Monday 27 November 2017

ભગવાન બુદ્ધ : છેલ્લો દિવસ

Pub. Date : 26.11.2017

આર્કિઓલોજી અને મેડિકલ સાયન્સ શું કહે છે ?


વિશ્વનાં ઇતિહાસને અસર પહોંચાડી સમયનાં પ્રવાહને બદલવાની તાકાત એક વ્યક્તિમાં હતી. તેણે તત્વજ્ઞાનની ચરમસીમા જેવું જ્ઞાન આજથી ૨૫૦૦ વર્ષ પહેલાં પિરસવાની શરૃઆત કરી હતી. ઇતિહાસને કરવટ બદલવા મજબુર કરનાર મહામાનવ એટલે ભગવાન બુધ્ધ. ભગવાન બુધ્ધનાં જીવન ચરિત્રથી ઘણા લોકો વાકેફ હશે, પરંતુ ભગવાન બુધ્ધનો અંતિમ સમય કેવી રીતે વિત્યો હતો ? તેમનું મૃત્યુ કઇ રીતે થયું ? મૃત્યુ બાદ, તેમનાં નશ્વર દેહનું શું થયું હતું ? આ સવાલોનાં જવાબ ઘણા લોકોને ખબર હશે નહીં ! તાજેતરમાં ચીનનાં નિનચી ખાતે આવેલાં ગ્રાન્ડ પોએન મંદિર પાસેથી ભગવાન બુધ્ધનાં અસ્થી મળી આવ્યા હોવાનાં સમાચાર પ્રસિદ્ધ થયા છે. શું ચીનમાંથી મળી આવેલ પ્રાચીન અવશેષ ખરેખર ભગવાન બુધ્ધનાં છે ? આખરે ચીનમાં ભગવાન બુધ્ધનાં અવશેષો કઇ રીતે પહોંચી ગયા ? ભગવાન બુધ્ધનું જીવન પાણી જેવું પારદર્શક હતું, છતાં તેમની જન્મ સાલ અને મૃત્યુ સાલ વિશે ઇતિહાસકારોમાં એક મત નથી. ભગવાન બુધ્ધનો જન્મ સાલ ઇ.સ. ૫૬૬ વિશે બહુમતે ઇતિહાસકારો સહમત છે પરંતુ મૃત્યુ સાલ બાબતે એક મત નથી. ભગવાન બુધ્ધ ૮૦ વર્ષની ઉંમરે મહાનિર્વાણ પામ્યા હતાં. ભગવાન બુધ્ધનાં અંતિમ કાળને લગતી માહિતી વિજ્ઞાાનની એરણે ચકાસવાની કોશીશ અહીં કરવામાં આવી છે. 

શાક્ય મુનિ : ઐતિહાસિક દ્રષ્ટિકોણ 

ઇ.સ. પુર્વે ૬ઠ્ઠી સદીમાં હિન્દુસ્તાનમાં હિન્દુ ધર્મ લગભગ ખોવાઇ ગયો હતો. વેદનો પ્રભાવ ઓસરી ગયો હતો. બ્રાહ્મણ કર્મકાંડ અને અંધશ્રધ્ધાનો ફેલાવો વધી ગયો હતો. ભારતની નજીક આવેલ નેપાળમાં કપિલવસ્તુ પાસે આવેલ લુંબીની ગામે સિધ્ધાર્થ ગૌતમનો જન્મ થયો હતો. જે આગળ જતાં ભગવાન બુધ્ધ, શાક્ય મુનિ તરીકે જાણીતા બન્યા હતાં. ભાગવતમાં તેમનો ઉલ્લેખ 'તથાગત' તરીકે થયો છે. વેદકાળથી બુધ્ધ અને પ્રબુધ્ધ શબ્દ અનેકવાર વપરાયા છે. જે કોઇ ખાસ વર્ણન વિશેષ માટે ન'હતાં. હિન્દુ ધર્મમાં તથાગતને ભગવાન વિષ્ણુનાં દસમા અવતાર તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન બુધ્ધનાં પિતા શુધ્ધોધન ગૌતમ શાક્ય કુળનાં રાજવી હતાં. તેમની માતા માયા, સિધ્ધાર્થને જન્મ આપ્યા બાદ, સાતમા દિવસે માયાનું મૃત્યુ થયું હતું. સિધ્ધાર્થનાં શરીર પર બત્રીસ લક્ષણા પુરૃષની બધી જ નિશાનીઓ ઉપલબ્ધ હતી. સિધ્ધાર્થનો ઉછેર તેની માસી મહાપ્રજાપતીએ કર્યો હતો. સિધ્ધાર્થનાં જન્મ સમયે જ્યોતિષીઓએ ભવિષ્યવાણી કરી હતી કે, 'બાળક મોટો થઇને ચક્રવર્તિ સમ્રાટ બનશે, અથવા ગૃહત્યાગ કરીને મહાન તપસ્વી બનશે. ' તેના પિતાજીએ સિધ્ધાર્થને સંસારમાં પ્રવૃત્ત રાખવાની અથાગ કોશીશ કરી હતી. તેને બધી વિદ્યાઓ, યુદ્ધની તાલીમ વગેરે આપવામાં આવી હતી. ધનુષ્ય વિદ્યામાં પારંગત બનીને સિધ્ધાર્થે તેની પત્ની યશોધરાને સોળ વર્ષની ઉમરે સ્વયંવર સ્પર્ધામાં જીતી હતી. 
૨૯ વર્ષે વૈરાગ્ય પામીને બુધ્ધ બનવાની દિશામાં સિધ્ધાર્થે 'મહાભિનીસ્ક્રમણ' કર્યું હતું. સતત છ વર્ષ મોક્ષ અને જ્ઞાાન પ્રાપ્તિ માટે તેઓ અન્ય યોગીઓ સાથે ફરતાં રહ્યાં હતાં. શરીર / દેહ દમન કરવાથી આત્મજ્ઞાાન પ્રાપ્ત તશે એવું સિધ્ધાર્થ શરૃઆતમાં માનતાં હતાં. આખરે શરીર દમન છોડી તેઓ ધ્યાન પ્રવૃત્તિમાં લીન થયા. અને... સમાધી અવસ્થામાં 'બૌધત્વ' પામ્યા. પાંત્રીસ વર્ષની ઉંમરે સિધ્ધાર્થ ભગવાન બુધ્ધ બની ગયા. યશોધરા, બુધ્ધની સાધવી બનનાર પ્રથમ સ્ત્રી હતી. સતત ૪૫ વર્ષ પગપાળા ચાલીને લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો. ચોમાસાની વિદાય બાદ, એક વેપારી યજમાનનાં ભોજન નિમંત્રણ સ્વીકારી તેના ઘરે ગયા. વેપારીનાં ત્યાં ભોજન લીધા બાદ, બુધ્ધની તબીયત અચાનક લથડી ગઈ. તેમનાં શિષ્ય આનંદ સહિત અન્ય લોકોએ ભગવાન બુધ્ધને પાલખીમાં ઉંચકીને, તેમના જન્મ સ્થળ લુબીની તરફ પ્રયાણ કર્યું. માર્ગમાં કુશીનારા / કુશીનગર ખાતે, ભગવાન બુધ્ધને લાગ્યું કે, 'હવે શરીરની માયા સંકેલવાનો સમય આવી ગયો છે. પોતે ઉત્તર દિશા તરફ માથુ રાખીને બે વૃક્ષ વચ્ચે જમણા પડખે સુઇ જાય છે. શિષ્યને કોઇ અંતિમ પ્રશ્ન હોય તો પુછવા માટે આગ્રહ કરે છે. આખરે ધ્યાન મુદ્રામાં બુધ્ધ પોતાનો દેહ ત્યાગ કરે છે. દેહ ત્યાગનાં એક અઠવાડીયા બાદ, બુધ્ધના નશ્વર દેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. અને.... તથાગત ઇતિહાસનાં કાલખંડમાં વિલીન થઇ જાય છે. 

ચીનમાં ખોદકામ કરતાં શું મળ્યું ? 

ચીનમાં આર્કિઓલોજીસ્ટોએ ચીનનાં નિનચી ખાતે ગ્રાન્ડ પોએન મંદિરમાંથી ભગવાન બુધ્ધનાં અસ્થી અવશેષો શોધી કાઢ્યા છે. જેમાં ખોપરીનાં હાડકાનો ટુકડો પણ સામેલ છે. ૨૦૦૮ થી ૨૦૧૦ વચ્ચે આ ખોદકામ કરવામાં આવ્યું હતું. જેનો અભ્યાસ લેખ ચાઇનીઝ ભાષામાં ૨૦૧૫માં પ્રકાશિત થયો હતો. જયારે તાજેતરમાં વિશ્વને આ તાજા સમાચાર અંગ્રેજી ભાષામાં મળ્યા છે. ખોદકામ દરમ્યાન, એક હજાર વર્ષ પ્રાચીન સ્તુપનું મોડેલ મળી આવ્યું છે. સ્તુપ મોડેલ ચંદનનાં લાકડાં, અને સોના ચાંદીમાંથી બનાવવામાં આવેલ છે. જેમાં કિંમતી પત્થરો જડેલા છે. મોડેલનું કદ ચાર ફુટ બાય દોઢ ફુટનું છે. આ મોડેલને લોખંડની મજબુત પેટીમાં રાખવામાં આવ્યું હતું. લોખંડની પેટીને વળી પત્થરની પેટીમાં ગોઠવવામાં આવી હતી. આટલી ચોકસાઇ દર્શાવે છે કે અવશેષો ખરેખર કિંમતી હશે. ભગવાન બુધ્ધની ખોપરીનાં અસ્થિનો એક ટુકડો, એક દાબડામાં રાખવામાં આવ્યો હતો. દાબડાનો અંદરનો ભાગ સોનાનો છે. જયારે બહારનો ભાગ ચાંદીનો છે. આ કિંમતી દાબડાને ત્યારબાદ સ્તુપનાં મોડેલમાં ગોઠવવામાં આવ્યો હતો. મોડેલનાં બાહ્ય ભાગે ભગવાન બુધ્ધનાં ચિત્રો છે. પત્થરની પેટી ઉપર પણ લખાણ છે. આ લખાણ તોમેંગ નામનાં માણસે એક હજાર વર્ષ પહેલાં લખ્યું છે. તેણે ભગવાન બુધ્ધનાં અવશેષો ચીનમાં કેવી રીતે આવ્યા તેનું વર્ણન લખ્યું છે. પરીનિર્વાણ બાદ ભગવાન બુધ્ધનો અગ્નિસંસ્કાર હિરણાવટી નદિ કિનારે કરવામાં આવ્યો હતો. સમ્રાટ અશોકે ૮૪ હજાર સ્તુપમાં બુધ્ધનાં અવશેષો મોકલ્યા હતાં. 
જેમાંથી ઓગણીસ અવશેષો ચીનનાં સ્તુપોને મળ્યા હતાં. ભગવાન બુધ્ધનાં ખોપરીનાં હાડકાનાં ટુકડાને જે મંદિરમાં રાખવામાં આવ્યો હતો. તે મંદિરને ચૌદસો વર્ષ પહેલાં, વિવિધ યુદ્ધોનાં કારણે નુકસાન પહોંચ્યું હતું. રાજકીય અંધાધુંધીમાં બુધ્ધનાં અવશેષોની કોઇએ જાળવણી કરવાની દરકાર કરી નહીં. સમ્રાટ ઝેનઝોંગે મંદિર ફરી વાર બંધાવ્યું. ઇ.સ. ૧૦૧૧માં બુધ્ધ અને અન્ય બૌધ્ધ સંતોનાં અવશેષો આ મંદિરનાં ભોંયરામાં રાખવામાં આવેલ કમરાંમાં મુકવામાં આવ્યા હતાં. આ પવિત્ર કાર્ય માટે આશીર્વાદ આપતાં તેમિંગ લખે છે. સમ્રાટ આયુષ્યમાન બને, તેમને સેંકડો સંતાન એટલે કે પુત્ર જન્મે, જે દસ હજાર પૌત્ર ને જન્મ આપે. રાજ દરબારનાં રત્નો અને લશ્કરી અધિકારી, સમ્રાટને વફાદાર બની રહે. સોનાના દાબડા ઉપર કમળ, ફિનીક્સ પક્ષી અને રક્ષા કરનાર દેવોનાં ચિત્ર છે. બહારનાં ચાંદીનાં દાબડા પર અપ્સરાઓ વિવિધ વાજીંત્રો વગાડતા જોવા મળે છે. સ્તુપનાં મોડેલ પર ભગવાન બુદ્ધનાં જીવન પ્રસંગો છે. ચીનમાંથી મળી આવેલ ભગવાન બુધ્ધનાં અવશેષો ને ૨૦૧૨માં મેકાઓ અને હોંગકોંગમાં પ્રદર્શનમાં મુકવામાં આવ્યા હતા. અવશેષોને નિહાળવા માટે ૧.૪૦ લાખ લોકોએ ટીકીટ ખરીદી હતી. 

બુધ્ધ : અંતિમ સમયકાળ 

બુધ્ધનાં દિવસોમાં બૌદ્ધ સંપ્રદાયમાં પણ  ગજગ્રાહ ચાલતો હતો. સમ્રાટ અજાત શત્રુનાં ગાદી ગ્રહણનાં આઠમાં વર્ષે ભગવાન બુધ્ધનું અવસાન થયું હતું. આ સમયે અજાતશત્રુ દુશ્મન રાષ્ટ્ર વાજી પર આક્રમણની તૈયારી કરી રહ્યો હતો. બુધ્ધ પણ ચોમાસાની ઋતુ પુરી કરીને વાજીમાં પ્રવેશ્યા હતાં. વૃધ્ધાવસ્થાનાં કારણે તેમનુ શરીર નબળું પડી ગયું હતું છતાં, ધીરે ધીરે તેઓ પગપાળા પ્રવાસ કરતાં હતાં. કહેવાય છે કે આ સમયે મૃત્યુનાં દેવતા મારા સાથે બુધ્ધની મુલાકાત થઇ હતી. જેણે તેમને નિર્વાણ પામવાનો સમય થઇ ગયો હોવાનું જણાવ્યું હતું. યશોધરા અને રાહુલ ઉપરાંત તેમનાં પ્રિય શિષ્ય મોગ્ગાલાના અને સાહી પુત્ર પણ મૃત્યુ પામ્યા હતાં. ભગવાન બુધ્ધે આનંદને જણાવ્યું હતું કે આ મહિનામાં એમનું મૃત્યુ / પરિનિર્વાણ થઇ જશે. બુધ્ધ પાવા નામનાં સ્થાને પહોંચ્યા હતાં. અહીં વસતા લુહાર કુંડા કુમારપુત્રનાં આંબાવાડીયામાં તેઓએ રોકાણ કર્યું હતું. તેમની સાથે વિશાળ સંખ્યામાં ભિક્ષુઓ હતાં. લુહાર કુંડાએ બુધ્ધને ભોજનનું આમંત્રણ આપ્યું ત્યારે તેમણે યજમાનને કહ્યું કે... તેઓ એકલા માત્ર સુક્ર-માદ્વ ગ્રહણ કરશે. 
બીજા ભિક્ષુઓ અન્ય ભોજન ગ્રહણ કરશે. તેમનાં ભોજન બાદ, તેમનાં માટે બનાવેલ વાનગી 'સુક્ર-માદ્વ' તેઓ દાટી દેશે જેથી અન્ય કોઇ તેને ગ્રહણ કરે નહીં. થયું પણ એમ જ, લુહાર કુડા કુમારપુત્રનાં ત્યાં ભોજન લીધા બાદ, બુધ્ધને જીવલેણ દર્દ ઉપડયું. તેમણે આનંદને કહ્યું, તેમના મૃત્યુ માટે કુડાનાં ભોજનને દોષ દેશો નહીં. તેના પર બુધ્ધને મૃત્યુ મુખમાં પહોંચાડવાનો આરોપ લગાડશો નહીં. તબિયત બગડતાં જ બુદ્ધે, આનંદ સહિત ભિક્ષુઓને કુશીનારા / કુશીનગર તરફ પ્રયાણ કરવાની સુચના આપી. લાગે છે કે ત્યાંથી તેમની ઇચ્છા પાછાં તેમનાં જન્મ સ્થળ કપિલ વસ્તુ / લુંબીની તરફ જવાની હતી. માર્ગમાં બુધ્ધનું દર્દ અતિશય વધી ગયું. તેમણે આનંદને પાણી લાવવા કહ્યું. આનંદે કહ્યું, નદીનું પાણી બળદગાડાની અવર જવરનાં કારણે ખુબ જ ગંદુ થઇ ગયું છે. છતાં બુધ્ધે આગ્રહ કરી પાણી મંગાવ્યું અને પીધું. અહીંથી વધારે અશક્તિ વરતાતાં, બૌધ્ધ ભિક્ષુઓ તેમને ઝોળીમાં ઉંચકીને કુશીનગર લઇ આવ્યા. ભગવાન બુધ્ધે બે સાલવૃક્ષ વચ્ચે, ઉત્તર દિશામાં માથુ રહે તે પ્રમાણે તેમની શૈયા તૈયાર કરવાનું કહ્યું. હવે તેમણે ભિક્ષુઓને અંતિમ સવાલો પુછવા કહ્યું. કોઇએ સવાલ કર્યા નહીં. જમણી બાજુ પડખુ મુકીને તેઓ ધ્યાનાવસ્થમાં પહોંચી ગયા. ધ્યાનાવસ્થાનાં ચોથા ચરણમાં તેમણે દેહ ત્યાગ કર્યો. 

ત્રિકાયા : મહાયાન દ્રષ્ટિકોણ 

બુધ્ધ શરીરનાં ત્રણ અલગ અલગ સ્વરૃપને બૌધ્ધ સ્તુપ કે પેગોડામાં મુકવામાં આવે છે.  બુધ્ધનાં યુવાનીનાં શરીર જેમાં તે સંસારનાં ભૌતિક સુખમાં લીન હતાં. તે સંભોગ કાયા કહેવાય છે. મહાભિનીષ્કરણ બાદની જ્ઞાાન પ્રાપ્તિ અવસ્થા પછીનું શરીર ધર્મકાયા તરીકે ઓળખાય છે. મનુષ્ય જે શરીર લઇને જન્મે છે અને જે શરીર લઇને મૃત્યુ પામે છે. તે શરીર એટલે 'નિર્માણ કાયા'.  ધર્મકાયા એટલે વાતાવરણ, સંભોગકાયા એટલે વાદળો અને નિર્માણ કાયા એટલે વરસાદ. ભગવાન બુધ્ધનાં મહાનિર્વાણ બાદ, સાત દિવસ સુધી તેમનો દેહ દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેમનાં શરીરને અગ્નિદાહ આપવામાં આવ્યો. અગ્નિદાહની અંતિમ ક્રિયા બાદ, તેમનાં અસ્થિ ફુલોને, બુધ્ધનાં સનિષ્ઠ અનુયાયીઓને આપવામાં આવ્યા. સાત અલગ અલગ પ્રાંતનાં હથિયાધારી સૈનિકો ભગવાન બુધ્ધનાં અસ્થિફુલો લેવા માટે આવી પહોંચ્યા. ખુના મરકી ન થાય તે માટે મુખ્ય ભિક્ષુએ અસ્થિ અવશેષોને આઠ ભાગમાં વહેંચી દીધા. ચિતાનો રાખમાંથી એક ભાગ લેવામાં આવ્યો અને જે પાત્રમાં આ સમગ્ર એકઠુ કરવામાં આવ્યું હતું. તે પાત્રને એક ભાગ ગણવામાં આવ્યો. આમ બુધ્ધનાં અવશેષો દસ સેટનો બન્યો હતો. દસ સેટનાં આઠ સરખા ભાગ કરી, સાત ભાગ સૈનિકોને આપવામાં આવ્યા. જયારે એક ભાગ, બૌધ્ધ ભિક્ષુઓએ રાખ્યો હતો. આમ બૌધ્ધ ધર્મમાં માનતાં લોકો પાસે ભગવાન બુધ્ધનાં અવશેષો પહોંચી ગયા. એક સદી બાદ, સમ્રાટ અશોકે ફરિવાર, ભગવાન બુધ્ધનાં અવશેષો અલગ અલગ દેશોમાંથી એકઠા કરાવ્યા. એ સમયે મૌજુદ ૮૪ હજાર સ્તુપમાં ભગવાન બુધ્ધનાં અવશેષો તે ફરિવાર વિતરણ કરવામાં આવ્યા હતાં. 

તથાગત : મેડિકલ સાયન્સ રિપોર્ટ ? 

મેડિકલ સાયન્સ સ્ત્રોતમાં આલેખેલ ચિન્હોને લઇને બુધ્ધની બીમારી / શારીરિક સ્થિતિનું અંદાજીત દ્રશ્ય કલ્પે છે. મહાપરિનિર્વાણ સુત્ર કહે છે કે લુહાર કુડાં કુમાર પુત્રનાં ત્યાં ભોજન લીધા બાદ, બુધ્ધની તબિયત વધારે લથડી હતી. 'શુકર માદ્વ' નામનાં ભોજનને પશ્ચિમી જગત પોર્ક એટલે કે સુવરનું માંસ ગણે છે. કેટલાક તેને મશરૃમ એટલે કે બિલાડીનાં ટોપમાંથી બનેલ ગણાવે છે. ભારતિય નિષ્ણાતનાં મત પ્રમાણે આ ભોજન, જમીનમાં થતાં કંદમુળ 'સુરણ' દર્શાવે છે. જે ઉપવાસ હોય ત્યારે ફરાળમાં પણ ખાઇ શકાય છે. આખી જિંદગી અહિંસાનો ઉપદેશ આપનાર મહા માનવ 'માંસાહાર' કરે એ વાત જ માની શકાય તેમ નથી. ડૉ. મેટેનનાહો નામનાં તબીબ બૌધ્ધ ભિક્ષુ છે અને સંત બનતા પહેલાં થાયલેન્ડમાં તબીબી પ્રેકટિસ કરતાં હતાં. તેમણે પણ બૌધ્ધની બિમારી વિશે પ્રકાશ ફેંકે તેવો સંશોધન લેખ લખ્યો છે. ભગવાન બુધ્ધ લુહારનું ભોજનનું આમંત્રણ સ્વીકારે છે. તે બતાવે છે કે ૮૦ વર્ષની ઉંમરે પણ તેમનું પાચન તંત્ર બરાબર કામ કરતું હશે. ફુડ પોઇઝનીંગ વડે બુધ્ધની તબીયત બગડી ન'હતી. ફુડ પોઇઝનીંગમાં મળ વાટે લોહી પડતું નથી. આનંદ પાસેથી પાણી પીધા બાદ તેમને થોડી રાહત થઇ હતી. જે બતાવે છે કે કોઇ બીમારીનો આ સેકન્ડ એટેક હતો. તેમની બગડતી તબિયત માટે ભોજન કે લુહાર કુંડાને જવાબદાર ન ગણવાનું બુધ્ધે કહ્યું હતું. જેનો મતલબ થાય કે બુધ્ધને પોતાની જુની બીમારીનો ખ્યાલ હતો. તબીબી સારવાર મળવાની આશાએ ભગવાન બુધ્ધે કુશીનારા / કુશીનગર તરફ પ્રયાણ કર્યું હોઇ શકે. તબીબી જગત બુધ્ધની બિમારીને મેસેન્ટ્રીક ઇન્ફાર્કશન કહે છે. જે મોટાભાગે વૃધ્ધ વ્યક્તિને થાય છે. જેને કારણે નાના આંતરડાને મળતા લોહીનો પુરવઠો ખોરવાઇ જાય છે. ભોજનમાં વધારે પદાર્થ લેવામાં આવે ત્યારે, આંતરડાને લોહીનો વધારે પ્રવાહ જોઈએ છે. જે મળતો નથી. આંતરડાની આંતરીક સપાટી નુકસાન થતાં લોહી ઝરે છે. જેથી મળત્યાગ વખતે લોહી જોવા મળે છે. આંતરડામાં કાણું થતાં કે તુટતા પ્રવાહી અથવા પદાર્થ પેટનાં આંતરડાને પકડી રાખતા ભાગમાં પ્રવેશે ત્યારે ખુબ જ પીડા થાય છે. જે વૃધ્ધ માટે જીવલેણ સાબીત થાય છે. જેને માત્ર સર્જરી એ જ સુધારી શકાય. લોહીમાં બેકટેરીયાનું ઝેર ઉમેરવાથી રોગ વધારે ઝડપથી વકરે છે. આ સમયકાળમાં કેન્સર, ટીબી, ટાઇફોઇડ જેવા રોગ થવા સામાન્ય વાત હતી.

No comments: