Thursday 1 June 2023

બ્રેઈન ઈટીંગ બેક્ટેરીયા": મનુષ્યનાં મોતનો ઘંટ ખુબ જલ્દી વગાડે છે.!

               

તાજેતરમાં અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં છ વર્ષના એક બાળકનું મગજના કોષોને ખાઇ જનારા બેક્ટેરિયાને કારણે મૃત્યુ થયું છે. અમેરિકામાં દર બે-ચાર વર્ષે એકવાર આ પ્રકારના સમાચાર વાંચવા મળે છે. સમાચારની ગંભીરતાએ છેકે "મગજના કોષોને ખાઇ જનારા બેક્ટેરિયાનો શરીરમાં એક વાર પ્રવેશ થયા બાદ, મનુષ્યનું બચવું મુશ્કેલ બની જાય છે. કોરોના વાયરસ કરતા પણ આ બેક્ટેરિયા વધારે ખતરનાક છે. બેક્ટેરિયાનો ચેપ લાગ્યા બાદ, 97 ટકા લોકોના મોત થયા હોય તેવું જોવા મળ્યું છે, એટલે કહી શકાય કે કોરોના વાયરસ કરતા પણ આ બેક્ટેરિયા વધારે જીવલેણ છે. લોકો જ્યારે સરોવર કે તળાવમાં તરવા જાય છે ત્યારે, નાઇગિલેરીયા ફોવલેરી બેક્ટેરિયા, નાક વાટે ગંધ પારખનાર ચેતાકોષોમાં પ્રવેશી છેવટે મગજમાં પહોંચે છે. અહીંયા બેક્ટેરિયાને અન્ય બેક્ટેરિયા કે ખોરાક મળતો ન હોવાથી, બેક્ટેરિયા મગજના કોષ ખાવાનું ચાલુ કરી દેછે. જે મનુષ્ય માટે જીવલેણ સાબિત થાય છે. મનુષ્યની ચામડી ઉપર અસંખ્ય પ્રકારના બેક્ટેરિયાનો વસવાટ જોવા મળે છે. જેમાંના કેટલાક નિર્દોષ અને કેટલાક જીવલેણ સાબિત થાય છે. મનુષ્યનું સૂક્ષ્મ જીવાણું એટલે કે માઈક્રોબ્સ સામેનું યુદ્ધ, વિજ્ઞાનના પ્રથમ પગથિયા ઉપર પગ મૂક્યો ત્યારથી લડતો આવે છે. બેક્ટેરિયા શું છે? બ્રેઈન ઈટીંગ બેક્ટેરીયા શું છે?

બેક્ટેરિયા શું છે?

                
લીલ, ફૂગ, શેવાળ, અને કેટલાક અન્ય સૂક્ષ્મ જીવાણુંનો સમાવેશ "બેક્ટેરિયા" તરીકે થાય છે. બેક્ટેરિયા શબ્દએ, બેક્ટેરિયમ શબ્દનું બહુવચન છે. સજીવ સૃષ્ટિની શરૂઆતમાં જે એકકોષ વાળા સજીવ જીવાણું બન્યા, તેમાં બેક્ટેરિયાનો સમાવેશ થતો હતો. જેને "પ્રોકરીયોટ્સ" કહે છે. આ પ્રકારના કોષમાં કોષકેન્દ્ર હોતું નથી. બેક્ટેરિયાના કોષમાં દોરી માફક ડી.એન.એ તરતું રહે છે. બેક્ટેરિયાના કોષમાં ઝીણા ગોળ લખોટી જેવા રિબોઝોમ્સ આવેલા હોય છે. જે કોષ માટે જરૂરી પ્રોટીન તૈયાર કરે છે. પ્રોટીન તૈયાર કરવા માટે બીબા તરીકે તેઓ "રિબોઝોમ્સ આર.એન.એ"નો ઉપયોગ કરે છે. બેક્ટેરિયાના કોષોને રક્ષણ આપવા માટે, બહારની બાજુ રક્ષાત્મક કવચ જેવી કોષ દિવાલ હોય છે. કેટલીકવાર કોષદિવાલમાં બે આવરણ હોય છે. એક બાહ્ય આવરણ અને બીજું આંતરિક આવરણ. જે ખાસ પ્રકારના પ્રોટીનનું બનેલું હોય છે. કેટલાક બેક્ટેરિયા, જેવા કે માયકોપ્લાઝમાસને કોષ દિવાલ હોતી નથી. જ્યારે કેટલાક બેક્ટેરિયાની કોષ દિવાલની બહાર એક વધારાનું આવરણ આવેલું હોય છે. જે કેપ્સ્યુલ તરીકે ઓળખાય છે. બેક્ટેરિયાના શરીર ઉપર પાતળા વાળ જેવી રચના હોય છે. જે તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ, જવા માટે કે કોષને આગળ ધકેલવા માટે ઉપયોગી સાબિત થાય છે. કેટલાક બેક્ટેરિયા ખોરાક તરીકે શર્કરા-ખાંડનો ઉપયોગ કરે છે. જ્યારે કેટલાક માત્ર પ્રોટીન યુક્ત ખોરાક પસંદ કરે છે.
                બેક્ટેરિયાના વર્ગીકરણ માટે,તેની કોષદિવાલની રચના અથવા તેના આકારનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણીવાર બેક્ટેરિયાના જીનેટીક મેકઅપ ઉપરથી પણ તેમનું વર્ગીકરણ કરવામાં આવે છે. 1884માં હેન્સ ક્રિશ્ચિયન ગ્રામ નામના વૈજ્ઞાનિકે, કોષદિવાલની ખાસીયતોને જાણવા માટે ગ્રામ સ્ટેઈન પ્રકારનો ટેસ્ટ અજમાવ્યો હતો.જેથી કોષ દિવાલ ઉપર કલર ડાય- રંજક કણૉના કારણે દિવાલ ઉપર રંગના છાંટા જોવા મળતા હતા, કોષ દિવાલ ઉપર રંગ લાગેલ,બેક્ટેરિયા " ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા" તરીકે ઓળખાય છે. કેટલાક બેક્ટેરિયાના કોષની બહાર રક્ષાત્મક કવચ હોતું નથી, તેના કારણે એના ઉપર રંજક કણોના રંગ દેખાતા નથી. આવા બેક્ટેરિયા "ગ્રામ નેગેટીવ બેક્ટેરિયા" તરીકે ઓળખાય છે. ન્યુમોનિયા થવા માટે જવાબદાર, "સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા"એ ગ્રામ પોઝિટિવ પ્રકારના બેકટેરિયા છે. જ્યારે કોલેરા માટે જવાબદાર, વિબ્રિઓ કોલેરા નામના બેક્ટેરિયા "ગ્રામ નેગેટિવ" વર્ગમાં આવનાર બેક્ટેરિયા છે.

બ્રેઈન ઈટીંગ બેક્ટેરીયા એટલે...

              

 
અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં તાજેતરમાં છ વર્ષના એક બાળકનું મૃત્યુ થયું. તેના સમાચાર અમેરિકન મીડિયામાં ચમક્યા હતા. સામાન્ય માણસને કદાચ પહેલીવાર "બ્રેઈન ઈટીંગ બેક્ટેરીયા" નામનો શબ્દ વાંચવા મળ્યો હતો. બ્રેઈન ઈટીંગ બેક્ટેરીયા શું છે?. તે કઈ રીતે મનુષ્યને મોતને ઘાટ ઉતારે છે? આ સવાલના જવાબ મેળવવા હોય તો, "બ્રેઈન ઈટીંગ બેક્ટેરીયા"ની સાચી ઓળખ મેળવવી જ રહી. નાઇગિલેરીયા ફોવલેરી, નામના બેક્ટેરિયાને તબીબી જગત "બ્રેઈન ઈટીંગ બેક્ટેરીયા" તરીકે ઓળખે છે. સંક્ષિપ્તમાં તેને "એન. ફોવલેરી" તરીકે ઓળખવામાં આવેછે. આ એક કોષીજીવ, અમીબા તરીકે પણ ઓળખાય છે. તેના દ્વારા પેદા થતાં રોગને, તબીબી જગત "પ્રાઇમરી એમોબિક મેનિન્ગોએન્સિફેલેટીસ" ( PMA) તરીકે ઓળખે છે. અમેરિકાની સેન્ટ્રલ ડિસીઝ કંટ્રોલ જણાવે છે કે નાઇગિલેરીયા ફોવલેરી જીવલેણ છે. 2009 થી 2018 સુધીમાં આ વાયરસના 34 કેસ હતા. 1962 થી 2018 ની વચ્ચે 145 લોકોને બેક્ટેરિયાને અસર કરી, જેમાંથી ફક્ત ચાર જ લોકો બચી શક્યા. નાઇગિલેરીયા ફોવલેરીનાં સંપર્કમાં આવતા 97 ટકા લોકોને બચાવવા ખૂબ જ મુશ્કેલ હોય છે. સ્વીમીંગ દરમિયાન લોકો આવા બેક્ટેરિયાના શિકાર બને છે.
              
 
મનુષ્યના નાક વાટે, અમીબા શરીરમાં પ્રવેશ કરે છે તેના બે દિવસથી માંડી બે અઠવાડિયા વચ્ચે , દુર્લભ રોગના ચિહ્નો જોવા મળે છે. ચેપગ્રસ્ત વ્યક્તિને માથું દુખે છે, તાવ ઊલટી અને ઉબકા આવવાની શરૂઆત થાય છે. સ્વાદ અને ગંધ પારખવાની ક્ષમતા ઘટવા લાગે છે. લગભગ કોરોનાવાયરસ દ્વારા જોવા મળતા લક્ષણો, આ રોગમાં પણ જોવા મળે છે. શરીરની કેન્દ્ર ભરતી ચેતાતંત્ર પ્રણાલી ને ખૂબ જ ઝડપથી નુકસાન પહોંચે છે. ડોક પકડાઈ જાય છે, થાક લાગે છે. શરીરને સંતુલિત રાખી શકાતું નથી. દિવસે વિચિત્ર પ્રકારની ભ્રમણા થાયછે. રોગના ચિન્હો દેખાયાના પાંચથી સાત દિવસમાં દર્દીનું મૃત્યુ થાય છે. અમેરિકાના દક્ષિણ રાજ્યોમાં આ બેક્ટેરિયા ની હાજરી, સરોવર તળાવ માં વધારે જોવા મળે છે.સ્વિમિંગ માટે જતા લોકોને આ બેક્ટેરિયાને કારણે થતા રોગ થવાની શક્યતા વધારે રહેલી હોય છે.

નાઇગિલેરીયા ફોવલેરી: અમીબાનો ખતરનાક અવતાર

              
 
એન. ફોવલેરી સ્વચ્છ પાણીના તળાવ, સરોવર, નાના ખાબોચિયામાં પણ જોવા મળે છે. અમીબા તળાવના તળિયે રહેલ માટીના જમાવમા વસનારા બેક્ટેરિયાનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. જ્યારે તળિયાની માટી ડહોળાય છે ત્યારે, અમીબા પુષ્કળ પ્રમાણમાં પાણીમાં તરતા જોવા મળે છે. આવા પાણીમાં તરવા ઉતરનાર વ્યક્તિના નાક વાટેથી અમીબા શરીરમાં પ્રવેશે છે. નાકમાં રહેલા ગંધ ઓળખના કોષો સીધાજ મગજ સાથે જોડાયેલા હોય છે. આમાર્ગે બેક્ટેરિયા મગજમાં પ્રવેશે છે. હૂંફાળા પાણીના તળાવની માફક, મનુષ્યનું મગજ પણ હૂંફાળું અને ભેજવાળુ હોય છે. એટલે કે મગજ અને તળાવનું પર્યાવરણ લગભગ સમાન જોવા મળે છે. પરંતુ અહીં એક વસ્તુ ખૂટે છે. અમીબાને ખોરાક માટે અન્ય સૂક્ષ્મ જીવાણુઓ કે બેક્ટેરિયા મળતા નથી. આ કારણે એન. ફોવલેરી મનુષ્ય મગજના neurons એટલે કે ચેતાકોષને ખાવાની શરૂઆત કરે છે. ચેતાકોષો સ્વ બચાવ માટે, અન્ય રોગ પ્રતિરક્ષા પ્રણાલીના કોષોને પોતાના બચાવ માટે બોલાવે છે. જેના કારણે મગજના કોષોમાં તાપમાન વધે છે અને સોજો ચડે છે. મનુષ્ય શરીરના સૌથી નાજુક અંગ મગજને બચાવવા માટે, પ્રકૃતિએ પુષ્કળ પ્રમાણમાં મજબૂત ખોપરી આપેલી છે. જે મગજના કોષોને સોજો ચડે છે, અડચણરૂપ સાબિત થાય છે. તે મગજના કોષો ઉપર પુષ્કળ પ્રમાણમાં દબાણ આપેછે. જેના કારણે ચેતા કોષોના જોડાણ તૂટી જાય છે. હવે મગજને શરીરના અન્ય ભાગ જેવાકે સ્વસનતંત્ર અને રુધિરાભિસરણ તંત્રનું સંચાલન કરવું મુશ્કેલ બની જાય છે. ટૂંકમાં શરીર ઉપર મગજનો કંટ્રોલ રહેતો નથી. મનુષ્ય છેવટે મૃત્યુને ભેટે છે. આ રોગ જ્યારે પ્રારંભિક અવસ્થામાં હોય છે ત્યારે, તેનું નિદાન કરવામાં વધારે સમય લાગી જાય છે. જેના કારણે મગજને એન્ટીબાયોટિક દવા પહોંચાડવામાં મોટો વિલંબ થઈ ચૂક્યો હોય છે. સાથે સાથે મગજને મોટું નુકસાન પહોંચી ચૂક્યું હોય છે. આવી અવસ્થામાં એન્ટીબાયોટિક દવા મગજમાં પહોંચાડવામાં આવે તોપણ ફાયદો જોવા મળતો નથી. સમયસર સારવાર ન મળતાં અને એન્ટિબાયોટિક દવા મગજ સુધી ન પહોંચવાના કારણે દર્દીનું મૃત્યુ થાય છે.

"પ્રાઇમરી એમોબિક મેનિન્ગોએન્સિફેલેટીસ": ફીકર કરવાની જરૂર નથી.

              
 
યુરોપમાં પ્રકાશિત થયેલ એક સંશોધન લેખ માં જાણવા મળ્યું છે કે, ભારતમાં પણ નાઇગિલેરીયા ફોવલેરી એટલે કે "બ્રેઈન ઈટીંગ બેક્ટેરીયા" ની હાજરી જોવા મળેલ છે. દક્ષિણ ભારતના મેંગ્લોર સિટીમાં ભૂતકાળમાં "પ્રાઇમરી એમોબિક મેનિન્ગોએન્સિફેલેટીસ"નો પ્રથમ કેસ નોંધાયો હતો. અત્યાર સુધી ભારતમાં આ રોગના 17 દર્દી નોંધાયેલા છે. આ રોગનો છેલ્લો કેસ 2016માં, કલકત્તાના 14 વર્ષના એક કિશોરમાં નોંધાયો હતો. આખરે નાઇગિલેરીયા ફોવલેરી મનુષ્યને કઈ રીતે નુકસાન પહોંચાડે છે?
              
 
એન. ફોવલેરી, જમીનમાંથી અને તાજા પાણીમાં જોવા મળે છે. નદી તળાવ, સરોવર જેવી જગ્યાએ, 86 ડિગ્રી ફેરનહીટ એટલે કે લગભગ 30 ડિગ્રી સેલ્સિયસ કેટલા તાપમાને તેઓ જીવંત રહે છે અને પોતાનો વસ્તી વધારો કરતા રહે છે. સામાન્ય રીતે અમીબા નુકસાન પહોંચાડતા નથી પરંતુ, એન. ફોવલેરી મનુષ્ય શરીરમાં ઘૂસે છે ત્યારે, દુર્લભ કહેવાય તેવો રોગ પેદા કરે છે. કેટલીકવાર કુદરતી સ્ત્રોતોમાંથી મેળવેલ પાણી શહેરમાં પહોંચાડવામાં આવતું હોય છે ત્યારે, જળસ્ત્રોતને જો બરાબર જંતુનાશક દવાઓ વડે જંતુમુક્ત કરવામાં ન આવ્યું હોય તો. ત્યારે એન. ફોવલેરી મનુષ્ય શરીરમાં પહોંચવાની તક વધી જાય છે. ગ્લોબલ વોર્મિંગ અને વાતાવરણના ફેરફારોને કારણે પણ, એન. ફોવલેરીનો વસ્તી વધારો બેફામ રીતે થાય છે અને તેનું ચેપ લાગવાની શક્યતા વધી ગઈ છે. અમેરિકા કરતા, પાકિસ્તાનના કરાંચી જેવા શહેરમાં પીવાના પાણીમાં એન. ફોવલેરી ની હાજરી મોટા પ્રમાણમાં જોવા મળેલ છે. વિશ્વમાં કોરોનાવાયરસનો ડર અને ખોફનો માહોલ પેદા થયોછે. તે રીતે એન. ફોવલેરી નામના "બ્રેઈન ઈટીંગ બેક્ટેરીયા"થી ડરવાની જરૂર નથી. લાખો લોકોમાંથી માત્ર એકાદ વ્યક્તિમાં તેની અસર જોવા મળે છે. મોટાભાગે બાળક અવસ્થા થી માંડી કિશોર અવસ્થામાં આવેલ પુરુષને આ રોગ વધારે પ્રમાણમાં જોવા મળેલ છે. વ્યક્તિની રોગ પ્રતિરક્ષા પ્રણાલી એટલે કે ઈમ્યુનીટીનો આધાર તેના જીનેટીક મેકઅપ એટલે કે વ્યક્તિના પોતાના જેનોમ ઉપર રહેલો છે. જેના કારણે બેક્ટેરિયાની અસર લોકો ઉપર અલગ અલગ જોવા મળે છે. મોટાભાગના લોકો એન. ફોવલેરી ચેપનો ફેલાવો થાય, તે પહેલાં જ તેના ઉપર કાબૂ મેળવી લે છે.