Tuesday 16 February 2016

પોલોનિયમ-૨૧૦

રશિયન જાસૂસ એલેકઝાન્ડર લિટ્વિનેન્કોની હત્યાનું કારણ..

દુનિયાનો,ઝેરી અસર પેદા કરનાર સૌથી મોંઘો પદાર્થ માત્ર એક ગ્રામ જેટલો જથ્થો ૨૫ કરોડ લોકોને મારી શકે છે જો ત્રાસવાદી લોકોનાં હાથમાં જાય તો, હાહાકાર મચી જાય


બ્રિટનમાં આજકાલ રશિયન જાસુસના હત્યાનો મામલો ગરમાએલો છે. એલેકઝાન્ડર લીટ્વિનેન્કો નામના રશિયન જાસુસની હત્યા, દુનિયાના સૌથી મોંઘા ઝેર વડે કરવામાં આવી હતી. જાસુસના હત્યાની સાથે સાથે પોલોનિયમ-૨૧૦ નામનું ઝેર પણ સમાચારોમાં અને મીડીયામાં છવાયેલું છે. જાસુસના મૃત્યુના એક દાયકા બાદ, તેના મૃત્યુને લગતો સ્વતંત્ર ઇન્કવાયરી રિપોર્ટ બ્રિટનમાં પ્રકાશિત થયો છે. રશિયન જાસુસની જીંદગી, જેમ્સ બોન્ડની ફિલ્મો જેવી રંગીલી નથી. પોતાની જીંદગીને દાવ પર લગાવીને રશિયન નાગરીકે દેશ સેવા કરી હતી. એ રશિયા દ્વારા જ તેની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હોવાનું અનુમાન છે. શા માટે રશિયન જાસુસને દુનિયાનું સૌથી કાતિલ ઝેર અતિ- અલ્પ માત્રામાં આપવામાં આવ્યું હતું ? આ સવાલ કરતાં પોલોનિયમ ૨૧૦ શું છે ? એ વાત વિજ્ઞાાનની નજરે જોતા વધારે મહત્વની છે. પોલોનિયમ-૨૧૦ એક રેડિયો એક્ટીવ પદાર્થ છે. તેના દ્વારા મનુષ્યની હત્યા પણ થઇ શકે એ વાત, સામાન્ય માનવી જાણતા નથી. આ રહી પોલોનિયમ-૨૧૦ની વિજ્ઞાન કથા.

એલેકઝાન્ડર લિટ્વિનેન્કો : રશિયન જાસુસની જીંદગી

એનું પુરુ નામ છે. એલેકઝાન્ડર વાલ્ટેરોવિચ લિટ્વિનેન્કો. જે રશિયાની સિક્રેટ એજન્સી ''એફએસબી'' માટે કામ કરતો હતો. એફએસબી રશિયન ભાષાના નામના પ્રથમ મુળાક્ષર છે. જેનો અંગ્રેજી અર્થ થાય ''ફેડરલ સિક્યુરીટી સર્વિસ ઓફ રશિયન ફેડરેશન. અમેરીકાની 'એફબીઆઇ' જેવું કામ કરતી એજન્સી એટલે 'એફએસબી' જેવું કાર્યક્ષેત્ર રશિયાનાં આંતરિક ભાગ પુરતું સિમિત છે. રશિયાની કુખ્યાત જાસુસી સંસ્થા ''કેજીબી''નું તે સીધું જ સંતાન છે. જે દેશમાં સુઆયોજીત અને સંગઠીત કાળા કુકર્મો કરવા માટે જાણીતી છે. રશિયન કાયદા પ્રમાણે એફએસબી લશ્કરી સેવા છે. પરંતુ તેના અધિકારીઓ લશ્કરી ગણવેશ પહેરતા નથી.
૧૯૮૬માં એલેકઝાન્ડરની ભરતી 'કેજીબી' માટે કરવામાં આવી હતી. ૧૯૮૮માં તે 'મિલીટરી કાઉન્ટર ઇન્ટેલીજન્સ'માં આગળ પડતા હોદ્દા ઉપર આવ્યો હતો. રશિયા અને ચેચેન્વા વચ્ચે અશાંતિ ચાલતી હતી ત્યારે લિટ્વિનેન્કોએ અનેક રશિયનને અહી એજન્ટ તરીકે પ્રસ્થાપિત કર્યા હતા. ૧૯૯૭માં એલેક્ઝાન્ડર એફએસબીના એનાલીસીસ એન્ડ સપ્રેશન ઓફ કિમ્રીનલ ગુ્રપનો ડિરેક્ટર બન્યો હતો. અહી તેને રશિયાના ટોપ લેવલના વ્યક્તિઓના ગુનાઓ, રશિયન માફીયાઓ સાથેનાં સંબંધોની ખબર પડી હતી. ૧૯૯૮માં નિકોલાય કોવાષ્યોવના સ્થાને 'એફએસબી'ના વડા (ડિરેક્ટર) તરીકે વ્લાદીમીર પુતીન હાલના રશિયન પ્રમુખ આવ્યા હતા. હવે લિટ્વિનેન્કો પુતિનના હાથ નીચે કામ કરવા લાગ્યો હતો. તેણે એફએસબીમાં ચાલતા ભ્રષ્ટાચાર બાબતે પુતિનને જાણકારી હતી. ૧૯૯૮માં એફએસબીએ રશિયાના બીઝનેસ મેન, ઇજનેર અને ગણીતશાસ્ત્રી બોરિસ બેરેઝોવસ્કીની હત્યાનાં હુકમ કર્યા હતા. બોરિસ બેરેઝોવસ્કીએ વાતને મીડીયા સમક્ષ મુકી હતી. તેના ચાર દિવસ બાદ લિટ્વિનેન્કો અને ચાર અન્ય અધિકારીઓએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં બોરીક્ષની હત્યાની વાતને સમર્થન આપ્યું હતું.
એફએસબીએ લિટ્વિનેન્કોને સેવામાંથી ડિસમીસ કરી નાખ્યાં હતા. ૨૦૦૦ની સાલમાં લિટ્વિનેન્કોએ કુટુંબ સાથે ભાગીને બ્રિટનમાં રાજકીય આશ્રય મેળવ્યો હતો. અહી તેણે લેખક, પત્રકાર તરીકે કામ શરૃ કર્યું હતું. આ ઉપરાંત બ્રિટનની જાસુસી સંસ્થા એમઆઇ-૫ અને એમઆઇ-૬ માટે પણ કામ શરૃ કર્યું હતું. ૨૦૦૨માં રશિયાએ લિટ્વિનેન્કોને તેની ગેરહાજરીમાં ભ્રષ્ટાચારના આરોપ હેઠળ સાડા ત્રણ વર્ષની કેદની સજા સંભળાવી હતી. લંડનમાં તેણે 'બ્લોઇંગ અપ રશિયા'નામની બુક લખી જેણે રશિયાના અનેક રાજકીય ભૂકંપ સર્જ્યા હતા. જેમાં રશિયન પ્રમુખ વ્લાદીમીર પુતિન ઉપર પણ આરોપ લગાવવામાં આવ્યા હતા. એફએસબીએ પુતિનને રાષ્ટ્ર પ્રમુખ બનાવવા જે ત્રાસવાદી કૃત્યો કર્યા હતા. તેનો ભાંડો લિટ્વિનેન્કોએ ફોડયો હતો. ૨૦૦૬માં પુતિને રશિયન પત્રકાર આના પોલીત્કોવાસ્કયાની હત્યાના આદેશ આપ્યા હતા. લિટ્વિનેન્કો હવે 'એફએસબી' અને પ્રમુખ 'પુતિન'નો પરોક્ષ રીતે દુશ્મન બની ચૂક્યો હતો. જે આગળ જતાં તેનાં જ મોત અને હત્યાનું કારણ બન્યાં. ૨૦૦૬માં તેને પોલોનિયમ-૨૧૦ નામનું કાતિલ ઝેર આપવામાં આવ્યું હતું. તેના ત્રણ અઠવાડિયા બાદ તેનું મૃત્યુ થયું હતું. પોલોનિયમ દુનિયાનું સૌથી મોંઘું ઝેર છે. લિટ્વિનેન્કોને મારી નાખવા વપરાયેલ પોલોનિયમ-૨૧૦ના જથ્થાની કિંમત બ્લેક માર્કેટમાં ૨.૫૦ કરોડ અમેરિકન ડોલર છે. જેની માત્રા ૧૦ મીલીગ્રામ પણ ન'હતી.

ફેકટ ફાઇલ : પોલોનિયમ-૨૧૦

પોલોનિયમ-૨૧૦ ને લગતી માહીતી 'ફાસ્ટ ફોરવર્ડ'માં જોઇ લઇએ.પોલોનિયમ-૨૧૦ દુર્લભ રેડિયોએક્ટીવ ધાતુ છે. જેની શોધ મેરી ક્યુરી એ કરી હતી.
તેનો અર્ધજીવનકાળ (હાલ્ફ લાઇફ) ૧૩૮ દિવસનો છે.
રેડિયો એક્ટીવ અવસ્થામાં તે આલ્ફા પાર્ટીકલ મુક્ત કરે છે.આલ્ફા પાર્ટીકલ ખૂબ જ ઉચ્ચ ઊર્જા ધરાવતું રેડિયેશન છે. પરંતુ તે બહુ લાંબા અંતર સુધી જઇ શકતું નથી. તેને માત્ર પાતળા કાગળની સીટ વડે પણ રોકી શકાય છે.
પોલોનિયમ-૨૧૦ શરીરમાં પ્રવેશે ત્યારે જ કાતિલ ઝેરની અસર બતાવે છે.
હાઇડ્રોજન સાઇનાઇડ કરતાં પણ પોલોનિયમ વધારે કાતિલ ઝેર છે. સાઇનાઇડનો ૨૫૦ મીલીગ્રામ જથ્થો મનુષ્યનું મોત ઉપજાવે છે.જ્યારે પોલોનિયમ-૨૧૦નું માત્ર એક માઇક્રોગ્રામ જથ્થો મનુષ્યને મોત આપવા માટે કાફી છે. આ હિસાબે  સાઇનાઇડ કરતાં તે ૨૫૦ ગણુ વધારે કાતીલ છે.
વ્યાપારી ધોરણે લોકોને મારવા માટે પોલોનિયમ બજારમાં મળતું નથી. તેનું ઉત્પાદન ન્યુક્લીયર રિએક્ટરમાં થાય છે. વિશ્વનાં બધા જ પરમાણુ રિએક્ટરમાંથી એક વર્ષમાં માત્ર ૧૦૦ ગ્રામ પોલોનિયમ મળે છે.
રશિયા તેના રિએક્ટરમાંથી વર્ષે દહાડે વિશ્વનું સૌથી વધારે (ખરા અર્થમાં ઓછું) એટલે કે ૮૫ ગ્રામ પોલોનિયમ પેદા કરે છે. બાકીનું ૧૫ ગ્રામ પોલોનિયમ  વિશ્વના અન્ય દેશો પેદા કરે છે.
પોલોનિયમ ગામા રેડિયેશન નહી પરંતુ આલ્ફા પાર્ટીકલ મુક્ત કરે છે. એરપોર્ટ કે સિક્યોરીટી ચેકીંગમાં તેની હાજરી પકડી શકાતી નથી કારણ કે ગીઇગર કાઉન્ટર માત્ર ગામા રેડિયેશન પકડી શકે છે. આલ્ફા પાર્ટીકલને નહી આલ્ફા પાર્ટીકલ ધન આયન છે.પોલોનિયમ શરીરમાં પ્રવેશી જે અસર બતાવે છે તેને મેડિકલની ભાષામાં એક્યુટ રેડિયેશન સિન્ડ્રોમ કહે છે.
અમેરિકા અને બ્રિટને પોલોનિયમનું ઉત્પાદન ૧૯૭૦ના દાયકાથી બંધ કરી નાખ્યું છે. માત્ર રશિયાનો આવાનગાર્ડ ન્યુક્લીયર પ્લાન્ટ હાલમાં પોલોનિયમનું ઉત્પાદન કરે છે. જે રશિયાના સારોેવ શહેર પાસે આવેલ છે.
ધૂમપાન કરનારા લોકોનાં ફેફસામાં અતિ અલ્પ માત્રામાં પોલોનિયમ જમા થાય છે. શરીરમાં ગયેલ પોલોનિયમનો ૧૦% જથ્થો લોહી, ૩૦ ટકા લીવર, ૧૦ ટકા બોનમેરો, ૧૦ ટકા કીડની અને ૫ ટકા બરોળમાં શોષાય છે.
પોલોનિયમ  કેન્સર પેદા કરનાર પદાર્થ કાર્સીનોજેન છે.
એક ટન યુરેનિયમનાં ખનીજ માંથી માત્ર ૦.૦૦૦૧ ગ્રામ પોલોનિયમ મળે છે.

મેડમ મેરી ક્યુરીની મહત્વાકાંક્ષી શોધ

પોલોનિયમ-૨૧૦ એક ઉચ્ચકક્ષાનું રેડિયોએક્ટીવ તત્વ છે. જે સૌથી વધારે ઝેરી પદાર્થ છે. જો કે તેનું ઝેર, ત્યારે જ અસર કરે છે જ્યારે શરીરના આંતરીક કોષો ઝેરના સીધા જ સંપર્કમાં આવે છે. માત્ર ધૂળના એક રજકણ એટલે કે એક માઇક્રોગ્રામ પોલોનિયમ-૨૧૦, યુક્ત વ્યક્તિને ધીમું મોત આપવા માટે પુરતું છે. તે પરમાણું ક્રમાંક ૮૪ ઉપર આવતા રાસાયણિક તત્વ પોલોનિયમનું સમસ્થાનિક (આઇસોરોપ) છે. પોલોનિયમની ૩૩ જેટલા સમસ્થાનિકો છે. જે રેડિયો એક્ટીવ છે.
૧૮૯૮માં ખ્યાતનામ સ્ત્રી વૈજ્ઞાાનિક મેરી ક્યુરી અને તેના પતિ પીઅરી ક્યુરીએ પોલોનિયમની શોધ કરી હતી. પોલોનિયમ મેરી ક્યુરીના વતન ''પોલેન્ડ'' અને તેણે શોધેલ તત્વ 'રેડિયમ' ના શબ્દોને ભેગા કરીને બનેલ તત્વનું નવું નામ છે. પોલોનિયમ દુર્લભ, ચાંદી જેવા રંગની ધાતુ છે. ઉદ્યોગોમાં પોલેનિયમ ખુબ જ અલ્પ પ્રમાણમાં વપરાય છે. આ કારણોસર તેનું ઉત્પાદન પણ અલ્પ પ્રમાણમાં કરવામાં આવે છે. પિટચબ્લેન્ડની રેડિયો એક્ટીવીટીનું કારણ શોધતાં શોધતા, મેરી ક્યુરીએ યુરેનિયમ અને થોરીયમ જેવા તત્વો અલગ તારવ્યા હતા. ત્યાર બાદ પોલોનિયમ અને રેડિયમને અલગ તારવવામાં તેમને સફળતા મળી હતી બીજા વિશ્વયુદ્ધ સુધી પોલોનિયમ પાછળ કામ કરતું ભૌતિક શાસ્ત્ર ગુપ્ત રાખવામાં આવ્યું હતું. અમેરિકાએ મેનહટન પ્રોજેક્ટમાં પરમાણુ બોમ્બ બનાવવાનું શરૃ કર્યું ત્યારે, મનુષ્ય શરીર ઉપર રેડિયેશનની કેવી અસર થાય છે. તે જાણવા માટે ગુપ્ત પ્રયોગો કર્યા હતા. આ પ્રયોગોમાં પાંચ મનુષ્યને ''પોલોનિયમ'' ૯થી ૨૨ માઇક્રો ક્યુરી જેટલું પોલોનિયમ આપવામાં આવ્યું હતું. જ્યારે રેડિયેશનની માનવ શરીર ઉપરની અસરો પ્રસ્થાપિત થઇ ન હતી ત્યારે અમેરિકાએ મનુષ્યને રેડિયેશનની પ્રયોગશાળાના દેડકા બનાવ્યા હતા.

માનવ શરીર ઉપર અસર

પોલોનિયમ ઝેરી પદાર્થ નથી.  તેનું રેડિયેશન શરીરમાં ગયા પછી અસર બતાવે છે. આ રેડિયેશન બહુ દુર સુધી જઇ શકતું નથી એટલે તેની નજીકના કોષોને નુકસાન પહોંચાડે છે. શરીરમાં પોલોનિયમ છે કે નહી તેની હાજરી ચકાસવા માટેનાં કોઇ મેડિકલ ટેસ્ટ ઉપલબ્ધ નથી.  પોલોનીયમનો કોઇ રંગ કે સ્વાદ નથી. તેથી તેને ખોરાક અથવા પીણામાં ઉમેરીને શરીરમાં ઉતારીને ગુનાહીત કૃત્ય કરવામાં આવે છે. રશિયન જાસુસને 'ચા' સાથે પોલોનિયમ-૨૧૦નું ઝેર આપવામાં આવ્યું હતું. પોલોનિયમનું રેડિયેશન ધીમું અસર કરે છે. સૌ પ્રથમ એ લાલ રક્તકોષો ઉપર અસર કરે છે. ત્યારબાદ યકૃત કિડની, બરોળ, બોન મેરો, આંતરડા અને ચેતાતંત્ર ઉપર અસર કરે છે.
પોલોનિયમ શરીરમાં પ્રવેશે છે ત્યારે, શરીરમાં રીએક્ટીવ  રેડિકલ્સ પેદા થાય છે. જે શરીરના કોષોમાં રહેલ જૈવ- રાસાયણિક રેણુઓ માંથી 'ઇલેક્ટ્રોન' ચોરી લે છે. શરીરના કોષોમાં લો લેવલે ડિએનએ ડેમેજ થાય છે. જેના કારણે કોષ વિભાજન અને કોષ વૃદ્ધિને અસર થાય છે. વધારે અસર પામેલ કોષો 'એપોપ્ટોસીસ' પ્રક્રિયાના કારણે સ્વયંમ પોતાનો વિનાશ કરે છે.
મેરી ક્યુરીની પુત્રી આઇટીન ક્યુરીનું મૃત્યુ પણ પ્રયોગશાળામાં થયેલ અકસ્માતના કારણે પોલોનિયમ-૨૧૦ વડે થયેલું માનવામાં આવે છે. પેલેનસ્ટાઇનના નેતા યાસર આરીફતને પણ પોલોનિયમ-૨૧૦ આપવામાં આવ્યું હોવાની શંકા છે. ઇઝારાયેલી લેખક માઇકલ કાર્પિલના મત પ્રમાણે, વેઇઝમાલ ઇન્સ્ટીટયુટમાં બનેલ પોલોટેનિયમ લીકેજની ઘટના આ માટે જવાબદાર હતી. ૧૯૭૮માં બલ્ગેરીયમ જાસુસ જ્યોર્જી માસ્કોવને બલ્ગેરીયાની સિક્રેટ સર્વિસ દ્વારા પોલોનીયમથી મારી નાખવામાં આવ્યો હતો.

No comments: