Sunday 9 December 2012

ઈબોલા ! પહલે ક્યું નહીં બોલા ?

વર્લ્ડના ડેડલી વાયરસની ભયાનક સ્ટોરી.

ફ્‌યુચર સાયન્સ - કે.આર ચૌધરી.

ઈબોલાનાં વાયરસ, ફલ્યુનાં વાયરસની સરખામણીમાં આપમેળે જીનેટીક ફેરફાર કરવાની બાબતે ૧૦૦ ગણા ધીમા છે છતાં, હિપેટાઈટીસ-બીની માફક રોગની ગંભીરતા સતત વધતી જાય છે.

 

જ્યારે કોઈ દેશના રાષ્ટ્રપ્રમુખ, રાષ્ટ્રીય ટેલીવીઝન ચેનલ ઉપર આવીને 'રોગ'ની ગંભીરતા સમજાવે ત્યારે માની લેવું જોઈએ કે વાત ખરેખર 'સીરીયસ' છે. આ વાત યુગાન્ડાને લાગુ પડે છે. યુગાન્ડાનાં રાષ્ટ્રપ્રમુખ યોવેરી મુસેવનીએ ''ઈબોલા''ની ભયાનકતા સમજાવવા માટે યુગાન્ડાની નેશનલ ચેનલ ઉપર હાજર થવું પડયું હતું. રાષ્ટ્રજોગ સંદેશમાં તેમણે કહ્યું કે ''ઈબોલાનો ચેપ હવે યુગાન્ડાની રાજધાની કંમ્પાલા સુધી પહોંચી ગયો છે. જેમને 'ઈબોલા'નાં લક્ષણો લાગતા હોય, જેવા કે તાવ, માથાનો દુખાવો, ઝાડા અને ઉલટી તેમણે અન્ય વ્યક્તિ સાથે શારીરિક સંબંધો બાંધવા જોઈએ નહીં. 'ઈબોલા'નો ફેલાવો થઈ રહ્યો છે ત્યાં સુધી સ્ત્રી-પુરૃષ વચ્ચેનાં શારીરિક સંબંધોથી દૂર રહેવામાં જ સલામતી છે. અન્ય વ્યક્તિ સાથે હસ્તધૂનન કરવાની પણ જરૃર નથી. હાથ મિલાવતી વખતે પરસેવાની મદદથી 'ઈબોલા'નો ચેપ લાગી શકે તેમ છે. જેને 'ઈબોલા'નાં કારણે મૃત્યુ થયું છે તેની અંતિમવિધીમાં પણ ભાગ લેવો જોઈએ નહીં. જાતિય સંબંધો દ્વારા (એઈડ્સની માફક જ) ઈબોલાનો ચેપ લાગી શકે છે.''
જ્યારે રાષ્ટ્રપ્રમુખ ઉપરનાં શબ્દો ઉચ્ચારે ત્યારે, શબ્દોની પાછળ રહેલી ભયાનકતા સમજવા જેવી ખરી. 'ઈબોલા'થી ડરવાની શું જરૃર છે? જેને ઈબોલા વાયરસનો ચેપ લાગ્યો હોય છે. તેવાં દસમાંથી નવ કિસ્સામાં દર્દીનું મૃત્યુ નિપજ્યું છે. માંડ બેત્રણ દિવસની બીમારીમાં દર્દીને ''રામ નામ સત્ય''નો અર્થ સમજાઈ જાય છે. 'ઈબોલા' વાયરસની કોઈ જ સારવાર વિશ્વમાં હાલના તબક્કે ઉપલબ્ધ નથી. રોગ લાગ્યા પછી દર્દીની સારવાર ઉપલબ્ધ નથી એટલું જ નહીં, સાવચેતીનાં પગલાંરૃપે, ઈબોલાનો ચેપ ન લાગે તેવી દવા કે 'વેક્સીન' પણ વૈજ્ઞાાનિકો વિકસાવી શક્યા નથી. 'ઈબોલા' વાયરસને વધારે ખતરનાક બનાવે તેવા માઠા સમાચાર તાજેતરમાં જ વૈજ્ઞાાનિકોએ આપીને, વિજ્ઞાાન જગતને આંચકો આપી દીધો છે. નવાં સંશોધન પ્રમાણે 'ઈબોલા'નો ચેપ, વ્યક્તિ વચ્ચેના શારીરિક સંપર્ક માત્રથી લાગતો નથી. હવા દ્વારા પણ આ ચેપનાં વાયરસ મર્યાદીત સમયમાં મર્યાદીત જગ્યાએ ફેલાઈ શકે છે. હવામાં રહેલાં વાયરસ શ્વાસમાં જઈને પોતાની કામગીરી શરૃ કરી દે છે.
કેનેડાનાં વૈજ્ઞાાનિકોએ પ્રયોગોમાં જોયું છે કે ચેપી ભુંડનાં સંપર્કમાં આવ્યા સિવાય પણ વાનરને 'ઈબોલા'નો ચેપ લાગ્યો હતો. જેનો સીધો મતલબ થાય કે 'ઈબોલા વાયરસ'નો ચેપ હવા દ્વારા પણ ફેલાઈ શકે છે. જો આવું થાય તો ઈબોલાની ભયાનકતામાં ખૂબ જ વધારો થયો ગણાય. 'ઈબોલા' વાયરસનાં કારણે જે રોગ ફેલાય છે તેને 'ઈબોલા વાયરસ ડિસીસ' (EVD) કહે છે. જેનાં કારણે તાવ આવે છે અને મનુષ્યનાં આંતરીક અંગો અને બાહ્ય અંગોની રક્તવાહીની ફાટી જતાં રક્તસ્ત્રાવ ''હેમરેજ'' થાય છે અને ચેપગ્રસ્ત વ્યક્તિ મૃત્યુ પામે છે. આ હેમરેજ કરતા તાવને મેડિકલ ભાષામાં ''ઈબોલા હેમરેજીક ફીવર'' (EHF) કહે છે.
ઈબોલા વાયરસની પાંચ અલગ અલગ જાતો વૈજ્ઞાાનિકોએ ઓળખી કાઢી છે. પાંચમાંથી ચાર વાયરસનો ચેપ અત્યંત ભયાનક અને પ્રાણઘાતક સાબીત થાય છે. ૧૯૭૬માં કોંગો રાષ્ટ્રની ''ઈબોલા'' નદીની આસપાસ આ પ્રાણઘાતક વાયરસે સૌ પ્રથમવાર દેખા દીધી હતી. આ કારણે આ વાયરસનું નામ, કોંગોની ''ઈબોલા'' નદીનાં નામ ઉપરથી રાખવામાં આવ્યું છે. ઈબોલાનાં વાયરસ, ફલ્યુનાં વાયરસની સરખામણીમાં આપમેળે જીનેટીક ફેરફાર કરવાની બાબતે ૧૦૦ ગણા ધીમા છે છતાં, હિપેટાઈટીસ-બીની માફક રોગની ગંભીરતા સતત વધતી જાય છે. ચાઈનીઝ ઉંદર જેવાં પ્રાણી હેમસ્ટરનાં અતિ પ્રાચીન 'ફોસીલ'માં ''ઈબોલા'' વાયરસને મળતાં આવે તેવાં વાયરસનાં અવશેષો મળ્યાં છે. 'ઈબોલા' વાયરસનાં કુળનાં અન્ય વાયરસનું અસ્તિત્વ પૃથ્વી ઉપર લાખો વર્ષો પહેલેથી જ છે. સુદાન, ઝૈરે (કોગોં), અમેરિકાનાં રેસ્ટોન, આફ્રીકાનાં થાઈ ફોરેસ્ટ, યુગાન્ડાનાં બુંદી બોગ્યો ડિસ્ટ્રીકટમાંથી વૈજ્ઞાાનિકોને પાંચ અલગ અલગ પ્રકારનાં 'ઈબોલા' વાયરસનાં નમૂનાઓ મળ્યાં છે.
એકવાર વાયરસનો ચેપ લાગ્યા બાદ તેનાં લક્ષણો ૧૩ થી ૨૫ દિવસની અંદર ગમે ત્યારે દેખા દે છે. શરૃઆતમાં શરદી જેવાં લક્ષણો અનુભવવા મળે છે. જેમાં ઠંડી લાગીને તાવ આવે છે. છાતીમાં દુઃખાવો થાય છે. ત્યાર બાદ પેટનો દુઃખાવો, ઝાડા અને ઉલ્ટી શરૃ થઈ જાય છે. શ્વસનતંત્રમાં ચેપ લાગતાં, ગળામાં બળતરાં, કફ અને શ્વાસમાં તકલીફ થાય છે. ચેતાતંત્રને અસર થતાં જ માથાનો દુઃખાવો ઉત્તેજના, થાક, હતાશા જેવા લક્ષણો જોવા મળે છે. કેટલીક વાર ખેંચ/આંચકી આવે છે અને ચેપગ્રસ્ત વ્યક્તિ કોમામાં પણ સરી જાય છે.
એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં આ વાયરસ શરીરનાં પ્રવાહો (બોડી ફ્લુઈડ) મારફતે ફેલાય છે. ઝાડા, ઉલટી, લોહી નીકળવું એ બધા જ પ્રવાહીથી 'ઈબોલા'નો ચેપ લાગી શકે છે. તાજેતરમાં યુગાન્ડામાં ફેલાયેલ 'ઈબોલા'નાં ચેપગ્રસ્ત ૨૦ વ્યક્તિમાંથી ૧૪ વ્યક્તિનાં મોત થયા છે. ૧૯૭૬થી અત્યાર સુધી જ્યાં પણ આ રોગ ફેલાયો છે ત્યાં મૃત્યુ દર ૫૦ થી ૯૦ ટકા જેટલો રહ્યો છે. આ વાયરસનો ચેપ સ્તન્યધારી સજીવોને પણ થાય છે. ચિમ્પાન્ઝી, ભુંડ, વાનર વગેરેને પણ આ વાયરસનો ચેપ લાગે છે. 'ફ્રુટ બેટ' એટલે કે ફળ ઉપર નભનારાં ચામાચીડીયાને 'ઈબોલા' વાયરસનાં કુદરતી વાહક તરીકે જોવામાં આવે છે. સામાન્ય રીતે આફ્રીકા ખંડનાં દેશોમાં ''ઈબોલા'' વાયરસનાં ચેપથી વધારે તબાહી અત્યાર સુધી જોવા મળી છે.
જોકે 'ઈબોલા'નો ચેપ લાગવાની ઘટના જ્વલ્લે જ બને છે છતાં, તેના પ્રત્યે દુર્લક્ષ સેવી શકાય નહીં. ઈબોલાનો ચેપ દેખા દીધાનાં ૬-૯ દિવસ બાદ 'શોક સિન્ડ્રોમ'નાં કારણે રોગીનું મૃત્યુ થાય છે. રુધીરાભિસરણ તંત્રને યોગ્ય રીતે નિયંત્રીત ન કરી શકવાથી આ 'શોક' પેદા થાય છે. ચેતાતંત્રને ચેપ લાગવાથી, એક પ્રકારની બધીરતા પેદા થાય છે. રોગ પ્રતિકારકતાને સચેત અને કાર્યશીલ રાખવા માટે ચેતાતંત્રનો 'ક્વીક રિસ્પોન્સ' મળવો જરૃરી છે પરંતુ ઈબોલાનાં ચેપનાં કારણે ચેતાતંત્ર ખોરવાયેલ હોવાથી, યોગ્ય રોગપ્રતિકારક ક્ષમતા શરીર દાખવી શકતું નથી. ઈબોલાને પેથોજેન એટલે કે રોગ પેદા કરતાં રોગાણું પ્રમાણે લેવલ-૪માં કલાસીફીકેશન કરવામાં આવ્યું છે. લેવલ પછીનો આંક જેટલો વધારે તેટલો વધારે જીવલેણ વાયરસ કે પેથોજેન ગણાય. સરખામણી કરવી હોય તો, એઈડ્સનાં પેથોજેન HIVને લેવલ-૨ પેથોજેન ગણવામાં આવે છે. એક વિજ્ઞાાન લેખકે તો આ વાયરસને ''મોલેક્યુલર શાર્ક'' તરીકે ઓળખાવ્યા હતાં.
૧૯૬૭માં જર્મની અને યુગોસ્વાવીયાની રિસર્ચ લેબોરેટરીમાં કામ કરનારા લોકોને એક નવા વાયરસનો ચેપ લાગ્યો હતો. ૧૩માંથી સાત વ્યક્તિનાં તે સમયે મૃત્યુ થયા હતાં. માઈક્રોસ્કોપ નીચે વૈજ્ઞાાનિકોએ આ વાયરસને જોતા તેમનો આકાર છેડે ગોળ ગાંઠ વાળેલાં દોરડા જેવો દેખાયો હતો. જે પહેલાં ક્યારેય દેખાયો ન હતો. જેને વૈજ્ઞાાનિકોએ 'મારબર્ગ' વાયરસ નામ આપ્યું હતું. ''ઈબોલા'' આ મારબર્ગ વાયરસ કુળનું ફરંજંદ છે. વૈજ્ઞાાનિકોએ નિહાળ્યું છે કે બંને વાયરસ વચ્ચે સમાનતા છે પરંતુ બંને એક નથી. સંશોધકોને હજી પણ આશ્ચર્ય થાય છે કે કેટલાંક લોકો આ વાયરસનો ચેપ લાગવા છતાં, તેમની સામે મોતનો જંગ ખેલીને પણ જીવી જાય છે અને હેમખેમ બચી જાય છે. ચેપ લાગ્યા પછી ઘણીવાર રોગી એટલી ઝડપે મૃત્યુ પામે છે કે ટુંકાગાળામાં આ રોગી વધારે વ્યક્તિને ચેપ ભેટ આપી શકતો નથી. આ વાતે થોડી રાહત થાય ખરી. આંકડાઓનો સાથ લઈને વાત કરીએ તો, વિશ્વમાં અત્યાર સુધી ૧૮૫૦ લોકોને ઈબોલાનો ચેપ લાગ્યો છે જેમાંના બે તૃતિયાંશ લોકોનાં મોત નિપજ્યાં છે.
નવાં સંશોધનની વાત કરીએ તો, યુનિવર્સિટી ઓફ માનીતોબાનાં સંશોધન કેન્દ્રમાં વૈજ્ઞાાનિકોએ જાણીબુઝીને છ ભુંડનાં બચ્ચાંને 'ઈબોલા' વાયરસનો ચેપ લગાડીને તેમને પાંજરાઓમાં મુક્યા હતાં. જ્યાં નજીકમાં જ વાયરનાં પાંજરાઓમાં મકાઉ વાનરોને રાખવામાં આવ્યા હતાં. આઠ દીવસનાં સમયગાળામાં પિંજરામાં રાખેલ ચારેય વાનરો ભુંડનાં બચ્ચાનાં સંપર્કમાં આવ્યા ન હતાં છતાં ચેપ લાગ્યો હતો. કેનેડાનાં ડૉ. ગેરી કોબીન્જરે બીબીસીને જણાવ્યું હતું કે 'તેમને શંકા છે કે ભુંડનાં બચ્ચાનાં શ્વાસોશ્વાસમાંથી નિકળેલ ભેજવાળા કણો હવામાં ભળ્યા બાદ, આ હવા વાનરોનાં ફેફસામાં જતાં આ પ્રકારનો ચેપ લાગવાની સંભાવના રહેલી છે. ભેજવાળા આવા ડ્રોપલેટ હવામાં વધારે સમય ટકી રહેતા નથી. પરંતુ આ ટુંકા સમયગાળામાં શ્વાસનળીમાં પ્રવેશે તો, 'ઈબોલા'નો ચેપ લાગી શકે છે. વૈજ્ઞાાનિકો માને છે કે આ ક્ષેત્રમાં વધારે સંશોધન કરવાની જરૃર છે. મકાઉ વાનર મનુષ્યનો નજીકનો 'જીનેટીક' સગો છે. મકાઉની માફક જ મનુષ્યને પણ 'ઈબોલા' ગ્રસ્ત 'ચેપી'નાં સીધા સંપર્કમાં આવ્યા સિવાય પણ ચેપ લાગી શકે છે. ફ્રુટ બેટ, ચિમ્પાન્ઝી, ગોરીલા વાનર, જંગલી હરણ, શાહુડી, ભુંડ અને પ્રયોગશાળાનાં પ્રાણીઓ વડે મનુષ્યને ચેપ લાગવાની સંભાવનાઓ પણ રહેલી છે. વૈજ્ઞાાનિકો માને છે કે આ જંગલી પ્રાણી કરતાં પાલતુ ભૂંડ દ્વારા ઈબોલાનો ચેપ લાગવાની સંભાવના સૌથી વધારે રહેલી છે.'
ડૉ. ગેરી કોબીન્જર ઈબોલા ઉપર વધારે પ્રકાશ ફેકતાં કહે છે કે ''શરદી અને અન્ય રોગનો ચેપ હવા દ્વારા લાગે છે તેનાં ઈન્ફેકશન પ્રક્રિયા અને 'ઈબોલા'ની 'એર બોર્ન' ઈન્ફેકશન પ્રક્રિયા અલગ પ્રકારની છે. અમેરિકાનાં ફિલડિલ્ફીયાનાં કેટલાંક ખેડુતો જેઓ ભુંડનો ઉછેર કરે છે તેમનાં શરીરમાં 'ઈબોલા રેસ્ટોન' વાયરસનો સામનો કરે તેવાં 'એન્ટીબોડીઝ' જોવા મળ્યાં છે. તેઓ આ ભુંડની કતલ કરતાં નથી. આ કારણે તેઓ ભુંડનાં શરીરનાં પ્રવાહીનાં નજીકનાં સંપર્કમાં આવતાં નથી. આ ખેડૂતોનાં શરીરમાં ચેપગ્રસ્ત પેશીઓ/કોશીકાઓ જોવા મળી નથી. જો ઈન્ફલ્યુએન્ઝા માફક 'ઈબોલા'નો પ્રસાર થતો હોત તો કદાચ આખા વિશ્વમાં 'ઈબોલા'નો તરખાટ મચી ગયો હોત.''
યુગાન્ડામાં ઈબોલાનો ચેપ મનુષ્યને લાગે તે પહેલાં, ઘણા ભુંડનાં મોત થયેલ જોવા મળ્યા હતાં. આ સંદર્ભે પણ પાલતું અને જંગલી ભુંડ અને મનુષ્યનાં સંપર્ક વિશે વધારે સંશોધનની જરૃર છે. મેપ બાયોફાર્માસ્યુટીકલ્સનાં ડૉ. લેરી ઝેટલીન કહે છે કે ''હવાનાં સંસર્ગનાં કારણે 'ઈબોલા'નો ચેપ ફેલાય તે મનુષ્ય માટે ખતરાની નિશાની છે.'' ચેપ ક્યાંથી આવે છે એ વાત કરતાં 'ચેપ' મનુષ્યનાં જાહેર સ્વાસ્થ્ય માટે મોટો ખતરો છે એ વાત વધારે મહત્ત્વની છે.
''ઈબોલા'' સંદર્ભમાં કેટલીક વાત ખાસ ધ્યાનમાં લેવા જેવી છે જેમ કે...
* ઈબોલા પ્રાણઘાતક વાયરસ છે, જેની સારવાર ઉપલબ્ધ નથી.
* ચેપી પ્રાણીનાં લોહી, સ્ત્રાવ, અંગો કે અન્ય શારીરિક પ્રવાહીનાં સંપર્કમાં આવવાથી મનુષ્યને ઈબોલાનો ચેપ લાગી શકે છે.
* આફ્રીકાનાં જંગલોમાં ચેપી કે મૃત્યુ પામેલ ચિમ્પાન્ઝી, ગોરીલા ફ્રુટબેટ, વાનર, હરણ, શાહુડી વગેરેને મનુષ્યએ નિકાલ કરતાં તેમને ચેપ લાગ્યાનાં દસ્તાવેજી પુરાવાઓ છે.
* ચેપગ્રસ્ત રોગી ઘરે પાછો ફરે છે ત્યારે સમુદાયનાં અન્ય લોકોને પણ ચેપ લાગે છે.
* સ્વાસ્થ્ય કે ચિકિત્સા કર્મચારીઓને પણ ચેપ લાગી શકે છે. તેમણે સારવાર દરમ્યાન હાથમોજા, ચહેરા પર માસ્ક, ગોગલ્સ વગેરે પહેરવા જરૃરી બની જાય છે.
* અચાનક તાવ આવવો, સખત નબળાઈ આવવી, સ્નાયુઓમાં દુઃખાવો, માથાનો દુઃખાવો અને ગળામાં બળતરા કે સોજો આવવો એ 'ઈબોલા'નો ચેપ લાગવાનાં લક્ષણો છે.
* શરૃઆતનાં ચેપ બાદ, ઉલટી, ઉબકા, ચામડી પર ચકામા પડવા, કીડની અને લીવર નિષ્ફળ જવા, આંતરીક અને બાહ્ય ભાગોમાંથી રક્ત સ્ત્રાવનાં લક્ષણો જોવા મળે છે.
* ''ઈબોલા''ની કોઈ સારવાર નથી છતાં, દર્દીને લાઈફ સપોર્ટીંગ સીસ્ટમનો ઉપયોગ કરીને સઘન સારવાર આપવી જરૃરી બની જાય છે.
* ''ઈબોલા'' સામે રક્ષણ આપે તેવી રસી વિકસાવવાનો પ્રયત્ન વિશ્વનાં ઘણા વૈજ્ઞાાનિકો કરી રહ્યાં છે. હાવર્ડ હ્યુજીસ મેડિકલ ઈન્સ્ટીટયુટનાં વૈજ્ઞાાનિકોએ લેબોરેટરી એનીમલ્સ માટે પ્રાયોગીક ધોરણની વેકસીન વિકસાવી છે.
કેનેડાનાં ડૉ. ગેરી કોબીન્જર અને તેમની ટીમ 'ઈબોલા'ની રસી વિકસાવવાનાં કામમાં લાગેલી છે. 'ઈબોલા' ચેપગ્રસ્ત વાનરનાં શરીરમાં 'ઈબોલા'નો સામનો કરવા માટેનાં એન્ટીબોડીઝ પેદા થયેલ ડૉ. ગેરી કોબીન્જરે નિહાળ્યા છે. જેનાં અભ્યાસ ઉપરથી વૈજ્ઞાાનિકો જાણી શકશે કે આવા એન્ટી-બોડીઝ/રોગપ્રતિરક્ષા દ્રવ્ય 'ઈબોલા' સામે કેટલાં કામીયાબ નિકળ્યાં છે. એન્ટીબોડીઝ એવા પ્રકારનાં પ્રોટીન છે જે 'રોગાણુઓ'/પેથોજેનની હાજરી પારખીને તેને નિષ્ક્રીય બનાવવા માટે મનુષ્યની રોગપ્રતિરક્ષા પ્રણાલી પેદા કરે છે. દરેક રોગાણુ પાસે તેમનાં સીગ્નેચર જેવાં એન્ટીજેનનાં ઓળખચિન્હોનો એક આખો સેટ હોય છે. એન્ટીજેનની હાજરીથી ઉત્તેજીત થયેલ મનુષ્યની રોગ પ્રતિરક્ષા પ્રણાલી ખાસ પ્રકારનાં એન્ટીબોડીઝ પેદા કરી રોગાણુઓનો નાશ કરે છે અથવા તેને નિષ્ક્રીય બનાવી નાખે છે. 'સાયન્સ' જર્નલમાં રજુ થયેલ સંશોધન પત્ર બતાવે છે કે ઝૈર ઈબોલા વાયરસનું એન્ટી બોડી રોગ સામે ૯૯ ટકા સુરક્ષા આપે તેમ છે. ખેર! ત્રાસવાદ માટે બાયો-ટેરરીઝમમાં એક પાવરફુલ શસ્ત્ર તરીકે વાયરસનો ઉપયોગ થઈ શકે છે. 'ઈબોલા' બાયો-ટેરરીઝમનું પ્યાદું ન બને તેમાં જ વિશ્વની ભલાઈ છે.

 

No comments: