Monday 8 July 2019

હોકિંગ રેડિયેશન: સ્ટીફન હોકિંગને સાચા સાબિત કરે છે


બ્લેક હોલ'ની થીયરીને પુરાવાઓ મળતાં જાય છે

ફરીવાર આલ્બર્ટ આઈનસ્ટાઇન, સ્ટીફન હોકીંગ અને કાર્લ શ્વાર્ઝચાઈલ્ડને યાદ કરી લેવાનો સમય પાકી ગયો છે. ત્રણેય વૈજ્ઞાાનિકોનાં સંશોધનોને બ્રહ્માંડની રહસ્યમય રચના, જેને એસ્ટ્રોફીજીસ્ટ બ્લેક હોલ તરીકે ઓળખે છે. તેની સાથે સાંકળી શકાય તેમ છે. ફરીવાર બ્લેક હોલ વિજ્ઞાાન જગતમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે. તાજેતરમાં ઈઝરાયેલી વૈજ્ઞાાનિકોએ 'બ્લેક હોલ' જેવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું હતું.
આ પ્રયોગનું ગહન સંશોધન અને ચિંતન કર્યા બાદ, વૈજ્ઞાાનિકો એ તારણ ઉપર આવ્યા છે કે સ્ટીફન હોકીંગે બ્લેક હોલની સપાટી પરથી રેડિયેશન બહાર ફેંકાવાની જે કલ્પના કરી હતી એ, ''હોકીંગ'' રેડિયેશન ૧૦૦ ટકા સાચી થિયરી-પરીકલ્પના છે. જેને વૈજ્ઞાાનિકો એ પ્રયોગશાળામાં ચકાસી જોઈ છે. ટુંકમાં કહેવું હોય તો, વૈજ્ઞાાનિકોએ સ્ટીફન હોકીંગ, કાર્લ શ્વાર્ઝચાઈલ્ડ અને આલ્બર્ટ આઈનસ્ટાઈનની થિયરી ૧૦૦ ટકા માર્કસ આપીને પાસ કરી દીધી છે. બ્લેક હોલ માટે પ્રત્યક્ષ પુરાવા મેળવવા મુશ્કેલ હોય છે ત્યારે આ પ્રાયોગીક પુરાવા મહત્વનાં સાબીત થશે.

બ્લેક હોલ: મૃત્યુ પછીની દુનિયા

બ્લેક હોલ એ સ્પેસમાં આવેલું એવું બિંદુ છે જ્યાં પદાર્થ મેટરનું પ્રમાણ એટલું ઘટ્ટ એટલે કે ''ડેન્સ'' હોય છે કે ત્યાં ખૂબ જ શક્તિશાળી ગુરૂત્વાકર્ષણ પેદા થાય છે. એક ચોક્કસ સીમારેખાની અંદર પ્રવેશો એટલે પ્રકાશ પણ આ પાવરફુલ ગુરૂત્વાકર્ષણની પકડમાંથી છટકીને ભાગી શકતો નથી. કેન્દ્રમાં જ સમાઈ જાય છે. આવી બ્રહ્માંડની રહસ્યમય રચનાને બ્લેક હોલ એટલે કે ''શ્યામ વિવર'' કહે છે.
બ્રહ્માંડમાં ચાર પ્રકારનાં બ્લેક હોલ્સનું સર્જન થયેલ જોવા મળે છે. ''સ્ટીલર એટલે કે તારાંકીય'', આંતરમધ્યહાન (ઈન્ટરમિડીએટ), ખૂબ જ ધારદાર સુપર મેસીવ અને છેલ્લે મીનીએચર - સુક્ષ્મ કદનાં બ્લેક હોલ્સ બ્રહ્માંડમાં વ્યસ્ત છે. બ્લેક હોલ્સનું સર્જન તારાંનું મૃત્યુ થાય છે એ ઘટનાથી શરૂ થાય છે. સામાન્ય તારાંની મૃત્યુની ક્ષણો નજીક આવે છે ત્યારે તે, ફુલવા માંડે છે. તેનું દળ/પદાર્થ ગુમાવે છે. અને ધીમે ધીમે ઠરવા માંડે છે. ત્યાર બાદ જે તારો બચે છે તેને વ્હાઈટ ડવાર્ફ કહે છે. બધાં જ તારાંઓનું મૃત્યુ આ રીતે થતું નથી.
જે તારાંઓ આપણા સુર્ય કરતાં કદમાં ૧૦ કે ૨૦ ગણાં વધારે કદાવર હોય છે. તેઓ મૃત્યુ પામીને સુપર ડેન્સ ન્યુટ્રોન સ્ટારમાં ફેરવાઈ જાય છે તેને બીજી ભાષામાં સ્ટીલર માસ બ્લેક હોલ્સ કહે છે. મૃત્યુની ફાયનલ ક્ષણોમાં વિશાળકાય તારાં, ખૂબ જ કદાવર વિસ્ફોટ પામે છે. આવા વિસ્ફોટને 'સુપરનોવા' વિસ્ફોટ કહે છે. વિસ્ફોટના કારણે તારાંનો ઘણો બધો પદાર્થ તારાંની આસપાસનાં અંતરીક્ષમાં ફેંકાઈને ફેલાઈ જાય છે. પરંતુ તારાંનાં કેન્દ્રનો મુખ્ય ભાગ જેને ''કોર'' અથવા સરળ ભાષામાં 'ઠળીયો' કહીએ તે અકબંધ બની જાય છે.
જ્યારે તારાં મૃત્યુ પામ્યા નથી હોતા ત્યારે તેમાં ચાલતી ''ન્યુક્લીઅર ફ્યુઝન'' પ્રક્રિયાનાં કારણે કેન્દ્રથી સપાટી તરફ થતું દબાણ અને સપાટીથી કેન્દ્ર તરફ લાગતું ગુરૂત્વાકર્ષણ બળ બંને બળોનું સંતુલન જળવાઈ રહે છે. સુપરનોવા વિસ્ફોટ બાદ કેન્દ્રથી સપાટી તરફ ધક્કો મારતું બળ હોતું નથી. આ કારણે ગ્રેવીટી એટલે કે ગુરૂત્વાકર્ષણ બળનો પ્રભાવ વધી જાય છે અને તારાનો કેન્દ્રનો મધ્ય ભાગ વધારે ઘટ્ટ બનતો જાય છે. અને માની લો કે છેવટે તારાંનો 'ઠળીયો' સંકોચાઈને એક બિંદુમાં સમાઈ જવાની કોશીશ કરે ત્યારે વાસ્તવિક બ્લેક હોલનું સર્જન થાય છે. આ 'બીંદુવત' પોઈન્ટ સીગ્યાલુરીટી તરીકે ઓળખાય છે.

જાપાની વૈજ્ઞાાનિકે શોધ કરી કે...

બ્રહ્માંડમાં અતિશય પાવરફુલ ગુરૂત્વાકર્ષણ બળ ધરાવતાં કરોડો બ્લેક હોલ્સ આવેલાં છે. આપણી દુધગંગા એટલે કે મંદાકીનીમાં પણ કેન્દ્રમાં સુપર મેસીવ બ્લેક હોલ્સ છે જે આપણા સુર્ય કરતાં ૪૦ લાખ ગણો વધારે દળ/પદાર્થ ધરાવે છે. સુક્ષ્મ કદનાં બ્લેક હોલ્સની કલ્પના એક સૈદ્ધાન્તિક શક્યતા ગણાય છે. આજથી ૧૩.૭૦ અબજ વર્ષ પહેલાં બિંગ બેંગ સમયે મીનીએચર/લઘુ કદનો બ્લેક હોલ્સનું સર્જન થયું હશે અને સમય જતાં તે વિસર્જન પામ્યા હશે.
આમ બ્રહ્માંડમાં હાલ મીનીએચર બ્લેક હોલ્સ શોધવા મુશ્કેલ છે. હવે વૈજ્ઞાાનિકો એક નવીન પ્રકારનાં બ્લેક હોલ્સની સૈદ્ધાંન્તિક સર્જનની વાત પણ કરે છે. આ બ્લેક હોલ્સ, ઈન્ટરમીડીએટ માસ બ્લેક હોલ્સ ગણાય છે. જે સુપર મેસીવ બ્લેક હોલ્સ અને મીનીએચર બ્લેક હોલ્સનાં કદનાં પ્રમાણમાં એવરેજ કદ, 'ઈન્ટરમીડીએટ' હવામાન ધરાવતાં હોવાનું વૈજ્ઞાાનિકો માને છે. આવા બ્લેક હોલ્સ મળ્યા નથી એટલે માત્ર વાદ-વિવાદ પૂરતું તેનું અસ્તિત્વ બચેલું છે.
આગળ જણાવ્યા પ્રમાણે બ્લેક હોલ્સ કોઈપણ પ્રકારનો 'પ્રકાસ' પેદા કરતાં નથી. ઉલટાનું તેની પાસે પ્રકાસ પહોંચે તો, તે પણ 'બ્લેક હોલ'માં સમાઈ જાય છે. એટલે પ્રકાશીય ઉપકરણ જેવાં કે 'ટેલીસ્કોપ' વડે 'બ્લેક હોલ્સ' જોઈ શકાતા નથી. માત્ર તેનાં વિશાળ ગુરૂત્વાકર્ષણની અસરનાં કારણે 'મેસીવ' બ્લેક હોલનું અસ્તિત્વ જાણી શકાય છે.
૧૩ માર્ચનાં રોજ જાપાની ખગોળશાસ્ત્રીઓએ નવો રેકોર્ડ સ્થાપ્યો હતો. હવાઈ ટાપુ પર રહેલાં સુનારૂ ટેલીસ્કોપની મદદથી બ્રહ્માંડ સર્જનની શરૂઆતની અવસ્થામાં પેદા થયેલા ૮૩ જેટલાં પાવરફુલ ''સુપર મેસીવ બ્લેક હોલ્સ'' શોધી કાઢ્યા હતાં. ૧૩.૦૫ પ્રકાસ વર્ષ દુર આવેલાં બ્રહ્માંડમાં ખાસ પ્રકારનાં ''કવેસાર''ની તસ્વીરો જાપાની વૈજ્ઞાાનિકોએ મેળવી હતી. આ તસ્વીરોનાં ડેગનું પૃથ્થકરણ કરીને જાપાની વૈજ્ઞાાનિકોએ ૮૩ જેટલાં સુપરમેસીવ બ્લેક હોલ્સ હોવાનાં પુરાવા આપ્યા હતા.

હૉકીંગ રેડિયેશન: પ્રાયોગિક પરીક્ષામાં પાસ

જ્યારે બ્લેક હોલ્સ તેની આસપાસનો પદાર્થ ગળી જઈને પાવરફુલ બનતો જાય છે તેમ તેમ તેનું ગુરૂત્વાકર્ષણ બળ અને ચુંબકીય બળ પણ વધતું જાય છે. જેનાં કારણે બ્લેક હોલમાં ખેંચાઈ આવતા વાયુ અને તારાંકીય ભુક્કો 'સ્ટાર ડસ્ટ' ખુબ જ ગરમ થાય છે.
જેનાં કારણે રેડિયેશન પેદા થાય છે. રેડિયેશન ધરાવતો આવો વિસ્તાર 'બ્લેક હોલ'ની ગોળ ફરતે ઘુમરી ખાતો રહે છે. જેને એસેલરેશન વિસ્ક કહે છે. બ્લેક હોલ્સ બધુ જ દ્રવ્ય હજમ કરી જાય છે એવું પણ નથી. બ્લેક હોલ્સની અંદર આવતી 'સ્ટાર ડસ્ટ' રેડિયેશન દ્વારા બ્લેક હોલની બહાર પણ ફેંકાતી રહે છે.
આમ બ્લેક હોલ્સ અને બ્રહ્માંડના અંતરીક્ષમાં એક સીમા રેખા ઘેરાઈ જાય છે. જે સીમા રેખાની બહાર ગુરૂત્વાકર્ષણ બ્રહ્માંડના અન્ય વિસ્તાર માફક સામાન્ય વર્તાય છે. તે સીમા રેખાને વૈજ્ઞાાનિકો બ્લેક હોલની 'ઈવેન્ટ હોરાઈઝન' કહે છે. ઈવેન્ટ હોરાઈઝનની અંદરના ભાગમાં બ્લેક હોલનું ગુરૂત્વાકર્ષણ કેન્દ્ર તરફ જતાં વધુને વધુ શક્તિશાળી બનતું જાય છે.
ખુબ જ પ્રસિધ્ધી પામેલ વૈજ્ઞાાનિક સ્ટીફન હોકીંગે આઈનસ્ટાઈનની થિયરી અને ક્વૉન્ટમ થિયરીનો સમન્વય કરીને એક થિયેરીટીકલ સંભાવના બતાવી હતી. જે પ્રમાણે ઈવેન્ટ હોરાઈઝન પાસે બ્લેક હોલ રેડીયેશન પેદા કરે છે. જેને બ્લેક બોડી રેડિયેશન તરીકે ઓળખવામાં આવે છે. ૧૯૭૯માં આ પ્રકારનાં રેડિયેશનની થિયરી સ્ટીફન હોકિંગે રજુ કરી હતી. જેને વૈજ્ઞાાનિકો હવે 'હોકીંગ રેડિયેશન' તરીકે ઓળખાવે છે.
સ્ટીફન હોકિંગના સંશોધન પત્ર મુજબ ઈવેન્ટ હોરાઈઝન પર જે રેડિયેશન પેદા થાય છે તે બ્લેક હોલ્સની બહાર ફેંકાતું જાય છે. જેના કારણે બ્લેક હોલ્સનું દ્રવ્ય અને ઉર્જામાં સતત ઘટાડો થતો જાય છે. આમ હોકીંગ રેડિયેશનને વૈજ્ઞાાનિકો બ્લેક હોલ 'ઈવેપોરેશન' પણ કહે છે. એટલે કે બ્લેક હોલનું 'બાષ્પીભવન' ઈવેન્ટ હોરાઈઝન ઉપર થતું રહે છે. તાજેતરમાં વૈજ્ઞાાનિકોએ સ્ટીફન હોકીંગે આપેલી સૈધ્ધાંતિક વાત 'હોકીંગ રેડિયેશન' ૧૦૦% સાચી થિયરી છે. તેવા પુરાવા પ્રયોગો દરમ્યાન મેળવ્યાં છે.

ઈઝરાયેલી વૈજ્ઞાાનિકોનું તારણ

તાજેતરમાં 'નેચર' મેેેગેઝીનમાં એક સંશોધન લેખ છપાયો છે. જે સ્ટીફન હોકીંગના 'હોકીંગ રેડિયેશન'નાં સંદર્ભમાં છે. સ્ટીફન હોકિંગે એક હાઈપોથિસીસ આપેલી જે મુજબ ઈવેન્ટ હોરાઇઝન પાસે બ્લેક હોલ્સ, ખાસ પ્રકારનું રેડિયેશન મુક્ત કરે છે. બ્લેક હોલની સપાટી પર ક્વૉન્ટમ ફીજીક્સ અને ગ્રેવીટીનાં વિવિધ પરિબળોની અસર નીચે આ રેડિયેશન પેદા થાય છે.
બ્રહ્માંડમાં બ્લેક હોલ્સનાં અસ્તિત્વનાં પુરાવા મેળવવામાં અતિશય મુશ્કેલ પડે છે ત્યારે 'હોકીંગ રેડિયેશન'નાં પુરાવા ક્યાંથી મેળવવા. સ્ટીફન હોકીંગે 'ઓન પેપર' ગણતરી કરીને 'હોકીંગ રેડિયેશન'ની થિયરી આપી હતી. હવે ઈઝરાયેલનાં ટેકનીઓન-ઈઝરાયેલ ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીનાં વૈજ્ઞાાનિકોએ સ્ટીફન હોકીંગની થિયરીનાં પુરાવા બ્રહ્માંડમાંથી શોધવાનાં બદલે, પ્રયોગશાળામાં પ્રયોગો કરીને 'હોકીંગ રેડિયેશન' થિયરીને સાચા સાબીત કરવાના પ્રમાણ આપ્યા છે.
વૈજ્ઞાાનિકોએ આઠ હજાર જેટલાં રૂબીડીયમનાં પરમાણુઓને યંત્રમાં ગોઠવીને તેના ઉપર લેસર બીમનો મારો કર્યો હતો. જેના કારણે પદાર્થની એક વિશિષ્ટ અવસ્થા પેદા કરવામાં આવી હતી. આ અવસ્થા 'બોસ-આઈનસ્ટાઈન કન્ડેનસેટ' કહે છે. આ અવસ્થા 'અલ્ટ્રા કોલ્ડ' છે જ્યાં ક્વૉન્ટમ ફીજીકલ અવસ્થા આસાનીથી જોઈ શકાય છે. ટુંકમાં વૈજ્ઞાાનિકોએ આઠ હજાર રૂબીડીયમ પરમાણુવાળો 'મીનીએચર બ્લેક હોલ્સ' બનાવ્યો હતો. બીજા લેસર બીમ વડે કન્ડેનસેટની 'પોટેન્શીયલ એનર્જી'માં વધારો કરવામાં આવ્યો હતો. જે બ્લેક હોલ્સની બહારના વિસ્તાર જેમ વર્તતો હતો. એક વિસ્તારમાં અવાજનાં તરંગો રૂબીડીયમનાં પરમાણુંના સ્પીડ ફ્લો કરતાં વધારે ઝડપી હતાં. જ્યારે બીજા ક્ષેત્રમાં રૂબીડીયમનાં પરમાણુ ફ્લોની ઝડપ કરતાં અવાજનાં તરંગો ઓછી ઝડપનાં જોવા મળ્યા.
બ્રહ્માંડમાં પ્રકાસ પણ પ્રયોગશાળામાં વાપરેલાં અવાજનાં મોજા માફક પોતાની વર્તણુક બતાવે છે. પ્રયોગશાળાના અવાજના તરંગો, બ્લેક હોલનાં આંશિક અને બાહ્ય ભાગ જેવી અવસ્થાનો પુરાવો આપતા હતાં. જે દર્શાવતા હતાં કે સ્ટીફન હોકીંગે આપેલી 'હોકીંગ રેડિયેશન'ની થિયરી ૧૦૦% સાચી છે. ઈઝરાયેલી વૈજ્ઞાાનિકોનો આ બીજો પ્રયોગ છે. ૨૦૧૬માં પણ આ કેન્દ્રનાં વૈજ્ઞાાનિકોએ આવો જ પ્રયોગ કર્યો હતો.

Monday 17 June 2019

નાસા હવે સ્પેસ ટૂરિઝમનાં દ્વાર ખોલી રહી છે!

Pub. Date : 17-06-2019


અંતરીક્ષયાત્રીને 'સ્પેસ'માં જતાં જોઈને ઘણા અબજોપતિ લોકોને મનમાં થતું કે 'અંતરીક્ષમાં સફર કરવાનો અમારો વારો ક્યારે આવશે? મેરે પાસ ધન, દૌલત હૈ, બંગલા હૈ, ગાડી હૈ, મગર મે 'સ્પેસ'મેં ઘુમને ક્યોં નહી જા શકતા? આ કાલ્પનિક ચિત્ર કરોડપતિ લોકો સામે તાદ્દશ થતાં હશે જ. અંતરીક્ષ યાત્રા કરવા માંગતા અમીરો માટે નાસાએ જાહેરાત કરી છે. નાસા ૨૦૨૦થી પૈસાદાર એટલે ખર્ચ પેટે મોટી રકમ ચુકવી શકે તેવા લોકોને સ્પેસ સ્ટેશન ઉપર સ્પેસ ટુરિસ્ટ તરીકે મોકલવામાં આવશે.

સ્પેસ ટુરીઝમની વાત નીકળે એટલે હોટેલ બિઝનેસમાં નામ કમાનાર અબજોપતિ રોબર્ટ બિગ્લો યાદ આવે. રોબર્ટ બિગ્લોનું સ્વપ્ન છે કે એક 'સ્પેસ હોટેલ' બનાવવી અને અંતરીક્ષમાં 'સ્પેસ ટુરીઝમ'નો વિકાસ કરવો. સ્પેસ હોટેલ અને સ્પેસ ટુરીઝમનો પોતાના ધંધાની શરૂઆત રોબર્ટ બિગ્લો ૨૦૨૧થી કરવા માંગે છે. શક્ય છે કે નાસા રોબર્ટ બિગ્લો પહેલાં 'સ્પેસ ટુરીસ્ટ'ને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર મોકલશે. રોબર્ટ બિગ્લો પણ તેની સ્પેસ હોટેલનું એક મોડયૂલ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સાથે જોડવા માંગે છે. આખરે સ્વપ્ન સાકાર થશે?

નાસાનું સ્પેસ ટૂરિઝમ


નાસા અત્યાર સુધી જે સંશોધન કાર્યમાં જોતારાયેલી હતી. એ હવે થોડો સાઈડ બિઝનેસ કરી લેવા માંગે છે. સાત જુનનાં રોજ નાસાનાં અધિકારીએ એક કોન્ફરન્સમાં કોમર્સીયલ જાહેરાત કરી જે ''નાસા ૨૦૨૦થી દર વર્ષે બે જેટલાં ઈચ્છુક વ્યક્તિને 'સ્પેસ ટુરીસ્ટ' તરીકે અંતરીક્ષમાં મોકલશે. તવંગરો માટે કંઈક નવું સાહસ કરવા માટેનો આ અનોખો મોકો છે.

નાસા સ્પેસ ટુરીસ્ટને આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન (ISS) પર એક મહિનો રોકાવા માટે સુવિધા પુરી પાડશે. જે માટે એક-દીવસ/રાતનાં નિભાવ ખર્ચ પેટે સ્પેસ ટુરિસ્ટે અંદાજે ૩૫ હજાર ડોલર ચુકવવા પડશે. ભાડા/ખર્ચને સરેરાશ ભાવ સાંભળીને અમીરોની આંખમાં આનંદનાં આંસુ આવી જાય એવી નાસાની જાહેરાત છે. નાસાએ આ સાથે નવા બિઝનેસ મોડેલની પણ જાહેરાત કરી હતી.

નાસાનું સંભવિત 'સ્પેસ ટુરિસ્ટ' મિશન ૨૦૨૦માં શરૂ થશે. જે માટે નાસા બોઈંગ કંપની અને 'સ્પેસ એક્સ' કંપની ઉપર આધાર રાખી રહી છે. આ બંને કંપની સ્પેસ ટુરિસ્ટ માટે ખાસ પ્રકારનું 'મોડયુલ' તૈયાર કરી રહ્યા છે. જે સ્પેસ ટુરીસ્ટને રોકેટ પર સવાર કરીને ISS પર લઈ જશે. જો કે બંને કંપનીનાં આયોજનમાં થોડાં અવરોધો આવી રહ્યાં છે.

'ક્રુ મોડયુલ'નાં ટેસ્ટીંગમાં પણ સમસ્યાઓ પેદા થઈ રહી છે. કેટલાંક મહીનાઓથી બંને કંપની ટાર્ગેટને પહોંચી વળવા કમર કસી રહી છે. બોઈંગ કંપનીએ નાસાનાં વ્યાપારી પ્રોગ્રામ માટે ક્રુ સ્પેસ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ (CST) વિકસાવી રહી છે. જેનું નામ છે બોઈંગ  CST-૧૦૦ સ્ટાર લાઈનર. દેખાવમાં આ મોડયુલ એપોલો પ્રોગ્રામનાં કમાન્ડ મોડયુલને મળતું આવે છે અને કદમાં તેના કરતાં થોડુંક વિશાળ છે.

જેનો વ્યાસ ૧૫ ફૂટ જેટલો છે. સ્પેસ એક્સ પણ ડ્રેગન-૨ નામે અંતરીક્ષ યાત્રી અને માલસામાનની હેરફેર માટે ક્રુ કમ કાર્ગો વેહીકલ તૈયાર કરી રહ્યુ છે. સ્પેસ એક્સનું ડ્રેગન મોડયુલ 'ડ્રેગન રાઈડર' તરીકે ઓળખાય છે. નાસાએ સ્પેસ ટુરીસ્ટનાં બુકીંગ માટે રોબર્ટ બિગ્લોની ''બિગ્લો સ્પેસ ઓપરેશન'' કંપની સાથે ભાગીદારી કરી છે. કંપનીએ નાસાને ૧૬ સ્પેસ ટુરિસ્ટને ISS પર લઈ જવા જરૂરી ડિપોઝીટ પણ જમા કરાવી દીધી છે. આવતા વર્ષે સ્પેસ ટુરીસ્ટ 'સ્પેસ'ની મજા માણશે.

અંતરીક્ષ મુસાફરીનું આંકડા શાસ્ત્ર


મનોરંજન અને કંઈક નવું કરવાની દાનતથી અંતરીક્ષની મુસાફરી કરવાના 'ટ્રાવેલીંગ' શોખને સ્પેસ ટુરીઝમ નામ આપી શકાય. સ્પેસ ટુરીઝમમાં ચાર પ્રકારની યાત્રા થઈ શકે. ઓરબીટલ, સબ ઓરબીટલ, લ્યુનાર સ્પેસ ટ્રાવેલ અને માર્સ સ્પેસ ટ્રાવેલ. મંગળ સુધી હજી ટ્રેઈન્ડ અંતરીક્ષયાત્રી પહોંચી શકયા નથી એટલે માર્સ સ્પેસ ટુરીઝમ માટે એકાદ સદીની રાહ જોવી પડે તેમ છે. પરંતુ ઓરબીટલ અને સબ ઓરબીટલ સ્પેસ ટુરીઝમની શરૂઆત ૨૦૦૧થી થઈ ચુકી છે.

રશીયન સ્પેસ એજન્સી, તેનાં સોયુઝ યાન દ્વારા સ્પેસ ટુરીસ્ટને ISSનો રશીયન મોડયુલમાં રોકવાનો મોકો આપે છે. ૨૦૦૧ થી ૨૦૦૯ સુધી સાત લોકોએ આઠ જેટલી સ્પેસ ફ્લાઈટની મજા માણી છે. ISS ઉપરનાં માત્ર દસ દિવસના રોકાણ માટે પ્રથમ ત્રણ સ્પેસ ટુરીસ્ટે બે થી ચાર કરોડ અમેરિકન ડોલર ચુકવ્યા છે. ૨૦૦૯ પછી રશિયાએ પોતાનાં સ્પેસ ટુરીઝમને બ્રેક મારી છે ત્યારે જુન ૨૦૧૯માં નાસાએ 'સ્પેસ ટુરીઝમ'માં ઝંપાલવવા માટેનો બિઝનેસ પ્લાન રજૂ કર્યો છે.

નાસાનાં પ્લાન પ્રમાણે બે વ્યક્તિને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર મોકલવામાં આવશે. એક વ્યક્તિનો ૩૦ દિવસ/રાત્રી રોકાણનો ખર્ચ પાંચ કરોડ ડોલર થશે. નાસા તેનાં પોતાના ક્રુ માટે ફાળવવામાં આવતી રકમનાં ૫ ટકા હિસ્સો સ્પેસ ટુરીઝમ પાછળ ફાળવશે. જો ધંધો બરાબર જામશે તો રોબર્ટ બિગ્લો, ભવિષ્યમાં એક ખાસ મોડયુલ બાંધીને ઈન્ટનેશનલ સ્પેસ સ્ટેશન સાથે જોડવા માંગે છે. જેમાં 'સ્પેસ ટુરીસ્ટ' અંતરીક્ષમાં મનોરંજન માણશે. અલબત્ત આ બધા માટે અમીરોએ ખુબ જ મોટી રકમ ચુકવવી પડશે.

નાસાનાં બિઝનેસ પ્લાન પ્રમાણે, ૨૦૨૦માં થનારી કોમર્શીયલ સ્પેસ ટુરીસ્ટ ફ્લાઈટ માટે એક વ્યક્તિએ અંદાજે ૫ કરોડ ડોલર ચુકવા પડશે. જેમાં વિવિધ સેવાઓ સામેલ કરવામાં આવી હશે. લાઈફ સપોર્ટ સિસ્ટમ માટે દિવસના ૧૧.૨૫ હજાર ડોલર, હવા, પાણી અને ખોરાક સપ્લાય માટે એક દિવસના ૨૨.૫૦ હજાર ડોલર, માલસામાન માટે જગ્યા ફાળવવાનાં દરરોજનાં ૧૦૫ ડોલર, ઉર્જા અને પાવર વાપરવા માટે દરેક કિલો વૉટ અવર પ્રમાણે ૪૨ ડોલર અને એક જીબી ડેટા અપલોડ ડાઉનલોડ માટે ૫૦ ડોલર ચુકવવા પડશે. ટીકીટ ખર્ચની વિગત સાંભળીને નિરાશ ન થતાં. જીવતા હશો તો પાંચ દાયકા બાદ સસ્તા ભાવે સ્પેસની સફર થઈ શકશે.


રોબર્ટ બિગેલોવ: સ્વપ્ન સાકાર થશે?


રોબર્ટ બિગ્લોવ (બિગેલોવ) અમેરિકામાં હોટેલ બિઝનેસ ચલાવે છે. જેનું નામ છે: 'બજેટ સ્યુટ્સ ઓફ અમેરિકા' તેમણે ૧૯૯૯માં બિગેલોવ એરોસ્પેસ કંપનીની સ્થાપના પણ કરી હતી. તેનું બાળપણ નેવાડાનાં લાસ વેગાસમાં વિત્યું હતું. સાયન્સ સાથે તેનું કનેક્શન માત્ર એટલું જ હતું કે નેવાડાના રણમાં અમેરિકા એ સમયે વિવિધ પ્રકારનાં ન્યુક્લીઅર ટેસ્ટ કરી રહ્યું હતું.

બાર વર્ષની ઉંમરે જ સ્પેસમાં ભવિષ્ય બનાવવાની અને અબજોપતિ બનવાની એની ખ્વાહીશ હતી. સ્પેસ ટુરીઝમ એ તેનાં બાળપણનાં ખ્વાબ પુરા કરવાનું એક પગલું છે. પોતાનો સ્પેસ પ્રોગ્રામ માટે તેણે નિષ્ણાંતોની ટીમ એકઠી કરવા માંડી હતી. આ વાત તેણે કોઈને કહી ન હતી. તેની પત્નિને પણ નહી. ૧૯૯૫માં તેણે પેરાનોર્મલ ટોપીક્સ, યુફોલોજી વગેરેનું સંશોધન કરવા માટે નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ ડિસ્કવરી સાયન્સ શરૂ કર્યું હતું.

રોબર્ટ બિગેલોવ ભવિષ્યમાં નાસા સાથેના કરાર મુજબ કોમર્શીયલ સ્પેસ સ્ટેશન બાંધવા માંગે છે. જે માટે ૫૦ કરોડ ડોલર ખર્ચવાનો અંદાજ છે. બિગેલોવ એરોસ્પેસ અત્યાર સુધી જીનેસીસ-એક અને બે એમ બે મોડયુલ અંતરીક્ષમાં મોકલી રહ્યું છે. નાસાની જ જુની 'ટ્રાન્સ હેબ' નામની ઈન્ફ્લેટેબલ સ્પેસ સ્ટેશનની ડિઝાઈન ઉપરથી હવાથી ફુલાવીને રહેવા માટેનાં મોડયુલ બિગેલોવની કંપનીએ તૈયાર કર્યા હતા. નાસાએ બિગેલોવની કંપની તૈયાર કરેલ આવું જ 'બીમ' મોડયુલ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સાથે જોડાયું છે.

જ્યાં સોલીડ અને ટકાઉ બાંધકામ કરવું મુશ્કેલ પડે તેમ છે તેવા અંતરીક્ષ ક્ષેત્રમાં ઈન્ફ્લેટેબલ 'રહેઠાણ માટેનાં મોડયુલ' તૈયાર કરવા એ વિજ્ઞાાન ક્ષેત્રે નવતર પ્રયોગ છે. જે સફળ પણ રહ્યો છે. ભવિષ્યમાં બિગેલોવ મ્૩૩૦ નામનું ૩૩૦ ક્યુબીક મીટરની જગ્યા પુરી પાડે તેવું મોડયુલ લો અર્થ ઓરબીટમાં મુકવા માટે કટીબધ્ધ છે. જે હાલનાં ISSનાં ઘનફળ કરતાં ત્રીજા ભાગનું ઘનફળ ધરાવે છે. વ્યાપારી હેતુ માટે આટલી 'સ્પેસ' પર્યાપ્ત છે. જેફ બિઝોસની બ્લ્યુ ઓરીજીન, રિચાર્ડ બ્રાનસનની વર્જીન રોલેક્ટીક અને એલન મસ્કની સ્પેસ 'એક્સ' કરતાં અલગ દિશામાં રોબર્ટ બિગેલોવ કામ કરે છે.

ડ્રેગન અને ફાલ્કન: ઉડ્ડયન માટે તૈયાર


એલન મસ્કની સ્પેસ એક્સ કંપનીએ ગયા માર્ચ મહિનામાં કાર્ગો 'ડ્રેગન' સ્પેસ ક્રાફ્ટનું સફળ લોચિંગ કર્યું હતું. આ ઉપરાંત ક્રાફ્ટનું સ્પેસ સ્ટેશન સાથે સફળ જોડાણ પણ કર્યું હતું. મનુષ્યને લઈ જતાં ડ્રેગનનું ટેસ્ટીંગ મે મહિનામાં હતું. જેમાં કેટલીક સમસ્યાઓ નડી હતી. હવે જુલાઈ ૨૦૧૯માં અંતરીક્ષયાત્રીઓ સાથે 'ડ્રેગન'નું ઉડ્ડયન કરવાનું આયોજન છે. સ્પેસ એક્સની સફળતા, ભવિષ્યની 'સ્પેસ ટુરીઝમ'ને આકાર આપશે. રોબર્ટ બિગેલોવ તેનાં કસ્ટમરને અંતરિક્ષ સફર કરાવવા માટે અત્યાર સુધી બુકીંગ પેટે એડવાન્સ રકમ ઉઘરાવી ચુકી છે.

સ્પેસ ટુરીસ્ટને ખાસ ક્રુ મોડયુલમાં બેસાડી ISS સુધી પહોંચાડવાની જવાબદારી બિગેલોવ સ્પેસ ઓપરેશનની છે. સ્પેસ ટુરીસ્ટ માટે ક્રુ મોડયુલ અને રોકેટ મહત્ત્વની જરૂરિયાત છે. નાસા અને બિગેલોવ ક્રુ મોડયુલ માટે, બોઈંગના CST-૧૦૦ અને સ્પેસ એક્સનાં હેગન પર આધાર રાખી રહ્યાં છે. મોડયુલને અંતરીક્ષમાં ધકેલવા માટે રોકેટની જરૂર પડે. નાસા હવે રોકેટ માટે ખાનગી કંપની પર આધાર રાખી રહી છે. હાલનાં તબક્કે પાવરફુલ રોકેટ સ્પેસ એક્સનું 'ફાલ્કન હેવી' છે. ભવિષ્યમાં એમેઝોનનાં જેફ બિઝોસનાં સ્યુઝેબલ 'ન્યુ ગ્લેન રોકેટ' પણ તૈયાર થઈ જશે. પરંતુ એ ભવિષ્યની આશા છે. આ ઉપરાંત હાલ રશિયા પાસે શોયુઝ અને ચીન પાસે લોંગ માર્ચ તરીકે ઓળખાતા શેનઝોયું રોકેટ ઉપલબ્ધ છે.

નાસા અને રોબર્ટ બિગેલોવ, રશિયા અને ચીન પર આધાર રાખવા માંગતા નથી. બિગેલોવે નાસા સાથે કરાક કર્યા છે. તે 'બીમ' મોડ્યુલનાં વધારે એડવાન્સ મોડેલ જેવું એક્સપાન્ડેબલ બિગેલોવ એડવાન્સ સ્ટેશન એનહેન્સમેન્ટ (XBASE) ISS સાથે ૨૦૨૧માં જોડશે. જે સ્પેસ ટુરીઝમ અને ખાનગી કંપનીના રિસર્ચ કેન્દ્ર તરીકે કામ કરશે.

રોબર્ટ બેગેલોવ ઉપરાંત, ઓરાયન સ્પાન સ્ટેશન નામની કંપની 'ઓરાશ' નામની હોટેલને લક્ઝુરીયસ સ્પેસ હોટલ તરીકે અંતરીક્ષમાં મુકવા માંગે છે. જેમાં ૪ જેટલાં સ્પેસ ટુરીસ્ટ અને બે સહાયકો રહી શકે. કેલીફોર્નિયાની આ કંપની લોકો પાસેથી 'ઈક્વીટી' દ્વારા ભંડોળ એકઠું કર્યું હતું જે પુરતું નથી. જો કે ઓરાયન સ્પાને કોઈ નક્કર પ્લાન રજુ કર્યો નથી.

Monday 27 May 2019

આર્ટેમિસ: સાયન્સ ફિકશનથી હકીકત સુધી

Pub-Date :26.05.2019

એપોલો-11 મિશનની અનોખી ઉજવણી ''ગોલ્ડન જ્યુબીલી'' ટાઇમ...



નાસાએ ૧૯૬૯માં અમેરીકન નાગરીકને ચંદ્ર ઉપર ઉતારીને ઇતિહાસ રચ્યો હતો. આ ઇતિહાસમાં નિલ આર્મસ્ટ્રોંગ, એલ્ડરીન બજ અને માકિલ કોલીન્સ નામનાં ત્રણ અંતરીક્ષયાત્રી અમર થઇ ગયા. એપોલો-૧૧ મિશનમાં આ ત્રણ અંતરીક્ષયાત્રી ચંદ્ર પર માનવી ઉતારવાનાં મિશનમાં ગયા હતાં. ત્રણેય અંતરીક્ષયાત્રીને અલગ અલગ કામ આપવામાં આવ્યું હતું. નિલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પગલાં પાડનાર પ્રથમ માનવી તરીકે ઇતિહાસ રચ્યો. આ ઘટનાને પાંચ દશક વિતી ગયા છે.

નાસાએ ૧૯૬૯માં સરકારી સ્ત્રોત વાપરીને માનવીને ચંદ્ર ઉપર ઉતાર્યો હતો. હવે નાસા પ્રાઇવેટ કંપનીએ ડિઝાઇન કરેલ યાન અને ટેકનોલોજી વાપરીને ફરીવાર મનુષ્યને ચંદ્ર ઉપર ઉતારવા માંગે છે. આ ભવિષ્યનાં પ્લાનમાં શક્ય છે કે નાસા મહીલા અંતરીક્ષયાત્રીને પણ ચંદ્ર ઉપર ઉતારશે. ચંદ્ર પર ઉતરવા માટે તૈયાર કરવામાં આવનારાં સ્પેસ યાનની ડિઝાઇન કરવા માટે સાડા ચાર કરોડ ડોલરનું ઈનામ રાખ્યું છે. આ કાર્ય માટે નાસાએ છેવટે અગીયાર કંપનીને સ્પેસ પ્રોબ ડિઝાઇન કરવા માટે ફાઇનલ કરી છે. હવે 'આર્ટેમિસ' મિશન ૨૦૨૪માં માનવીને ચંદ્ર પર ઉતારશે.

આર્ટેમિસ: ફિકશન અને ફેક્ટ ફાઇલ...


૧૩ મે ૨૦૧૯નાં રોજ નાસાએ તેનાં નવાં મિશન એટલે કે ચંદ્ર પર માનવીને ફરીવાર ઉતારવાનાં કાર્યક્રમને ''પ્રોજેક્ટ આર્ટેમિસ'' નામ આપ્યું છે. ચંદ્રનાં સંદર્ભમાં આ નામ ખુબ જ ફિટ બેસે તેમ છે. અમેરિકાનાં પ્રથમ કાર્યક્રમને 'એપોલો' નામ આપવામાં આવ્યું હતું. એપોલો ગ્રીક દંતકથાનો દેવતા (ગોડ) છે. તેને બે જોડકી બહેનો છે. જેનું નામ 'આર્ટેમિસ' છે. ''આર્ટેમિસ'' ચંદ્રની દેવી માનવામાં આવે છે. નાસાનાં ભવિષ્યનાં મુન મિશન માટે આ નામ યોગ્ય જ છે. 'આર્ટેમિસ' એ શિકારની દેવી પણ ગણાય છે.

તેનો શિકારનો સાથીદાર ''ઓરાયન'' છે. નાસાનાં મુન મિશન 'આર્ટેમિસ' માટે અંતરીક્ષયાત્રીને લઇ જવા લાવવા માટે જે કેપ્સ્યુલ બનાવવામાં આવી રહી છે. તેનું નામ 'ઓરાયન' રાખવામાં આવેલ છે. આમ ચંદ્ર પર માનવીને ઉતારવા માટે એપોલો, આર્ટેમિસ અને ઓરાયન પોતાનું યોગદાન આપશે, આપી ચુક્યાં છે. મહત્વની વાત એ છે કે ''આર્ટેમિસ નામે એક સુંદર સાયન્સ ફિકશન ૨૦૧૭માં પ્રકાશીત થયેલ છે. યોગાનુયોગે આ વાર્તાનાં કેન્દ્રમાં ચંદ્ર પર માનવીએ સ્થાપેલી નાની કોલોની ઉર્ફે  ''મુન સીટી''ની વાત છે.

ચંદ્રની ખાસીયતો અને વિજ્ઞાાનની જાણકારી મેળવવા માટે ''આર્ટેમિસ'' ખુબ જ સુંદર સાયન્સ ફિકશન છે. આ કિતાબના લેખક છે ''એન્ડી વેઅર્સ''. જેની ''ધ માર્સીઅન'' નવલકથા ધુમ મચાવી ચુકી હતી. જેનાં ઉપરથી હોલીવુડની એજ નામે બ્લોક બસ્ટર ફિલ્મ પણ બનેલી છે. બે સાયન્સ ફિકશન આપીને એન્ડી વેઅર્સે સાયન્સ ફિકશન રાઇટીંગમાં અલગ મુકામ હાંસલ કર્યો છે. નાસા માટે મુન મિશન બાદનું ટાર્ગેટ મંગળ છે. એન્ડી વેઅર્સે મંગળ અને ચંદ્ર એમ બંનેને કેન્દ્રમાં રાખી બે અદભુત સાયન્સ ફિકશન આપ્યાં છે.

આર્ટેમિસની ઉડતી ઝલક મેળવીએ તો તેનાં કેન્દ્રમાં હિરોઇન જોઝ બસ્વરા છે. 'જોઝ' તેનું ટુંકું નામ છે. મુળ નામ જાસ્મીન છે. ચંદ્ર ઉપર તે ગરીબાઇમાં જીવી રહી છે. પૈસાની તંગી દૂર કરવા એ ખોટું કામ કરવા લલચાય છે. જેનાં કારણે ચંદ્ર ઉપર એક ક્રાઇમ કથાનો જન્મ થાય છે. તે કોફીન સાઇઝનાં એપાર્ટમેન્ટમાં રહે છે.

ચંદ્ર પર સ્થાપેલી 'સીટી' પર પોલીટીકલ કબજો જમાવવા માંગતાં ગુ્રપ સાથે તે સંડોવાય છે. તેનાં નોકરીદાતા બોસનું મર્ડર થઇ જાય છે. આમ... જુની ક્રાઇમ કથા અને વિજ્ઞાાનને અદભુત રીતે એન્ડી વેઅર્સે ગુંથી લીધા છે. પુસ્તક વાંચતાં હેનલેઇન સ્ટાઇલની SF વાંચતા હો તેવો અનુભવ થાય છે.

પ્લાનીંગ અને પૂર્વ ભુમિકા: માનવીને ચંદ્ર પર ફરીવાર ઉતારવા માટે નાસાએ 'આર્ટેમિસ' મિશનનું પ્લાનીંગ કર્યું છે. ૨૦૨૪માં નાસા અમેરીકન  ધ્વજને ફરીવાર ચંદ્ર ઉપર લહેરાવશે. આ કાર્યમાં સહયોગ આપવા માટે નાસાએ એક ડઝન જેટલી ંકંપનીઓને ફાયનલ લીસ્ટ 'આઉટ' કરી છે. જેમાં અડધો ડઝન કંપનીઓ આંતરરાષ્ટ્રીય ખ્યાતીપ્રાપ્ત કંપની છે, જે સ્પેસ એક્સપ્લોરેશન અને ટેકનોલોજી વિકાસમાં અગ્રેસર છે.

આગોતરા પ્લાનીંગ મુજબ, ચંદ્ર અને પૃથ્વી વચ્ચે 'ગેટવે' નામનું સ્પેસ સ્ટેશન બાંધશે. બેસ કેમ્પ જેવું આ સ્ટેશન મનુષ્યને ચંદ્ર પર લાવવા લઇ જવા માટેનું 'સ્પેસ પોર્ટ' બનશે. આવનારાં વર્ષોમાં સ્ટેશનનું બાંધકામ શરૂ થશે. આ 'ગેટવે' ચંદ્રની ભ્રમણ કક્ષામાં ફરતું રહેશે. નાસાએ જે કંપનીઓ પર પસંદગી ઉતારી છે તે કંપનીઓ 'આર્ટેમિસ' મિશનનાં ત્રણ મહત્વનાં 'કોસ્પોનેટ' ડિઝાઇન કરશે.

જેમાં 'ટ્રાન્સફર એલિમેન્ટ'નો પણ સમાવેશ થાય છે. આ ટ્રાન્સફર એલિમેન્ટ, ગેટવે અને લો-લ્યુનાર ઓરબીટ વચ્ચે અંતરીક્ષયાત્રીઓની અવરજવર માટે વપરાશે. ઉપરાંત એક મોડયુલનો ઉપયોગ લો લ્યુનાર ઓરબીટ પરથી અંતરીક્ષયાત્રીઓને ચંદ્ર પર ઉતારવા  માટે અને ચડવા માટે કરવામાં આવશે.

નાસા, કંપનીઓ માટે સાડા ચાર કરોડ ડોલર કરતાં વધારેનું પ્રાઇઝ મની રાખ્યું છે. ખાનગી કંપની મિશનનાં કુલ ખર્ચનો ૨૦ ટકા જેટલો હિસ્સો પૂરો પાડશે. જેના કારણે સરકારી તિજોરી ઉપર ઓછું ભારણ આપશે. નાસાએ પસંદગી કરેલ કંપનીમાં એરોજેટ રોકેટડાઇન, બ્લ્યુ ઓરીજીન, સ્પેસ એક્સ, બોઇંગ, ડાયનેટીક્સ, બોરકીડ માર્ટીન, માર્ટીન સ્પેસ સીસ્ટમ, નોરથ્રોમ ગુ્રમાન ઈનોવેશન સિસ્ટમ, આર્બીટ બિયોન્ડ, સિઆરા નેવાડા કોર્પોરેશન વગેરેનો સમાવેશ થાય છે.

માર્ચ મહીનામાં નાસાનાં એડમીનીસ્ટ્રેટર જીમ બ્રોડનસ્ટાઇને જાહેરાત કરી હતી કે માનવી પહેલાં ચંદ્ર ઉપર ઉતરશે. ત્યાર બાદ મંગળ ગ્રહ પર સવારી કરવાનું કામ મનુષ્ય કરશે. જે માટેનું ટાર્ગેટ ૨૦૨૮માં રાખ્યું છે. SLS અને ઓરાયન રોકેટનું ટેસ્ટીંગ ૨૦૨૦માં કરવામાં આવશે. વાઇસ પ્રેસીડેન્ટ માઇકપેન્સ જણાવે છે નાસા માનવીને ૨૦૨૪માં ચંદ્રમાં ઉતારશે. નવી 'ડેડલાઇન' ૨૦૨૮નાં  ટાર્ગેટથી 'ચાર વર્ષ' વહેલી છે.

ચલો એક બાર ફિર સે... ''મિશન મુન'' હો જાય...

અમેરીકન સરકાર દ્વારા નવું ટાર્ગેટ ૨૦૨૪ આપવામાં આવ્યું છે. જેને પુરૂ કરવા માટે ૧.૬૦ કરોડ ડોલરનું વધારાનાં ભંડોળની જરૂર પડશે. તારીખ નજીકની આપવામાં આવી છે. જેથી નાસા તેને ઝડપથી પહોંચી વળવાની કોશીશ કરે. ચંદ્ર પર માનવીને મોકલવા માટે પાવરફુલ રોકેટ એટલે કે સ્પેસ લોંચ સિસ્ટમ અને અંતરીક્ષયાત્રીને લઈ જનાર લ્યુતાર મોડપુલ કમ કોસ્યુલ 'ઓરાયન'નાં બાંધકામમાં વિલંબ થઈ રહ્યો છે.

આ ઉપરાંત 'આર્ટેમીશ' મિશન માટે વિશિષ્ટ પ્રકારનાં 'ગેટ વે' ઓરબીટીંગલ્યુનાર સ્ટેશનની રૂપરેખા પણ તૈયાર થઈ નથી. નાસા ઈચ્છે છે કે જે બે અંતરીક્ષયાત્રી ચંદ્ર પર હવે પગ મુકે તેમાં એક વ્યક્તિ ''મહીલા'' હોય તો ખૂબ સારૂ. ચંદ્ર પર પગ મૂકીને મહિલા અંતરીક્ષ યાત્રી કયો 'ઉદ્ગાર' કાઢશે ? લોકોને તેનો ઈંતેઝાર રહેશે.

અમેરિકન પ્રમુખે ૧.૬૦ કરોડ ડોલરનું ભંડોળ (વધારાનું) આપવાની જાહેરાત કરી છે પરંતુ 'આર્ટેમિસ' મિશનને હજી અમેરિકન 'કોંગ્રેસ' પાસેથી મંજુરી મેળવવાની બાકી છે. નાસાનાં એડમીનીસ્ટ્રેટર જીમ બ્રાઈડન સ્ટાઈન કહે છે કે ''૧.૬૦ કરોડ ડોલર એ 'આર્ટેમીસ' મિશન શરૂ કરવા માટેનું માત્ર ડાઉન પેમેન્ટ છે.'' તેમનાં મતે 'આર્ટેમિસ'ને સફળતા અપાવવા માટે હજી ઘણાં બધાં કામ કરવાનાં બાકી છે.

આર્ટેમિસ મિશનનું લેન્ડીંગ, ચંદ્રનાં દક્ષિણ ધુ્રવ પાસે કરાવવામાં આવશે. આ વખતે અંતરીક્ષયાત્રી ચંદ્ર પર પગલા પાડીને, રોક સેમ્પસ એકઠા કરીને કે ધ્વજ ફરકાવીને સંતોષ માનશે નહીં. અંતરીક્ષયાત્રી મંગળ ગ્રહ ઉપર જવા માટે મનુષ્યની ચંદ્ર પર લાંબો સમય હાજરી ટકી રહે તેવા પ્રયત્ન કરવામાં આવશે. નાસાની નવી સ્પેસ લોંચ સિસ્ટમ, અત્યાધુનિક રોકેટ સિસ્ટમ હશે. જે મનુષ્યને માત્ર ચંદ્ર ઉપર નહીં પરંતુ મંગળ ગ્રહ પર ઉતારવા માટે પણ વધારે સક્ષમ અને શક્તિશાળી હશે.

ચંદ્રની ફરતે પ્રદક્ષીણા કરે તેવું ઓરબીટીંગ સ્ટેશન બનાવવામાં આવશે. જે 'લ્યુનાર ગેટ વે' તરીકે ઓળખાશે. આ એક ટેકનોલોજીકલ અને સ્પેસ એક્સપ્લોટેશનનાં સંદર્ભમાં 'બોલ્ડ' નિર્ણય છે. જેનું કદ એક રૂમ રસોડા વાળા સ્ટુડીયો એપાર્ટમેન્ટ જેટલું હશે. જ્યારે પૃથ્વીની ફરતે પ્રદક્ષીણા કરનાર 'ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન' ૬ બેડરૂમનાં ફલેટ જેટલું વિશાળ છે.

લ્યુનાર ગેટ વે: અનોખો કોન્સેપ્ટ


''લ્યુનાર ગેટ વે'' એક મહત્વનું પગલું ગણાશે. સ્પેસ એક્સપ્લોટેશનનાં ઈતિહાસમાં, ચંદ્રની પ્રદક્ષીણા કરનારૂ વિશ્વનું પ્રથમ સ્પેસ સ્ટેશન બનશે.ISS કરતાં કદમાં નાનું હોવાથી અંતરીક્ષયાત્રી અહીં લાંબો પડાવ નાખી શકશે નહીં.ISS ઉપર અંતરીક્ષયાત્રી એક વર્ષ કરતાં વધારે સમય સુધી રહી શકે તેવી સ્ટેશનની ક્ષમતા છે.

'લ્યુનાર ગેટ વે' પર અંતરીક્ષયાત્રી મહત્તમ ત્રણ મહીના રોકાણ કરી શકશે. પૃથ્વી પરથી 'ગેટ વે' સુધી પહોંચતા પાંચ દિવસ લાગશે. 'ગેટ વે' પરથી ચંદ્રનો વધારે સારી રીતે અભ્યાસ કરી શકાશે. ઉપરાંત ચંદ્ર પર ઉતરાણ માટે વધારે સારી 'સરફેસ' સપાટી શોધી શકાશે. ઉપરાંત મંગળ ગ્રહની મુલાકાતે જનારા માટે 'ગેટ વે' પ્રથમ પડાવ બનશે.

મંગળ ગ્રહ માટેની સામગ્રી જેવી કે ઓક્સીજન, ફ્યુઅલ, ખોરાક અને સ્પેર પાર્ટસ વગેરે 'ગેટ વે' પરથી મેળવી શકાશે. ગેટવેમાં સ્પેસ લેબોરેટરી, રોબોટીક્સ અને આર્ટીફીશીઅલ ઈન્ટેલીજન્સ વાળી કોમ્પ્યુટર સિસ્ટમ પણ હશે. અંતરીક્ષ યાત્રીઓની ગેરહાજરીમાં તેમનાં પ્રયોગો 'છૈં આગળ વધારશે. નાસા માટે આ સુર્યગ્રહ માળાનાં 'એક્સપ્લોટેશન' માટેનું પ્રથમ ચરણ છે. ૈંજીજી માફક ભવિષ્યમાં તેની સાથે વધારાનાં મોડયુલ જોડવામાં આવશે.

ખાનગી કંપની પણ મંગળ ગ્રહ પર માનવીને ઉતારવા માટે થનગની રહી છે. તેમનાં માટે પણ 'લ્યુનાર ગેટ વે' મદદરૂપ બનશે. ૧૯૬૯માં ૫૦ દાયકા પહેલાં ગયેલા એપોલો-૧૧ કરતાં, ભવિષ્યનું 'આર્ટેમીસ' મિશન ટેકનોલોજીકલ વધારે એડવાન્સ હશે. છ દાયકાનાં સમયગાળામાં સ્પેસ ટેકનોલોજી, બાંધકામ, ઈલેક્ટ્રોનીક્સ, કોમ્પ્યુટર, રોબોટીક્સ અને મટીરીઅલ ડિઝાઈન ક્ષેત્રે 'સંપુર્ણ ક્રાંન્તિ' જેટલો વિકાસ થયો છે.

એપોલો-૧૧ ની સફળતા અને મનુષ્યનાં ચંદ્ર પર પાડેલા પગલાંની ગોલ્ડન જ્યુબીલી જુલાઈ મહીનામાં આવી રહી છે. આ ઘટનાનાં ૫૦ વર્ષ બાદ, નાસા ''આર્ટેમીસ'' દ્વારા નવતર શૈલી અને આધુનિક ટેકનોલોજી વાળુ 'મુન મિશન' પુરૂ કરવા માંગે છે. જેની સફળતા નાસા માટે 'મંગળ'નાં દ્વાર ખોલી આપશે.