Sunday 9 December 2012

નોબેલ પ્રાઈઝ:-પિક્ચર અભી બાકી હૈ!

ફ્‌યુચર સાયન્સ - કે.આર ચૌધરી


- આ વર્ષનાં નોબેલની ખાસીયત એ છે કે વિજ્ઞાાનક્ષેત્રનું દરેક પ્રાઈઝ વૈજ્ઞાાનિક જોડીને આપવામાં આવ્યું છે. સંશોધન એકદમ તરોતાજા પણ નથી. 'સાયન્સ ફિક્શન' જેવી લાગતી શોધોનાં અસલી ઉપયોગ અને સામાન્ય માનવીને કામ લાગે તેવાં પરિણામો તત્કાળ નહીં પરંતુ ભવિષ્યમાં મળે તેમ છે. ટુંકમાં કહી શકાય કે આ એક ઈન્ટરવલ છે. 'પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત.'


થોડા દિવસો પહેલાનીજ વાત છે. સર્ગે હેરોચ પેરીસની શેરીમાં ચાલી રહ્યો હતો. અચાનક તેના સેલફોન ઉપર એક ફોન આવ્યો. ફોન કરનારી વ્યક્તિની વાતમાં હેરોચને વિશ્વાસ પડયો નહી. નજીકમાં રોડના કિનારે એક બેંચ દેખાઈ અને સર્ગે હેરોચ તેના ઉપર બેસી ગયો. તેમની સાથે તેની પત્ની પણ હતી. બંને જણા ઘર તરફ પાછા જતાં હતાં. જ્યારે સર્ગ હેરોચે મોબાઈલમાં ફોનનો એરીયા કોડ ૪૬ જોયો ત્યારે તેને વિશ્વાસ બેઠો. એરીયા કોડ ૪૬ સ્વીડનનો હતો. ખુશીનાં સમાચાર પોતાનાં સાથીને સંભળાવવા તેણે તેના સહકાર્યકરને ફોન લગાવ્યો. તેમાનો એક કોલેજમાં લેકચર આપી રહ્યા હતાં. તેણે કહ્યું, 'હું લેકચરમાં છું. કોલ યુ લેટર.' હેરોચે તેને ટેક્ષ મેસેજ SMS કર્યો. 'તરાં લેકચરને થોડો વિરામ આપ. તત્કાળ મને ફોન કર.' બસ આવીજ હાલત કોબીલ્કાની હતી.
૫૭ વર્ષનાં બ્રાયન કોબીલ્કા ઉપર ફોન આવ્યો. તેણે પહેલીવાર તો ફોન ઉઠાવ્યો જ નહીં. થોડીવાર રહી બીજો ફોન આવ્યો. આ વખતે તેણે ફોન ઉઠાવ્યો. સામે છેડે રહેલ વ્યક્તિ તેને અભિનંદન આપી રહી હતી. કોબીલ્કાને લાગ્યું કે સામે છેડે રહેલ વ્યક્તિ મજાક કરી રહી છે. સામે છેડે વ્યક્તિઓ બદલાતી રહી. કુલ પાંચ વ્યક્તિએ બ્રાયન સાથે વાત કરી હતી. બ્રાયનને લાગ્યું કે એક વ્યક્તિ જરૃર મજાક કરી શકે. પાંચ વ્યક્તિ નહીં. તેમનાં અંગ્રેજી ઉચ્ચારમાં લખણ સ્વીડીશ હતી. છેવટે બ્રાયન કોબીલ્કાએ તેમની વાત માની લીધી અને આભાર વ્યક્ત કર્યો.
જ્હોન ગર્ડોનને સમાચાર અલગ રીતે મળ્યા. સોમવારની સવારે ૭.૩૦ વાગે તેણે ગર્ડોનની લેબોરેટરીમાં ફોન કર્યો હતો. ૭૯ વર્ષનાં સર જ્હોન ગર્ડોનનાં નામે રિસર્ચ લેબોરેટરી ચાલે છે. વિજ્ઞાાન જગતમાં તેઓનું નામ માન સાથે લેવાય છે. તેમનાં ઉપર ઈટાલીઅન પેપરનાં જર્નાલીસ્ટનો ફોન આવ્યો. બરાબર એક કલાક બાદ સર ગર્ડોન ઉપર સ્ટોકહોમથી ઓફીસીઅલ કોલ આવ્યો. ઈટાલીઅન ન્યુઝ રિપોર્ટરે આપેલ સમાચાર સાચા પડયાં હતાં.
ગઈકાલ સુધી સર જ્હોન ગર્ડોન અને શીન્યા પામાનાકા, બ્રાયન કોબીલ્કા અને રોબર્ટ લેફકોવિટ્ઝ, સર્ગે હેરોચ અન ડેવિડ વાઈનલેન્ડને વિજ્ઞાાન જગત સીવાય કોઈ ઓળખતું નહતું. છએ વ્યક્તિ સાથે સ્વીડનમાં સ્ટોકહોમમાં બેઠેલ 'સ્ટોકહોમ સિન્ડીકેટ'નાં હુલામણા નામે જાણીતા લોકોએ વાત કરી હતી અને સમાચાર આપ્યા હતાં. વિજ્ઞાાન ક્ષેત્રમાં તેમણે કરેલ નોંધપાત્ર શોધ બદલ ૨૦૧૨નું નોબેલ પ્રાઈઝ તેમને એનાયત કરવામાં આવે છે. સમાચાર મીડીયા પાસે પહોંચતાં, છએ વ્યક્તિ રાતોરાત વિજ્ઞાાન જગતની સુપરસ્ટાર સેલીબ્રીટી બની જાય છે. સમાચાર પત્રો અને ખાસ મીડીયા છએ વ્યક્તિને પરદા પાછળથી લાવીને 'પોપ્યુલર' બનાવી દે છે. દર વર્ષે ઓક્ટોબર મહીનાની શરૃઆતમાં વિશ્વ વિખ્યાત 'નોબેલ પ્રાઈઝ'ની જાહેરાત કરવામાં આવે છે.
આ વર્ષે રસાયણશાસ્ત્રનાં નોબેલ પ્રાઈઝ માટે અમેરિકન જોડી રોબર્ડ લેફકોવિટ્ઝ અને બ્રાયન કોબીલ્કાની પસંદગી કરવામાં આવી છે. મજાની વાત એ છે કે બંને વૈજ્ઞાાનિક રસાયણશાસ્ત્રીઓ નથી. લેફકોવિટ્ઝ અને કોબિલ્કા બંને મેડિકલ ક્ષેત્રે કાર્યરત છે. બંને ડોક્ટર છે અને 'એમડી'ની (ડોક્ટરેટ ઓફ મેડિસીનઃ ડીગ્રી ધરાવે છે. જી-પ્રોટીન કપલ્ડ રિસેપ્ટરને લગતાં તેમનાં સંશોધનને 'નોબેલ' માટે પસંદ કરવામાં આવ્યું છે. માનવીની વિવિધ સંવેદનાઓ, જેમ કે પ્રકાસ પ્રત્યેનું સંવેદન, સ્વાદ પ્રત્યેનું સંવેદન, ગંધ પ્રત્યેનાં સંવેદનોને કોષ લેવલે એટલે કે 'સેલ'ને પહોંચાડવામાં જી-પ્રોટીન કપલ્ડ રિસેપ્ટરોનો મોટો ફાળો છે. સવાલ એ થાય કે તબીબી ક્ષેત્ર સાથે સંકળાયેલા શોધ અને શોધકોને રસાયણશાસ્ત્રનું 'નોબેલ' પ્રાઈઝ શા માટે આપવામાં આવ્યું છે.
બંને વૈજ્ઞાાનિકોનું સંશોધન મોલેકયુર લેવલે કઈ રીતે કામ કરે છે તે દર્શાવે છે. વિવિધ જૈવિક રસાયણ જેવા કે પ્રોટીન, હોર્મોન્સ, દવાઓ વગેરે મોલેકયુર લેવલે કઈ રીતે રસાયણીક પ્રક્રિયા કરે છે તેની સમજ વૈજ્ઞાાનિકોને જી-પ્રોટીન કબાક રિસેપ્ટરના સંશોધનથી મળી છે. ટુંકમાં મોલેકયુર બાયોલોજીને મોલેકયુલર કેમેસ્ટ્રી દ્વારા સમજાવવામાં આવી છે. તેમનાં સંશોધનનાં કારણે વૈજ્ઞાાનિકો અને ફાર્માસ્યુટીકલ કંપનીઓ વિવિધ રોગો માટે ડ્રગ્સ ડિન્ઝાઈન કરી શકશે. બસ આ કારણે તબીબીનાં મોલેકપુલર કેમેસ્ટ્રીને નોબેલ પ્રાઈઝ એનાયત કરવામાં આવ્યું છે.
સર જ્હોન ગર્ડોન બ્રિટીશ નાગરિક છે અને, શિન્યા યામાનાકા જાપાની વૈજ્ઞાાનિક છે. તબીબી ક્ષેત્રે ઉપયોગી બની શકે તેવી 'સ્ટેમ સેલ'ને લગતી શોધ માટે આ બેલડીને 'મેડિસીન' ક્ષેત્રનું નોબેલ પ્રાઈઝ આપવામાં આવ્યું છે. બંને વૈજ્ઞાાનિકો વચ્ચે મોટી જનરેશન ગેપ છે. ૧૯૬૨માં દેડકાનાં આંતરડામાંથી કોષ કેન્દ્ર લઈને, ગર્ડોને દેડકાનું ક્લોનીંગ કરી બતાવ્યું હતું. તેમણે સાબીત કરી બતાવ્યું હતું કે શરીરનાં દરેક કોષમાંથી નવો સજીવ પેદા કરી શકાય તેટલો સંપૂર્ણ 'જેનોમ' દરેક કોષ ધરાવે છે. તેમનાં સંશોધનનો આધાર લઈને બ્રિટનનાં ઈઆન વિલ્મુરે એક દાયકા પહેલાં 'ડોલી' નામની ઘેટીનું ક્લોનીંગ કર્યું હતું. ડોલીએ સ્તન્યવંશી પ્રાણીઓમાં પ્રથમ પ્રાણી હતું. જેનું ક્લોનીંગ કરવામાં આવ્યું હતું. બ્રિટીશ છાપાઓ જ્હોન ગર્ડોનને ગોડફાધર ઓફ ક્લોનીંગ કહે છે.
૧૫ વર્ષની ઉંમરે સર જ્હોન ગર્ડોને એક વૈજ્ઞાાનિક બનવાનું સ્વપ્ન નિહાળ્યું હતું. તેનાં સ્કુલ શિક્ષકની રિમાર્કસ આ સંદર્ભમાં યાદ રાખવા જેવી છે. તેનાં સ્કુલ રિપોર્ટમાં શિક્ષકે નોંધ્યું હતું કે 'ગર્ડોનનું કાર્ય સંતાષ થાય એ કક્ષાથી માઈલો દૂર છે. ખરાબ રીતે શીખીને જે રજુઆત કરવામાં આવી છે, તેમાંના સાત ટેસ્ટ પીસ ઉંધા વળી ગયા છે. તેમાનાં એક ટેસ્ટને ૫૦માંથી માત્ર બે માર્ક મળે તેમ છે. તેની કાર્ય ખરાબ છે. જેના કારણે તે અવાર નવાર મુશ્કેલીમાં મુકાય છે. કારણ કે તે કોઈનું સાભળતો નથી અને દરેક કાર્ય પોતાની રીતે કરવા માંગે છે. મને લાગે છે કે તેનો વૈજ્ઞાાનિક બનવાનો આઈડિયા, તેનો વર્તમાનકાળ બતાવે છે કે હાસ્યાસ્પદ, ફારસરૃપ છે. જો તે સાદી જૈવિક હકીકતોને શીખી નહી શકે તો એક નિષ્ણાત બની તેની કામ કરવાની તકો ઘુંધળી છે. તેના પક્ષે અને તેને જે લોકો શીખવી રહ્યાં છે. તેમના માટે પણ આ ખોટી રીતે થતી સમયની બરબાદી છે.'
આવો બેડ રિપોર્ટ ધરાવનારો છોકરો ૧૮ ક્રમે આવે તો કેવું લાગે? તમને લાગે કે આ તો સારું કહેવાય પરંતુ થોભો, કલાસમાં માત્ર ૧૮ વિદ્યાર્થી હોય અને તેનો નંબર ૧૮મો હોય તો? બોટસ ઓફ ધ બોટમ અથવા લોર્ડ ઓફ ધ લાસ્ટ નંબર. ખેર ૭૯ વર્ષે આ વ્યક્તિ એક નિષ્ણાંત બાયોલોજીસ્ટ નહીં પરંતુ, 'નોબેલ પ્રાઈઝ વિનર' સાબીત થાય ત્યારે? સર જ્હોન ગર્ડોનની મહાનતા છે કે ૧૫ વર્ષની ઉંમરનો સ્કુલ રીપોર્ટ સાચવીને મીડીયા સમક્ષ રજુ કરવામાં નાનમ અનુભવતા નથી. અન્ય લોકો અને ખાસ કરીને નવી જનરેશન માટે આ પ્રેરણારૃપ બોધપાઠ છે. સર જ્હોન ગર્ડોને તેમને મળેલ ધનરાશી પીએચડીનાં વિદ્યાર્થીઓ માટે વાપરવાની જાહેરાત કરી છે. સર ગર્ડોનનાં પિતાએ થોડા સમય માટે ભારતમાં બેંકર તરીકે સેવા આપી હતી. જ્યારે માતા શારીરિક શિક્ષણની ટીચર હતી. તેઓ પણ માનતા હતાં કે જ્હોન માટે 'સાયન્સ' હદ બહારની વાત છે.
૧૯૬૨માં સર જ્હોન ગર્ડોને દેડકાનું ક્લોનીંગ કરીને, વિશ્વને સ્તબ્ધ કરી નાખ્યું હતું. તેમની 'ગ્રાઉન્ડ બ્રેકીંગ' ડિસ્કવરીના વર્ષેજ જાપાનનાં શિન્યા યામાતાકાનો જન્મ થયો હતો. સર જ્હોન ગર્ડોનનું સંશોધન આગળ વધારીને તેમણે સ્ટેમ સેલની ગાડીને રિવર્સ ગીઅરમાં દોડાવી હતી. સામાન્ય રીતે સંશોધન માટેનાં સ્ટોમસેલ સ્ત્રીની ગર્ભાવસ્થાનાં શરૃઆતનાં દિવસોમાં ગર્ભમાં વિકસતાં ભુ્રણમાંથી એકઠા કરવા પડે છે. નૈતિક રીતે આ એક સામાજિક સમસ્યા છે. 'સ્ટેમસેલ' જૈવિક રીતે એવાં કોષ છે જેની પાસે તમે ઇચ્છો તે અંગોના કોષોમાં ફેરવાવાની ક્ષમતા રહેલી છે. સ્ટેમ સેલ ચામડી, હૃદય, સ્નાયુ, જ્ઞાાનતંતુઓ, કીડની, અંતસ્ત્રાવની ગ્રંથી ગમે તે પ્રકારનાં કોષોમાં ફેરવાઈ શકે છે. કારણ કે આ તબક્કે તેમનું જીનેટીક પ્રોગ્રામીંગ કાર્યરત હોતું નથી. કોષોનાં નિયમીત તબક્કે તે જીનેટીક ઈન્ફ્રરમેશન અને બાયોલોજીકલ પ્રોસેસનાં ભાગરૃપે અલગ અલગ કોષોમાં ફેરવાઈ જાય છે. પુખ્ત વ્યક્તિનાં શરીરમાં પણ સ્ટેમ સેલ હોય છે. પરંતુ, તે પુખ્ત એટલે કે 'એડલ્ટ' સ્ટેમસેલ હોવાથી તેને કોઈ ચોક્કસ કોષમાંજ ફેરવી શકાય છે. શરીરનાં ગમે તે પ્રકારનાં કોષોમાં ફેરવી શકતા નથી.
શિન્યા યામાનાકાએ જીનેટીક કોકટેલ અને રિપ્રોગ્રામીંગ મેથડ વાપરીને થોડા વર્ષો પહેલાં એટલે કે ૨૦૦૬મા, ઉંદરનાં ચામડીનાં કોષો, ફાઈબ્રોબ્લાસ્ટ વાપરીને સ્ટેમ સેલમાં રૃપાતરીત કર્યા હતાં. ટુંકમાં સ્ટેમ સેલમાંથી ચામડી કે અન્ય અંગોનાં કોષો બનાવી શકાય તેમ હતાં. ત્યારે શિન્યા યામાનાકાએ ગાડીને રીવર્સ ગીઅરમાં દોડાવીને વિવિધ અંગોનાં કોષોનું રિપ્રોગ્રામીંગ કરીને 'સ્ટેમસેલ'માં રૃપાતરીત કર્યા હતાં. જે ભુ્રણમાંથી મળતાં ઈન્ફ્યુસ્ડ પ્લુરીપોટેન્ટ સ્ટેમસેલ (ips calls) જેવા ગુણધર્મો ધરાવતા હતાં. આ કોષો એવા શક્તિશાળી છે જેને શરીરનાં કોઈ પણ કોષોની 'સેલ લાઈન'માં ફેરવી શકાય છે. ૨૦૦૭માં યામાનાકાએ મનુષ્યનાં ફાઈબ્રોબ્લાસ્ટ સેલને iPS કોષોમાં ફેરવી નાખ્યા હતાં. પ્રયોગોની શરૃઆતમાં તેમને લાગ્યું હતું કે પુખ્ત કોષોને સ્ટેમસેલમાં રૃપાંતર કરવા માટે ૨૪ જેટલાં ટ્રાન્સફ્રીપ્શન ફેક્ટરની જરૃર છે જે ભુ્રણનાં શરૃઆતનાં વિકાસ માટે જરૃરી છે. છેવટે તેઓ માત્ર ચાર ટ્રાન્સફીપ્શન ફેક્ટર વાપરીને પણ પ્રયોગોમાં સફળતા મેળવી હતી.
યામાનાકાનાં પ્રયોગોએ ભુ્રણમાંથી મેળવવા પડતાં સ્ટેમસેલની સમસ્યાનો અંત આણી દીધો છે. હવે મનુષ્યની ચામડીનાં કોષોનું રી-પ્રોગ્રામીંગ કરી તેને સ્ટેમસેલમાં ફેરવી શકાશે. આવા કોષોને ત્યારબાદ તબીબી સારવારમાં વાપરી શકાશે. કોષો દર્દીનાં પોતાના શરીરનાં જ હોવાથી તેમાંથી વિકસાવેલ અંગો કે તેનાં ભાગને દર્દીનું શરીર 'રીજેક્ટ' કરશે નહીં. વિવિધ અંગોનાં પ્રત્યારોપણ પછી મનુષ્યની રોગ પ્રતિકારક શક્તિને દબાવી રાખે તેવાં 'ઈમ્યુનોસપ્રેસીવ ડ્રગ્સ'ને પણ જીવનભર લેવાની જરૃર પડશે નહીં. જોકે તબીબી સારવાર માટે 'સ્ટેમસેલ'નું ક્ષેત્ર પ્રાયોગીક તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. પરંતુ તેનું ભવિતા ખૂબ જ ઉજવળ છે. શિન્યા યામાનાકાને આ વર્ષે ફિનાલેન્ડનો પ્રતિષ્ઠા સભર એવોર્ડ 'ધ મિલેનિયમ ટેકનોલોજી પ્રાઈઝ' પણ મળ્યો છે. આ એવોર્ડ તેમને કોમ્પ્યુટર ક્ષેત્રે 'લીનક્ષ' તરીકે ઓળખાતી, ફ્રી ઓફ ચાર્જ મળતી ઓપરેટીંગ સીસ્ટમનો વિકાસ કરનાર લાયનસ ટેરોવાલ્ડ સાથે ભાગીદારીમાં મળ્યું છે.
અમેરિકન વૈજ્ઞાાનિક ડેવિડ જે વાઈનલેન્ડ અને ફ્રેન્ચ ભૌતિકશાસ્ત્રી સર્ગે હેરોચને આ વર્ષનું ભૌતિકશાસ્ત્રનું નોબેલ પ્રાઈઝ મળ્યું છે. નોબેલ પ્રાઈઝ આપતી વખતે રોયલ સ્વીડીશ એકેડમી ઓફ સાયન્સ નોધે કે (પરમાણુ કક્ષાએ) ચોક્કસ પ્રકારનાં કણોની ક્વોન્ટમ સીસ્ટમને માપવા અને ઉપયોગ કરવાની સીસ્ટમ વિકસાવવા માટે આ પ્રાઈઝ આપવામાં આવ્યું છે. રોજીંદી ભાષામાં કહીએ તો, હાલમાં કોમ્પ્યુટર કરતાં અનેક ઘણા ફાસ્ટ 'ક્વોન્ટમ કોમ્પ્યુટર'નો વિકાસ કરી શકાય તેવો 'ક્વોન્ટમ ફિલ્ડ ઈફેક્ટ'નાં સંશોધન માટે ભૌતિકશાસ્ત્રનું નોબેલ પ્રાઈઝ આપવામાં આવ્યું છે. આ બંને વૈજ્ઞાાનિકોએ એકબીજાથી અલગ દૃષ્ટિકોણ વાપરીને સંશોધન કર્યું છે. એક વૈજ્ઞાાનિકે ઈલેક્ટ્રોનનો ઉપયોગ કરીને પરીણામ મેળવ્યા છે. જ્યારે બીજા વૈજ્ઞાાનિકે ફોટોનનો પ્રયોગોમાં ઉપયોગ કર્યો છે. સામાન્ય રીતે મેટર એટલે કે ઉપર પ્રવર્તમાન ભૌતિકશાસ્ત્રનાં નિયમો લાગુ પડે છે. જેને કલાસીકલ ફીજીક્સ કહે છે. હવે જ્યારે પરમાણુથી વધારે સુક્ષ્મ કક્ષાએ એટલે કે પરમાણુ રચનારા આદીકણોની કક્ષાએ કલાસીકલ ફીજીક્સનાં નિયમો લાગુ પડતા નથી. એટમ એટલે પરમાણુથી નાના સ્કેલ ઉપર કણોની વર્તુણક ખૂબ જ વિચિત્ર અને અલગ હોય છે. જેને ્કવોન્ટમ ફીજીક્સ વડે જ સમજાવી શકાય છે. અને તેને સમજાવવા એડવાન્સ મેથેમેટીક્સ વપરાય છે. વૈજ્ઞાાનિકોની મુખ્ય સમસ્યા એ છે કે કણોની 'ક્વોન્ટમ પ્રોપટી' સમજવા તેને પ્રયોગશાળામાં અલગ તારવવા ખુબ જ મુશ્કેલ છે. બીજી સમસ્યા એ છે કે જેવાં આ કણોને તેની સિસ્ટમમાંથી અલગ કરો એટલે બહારનાં વાતાવરણ સાથે પ્રક્રિયા પામતાં તે પોતાનાં રહસ્યમયી 'ક્વોન્ટમ ગુણધર્મો'નો ત્યાગ કરી નાખે છે.
બંને વૈજ્ઞાાનિકોએ તેમની પ્રયોગશાળામાં ક્ષણભંગુર કહેવાય તેવાં ક્વોન્ટમ સ્ટેટમાં રહેલ કણો ને નિહાળવાના, નિયમીત કરવાના અને કણોની ગણતરી કરી શકાય તેવી પદ્ધતિ અને સાધનોનો વિકાસ કર્યો છે. પહેલાં જે પ્રત્યક્ષદર્શી અવલોકન વડે 'ક્વોન્ટમ સ્ટેટ' જોઈ શકાતું ન હતું. તેને સીધા જ અવલોકનો કરી શકાય તેવું બનાવ્યું છે. બંને વૈજ્ઞાાનિકો ક્વોન્ટમ ઓપ્ટીક્સ ક્ષેત્રે કામ કરી રહ્યાં છે. પદાર્થ અને પ્રકાસનાં કણો એકબીજા સાથે કઈ રીતે કામ કરી રહ્યાં છે. તેનો તેઓ અનયાસ કરે છે. ડેવીડ વાઈનલેન્ડ પ્રકાસનાં કણો ફોટોન વાપરીને ક્વોન્ટમ સ્ટેટમાં ઈલેક્ટ્રોનને કંટ્રોલ કરવાની અને માળવાની પદ્ધતિ વિકસાવી છે. પ્રકાસનાં કણોમાં તેમણે 'લેસર' બીમનો ઉપયોગ કર્યો છે. જ્યારે સર્ગે હેરોચે ઈલેક્ટ્રોન અને તેનાં દ્વારા પેદા થતાં વિધૃત ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરીને ફોટોનને માપવાની અને કંટ્રોલ કરવાની પદ્ધતિ વિકસાવી છે.
આ પ્રયોગોમાં એક ક્વોન્ટમ મિકેનિક્સની વિચિત્ર વર્તુણક જોવા મળી છે. જેને 'સુપર યોજીસન' કહે છે. ખુબ જ નાના કણો ડબલ રોલ ભજવતા હોય તેમ બે અલગ અલગ સ્થાને જોવા અને પ્રક્રિયા કરતાં જોવા મળ્યા છે. જોકે તેમની વચ્ચેનું અંતર ખુબ જ સુક્ષ્મ એટલે કે ૮૦ નેનોમીટર જેટલું દુર હોય છે. સૈદ્ધાન્તિક રીતે આ બાબત બહુ જ પહેલાં વૈજ્ઞાાનિકોનાં ધ્યાનમાં આવી હતી. પરંતુ પ્રયોગશાળામાં તેેેને દર્શાવવી અઘરી હતી.
ક્વોન્ટમ સ્ટેટનો ઉપયોગ ક્વોન્ટમ કોમ્પ્યુટર બનાવવામાં થઈ શકશે. હાલનાં કોમ્પ્યુટરની વાત કરીએ તો, જેમ એક સેલ્સમેન નિયમિત જગ્યાએ જવા માટે બધા જ રૃટ ઉપરથી પસાર થાય છે અને પછી નક્કી કરે છે કે ટુકો રસ્તો ક્યો છે? જ્યારે ક્વોન્ટમ કમ્પ્યુટરમાં કણ એક સાથે બધા જ શક્ય રૃટ ઉપર જઈ એકજ ઝાટકે નક્કી કરી નાખશે કે ટુકો માર્ગ ક્યો છે? આ હિસાબે ક્વોન્ટમ કોમ્પ્યુટીંગ કોમ્પ્યુટરનો આખો યુગ બદલવાની ક્ષમતા રાખે છે.
જોકે આ વર્ષનાં નોબેલની ખાસીયત એ છે કે વિજ્ઞાાનક્ષેત્રનું દરેક પ્રાઈઝ વૈજ્ઞાાનિક જોડીને આપવામાં આવ્યું છે. સંશોધન એકદમ તરોતાજા પણ નથી. 'સાયન્સ ફિક્શન' જેવી લાગતી શોધોનાં અસલી ઉપયોગ અને સામાન્ય માનવીને કામ લાગે તેવાં પરિણામો તત્કાળ નહીં પરંતુ ભવિષ્યમાં મળે તેમ છે. ટુંકમાં કહી શકાય કે આ એક ઈન્ટરવલ છે. 'પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત.'

No comments: