચ્છ્યું નહોતું કે ''કોલ્ડવૉરનાં યુગમાં તેનું ટેલિસ્કોપ પશ્ચિમી દેશોનો 'હાથો' બની જાય. બર્નાડ લોવેલનું મુખ્ય લક્ષ્ય વિજ્ઞાાનની ક્ષિતિજોનો વિસ્તાર કરીને 'ખગોળ શાસ્ત્ર'માં નવાં સિમાચિન્હો સ્થાપવાનાં હતાં. ૧૯૫૧ થી ૧૯૮૧ નિયામક તરીકે સેવા આપી હતી. અહીંથી તેમણે બ્રહ્માંડનાં સર્જન ઉપર પ્રકાશ ફેંકવાનું કામ શરૃ કર્યું હતું. ૧૯૬૦માં 'ક્વૅસાર' નામે ઓળખાતાં બ્રહ્માંડનાં રહસ્યમય પીંડનું દર્શન કરવાનો લ્હાવો આ રેડિયો ટેલિસ્કોપને મળ્યો હતો. 'ક્વૅસાર' એક પ્રકારનો તારો હતો જે દસ કરોડ 'સુર્ય', રીપીટ ૧૦ કરોડ સૂર્ય જેટલી ઊર્જા રેડિયેશન સ્વરૃપે અંતરીક્ષમાં વહેતી મુકતો હતો. તે સમયે આ શોધાયેલા 'પલ્સાર' (પલ્સેટીંગ સ્ટાર)માંથી ૬૬% પલ્સારની શોધ જોડ્રેલ બેંકનાં ખગોળશાસ્ત્રીઓએ કરી હતી. જોડ્રેલ બેંકનાં ખગોળશાસ્ત્રીઓએ 'રેડિયો ઈકો' ટેકનિકથી સુર્યમાળાનાં નવાં એક્યુરેટ 'માપ' મેળવ્યા હતાં. ૧૯૬૦માં ઉડાં અંતરીક્ષમાં ગયેલ અમેરિકન પાયોનિયર-પાંચ સ્પેસ પ્રોબ તેનાં કેરીયર રોકેટથી અલગ થઈ શકતું ન હતું. આ કામ કરે તેવું એકમાત્ર ડિવાઈસ લોવેલે બાંધેલ રેડિયો ટેલીસ્કોપ હતું.
'કોલ્ડવૉર'નાં સમયગાળામાં રશિયાની આંખોમાં બર્નાડ લોવેલ ખુચતાં હતાં. તેમની હત્યા કરવાનાં ઉદ્દેશ્યથી બર્નાડ લોવેલને, ૧૯૬૩માં રશિયન રેડિયો ટેલીસ્કોપને નિહાળવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. રશિયાનાં ફિમીઆ ખાતે આવેલ સોવિયેત 'ડિપ સ્પેસ ટ્રેકીંગ બેઝ'ની મુલાકાતે જનાર પશ્ચિમી દેશોનાં પ્રથમ નાગરીક હતાં. આ મુલાકાત દરમ્યાન રેડિયો ટેલીસ્કોપને ૧૫ ડીગ્રી કરતાં ઓછાં ખુણે નમાવીને બર્નાડ લોવેલને 'રેડિયેશન'નો પ્રાણઘાતક 'ડોઝ' આપવાનું કામ રશિઅનોએ કર્યું હતું. આ વાત તેમણે ૨૦૦૯માં એક ટી.વી. ઈન્ટરવ્યુમાં કરી હતી. રશિયા દ્વારા તેમની હત્યા કરવાનાં પ્રયાસની તલસ્પર્શી વિગતો પૂર્ણ લખાણ લખીને તેમણે માન્ચેસ્ટર યુનિ.નાં જ્હોન રિલેન્ડસ લાયબ્રેરીને સોપ્યું છે. તેમણે લાયબ્રેરીને સુચના આપી છે કે તેમનાં મૃત્યુ બાદ જ આ 'ઘટના' વિશેનું લખાણ પ્રકાશીત કરવું. લોવેલનાં કુટુંબનાં સભ્યોનાં જણાવ્યા પ્રમાણે ૨૩ ઓગષ્ટ સુધીમાં બર્નાડ લોવેલની અંતિમ સંસ્કારની બધી વિધીઓ પુરી થઈ ગયા બાદ તેમનું લખાણ પ્રકાશીત કરવામાં આવશે. શા માટે રશિયાને લોવેલ ખુંચતાં હતાં? તેમણે બનાવેલ રેડિયો ટેલિસ્કોપ, સોવિયેત ન્યુક્લીયર એટેકની આગોતરી જાણ કરી શકે તેવું 'આર્મ વોર્નીંગ ડિવાઈસ' તરીકે કામ કરી બતાવતું હતું. એકબાજુ રશિયા દુશ્મનાવટભર્યું વર્તન દાખવતું હતું. ત્યારે અમેરિકા મિત્રતાપુર્ણ વલણ દર્શાવતું હતું. ૧૯૫૮માં અમેરિકાની સ્પેસ એજન્સી 'નાસા'એ ચંદ્ર સુધી પહોંચનારા રોકેટનું ટ્રેકીંગ કરવાનો કોન્ટ્રેક્ટ જોડ્રેલ બેંકની લેબોરેટરી સાથે કર્યો હતો.
સર બર્નાડ લોવેલે જીંદગીની લાંબી ઈનીંગ્સ રમ્યા પછી, ૯૮ વર્ષે જીંદગી સંકેલી લીધી ત્યારે તેમનો પરીવાર વિશાળ બની ચુક્યો હતો. ૧૯૩૭માં તેમણે જોઈસ ચેસ્ટરમાન સાથે લગ્ન કર્યા હતાં. તેમને બે પુત્ર અને ત્રણ પુત્રીઓ હતી. તેમની પત્નીનું ૧૯૯૩માં અવસાન થયું હતું. તેમનાં બે પુત્ર અને બે પુત્રીઓનાં ઘરે ચૌદ પૌત્ર છે અને ચૌદ પૌત્રોને ત્યાં ૧૪ પ્રપૌત્રો છે. બર્નાડ લોવેલ ભરપુર જીંદગી માણી ગયા હતાં. તેમની નિવૃત્ત જીંદગીમાં પણ તેઓ માંદગીનાં બીછાને નહોતાં પહોંચ્યા ત્યાં સુધી, જોડ્રેલ બેંકનાં રેડિયો ટેલીસ્કોપ સંશોધન સાથે સંકળાએલા રહ્યાં હતાં.
રોયલ સોસાયટીનાં ખગોળશાસ્ત્રી લોર્ડ માર્ટિન રિસ કહે છે કે ''બર્નાડ લોવેલ વિશ્વનાં મહાન વિજ્ઞાાની વિઝનરી (દુરંદેશી)માંના એક હતાં. તેઓ આત્મવિશ્વાસી અને બોલ્ડ હતાં. જેનાં કારણે (બ્રિટનમાં) વિશાળ રેડિયો ટેલીસ્કોપ અસ્તિત્વમાં આવ્યું છે.'' તેમની લાંબી કારકીર્દી દરમ્યાન તેમણે બ્રિટન અને વિજ્ઞાાન જગતની સેવા કરી છે. શરૃઆતમાં તેમનું રેડિયો ટેલીસ્કોપ મિસાઈલ અને સ્પેસ ઓબ્જેક્ટ ટ્રેકીંગ માટે જાણીતુ બન્યું હતું, પરંતુ આ ટેલિસ્કોપનો મહત્તમ ઉપયોગ પરંપરાગત ખગોળશાસ્ત્ર અને રેડિયો એસ્ટ્રોનોમીને નવી દિશા આપવા માટે થયો છે. બર્નાડ લોવેલે રેડિયો એસ્ટ્રોનોમીને એક નવો આયામ આપ્યો છે. બ્રિટન અને તેમનાં દેશવાસીઓએ જોડ્રેલ બેંક ખાતે બનેલ વિશ્વનાં વિશાળ રેડિયો ટેલીસ્કોપને એક નામ આપ્યું છે ઃ સર બર્નાડ લોવેલ રેડિયો ટેલીસ્કોપ.
બર્નાડ લોવેલ રેડિયો ટેલિસ્કોપ અત્યારે પણ કાર્યરત છે અને વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી વિશાળ ટેલિસ્કોપ ગણાય છે. વિશ્વનું સૌથી વિશાળ રેડિયો ટેલીસ્કોપ અમેરિકાનાં વેસ્ટ વર્જીનીયા ખાતે આવેલ છે જેનું નામ છે, રોબર્ટ સી બાયર્ડ ગ્રીન બેંક ટેલીસ્કોપ. વિશ્વના બીજા નંબરનું વિશાળ રેડિયો ટેલીસ્કોપ જર્મનીનાં મેક્સ પ્લાંન્ક ઈન્સ્ટીટયુટમાં આવેલું છે. લોવેલ રેડિયો ટેલીસ્કોપ વિશ્વનું વિશાળ ટેલીસ્કોપ છે જે ૩૬૦ ડીગ્રીનાં ખુણે એટલે કે સંપૂર્ણ વર્તુળાકારમાં પાયામાંથી ગોળ ફરી શકે છે માટે તેને 'સ્ટીપરેબલ' ટેલીસ્કોપ કહે છે. આ રેડિયો ટેલીસ્કોપને સર બર્નાડ લોવેલનું નામ મળતાં માત્ર સર લોવેલની કીર્તિ વધી નથી. બર્નાડ લોવેલ ટેલીસ્કોપનાં પાયામાં બ્રિટીશ સામ્રાજ્યનું સ્વાભિમાન અને દેશપ્રેમ છુપાએલો છે. જે બ્રિટીશ સામ્રાજ્યને ભુતકાળ સાથે સાંકળે છે. રેડિયો ટેલિસ્કોપની ગોળાકાર ડિસને આધાર આપવા જે બેઝ એટલે કે પાયો બાંધવામાં આવ્યો છે, તે બાંધકામ માટે બ્રિટનનાં નિવૃત્ત યુધ્ધ જહાજ 'સોવરજીન એન્ડ રિવેન્જ' યુધ્ધ જહાજનો સામાન વપરાયો છે. રોયલ બેટલશીપની ગન ટરેટનાં રેક્સ ખાતે પીનીઅન વડે આધાર તૈયાર કરવામાં આવ્યો છે. ટેલીસ્કોપનાં પાયામાં બ્રિટીશ સામ્રાજ્ય છે તો, રેડિયો એસ્ટ્રોનોમીનાં પાયામાં સર બર્નાડ લોવેલ રેડિયો ટેલીસ્કોપ છે. રશિયા દ્વારા તેમની હત્યાનાં ષડયંત્રને લગતી વિગતો આગામી સમયમાં કેટલાં વમળો સર્જશે?

 

No comments: