Sunday 9 December 2012

મીઠાશ:- એક કડવું સત્ય..

ફ્‌યુચર સાયન્સ - કે.આર ચૌધરી


- સ્યુગરના દુર્ગુણો કે 'ખાંડ' કેટલી હાનીકારક છે તેની ચર્ચા કર્યા વગર, વૈજ્ઞાાનિકો 'સ્યુગર' ક્ષેત્રે શું નવું સંશોધન કરી રહ્યાં છે અને માનવ શરીરની જૈવિક પ્રક્રિયામાં 'સ્યુગર'નો શો સંબંધ છે તેનાં પર એક દ્રષ્ટ્રીપાત કરીએ.

 

એક સાયન્સ સેમીનારમાં એક વિદ્યાર્થીએ પ્રો. યશપાલને સવાલ કર્યો હતો ! બાળકો નાની ઉમરનાં હોવા છતાં તેમનાં દાંત જલ્દી સડી જાય છે, જ્યારે પ્રાણીઓ બ્રશ કરતા નથી છતાં તેમનાં દાંત સડતા કેમ નથી ? ઉત્તરમાં પો. યશપાલે જણાવ્યું હતું કે, ''કારણ છે માત્ર ''સ્યુગર''! પ્રાણીઓનાં ખોરાકમાં સ્યુગરનું નામોનિશાન હોતું નથી. માંસહારી પ્રાણીઓ પ્રોટીન અને ચરબી યુક્ત ખોરાક ખાય છે. તેઓ બ્રશ ન કરે તો પણ ચાલે ! મનુષ્યનાં ખોરાકમાં સ્યુગર એટલે કે શર્કરા, સાકરનું પ્રમાણ છેલ્લા દાયકાઓમાં વધી ગયું છે. એમાં પાછું ''કુછ મીઠા હો જાય'' એવા પ્રસંગો આપણે શોધતાં જ રહીએ છીએ. કેટલાંક પ્રાંતમાં જમ્યા પછી 'ગળ્યું' ખાવાનો રિવાજ જ હોય છે. સરવાળે શરીરને 'સ્યુગર' મળતી રહે છે. મીઠાશવાળા પદાર્થોમાં 'સ્યુગર' વપરાય છે એટલે મીઠાશ અને સ્યુગર એકબીજાના પર્યાય બની ગયા છે.
વૈજ્ઞાનિકો કહે છે કે શર્કરા એ ધીમું ઝેર છે. દિવાળીના તહેવારમાં ગુજરાતીઓ મીઠાશ વગરનાં રહે તે વાતમાં કોઈ માલ નથી. દિવાળી એટલે જાણે મીઠાઈઓનો તહેવાર એટલે ગમે તેનાં ઘરે જાવ તો પણ મોં મીઠું કરવું જ પડે. આ લેખમાં સ્યુગરના દુર્ગુણો કે 'ખાંડ' કેટલી હાનીકારક છે તેની ચર્ચા કર્યા વગર, વૈજ્ઞાાનિકો 'સ્યુગર' ક્ષેત્રે શું નવું સંશોધન કરી રહ્યાં છે અને માનવ શરીરની જૈવિક પ્રક્રિયામાં 'સ્યુગર'નો શો સંબંધ છે તેનાં પર એક દ્રષ્ટ્રીપાત કરીશું.
૧૯૮૦માં અમેરિકાની મેયો કલીનીકના ડોક્ટરોને આશ્ચર્યજનક પરીણામો જોવા મળ્યા હતા. લીવરનાં ૩૦ દર્દીઓની 'બાયોપ્સી' કરાવતા લગભગ સરખા પરીણામો જોવા મળ્યા હતા. લીવરના કોષોમાં મૃતકોષોની સંખ્યા વધારે હતી. કોષોમાં સોજો આવી ગયો હતો. કોષોમાં ઉઘડતા ગુલાબી રંગનાં ડાધાઓ વાળું યકૃત બંધારણ જોવા મળતું હતું. ત્રણ દર્દીને 'સિરોસીસ'ના (યકૃતનો જુનો વધતો જતો રોગ) લક્ષણો જોવા મળ્યા હતા, જે લીવરનાં કોષો વારંવાર નુકશાન પામતાં થતો રોગ છે. જો સામાન્ય ડોક્ટરને લીવરનાં કોષોની આ સ્લાઈડ બતાવવામાં આવે તો, માયફ્રોસ્કોપમાંથી નજર હટાવીને તેઓ સીધું તારણ આપત ઃ ''આલ્કોહોલીક હિપેટાઈટીસ'' થયો છે. અહીં વાત જરા અલગ હતી. ત્રીસ દર્દીમાંથી એક પણ દર્દીને દારૃ પીવાની ટેવ ન હતી. પ્રસંગોપાત અગર તેમણે દારૃ રાખ્યો હોય તો તે પણ માત્ર ''બે ચાર ઘુંટડા જ'' અને રોગ જાણે દારૃડીયાનું ખલાશ થઈ ગયેલ 'લીવર' હોય તેવી હાલત બતાવતું હતું. સંશોધન પછી તબીબોએ આ રોગને નવું નામ આપ્યું, ''નોન આલ્કોહોલીક સ્ટીથો હિપેટાઈટીસ''.
ત્રીસ વર્ષ બાદ, ૨૦૧૨માં માત્ર અમેરિકામાં જ નહીં, વિશ્વમાં લગભગ બધા જ વિકસીત દેશોમાં આ રોગ હવે સાવ સામાન્ય બની ગયો છે. આજથી ત્રીસ વર્ષ પહેલાં તબીબો આ રોગ વિશે જાણતા ન હતા. એ રોગ ત્રીસ વર્ષમાં ઘરેલું આઈટમ બની જાય એ નવાઈની નહીં ! સાવધાન બનવાની વાત છે. આ રોગ પાછળનો મુખ્ય વિલન છે. ''સ્યુગર'', શર્કરા, સાંકર જેને આપણે ખાંડ કહીએ છીએ. ખરેખર 'સ્યુગર' એ રસાયણીક રીતે એક આખું ગુ્રપ છે. જેમાં વિવિધ પ્રકારની શર્કરાનો સમાવેશ થાય છે. બેસીકલી સ્યુગર એ કાર્બોહાઈટ્રેટ છે. નામ પ્રમાણે તે કાર્બન હાઈડ્રોજન અને ઓક્સીજનનાં મોલેક્યુસનું ઝુમખું બનતાં બને છે. ગ્લુકોઝ, ફ્રુકટોસ, ગેલેકટોસ, સુક્રોસ, માલ્ટોસ, લેકટોસ, વગેરે... સાદી શર્કરા એટલે કે મોનોએકેરાઈક્સ જેમાં ગ્લુકોસ, ફ્રુકટોસ અને ગેલેકટોસનો સમાવેશ થાય છે. ખાંડનું સંકીર્ણ સ્વરૃપ એટલે 'ડ્રાય સેકેરાઈડ્સ' જેમાં લેકટોસ અને માલ્ટોસનો સમાવેશ થાય છે. બંધારણ પ્રમાણે તેમનાં નામ છે. સામાન્ય રીતે આપણે 'ચા' અને રસોઈમાં વાપરીએ છીએ તે ખાંડ 'સુફ્રોસ' છે. ફળ, ફુલ, જમીનમાં થતાં શાકભાજી મધ વગેરેમાં 'ફ્રુકટોસ' હોય છે. 'સ્ટાર્ચ'ના રેણુઓને એન્ઝાઈમ્સ 'એમીલેસ' તોડી નાખે છે ત્યારે 'માલ્ટોસ' બને છે. માલ્ટોસનું ગળાપણ ગ્લુકોઝ કરતાં અડધુ અને ફુકટોસ કરતાં છઠ્ઠા ભાગનું હોય છે. આ હિસાબે સૌથી વધારે 'મીઠાશ' ફ્રુકટોસમાં હોય છે. પીપરમીટ, ગોળીઓમાં 'માલ્ટોસ' પણ વપરાય છે. માલ્ટોસમાં 'યીસ્ટ' જેવી ફુગ ઉમેરેતો આથો આવતાં 'ઈથાનોલ' નામનું 'ફ્યુઅલ' બને છે. બાય પ્રોડક્ટમાં કાર્બન ડાયોક્સાઈડ મુક્ત થાય છે. દુધમાં રહેલી મીઠાશ 'લેકટોસ'નાં કારણે હોય છે. જેની શોધ ૧૬૯૧માં ફેબ્રીસીઓ બાર્તોલેનીએ કરી હતી અને... લેકટોસ એ 'સ્યુગર' છે એ વાત ૧૭૮૦માં કાર્લ વિલ્હેમશ્યીલીએ સાબિત કરી હતી. નાઉ બેક ટું પોઈન્ટ...
સાતફ્રાન્સીસ્કોનાં યુનિ. ઓફ કેલીફોર્નીયાનાં ડો. રોબર્ટ લસ્ટીંગ નામનાં બાળરોગ નિષ્ણાંત અને એન્ગેફોનોલોજીસ્ટ કહે છે કે ''નોન- આલ્કોહોલીક સ્ટીથીઓહિપેટાઈટીસ થવાનું મુખ્ય કારણ છે, ખાંડનો વધારે પ્રમાણમાં ખોરાકમાં ઉપયોગ કરવો.'' અને જો દોષનો ટોપલો ઢોળવો હોય તો, ''ફ્રુકટોસ નામની શર્કરા ઉપર ઢોળવો જોઈએ. મોટા ભાગે મીઠાશ વાળા ફળોમાં 'ફ્રુકટોસ' હોય છે. ફળ શર્કરા તરીકે જાણીતી આ શર્કરા કુદરતી સ્ત્રોત છે. ફળાહારનો આગ્રહ રાખનારાં અને ડાયેટીંગના શોખીનો માટે આ એક 'કડવું' સત્ય છે. ફળની 'ફ્રુકટોસ' નામની મીઠાશ પણ નિર્દોષ નથી. તેનાં વધારે પડતાં ઉપયોગથી લીવર એટલે કે યકૃતની બીમારી થઈ શકે છે.''
આજનાં યુવાનોનાં ખોરાકમાં આ ડાયેટરી 'ફ્રુકટોસ' ભલે ફળોમાંથી આવતું હોય પરંતુ તેનો મુખ્ય સ્ત્રોત છે 'મકાઈ' અને અમેરિકન મકાઈ નામની 'સ્વીટ' કોર્ન તેનો મુખ્ય આધાર છે. મકાઈમાંથી સસ્તાં પ્રકારનાં સ્વીટનર્સ બને છે જેનો ફુડ ઉદ્યોગ ભરપુર ઉપયોગ કરે છે. પિઝા અને ફાસ્ટફુડને કોલ્ડ ડ્રીન્સ સાથે ખાનારાના ઠંડા પીણાની મીઠાશ ''હાઈ ફુકટોસ કોર્ન સીરપ''માંથી જ આવે છે. HFCS તરીકે જાણીતું આ સ્વીટનર આખી દુનિયામાં વપરાય છે. સોફ્ટ ડ્રિન્કસમાં ફ્રુકટોસ અને ગ્લુકોઝનું મિશ્રણ હોય છે. જેમાં ૪૨% થી ૫૫% 'ફ્રુકટોસ' હોય છે. શર્કરામાં સૌથી વધારે મિઠાશ ફ્રુકટોસમાં હોય છે. આપણી રોજીદી ખાંડ પણ આમ તો ફ્રુકટોસ અને ગ્લુકોઝનું મિશ્રણ જ છે જે 'સુફ્રોસ' તરીકે ઓળખાય છે. મકાઈમાંથી બનતું HFCS ગ્લુકોઝ કરતાં વધારે ગળ્યું હોય છે.
ફુડ ઈન્ડસ્ટ્રી શા માટે ગળપણ વધારે ઉમેરે છે ? એડેલેઈડ, ઓસ્ટ્રેલીઆની મહિલા વૈજ્ઞાાનિક કેરીન ઓંડીઆ કહે છે કે ''ખાદ્ય પદાર્થોમાં ખાંડ તો બધે જ છે. પરંતુ જેમાં 'મીઠાશ' વધારે ને વધારે વેચાય છે.'' એટલે પપ્પુ પાસ થાય કે ઈન્ડિયા જીતે 'મીઠાશ' વેચાવી જોઈએ. મનુષ્યનાં સ્વાસ્થ્ય માટે ખતરારૃપે 'સુફ્રોસ'ને ભુલી શકાય નહીં. આંતરડામાં રહેલાં સુક્ષ્મ જીવાણુઓ 'સુફ્રોસ'ના રેણુઓને ગ્લુકોઝ અને ફુકટોસમાં તોડી નાખે છે ત્યારબાદ આ બંને સ્યુગર રક્ત પ્રવાહમાં પ્રવેશે છે. કોષોને ત્વરીત ઉર્જા આપવાનું કામ ગ્લુકોઝ કરે છે.
ખોરાકમાં ફુકટોસ શરીરની ઈન્સ્યુલીન પ્રત્યેની પ્રતિરોધકતા એટલે કે 'ઈન્સ્યુલીન રેસીસટન્સ' વધારે છે. પ્રકૃત્તિમાં 'ફેટ'નો જમાવ કરે છે. અને ચયાપચપની પ્રક્રીયામાં વિધ્નો ઉભા કરે છે. પરીણામે... કમરનો ઘેરાવો વધતો જાય છે. લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધતું જાય છે. હાઈ બ્લડ પ્રેશર અને લોહીમાં નુકશાનકારી 'ફેટ' ચરબી વધતી જાય છે. જેનાં કારણે માત્ર લીવર જ નહીં 'હૃદય'ને લગતાં રોગો પણ વધે છે. 'મેટાબોલીક સ્ન્ડ્રોમ'ના ભોગ બનનારાં લોકોમાં ડાયાબીટીસ હૃદયના રોગો અને સ્ટોકથી પિડાતા લોકોનું પ્રમાણ વિશ્વમાં ૧૫% થી ૩૪% જેટલું ફરતું રહે છે.
આવી સમસ્યા પેદા થવાનું મુખ્ય કારણ શું ? વૈજ્ઞાાનિકોની એક આધુનિક થીયરી કહે છે કે ''સમસ્યાનાં મુળ 'ઈન્સ્યુલીન રેસીસ્ટન્સ'માં રહેલાં છે. શરીરનાં લગભગ બધા જ કોષો શરીરનો મુખ્ય એનર્જી સ્ત્રોત તરીકે ગ્લુકોઝ વાપરે છે. ગ્લુકોઝના ચયાપચપમાં ઈન્સ્યુલીનનો સ્ત્રોત મદદરૃપ બને છે. ફુકટોસની બાબતે આવું બનતું નથી. 'ફ્રુકટોસ'નું પાચન 'યકૃત' / લીવરમાં થાય છે. યકૃત ગ્લુકોઝ અને ફ્રુકટોસ બંનેનું પાચન કરે છે. તેમાં મોટો તફાવત છે. ફ્રુકટોસનાં કારણે બ્લડ પ્રેશરમાં થો-ડો-ક વધારો થાય છે. ફ્રુકટોસનું ફેટ એટલે કે ચરબીમાં રૃપાંતર થવાનાં 'ચાન્સ' વધારે હોય છે. ફ્રુકટોસનું કેટલીક ચરબી લીવરમાં જમા થાય છે જ્યારે બાકીની 'ટ્રાય-ગ્લીસેરાઈડસ' રૃપે લોહીમાં ભળે છે. ઈન્સ્યુલીન રેસીસ્ટન્સ વધતાં 'ડાયાબીટીસ' થાય છે. ફ્રુકટોસનાં કારણે જ્યાં ચરબીનો જમાવ થવો જોઈએ નહી તેવાં અંગો, હૃદય, લીવર અને પેન્ફીયાસ ગ્રંથીમાં 'ફેટ' વધતી જાય છે.''
તમે દારૃ પીતા હો કે નહીં, 'ફેટી લીવર' એ મોટી સમસ્યા છે જ. શું ખોરાકની પેટર્નમાં ફેરફાર કરવાથી 'રોગ'નાં ચિન્હોને રીવર્સ ગીઅરમાં નાખી શકાય ? વૈજ્ઞાાનિક ઓર્ડિઆ કહે છે કે ''ઈન્સ્યુલીન અને લેપ્ટીન જેવાં અંતસ્રોવો ઉપર ફ્રુકટોસની અસર ઓછી જોવા મળે છે. અંતસ્રાવો દ્વારાં જ મગજને ખબર પડે છે કે ''બસ હવે પેટ ભરીને જમી લીધું છે.'' પ્રયોગોમાં જોવા મળ્યું છે કે બેકટેરીયા દ્વારા આંતરડામાં પેદા થતું ઝેરી તત્વ, ''એન્ડોટોક્સીન'', ફ્રુકટોસને કારણે શરીરમાં વધારે શોષણ પામે છે. જેનાં કારણે સોજો આવે છે. એક વૈજ્ઞાાનિકે ફેબુ્રઆરી ૨૦૧૨ના 'નેચર' મેગેજીનમાં દલીલ કરી હતી કે ''ફ્રુકટોસની અસર 'લીવર' ઉપર આલ્કોહોલ જેવી જ છે. સ્વાસ્થ્ય માટે ખતરારૃપ આ 'સ્યુગર' ઉપર પણ હવે સરકારે ટેક્ષ લેવો જોઈએ.'' રોબર્ટ લસ્ટીંગ નામનાં ડોક્ટર અને વૈજ્ઞાાનિકનાં એક વિડીયો લેક્ચર ''સ્યુગર- ધ બીટર ટૂથ''ને યુ ટયુબ ઉપર લોડ કર્યા બાદ ૨૫ લાખ 'કલીક' મળી છે.
સામાન્ય માનવીની વાત બાજુમાં રાખીએ તો વૈજ્ઞાાનિક સમુદાયમાં પણ 'ફ્રુકટોસ' હાઈપોસીસની આલોચના કરનારો વર્ગ પણ છે. ઓસ્ટ્રેલીઆની યુનીવર્સીટી ઓફ સિડનીની બાયો-કેમિસ્ટ જેની બ્રાન્ડ મિટર કહે છે કે ''ફ્રુકટોસનાં કારણે ટ્રાય ગ્લીસરાઈડસનું પ્રમાણ વધે છે. પરંતુ મહત્વની વાત એ છે કે આવું 'ફ્રુકટોસ'નું સેવન વધારે થાય ત્યારે બને છે. માનવી સામાન્ય પ્રમાણમાં તે લેતો હોય ત્યારે આવું બનતું નથી.'' વાત સાચી છે પણ છેવટે બુંદ બુંદ ભેગી થતાં 'સાગર' બને છે. આપણી ખોરાકની ટેવો ઉપર પશ્ચિમની અસરો વધી રહી છે. ત્યારે આપણાં સ્વાસ્થ માટે જાગૃત રહેવું સારૃ ગણાય. એક સર્વે પ્રમાણે અમેરિકાનાં 'ટીનેએજરો'માં ઉર્જાનાં સ્ત્રોતનો ૩૦% હિસ્સો સુફ્રોસ અથવા ફ્રુકટોસમાંથી આવે છે.
વૈજ્ઞાાનિકોએ ફ્રુકટોસની અસરો જાણવા માટે એક પ્રયોગ કર્યો હતો. ૩૨ લોકોનાં ગુ્રપને બે ભાગમાં વહેચી નાખવામાં આવ્યા હતા. જેઓ ચાલીસી વટાવી ચૂકેલ અને ભારે શરીર વાળા હતા. એક ગુ્રપને રાત્રી ભોજન બાદ ગ્લુકોઝનું પીણું આપવામાં આવ્યું, જ્યારે બીજા ગુ્રપને 'ફ્રુકટોસ'નું પીણું પુરૃ પડાયું હતું. દસ અઠવાડીયા બાદ જોવા મળ્યું કે બંને ગુ્રપનાં લોકોમાં ૧.૫૦ કિ.ગ્રા. વજન વધ્યું હતું. ગ્લુકોઝ પીનારા લોકોમાં ૩% ચરબી વધારે જમા થઈ હતી જ્યારે 'ફ્રુકટોસ' વાળાના શરીરમાં ચરબીમાં ૧૪% વધારો થયો હતો. દર ચોવીસ કલાકે આ લોકોનાં લોહીનાં સેમ્પલ લેતાં જાણવા મળ્યું કે ગ્લુકોઝ પીનારા કરતાં ફ્રુકટોસ પીનારાનાં લોહીમાં ટ્રાય ગ્લીસરાઈડનું પ્રમાણ લગભગ બમણું હતું.
ખાંડને લગતાં આ પ્રયોગનું છેવટનું તારણ એ બતાવતું હતું કે ફ્રુકટોસના કારણે બ્લડ ગ્લુકોઝમાં ૫% વધારો, ઈન્સ્યુલીનનાં લેવલમાં ૧૦% વધારો અનેઈન્સ્યુલીન પ્રત્યેની માનવીની સંવેદનશીલતામાં ૧૭% જેટલો ઘટાડો થયેલ જોવા મળ્યો હતો. ગ્લુકોઝ પીનારામાં આવો કોઈ જ વધારો ઘટાડો જોવા મળ્યો ન હતો. ફ્રુકટોસને લગતાં પ્રયોગો ઘણું બધું 'કડવું સત્ય' જણાવી જાય છે. એક સર્વે પ્રમાણે મનુષ્ય આખા વર્ષ દરમ્યાન વિવિધ ખાદ્ય પદાર્થોમાંથી ૩૨ કિલોગ્રામ જેટલી 'સ્યુગર' હજમ કરી જાય છે. ગુજરાતમાં 'ચા'ના શોખીનોએ તેમનાં 'ખાંડ' પ્રેમની ગણતરી કરવી જોઈએ.
'ફ્રુેકટોસ'ને મુખ્ય દોષી ગણીને 'ગ્લુકોઝ' સારો એવો તત્કાળ અભીપ્રાય બાંધી લેવાની પણ જરૃર નથી. વનસ્પતિની 'ફોટો સિન્થેસીસ' પ્રક્રીયાનું સીધું પરીણામ એટલે કુદરતનો મુખ્ય ઉર્જા સ્રોત, ''ગ્લુકોઝ''. આપણે તેના સિવાય જીવી શકીએ તે વાત સાચી છે પરંતુ ગ્લુકોઝ પણ બેધારી તલવાર છે. તેનો અતિરેક પણ શરીર માટે 'ઉપાધી' લાવે છે. શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે એટલે ડાયાબીટીસ. લોહીમાં વધારે પડતું ગ્લુકોઝ, શરીરનાં વધારે સંવેદનશીલ કોષોને મારી નાખે છે. ડાયાબીટીસનાં કારણે આંખનો અંધારયો, ચેતાકોષોને નુકસાન અને કીડની નિષ્ફળ જવાના 'ચાન્સ' વધી જાય છે. ગ્લુકોઝનાં કારણે શરીરનાં કોષોને કઈ રીતે નુકસાન થાય છે તે પ્રક્રીયા સરળ અને સમજાય તેવી છે.
ઓક્સીડેશન પ્રક્રિયાના કારણે જે કોષોમાં ખુબ જ વધારે ગ્લુકોઝ હોય ત્યાં રિએકટીવ ઓક્સીજન સ્પીસીઝ (ROS)નું નિર્માણ થાય છે. છેવટે કોષોને નુકસાન પહોંચાડી પોતાના નિશાન મુકતા જાય છે. બીજી એક પક્રીયા ગ્લુકોઝ અને પ્રોટીન વચ્ચે થાય છે. ગ્લુકોઝ કેટલાક પ્રોટીન સાથે રાસાયણિક પ્રક્રીયા કરે છે જેને 'ગ્લાયકેશન' પ્રક્રીયા કહે છે. જેમાં ગ્લુકોઝના રેણુઓ એમિનો એસીડ 'લાયસીન' સાથે જોડાઈ જાય છે. આ રિએક્શનને મેઈલાર્ડ રિએક્શન કહે છે. જેને બ્રાઉનીંગ રીએક્શન પણ કહે છે. રસોઈમાં તે અગત્યનું રિએક્શન છે. બ્રેડ શેકાતા તેના છેડા બ્રાઉન બની જાય છે. ડુંગળી સાંતળો ત્યારે બ્રાઉન બને છે. માસનાં ટુકડાને શેકતા તે બ્રાઉન છીકણી રંગ ધારણ કરે છે. આ બધી પ્રક્રીયામાં ''મેઈલાર્ડ રિએક્શન'' થાય છે.
માત્ર રસોઈમાં જ નહીં શરીરની જૈવિક પ્રક્રીયામાં મેઈલાર્ડ રિએક્શનના કારણે, કેટલાંક પ્રોટીનનો આકાર બદલાઈ જતાં વિકૃત બને છે. પ્રોટીન તેનું યોગ્ય કામ બજાવે તે માટે તેનો આકાર નોર્મલ રહે તે જરૃરી છે. વિકૃત બનેલા પ્રોટીન ''AGES'' તરીકે ઓળખાય છે. ગ્લુકોઝ કરતાં વધારે સક્રીયતા બતાવીને 'ફ્રુકટોસ' પ્રોટીન સાથે 'મેઈલાર્ડ રિએક્શન' કરે છે. જેના કારણે વધારે AGES પેદા થાય છે. યાદ રહે કે ડાયાબીટીસનાં ટેસ્ટ માટે પણ તબીબો બલ્ડટેસ્ટ કરે છે ત્યારે લોહીમાં રહેલ 'ગ્લુકોઝ'નું જ લેવલ માપવામાં આવે છે. લોહીમાં રહેલ 'ફ્રુકટોસ' કેટલી છે તેનું લેવલ માપવામાં આવતું નથી. તમારા શરીરમાં કઈ 'સ્યુગર' ખતરનાક બની રહી છે તેનો તમને ભાગ્યે જ ખ્યાલ આવે છે.
વૈજ્ઞાાનિકો સ્યુગર ઉપર સંશોધન કરી રહ્યાં હતાં તેમાં, એક નવા જનીનની શોધ થઈ છે. જે ઈન્સ્યુલીન રિઓટરર સાથે સંકળાયેલ છે. DAF-2 નામે ઓળખાતા આ જનીનમાં બદલાવ લાવવામાં આવે તો, પ્રયોગોમાં કેટલીક ઈયળોનું આયુષ્ટ લગભગ બમણું થઈ ગયું હતું. સારાંશ એ છે કે DAF-2 કોષોની 'ઉંમર' પાકવાની પ્રક્રીયાને અસર કરે છે. શરીરમાં ઈન્સ્યુલીનનું પ્રમાણ વધારે હોય તો કોષોનું આયુષ્ય ઘટી જાય છે. મતલબ માનવી જલ્દી ઘરડો થઈ જાય છે.
કોલારાડોના ફીજીશીઅન રોન રોઝડેલ કહે છે કે ''સરવાળે ખાઈ શકાય તેમાં 'ગુડ સ્યુગર' કોઈ બચતી નથી.'' ગ્લુકોઝ નોન એસેન્શીયલ પોષક તત્વ છે. શરીર જરૃર પડે ત્યારે આપમેળે તેને બનાવી લે છે. આપણે ખોરાકમાં ગ્લુકોઝ ન લઈએ તો પણ શરીર તેને બનાવી લે છે. એટલે સવાલ હવે એ છે કે ''શરીરને ગ્લુકોઝ બનાવવા દેવું કે, બહારથી મીઠું ખાઈને શરીરને ગ્લુકોઝ પુરો પાડવો ?'' ઉત્તર તમારા હાથમાં છે. દિવાળીમાં મીઠાશ માણતાં પહેલાં ફ્યુચર સાયન્સના લેખને યાદ ન કરો તો, વાધો નહીં. તમારાં ફ્યુચરનો વિચાર જરૃર કરી લેજો.

No comments: