Sunday 9 December 2012

‘ડિજીટલ ઇમોર્ટાલીટી’

‘મૃત્યુ પછી માનવીનું મગજ ડિજીટલી એક્ટીવ રહેશે’

ફ્‌યુચર સાયન્સ - કે.આર ચૌધરી


- હવે મનુષ્ય મગજની માહિતીને કૉમ્પ્યુટર મશીનમાં અપલોડ કરી શકાશે ?!

- સિલિકોન વેલીના સંશોધકો મગજના ગ્રે મેટરને સિલિકોન મેટરમાં ફેરવાવા મથી રહ્યા છે. મોસ્કો આસપાસના તઘલખી દીમાગના માલેતુજારો ડિજીટલ મોર્ટાલિટી માટે નાણા ફાળવવા માંડ્યા છે.

ડિજીટલ દુનિયાની તાજા ખબર સોની પિક્ચર એન્ટરટેઇન્મેન્ટ હવે એપલના સ્વ. સ્ટીવ જોબ્સ ઉપર ફિલ્મ બનાવવા જઈ રહી છે. ઓસ્કાર એવોર્ડ વિજેતા સ્ક્રીન રાઇટર આરોન સોરકીન ફિલ્મની સ્ક્રીપ્ટ લખશે અને બેશક તેની લાઇફ સ્ટોરી, પત્રકાર વોલ્ટર ઇશાકશન દ્વારા લખાયેલી સ્ટીવ જોબ્સની બાયોગ્રાફી ઉપર આધારિત હશે. સ્ટીવ જોબ્સની વીસ લાખ કરતા વધારે નકલમાં વેચાયેલી બાયોગ્રાફીનું નામ છે ‘સિમ્પલી સ્ટીવ જોબ્સ’ આરોન સોરકીનને ડિજીટલ વર્લ્ડના આંતરપ્રવાહોની અનોખી જાણકારી છે. તેણે ‘ધ શોશીયલ નેટવર્ક’ ફિલ્મ માટે બેસ્ટ એડપ્ટેડ સ્ક્રીન-પ્લે માટે એકેડમી એવોર્ડ મેળવેલો છે. આ ફિલ્મ ઇન્ટરનેટિયાઓની લોકપ્રિય ‘ફેસબુક’ના જનેતા માર્ક ઝુકરબર્ગ પર આધારિત છે. આરોન સોરકીન આ પહેલા ‘અ ફ્‌યુ ગુડમેન’ અને ‘મની બોલ’ નામની ફિલ્મો ઉપર કામ કરી ચૂક્યા છે. સોનીને ખાતરી છે કે સ્ટીવ જોબ્સને ફિલ્મી વાસ્તવિકતામાં આરોન ઓસ્કીન કરતા કોઈ વધારે સારી રીતે રજૂ કરી શકશે નહીં.
અને માની લો કે આરોન ઓસ્કીનને સ્ટીવ જોબ્સની લાઇફ વિશે તેના વિચારો વિશે વધારે જાણવું હોય તો ? સ્ટીવ જોબ્સ કદાચ અડધી સદી બાદ જન્મ્યા હોત તો વાસ્તવિકતા કંઈક જુદી જ હોત. કદાચ સ્ટીવ જોબે પહેલું કામ પોતાના માઇન્ડનું ડીજીટલ સ્કેનંિગ કરવાની અને બ્રેઇન ડેટાને બીય બાય બીટ કોમ્પ્યુટર મેમરીમાં અપલોડ કરાવી દીધો હોત. હવે એમ ના કહેશો કે અપલોડ નહી, ડાઉનલોડ કહેવાય. મનુષ્યનું બ્રેઇન એક પ્રકારનું સૂક્ષ્મ કોમ્પ્યુટર છે અને તે એનો ડેટા બીજી સિસ્ટમને લોડ કરી આપે એને અપલોડંિગ જ કહેવાય. ઓ. કે. ધેન... કોમ્પ્યુટરની મેમરીમાં રહેલ સ્ટીવ જોબ્સનો બ્રેઇન બેકઅપ સેકન્ડ લાઇફ જેવા સ્ક્રીપ્ટ રાઇટર સાથે ચર્ચા કરી શકત. સ્ટીવની લાઇફની ખૂટતી માહિતી, વર્ચ્યુઅલ વીથ સ્ટીવ જોબ્સ આપત અને એક વધારે કાલ્પનિક સિનારિયો આજથી ચાલીસ પચાસ વર્ષ બાદ સ્ટીવ જોબ્સ મૃત્યુ પામ્યા હોત તો તેમની અંતિમ ક્રિયામાં આવનાર બધા લોકોને સ્ટીવ જોબ્સ વર્ચ્યુઅલ વર્લ્ડમાં નિહાળી શકત. પોતાની સ્મશાનયાત્રાના દ્રશ્યો પણ પોતે માણી શકત અને છેલ્લે સ્મશાનયાત્રામાં જોડાયેલા લોકોનો આભાર પણ માની શકત.
પ્રસ્તાવનાનો અડધોઅડધ ભાગ વાસ્તવિકતા છે અને બાકીનો અડધો ભાગ આવનારા દિવસોમાં વાસ્તવિકતા બની જશે. સાયન્સ ફિક્શન એ રિયાલિટી બનવા જઈ રહ્યું અને આ રિયાલિટી હવે વર્ચ્યુઅલ વર્લ્ડની એટલ કે ‘વર્ચ્યુઅલ રિયાલીટી’ માનવી મૃત્યુ પામ્યા પછી જૈવિક રીતે એટલે કે ‘બાયોલોજીકલ’ અમરત્વ ન પામી શકે તો કાંઈ નહીં, આજના વૈજ્ઞાનિકો મનુષ્યને ડિજીટલ અમરત્વ નામનું અમૃત પીવડાવી શકે તેમ છે. આ અમૃત એટલે ‘ડિજીટલ ઇમમોર્ટાલિટી’. સરળ ભાષામાં મનુષ્યના મરી પરવાર્યા બાદ પણ તેના બ્રેઇનની કાર્બન કોપી, કોમ્પ્યુટરમાં ક્રિએટ કરીને વ્યક્તિના ‘માઇન્ડ’ને અવિનાશી અને ચિરકાલીન એક્ટીવ રાખી શકાશે. કદાચ ત્યારે પણ ‘ફેસબુક’નો ક્રેઝ ઘટ્યો નહીં હોય તો, તમારો ડિજીટલ અવતાર તમારા ‘ફેસબુક’ના એકાઉન્ટને અપડેટ કરતો રહેશે. સ્ટીવ જોબ્સના મૃત્યુ બાદ એક સવાલ જરૂર પૂછાય છે કે શું આવનારા ભવિષ્યમાં વ્યક્તિના બ્રેઇનનો પૂરેપૂરો ડેટા કોમ્પ્યુટરમાં અપલોડ થઈ શકશે ખરો ? માનવીને ‘ડિજીટલ ઇમમોર્ટાલિટી’ નામનું શાશ્વત સત્ય મળશે ખરું ? આ સવાલનો જવાબ બે વ્યક્તિ અવશ્ય ‘હા’માં આપી શકે છે. એક વ્યક્તિ છે રે કુર્ઝવેઇલ અને બીજી વ્યક્તિ છે ફ્‌યુચરોલોજીસ્ટ ડો. ઇયાન પિયરસન. ફ્‌યુચરોલોજીસ્ટ એ જ્યોતિષશાસ્ત્ર જેવો ભવિષ્યવેત્તા નથી તેઓ ટેકનોલોજીકલ પ્રોસેસનું મેથેમેટીકલ મોડેલ રજૂ કર્યા બાદ, ભવિષ્યની આગાહીઓ કરે છે. જેને ભાગ્યે જ ખોટી સાબિત થવાનો અવસર પ્રાપ્ત થાય છે. કદાચ ગણતરીમાં પાંચ દસ વર્ષોની આઘાપાછી થાય એ જુદી વાત છે.
ઇયાન પિયરસન કહે છે કે, ‘તમે જો ખરેખર ટાઇમ લાઇન દોરી કાઢો તો ૨૦૫૦ સુધીમાં તો તામારા માઇન્ડ મશીનમાં ડાઉનલોડ કરી શકશે. તમારા મૃત્યુ પછી પણ તમારા માટે કેરિયરનો પ્રશ્ન નહી રહે.’ બાય ધ વે એક આડ વાત જો આવું શક્ય બનશે તો, માઇન્ડ બેકઅપન પણ કોપી રાઇટમાં આવરી લેવામાં આવશે અને મૃત સેલિબ્રિટીના દિમાગની ઉપજને તેના વારસદારો તેના મૃત્યુ પછી પણ ‘કૅશ’ કરતા રહેેશે. પાછા મૂળ વાત પર આવી એ તો... પિયરસન ઉમેરે છે કે, જો તમે ધનાઢ્‌ય એટલે કે પૈસાદર હો અને નાણાં ખર્ચી શકો એમ હો તો, ૨૦૫૦માં તમે તમારા ‘માઇન્ડ’ને કોમ્પ્યુટર સિસ્ટમ પર વર્ક કરતું જોઈ શકશો. અને ગરીબ છો તો તમારે રાહ જોવી પડશે ! ૨૦૭૫-૮૦ની સાલમાં લગભગ દરેક સામાન્ય માનવી તેના ‘બ્રેઇનનો બેકઅપ’ નાની મેમરી ચીપમાં લઈને ફરતો હશે. ડો. ઇઆન પિઅરસનને ગાંડો ગણવાની ભૂલ ન કરતા તેઓ એપ્લાઇડ મેથેમેટીક્સ અને થિયોરેટિકલ ફિઝીક્સના નિષ્ણાત છે. ૪૪ વર્ષના પિઅરસને ચાર વર્ષ ‘મિસાઇલ ડિઝાઇન’માં ખર્ચી નાખ્યા છે અને છેલ્લા ૨૦ વર્ષથી ઓપ્ટીકલ નેટવર્ક, બ્રોડબેન્ડ નેટવર્ક ઇવોલ્યુશન અને સાયરનેટિક્સ ક્ષેત્રે કામ કરી રહ્યા છે પોતાની વાતને તેઓ એક સિમ્પલ લોજીક વડે સમજાવી રહ્યા છે.
આજનું પોસ્ટેશન, મનુષ્યના પાવરફૂલ બ્રેઇન કરતા માત્ર ૧% જેટલું શક્તિશાળી છે. દસ વર્ષ પહેલાની સિસ્ટમની સરખામણીમાં તે આજે સુપર કોમ્પ્યુટર ગણાય. ભવિષ્યનું પ્લે સ્ટેશન ૫ કદાચ માનવીના મગજ જેટલું પાવરફૂલ હશે. આ સંદર્ભે કોમ્પ્યુટર ચીપના પ્રોસેસીંગ પાવર અને ગોર્ડન ગુરના ‘મુર્સ લો’ને પણ જરા યાદ કરી લો માત્ર ૧૮ મહિના સમયગાળામાં કોમ્પ્યુટરની સ્પીડ અને પ્રોસેસીંગ પાવર બમણો થતો જતો હતો. આજે ઘશછ નો ઉપયોગ ઇલેક્ટ્રોનિક્સ સરકીટ બનાવવા થઈ રહ્યો છે સમય જતા બેક્ટેરિયા ખુદ એટલા સ્માર્ટ બની જશે કે પોતાને મળેલ આદેશ મુજબની ઇલેક્ટ્રોનિકક સરકીટ પોતે બનાવી લેેેશે. વળી માત્ર અહીં માઇન્ડને બ્રેઇનબેકઅપ દ્વારા સિસ્ટમને અપલોડ કરવાની નથી.
કોમ્પ્યુટર સિસ્ટમ પાસે મનુષ્ય જેવી કોન્શીયસનેસ એટલે કે ચેતના અને ઇન્ટેલિજન્સ એટલે કે બૌદ્ધિક ચાતુર્ય પેદા કરવાની વાત છે માત્ર ભૂતકાળનો ડેટાને રીડ-રાઇડ નથી કરાવવાનો ખાસ પ્રોસેસંિગ ચીપ્સ વડે તે માનવીની ‘જીનીયસ’નેસને સદાકાળ જીવંત પણ રાખવાની છે. આ કામ બાયોલોજી, નેનો સાયન્સ ટેકનોલોજી અને મેડીકલ વર્લ્ડ કરી શક તેમ છે. ડો. દીવાન પિઅસરન કહે છે હવે કોમ્પ્યુટરને માત્ર એક હેવી ડ્યુટી પ્રોસેસર પાવર ધરાવતી ચીપ આધારિત ગણવાની વાત કરવી જોઈએ નહીં. આવનારા વર્ષોમાં એક જ સિસ્ટમમાં એક કરતા વધારે પ્રોસેસર લાગેલા હશે. આ બધી વાત કદાચ સાયન્સ ફિક્શન જેવી લાગે પરંતુ...
માનવીને અમર બનાવવાના સ્વપ્નો હજારો વર્ષોથી આવતા રહ્યા છે. લગભગ દરેક ધર્મમાં મૃત્યુ બાદના જીવન અને પુર્વ-જન્મના સંબંધો ક્યાંકને ક્યાંક સંકળાયેલા રહ્યા છે. મૃત્યુ પછી પુનઃર્જન્મ અથવા જીવિત થવાની વાતો પણ વણાયેલી છે. ‘ડિજીટલ ઇમોર્ટાલિટી’ કદાચ માનવીની કલ્પનાઓને સાકાર કરવા માટેનું પ્રથમ પગથિયું છે. સાયન્સ અને ટેકનોલોજીની જુગલબંધી ચાલતી જ રહેશે તો માનવી નજીકના ભવિષ્યમાં ‘બાયોલોજી ઇમોર્ટાલિટી’ ભલે પ્રાપ્ત કરી ન શકે પરંતુ, તેના સરેરાશ આયુષ્યમાં ૨૫- ૫૦ સાલનો વધારો કરી નાખશે એ વાત નક્કી છે. ડિજીટલ ઇમોર્ટાલિટીનો બેઝીક કોન્સેપ્ટ પાછળ રે કુર્ઝવેઇલનું દિમાગ ચાલી રહ્યું છે. માનવીના શરીરની ઓર્ગેનિક મેટર અને આર્ટીફીશ્યલ ઓર્ગન (કૃત્રિમ અંગો)ને એકસૂત્રમાં બાંધવાની ટેકનોલોજી વિકસી રહી છે.
હાલમાં ‘બ્લ્યુ બ્રેઇન’ નામનો પ્રોજેક્ટ વૈજ્ઞાનિકો આગળ ધપાવી રહ્યા છે જે મનુષ્યના ‘મગજ’ને રિવર્સ એન્જિનિયરંિગ વાપરીને તેનું વર્ચ્યુઅલ મોડેલ બનાવવા વૈજ્ઞાનિકો કામ કરી રહ્યા છે. મગજના રોગોને લગતી સારવાર અને પ્રયોગો ન્યુરો સાયન્ટીસ્ટો આ ડિજીટલ બ્રેઇન ઉપર કરવા માગે છે. આ સંશોધનમાં વૈજ્ઞાનિકો એ જાણી શકશે કે મનુષ્યનું મગજ ખરેખર કઈ રીતે કામ કર છે. ત્યારબાદ બીજા તબક્કામાં માનવીના મગજને સીઘું જ સિસ્ટમ સાથે કઈ રીતે જોડી શકાશે તે બીજા તબક્કાનું સંશોધન ચાલુ થશે રે કુર્ઝવેલે ડિજીટલ ઇમમોર્ટાલિટી વિશે અનેક પુસ્તકો અને લેખો લખ્યા છે. જેમાનું એક તેમણે ટેરી ગ્રોસમાન સાથે મળીને લખ્યું છે. ‘ફેન્ટાસ્ટીક વોયેજ ઃ લીવલોગ ઇનફ ટુ લીવ ફોર એવર.’
ડિજીટલ ઇમમોર્ટાલિટીની હાઇપોથિસ્ટનું મૂળિયું છે કે રે કુર્ઝવેઇલના કોન્સેપ્ટ સિસ્યુલારિટી સુધી પહોંચે છે. સિસ્યુલારિટી શું છે ? રે કુર્ઝવેબની કલ્પના પ્રમાણે ટેકનોલોજીનો વિકાસ એકદમ ઝડપી બની જશે અને એક એવો સમય આવી જશે કે બાયોલોજી અને ટેકનોલોજી એકબીજામાં ભળી જશે અને એખ નવો માનવી પેદા થશે આ સમયગાળો એટલે સિસ્યુલારિટી. ટર્મિનેટર અને મેટ્રીક્સમાં કલ્પનાને વાસ્તવિકતા બનતા તમે જોઈ જ છે. આજે ૩ ઘપેઇન્ટંિગ વડે કૃત્રિમ અંગો બનાવવાની પ્રોસેસ વિકસી ચૂકી છે. જો કે રે કુર્ઝવેઇલે જે કક્ષાની કલ્પના કરી છે તે લેવલની માસ્ટરી મેળવવામાં માનવજાતને હજી થોડા દાયકા નીકળી જશે.
લાઇફ લાઇઝ અને માનવીય સ્પર્શ ધરાવતા કોમ્પ્યુટર ઇનફેક્ટસને વિકસાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. ઇવોસ્વર નાની ઓનલાઇન સર્વિસ રિયાલિસ્ટીક ૩ ઘ અવતાર બનાવવા નિષ્ણાત ગણાય છે. માઇક્રોસોફ્‌ટના ખ્યાતનામ ગોર્ડન બેલ પર ‘ડિજીટલ ઇમમોર્ટાલિટી’ પર કામ કરી રહ્યા છે. તેઓ માત્ર મેમરી કરતા વધારે સારું કામ આપે તેવું ડિવાઇસ તૈયાર કરવા મથી રહ્યા છે. પોતાના અનુભવ ઉપરથી તેમણે પુસ્તક લખ્યું છે ‘ટોટલ રિકોલ ઃ હાઉ ઇ-મેમરી રિવોલ્યુશન વીલ ચેન્જ એવરીથીંગ’ બેલ માને છે કે મનુષ્યની ‘મેમરી’ને સહાયભૂત થવાનું પહેલું કામ ઇલેક્ટ્રોનિક મેમરી કરશે.
કોમ્પ્યુટર ક્ષેત્રે જાયન્ટ ગણાય તેવી આઇબીએમ પોતાનો આગવો પ્રોજેક્ટ ચલાવી રહી છે. ‘કોગ્નેટીવ કોમ્પ્યુટંિગ’ જેમાં મગજની સમગ્ર જટિલતાને ઓળખવાનો અને અખતરામાં મૂકવાની પ્રક્રિયા ચાલી રહી છે. જો આઇબીએમ તેમાં સફળ રહેશે તો મનુષ્યની વાસ્તવિક અસ્તિત્વ અને ડિજીટલ અસ્તિત્વ વચ્ચેનો પાતળો ભેદ ભાગ્યે જ કોઈ પારખી શકશે. અહીંથી જ ‘ડિજીટલ મોર્ટાલિટી’ની અગ્નિપરીક્ષા ચાલુ થાય છે.
સિલિકોન વેલીના સંશોધકો મગજના ગ્રે મેટરને સિલિકોન મેટરમાં ફેરવાવા મથી રહ્યા છે. મોસ્કો આસપાસના તઘલખી દીમાગના માલેતુજારો ડિજીટલ મોર્ટાલિટી માટે નાણા ફાળવવા માંડ્યા છે. માની લઈએ કે મનુષ્યની ડિજીટલ મોર્ટાલિટી શક્ય બની ગઈ છે. તો તેના ઉપયોગો શું ?
જીનીયસ માનવીની ઝેરોક્ષ જેવા આર્ટિફિશીઅલ ઇન્ટેલીજન્સવાળા રોબોટ તૈયાર કરી શકાશે ? જેની પાસે જીવંત વ્યક્તિ જેવું કામ લઈ શકાશે મનુષ્યના મૃત્યુ બાદ ચોક્કસ સંદર્ભમાં તેના અભિપ્રાય, આઇડિયા, સલાહ અને સૂચનો જાણી શકાશે.
અત્યારે સાયન્સ ફિક્શન લગતા આ વિષયને મુખ્ય ત્રણ સમસ્યાઓ નડે છે. સિલિકોન વેલીમાં ‘કાર્બન કોપી’ અને મોસ્કોમાં ‘રશિયા ૨૦૪૫’ નામના ડિજીટલ ઇમમોર્ટાલિટીને લગતા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. માનવીની પહેલી સમસ્યા છે આપણા વ્યક્તિત્વ, મિજાજ, માઇન્ડ અને મૂડ ધરાવતી બધી જ માહિતી ‘મગજ’માંથી કઈ રીતે વાંચવા સક્ષમ થવું ? મૃત્યુ પછી મગજની પાતળી સ્લાઇસો બનાવી તેને સ્કેન કરીને તેમાં રહેલ ડેટા સ્કેનંિગ કરી શકાય પરંતુ માનવી જીવતા સુધી જ પોતાના મગજને સીઘું જ કોમ્પ્યુટ સિસ્ટમ સાથે જોડવા માગે તો તેને જોડવું કઈ રીતે ? બીજી સમસ્યા મગજમાં રહેલ બધો જ ‘ડેટા’ સ્ટોર ક્યાં કરવો ? આજના કોમ્પ્યુટર સિસ્ટમ કરતા આ ડેટા લાખો ગણો મોટો અને માહિતીયુક્ત રહેવાનો છે. સમસ્યા નંબર ત્રણ ફાઇનલી માનવી માફક સૂચન કરી શકે તેવી કોન્સીયસનેસ એટલે કે ‘ચેતના’નો ખરો કોમ્પ્યુટર ઇનટેક્સવાળો સંચાર કઈ રીતે કરવો ?
૨૦૧૭ સુધીમાં એક એક્સા ફ્‌લોપ મેમરી ધરાવતા સુપર કોમ્પ્યુટર તૈયાર થઈ જશે જેમાં માનવીના આખા મગજને અપલોડ કરી શકાશે ! એલન ઇન્સ્ટિટયૂટ ઓફ બ્રેઇન સાયન્સ ૩૦ કરોડ અમેરિકન ડોલર જેટલો ખર્ચો કરીને એ જાણવા માગે છે કે મગજમાં ડેટા એન્કોડ, સ્ટોર અને પ્રોસેસ કઈ રીતે થાય છે. ડિજીટલ મોર્ટાલિટી માટે મગજને નુકસાન પહોંચાડ્યા વગર મગજની માહિતી મેળવવા માટે બાયોલોજીસ્ટો અન નેનો- ટેકનોલોજી નિષ્ણાતોએ રસ્તો શોધી કાઢ્‌યો છે. ખૂબ જ નાના મેગ્નેટિક ક્રમ ઇલેક્ટ્રિક ફિલ્ડથી અસર પામે તેવો પાર્ટિકલ તૈયાર કરવો તેના ઉપર બાયોલોજીકલ કોટંિગ કરવું તેથી મનુષ્યની રોગપ્રતિકાર પ્રણાલી તેનો બહિષ્કાર ન કરે. લોહીમાં આવા કણો વાયરલેસ સિસ્ટમ માફક ડેટા ટ્રાન્સમીટ કરે તેવી સિસ્ટમ વિકસાવવી ડિજીટલ ઇમોર્ટાલિટીનું થિયોરેટીકલ બેકગ્રાઉન્ડ સોલીડ બનતું જાય છે. પ્રેક્ટિકલી ડિજીટલ ઇમોર્ટાલિટી ૨૦૨૯ સુધીમાં શક્ય બનશે ! મગજને સિસ્ટમમાં અપલોડ કરવાનો પ્રથમ અખતરો કરવા તમે તૈયાર છો ?


No comments: