Sunday 26 June 2016

બ્રેઈન સ્કેન: એલન મસ્ક, માર્ક ઝુકરબર્ગ, લારી પેજ અને એન્ડી રૃબીનનાં મગજમાં ચાલતા ભવિષ્યનાં આઈડિયા...


Pub. Date: 26.06.2016.
હાઈપરલુપ એક નવીન હાઈસ્પીડ ટ્રાન્સપોર્ટેશન સીસ્ટમ છે. જેમાં પેસેન્જર અથવા કાર્ગો ભરેલ કેપ્સ્યુલને, ખાસ બનાવટની દબાણ ઘટાડેલ ટયુબમાં ધકેલવામાં આવે છે. જેની ઝડપ હશે ૮૦૦ માઈલ પ્રતિ કલાક એટલે કે ૧૨૮૭ કીમી પ્રતિ કલાક. અધ... ધધ... થઈ જવાય તેટલી ઝડપ. આજનાં કેટલાંક સેલીબ્રીટીનાં દિમાગ, આ ઝડપથી પણ વધારે 'સ્પીડ'માં ભાગી રહ્યાં છે. ઈન્ટરનેટ અને ટેકનોલોજીમાં તેમનો ડંકો વાગી રહ્યો છે. એલન મસ્ક, લેરી પેજ, માર્ક ઝુકરબર્ગ, એન્ડી રૃબીન અને જ્યોર્જ લુકાસ જેવાં વિઝનરી, આજકાલ શું વિચારી રહ્યા છે ? તેઓ ક્યાં પ્રોજેક્ટ પર કામ કરી રહ્યાં છે ? તેમના નામથી કેટલાંક લોકો સહકાર અને સંશોધન કરવા માટે તૈયાર થઈ જાય છે. હાઈપરલુપ નામની સૈદ્ધાંતિક 'હાઈસ્પીડ' ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ એલન મસ્ક નામનાં ઉદ્યોગ સાહસીકનું દીમાગી ફરજંદ છે. જેનો પ્રથમ ટેસ્ટ મે મહીનાનાં બીજા અઠવાડિયામાં કરવામાં આવ્યો હતો. નામચીન લોકો કંઈક નવું આપવા મથી રહ્યાં છે. તેમનાં દિમાગનો સીટી સ્કેન શું બતાવે છે.

એલન મસ્ક: ફલાઈગ મેટલ સ્યુટ, ન્યુરલ લેસ અને ગેમીંગ ટેકનોલોજી

એલન મસ્ક, ટેસ્લા મોર્ટસના બોસ છે. અંતરીક્ષ ક્ષેત્રે નવા રેકોર્ડ સ્થાપનાર 'સ્પેસ એક્સ' કંપનીનાં સ્થાપક છે. તેઓ ઓપન આર્ટીફીશીઅલ ઈન્ટેલીજન્સનાં સહ-ચેરમેન અને પે પાલ નામની નેટ કંપનીનો સહસ્થાપક છે. દક્ષિણ આફ્રીકામાં જન્મેલ આ કેનેડીઅન - અમેરીકન બિઝનેસમેનનાં દિમાગમાં હંમેશા એન્જીનીયરીંગ અને નવિન આવિષ્કાર ઘુમતા રહે છે. તેઓ મંગળ ગ્રહ ઉપર માનવ વસાહત ઉભી કરવાનાં હિમાયતી છે. હાઈપરલુપ, વિટોલ સુપર સોનીક જેટ એરક્રાફ્ટ તેમનાં 'વિઝન'ને આવિષ્કારમાં ફેરવાઈ જવાની રાહ જોઈ રહ્યાં છે. બાર વર્ષની ઉંમરે એલન મસ્કે વિડીયો ગેમનાં બેઝીક લેગ્વેજમાં લખેલ કોડ વેચી કમાણી કરી હતી. મટીરીઅલ્સ સાયન્સ અને એપ્લાઈડ ફીજીક્સમાં તેમણે પીએચડી કરેલ છે.

થોડા સમય પહેલાં એલન મસ્ક, પેન્ટાગોનનાં અધિકારીઓને મળ્યો હતો. આર્યનમેનનાં 'ટોની સ્ટાર્ક'ની માફક એલન મસ્ક, ઉડી શકાય તેવો મેટલ સ્યુટ બનાવવાનાં પ્રયત્નોની ચર્ચા કરી છે. ડિફેન્સ ડિપાર્ટમેન્ટનાં મોટાં માથાઓએ એલન મસ્કનાં 'મેટલ ફલાઈંગ સ્યુટ'માં રસ દર્શાવ્યો હતો. જેની માહિતી સીએનએનને પિટરકુકે આપી હતી. એલન મસ્ક જણાવે છે કે આપણે કદાચ પરગ્રહવાસીની 'કોમ્પ્યુટર સિમ્યુલેશન'વાળી કોમ્પ્યુટર ગેમ ટેકનોલોજીનો એક ભાગ છીએ. દક્ષિણ કેલીફોર્નિયાની કોડ કોન્ફરન્સમાં તેમણે પોતાનાં 'મન કી બાત' કરી હતી.

તેમને ખબર છે કે આવનારો સમય કોમ્પ્યુટર ગેમીંગમાં વરચ્ચુઅલ રિઆલીટી વગર જીવી શકાશે નહીં. વાસ્તવિકતા એટલી પરફેક્ટ હશે કે તેનો આભાસ પણ આવશે નહીં. ચાલીસ વર્ષ પહેલાં ''પોન્ગ'' ગેમમાં આપણી પાસે બે લંબચોરસ અને એક ત્રિકોણ માત્ર હતો. આજે ફોટોરિયાલીસ્ટીક ૩D ગેમ સિમ્યુલેશન એન્વાયરમેન્ટ, આપણી કોમ્પ્યુટર ગેમ ઉપર હાવી થઈ ગયું છે. બહુ ઝડપથી તે વરચ્ચુઅલ કે ઓગમેન્ટેડ રિઆલીટીમાં ફેરવાઈ જશે. આટીફીશઈઅલ ઈન્ટેલીજન્સમાં આપણે જેટલા આગળ વધતાં જઈશું, એટલો ઓગમેન્ટેડ બ્રેઈન પાવર મનુષ્ય મેળવતો જશે. એલન મસ્ક ''ન્યુરલ લેસ'' નામનાં નવાં ઈલેક્ટ્રોનીક લેપરનો આઈડીયા આપે છે જે મગજને, ઓનલાઈન ઈન્ફરમેશન અને ડીજીટલ ડેટા એસેસ કરવા માટે એક વચેટીયા અથવા માધ્યમ તરીકે કામ કરશે.

માર્ક ઝૂકરબર્ગ: ફેસબુકનું ભવિષ્ય - 'બ્રેઈનબુક'

ફેસબુકીયા શોખીનો તેનાં સ્થાપક માર્ક ઝુકરબર્ગને ઓળખતાં જ હશે. એવું માની લઈએ છીએ. હાવર્ડ યુનીવર્સિટીનાં સ્ટુડન્ટે તેનાં કોલેજ રૃમ મેટ સાથે મળીને હાવર્ડનાં ડોરમેટરી રૃમમાંથી 'ફેસબુક'ની શરૃઆત કરી હતી. ટાઈમ મેગેજીને, માર્ક ઝુકરબર્ગને દુનિયાનાં ૧૦૦ સૌથી વધારે ધનાઢ્ય લોકોની યાદીમાં સમાવી લીધા હતાં. બચપણથી માર્ક ''ચાઈલ્ડ પ્રોડીજી'' સાબીત થયા હતાં. અમેરિકા ઓનલાઈનનાં 'ઈન્સ્ટન્ટ મેસેન્જર'નું આદી વર્ઝન એટલે ઝુકરબર્ગનું 'માર્કનેટ' સોફટવેર. ૨૦૦૪માં 'ફેસબુક' લોંચ થયા બાદ, ઝુકરબર્ગ એક સેલીબ્રીટી ગણાય છે.

ઝુકરબર્ગ કહે છે કે, ''દુનિયા વરચ્યુઅલ રિઆલીસીટી''ને પાર કરી જશે. મનુષ્ય તેનાં વિચારો વડે સોશીયલ નેટવર્કીંગનો હિસ્સો બની જશે. વિચારો અને અનુભવને 'ટેલીપથી' માફક 'ફેસબુક' જેવો ડિજીટલ માધ્યમથી વિશ્વનાં ખુણેખુણે ફેલાવી શકાશે. ટુંકમાં મનુષ્યનું મગજ વધારે વિકસીત અને એક્ટીવ બનશે. આવી ટેકનોલોજી આવનારા ચાર-પાંચ દાયકામાં કાર્યરત બની જશે. ફેસબુક આ નવી ટેકનોલોજી પર કામ કરી રહ્યું છે. જેનો મુખ્ય આધાર મનુષ્યનું 'બ્રેઈન' છે. જેમાં કાચા માલની માફક કાચા વિચારોને, 'રો ઈમોશન'ને દુનિયા સાથે સીધા જ 'શેર' કરી શકાશે. ઝુકરબર્ગની ટીમ એક ઉંદરની મગજમાં ચાલતી 'મેઝ' સોલ્વીંગ પ્રક્રિયાની યાદોને દુર કરી અન્ય ઉંદરનાં મગજમાં ટ્રાન્સફર કરવાનાં પ્રયોગો કરી રહી છે. બર્કલી યુનિવર્સિટીનાં નિષ્ણાંતો, તમારાં મગજનો MRI જોઈને મગજમાં કેવા પ્રકારનાં વિચારો ચાલી રહ્યાં છે તે જાણી શકે છે. આ ક્ષેત્રે સંશોધન આગળ વધી રહ્યું છે.

ફેસબુકનું 'ફેમી બ્રેઈન રિસર્ચ' ભવિષ્યનાં આઈડીયાને આજે જ હકીકતમાં રૃપાંતર કરવા મથી રહ્યાં છે. જેમાં કદાચ દાયકા લાગી શકે છે. ઝુકરબર્ગ કહે છે કે એક બ્રેઈનથી બીજા બ્રેઈનમાં મેમરી ટ્રાન્સફર કરવી સરળ બની જશે. આવનારાં ૫૦ વર્ષમાં 'ટેલીપથી' કદાચ વાસ્તવિકતા બની જશે. એટલે કે ફેસબુકનું નવા નામ , 'બ્રેઈન બુક'માં રૃપાંતર થઈ ચૂક્યું હશે.

એન્ડી રૃબીન:- એન્ડ્રોઈડથી કવોન્ટમ કોમ્પ્યુટીંગ

આજકાલ વિશ્વનાં મોટાં ભાગનાં સ્માર્ટ ફોનમાં 'એન્ડ્રોઈડ' નામની ઓપરેટીંગ સિસ્ટમ કામ કરે છે જે ઓપન સોર્સ ઓપરેટીંગ સિસ્ટમ છે. એન્ડ્રોઈડને જન્મ આપવામાં મુખ્ય ભૂમિકા એન્ડ્રયુ E. રૃબીનની રહેલી છે. ૨૦૦૫માં 'ગુગલ' દ્વારા 'એન્ડ્રોઈડ' ખરીદી લેવામાં આવી હતી. 'ગુગલ'નાં રોબોટીક ડિવીઝનમાં એન્ડી રૃબીને નવ વર્ષ કામ કર્યું હતું. કોમ્પ્યુટર યુગની શરૃઆતનાં 'બુલેટીન બોર્ડ સિસ્ટમ' BBS ને એન્ડી રૃબીને ભેટ સ્વરૃપે આપી હતી. એન્ડી રૃબીનનાં નામે આજે સત્તર પેટન્ટ બોલે છે.

એન્ડ્રોઈડને લોકભોગ્ય બનાવનાર એન્ડી માને છે કે 'આવનારો સમય 'આર્ટીફીશીઅલ ઈન્ટેલીજન્સ''નો છે. જે ભવિષ્યમાં તમારાં કિચનમાં તમારી પસંદગીની રસોઈ બનાવશે. તમારાં વતી તમારાં ફોન પર 'ચેટીંગ' કરશે. રમતમાં તમને હરાવી નાંખશે. એન્ડી માને છે કે, 'કવોન્ટમ કોમ્પ્યુટીંગ અને આર્ટીફીશીઅલ ઈન્ટેલીઝન્સનું કોમ્બીનેશન આવનારાં સમયમાં ઈન્ટરનેટ આધારીતે 'ગેઝેટ' ચલાવતું હશે. ભવિષ્યની AI અને કવોન્ટમ કોમ્પ્યુટીંગનાં કારણે લોકોની 'જોબ' /નોકરી પર ખતરો તોળાઈ રહ્યો છે.'

એકાઉન્ટન્ટની ૯૯ ટકા જોબનું સ્થાન ડીજીટલ મશીન લઈ લેશે. અમ્પાયર અને રેફરીનું ૯૮ ટકા કામ ઓટોમેટેડ થઈ જશે. વેઈટર અને વેઈટ્રેસનાં સ્થાને ૯૪ ટકા રોબોટ કામ કરતાં હશે. ફેશન, મોડેલીંગ અને લીગલ આસીસ્ટન્ટ તરીકે પણ ઓટોમેટેડ મશીન કામ કરશે. ક્વોન્ટમ કોમ્પ્યુટીંગ અને આર્ટીફિશીઅલ ઈન્ટેલીજન્સ ક્ષેત્રે સંશોધન કરવા માટે એન્ડી રૃબીને 'પ્લેગ્રાઉન્ડ ગ્લોબલ'માં રોકાણ કર્યું છે. કંપની આર્ટીફિશીઅલ ઈન્ટેલીજન્સને હકીકતમાં બદલવા મેદાનમાં ઉતરી છે. એટલે જ કદાચ તેનું નામ 'પ્લેગ્રાઉન્ડ ગ્લોબલ' રાખવામાં આવ્યું છે. AI નો સીધો જ ફાયદો 'રોબોટીક્સ' ક્ષેત્રને થશે અને કદાચ... ભવિષ્યનાં 'રોબોટ' માનવીની સમકક્ષ પહોંચવાનાં સ્વપ્ન સેવે તો નવાઈ લાગશે નહીં !

લારી પેજ:- સિક્રેટ મિશન ઓફ ફલાઈંગ કાર્સ...

આજનાં ઈન્ટરનેટ યુગમાં 'ગુગલ' મોસ્ટ ટ્રસ્ટેડ બ્રાન્ડ બની ગઈ છે. જેની શરૃઆત સર્ગેઈ બ્રીન અને લોરેન્સ પેજ દ્વારા શરૃ થઈ હતી. લોરેન્સ પેજ, લારી પેજનાં હુલામણા નામે જાણીતા છે. તેમણે 'ગુગલ' પહેલાં આદ્ય કંપની 'આલ્ફાબેટ'ની સ્થાપના કરી હતી. બાળપણમાં 'લેરી' કોમ્પ્યુટર, સાયન્સ અને ટેકનોલોજીનાં મેગેજીનોનો ખડકલા વચ્ચે ઉછર્યો હતો. જેમાં તેને 'પોપ્યુલર સાયન્સ' વધારે ગમતું હતું. સ્ટેનફોર્ડ યુનીવર્સિટીમાંથી 'લારી' પેજ કોમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર ડીગ્રી મેળવી છે. ઈન્ટરનેટનાં પડદા પાછળ કામ કરતાં 'સર્ચ એન્જીન' શોધવામાં બ્રિન અને પેજનું દિમાગ કામ કરતું હતું. આજે ગુગલ લોકોનું મોસ્ટ ફેવરીટ ઈન્ટરનેટ સર્ચ એન્જીન છે.

બ્લુમબર્ગ બિઝનેશવીકની માહિતી પ્રમાણે લારી પેજે બે કંપનીમાં ખાનગી રીતે રોકાણ કર્યું છે. જેમાં ઝી એરો અને 'કીટી હોક'નો સમાવેશ થાય છે.
કંપનીનાં નામ પ્રમાણે બંને કંપની હવાઈક્ષેત્ર, કાર્યરત હશે તેવી ધારણા સામાન્ય માનવી કરી શકે છે. 'ગુગલ'ની લેબોરેટરીમાં અસંખ્ય પ્રોજેક્ટ ઉપર કામ થઈ રહ્યું છે પરંતુ, લારી પેજનો વિશેષ પ્રેમ 'ફલાંઈગ' કાર તરફ વધારે હોય તેવું માનવાનું મન થાય તેવાં પુરાવાઓ મળી રહ્યાં છે. ઝુકરબર્ગે બંને કંપનીમાં ભેગા મળીને ૧૦ કરોડ ડોલર રોક્યાં છે. ૨૦૧૦માં સ્થાપના પામેલ ઝી. એરો હેલીકોપ્ટર માફક સીધું જ ઉભી દીશામાં ઉંચે જઈ શકે (જેથી લાંબા રનવેની જરૃર પડે નહીં) તેવાં નાના કદનાં ઈલેક્ટ્રીક પ્લેન વિકસાવવામાં કાર્યરત છે. જે છેવટે 'ફલાઈંગ કાર'નું સ્વરૃપ હશે. 'ગુગલ'ની બગલમાં જ ઝી.એરો કંપનીનું હેડ કવાટર આવેલું છે. જેમાં ૧૫૦ લોકો કામ કરી રહ્યાં છે. હોલીસ્ટર ખાતે આવેલ એરપોર્ટ હેન્ગરની સુવિધા ક્ષેત્રમાંથી પ્રોટોટાઈપ- એરક્રાફ્ટનાં નિયમીત ફલાઈ ટેસ્ટ થયા કરે છે. ૨૦૧૫માં ગુગલની બાજુમાં 'કિટી હોક' નામની બીજી કંપની ચાલુ થઈ છે. રાઈટ બંધુઓએ તેમનાં પ્રથમ પ્લેન 'ફલાયર'નું ટેસ્ટીંગ નોર્થ કેરોલીનાનાં 'કિટી હોક' સ્થળે કર્યું હતું. એટલે કે 'એરોપ્લેન'ની દુનિયાની શરૃઆત અહીંથી થઈ હતી. લારી પેજની 'કીટી હોક'માં લારી પેજની કલ્પના કથા જેવી 'ફલાઈગ કાર્સ' તેમનાં પ્રગતિનાં માર્ગે આગળ વધી રહી લાગે છે

વરચ્યુઅલ રિઆલીટી:પુરાણી આંખોમાં નવી દુનિયા સાકાર થશે

Pub:19.06.2016

મોબાઈલ ફોનનાં આગમને દુનિયા બદલી નાખી છે. હવે એ જ સ્માર્ટ ફોન વરચ્યુઅલ રિઆલીટીને તમારી આંખો સામે નચાવતાં રહેશે.

આજથી બે દાયકા પહેલાં, વરચ્યુઅલ રિઆલીટી વિશે પહેલીવાર વાંચ્યુ હતું અને લેખ પણ લખ્યો હતો. આજે વરચ્યુઅલ રીઆલીટી, રીઅલ રિઆલીટી બનીને આપણાં હાથમાં આવી ગઈ છે. ટેક્નોલોજી તે સામાન્ય માનવી સુધી પહોંચતા બે દાયકા લાગ્યા છતાં, ભવિષ્ય હવે ઉજળું છે. મોબાઈલ ફોનનાં આગમને દુનિયા બદલી નાખી છે. હવે એ જ સ્માર્ટ ફોન વરચ્યુઅલ રિઆલીટીને તમારી આંખો સામે નચાવતાં રહેશે. યુટયુબ હવે ૩૬૦ ડિગ્રી વીડિયો પીરસવા લાગ્યુ છે.
ટૂંક સમયમાં યુટયુબ વીડિયો નીચે વરચ્યુઅલ રિઆલીટીનું ફન બટન પણ જોવા મળશે. ગુગલે 'વિઆર'ની દુનિયામાં કાર્ડ બોર્ડ 'વિઆર' બોક્ષ મુકીને વરચ્યુઅલરિઆલીટીને સરળ અને સસ્તી બનાવી દીધી છે. હવે સેમસંગ અને વોડાફોન જેવી કંપનીઓ પણ 'વિઆર હેંડસેટ' મોબાઈલ ફોન સાથે આપવા લાગી છે. સેમસંગ હવે માત્ર મોબાઈલ જ નહીં, ટેબલેટ પર મોટાં સ્ક્રીનમાં વરચ્યુઅલ રિઆલીટી માણી શકાય તેવાં હેડસેટ તૈયાર કરી રહ્યું છે. ભારતની ઓનલાઈન બીઝનેસ કરનારી કંપનીઓ કરતાં 'અલી એક્સપ્રેસ' જેવી પરદેશી કંપનીઓ સસ્તા ભાવમાં 'વિઆર હેડસેટ' આપી રહી છે. જો તમે વરચ્યુઅલ રિઆલીટીનું નામ પણ ન સાંભળ્યું હોય તો પણ હવે 'વિઆર' સાથે કદમ મિલાવવાનો સમય આવી ગયો છે.

વરચ્યુઅલ રિઆલીટી એટલે ખરેખર શું છે ?


જ્યારે વરચ્યુઅલ રિઆલીટીની વ્યાખ્યા આપવાની થાય ત્યારે, વરચ્યુઅલ અને રિઆલીટી બંને શબ્દોને ધ્યાનમાં લેવા પડે. 'વરચ્યુઅલ'નો અર્થ થાય નજીક, સામિપ્ય અને રિઆલીટી મતબલ વાસ્તવિકતાં. આપણા અનુભવજન્ય જગતને, જે ચીજ વાસ્તવિકતાની નજીક લઈ જાય તેને વરચ્યુઅલ રિઆલીટી કહે છે. જે 'વિઆર'નાં સ્ત્રોત પ્રમાણે દ્વી પરિણામ કે ત્રિ-પરીમાણ (3D) હોઈ શકે. જો કે વાસ્તવિકતાની વધારે નજીક જવું હોય તો થ્રિ-ડી વધારે આવશ્યક ગણાય છે. એક આખુ વર્તુળ પુરી કરીને એટલે કે ગોળ ચક્કર મારીને આજુબાજુની દુનિયા માણીએ તેવાં ૩૬૦ ડિગ્રી રેકોર્ડીંગ કરી શકે તેવાં વીડિયો કેમેરાં પણ આવી ગયા છે.
મનુષ્યને વાસ્તવિકતાનો ખરો અનુભવ ત્યારે જ થાય કે જ્યારે તેની પાંચેય ઈન્દ્રિયોને એક સાથે સંવેદન મળે. આજની વરચ્યુઅલ રિઆલીટી તમારી આંખ (દૃશ્ય ક્ષમતા) અને કાન (શ્રાવ્ય ક્ષમતા)ને કુત્રિમ રીતે સ્પંદનો આપી, વાસ્તવિકતાની નજીક લાવી મુકે છે. જેમ હવે હોલીવુડની સારી ફિલ્મો થ્રિ-ડીમાં બનવા લાગી છે, એ પ્રમાણે આવનારાં સમયમાં વરચ્યુઅલ રિઆલીટી આધારીત ફિલ્મો બનવા લાગશે. તમે માત્ર મુક પ્રેક્ષક નહીં, ઘટનાની વચ્ચે સાક્ષી સ્વરૃપે ઉભા છો. એ રીતે ફિલ્મ માણી શકશો. થ્રિ-ડી ફિલ્મ માણતી વખતે તમે જાણતા હોવ છો કે તમે થિએટરમાંજ બેઠા છો.૩ડી ફિલ્મમાં દૂર આવેલ ફિલ્મના પડદાની બારી બહાર બનાવ-ઘટના-એકશન બનતી તમે અનુભવતાં હતાં. હવે 'વિઆર' હેડ સેટ દ્વારાં તમારી આંખોની સામે માત્ર ચાર-છ ઈંચના અંતરે દૃશ્ય ભજવાતુ હશે ત્યારે એમ લાગશે કે તમે ખરેખર વરચ્યુઅલ વર્લ્ડમાં પ્રવેશી ચુક્યાં છો.
ટેકનીકલ ભાષામાં કહીએ તો, કોમ્પ્યુટર, સ્માર્ટ ફોન કે 'વિઆર' સેટની મદદથી ત્રી પરિમાણની દુનિયાનો આભાસ કરાવી શકે તેવું ડીજીટલ મિડીયા એટલે વરચ્યુઅલ રિઆલીટી. જો કે વૈજ્ઞાાનિકો માટે આ શબ્દ જુનો થઈ ગયો છે. તેઓએ 'વિઆર'ની જગ્યાએ 'વરચ્યુઅલ એન્વાયરમેન્ટ' શબ્દ વાપરી રહ્યાં છે. હજી આ ક્ષેત્રની શરૃઆત થઈ રહી છે. હજુ ઘણુ બધુ આવવાનું બાકી છે.

ઈતિહાસની આંખે નવી દુનિયા :

વરચ્યુઅલ રિઆલીટી, કેટલીક વાર ઇમર્સીવ મલ્ટી મીડિયા કે કોમ્પ્યુટર સીમ્યુલેટેડ રિઆલીટી તરીકે પણ ઓળખાય છે. ફ્રેન્ચ ભાષામાં ૧૯૩૮માં એન્ટોનીન આરટુડે પદાર્થ અને વ્યક્તિની ભ્રમણા કરાવે તેવી દુનિયાને આલેખતો નિંબધ લખ્યો હતો. જેનું ભાષાંતર ૧૯૫૮મા 'ધ થિએટર એન્ડ ઇટ્સ ડબલ' તરીકે થયું હતું. તેમાં પ્રથમવાર વરચ્યુઅલ (આભાષી) રિઆલીટી (વાસ્તવિકતા) શબ્દ જગતને મળ્યો હતો. ૧૯૭૦નાં દાયકામાં માયરોન ક્રુગરે 'આર્ટિફીશીઅલ રિઆલીટી' શબ્દ પ્રયોજ્યો હતો. ૧૯૮૨મા ડેમીઅન બ્રોડરીકે તેનાં સાયન્સ ફિકશન 'ધ જુડાસ મંડલ' માં 'વિઆર' વરચ્યુઅલ રિઆલીટીનો કન્સેપ્ટ અને શબ્દાર્થ વપરાયા હતાં. આધુનિક દુનિયામાં વરચ્યુઅલ રિઆલીટી શબ્દને લોકપ્રિય બનાવવાનો શ્રેય જેહોન લેનીયરને જાય છે. તેણે પોતાની કંપની વિપીએલ રિસર્ચ દ્વારાં આ 'શબ્દ' લોકજીભે રમતો મુકયો હતો.
જો કે વરચ્યુઅલ રિઆલીટીનાં વિચારબીજ અને કલ્પનાને સાકાર કરે તેવું પ્રથમ સાયન્સ ફિકશન, ટુંકી વાર્તા સ્વરૃપે સ્ટેન્લી વેનબામે ૧૯૩૫માં આપ્યું હતું. વાર્તાનું નામ હતું 'પિગ્મેલીઅન સ્પેક્ટેકલ્સ'. જેમાં આધુનિક વિજ્ઞાાનનો સંકલ્પનાને આકાર મળે તેવી કલ્પના હતી. આ સમયગાળામાં થ્રિડી દર્શાવે તેવા સ્ટીરીયો સ્કોપીક વ્યુ માસ્ટર લોકપ્રિય બનવા લાગ્યા હતાં. ભારતમાં પણ લોખંડના પતરાનાં બનેલ સ્ટીરીઓસ્કોપ મળતાં હતાં. જે ચાલીસી વટાવી ગયેલાં લોકોને યાદ હશે. ૧૯૭૦નાં દાયકામાં 'સેન્સોરમાં' નામનું ઉપકરણ બન્યું જે વરચ્યુઅલ રિઆલીટીનો લોકોને ખરેખર આભાસ કરાવતું હતું. ડગ્લાસ એન્જલ બોર્ટ એરફોર્સ માટે ફ્લાઈટ સ્ટીમ્યુલેટર બતાવીને કોમ્પ્યુટર ટેક્નોલોજીને વરચ્યુઅલ રિઆલીટીનો રંગ ચડાવવાનું કામ શરૃ કર્યું હતું. માથે પહેરી શકાય તેવાં હેડ ડિસ્પ્લેનો ઉપયોગ, ઈવાન સધરલેન્ડે અને બોબ સ્પ્રોલે ૧૯૬૮માં શરૃ કર્યો હતો. તેનું નામ હેડ માઉન્ટેડ ડીસપ્લે હતું. જે આજનાં 'વિઆર' બોક્ષનાં પૂર્વજ ગણાય. ત્યારબાદ સેગા, સોની જેવી કંપનીએ વીડિયો ગેમ્સમાં 'વિઆર'નો મનોરંજનનો 'મહાડોઝ' ઉમેરી દીધો હતો. સ્માર્ટ ફોન દ્વારાં તમે વર્ચ્યુઅલ રિઆલીટીમાં પ્રવેશ કરી શકશો. ૩૦૦ રૃપિયાથી માંડીને ૩૩૦૦૦ સુધીનાં 'વિઆર' હેડસેડ ડિસ્પ્લે હવે મળવા લાગ્યાં છે. તો મજા માણવાં તૈયાર થઈ જાવ.

ગુગલ અને આઈમેક્સ : મલ્ટીપ્લેક્સની દુનિયા બદલી નાખશે

મિકી માઉસનું બે-પરીમાણવાળુ એનીમેશન, જેને આપણે કાર્ટુન કહીએ છીએ. તેની શરૃઆત ૧૯૨૮માં થઈ હતી. આજે 3D ફિલ્મ ટેકનોલોજી આવી ગઈ છે. અત્યાર સુધી 'વરચ્યુઅલ રિઆલીટી' વ્યક્તિગત ધોરણે માણવામાં આવતી હતી. હવે લોકો એક સાથે સિનેમાઘરમાં બેઠા બેઠા ઇમરસીવ એક્સપીરીઅન્સ મેળવે તે માટે હવે બીગ સ્ક્રીન સીનેમાનાં પાયોનિઅર 'આઈમેક્સ' અને ઇન્ટરનેટનો સર્ચ એન્જીનનો બેતાજ બાદશાહ 'ગુગલ' હવે હાથ નહીં, ખભેખભા મિલાવી ફિલ્મોની દુનિયા બદલવા આગળ વધી ગયા છે. વોલ સ્ટ્રીટ જર્નલનાં જણાવ્યા પ્રમાણે વિશ્વનાં છ સ્થળે, વિવિધ પબ્લીક પ્લેસ અને શોપીંગ સેન્ટરમાં, આઈમેક્સ 'વિઆર એક્સપીરીઅન્સ' લોકોને આપી રહ્યું છે. ૩૬૦ ડિગ્રી થ્રીડી હાઇક્વૉલીટી કમ અલ્ટ્રા-હાઈ ડેફીનેશનવાળી વરચ્યુઅલ રિઆલીટી માટે ગુગલ અને આઈમેક્સ નવાં સ્ટાન્ડર્ડ સ્થાપી રહ્યાં છે.
આઈમેક્સ અને ગુગલે, નવા હાઈડેફીનેશન કેમેરા તૈયાર કર્યા છે. દિગ્દર્શક ક્રિસ્ટોફર નોલાન અને સ્ટારવોર્સનાં ડિરેકટર જે. જે. અબ્રાહમ માટે આઈમેકસ વિઆર ટેકનોલોજી હવે મહત્ત્વપૂર્ણ બની ગઈ છે. આઇમેક્સની નવી કેપ્ચર ટેકનોલોજી વડે 'ધ ડાર્ક નાઈટ' અને સ્ટારવોર્સ: 'ધ ફોર્સ અવકેન'ની કેટલીક સિકવલ્સ તૈયાર કરવામાં આવી હતી. આઈમેક્સનાં કેમેરાને ગુગલનાં ૩૬૦ ડિગ્રી થ્રીડી સોફ્ટવેર 'ગુગલ જમ્પ' સાથે જોડીને જબરદસ્ત વિઆર એક્સપીરીઅન્સ તૈયાર થશે. અત્યાર સુધી 'ગુગલ જમ્પ' ગો-પ્રોનાં કેમેરા સાથે કામ કરે તેવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યું હતું. આઈમેક્સે અત્યાર સુધી 2D, 3D, ફિલ્મ અને ડીજીટલ ફોર્મેટ માટે ખૂબ જ ઉત્કૃષ્ટ કામ કર્યું છે.
આઈમેક્સનું 'વિઆર એક્સપીરીઅન્સ' પહેલાં લોસ એન્જલસ અને ત્યારબાદ, ચાઈના અને બીજી જગ્યાએ શરૃ થશે. મલ્ટીપ્લેક્સમાં 'વિઆર'નાં અનુભવ ફિલ્મોને એક નવો આયામ આપશે. હવે આપણી બધી જ ઈન્દ્રિયો મનોરંજન-તનોરંજનમાં તરબોળ થઈ જશે.

૫૧ ડીગ્રી નોર્થ - પૃથ્વીનાં ભવિષ્યનાં ખતરાની ઘંટડી વગાડી રહી છે.

વિઆરની દુનિયા માત્ર મનોરંજન માટે સીમીત બની રહે તેવું નથી. વિજ્ઞાાનક્ષેત્રે 'વિઆર'નાં વિપુલ ઉપયોગો થાય તેમ છે. બિલ્ડીગ કન્સ્ટ્રકશન, આર્કીટેક્ચર, રમત જગત, તબીબી, કલા અને થિયેટર જેવાં ક્ષેત્રોમાં વરચ્યુઅલ રિઆલીટી મલ્ટી બીલીઅન ડોલર અને ઇન્ડસ્ટ્રીમાં ફેરવાઈ જાય તેમ છે. મોબાઈલ ફોન, લેપટોપ સ્ક્રીન થી માંડી આઈમેક્સનાં વિશાળ સ્ક્રીન પર વરચ્યુઅલ રિઆલીટીનો શૉ ભજવાઈ શકે તેમ છે.
વર્લ્ડ એસ્ટ્રોઈડ ડેનાં દિવસે વૈજ્ઞાાનિકોએ ૩૬૦ ડિગ્રીની ખાસ વિડીયો રજૂ કરી હતી. જેમાં પૃથ્વીની આસપાસ ખતરા સ્વરૃપે રહેલ ૫૦૦ જેટલાં ગુમનામ એસ્ટ્રોઈડ ને તેની ભ્રમણકક્ષામાં ફિલ્માવવામાં આવ્યા છે. બ્રાયન મે નામનાં અગ્રહરોળનાં વૈજ્ઞાાનિક કહે છે કે, 'પૃથ્વીને ભવિષ્ય માટે બચાવી રાખવી હશે તો, ૫૦૦૦ જેટલાં અંતરીક્ષમાં ફરતાં મોતની વણઝાર જેવાં ઉલ્કાંપીડને સતત નિગરાનીમાં રાખવા પડશે.
સ્કોટ મેન્લીએ પૃથ્વી નજીકનાં એસ્ટ્રોઈડને તેનાં સ્થાનની ગણતરી કરીને વરચ્યુઅલ સ્કાયનાં ગોળામાં ગોઠવ્યા હતાં. ત્યારબાદ તેની વરચ્યુઅલ રિઆલીટી બતાવવામાં આવી છે. જેને સ્માર્ટફોન, ટેબ્લેટ કે વરચ્યુઅલ વિન્ડો કે કાર્ડ બોર્ડવાળા 'વિઆર બોક્ષ' થી વાસ્તવિકતાની વધારે નજીક જઈ શકાય તેમ છે. આ વીડિયોને ઈન્ટરનેટ પર અપલોડ પણ કરવામાં આવી છે. જેમાં રહેલ એસ્ટ્રોઈડ નાઈટ સ્કાયમાં ચમકતાં તારાં જેવા દેખાય છે.
જુન ૩૦, ૧૯૦૮નાં રોજ સાઈબીરીયાનાં ટુંગુસ્કા પ્રાતમાં વિશ્વની સૌથી વિશાળ એસ્ટ્રોઈડ અથડાયો હતો. તેની શતાબ્દી પુરી થઈ ગઈ છે. આવી ઘટના પૃથ્વીનાં કોઈ પણ સ્થળે ભવિષ્યમાં બની શકે તેમ છે. ૩૦ જૂનનાં રોજ, ફિલ્મ ૫૧ ડીગ્રી નોર્થ, લંડનનાં સાયન્સ મ્યુઝીયમમાં આઈમેક્સ થિયેટરમાં દર્શાવવામાં આવશે. પૃથ્વીને ખરેખર જેનાથી ખતરો છે તેવી 'એસ્ટ્રોઈડ ઇમ્પેક્ટ'ની ઘટનાને વરચ્યુઅલ રિઆલીટીમાં જોઈને હૃદયનાં પાટીયા બેસી જાય તેમ છે.

Sunday 12 June 2016

પોપ્યુલેશન ઝીરો:પૃથ્વી પરથી મનુષ્ય અચાનક અદ્રશ્ય થઇ જાય તો.

PUB Date: 12.06.2016

 કલ્પના કથા કરતાં વધારે રોમાંચક ભવિષ્ય...

 તાજેતરમાં એક્સમેન: એપોકેલીપ્સ નામની ફિલમ ૩Dમાં રજુઆત પામી છે. એક્સમેનનાં ચાહકો અને સ્પેશીઅલ ઈફેક્ટના રસીકો માટે માણવા લાયક ફિલ્મ છે. ફિલ્મ એક પ્રકારની સાયન્સ ફિકશનને વાસ્તવિક વરચ્યુઅલ રિઆલિટીમાં લઇ જાય છે. ફિલ્મનું હાર્દ છે. પૃથ્વી પરથી સમગ્ર માનવ જાતને નેસ્તનાબુદ કરી નાખી, નવાં વિશ્વની શરૃઆત કરવાનું સ્વપ્ન, એક પીરામીડ કાળનો મહા મ્યુટન માનવી આ સ્વપ્ન સાકાર કરવા માગે છે ! સવાલ એ થાય કે જો ખરેખર પૃથ્વી પરથી સમગ્ર માનવજાતનું અસ્તિત્વ નાબુદ થઇ જાય તો, પછીનાં વર્ષોમાં પૃથ્વી ગ્રહની હાલત શું હોય ? અહીં એ સવાલ અસ્થાને છે કે સમગ્ર પૃથ્વીવાસી મનુષ્યનું અસ્તિત્વ ખતમ કઇ રીતે થઇ જાય ? તાજેતરમાં આ સવાલનો જવાબ આપતી વિડીયો યુટયુબ પર અપલોડ થઇ છે.
જે નેશનલ જીયોગ્રાફી ચેનલની વિડીયોને એડીટ કરીને રજુ કરવામાં આવી છે. ડેઈલી મેઈલ ન્યુઝ પેપરમાં એક સુંદર લેખ પણ આ બાબતે છવાયો છે. મનુષ્યનું  પૃથ્વી પર ભવિષ્ય હાલનાં તબક્કે ઊજળું છે. છતાં બે ઘડી માની લઇએ કે પૃથ્વી પરથી સમગ્ર મનુષ્ય પ્રજાતી નાશ પામી છે. (અન્ય સજીવો, પ્રાણીઓ જીવંત છે.) કાળક્રમે પૃથ્વી પર કેવાં ફેરફાર થાય ?

પોપ્યુલેશન ઝીરો:- એક નવતર કલ્પના

પૃથ્વીનું વૈશ્વિક તાપમાન વધી રહ્યું છે. જેને આપણે ગ્લોબલ વોર્મીંગ કહીએ છીએ. સાથે સાથે મનુષ્યની સંખ્યા પણ વધી રહી છે. આપણાં અસ્તિત્વ માટે જરૃરી સંશાધનો ઝડપથી ખૂટી રહ્યાં છે. તેનાં ઉપાય આપણે શોધી રહ્યાં છીએ. મનુષ્ય ગ્લોબલ વોર્મીંગ કે ન્યુક્લીયર વેપન્સની વધતી જતી સંખ્યાને રોકી શકતા નથી. ત્રાસવાદ વિશ્વ વ્યાપી બની રહ્યો છે. તેવાં સમયે ખ્યાતનામ વૈજ્ઞાાનિક સ્ટીફન હોકીંગે એક વર્ષ પહેલાં આપેલ વોર્નીંગ યાદ આવે છે. ''પૃથ્વીને ખાલી કરો અથવા નિકંદન કાઢી નાખવા તૈયાર રહો.'' મનુષ્ય નામનાં બધા જ ઈંડા, પૃથ્વી નામની એક 'ટોપલી'માં રાખવા સલામતી માટે ખતરો છે. મનુષ્ય રૃપી ઈંડાનું ભવિષ્ય 'અંતરીક્ષ'માં અન્ય સ્થળે સલામતી રહી શકે તેમ છે. આજે પૃથ્વી પર ૨૨,૬૦૦ જેટલાં ન્યુક્લીયર વેપન્સ છુટા છવાયા પડી રહ્યાં છે. જેમાંથી ૭૭૭૦ 'એક્ટીવ' અવસ્થામાં છે. મનુષ્ય પોતાનુ અસ્તિત્વ ખતમ નહીં કરે તો, ૭.૬૦ અબજ વર્ષ બાદ, સુર્ય વિસ્તાર પામીને પૃથ્વીને ગળી જવાનો છે.
૨૦૦૭માં એલન વેઇસમાને ''ધ વર્લ્ડ વિધાઉટ અસ'' નામનું પુસ્તક લખ્યું હતું. જેમાં મનુષ્ય પૃથ્વી પરથી લુપ્ત થઇ જાય તો, પૃથ્વીનાં કુદરતી અને માનવ સર્જીત પર્યાવરણમાં શું ફેરફાર થાય તેનો ચિતાર હતો. આ પુસ્તકનાં ટાઇટલ પરથી જ ડિસ્કવર મેગેઝીનમાં, એક લેખ ''અર્થ વિધાઉટ પીપલ'' નામે પ્રકાશિત થયો હતો. આ પુસ્તક ન્યુયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલર પુસ્તકનાં લીસ્ટમાં છઠ્ઠું રહ્યું હતું. જ્યારે ટાઇમ અને એન્ટરટેઇનમેન્ટ વિકલીનાં ટોપ ટેન નોન-ફીકશન લીસ્ટમાં પ્રથમ રહ્યું હતું. ૨૦ સેન્ચ્યુરી ફોકસે પુસ્તક પરથી ''ફિલ્મ'' બનાવવાનાં હક્કો ખરીદી રાખ્યા છે.
આ પુસ્તક પરથી પ્રેરણા લઇને, 'આફટર મેથ: ધ વર્લ્ડ આફટર હ્યુમન્સ' નામની કેનેડીઅન ડોક્યુમેન્ટરી બની હતી. જે નેશનલ જીયોગ્રાફી પર રજુઆત પામી હતી. હિસ્ટ્રી ચેનલે ''લાઇફ આફટર પીપલ'' બનાવી હતી. જે એક વરવો ચિતાર બતાવે છે. દરેક ધર્મમાં માન્યતા છે ''જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ નક્કી છે.'' જેને સામુહીક ધોરણે મનુષ્યજાતિને પણ લાગુ પાડી શકાય. પૃથ્વી પરથી શક્તિશાળી ડાયનાસૌરનો યુગ આથમી ગયો હતો. મનુષ્યનો યુગ પણ આથમી શકે છે. જો આવું બને તો લાખો વર્ષ બાદ પૃથ્વી પર મનુષ્યનાં અવશેષોનું કોઇ નામોનિશાન રહે નહીં. વિધિની વિચિત્રતા એવી હશે કે ''જ્યાં મનુષ્ય જન્મ્યો હતો. ત્યાં પૃથ્વી પર તેનાં અસ્તિત્વનાં પુરાવાઓ બચ્યા નહીં હોય ત્યારે, પૃથ્વીથી ૩.૮૫ લાખ કી.મી. દૂર આવેલ ચંદ્ર તેની ભૂમિ પર મનુષ્યનાં ચંદ્ર પર ઉતરવાની ઘટનાનાં  પગલાં સાચવીને બેઠો હશે.''

મનુષ્યનાં અસ્તિત્વ સામેનો મોટો ખતરો: ''ઈવેન્ટ ઝીરો''

મનુષ્યનાં પૃથ્વી પરથી નામશેષ થવાની ઘટના માટે વિજ્ઞાાને નવો શબ્દ શોધવો પડશે. જેને 'ઈવેન્ટ ઝીરો' તરીકે અથવા 'પોપ્યુલેશન ઝીરો' તરીકે લઇ શકાય. પ્રચલીત ભાષામાં એપોકેલીપ્સ, ડુમ્સ ડે, કયામતનો દિવસ વગેરે શબ્દો વપરાય છે. બુક ઓફ રિવેલેશનમાં એપોકેલીપ્સ શબ્દ વપરાયો છે. જેનો અર્થ થાય ''દુનિયાનો સંપૂર્ણ વિનાશ'' જે કોઇ મોટી ઘટના સ્વરૃપે જોવામાં આવે છે. પૃથ્વી પર સંપૂર્ણ વિનાશની ઘટના માટે જવાબદાર યુધ્ધ કે તકરાર માટે સુંદર શબ્દ છે. જેને અગ્રેજીમાં ''આર્માગેડ્ડોન'' કહે છે. એપોકેલીપ્સ, ડુમ્સ ડે કે આર્માગેડ્ડોન સાયન્સ ફિકશન માટેનો લોકપ્રિય વિષય છે. જો કે આ બધા પાછળ ખરેખર કોઇ સચોટ 'સાયન્ટીફીક થિયરી' મનુષ્યને  આવનારાં  ખતરાથી અવગત કરે છે.
પૃથ્વી પર મનુષ્ય કે સજીવોનાં અસ્તિત્વનું નિકંદન નિકળી જાય તેવી ઘટના માટે અનેક કારણો અને ઘટનાને વૈજ્ઞાાનિકો આગળ ધરે છે. આવી ઘટના વિશે વિચારીએ તો... મનુષ્યનું અસ્તિત્વ પૃથ્વી પરથી લુપ્ત થઇ શકે છે. જેમ કે...
- પૃથ્વી પર કોઇ વિશાળકાય એસ્ટ્રોઇડ અથડાય અને, ડાયનોસૌરની માફક મનુષ્ય લુપ્ત થઇ શકે છે,.
- એચઆઇવી અને બીજા કેટલાંક વાયરસ છે. જેનાથી ફેલાતી મહામારીથી બચવાનાં  ઉપાય  ન થાય તો માનવી નામશેષ થઇ શકે છે.
- ત્રીજું વિશ્વ યુધ્ધ, પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ મનુષ્યની ભવિષ્યની આશા પર પૂર્ણવિરામ મૂકી શકે છે.
- ગ્લોબલ વોર્મીંગ અને આબોહવાનાં ફેરફારો સમગ્ર મનુષ્ય જાતિને ભરખી શકે છે. ભારતની સિંધુ ખીણની સભ્યતાનો અંત પણ આવી ઘટનાને કારણે થયેલો નિષ્ણાંતો માને છે.
- આવનારા ભવિષ્યમાં રોબોટ, આર્ટીફીશીઅલ ઈન્ટેલીજન્સ વગેરે મનુષ્યનું નામનિશાન મિટાવી દેવા શક્તિમાન બની શકે છે.

ટાઈમ લાઈન: ફાસ્ટ ફોરવર્ડ ફ્યુચરની દિશામાં

ભવિષ્યની કલ્પના હંમેશા રંગીન જ હોય એવું કોણે કહ્યું! કલ્પના કરો કે ન્યુક્લીઅર વોર થયું નથી છતાં, પૃથ્વી પરનાં બધા જ મનુષ્ય પૃથ્વી પરથી અચાનક અદ્રશ્ય થઈ જાય છે. સેકન્ડના ક્ષણાર્ધમાં પૃથ્વી પર એકપણ મનુષ્ય બચ્યો નથી. આવા સમયે પૃથ્વી પર શું થઈ શકે? ટાઈમ લાઈન ધ્વારા હમેશાં ભુતકાળથી વર્તમાન તરફ અવાય છે. અહીં વર્તમાનથી ભવિષ્ય તરફ જતી ટાઈમ લાઈન પર નજર નાંખીએ... યાદ રહે હવે પૃથ્વી પર એકપણ માનવી બચ્યો નથી.
એક સેકન્ડથી ૧૦ દિવસ
માનવ કંટ્રોલ વિહીન વાહનો નિયંત્રણ ગુમાવી અથડાઈ પડશે. રસ્તાઓ સ્થીર થઈ જશે. એરપ્લેન ફેલ થઈ જશે. ચાલુ ઉભેલી કાર ધુમાડા કાઢતી રહેશે. જ્યાંથી ફ્યુઅલ છે ત્યાં સુધી કાર ચાલુ રહેશે. કોમ્પ્યુટર અને સેટેલાઈટ કાર્યરત રહેશે.
૫૫ મિનીટ બાદ
પવનચક્કી દ્વારા વૈકલ્પિક ઉર્જા સ્ત્રોત કામ કરતાં બંધ થઈ જશે. પાવર સ્ટેશનનાં કોમ્પ્યુટર સીસ્ટમમાં ખરાબી સમજીને સીસ્ટમ શટડાઉન થઈ જશે. માત્ર ન્યુક્લીઅર પાવર પ્લાન્ટ અને હાઈડ્રોઈલેક્ટ્રીક પાવર પ્લાન્ટ માત્ર ચાલુ રહેશે. છ કલાકની અંદર અંદર પૃથ્વી પરની તમામ કૃત્રિમ રોશની બુઝાઈ જશે.
૧-૨ દિવસ બાદ
લંડનનાં બિગબેન ટાવરના છેલ્લા ટકોરા સંભળાશે. પ્રાણી સંગ્રહાલય જ્યાં ઈલેક્ટ્રીક ફેન્સીંગ પાછળ રહેલ જાનવરો હવે ભાગવાની કોશિશ કરશે. ન્યુયોર્ક લંડન જેવી સબવે સીસ્ટમમાં પાણીના પંપ બંધ થઈ જતાં સીસ્ટમ પાણીથી ભરાઈ જશે. પાલતુ પ્રાણીઓ ખોરાકની શોધમાં રસ્તા પર આવી જશે. ગાય ભેંસોને પુરતો ખોરાક ન મળતાં ખોરાક માટે ટળવળશે.
સાત દિવસ બાદ
ન્યુક્લીઅર રિએક્ટરને ઠંડુ રાખવા પાણી ધકેલતાં ઈમરજન્સી ડિઝલ પંપ બળતણના અભાવે બંધ પડશે. ફુકુશીમા જેવા વિસ્ફોટ પાવર પ્લાન્ટમાં થતાં જોવા મળશે. વાતાવરણમાં રેડિયેશન ફેલાશે.
ત્રણ મહિના બાદ
હવામાં રહેલુ રેડિયેશન અદ્રશ્ય થઈ ગયું હશે. હવાની ગુણવત્તા અને દ્રશ્ય ક્ષમતામાં વધારો થયો હશે. બચેલાં પાલતુ પ્રાણીઓ સુપર માર્કેટ અને ગ્રોસરી સ્ટોરમાં રહેલાં ઉંદરનો શિકાર કરી અસ્તીત્વ ટકાવવા પ્રયત્નશીલ રહેશે.
એક વર્ષ બાદ
વરસાદમાં પૃથ્વી સ્વચ્છ બની ગઈ હશે. નવી વનસ્પતિ અને વૃક્ષો કાર્બન ડાયોક્સાઈડ દુર કરશે. ઠેર ઠેર ઘાસ અને લીલોતરી ઉગેલી દેખાશે.
૩ થી ૧૫ વર્ષ બાદ
સમારકામ વિના રોડ પર વારંવાર બરફ જામવાથી તેમાં તિરાડો પડી ગઈ હશે. ઘરનાં બગીચામાં નવાં વૃક્ષો ઉગી ચુક્યા હશે. મકાનો અને બાંધકામ પરના રક્ષાત્મક કવચ, રંગ વગેરે દુર થઈ પૃથ્વી ખંડેર બની ગઈ હશે. ધાતુ ખવાઈ ગઈ હશે.
૩૦ વર્ષ બાદ
સૌર પવનોથી ક્ષતીગ્રસ્ત થયેલાં કૃત્રિમ ઉપગ્રહ ખરતાં તારાઓ માફક પૃથ્વી પર એકપછી એક તુટી પડશે. મકાનોના રૃફ ટોપ અને છાપરાં તુટી ગયા હશે. બહુમાળી બિલ્ડીંગોમાં સમડી, કાગડા, ગરૃડ જેવાં માળા બાંધતા હશે. શહેરોમાં હવે મોટાં જંગલી પ્રાણીઓ પણ ફરતા જોવા મળશે.
૩૦૦ વર્ષ બાદ
જંગલો દસ હજાર વર્ષ પહેલાંની સ્થિતિમાં આવી ગયા હશે. સમુદ્રમાં રહેલું જીવજગત વિકાસ પામી વિસ્તરી ગયું હશે. વિશ્વનાં મોટાં મોટાં બંધ હવે તુટી ગયા હોવાથી નદીઓ બેફામ વહેતી હશે.
૫૦૦ વર્ષ બાદ:
એફીલ ટાવર, સ્ટેચ્યુ ઓફ લિબર્ટી, સ્ટેચ્યુ ઓફ યુનીટી જેવાં માનવસર્જીત બાંધકામ તુટીને ભૂમી ભેગા થઈ ગયા હશે. પૃથ્વી બાંધકામ વિનાની ખડકાળ બની ગઈ હશે. વનસ્પતિ જગત તેની ચરમસીમા પર પહોંચ્યું હશે.
૨૫ હજાર વર્ષ બાદ:
વિશ્વનાં મોટાં શહેરો ઉપર ધુળ જામી ગઈ હશે. ફરી એકવાર આઈસએજ 'શીતયુગ'ની શરૃઆત થઈ ગઈ હશે. મનુષ્ય સર્જીત પ્લાસ્ટીકનાં ટુકડા માત્ર મનુષ્યની પૃથ્વી પરની હાજરી બતાવતા બચ્યા હશે. પૃથ્વીની માટીમાં રહેલ સીસાનાં અવશેષો નષ્ટ થઈ ચુક્યા હશે.
એક લાખ વર્ષ બાદ:
કાર્બન ડાયોક્સાઈડનું વાતાવરણમાં પ્રમાણ મનુષ્યનાં અસ્તીત્વ પહેલાંનાં લેવલે પાછું આવી ચુક્યું હશે.
અઢી લાખ વર્ષ બાદ:
પૃથ્વી પરનાં પરમાણુ શસ્ત્રોનાં ધાતુનાં કવર તો ક્યારનાય ખવાઈને નષ્ટ થઈ ચૂક્યા હશે. હવે પ્લુટોનીયમ અને બીજા રેડીયો એક્ટીવ પદાર્થો પૃથ્વીનાં કુદરતી બેકગ્રાઉન્ડ રેડિયેશનમાં સમાઈ ગયા હશે.
૩ અબજ વર્ષ
પૃથ્વી પર કલ્પના પણ કરી ન હોય તેવાં સજીવોનો મેળાવડો પેદા થયો હશે. પૃથ્વી પર કોનું આધિપત્ય હશે તે કહેવું મુશ્કેલ હશે.

મનુષ્યનાં અસ્તિત્વ લોપની ઘટના સમયે ''ઝોમ્બી વૉર'' ફાટી નિકળે તો...?

પૃથ્વી પરથી મનુષ્યનું અસ્તિત્વ નાબુદ થઇ જાય ત્યારે, મનુષ્યની લાશોનું શું થાય ? કલ્પના કથા કે 'હોરર' ફિલ્મનાં કેરેકટર ''ઝોમ્બી'' ને અહીં પુનઃ જીવન આપી શકાય. મડદાને ફરી સજીવ કરીને પેદા કરેલ માનવી એટલે ''ઝોમ્બી''. અંગ્રેજીમાં પ્રથમવાર 'ઝોમ્બી' શબ્દ ૧૮૧૯માં દાખલ થયો હતો. જેને રોબર્ટ સાઉધી નામનાં બ્રાઝીલનાં કવિએ જન્મ આપ્યો હતો. ઓક્સફોર્ડ યુનિવર્સિટી શબ્દનાં મુળીયા આફ્રિકાનાં કોન્ગોના 'ઝામ્બી' અને 'ઝુમ્બી' હોવાનું જણાવે છે. ઘણી હોલીવુડ ફિલ્મમાં તમે 'ઝોમ્બી' જેવાં કેરેકટર કે સ્ટોરી જોઇ હશે. જેમાં ડોન ઓફ ડેડ, ધ નાઇટ ઓફ લીવીંગ ડેડ વગેરેનો સમાવેશ થાય છે. તેમાં પણ ગળામાંથી વિચિત્ર અવાજ કાઢે છે. એકબીજાને ખેંચીને ચીરવાનો પ્રયત્ન કરે છે. અને મનુષ્યનું મગજ શોધીને ખાવાનો પ્રયત્ન કરે છે. તેઓ આવું શા માટે કરે છે ?
વૈજ્ઞાનિકો 'ઝોમ્બી' અવસ્થાને ''કોન્સીયસ ડેફીસીટ હાઇપોએકટીવીટી ડિસઓર્ડર CDHD) નામનો માનસિક રોગ જવાબદાર ગણે છે. જેના કારણે તેઓ પોતાની ક્રિયા, પ્રક્રિયાઓ ઉપર નિયંત્રણ ગુમાવી દે છે. આવા ઝોમ્બી  એટેકથી બચવા શું કરવું જોઇએ.
હુમલો કરવો નહીં
ઝોમ્બીને દર્દ કે વેદનાનો અહેસાસ થતો નથી એટલે તેનાં પર હુમલો કર્યા વગર ભાગી છૂટવું વધારે હિતાવહ સાબિત થાય.
શાંત રહેવું
CDHD વાળા મનુષ્યની યાદદાસ્ત ઓછી હોય છે. તેઓ એક ચીજ પર પૂરતું ધ્યાન કેન્દ્રીત કરી શકતા નથી. જો આવા સમયે તમે સંતાઇને શાંત રહો તો તેમનું ધ્યાન ચુકવી શકાય છે.
તેમનું ધ્યાન બીજે દોરવું
ઝોમ્બી પોતાનું ધ્યાન એવી જ ચીજ પર લાંબુ ટકાવી શકતા નથી. આ વાતને ધ્યાનમાં લઇ તેનું ધ્યાન અન્ય ચીજ પર દોરવું જોઇએ. જેમકે ફટાકડા ફોડવા વગેરે.
વાર્તાલાપ ન કરવો
CDHD નાં રોગીનો ભાષા પ્રત્યેનો અભિગમ શૂન્ય જેવો હોય છે. તેઓ આપણો વાર્તાલાપ કે બચાવ સમજી શકતા નથી. તેમનાં માટે 'ફાઇટ' અને 'ગુસ્સો' મુખ્ય બાબત છે. તેથી વાર્તાલાપ કરવાનો  નિષ્ફળ પ્રયત્ન કરવો નહીં.
ઝોમ્બીની મિમીક્રી કરો
ઝોમ્બી એકબીજાને ચહેરાથી ઓળખતા નથી. તેઓ તેમની હલનચલન પ્રક્રિયા અને અવાજથી એકબીજાને ઓળખે છે. એટલે ઝોમ્બી હોવાની એક્ટીંગ કે મીમીક્રી કરી તમે બચી શકો છો. CDHD શબ્દને ટીમોથી વર્સ્ટીનેબ અને બ્રેડ વોયટેકે પ્રથમવાર વાપર્યો હતો.

Sunday 5 June 2016

રીયુઝેબલ લોંચ વેહીકલ : ભારતનાં ''સ્પેશ શટલ યુગ'' નો સૂર્યોદય !

 Pub.Date: 05.06.2016

 - અંતરીક્ષ ઇતિહાસમાં પહેલીવાર, ઇસરોનાં રોકેટ પર ડેલ્ટાવિંગ ધરાવતું 'સ્પેસ પ્લેન'

ભારતની અંતરીક્ષ સંસ્થા 'ઇસરો'ને પાંખો ફૂટી છે. ઇસરો એ ભારતીય ઇતિહાસમાં પ્રથમવાર ડેલ્ટા વિંગ ધરાવતાં સ્પેસ વેહીકલનું પ્રથમવાર લોંન્ચ કર્યું છે. આ લોંચ વેહીકલ રીયુઝેબલ લોન્ચ વેહીકલ (RLV) તરીકે ઓળખાય છે. તેની ટેકનોલોજીનાં નિર્દશન (ડેમોસ્ટ્રેશન)નો પ્રથમ પ્રયોગ ઇસરોએ કર્યો છે. આ પ્રયોગ RLV-TD તરીકે ઓળખાય છે. મીડીયાએ તેને ભારતનાં પ્રથમ સ્પેસ શટલ તરીકે ઓળખાવ્યું છે. ઇસરો આ ડેમોસ્ટ્રેશનને અંતિમ હનુમાન કુદકાની શરૃઆત માટેનું ''બેબી સ્ટેપ'' તરીકે ઓળખાવે છે. યાદ રહે કે પ્રયોગ માટે વપરાયેલ વેહીકલ ફાઇનલ ડિઝાઇનનું સ્કેલ ડાઉન કરેલ વર્ઝન છે. જેનું કદ આપણાં સ્પોર્ટ્સ યુટીલીટી વેહીકલ (SUV) કાર જેટલું છે. વિશ્વ-આખામાં સ્પેસ શટલનો યુગ ૨૦૧૧માં આથમી ગયો છે. જ્યારે ઇસરો માટે સ્પેસ શટલ યુગનો સૂર્યોદય થઇ રહ્યો છે. સ્પેસ શટલ નામ પડે એટલે નાસાનાં સ્પેસ શટલ યાદ આવી જાય એ નિશ્ચિંત વાત છે. પરંતુ હાલનાં તબક્કે ભારતનો RLV અને સ્પેસ શટલની સરખામણી અસ્થાને છે. નાસાએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર વારંવાર આવવા-જવા માટે સ્પેસ શટલ વિકસાવ્યું હતું. જ્યારે ભારત ઉપગ્રહ લોંચીંગની કિંમત ઘટાડવા માટે RLV વિકસાવી રહ્યું છે. ભારત પાસે પોતાનું કોઈ સ્પેસ સ્ટેશન છે નહીં!

રિયુઝેબલ લોંન્ચ વેહીકલ ટેકનોલોજી ડેમોસ્ટ્રેશન બનાવના બેક ગ્રાઉન્ડમાં

વિશ્વ આખામાં 'સ્પેસ શટલ' ઉડાવવાનું અને વારંવાર તેને વાપરવાનો એકમાત્ર રેકોર્ડ અમેરીકા અને તેની અંતરિક્ષ સંસ્થા 'નાસા' ધરાવે છે. રશિયાએ માત્ર એકવાર તેનાં સ્પેસ શટલની માનવ રહીત 'ફલાઇટ' ઉડાડીને શાંત પડી ગયું હતું. કહો કે ત્યારબાદ 'બુરાન' શો-પીસ બની ગયું હતું. યુરોપીઅન સંઘે ૧૯૮૭માં હર્મીસ સ્પેસ પ્લેનનો પ્લાન મંજુર કર્યો હતો. જે ભંડોળનાં અભાવે ૧૯૯૨માં કેન્સલ કરવામાં આવ્યો હતો. આ રીતે જાપાને પોતાનાં સ્પેસ શટલને ૨૦૦૩માં કચરા ટોપલીનાં હવાલે કરી નાખ્યું હતું. ભારત પાસે પોતાનું સ્પેસ શટલ નથી. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં પોતાનું આગવું મોડયુલ પણ નથી. ભારતીય વૈજ્ઞાાનિકોને ISS  પર પહોંચાડવાની આવશ્યકતા નથી. આવા સમયે ઇસરોએ ''આરએલવી'' પ્રોજેક્ટને સપાટી પર લાવતાં આશ્ચર્ય જરૃર થાય તેમ છે. નાસાએ છેલ્લાં ત્રીસ વર્ષમાં ૧૩૫ મિશન અંતરીક્ષમાં લોંચ કર્યા હતાં. મતલબ કે વર્ષે દહાડે ૪.૫૦ વાર સ્પેસ શટલનું ઉડ્ડન થયું હતું.
૨૦૧૧માં સ્પેસ શટલનો યુગ આથમી ગયો ત્યારે ૨૦૯ અબજ ડોલરનો ખર્ચ કરી ચૂક્યું હતું. જેમાં સ્પેસ શટલ ઉડાડવાનો પ્રતિ ફલાઇટ ખર્ચ ૧.૫૦ કરોડ ડોલર (આજની તારીખે ૧૦ હજાર કરોડ રૃપિયા) થાય. જેની સરખામણીમાં ભારતે તેનાં પ્રોટોટાઇપ RLV વિકસાવવા માટે માત્ર ૯૦ કરોડનો ખર્ચ કર્યો છે. આરએલવીને કાર્યાન્વિત કરવાની કિંમત આવતાં દસ વર્ષમાં ઘટાડવાની વૈજ્ઞાાનિકો મુખ્ય મનીષા છે. એક અંદાજ માટે  PSLV નાં એક ઉડ્ડયન પાછળ રૃા. ૧૨૦ કરોડનો ખર્ચ થાય છે. જ્યારે GSLV નું ઉડ્ડયન રૃા. ૧૭૦ કરોડમાં પડે છે. RLV  નું ઉડ્ડયન આ બંને ઉડ્ડયન કરતાં વધારે મોંઘુ પડશે એવો નિષ્ણાંતોનો દાવો છે. નાસાએ તેનાં રિ-યુઝેબલ વેહીકલ, જે એક્સ-૩૩ નામે ઓળખાતું હતું. તે પ્રોજેક્ટને અભરાઈ ઉપર ચડાવી દીધો હતો. કારણ કે તેનાં વિકાસ માટે નાસાએ ૧.૩૦ અબજ ડોલર ખર્ચ્યા હતાં.
વિશ્વ હવે સ્પેસ શટલનાં સ્થાને રિ-યુઝેબલ રોકેટ કે વિકસાવી રહ્યાં છે. સ્પેસ એક્સ નામની કંપની બે વાર રોકેટનાં પ્રથમ અને બીજા તબક્કાને ફરીવાર વાપરવા માટે પાછાં મેળવી ચૂક્યું છે. આ આર્થિક વિશ્વમાં આવનારાં સમયમાં ભારતીય સ્પેસ શટલ કેવો રંગ લાવે છે કે સફળ થાય છે તે આવનારો 'સમય' બતાવશે.

ભારતીય સ્પેસ શટલનું 'પ્રોટોટાઇપ'

જાન્યુઆરી ૨૦૧૨માં નેશનલ રીવ્યુ કમિટીએ ઇસરોનાં રિ-યુઝેબલ લોંગ વેહીકલનો પ્લાન મંજુર કરાવ્યો હતો. જેનો મુખ્ય મકસદ તો અર્થ ઓરબીટમાં ઓછી કિંમતે 'પેલોડ' ગોઠવવાનો હતો. હાલના સમયે એક કિ.ગ્રા. પે લોડને અંતરીક્ષમાં ગોઠવવાનો ખર્ચ ૨૦ હજાર ડોલર આવે છે. જો ભારતનું સ્પેસ શટલ તૈયાર થઈ જશે તો, ખર્ચ ૮૦% ઓછો આવવાની સંભાવના છે. ભારતીય સ્પેસ શટલ સંપૂર્ણ કાર્યરત થતાં ૧૦ થી ૧૫ વર્ષ લાગે તેમ છે. ફાઇનલ વર્ઝન તૈયાર થાય તે પહેલાં ઇસરો RLV-TD નાં પાંચ પરીક્ષણ કરશે. જેમાંનું પ્રથમ પરીક્ષણ ૨૩ મેનાં રોજ પૂર્ણ થયેલ છે. આ પરીક્ષણ હાઇપર સોનીક ફલાઇટ એક્સપરીમેન્ટ એટલે કે (HEX) સંબંધી હતું.
ભારતની વિવિધ IITS અને ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ, વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર, અને નેશનલ એરોનોટીક્સ લેબોરેટરીનાં ઇજનરોએ સાથે મળીને ડિઝાઇન તૈયાર કરી છે. ૭૫૦ જેટલાં ઇજનેરોએ  RLV-TD નાં સ્કેલડાઉન વર્ઝન તૈયાર કરવામાં પરસેવો પાડયો છે. તૈયાર થયેલ પ્રોટોટાઇપને વિન્ડ ટનલમાં ૧૨૦ કલાક ઉડાડીને ચકાસવામાં આવ્યું છે. પ્રોટોટાઇપને અંતરીક્ષમાં ટેસ્ટ માટે મોકલતાં પહેલાં કોમ્પ્યુટેશનલ ફલુઇડ ડાયનેમિક્સ ચકાસવા પાંચ હજાર કલાક અને ફલાઇટ સિમ્યુલેશન માટે એક હજાર કરતાં વધારે પરીક્ષણ કરવામાં આવ્યાં હતાં.
પ્રોટોટાઇપનું વજન પોણા બે ટન, પાંખોની લંબાઈ ૩.૬૦ મીટર અને ઓવરઓલ લંબાઈ ૬.૫૦ મીટર છે. વેહીકલ અંતરીક્ષમાંથી વાતાવરણમાં પ્રવેશે તે માટે તેનાં આગળનાં નાકવાળા ભાગ અને આજુબાજુનું ઉષ્મા-ગરમી સાથે રક્ષણ આપે તેવી ૬૦૦ ટાઇલ્સ લગાડીને હિટ-શીલ્ડ તૈયાર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ડેલ્ટા વિંગ અને ટેઇલ ફીન પર પણ ખાસ હિટશીલ્ડ આવરણ લગાડવામાં આવ્યું છે. આ આખા પ્રોજેક્ટની ધન રાશી રૃા. ૯૫ કરોડ જેટલી ખર્ચાશે. નાસાનાં એક સ્પેસશટલની ફલાઇટની કિંમત અને ખર્ચ કરતાં ભારતનાં અંતરીક્ષ પ્રોજેક્ટનો ખર્ચ ઓછો છે. નાસાનાં છેલ્લાં સ્પેશ શટલ ઉડયનોનો ખર્ચ એક અબજ ડોલર આવતો હતો. તેની સામે આપણાં સમગ્ર અંતરીક્ષ કાર્યક્રમનું કુલ વાર્ષિક બજેટ પણ એક અબજ ડોલર નથી.

હાઇપર સોનીક ફલાઇટ એક્સપરીમેન્ટ : હનુમાન કુદકા માટેનું પ્રથમ ''બેબી સ્ટેપ''

મદ્રાસથી ઉત્તરે ૮૦ કિ.મી. દૂર આવેલાં શ્રી હરીકોટાનાં સતીશ ધવન અંતરીક્ષ કેન્દ્રથી હાઇપર સોનીક ફલાઇટ એક્સપરીમેન્ટની શરૃઆત થઈ હતી. સવારે સાત વાગે પ્રોટોટાઇપને સબઓરબીટલ ફલાઇટમાં પહોંચાડવામાં આવ્યું હતું. પ્રોટોટાઇપને ત્યાં સુધી પહોંચાડવા, ભારતના PSLV  માં વપરાતાં સોલીડ સ્ટેજ ફયુઅલ બુસ્ટર (HS9 બુસ્ટર)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આખી ટેસ્ટ ફલાઇટ ૭૨૦ સેકન્ડ ચાલી સમાપ્ત થઇ હતી. જેમાં ૪૫૦ કીમીનું અંતર કાપ્યું હતું. ૫૦ કિ.મી.ની ઊંચાઇએ પહોંચતાં જ બુસ્ટર રોકેટ અને પ્રોટોટાઇમ વેહીકલ અલગ થઈ ગયા હતાં. ત્યારબાદ પ્રોટોટાઇમ વેહીકલ ૬૫ કિ.મી.ની ઉંચાઇએ પહોંચીને નિર્ધારીત ટ્રેજેક્ટરી માર્ગ પર રહીને, નિર્ધારિત પરીક્ષણો પુરા કર્યા હતાં.
વેહીકલની આ હાઇપર સોનીક ફલાઇટ હતી. અવાજની ઝડપ કરતાં લગભગ પાંચ મેક સુધી વેહીકલ પહોંચ્યું હતું. ચોક્કસ આંકડો જોઈતો હોય તો ઝડપ ૪.૭૮ મેક હતી. વાતાવરણમાં પુનઃ પ્રવેશ વખતે ઝડપ ૪.૦ મેકની રહી હતી. આ પરીક્ષણમાં ઇસરો નીચેની સીસ્ટમ ચકાસવા માંગતું હતું.
* હાઇપર સોનીક ફલાઇટમાં વિંગ ડિઝાઈનની એરો-થર્મોડાઇનેમિક્સ લાક્ષણિકતાઓ.
* દીશા શોધન-નૌકાનયનની સ્વયં સંચાલિત પ્રણાલી.
* ગાઇડન્સ અને કંટ્રોલ (માર્ગદર્શન અને સંચાલન)
* સમગ્ર ઉડ્ડયન દરમ્યાન ઇન્ટીગ્રેટેડ ફલાઇટ મેનેજમેન્ટ
* વાતાવરણ પ્રવેશ વખતે થર્મલ પ્રોટેકશન સીસ્ટમની ચકાસણી.
પરીક્ષણ દરમ્યાન બધા જ પરીક્ષણમાં ઇચ્છીત પરિણામો મેળવીને પ્રોટોટાઇપ વેહીકલ સફળ રહ્યું હતું. સામાન્ય રીતે સ્પેસ શટલને ઉતરાણ કરવા માટે પાંચ કિ.મી. લાંબો રનવે જોઈએ છે. ભારતનાં કોઇપણ એરપોર્ટ પર આટલો લાંબો રન-વે નથી. આ કારણે પ્રોટોટાઇપ વેહીકલને બંગાળની ખાડીમાં ખાબકવા દેવામાં આવ્યું હતું. પ્રોટોટાઇપ પાણી ઉપર તરી શકે તેવું ડિઝાઇન કરવામાં આવ્યું ન'હતું. આ કારણે પાણી સાથે ટકરાતાં વેહીકલ તૂટી ગયું હતું અને તેનાં ભાગોને ફરીવાર ઉપયોગ કરવા માટે એકઠાં કરવામાં આવ્યા ન'હતાં.


નાસાનાં ''સ્પેશ શટલ યુગ''ની બીજી બાજુ.....

અત્યાર સુધી માત્ર અમેરિકાએ સ્પેશ શટલ પ્રોગ્રામ ચલાવ્યો છે. જે ૩૦ વર્ષ લાંબો ચાલ્યો હતો. તેનાં છ સ્પેસ શટલમાંથી પ્રથમ એન્ટરપ્રાઇઝ સ્પેસ શટલ પ્રયોગાત્મક પરીક્ષણ માટે તૈયાર કરવામાં આવ્યું હતું. જ્યારે બાકીનાં પાંચ આંટલાન્ટીસ, ડિસ્કવરી, ચેલેન્જર, કોલબિંયા અને એન્ડેવર અંતરીક્ષ ફલાઇટ માટે વાપરવામાં આવ્યા હતાં. જેમાંથી બે સ્પેસ શટલ કોલંબિયા અને ચેલેન્જર અકસ્માતનો ભોગ બનીને અંતરીક્ષમાં સળગી ગયા હતાં. નાસા સ્પેશ શટલ પ્રોગ્રામને સફળ માને છે. અમેરિકાનાં સ્પેસ પ્રોગ્રામ માટે વિશ્વભરમાં ''પ્રેસ્ટીજ'' તરીકે 'સ્પેસ શટલ'નું નામ લેવામાં આવે છે. પરંતુ નાસાએ આ કાર્યક્રમ માટે હદ ઉપરાંત ખર્ચ કર્યો હતો. સ્પેસ ફ્રંન્ટીયર ફાઉન્ડેશનનાં એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર વિલ વોટ્સન અલગ માહિતી અને દ્રષ્ટિકોણ આપે છે. જેની ફેક્ટમાં ફન નથી. પાંચ મુદ્દા એવા છે જેનાં વિશે ભારતનાં વૈજ્ઞાનિકોએ પણ અલગ દ્રષ્ટિકોણ રાખીને ફરી વિચારી જોવું જોઈએ.
અન્ય સ્પેસ વેહીકલ કરતાં સ્પેશ શટલ દ્વારા વધુ માનવ મૃત્યું નિપજ્યાં છે
૧૯૮૬માં પોતાની દસમી ફલાઇટમાં 'ચેલેન્જર'નાં વિસ્ફોટમાં સાત વ્યક્તિ મારી ગઈ હતી. જ્યારે ૨૦૦૬માં ૨૮માં મિશન દરમ્યાન કોલંબીયાનાં વિસ્ફોટમાં અન્ય સાત વ્યક્તિ મૃત્યુ પામી હતી. ટૂંકમાં સ્પેસ કાર્યક્રમે ૧૪ વ્યક્તિનો ભોગ લીધો હતો. તેની સામે એપોલો મિશનમાં ત્રણ વ્યક્તિ મૃત્યુ પામી હતી. મરક્યુરી અને જેમીની મિશનમાં એક પણ વ્યક્તિ મૃત્યુ પામી ન હતી. રશિયન સોયુઝની રી-એન્ટ્રી વખતે એક વ્યક્તિ મૃત્યુ પામી હતી. જ્યારે ચાઇનીઝ સ્પેસ પ્રોગ્રામમાં એક પણ વ્યક્તિ મૃત્યુ પામી નથી. નાસાનાં સ્પેશ શટલ પ્રોગ્રામમાં વેહીકલ નિષ્ફળ જવાનો દર ૪૦% રહ્યો છે. ફલાઇટ ફેઇલરનો દર ૧.૫૦% રહ્યો છે. જો બીજો કોઈ પ્રોગ્રામ હોત તો, તેનાં વેહીકલને બહુ જલ્દી વિદાય આપવામાં આવી હોત.
વિશ્વની ખર્ચાળ શટલ ટ્રાન્સપોર્ટેશન સીસ્ટમ :
સામાન્ય રીતે સંશોધન કાર્યની કિંમત વિશે ''વધારે ખર્ચ''નો સવાલ કરવો જોઈએ નહીં. છતાં બીજા વિકલ્પ ઉપલબ્ધ હોય ત્યારે આવો સવાલ થવો સ્વાભાવિક છે. નાસાનાં સ્પેશ શટલ કાર્યક્રમમાં કુલ ૩૫૫ વ્યક્તિ ઉડ્ડયનનો લાભ મેળવી શકી હતી. ૧૩૫ મિશનમાં નાસાએ ૨૦૯ અબજ ડોલરનો ખર્ચ કર્યો હતો. એક મિશન લોંચ પાછળ અંદાજે ૪૫ કરોડ ખર્ચાયા હતાં. છેલ્લાં ઉડયનો દરમ્યાન ફલાઇટ દીઠ ખર્ચ એક અબજ ડોલર આવ્યો હતો.
સ્પેસ શટલે વધારે ઉંચાઇ ક્યારેય સર કરી ન'હતી.
નાસાનાં સ્પેસ શટલની ડિઝાઇન એ રીતે કરવામાં આવી હતી કે તે ૧૯૦ થી ૯૬૫ કિ.મી.ની ઉંચાઈ સુધી અંતરિક્ષમાં કાર્યરત રહી શકે. જોકે સ્પેશ શટલ ક્યારેય તેની મહત્તમ ઉંચાઇ સુધી ગયું ન'હતું. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સુધી પહોંચવા માટે ૩૨૦ થી ૪૦૦ કિ.મી. ઉંચાઇએ સ્પેસ શટલને ફેરા મારવા પડતા હતાં. હબલ સ્પેસ ટેલીસ્કોપ માટે તે ૫૬૫ કિ.મી.ની મહત્તમ ઉંચાઇ સુધી ગયું હતું. યાદ રહે જે પૃથ્વી અને ચંદ્ર વચ્ચે એવરેજ અંતર ૩.૮૪ લાખ કિ.મી. છે.
* સ્પેસ શટલે નિર્ધારિત પેરામીટર પ્રમાણે ક્યારેક કામ કર્યું નથી
સ્પેસ શટલની ડિઝાઇન અને સર્જન ૧૯૭૨માં ફાઇનલ થઇ હતી. ૧૯૭૯માં અમેરિકન સ્પેસ શટલ ''સ્કાયલેબ'' તૂટી પડી ત્યારે તેને બચાવી શકાઈ નહીં કારણ કે તે સમયે સ્પેસશટલ તૈયાર ન'હતું. સ્પેસ ફલાઇટનો ખર્ચ ઘટાડવા સ્પેસ શટલ પ્રોગ્રામ તૈયાર કરવામાં આવ્યો હતો. પરંતુ ખર્ચ ઘટવાનાં બદલે વધી રહ્યો હતો. સ્પેસ શટલને દસ વર્ષનાં ગાળા માટે તૈયાર કરવામાં આવ્યાં હતાં. છતાં ૨૦ વર્ષ તેને વધારે વાપરવામાં આવ્યા હતાં. જે દરમ્યાન ઓરીજીનલ ટેકનોલોજી અને ઉપકરણો આઉટ-ઓફ ડેટ થઇ જતાં વારંવાર અપગ્રેશન કરવું પડયું હતું. નાસાનાં એડમીનીસ્ટ્રેટર માયકલ ગ્રીફીન પણ સ્પેસ શટલને ''એક ભૂલ'' ગણે છે.
* સ્પેસ શટલનો બીજો યોગ્ય વિકલ્પ વિચારવાની જરૃર હતી.
હાલમાં મોટાભાગની ખાનગી કંપનીઓ અંતરિક્ષ કાર્યક્રમ માટે સ્પેસ શટલનો નહીં પરંતુ સ્પેસ કેપ્સ્યુલ કે મોડયુલનો ઉપયોગ કરવાનું વિચારે છે. જેને રોકેટનાં મથાળે ફીટ કરી શકાય. ખર્ચ ઘટાડવા સ્પેસ એકસ દ્વારાં રોકેટનાં પ્રથમ અને દ્વિતીય તબક્કાને પાછો મેળવીને તેને ફરી વાપરવા માટે 'રિકવર' કરવાનાં બે સફળ પ્રયત્નો થઈ ચૂક્યાં છે. નાસા પણ કંઈ નવું 'ઇનોવેટીવ' વિચારી શકી હોત. યાદ રહેકે આ શબ્દો, લેખકનાં નહીં. એક વિષય નિષ્ણાંત વિલ વોટ્સનનાં છે.

Saturday 4 June 2016

સિન્થેટીક હ્યુમન જેનોમ : મનુષ્ય પ્રયોગશાળામાં 'ઇશ્વર' બની જશે ?

Pub.Date : 29.05.2016

વિશ્વનો સૌથી ઓછાં જનીન ધરાવતાં બેક્ટેરિયા 'સિન્થીઆ'નું પ્રયોગશાળામાં કૃત્રિમ રીતે સર્જન કરવામાં આવ્યું છે

મનુષ્ય એ કુદરતનું સૌથી જટીલ સર્જન છે. આ સર્જનનાં સર્જનહારને તમે 'ઇશ્વર' કહી શકો છો. જેમાં ધર્મને કોઈ લેવા દેવા નથી. હવે વૈજ્ઞાાનિકો 'ઇશ્વર'નો રોલ ભજવવા માટે તૈયારી કરી રહ્યાં છે. વિજ્ઞાાન જાણે છે કે મનુષ્યની સમગ્ર શારિરીક પ્રકૃતિનો આધાર તેનાં મા બાપ કે પુર્વજો તરફથી મળેલ વારસાગત લક્ષણોને આધીન છે. આ વારસાગત લક્ષણોનાં વિજ્ઞાાનને 'જીનેટીકસ' કહે છે. મનુષ્ય શરીરનાં વિવિધ અંગ જેવા કે વાળ, વાળનો રંગ, આંખ, ચામડી, ચહેરો , વગેરે દરેકને આકાર આપવાનું ચોક્કસ પ્રકારનાં જનીનો કરે છે. મનુષ્ય શરીરનાં ક્રિયાત્મક અને રચનાત્મક કાર્યો માટે જવાબદાર જનીનોને આખો 'સેટ' 'જેનોમ' તરીકે ઓળખાય છે. જનીન કે DNA એ કેમિકલ વડે લખાયેલો 'વિશિષ્ટ કોડ' છે. વૈજ્ઞાનિકો પાસે હવે 'કેમિકલ કોડ'ને બદલવાની કે કૃત્રીમ રીતે સર્જન કરવાની ક્ષમતાં આવી ગઇ છે. પ્રયોગશાળામાં મનુષ્ય શરીરને આકાર આપતાં 'હ્યુમન જેનોમ'નું સર્જન થઇ શકે ખરૃં ? આ સવાલનો જવાબ મેળવવા અને કૃત્રીમ હ્યુમન જેનોમનું સર્જન કરવા પ્રયત્નશીલ એક્ટીવ બનવા માટે વૈજ્ઞાનિકો અને બૌધ્ધીકોની એકગુપ્ત બેઠક યોજાઈ ગઈ છે. જેમાં ૧૫૦ જેટલી વ્યક્તિઓએ ભાગ લીધો હતો. એટલે હવે શું થશેઃ ? મનુષ્યનું ભવિષ્ય કેવું હશે ?

સિન્થેટીક બાયોલોજી :વૈજ્ઞાનિકો ગુપ્ત બેઠક યોજે છે

૧૦ મે ૨૦૧૬નાં રોજ હાવર્ડ યુનિવર્સિટીનાં ૧૫૦ આમંત્રીત મહેમાનો ભેગા થયા હતાં. જેમાં વૈજ્ઞાાનિકો, વકીલો, વેપારીઓ અને વિષય નિષ્ણાતોનો સમાવેશ થતો હતો. મીટીંગનો મુખ્ય મકસદ કૃત્રીમ રીતે હ્યુમન જેનોમ સર્જન કરવાનો હતો. જેને આપણે સીન્થેટીક હ્યુમન જેનોમ કહી શકીએ. સિન્થેટીક એટલે પ્રયોગશાળામાં તૈયાર થયેલું ? આ બેઠકમાં મીડીયાવાળાને આમંત્રણ આપવામાં આવ્યું નહતું. હાજર રહેલ દરેક વ્યક્તિને મૌન ધારણ કરી પોતાનાં હોઠ સીવી રાખવાની સુચના પણ આપવામાં આવી હતી. આ કારણે બેઠકમાં થયેલ ચર્ચાની વધુ વિગતો પ્રાપ્ત થઇ શકી નથી.
આ બેઠકની ગોઠવણ કરવામાં હાવર્ડ યુનિવર્સિટીનાં પ્રો. જ્યોર્જ ચર્ચનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત ન્યુયોર્ક યુનિવર્સીટનાં જેફ બિઓક, વિશ્વ પ્રસીધ્ધ 'ઓટોડેસ્ક'નો સંશોધક એન્ડયુ હેસેલનો સમાવેશ થાય છે. મીટીંગનો મુખ્ય હેતુ, ટાઈટલ હતું. HGP-રાઇટ : ટેસ્ટીંગ લાર્જ સિન્થેટીઝ જેનોમ ઇન સેલ. મતલબ,કે કોષમાં રહેલ વિશાળ જેનોમને ફરીવાર લખીને પ્રયોગશાળામાં તેનું ટેસ્ટીંગ કરવું. સોસીયોબાયોલોજીસ્ટ જ્યોર્જ સિમેલ આજની સિન્થેટીક બાયોલોજીની દુનિયાને 'સેકન્ડ વર્લ્ડ' તરીકે ઓળખે છે.
ગુપ્ત રીતે કામ કરવામાં જીવવિજ્ઞાાનીઓને સંપુર્ણ રીતે સ્વતંત્રતા મળી રહે છે. જેમાં લોકો કે સમાજ શું કહેશે ? તેની પરવા કરવાની હોતી નથી. વૈજ્ઞાાનિકોને સિન્થેટીક બાયોલોજીમાં કામ કરતી વખતે લોકોનો જે ડર લાગે છે તેને ક્લેર મારીસ 'સિન્થબાયોફોબીયા' કહે છે. આ ડરનાં કારણે જે વૈજ્ઞાાનિકોએ ગુપ્ત બેઠક યોજી હતી. આ બેઠકનાં પાયામાં આ ફોબીયા જવાબદાર છે. આવા સિન્થેટીક બાયોલોજીની રિસર્ચમાં અમેરીકાની ડિફેન્સ એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી (DARPA) પણ ખૂબ જ રસ લે છે. આશાસ્પદ ટેકનોલોજી વિકાસ માટે, DARPAની બાયોલોજીકલ ટેકનોલોજીસ ઓફીસ  ભંડોળ પુરૃ પાડે છે.

સિન્થેટીક હ્યુમન જેનોમની રચના શક્ય છે ?

મનુષ્યનાં જેનોમમાં અંદાજે ત્રણ અબજ બેઝ પેરનો સમાવેશ થાય છે. આ બેઝ પેરની રચના મુળ ચાર, ન્યુક્લીઓટાઇડ બેઝ કરે છે. જે એડેનાઇન, સાઇટોસાઇન, ગુનાઇન અને થાયમીન કરે છે. આજની તારીખે મનુષ્યનો આખો જેનોમ પ્રયોગશાળામાં બનાવવો હોય તો નવ કરોડ અમેરીકન ડોલર એટલે કે ૬૦૦ કરોડ જેટલો ખર્ચ થાય છે. જો 'સિન્થેટીક હ્યુમન જેનોમ'ની માર્ક ડિમાન્ડ ઉભી થાય તો, માત્ર ૬૭ લાખમાં હ્યુમન જેનોમ તૈયાર થઇ શકે છે.
સિન્થેટીક જેનોમ એક અલગ વિજ્ઞાાન છે. જનીનને એડીટ કરી ને બદલવા અને ઇચ્છીત પરીણામ મેળવવા કરતાં, સિન્થેટીક જેનોમ વધારે જટીલ કાર્ય છે. કૃત્રિમ જેનોમ તૈયાર કરવા માટે દરેક જનીન માટે વ્યક્તિગત પસંદગી (કસ્ટમાઇઝેશન) મુજબ બેઝ પેર તૈયાર કરવી પડે છે. જેમાં વિશાળ શક્યતાઓ રહેલી છે. વૈજ્ઞાાનિકો કુદરતમાં મળતી બે બેઝ પેરની આગળની દુનિયા પણ વિચારી શકે છે.
હાલમાં કોષમાં રહેલ ડીએનએને બદલીને સિન્થેટીક જેનોમનો નાનકડો ટુકડો વૈજ્ઞાાનિકો તૈયાર કરે છે. જે સામાન્યરીતે તબીબી દુનિયામાં ઉપયોગી છે. કૃત્રીમ પ્રોટીન બનાવવા કે જીનેટીકલી મોડીફાઈડ સજીવ માટે જીન એડીટીંગ ટેકનીક વપરાય છે. જ્યારે જેનોમની વાત આવે ત્યારે નિષ્ણાંતો ડિએનએમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ફેરફારો કરે છે. સિન્થેટીક જેનોમ સાથે સૌથી મોટી ચેલેન્જ લોકોનો વિરોધ અને સામાજીક અને નૈતિક મર્યાદાઓ છે. જોકે આ સિવાય પણ કેટલી ટેકનિકલ સમસ્યાઓ પણ છે. આજનાં વૈજ્ઞાાનિકો દ્વારાં ઉપયોગમાં લેવાતી પધ્ધતિ ની મદદથી  માત્ર 'બસો બેઝ પેર' ને પ્રયોગશાળામાં ગોઠવી શકાય છે. સરખામણી કરવી હોય તો એક ક્રિયાત્મક જનીનમાં સેંકડોથી માંડીને હજારો બેઝ પેર હોય છે. આમ કૃત્રિમ હ્યુમન જેનોમ બનાવવું આજની તારીખે લોઢાનાં ચણા ચાવવા જેવું છે. પણ અશક્ય કામ નથી.

સિન્થીયા ૩.૦ : ૧૪૯ રહસ્યમય જનીનો ધરાવતો વિશ્વનો પ્રથમ કૃત્રિમ જીવ

વૈજ્ઞાનિકોએ એવા 'સુપરબગ'ની કલ્પના કરી છે જે રોગની સારવારથી માંડીને વિવિધ પ્રકારનાં 'પોલ્યુશન'' પ્રદુષણને દૂર કરી શકે. આ કલ્પનાનું પ્રથમ પગલું માંડતા હોય તે રીતે વૈજ્ઞાાનિકોએ બેક્ટેરીયાનો સુક્ષ્મ કોષ સર્જન કરી બતાવ્યો છે. જેનું નામ સિન્થેટીક બાયોલોજીનાં શબ્દ વાપરીને 'સિન્થીયા' રાખવામાં આવ્યું છે. તેનું ટેકનીકલ નામ સિન્થીયા ૩.૦ છે. ૩.૦ સોફ્ટવેર વર્ઝન માફક કૃત્રિમ કોષનું વર્ઝન બતાવે છે. અહીં તેનો અર્થ થાય કે સિન્થીયાનાં ત્રીજા પ્રયત્ન પહેલાં 'બે' વર્ઝન બની ચુક્યાં છે. સિન્થીયા ૩.૦ માત્ર ૪૭૩ જનીન ધરાવે છે. સજીવ કોષની માફક કામ કરે છે. આ ઉપરાંત કોષ વિભાજન દ્વારા પોતાની સંખ્યા વધારે છે. નવો કોષ 'માઈક્રોપ્લાઝમા માઈકોડ્સ' ઉપરથી બનાવવામાં આવ્યો છે. જેને ખ્યાતનામ 'ડૉ. ક્રેગ વેન્ટરે' તૈયાર કર્યો છે. 'માઈક્રોપ્લાઝમા જેનીટેલીયમ' નામની બેક્ટેરીયાની જાતનાં જેનોમ બદલીને ડૉ. ક્રેગ વેન્ટરે 'માઈક્રોપ્લાઝમા લેબોરેટરીઝ'નામની જાત બનાવી છે. આજે ક્રેગ વેન્ટરની ટીમમાં ૨૦ જેટલાં વૈજ્ઞાાનિકો કામ કરી રહ્યાં છે. જેમાં નોબલ પ્રાઈઝ વિનર હેમિલ્ટન સ્મીથ અને જાણીતા વૈજ્ઞાાનિક ક્લેડ હચીસનનો સમાવેશ થાય છે.
૨૦૧૦માં સિન્થીયા ૨.૦ વિશે 'સાયન્સ' મેગેઝીનમાં રિપોર્ટ છપાયો હતો. ૨૦૦૮માં વૈજ્ઞાાનિકોએ સિન્થીઆ-૧.૦ નામનો કોષ તૈયાર કર્યો હતો. જેમાં આશરે ૪૮૩ જનીનો હતાં. વૈજ્ઞાાનિકો ચકાસવા માંગતા હતા કે સૌથી ઓછાં જનીનોનાં જેનોમ વડે બેક્ટેરીયાનો કોષ પોતાનું અસ્તિત્વ ટકાવીને સફળતાપુર્વક જૈવિક કાર્ય કરી શકે છે કે નહી? આ સવાલનાં જવાબમાં ક્રેગ વેન્ટરની ટીમે સિન્થીયા ૩.૦ સર્જન કર્યું છે. જે માત્ર ૪૭૩ જનીનો ધરાવે છે. જેમાંથી ૧૪૯ જનીનો શું કાર્ય બજાવે છે? તેનાથી વૈજ્ઞાાનિકો અજાણ છે. જે એક રહસ્ય છે. જીવન ટકાવી રાખવા આ જનીનો આવશ્યક છે, એ વાત ચોક્કકસ છે. આ હિસાબે જો આ ૧૪૯ જનીનોનું રહસ્ય વૈજ્ઞાાનિકો ઉકેલી શકે તો, પૃથ્વી પર પ્રથમ સજીવની રચના કઈ રીતે થઈ હતી? તે જાણી શકાય. આ ઉપરાંત 'સિન્થેટીક જેનોમ' રચનામાં આ જનીનોની પાયાની ભુમિકા પણ સમજી શકાશે. સરખામણી કરવી હોય તો સામાન્ય માઈક્રો પ્લાઝમા બેક્ટેરીયાનો જેનોમ ૫૨૫ જેટલાં સક્રિય જનીનો ધરાવે છે. જ્યારે મનુષ્યનો જેનોમ ૨૫ હજાર જેટલાં સક્રીય જનીનો ધરાવે છે. વૈજ્ઞાાનિકો આજની તારીખે માત્ર ૪૭૩ જનીનો ધરાવતો દુનિયાનો ''પ્રથમ કૃત્રિમ કોષ'' તૈયાર કર્યો છે. ૨૫ હજારનાં મનુષ્ય જેનોમ સુધી પહોંચતા વૈજ્ઞાનિકોને કેટલાં વર્ષ લાગશે?

મનુષ્યનો કૃત્રિમ જેનોમ રચવા માંગતાં, પડદા પાછળનાં ખેલાડીઓ...

કૃત્રિમ જેનોમ માટે વેલકમ ટ્રસ્ટનાં સ્થાપક અને જાણીતા વૈજ્ઞાનિક જે. ક્રેગ વેન્ટરે છેલ્લા બે દાયકાથી કૃત્રિમ જેનોમ રચવાની કવાયત કરી છે. જેનાં ફળસ્વરૃપે સિન્થીઆ ૩.૦નો જન્મ થયો છે. સિન્થીઆ એ સુક્ષ્મ બેક્ટેરીયા છે. જ્યારે મનુષ્યનો જેનોમ કૃત્રિમ રીતે સર્જવો ખુબજ મુશ્કેલ કામ છે. છતાં તે માટે પ્રયત્નશીલ વૈજ્ઞાનિકોને ઓળખી લઈએ.
જ્યોર્જ ચર્ચ: જ્યોર્જ ચર્ચ હાવર્ડ યુનિવર્સિટીનાં પ્રોફેસર છે. જેમનાં સંશોધનનું ક્ષેત્ર જીનેટીકલ અને મોલેક્યુલર એન્જીનીયરીંગ રહ્યું છે. તેમણે જનીન સિક્વન્સીંગ માટે ખાસ ટેકનોલોજી વિકસાવી છે. જે પ્રયોગશાળામાં તૈયાર કરેલ જેનોમને વાયરસ કે બેક્ટેરીયાનાં જેનોમ સાથે જોડી આપે છે. આ ઉપરાંત જેનીફર દુદના દ્વારા વિકસાવેલ 'ફિસ્પર' ટેકનોલોજી પણ સુધારી છે. તેઓ મગજનું મેપીંગ કરનાર બ્રેઈન ઈનીશીએટીવનાં સ્થાપક સભ્ય છે. સમાચારોમાં ચમકેલ 'વૃલી મામોથ' (વિશાળ રૃંછાદાર હાથી જેવો) પ્રાણીનો જેનોમ તેનાં 'ફોસીલ'માંથી અલગ તારવ્યો હતો.
જેફ બોએક : જેફ બોએક હાલમાં ન્યુયોર્ક યુનિવર્સિટીના મેડિકલ સેન્ટરના જીનેટીકલ વિભાગમાં કામ કરે છે. તેમણે મોલેક્યુલર બાયોલોજીમાં પીએચડી કરી છે. તેઓ 'યીસ્ટ' નામની ફુગ પરનાં સંશોધન માટે જાણીતા છે. એક કોષમાંથી બીજા કોષમાં ડિએનએ મટીરીઅલ્સ કઈ રીતે સ્થળાંતર કરે છે તેનાં ઉપર તેમણે સંશોધનો કરેલ છે. તેમણે રિટ્રો-ટ્રાન્સપોસોન નામનો નવો શબ્દ આપ્યો છે. તેમનું સંશોધન હિટ્રો-વાયરસ જેવા કે એચઆઈવી વગેરેને સમજવામાં મદદરૃપ બને તેમ છે. હાલમાં તેઓ 'યીસ્ટ'નો સંપૂર્ણ કૃત્રિમ જેનોમ સર્જવા માટે કામ કરી રહ્યાં છે. ૨૦૧૪માં તેમણે સૌથી નાના ગુણસુત્ર/ક્રોમોઝોમની રચના કરી છે. હાલ તેઓ અન્ય ૧૬ ગુણસુત્ર પર કામ કરી રહ્યાં છે.
એન્ડ્ર્યુ હેસેલ : હાલ તેઓ ઓટોડેસ્કનાં બાયો/નેનો રિસર્ચમાં કામ કરી રહ્યાં છે. તેમને કોમ્પ્યુટર અને જીનેટીક્સ એકબીજા સાથે સંકળાયેલા લાગે છે. તેમણે પીંક આર્મી કો-ઓપરેટીવ નામની સંસ્થાની સ્થાપના કરેલ છે. જે કેન્સરની સારવારની વાયરસ થેરાપીને ઓપન સોર્સ તરીકે રજુ કરવા માંગે છે. ખ્યાતનામ ભવિષ્યવેત્તા રે કુર્ઝવેલને તેમણે બાયોલોજી ક્ષેત્રનાં કેટલાંક પુરાવા/વિગતો પુરી પાડી છે જેથી બાયોલોજીનો ઈન્ફરમેશન ટેકનોલોજી તરીકે ઉપયોગ થઈ શકે.