Monday 17 June 2019

નાસા હવે સ્પેસ ટૂરિઝમનાં દ્વાર ખોલી રહી છે!

Pub. Date : 17-06-2019


અંતરીક્ષયાત્રીને 'સ્પેસ'માં જતાં જોઈને ઘણા અબજોપતિ લોકોને મનમાં થતું કે 'અંતરીક્ષમાં સફર કરવાનો અમારો વારો ક્યારે આવશે? મેરે પાસ ધન, દૌલત હૈ, બંગલા હૈ, ગાડી હૈ, મગર મે 'સ્પેસ'મેં ઘુમને ક્યોં નહી જા શકતા? આ કાલ્પનિક ચિત્ર કરોડપતિ લોકો સામે તાદ્દશ થતાં હશે જ. અંતરીક્ષ યાત્રા કરવા માંગતા અમીરો માટે નાસાએ જાહેરાત કરી છે. નાસા ૨૦૨૦થી પૈસાદાર એટલે ખર્ચ પેટે મોટી રકમ ચુકવી શકે તેવા લોકોને સ્પેસ સ્ટેશન ઉપર સ્પેસ ટુરિસ્ટ તરીકે મોકલવામાં આવશે.

સ્પેસ ટુરીઝમની વાત નીકળે એટલે હોટેલ બિઝનેસમાં નામ કમાનાર અબજોપતિ રોબર્ટ બિગ્લો યાદ આવે. રોબર્ટ બિગ્લોનું સ્વપ્ન છે કે એક 'સ્પેસ હોટેલ' બનાવવી અને અંતરીક્ષમાં 'સ્પેસ ટુરીઝમ'નો વિકાસ કરવો. સ્પેસ હોટેલ અને સ્પેસ ટુરીઝમનો પોતાના ધંધાની શરૂઆત રોબર્ટ બિગ્લો ૨૦૨૧થી કરવા માંગે છે. શક્ય છે કે નાસા રોબર્ટ બિગ્લો પહેલાં 'સ્પેસ ટુરીસ્ટ'ને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર મોકલશે. રોબર્ટ બિગ્લો પણ તેની સ્પેસ હોટેલનું એક મોડયૂલ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સાથે જોડવા માંગે છે. આખરે સ્વપ્ન સાકાર થશે?

નાસાનું સ્પેસ ટૂરિઝમ


નાસા અત્યાર સુધી જે સંશોધન કાર્યમાં જોતારાયેલી હતી. એ હવે થોડો સાઈડ બિઝનેસ કરી લેવા માંગે છે. સાત જુનનાં રોજ નાસાનાં અધિકારીએ એક કોન્ફરન્સમાં કોમર્સીયલ જાહેરાત કરી જે ''નાસા ૨૦૨૦થી દર વર્ષે બે જેટલાં ઈચ્છુક વ્યક્તિને 'સ્પેસ ટુરીસ્ટ' તરીકે અંતરીક્ષમાં મોકલશે. તવંગરો માટે કંઈક નવું સાહસ કરવા માટેનો આ અનોખો મોકો છે.

નાસા સ્પેસ ટુરીસ્ટને આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન (ISS) પર એક મહિનો રોકાવા માટે સુવિધા પુરી પાડશે. જે માટે એક-દીવસ/રાતનાં નિભાવ ખર્ચ પેટે સ્પેસ ટુરિસ્ટે અંદાજે ૩૫ હજાર ડોલર ચુકવવા પડશે. ભાડા/ખર્ચને સરેરાશ ભાવ સાંભળીને અમીરોની આંખમાં આનંદનાં આંસુ આવી જાય એવી નાસાની જાહેરાત છે. નાસાએ આ સાથે નવા બિઝનેસ મોડેલની પણ જાહેરાત કરી હતી.

નાસાનું સંભવિત 'સ્પેસ ટુરિસ્ટ' મિશન ૨૦૨૦માં શરૂ થશે. જે માટે નાસા બોઈંગ કંપની અને 'સ્પેસ એક્સ' કંપની ઉપર આધાર રાખી રહી છે. આ બંને કંપની સ્પેસ ટુરિસ્ટ માટે ખાસ પ્રકારનું 'મોડયુલ' તૈયાર કરી રહ્યા છે. જે સ્પેસ ટુરીસ્ટને રોકેટ પર સવાર કરીને ISS પર લઈ જશે. જો કે બંને કંપનીનાં આયોજનમાં થોડાં અવરોધો આવી રહ્યાં છે.

'ક્રુ મોડયુલ'નાં ટેસ્ટીંગમાં પણ સમસ્યાઓ પેદા થઈ રહી છે. કેટલાંક મહીનાઓથી બંને કંપની ટાર્ગેટને પહોંચી વળવા કમર કસી રહી છે. બોઈંગ કંપનીએ નાસાનાં વ્યાપારી પ્રોગ્રામ માટે ક્રુ સ્પેસ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ (CST) વિકસાવી રહી છે. જેનું નામ છે બોઈંગ  CST-૧૦૦ સ્ટાર લાઈનર. દેખાવમાં આ મોડયુલ એપોલો પ્રોગ્રામનાં કમાન્ડ મોડયુલને મળતું આવે છે અને કદમાં તેના કરતાં થોડુંક વિશાળ છે.

જેનો વ્યાસ ૧૫ ફૂટ જેટલો છે. સ્પેસ એક્સ પણ ડ્રેગન-૨ નામે અંતરીક્ષ યાત્રી અને માલસામાનની હેરફેર માટે ક્રુ કમ કાર્ગો વેહીકલ તૈયાર કરી રહ્યુ છે. સ્પેસ એક્સનું ડ્રેગન મોડયુલ 'ડ્રેગન રાઈડર' તરીકે ઓળખાય છે. નાસાએ સ્પેસ ટુરીસ્ટનાં બુકીંગ માટે રોબર્ટ બિગ્લોની ''બિગ્લો સ્પેસ ઓપરેશન'' કંપની સાથે ભાગીદારી કરી છે. કંપનીએ નાસાને ૧૬ સ્પેસ ટુરિસ્ટને ISS પર લઈ જવા જરૂરી ડિપોઝીટ પણ જમા કરાવી દીધી છે. આવતા વર્ષે સ્પેસ ટુરીસ્ટ 'સ્પેસ'ની મજા માણશે.

અંતરીક્ષ મુસાફરીનું આંકડા શાસ્ત્ર


મનોરંજન અને કંઈક નવું કરવાની દાનતથી અંતરીક્ષની મુસાફરી કરવાના 'ટ્રાવેલીંગ' શોખને સ્પેસ ટુરીઝમ નામ આપી શકાય. સ્પેસ ટુરીઝમમાં ચાર પ્રકારની યાત્રા થઈ શકે. ઓરબીટલ, સબ ઓરબીટલ, લ્યુનાર સ્પેસ ટ્રાવેલ અને માર્સ સ્પેસ ટ્રાવેલ. મંગળ સુધી હજી ટ્રેઈન્ડ અંતરીક્ષયાત્રી પહોંચી શકયા નથી એટલે માર્સ સ્પેસ ટુરીઝમ માટે એકાદ સદીની રાહ જોવી પડે તેમ છે. પરંતુ ઓરબીટલ અને સબ ઓરબીટલ સ્પેસ ટુરીઝમની શરૂઆત ૨૦૦૧થી થઈ ચુકી છે.

રશીયન સ્પેસ એજન્સી, તેનાં સોયુઝ યાન દ્વારા સ્પેસ ટુરીસ્ટને ISSનો રશીયન મોડયુલમાં રોકવાનો મોકો આપે છે. ૨૦૦૧ થી ૨૦૦૯ સુધી સાત લોકોએ આઠ જેટલી સ્પેસ ફ્લાઈટની મજા માણી છે. ISS ઉપરનાં માત્ર દસ દિવસના રોકાણ માટે પ્રથમ ત્રણ સ્પેસ ટુરીસ્ટે બે થી ચાર કરોડ અમેરિકન ડોલર ચુકવ્યા છે. ૨૦૦૯ પછી રશિયાએ પોતાનાં સ્પેસ ટુરીઝમને બ્રેક મારી છે ત્યારે જુન ૨૦૧૯માં નાસાએ 'સ્પેસ ટુરીઝમ'માં ઝંપાલવવા માટેનો બિઝનેસ પ્લાન રજૂ કર્યો છે.

નાસાનાં પ્લાન પ્રમાણે બે વ્યક્તિને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર મોકલવામાં આવશે. એક વ્યક્તિનો ૩૦ દિવસ/રાત્રી રોકાણનો ખર્ચ પાંચ કરોડ ડોલર થશે. નાસા તેનાં પોતાના ક્રુ માટે ફાળવવામાં આવતી રકમનાં ૫ ટકા હિસ્સો સ્પેસ ટુરીઝમ પાછળ ફાળવશે. જો ધંધો બરાબર જામશે તો રોબર્ટ બિગ્લો, ભવિષ્યમાં એક ખાસ મોડયુલ બાંધીને ઈન્ટનેશનલ સ્પેસ સ્ટેશન સાથે જોડવા માંગે છે. જેમાં 'સ્પેસ ટુરીસ્ટ' અંતરીક્ષમાં મનોરંજન માણશે. અલબત્ત આ બધા માટે અમીરોએ ખુબ જ મોટી રકમ ચુકવવી પડશે.

નાસાનાં બિઝનેસ પ્લાન પ્રમાણે, ૨૦૨૦માં થનારી કોમર્શીયલ સ્પેસ ટુરીસ્ટ ફ્લાઈટ માટે એક વ્યક્તિએ અંદાજે ૫ કરોડ ડોલર ચુકવા પડશે. જેમાં વિવિધ સેવાઓ સામેલ કરવામાં આવી હશે. લાઈફ સપોર્ટ સિસ્ટમ માટે દિવસના ૧૧.૨૫ હજાર ડોલર, હવા, પાણી અને ખોરાક સપ્લાય માટે એક દિવસના ૨૨.૫૦ હજાર ડોલર, માલસામાન માટે જગ્યા ફાળવવાનાં દરરોજનાં ૧૦૫ ડોલર, ઉર્જા અને પાવર વાપરવા માટે દરેક કિલો વૉટ અવર પ્રમાણે ૪૨ ડોલર અને એક જીબી ડેટા અપલોડ ડાઉનલોડ માટે ૫૦ ડોલર ચુકવવા પડશે. ટીકીટ ખર્ચની વિગત સાંભળીને નિરાશ ન થતાં. જીવતા હશો તો પાંચ દાયકા બાદ સસ્તા ભાવે સ્પેસની સફર થઈ શકશે.


રોબર્ટ બિગેલોવ: સ્વપ્ન સાકાર થશે?


રોબર્ટ બિગ્લોવ (બિગેલોવ) અમેરિકામાં હોટેલ બિઝનેસ ચલાવે છે. જેનું નામ છે: 'બજેટ સ્યુટ્સ ઓફ અમેરિકા' તેમણે ૧૯૯૯માં બિગેલોવ એરોસ્પેસ કંપનીની સ્થાપના પણ કરી હતી. તેનું બાળપણ નેવાડાનાં લાસ વેગાસમાં વિત્યું હતું. સાયન્સ સાથે તેનું કનેક્શન માત્ર એટલું જ હતું કે નેવાડાના રણમાં અમેરિકા એ સમયે વિવિધ પ્રકારનાં ન્યુક્લીઅર ટેસ્ટ કરી રહ્યું હતું.

બાર વર્ષની ઉંમરે જ સ્પેસમાં ભવિષ્ય બનાવવાની અને અબજોપતિ બનવાની એની ખ્વાહીશ હતી. સ્પેસ ટુરીઝમ એ તેનાં બાળપણનાં ખ્વાબ પુરા કરવાનું એક પગલું છે. પોતાનો સ્પેસ પ્રોગ્રામ માટે તેણે નિષ્ણાંતોની ટીમ એકઠી કરવા માંડી હતી. આ વાત તેણે કોઈને કહી ન હતી. તેની પત્નિને પણ નહી. ૧૯૯૫માં તેણે પેરાનોર્મલ ટોપીક્સ, યુફોલોજી વગેરેનું સંશોધન કરવા માટે નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ ડિસ્કવરી સાયન્સ શરૂ કર્યું હતું.

રોબર્ટ બિગેલોવ ભવિષ્યમાં નાસા સાથેના કરાર મુજબ કોમર્શીયલ સ્પેસ સ્ટેશન બાંધવા માંગે છે. જે માટે ૫૦ કરોડ ડોલર ખર્ચવાનો અંદાજ છે. બિગેલોવ એરોસ્પેસ અત્યાર સુધી જીનેસીસ-એક અને બે એમ બે મોડયુલ અંતરીક્ષમાં મોકલી રહ્યું છે. નાસાની જ જુની 'ટ્રાન્સ હેબ' નામની ઈન્ફ્લેટેબલ સ્પેસ સ્ટેશનની ડિઝાઈન ઉપરથી હવાથી ફુલાવીને રહેવા માટેનાં મોડયુલ બિગેલોવની કંપનીએ તૈયાર કર્યા હતા. નાસાએ બિગેલોવની કંપની તૈયાર કરેલ આવું જ 'બીમ' મોડયુલ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સાથે જોડાયું છે.

જ્યાં સોલીડ અને ટકાઉ બાંધકામ કરવું મુશ્કેલ પડે તેમ છે તેવા અંતરીક્ષ ક્ષેત્રમાં ઈન્ફ્લેટેબલ 'રહેઠાણ માટેનાં મોડયુલ' તૈયાર કરવા એ વિજ્ઞાાન ક્ષેત્રે નવતર પ્રયોગ છે. જે સફળ પણ રહ્યો છે. ભવિષ્યમાં બિગેલોવ મ્૩૩૦ નામનું ૩૩૦ ક્યુબીક મીટરની જગ્યા પુરી પાડે તેવું મોડયુલ લો અર્થ ઓરબીટમાં મુકવા માટે કટીબધ્ધ છે. જે હાલનાં ISSનાં ઘનફળ કરતાં ત્રીજા ભાગનું ઘનફળ ધરાવે છે. વ્યાપારી હેતુ માટે આટલી 'સ્પેસ' પર્યાપ્ત છે. જેફ બિઝોસની બ્લ્યુ ઓરીજીન, રિચાર્ડ બ્રાનસનની વર્જીન રોલેક્ટીક અને એલન મસ્કની સ્પેસ 'એક્સ' કરતાં અલગ દિશામાં રોબર્ટ બિગેલોવ કામ કરે છે.

ડ્રેગન અને ફાલ્કન: ઉડ્ડયન માટે તૈયાર


એલન મસ્કની સ્પેસ એક્સ કંપનીએ ગયા માર્ચ મહિનામાં કાર્ગો 'ડ્રેગન' સ્પેસ ક્રાફ્ટનું સફળ લોચિંગ કર્યું હતું. આ ઉપરાંત ક્રાફ્ટનું સ્પેસ સ્ટેશન સાથે સફળ જોડાણ પણ કર્યું હતું. મનુષ્યને લઈ જતાં ડ્રેગનનું ટેસ્ટીંગ મે મહિનામાં હતું. જેમાં કેટલીક સમસ્યાઓ નડી હતી. હવે જુલાઈ ૨૦૧૯માં અંતરીક્ષયાત્રીઓ સાથે 'ડ્રેગન'નું ઉડ્ડયન કરવાનું આયોજન છે. સ્પેસ એક્સની સફળતા, ભવિષ્યની 'સ્પેસ ટુરીઝમ'ને આકાર આપશે. રોબર્ટ બિગેલોવ તેનાં કસ્ટમરને અંતરિક્ષ સફર કરાવવા માટે અત્યાર સુધી બુકીંગ પેટે એડવાન્સ રકમ ઉઘરાવી ચુકી છે.

સ્પેસ ટુરીસ્ટને ખાસ ક્રુ મોડયુલમાં બેસાડી ISS સુધી પહોંચાડવાની જવાબદારી બિગેલોવ સ્પેસ ઓપરેશનની છે. સ્પેસ ટુરીસ્ટ માટે ક્રુ મોડયુલ અને રોકેટ મહત્ત્વની જરૂરિયાત છે. નાસા અને બિગેલોવ ક્રુ મોડયુલ માટે, બોઈંગના CST-૧૦૦ અને સ્પેસ એક્સનાં હેગન પર આધાર રાખી રહ્યાં છે. મોડયુલને અંતરીક્ષમાં ધકેલવા માટે રોકેટની જરૂર પડે. નાસા હવે રોકેટ માટે ખાનગી કંપની પર આધાર રાખી રહી છે. હાલનાં તબક્કે પાવરફુલ રોકેટ સ્પેસ એક્સનું 'ફાલ્કન હેવી' છે. ભવિષ્યમાં એમેઝોનનાં જેફ બિઝોસનાં સ્યુઝેબલ 'ન્યુ ગ્લેન રોકેટ' પણ તૈયાર થઈ જશે. પરંતુ એ ભવિષ્યની આશા છે. આ ઉપરાંત હાલ રશિયા પાસે શોયુઝ અને ચીન પાસે લોંગ માર્ચ તરીકે ઓળખાતા શેનઝોયું રોકેટ ઉપલબ્ધ છે.

નાસા અને રોબર્ટ બિગેલોવ, રશિયા અને ચીન પર આધાર રાખવા માંગતા નથી. બિગેલોવે નાસા સાથે કરાક કર્યા છે. તે 'બીમ' મોડ્યુલનાં વધારે એડવાન્સ મોડેલ જેવું એક્સપાન્ડેબલ બિગેલોવ એડવાન્સ સ્ટેશન એનહેન્સમેન્ટ (XBASE) ISS સાથે ૨૦૨૧માં જોડશે. જે સ્પેસ ટુરીઝમ અને ખાનગી કંપનીના રિસર્ચ કેન્દ્ર તરીકે કામ કરશે.

રોબર્ટ બેગેલોવ ઉપરાંત, ઓરાયન સ્પાન સ્ટેશન નામની કંપની 'ઓરાશ' નામની હોટેલને લક્ઝુરીયસ સ્પેસ હોટલ તરીકે અંતરીક્ષમાં મુકવા માંગે છે. જેમાં ૪ જેટલાં સ્પેસ ટુરીસ્ટ અને બે સહાયકો રહી શકે. કેલીફોર્નિયાની આ કંપની લોકો પાસેથી 'ઈક્વીટી' દ્વારા ભંડોળ એકઠું કર્યું હતું જે પુરતું નથી. જો કે ઓરાયન સ્પાને કોઈ નક્કર પ્લાન રજુ કર્યો નથી.

No comments: