Thursday 6 January 2022

“કોન-ટિકી અભિયાન:”: વૈજ્ઞાનિક પરિક્ષણમાં પાસ થાય છે!!

પ્રકાશન: 19 July 2020

વિજ્ઞાન જગતમાં કોઇપણ નિર્જીવ વસ્તુની ઉંમર નક્કી કરવાની હોય તો રેડિયો કાર્બન ટેસ્ટ કરવામાં આવે છે. જ્યારે સજીવનો ઇતિહાસ અને ઉંમરની નિર્ધારણ આમાં કરવા માટે જિનેટિક ટેસ્ટ એટલે કે ડીએનએ ટેસ્ટ કરવામાં આવે છે. વિજ્ઞાન, ઈતિહાસકારોથી માંડી પુરાતત્વ નિષ્ણાત, ભૂસ્તરશાસ્ત્રીથી માંડી અપરાધ વૈજ્ઞાનિક, દરેકને એક સરખી રીતે ઉપયોગી બને છે. ઇતિહાસકાર અને પુરાતત્વ નિષ્ણાતો ભૂતકાળના નમૂનાઓના આધારે કેટલીક પૂર્વધારણાઓ રજૂ કરતા હોય છે. આ પૂર્વધારણાને સાચી છે કે ખોટી, તે સાબિત કરવાનું કામ વિજ્ઞાન કરી આપે છે. આવી જ એક પૂર્વધારણા વર્ષો પહેલા રજૂ કરવામાં આવી હતી. અમેરિકામાં થતા સ્વીટ પોટેટો એટલે કે સક્કરીયા, પ્રશાંત મહાસાગરમાં આવેલ એક હજાર કરતા વધારે ટાપુઓમાં કેવી રીતે પહોંચ્યા હતા? એક થિયરી મુજબ આદિજાતિના અમેરિકન પ્રશાંત મહાસાગરમાં આવેલ પોલિનેશિયા તરીકે ઓળખાતા ટાપુઓમાં સક્કરીયા સાથે લઈ ગયા હતા. બીજી થિયરી મુજબ પોલિનેશિયાના આદિવાસી દક્ષિણ અમેરિકા ખંડમાં આવી, વળતી મુસાફરીમાં સક્કરીયા પોતાની સાથે લઈ ગયા હતા. જોકે સૌથી વધારે યોગ્ય થીયરી વૈજ્ઞાનિકોને લાગતી હતીકે, આદિજાતિના અમેરિકન પ્રશાંત મહાસાગરમાં આવેલા પોલિનેશિયા ટાપુ પર સૌ પહેલા પહોંચ્યા હતા. યુરોપિયન પ્રજા અહીં પહોંચે તે પહેલા, અમેરિકન આદિજાતિના આદિવાસીઓ અહીં પહોંચી ગયા હતા. આખરે વિજ્ઞાન આ સમસ્યાને ઉકેલીને જવાબ આપી દીધો છે. તાજેતરમાં થયેલ ડીએનએ એટલે કે જિનેટિક ટેસ્ટ બતાવે છે કે પોલિનેશિયા ટાપુના લોકોમાં, અમેરિકન આદિવાસી પૂર્વજોનું ડીએનએ વણાયેલું છે. સામાન્ય લાગતી આ થિયરી પાછળ ઇતિહાસ, પુરાતત્વ વિજ્ઞાન, નૃવંશશાસ્ત્ર અને અનોખા માનવીઓનું અનોખું સાહસ સંકળાયેલું છે.

પોલિનેશિયા ટાપુઓ: સાહસ કથાના જન્મદાતા


પેસિફિક ઓસન એટલેકે પ્રશાંત મહાસાગરમાં દક્ષિણ ભાગમાં આવેલ 1000 કરતા વધારે ટાપુઓ પોલિનેશિયા તરીકે ઓળખાય છે. પોલિનેશિયાનો સૌથી વિશાળ દેશ ન્યૂઝીલેન્ડ છે. 1756માં પ્રથમ વાર ફ્રેન્ચ લેખક ચાર્લ્સ દ્ બ્રોસેસ દ્વારા પોલિનેશિયા શબ્દપ્રયોગ થયો હતો. જે મુજબ પ્રશાંત મહાસાગરમાં આવેલા બધા જ ટાપુઓ પોલિનેશિયા તરીકે ઓળખાતા હતા. 1831માં જ્યોગ્રાફી સોસાયટી ઓફ પેરિસના એક પ્રવચનમાં જુલ્સ દ્ મોન્ટે ઉર્વિલ્લે કહ્યું હતું કે પોલિનેશિયા ટાપુની ભૌગોલિક વ્યાખ્યા થોડી બદલવી જોઈએ. તેને મર્યાદિત પણ કરવી જોઈએ. દક્ષિણ મહાસાગર એટલે કે સાઉથ સીમાં આવેલા ટાપુઓને, સાઉથ ટાપુઓ તરીકે ઓળખવા જોઈએ. બધીજ ચર્ચા બાદ હાલમાં, પ્રશાંત મહાસાગરના દક્ષિણમાં આવેલા ટાપુ પોલિનેશિયા તરીકે ઓળખાય છે.કેટલાક લોકો તેને પોલિનેશિયન ટ્રાયંગલ પણ કહે છે. ત્રિકોણ દોરવા માટે હવાઈન ટાપુ, ઈસ્ટર ટાપુ અને ન્યૂઝીલેન્ડના ટાપુને શિરોબિંદુ તરીકે લેવામાં આવે છે.
એક ભૌગોલિક થિયરી મુજબ, પૃથ્વીના બધાજ ખંડ પહેલા એક સાથે જોડાયેલા હતા. જેને ગોંડવાના લેન્ડ તરીકે ઓળખવામાં આવતી હતી. 8.30થી માંડીને 7.90કરોડ વર્ષ પહેલાં, તેમાં વિભાજન થતા પૃથ્વી પર આવેલા અલગ-અલગ ભૂમિખંડ પેદા થયા છે. પ્રાચીનકાળમાં ન્યૂઝીલેન્ડ પાસે એક આખો ભૂમિખંડ ઉપસેલો હતો. પરંતુ 2.30 કરોડ વર્ષ પહેલા તે પ્રશાંત મહાસાગરમાં ડૂબી ગયો હતો. ડૂબી ગયેલો ભૂમિખંડ નુ નામકરણ,1995માં અમેરિકન ભૂ-ભૌતિકશાસ્ત્રી અને મહાસાગરવિદ્યાના નિષ્ણાત બ્રુસ લુયેન્દિક “ન્ઝીલેન્ડિયા” તરીકે કર્યું હતું. જ્વાળામુખી ફાટવાની પ્રક્રિયાના કારણે, પેસિફિક મહાસાગર વાળી ભૂમિખંડની પ્લેટ ઉચકાઇ હતી. જેના કારણે ડૂબી ગયેલ ન્ઝીલેન્ડિયાનો કેટલોક ભાગ મહાસાગરની સપાટીથી ઉપરની તરફ આવી ગયો અને સેંકડો ટાપુઓની રચના કરી. જે પોલિનેશિયા તરીકે ઓળખાય છે. આ ટાપુઓ ઉપર વસનારી જાતીના લોકોના પૂર્વજો કોણ હતા, એ જાણવાની વૈજ્ઞાનિકો ઇતિહાસકારો અને નૃવંશ શાસ્ત્રીઓને તાલાવેલી લાગેલ છે. છેલ્લા ૨૦૦ વર્ષથી, પોલિનેશિયાના આદિજાતિના લોકોના વંશવૃક્ષ વિશે અલગ અલગ થીયરી આપવામાં આવે છે. જેના આધારે અલગ-અલગ વૈજ્ઞાનીક પરીક્ષણ કરવામાં આવેલ છે.

“કોન-ટિકી અભિયાન: થોર હ્યારદાલ્હની અગ્નિ-પરીક્ષા


પોલિનેશિયાના આદિવાસીઓ વહાણવટું ખેડવામાં ખૂબ જ માહિર ગણવામાં આવે છે. તેઓ નક્ષત્ર અને તારા આધારિત દીશા-શોધન અને માર્ગ-નિર્ધારણ પદ્ધતિ વાપરતા હતા. આટાપુઓ દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા જેવા વિશાળખંડથી ૫ થી ૭હજાર કિલોમીટર દૂર આવેલાછે. ઇતિહાસકારોને એ સવાલ સતાવે છેકે, જ્યારે વિશાળ જહાજ બાંધવાની શરૂઆત નહોતી થઈ ત્યારે, આદિજાતિના લોકોએ આટલી લાંબી મુસાફરી કઈ રીતે કરતા હશે? આ સવાલનો જવાબ આપવા માટે, નોર્વેના લેખક અને સાહસિક માનવી થોર હ્યારદાલ્હ એક અનોખી યાત્રા માટે તૈયાર થાય છે. તેમાનતો હતોકે પ્રાચીન આદિ-પ્રજા લાકડાના તરાપા બાંધીને હજારો કિલોમીટરની સાગરયાત્રા, મહાસાગરના પાકૃતિક પવનની દિશાનો લાભ લઈને કરતા હશે. આ વાતને સાબિત કરવા માટે તેમણે અમેરિકાના કોલંબિયા રાજ્યથી બાલ્સા વૃક્ષના બનેલા તરાપામાં પાંચ સાથીદાર સાથે અનોખી સાહસયાત્રા શરૂ કરી હતી. બાલ્સાવૃક્ષનું લાકડું વજનમાં સૌથી હલકુ લાકડું છે.
ભારત આઝાદ થયુંતે વર્ષ, એટલેકે 1947માં એક સાહસિક માનવી થોર હ્યારદાલ્હ, બાલસા વૃક્ષના લાકડામાંથી બનાવેલ તરાપામાં, દરિયાઈ પવનની દિશા અને અસરનો ઉપયોગ કરી, દક્ષિણ અમેરિકાના કોલંબિયાથી પોલિનેશિયાના ટાપુઓ સુધીની ખેડી હતી. આસફરનો ઉદ્દેશ એ સાબિત કરવાનો હતોકે પોલિનેશિયા ઉપર દક્ષિણ અમેરિકા જેવા ખંડના આદિવાસીઓ, સૌ પહેલા પહોંચ્યા હતા. થોર હ્યારદાલ્હની સાહસ કથા Kon-Tiki નામે જાણીતીછે. 1950માં આ સાહસકથા ઉપર એક દસ્તાવેજી ફિલ્મ બની હતી. સામાન્ય માનવી સુધી આસાહસને પહોંચાડવાનું કામ, હોલિવૂડના નિર્માતાઓએ 2012માં કર્યું હતું. તેમણે બનાવેલી Kon-Tiki ફિલ્મ, ઓસ્કાર એવોર્ડ મેળવવા માટે પણ દાવેદાર બની હતી. લોકમિલાપ પ્રકાશન દ્વારા Kon-Tiki પુસ્તકનો ગુજરાતી અનુવાદ થયો છે. જેનું વાંચન એક આહલાદક અનુભવ પૂરો પાડે છે.
યુરોપિયન પ્રજા સદીઓ બાદ આટાપુ પર પહોંચી હતી. અમેરિકામાં થતાં સ્વીટ-પોટેટો એટલે કે સક્કરીયા પણ, આદિજાતિના અમેરિકન તેમની સાથે પોલિનેશિયા ટાપુ પર લઈ ગયા હતા. આ વાતની વૈજ્ઞાનિક ખાતરી હવે મળી ગઈ છે. આ ઉપરાંત તાજેતરમાં થયેલ જિનેટિક ટેસ્ટમાં એવાત સાબિત થઈ છેકે પોલિનેશિયન પ્રજાના વારસાગત લક્ષણો ધરાવતા જેનેટિક મટીરીયલમાં અમેરિકન આદિજાતિના લોકોની જેનેટિક મટીરીયલ વધારે પ્રમાણમાં છે. તેમજ અન્ય પ્રજાના જિનેટિક મટીરીયલ કરતાં વધારે પ્રાચીન પણ છે.

જિનેટિક ટેસ્ટ: પોલિનેશિયન પ્રજાના મૂળિયા શોધવાની કવાયત.

પ્રશાંત મહાસાગર પૃથ્વીની સપાટીનો ત્રીજો ભાગ કવર કરેછે. પ્રશાંત મહાસાગરમાં પોલિનેશિયાના ટાપુ આવેલા છે . બારમી સદીમાં પોલિનેશિયન આદિ-પ્રજા સાત હજાર કિલોમીટરની ત્રિજ્યામાં પ્રશાંત મહાસાગરમાં વહાણવટું ખેતી હતી. જેના માટે દરિયાઈ પવનની દિશા, મહાસાગરના મોજા, યાયાવર પક્ષીઓના માર્ગ, સ્વયં પ્રકાશ પેદા કરતી સૂક્ષ્મ વનસ્પતિ, નક્ષત્ર અને તારાની સ્થિતિ, આ બધાનો સમન્વય કરી દીશા-શોધન અને માર્ગ-નિર્ધારણ કરતા હતા. ન્યૂઝીલેન્ડ થી માંડી હાલના ઈસ્ટર ટાપુ સુધી તેઓ પહોંચી ગયા હતા. આ કારણે વૈજ્ઞાનિકોને એક સવાલ હંમેશા સતાવતો હતો કે પોલિનેશિયાથી ૩૮૦૦ કિલોમીટર દૂર આવેલ દક્ષિણ અમેરિકા ખંડ સુધી,પોલિનેશિયન આદિજાતિના લોકો પહોંચ્યા હતા ખરા? મેક્સિકો અને કેલિફોર્નિયાના વૈજ્ઞાનિકોએ આ સવાલનો જવાબ શોધી કાઢ્યો છે, સાથે સાથે એ વાત પણ નક્કી કરી છે કે અમેરિકા ખંડમાં થતાં સ્વીટ-પોટેટો એટલે કે સક્કરીયા, પોલિનેશિયન ટાપુ પર ક્યારે પહોંચ્યા હતા? વૈજ્ઞાનિક સંશોધનની શરૂઆત ૨૦૧૪થી શરૂ થઈ હતી. તાજેતરમાં નેચર મેગેઝિનમાં સંશોધન અંગે રિસર્ચ પેપર પ્રકાશિત થયું છે.

ઈસ્ટર ટાપુ જેને “રાપા નૂઈ” કહે છે,તે ટાપુના 166 લોકો, પોલિનેશિયા ટાપુના 188 લોકો અને અન્ય ટાપુના 16 લોકોના સેમ્પલ 1990ના દાયકામાં એકઠા કરવામાં આવ્યા હતા. તાજેતરમાં અન્ય એક વૈજ્ઞાનિક ટુકડીએ આધુનિક પોલિનેશિયાના લોકોના 807 ડીએનએ સેમ્પલ, અન્ય ટાપુ માંથી 17 ગ્રૂપના લોકો, અને પ્રશાંત મહાસાગરના કિનારે આવેલ અમેરિકા ખંડના 15 આદિજાતિના લોકોના ડીએનએ સેમ્પલ એકઠા કર્યા હતા. આ સૅમ્પલોનું એનાલિસિસ કર્યા બાદ વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે અમેરિકન આદિજાતિના લોકોનું જિનેટિક મટીરીયલ, છેલ્લી 28 પેઢીથી પોલિનેશિયન લોકોના જેનોમમાં મળી ગયેલછે. જેના ઉપરથી વૈજ્ઞાનિકોએ ગણતરી કરતા માલુમ પડે છે કે દક્ષિણ અમેરિકાના આદિજાતિના લોકો અને પોલિનેશિયા ખંડની આદિ-પ્રજા, ઈસવીસન 1150ની આસપાસ એકબીજાના સંપર્કમાં આવી હતી. તે સમયે અમેરિકાની આદિ-પ્રજા સ્વીટ પોટેટો/ સક્કરીયા પોલિનેશિયા ટાપુ પર લઈ ગઈ હતી.

એક અન્ય થીયરી: અને નિર્ણાયક જવાબ આપતી નથી.

હવે હે વાત નક્કી કરવી મુશ્કેલ છે, કે પહેલા પોલિનેશિયા પ્રજા દક્ષિણ અમેરિકા ખંડમાં આવી હતી કે દક્ષિણ અમેરિકાના આદિવાસી પોલિનેશિયા પહોંચ્યા હતા. પરંતુ પોલિનેશિયન લોકો સાગર ખેડવામાં માહિર હતા. તે ઉપરથી વૈજ્ઞાનિકો માને છે કે પોલિનેશિયન આદિ-જાતિના લોકો પહેલા દક્ષિણ અમેરિકા ખંડના, હાલમાં જ્યાં કોલંબિયા રાજ્ય છે, ત્યાં પહોંચ્યા હતા.

કોલમ્બિયા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોની એક ટીમે પ્રશાંત મહાસાગરના કિનારે આવેલ લેટિન અમેરિકાના 15 મૂળ આદિ જાતિ ના લોકોનું સેમ્પલિંગ કર્યું હતું. તેમના અનુમાન પ્રમાણે બંને પ્રજાનું મિલન દક્ષિણ માર્કસાસ ટાપુ પર થયું હોવું જોઈએ. વૈજ્ઞાનિકોનું માનવું છે કે દક્ષિણ અમેરિકા ખંડના આદિજાતિના લોકો દરિયો ખેડવા ગયા હોય ત્યારે, અકસ્માતે તણાઈને પોલિનેશિયન ટાપુ સુધી પણ પહોંચ્યા હોઈ શકે છે!. આ એક સંભાવના છે. 1947સાહસિક સાગરખેડૂ થોર હ્યારદાલ્હનો તરાપો મહાસાગરના પ્રવાહમાં તણાઈને દક્ષિણ અમેરિકાના રારોઈયા આટોલ ટાપુએ પહોંચ્યો હતો. આ વિસ્તારના આજુબાજુના ટાપુ ઉપરથી જિનેટિક ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે બતાવે છેકે થોર હ્યારદાલ્હનો જે મકસદ હતો, તે સંશોધનને આધુનિક જિનેટિક ટેસ્ટ સમર્થન આપે છે. તે સમયે વૈજ્ઞાનિકોએ થોર હ્યારદાલ્હની વાત ઉપર વધારે ધ્યાન આપ્યું નહોતું અને કોન-ટિકી અભિયાનને એક અનોખા સાહસથી વધારે કંઈ મહત્વ આપ્યું ન હતું. કોન-ટિકી અભિયાન, બાદ આવા આઠ જેટલા અભિયાન અન્ય સાહસિકોએ ખેડ્યા છે.
કેટલાક નિષ્ણાતો માને છે કે હાલના તાઇવાન ટાપુ, જે પહેલા ફોરમોસા તરીકે ઓળખાતો હતો તેના લોકો પોલિનેશિયા તરફ મુસાફરી કરીને પહોંચ્યા હતા. જેના કારણે પોલિનેશિયન પ્રજાના જેનોમમાંમાં પૂર્વ એશિયાઈ ટાપુના આદિજાતિના લોકોના જનિન હોવા જોઈએ. પોલિનેશિયન લોકોના મૂળ દક્ષિણ અમેરિકા ખંડ તરફ નહીં પરંતુ દક્ષિણ-પૂર્વના એશિયન લોકો તરફ રહેલા છે. આ વાતને સાબિત કરવા માટે પણ ભૂતકાળમાં સંશોધન થયેલ છે. સંશોધનમાં જાણવા મળ્યું હતું કે માતૃપક્ષે મળતું ડિેએનએ કણાભસૂત્ર એટલે કે mitochondriaમાં જળવાયેલું રહે છે, જ્યારે પિતૃપક્ષ તરફથી મળતું ડિેએનએ પુરુષના “વાય” ક્રોમોઝોમ/ રંગસૂત્રમાં સચવાયેલું રહે છે. જેનું પૃથક્કરણ કરતાં જાણવા મળ્યું હતું કે પોલિનેશિયનપ્રજાની સ્ત્રીઓનું ડિેએનએ તાઇવાનની સ્ત્રીઓને મળતું આવે છે. જ્યારે પુરુષોનું ડિેએનએ દક્ષિણ અમેરિકન આદિજાતિના લોકો સાથે મળતું આવે છે. આ સંશોધન કોઈ નિશ્ચિત જવાબ આપતું નથી. અત્યારે નાના સેમ્પલ ઉપર સંશોધનો થયા છે. જો આ સમસ્યાનો સાચો ઉકેલ મેળવવો હોય તો મોટા પાયે વિશાળ ડીએનએ સેમ્પલ આધારિત સંશોધન કરવું પડે.