Sunday 9 December 2012

સ્પેસ ટ્રાવેલનાં વચનો ,અને ફેસબુકની ભેટ

તમે સ્પેસ ટ્રાવેલનાં વચનો આપ્યાં હતાં અને... વિશ્વને મોબાઈલ ફોન અને ફેસબુકની ભેટ આપી!

ફ્‌યુચર સાયન્સ - કે.આર ચૌધરી.

- આધુનિક આવિષ્કારો માટે અવનવા આઈડિયા આપતું 'સાયન્સ ફિક્શન'
- આપણી આજની ઘણી બધી શોધોનાં મુળીયા સાયન્સ ફિક્શનમાં છે. તેનાં શોધકોએ પણ પોતાનાં આવિષ્કાર પાછળ, સાય-ફાય આઈડીયા અથવા સંપૂર્ણ નવલકથાને પ્રેરણા સ્ત્રોત ગણાવ્યાં છે.

''ઈ ધન બીગીનીંગ, ધેર વોઝ એ કમાન્ડ લાઈન''. સાયન્સ ફિક્શનની શરૃઆત આ રીતે થાય છે. સાહિત્યની સરવાણી સદીઓથી ચાલતી આવી છે. માનવીની 'ઈન્ટેલીજન્સ'ને નવો સ્પાર્ક આપવા, આગળની સદીનાં મહામાનવોની વિચાર-વાણી હંમેશા સાહિત્યનાં અલગ અલગ ફોર્મમાં ઉપલબ્ધ થતી રહી છે. સાયન્સ ફિક્શન એ આવનારાં ભવિષ્યને ધ્યાનમાં રાખીને માનવીય લાગણીઓનાં વિવિધ સ્તરોનું ચિત્રણ કરતું રહે છે. વિશ્વ સાહિત્યમાં સાયન્સ ફિક્શન SF તરીકે અનોખું સ્થાન ધરાવે છે. ગુજરાતી સાહિત્યમાં વિજ્ઞાાન સાહિત્યકારોએ તેને નિન્મ કક્ષાનું છીછરું સાહિત્ય હોય તેવી આભડછેટ રાખી છે. કદાચ તેમનાં માટે આ પ્રકારનું સાહિત્ય સર્જવું અઘરું હોવાથી, આવો અભિગમ પેદા થયો હોવો જોઈએ. છેવટે સાયન્સ ફિક્શન લખતાં હોવા છતાં સાયન્સનાં પાયાનાં સિધ્ધાંતો અને હકિકતોની જાણકારી હોવી જરૃરી છે. ગુજરાતી સાહિત્યકારોમાં આ જરૃરિયાત પુરી કરે તેટલાં કેટલાં? ખેર! ગુજરાતી સાહિત્યમાં SFની ચર્ચા બાજુ રાખીને, SFની વૈશ્વિક સ્તરે વાત કરીએ તો...
સાયન્સ ફીક્શનની વ્યાખ્યા કરતાં જેમ્સ ગન લખે છે કે ''લીટરેચર ઓફ ચેન્જ''. ત્રણ શબ્દોમાં આખાં બ્રહ્માંડનો સમાવેશ થઈ જાય છે. ઘણાં વિવેચકો મેરી શેલીની નવલકથા 'ફ્રેન્કેસ્ટાઈન'ને પ્રથમ સાચા અર્થમાં સાયન્સ ફિક્શન ગણે છે. ત્યારથી લઈ આજ સુધી કરોડો SFની લાખો નકલો વેચાઈ ચુકી છે. જેનાં આધારે હોલીવુડની હજારો ફિલ્મો બની છે. જુલે વર્નને યાદ કર્યા વગર SF એટલે કે સાયન્સ ફિક્શન અર્થાત્ સાય-ફાયને સાચી અંજલી આપી શકાય નહીં. અનેક કિશોરોનાં દીમાગી ઘડતરમાં જુલે વર્નનો ફાળો 'ઈન્ફીનીટ' કક્ષાએ લઈ જાય છે. સાય-ફાય એક અલગ દુનિયાની સફરે લઈ જાય છે. ભવિષ્યની ભયાનક કે અલૌકીક આગાહીઓ પણ SFની દેણ છે. આલ્ડસ હક્સલીની બ્રેવ ન્યુ વર્લ્ડમાં ભવિષ્યનું વ્યંગાત્મક ચિત્રણ છે. જેમાં બાળકોને પાણી ભરવાનાં પાત્રોમાં ઉછેરવાની અને તેમની લાગણીઓને 'ડ્રગ્સ' દ્વારા કંટ્રોલ કરવાની વાત આવે છે. ભવિષ્યનાં વ્યંગ પણ સાચા પડતાં જાય છે. યુવાનો ખુદ હવે લાગણીઓનાં કંટ્રોલ માટે કેમિકલનો સથવારો શોધે છે. તમાકુથી એલએસડીનો વ્યાપ તેમાં આવી જાય છે. સાયફાયમાં એક નવી મિકેનિકલ દુનિયા, ટેકનોલોજીનાં અવનવાં ઉપકરણો અને વિનાશક શસ્ત્રોની કલ્પનાઓનું આખું બ્રહ્માંડ વિસ્તરેલું છે. જેણે માનવીની કલ્પનાઓને વાસ્તવિક બનાવવા અથાગ પ્રયત્નો કર્યા છે. રોબર્ટ હેન્લેઈનની 'ધ મેટ હુ સોલ્ડ ધ મુન'માં એકમાત્ર જીનીયસ માનવીનાં એકલાં હાથનાં સાહસથી વ્યાપારી ધોરણે, સ્પેસ ટ્રાવેલની કલ્પના કથા રજૂ થઈ છે. આ કથા આજે હકીકતમાં ફેરવાઈ ગઈ છે. સ્પેસ એક્સ, સ્પેસશીપ વનની સફળતા વગેરેએ હવે માનવી એકલે હાથે સ્પેસ ટ્રાવેલ કરી શકે તે કક્ષાએ, સાયન્સ અને ટેકનોલોજીએ પોતાનું કલેવર બદલી નાખ્યું છે. આપણી આજની ઘણી બધી શોધોનાં મુળીયા સાયન્સ ફિક્શનમાં છે. તેનાં શોધકોએ પણ પોતાનાં આવિષ્કાર પાછળ, સાય-ફાય આઈડીયા અથવા સંપૂર્ણ નવલકથાને પ્રેરણા સ્ત્રોત ગણાવ્યાં છે. શોધકોનાં દીમાગની ધારને સાયન્સ ફિક્શને તિક્ષ્ણ અને ફ્યુચર વિઝનવાળી બનાવી છે. આપણી દુનિયાનાં આવાં આવિષ્કારો પાછળ રહેલ સાયન્સ ફીક્શનને ઓળખીને તેનાં લેખકોને એક સલામ મારીએ જેણે ભવિષ્યને પોતાનાં સાયન્સ ફિક્શનમાં જીવંત કર્યું હતું. સમયની ઉલટી રફતારની એક ટાઈમ ટ્રાવેલ...
નીલ ટાઉન સ્ટીફનસન અમેરિકન સેક્યુલેટીવ ફિક્શનનાં ખેરખાં ગણાય છે. ગણીત, ક્રિપ્ટોગ્રાફી, ફિલોસોફી અને વિજ્ઞાાન ઈતિહાસનાં અનેરાં તાણાંવાણાં એમની નવલકથામાં હોય છે. જેફ બિઝોસની બ્લ્યુ ઓરીજીન કંપનીમાં પાર્ટટાઈમ સલાહકારનું કામ કર્યું છે. મનુષ્યને સબ-ઓરબીયા સ્પેસ ટ્રાવેલ કરાવવા માટે બ્લ્યુ ઓરીજીન દ્વારા 'લોંચ સીસ્ટમ' વિકસાવવામાં આવી છે. ૧૯૯૨માં તેમણે 'સ્નો ક્રેસ' નામની નવલકથા લખી જે, સાયન્સ ફિક્શનની કેટેગરીમાં આવતી હતી. આ નવલકથામાં નૃવંશશાસ્ત્ર, પુરાતત્ત્વ વિજ્ઞાાન, કોમ્પ્યુટર સાયન્સ અને ક્રિપ્ટોગ્રાફીની વિગતો ઉપયોગમાં લેવામાં આવી હતી. સ્નો ફેસ નિલ સ્ટીફન્સનની ત્રીજી નવલકથા હતી. નવલકથાની શરૃઆત અને અંત 'લોસ એન્જલસ' શહેરમાં થાય છે. જે યુનાઈટેડ સ્ટેટસનો ભાગ નથી. સમય એકવીસમી સદીની શરૃઆતનો છે.
નવલકથાનાં પાત્રો વર્ચ્યુઅલ વર્ષમાં પોતાની જાતને પ્રદર્શીત કરતાં હોય તેવાં 'અવતાર'થી એકબીજા સાથે સંબંધો કેળવે છે અને સાચવે છે. વાસ્તવિક જીંદગી તેમના માટે 'ઓનલાઈન મેટાવર્સ'માં ઝઝુમતાં 'અવતાર'થી વધારે કાંઈ જ નથી. આ આઈડિયા 'ફિલીપ રોઝડેલ' નામનાં શોધકનાં દિમાગમાં ઘુમરાતો હતો. 'સ્નો ફેસ' દ્વારા તેનાં દિમાગમાં એવું 'પેઈન્ટીંગ' ઉભું થયું કે તેણે જગવિખ્યાત 'સેકન્ડ લાઈફ' નામની હાલની ઓનલાઈન કોમ્યુનીટી ઉભી કરી છે.
૧૯૯૯માં ફિલીપ રોઝડેલે 'લિન્હેન લેબ' કંપની ઉભી કરીને 'સેકન્ડ લાઈફ' નામની વર્ચ્યુઅલ દુનિયા ઉભી કરી છે. જેનો પાયો સ્નો ફેસ દ્વારા નાખવામાં આવ્યો છે. ૧૯૮૬માં આવેલ હેબીટેટ વિડીયો ગેમમાં પ્રથમવાર સંસ્કૃત શબ્દ 'અવતાર' વર્ચ્યુઅલ પર્સનાલીટી માટે વપરાયો. સ્નો ફેસ દ્વારા આ શબ્દ પોપ્યુલર બની ગયો. 'ગુગલ અર્થ' અને નાસાનો 'વર્લ્ડ વિન્ડ' પ્રોગ્રામ જેવાં વર્ચ્યુઅલ ગ્લોબ એ સ્નો ફેસનાં સેન્ટ્રલ ઈન્ટેલીજન્ટ કોર્પોરેશનનાં 'અર્થ' સોફ્ટવેરનું વાસ્તવિક વર્ઝન છે. ટાઈમ મેગેઝીને ૧૯૨૩થી અત્યાર સુધી પ્રકાશીત બેસ્ટ ઈંગ્લીશ નોવેલનાં ૧૦૦ નવલકથાનાં લીસ્ટમાં સામેલ કરી છે. સ્નો ફેસની કલ્પનાએ આપણી ઈન્ટરનેટની દુનિયાને નવી ઓળખ આપવાનું કામ કર્યું છે.
સાયન્સ ફિક્શનની વાત નીકળે અને સૌથી લોકપ્રિય ટી.વી. સીરીઅલ 'સ્ટાર ટ્રેક'ને ભુલી જઈએ તો, સાય-ફાય અધુરુ રહે. ભારતમાં ટી.વી. લોકપ્રિય થઈ રહ્યું હતું ત્યારે, દુરદર્શન દ્વારા આ શ્રેણી પ્રસારિત થતી હતી. સ્ટાર ટ્રેકનાં સર્જન પાછળ હોલીવુડની પેરામાઉન્ટ પિક્ચર્સનો હાથ છે. સ્ટાર ટ્રેકની ચાર ફિલ્મોની આખી સીરીઝ આવી છે. હવે તેનું એનિમેશન વર્ઝન પણ રજુ થઈ રહ્યું છે. સ્ટાર ટ્રેકની સીઝન - સેવન એટલે સ્ટારટ્રેક ઃ ધ નેક્સ્ટ જનરેશન. ૧૯૮૬માં અમેરિકન NBC ટી.વી. ઉપર સ્ટાર ટ્રેક ચાલુ થઈ ત્યારથી આજ સુધી તેની લોકપ્રિયતામાં ઓટ આવી નથી. સ્ટાર ટ્રેક, આપણી મિલ્કી વેની કોસ્મીક વોર્યઝ છે. સ્ટાર ટ્રેકનું કેન્દ્રવર્તી સ્પેસશીપ 'એન્ટરપ્રાઈઝ'નાં મોડેલને સિપાટેલ ખાતે, સાયન્સ ફિક્શન મ્યુઝીઅમ એન્ડ હોલ ઓફ ફેઈમમાં રાખવામાં આવ્યું છે.
સ્વીવ જોબ્સે ફેમસ કરેલ 'એપલ' કંપનીનાં કોમ્પ્યુટર સાયન્ટીસ્ટ સ્ટીવ પર્લમાને, સ્ટાર ટ્રેક ઃ ધ નેક્સ્ટ જનરેશનમાં એક કેરેક્ટર પોતાનાં કોમ્પ્યુટર ઉપર એક સાથે મ્યુઝીકનાં અનેક ટ્રેક સાંભળી રહી હતી અને... સ્ટીવ પર્લમાનનાં દિમાગમાં નવો આઈડિયા ક્લિક થયો. આ ક્લીક દ્વારા દુનિયાને 'મલ્ટીમીડીયા'ને લગતો એપલ કંપનીનો 'ક્વીક ટાઈમ' પ્રોગ્રામ કમ સોફ્ટવેર મળ્યું છે. દુનિયાનાં ઘણાં કેમેરામાં ક્વીક ટાઈમ ફોર્મેટ 'મુવ'માં મુવી રેકોર્ડ થાય છે. 'ક્વીક ટાઈમ' ઉપરાંત વેબ ટીવી અને મોવા કન્ટુર નામનાં 'ફેસીયલ કેપ્ચર' ટેકનોલોજીની શોધ અને વિકાસ પાછળ સ્ટારટ્રેકનું સાયન્સ ફિક્શન રહેલું છે. સ્ટીવ પર્લમાનની ટેકનોલોજીનો ઉપયોગ આજનાં આઈ-ફોન અને આઈ-પોડમાં થાય છે. થેંક્સ ટુ સ્ટાર ટ્રેક.
અર્લ સ્ટેન્લી ગાર્ડનરની ડિટેક્ટીવ કમ કોર્ટ રૃમ ડ્રામા મૉર મીસ્ટ્રીનાં કેસ સોલ્વ કરતી નવલકથાનું મુખ્ય પાત્ર એટલે 'પેરી મેશન'. બસ પેરી મેશનની માફક સાયન્સ ફિક્શનમાં વીસમી સદીની શરૃઆતમાં લોકપ્રિય બનેલ પાત્ર એટલે ટોમ સ્વીફ્ટ. વિક્ટર એપલટન નામનાં ભુતિયા નામે અનેક લેખકો દ્વારા ટોમ સ્વીફ્ટનાં સાય-ફાય ફિક્શન પરાક્રમો લખાયા છે. ૨૦૦૭ સુધી ટોમ સ્વીફ્ટ સીરીઝ ચાલુ હતી. મુખ્યત્વે સીરીઝનું ફોકસ કોઈને કોઈ 'શોધ' ઉપર જ રહેતું હતું. સાયન્સ ફિક્શનનાં ભિષ્મ પિતા આઈઝેક આઝીમો અને સ્ટીવ બોઝનીયાક જેવાં મહાનુભાવોએ પોતાનાં પ્રેરણા સ્ત્રોત તરીકેનો શ્રેય 'ટોમ સ્વીફ્ટ'ને આપ્યો છે.
નાસાનાં સાયન્ટીસ્ટ જ્હોન જેક હિગસન કવર દ્વારા એક ઈલેક્ટ્રીક રાઈફલની શોધ કરવામાં આવી છે. જેને 'ટેસર' કહે છે. માનવીને નુકસાન પહોંચાડયા વગર તેનાં સંવેદન તંત્રને બધીર કરવા માટે 'ટેસર' વપરાય છે. જેમાં બુલેટનાં સ્થાને બે ઈલેક્ટ્રોડ મનુષ્યને વાગે છે. થોડા સમય માટે 'ટેસર'થી ઘાયલ થયેલ વ્યક્તિ પોતાનાં સ્નાયુઓને યોગ્ય રીતે વાપરી શકતો નથી. 'ટેસર' ગનની બુલેટ વાગતાં માનવીનું મૃત્યુ થતું નથી. જેક કવરને 'ટેસર'નો આઈડિયા 'ટોમ સ્વીફ્ટ' પાસેથી મળ્યો હતો. એટલું જ નહીં આ બંદુકનું નામ પણ ગેમ સ્વીફટ પાસેથી મળ્યું છે. થોમસ એ. સ્વીફ્ટ'સ ઈલેક્ટ્રીક રાઈફલનાં શરૃઆતનાં અક્ષરો ભેગા કરતાં 'ટેસર' શબ્દ બને છે. જેક કવરનાં પ્રેરણાસ્ત્રોત 'ટોમ સ્વીફ્ટ'ને વાસ્તવિક દુનિયાની 'ટેસર'થી વધારે સારી ગીફ્ટ કઈ મળી શકે?
આજકાલ 'સેલફોન' જેને આપણે મોબાઈલ ફોનમાંથી ટુંકો કરીને માત્ર 'મોબાઈલ' કહીએ છે તેનો શ્રેય પણ સાયન્સ ફિક્શનને જાય છે. આ સાયફાય પણ બીજુ કોઈ નહી પરંતુ, રીપીટ... સ્ટાર ટ્રેક છે. મોબાઈલ ફોન વાપરનારા જાણતા નથી કે વિશ્વનો પ્રથમ મોબાઈલ ફોન કોણે વિકસાવ્યો હતો. હાથમાં પકડીને વાપરી શકાય તેવો મોબાઈલ ફોન વિકસાવવાનો શ્રેય 'મોટોરોલા' કંપનીના એન્જીનીયર કમ સ્થાપક 'માર્ટીન લ્યુથર કુપર'ને જાય છે. ૩ એપ્રિલ ૧૯૭૩નાં મોટોરોલા કંપનીએ વિશ્વનાં પ્રથમ સેલ્યુલર ફોનનું પબ્લીક ડેમોસ્ટ્રેશન કરી બતાવ્યું હતું. જેનું વજન ૧.૧૦ કીલોગ્રામ હતું. માર્ટીન કુપરે પ્રેસ કોન્ફરન્સમાં સ્વીકાર્યું કે ''પર્સનલ વાયરલેસ હેન્ડ હેલ્ડ ટેલીફોન વિકસાવવાની પ્રેરણા તેને સ્ટાર ટ્રેકનાં કેપ્ટન કીર્ક ને પર્સનલ કોમ્યુનિકેશન પર વાત કરતાં જોઈને મળી હતી. કોમ્યુનિકેશનનાં ઈતિહાસમાં પ્રથમ હેન્ડ હેલ્ડ સેલ્યુલર ફોન વિકસાવવાનો અને જાહેરમાં સેલફોન ઉપર વાત કરનાર વ્યક્તિ તરીકે અમર થઈ ગયાં છે.
રોબર્ટ હેન્લેઈન, આઈઝેક આઝીમો અને આર્થર ક્લાર્ક સાયન્સ ફિક્શનની નંબર વન ત્રિપુટી એટલે કે ત્રણ એક્કા ગણાય છે. રોબર્ટ હેન્લેઈનને ઘણીવાર ડીન ઓફ ધ સાયન્સ ફિક્શન રાઈટર' પણ કહે છે. ટુંકી સાયન્સ ફિક્શન 'શોર્ટ સ્ટોરી'માં હેન્લેઇનની માસ્ટરી ગણાય છે. ૧૯૩૪માં ટી.બી.ની લાંબી સારવાર માટે તેમને હોસ્પીટલમાં પડયા રહેવું પડયું, પથારીમાં પડયા રહેવાની સજાનાં વિકલ્પરૃપે તેમણે 'વોટરબેડ'ની ડિઝાઈન તૈયાર કરી નાખી. બિયોન્ડ ધીસ હોરાયઝન, ડબલ સ્ટાર, સ્ટ્રેન્જર ઈન ધ સ્ટેન્ઝ લેન્ડમાં તેમણે સારવારમાં વાપરી શકાય તેવાં વોટર બેડનાં વર્ણનો આપ્યાં છે. જો કે રોબર્ટ હેન્લેઇને પોતે ડિઝાઈન કરેલાં 'વોટર બેડ' બનાવવાનો પ્રયત્ન ક્યારેય કર્યો નહી.
રોબર્ટ હેન્લેઈનને અહી અલગ સંદર્ભમાં ટાંકવામાં આવ્યાં છે. હેન્લેઈને 'વાલ્કો' નામની શોર્ટ સ્ટોરી લખી હતી. વાર્તાનું પાત્ર વાલ્ડો એફ જોન્સ શારીરિક રીતે દુર્બળ આવિષ્કારક છે. તે પોતાનો 'મસલ પાવર' વાપરી શકતો નથી માટે યાંત્રીક હાથ તૈયાર કરે છે જે મિકેનિકલ પાર્ટવાળો, હાઈડ્રોલીક સિસ્ટમથી ચાલતો હોય છે. દુર બેઠા પણ તેને કંટ્રોલ થઈ શકે છે. ૧૯૪૫માં સેન્ટ્રલ રિસર્ચ લેબોરેટરીને આર્ગાન નેશનલ લેબોરેટરી તરફથી ન્યુક્લીયર ઈન્ડસ્ટ્રીમાં વપરાતાં રેડિયો એક્ટીવ તત્વોની હેરફેર અને ઉઠાવવા માટે રિમોટ કંટ્રોલ્ડ મેનિપ્યુલેશન વિકસાવવાનો ઓર્ડર મળે છે. કંપનીએ શોધેલ ટેલી ફેક્ટર દુનિયામાં 'વાલ્ડો'નાં નામે પ્રખ્યાત બની ગયું હતું. જેમાં ઈલેક્ટ્રોનીક્સ, હાઈડ્રોલીક્સ અને મિકેનિકલ સિસ્ટમ વિકસાવાઈ છે જે માનવીનાં હાથ માફક કામ કરે છે. રોબર્ટ હેન્લેઇને પોતાના સ્મરણોમાં લખ્યું છે કે 'વાલ્ડો'નો આઈડિયા તેમને ૧૯૧૮માં પોપ્યુલર મિકેનિક્સ મેગેઝીનમાં છપાયેલ એક લેખ વાંચીને આવ્યો હતો. અંગ્રેજી ભાષામાં વાલ્ડો અને ગ્રોક જેવાં નવા શબ્દો હેન્લેઈને આપ્યાં છે.
એડવર્ડ એલ્મર સ્મીથ ક્યારેક ડોક સ્મીથ કે સ્કાયલાર્ક સ્મીથ તરીકે પણ ઓળખાય છે. વ્યવસાયે તેઓ ફુડ એન્જીનીયર હતાં. ડોનટઅને પેસ્ટ્રી મિક્સ માટે તેઓ જાણીતા હતાં. શરૃઆતનાં સાયન્સ ફિક્શનમાં તેમનું યોગદાન છે. 'લેન્સમેન' અને 'સ્કાયલાર્ક' સીરીઝ તેમણે લખી છે. 'ડોક' સ્મીથે તેમની કારકિર્દીની શરૃઆત નેશનલ બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડમાં કેમિસ્ટ તરીકે કામ કર્યું હતું. પ્રથમ વિશ્વયુધ્ધમાં પણ તેમણે ભાગ લીધો હતો. ૧૯૩૮માં તેમણે 'ગેલેક્ટીક પેટ્રોલ' નામનું સાયન્સ ફિક્શન લખ્યું. જે તેમનું શ્રેષ્ઠ અને બેસ્ટ સાબીત થયું. આ નવલકથામાં આંતર તારાકીય સફરનું વર્ણન છે. જેમાં 'સ્ટાર વોર્સ' જેવા યુધ્ધની કલ્પના, આંતર તારાકીય કાયદાનાં રક્ષકો અને લશ્કરી દળોનો સમન્વય દર્શાવાયો છે. જે વિવિધ ગ્રહ ઉપર રહેલ 'સભ્યતા'નું રક્ષણ કરે છે. એક હેડ ક્વાર્ટર પૃથ્વી ગ્રહ ઉપર છે. બીજુ અન્ય નિહારીકા 'ક્લોવીયા'નાં અલ્ટ્રા પ્રાઈમ ઉપર છે. ડાયરેક્ટ્રીક્સ/ZGMgZ દસ લાખ વિવિધ સ્પેસશીપની બનેલ મિલીટરી ફોર્સ છે. બ્રહ્માંડની દરેક નવી સભ્યતા માટે એક લશ્કરી 'ફ્લીટ' છે. જે દર્શાવે છે કે અંદાજે દસ લાખ ગ્રહ ઉપર માનવ સભ્યતા જેવી પરગ્રહવાસી સભ્યતા છે.
૧૯૪૭માં સાયફાય એડિટર જેમ્સ કેમ્પબેલ, ડોક સ્મીથને પત્રમાં જણાવે છે કે 'ગેલેક્ટીક પેટ્રોલ' ઉપરથી પ્રેરણા લઈને અમેરિકન નેવીનાં નેવલ ઓફીસરે યુધ્ધ જાહજ ઉપર 'કોમ્બેટ ઈન્ફરમેશન સેન્ટર' ગોઠવવાની તૈયારી કરી લીધી છે. આજના યુધ્ધ જહાજો અને કોમ્બેટ એરક્રાફ્ટ સીસ્ટમમાં 'કોમ્બેટ ડિરેક્શન સેન્ટર' એક આવશ્યકતા બની ગયું છે. ડોક્ટર સ્મીથે લડાયક જહાજો અને વિમાનોને માહિતી કેન્દ્ર અને પ્રોસેસીંગ સેન્ટરથી પાવરફૂલ બનાવી નાખ્યા છે. કલ્પનાનો આ વિસ્તાર હકીકત બની ગયો છે. અમેરિકન નેવીનું કોમ્બેટ ઈન્ફરમેશન સેન્ટર ડાયરેક્ટ્રીક્સ અને ઈ.ઈ. સ્મીથનાં પ્રેરણા સ્ત્રોત નીચે દબાએલું છે. 'સ્ટાર વોર્સ'ની થીમ પાછળ ડોક્ટર સ્મીથનાં અદ્રશ્ય પડછાયા કામ કરે છે.
૧૯૧૪માં એચ.જી. વેલ્સની નવલકથા 'ધ વર્લ્ડ સેટ ફ્રી' પ્રકાશીત થાય છે. ત્રણ અલગ અલગ પુસ્તકોનાં સમુહ 'ટ્રાયલોજી'માં કૃત્રિમ પરમાણુ ઊર્જા, પરમાણુ શસ્ત્રોની આગાહી કરવામાં આવી હતી. આ સમય એવો હતો કે વૈજ્ઞાાનિકો જાણતા હતાં કે 'રેડિયમ' જેવાં તત્વોનો કુદરતી રીતે ક્ષય થતો રહે છે. આ પ્રક્રિયા હજારો વર્ષ ચાલે છે જેમાં 'રતીભર' જેટલી ઊર્જા મુક્ત થતી રહે છે. વીસમી સદીની શરૃઆતમાં ભારે તત્ત્વોમાં રહેલી નાભીકીય ઊર્જાને નાથીને પરમાણુની ભીતરમાં રહેલ ઊર્જાનો ઉપયોગ કરવાનો આઇડિયા અસ્તિત્ત્વમાં આવ્યો હતો. બસ, આ પહેલાં જ એચ.જી. વેલ્સની 'ધ વર્લ્ડ સેટ ફ્રી' પ્રકાશીત થાય છે. વેલ્સનું લખાણ બતાવે છે કે તેમને પરમાણુ ભૌતિકશાસ્ત્રનું છીછરૃ જ્ઞાાન હોવું જોઈએ. કારણ કે 'ઉડું' જ્ઞાાન તો તે વખતનાં વૈજ્ઞાાનિકો પાસે પણ ન'હતું.
નોબેલ પ્રાઈઝ વિજેતા સર વિલીયમ્સ રામસેએ, નોબલ ગેસની શોધ કરી, તત્વોની કેમિકલ રીએક્ટીવીટીમાં નવું પરિણામ ઉમેર્યું હતું. અર્નેસ્ટ રૃથરફોર્ડે રેડિઓ એક્ટીવ પદાર્થ માટે 'હાલ્ફ લાઈફ' નામનો નવો કન્સેપ્ટ રજુ કર્યો હતો. રેડિયો એક્ટીવીટીનાં કારણે એક તત્ત્વનો પરમાણુ તુટીને અન્ય તત્ત્વનો પરમાણુ બનતો જાય છે. આ વાત પણ તેમણે જ રજુ કરી હતી. છેવટે તેમને પણ રસાયણ શાસ્ત્રનું નોબેલ પ્રાઈઝ મળ્યું હતું. હવે ત્રીજા રસાયણ શાસ્ત્રીનો આ ચિત્રમાં પ્રવેશ થાય છે. ફેડરિક શોડીએ રેડિયો એક્ટીવ તત્વોનાં 'આઈસોટોપ'નાં અસ્તિત્વને શોધી બતાવ્યું. તેમનાં નામે પણ નોબેલ પ્રાઈઝ લખાઈ ગયું. ફ્રેડરિક શોડીએ ''વેલ્થ, વર્ચ્યુઅલ વેલ્થ એન્ડ ડેબ્ટ''. નામનું પુસ્તક લખ્યું છે, જેમાં એચ.જી. વેલ્સની 'વર્લ્ડ સેટ ફ્રી'નાં વખાણ છે. ટુંકમાં અર્નેસ્ટ રૃથરફોર્ડ અને ફ્રેડરિક શોડી જેવાં મહાનુભાવો એચ.જી. વેલ્સથી પ્રભાવિત હતાં. મુખ્ય પ્રભાવ ભૌતિકશાસ્ત્રી લીઓ ઝીલાર્ડ ઉપર પડયો હતો.
૧૯૩૨માં લીઓ ઝીલોર્ડે એચ.જી. વેલ્સનું પુસ્તક વાચ્યું. બસ આજ વર્ષે જેમ્સ ચેડવિક દ્વારા ન્યુટ્રોનની શોધ થઈ હતી. લિઓ ઝિલાર્ડને વિચાર ૧૯૩૩માં વિચાર આવ્યો કે ન્યુટ્રોનનો મારો ચલાવીને પરમાણુ તોડી શકાય અને ટુંકમાં, પરમાણુ ઊર્જા મેળવવા માટે કે પરમાણુ બોમ્બનાં વિસ્ફોટ માટે 'ચેઈન રિએક્શન' શરૃ કરાવી શકાય. ૧૯૩૪માં ન્યુટ્રોન દ્વારા 'ચેઈન રિએક્શન' માટે લીઓ ઝીલાર્ડે 'પેટન્ટ' નોંધાવી દીધી. આજનું વિશ્વ પરમાણુ બોમ્બની ભયાનકતા, નાભીકીય ઊર્જાનાં શાંતીમય ઉપયોગ અને એટમીક પાવર પ્લાન્ટમાં થતાં અકસ્માતોમાં જોખમ આ બધાનો સ્વાદ ચાખી ચૂકી છે. વિશ્વની અગણિત શોધોનાં પાયામાં 'સાયન્સ ફિક્શન' છે, જો સાહિત્ય ભુતકાળને 'ઇતિહાસ' રૃપે સાચવતું હોય તો...
સાયન્સ ફિક્શન એ ભવિષ્યકાળનો ઇતિહાસ છે. તેમાંથી પ્રેરણા લઈ માનવી ઐતિહાસિક શોધ કરી નાખે છે. ગુજરાતી છાપાની રવિવારની સાહિત્યીક પૂર્તિમાં અફલાતૂન 'સાયન્સ ફિક્શન' નવલકથા રૃપે ક્યારે છપાશે? એની સાયફાય આઈડિયા?! સાયન્સ ફિક્શનનો ધ એન્ડ ઃ ''ઈન ધ બીગીનીંગ ઓફ ધ એન્ડ, ઘેર વોઝ એ સીંગ્યુલારીટી!''

No comments: