Sunday 9 December 2012

‘સ્ફીંક્સ’ના ભેદભરમ...

ઇજીપ્તના પિરામિડોના રખેવાળ ગણાતા ‘સ્ફીંક્સ’ના ભેદભરમ...

ફ્‌યુચર સાયન્સ - કે.આર ચૌધરી


- પ્રાચીન ‘કોસ્મિક એનર્જી મશીન’ની અઘૂરી દાસ્તાન

- દુનિયાના ભેદભરમ જાણનારો સ્ફીંક્સ પોતાના દુનિયાભરના ભેદભરમ છુપાવીને બેઠો છે.આખરે સ્ફીંક્સ શું છે ? આપણે તેને સ્ફીંક્સ કહીએ છીએ પરંતુ તેના સર્જકે તેને શું નામ આપ્યું હતું ? આપણે જાણતા નથી.

એનો ચહેરો એ જગવિખ્યાત સિમ્બોલ બની ચૂક્યો છે. તેનું નાક તૂટેલું છે પણ તેનાથી તેની જોવાની ‘દ્રષ્ટિ’ ઉપર ફરક પડ્યો નથી. છેલ્લા સાડા ચાર હજાર વર્ષોથી એ સાક્ષીભાવે ઉભો છે. તે બદલાતી દુનિયાને નિહાળતો આવ્યો છે. તેના સર્જકોનું પતન થતા અને તેમના સ્મારકો બનતા તેણે નિહાળ્યા છે. તેની આગળથી રીમસેસ દ્વિતીયનું લશ્કર પસાર થયું હતું. અહીંથી એલેકઝાન્ડર ધ ગ્રેટ તેના ગ્રીક સૈનિકોને લઈ વિશ્વવિજેતા બનવા નીકળ્યો હતો. રોમન સૈન્ય અહીંથી ‘સીઝર’ સાથે પસાર થયું હતું તેણે નેપોલીઅન અને તેના લશ્કરને પસાર થતા પણ જોયું છે. બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટિશ આર્મી રોમેલ સામે લડવા નીકળ્યું હતું. જર્મનીનો આ ફિલ્ડ માર્શલ ‘ડેઝર્ટ ફોક્સ’ તરીકે જાણીતો હતો. એનાથી એને કોઈ ફરક પડે તેમ ન હતો કારણ કે તે ‘ડેઝર્ટ લાયન’ કરતા વધારે ઉંચો સાબિત થયો હતો. તેણે ક્ષિતિજોની રક્ષા કરી છે. પિરામીડોનો તે રખેવાળ ગણાય છે. સૂર્યને પૂર્વમાં ઉગતો જોવો એ તેનું ‘દૈનિક’ કામ છે. એની આંખોમાં આગળથી ‘સમય’, ‘કાળ’, ‘સદીઓ’ અને સહસ્ત્રાબ્દીઓ પસાર થઈ ચૂકી છે. દુનિયાના ભેદભરમ જાણનારો તે, પોતાના દુનિયાભરના ભેદભરમ છુપાવીને બેઠો છે.

ઇતિહાસ, સભ્યતા, સંસ્કૃતિ, સાયન્સ અને આર્કીઓલોજી બધા જ તેને ‘સ્ફીંક્સ’ તરીકે ઓળખે છે. પ્રાચીનથી આઘુનિક ઇજીપ્તનો તે ‘આઇકોન’ છે. ઇજીપ્તના પીરામીડોને તેણે અનોખી અદા આપી છે. આખરે સ્ફીંક્સ શું છે ? આપણે તેને સ્ફીંક્સ કહીએ છીએ પરંતુ તેના સર્જકે તેને શું નામ આપ્યું હતું ? આપણે જાણતા નથી.

૧૯૬૦ના દાયકામાં માર્ક લેહનર કિશોરાવસ્થામાં હતા. તેના પિતાજીએ તેને એક ભવિષ્યવાણી કરનારા એડગર કેસીના લખાણ વાચવા આપ્યા હતા. એડવર્ડ કેસી ખ્રિસ્તી હતો અને ‘ફેઇધ હિલીંગ’નો આશરો લઈને લોકોના દુઃખ-દર્દ દૂર કરતા હતા. ત્યારબાદ તેઓ અર્ધતંદ્રાવસ્થામાં પહોંચી જતા અને અનેક ભવિષ્યવાણીઓ કરતા હતા. તેમની ભવિષ્યવાણી ગૂઢ ન હતી છતાં વિવાદાસ્પદ બની હતી. તેઓ ‘આટલાન્ટીસ’ની ખોવાયેલી દુનિયામાંં વિશ્વાસ રાખતા હતા અને એક વાર તેમણે ભવિષ્યવાણી કરી કે, ‘ખોવાયેલી દુનિયા આટલાંટીસના નિરાશ્રિતોને તેમણે તંદ્રાવસ્થામાં નિહાળ્યા છે. તેઓ તેમના રહસ્યોને ‘સ્ફીંક્સ’’ નીચે આવેલા હોલ ઓફ રેકોર્ડમાં છૂપાવી રહ્યા છે. આ હોલ ઓફ રેકોર્ડની શોધ વીસમી સદીના અંત ભાગમાં થશે.’’

૧૯૭૧માં માર્ક લેહનરે યુનિવર્સિટીનો અભ્યાસક્રમ છોડી દીધો ત્યારે તેને આટલાન્ટીસની ખોવાયેલી દુનિયા શોધવાની કોઈ ઇચ્છા ન હતી પરંતુ નસીબ તેને ઇજીપ્તના ‘સ્ફીંક્સ’ના આંગણે લાવી મૂકે છે. એડગર કેસીના એ સ્થપાયેલા ફાઉન્ડેશન દ્વારા માર્ક લેહનરને ‘ગીનીના પીરામીડ અને સ્ફીંક્સ’ની મુલાકાત લેવાનો અવસર મળે છે. અહીંથી સ્ફીંક્સમાં તેનો રસ જાગૃત થાય છે. કેસી ફાઉન્ડેશનની મદદથી તે અમેરિકન યુનિવર્સિટી ઓફ કેરો અભ્યાસ પૂર્ણ કરી ઇજીપ્તની દિશા પકડે છે. ઇજીપ્તની સ્ત્રી સાથે લગ્ન કરી ‘સ્ફીંક્સ’’ના ભેદભરમ ઉકેલવા મથે છે. સ્ફીંક્સના રહસ્ય ઉકેલવાનો પ્રયત્ન આ પહેલા ઘણા લોકો કરી ચૂક્યા હતા. પોતાની ડ્રાફ્‌ટીંગ સ્કીલથી તેણે ઇજીપ્તના બધા જ સ્મારકોનો આર્કીયોલોજીકલ મેપ તૈયાર કર્યો હતો. ૧૯૭૭માં તેણે સ્ટેનફોર્ડ રિસર્ચ ઇન્સ્ટીટયૂટમાં પ્રવેશ મેળવ્યો. એક વૈજ્ઞાનિક માફક રિમોટ સેન્સંિગ ઇક્વિપમેન્ટ વાપરીને સ્ફીંક્સ નીચે આવેલા બેડરોકનો અભ્યાસ અને પૃથક્કરણ કરાવ્યું હતું. અહીં તેમણે યુવાન આર્કિલોયોજીસ્ટ ઝાહી હવાસ સાથે કામ શરું કર્યું હતું.

દાયકા બાદ ઝાહી હવાસ ઇજીપ્તની પ્રાચીનતા અને પુરાતત્ત્વ વિજ્ઞાનના માંધાતા તરીકે નામના મેળવવાના હતા જેટલી ઝડપે ઝાહી હવાસ સફળતાની સીડીઓ ચડી રહ્યા હતા તેટલી જ ઝડપે ઇજીપ્તની સરકારે તેમને ઇજીપ્તના પ્રાચીનતા અને પીરામીડને લગતા ખાસ વિભાગના મિનિસ્ટર પદેથી હાલમાં ઉતારી મૂકેલ છે. ખેર ગાડીને પાછા મૂળ પાટા પર લાવીએ તો...

માર્ક લેહનર જણાવે છે કે, સ્ફીંક્સનો પેસેજ અને ગુપ્ત ભાગ, ખજાનો શોધનારા વર્ષો પહેલાં જ હાથ અજમાવી ગયા હતા. મતલબ કે એકવાર કેસીએ ભવિષ્યવાણી કરી હતી કે ‘આટલાન્ટિસ’ નગરીના રહસ્યો ત્યાંથી મળી આવવાની શક્યતા રહેતી ન હતી. ‘આટલાંન્ટીસ’ને થોડીવાર બાજુમાં મૂકીએ તો સ્ફીંક્સને લગતા રહસ્યો અને ભેદભરમોની ભરમાર ક્યાં ઓછી હતી ?

આજની તારીખે સ્ફીંક્સની રચના કોણે કરી હતી એ રહસ્ય છે ! આજુબાજુ આવેલા પિરામિડ સાથે સંિહના શરીર અને સંભવત રાજા કે ઇશ્વર જેવો માનવીય ચહેરો ધરાવતા ‘સ્ફીંક્સ’ને શું સંબંધ છે ? આવા અનેક સવાલો ઉત્તરહીન છે જેના જવાબ મળ્યા નથી માટે સવાલો ‘રહસ્યમય’ બની ગયા છે ! માર્ક લેહનરે પાંચ વર્ષ સુધી સ્ફીંક્સ અને અમેરિકાની તેની ઓફિસ વચ્ચે આવનજાવન અને ‘અઠે દ્વારકા’ કરી હતી. ‘સ્ફીંક્સ’ની દરેક ચોરસ ઇંચ સપાટી તેમણે તપાસી છે તે યાદ કરતા કહે છે કે, લીલીપુટ ટાપુ પર આવી ચડેલ ગુલીવર્સના શરીર ઉપર જેમ વેંતિયાઓ ચડઉતર કરતા હોત તેમ મેં સ્ફીક્સનો દરેક પત્થર ફંફોસ્યો છે. દરેક પથ્થરનું તેમણે મેપિગ કર્યું હતું તેમના સંશોધનના કારણે સ્ફીંક્સની વાસ્તવિકતા વિશ્વ સમક્ષ છતી થઈ. ત્યારબાદ તેનું પાંચ વાર સમારકામ અને બચાવકાર્ય થયું હતું જેનો શ્રેય માર્કલેહનરના સંશોધનને જાય છે. માર્ક લેહનરના સંશોધનથી પ્રભાવિત થયેલ યેલ યુનિવર્સિટીએ ઇજીપ્નોલોજીમાં તેમને ડોક્ટરેટની પદવી આપેલ છે. આજે તેમની ગણના વિશ્વના ટોચના ઇજીપ્ત વિદ્યાના જાણકાર અને સ્ફીંક્સ ઉપર ‘ઓથોરીટી’ તરીકે થાય છે. ઝીન્ડાની તેમની પ્રથમ મુલાકાતથી લઈને ૩૭ વર્ષ સુધી તેમણે ફિલ્ડ રિસર્ચનું કામ કર્યું છે. તેમના સંશોધનમાંથી ઘણી રસપ્રદ વિગતો જાણવા મળે છે જેવી કે...

પિરામીડની માફક સ્ફીંક્સનું બાંધકામ એક એક પત્થર ગોઠવીને કરવામાં આવ્યું નથી. વિશાળકાય સ્ફીંક્સ ૬૬ ફૂટ ઉંચુ (સાતમાળના બિલ્ડીંગ જેટલું) અન ૨૪૦ ફૂટ લાંબુ છે. એક આખી પહાડીમાંથી કોતરી કાઢેલ વિશ્વનું સૌથી વિશાળ અને પ્રાચીન બાંધકામ (મોનોલીથીક સ્ટ્રક્ચર) ‘સ્ફીંક્સ’ છે. સ્ફીક્સનું સાચું નામ કોઈ જાણતું નથી તેના બાંધકામ બાદ લગભગ ૨૦૦૦ વર્ષ બાદ આ વિશાળકાય સ્થાપત્યને સ્ફીંક્સ નામ મળ્યું હતું. ગીના ખાતે સેંકડો ફારોહની કબર છે અને અનેક પિરામિડ છે પરંતુ ૯૫૦૦ વર્ષ પ્રાચીન ગણાતા ઇજીપ્તની કોઈ પણ હેઇરોગ્રાફીક ઇન્સ્ક્રીપ્શ (ચિત્રલિપિ)માં ક્યાંય સ્ફીંક્સનો ઉલ્લેખ સુઘ્ધા નથી. બ્રાઉન યુનિવર્સિટીના ઇજીપ્તોલોજીસ્ટ કહે છે કે, ‘ઇજીપ્તના લોકોએ ઇતિહાસ શબ્દસ્વરૂપે લખ્યો નથી.’ કદાચ તેમણે પત્થરોમાં પ્રાણ પૂરીને પીરામિડોમાં ઇજીપ્તનો ઇતિહાસ સાચવી રાખ્યો છે. સ્ફીંક્સના નામોલ્લેખની માફક તેને પીરામિડ સાથે શા માટે રચવામાં આવ્યો છે તેના ઉદ્દેશ્ય વિશે પણ નિષ્ણાતો અંધારામાં છે. માત્ર એક કલ્પના કરવામાં આવે છે કે, ડબલ લાયન ગોડ પ્રવેશદ્વાર આગળ બેસીને ભૂગર્ભની દુનિયા જ્યાં ફારોહ દફન થયા છે. અને ક્ષિતિજ જ્યાંથી સૂર્ય ઉગે છે અને આથમે છે તેનું રક્ષણ કરી રહ્યા છે.

યાદ રહ કે ઇજીપ્તના ફારોહ સૂર્ય એટલે કે ‘રા’ની ઉપાસના અને પૂજા કરતા હતા. હજારો વર્ષોથી પ્રશ્ચિમ સહારા રણના કિનારે સ્ફીંક્સ રેતીમાં દટાયેલું પડ્યું હતું. ૧૮૭૩માં સાહસિક કેપ્ટન ગોવાની બાતિસ્ટા કેવરલીયાએ ૧૬૯ માણસોની ફોજ લઈને સ્ફીંક્સને રેતીમાંથી ખોદી કાઢવાનો મોડર્ન પ્રયાસ કર્યો હતો. જેટલી ઝડપ તેઓ રેતી ખોદી કાઢતા હતા એટલી જ ઝડપેથી રેતી પાછી ખોદેલા ખાડાને પૂરી નાખતી હતી. છેવટે ઇજીપ્તના આર્કિયોલોજીસ્ટ સલીમ દાસનને સ્ફીંક્સને રેતીમાંથી બહાર કાઢીને આજની અવસ્થામાં લાવી મૂક્યું હતું.

પ્રાચીન ઇજીપ્તના વિષય નિષ્ણાતો અને પુરાતત્ત્વ વિશેષજ્ઞો વચ્ચે વિવાદ ચાલે છે કે સ્ફીંક્સની રચના કોણે કરી હતી ? લેહનર, ઝીરી હવાસ અને અન્ય લોકો એ બાબતે સહમત છે કે ઇજીપ્તના ‘ઓલ્ડ કંિગ્ડમ’ પિરિયડમાં ફારોહ ખાદ્રેએ ઇ.સ. પૂર્વે ૨૬૦૦માં સ્ફીંક્સનું બાંધકામ શરુ કરાવ્યું હતું. સામાન્ય આંતરવિગ્રહ અને દુષ્કાળના કારણે તેવું બાંધકામ લગભગ ૫૦૦ વર્ષ ચાલ્યું હતું. ઇજીપ્તના હેઇરોગ્રાફીનું લખાણ દર્શાવે છે કે ખાફ્રેના પિતા ખુક્કુએ ઇજીપ્તમાં ગીના ખાતે આવેલ વર્લ્ડ ફેમસ ૪૮૧ ફૂટ ઉંચાઈનો પિરામિડ બંધાવ્યો હતો. તેનાથી અડધો કિ.મી. જેટલે દૂર સ્ફીંક્સની રચના કરવામાં આવી છે. ખાફ્રેએ સ્ફીંક્સ ઉપરાંત પોતાનો પિરામિડ પણ બંધાવ્યો હતો જેને તેના પિતાના પિરામિડ કરતાં ૧૦ ફૂટ નીચો રાખ્યો હતો જે વળી પાછો સ્ફીંક્સ કરતાં અડધો કિ.મી. પાછળ છે. સ્ફીંક્સનો સંબંધ ખાફ્રે સાથે છે એ વાત લેહનરના સંશોધનથી સાબિત થાય છે. પરંતુ આ પ્રકારનો આઇડિયા ૧૯૫૩થી નિષ્ણાતોમાં ચર્ચાતો હતો. ઇજીપ્તની આઇકનોગ્રાફીનો અભ્યાસ કરીને જર્મન આર્કિયોલોજીસ્ટ રેઇનર સ્ટેડેલમાન પણ આ વાતમાં સહમત છે. ઇંગ્લીશ જીઓલોજીસ્ટે રેઇનર સ્ટેડેલમાન પણ આ વાતમાં સહમત છે. ઇંગ્લીશ જીઓલોજીસ્ટે ખુડ્ડુના પત્થરોની ક્વોરી શોધી કાઢીને એ વાતને વધારે વિવાદાસ્પદ બનાવી હતી.

સ્ફીંક્સના પૂતળાનું ઉર્ઘ્વદ્વાર દિશામાં થયેલ ખવાણનું કારણ લાંબો અને એકધાર્યો વરસાદ હોવાનું વૈજ્ઞાનિકો માને છે. ફારોહ ખાફ્રેના સમય બાદ ઇજીપ્તમાં ઓછો વરસાદ અને દુકાળ સામાન્ય ઘટના હતી. બોસ્ટન યુનિ.ના ભુસ્તરશાસ્ત્રી રોબર્ટ સ્કોમ અને જ્હોન એન્થની વેસ્ટ જે ઇજીપ્તની પ્રાચીન વિદ્યાઓનો વિશેષજ્ઞ છે તેમના મત પ્રમાણે જો સ્ફીંક્સના પૂતળાનું ખવાણ પુષ્કળ વરસાદને કારણે થયું હોય તો તેનું બાંધકામ ફારોહ- ખાફ્રેના સમગ્ર પહેલા થવું જોઈએ.

સ્ફીક્સની રચના પાછળ એક ઓરાયન કેલરીલેશન થિયરી પણ રજૂ કરવામાં આવે છે. આ થિયરી ગ્રેહામ હેનકોક અને રોબર્ટ બોવલ દ્વારા રજૂ થઈ હતી. લેખક કહે છે કે, ઓરાયન બેલ્ટ એટલે કે મૃગશીર્ષ તારામંડળના ત્રણ તારાઓના સ્થાનને અનુરૂપ ગીન્ડા ખાતે ત્રણ વિશાળ પિરામિડ બંધાયા છે. આ પ્રકારની ખગોળીય ઘટના ઇ.સ. પૂર્વે સાડા દસ હજાર વર્ષોમાં થઈ હતી. સ્ફીંક્સ, ગ્રીનાના પિરામિડ અને નાઇલ નદીનું તારામંડળ, મૃગશીર્ષ તારા મંડળ, અને આપણી આકાશગંગા ‘મિલ્કી’ જેવો સંબંધ છે એક અન્ય લેખક રોબર્ટ ટેમ્પલ વળી અલગ વાત કરે છે. ‘સ્ફીંક્સ’એ, નેફ્રોપોલીસનો જેકલ- ડોગ તરીકે જાણીતા ઇશ્વર ‘અનુબીસ્ટ’નું જ પૂતળું છે. ‘સ્ફીંક્સ’ની માફક તેનું તૂટેલું નાક અને દાઢી પણ રહસ્યમય ઘટના છે. સ્ફીંક્સનું નાક અને દાઢી ક્યારે તૂટી ગયા હતા તે સમય બાબતે પણ નિષ્ણાતોમાં એકમત નથી. કેટલાક માને છે કે નેપોલિયનના લશ્કરે તોપમારો કરીને ‘સ્ફીંક્સ’નું નાક તોડી નાખ્યું હતું. જો કે, ૧૭૩૭માં ડેનિસ કલાકાર હોરોના સ્ફીંક્સના ચિત્રો ૧૭૫૫માં રજૂ થયા હતા જેમાં સ્ફીંક્સનું નાક તૂટેલું જ દેખાય છે. આ સ્કેચ ૧૭૫૫માં પ્રકાશિત થયા હતા. જે સાબિત કરે છે કે નેપોલિયનના લશ્કરે સ્ફીંક્સનું નાક તોડ્યું ન હતું. પોલીસ ગુન્હાશોધન શાખા કોમ્પ્યુટરની મદદથી ચહેરાના અને ઇજીપ્તના ફારેહ અને દેશી દેવતાના ચહેરા સાથે, સોફ્‌ટવેરથી સરખામણી કરતા તે કોઈની સાથે મળતો પણ આવતો નથી.

મૂળ વાત પર આવીએ તો નિષ્ણાતો એ બાબતે સહમત છે કે, ખાફ્રે અને સ્ફીંક્સ વચ્ચે સંબંધ છે. સ્ફીંક્સની નજીક આવેલ વેલી ઓફ ટેમ્પલમાં ફ્રેન્ચ આર્કિયોલોજીસ્ટ ઓગસ્ટ મેરિયને ખાફ્રોનું ફૂલસાઇઝનું પૂતળું ખોદકામ દરમ્યાન શોધી કાઢ્‌યું હતું જે ‘બ્લેક વોલ્કેનિક ખડક’નું બનેલું હતું. આ ઉપરાંત ખાફ્રેના પિરામિડ નજીકના મંદિર અને વેલી ઓફ ટેમ્પલને જોડતો રોડ જેને ‘કોઝ વે’ કહે છે તેને મેરિયેતે શોધી કાઢ્‌યો હતો. ૧૯૨૫માં ફ્રેન્ચ ઇજનેર અને પુરાતત્ત્વ વિજ્ઞાની એસીલ બેરાઇઝે એ સ્ફીંક્સના સામે આવેલ રેતીમાં ખોદકામ કરાવ્યું હતું અહીં તેમને ‘ઓલ્ડ કંિગ્ડમ’નું મંદિર મળી આવ્યું હતું. જેને સ્ફીંક્સ ટેમ્પલ કહે છે. આ મંદિરના લેઆઉટ અને વેલી ઓફ ટેમ્પલના લે-આઉટમાં મેરિયેતને પુષ્કળ સમાનતાઓ જોવા મળી છે હવે સ્થપતિઓને લાગે છે કે સ્ફીંક્સ ખાફ્રેના પિરામિડ અને ખાફ્રેના મંદિર એ કોઈ ઈજીપ્તના એક માસ્ટર બિલ્ડીંગ પ્લાનનો જ એક ભાગ છે. આ બિલ્ડીંગ પ્લાન મોટા ભાગે ખાફ્રનો જ હોવો જોઈએ.

લેહનર અને જુવાન આર્કિયોલોજીસ્ટ ટોમ એન્નર કહે છ કે, અહીં વપરાયેલ ચુનાના પથ્થર એ કાદવ, કોરલ અને શેલ જેવા પ્લોકટોન ઉપર પુષ્કળ દબાણ આવતા લાખો વર્ષ પછી બન્યા છે. ખડકોમાં રહેલ ‘અશ્મીઓ’નો અભ્યાસ કરી ખડકો વચ્ચેનો સંબંધ અને સમાનતા શોધી શકાય છે. ફોસીલ ફંિગરપ્રિન્ટ મુજબ ખાફ્રેના મંદિરની દિવાલોમાં વપરાયેલ પથ્થર સ્ફીંક્સને કોતરકામ કરાયા બાદ જે પત્થરો બચ્યા તેનો ઉપયોગ મંદિરમાં થયો છે. કારીગરો, લાકડાની સ્લેજ અને દોરડાઓની મદદથી આ પત્થરો એક સ્થળેથી બીજે સ્થળે ખસેડાયા છે. આ સમાનતાઓ જોયા બાદ ઝાહી હવાસે ૨૦૦૬માં તેના પ્રકાશિત પુસ્તક ‘માઉન્ટેન ઓફ ફારોહ’માં નોઘ્યું છે કે, અન્ય સ્કોલરની માફક હું પણ માનું છું કે, ‘સ્ફીંક્સ ખાફ્રેના પિરામિડ અને તેના અન્ય અમુક હિસ્સાઓનો એક ભાગ છે.’

‘સ્ફીંક્સ’ના બાંધકામ કરનારા કારીગરો અને સામાન્ય મજૂરોની કબર ‘સ્ફીંક્સ’થી દક્ષિણમાં મળી આવી છે. અમેરિકન ટુરિસ્ટ અચાનક ઘોડા ઉપરથી પટકાતા તે માટીની દિવાલ સાથે અથડાયો હતો. આ દિવાલ પાસે ખોદકામ કરતા ઝાહી હવાસે ૧૯૯૦માં કારીગરો અને મજૂરોના મમી કબરમાંથી શોધી કઢાયા હતા જેમાં તેમના નામ અને ટાઇટલ પણ લખેલા છે. બરાબર નવ વર્ષ બાદ લેહનરે ખાફ્રેનું નાશ પામેલ શરીરના અવશેષો શોધી કાઢ્‌યા હતા. કેસીની ભવિષ્યવાણીમાં ખોવાયેલ ‘આટલાન્ટિશ’ નગર શોધવાની વાત હતી. લેહનરે સમગ્ર સાઇટના નકશા તૈયાર કરાવ્યા હતાં આખી વસાહત દસ ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ વિશાળ છે. જેના હૃદય કેન્દ્રમાં આઠ માટીની ઇંટોની બનેલ બેરેકના ચાર ઝુમખા છે જેમાંપરસાળ, સુવાના પ્લેટફોર્મ અને રસોડાના ભાગ છે સાથે ૫૦ વ્યક્તિ સૂઈ શકે તેવી વ્યવસ્થા છે. લેહનરનો અંદાજ છે અહીં ૧૬૦૦થી ૨૦૦૦ જેટલા માણસો કે તેથી વધારે લોકો કામ કરતાં હતા.

ખાફ્રેએ ‘સ્ફીંક્સ’ની રચના કરી પોતાના માટે કે રાજ્ય માટે શું મેળવવા માંગતો હતો એ ચર્ચાનો વિષય છે. સ્ફીંક્સની સાથેના તેના મંદિરમાં કોર્ટયાર્ડમાં ૨૪ પિલરો હતાં પ્લાન્ટની એક્ષીટસ એટલે કે ઘરી પૂર્વ-પશ્ચિમ દિશા તરફની છે. સૂર્ય ઉગવાના અને આથમવાના સ્થાનો પિલરથી અંક્તિ કરેલા છે. એક મત પ્રમાણે ખાફ્રેના આર્કિટેક્ટએ સૌર ઘટનાઓને પિરામિડ, સ્ફીંક્સ અને મંદિર સાથે સાંકળેલ છે આખું કોમ્પ્લેક્ષ સૂર્યનો પાવર અને અન્ય દેવોની શક્તિ એકઠી કરીને પછી ફારેહને પુનઃજન્મ આપવા માંગતા હોય તેવું લાગે છે, ખાફ્રેનું આખું પરિસર વૈજ્ઞાનિક પરિભાષામાં ઉર્જાનું રૂપાંતર કરવા માટેનું વિશાળકાય કોસ્મિક એન્જીન લાગે છે. ખોફ્રેનો મકસદ કદાચ આવો જ હોવો જોઈએ.

ખાફ્રે પોતાના મકસદમાં કામિયાબ થયા લાગતા નથી કારણ કે સ્ફીંક્સની મૂર્તિ અઘૂરી લાગેછે. ૧૯૯૮માં ખૂણા ઉપરની મૂર્તિ માટેની ક્વોરીમાં પત્થરના ત્રણ બ્લોક અપૂર્ણ હાલતમાં પડેલા છે જે સ્પીંક્સ મંદિર માટે લઈ જવાના હતા. સ્ફીંક્સની ઉત્તરે આવેલા ખાડીમાં એક રોકના ટૂકડા અઘૂરા છોડી દેવામાં આવ્યા છે. અહીં આર્કિયોલોજીસ્ટને કારીગરોના ખાણાના (બપોરના ભોજનના) વાસણો, તેમની ટુલ કીટ, પાણી અને બિયરના ખાલી વાસણો, પત્થરની બનેલી હથોડીઓ વગેરે મળી આવી છે. જે બતાવે છે કે કોઈ અગમ્ય કારણોસર કારીગરો તેમનંુ કામ અઘૂરુંં મૂકીને આ સ્થળ છોડી ગયા હતા. સ્ફીંક્સના પગના પંજા પાસે ગુલાબી પત્થરમાં એક દંતકથા નોંધેલ છે. ઇજીપ્તનો રાજકુમાર તુતમોસ રણમાં શિકાર કરવા નીકળ્યો હતો. થાકીને તે સ્ફીંક્સના પડછાયા નીચે આડો પડ્યો ત્યારે તેને સ્વપ્ન આવ્યું. પૂતળું જેણે તેનું નામ ‘હોરેમાખેત’ કહ્યું. જેનો અર્થ થાય છે ‘ક્ષિતિજમાં રહેલ હોરસ’. કદાચ સ્ફીંક્સના પૂતળાનું આ નામ હોવું જોઈએ. પુતળાને તેના ખરબચડા થયેલ શરીરની વાત કરી. તેણે કહ્યું કે જો તું મને મદદ કરીશ તો બદલામાં હું તને ઇનામની યાદી આપીશ. રાજકુમારની આ દંતકથામાં સત્ય કેટલું છે એ આપણે જાણતા નથી પરંતુ ઇ.સ. પૂર્વે ૧૫૫૦-૧૦૭૦
વચ્ચે તુતમોસ ચોથો ફારોહ બન્યો હતો તેણે ન્યુ કંિગ્ડમ ગણાતા ઇજીપ્તમાં ‘સ્ફીંક્સ’ની પૂજા કરે તેવા નવા સંપ્રદાયની શરુઆત કરી હતી. ત્યારબાદ ઇજીપ્તમાં ઠેર ઠેર પૂતળાઓમાં, પેઇન્ટીંગ્સમાં ‘સ્ફીંક્સ’ વધારે પ્રમાણમાં દેખાવા માંડ્યા હતા.

લેહનરના સંશોધન પ્રમાણે તુતમોસના સમયગાળામાં ‘સ્ફીંક્સ’ની સપાટી પર પત્થરોની ટાઇલ્સો ગોઠવીને તેનો પુનરોદ્ધાર કરવામાં આવ્યો હતો. સ્ફીંક્સની રચના બાદ તુતમોસના સમયમાં પ્રથમવાર તેનો જીર્ણોદ્ધાર થયો હતો. જર્મન આબોહવા નિષ્ણાત રૂડોલ્સ કુપર અને સ્ટેફેન ક્રોપલીનનો વૈજ્ઞાનિક અભ્યાસ બતાવે છે કે, ‘ઇ.સ. પૂર્વે ૮૫૦૦માં ઇજીપ્તની ક્લાયમેટ પેટર્ન બદલાઈ ગઈ હતી. સમશીતોષ્ણ પ્રદેશનું ચોમાસુ ઉત્તર તરફ ખસી ગયું હતું. રણની રેતીમાં લીલા ઘાસના મેદાનો ઉગી નીકળ્યા અને ઇ.સ. પૂર્વે ૭૦૦૦ની આસપાસ અહીં લોકોએ (ઇજીપ્તમાં) વસવાટ કરવાનું શરુ કર્યું હતું. ઇ.સ. પૂર્વે ૩૫૦૦થી ૧૫૦૦ વચ્ચે ફરી પાછી ક્લાયમેટ પેટર્ન બદલાઈ ગઈ હરિયાળી ફરી પાછી રણમાં ફેરવાવા લાગી હતી. આ વાતને લેહનરનું સંશોધન પણ સાબિત કરે છે. ફરાહ ખાફ્રોનો સમયગાળો હરિયાળો હતો જ્યારે ફારોહ ખાફેનો સમય દુકાળનો હતો.’ આબોહવાએ સ્ફીંક્સના ભેદભરમને વઘુ ગહેરા બનાવી દીધા છે.

 

 

No comments: