Sunday 9 December 2012

કુદરતના નિયમો બદલીએ તો, બ્રહ્માંડ બદલાઈ જાય?

મેટા-યુનિવર્સ, મલ્ટીવર્સ, ઓલ્ટરનેટ યુનીવર્સ, પેરેલલ યુનીવર્સની ભીતરમાં...

ફ્‌યુચર સાયન્સ - કે.આર ચૌધરી


- સત્ય અને સાચી વસ્તુ તરફ પોઝિટીવ એપ્રોચ અને ખરાબ અને જુઠ્ઠી બાબતો તરફ ‘નેગેટીવ’ એપ્રોચ એ ફક્ત માનવીનો જ અભીગમ હોય તેવું નથી. પ્રકૃતિએ પણ બ્રહ્માંડ સર્જન સમયે થોડો પોઝિટીવ એપ્રોચ રાખ્યો હતો.

હોલીવુડ અને બોલીવુડ બંનેની મસાલા ફિલ્મોમાં સ્ટોરી ક્યાંક ને ક્યાંક મળતી આવે છે. હિરો ઉપર ગુંડાઓ ચારે તરફથી ગોળીબાર કરે છે. સેકન્ડનાં સોમાં ભાગમાં હીરો નીચો નમીને ગોળી ચુકવી દે છે, અને બાલ બાલ બચી જાય છે. કારમાં વિસ્ફોટ થાય અને અગન ગોળાની ઝપટમાં આવે તે પહેલાં હિરો જમ્પ મારીને આગની લપેટમાંથી બહાર થઈ ગયો હોય છે. વિલન હીરોઈનનાં ગળા ઉપર ચપ્પુ રાખીને અથવા લમણાં ઉપર રિવોલ્વર તાકીને ઊભો છે. અચાનક હિરોના સાથીદાર આવીને હુમલો કરે છે. વિલનને આવી કોઈ તક મળતી નથી. આ મસાલા ફિલ્મો પણ બ્રહ્માંડનાં સર્જનને મળતી આવે તેવી છે. સત્ય અને સાચી વસ્તુ તરફ પોઝિટીવ એપ્રોચ અને ખરાબ અને જુઠ્ઠી બાબતો તરફ ‘નેગેટીવ’ એપ્રોચ એ ફક્ત માનવીનો જ અભીગમ હોય તેવું નથી. પ્રકૃતિએ પણ બ્રહ્માંડ સર્જન સમયે થોડો પોઝિટીવ એપ્રોચ રાખ્યો હતો. આ પોઝિટીવ એપ્રોચ રાખનાર તત્ત્વને શું કહીશું? પ્રકૃતિ, ઈશ્વર, સર્જનહાર કે અલૌકીક તત્ત્વ?
બ્રહ્માંડ સર્જન પણ આપણી મસાલા ફિલ્મો માફક રોચક અને પોઝિટીવ એપ્રોચવાળી વાત લાગે છે. ભૌતિકશાસ્ત્રીઓ માને છે કે ‘‘જો અત્યારે આપણે અનુભવીએ છીએ તેવાં પ્રકૃતિનાં બળને લગતાં નિયમોમાં થોડોક ફેરફાર થયો હોત, યુનીવર્સલ કોન્સ્ટન્ટ એટલે કે કેટલાંક વૈશ્વીક અચળાંકનું મુલ્ય ગાણીતીય રીતે આપણે જે લઈએ છીએ તેના કરતાં થોડું અલગ હોત તો આપણે જેમાં જીવીએ છીએ તે બ્રહ્માંડનું સર્જન થયું ન હોત. પૃથ્વી પર મનુષ્ય અને અન્ય પ્રારંભીક કક્ષાનાં જીવન વિશે પણ કેટલાંક વૈજ્ઞાનિકો કહે છે તેમ ‘સુખદ અકસ્માત’નું પરીણામ છે? બ્રહ્માંડમાં અન્ય જગ્યાએ સજીવ સૃષ્ટિ છે કે નહી આપણને ખબર નથી. દરેક ધર્મમાં આપણા ધર્મમાં આવતાં પાતાળ લોક, ઈન્દ્રપુરી, યમલોક જેવી અન્ય દુનિયા કે વિજ્ઞાનની ભાષામાં અન્ય વિશ્વ છે. બ્રહ્માંડ જેવાં અન્ય વિશ્વની કલ્પના એ મનુષ્યનાં ફળદ્રુપ દિમાગની ઉપજ છે કે પછી વાસ્તવિકતા તરફ આપણો પુર્વજોનો સ્વીકાર ભાવ છે?
માની લો કે પ્રકૃતિના કાયદા કાનુન અત્યારે આપણે અનુભવીએ છીએ તેનાં કરતાં જરાક ઓછા-વત્તા પ્રમાણમાં હોત તો શું થાત? પરમાણુનાં નાભી કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોનને બાંધી રાખનાર પ્રબળ (સ્ટ્રોંગ ફોર્સ) થોડુંક વધારે હોત અથવા ઓછું હોત તો! તારા અને ગ્રહ રચનાર તત્ત્વોનું સર્જન થાત નહી. જીવન માટે જરૂરી કાર્બન તત્ત્વ અને અન્ય તત્ત્વ ખૂબજ ઓછી માત્રામાં સર્જન પામ્યા હોત. હાઈડ્રોજનનું વજન અત્યારે જે છે તેનાં કરતાં માત્ર ૦.૨૦ ટકા વધારો હોત તો, બ્રહ્માંડ સર્જનનાં પ્રાથમિક સમયમાં હાઈડ્રોજનના તત્વો સર્જન પામતાની સાથે જ ન્યુટ્રોન જેવાં કણોમાં ફેરવાઈ જાત અને પરમાણુ સર્જનની સુખદ ઘડી આવી ન હોત. આ લીસ્ટ આગળ ચલાવી શકાય તેમ છે પરંતુ...
આપણા બ્રહ્માંડમાં અત્યારે ચાર પ્રકારનાં બળ આપણે અલગ અલગ અવસ્થામાં અનુભવીએ છીએ. પરમાણુથી નાની કક્ષાએ સ્ટ્રોંગ ફોર્સ અને વિક ફોર્સ પોતાનું અસ્તિત્ત્વ બતાવે છે. વિજ-ચુંબકીય બળ, ઈલેક્ટ્રો-મેગ્નેટીક ફોર્સનાં કારણે આપણે વિદ્યુત અને ચુંબકત્વ બંનેની અસરો જોઈ શકીએ છીએ. જેનું મૂલ્ય ખુબજ ઓછું છે છતાં સુક્ષ્મથી વિશાળકાય અવકાશી પીંડોને જે પોતાનાં વશમાં રાખે છે તે ‘ગુરુત્વાકર્ષણ બળ’ ગ્રેવીટેશનલ ફોર્સ, બ્રહ્માંડની કરોડરજ્જુ સમાન છે. જો આ ચારેય બળોની લાગતી માત્રામાં ફેરફાર હોત અથવા એકાદ બળનું અસ્તિત્ત્વ જ નહોત તો! આવી કલ્પનાઓ કરીને અસંખ્ય સાયન્સ ફિક્શનની રચના થઈ છે. ઉત્તર કદાચ એ છે કે જો આવું થાત તો કદાચ બ્રહ્માંડનું સર્જન થયું હોત તો, આજનાં આપણાં બ્રહ્માંડ જેવું સ્વરૂપ ન હોત. અન્ય પ્રકારનું બ્રહ્માંડ ઉત્પન્ન થયેલું હોત જેમાં પાર્ટીકલ ફિજીક્સમાં લાગતાં બળો અને ફોર્મ્યુલા અલગ હોત અને તેની કોસ્મોલોજી ઉપરની અસરો અલગ હોત. પોઝિટીવ બાબત એ છે કે વૈજ્ઞાનિકો માને છે કે અન્ય પ્રકારનું બ્રહ્માંડ સર્જાત ખરું! અથવા સર્જાયું હોય પણ ખરું!
અત્યારે પાર્ટીકલ ફીજીક્સ અને કોસ્મોલોજી ‘હોટ ટોપીક’ ગણાય છે. વિજ્ઞાનની હોટ સીટ ઉપર અત્યારે ‘પાર્ટીકલ ફીજીક્સ અને કોમ્સોલોજી’ જુગલબંધી કરીને બેઠા છે. આશ્ચર્યજનક બાબત એ છે કે ૧૯૮૦નાં દાયકામાં આઘુનિક બ્રહ્માંડ વિદ્યા (મોડર્ન કોમ્સોલોજી)ની પૂર્વ ધારણા કહે છે કે ‘‘આપણાં બ્રહ્માંડને સમાંતર અન્ય ‘પેરેલલ યુનીવર્સ’નું અસ્તીત્ત્વ છે. આદી સર્જનકાળ સમયે જ્યારે અનંત શૂન્યાવકાશમાં ‘બીગ બેંગ’ જેવી ઘટના બની ત્યારે અલગ અલગ ભૌતિકશાસ્ત્રનાં પાયાનાં નિયમોમાં ફેરફાર હોય તેવાં ‘મલ્ટીટ્યુડ’વાળા અનેક બ્રહ્માંડ સર્જન પામ્યાં છે. આ મલ્ટીટ્યુડવાળા મલ્ટીપલ યુનિવર્સને વૈજ્ઞાનિકો મેટા-યુનિવર્સ અથવા ‘મલ્ટીવર્સ’ જેવાં નામોથી ઓળખે છે. અહીં આપણી વિચાર અને કલ્પના શક્તિનો વ્યાપ વધારવાની જરૂર છે. થોડું વિચાર ફલક વિસ્તૃત કરવાની જરૂર છે. તો... આ મલ્ટીવર્સની વાત સમજાય તેવી છે. મલ્ટીવર્સનાં અનેક નાનાં નાનાં પોકેટ કે ખાબોચીયામાં આપણાં હાલના બ્રહ્માંડ જેવાં અન્ય બ્રહ્માંડ કે વિશ્વ છે. જો આપણાં બ્રહ્માંડનાં ભૌતિકશાસ્ત્રનાં ચાર બળોનું ‘ફાઈન ટ્યુનીંગ’ પ્રકૃતિ અથવા સુપર પાવરે કર્યું હોય તો, અન્ય ઓલ્ટરનેટ યુનીવર્સમાં પણ તેણે ‘ફાઈન ટ્યુનીંગ’ કર્યું હોવાની સંકલ્પનાનો સ્વીકાર કરવો જ રહ્યો. મલ્ટીવર્સ જેવો શબ્દ ૧૮૯૫માં વિલીયમ જેમ્સ નામનાં તત્ત્વચંિતક અને માનસશાસ્ત્રીએ આપ્યો હતો.
આખરે મલ્ટીવર્સ શું છે? આજનાં આઘુનીક કાળમાં ટેકનોલોજીકલ વિકાસ થતાં આ ક્ષેત્રમાં સંશોધન કરવું શક્ય બન્યું છે. ઓલ્ટરનેટ યુનીવર્સને લગતાં સંશોધનો થઈ રહ્યાં છે. કદાચ તેમનું અસ્તિત્ત્વ પણ હોય. આજની આઘુનિક કોસ્મોલોજીકલ થિયરી પ્રમાણે, આદીકાળમાં અનંત શુન્યાવકાશનાં નાનાં નાનાં માઈક્રોસ્કોપીક એરીયામાંથી આપણું બ્રહ્માંડ સર્જાયું. અચાનક તે ફુગ્ગા માફક ફૂલ્યું જેને ઈન્ફ્‌લેશન કહે છે. આ સ્પેસ વિસ્તરણની સાથે સાથે શુન્યાવકાશનું પણ વિસ્તરણ થયું. શુન્યાવકાશનાં વિસ્તરણમાંથી અન્ય માઈક્રોસ્કોપીક એરીયામાંથી અલગ ભૌતિકશાસ્ત્રનાં નિયમોવાળા બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ હશે. જેમાં કેટલાંક બ્રહ્માંડમાં ‘લાઈફ’ - જીવન કે સજીવસૃષ્ટિ પણ હોવી જોઈએ. કેટલાકમાં ન પણ હોય.
પરંપરાગત રીતે વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્‌યું છે કે પ્રકૃતિનાં કેટલાંક અચળાંકના મુલ્યનું પેરામીટર અન્ય સાથે મેળ સાધી શકે તે રીતે ફાઈન ટ્યુન્ડ થયેલાં છે. વૈજ્ઞાનિકો માને છે કે આ મૂલ્યોને જરાય આઘાપાછા કરીને કોમ્પ્યુટર એનાલીસ કરી શકાય તેમ છે. ફીજીક્સનાં ફન્ડામેન્ટલ ડેટામાં ફેરફાર કરી ‘જો’ અને ‘તો’ની પરીસ્થિતિવાળા ‘સીનારીયો’ પેદા કરી શકાય છે. આ ‘સીનારીયો’ મલ્ટીવર્સનાં એકાદ યુનિવર્સનું સાચું ચિત્રણ પણ સાબીત થાય. વૈજ્ઞાનિકો હાલમાં એકાદ બળનાં એકાદ પેરામીટરને ચેન્જ કરીને તપાસે છે. વૈજ્ઞાનિકો માને છે કે એક કરતાં વધારે પેરામીટર બદલીને પણ આશ્ચર્યજનક ‘સીનારીયો’ પેદા થઈ શકે છે. વૈજ્ઞાનિકો બદલાએલા ભૌતિકશાસ્ત્રનાં ‘સેટ ઓફ લૉ’ની તલાશમાં છે જેનાં કારણે સર્જાયેલ બ્રહ્માંડનું અકાળે અવસાન ન થાય અને બ્રહ્માંડનું આયુષ્ય ‘કોસ્મોલોજીકલ સ્કેલ’માં ખરેખર લાં..બું... હોય. એલેકઝાન્ડ્રો જેન્કીન્સ અને ગીલાડ પેરેઝ નામનાં ભૌતિકશાસ્ત્રીઓએ કુદરતનાં ચાર બળોમાં ફેરફાર કરીને સર્જાતાં નવાં ‘બ્રહ્માંડ’ને કોમ્પ્યુટર ઉપર નિહાળ્યું છે.
કુદરતનાં ચાર પરીબળો ‘ફન્ડામેન્ટલ હોર્સ’ તરીકે જાણીતા છે. નામ પ્રમાણે જ અડગ અને અસ્થીર ન થાય તેવાં બ્રહ્માંડ માટે તે પાયાની જરૂરિયાત છે. પરમાણુ નાભીકેન્દ્રમાં વર્તાતા પ્રબળ ‘સ્ટ્રોંગફોર્સ’નું અસ્તિત્ત્વ ન હોય તો, વિવિધ ‘ક્વાર્ક’ એકબીજા સાથે બંધાઈને પ્રોટોન અને ન્યુટ્રોનનું સર્જન કરી શકાત નહીં. પ્રોટોન અને ન્યુટ્રોન વિના તત્ત્વોનાં નાભીકેન્દ્ર કે ન્યુક્લીયસ અસ્તિત્ત્વમાં ન આવત. અત્યારે આપણે જે પદાર્થ કે મેટર જોઈ રહ્યાં છે તેનું અસ્તિત્ત્વ પણ નહોત. વિજ-ચુંબકીય બળ વગર પ્રકાશનું કોઈ જ અસ્તિત્ત્વ ન હોત. બ્રહ્માંડ અંધકારમય હોત. તત્ત્વોનાં પરમાણુ ન હોત. પરમાણુ-પરમાણુઓ વચ્ચેનાં કેમિકલ બોન્ડ બંધાત નહીં. ગુરૂત્વાકર્ષણ બળ ન હોત તો. વિવિધ આકાશ ગંગાઓ, તારાઓ અને ગ્રહો વચ્ચે બળનું સંતુલન રહેત નહી અને સીસ્ટમ વેરવીખેર થઈ જાત.
આ બધા કુદરતનાં બળમાં વિકફોર્સ એટલે કે ‘દુર્બળ’નો સીધો પ્રભાવ આપણે આપણી રોજીંદી જીવન પ્રક્રિયામાં જાણી અને માણી શકતાં નથી. પરંતુ બ્રહ્માંડના સર્જન ઈતિહાસમાં તેનો સંિહફાળો રહેલો છે. વિકફોર્સનાં કારણે ન્યુટ્રોનનું પ્રોટોનમાં અને પ્રોટોનનું ન્યુટ્રોનમાં રૂપાંતર શક્ય બને છે. બિગબેંગની ઘટના બાદ પ્રથમવાર ત્રણ અલગ અલગ પ્રકારનાં ક્વાર્ક ભેગા મળીને પ્રોટોન અને ન્યુટ્રોનનું સર્જન કરે છે. પ્રોટોન-ન્યુટ્રોનનો સમુહ ‘બેરીયોન’ તરીકે ઓળખાય છે. આરંભીક તબક્કે ચાર પ્રોટોન ભેગા મળીને હિલીયમ ૪ નાભીકેન્દ્ર બનાવે છે. ચાર પ્રોટોન એકબીજા સાથે સંયોજાઈને છેવટે બે પ્રોટોન-બે ન્યુટ્રોનનું ઝુમખું બને છે. આ રીતે બીગ બેંગની સૌપ્રથમ પદાર્થ રચના કરનાર ન્યુક્લીઓ-સિન્થેસીસ (નાભી સંશ્વ્લેષણ) શખ્ય બને છે જે બીગબેંગની ચંદ સેકંડોમાં બને છે.
આ સમય એવો હતો કે બેરીયોનનાં સર્જન માટે તાપમાન ‘ઠંડુ’ ગણાય પરંતુ ‘બેરીયોનન્સ’ એકબીજા સાથે સંયોજન પામે તેટલું ‘ગરમ’ તાપમાન હતું. બિગબેંગની ન્યુક્લીરીઓ-સિન્થેસીસમાં સૌપ્રથમ હાઇડ્રોજન અને હિલીયમનો પુષ્કળ જથ્થો પેદા થયો જે છેવટે વિવિધ સ્ટાર્સ / તારાઓનાં સર્જન માટે નિમિત બન્યો. આજનો આપણો સૂર્ય ચાર પ્રોટોન ભેગા મળીને હિલીયમ ૪ બનાવીને આપણને ઉર્જા આપી રહ્યો છે. જો વિક ફોર્સ કે દુર્બળ ન હોત તો આવું શક્ય બન્યું ન હોત.
૨૦૦૬માં ગીલાક પેરેઝે ચાર બળમાંથી ત્રણ બળ રાખ્યા અને ચોથા ‘વિક ફોર્સ’ને કેન્સલ કરી કોમ્પ્યુટર ઉપર પરીણામો મેળવવાની કોશીશ કરી હતી. આજનાં સ્ટાન્ડર્ડ મોડેલમાં ‘વિક ફોર્સ’ અગત્યનો ઘટક છે. જો તેમાંથી વિક ફોર્સની બાદબાકી કરી નાખવામાં આવે તો, ‘‘સ્ટાન્ડર્ડ મોડેલ’’માં અનેક સુધારાઓ કરવા પડે. આજનું પાર્ટીકલ ફિજીક્સનું ‘‘સ્ટાન્ડર્ડ મોડેલ’’ ુગુરૂત્વાકર્ષણને બાદ કરતાં, બાકીનાં ત્રણેય બળ સ્ટ્રોંગ, વિક અને ઈલેકટ્રીકૃૃ-મેેગ્નેટીક ફોર્સની બધી લાક્ષણિકતાઓ અને ખાસીયતો સાથે સુસંગત બને છે.
પેરેઝ અને સાથી વૈજ્ઞાનિકોએ, બાકીનાં ત્રણ બળોનાં પેરામીટરને અલગ અલગ રીતે ‘સેટ’ ફર્યા. ‘‘વિક ફોર્સ’’નું અસ્તિત્વ જ નથી તેમ માની લીઘું. સ્ટ્રોંગ ફોર્સ, ગ્રેવીટી (ગુરૂત્વાકર્ષણબળ) અને ઈલેક્ટ્રો-મેગ્નેટીક ફોર્સ / વિજ ચુંબકીય બળનાં મુલ્યોને એ રીતે ગોઠવ્યા કે છેવટે ‘‘ક્વાર્ક’’નું દળ એટલે કે ‘માસ’ આપણા હાલનાં બ્રહ્માંડમાં તત્કાલીન ‘ક્વાર્ક’નું અસ્તિત્વ છે તેટલું જ રહે. અને કોમ્પ્યુટર ઉપર એક ‘બ્રહ્માંડ’ સર્જ્યું જેનું નામ આપ્યું ‘વિકલેસ’ યુનિવર્સ. મતલબ કે વિક ફોર્સનાં અભાવવાળું બ્રહ્માંડ. આ બ્રહ્માંડ વૈજ્ઞાનિક થિયરી જોતા સર્જન પામી શકે છે. પરંતુ તે આજનાં આપણાં બ્રહ્માંડ જેવું હરગીજ બને નહીં.
વિક ફોર્સ વગરનાં વિકલેસ યુનીવર્સમાં, આમ જોવા જઇએ તો વિક ફોર્સ વગર ચાર પ્રોટોનનું સંયોજન ભેગું થઇને હિલીયમમાં રૂપાંતર પામી શકે નહીં. કારણ કે તેમાં ચારમાંના બે પ્રોટોનનું ન્યુટ્રોનમાં રૂપાંતર થવું જરૂરી છે. આમ છતાં અહીં તત્વો અને પરમાણુ સર્જન માટેનો અન્ય રસ્તો ખુલ્લો રહે છે. અહીં અલગ પ્રકારની ન્યુક્લીઓ સિન્થેસીસ થાય જેમાં એક હાઇડ્રોજન અને એક ન્યુટ્રોન મળીને ડ્યુટેરીયમનું નાભીકેન્દ્ર બને. ડ્યુરેટીઅમ એ હાઇડ્રોજન ૨ તરીકે ઓળખાય છે. જે હાઇડ્રોજનનો સમસ્થાનિક કે આઈસોટોપ છે. જેમાં પ્રોટોન સાથે વધારામાં એક ન્યુટ્રોન છે. અહીં હવે તારાંઓ કે સ્ટાર્સનું સર્જન, એક પ્રોટોન અને ડ્યુટેરીઅમનું નાભી કેન્દ્ર જોડાઇને હીલીયમ ૩માં ફેરવાઇ શકે છે. જેમાં બે પ્રોટોન અને એક ન્યુટ્રોન હોય.
આપણા તારાંઓ કરતાં વિકલેસ યુનીવર્સમાં તારાંઓનું કદ નાનું હોય. પ્રિન્સટન યુનિવર્સિટીનાં આદમ બરોનું કોમ્પ્યુટર એનાલીસ જણાવે છે કે વિકલેસ યુનિવર્સનાં તારાંઓનું તાપમાન આપણા તારાંઓ કરતાં ઓછું હોય અને તેમનું આયુષ્ય સાત અબજ વર્ષ એટલે કે હાલનાં આપણાં સૂર્યનો ઉંમર જેટલું બની રહે. તેમાંથી મુક્ત ઉર્જા પણ સૂર્યની ઊર્જા કરતાં ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય. આપણાં તારાઓની માફક ‘‘વિકલેસ સ્ટાર્સ’’માં લોહતત્ત્વ એટલે કે આર્યન સુધીનાં તત્વો બની શકે છે. આપણાં તારાંઓમાં ભારે તત્વો બનવા માટે ન્યુટ્રોન અને ભારે આઇસોટોપનું અસ્તિત્વ વધારે પ્રમાણમાં હોય છે. વિકલેસ તારાઓનું કદ નાનુ હોવાથી ખૂબ જ ઓછા સ્વતંત્ર ન્યુટ્રોનનું અસ્તિત્વ બચે જે ભારે આઇસોટોપ સાથે સંયોજાઇન ભારે તત્વો બનાવી શકે. આમ છતાં વિકલેસ સ્ટાર્સમાં ‘સ્ટ્રોન્ટીયમ’ જેવાં અને પીરીઓડીક ટેબલમાં ‘સ્ટ્રોન્થીયમ’ સુધીનાં તત્વોનું ન્યુક્લીઓ- સિન્થેસીસ થવાની શક્યતાને નકારી શકાય નહીં.
આપણા બ્રહ્માંડમાં ‘‘સુપરનોવા’’ જેવાં તારાંઓનાં વિસ્ફોટનાં કારણે નવસર્જીત તત્વો અંતરીક્ષમાં ફેલાય છે. અહીં નવા તત્વો તેમાંથી સર્જન પામે છે. વિકયુનીવર્સમાં પણ વિવિધ પ્રકારનાં સુપરનોવાનું સર્જન થઇ શકે છે. જેનાં કારણે અંતરીક્ષમાં વિવિધ વિસ્તારોમાં આવા તત્વો ફેલાઇને નવા તારાઓ અને ગ્રહોનાં નિર્માણનું કારણ બની શકે તેમ છે. પૃથ્વી જેવી પૃથ્વી સર્જવા માટે ગ્રહ વિકલેસ સ્ટાર્સ પાસે આપણા અને સૂર્યનાં અંતર કરતાં માત્ર છ ગણો વધારે નજીક હોવો જોઇએ. જ્યાંથી સૂર્ય ખૂબ જ વિશાળ દેખાય. પૃથ્વી પરની જ્વાળામુખી અને ભૂકંપની પરિસ્થિતિનું નિર્માણ અહીં, ગુરૂત્વાકર્ષણનાં કારણે ગ્રહની આંતરિક ગરમીથી થઇ શકે છે. આપણી પૃથ્વી પર પૃથ્વીનાં નાભી કેન્દ્ર પાસે રહેલાં રેડિયોએક્ટીવ તત્વોનાં કારણે પ્લેટ ટેકટોનીક્સ અને જ્વાળામુખી જેવી ઘટનાઓ બને છે. શક્ય છે કે શનિ અને ગુરૂનાં ગ્રહની માફક કોઇ અલગ પ્રક્રીયાથી ગ્રહોનાં કેન્દ્ર ભાગમાં ગરમી પેદા થઇ શકે છે.
અહીંનું રસાયણશાસ્ત્ર પણ આપણી કેમીસ્ટ્રી જેવું જ બની રહે છે. તફાવત માત્ર એટલો રહે કે અહીંનું આવર્તકોષ્ટક આર્યન-લોહ તત્વ સુધી આવીને અટકી જાય. અને તે પછીનાં તત્વોની માત્રા અતિ અલ્પ પ્રમાણમાં હોય. આ મર્યાદાનાં કારણે જીવસૃષ્ટિ કે જીવવિકાસ પ્રક્રિયાને કોઇ મર્યાદાઓ નડે તેમ નથી. જીવસૃષ્ટિ આપણે જાણીએ છીએ તેમ ઉત્ક્રાંતિ થવાથી થાય છે. વિકલેસ યુનીવર્સમાં માત્ર સ્ટ્રોંગ, ઈલેકટ્રોમેગ્નેટીક, કે ગુરૂત્વાકર્ષણ જેવાં માત્ર ત્રણ જ ફન્ડામેન્ટલ ફોર્સ હોવા છતાં, જીવનનો પ્રારંભ થઇ શકે તેવાં વિકલેસ યુનીવર્સનું સર્જન થઇ શકે તેમ છે. વૈજ્ઞાનિકો ફન્ડામેન્ટલ ફોર્સમાં ફેરફાર કરીને વિકલેસ યુનીવર્સ જેવાં અન્ય બ્રહ્માંડનું સર્જન કોમ્પ્યુટર ઉપર કરી ચુક્યાં છે. આઘુનિક કોસ્મોલોજીની મલ્ટીવર્સ થિયરીમાં આવા બ્રહ્માંડ ફીટ થઇ શકે છે. આપણાં બ્રહ્માંડની બહાર આવા અન્ય મેટા-યુનીવર્સ, પેરેલલ યુનીવર્સ કે ઓલ્ટરનેટ યુનીવર્સ હોઇ શકે છે. વૈજ્ઞાનિકોની ‘મલ્ટીવર્સ’ની સંકલ્પના સાચી સાબીત થાય તેમ છે. આ લેખમાં માત્ર ‘વિક ફોર્સ’ વિહીન બ્રહ્માંડ અને આપણી સૃષ્ટીની સરખામણી આપણે જોઇ છે. આમ ત્રણ ફંડામેન્ટલ ફોર્સમાં ફેરફારો થતાં અને ફાઇન ટ્યુનીંગ થતાં અન્ય ‘મલ્ટીપલ યુનીવર્સ’ સર્જન પામી શકે છે. સવાલ એ છે કે વૈજ્ઞાનિકોને ‘‘મલ્ટીપલ યુનીવર્સ’’ની જરૂર શા માટે છે?
મલ્ટીપલ યુનીવર્સની સંકલ્પના, કવાટના મિકેનિક્સનાં માપકરણ (મેઝરમેન્ટ)ની સમસ્યાનો ઉકેલ આપી શકે તેમ છે. બિગબેંગ સાથે સંકળાયેલ ઈન્ફ્‌લેશન, બ્રહ્માંડની ફ્‌લેટનેસ, આઇસોટ્રોફી અને મેગ્નેટીક મોનોપોલને લગતી કેટલીક સમસ્યાઓનાં ઉકેલ ‘મલ્ટીવર્સ’માં વૈજ્ઞાનિકોને દેખાય છે. સ્ટીંગ થિયરી અને અન્ય આઘુનિક થિયરીને ચકાસવા અને એકસુત્રતામાં બાંધવા માટે પણ ‘‘મલ્ટીવર્સ’’નું અસ્તિત્વ હોવું આવશ્યક છે. આજનાં આ તબક્કે વૈજ્ઞાનિક હાઇપો-થીસીસ ‘‘મલ્ટીવર્સ’’ પ્રમાણેનાં બ્રહ્માંડનાં સબુત આપણી પાસે નથી. માત્ર આ કારણે જ ‘મલ્ટીવર્સ’ની શક્યતા અને સંભાવનાને નકારી શકાય નહીં. આખરે બધા જ નીતિશાસ્ત્ર, ધર્મ અને સાંસ્કૃતિક વારસો, આપણને ‘‘પોઝિટીવ’’ રહેવાની સલાહ આપે છે. આ કારણે પણ ‘મલ્ટીવર્સ’ની શક્યતાને સ્વીકારવાની અને તેની ફેન્ટસીન ે ‘સાયન્સ ફિકશન’માં ફેરવવાની મજા આવે તેમ છે. આખરે પાર્ટીકલ ફીજીક્સ અને કોસ્મોલોજી અત્યારે ‘હોટ સીટ’ ઉપર બેઠાં છે.

No comments: