Sunday 9 December 2012

'ધુમકેતુ'કોમેટ આઈસોન

રશિયન વૈજ્ઞાનિકોએ શોધી કાઢેલ તરોતાંજા 'ધુમકેતુ'કોમેટ આઈસોન

ફ્‌યુચર સાયન્સ - કે.આર ચૌધરી.

- ૨૧૦૩નાં અંત ભાગમાં દેખાનારો ધુમકેતુ 'ચંદ્ર' જેટલો તેજસ્વી હશે. 

ખગોળ રશિયાઓ માટે મનોરમ્ય નજારો કયો હોઈ શકે? સામાન્ય માનવી પણ જેને જોવાની લાલચ છોડી શકતો નથી એવું વર્ષો બાદ જોવા મળતું દ્રશ્ય એટલે અંધારીયા આકાશમાં લાંબી પુંછડી સાથે ચમકતો આકાશીપીંડ એટલે કે પુંછડીયો તારો, ધુમકેતુ... કોમેટ. પુરા જીવનકાળમાં માનવીને ધુમકેતુ નિહાળવાનો લાભ ખુબજ ઓછો મળે છે. નવી પેઢીનાં ડીજીટલીઆ સંતાનો માટે આવો જ એક લ્હાવો અનાયાસે મળવાનો છે. ૨૦૧૩માં 'કોમેટ આઈસોન' નવેમ્બર ડીસેમ્બર મહિના દરમ્યાન ઉત્તરાકાશમાં દેખાશે. વૈજ્ઞાાનિક ગણતરી પ્રમાણે કોમેટ આઈસોન ચંદ્ર કરતાં વધારે પ્રકાશીત રહેશે તેથી તેને અંધારીયા આકાશમાં શોધવો મુશ્કેલ પડશે નહી. શહેરીજનો માટે થોડી કમનસીબી એ છે રહેવાની કે શહેરની રાત્રી રોશનીનાં બેકગ્રાઉન્ડમાં ધુમકેતુની તેજસ્વીતા થોડી ઝાંખી લાગશે. છેલ્લી સદીમાં દેખાએલા બધા જ ધુમકેતુઓ કરતાં તે વધારે તેજસ્વી હશે અને... ધોળા દિવસે પણ પુંછડીયો તારો દેખાશે.
નવા મળી આવેલા 'કોમેટ આઈસોન'ની શોધ રશિયાનાં વિટાલી નેવાસ્કી અને આર્ટીયોમ નોવીચોનોકે કરી છે. રશિયાનાં રિમોટ કંટ્રોલ રોબોટીક ટેલીસ્કોપ વાપરીને તેમણે ધુમકેતુની પહેલવહેલી ઝલક ૨૧ સપ્ટેમ્બરે મેળવી હતી. આંતરરાષ્ટ્રીય સમુદાયે તેનો રજીસ્ટ્રેશન કમ આઈડેન્ટી નંબર C/2012 S1 (આઈસોન) આપ્યો છે. જેને સામાન્ય નામ કોમેટ આઈસોન છે. બે રશિયન નાગરીકે વાપરેલ રોબોટીક ટેલીસ્કોપ ઈન્ટરનેશનલ સાયન્ટીફીક ઓપ્ટીકલ નેટવર્કનો હિસ્સો છે. નેટવર્કનાં પ્રથમ અક્ષરો ભેગા કરતાં 'આઈસોન' નામ બને છે. તેનો પ્રદક્ષીણા માર્ગ ૧૬૮૦માં દેખાયેલા ગ્રેટ કોમેટને મળતો આવે છે. ઓપ્ટીકલ ટેલીસ્કોપમાં ક્લોઝ કપલ ડિવાઈસ (CCD)માં રચાતી કોમેટ અત્યારે ઝાંખા ટપકા જેવો છે. જેનો પ્રકાશીય માપાંક (મેગ્નીટયુડ) ૧૮ છે. સરખામણી કરવી હોય તો, નરી આંખે રાત્રી આકાશમાં દેખાતાં સૌથી ઝાંખા તારા કરતાં પણ તેની તેજસ્વીતા એક લાખ ગણી ઓછી ગણાય. હાલમાં સુર્યથી ૬.૩ એસ્ટ્રોનોમીકલ યુનીટ જેટલો દુર છે. એક એસ્ટ્રોનોમીકલ યુનીટ એટલે પૃથ્વી અને સુર્ય વચ્ચેનું સરેરાશ અંતર જે ૧૪.૯૬ કરોડ કીલોમીટર જેટલું થાય છે. સુર્યની મુલાકાતે કોમેટ આવશે ત્યારે તે સુર્યથી ૦.૦૧૨ AU (એસ્ટ્રોનોમીકલ યુનીટ અંતરે હશે. જે ૧૮ લાખ કીલોમીટર જેટલું થાય તેમ છે. જે સમયે કોમેટ પૃથ્વી કરતાં ૮૩ ગણો વધારે સુર્યની નજીક હશે. જો કોમેટને માનવી જેવી દ્રષ્ટી મળી હોત તો, પૃથ્વી પરથી જે સુર્ય દેખાય છે તેના કરતાં ૬૯૪૪ ગણો મોટો સુર્ય, કોમેટ આઈસોનની નજરે પડશે. હાલ માત્ર વિશાળ ટેલીસ્કોપમાંથી દેખાતો આઈસોન, ગુરુ ગ્રહની આસપાસ છે. ઓક્ટોબર ૨૦૧૩થી તે નરી આંખે પૃથ્વીવાસીઓની નજરે પડશે. ૨૮ નવેમ્બરના રોજ તે સુર્યથી સૌથી નજીક હશે.
કોઈપણ ધુમકેતુ સૂર્યની વધારે નજીક પહોંચી જાય છે ત્યારે એક ખતરો હંમેશા ઉભો રહે છે. ગુરૃત્વાકર્ષણનાં કારણે ધુમકેતુ તુટીને શીર્ણ-વિશીર્ણ થઈ જાય છે. આઈસોન સુર્યની નજીક હશે ત્યારે તેને પૃથ્વી કરતાં ૭૦૦૦ ગણુ વધારે ગુરૃત્વાકર્ષણ બળ ખેંચતું રહેશે. આ ગુરૃત્વાકર્ષણનો ઝટકો ખાઈને વધારે ઝડપથી પાછો ભાગશે. સૂર્યની નજીક હશે ત્યારે તેની પુંછડી પણ લાંબી થઈ જશે. એવી આશા રાખીએ કે ક્લોઝ એન્કાઉન્ટર વખતે સુર્ય આઈસોનને વિનાશ ન કરે અને તેને વધારે તેજસ્વી બનાવે. ઓગસ્ટ ૨૦૧૧માં કોમેટ એલીનીન વિવીધ ટુકડાઓમાં તુટી પડયો હતો. ૨૦૧૧નાં અંત ભાગમાં કોમેટ લવજૉય બે વાર સુર્યની વધારે નજીક આવી ગયો હતો અને... બચી પણ ગયો હતો. વળતા પ્રવાસમાં એટલે કે જાન્યુઆરી ૨૦૧૪માં કોમેટ આઈસોન પૃથ્વીની ૫.૯૮ કરોડ ક.મી. દુરથી પસાર થશે. વૈજ્ઞાાનિકો માટે ધુમકેતુઓ સંશોધનનો વિષય રહ્યો છે. તેઓ નજીકથી પસાર થાય છે ત્યારે તેનું અવલોકન અને પૃથ્થકરણ કરવાનો અનેરો અવસર પ્રાપ્ત થાય છે. મોટા ભાગનાં ધુમકેતુઓ સૂર્યમાળાની છેવાડે આવેલ ઉર્ટના ક્લાઉડ (લગભગ એક પ્રકાશવર્ષ દૂર) અથવા નેપ્ચ્યુન ગ્રહ પછી આવેલ કુઈપર બેલ્ટમાંથી પેદા થઈને સુર્યની આસપાસ વિચીત્ર ઓરબીટમાં પ્રવાસ ખેડે છે. કોમેટ આઈસોન કોનો બનેલો છે તેની આગાહી કરવા આ તબક્કે વધારે પડતું કહેવાય. કોમેટનાં પેરાબોલીક ભ્રમણ માર્ગ જોતા, તેની ઉત્પત્તિ ઉર્ટ ક્લાઉડમાંથી થઈ હોવાનું વૈજ્ઞાાનિક અનુમાન છે. ધુમકેતુ પુંછડીયા તારા તરીકે ઓળખાય છે પરંતુ તેઓ સૂર્ય જેવાં સાચા તારાં નથી.
આખરે આપણે ન ઓળખતા હોઈએ તેવાં, ધુમકેતુઓ અંતરીક્ષનાં કયાં ખુણેથી ટપકી પડે છે? અને પાછાં ગણતરીનાં દીવસોમાં જ ગાયબ થઈ જાય છે. પ્રવર્તમાન માહીતી પ્રમાણે, સૂર્યમાળાનાં સર્જન સમયે જે હલકા વાયુ, ઘન પદાર્થ, અવકાશી પીંડોનો ભંગાર વગેરે ભેગા થઈ, સુર્યથી પચાસ હજાર એસ્ટ્રોનોમીકલ યુનીટ દૂરનાં પટ્ટામાં ઉર્ટનું ક્લાઉડ રચાયેલું છે. આ વાદળની સંકલ્પના અને અસ્તિત્ત્વની ઓળખ લેલેન્ડનાં ખગોળશાસ્ત્રી જેન હેનરીક ઉર્ટે આપેલ હોવાથી તેને ઉર્ટનું વાદળ કહે છે. આ વાદળમાં લાખો ધુમકેતુ આવેલાં છે. અહીં સુર્ય નાના દીવડા જેવો લાગે છે. અન્ય તારાં કે આકાશી પીંડની અડફેટે ચડીને તેનો ગુરૃત્વાકર્ષણનો ધક્કો મેળવીન ેતે, પોતાનું સ્થાન છોડીને સુર્ય તરફ મુસાફરી શરૃ કરે છે. આપણી નજીક આવતો જાય છે તેમ તેમ પૃથ્વીવાસી ને તે દેખાતો જાય છે.
ધુમકેતુને અંગ્રેજીમાં કોમેટ કહે છે જે લેટીન ભાષાનાં 'કોમોટોસ' પરથી બનેલ છે. ગ્રીક ભાષામાં પણ આવો જ શબ્દ છે. જેનો અર્થ થાઈ પુંછડીવાળો તારો. સામાન્ય રીતે રંગમાં ધૂમકેતુ ચાંદ જેવો સફેદ હોય છે પરંતુ કેટલીક વાર લાલ, વાદળી કે પીળા રંગનો ધુમકેતુ પણ જોવા મળ્યાં છે. કોમેટ જ્યારે ગુરુ ગ્રહની નજીક આવે છે ત્યારે તેમનું માથુ દ્રશ્યમાન બને છે. અને મંગળ જેટલાં નજીક આવે છે ત્યારે લાંબી પુંછડીનું સર્જન થાય છે. સુર્યની ભ્રમણ કક્ષામાં ફરતાં કોમેટને ત્રણથી માંડીને ત્રણ લાખ વર્ષ જેટલો પણ સમય લાગી શકે છે. ખુબજ લાંબી મુદતે દેખાતા ધુમકેતુઓ, પૃથ્વીવાસીઓને માત્ર એક વાર જ દર્શન આપીને પછી કાયમ માટે બ્રહ્માંડમાં અદ્રશ્ય થઈ જાય છે. વૈજ્ઞાાનિક અંદાજ પ્રમાણે સુર્યમાળામાં એક લાખ વીસ હજાર જેટલાં ધુમકેતુ છે. દર વર્ષે સરેરાશ છ જેટલાં ધુમકેતુ સૂર્યની સફરે આવે છે અથવા નવાં શોધાય છે. જેમાનાં માત્ર બે કે ત્રણ જ ધુમકેતુઓ નવાં હોય છે. બાકીનાં એક નિશ્ચીત સમયગાળા બાદ, સૂર્યની મુલાકાત લેનારા ધુમકેતુ હોય છે. ધુમકેતુનાં ઈતિહાસમાં ૧૯૩૨ અને ૧૯૪૭નું વર્ષ અપવાદરૃપ રહ્યું હતું જ્યારે માત્ર એક જ વર્ષનાં ગાળામાં તેર જેટલાં ધુમકેતુઓ જોવા મળ્યાં હતાં. એક સદીમાં અંદાજે ત્રણસો જેટલાં કોમેટ જોવા મળે છે. ૧૯૭૩માં જોવા મળેલ કોહુત્તેક ધુમકેતુ પૃથ્વીની પહેલી અને છેલ્લી વારની મુલાકાતે આવ્યો ગણાય કારણ કે તેનો ભ્રમણકાળ ૭૫ હજાર વર્ષ જેટલો છે.
સુર્યમાળાનો ઉદ્ભવ, ગ્રહોની રચના, સજીવ સૃષ્ટિનું નિર્માણ અને બ્રહ્માંડનું રહસ્ય વગેરે બાબત, વૈજ્ઞાાનિકો માટે જીજ્ઞાાસાનો વિષય છે. સામાન્ય રીતે સુર્યમાળાની રચના થયા પછી બધા જ ગ્રહો અને ખગોળી પીંડ ઉત્ક્રાંતિની સમયધારામાંથી પસાર થઈ ચૂક્યાં છે. જ્યારે ધુમકેતુઓ તેમની વિશીષ્ટ રચનાનાં કારણે ઠંડાગાર વાયુનાં દડા જેવાં છે. સુર્યમાળાનાં મેટરનીટી હોમમાં ધુમકેતુઓ તાજા જન્મેલા બાળક જેવાં ગણાય. જેનો અભ્યાસ કરીને વૈજ્ઞાાનિકો સુર્યમાળા, ગ્રહોની ઉત્પત્તિ અને બંધારણ વિશે માહિતી મેળવી શકે છે. બ્રહ્માંડનાં ઘણાં રહસ્યો હજી વણઉકલ્યા છે. તેનાં વિશે ધુમકેતુ પ્રકાશ પાડી શકે છે. ટેકનોલોજીનાં વિકાસ સાથે આપણાં જ્ઞાાનની સીમારેખા પણ વિસ્તરી રહી છે. માત્ર ટેલીસ્કોપની મદદથી જ તેનો સંપૂર્ણ અભ્યાસ થઈ શકે નહી. મહત્તમ પ્રકાશિત અવસ્થામાં તે, સૂર્યની એટલો નજીક હોય છે કે, ટેલીસ્કોપમાં વિશાળ પ્રકાશપુંજ સીવાય અન્ય કાંઈ નજરે ચડે નહી. તેમનાં આગમનની ભવિષ્ણવાણી થઈ શકતી નથી એટલે તેને નિહાળ્યાના ટૂંકા ગાળા બાદ, સંશોધન માટેની પુર્વ તૈયારીઓ થઈ શકતી નથી.
ધુમકેતુને હંમેશા સામાન્ય માનવી અને ધર્મએ અનર્થકારી માન્યો છે. સદીઓથી આ માન્યતાને લોકો પોષતા આવ્યા છે. આજનાં વૈજ્ઞાાનિક યુગમાં પણ આવી અંધશ્રધ્ધામાં માનનારાં લોકોની સંખ્યા ઘટી નથી. સદીઓ પહેલાં લોકો માનતા કે પ્લેગ, ફ્લ્યુ અને અન્ય જીવલેણ બીમારી મોટા મોટા યુધ્ધ, રાજાની હાર કે મૃત્યુ, વિનાશક હોનારત, કુદરતી પ્રકોપ બધુજ ધુમકેતુની અમંગળકાર દ્રષ્ટીનો જ પ્રતાપ છે. હકીકત એ છે કે ધુમકેતુ પૃથ્વીવાસીને દર્શન આપે છે ત્યારે ઘણીવાર કાગને બેસવું ને ડાળને તુટવું એવો ઘાટ રચાય છે. ભુતકાળમાં આ માન્યતાઓને મજબુત કરે તેવી ઘટનાઓ પણ બની છે.
એડવેન્ચર ઓફ ટોમ સોયર જેવી વિખ્યાત રચના લખનાર માર્ક ટ્વેઈન પણ ધુમકેતુ સાથે સંકળાયેલી અંધશ્રધ્ધાથી દુર રહી શક્યો ન'હતો. ૧૮૩૮ની ત્રીસમી નવેમ્બરે તેમનો જન્મ થયો ત્યારે, અમેરીકાનાં નિલાં આકાશમાં હેલીનો ધેમકેતુ ચમકતો હતો. માર્ક ટ્વેઈનની ઈચ્છા હતી કે ફરીવાર આ ધુમકેતુનાં દર્શન થાય પછી જ મરવું. બીજા અર્થમાં તેમને બીક હતી કે તેમનો જન્મ થયો ત્યારે ધુમકેતુ દેખાતો હતો, તો તેમનું મૃત્યુ પર આ ધુમકેતુ દેખાશે તે સમયગાળામાં નિશ્ચીત છે. માર્ક ટ્વેઈનની ઈચ્છા પૂર્ણ કરવાની હોય તેમ, ૭૫ વર્ષ બાદ ૧૯૧૦માં જ્યારે હેલીનો ધુમકેતુ દેખાયો એટલું જ નહીં, તેની તેજસ્વીતાની ચરમસીમા ઉપર હતો તેનાં બીજા જ દિવસે માર્ક ટ્વેઈનનું અવસાન થયું હતું.
જો ઉપરોક્ત ઘટનાને આપણે યોગાનુયોગ જાણીએ તો પણ, ભુતકાળનાં ઈતિહાસમાં એવી ઘટનાઓ બની છે જેને વાંકદેખા લોકોએ ધુમકેતનું આગમન સાથે જોડી દીધી છે. જરા એક ઐતિહાસિક દ્રષ્ટિપાત કરી લઈએ. ઈ.સ. પૂર્વે ૧૦૫૭માં ચીની ખગોળશાસ્ત્રીઓએ ધુમકેતુ નિહાળ્યો હતો. પરંતુ તે સમયે તેની હેલીનાં ધુમકેતુ તરીકેની ઓળખ પ્રસ્થાપિત થઈ ન'હતી. ફ્રાન્સનાં રાજા કિંગ લુઈસ પ્રથમનાં મુત્યુને પણ ધુમકેતુનાં આગમન સાથે સાંકળવામાં આવ્યું છે. ઈ.સ. ૬૬માં જેરૃસલેમનો વિનાશ થયો હતો. ઈ.સ. ૨૧૮માં ચીનની હાનવંશની હકુમતનું પતન થયું હતું. ઈ.સ. ૩૭૦માં રોમ અને પર્શીયા વચ્ચે મહાસંગ્રામ થયો હતો. ઈ.સ. ૪૫૧માં હુમ રાજા અતિલા ગાઉલ અને રોમન શહેનશાહ વેલોન્તિનીયન વચ્ચે ખુંખાર યુધ્ધ થયું હતું. ઈ.સ. ૧૨૨૨માં હેલીનાં ધુમકેતુનાં શુકન લઈને ચંગીઝખાન વિશ્વ વિજેતા બનવા માટે નિકળ્યો હતો. ઈ.સ. ૧૪૫૬માં ખ્રિસ્તીઓ અને તુર્કો વચ્ચે લડાઈ થઈ હતી અને તુર્કોએ કોન્સ્ટેન્ટીનોપલ જીતી લીધું હતું અને વાસ્કો-દ-ગામાને ભારત આવવા માટે નવો માર્ગ શોધવો પડયો હતો. વાસ્કો-દ-ગામાનાં આગમન પછી ભારતની દુર્દશા બેઠી હતી. જો કે ઉપરોક્ત બધી ઘટનાનાં સાક્ષી બનવાનાં હોય તેમ આવા વર્ષોમાં આકાશમાં હેલીનો ધુમકેતુ અવશ્ય દેખાયો હતો. એક બાજુ અંધશ્રધ્ધાનાં ઘોડાપુર હતાં તો બીજી બાજુ...
બે વૈજ્ઞાાનિકોએ આગમાં ઘી હોમવાનું કામ કર્યું. બ્રિટનનાં ફ્રેડ હોયલ અને ચંદ્ર વિક્રમસીંગે જણાવ્યું કે ધુમકેતુની પુંછડીમાં રોગ પેદા કરનારા સુક્ષ્મ જીવાણુ કે વિષાણુ હોવાની શક્યતા રહેલી છે. આ એ જ વૈજ્ઞાાનિકો છે જેમણે પૃથ્વી પર સજીવની ઉત્પત્તિ માટે એક અલગ થિયરી આપી છે. આ થિયરીને 'થિયરી ઓફ પાનસ્પર્મીયા' કહે છે. જેમનાં સિધ્ધાંત પ્રમાણે પૃથ્વી પર સેન્દ્રીય તત્ત્વો ધરાવતો એકાદ ધુમકેતુ અથડાયો હશે. જેમાં રહેલાં સુક્ષ્મ જીવાણુ કે ઓર્ગેનીક મેટરનાં કારણે પૃથ્વી ઉપર પ્રથમ જીવ, એકકોષી સજીવો અને કાળક્રમે આખી સજીવ સૃષ્ટિ પેદા થઈ હશે.
માત્ર ભુતકાળમાં જ નહી નજીકનાં ભુતકાળમાં પણ અનિષ્ટ ઘટનાઓ બની હતી. ૧૯૯૭માં 'હેલબોય' ધુમકેતુ દેખાયો ત્યારે, અમેરિકાનાં 'હેવન્સ ગેટ' નામનાં ધાર્મીક જુથનાં બધા જ ૩૯ સભ્યોએ સામુહિક આત્મહત્યા કરી હતી. સાઉદી અરેબીયા, મક્કાની હજ કરવા ગયેલ ૩૦૦ જેટલા મુસ્લીમ યાત્રીઓ આગમાં સપડાઈને મૃત્યુ પામ્યા હતા. મક્કાનો બ્લેક સ્ટોન, અંતરીક્ષમાંથી આવેલ કોઈ ઉલ્કાપીંડ હોવાનું વૈજ્ઞાાનિક અનુમાન છે. ગમે તે હોય, માનવી અને ધુમકેતુઓ વચ્ચેનો સંબંધ લવ-હેટનો રહ્યો છે.
આજકાલ વિશાળ રેન્જનાં ટેલિસ્કોપ ઉપલબ્ધ બનતાં ખગોળશાસ્ત્રીઓ અને શોખીનોમાં એકાદ નવા ધુમકેતુ શોધી કાઢવાની સ્પર્ધા અને શોખ વધતો જાય છે. આ શોધ તેનાં શોધકને વિશ્વ પ્રસિધ્ધી અપાવે છે. નામનાની કામના કરવાવાળા માટે ધુમકેતુની શોધ કરી વિશ્વ વિખ્યાત બનવાનું સહેલુ લાગે છે. સામાન્ય રીતે ધુમકેતુનું નામ તેનાં શોધક ઉપરથી રાખવાનો વણલખ્યો નિયમ છે. આ પ્રવૃત્તિને ગૌરવ અપાવવાનું કામ ૧૮ સદીનો અંત ભાગમાં ચાર્લ્સ મેસરે કર્યું હતું. તેણે પોતાનાં જીવનકાળ દરમ્યાન એટલાં ધુમકેતુઓ શોધી કાઢ્યા કે ફ્રાન્સનાં રાજા લુઈસ પંદરમાં એ તેને 'ફેરેટ ઓફ કોમેટ' (ધુમકેતુનાં શિકારીનું બીરૃદ આપ્યું હતું. એક ખેડુતનાં ઓછા ભણેલા દીકરા લેસ્લી પીટરે દસ ધુમકેતુ શોધવાની સિધ્ધી હાંસલ કરી ત્યારે, સ્થાનિક વિશ્વ વિદ્યાલયે તેને 'પીએચડી'ની ઉપાધી આપી હતી. વિલીયમ હર્ષલની બહેન કેરોલીને આઠ ધુમકેતુ શોધી કાઢ્યા હતા. વિશ્વમાં પ્રથમ ધુમકેતુ શોધનાર મહીલા તરીકે 'કેરોલીન' પ્રખ્યાત છે. શું તમને નથી લાગતું કે તમારાં નામનો કોઈ ધુમકેતુ હોવો જોઈએ. ખેર... નવી શોધ ન કરો તો કાંઈ નહી. ૨૦૧૩માં 'કોમેટ આઈસોન'નાં દર્શન કરવાનું ચુકશો નહીં.

No comments: