Tuesday 16 February 2016

સજીવ સૃષ્ટિના સામૂહિક નિકંદનની શરુઆત થઈ ચૂકી છે

પૂરી પૃથ્વી પર સજીવોની અનેક પ્રજાતિઓ આપણી જાણ બહાર નષ્ટપ્રાયઃ થઈ રહી છે. મનુષ્યના આગમન બાદ પૃથ્વી પર પ્રજાતિના વિનાશનો વેગ બમણો થઈ ગયો છે. પૃથ્વી પર એક સાથે ઘણી બધી પ્રજાતિઓનો વિનાશ થઈ જાય છે તે ઘટનાને અંગ્રેજીમાં 'માસ એક્સટીન્કશન' એકસટીકન્શન ઇવેન્ટ અથવા બાયોટીક સાઇસીસ તરીકે ઓળખાય છે. અત્યાર સુધી પૃથ્વી પર સૌથી મોટાં પાંચ 'માસ એક્લટીક્શન' આવી ચૂક્યા છે. જેને ગુજરાતીમાં 'સામૂહિક વિનાશ' કે મહત્તમ પ્રજાતિની વિલુપ્તીની ઘટના તરીકે ઓળખાવી શકાય. પર્યાવરણનો માનવી જે રીતે દાટ વાળી રહ્યો છે એ મુજબ છઠ્ઠો પ્રજાતિનો સામુહિક પ્રલય જાણે ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. પૃથ્વી પર અચાનક કોઈ વિશાળ ઉલ્કા ટકરાય કે પરમાણુ શસ્ત્રનો ઉપયોગ સજીવોનો સામુહિક વિનાશ નોંધરે તેવી કલ્પના કરવી પણ ભયાનક છે. પૃથ્વીના સજીવોને સામુહિક વિનાશમાંથી બચાવવાનો કોઈ રસ્તો છે ખરો ?

સામુહિક નિકંદનની વાત
આજથી દસ હજાર વર્ષ પહેલાં પૃથ્વી પર 'શીતયુગ - આઇસ એજ' પથરાયો હતો. જેમાં વનસ્પતિ, સ્તનધારી પક્ષીઓ. જીવજંતુઓ, ઉભયજીવી અને પેટે ચાલનારા પ્રાણીઓની સેંકડો પ્રજાતિઓ રોકેટ ગતિએ વિનાશના મુખમાં ધકેલાઈ ગઈ હતી. વૈજ્ઞાાનિકોએ મૂકેલા આધુનિક અંદાજ પ્રમાણે દર વર્ષે ૧.૪૦ લાખ સજીવ પ્રજાતિઓ કાયમ માટે પોતાનું અસ્તિત્વ ગુમાવીને નામશેષ થઈ રહી છે. આંકડો ચોંકાવનારો છે. ખરી સમસ્યા નામશેષ થઈ ગયેલા સજીવોને માથે નથી સમસ્યા મનુષ્યને નડવાની છે જો આપણે પોતાના અસ્તિત્વને ટકાવી રાખવું હોય અને સામુહિક વિનાશમાંથી બચવાના ઉપાય વિચારવા હોય તો ફરીવાર વિચારવાનો સમય પાકી ગયો છે. આપણા આહાર, સ્વચ્છ પાણી, સારા કપડા અને શ્વાસ લેવા જેવી સ્વચ્છ હવા જોઈતી હોય તો દર વર્ષે લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવાની કોશિષ કરવી પડશે.
તાજેતરમાં નેશનલ ઓટોનોમસ યુનિવર્સિટીના પોલએહલીંસ અને જેરાર્ડો સેબોલોસ દ્વારા એક સંશોધન લેખ પ્રકાશિત થયો જેમાં લેખક નોંધે છે કે, પૃથ્વી પર હાલ એવી સામુહિક વિનાશની ઘટના 'સ્લો' મોશનમાં ચાલી રહી છે. ભૂતકાળમાં જેમ ડાયનૌસોરનો વિનાશ થયો હતો તેવી ઘટના ઇતિહાસ રીપીટ કરી રહી લાગે છે.

પર્યાવરણ પ્રશ્નો - જાગ્યા ત્યાંરથી સવાર
૧૯૬૮માં 'ધ પોપ્યુલેશન બોમ્બ' નામનું પુસ્તક પ્રકાશિત થયું હતું ત્યારથી માનવી પર્યાવરણ બાબતે ચિંતિત બન્યો હતો. ૨૦૧૨માં એન્થની બારનોસ્કી નામનો વૈજ્ઞાાનિક 'નેચર' મગેઝિનમાં નોંધે છે કે ભૂતકાળમાં ફોસીલ રેકોર્ડ દ્વારા 'માસ એક્સટીન્ક્શન'નો દર નક્કી કરવામાં આવ્યો હતો તેના કરતા હાલનો પ્રજાતિ વિલુપ્તિનો દર ખૂબ જ વધારે છે. તાજેતરનું સંશોધન કહે છે કે, હાલમાં નષ્ટપ્રાયઃ થઈ ગયેલી ૧૩% જેટલી સજીવોની પ્રજાતિ પાછળ મનુષ્યનો સીધો હાથ છે. પર્યાવરણને બચાવવા માટે પ્રથમ પ્રયત્નરૃપે ૧૯૭૦માં પહેલીવાર 'ધ ફર્સ્ટ અર્થ ડે' મનાવવામાં આવ્યો હતો. ગ્રીનપીસ નામની જગવિખ્યાત કંપનીની સ્થાપના ૧૯૭૧માં થઈ હતી તેના બે દાયકા બાદ ૧૯૯૨માં વિશ્વના ૧૬૮ દેશો ભેગા થયા જેનો મકસદ હતો 'બાયોડાયવર્સિટી બચાવો.
ત્યારથી 'જૈવિક વૈવિધ્ય' પર્યાવરણનો સૌથી 'હોટ ટોપિક' માનવામાં આવે છે. ૨૦૦૪માં મનુષ્યની આહાર સલામતીને ધ્યાનમાં લઈને એક નવા ટ્રસ્ટની શરુઆત કરવામાં આવી જેનો મકસદ હતો અનાજ માટે વપરાતી વનસ્પતિની વિવિધ જાતિઓને વિનાશમાંથી બચાવવી જેના માટે ગ્લોબલ ડ્રોપ ડાયવર્સિટી ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થા ખેતીવાડી માટે જરૃરી અનાજની વિવિધ પ્રજાતિઓ ઉપર નજર રાખી આપણા ભવિષ્યને બગડતું બચાવી રહી છે.

સજીવ સૃષ્ટિમાં મનુષ્ય - સંબંધોની માયાજાળ :
આપણું એટલે કે મનુષ્યનું અસ્તિત્વ કેટલાક સજીવોના અસ્તિત્વ સાથે જોડાયેલું છે. જો તેમનો એક સાથે સામુહિક વિનાશ થઈ જાય તો મનુષ્યનું અસ્તિત્વ પણ ખતમ થઈ જાય. આ રહ્યું તેનું લિસ્ટ :
મધમાખી - દસ કરોડ વર્ષથી વનસ્પતિની 'પરાગરજ'ને લઈને પુષ્પોનું ફલીનીકરણ કરવાનું કામ મધમાખી કરી રહી છે. આજની ખેતીની ૭૦% ખેતપેદાશો માટે 'મધમાખી' જરૃરી છે. જંતુનાશક દવા અને તેમના નિવાસ ક્ષેત્રમાં થઈ રહેલો ઘટાડો 'મધમાખી'ના અસ્તિત્વ સામે ખતરો બની શકે છે.
ચામાચીડીયા - સમશીતોષ્ણ કટિબંધના આહાર ઉત્પાદનમાં મહત્ત્વની ભૂમિકા ચામાચીડીયાની છે. તેઓ ફૂલોને ફલિત કરવાનું કામ કરે છે. ફળોના બિયાને દૂર સુધી ફેલાવવાનું પણ કામ કરે છે. ચામાચીડીયા ફળો ઉપરાંત જીવાતોનું ભક્ષણ પણ કરે છે. જો ચામાચીડીયા ના હોત તો કેળા, કેરી અને ટેકીલા જેવા ફળો ભવિષ્યમાં ચાખી શકીશું નહિ.
કોરલ - પૃથ્વી પરની સૌથી સમૃદ્ધ 'ઇકો સિસ્ટમ' કોરલ રીહા (પરવાળાના ટાપુઓ) છે જેમાં વિશાળ જૈવિક વૈવિધ્ય સચવાઈ રહ્યું છે જેમાં માછલીઓ, મોલાસ્ક, શાર્ક, કાચબા, સ્પોન્જ પોતાનુ અસ્તિત્વ ટકાવી રહ્યા છે. તે દરિયા કિનારાને ઝંઝાવાતથી બચાવે છે પાણીનું તે શુદ્ધીકરણ કરે છે. કાર્બનને પોતાનામાં સાચવી રાખે છે.
પ્લાન્કટોન - તમે શ્વાસ લઈ રહ્યા છો કારણ કે દરિયામાં રહેલ પ્લાન્ક્ટોન ૬૦થી ૬૮ ટકા ઓક્સિજન પેદા કરે છે. જે સીધો વાતાવરણમાં ભળે છે. ઘણા સજીવો કાર્બનને સમુદ્રના તળિયે દફન કરી આપે છે.
ફુગ - ફુગ કુદરતના સફાઈ કામદાર છે. કચરાને તે પોષણક્ષમ આહારમાં ફેરવી આપે છે. વનસ્પતિ અને પ્રાણીઓ માટે અનેક ઉત્પાદન માટે ફૂગનો ઉપયોગ થાય છે.ચીઝ, ચોકલેટ, સોફ્ટ ડ્રીંક અને મહત્ત્વના ઓષધો બનાવવા માટે ફૂગનો ઉપયોગ થાય છે. પેનીસીલીનથી માંડીને કોલેસ્ટેરોલને કંટ્રોલ કરનાર સ્ટેટીન જેવા ઔષધો આપણને ફુગ દ્વારા મળે છે. ફુગનું અસ્તિત્વ જોખમાય તો મનુષ્યએ પોતાના અસ્તિત્વની જોખમી સફર ખેડવી પડે.

સ્વાલબાર્ડ ગ્લોબલ સીડ વોલ્ટ - બિયારણ બેન્ક
આંતરરાષ્ટ્રીય જીનબેંક, ગ્લોબલ ક્રોપ ડાયવર્સિટી ટ્રસ્ટ અને ઇન્ટરનેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટીટયૂટ જેવી સંસ્થાઓ સાથે મળીને ખેતીલાયક 'બિયારણ' બચાવવા માટે પ્રયત્નશીલ છે. ઉપરોક્ત સંસ્થાના સહયોગથી 'સ્વાલબાર્ડ ગ્લોબલ સીડ વોલ્ટ'ની સ્થાપના કરવામાં આવી છે. ઉત્તર ધુ્રવથી ૧૧,૩૦૦ કી.મી. દૂર 'સ્વાલવોર્ડ ગ્લોબલ સીડ વોલ્ટ' સ્થાપવામાં આવી છે. ૨૩૨ દેશોમાંથી ૫૧૦૩ જાતના બિયારણ અહીં સાચવવામાં આવી રહ્યા છે. જેમાંની કેટલીક વનસ્પતિની પ્રજાતિઓ પણ નાશ પામી ચૂકી છે.
સ્વાલબાર્ડની પસંદગી ખાસ એટલા માટે કરવામાં આવી છે કે, અહીંની ભૂમિ સ્ટેબલ છે. આ ભૂમિ પર કાયમ માટે બરફ છવાયેલો રહે છે. સૂર્ય અહીં માત્ર ચાર મહિના માટે ઉગે છે. બિયારણને સાચવી રાખવા જરૃરી તાપમાન અહીં મળી રહે છે. સ્થળ એટલું દૂર છે કે કોઈ તેને ચોરી જવાના કે વોલ્ટને કબજામાં કરવાનું વિચારવાનું માંડી વાળે ! સમુદ્ર સપાટીથી ૧૩૨ મીટરની ઉંચાઈએ 'સ્વાલબાર્ડ વોલ્ટ' આવેલું છે. પૃથ્વી પરનો બધો જ બરફ ઓગળી જાય તો પણ આ સ્થળે સમુદ્રની સપાટી પહોંચી શકે નહિ. ગ્લોબ જીન બેંક, તેના બિયારણના સેમ્પલ ત્રણ અલગ અલગ સ્થળે જાળવી રાખે છ જેમાંનું એક સ્થળ 'સ્વાલબાર્ડ' પણ છે.
'સ્વાલ બાર્ડ વોલ્ટ'ની રચના એવી રીતે કરવામાં આવી છે કે સદીઓ સુધી તેના બાંધકામની કાંકરી પણ ખરે તેમ નથી. આખરે મનુષ્યને ભૂખમરાથી બચાવવો હશે તો અનાજના સારી ગુણવત્તાવાળા બિયારણોને ભવિષ્ય માટે સાચવી રાખવા પડશે.

ફ્રોઝન ઝુ  ભવિષ્યની આશા
માત્ર વનસ્પતિ કે અનાજના 'બિયારણ'ને વૈજ્ઞાનિકો સાચવતા નથી. પ્રાણીઓના અસ્તિત્વ માટે પણ તેઓ એટલા જ ચિંતાતુર છે. દુનિયામાં ડઝનબંધ 'ફ્રોઝન ઝુ' છે જેમાં પ્રાણીઓના જૈવિક વૈવિધ્યને સાચવવા માટે પ્રાણીઓના શુક્રાણુ- અંડકોષ, જીનેટીક મટિરિયલ કે વિવિધ જૈવિક કોષો સાચવી રાખવામાં આવ્યા છે. જેમાંનું પ્રથમ ફ્રોઝન ઝુ અમેરિકાના સાનડિયાઝગોનું છે. જ્યાં ૪૦૦ જાતના પ્રાણીઓના ૮૪૦૦ સેમ્પલ સાચવી રાખવામાં આવ્યા છે. ૧૯૭૬થી તેમને પ્રવાહી નાઇટ્રોજનમાં સાચવી રાખવામાં આવ્યા છે. ભવિષ્યમાં ક્લોનીંગ અથવા ટેસ્ટ ટયુબ બેબી ટેકનિકથી પ્રાણીઓને સજીવ કરી શકાય તેમ છે.
ખરીવાત એ છે કે કુદરતમાં રહેલ સજીવો ેએટલે કે વનસ્પતિ કે પ્રાણીઓને પ્રયોગશાળા, ફોઝન ઝુ કે સીડ વોલ્ટમાં સાચવવાની જગ્યાએ તેમને તેમનૈં કુદરતી પર્યાવરણમાં રાખી તેમનાં સંવર્ધન માટે પ્રયત્ન કરવામાં આવે તો મોટી સફળતા મળી ગણાશે. પર્યાવરણનું રક્ષણ માત્ર મનુષ્યને જ નહી, વનસ્પતિ અને પ્રાણીઓની સેંકડો પ્રજાતીઓને બચાવી શકાશે.

No comments: