Monday 11 December 2017

હિમ માનવનું ખરૃ રહસ્ય હવે ખૂલે છે !

Pub. Date : 10.12.2017

ક્રિપ્ટોઝુલોસ્ટોને પડેલ મોટો ફટકો...


બ્રિટનમાં એક મ્યુઝીયમ દ્વારા જુના અશ્મીઓની હરાજી કરવામાં આવી હતી.તેમાં પ્રાચીન હાથીનાં વિશાળકાય હાડપીંજર પણ હતાં. જેને 'મામોથ' તરીકે જીવવિજ્ઞાની ઓળખે છે. મામોથની ઉંચી બોલી લાગશે એવું લાગતું હતું પરંતુ મામોથનાં અશ્મીઓની હરાજીમાં મોટી બોલી લાગી નહીં પરંતુ ''નેસી'' તરીકે ઓળખાતાં વિશાળકાય 'લોચનેસ'નાં સંપૂર્ણ હાડપીંજરની ખૂબ જ ઉંચી બોલી લાગી અને અશ્મીઓ ૯૨ હજાર પાઉન્ડમાં વેચાયા હતાં. હરાજી કરનારને ૩૦ હજાર પાઉન્ડ મળવાની આશા હતી. બ્રિટનનાં સ્કોટલેન્ડ પાસે લોચનેસ સરોવર છે. જ્યાં વર્ષોથી ડાયનોસોર જેવું વિશાળ રાક્ષસી જનાવર જોયું હોવાના ઘણા લોકોએ દાવો કર્યો હતો. આ વર્ષે પણ નવ જેટલી વાર 'લોચનેસ મોન્સ્ટર' દેખાયો હોવાની ખબરો છપાઈ હતી. મુળ વાત એ છે કે 'નેસી' તરીકે ઓળખાતું પ્રજ્ઞાાઐતિહાસીક પ્રાણી એ ક્રિપ્ટોઝુલોજીનું લોકપ્રિય જનાવર છે. આવા ક્રિપ્ટોજુલોજીનાં કેન્દ્ર સ્થાને બેઠેલ સૌથી વધારે લોકપ્રિય પ્રાણી હિમાલયનાં પહાડોમાં જોવા મળેલ ''યેતિ'' છે. જેને લોકો હિમ માનવ પણ કહે છે. વૈજ્ઞાાનિકોએ હિમ માનવ ઉર્ફે ''યેતિ'' ઉર્ફે બિગ ફુટનું રહસ્ય ખોલી નાખ્યું છે. જેના કારણે ક્રિપ્ટોજુલોજીને મોટો ફટકો પડયો છે. ક્રિપ્ટોજુલોજી શું છે. ''યેતિ''નું આખરી રહસ્ય શું છે ? 

ક્રિપ્ટોજુલોજી એટલે શું ? 

આપણી પ્રાચીન દંતકથાઓ ઘણીવાર વિચિત્ર આકારનાં પ્રાણીઓનો ઉલ્લેખ આવે છે. આવા પ્રાણીઓનાં વર્ણનમાં વિજ્ઞાાન, પ્રકૃતિ અને પેરા નોર્મલ એટલે કે પરાવિજ્ઞાાનનો સમાવેશ થાય છે. જેનું અસ્તિત્વ કે પુરાવા મળ્યા નથી એવા કાલ્પનિક પ્રાણીઓ વિશે સંશોધન કરનારી વિદ્યાશાખા એટલે ક્રિપ્ટોજુલોજી. જેનો અર્થ થાય ગુપ્ત, છુપાએલું કે વણઓળખાયેલ પ્રાણીનો અભ્યાસ. હવે સવાલ એ થાય કે જે પ્રાણીનાં અભ્યાસ માટે અશ્મીકો કે જૈવિક પુરાવા મળ્યા નથી તેને પ્રાણીશાસ્ત્ર સાથે કઈ રીતે સાંકળી શકાય. આ અર્થમાં ક્રિપ્ટોજુલોજીમાં કોઈ પદ્ધતિસરનું પ્રાણીશાસ્ત્ર નથી એટલે વૈજ્ઞાાનિકો ક્રિપ્ટોજુલોજીને વિજ્ઞાાનની વિદ્યાશાખા માનતા નથી. આમ છતાં ક્રિપ્ટોજુલોજી, તેનો અભ્યાસ અને લોકપ્રિયતા સામાન્ય લોકોમાં પણ વધારે છે કારણકે સામાન્ય પ્રજાને કાલ્પનીક પ્રાણીઓની રહસ્યમય દંતકથામાં વધારે રસ પડે છે. બિગફુટ, યેતિ, હિમ માનવ, લોચનેસ મોન્સ્ટર ઉર્ફે 'નેસી' વગેરે આ ક્રિપ્ટોજુલોજીનાં પાત્રો છે. જેના પુરાવા, સાબીતી કે શરીર અવશેષો મળ્યા નથી, માત્ર લોકોએ તેને જોયા હોવાનાં દાવા કર્યા છે. તાજેતરમાં 'યેતિ' એટલે કે હિમ માનવ કે બિગફુટનાં કહેવાતા અવશેષોનું ડિએનએ પરીક્ષણ કરીને, ક્રિપ્ટોજુલોજીની કાલ્પનિક દુનિયાનાં સૌથી લોકપ્રિય પાત્ર 'યેતિ'નું રહસ્ય ખોલીને, લોકોની કલ્પના ભરેલ ફુગ્ગામાંથી હવા કાઢી નાખી છે. ક્રિપ્ટોજુલોજીને UFO રસીયા સાથે પણ ઘણીવાર સાંકળવામાં આવે છે. કારણ કે આવા પ્રાણીઓ સાથે ક્યારેક પેરાનોર્મલ - શક્તિઓ સંકળાએલી હોવાનાં દાવા પણ કરવામાં આવે છે. ક્રિપ્ટોજુલોજીનાં કેટલાંક પ્રાણીઓનાં વર્ણન વાસ્તવિક પ્રાણીઓને મળતા આવે છે. આવા પ્રાણીઓને નામશેષ થઈ ગયાને હજારો વર્ષ થઈ ગયા હોવાનું વૈજ્ઞાાનિકો માને છે. કેટલાંક પ્રાચીન ડાયનોસૌરનાં વર્ણનો અને ક્રિપ્ટોજુલોજીનાં પ્રાણીઓ વચ્ચે સામ્ય જોવા મળે છે. 'નેસી' કે લોચનેસ મોન્સર આવું જ પ્રાણી છે. વૈજ્ઞાાનિકો નેસીને 'પ્લેસીયોસોર' નામનાં પાણીમાં રહેનારાં ''પ્લેસીયોસોર'' સાથે સરખાવે છે. બિગફુટ કે યેતીને નિષ્ણાંતો, જાયજેન્ટોપિથેક્સ બ્લેકી તરીકે ઓળખાવે છે. જેનું નિકંદન નિકળી ગયું છે. ઓરાંગ પેનેક નામનું પ્રાણી સુમાત્રાનાં જંગલોમાં દેખાયું હોવાનું કહેવાય છે. જેનો અર્થ ટુંકો કે ઠીંગણો માનવ થાય. ઈન્ડોનેશીયામાંથી જ ''હોમોફલોરેન્સીસ''નાં અશ્મીઓ મળી આવ્યા છે. જે ઓરાંગ પેનેકનાં વર્ણનો મળતા આવે છે. આમ ક્રિપ્ટોજુલોજીમાં કલ્પના અને હકીકતોની એવી ગુંથણી છે કે અલગ તારવવું મુશ્કેલ પડે. આમ છતાં કાલ્પનીક પ્રાણીઓમાંથી વાસ્તવિક માહિતીને અલગ કરવાનું કામ ક્રિપ્ટોજુલોજી કરે છે.

કલ્પના અને હકીકત વચ્ચે અટવાતાં - 'ક્રિપ્ટીડ' 

ક્રિપ્ટોજુલોજીમાં પ્રાચીન પ્રાગ-ઐતિહાસીક કાળથી કાલ્પનિક પ્રાણીઓની વાત આવે છે પરંતુ ક્રિપ્ટોજુલોજી માત્ર બે-એક સદી પ્રાચીન વિદ્યાશાખા છે. ૧૮૯૨માં ડચ જીવવિજ્ઞાાનીએ ''ધ ગ્રેટ સી સરપન'' નામની હસ્તપ્રતો પ્રકાશીત કરી હતી. આ પ્રાણી સમુદ્રમાં થતી વિશાળકાય સીલ માછલી માનવામાં આવે છે પરંતુ હજી સુધી કોઈને આ પ્રાણી મળ્યું નથી. આમ ૧૮૯૨થી ડચ જીવવિજ્ઞાાની એન્થની કોર્નેલીસ ઓડેમાન્સે ક્રિપ્ટોજુલોજીની અનઓફીસીઅલ વાત શરૃ કરી કહેવાય. ૧૯૫૫માં બર્નાડ હેવેલમાન્સ નામનાં વ્યક્તિએ ''બોન ધ ટ્રેક ઓફ એનીમલ્સ'' નામનું પુસ્તક પ્રકાશીત કર્યું હતું. તે પુસ્તકની લોકપ્રિયતાએ બર્નાડ હેવેલમાન્સને ક્રિપ્ટોજુલોજીનાં ''ક્રાધર''નું ઉપનામ મળ્યું હતું. ક્રિપ્ટોજુલોજીમાં આવતાં કાલ્પનિક પ્રાણીને ''ક્રિપ્ટીડ'' કહે છે. બર્નાડનાં પુસ્તકમાં વિશ્વભરમાંથી રહસ્યમય ''ક્રિપ્ટીક''નાં વર્ણનો એકઠાં કરવામાં આવ્યાં છે. ક્રિપ્ટીડની લોકપ્રિયતા એટલી છે કે માસ મીડીયા પણ તેને અવાર નવાર ચમકાવતી રહે છે. એનિમલ પ્લેનેટવાળાં ફાઈનીંગ બીગફુટ, સાયફાય ચેનલ ''ડેસ્ટીનેશન ટ્રુથ'' અને નેશનલ જ્યોગ્રાફીક ચેનલ બીસ્ટ હંટર જેવાં કાર્યક્રમો રજુ કરી ચુકી છે. જે ક્રિપ્ટોજુલોજીનાં વિવિધ ''ક્રિપ્ટીડ'' પર આધારીત છે. ક્રિપ્ટોજુલોજી શબ્દ બર્નાડ હેવેલમાને મિત્ર ઈવાન ટી સેન્ડરસન સામે પ્રયોજ્યો હતો. જ્યારે ''ક્રિપ્ટીડ'' શબ્દ ૧૯૮૩માં જે.ઈ. વોલે આપ્યો હતો. એક્ષ્ફોર્ડ ડિકશનરીમાં પણ ''ક્રિપ્ટીડ''ની વ્યાખ્યા આપવામાં આવી છે. ૨૦૦૩માં પ્રાચીન પ્રાણી વિશારદ હેનરી જી ને હોમોફલોરેન્સીસ નામનાં ઠીંગણાં મનુષ્ય પ્રજાતીનાં અવશેષો મળ્યા ત્યારે ક્રિપ્ટોજુલોજીમાં આનંદ છવાઈ ગયો હતો કે તેમનાં એક ક્રિપ્ટીડનાં પુરાવાઓ 'વિજ્ઞાાન'ને આપી શક્યા છે. ફોરટીયન ટાઈમ્સ નામનાં પેરાનોર્મલ/પેરાસાયકોલોજીનાં મેગેજીનમાં ક્રિપ્ટોજુલોજી વિશેષણ અવારનવાર છપાય છે. મજાની વાત એ છે કે ડિસેમ્બર- ૨૦૧૭ના ફોર્ટીઅન ટાઈમ્સનાં અંકની કવર સ્ટોરી છે. શુટીંગ બિગફુટ ૫૦. જીઓ-મેગ નામની જીઓ એપ દ્વારા આ મેગેજીનની ડીજીટલ કોપી પણ ઉપલબ્ધ છે. આજથી પચાસ વર્ષ પહેલાં, રોજર પેટરસન અને બોબગીમ્બલીનનો ભેટો બિગફુટ એટલે હિમ માનવ 'યેતિ' સાથે થયો હતો. તેમણે ફિલ્મ પણ બનાવી હતી. 'યેતિ'નાં જે ફોટોગ્રાફ મીડીયામાં જોવા મળે છે તે આ ફિલ્મનો સ્ટીલ ઈમેજ હોય છે. આખરે વૈજ્ઞાાનિકોએ બીગફુટ ''યેતિ''નું રહસ્ય ખોલીને ક્રિપ્ટોજુલોજીની દુનિયામાં મોટો બોમ્બ વિસ્ફોટ કર્યો છે.

હિમ માનવ - ફલેશ બેક 

૧૯ સદીની શરૃઆતથી હિમાનવ ''યેતિ''ની લોકવાયકા વધારે ફેલાવા લાગી હતી. તિબેટ, નેપાળનાં બૌદ્ધ ભિક્ષુકો માનવા લાગ્યા હતાં કે હિમાલયનાં પર્વતોમાં 'યેતિ' હિમ માનવ વસવાટ કરે છે. જેમનાં વર્ણન પ્રમાણે આ પ્રાણી વાંદરાને મળતું આવે છે. પત્થરોનો તે હથિયાર તરીકે ઉપયોગ કરે છે અને સીટી વગાડતા હોય તેવો અવાજ કાઢે છે. ૧૯૨૧માં લેફટનન્ટ કર્નલ ચાર્લ્સ હોવાર્ડ-બરી દ્વારા ''માઉન્ટ એવરેસ્ટ રેકોનીસાન્સ'' પુસ્તક પ્રકાશીત થાય છે. જેમાં ''એનોમિનેબલસ્નોમેન'' શબ્દ પ્રયોગ 'યેતિ' માટે થાય છે. વિસમી સદીમાં 'યેતિ' સાથે ભેટો કરવા માટે કેટલીય ટીમ હિમાલય ખુંદવા નિકળી પડે છે. ડેઈલી મેઈલ દ્વારા ૧૯૫૪માં પણ એક અભિયાન 'યેતી'ને શોધવા માટે મોકલવામાં આવ્યું હતું. જેનો લીડર જ્હોન એન્જેલો જેકશન હતો. તેમણે બરફ પર પડેલાં યેતીનાં પગલાંનાં ફોટોગ્રાફ લીધા હતા. ૧૮૩૨માં પ્રથમવાર બે પગે ચાલતાં વિચિત્ર પ્રાણીને જોયું હોવાનું વી.એચ. હોગોને તેના પુસ્તકમાં જણાવ્યું હતું. ત્યાર બાદ ૧૮૯૯માં લોરેન્સ વેડેલને માહિતી મળી હતી કે તેનો માર્ગદર્શકોને વાંદરાં જેવું પ્રાણી અને તેનાં પગલા જોવા મળ્યાં હતાં. હોગોનને શંકા હતી કે તેનાં ગાઈડે રીંછને નિહાળ્યું હતું. ૧૯૨૫માં પ્રથમવાર એન.એ. યેમ્બાજીએ હિમાલયમાં વિચિત્ર પ્રાણી જોયું હોવાનું નોંધ્યું. ત્યાર બાદ ૧૯૫૧માં 'યેતી'નાં પગલાંની છાપનાં ફોટા એરીક સીમ્ટને લીધા હતાં. એવરેસ્ટ શિખર પર ચડતાં, એડમંડ હિલેરીએ હિમ માનવનાં પગલાં જોયા હોવાનું જણાવ્યું હતું. યાદ રહે કે એવરેસ્ટ પર પગ મુકનારાં પ્રથમ પર્વતારોહક તરીકેનું બહુમાન, સર એડમંડ હિલેરી અને શેરપા તેનસીંગને ફાળે જાય છે. હિલેરીએ જોકે હિમ માનવ હોવા સંબંધી માન્યતાને અવ્યવહારૃ ગણી હતી. સર હિલેરીને ત્યારબાદ ક્રિપ્ટોજુલોજીમાં રસ પડયો હતો અને તેઓએ બિગફુટ/હિમ માનવ/યેતિને શોધવા માટે ખાસ અભિયાન ચલાવ્યું હતું. ૧૯૬૦ તેમણે 'યેતિ' માટે અભિયાન ચલાવ્યું હતું. જેનું પરીણામ શૂન્ય આવ્યંિ હતું. યેતીનાં કોઈ પુરાવાઓ તેમને મળ્યા ન હતાં. સર એડમંડ હિલેરી પહેલાં, ૧૯૫૯માં 'યેતિ'નાં મળના નમુનાઓ સંશોધકોએ મેળવ્યા હતાં. જેનું પૃથ્થકરણ કરવામાં આવતાં તેમાંથી વણ ઓળખાયેલા બેકટેરીયા જોવા મળ્યા હતાં. એજ વર્ષે બ્રિટીશ અભિનેતા જેમ્સ સ્ટુઅર્ટ ભારતની મુલાકાતે આવ્યા હતાં. તેમણે 'યેતી'નાં મળનાં નમુના ચોરીને લંડન ભેગા કર્યા હતાં. સદીઓ પહેલાં બ્રિટીશરો ભારતનો કિંમતી ખજાનો લુંટી ગયા હતાં. ભારત આઝાદ થયા બાદ, જેમ્સ સ્ટુઅર્ટ ''યેતી''નાં મળના નમુનાં ચોરી ગયા હતા.

આખરે DNA એ રહસ્ય ખોલી નાખ્યું ! 


એશિયા ખંડના તિબેટ અને નેપાળનાં પહાડોમાં ''હિમ માનવ'' 'યેતિ' જોવા મળ્યો હોય તેવી લોકવાયકાઓ સદીઓથી પેઢી દર પેઢી સાંભળવા મળતી આવી છે.  કેટલાંકને 'યેતિ'નાં અસ્થી અને વાળ મળ્યા છે. 'યેતિ'નાં વાળ ગણાતાં નવ સેમ્પલનું વૈજ્ઞાાનિકોએ ડિએનએ ટેસ્ટીંગકરતાં આઠ સેમ્પલ, એશીયન બ્લેક બેઅર, એટલે કે એશીયાઈ કાળા રીંછને મળતાં આવ્યાં છે. જ્યારે એક સેમ્પલ પહાડી કુતરાનાં ડિએનએ સાથે મેળ ખાય છે. બ્રિટીશ પ્રોડકશન કંપની ''આયકન'' ફિલ્મને ૨૦૧૬માં ''યેતી''નાં કેટલાંક નમુના મળ્યા હતાં. આયકન ફિલ્મ, એનીમલ પ્લેનેટ માટે ''યેતી ઓર નોટ'' ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી રહ્યાં હતાં. આ નમુનાઓ ડૉ. શાર્લોટ લીન્ડક્વીસ્ટને સોંપવામાં આવ્યા હતાં. જેનું વૈજ્ઞાાનિક પૃથ્થકરણ પ્રોસીડીંગ ઓફ રોયલ સોસાયટી 'B'માં પ્રકાશીત થયું છે. યુનિવર્સિટી ઓફ બફેલોનાં વૈજ્ઞાાનિકોએ 'યેતિ' /હિમ માનવનાં હાડકા, દાંત, ચામડી વાળ અને મળનાં નમુનાઓનું પૃથ્થકરણ કર્યું હતું.
જેમાંથી આઠ સેમ્પલનાં ડિએનએ, હિમાલીયન બ્રાઉન બેઅર, ટીએટીઅન બ્રાઉન બેઅર અને એશીયન બ્લેક બેઅરને મળે છે. આ પહેલાં ડો. લિન્ડક્વીસ્ટ સામાન્ય ડિએનએ ટેસ્ટીંગ કરી ચુક્યા હતા. પરંતુ તે સમયે કેટલાંક પ્રશ્નોનાં જવાબ મળ્યા ન હતાં. તાજેતરમાં તિબેટની ગુફામાંથી મળી આવેલ ફેમર બોડીનાં ટુકડાનું પણ ડિએનએ એનાલીસીસ કરવામાં આવ્યું હતું જે 'તિબેટીઅન બ્રાઉન બેઅર'નું હાડકું હોવાનું સામે આવ્યું છે. ડો. લીન્ડકવીસ્ટે એશીયાઈ રીંછોનાં ઉત્ક્રાંતિ ઈતિહાસ સંબંધે પણ સંશોધન કરેલ છે. હિમાલીઅન બ્રાઉન બેઅરનાં અસ્તિત્વ માથે મોટો ખતરો રહેલો છે. જેનો બચાવ રણનીતી માટે વૈજ્ઞાાનિકોએ તેની જીનેટીક ડાયવર્સીટી તપાસી હતી. જેમાં ૨૩ જેટલાં એશીયન રિંછોની માઈટોકોન્ક્રીઅલ ડિએનએ એનાલીસીસ કરવામાં આવ્યું હતું. કોષ કેન્દ્રનાં રંગસૂત્રો ઉપરાંત કણાભસૂત્રો એટલે માઈટોકોન્દ્રીયામાં પણ માતૃત્વ પક્ષનું ડિએનએ પેઢી દર પેઢી વારસામાં ઉતરતું જોવા મળે છે. જેમાં અન્ય જનીનોની ભેળસેળ ઓછી થયેલી હોય છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે તિબેટનાં બ્રાઉન બેઅરની પૂર્વજોની શાખા, ઉત્તર અમેરીકા અને યુરોપ-એશીયાનાં રીંછો સાથે પણ મળે છે. અમેરીકાનાં પહાડોમાં પણ હિમ માનવ જોવા મળ્યાના અહેવાલ હતાં. આખરે હિમ માનવ 'યેતિ' તરીકે ઓળખાતું પ્રાણી હિમાલયનું રીંછ હોવાનું સામે આવ્યું છે.

Monday 4 December 2017

'વોટ ફોર ચેન્જ : મનુષ્યનું વૈચારિક મહાયુધ્ધ'

સામાન્ય વિચારોને જ્યારે વૈજ્ઞાનિક વિચારસરણીનો ચેપ લાગે છે ત્યારે...


ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ગરમાઈ રહ્યો છે. સમાજ અને લોકો બદલાવ ઈચ્છી રહ્યા હોય છે. આ કારણે 'વોટ ફોર ચેન્જ' એ વિશ્વ પ્રસિદ્ધ થયેલું સ્લોગન છે. વિજ્ઞાાન વિશ્વમાં કેટલીક ક્રાન્તિકારી શોધ, ઘટના કે વિચારના કારણે સમગ્ર માનવજાતિનો ઈતિહાસ અને જીવનશૈલી બદલાઈ જાય છે.ક્યારેક આવો બદલાવ માનવજાતની સગવડ સાચવવા માટેની શોધમાંથી જન્મ લે છે. ક્યારેક મનુષ્યની મહેનત બચાવવા અને એકધાર્યું બીબાંઢાળ કામમાંથી મુક્તિ મેળવવા માટે 'મશીન'ની શોધ થાય છે. મશીનને માનવ જેવો વિચારશીલ બનાવવાની પ્રક્રિયામાંથી રોબોટનો જન્મ થાય છે. કેટલાંક સામાજીક બદલાવની સાથે સાથે વિચારસરણી બદલાય છે અને વિશ્વમાં 'રેનેંસા' એટલે કે નવજાગૃતિકાળ પેદા થાય છે.
સદીઓથી ચાલી આવતી માન્યતા કે વિચારને વૈજ્ઞાાનિક દ્રષ્ટિકોણથી ચકાસવાની શરૃઆત થાય છે. પ્રચલીત માન્યતાઓ સામે મનુષ્ય પ્રશ્નાર્થ ચિન્હ મુકી શકે છે. પ્રકૃતિમાંથી જ્ઞાાન પ્રાપ્તિ અર્થે નિયમો અને થિયરી શોધવાનાં પ્રયત્ન થાય છે. 'વોટ ફોર ચેન્જ' ચેન્જ ફોર ઓલ મેનકાઈન્ડ સાબિત થાય છે. વિજ્ઞાાન જગતમાં એવી કેટલીય ઘટનાઓ છે જેણે મનુષ્ય જીવનશૈલી, રહેણી કરણી, વિચાર જગતમાં ક્રાન્તિકારી ફેરફારો લાવ્યા હોય એવી બે હકીકતોને વોટ ફોર ચેન્જનાં માહોલમાં માણીએ.

ગેલેલીઓ : મનુષ્યનાં બ્રહ્માંડના ખ્યાલોમાં આવેલ બદલાવ

જ્યારે ગેલેલીયોએ પ્રથમવાર તેનું ટેલિસ્કોપ આકાશ તરફ તાક્યું ત્યારે, તેણે મનુષ્ય જાતિનાં બ્રહ્માંડ વિશેના ખ્યાલો અને માન્યતાઓ બદલવાનું ભગીરથ કાર્ય આરંભી દીધું હતું. તેનાં ટેલીસ્કોપ અને દિમાગનાં સમન્વયે સૂર્ય, ચંદ્ર અને ગ્રહો વિશે અનોખી વાત કહી જે, તે સમયની પ્રવર્તમાન બ્રહ્માને લગતી થિયરી સાથે મેળ ખાય તેવી ન હતી. પૃથ્વી પરથી દેખાતું રાત્રી આકાશ નિશ્ચિત અને સંપૂર્ણ માનવામાં આવતું. પૃથ્વીને બ્રહ્માંડનું કેન્દ્ર માનવામાં આવતું હતું, ગ્રહો, તારાઓ અને આપણો સુર્ય પૃથ્વીની પ્રદક્ષિણા ફરે છે.
એવું સામાન્ય જ્ઞાાન લોકો પાસે હતું. કોપરનિક્સે હેલીયોસેન્ટ્રીક એટલે કે કેન્દ્રમાં સુર્ય અને તેની ફરતે ગ્રહો હોય તેવી થિયરી આપી. જે જુની માન્યતાઓથી વિપરીત હતી. ગેલીલીયો ગેલેલી આ થિયરીનાં સમર્થક હતા કારણ કે કોપરનિક્સનાં સુર્યમાળાનાં મોડેલ સાથે ગેલેલીયોનાં અવલોકનો મેળ બેસાડતા હતા.
ગેલેલીયોનાં કુટુંબીને ગેલેલીયોને પુસ્તક લખવા માટે મજબુર કર્યા. ૧૬૩૦માં તેમણે Two words system પ્રકાશીત કર્યું. જેનાં કારણે તેના પર મુકદમો ચલાવવામાં આવ્યો અને રોમન કેથલીક ચર્ચ તરફથી બરતરફ કરવામાં આવ્યો. ચર્ચની બ્રહ્માંડની વ્યાખ્યા અને સર્જનને, ગેલેલીઓનાં વિચારોએ ખુલ્લી ચેલેન્જ આપી હતી.અહીં વોટ ફોર ચેન્જ, વિચારસરણીનો હતો. નેપરનિક્સની વિચારસરણીને લગતો પત્ર ગેલેલીયોએ ૧૬૧૫માં લખ્યો હતો. પરંતુ, કોપરનિક્સની થિયરીને વૈજ્ઞાાનિક સમર્થન ૧૮૩૮માં મળ્યું. ક્રિશ્ચિયન ધર્મનું કેન્દ્ર બિંદુ ગણાતું વેટિકન વીસમતી સદીમાં માનવા લાગ્યું કે ગેલેલીયો સાચો તો. એક વિચારને બદલવામાં ગેલેલીયોને સદીઓ સુધી રાહ જોવી પડે છે.ખગોળ શાસ્ત્રનું ખરૃ 'રિવોલ્યુશન' ગેલેલીયોનાં સમયકાળથી શરૃ થયું. આજે ગેલીલીયો અને તેના જેવા અનેક મહાન ખગોળશાસ્ત્રીઓનાં ખભા પર બેઠેલ માનવી બ્રહ્માંડમાં ઘણે દૂર સુધી નજર નાખી ચુક્યો છે. બિગબેંગ, ડાર્ક મેટર, ડાર્ક એનર્જી, ગ્રેવીટી વેવ્ઝ, બ્લેકહોલ્સ જેવી અનોખી બાબતો પર નવું જ્ઞાાન વિજ્ઞાાને મેળવ્યું છે કારણ કે મનુષ્યની બેઝિક વિચારસરણીને વોટ ફોર ચેન્જ બનાવવાનું બહુમુલ્ય કામ ગેલેલીયો સદીઓ પહેલાં કરી ગયો છે.

વિલીયમ હાર્વે - શરીરમાં રક્તભ્રમણની સમજણ

આજે મનુષ્ય જાણે છે કે માનવ શરીરમાં સેકડો કી.મી.લાંબી રક્તવાહીનીઓ માંથી લોહી પરીભ્રમણ કરતું રહે છે. આજે શરીરમાં રક્ત પરીભ્રમણની થિયરી સામાન્ય માણસ પર સ્વીકારી ચુક્યો છે. ખરેખર ૧૬૯૮ સુધી કોઈ એમ માનતું નહોતું કે માનવ શરીરમાં રહેલ ''લોહી'' મનુષ્ય શરીરમાં પોતાનાં પ્રદક્ષીણા માર્ગે કરતું રહેતું હશે. જુની માન્યતા એવી હતી કે ખોરાકમાંથી યકૃતમાં લોહીનું સર્જન થાય છે. જેને હૃદયમાં સીધો પ્રવેશ મળે છે. હૃદયમાં લોહી ગરમ થાય છે. અને નસોમાં લોહીને મોકલવામાં આવે છે.
વિલીયમ હાર્વે નામનો તબીબ, જેમ્સ પહેલાંનો ડોક્ટર હતો. જેણે મનુષ્ય શરીરનો સંપુર્ણ અભ્યાસ શરૃ કર્યો હતો. છેવટે તે એવાં નિર્ણય પર આવ્યો કે 'હૃદય મનુષ્ય લોહીને ગરમ કરતુ નથી' હૃદય લોહીને રક્તવાહીનીઓમાં ધકેલવાનું એટલે કે લોહીનું 'પમ્પીંગ'કરવાનું કામ કરે છે. વિલીયમ હવે જાણી ચુક્યા હતા કે રક્તવાહીનીઓની એક અનોખી સરકીટ માનવ શરીરમાં છે. જે પુરી કરી એે લોહી હૃદયમાં પાછુ ફરે છે. વિલીયમ હાર્વેનાં સમયમાં માઇક્રોસ્કોપની શોધ થઈ ન હતી.છતાં તેણે બહુ 'બોલ્ડ'વિચારબીજ ને જન્મ આપ્યો હતો. ધમની અને શીરા દ્વારા સુક્ષ્મ રક્તવાહીની 'કેપેલરી'માં રકત કઈ રીતે પહોચે છે. એ વાત વિલીયમ હાર્વે જાણીતા ન હતાં છતાં ખુબજ પરફેક્ટ અંદાજ તેમણે બાંધ્યા હતો. જો વિલીયમ હાર્વે દ્વારા લોહીનાં ચોક્કસ દીશામાં પરીભ્રમણની થિયરી રજુ થઈ ન હોત તો શું થાત જરા વિચારી જુઓ ?
આધુનિક વિજ્ઞાાન એ જાણી ન શક્ત કે સર્જરીમાં કઈ નસ કપાઈ જતાં કેટલું લોહી નિકળશે. તબીબી સારવાર માટે ઇન્જેક્શન કયાં મારવું ? હૃદય લોહીને પમ્પીંગ કરે છે એ વાતની ખબર નહોત તો હૃદયરોગની સંપુર્ણ માહીતી પણ મનુષ્ય મેળવી શક્યો ન હોત.
૧૬૨૮માં વિલીયમ હાર્વેએ પુસ્તક લખ્યુ જેનું નામ હતું 'ઓન ધ મોશન ઓફ હાર્ટ એન્ડ બ્લડ'. પુસ્તક અને તેની થિયરી એ વિલીયમ હાર્વેની કારર્કિદીને પુર્ણ વિરામ લગાવી દીધું કારણકે તે સમયે તબીબો જુની સંકુચીત વિચારસરણીને માન આપતા હતાં નવાં વિચારોનાં બદલાવને પસંદ કરતાં ન હતો. અને મહત્વની બાબત, તબીબો કોઈ નવી વૈજ્ઞાાનિક શોધ કરતાં ન હતાં. આ પરીસ્થિતી બદલવા માટે વિલીયમ હાર્વેએ કોશીશ જરૃર કરી હતી. વોટ ફોર ચેન્જ, મેડીકલ સાયન્સ માટે એક માઈલ સ્ટોન બની ગયો છે.

માઈક્રો રિવોલ્યુશન- સુક્ષ્મ દુનિયામાં ડોકીયું

માઇક્રોસ્કોપ અને ટેલીસ્કોપ એ સતરમી સદીમાં, મેળામાં વેચાતાં રમકડા હતા. તેનો વૈજ્ઞાાનિક ઉપયોગ કરવાનું લોકોને સુઝ્યુ ન હતું. સુક્ષ્મ જીવાણુઓની આગવી દુનિયા હોય એવું કોઈની કલ્પનામાં પણ ન હતું.
૧૬૬૫માં રોબર્ટ હુકે સજીવ શરીરનાં પ્રારંભીક એકમ 'કોષ'એટલે કે 'સેલ'ની શોધ, માઇક્રોસ્કોપ વડે કરી અને માઈક્રોસ્કોપનાં દિવાના બનેલ રોબર્ટ હુકે પુસ્તક પ્રકાશીત કર્યું જેનું નામ હતું : ''માઈક્રોગ્રાફીયા''. ઘડીયાળ રિપેર કરનાર જેમ સુક્ષ્મ દર્શક કાચ લગાવીને આખી ઘડિયાળ ખોલી શકે છે, તેમ માઇક્રોસ્કોપની મદદથી સુક્ષ્મ જીવાણુઓની આંખી દુનિયા ખોલીને જોઈ શકાય છે. આજના મોર્ડન માઇક્રોસ્કોપ ખુબ જ પાવરફુલ બની ગયા છે.
માઈક્રોસ્કોપની મદદથી આધુનિક વિજ્ઞાાન અને ટેકનોલોજી જ્યાં પહોંચી છે. તેનાંથી આગળની સરહદો પાર કરવાનું સામર્થ્ય પણ માઈક્રોસ્કોપમાં છે. વિવિધ પ્રકારની એકસરે માઇક્રોસ્કોપી, અલ્ટ્રાવાયોલેટ માઇક્રોસ્કોપી અને લેસર માઈક્રસ્કોપી જેનો મુખ્ય આધાર છે. માઈક્રોસ્કોપ, માઈક્રોસ્કોપની શોધનો શ્રેય કોને આપવો ? ૧૯૫૦માં ઝાકેરીપાસ જાન્સેને 'માઈક્રોસ્કોપ'માટે દાવો કર્યો હતો.
ટેલીસ્કોપની પેટન્ટમાં અરજી કરનાર હાન્સ લીપરસે પણ 'માઈક્રોસ્કોપ'તેની શોધ હોવાનું જણાવે છે. કેટલાંક લોકો મેલેલીયોને કંમ્પાઉન માઇક્રોસ્કોપનાં શોધક માને છે. શરીર, વિજ્ઞાાન માટે માઇક્રોસ્કોપનો ઉપયોગ ૧૬૪૪ પહેલાં થયેલો જોવા મળતો નથી. ઇટાલીઅન વૈજ્ઞાાનિક માર્સેલો મેલપીંધીને, કેટલાંક ઇતિહાસકારો, હીસ્ટોલોજી એટલે કે કોષ, વિજ્ઞાાનનાં 'ફાધર'ગણાવે છે.તેમણે માઇક્રોસ્કોપ વડે ફેફસાનું બંધારણ જાણવાની કોશીશ કરી હતી. માઈક્રોસ્કોપને જીવવિજ્ઞાાનની જીવાદોરી રૃપે વાપરવાનું કામ રોબર્ટ હુકે કર્યું. એન્ટોન લિવોન હોકનું નામ લીધા વગર માઈક્રોસ્કોપનો ઇતિહાસ અધુરો ગણાય. સામાન્ય સીમ્પલ સીંગલ લેન્સ માઇક્રોસ્કોપ વડે તેમણે ૩ ગણુ 'મેગ્નીફીકેશન'મેળવ્યુ હતું.રેકોર્ડ ગણાય. લીવોનહોર્કે રક્તકણો અને શુક્રકોષોને પણ માઈક્રોસ્કોપ નીચે ચકાસ્યા હતા. ત્યારબાદ, સુક્ષ્મ જીવાણુ અને વિષાણુની સુક્ષ્મ દુનિયામાં વૈજ્ઞાાનિકો ડોકીયુ કરી શક્યા હતો. આજે મેડીકલ સાયન્સ 'માઇક્રોસ્કોપ 'વગર ગરીબ અને પાંગળું બની જાય. જીવવિજ્ઞાાનની મનુષ્યની સમજને સાચો માર્ગ માઈક્રોસ્કોપે બતાવ્યો છે. માઇક્રોસ્કોપ પણ વોટ ફોર ચેન્જનું એક અનોખુ મુકામ છે.

રોયલ સોસાયટી : 'સાયન્ટીફીક એજ'ની શરૃઆત

૧૬૬૦માં ઇગ્લેન્ડમાં રાજા ચાર્લ્સ દ્વિતીય રાજગાદી પર બેઠેલો હતો. કેટલાંક સમજુ માણસોએ ભેગા થઈને નક્કી કર્યુ કે પ્રયોગો કરીને સાબીત મેળવે તેવી એકાદ વૈજ્ઞાાનિક સંસ્થા હોવી જોઈએ. જેનો બીજો અર્થ થતો હતો. બ્રહ્માંડ અને પ્રકૃતિનાં રહસ્યોને માનવ અવલોકનો વડે, પ્રયોગાત્મક સ્વરૃપે બતારણ મેળવીને સ્વીકારવા.
આ વિચારબીજ માંથી ખ્યાતનામ, સંસ્થા રોયલ સોસાયટીનો જન્મ થયો. યુરોપમાં રાષ્ટ્રીય કક્ષાએ શરૃ થયેલ આ પ્રથમ ઓર્ગનાઇઝેશન હતું. આ કોઈ સજ્જનોની વિચારસભા કે ચર્ચા માટેનું જુથ ન હતું. અહીં લોકો આવતાં ભારે તેમનાં મગજમાં કોઈ વૈજ્ઞાાનિક વાત ધુમરાતી રહેતી હતી. અહી તેઓ પ્રયોગો પણ કરતાં. સંશોધનો કરતા હતા. નવી થિયરી ને જન્મ આપતા હતાં, સાથે સાથે તેનાં પુરાવા રૃપી સાબીતીઓ પણ એકઠી કરતાં હતા.
થોડા સમયમાં પેરીસમાં પણ આવી જ સંસ્થાની શરૃઆત થઈ. વૈજ્ઞાાનિક સંશોધન માટે આવાં ઓર્ગેનાઈઝેનશ સ્થાપાયા તેનો ફાયદો માનવજાતીને જરૃર થયો. નવાં વિચારો અને થિયરીને લઈને 'જીનીયસ'લોકો અહી આવતા થયા. કોઈ પણ ડર વગર નવી વાત કરવાં તેઓ મક્કમ બન્યાં હતાં. નવાં વિચારયુધ્ધનું રણમેદાન બદલવાનું સૌભાગ્ય 'રોયલ સોસાયટી'ને મળ્યું.
બેન્જામીન ફેકલીને અહી વિધૃતને લગતા પ્રયોગો કર્યા. આઈઝેકન્યુટન આ સોસાયટીનાં પ્રમુખ બન્યા ત્યારે રોયલ સોસાયટીની ખ્યાતી અને વિશ્વસનીયતા બંને પર ચાર ચાંદ લાગી ગયાં. કલનશાસ્ત્રનાં કેટલાંક સંશોધનો માટે લેબેનીઝા સાથે ન્યુટનને વાંધો પડયો ભારે, તટસ્થ સમીતીની રચના કરવાનો દાવો કરવામાં આવ્યો. સંસ્થાનો પ્રમુખ હોવાનો ન્યુટને લાભ ઉઠાવ્યો અને કમીટીનાં નામે, પોતે લખેલો રિપોર્ટ પ્રસિધ્ધ કરાવી દીધો.
ચાર્લ્સ બાળેજને લાગ્યુ કે રોયલ સોસાયટીનાં કારણે 'પ્યોર મેથેમેટીકસ'ને નુકસાન થઈ રહ્યુ છે. રોયલ સોસાયટી વિરુધ્ધ લખાણો પણ ચાર્લ્સ બાળેજે લખ્યા હતાં.

આ ચાલ્સ બાજને આધુનિક કોમ્પ્યુટરનો જન્મદાતા ગણી શકાય. રોયલ સોસાયટીનાં 'ફેલો'હોવું સમાજમાં પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયું. રોયલ સોસાયટીની સ્થાપના ૧૬૬૦ થી લઈને ૧૯૪૫ સુધી પુરૃષોનું વર્ચસ્વ રહ્યું. ૧૯૪૫માં પ્રથમવાર મહીલા 'ફેલો'ને રોયલ સોસાયટીમાં ચુટવામાં આવ્યા. વિજ્ઞાાનને સમર્પીત સોસાયટીએ કેટલીય નવી થિયરી અને વ્યકિતઓને પોતાની નવી ઓળખ ઊભી કરવાનું પ્લેટફોર્મ પુરૃ પાડયું છે.

Monday 27 November 2017

ભગવાન બુદ્ધ : છેલ્લો દિવસ

Pub. Date : 26.11.2017

આર્કિઓલોજી અને મેડિકલ સાયન્સ શું કહે છે ?


વિશ્વનાં ઇતિહાસને અસર પહોંચાડી સમયનાં પ્રવાહને બદલવાની તાકાત એક વ્યક્તિમાં હતી. તેણે તત્વજ્ઞાનની ચરમસીમા જેવું જ્ઞાન આજથી ૨૫૦૦ વર્ષ પહેલાં પિરસવાની શરૃઆત કરી હતી. ઇતિહાસને કરવટ બદલવા મજબુર કરનાર મહામાનવ એટલે ભગવાન બુધ્ધ. ભગવાન બુધ્ધનાં જીવન ચરિત્રથી ઘણા લોકો વાકેફ હશે, પરંતુ ભગવાન બુધ્ધનો અંતિમ સમય કેવી રીતે વિત્યો હતો ? તેમનું મૃત્યુ કઇ રીતે થયું ? મૃત્યુ બાદ, તેમનાં નશ્વર દેહનું શું થયું હતું ? આ સવાલોનાં જવાબ ઘણા લોકોને ખબર હશે નહીં ! તાજેતરમાં ચીનનાં નિનચી ખાતે આવેલાં ગ્રાન્ડ પોએન મંદિર પાસેથી ભગવાન બુધ્ધનાં અસ્થી મળી આવ્યા હોવાનાં સમાચાર પ્રસિદ્ધ થયા છે. શું ચીનમાંથી મળી આવેલ પ્રાચીન અવશેષ ખરેખર ભગવાન બુધ્ધનાં છે ? આખરે ચીનમાં ભગવાન બુધ્ધનાં અવશેષો કઇ રીતે પહોંચી ગયા ? ભગવાન બુધ્ધનું જીવન પાણી જેવું પારદર્શક હતું, છતાં તેમની જન્મ સાલ અને મૃત્યુ સાલ વિશે ઇતિહાસકારોમાં એક મત નથી. ભગવાન બુધ્ધનો જન્મ સાલ ઇ.સ. ૫૬૬ વિશે બહુમતે ઇતિહાસકારો સહમત છે પરંતુ મૃત્યુ સાલ બાબતે એક મત નથી. ભગવાન બુધ્ધ ૮૦ વર્ષની ઉંમરે મહાનિર્વાણ પામ્યા હતાં. ભગવાન બુધ્ધનાં અંતિમ કાળને લગતી માહિતી વિજ્ઞાાનની એરણે ચકાસવાની કોશીશ અહીં કરવામાં આવી છે. 

શાક્ય મુનિ : ઐતિહાસિક દ્રષ્ટિકોણ 

ઇ.સ. પુર્વે ૬ઠ્ઠી સદીમાં હિન્દુસ્તાનમાં હિન્દુ ધર્મ લગભગ ખોવાઇ ગયો હતો. વેદનો પ્રભાવ ઓસરી ગયો હતો. બ્રાહ્મણ કર્મકાંડ અને અંધશ્રધ્ધાનો ફેલાવો વધી ગયો હતો. ભારતની નજીક આવેલ નેપાળમાં કપિલવસ્તુ પાસે આવેલ લુંબીની ગામે સિધ્ધાર્થ ગૌતમનો જન્મ થયો હતો. જે આગળ જતાં ભગવાન બુધ્ધ, શાક્ય મુનિ તરીકે જાણીતા બન્યા હતાં. ભાગવતમાં તેમનો ઉલ્લેખ 'તથાગત' તરીકે થયો છે. વેદકાળથી બુધ્ધ અને પ્રબુધ્ધ શબ્દ અનેકવાર વપરાયા છે. જે કોઇ ખાસ વર્ણન વિશેષ માટે ન'હતાં. હિન્દુ ધર્મમાં તથાગતને ભગવાન વિષ્ણુનાં દસમા અવતાર તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન બુધ્ધનાં પિતા શુધ્ધોધન ગૌતમ શાક્ય કુળનાં રાજવી હતાં. તેમની માતા માયા, સિધ્ધાર્થને જન્મ આપ્યા બાદ, સાતમા દિવસે માયાનું મૃત્યુ થયું હતું. સિધ્ધાર્થનાં શરીર પર બત્રીસ લક્ષણા પુરૃષની બધી જ નિશાનીઓ ઉપલબ્ધ હતી. સિધ્ધાર્થનો ઉછેર તેની માસી મહાપ્રજાપતીએ કર્યો હતો. સિધ્ધાર્થનાં જન્મ સમયે જ્યોતિષીઓએ ભવિષ્યવાણી કરી હતી કે, 'બાળક મોટો થઇને ચક્રવર્તિ સમ્રાટ બનશે, અથવા ગૃહત્યાગ કરીને મહાન તપસ્વી બનશે. ' તેના પિતાજીએ સિધ્ધાર્થને સંસારમાં પ્રવૃત્ત રાખવાની અથાગ કોશીશ કરી હતી. તેને બધી વિદ્યાઓ, યુદ્ધની તાલીમ વગેરે આપવામાં આવી હતી. ધનુષ્ય વિદ્યામાં પારંગત બનીને સિધ્ધાર્થે તેની પત્ની યશોધરાને સોળ વર્ષની ઉમરે સ્વયંવર સ્પર્ધામાં જીતી હતી. 
૨૯ વર્ષે વૈરાગ્ય પામીને બુધ્ધ બનવાની દિશામાં સિધ્ધાર્થે 'મહાભિનીસ્ક્રમણ' કર્યું હતું. સતત છ વર્ષ મોક્ષ અને જ્ઞાાન પ્રાપ્તિ માટે તેઓ અન્ય યોગીઓ સાથે ફરતાં રહ્યાં હતાં. શરીર / દેહ દમન કરવાથી આત્મજ્ઞાાન પ્રાપ્ત તશે એવું સિધ્ધાર્થ શરૃઆતમાં માનતાં હતાં. આખરે શરીર દમન છોડી તેઓ ધ્યાન પ્રવૃત્તિમાં લીન થયા. અને... સમાધી અવસ્થામાં 'બૌધત્વ' પામ્યા. પાંત્રીસ વર્ષની ઉંમરે સિધ્ધાર્થ ભગવાન બુધ્ધ બની ગયા. યશોધરા, બુધ્ધની સાધવી બનનાર પ્રથમ સ્ત્રી હતી. સતત ૪૫ વર્ષ પગપાળા ચાલીને લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો. ચોમાસાની વિદાય બાદ, એક વેપારી યજમાનનાં ભોજન નિમંત્રણ સ્વીકારી તેના ઘરે ગયા. વેપારીનાં ત્યાં ભોજન લીધા બાદ, બુધ્ધની તબીયત અચાનક લથડી ગઈ. તેમનાં શિષ્ય આનંદ સહિત અન્ય લોકોએ ભગવાન બુધ્ધને પાલખીમાં ઉંચકીને, તેમના જન્મ સ્થળ લુબીની તરફ પ્રયાણ કર્યું. માર્ગમાં કુશીનારા / કુશીનગર ખાતે, ભગવાન બુધ્ધને લાગ્યું કે, 'હવે શરીરની માયા સંકેલવાનો સમય આવી ગયો છે. પોતે ઉત્તર દિશા તરફ માથુ રાખીને બે વૃક્ષ વચ્ચે જમણા પડખે સુઇ જાય છે. શિષ્યને કોઇ અંતિમ પ્રશ્ન હોય તો પુછવા માટે આગ્રહ કરે છે. આખરે ધ્યાન મુદ્રામાં બુધ્ધ પોતાનો દેહ ત્યાગ કરે છે. દેહ ત્યાગનાં એક અઠવાડીયા બાદ, બુધ્ધના નશ્વર દેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. અને.... તથાગત ઇતિહાસનાં કાલખંડમાં વિલીન થઇ જાય છે. 

ચીનમાં ખોદકામ કરતાં શું મળ્યું ? 

ચીનમાં આર્કિઓલોજીસ્ટોએ ચીનનાં નિનચી ખાતે ગ્રાન્ડ પોએન મંદિરમાંથી ભગવાન બુધ્ધનાં અસ્થી અવશેષો શોધી કાઢ્યા છે. જેમાં ખોપરીનાં હાડકાનો ટુકડો પણ સામેલ છે. ૨૦૦૮ થી ૨૦૧૦ વચ્ચે આ ખોદકામ કરવામાં આવ્યું હતું. જેનો અભ્યાસ લેખ ચાઇનીઝ ભાષામાં ૨૦૧૫માં પ્રકાશિત થયો હતો. જયારે તાજેતરમાં વિશ્વને આ તાજા સમાચાર અંગ્રેજી ભાષામાં મળ્યા છે. ખોદકામ દરમ્યાન, એક હજાર વર્ષ પ્રાચીન સ્તુપનું મોડેલ મળી આવ્યું છે. સ્તુપ મોડેલ ચંદનનાં લાકડાં, અને સોના ચાંદીમાંથી બનાવવામાં આવેલ છે. જેમાં કિંમતી પત્થરો જડેલા છે. મોડેલનું કદ ચાર ફુટ બાય દોઢ ફુટનું છે. આ મોડેલને લોખંડની મજબુત પેટીમાં રાખવામાં આવ્યું હતું. લોખંડની પેટીને વળી પત્થરની પેટીમાં ગોઠવવામાં આવી હતી. આટલી ચોકસાઇ દર્શાવે છે કે અવશેષો ખરેખર કિંમતી હશે. ભગવાન બુધ્ધની ખોપરીનાં અસ્થિનો એક ટુકડો, એક દાબડામાં રાખવામાં આવ્યો હતો. દાબડાનો અંદરનો ભાગ સોનાનો છે. જયારે બહારનો ભાગ ચાંદીનો છે. આ કિંમતી દાબડાને ત્યારબાદ સ્તુપનાં મોડેલમાં ગોઠવવામાં આવ્યો હતો. મોડેલનાં બાહ્ય ભાગે ભગવાન બુધ્ધનાં ચિત્રો છે. પત્થરની પેટી ઉપર પણ લખાણ છે. આ લખાણ તોમેંગ નામનાં માણસે એક હજાર વર્ષ પહેલાં લખ્યું છે. તેણે ભગવાન બુધ્ધનાં અવશેષો ચીનમાં કેવી રીતે આવ્યા તેનું વર્ણન લખ્યું છે. પરીનિર્વાણ બાદ ભગવાન બુધ્ધનો અગ્નિસંસ્કાર હિરણાવટી નદિ કિનારે કરવામાં આવ્યો હતો. સમ્રાટ અશોકે ૮૪ હજાર સ્તુપમાં બુધ્ધનાં અવશેષો મોકલ્યા હતાં. 
જેમાંથી ઓગણીસ અવશેષો ચીનનાં સ્તુપોને મળ્યા હતાં. ભગવાન બુધ્ધનાં ખોપરીનાં હાડકાનાં ટુકડાને જે મંદિરમાં રાખવામાં આવ્યો હતો. તે મંદિરને ચૌદસો વર્ષ પહેલાં, વિવિધ યુદ્ધોનાં કારણે નુકસાન પહોંચ્યું હતું. રાજકીય અંધાધુંધીમાં બુધ્ધનાં અવશેષોની કોઇએ જાળવણી કરવાની દરકાર કરી નહીં. સમ્રાટ ઝેનઝોંગે મંદિર ફરી વાર બંધાવ્યું. ઇ.સ. ૧૦૧૧માં બુધ્ધ અને અન્ય બૌધ્ધ સંતોનાં અવશેષો આ મંદિરનાં ભોંયરામાં રાખવામાં આવેલ કમરાંમાં મુકવામાં આવ્યા હતાં. આ પવિત્ર કાર્ય માટે આશીર્વાદ આપતાં તેમિંગ લખે છે. સમ્રાટ આયુષ્યમાન બને, તેમને સેંકડો સંતાન એટલે કે પુત્ર જન્મે, જે દસ હજાર પૌત્ર ને જન્મ આપે. રાજ દરબારનાં રત્નો અને લશ્કરી અધિકારી, સમ્રાટને વફાદાર બની રહે. સોનાના દાબડા ઉપર કમળ, ફિનીક્સ પક્ષી અને રક્ષા કરનાર દેવોનાં ચિત્ર છે. બહારનાં ચાંદીનાં દાબડા પર અપ્સરાઓ વિવિધ વાજીંત્રો વગાડતા જોવા મળે છે. સ્તુપનાં મોડેલ પર ભગવાન બુદ્ધનાં જીવન પ્રસંગો છે. ચીનમાંથી મળી આવેલ ભગવાન બુધ્ધનાં અવશેષો ને ૨૦૧૨માં મેકાઓ અને હોંગકોંગમાં પ્રદર્શનમાં મુકવામાં આવ્યા હતા. અવશેષોને નિહાળવા માટે ૧.૪૦ લાખ લોકોએ ટીકીટ ખરીદી હતી. 

બુધ્ધ : અંતિમ સમયકાળ 

બુધ્ધનાં દિવસોમાં બૌદ્ધ સંપ્રદાયમાં પણ  ગજગ્રાહ ચાલતો હતો. સમ્રાટ અજાત શત્રુનાં ગાદી ગ્રહણનાં આઠમાં વર્ષે ભગવાન બુધ્ધનું અવસાન થયું હતું. આ સમયે અજાતશત્રુ દુશ્મન રાષ્ટ્ર વાજી પર આક્રમણની તૈયારી કરી રહ્યો હતો. બુધ્ધ પણ ચોમાસાની ઋતુ પુરી કરીને વાજીમાં પ્રવેશ્યા હતાં. વૃધ્ધાવસ્થાનાં કારણે તેમનુ શરીર નબળું પડી ગયું હતું છતાં, ધીરે ધીરે તેઓ પગપાળા પ્રવાસ કરતાં હતાં. કહેવાય છે કે આ સમયે મૃત્યુનાં દેવતા મારા સાથે બુધ્ધની મુલાકાત થઇ હતી. જેણે તેમને નિર્વાણ પામવાનો સમય થઇ ગયો હોવાનું જણાવ્યું હતું. યશોધરા અને રાહુલ ઉપરાંત તેમનાં પ્રિય શિષ્ય મોગ્ગાલાના અને સાહી પુત્ર પણ મૃત્યુ પામ્યા હતાં. ભગવાન બુધ્ધે આનંદને જણાવ્યું હતું કે આ મહિનામાં એમનું મૃત્યુ / પરિનિર્વાણ થઇ જશે. બુધ્ધ પાવા નામનાં સ્થાને પહોંચ્યા હતાં. અહીં વસતા લુહાર કુંડા કુમારપુત્રનાં આંબાવાડીયામાં તેઓએ રોકાણ કર્યું હતું. તેમની સાથે વિશાળ સંખ્યામાં ભિક્ષુઓ હતાં. લુહાર કુંડાએ બુધ્ધને ભોજનનું આમંત્રણ આપ્યું ત્યારે તેમણે યજમાનને કહ્યું કે... તેઓ એકલા માત્ર સુક્ર-માદ્વ ગ્રહણ કરશે. 
બીજા ભિક્ષુઓ અન્ય ભોજન ગ્રહણ કરશે. તેમનાં ભોજન બાદ, તેમનાં માટે બનાવેલ વાનગી 'સુક્ર-માદ્વ' તેઓ દાટી દેશે જેથી અન્ય કોઇ તેને ગ્રહણ કરે નહીં. થયું પણ એમ જ, લુહાર કુડા કુમારપુત્રનાં ત્યાં ભોજન લીધા બાદ, બુધ્ધને જીવલેણ દર્દ ઉપડયું. તેમણે આનંદને કહ્યું, તેમના મૃત્યુ માટે કુડાનાં ભોજનને દોષ દેશો નહીં. તેના પર બુધ્ધને મૃત્યુ મુખમાં પહોંચાડવાનો આરોપ લગાડશો નહીં. તબિયત બગડતાં જ બુદ્ધે, આનંદ સહિત ભિક્ષુઓને કુશીનારા / કુશીનગર તરફ પ્રયાણ કરવાની સુચના આપી. લાગે છે કે ત્યાંથી તેમની ઇચ્છા પાછાં તેમનાં જન્મ સ્થળ કપિલ વસ્તુ / લુંબીની તરફ જવાની હતી. માર્ગમાં બુધ્ધનું દર્દ અતિશય વધી ગયું. તેમણે આનંદને પાણી લાવવા કહ્યું. આનંદે કહ્યું, નદીનું પાણી બળદગાડાની અવર જવરનાં કારણે ખુબ જ ગંદુ થઇ ગયું છે. છતાં બુધ્ધે આગ્રહ કરી પાણી મંગાવ્યું અને પીધું. અહીંથી વધારે અશક્તિ વરતાતાં, બૌધ્ધ ભિક્ષુઓ તેમને ઝોળીમાં ઉંચકીને કુશીનગર લઇ આવ્યા. ભગવાન બુધ્ધે બે સાલવૃક્ષ વચ્ચે, ઉત્તર દિશામાં માથુ રહે તે પ્રમાણે તેમની શૈયા તૈયાર કરવાનું કહ્યું. હવે તેમણે ભિક્ષુઓને અંતિમ સવાલો પુછવા કહ્યું. કોઇએ સવાલ કર્યા નહીં. જમણી બાજુ પડખુ મુકીને તેઓ ધ્યાનાવસ્થમાં પહોંચી ગયા. ધ્યાનાવસ્થાનાં ચોથા ચરણમાં તેમણે દેહ ત્યાગ કર્યો. 

ત્રિકાયા : મહાયાન દ્રષ્ટિકોણ 

બુધ્ધ શરીરનાં ત્રણ અલગ અલગ સ્વરૃપને બૌધ્ધ સ્તુપ કે પેગોડામાં મુકવામાં આવે છે.  બુધ્ધનાં યુવાનીનાં શરીર જેમાં તે સંસારનાં ભૌતિક સુખમાં લીન હતાં. તે સંભોગ કાયા કહેવાય છે. મહાભિનીષ્કરણ બાદની જ્ઞાાન પ્રાપ્તિ અવસ્થા પછીનું શરીર ધર્મકાયા તરીકે ઓળખાય છે. મનુષ્ય જે શરીર લઇને જન્મે છે અને જે શરીર લઇને મૃત્યુ પામે છે. તે શરીર એટલે 'નિર્માણ કાયા'.  ધર્મકાયા એટલે વાતાવરણ, સંભોગકાયા એટલે વાદળો અને નિર્માણ કાયા એટલે વરસાદ. ભગવાન બુધ્ધનાં મહાનિર્વાણ બાદ, સાત દિવસ સુધી તેમનો દેહ દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેમનાં શરીરને અગ્નિદાહ આપવામાં આવ્યો. અગ્નિદાહની અંતિમ ક્રિયા બાદ, તેમનાં અસ્થિ ફુલોને, બુધ્ધનાં સનિષ્ઠ અનુયાયીઓને આપવામાં આવ્યા. સાત અલગ અલગ પ્રાંતનાં હથિયાધારી સૈનિકો ભગવાન બુધ્ધનાં અસ્થિફુલો લેવા માટે આવી પહોંચ્યા. ખુના મરકી ન થાય તે માટે મુખ્ય ભિક્ષુએ અસ્થિ અવશેષોને આઠ ભાગમાં વહેંચી દીધા. ચિતાનો રાખમાંથી એક ભાગ લેવામાં આવ્યો અને જે પાત્રમાં આ સમગ્ર એકઠુ કરવામાં આવ્યું હતું. તે પાત્રને એક ભાગ ગણવામાં આવ્યો. આમ બુધ્ધનાં અવશેષો દસ સેટનો બન્યો હતો. દસ સેટનાં આઠ સરખા ભાગ કરી, સાત ભાગ સૈનિકોને આપવામાં આવ્યા. જયારે એક ભાગ, બૌધ્ધ ભિક્ષુઓએ રાખ્યો હતો. આમ બૌધ્ધ ધર્મમાં માનતાં લોકો પાસે ભગવાન બુધ્ધનાં અવશેષો પહોંચી ગયા. એક સદી બાદ, સમ્રાટ અશોકે ફરિવાર, ભગવાન બુધ્ધનાં અવશેષો અલગ અલગ દેશોમાંથી એકઠા કરાવ્યા. એ સમયે મૌજુદ ૮૪ હજાર સ્તુપમાં ભગવાન બુધ્ધનાં અવશેષો તે ફરિવાર વિતરણ કરવામાં આવ્યા હતાં. 

તથાગત : મેડિકલ સાયન્સ રિપોર્ટ ? 

મેડિકલ સાયન્સ સ્ત્રોતમાં આલેખેલ ચિન્હોને લઇને બુધ્ધની બીમારી / શારીરિક સ્થિતિનું અંદાજીત દ્રશ્ય કલ્પે છે. મહાપરિનિર્વાણ સુત્ર કહે છે કે લુહાર કુડાં કુમાર પુત્રનાં ત્યાં ભોજન લીધા બાદ, બુધ્ધની તબિયત વધારે લથડી હતી. 'શુકર માદ્વ' નામનાં ભોજનને પશ્ચિમી જગત પોર્ક એટલે કે સુવરનું માંસ ગણે છે. કેટલાક તેને મશરૃમ એટલે કે બિલાડીનાં ટોપમાંથી બનેલ ગણાવે છે. ભારતિય નિષ્ણાતનાં મત પ્રમાણે આ ભોજન, જમીનમાં થતાં કંદમુળ 'સુરણ' દર્શાવે છે. જે ઉપવાસ હોય ત્યારે ફરાળમાં પણ ખાઇ શકાય છે. આખી જિંદગી અહિંસાનો ઉપદેશ આપનાર મહા માનવ 'માંસાહાર' કરે એ વાત જ માની શકાય તેમ નથી. ડૉ. મેટેનનાહો નામનાં તબીબ બૌધ્ધ ભિક્ષુ છે અને સંત બનતા પહેલાં થાયલેન્ડમાં તબીબી પ્રેકટિસ કરતાં હતાં. તેમણે પણ બૌધ્ધની બિમારી વિશે પ્રકાશ ફેંકે તેવો સંશોધન લેખ લખ્યો છે. ભગવાન બુધ્ધ લુહારનું ભોજનનું આમંત્રણ સ્વીકારે છે. તે બતાવે છે કે ૮૦ વર્ષની ઉંમરે પણ તેમનું પાચન તંત્ર બરાબર કામ કરતું હશે. ફુડ પોઇઝનીંગ વડે બુધ્ધની તબીયત બગડી ન'હતી. ફુડ પોઇઝનીંગમાં મળ વાટે લોહી પડતું નથી. આનંદ પાસેથી પાણી પીધા બાદ તેમને થોડી રાહત થઇ હતી. જે બતાવે છે કે કોઇ બીમારીનો આ સેકન્ડ એટેક હતો. તેમની બગડતી તબિયત માટે ભોજન કે લુહાર કુંડાને જવાબદાર ન ગણવાનું બુધ્ધે કહ્યું હતું. જેનો મતલબ થાય કે બુધ્ધને પોતાની જુની બીમારીનો ખ્યાલ હતો. તબીબી સારવાર મળવાની આશાએ ભગવાન બુધ્ધે કુશીનારા / કુશીનગર તરફ પ્રયાણ કર્યું હોઇ શકે. તબીબી જગત બુધ્ધની બિમારીને મેસેન્ટ્રીક ઇન્ફાર્કશન કહે છે. જે મોટાભાગે વૃધ્ધ વ્યક્તિને થાય છે. જેને કારણે નાના આંતરડાને મળતા લોહીનો પુરવઠો ખોરવાઇ જાય છે. ભોજનમાં વધારે પદાર્થ લેવામાં આવે ત્યારે, આંતરડાને લોહીનો વધારે પ્રવાહ જોઈએ છે. જે મળતો નથી. આંતરડાની આંતરીક સપાટી નુકસાન થતાં લોહી ઝરે છે. જેથી મળત્યાગ વખતે લોહી જોવા મળે છે. આંતરડામાં કાણું થતાં કે તુટતા પ્રવાહી અથવા પદાર્થ પેટનાં આંતરડાને પકડી રાખતા ભાગમાં પ્રવેશે ત્યારે ખુબ જ પીડા થાય છે. જે વૃધ્ધ માટે જીવલેણ સાબીત થાય છે. જેને માત્ર સર્જરી એ જ સુધારી શકાય. લોહીમાં બેકટેરીયાનું ઝેર ઉમેરવાથી રોગ વધારે ઝડપથી વકરે છે. આ સમયકાળમાં કેન્સર, ટીબી, ટાઇફોઇડ જેવા રોગ થવા સામાન્ય વાત હતી.

ચાર્લ્સ ડાર્વિનનાં પગલે પગલે...

Pub-Date:19.11.2017

આધુનિક સંશોધન સાબિતી આપે છે...

ભૌતિક શાસ્ત્ર જેમ આલ્બર્ટ આઈનસ્ટાઈનનાં ઉલ્લેખ વગર અધુરુ છે. એ રીતે જીવવિજ્ઞાાન એટલે કે બાયોલોજી ચાર્લ્સ ડાર્વીનનાં ઉલ્લેખ વગર અધુરૃં ગણાય. ચાલ્સ ડાર્વીનની થિયરી ઓફ ઈવોલ્યુશન એટલે કે ''ઉત્ક્રાંતિવાદ'' એ ધર્મ દ્વારા આપેલ સજીવ ઉત્પતિની સંકલ્પનાને ખોટી પાડે છે. આજે બે સદી બાદ પણ, ધર્મ અને ચાર્લ્સ ડાર્વીનની થીયરી વચ્ચેનો વિગ્રહ દૂર થાય તેમ નથી. આમ છતાં ચાર્લ્સ ડાર્વિને ''બિગલ'' નામનાં જ્હાજમાં દરીયાઈ મુસાફરી કરીને, વિવિધ ટાપુઓ ઉપર રહેલાં સજીવોનાં નમુના એકઠા કર્યા. આ ઉપરાંત અનુભવજન્ય અને અવલોકનજન્ય તારણોનો સમન્વય કરીને એક ક્રાન્તિકારી, ઉત્ક્રાંતિની થિયરી આપીને દુનિયાને આશ્ચર્યચકિત કરી હતી. આ પ્રકારની થિયરી આલ્ફેડ વોલેસ રસેલે પણ શોધી કાઢી હતી. ચાર્લ્સ ડાર્વીને રસેલનું સંશોધન પણ વાંચ્યું હતું. જોકે પોતાનાં સંશોધનને પહેલાં રજુ કરીને ઉત્ક્રાંતિવાદની ક્રેડીટ પોતાના નામે કરવામાં ચાર્લ્સ ડાર્વીન સફળ રહ્યાં હતાં. આજનાં આધુનિક સંશોધન પણ ચાર્લ્સ ડાર્વિન સાચા હોવાની સાબીતી આપે છે. ચાર્લ્સ ડાર્વિનનું વિરાટ કદ જોઈને, યુનિ. ઓફ કનેક્ટીક્ટ દ્વારા, મિ. ડાર્વિન - બિગ મેન ઓન કેમ્ચસ નામનું લેકચર ગયા ઓક્ટોબર મહિનાની ૨૮ તારીખે ગોઠવાઈ ગયું હતું. 

ચાર્લ્સ ડાર્વિન : અધૂરી કહાની... 

ચાર્લ્સ ડાર્વિન વિશે લખીએ તો, પુસ્તકો ભરાઈ જાય. અને સાચે જ... ચાર્લ્સ ડાર્વિને લખેલ સાહીત્ય કરતાં, ચાર્લ્સ ડાર્વિન વિશે વધારે પુસ્તકો લખાયા છે. ૧૮૩૧માં ચાર્લ્સ ડાર્વિન યુની. ઓફ કેમ્બ્રીજમાંથી ગ્રેજ્યુએટ થયા હતાં. સામાન્ય ડિગ્રી મેળવનારાં ૧૭૮ વિદ્યાર્થીઓમાં ચાર્લ્સ ડાર્વિન દસમા ક્રમે હતો. એમણે પોતાના વક્તવ્યમાં એક વાર કહ્યું પણ ખરૃં કે, ''મારો અભ્યાસકાળ એ સમયની બરબાદી હતો.'' આવો સામાન્ય વિદ્યાર્થી આખરે તેના યુગનો મહાન વૈજ્ઞાાનિક કઈ રીતે બની ગયો ? વૈજ્ઞાાનિક તરીકેની કારકીર્દીને તેમણે કઈ રીતે વ્યવસાય બનાવી લીધો ? તે સમયે શાળા-કોલેજો અને યુનિવર્સીટીઓ તો ચાર્લ્સ ડાર્વિન વિશે શું અભિપ્રાય હતો ? આ બધા સવાલોનાં જવાબ મેળવવા માટે ચાર્લ્સ ડાર્વિન વિશે ખૂબ વાંચવું પડે. તેમણે ખેડેલી HMS  ''બિગલ''ની દરિયાઈ સફરે તેનાં જીવનમાં આમુલ પરીવર્તન લાવી દીધું હતું. ૧૮૫૯માં તેમણે લખેલ ''ઓન ધ ઓરીજીન ઓફ સ્પીસીઝ'' મુખત્વે પ્રાણીઓ અને પક્ષીઓની વાત કરે છે. જ્યાં ઈવોલ્યુશન એટલે ઉત્ક્રાંતિ માટે ''ટ્રાન્સમ્યુટેશન'' જેવો શબ્દ વપરાયો છે. ૧૮૩૮માં તેમણે જાહેર કર્યું હતું કે ''મનુષ્યનું મૂળ/ઉત્પતિ રહસ્ય હવે પકડાઈ ગયું છે. 
૧૭૫૮માં વૈજ્ઞાાનિક નામોની વિશિષ્ટ પ્રણાલી આપનાર કાર્લ લીનસ દ્વારા ''પ્રાઈમેટ'' (અથવા પ્રિમેટ) શબ્દ વપરાયો હતો. લેટીન ભાષામાં તેનો અર્થ થાય ''પ્રથમ ક્રમાંક દરજ્જાનું'' જેમાં વાનરથી માંડી નર મનુષ્ય સુધીનો સમાવેશ થતો હતો. ચાર્લ્સ ડાર્વિને ''પ્રિમેટ''ને પણ પોતાનાં અભ્યાસનું સાધન બનાવ્યા હતાં.'' મનુષ્યનાં હાવભાવ, લાગણીઓની સાથે સાથે મુખાકૃતિ કઈ રીતે બદલાય છે તેનું દસ્તાવેજી કરણ કઈ રીતે કરવું ? આ સવાલનો જવાબ મેળવવા માટે નવજાત શિશુનું અધ્યઅન કરવું જરૃરી હતું. પોતાના સાળા હેન્સલે વેડવુડનાં તાજા જન્મેલાં સંતાન અર્નેસ્ટ પર તેમણે અધ્યન ચાલુ કર્યું હતું. જેનો જન્મ ૧૮૩૮માં થયો હતો. ૨૯ જાન્યુઆરી ૧૮૩૯માં ચાર્લ્સ ડાર્વિનનાં ઘરે પારણું બંધાયું અને વિલીયમ ઈરાસ્મસનો જન્મ થયો. જે ડાર્વિનનાં દસ સંતાનોમાં પ્રથમ હતો. અને ''આંખનું રતન'' પણ તેનાં ઉપર ડાર્વિને અભ્યાસ શરૃ કર્યો. ઈરાસ્મસ ડાર્વિન પણ આગળ જતાં બેન્કીંગ ધંધામાં ઝંપલાવે છે. પરંતુ ચાર્લ્સ ડાર્વિન માટે તે ઈન્ફત્ટ સાયકોલોજી સમજવા માટેનું હથિયાર હતો. તેનાં શરૃઆતનાં ત્રણ વર્ષનાં તેના ચહેરાના હાવભાવ અને શારીરિક હલન ચલનની ડાયરી ડાર્વિને રાખી હતી. 

પક્ષીઓનો પાંખોનો ફફડાટ 

૧૫૦ વર્ષ પહેલાં ચાર્લ્સ ડાર્વિન કહી ગયા હતાં કે, પક્ષીઓ તેની પાંખોનો ઉપયોગ માત્ર ઉડવા માટે કરતાં નથી. સંદેશાવ્યવહાર માટે પણ પાંખોનો ફફડાટ ઉપયોગમાં લે છે. આ વાત તે સમયે કોઈએ માની ન હતી કારણ કે દરેક પક્ષી પાસે વિશિષ્ટ પ્રકારનો પોતાનો ગળાનો અવાજ હોય છે. શા માટે પછી પંખી બીજી પ્રકારનાં કોમ્યુનીકેશનને ઉપયોગમાં લે ? જોકે આધુનિક સંશોધને ચાર્લ્સ ડાર્વિનને સાચો ઠેરાયો છે. રોબર્ટ મેગાર્થ નામનાં સંશોધકે પોતાનું સંશોધન કબુતર પર સ્થીર કર્યું છે. સંશોધન દરમ્યાન જાણવા મળ્યુંછે કે કલગીવાળા કબુતર, તેની ઉડવાની મુખ્ય પાંખોનાં પીછાનો ઉપયોગ, હાઈ પીચ વોર્નીગ સાઉન્ડ આપવા માટે કરે છે. જેથી કરીને તેની સાથે ઉડનારા અન્ય કબુતરને ખતરાની જાણ થાય અને ખતરાવાળા સ્થાનથી તેઓ દુર ચાલ્યા જાય. શરૃઆતમાં વૈજ્ઞાાનિકોને લાગ્યું કે પાંખોનાં ફફડાટનો તીણો અવાજ એ એક સાઈડ ઈફેક્ટ છે. પરંતુ ઉડાં ઉતરતાં જાણવા મળ્યું કે ''ઉડવા માટેનો અલગ અલગ પ્રકારનાં પીંછા જ્યારે ખતરો જોવા મળે ત્યારે જ, આઠમું નાનું પીછુ કબુતર વાપરે છે.'' 
અત્યારનું પક્ષીઓનાં સંદેશાવ્યવહારનું વિજ્ઞાાન મોટા ભાગે પક્ષીઓનાં અવાજને કેન્દ્રમાં રાખીને ફોક્સ થયેલું હતું. જેમાં ગળાનાં અવાજને વધારે મહત્વ આપવામાં આવ્યું હતું. સંશોધકોએ જોયું કે પક્ષીઓ તેમની પાંખોનો ઉપયોગ સંગીત પેદા કરવા માટે પણ કરે છે. જેમાં કબુતર મોખરે છે. કબુતરની પાંખોનો અવાજ, જ્યારે ખતરો હોય ત્યારે વધારે તીણો બની જાય છે. હાઈ સ્પીડ વિડિયોમાં કબુતરની પાંખોનાં પીછા અલગ કરીને પણ સંશોધન કરવામાં આવ્યું હતું. ત્યારે ખતરાની સીટી વાગી ન'હતી. જેમ જેમ પક્ષી વધારે ઝડપથી પાંખો વિઝે છે તેમ તેમ વધારે અલગ પ્રકારનો અવાજ પેદા થાય છે. પક્ષીનું આઠમુ પીછું. ''હાઈ નોટ'' અવાજ પેદા કરે છે. જ્યારે નવમું પીછું ''લો નોટ'' અવાજ પેદા કરે છે. શાંત બેઠેલા પક્ષીઓ પાસે આ અવાજનું રેકોર્ડીંગ વગાડતા, પક્ષીઓ ભયના માર્યા ઉડી જતાં હતાં. જે પક્ષીનું આઠમું પીછું દુર કરી નાખ્યું હોય તેવાં કબુતરનો અવાજ અન્ય શાંત કબુતરને સંભળાવવામાં આવ્યો ત્યારે કબુતર ભયનાં માર્યા ઉડવાને બદલે શાંત બેસીને, આમતેમ માત્ર જોતા રહે છે. ચાર્લ્સ ડાર્વિનના પગલે પગલે ચાલતાં, વૈજ્ઞાાનિકોને અનોખુ રહસ્ય જાણવા મળ્યું હતું. 

પરગ્રહવાસી ''એલીયન્સ''નાં આકાર વિશે... 

સ્ટાર ટ્રેક જેવી સીરીઅલ્સ શરૃ થઈ અને લોકોનાં મનમાં વિચિત્ર પ્રકારનાં ''એલીયન્સ''નો આકાર ઉભરતો રહ્યો હતો. માની લો કે સુર્યમાળાની બહાર કોઈ ગ્રહ પર સજીવ સૃષ્ટિની શરૃઆત થઈ ગઈ છે ! તો તેમનો દેખાવ કેવો હોઈ શકે ? આ સવાલનો જવાબ યુનિ. ઓફ ઓક્સફોર્ડનાં પ્રાણીશાસ્ત્રનાં વૈજ્ઞાાનિકો આપે છે ! પરગ્રહવાસીઓનો દેખાવ જોવો હોય તો, પૃથ્વી પર વિકસેલાં સજીવો તેનાં આકાર અને અંગો, જેવા કે ચહેરો, આંખ, હાથપગ વગેરેને લક્ષમાં રાખીને કલ્પના કરશો નહીં. ગ્રહની કેમેસ્ટ્રી ઉપર પણ આધાર રાખશો નહીં. અહીં તમને માત્ર એક થિયરી કામ લાગશે. ચાર્લ્સ ડાર્વિનની થિયરી ઓફ ઈવોલ્યુશન અને નેચરલ સિલેકશન એટલે કે પ્રાકૃતિક પસંદગીનો સિદ્ધાંત. વૈજ્ઞાાનિકો માને છે કે ચાર્લ્સ ડાર્વિનની થિયરી માત્ર પૃથ્વી ગ્રહ પુરતી જ નહીં અન્ય ગ્રહનાં સજીવો માટે પણ વાપરી શકાય તેમ છે. જેમ જેમ સમય વિતતો જાય છે તેમ તેમ સજીવ તેનો પર્યાવરણને વધારે અનુકૂળ થવાની કોશીશ કરે છે. જેમાંથી તેનાં અંગોને ઉત્ક્રાંન્તિનાં માર્ગે પસાર થવું પડે છે. 
જે કુદરતી પરીબળોનો સામનો કરી ટકી જાય છે તે વધારે લાંબુ જીવે છે અને વધારે સંતાનો પેદા કરે છે. પ્રાકૃતિક પસંદગીનો સિદ્ધાંત, સજીવથી માંડી વ્યક્તિગત સેલ એટલે કે પ્રારંભીક કોષ લેવલ સુધી લાગુ પડે છે. ટીમ લીડર સેમ્યુઅલ લેવીન કહે છે કે ''ડાર્વિનનો ઉત્ક્રાંન્તિવાદ જટીલ કોષો, મલ્ટીસેલ્યુલર સજીવ, પ્રાણી અને છેવટે સામાજીક માળખું પેદા કરે છે.'' આ હિસાબે લીલા રંગનો માનવી, વધારે મોટા દાંત જેવી કલ્પનાઓ કરવી વ્યાજબી નથી. વૈજ્ઞાાનિકો અલગ અલગ પ્રકારનાં સજીવોની મુખ્ય ખાસીયત રિપ્રોડકશન એટલે કે સંતાનોત્પતિ છે. માત્ર સંતાન ઉત્પન્ન કરતાં સજીવો જ જીવી શકે તે વ્યાખ્યા ખોટી છે. ઘોડા અને ગધેડાનાં મિશ્રણ જેવી પ્રજાતિ ''ખચ્ચર'', જૈવિક રીતે સ્ટરાઈલ એટલે કે સંતાન પેદા કરવા લાયક નથી છતાં પોતાની જીંદગી તો જીવે જ છે. કાર્બન આધારીત 'ડિએનએ'ની કલ્પના કરી નવા ગ્રહનાં સજીવોની કલ્પના કરવી પણ વ્યાજબી નથી. સીલીકોન પણ કાર્બન જેવી કેટલીક ખાસીયતો ધરાવે છે. આમ સીલીકોન આધારીત જીવન સંભાવના પણ વિચારવી જોઈએ. 

ગાલાપેગોસ ટાપુની જીવ સૃષ્ટી, જીનેટીક એન્જીન્યરીંગ વડે બચાવી શકાશે ? 

૨૫ સપ્ટેમ્બર ૧૮૩૫નાં રોજ HMS બીગલનો કાફલો ગાલાપેગોસ આર્કીપેલાગોએ પહોંચ્યો હતો. જ્યાં ચાર્લ્સ ડાર્વિને પ્રથમવાર પગ મુક્યો તે ટાપુ ''ચાર્લ્સ'' ટાપુ તરીકે ઓળખાય છે. અહીં ૨૦૦ થી ૩૦૦ લોકોની વસ્તી દ્વારા મનુષ્યએ પ્રકૃતિને ખરાબ કરવાનું કામ શરૃ કર્યું હતું. આ ટાપુ પર ઈકવેડોરમાં બળવો પોકારનાર લોકોને ચાર્લ્સ ટાપુ પર કાળા પાણીની સજારૃપે ધકેલવામાં આવ્યા હતાં. નિચાણવાળો ભાગ ચાર્લ્સ ડાર્વિનને આકર્ષી શક્યો ન'હતો. ૨૫ ઓગસ્ટ ૨૦૧૭માં કાર્લ કેસ્પબેલ નામનો જીવવિજ્ઞાાની ટ્વીન એન્જીનવાળી બોટ દ્વારા આ ટાપુ પર પહોંચે છે જેનું નામ ''ફલોરીના'' છે. તે પહોંચ્યો ત્યારે અહીં માત્ર ૧૪૪ માણસો હતો. ચાર્લ્સ ડાર્વિનનાં સમય કરતાં માત્ર અડધા. 
છેલ્લા ૨૦ વર્ષથી કાર્લ કેમ્પબેલ ગાલાપેગોસ ટાપુઓ પર વસવાટ કરતો રહ્યો છે. જેનો મુખ્ય મકસદ અહીંની જીવસૃષ્ટિનું નિકંદન નિકળી ન જાય અને ભવિષ્ય માટે સજીવ પ્રજાતીઓને બચાવી લેવાનો રહ્યો છે. ફલોરીનાની પ્રજાતિ નિકંદનનો દર ખૂબ ઉંચો છે. અહીં એન્ડેન્નર સ્પીસીઝની સંખ્યા પણ ખૂબ વધારે છે. અહીં ઉંદરોની સંખ્યા પુષ્કળ વધી ગઈ છે. જેને મારવા માટે ૪૦૦ ટન ઉંદર મારવાનું ઝેર લોકો વાપરી ચુક્યા છે. જેની અસર સ્થાનિક પક્ષીઓ અને સરીસૃપ પ્રાણીની વસ્તી ઉપર થઈ રહી છે. ઉંદર મારવાની દવાની અસર એ થઈ છે કે બાકીનાં ઉંદર પણ ઝેર સામે પ્રતિરક્ષા કેળવી રહ્યાં છે. આમ લુપ્ત થતી પ્રજાને હવે માત્ર જીનેટીક એન્જીન્યરીંગ વડે જ બચાવી શકાય તેમ છે. ઉંદરો માત્ર નર પેદા કઈ રીતે કરે છે તે માહિતી ઉંદરનાં તાજેતરમાં થયેલ જીનેટીક મ્યુટેશનથી જાણી શકાય તેમ છે. આધુનિક ''ક્રિસ્પર'' ટેકનીક વાપરીને સજીવોનું સંરક્ષણ વધારી શકાય તેમ છે. ઉંદરોની પ્રજાતિને નિયંત્રણમાં લેવા માત્ર પુરૃષ ઉંદર પેદા થાય તેવી જીનટેકનીક વાપરવાથી સરવાળે માદા રહીત ટાપુ પરથી ઉંદરોની પ્રજાતી ખતમ કરી શકાય તેમ છે. આમ ઝેર કે બુલેટ કરતાં રામબાણ ઈલાજ સાબીત થાય તેમ છે. ચાર્લ્સ ડાર્વિને જોયેલા વિશાળકાય કાચબા પણ હવે લુપ્ત થવાની અણી પર આવી ગયા છે. ફલોરીના ટાપુ પર તેમની વસતી ખતમ થઈ જવાથી બે ડઝન કાચબા અન્ય ટાપુ પરથી અહીં લાવવામાં આવ્યાં છે.

Sunday 12 November 2017

સ્પુતનિકથી સતાન-૨ સુધીની સફર : અંતરિક્ષ યુગનાં છ દાયકા

Pub-Date: 05.11.2017

જાગ ઉઠા સતાન, એટલે કે શેતાન ફરીવાર જાગી ચુક્યો છે. આ શેતાનની જનેતા છે રશિયા. કદાચ શેતાન જાગ્યો ન'હોત તો ! આપણે ટેકનોલોજીનાં જે તબક્કે - સ્ટેજ પર પહોંચ્યા છીએ ત્યાં પહોંચી શકત નહીં. આજથી ૬ દાયકા એટલે કે ૬૦ વર્ષ પહેલાં રશીયા, યુ.એસ.એસ.આર તરીકે ઓળખાતું હતું. દુનિયાનો પ્રથમ ઉપગ્રહ સ્પુતનીક નામે અંતરીક્ષમાં તરતો મુક્યો અને અચાનક પૃથ્વીવાસી માટે અંતરીક્ષયુગની શરૃઆત થઈ. અમેરીકા સફાળુ જાગી ગયું. યુ.એસ.એસ.આર સાથેનું કોલ્ડ વોર ટેકનોલોજી ક્ષેત્રે 'હોટ વોર' પુરવાર થઈ ગયું. મિસાઈલ વિકસાવવાથી શરૃ થયેલ રેસનું નવું ટાર્ગેટ 'સ્પેસ' બન્યું અને 'સ્પેસ રેસ' શરૃ  થઈ. કોણ અગ્રેસર રહેશે ? અમેરીકા કે રશીયા ? એકબીજાથી આગળ અને પ્રથમ રહેવાની જીદનાં કારણે માનવજાતનું કલ્યાણ થયું. તેમને નવી નવી ટેકનોલોજી મળતી ગઈ. નવું જ્ઞાાન મળ્યું. નવી ઉત્ક્રાંન્તિ આવી. ઈલેક્ટ્રોનીકલ ક્ષેત્ર કાચનાં વાલ્વમાંથી આજે નેનો ચીપ સુધી પહોંચી ગયું. અને ફરી વાર રશીયાએ તાજેતરમાં 'સતાન' નામનું નવું બેલાસ્ટીક મીસાઇલનું પરીક્ષણ કર્યું છે. જે એક સાથે બાર જેટલાં પરમાણુ શસ્ત્રો લઈ જઈને દુશ્મન દેશ પર ત્રાટકી શકે છે. એક જ ઝટકે બ્રિટન જેવા આખા દેશનો વિનાશ કરી શકે છે. છેલ્લા ૬ દાયકામાં અંતરીક્ષ યુગે મનુષ્યને રોબોટની નજીક લાવી દીધો છે. 

સતાન - ૨ : અંતરીક્ષ યુગનાં છ દાયકાની અનોખી ઉજવણી 

૨૬ ઓક્ટોબરનાં રોજ રશીયાએ સતાન-૨ ન્યુક્લીયર મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હોવાની જાહેરાત, રશીયાનાં સંરક્ષણ મંત્રીએ કરી હતી. સતાન-૨ ઇજી- ૨૮ નામે પણ ઓળખાય છે. રશીયાનાં પ્લેસ્ટેક કોસ્મોડ્રોમથી ફાયર થયેલ મિસાઈલે ૩૬૦૦ માઈલનું અંતર કાપીને કુરા ટેસ્ટ રેન્જનાં તેનાં ટાર્ગેટને તોડી પાડયું હતું. આ ઉપરાંત ત્રણ સબમરીન જે ન્યુક્લીઅર વોરહેડસ લઈ જવા સક્ષમ છે, તેમણે પણ બેલાસ્ટીક મિસાઈલનો સફળ પ્રયોગ કર્યો હતો. ત્રણ બોમ્બર વિમાનોએ ક્રુઝ મિસાઈલ વાપરીને જમીન પર રહેલાં ત્રણ નિશાન સફળતાપૂર્વક તોડી પાડયા હતા. બે મિસાઈલો ઉત્તર જાપાન અને ઉ.કોરીયા નજીક આવેલાં ઓખોસ્ક સી પર રહેલ સબમરીનમાંથી છોડવામાં આવી હતી. જ્યારે એક સબમરીન આર્કટીકનાં બેરેન્ટ સી પરથી મિસાઈલ છોડી હતી. આ આખી કવાયત રશીયન લશ્કરે ન્યુક્લીઅર રણનીતિનાં એક ભાગરૃપે કરી હતી. આ લશ્કરી કવાયતમાં, સ્ટ્રેટેજીક બોમ્બર Tu-160, Tu-95 MC ylu Tu-22M3 વાપરવામાં આવ્યા હતાં. Tu- તુપ્લોવ વિમાન માટે વપરાતું મિતાક્ષર છે. બોમ્બર વિમાનોમાંથી છોડવામાં આવેલ ક્રુઝ મિસાઈલોએ ઉત્તર રશીયાનાં કામચાકા, ઉતરનાં કોમી રિપબ્લીક અને કઝાકસ્તાનનાં રશીઅન લશ્કરી ટાર્ગેટ તોડી પાડયા હતાં. સતાન-૨ આંતર ખંડીય બેલાસ્ટીક મિસાઈલ છે જે એક ભુમી ખંડ પરથી બીજા ભૂમિખંડ પર પ્રહાર કરી શકે છે. જેની રેન્જ ખુબ જ લાંબી છે. મિસાઈલનું કામ ૨૦૦૯થી શરૃ કરવામાં આવ્યું હતું. જેનાં આખરી પરીક્ષણ હાલનાં સમયમાં ચાલી રહ્યાં છે. ૨૦૧૯-૨૦માં રસીયન લશ્કર તેનો ઉપયોગ શરૃ કરશે. ૧૯૪૫માં હીરોસીમા અને નાગાસાકી પર નાખવામાં આવેલ પરમાણુ બોમ્બ કરતાં ૨૦૦૦ ગણો વધારે પાવરફુલ એટલે કે ૪૦ મેગાટનનાં વોરહેડ લઈ જવાની ક્ષમતા સતાન-૨ રાખે છે. ગયા સપ્ટેમ્બર મહીનામાં પણ નેકસ્ટ જનરેશન ન્યુક્લીયર મિસાઈલનું રશીયા દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સતાન-૨નું લશ્કરી નામ QS-28 સરમાત છે. આ મિસાઈલને મોસ્કો વિક્ટરી કે પરેડમાં પણ રજુ કરવામાં આવ્યું હતું. રશીયાની લશ્કરી ક્વાયતનાં પગલે નાટો સહીત ચીન, જાપાન, અમેરીકા અને ઈઝરાયેલ ચોકી ગયા હતાં. લાગે છે રશીયા તેણે શરૃ કરેલ અંતરીક્ષ યુગનાં છ દાયકાને આગવી રીતે ઉજવી રહ્યું છે. 

અંતરીક્ષ યુગનો જન્મ : સ્પુતનીક 

૪ ઓક્ટોબર- ૧૯૫૭નાં રોજ પૃથ્વીનો ઈતિહાસ અલગ રીતે બદલાઈ ગયો હતો. રશીયાએ દુનિયાનો પ્રથમ કૃત્રીમ ઉપગ્રહ સ્પુતનીક અંતરીક્ષમાં ગોઠવીને તરખાટ મચાવ્યો હતો. અમેરીકા જેવી મહાસતા આશ્ચર્યચકીત થઈ ગઈ હતી. જેનાં કારણે રશીયાએ અંતરીક્ષ યુગનો જન્મ કરાવ્યો હતો તે, સોવિયત સ્પેશ પ્રોગ્રામનાં પિતામહ સર્ગેઈ કોરોલ્ટોવનું ચિત્ર આજે પણ મોસ્કોનાં કોસ્મોનોટીક મ્યુઝીયમમાં લટકે છે. બાસ્કેટ બોલ કરતાં થોડો મોટો અને ૮૪ કી.ગ્રા. વજનનો સ્પુતનીક એલ્યુમિનીયમનો બનેલો હતો. જેમાં બે રેડિયો ટ્રાન્સમીટર ગોઠવેલાં હતાં. ચાર એન્ટેના લગાવેલાં હતાં. ટ્રાન્સમીટર પ્રસારણ માટે માત્ર પ્રયોગાત્મક સ્વર બીપ-બીપ-બીપ- અવાજને વહેતો મુક્તાં હતાં. સ્પુતનીક દ્વારાં રાજકીય, લશ્કરી ટેકનોલોજીકલ અને વૈજ્ઞાાનિક વિકાસનું પ્રથમ પગલું વિશ્વએ માંડયું હતું. જોકે તેની સીધી અસર નીચે અમેરિકા-રશીયા વચ્ચેની 'સ્પેસ રેસ' શરૃ થઈ ગઈ હતી. સ્પુતનીક તરતો મુકાયો તેનાં સોળ વર્ષ પહેલાં અમેરીકાનાં પર્લ હાર્બર પર જાપાનીઓએ એટેક કરીને અમેરીકાને છછેડાયું હતું. બીજા વિશ્વયુદ્ધની સમાપ્તી પછી અમેરિકનો માનવા લાગ્યા હતાં કે અમેરીકા વિશ્વનાં અન્ય દેશો કરતાં ટેકનોલોજી ક્ષેત્રે આગળ છે. સ્પુતનીકની સફળતાએ તેમની આંખો ખોલી નાખી હતી. હવે અમેરિકનોને ડર લાગવા માંડયો હતો કે રશીયા પરમાણુ શસ્ત્રવાળા બેલાસ્ટીક મિસાઈલ વાપરીને અમેરિકા ઉપર ગમે ત્યારે હુમલો કરી શકે તેમ હતું. રશીયન સામ્યવાદનો ફેલાવો, અમેરીકન મુડીવાદી તંત્ર માટે શેતાની સ્વરૃપ હતું. સામ્યવાદને મુડીવાદનાં દુશ્મન તરીકે વિવિધ માધ્યમો ચિતરવા લાગ્યા હતાં. રશીયાનાં સ્પુતનીકનો જવાબમાં ત્રણ મહીના કરતાં ઓછા સમયમાં તૈયારી કરીને, અમેરિકાએ તેનો પ્રથમ કૃત્રીમ ઉપગ્રહ એકસપ્લોરર-૧ ૩૧ જાન્યુઆરી ૧૯૫૮નાં રોજ અંતરિક્ષમાં ધકેલ્યો હતો. એક્સપ્લોરર સ્પુતનીક કરતાં એક ડગલું આગળ વધેલો હતો. એક્સપ્લોરરમાં રાખેલાં વૈજ્ઞાાનિક ઉપકરણો વડે અમેરીકાએ પ્રથમવાર પૃથ્વીની ફરતે આવેલ ગોળ મેગ્નેટીક રેડિયેશનનો બેલ્ટ/પટ્રો શોધી કાઢ્યો હતો. જેને જેમ્સ વાન એલડીનાં નામ પરથી ''એલન બેલ્ટ'' તરીકે ઓળખવામાં આવે છે. પ્રમુખ આઈઝન હોવરે એક ઓક્ટોબરનાં રોજ અમેરિકાની ખ્યાતનામ સંસ્થા ''નાસા''ને જન્મ આપ્યો. સ્પુતનીક દ્વારા પેદા થયેલ દુશ્મની દાયકાઓ સુધી ચાલી, જેના કારણે અમેરીકન નાગરીક નીલ આર્મસ્ટ્રોંગે, ચંદ્ર પર પ્રથમ વાર પગલાં પાડયાં.

 અંતરિક્ષ યુગ :- રશિયન મિસાઇલ પ્રોગ્રામની આડપેદાશ


૧૯૫૭માં રશિયા, સર્ગેઇ કોરોલ્પેવનાં માર્ગદર્શન હેઠળ R-7  મિસાઇલનું બાંધકામ કરી રહી હતી. વૈજ્ઞાાનિકો બીજી બાજુ વિવિધ ઉપકરણો ધરાવતાં કુત્રીમ ઉપગ્રહની ડિઝાઇન અને બાંધકામ માટે પ્રોગ્રામ ચાલુ કરી ચુક્યા હતાં. સર્ગેઇ કોરોલ્પેવ દુરંદેશી વૈજ્ઞાાનિક હતાં. તેમને ખબર હતી કે અમેરિકા પણ કુત્રીમ ઉપગ્રહ ક્ષેત્રે સંશોધન કરી રહ્યું છે. લશ્કરી અધિકારી બેલાસ્ટીક મિસાઇલ વડે સેટેલાઇટને અંતરિક્ષમાં મોકલવા રાજી ન હતો. લશ્કરી અધિકારીઓને તે સમયે, ''સેટેલાઇટ''નાં રીઅલ પાવરની જાણ ન હતી. સર્ગેઇ કોરોલ્પેવે લશ્કરી અધિકારીઓને મનાવી લીધા હતાં. રશિયા ફુલ-ફ્લેશ વૈજ્ઞાાનિક ઉપકરણો વાળો સેટેલાઇટ અંતરિક્ષમાં મોકલવા માંગતું હતું. કોરોલ્પેવે અમેરિકાને મહાત આપવા માટે એકદમ સાદો ઉપગ્રહ બનાવી અંતરિક્ષમાં મૂકી દીધો. ઉપગ્રહનું નામ PS-1  હતું. જેનો અર્થ થાય પ્રોસ્ટેશીય સ્પુતનીક એટલે કે ''સાદો-સરળ ઉપગ્રહ''. શરૃઆતમાં શંકુ આકારનો ઉપગ્રહ નિર્માણ કરવાનું વિચારવામાં આવ્યું હતું. પરંતુ કોરોલ્પેવે ગોળ-દડા જેવો આકાર પસંદ કર્યો હતો. તેઓ માનતા હતાં કે પૃથ્વી ગોળ છે તો, તેનો પ્રથમ કુત્રીમ ઉપગ્રહ ગોળ હોવો જોઇએ. રશિયાએ પ્રથમ કુત્રીમ ઉપગ્રહ તરતો મૂક્યો, પરંતુ તેનાં પોલીટીકલ લીડરોને ઘટનાનું ખરૃ મહત્વ કે વૈજ્ઞાાનિકો ઉપલબ્ધીની મહાનતાનો જરાય ખ્યાલ ન હતો. કોમ્યુનિસ્ટ પાર્ટીનાં સમાચાર પત્ર ''પ્રવદા''નાં અંદરનાં પાનામાં સ્પુતનીકનો પ્રથમ સત્તાવાર રિપોર્ટ છપાયો હતો. વિશ્વમાં સ્પુતનીકની જાણ થતાં, બે દિવસ બાદ, પ્રવદાનો પ્રથમ પાનાં પર ''સ્પુતનીક'' સમાચાર બનીને ચમક્યો હતો. પ્રવદાએ લોકો સ્પુતનીકને આકાશમાં જતો જોઇ શકે તે માટે તેનાં ભ્રમણ માર્ગની માહિતી પણ આપી હતી. જો કે સ્પુતનીકને લઇ જનાર મિસાઇલનાં બીજા તબક્કાનું બુસ્ટર રોકેટ પણ સ્પુતનીકની ભ્રમણ કક્ષામાં ફરતું હતું. અંધારી રાત્રે તેને પણ લોકો આકાશમાં ચમકતા તારાં માફક જતું જોઇ શકતા હતા. જોકે ઉપગ્રહ એટલો નાનો હતો કે નરી આંખે લોકો તેને જોઇ શકે તેમ ન હતાં. બુસ્ટર રોકેટને લોકો ઉપગ્રહ સમજી બેઠા હતાં. ત્રણ મહીના પૃથ્વીની પ્રદક્ષિણાં કરીને છેવટે સ્પુતનીક પૃત્થીનાં વાતાવરણમાં પાછો પ્રવેશ્યો હતો. વાતાવરણ સાથેનાં ઘર્ષણમાં બળીને સ્પુતનીક રાખ થઇ ગયો, પરંતુ અંતરીક્ષ યુગનાં જન્મ સાથે આગળ રહેવા માટે રશિયા-અમેરિકા વચ્ચે ઘર્ષણ હંમેશા વધતું જતું હતું.

 સ્પુતનિકનો ''ખરો હિરો - સર્ગેઇ કોરોલ્પેવ હતો''.

સ્પુતનીક દ્વારા દહેશતનો માહોલ ફેલાયેલો જોઇને, રશિયન સત્તાધીશો ગેલમાં આવી ગયા હતાં. ૧૯૧૭ની બોલ્શેવીક ક્રાન્તિની ઉજવણી માટે સાત નવેમ્બરનાં રોજ એક બીજો સ્પુતનિક ઉપગ્રહ છોડવા માટે વૈજ્ઞાાનિકોને આખરી ડેડલાઇન આપી દેવામાં આવી હતી. રશિયન રોકેટ અને સ્પેસ પ્રોગ્રામ એકદમ ગુપ્ત રીતે ચાલતો હતો. જેમાં સર્ગેઇ કોરોલ્પેવ ડ્રાઇવરની ભૂમીકામાં હતો. છતાં તેમનું નામ જાહેર કરવામાં આવતું ન હતું. કોરોલ્પેવ માત્ર નોન-સીક્રેટ જેવું તેનું સંશોધન પ્રકાશીત કરી શકતા હતાં. જોકે તે માટે તેમને પ્રો. કે. સર્ગેએવનું ગુપ્ત નામ વાપરવું પડતું હતું. એ સમયે રશિયામાં સોવીયેત એકેડમી ઓફ સાયન્સનાં સભ્ય તરીકે લીયોનીદ સેદોવ હતાં. પશ્ચિમી જગત લીયોનીદ સેદોવને 'ફાધર ઓફ સ્પુતનીક' તરીકે બીરદાવવા લાગ્યું હતું. છતાં રશિયો સર્ગેઇ કોરોલ્પેવ વિશે કોઇ સ્પષ્ટતા કરી ન હતી. એટલું જ નહીં, રશિયાની નોબેલ કમીટીની મિટીંગ દ્વારા સોવીયેત પ્રમુખ નિકીતા કુશ્ચોવને કોરોલ્પેવનાં ડિઝાઇનરને ઈનામ અને એવોર્ડ આપવાની ભલામણ કરવામાં આવી હતી. જેનો કુશ્ચોવે ઈન્કાર કરીને જણાવ્યું હતું કે ''સ્પુતનીક'' એ સમગ્ર સોવીયેત લોકોની ઉપલબ્ધી છે. કોરોલ્પેવની દીકરી નતાલીયા કહે છે કે રશિયન ગુપ્તતા હેઠળ તેનાં પિતાજીને ખુબ જ અન્યાય થતો હતો. તેના પિતાજી પણ ગુપ્તતા વિશે કડવાશ કાઢતા હતાં. તેઓ કહેતાં અમે અન્ડરગ્રાઉન્ડ કામ કરીએ છીએ. અમે ખાણીયા જેવા છીએ. કોઇ અમને જોઇ શકતું નથી. કોઇ અમને સાંભળી શકતું નથી. હવે અંતરિક્ષ યુગનાં છ દાયકા બાદ, આપણે સર્ગેઇ કોરોલ્પેવને છાતી કાઢીને કહી શકીએ. પ્રો. સર્ગેઇ તમને ભલે કોઇ જોઇ શકતું ન હતું કે સાંભળી શકતું ન હતું. ''તમારાં પ્રયત્નોનાં કારણે વિશ્વમાં સેટેલાઇટ કોમ્યુનિકેશન સિસ્ટમ વિકસી છે. દુનિયાનાં દૂર ખૂણે વસતા અમારાં પ્રિય પાત્રને આજે તમારાં કારણે અમે સાંભળી શકીએ છીએ અને જોઇ શકીએ છીએ. તમારાં નાનાં પગલાંઓએ ક્રાન્તિકારી ફેરફારો કરીને આખાં વિશ્વને નાનું બનાવી દીધું છે.

બાયોલોજીકલ વેપન્સ: ઉ.કોરીયા જૈવિક હથિયાર/શસ્ત્રો વિકસાવી રહ્યું છે !

નોર્થ કોરીયાનો ન્યુક્લીયર પ્રોગ્રામ અમેરિકા માટે માથાનો દુ:ખાવો બની ગયું છે. અમેરિકા ઉત્તર કોરિયાને દબાણમાં રાખવા માટે એશીયાઈ દેશોની મુલાકાતે નિકળ્યા છે. જાપાનની મુલાકાત લેતી વખતે તેમણે, ઉ. કોરીયાનાં પરમાણુ શસ્ત્રો અને તેનાં ઉપયોગ માટે ઉ.કોરીયાની ગુલબાંગો સાંભળી, અમેરિકન પ્રમુખ ચિંતામાં પડી ગયા છે. શું ઉ.કોરિયા ખરેખર પરમાણુ શસ્ત્રો વાપરશે ખરૃં ? આ સવાલોનાં જવાબ નિષ્ણાંતો મેળવવાનાં પ્રયત્નો કરી રહ્યું છે ત્યારે અહેવાલ મળી રહ્યાં છે કે ઉ.કોરીયા સામૂહિક વિનાશ નોતરે તેવાં જૈવિક હથિયાર એટલે કે બાયોલોજીકલ વેપન્સ તૈયાર કરી રહ્યું છે. આખરે ઉ.કોરીયાનું વિશ્વ આખાને વિશ્વ યુદ્ધ-૩ તરફ ખેંચી જાય તેમ છે. ૩ સપ્ટેમ્બરનાં રોજ ઉ.કોરીયાએ તેનો છઠ્ઠો અને અતિશય શક્તિશાળી પરમાણુ બોમ્બ વિસ્ફોટ કર્યો હતો. આ પરમાણુ બોમ્બ હાઇડ્રોજન બોમ્બ હોવાનું નિષ્ણાંતોએ જણાવ્યું હતું. અમેરિકા કહે છે. ઉ. કોરીયાનાં બધા જ પરમાણુ શસ્ત્રોનો સફાયો કરવો જરૃરી છે. તે માટે જરૃર પડશે તો, લશ્કરી પગલાં ભરતાં અમેરિકા ખચકાશે નહીં. આવાં તંગ વાતાવરણમાં ઉ. કોરીયાનાં બાયોલોજીકલ વેપન્સની વીનરમાં જવું યોગ્ય સમય ગણાશે.

પ્રસ્તાવના : ઉ.કોરીયાએ ઊંઘ હરામ કરી છે.

ખાનગી ઇન્ટેલીજન્સ કંપની ''એમ્પલીફાય'' અને હાવર્થ યુનિ.નો રીપોર્ટ જણાવી રહ્યો છે કે ઉત્તર કોરિયા ન્યુક્લીયર વેપન્સની સાથે સાથે બાયોલોજીકલ વેપન્સ પણ તૈયાર કરી રહ્યું છે. ઉત્તર કોરિયાનાં યુઝર્સ તરફથી ઇન્ટરનેટ ઉપર ૨૩ હજાર સાઇટમાં વિવિધ પ્રકારનાં રેફરન્સ ફેદવામાં આવી રહ્યાં છે. જે સાઇટો ને જૈવિક/ બાયોલોજીકલ વેપન્સ સાથે સંબંધ છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઉ.કોરિયા, લશ્કરી સ્ટાઇલમાં બાયોલોજીકલ વેપન્સ ખાસ કરીને ''એન્થ્રેક્સ''નાં બેચ પ્રમાણે શસ્ત્રો વિકસાવી રહ્યું છે. થોડા દિવસ પહેલાં જ ઉ.કોરિયાનાં સંરક્ષણ પ્રધાને જાહેરાત કરી હતી કે ઉ.કોરિયા પાસે ૧૩ પ્રકારનાં બાયોલોજીકલ વેપન્સ છે. જેનો લશ્કરી ઉપયોગ કહી શકાય તેવાં કન્ટેનર બનાવવાયાં ઉ.કોરીયાને માત્ર દસ દિવસ લાગે તેમ છે. આ તેર પ્રકારનાં જૈવિક હથિયારમાં એન્થ્રેક્સ, બોટુલીઝમ, કોલેરા, કોરીઅન હેમરંજીવ ફિવર, પ્લેટ, સ્મોલ બોક્સ, ટાઇફોઇડ ફિવર, યલો ફિવર, ડિસેન્ટ્રી/ મરડો, બુસેલોસીસ, સ્ટેફ વગેરેનો સમાવેશ થાય છે. ઉ.કોરીયા પાસે આ ચેપી રોગોનાં જીવાણું ફેલાવવા માટે અસંખ્ય તરકીબો ઉપલબ્ધ છે. મિસાઇલ ડ્રોન વિમાન, એરોપ્લેન, સ્પ્રેપર અને હ્યુમન વેકટર્સનો ઉપયોગ કરી ઉ.કોરિયા જૈવિક રીતે ખતરનાક વિવિધ રોગાણુનો ચેપ સામૂહિક ધોરણે લોકોને લાગે તેવી તરકીબો અજમાવે તેમ છે. ડ્રોન અને એરપ્લેનનો ઉપયોગ કરી ખતરનાક જૈવિક શસ્ત્રોનો સ્પ્રે ઉ.કોરીયા કરે તેમ છે. ઉ.કોરિયા, નિયમિત રીતે દ. કોરિયાની સરહદોમાં ડ્રોન વિમાનો ઉડાડે છે. ઉ.કોરિયા પાસે બે લાખ લોકોનું સ્પેશીયલ ટાસ્ક ફોર્સ છે. જેમાનાં કેટલાંક લોકોને જૈવિક હથીયારનું હુમલો કરવાનો પ્લાન અમલમાં મુકવા તૈયાર કરવામાં આવી શકે છે. ઉ.કોરિયાનાં કેટલાંક ફુટી ગયેલાં એજન્ટો જણાવે છે કે ઉ.કોરિયા, તેનાં જૈવિક શસ્ત્રોનું પરિક્ષણ સામાન્ય માનવી પર કરી રહ્યાં છે. આવા બાયોલોજીકલ શસ્ત્રોનો ઉપયોગ કોરીયા કરે તો, વિશ્વનાં સામાન્ય નાગરિકો અને લશ્કરી તાકાત પર તેની સીધી અસર થઈ શકે છે. દેખાતાં દુશ્મનો સામે લશ્કર સામી છાતીએ લડી શકે પરંતુ, જે દેખાતાં નથી તેવાં સૂક્ષ્મ દ્રવ્યનો સામે લડવા માટે અમેરિકન લશ્કર અને વૈજ્ઞાાનિકો, હાલમાં લાચાર સ્થિતિમાં આવી ગયાં છે.

અમેરિકન ચેતવણી : જાસુસી સંસ્થાનો રિપોર્ટ

રીઅર એડમિરલ માયકલ દુમોન્ત દ્વારા અમેરિકન કોંગ્રેસમેન, રેડ લેવુ અને રૃબેન ગેલેગોને એક ખાસ પત્ર લખવામાં આવ્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે ઉત્તર કોરીયા જૈવિક શસ્ત્રોનો ખડકલો તૈયાર કરી રહ્યું છે. આ ઉપરાંત ઉ.કોરીયા કેમીકલ વેપન્સ પણ વાપરી શકે છે. રીઅર એડમિરલ માયકલ દુમોન્ત, પેન્ટાગોનનાં જોઇન્ટ સ્ટાફનાં વાઇસ ડિરેકટર છે. ઉત્તર કોરીયા વર્ષોથી તેનાં જૈવિક અને રાસાયણિક શસ્ત્રોનો વિકાસ કરી રહ્યું છે. જો આવું થાય તો, કાઉન્ટર એટેક સ્વરૃપે અમેરિકા પણ જૈવિક અને રાસાયણીક શસ્ત્રોનો ઉપયોગ ઉ.કોરીયા સામે કરી શકે છે. એક સર્વે પ્રમાણે ઉ.કોરીયા પાસે, ૨.૫૦થી ૫.૦૦ મેટ્રીક ટન જેટલો ઝેરી વાયુનો જથ્થો છે. જેનો ઉપયોગ રાસાયણીક શસ્ત્રો તરીકે થઇ શકે છે. કિમ જોંગ ઉન્સનાં પિતરાઇ ભાઇનું ખૂન કરવા માટે મલેશીયામાં રાસાયણીક શસ્ત્ર તરીકે XX વાયુ વપરાયોે હોવાનું કહેવાય છે. ઉ.કોરીયા પાસે, ૪થી ૬ હજાર માઇલ દૂર જઇ શકે તેવાં મિસાઇલ્સ છે. જેના ઉપર અડધો ટન રાસાયણીક એજન્ટ લાદીને હુમલો થઇ શકે છે. જો ઉ.કોરીયા, દક્ષિણ કોરીયા સામે રાસાયણીક શસ્ત્ર ઉગામે તો, દ.કોરીયાનાં પાટનગર સિઓલમાં અંદાજે ૨૫ લાખ લોકોને મૃત્યુ થઇ શકે છે. જાપાની વડાપ્રધાન સિન્ઝો એબેએ ગયા એપ્રિલ મહીનામાં ચેતવણી આપી હતી કે ઉ.કોરીયા સારીન ગેસથી લોડેડ મિસાઇલ વડે જાપાનનાં શહેરોને ટાર્ગેટ બનાવી શકે તેમ છે. આવી જ બીજી ચેતવણી અમેરિકન જાસુસી સંસ્થા એઆઇએનાં અધિકારીએ આપી છે. એઆઇએનાં ડિરેકટર માયકલ મોરેલે ચેતવણી આપતી મુલાકાત આપી હતી. ૨૦૧૨થી ૨૦૧૩ વચ્ચે માયકલ મોરેલે ફોરીન ઈન્ટેલીજન્સ સર્વીસમાં એકટીંગ ચીફનાં હોદ્દા ઉપર હતાં. મુલાકાતમાં માયકલ મોરેલે જણાવ્યું હતું કે અમેરિકા (અને વિશ્વ આખા ઉપર) ત્રણ ખતરાં છે. શક્ય છે કે ભવિષ્યમાં રશિયા અને સાથે પરમાણુ યુધ્ધ થાય. બે કુદરતી રીતે વિકાસ પામતાં રોગાણુનો ડિએનએ ડેટા બેઝ બદલીને ખતરનાક જૈવિક હથિયાર બનાવવામાં આવે. જૈવિક શસ્ત્રો અસર પામેલાં લોકોમાંથી ૬૦થી ૭૦% લોકોને મોતને ઘાટ ઉતારી શકે છે. ત્રીજો ખતરો આખા વિશ્વને છે. વાતાવરણમાં આવી રહેલ બદલાવ, વિશ્વનાં લોકોને ભવિષ્યમાં મોત તરફ આગળ વધારી શકે છે.

કોરીઅન સંભાવના:

વિદેશ નીતિ એવી બાબત છે. જેમાં છાતી ઠોકીને કોઇ વાત કરી શકાય નહીં. જાસુસી સંસ્થાઓ પાસે તેમનાં સ્ત્રોતો હોય છે. જે પત્રકારો પાસે હોતા નથી. જેનાં કારણે લોકોને મળતી માહિતી અધૂરી હોય છે. ઉ.કોરીયાની બાબતે આગાહી કરવી અઘરી છે. જે નિષ્કર્ષ નિકળે છે તે ટેન્ટેટીવ / અંદેશા ભર્યો છે. હાવર્ડ બેલ્ફટ સેન્ટરનાં સંશોધકોએ કેટલીક માહિતી અને નિષ્કર્ષ આપ્યો છે. ઉ.કોરીયાનો બાયોલોજીકલ વેપન્સ પ્રોગ્રામ : જાણીતી હકીકતો... (૧) ઉ.કોરીયાનાં ગ્રેટ લીડર ગણાતા કિમ સુંગ દ્વિતીયનાં સમયગાળામાં એટલે કે ૧૯૬૦નાં દાયકામાં કોરીયાએ બાયોલોજીકલ વેપન્સ પ્રોગ્રામ શરૃ કર્યો હતો. ૧૯૮૦નાં દાયકામાં જરૃરી જૈવિક શસ્ત્રો તે વિકસાવી ચુક્યું હતું. (૨) ઉ.કોરીયાએ તેનાં લશ્કરને સ્મોલ પૉક્સ એટલે કે શિતળા સામે રક્ષણ મળે તેવી રસી આપી રહ્યાં છે. અમેરિકા પણ કોરીયા તરફ ગોઠવવામાં આવતાં લશ્કરી લોકોને સ્મોલ પૉક્સ અને એન્વ્રેક્સની રસી આપવી ફરજીયાત કરી છે. જેનો અર્થ થાય ઉ.કોરીયા પાસે બાયોલોજીકલ વેપન્સ છે. (૩) ઉ.કોરીયાનાં સંશોધન કેન્દ્રોમાં ૧૩ પ્રકારનાં ખતરનાક રોગોનાં જીવાણું અને વિષાણુંનો જીનેટીક મેકઅપ બદલવાની કોશિશો થઇ રહી છે. સીવીલ લગતી પ્રક્રીયાને દસ દિવસમાં લશ્કરી શસ્ત્રોમાં તેઓ ફેરવી શકે છે. કેટલીક અજાણી બાબતો... (૧) માત્ર ઈચ્છા શક્તિ રાખવી કે જાહેરાત કરવાથી જૈવિક શસ્ત્રોનો વિકાસ થઇ જતો નથી. તેના માટે ખાસ પ્રકારની ટેકનોલોજી અને નિષ્ણાંતોની જરૃર પડે તેમ છે. આ તબક્કે ઉ.કોરીયાના સરંક્ષણ પ્રધાન કહે કે ''ઉ.કોરીયા દસ દિવસમાં જૈવિક હથિયાર બનાવી હુમલો કરી શકે છે.'' જે વાત ઘણી સંભાવનાઓ દર્શાવે છે. (૨) ઉ.કોરીયા જૈવિક શસ્ત્રો કઇ રીતે વાપરશે તે સ્પષ્ટ નથી. હાલનાં તબક્કે મિસાઇલ યોગ્ય પસંદગી નથી. મિસાઇલનો નિશાન પર લાગતી વખતે થતો ઈમ્પેક્ટ જૈવિક વેક્ટર્સને ખતમ કરી શકે છે. એરોસોલ ડિવાઇસ વાળાં ડ્રોન વિમાન વાપરવા ઉ.કોરીયા સરળ ઉપાય અને પસંદગી છે. ઉ.કોરીયાનાં લશ્કરી અધિકારીઓ પાસે મનુષ્ય જીંદગીનું કોઇ મૂલ્ય નથી. તેમણે રાસાયણીક  શસ્ત્રોની ચકાસણી, ઉ.કોરીયાનાં લોકો ઉપર પણ કરી હતી. (૩) જાસુસી સંસ્થાનાં રિપોર્ટ આંખ ખોલી નાખે તેવા હોય છે. પરંતુ તેનાં ઉપર કેટલો ભરોસો  કરવો એ તંત્રએ નક્કી કરવાનું છે.

બાયોલોજીકલ વેપન્સ : વિજ્ઞાન અને વપરાશ...


જે બાયોલોજીકલ વેપન્સ વાપરવાની ધમકી ઉ.કોરીયા આપી રહ્યું છે. તેમ સામા પક્ષે રશિયાનાં લોકો પણ માને છે કે અમેરિકા, રશિઅન લોકોનાં વિશિષ્ટ સમુદાયનો વિનાશ કરવા બાયોલોજીકલ વેપન્સ વાપરી શકે છે. શંકાની સોય અમેરિકા તરફ તાકવામાં આવે છે. તે માટે ખાસ કારણો પણ છે. અમેરિકન એરફોર્સ દ્વારા, રશિઅન લોકોનાં અંગોનાં સાંધાનાં જોડાણ અને પોલાણમાં રહેતાં ખાસ પ્રકારનાં પ્રવાહી જેને સાયનોવિઅલ ફ્લુઇડ કહે છે. તેની માંગણી મૂકવામાં આવી હતી. આ ઉપરાંત રશિઅન લોકોનાં ઇશછ સેમ્પલ પણ માંગવામાં આવ્યા હતાં. અહીં રશિઅન એટલે કે કોકેશીઅન લોકો સમજવા. અમેરિકન એરફોર્સ રશિઅન લોકોની અસ્થિ-સ્નાયુ પ્રણાલી વિશે સંશોધન કરવા માંગે છે. ૧૯૯૮માં એન્ડ્રયુ ફાયર અને ક્રેગ મેલો દ્વારા ખાસ વૈજ્ઞાાનિક ટેકનિક વિકસાવવામાં આવી હતી જેને ''આરએનએ ઇન્ટર ફિઅરન્સ'' કહે છે. જેનો ઉપયોગ કરવાથી શહેરમાં રહેલાં કેટલાંક જનીનો નિષ્ક્રીય બની જાય છે. આ ટેકનિકનો ઉપયોગ કરવાથી રોગ માટે જવાબદાર કેટલાંક જનીનોને નિષ્ક્રીય કરી શકાય છે. સીધી સાદી લાગતી આ ટેકનિકનો લશ્કરી ઉપયોગ પણ થઇ શકે છે. રોગ સામે રક્ષાત્મક કવચ ધરાવતાં જનીનોને પણ આ ટેકનિક વડે શાંત કરી શકાય. આરએનએ ઈન્ટરફિઅરન્સ ટેકનિકનો ખાસ જાતિનાં સમુદાયને પણ ટાર્ગેટ કરી શકાય છે. રશિઅન સંશોધન સંસ્થા પણ વિવિધ અમેરિકન પ્રજાતી અને રશિઅન લોકોનું જીનેટીક મટીરીઅલ્સ ચકાસી રહી છે. રશિઅન સંસ્થાઓ જણાવે છે કે આ પ્રવૃત્તિનું પ્રાથમિક કાર્ય રોગ સામે સારવાર વિકસાવવાનું છે. તેઓ બાયોલોજીકલ વેપન્સ તૈયાર કરવા માટે આવું સંશોધન કરતાં નથી. યાદ રહે કે શાકભાજી સમારવાનાં ધારદાર ચાકુથી શાકભાજી પણ કાપી શકાય અને મનુષ્યનું ખૂન પણ થઇ શકે છે. જીનેટીક મેકઅપ મુજબનાં જૈવિક શસ્ત્રોએ આવનારાં ભવિષ્યની કલ્પના ભલે લાગતી હોય, વિકસીત દેશો નવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ બાયોલોજીકલ વેપન્સ વિકસાવવા પણ કરી શકે છે. તાજેતરમાં અમેરિકન પ્રમુખ જ્હોન એફ કેનેડીની હત્યાને લગતાં દસ્તાવેજો જાહેર જનતા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. જેમાં સીઆઇએનાં અધિકારીએ સંભાવના દર્શાવી હતી કે ક્યુબાની ખેત પેદાશોનો વિનાશ કરવા માટે અમેરિકા બાયોલોજીકલ વેપન્સ વાપરી શકે છે. જેથી ક્યુબાનું અર્થતંત્ર તોડી શકાય. ડોનાલ્ડ દ્વારા એફબીઆઇ અને સીઆઇએને સંડોવતી ફાઇલોને જાહેર કરવામાં આવી નથી. તેને બ્લોક કરી નાખવામાં આવી છે.