Tuesday 16 February 2016

મચ્છરો સામેનું માનવીનું મહા-યુદ્ધ

ભારતે 'ઝિકા' વાયરસની રસી શોધી હોવાની રજૂઆત...

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા 'ઝીકા' વાયરસ સામે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઝીકા વાઇરસને લગતી માહિતી ગયા અંકમાં આપણે જોઈ ગયા છીએ. આ દરમ્યાન ભારતની બાયોટેક કંપનીએ 'ઝીકા' વાયરસ સામે અકસીર પુરવાર થાય તેવી 'રસી' શોધી કાઢી હોવાની જાહેરાત કરી છે. જો કે તેના વ્યાપારી ઉત્પાદન અને સરકારી મંજૂરી મેળવવામાં છ મહિના જેટલો સમય લાગી શકે તેમ છે. મચ્છરો, મનુષ્યો ઉત્ક્રાંતિના સાક્ષી રહ્યા છે. મનુષ્યને હજારો વર્ષથી તે સતાવી રહ્યો છે. પ્રાણીઓને પણ મચ્છરો કરડે છે આ ઉપરાંત તમને જાણીને નવાઈ લાગશે કે નાગ- સાપ જેવા પેટે સરકનારા પ્રાણીઓને પણ મચ્છર કરડે છે. માનવી અને મચ્છરો વચ્ચેનું અદ્રશ્ય મહાયુદ્ધ સદીઓથી ચાલી આવ્યું છે. હાલની સદીમાં તે ચરમસીમા પર પહોંચ્યું છે. મચ્છરો દ્વારા ફેલાતા મેલેરિયા, ડેન્ગ્યુ જેવી બીમારીમાં વર્ષે દહાડે હજારો લોકો મૃત્યુ પામે છે. તેનો આંકડો આપણને ચોંકાવી મૂકતો નથી. મચ્છરોને નાથવાના મહાયુદ્ધમાં 'વિજ્ઞાાન' કેવા ખેલ ખેલી રહ્યું છે તેની વાત કરીએ તો...

મોસ્કીટો રિપેલન્ટ - રસાયણ શાસ્ત્રનો શસ્ત્ર તરીકે દેશી ઉપાય

મચ્છર સામેના મહાયુદ્ધમાં જ્યારે કોઈ પણ ઉપચાર કામ ન લાગે ત્યારે મચ્છરને કોઈ પણ હિસાબે દૂર રાખવા અથવા ભગાડવાની તરકીબ યોજવામાં આવે છે. 'મોસ્કીટ રિપેલેન' આવો ઉપાય છે. સદીઓ પહેલા માનવી મચ્છર ભગાડવા વિવિધ ઉપાય કરતો આવ્યો છે. કેટલાક પ્રાંતમાં નાળીયેરની છાલ અને પપૈયાના પાનનો ઉપયોગ મચ્છર ભગાડવા માટે થાય છે. ગુજરાતમાં લોકો લીમડાના પાનનો ધુમાડો કરે છે. અમેરિકામાં મૂળભૂત આદિવાસી પણ મચ્છરો દૂર રાખવા વિવિધ વનસ્પતિના તેલ વાપરતા આવ્યા છે. પર્સીયામાં પિરેથ્રમ ડેઇઝી વનસ્પતિનો ઉપયોગ થતો હતો એશિયા તરફ જવાના માર્ગે આ વનસ્પતિ આસાનીથી મળી રહેતી હતી. આ વનસ્પતિનો પાવડર નેપોલીયને યુદ્ધ દરમ્યાન મચ્છરો ભગાડવા માટે કર્યો હતો. આ ઉપરાંત બીજા વિશ્વયુદ્ધમાં માખીઓ અને લીખ- જૂનો ઉપદ્રવ દૂર કરવા માટે પણ આ પાવડર વપરાતો હતો.
આજના રાસાયણિક રિપેલન્ટમાં ટ્રાન્સફ્લુથ્રિ જેવું રસાયણ વપરાય છે. ૧૯૦૧માં અકસ્માતે સીટ્રોનેલા નામની ઔષધિના ગુણ મચ્છર ભગાડવા માટે ઉત્તમ છે તેવું જાણવા મળ્યું હતું. સીફોનોલાનું તેલ રિપેલન્ટમાં વપરાય છે. ૧૯૩૭માં ઇન્ડાલોન નામનું રસાયણ જીવજંતુઓ ભગાવવા માટે વિકસાવવામાં આવ્યું ત્યારબાદ રૃટજર્સ- ૬૧૨ નામનું કૃત્રિમ રસાયણ પેદા કરવામાં આવ્યું જે મચ્છરને ભગાડવા માટે વપરાવા લાગ્યું હતું. ૧૯૫૫ બાર વૈજ્ઞાાનિકોએ કાયઇથાઇલ નેટા ટોલ્યુમાઇડ નામનું મચ્છર / મારવા ભગાડવાનું રસાયણ શોધી કાઢ્યું હતું. જે DEET તરીકે ઓળખાય છે. હાલના ઘણાં ખરા ઉત્પાદનોમાં તેનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત યુકેલીપ્ટસ ઓઇલ, પિકારીડીન, ડાઇમિથાઇલ ફેથેલેટ, ડાયમિથાઇલ કાર્બેટ અને ઇથાઇલ હેક્ષાનેડિયોલ મચ્છરો માટેની ક્રીમ વગેરેમાં વપરાય છે. મચ્છરો અનેક પ્રકારના રોગોના વાહકને મનુષ્ય શરીરમાં પહોંચાડવાનું કામ કરે છે. નાઇલફીવર, યલોફિવર, ચિકુન ગુનિયા, ડેગ્યું અને હાથીપગા જેવા રોગોના વાહકને મનુષ્યના માથે મારવાનું પાપ મચ્છરોના માથે લખાયેલું છે.

સુસાઇડ જીનથી સજ્જ બનેલા જીનેટીકલી મોડીફાઇડ મચ્છરો...

એચ.જી. વેલ્સની ટાઇમ મશીનની નવલકથામાં ભવિષ્યની દુનિયામાં એવી વનસ્પતિઓ અને પ્રાણીઓ હતા જે મનુષ્યની સેવા માટે જીનેટીકલી રિ-એન્જિનિયર્ડ કરેલા હતા. જુરાસિક પાર્ક નવલકથામાં ડાયનાસોરને નિયંત્રણમાં રાખવા માટે ખાસ ટેકનોલોજી અપનાવવામાં આવી હતી. આવી આધુનિક ટેકનોલોજીનું નામ છે 'રિલીઝ ઓફ ઇન્સેક્ટ કેરીંગ ડોમીનન્ટ લેથલ' ટુકમાં જે RIDC તરીકે ઓળખાય છે. આરઆઇડીએલના પૂર્વજો 'સીટ' એટલે કે સ્ટરાઇલ ઇન્સેક્ટ ટેકનોલોજી તરીકે ઓળખાય છે. રેમન્ડ બુશલેન્ડ અને એડવર્ડ નીપ્લીંગ નામના વૈજ્ઞાાનિકે સ્ટરાઇલ ઇન્સેક્ટ ટેકનોલોજી વાપરી હતી. રેડિયેશન દ્વારા ઇન્સેક્ટ (જંતુઓ)ને સ્ટાઇલ (બીનફળદ્રુપ) બનાવવામાં આવતા હતા. આવા જીવડાનો નર-માદા સમાગમ, નવા બચ્ચા પેદા કરવામાં નિષ્ફળ જતો હતો. મચ્છરોના ત્રાસથી બચવા માટે આ પ્રકારની ટેકનિક નવા સ્વરૃપે આવી છે. જેને જીનેટીકલી મોડીફાઇડ મોસ્કીટો કહે છે બ્રિટનની ઓક્સીટેક કંપનીએ જીનેટીકલી મોડીફાઇડ મચ્છરો પેદા કર્યા છે જે માટે 'આરઆઇડિએલ' ટેકનોલોજી વાપરી છે.
જુરાસિક પાર્કના ડાયનોસેરના જૈનોમમાં લીસીન પ્રોટીનની ઉણપ હતી ઓક્સીરેકના મચ્છરોને બચાવવા માટે રેટ્રા- સાયઝનીન નામનું એન્ટીબાયોટીક જરૃર પડે છે. ઓક્સીરેક દ્વારા મોડીફાઇડ મચ્છરો પેદા કરવામાં આવ્યા છે. તેના શરીરમાં 'સુસાઇડ જીન' ઉમેરવામાં આવ્યું છે. જીનેટીકલી મોડીફાઇડ મચ્છરો મુખ્યત્વે 'નર' તેમને જ્યાં ડેન્ગ્યુ, ચિકન ગુનિયા વગેરે ફેલાવતા હોય તેવા 'એડિસ ઇજીપ્તી' મચ્છરોનો ઉપદ્રવ હોય તેવા વિસ્તારોમાં છોડી મૂકવામાં આવે છે. મુખ્યત્વે 'માદા' મચ્છર મનુષ્યોને કરડે છે અને તે ડેન્ગ્યુ, ચીકન ગુનિયા વાયરસના વાહકનું કામ કરે છે. આવા વાયરસનો ચેપ તે મનુષ્યને લગાડે છે. જીનેટીકલી મોડીફાઇડ મચ્છરો અને વાયરસ પ્રભાવિત ક્ષેત્રની માદાઓ સમાગમથી જે ઇંડા મૂકે છે તેમના જેનોમમાં વદારાનો 'સુસાઇડ જનીન' ભળેલો હોય છે. જેના કારણે ઇંડામાંથી લાર્વા બને ચે તે અવસ્થામાં લાર્વા વખતે જ આત્મહત્યા કરતા હોય તેમ મરી જાય છે. આમ કુદરતી રીતે જ મચ્છર પેદા થતા પહેલા મરી જાય છે. માદા મચ્છરનું આયુષ્ય ૧૫ દીવસનું છે. આ દરમ્યાન તે સામાન્ય રીતે એકવાર ઇંડા મૂકે છે. જીનેટીકલી મોડીફાઇડ મચ્છરો પેદા કરવાનો શ્રેય ઓક્સીરેડના વૈજ્ઞાાનિક પ્રો. લ્યુડ આલ્ફને જાય છે. તેમને ઇનોવેટર ઓફ ધ યર નામનો એવોર્ડ મળ્યો છે. બ્રાઝીલમાં જીનેટીકલી મોડીફાઇડ મચ્છરોના કારણે મચ્છરોની સંખ્યામાં ૮૫% ઘટાડો કરી શકાયો હતો.

'ઝીકા' વાયરસની રસી વિકસાવતું ભારત

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા ગ્લોબલ હેલ્થ ઇમરજન્સીની જાહેરાત કરી છે જેના માટે મચ્છરો દ્વારા ફેલાતો 'ઝીકા' વાયરસનો ચેપ મુખ્ય ખલનાયક છે. વાઇરસ દ્વારા મનુષ્યને થતા તાવ અને રોગના લક્ષણોને અન્ય સારવારથી અટકાવી શકાય ચે પરંતુ ગર્ભવતી સ્ત્રીને તે લાગે તો 'ઝીકા' વાયરસનો ચેપ ખતરનાક સાબિત થયો છે. તેમના બાળક અવિકસીત મગજ સાથે જન્મ્યા છે. હૈદરાબાદમાં આવેલ ભારત બાયોટેક દ્વારા 'ઝીકા' વાયરસની વિશ્વની સૌ પ્રથમ રસી શોધી શકવાનો દાવો કર્યો છે. રસી માટેની પેટન્ટ પણ પાંચ મહિના પહેલા નોંધાવવા અરજી કરી દીધી છે. આજે વિશ્વના ૨૦ જેટલા લેટિન અમેરિકન દેશોમાં 'ઝીકા' વાયરસનો કાળો કેર વ્યાપ્યો છે. બ્રાઝીલમાં જ ૪૦૦ કરતા વધારે કેસોમાં બાળક અલ્પવિકસીત મગજ સાથે જન્મ્યા છે.
ભારત બાયોટેક દ્વારા બે પ્રકારની રસી શોધી હોવાનો દાવો કર્યો છે. આવનારા પાંચ મહિનામાં તેનો પ્રયોગ પ્રાણીઓ ઉપર થશે ત્યારબાદ તેના પ્રયોગો મનુષ્યો ઉપર થશે. કંપની ઇચ્છે છે કે, સરકાર અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) આગળ આવે અને કંપનીને મદદ કરે જો રસીને મંજૂરી મળે તો કંપની ચાર મહિનામાં રીસના દસ લાખ ડોઝ તૈયાર કરી શકે છે. કંપનીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ અપીલ કરી છે કે તેઓ રસીના ફાસ્ટટ્રેક વિકાસ અને ડિલીવરી સિસ્ટમ વિકસાવવામાં મદદ કરે. જેનો સીધો ફાયદો બ્રિકલનો સભ્ય 'બ્રાઝિલ' માટે ખૂબ લાભદાયી બની શકે. રસી પાછળનું વિજ્ઞાાન કંઈક આવું છે.
પ્રથમ પ્રકારની રસીમાં ઝીકા વાયરસના ડીએનએના ચોક્કસ ટુકડો વાપરવામાં આવે છે જેને રિકોમ્બીનન્ટ ડીએનએ કહે છે. જેના કારણે મનુષ્યમાં ખાસ પ્રકારની તેના પ્રતિરક્ષણ પ્રણાલિ માટે વિશિષ્ટ પ્રકારનો પ્રતિભાવ પેદા થાય છે. આ પ્રકારની રસી પેદા કરવી સરળ અને સહેલી છે પરંતુ પ્રયોગોમાં એ જોવામાં આવ્યું છે કે, આવી રસીના કારણે અતિશય મજબૂત પ્રતીક્ષા પ્રણાલિના રિએક્શન જેવો પ્રતિભાવ જોવા મળતો હોય છે.
બીજા પ્રકારની રસીમાં આ ઝીકા વાયરસનું નિષ્ક્રિય વર્ઝન એટલે કે 'ઇનએક્ટીવ' સ્વરૃપ તૈયાર કરવામાં આવે છે જે નુકસાનકારી ન હોય જેના કારણે રસી સ્વરૃપે મનુષ્યને આપવામાં આવે ત્યારે વાયરસ વૃદ્ધિ પામીને વાયરસની સંખ્યામાં વધારો કરતા નથી અને તેનું કોઈ કોષમાં ઇન્ફેક્શન કે ચેપ લાગતું નથી. આમ છતાં મનુષ્યની રોગ પ્રતિરક્ષા પ્રણાલી વાયરસ સામે લડવા ખાસ પ્રકારનો પ્રતિભાવ પેદા કરે છે જેના કારણે જીવંત અને ચેપી વાયરસ સામે શરીરની રક્ષા પ્રણાલી લડી શકે છે...આ પ્રકારની રસી વધારે સફળતા આંક આપ છે.

માદા મચ્છરને નર મચ્છરમાં બદલી નાખી

નાકામ કરી આપતું 'એક્સ ચેન્જ સ્વીચ' રોગનું વિષાણુ ફેલાવવામાં માદા મચ્છર એડિસી ઇજીપ્તીનો મુખ્ય રોલ છે. આ પ્રજાતિનો નર મચ્છર મનુષ્યને કરડતો નથી. માદા મચ્છર મનુષ્યને મોટા ભાગે દિવસ દરમ્યાન કરડે છે. માદા મનુષ્યને એટલા માટે કરડે ચે કારણ કે તેના ઇંડાના વિકાસ માટે મનુષ્ય લોહી આવશ્યક છે. વૈજ્ઞાાનિકોને વિચાર આવ્યો કે જો નર મચ્છર મનુ,્યને કરડતા ન હોય તો માદા મ્ચછરને નર મચ્છરમાં ફેરવી નાખતી જીનીટીક સ્વીચ શોધી કાઢવામાં આવે તો, માદા મચ્છરને નરમાં ફેરવી નખાય અને નર મનુષ્યને કરડે નહિ. જો મચ્છર જ ન કરડે તો ડેન્ગ્યુ, ચિકન ગુનિયા કે ઝીકા જેવા વાયરસનો ચેપ મનુષ્યને લાગે જ નહીં.
આ વાત વર્જિનિયા ટેકનોલોજીના ફાલીન લાઇફ સાયન્સના વૈજ્ઞાાનિકોએ સાચી પાડી છે. તેમણે મચ્છર પ્રજાતિની જાતિ બદલી શકાય તે માટે જરૃરી જનીન શોધી કાઢ્યા છે. આ જનીનીય સ્વીચને તેમણે 'નિક્ષ' નામ આપ્યું છે.
વૈજ્ઞાાનિક અભિપ્રાય મુજબ આ સ્વીચ મચ્છરના બ્લેક હોલ જેવા ભાગમાં આવેલી છે. કોઈ પણ જીવડામાં સેક્ સ્વીચીંગ માટે જવાબદાર સિસ્ટમ શોધાયાની વિશ્વની આ પ્રથમ ઘટના છે. સંશોધન લેખ સાયન્સ એક્સપ્રેસમાં છપાયો હતો. વૈજ્ઞાાનિકો માને છે કે મચ્છરો સામેના મનુષ્યના મહાયુદ્ધમાં 'નિક્ષ' અમોઘ શસ્ત્ર પુરવાર થશે.
નિક્ષ માટે તો જવાબદાર જનીન પુરુષો માટેના રૃરંગસૂત્ર જેવા વિસ્તારમાં મળી આવે છે. આ વિસ્તારને 'એમ સેક્સ' કહે છે. સરળ ભાષામાં 'નર લાક્ષણિકતા' માટે જવાબદાર ક્ષેત્ર કહી શકાય. આ વિસ્તારમાંથી ચોક્કસ જનીન અલગ તારવવા મુશ્કેલ છે. કારણ કે વિવિધ જનીનોની કોડેડ માહિતીનું અસંખ્યવાર અહીં પુનરાવર્તન થાય છે. વૈજ્ઞાાનિકોએ મચ્છરોના ગર્ભમાં 'નિક્ષ' ઉમેરવાના પ્રયોગો કર્યા છે. પ્રયોગોના પરિણામે બે તૃતિયાંશ ભાગના માદા ગર્ભનો વિકાસ નર તરીકે થયો હતો. વિકસિત થયેલા નર મચ્છરના જેનોમમાંથી ક્રાંતિકારી જનીન એડિટીંગ ટેકનિક CRISPR CAS-9 નો વડે 'નિક્ષ' દૂર કરવામાં આવ્યું ત્યારે નર મચ્છરો ફરી વાર માદા મચ્છરમાં ફેરવાઈ ગયા હતા આમ વૈજ્ઞાાનિકોને મચ્છરો 'માદામાંથી નર' અથવા નરમાંથી માદા બનાવવાની જીનેટી સ્વીચ મળી ગઈ છે. મુખ્ય સવાલ એ છે કે પ્રયોગશાળામાં નહી પરંતુ પ્રાકૃતિક ક્ષેત્રોમાં ઉછેરાતા મચ્છરોનાં ગર્ભમાં જથ્થાબંધના ભાવે 'નિક્ષ' જનીનો ઉમેરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો !

No comments: