Sunday 9 December 2012

‘‘એસ્ટ્રોઈડ માઈનિંગ’’

ફ્‌યુચર સાયન્સ - કે.આર ચૌધરી


- વિશ્વની ખ્યાતનામ સેલેબ્રિટીઓનું સાયન્ટીફિક સાહસ...

- ‘‘પૃથ્વીની દુર્લભ ધાતુઓને, અંતરિક્ષમાંથી ખેંચી લાવવાનો નવો પ્રયોગ’’

 

 ‘આઈ એમ ક્રિસ લેવીકી, એન્ડ ઑયમ એન એસ્ટ્રોઇડ માઈનર.’’
સાયન્સ ફિક્શન ફિલ્મોમાં શોભે એવો આ ડાયલૉગ રીઅલ વર્લ્ડનો છે. ૨૪ એપ્રિલનાં રોજ મ્યુઝીયમ ઓફ ફ્‌લાઈટ, સિએટલ ખાતે આ શબ્દો પ્લેનેટરી રિઓસીઝ ઈન્ક.નાં ઉદ્ધાટન પ્રસંગે કંપનીનાં પ્રમુખ અને ચિફ એન્જીનીયરે ઉપરનાં શબ્દો ઉચ્ચાર્યા હતાં. સંબોધનમાં ‘એસ્ટ્રોઈડ માઈનર’ ઉપર વધારે ભાર મુકવામાં આવ્યો હતો. ‘એસ્ટ્રોઇડ માઇનીંગ’ કરનાર વ્યક્તિ પોતાની ઓળખ ‘એસ્ટ્રોઇડ માઈનર’ તરીકે આપી રહ્યો છે. જોકે પૃથ્વી પર હજી સુધી આ પ્રકારનું માઈનીંગ થયું નથી. અને થાય પણ ક્યાંથી? પૃથ્વી સુધી આવતાં સુધી એસ્ટ્રોઇડ ભસ્મીભૂત થઈ જાય છે. બચે છે માત્ર ભંગાર, જે મોટા ભાગે મહાસાગરોમાં જઈને ખાબકે, કારણ? પૃથ્વીનો ૭૫% જેટલો હિસ્સો મહાસાગરોએ ઘેરેલો છે. એસ્ટ્રોઇડ પર માઈનીંગ એટલે કે ખાણકામ કરવું હોય તો બેશક? અંતરીક્ષમાં જવું પડે. એસ્ટ્રોઈડ ચંદ્ર જેટલાં નજીક નથી કે માનવી જઈને હાથતાળી આપી આવી શકે. તો પછી? ‘‘એસ્ટ્રોઈડ માઈનીંગ’’નો અર્થ શું કરવાનો?
અત્યાર સુધી એસ્ટ્રોઇડ માઈનીંગનો કન્સેપ્ટ ઈ.ઈ. સ્મીથ જેવાં વિજ્ઞાન લેખકોની લેન્સમેન સીરીઝનાં ‘સાય-ફાઈ’ પુરતો સીમીત હતો. એસ્ટ્રોઈ માઈનીંગની પ્રથમ વિજ્ઞાનવાર્તા ગેરેટ પી. સર્વિસની એડિસનેસ કોન્કવેસ્ટ ઓફ માર્સ હતી. જે ૧૮૯૮માં પ્રકાશીત થઈ હતી. આજે આ સાયન્સ ફિક્શનનાં વિષયને, ‘અવતાર’ જેવી સાયન્સ ફિક્શન ફિલ્મના ડિરેક્ટર જેમ્સ કેમેરોન સાકાર કરવા જઈ રહ્યાં છે. આ શક્યતા તપાસવા, જ્હોન એસ લેવીએ ‘માઈનીંગ ધ સ્કાય’ પુસ્તક લખ્યું છે.
પ્લેનેટરી રિસોર્સીજ ઈન્ક કંપનીની સ્થાપના વિશ્વનાં પ્રખ્યાત વ્યક્તિ જેમ્સ કેમેરોન, ગુગલનાં સ્થાપક લેરી પેજ અને હાલનાં ચેરમેન એરીક શ્મીટ્‌ઝનો સમાવેશ થાય છે. આ કંપનીનો મુખ્ય મકસદ છે ‘એસ્ટ્રોઇડ’ ઉપર ખાણકામ કરીને પૃથ્વી પર દુર્લભ હોય તેવાં ખનીજોનો ઉપયોગી જથ્થો પૃથ્વી પર લાવવો.’’ આ કંપની સફળ જશે ખરી એ સવાલ જરૂર પેદા થાય તેમ છે. કંપની અંતરીક્ષમાં માઈનીંગ કરવા માટે જરૂરી મુડી ક્યાંથી લાવશે?
કંપનીનાં મુડી રોકાણ વિશે ચંિતા કરવાનું કોઈ કારણ નથી. કારણ કે ‘વિશ્વનાં ધનકુબેરો અને અંતરિક્ષ કાર્યક્રમ સાથે સંકળાયેલા અબજોપતિ સેલીબ્રીટીઓ કંપનીમાં રોકાણ કરવાની છે.’ જેમાં ઠ- પ્રાઈઝનાં પિટર ડાયમંડીસ, અમેરિકાના ભુતકાળની પ્રમુખની ચૂંટણીના ઉમેદવાર રોસ પેરોટનાં પુત્ર રોસ પેરોટ જુનિયર, યાહુનાં રેમી સ્ટેટા, ગુગલનાં રોકાણકર્તા કે. રામ શ્રીરામ વગેરેનો સમાવેશ થાય છે. સાત વ્યક્તિને ખાનગી ધોરણે અંતરિક્ષયાત્રા કરાવનારો કંપની ‘સ્પેસ એન્ડવેંચર’નાં એરિક એન્ડરસન, માઈક્રોસોફ્‌ટનાં ઓફીસ સોફ્‌ટવેરનો એન્જીનીયર ચાર્લ્સ સિમોન્થી વગેરે પણ આ કંપનીને ટેકનિકલ કમ મોનીટરી સપોર્ટ આપવાનાં છે. મતલબ કે ‘એસ્ટ્રોઈડ માઈનીંગ’નું ભવિષ્ય ઉજ્જવળ છે!
શા માટે એસ્ટ્રોઇડ માઈનીંગ કરવું જોઈએ તે પહેલાં ‘એસ્ટ્રોઇડ’નાં ટેકનિકલ બેકગ્રાઉન્ડ ઉપર નજર નાખીએ, સુર્યમાળાનાં સર્જન વખતે કેટલોક પદાર્થ ગ્રહ રચવામાં નિષ્ફળ જતાં ગ્રહોનાં નાના નાના ખડકાળ ટુકડામાં જ રહી ગયો. બનેલા કેટલાક નાના ગ્રહોની આંતરિક ટકરામણથી નવસર્જીત ગ્રહ વળી પાછા અંતરિક્ષનાં નિશ્વિત આકાર વિહીન પીંડમાં ફેરવાઈ ગયા. મંગળ અને ગુરુ ગ્રહ વચ્ચે ન રચાયેલાં ગ્રહનાં ભંગારનો એક આખો બેલ્ટ છે જેને એસ્ટ્રોઇડ કહે છે. ઘુમકેતુ માફક ભટકતાં કેટલાંક એસ્ટ્રોઇડ પૃથ્વીનાં ગુરૂત્વાકર્ષણ બળથી ખેંચાઈ આવીને પૃથ્વી પર ખાબકે છે. પૃથ્વીનાં વાતાવરણમાં આવતાં તે સળગી ઊઠે છે. કેટલોક ભાગ પૃથ્વી પર આવી પડે છે જેને આપણે ‘ઉલ્કાપંિડ’ કહીએ છીએ. ડાયનોસૌર જેવાં મહાકાય જીવોનાં અસ્તિત્ત્વ નાબુદી માટે આવાં વિશાળ ઉલ્કાપંિડને જવાબદાર માનવામાં આવે છે. અંતરિક્ષમાં થોડાક મીટરની લંબાઈથી માંડી અનેક કીલોમીટર લાંબા એસ્ટ્રોઈડ છે. ગુજરાતી પર્યાય તરીકે એસ્ટ્રોઇડને આપણે શુદ્ર ગ્રહ, ગ્રહીકા અથવા ગ્રહનાં ટુકડા તરીકે ઓળખીએ છીએ. સરળતા ખાતર એસ્ટ્રોઇડ શબ્દ પણ હવે લોકજીભે ચડી ચૂક્યો છે. કોઈપણ ગ્રહની રચના થાય ત્યારે વજનમાં ભારે ધાતુઓ કેન્દ્ર તરફ જમા થાય છે. એસ્ટ્રોઇડ આખરે તુટેલાં ગ્રહોનો ભંગાર અથવા ગ્રહ બનવામાં નિષ્ફળ જનાર અવકાશી પીંડ છે. તેમાં દુર્લભ ખનીજોની માત્રા વધારે હોવાનું વૈજ્ઞાનિકોનું અનુમાન સાચું છે. આજનાં આઘુનિક ઉદ્યોગોમાં એન્ટીમની, ઝસત, ટીન, સિલ્વર (ચાંદી), લીડ (સીસું), ઈન્ડીયમ, સોનું અને તાંબુ મુખ્ય છે. ઉપરાંત પેગીનમ અને કોબાલ્ટ પણ વપરાય છે. આવનારાં ૫૦-૬૦ વર્ષોમાં પૃથ્વીની સપાટી નીચેથી મળતી આ ધાતુઓનાં ખનીજોનો જથ્થો લગભગ ખાલી જ થઈ જશે.
પૃથ્વીનાં ઉપરનાં પોપડા એટલે કે ‘ક્રસ્ટ’માંથી સોનું, કોબાલ્ટ, આર્યન, મેંગેનિઝ, મોલી બ્લેન્ડસ, નિકલ, ઓસ્મીયમ, પોલાડીયમ, પ્લેટીનમ, હેનીયમ, સોડિયમ, રૂથેનિયમ અને ટંગસ્ટન વગેરેને ખાણકામ એટલે કે માઈનીંગ પ્રોસેસ વડે કાઢવામાં આવે છે. વિશ્વ માટે જરૂરી આર્થિક અને ટેકનોલોજીકલ પ્રક્રિયા માટે આ પદાર્થ આધારસ્થંભ જેવાં છે. પૃથ્વીની સપાટી પરનાં આ તત્ત્વો પણ ઓરીજીનલી એસ્ટ્રોઇડ પરથી આવ્યાનું વૈજ્ઞાનિકોનું અનુમાન છે કારણ કે? પૃથ્વીનો પોપડો ઠરવા માંડ્યો હતો તેવાં સમયકાળમાં પૃથ્વી પર અંતરીક્ષમાંથી ઉલ્કાઓની વર્ષા થતી હતી. ઉલ્કા અવકાશી પીંડ અને પૃથ્વી મુળભુત રીતે જ એકજ પ્રકારનાં પદાર્થમાંથી સર્જન પામેલ માનવામાં આવે છે. આ હિસાબે ‘એસ્ટ્રોઇડ માઈનીંગ’ની સરળ વ્યાખ્યા કરવી હોય તો, અંતરીક્ષનું સોલીડ આકાશી પીંડોનું ખાણકામ કરીને, પૃથ્વીવાસી માટે જરૂરી દુર્લભ અને કંિમતી ખનીજો મેળવવાની પ્રક્રિયા એટલે ‘એસ્ટ્રોઇડ માઈનીંગ’ એમ કહી શકાય.
૮૫૦ મીટર વ્યાસવાળા એક એસ્ટ્રોઇડ ઉપરથી એક લાખ ટન કંિમતી ધાતુઓ મેળવી શકાય. વિશ્વનાં ઔદ્યોગીક ઉત્પાદન માટે ચાલીસ વર્ષ સુધી તે ‘રો’ મટીરીઅલ્સની ગરજ સારે તેમ છે. સુર્યમાળામાં ૮૫૦ મીટર એટલે કે લગભગ એક કી.મી. વ્યાસવાળા દસ લાખ કરતાં વધારે એસ્ટ્રોઇડ છે. જેમાંના ૧૦ થી ૨૦% એસ્ટ્રોઇડ, કંિમતી ખનીજો ધાતુઓથી ભરપુર છે. કંિમતી ધાતુ ઉપરાંત એસ્ટ્રોઇડ ઉપર થિજેલું પાણી એટલે કે બરફ પણ પુષ્કળ પ્રમાણ છે. તમને જરૂર સવાલ થશે કે પાણી તો મફતનાં ભાવમાં મળે છે. અંતરિક્ષમાંથી તેને ભેગું કરવાની શું જરૂર? પૃથ્વી પર દસ રૂપિયે લીટર મળતાં પાણીને અંતરિક્ષમાં ઉપયોગ માટે લઈ જવું હોય તો, વીસ હજાર ડોલર જેટલો ખર્ચ થાય છે. સિમ્પલી, અંતરિક્ષયાત્રીઓ માટે એક લીટર પાણીની બોટલની કંિમત થાય ૨૦ હજાર અમેરિકન ડોલર. અને માની લો કે, અંતરીક્ષમાં જ આ પાણી મફતનાં ભાવે મળે તો? એસ્ટ્રોઇડ ઉપરથી મફતનાં ભાવમાં અંતરિક્ષ ઉપયોગી કાર્ય માટે પાણી મેળવી શકાય તેમ છે.
સ્પેસ સ્ટેશન પર વસનાર વૈજ્ઞાનિકોને દરરોજનાં ચારથી પાંચ લીટર પાણી જોઈએ છે. ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં દિવસ દરમ્યાન ૩૦ કીલો જેટલું પાણી એક અંતરિક્ષયાત્રી વ્યક્તિગત જરૂરિયાત અને પ્રયોગોમાં વાપરી નાખે છે. પાણી એ હાઈડ્રોજન અને ઓક્સીજનનું મિશ્રણ છે. અંતરિક્ષ રોકેટની દહન પ્રક્રિયામાં આ બે તત્ત્વો-આદર્શ બળતણની ગરજ સારે છે.
સુર્યમાળાની કાર્બોનેસીયસ કોન્ડ્રાઈટ પ્રકારની ઉલ્કાઓમાં ૨૦% જેટલું પાણી હોય છે. જેને સામાન્ય ગરમી આપીને મુક્ત કરી શકાય છે. આ પ્રકારનો માત્ર ૧૦ મીટર વ્યાસવાળો ‘એસ્ટ્રોઈડ’ ૧૨૦ ટન પાણી ધરાવતો હોય છે. શનિ તરફ ગયેલ કાસીની-હુજેન્સ પ્રકારનાં અંતરિક્ષયાનમાં રાખેલ સોન્ટોર બુસર રોકેટને છ વાર ભરી શકાય તેટલું બળતણ ૧૨૦ ટન પાણીમાંથી મેળવી શકાય. મંગળ તરફની યાત્રા માટે જરૂરી બળતણ આ રીતે પણ ભેગુ કરી શકાય. માની લીઘું કે એસ્ટ્રોઇડ માનવ જરૂરિયાતવાળા ખનીજો અને પાણીથી ભરપુર છે. પરંતુ તેનું ખાણ કામ કે માઈનીંગ કઈ રીતે કરી શકાય?
આજની તારીખે પૃથ્વીની નજીક ફરતાં નીયર અર્થ ઓરબીટ ઓબ્જેક્ટસ (શર્ઈં)ની સંખ્યા નવ હજાર કરતાં વધારે છે. સૌપ્રથમ સ્પેસ ક્રાફ્‌ટ મારફતે વિવિધ એસ્ટ્રોઇડ અને તેના ઉપરથી મળનાર ધાતુઓનો અંદાજ કાઢવો પડે.
જે કામ માટે કંપનીએ આર્કીડ-૧૦૦ સિરીઝની સ્પેસક્રાફ્‌ટની સીસ્ટમ વિકસાવી છે. ન્ર્ઈંનામનાં સેટેલાઈટને નાના સ્પેસ ટેલીસ્કોપથી સજ્જ કરીને અંતરીક્ષમાં મોકલવામાં આવશે. જેનું કદ આપણી મોટી ટ્રાવેલ બેગ જેટલું એટલે કે ૧૬’’ટ૧૬’’ટ૪૦’’જેટલું હશે. તેમાં નવ ઈંચનું ટેલીસ્કોપ ફિટ કરેલું હશે. આ સેટેલાઈટને પૃથ્વીની લો અર્થ ઓરબીટમાં ગોઠવવામાં આવશે. આ સેટેલાઈટ માઈનીંગ માટે સર્વોત્તમ એસ્ટ્રોઈડનું મેરિટ લીસ્ટ બનાવી આપશે. ૨૦૧૩માં આ પ્રકારનો ઉપગ્રહ અંતરીક્ષમાં મોકલવામાં આવશે.
આગળનું કામ આર્કીડ-૨૦૦ સીરીઝનાં સ્પેસક્રાફ્‌ટ કરશે. તે નિઅર અર્થ ઓરબીટમાં જઈને એસ્ટ્રોઈડનું બારીકીથી અવલોકન અને પૃથ્થકરણ કરશે. જે માટે તે માટે વિવિધ સ્પેક્ટ્રોમીટર, ઈલેક્ટ્રોનીક સેન્સર, રડાર અને મેગ્નેટીક ફિલ્ડ માપનાર ઉપકરણો લાગેલાં હશે. આ દાયકાનાં અંતમાં આર્કીડ-૩૦૦ સીરીઝનાં એક કરતાં વધારે સ્પેસક્રાફ્‌ટ અંતરીક્ષમાં મોકલવામાં આવશે. તેઓ નક્કી કરેલ એસ્ટ્રોઇડની સંપુર્ણ માહિતી મોકલશે. આર્કીડનું આખું ટોળું અનેક એસ્ટ્રોઈડની ચકાસણી કરશે. આ સ્પેસક્રાફ્‌ટ વારંવાર વાપરી શકાય તેવાં હશે.
માઈક્રો ગ્રેવીટીવાળા વાતાવરણમાં એસ્ટ્રોઇડમાંથી ખાણકામ કરીને સામગ્રી એકઠી કરવી એ એકમાત્ર જટીલ કામ છે. પ્લેનેટરી રિસોર્સીઝ સ્થળ ઉપર ખોદકામ અને પ્રોસેસીંગ કરીને ધાતુ અને પાણી અલગ તારવી શકે તેવી ટેકનોલોજીકલ સિસ્ટમ વિકસાવી રહી છે.
નાસાના અંતરિક્ષ યાત્રી અને પ્લેનેટરી રિસોર્સીઝનાં વૈજ્ઞાનિક ટોમ જોન્સ કહે છે કે ‘‘કદાચ એસ્ટ્રોઇડ માઈનીંગને સફળતા ન મળે તો પણ તેનાં માટે કરવામાં આવેલ વ્યાપારી ધોરણનાં નવાં આવિષ્કાર, અંતરીક્ષનાં સંશોધન માટે ખુબજ અગત્યનાં સાબીત થશે.’’ પૃથ્વી માટે જોખમકારક એસ્ટ્રોઇડ વિશેની અગત્યની માહીતી આ આર્કીડ સીરીઝનાં સ્પેસ ક્રાફ્‌ટ પુરી પાડશે. આવનારી સદી માટેનાં સોલાર સીસ્ટમનાં સંશોધન માટે પ્લેનેટરી રિસોર્સીઝે વિકસાવેલ ટેકનોલોજી ખુબજ ઉપયોગી બનશે. ઉપરોક્ત રૂપરેખા પ્લેનેટરી રિસોર્સીઝની હતી. વિજ્ઞાન જગતનાં માંધાતાઓની ગણતરી મુજબ એસ્ટ્રોઇડ માઈનીંગ માટે ત્રણ વિકલ્પ પૃથ્વીવાસી માટે ખુલ્લાં છે.
એક ઃ એસ્ટ્રોઈડ ઉપરથી ‘રો’ મટીરીઅલ એકઠું કરીને સીઘું જ પૃથ્વી પર પાછુ લાવે તેવી સિસ્ટમ વિકસાવવી. વિકલ્પ બે ઃ એસ્ટ્રોઇડ ઉપર જ સ્પેસ ક્રાફ્‌ટ ઉતારી, ત્યાં ‘રો’ મટીરીઅલ્સને સાફ કરી, ફક્ત અલગ તારવેલ ધાતુઓ પૃથ્વી પર લાવવાની સીસ્ટમ વિકસાવવી. છેલ્લો અને વધારે ખર્ચાળ અને જોખમી વિકલ્પ. આખે આખા એસ્ટ્રોઇડને ચંદ્ર નજીકની ભ્રમણ કક્ષામાં, પૃથ્વીની ભ્રમણ કક્ષામાં કે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સુધી ખેંચી લાવવો અને એસ્ટ્રોઈડનાં બધા જ મટીરીઅલ્સનો ઉપયોગ કરવો. જેથી જરાય વેસ્ટેજ કે બગાડ થાય નહીં.
આ ત્રણેય વિકલ્પને વિચારીએ ત્યારે, ધાતુ અલગ તારવવા માટે અને પૃથ્વી પર પાછી લાવવા માટે જે ‘એનર્જી’ની જરૂર પડે તેનો અભ્યાસ ખુબજ જરૂરી છે. એસ્ટ્રોઇડ ઉપર માઈનીંગ કરવા માટે બંધ બોડીનો મીની પ્લાંટ જોઈએ. નહીંતર તોડેલ એસ્ટ્રોઇડનાં ટુકડાથી પદાર્થ અંતરીક્ષમાં જ ફરી પાછો વેરવિખેર થઈ જતાં વાર લાગે નહી. તે માટે ખાસ સીસ્ટમ અને યંત્ર સામગ્રી વિકસાવવી પડશે. એસ્ટ્રોઇડ અને પૃથ્વી વચ્ચેનાં વિશાળ અંતરને જોતાં, આઘુનિક સંદેશાવ્યવહારની ફેસીલીટી ઊભી કરવી પડે. પરંપરાગત રેડિયો તરંગોવાળી સીસ્ટમ નકામી સાબિત થાય તેમ છે. વૈજ્ઞાનિકો માને છે કે એસ્ટ્રોઇડ માઈનીંગ માટે લેસર બેઇઝડ કોમ્યુનીકેશન સીસ્ટમ વધારે ઉપયોગી બની શકશે. વાયરલેસ રેડિયો લીંક કરતાં તે ૧૦૦ ગણી વધારે ઝડપી સાબીત થશે.
કેક ઈન્સ્ટીટ્યુટ ઓફ સ્પેસ સ્ટડીઝ દ્વારા ‘સ્પેસ માઈનીંગ’ને લગતાં અભ્યાસ પણ કરવામાં આવેલ છે. તેમનો અભ્યાસ બતાવે છે કે ૫૦૦ ટનનાં એસ્ટ્રોઇડને ચંદ્ર સુધી ખેંચી લાવવાનો ખર્ચ ત્રણ અબજ અમેરિકન ડોલર જેટલો થાય તેમ છે. આટલો ખર્ચ કરવા અને સાયન્ટીફીક સીસ્ટમ વિકસાવવા માટે સો અબજ ડોલરનું મુડી રોકાણ કરવું પડે. વધારામાં ખાસ પ્રકારની સોલાર પેનલ, ઈલેક્ટ્રીક આયન એન્જીન, માઈનીંગ ઈક્વીપમેન્ટ અને રોબોટીક રિફાઈનરી વિકસાવવી પડે તે અલગ.
છેલ્લે એક અગત્યનો સવાલ. અંતરિક્ષ અને અવકાશી પંિડોની માલીકી કોઈની નથી. શું ધંધાદારી ઉપયોગ અને ‘એસ્ટ્રોઈડ માઈનીંગ’ માટે એસ્ટ્રોઇડની માલીકી હક્કનું શું? ખાનગી કંપનીની માલીકીનાં ‘એસ્ટ્રોઇડ’ ગણાશે કે વિશ્વનાં દરેક નાગરીકનો તેના ઉપર હક્ક ગણી માત્ર, વૈજ્ઞાનિક સંશોધન માટે જ સ્પેસ અને સ્પેસ ઓબ્જેક્ટનો ઉપયોગ થશે?
અંતરીક્ષને લગતી યુનાઈટેડ નેશન્સને લગતી ૧૯૬૭માં એક સંધિ કરવામાં આવી હતી. જેમાં અમેરિકા સહિત ૧૦૦ જેટલાં દેશોએ કરાર ઉપર સહી કરી છે. જેનો આર્ટીકલ-૨ દર્શાવે છે કે ‘‘બાહ્યવકાશ, જેમાં ચંદ્ર અને અન્ય અવકાશી પીંડોનો સમાવેશ થાય છે તેનાં ઉપર કોઈપણ રાષ્ટ્રનો માલીકી હક્ક ગણાશે નહીં.’’ તેનો ઉપયોગ કે સંશોધન કોઈપણ રાષ્ટ્ર કરતું હોય ને એકમાત્ર કારણનાં લીધે ‘‘પ્લેનેટરી રિસોર્સીઝ’’ જેવી કંપનીને માલીકીહક્ક મળે તેમ નથી. લાગે છે કે ‘એસ્ટ્રોઈડ માઈનીંગ’ સફળ થશે તો, વર્ષો જુની અંતરિક્ષને લગતી સંધિને માળીએ ચડાવીને નવાં નિયમોવાળી વિકસીત દેશોને મંજુર હોય તેવી નવી સ્પેસ પોલીસી ઘડી કાઢવી પડશે. એસ્ટ્રોઇડ માઈનીંગથી રોકાણ કરનારા અબજોપતિને ફાયદો થાય કે ન થાય એક વાત નક્કી છે કે નવી ટેકનોલોજીનો ફાયદો વિશ્વ નાગરીકને રોજીંદી જરૂરિયાતવાળી ચીજોમાં ટેકનોલોજીનાં પગપેસારા ઘ્વારા જરૂર થશે.

No comments: