Sunday 9 December 2012

''સુપર સિમેટ્રી''નાં દ્વાર ખૂલી રહ્યાં છે?

સર્ન લેબોરેટરીમાં હિગ્સ બોસોનની શોધ પછીની, ભૌતિકશાસ્ત્રની નવી સનસનીખેજ શોધ શું દર્શાવે છે?

ફ્‌યુચર સાયન્સ - કે.આર ચૌધરી


- ભૌતિકશાસ્ત્રીઓની રાત્રીની નિંદર હરામ કરતો એક સવાલ છે ''બ્રહ્માંડનાં સનાતન સત્ય જેવાં ચાર પાયાનાં બળો એટલે કે ફોર્સ, ગ્રેવીટી, વિજચુંબકીય બળ, સ્ટ્રોગ ફોર્સ અને વિક ફોર્સ,'' આ બધાનું મુલ્ય અલગ અલગ શા માટે છે?

 

થોડા સમય પહેલાં સર્ન લેબ દ્વારા ગોડ પાર્ટીકલ એટલે કે હિગ્સ બોસોનની શોધ થયાનાં સમાચાર મળ્યા હતાં. બસ! આ જ સર્ન લેબોરેટરી દ્વારા નવાં સમાચાર આવ્યા છે. આ શોધનાં સમાચારોને ૧૦૦ ટકા ટકોરાબંધ રીતે ચકાસી વૈજ્ઞાાનિકો 'ઓકે' 'ટેસ્ટેડ'નું પ્રમાણપત્ર આપી દે તો ભૌતિકશાસ્ત્રમાં એક નવો અધ્યાય શરૃ થશે. જેને વૈજ્ઞાાનિકો 'સુપર સીમેટ્રી' કહે છે.
સમાચારોની ભીતરમાં જઈએ તો, CERNનાં વૈજ્ઞાાનિકોએ લાર્જ હેડ્રોન કોલાઈડર તરીકે ઓળખાતા સંયંત્ર (LHC)માં Bs મેસોન પ્રકારનાં કણોને પોતાનું સ્વરૃપ બદલીને બે અન્ય સબ-એટમીક પાર્ટીકલ એટલે કે મ્યુઓન અને એન્ટી-મ્યુઓનમાં ફેરવાતાં નિહાળ્યાં છે. ભૌતિકશાસ્ત્રનાં 'સ્ટાન્ડર્ડ મોડેલ'માં આ પ્રકારની પૂર્વધારણા બહુ પહેલાં એટલે કે ૨૦મી સદીનાં પાછલાં ભાગમાં આપવામાં આવી હતી. એક પ્રકારનાં કણમાંથી વિભાજન કે પરીવર્તન થઈને અન્ય પ્રકારનાં કણોનાં સર્જનની ઘટનાને ભૌતિકશાસ્ત્રમાં ડિકે/decay/ક્ષીણ થવું, અવગતિ કે દુર્બળ બનવું કહે છે.
સરળ શબ્દોમાં કહીએ તો, સુપર સિમેટ્રી એ બળનાં વાહક કણ ફોર્સ કેરીઅર અને પદાર્થ કણ/ મેટર પાર્ટીકલ વચ્ચેનાં સંબંધો દર્શાવે છે. તેમનાં સંબંધોનાં કારણે એક નવી સંભાવના અસ્તીત્વમાં આવે છે. આ સંભાવના મુજબ દરેક ફોર્સ કેરિયર પાર્ટીકલનાં પડછાયા જેવો એક મોટો દળદાર મેટર પાર્ટીકલ હોય છે. અથવા આનાથી ઉલટું પણ કહી શકાય કે કુદરતમાં દરેક મુળભૂત પદાર્થ કણ ફંડામેન્ટલ મેટર પાર્ટીકલનાં પડછાયા રૃપે આવા કણ કરતાં વધારે 'દળદાર' 'ફોર્સ' પાર્ટીકલ હોય છે. આમ મેટર પાર્ટીકલ અને ફોર્સ કેરીયર વચ્ચેનાં અતુટ બંધનને સુપર સિમેટ્રી કહે છે. મેટર પાર્ટીકલ એટલે કે પ્રોટોન, ન્યુટ્રોન વગેરેને રચનાર સબએટમીક પાર્ટીકલ તરીકે 'ક્વાર્ક' શોધાયા છે. સુપર સીમેટ્રી મુજબ ક્વાર્કનાં શેડો (પડછાયા જેવાં) કણ પણ હોવા જોઈએ જેને વૈજ્ઞાાનિકોએ 'સ્કવાર્ક' નામ આપ્યું છે. આ પ્રકારનાં કણો હજી શોધાયા નથી પરંતુ સર્ન અને ફરમી લેબમાં તેમને શોધવા માટેનાં પ્રયોગો થઈ રહ્યાં છે.
તાજેતરમાં જાપાનનાં વૈજ્ઞાાનિકોએ 'સર્ન'માં કરેલ શોધનાં સમાચાર એ 'સુપર સિમેટ્રી'ની સંભાવનાને હકીકતમાં બદલી નાખે તેવાં પ્રારંભનાં પરિણામોની આગાહીને સાચી ઠેરવી રહ્યાં છે. ૨૦મી સદીમાં પ્રકૃત્તિ એટલે કે 'નેચર'ને સમજવા માટે 'ક્વોન્ટમ મિકેનિક્સ' અને 'સાપેક્ષવાદ'નો સમન્વય કરવામાં આવ્યો હતો. બંનેનાં લગ્ન સંબંધોનું મધુર પરીમાણ એટલે 'ક્વૉન્ટમ ફિલ્ડ થિયરી' જેમાં પદાર્થથી વિપરીત પરિણામોવાળાં 'એન્ટી-મેટર'ની સંભાવનાં વ્યક્ત થયેલ હતી. જેનાં પરિણામે 'એલીમેટ્રી' પાર્ટીકલ્સની સંખ્યા બમણી થઈ ગઈ. દરેક કણની ઉલટી ઝેરોક્ષ જેવાં એન્ટી-પાર્ટીકલની સંભાવના વ્યક્ત થઈ અને કેટલાંક પ્રકારનાં એન્ટી-પાર્ટીકલ પ્રયોગશાળામાં પકડી અથવા સર્જી પણ શકાય છે. એકવીસમી સદીમાં એક અન્ય લેવલ ઉપર નવી થિયરીનો સમન્વય કરવામાં આવી રહ્યો છે. જેમાં ક્વૉન્ટમ મિકેનિક્સ જનરલ રિલેટીવીટી/ સામાન્ય સાપેક્ષવાદ અને આઈનસ્ટાઈનની 'થિયરી ઓફ ગ્રેવીટી'નાં સિધ્ધાંતોને એકસુત્રમાં બાંધવાનાં પ્રયત્નો થશે. જેનાં પરિણામે એક પ્રકારની ગણીતિય અસંગતતા પેદા થઈ રહી છે. જેનાં નેગેટીવ પરીણામો સ્વરૃપે 'સુપર સિમેટ્રી'નાં બેઝીક નિયમોનો જન્મ થઈ રહ્યો છે. સુપર સિમેટ્રી એ ભૌતિક શાસ્ત્રનાં ત્રણ મુળભુત બળોનું સંયોજીત સ્વરૃપ જ છે. સ્ટ્રોંગ ફોર્સ, વિક ફોર્સ અને ઈલેક્ટ્રો-મેગ્નેટિક ફોર્સને એક સુત્રમાં બાંધીને તેમાં સંગતતા લાવતા જે પરીણામોની આગાહી વૈજ્ઞાાનિકો કરી શકે છે તે 'સુપર સિમેટ્રી' છે. સુપર સિમેટ્રીમાં દરેક કણનો એક સુપર હેવી પાર્ટનર છે. જેને વૈજ્ઞાાનિકો 'સુપર પાર્ટનર' તરીકે ઓળખે છે.
વૈજ્ઞાાનિકો માને છે કે જો 'એકવાર' 'સુપર સીમેટ્રી'ની થિયરીને પ્રયોગાત્મક સાબીતીઓ કે 'સબુત' મળી જાય તો, ભૌતિકશાસ્ત્રમાં ઘણી બધી સમસ્યાઓનો હલ આવી શકે તેમ છે. વાત અહીં પુરી થતી નથી. સુપર સિમેટ્રી પાર્ટીકલ ફિઝીક્સનાં ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ કરી, નવાં પ્રોબ્લેમ અને સમસ્યાઓ પણ ઉભી કરી શકે તેમ છે. લો... આ... રહ્યું... તેનું લીસ્ટ.
* શા માટે સામાન્ય કણ કરતાં તેનો સુપર પાર્ટનર ખુબજ 'ભારે' અને 'દળદાર' (ેમેસીવ) હોય છે? આ પ્રશ્ન જ સુપર ગણાતી સિમેટ્રીનો ભંગ કરે છે!
* સુપર પાર્ટનરનાં કારણે કણો ઉપર થઈ રહેલ અસર કે પ્રક્રિયા શા માટે નજરે પડતી નથી? તે ગોપીત શા માટે છે?
* પ્રયોગાત્મક રીતે સુપર પાર્ટનરની શોધ કઈ રીતે કરવી?
* બ્રહ્માંડ સર્જન અવસ્થા અને હાલનાં બ્રહ્માંડ ઉપર 'સુપર સિમેટ્રી'નો ભારેખમ પ્રભાવ કેવી રીતે પડે છે?
* શું ડાર્ક મેટર એ 'મેટર'નો હલકો સુપર સિમેટ્રીક પાર્ટનર છે? જો છે તો તેની સાબીતી કઈ રીતે મેળવવી?
આખરે સુપર સિમેટ્રી એ ક્યાં વૈજ્ઞાાનિકોનાં ફળદ્રુપ દિમાગની ઉપજ છે? ૧૯૬૬માં હિરોનારી મિયાઝાવા નામનાં ભૌતિકશાસ્ત્રીએ 'હેડ્રોન'ને લગતાં ભૌતિકશાસ્ત્રનાં 'મેસન' પ્રકારનાં કણો અને 'બેરિયોન' પ્રકારનાં કણોમાં જોવા મળતી સુપર-સિમેટ્રીનું આલેખન કર્યું હતું. તે સમયે તેમનાં સંશોધનની વધારે નોંધ લેવાઈ નહીં અને સમય જતાં સુપર સિમેટ્રી ભુલાઈ ગઈ. ૧૯૭૦નાં દાયકાની શરૃઆતમાં જે.એલ. ગર્વેઈસ, બી. સાકીટા, યુ.એ. ગોલ્ફેન્ડ, ઈ.પી. લિખ્તમાન, ડી.વી. વોલ્કોવ, વિ.પી. આકુલોવે સ્વતંત્ર સ્વરૃપે સુપર સિમેટ્રીને પુનઃજન્મ આપ્યો હતો. બુ્રનો ઝુમીનો અને જુલીયસ વેસેએ ૧૯૭૩માં ચાર પરિમાણવાળા સ્પેસ ટાઈમ મોડેલમાં 'સુપર સિમેટ્રી'નો આવિષ્કાર કર્યો. જે તે સમયનાં વૈજ્ઞાાનિકોની ગાણીતીય જીજ્ઞાાસાનો સંતોષ પૂર્તિનું કામ કરતી હતી. પ્રકૃતિને લગતી સુપર સિમેટ્રીને સમજવાનો ગંભીર પ્રયાસ લોરેન્સ હોલ, જો લાયકેન અને સ્ટીવન વેઈનબર્ગ દ્વારા કરવામાં આવ્યો. જેને સુપર સિમેટ્રીનો વિધીસર પાયો નાખ્યો તેમ કહી શકાય. માર્ક ગિલોર્ડે ગુરૃત્વાકર્ષણને લગતી, સુપર સિમેટ્રીક થિયરી ઓફ ગ્રેવીટીની થિયરી ઉપર ક્વૉન્ટમ ઈફેક્ટનો પધ્ધતિસરનો અભ્યાસ કરવાનું કામ સરળ કરી બતાવ્યું હતું. હિતોશી મુરાયામા, જીઆન જુઉડાઈસ અને અન્ય સાથીદારો સાથે તેમણે 'સુપર પાર્ટનર'નાં માસ/દળને લગતી સંભાવનાઓ રજુ કરી બતાવી હતી. છેલ્લી સદીમાં ભૌતિકશાસ્ત્રની સીમારેખાઓ જે રીતે વિસ્તરી છે તેને 'મેજીક ફીજીક્સ' કહી શકાય.
ઈલેક્ટ્રોનની શોધ પહેલાં એટલે કે ૧૮૯૭ પહેલાં, પરમાણુ એ વિવિધ વૈજ્ઞાાનિકોની એક ધારદાર સંકલ્પના જ હતી. સમય જતાં પરમાણુ પ્રોટોન, ન્યુટ્રોન અને ઈલેક્ટ્રોનનાં બનેલાં છે તેમ પ્રયોગાત્મક રીતે સાબીત થયું. પરમાણુ રચનાર એક કણ ન્યુટ્રોનનો મારો ચલાવીને પરમાણુ તોડવાની પ્રક્રિયા કરવામાં વૈજ્ઞાાનિકોએ સફળતા હાંસીલ કરી અને આઈનસ્ટાઈને આપેલ E=Mc2 ના સુત્રનાં પ્રાણઘાતક પરીણામો ''ન્યુકલીયર બોમ્બ''નાં પરીણામોએ બતાવી આપ્યાં. આજે પ્રયોગાત્મક ભૌતિકશાસ્ત્ર ઈલેકટ્રોનનાં શોધક જે જે થોમસનને લઈને, ગોડ પાર્ટીકલની થિયરી આપનાર પિટર હિગ્સને એક વિશાળ ફલક ઉપર લઈને ઉભા છે. તેમની વચ્ચેથી વહેતાં સમયનાં પ્રવાહે અવિરત ચડાવ ઉતાર જોયા છે. ભૌતિકશાસ્ત્રમાં વૈજ્ઞાાનિકો હજી કેટલું ઝીણુ કાંતી શકશે? એક સમય ેકહેવાતું હતું કે ભૌતિકશાસ્ત્રને લગતી પાયાની બધી જ શોધો થઈ ચુકી છે! હવે કાંઈ જ શોધવાનું બાકી નથી. છતાં છેલ્લાં દાયકાઓમાં ''કવાર્ક''ની શોધ થઈ અને છેલ્લાં કેટલાંક દિવસોમાં ''ગોડ પાર્ટીકલ'' એટલે કે ''હિગ્સ બોસોન''ની પણ શોધ થઈ છે! હવે કોનો વારો આવશે? ક્વાર્કનાં સુપર પાર્ટનર ''સ્કવાર્ક''નો?
૪ જુલાઈનાં રોજ હિગ્સ બોસોનની શોધનો શંખનાદ ગુંજી ઉઠયો હતો. જે ભૌતિકશાસ્ત્રનાં સ્ટાન્ડર્ડ મોડેલનો છેલ્લો મુખ્ય આધાર સ્થળ સાબીત થયો છે. વૈજ્ઞાાનિકોને લાગે કે હવે ભૌતિકશાસ્ત્રનું એક ચેપ્ટર ક્લોઝ થઈ ગયું છે. બ્રહ્માંડ કઈ રીતે કામ કરે છે તેનું આપણે હવે જ્ઞાાન મેળવી લીધું છે. પરંતુ ચિત્ર દેખાય છે તેટલું સંપુર્ણ નથી. સ્ટાન્ડર્ડ મોડેલનાં એક ભાગ સ્વરૃપે જ સુપર સિમેટ્રી એટલે કે ''સુસી'' વિકસી છે. એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીનાં લોરેન્સ ક્રાઉઝ કહે છે. ''હિગ્સ બોસોનનો 'માસ' કેટલો છે એ જાણવું રસપ્રદ બની રહ્યું છે.'' ગયા જાન્યુઆરીમાં લોરેન્સ ક્રાઉઝે, ભૌતિકશાસ્ત્રનાં તાણાવાણાં સમજાવતું પુસ્તક રજુ કર્યું હતું. યુનિવર્સ ફ્રોમ નથીંગ ઃ વ્હાય ધેર ઈઝ સમથીંગ રાધર ધેન નથીંગ.'' નામનાં પુસ્તકને વાંચવું એક લ્હાવો છે. જેમાં લોરેન્સ કહે છે કે ''જો બધું જ ખરેખર શોધાઈ ગયું હોય તો, દરેક વ્યક્તિ માટે તે ખરાબ (સમાચાર) છે. કારણ કે સ્ટાન્ડર્ડ મોડેલનાં જે જવાબવિહીન સવાલો છે તેનો ઉત્તર કોણ આપશે? આ સવાલોનાં પ્રત્યુત્તરમાં જ 'સુપર સિમેટ્રી'નો આવિર્ભાવ થયો છે! સ્ટાન્ડર્ડ મોડેલને સતાવતાં સવાલો ક્યાં છે?''
ભૌતિકશાસ્ત્રીઓની રાત્રીની નિંદર હરામ કરતો એક સવાલ છે ''બ્રહ્માંડનાં સનાતન સત્ય જેવાં ચાર પાયાનાં બળો એટલે કે ફોર્સ, ગ્રેવીટી, વિજચુંબકીય બળ, સ્ટ્રોગ ફોર્સ અને વિક ફોર્સ,'' આ બધાનું મુલ્ય અલગ અલગ શા માટે છે? તેમની અસરો જોવા મળે છે તે અંતરમાં અતિ સુક્ષ્મ પરમાણુ કક્ષાથી માંડીને પ્રકાશવર્ષ જેટલાં વિશાળકાય 'સ્કેલ'માં પણ ફરતું શા માટે છે?
અતિ સુક્ષ્મ અંતર એટલે કે ''પ્લાંન્ક લેન્થ'' (એક સેન્ટીમીટરને દસની પાછળ ૩૨ મીંડા મુક્યાં પછી જે સવાલ આવે તે ૧૦-૩૩ સે.મી.) અંતરે ગુરૃત્વાકર્ષણ અન્ય બળો સાથે સમરૃપતા શા માટે ધારણ કરી લે છે? બીજા અર્થમાં ગુરૃત્વાકર્ષણનો પ્રભાવ ઘટી કેમ જાય છે? એકની પાછળ પચીસ મીંડા લગાડીએ તેટલાં પ્રમાણમાં ''વિક ફોર્સ'' ગુરૃત્વાકર્ષણ બળ કરતાં વધારે શક્તિશાળી સાબીત થાય છે. પ્રકૃતિનો આવો મેજીકલ પ્રભાવ શા માટે? ગુરૃત્વાકર્ષણ અને 'વિકફોર્સ' વચ્ચેની સરખામણી અ... ધ... ધ... ધ... થઈ જવાય તેવી છે કારણ...
પરમાણુ રચનાર કણો પ્રોટોન, ન્યુટ્રોન ઈલેક્ટ્રોનથી પણ એક લેવલ નીચે એટલે કે સબ-એટમીક લેવલે જતાં, વરચ્યુઅલ ક્વોન્ટમ કણોની માયાજાળ શરૃ થાય છે. અહીં કણો કણ સ્વરૃપે કે તરંગ સ્વરૃપે વાઈબ્રેટ થતાં રહે છે. તે કહેવું મુશ્કેલ બની જાય છે. વિક ફોર્સની ઉર્જા, જોવા મળતી 'વેલ્યુ' કરતાં વધારે આગળ ધકેલાયેલી હોય છે. ''સુપર સિમેટ્રી'' પોતાનો રંગ અહીંથી બતાવવાનું ચાલુ કરે છે. તમે ગણતરી ચાલુ કરો, ઈલેકટ્રોન, ક્વાર્ક ન્યુટ્રીનો દરેકનો સુપર હેવી પાર્ટનરનું અસ્તિત્ત્વની સંભાવના ''સુપર સિમેટ્રી'' દર્શાવે છે!
સુપર સિમેટ્રી દરેક મેટર પાર્ટીકલ માટે વધારે 'દમ' ધરાવતાં સુપર પાર્ટનરની સંભાવના વ્યક્ત કરે છે. ઈલેક્ટ્રોનનો સુપર પાર્ટનર એટલે કે ''સિલેકટ્રોન.'' દરેક મેટર પાર્ટીકલ આગળ ''એસ'' (સુપર સિમેટ્રીનાં પ્રત્યયરૃપે) લગાડતાં તેનો નવો પાર્ટનર બને છે. જેમકે ક્વાર્ક તો સ્કવાર્ક, ન્યુટ્રીનોનો ''સ્ન્યુટ્રીનો''. જો બ્રહ્માંડમાં આવા સુપર પાર્ટનર હોય તો, વિક ફોર્સ જેવાં બળોમાં જે ક્વોન્ટમ લેવલે વિસંગતતા દેખાય છે તે 'કેન્સલ આઉટ' થઈ જાય. લોરેન્સ ફલાઉસ કહે છે. આ કારણે જ વૈજ્ઞાાનિકોને સુપર સિમેટ્રી નામ પ્રમાણે આકર્ષક લાગે છે. તે સ્કેલને એક બીજાથી અલગ પાડે છે. વિક ફોર્સ અને ગુરૃત્વાકર્ષણ બળ વચ્ચેનાં તફાવતને અંતરના 'સ્કેલ'માં સમજાવી શકે છે.
સુપર સિમેટ્રીની એક રસપ્રદ સંભાવનાં ''ડાર્ક મેટર''ને બ્રહ્માંડનાં પરિપ્રેક્ષ્યમાં એક ''આઈડિયલ'' એડવાન્ટેજ પુરો પાડે છે.
બ્રહ્માંડમાં મેટર પાર્ટીક્લનાં સુપર પાર્ટનર જેવાં કણોનું જો અસ્તિત્વ છે, તો પણ આપણે તેને શોધી શકતા નથી. કારણ કે... વિચિત્ર સુપર પાર્ટનર પ્રવાસનાં કણો સાથે આંતરપ્રક્રીયા કરતાં નથી. ડાર્ક મેટરની માફક તે પણ અદૃશ્ય છે. બીજા અર્થમાં કહી શકાય કે 'ડાર્ક મેટર'નાં કણો, સુપર સિમેટ્રીએ દર્શાવેલા સુપર પાર્ટનરની વ્યાખ્યામાં ફીટ બેસે છે.
પ્રયોગાત્મક પરીણામોનાં સહારે આ વાત સાબિત કરવી હાલનાં તબક્કે મુશ્કેલ છે. જીનીવા ખાતે આવેલ લાર્જ હેદ્રોન કોલાયડર હોય કે અમેરિકાનું કાઉન્ટરપાર્ટ જેવું 'ટેવાટ્રોન' પાર્ટીકલ એસોલરેટર હોય, અત્યાર તેઓ જે એનર્જી લેવલે કાર્યરત છે તે લેવલે 'સુપર પાર્ટનર' શોધવા મુશ્કેલ છે. આ ઉપકરણોને વધારે ઈલેક્ટ્રોન વોલ્ટ, હાયર એનર્જી લેવલે લઈ જઈ તે કણો વચ્ચે ટકરામણ સર્જીને નવાં 'સુપર પાર્ટનરો'ની શોધ થઈ શકે તેમ છે. આવનારાં વર્ષોમાં ગોડ પાર્ટીક્લ 'હિગ્સ બોઓન'નો સુપર પાર્ટનર વૈજ્ઞાાનિકો શોધી કાઢે તો નવાઈ લાગશે નહીં. પરંતુ 'સુપર સિમેટ્રી' ઉપરનો વૈજ્ઞાાનિકોનો વિશ્વાસ વધારે દૃઢ બનશે.
અંત ભાગમાં કંટાળેલો બીન-ભૌતિકશાસ્ત્રીય વાચક સવાલ કરી શકે કે 'સુપર સિમેટ્રી'ની જરૃર વૈજ્ઞાાનિકોને શા માટે છે? બ્રહ્માંડમાં અત્યારે જે છ પ્રકારનાં ક્વાર્ક, છ પ્રકારનાં લેપ્ટોન અને ચાર પ્રકારનાં બળો હાજર છે તેના ઉપરથી મેટર/પદાર્થનાં બંધારણ/સ્ટ્રક્ચર અને સ્થિરતા/સ્ટેબીલીટીને લગતાં ઘણા બધા સવાલોનાં જવાબ 'સ્ટાન્ડર્ડ મોડેલ' આપે છે. છતાં તે પાર્ટીક્લ ફીજીક્સની પરીભાષામાં વાત કરીએ તો 'સંપૂર્ણ' નથી. તેમાં પૂર્ણતાનો ભાવ જોવા મળતો નથી. જ્યાં વૈજ્ઞાાનિક થિયરી સામે એકાદ અપવાદરૃપ સવાલ પણ જો જવાબવિહીન હોય તો તેને 'સંપૂર્ણ' કહેવાય નહીં! સ્ટાન્ડર્ડ મોડેલને લગતાં તો સવાલ એક નહીં. અનેક છે. જોમ કે...

* શા માટે આપણે ફક્ત પદાર્થ/મેટરને જ જોઈ શકીએ છીએ. પ્રતિ પદાર્થ એટલે કે એન્ટી મેટરનું અસ્તિત્વ કેમ નથી?

* જો આપણે સુપર સિમેટ્રીને ધ્યાનમાં લઈએ તો, બ્રહ્માંડમાં મેટર/એન્ટી મેટર બંને સમપ્રમાણમાં હોવા જોઈએ. મજાની વાત એ છે કે જો બંનેનું પ્રમાણ સરખું હોય તો તેઓ ભેગા મળે ત્યારે બંને એકબીજામાં વિલીન થઈ જાય. મેટર કે એન્ટી મેટર કાંઈ જ બચે નહીં! બ્રહ્માંડમાં આપણું અસ્તીત્વ છે એટલે એન્ટી મેટર કેન્સલ.

* બ્રહ્માંડમાં 'ડાર્ક મેટર'ના કારણે તેની ગુરુત્વાકર્ષણ લક્ષી અસરો જોઈ શકાય છે. પરંતુ 'ડાર્ક મેટર'ને જોઈ શકાતી નથી. આ 'ડાર્ક મેટર' શું છે?

* સ્ટાન્ડર્ડ મોડેલમાં કણનાં દ્રવ્ય/દળ/માસની આગાહી શા માટે થઈ શકતી નથી.

* ક્વાર્ક અને લેપ્ટોન એ કણ રચનાર આદી-મૂળભૂતકણ છે કે તેઓ પણ તેમનાથી વધારે નાના-મુળભૂત કણોનાં બનેલાં છે?

* શા માટે ક્વાર્ક અને લેપ્ટોનની ત્રણ જનરેશન છે?

* સૌથી મહત્વનો સવાલ આ બધામાં 'ગુરુત્વાકર્ષણ' આકર્ષક રીતે કઈ રીતે ફીટ બેસી જાય છે?

વૈજ્ઞાનિકો આશા રાખી રહ્યાં છે કે આવનારાં વર્ષોમાં મેટર પાર્ટીકલનાં શેડો/પડછાયા જેવાં સુપર પાર્ટનર મળી આવવા જોઈએ. પરંતુ જો આપણને 'સુપર સિમેટ્રી'નાં પ્રયોગાત્મક પરીણામો ન મળે તો, પાર્ટીકલ ફીજીકસની બાઉન્ડરી કે સીમારેખા આવી જશે! લોરેન્સ ક્રાઉસ કહે છે 'વી ડોન્ટ નો' (અમે જાણતાં નથી.) કણ ભૌતિકમાં આવનારા વર્ષોમાં કેવાં પ્રકારનાં આવિષ્કાર થશે? ભૌતિકશાસ્ત્રીઓ આગાહી કરી શક્તા નથી. પરંતુ આશ્ચર્યજનક અવિષ્કારની રાહ જોઈ રહ્યાં છે. કણ ભૌતિકની સુપર સિમેટ્રી ડાર્ક મેટરમાં ખોવાઈ રહી છે!

 

No comments: