Sunday 9 December 2012

ચુંબકીય સંવેદન:

મનુષ્યની 'મેગ્નેટીક સેન્સ'નો વિકાસ શક્ય છે?

ફ્‌યુચર સાયન્સ - કે.આર ચૌધરી.

માત્ર પાંચેક વર્ષ પહેલાંની વાત છે. સાબીન બેગલ, ઈન્ટરનેટ ઉપરથી ચરતાં ઢોરની તસ્વીરો શોધી રહી હતી. ગુગલ અર્થની મદદથી તેણે ઘણી બધી તસ્વીરો ડાઉનલોડ કરી અને આસાનીથી ઓળખી શકાય તે માટે ઈમેજને વિવિધ 'ટેગ' આપવા બેઠી. બધી તસ્વીરોનું ટેપીંગ થઈ ગયા પછી 'સાબીન'નું કાર્યરત દિમાગ બેચાર સેકન્ડ પુરતું, આરામદાયક સ્થિતિમાં આવ્યું અને તેનાં દિમાગમાં એક વિજળીનો ઝબકારો થયો. તેણે જોયું કે તસ્વીરમાં ચરતાં ઢોરો, તેમનાં શરીરની સીધી રેખાને ઉત્તર-દક્ષિણ ધુ્રવ તરફ રાખીને ચરતાં હતા. આ ઉત્તર-દક્ષિણ દિશા ભૌગોલીક નોર્થ-સાઉથ નહીં પરંતુ મેગ્નેટીક એટલે કે ચુંબકીય ઉત્તર-દક્ષિણ ધુ્રવ તરફની દિશા દર્શાવતા હતાં. હવે બીજુ આશ્ચર્ય નિરખવાનો વારો નોર્થ કેરોલીના કેનેથ લોહમાન નામનાં જીવશાસ્ત્રીનો હતો.
ફલોરિડાનાં પૂર્વિય સમુદ્ર કિનારે, જમીનમાં દાટેલ ઈંડામાંથી જન્મ લેતાં કાચબાનાં બચ્ચા, કોચલું તોડીને સીધા દરિયામાં ઝંપલાવતા હતાં. લોગરહેડ ટર્ટલ નામનાં કાચબાઓનાં બચ્ચાનું કદ માત્ર બે ઈંચ એટલે કે પાંચ સેન્ટીમીટર જેટલું જ હતું. દરિયામાં ઝપલાવ્યા પછી તેઓ અખાતી પ્રવાહ એટલે કે ગલ્ફ સ્ટ્રીમ તરફ ભાગતાં હતાં. અહીંથી ઉત્તરીય આંટલાન્ટન્ટીક ઘૂમરીઓમાં (સર્ક્યુલર કરન્ટ) ઘૂસીને ઘડિયાળના કાંટાની દિશામાં સારગોસા સમુદ્રમાં પહોંચતાં હતાં. કેનેરી ગુફાઓ, કેપવર્ડી ટાપુઓ વગેરે પસાર કરી એક પૂરું ચક્કર મારીને ફરી પાછા તેમનાં જન્મ સ્થળ એવાં ઉત્તરીય અમેરિકાનાં સાગરકાંઠે આવી પહોંચતા હતાં. પ્રકૃત્તિ સામે તુચ્છ ગણાય તેવાં આ લોગરહેડ કાચબાઓ લગભગ ૧૩ હજાર કિ.મી.નો પ્રવાસ ખેડી નાખતાં હતાં. આ સ્થળાંતર એટલે કે 'માઈગ્રેશન' માટે તેમને પાંચથી દશ વર્ષનો સમય લાગતો હતો. આખરે સમુદ્ર યાત્રા કરવાનાં માર્ગનો નક્શો અને સાચી દિશા તેમને કઈ રીતે મળતી હતી?
વૈજ્ઞાાનિકો અડધી સદી પહેલાંથી જાણી ચૂક્યાં હતા કે, યાથાવર પક્ષીઓ તેમનાં સ્થળાંતર માટે પૃથ્વીનાં ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરતાં હતાં. મેગ્નેટીક કંપાસને પોતાનાં શરીરમાં છુપાવી રાખવામાં માત્ર પક્ષીઓ એકલાં ન હતાં. પ્રાણીશાસ્ત્રીઓ અને જીવવિજ્ઞાાનીઓએ જોયું કે સામન, વ્હેલ જેવી માંછલી, કાચબા, કેટલાંક પ્રકારનાં ચામાચીડીયા, મોર્નાક પંતગીયા અને છેલ્લાં સમાચાર પ્રમાણે કેટલાંક દુધાળાં પ્રાણીઓ પણ પૃથ્વીનાં ચુંબકીય ક્ષેત્રનો દિશા શોધન અને સ્થાન નિર્ધારણ માટે ઉપયોગ કરતાં હતાં. આખરે આ પ્રાણીઓનાં ક્યાં અંગમાં જૈવિક મેગ્નેટીક કંપાસ છે? આ કંપાસનું તેમનાં મગજ સાથેનું વાયરીંગ અને ટયુનિંગ કઈ રીતે થયેલ છે? આ બધા સવાલો પ્રાણીશાસ્ત્રનાં અભ્યાસીઓ માટે આજે કોયડારૃપ છે. છતાં, વૈજ્ઞાાનિકોએ પ્રાણીઓ ઉપર થતી ચંબકીય ક્ષેત્રની અસરો અને તેની સાથે સંકળાયેલાં અંગો વિશે આધુનિક સંશોધનો શરૃ કરી દીધાં છે. 'સાયન્સ' મેગેજિન અને ડિસ્કવરી ચેનલમાં નવાં સંશોધનોને લોકભોગ્ય બનાવવાનાં પ્રયત્નો થઈ રહ્યાં છે.
આધુનિક સંશોધનનો ટુંક સાર એ છે કે 'કેટલાંક પ્રાણીઓમાં લાંબા અંતરનાં દિશા શોધન માટે 'મેગ્નેટીક સેન્સ' વાપરી શકે, તેવાં કેટલાંક ખાસ પ્રકારનાં કોષો વિકસેલ છે. વૈજ્ઞાાનિકોને અડધી આશંકા અને અડધી શ્રદ્ધા છે કે મનુષ્ય પણ પોતાનાં શરીરમાં આવાં મેગ્નેટીક સેલ ધરાવે છે. ટુંકમાં વૈજ્ઞાાનિકો પ્રાણીઓમાં મેગ્નેટીક ફિલ્ડનું સંવેદન અને ચેતાતંત્ર કઈ રીતે કામ કરે છે, એ જાણીને મનુષ્ય માટે ઉપયોગી નવાં ઉપકરણોનો આવિષ્કાર કરી શકશે.'
લગભગ બધા જ જાણે છે કે પ્રાણી અને માનવ શરીરમાં રહેલ ઓર્ગેનિક મેટર (કાર્બનીક પદાર્થ) પૃથ્વીનાં નબળાં ચુંબકીય ક્ષેત્રની અસરમાં આવતું નથી. આ કારણે સજીવો દિશા શોધવા માટે 'મેગ્નેટીક ફિલ્ડ' વાપરે છે એવી વૈજ્ઞાાનિક દલિલોને હાસ્યાસ્પદ માનવામાં આવી હતી. ચુંબકીય ક્ષેત્રનો મનુષ્ય અને પ્રાણીઓ ઉપર પ્રભાવ પડે છે તેવી માન્યતા ૧૮મી સદીથી પેદા થઈ હતી. ૧૮મી સદીનાં ફ્રાન્ઝ એન્ટોન મેસ્મરે એક ડગલું આગળ વધીને કહ્યું કે, 'શ્વાસ લેનારાં દરેક સજીવનાં શરીરની આસપાસ ખાસ પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર વિકસેલું હોય છે.' આધ્યાત્મિક ગુરુઓ 'ફેઈથ ફિલીંગ'માં આ ચુંબકીયક્ષેત્રને કામમાં લેતાં હોય છે. રોગોપચાર માટે માનવીનાં 'ચુંબકીય ક્ષેત્ર'નો ઉપયોગ કરવાનું ફ્રાન્ઝ એન્ટોન મેસ્મરે સુચવ્યું હતું.
આજની વૈજ્ઞાાનિક પેઢી સ્વીકારવા લાગી છે કે કેટલાંક પ્રાણીઓ ચુંબકીય ક્ષેત્રને વાંચી શકે છે અને એ પ્રમાણે પ્રતિક્રિયા આપે છે. તેનાં સર્વાઈવલ માટે આ એક અનુકુળ પ્રતિક્રિયા છે. આમ છતાં, ઢોરઢાંખર મરતી વખતે એકબીજાને સંમાન્તર અને ચુંબકીય ધુ્રવરેખાને સુરેખ શા માટે શરીરને ગોઠવે છે તે બાબત હજી રહસ્યમય જ રહી છે. ડઝનબંધ સજીવો જેવાં કે લાંબી છાતીવાળા રોબીન, મોનાર્ક પંતગીયા, પાલતું કબુતરો, દરિયાઈ કાચબા, સાંઢિયો (લોબસ્ટર), મધમાખી, કીડીઓ, મોલ મુથક, એલિફન્ટસીલનો સમાવેશ થાય છે. લિસ્ટમાં અતિ સૂક્ષ્મ બેકટેરીયા પણ છે તો સામેનાં છેડે વિશાળકાય વ્હેલ પણ છે. બેક્ટેરીયા સિવાય અન્ય સજીવોની 'મેગ્નેટીક સેન્સ'નું વર્કિંગ વૈજ્ઞાાનિકો હજી સમજી શક્યા નથી.
છેલ્લા એક દાયકાનાં સહયોગથી જીવવિજ્ઞાાનીઓ, અર્થ સાયન્ટીસ્ટ અને ભૌતિકશાસ્ત્રીઓ મેગ્નેટીસ્મ મિકેનિઝમ સમજાવવાનો પ્રયાસ કરે છે. વૈજ્ઞાાનિકો માને છે કે કેટલાંક પ્રાણીઓનાં શરીરમાં ચુંબકીય ક્ષેત્ર પારખી શકે તેવાં બાયોલોજીકલ સેન્ટરવાળા અંગ છે. કેટલીક વાર આવા અંગોની સંખ્યા એક કરતાં વધારે હોવાની વાત વૈજ્ઞાાનિકો કહે છે. જો કે આ આઈડિયાને પુરી સાયન્ટિફિક કોમ્યુનીટીનું સમર્થન મળ્યું નથી. છતાં પ્રયોગાત્મક પુરાવાઓ આ વાતની તરફેણ કરે છે. તાજેતરમાં ટ્રાઉટ નામની માછલીનાં નાકનાં ભાગમાં એવા કોષો શોધી કાઢ્યા છે જે ચુંબકત્વ સામે પ્રતિભાવ આપે છે. શરીરશાસ્ત્ર પ્રમાણે પ્રાણીઓનાં બાયો-સેન્ટર બે રીતે કામ કરે છે. એક વર્તુણકમાં આ પ્રકારનાં અંગ સામાન્ય બાર-મેગ્નેટવાળા કંપાસ માફક વર્તે છે. જ્યારે બીજી વર્તુણકમાં ચુંબકીય ક્ષેત્રનાં સંવેદકોનાં મુળમાં ભૌતિકશાસ્ત્રની 'ક્વોન્ટમ ઈફેક્ટ' જોવા મળે છે.
૧૯૫૦નાં દાયકામાં જર્મનીનાં ગોથે યુનિવર્સિટીનાં વૃલ્ફગેંગ વિટ્ઝકોએ યુરોપીઅન રોબીન પક્ષી પર પ્રયોગો કર્યા હતા. આ પક્ષીઓ પિંજરામાં પુરાએલા હોવા છતાં દક્ષિણ દિશા તરફ મુખ રાખીને ભાગવાની તૈયારીમાં બેસી રહેતાં હતાં. ગોથે યુનિવર્સિટીનાં એ સમયનાં જીવવિજ્ઞાાનનાં વિદ્યાર્થી વુલ્ફગેંગ વિટ્ઝકો એ પિંજરાની આજુબાજુ ઈલેક્ટ્રો મેગ્નેટીક કોઈલ બાંધી, પક્ષીનાં સેન્સરોને ખોટી દિશા બતાવી હતી. પક્ષીઓ પિંજરામાંથી મુક્ત થયા બાદ, ખોટી દક્ષિણ દિશા તરફ ઉડયાં હતાં. આ સંશોધને વિટ્ઝકો માટે સાબીત કર્યું કે રોબીનનાં દિશા નાયકો મેગ્નેટિક ફિલ્ડને અનુસરતાં હતાં.
આ શોધ પછી તુર્તજ વિટ્ઝકોએ તેની જીવનભરની સહાયક અને ભવિષ્યની પત્ની રોસવિરા સાથે 'એવિયન મેગ્નેટિક ડિરેકશન' વિહંગતની ચુંબકીય પરખ ઉપર સંખ્યાબંધ પ્રયોગો અને અભ્યાસ કર્યા હતાં. ૧૯૭૨માં બંનેનાં સયુંક્ત પરિણામો પ્રકાશીત થયા. તાજેતરમાં વુલ્ફગેંગ વિટ્ઝકો ગોથે યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયા છે. સંશોધનો પ્રમાણે પૃથ્વીનાં ઉપરનાં પોપડામાં રહેલ મેગ્નેટિક મટીરીઆન્સમાં સ્થાનિક ધોરણે દિશા અને તેમની તાકાતમાં વિચિત્રતા પેદા થાય છે. કેટલાંક સજીવો જેવાં કે દરિયાઈ કાચબા, વિવિધ ભૌગોલિક સ્થાનની આ વિચિત્રતા પારખીને મગજમાં મેગ્નેટીક મેપ તૈયાર કરી રાખે છે. આ મેપ માત્ર તેમને ઉત્તર દિશા જ નહીં, તેમની અંતિમ મંઝીલ ક્યાં છે અને ભૌગોલિક સ્થાન શું છે એ પારખવામાં પણ મદદરૃપ બને છે. આ વિષયને લગતું યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલીનાનાં વૈજ્ઞાાનિક કેનેથ જે. લોહમાનનું તાજેતરમાં પ્રકાશીત થયેલ સંશોધન ખૂબ જ મહત્વપૂર્ણ છે.
કાચબાઓની માફક પક્ષીમાં માત્ર સાદી ચુંબકીય દિશાનાં જ્ઞાાન ઉપરાંત 'મેગ્નેટીક મેપ સેન્સ' હોવાનું વૈજ્ઞાાનિકોનું અનુમાન છે. યુનિ. ઓફ પિઝાનાં અન્ના ગેગ્લીયાર્ડો કહે છે કે મેગ્નેટીક મેપ સેન્સને લગતાં પુરાવાઓ નબળા જરૃર છે. જે કદાચ સુચવે છે કે પક્ષીઓ તેમની 'સેન્સ' માટે અન્ય રસ્તાઓ પણ અજમાવતાં હોવા જોઈએ. અન્ના ગેગ્લીયાર્ડો કહે છે કે પક્ષીની ગંધ પારખવાની ક્ષમતા, ક્યાંક ને ક્યાંક મેગ્નેટિક ઈફેક્ટ સાથે સંકળાયેલી છે. જો પાલતું કબુતરનાં નાકમાં રહેલ ઘ્રાણેન્દ્રીય પક્ષી ગુમાવી દે અથવા સર્જરી કરી દુર કરવામાં આવે તો, આ કબુતરો તેમનાં ઘરે પાછા ફરતાં નથી અને તેમનાં ઘરનાં રસ્તાઓ ભુલી જાય છે. તેમનાં સંશોધનની બીજી ખાસ વાત એ છે કે પક્ષીઓનાં પાંજરામાં આવવા જવાનો રસ્તો માત્ર આકાશ તરફ ઉપરનો રાખવામાં આવે તો, પર્યાવરણને લગતી ગંધ કઈ દિશામાંથી આવે છે તે તેઓ પારખી શકતા નથી. જેનાં કારણે તેઓ દિશા શોધી શકતા નથી. તાજેતરમાં સંશોધનમાં ટ્રાઉટ માછલીનાં નાકમાં ચુંબકત્વથી પ્રભાવિત થતાં કોષો જોવા મળ્યાં છે તે પ્રમાણે પક્ષીઓનાં નાકમાં પણ આ પ્રકારનાં કોષો હોવાની સંભાવના નકારી શકાય નહીં.
કેટલાંક નિષ્ણાંતોનાં મત પ્રમાણે, પક્ષીઓ પાસે બે પ્રકારની મેગ્નેટીક સેન્સ આવેલી છે. એક સંવેદન ક્ષમતા મેગ્નેટીક કંપાસ માફક ચુંબકીય ક્ષેત્રની દિશા માપે છે. જ્યારે બીજી સંવેદનક્ષમતા ચુંબકીયક્ષેત્રની તિવ્રતા અને તેમાં જોવા મળતી અસમાનતા પ્રત્યે લગાવ ધરાવતી હોય છે. જે અલગ મેગ્નેટોમિટર માફક વર્તે છે. આ વાતની રજેરજ માહિતી મેળવવી મુશ્કેલ છે. કારણ કે પક્ષીઓ ચુંબકીય અસર સિવાય, દિશા શોધન માટે સૂર્ય, તારાઓ અને ચંદ્રનું સ્થાન પણ ગણતરીમાં લેતા માલુમ પડયાં છે. તેઓ સ્થાનિક લેન્ડમાર્ક અને દરિયામાં મોજાંઓની દિશાઓથી પણ દોરવાય છે. પક્ષીઓ ખાસ પ્રકારની ગંઘ જે અમુક સ્થાનો સાથે સંકળાએલી હોય છે તેને પણ યાદ રાખે છે.
લુકવિગ મેક્સીમિસન યુનિવર્સિટીનાં ભૂભૌતિકશાસ્ત્રી માયકલ વિંકલહોફર કહે છે કે, 'પક્ષીઓ ઘણી નિશાનીઓ ઓળખે છે. જ્યારે કોઈ એક નિશાની ધુંધળી લાગે કે ભરોસાપાત્ર ન લાગે ત્યારે તેઓ બીજી નિશાનીઓને અનુસરે છે. એક પ્રકારનાં પ્રયોગોમાં જોવા મળ્યું છે કે રોબીન પક્ષીની મેગ્નેટીક કંપાસ સેન્સ અંધારામાં કામ કરતી નથી. રોબીન પક્ષી પ્રકાશ અથવા વાદળી રંગનાં આછા પ્રકાશ કે ટુકા તરંગોવાળા પ્રકાશની હાજરી હોય તો જ ચુંબકીય દિશા ઓળખી શકે છે. જર્મનીનાં યુનિવર્સિટી ઓફ ઓલ્ડેનબર્ગનાં વૈજ્ઞાાનિક હેતરીક મોરીસેનનો અભ્યાસ આ દિશામાં ખૂબ જ નોંધપાત્ર છે. તેમનું સંશોધન પણ પ્રકાશનો સંબંધ દિશા શોધન સાથે સંકળાએલ હોવાની વાત સ્વીકારે છે. રાત્રે ઉડનારી ચકલીઓ (થ્રસ) સૂર્ય આથમે છે ત્યારે, તેમનાં હોકાયંત્રની મેગ્નેટીક સેન્સને નવેસરથી ગોઠવે છે. દરરોજ સૂર્યાસ્ત સમયે તેમનાં હોકાયંત્રની દિશા, મેગ્નેટીક કંપાસ પ્રમાણે ગોઠવાઈ જાય છે. જેથી રાત્રે તેઓ ગમે ત્યાં ભટકે તો પણ ભુલી પડતી નથી.
પક્ષીઓ તેમનાં હોકાયંત્રની ઉત્તર દિશા સૂર્યાસ્ત સમયે 'સેટ' કરે છે. કદાચ આ કારણે સૂર્યાસ્ત સમયે ઘણા બધા પક્ષીઓ ઉડતાં અને પોતાનાં માળા તરફ પાછા જતાં જોઈ શકાય છે. વિટ્ઝકોએ તારણ આપ્યું હતું કે, 'પક્ષીઓ સૂર્યનો ઉપયોગ એક રેફરન્સ પોઈન્ટ તરીકે કરે છે.' નવાં સંશોધનો આ વાતને સમર્થન આપે છે. આ વાતને વધારે વિસ્તૃત કરે તેવાં પક્ષીઓનાં સંવેદનતંત્રને લગતાં વધારે પ્રયોગો કરવાની જરૃર જણાય છે.
પક્ષીઓનાં શરીરમાં મેગ્નેટીક કંપાસ, મેગ્નેટીમીટર કે મેગ્નેટીક પાર્ટીકલ્સની હાજરી પારખી શકતા બાયો-સેન્સર શરીરનાં ક્યાં ભાગમાં આવેલાં છે તે શોધવા વૈજ્ઞાાનિકો માટે સૌથી મોટી 'ભેંજામારી' છે. સજીવોનાં આવા મેગ્નેટિક સેન્સર તરીકે માત્ર માયક્રોસ્કોપીઝ એકલ દોકલ કોષો અથવા કોઈ વિશિષ્ટ રચના પણ હોઈ શકે છે. સામાન્ય કોષીકાઓમાંથી આવા કોષો અલગ તરવવા ખૂબ જ મુશ્કેલ કામ છે. છતાં મેગ્નેટિક મિકોનિઝમ બાબતે કહેવું પડે કે, પ્રાણી, પક્ષીઓનાં શરીરમાં કામ કરતાં આ કોષો ખરેખર અફલાતુન છે જે પૃથ્વીનાં ખૂબ જ નબળાં ચુંબકીય ક્ષેત્રનાં ફેરફારો પણ માપી શકે છે. પ્રકૃતિમાં રહેલા પ્રાકૃતિક રેણુઓનાં વાઈબ્રેશન્સ (ધુ્રજારીઓ) વચ્ચેથી પણ ચુંબકીય સિગ્નલોને અલગ તારવી શકે છે. જૈવિક કોષો જેવી માઈક્રોસ્કોપીક રચનામાં આટલી ગજબની ક્ષમતા હોવાની કલ્પના કરવી પણ વૈજ્ઞાાનિકોને અસંભવ લાગે છે ત્યાં આવી મિકેનિઝમનું અસ્તિત્વ છે એ વાતને પણ નકારી શકાય તેમ નથી. આ વાતનો પુરાવો કેટલાંક બેક્ટેરિયા છે.
કેટલીક ઉચાઈઓ ઉપર ભૂચુંબકીય ક્ષેત્ર પૃથ્વીનાં સમતલ સાથે ઉર્ધ્વાઘર દીશામાં ખાસ પ્રકારનો ખુણો બનાવે છે. કેટલાંક બેક્ટેરીયા ગુરુત્વાકર્ષણને સમજતા હોય તે રીતે તેમની મેગ્નેટીક સેન્સ વડે શોધી કાઢે છે કે દરિયાનાં તળીયા તરફ જતો ઢોળાવ કઈ દિશામાં છે. તે બાજુ તેઓ તરતાં તરતાં પહોંચી જાય છે. કારણ કે આવી જગ્યાએ તેમનું અસ્તિત્વ સારી રીતે ટકી શકે છે. વૈજ્ઞાાનિકોએ આવા બેક્ટેરીયામાં મેગ્નેટિકના કણો (એટલે કે આયર્ન ઓકસાઈડનું ચુંબકીય સ્વરૃપ)ની હાજરી ઓળખી કાઢી છે.
વિંકલોફર, વૃલ્ફગેંગ વિટ્ઝકો અને ગેરટા-ગંન્ટર ફલેશનર દંપતીએ એડવાન્સ માઈક્રોસ્પીક ઈમેજીંગ ટેકનિક વાપરીને, પાલતું કબુતરમાં મેગ્નેટાઈટનાં નેનો-પાર્ટીકલ્સની હાજરી શોધી કાઢી છે. આ કણોનું કદ ખૂબ જ સુક્ષ્મ હોવાથી તેઓ મેગ્નેટીક ફિલ્ડની તિવ્રતા માપવામાં સક્ષમ હોવાની સંભાવના છે પરંતુ આ કણો મેગ્નેટીક કંપાસની જરૃરીયાતને પુરી કરતાં લાગે છે. આવા કણો, ચેતાંતંત્રની નસોનાં અંતભાગ પાસે જોવા મળ્યાં છે જ્યાં ચેતાકોષીકાઓની ગીચતા ખૂબ જ વધારે હોય છે. મેગ્નેટાઈટ માફક વૈજ્ઞાાનિકોએ અન્ય ચુંબકીય કણો જેઓ 'મેગ્નેમાઈટ' પ્રકારનાં છે પણ શોધી કાઢ્યાં છે. આ કણો અસ્ફટીકમય રચના ધરાવે છે. ચુંબકીય સંવેદન માટે સજીવનાં શરીરમાં રહેતા ચુંબકીય કણોની હાજરી એક માત્ર સંભાવના નથી. વૈજ્ઞાાનિકોએ અમુક પ્રયોગોમાં જોયું છે કે 'ક્વોન્ટમ ફિજીક્સ' જેવી મિકેનિઝમ પણ, મેગ્નેટીક ઈફેક્ટને ઓળખતા પ્રાણીઓનાં શરીરમાં કામ કરે છે. પ્રાણીના કોષોમાં ચુંબકીય ક્ષેત્રનાં પ્રભાવથી જે રાસાયણીક પ્રક્રિયા પેદા થાય છે, તે સજીવની 'મેગ્નેટીક સેન્સ'નો મુખ્ય આધાર હોવો જોઈએ. રંગ કણો સાથે ફોટોન કણોની અથડામણમાં કેટલાંક 'ફ્રિ-રેડિકલ્સ' પેદા થાય છે. તેની હાજરી મગજ પારખી શકે છે. જે સજીવ પરની મેગ્નેટીક ફિલ્ડની અસર ઓળખી કાઢે છે. ખેર! ચુંબકીય ક્ષેત્રની અસર થતી હોય તેવાં પ્રોટીનની હાજરી પણ વૈજ્ઞાાનિકો શોધી શક્યાં છે. જો આ 'મેગ્નેટિક સેન્સ'ની પાયાની સમજણ વૈજ્ઞાાનિકો પ્રાપ્ત કરી લે તો, સંભવ છે કે આવનારા વર્ષોમાં મનુષ્યની છઠ્ઠી ઈન્દ્રિયને વૈજ્ઞાાનિકો એ રીતે જાગૃત કરશે જે ચુંબકીય ક્ષેત્રનાં ફેરફારો પારખી શકશે અને, વિવિધ સ્થાનોનાં 'મેગ્નેટીક મેપ' મગજમાં સ્ટોર કરી રાખશે. 

No comments: