Sunday 17 April 2016

''ડૉલી'' કોણ હતી ? ક્લોનિંગના બે દાયકા બાદ...


દુનિયાની સૌથી વિશાળ ક્લોનિંગ ફેકટરી પાસે ''માનવ ક્લોનિંગ'' કરવાની ક્ષમતા છે. પરંતુ ભવિષ્યમાં તે મનુષ્યનું ક્લોનિંગ કરશે ? આ સવાલ આજે ''ડૉલી'' નામની ઘેટીનાં ક્લોનિંગનાં બે દાયકા બાદ પણ એમને એમ ઉત્તરવિહીન ઊભો છે. લગભગ વિજ્ઞાનક્ષેત્રે આગળ રહેલાં દેશોમાં માનવ ક્લોનિંગ ઉપર પ્રતિબંધ છે. બ્રિટનનાં રોઝાલીંડ ઈન્સ્ટીટયુટનાં વૈજ્ઞાનિક ઈઆન વિલ્મુટ અને ટીમે, વિશ્વની પ્રથમ સ્તન્યવંશી પ્રાણીનું ક્લોનિંગ કરીને ઈતિહાસ સર્જી બતાવ્યો હતો. લોકો કહેતા હતાં કે આજે ઘેટાનું ક્લોનિંગ થયું છે તો આવતી કાલે ભરવાડનું ક્લોનિંગ થશે.
જો કે મનુષ્યનું ક્લોનિંગ થાય એવી ''આવતીકાલ'' હજી આવી નથી. પ્રાણીઓનાં ક્લોનિંગ માટે હવે વ્યાપારી સેવાઓ પણ ઉપલબ્ધ બની છે. બ્રિટનનાં એક બિલ્ડર દંપતિએ તેમનાં વ્હાલાં કુતરાંનાં મૃત્યુનાં પંદર દિવસ બાદ ક્લોનિંગ કરાવીને બોક્સર જાતીનાં કુતરાનાં ગલુડીયાને જન્મ આપ્યો છે. અત્યાર સુધી ૭૦૦ જેટલાં પાલતું કુતરાઓનું ક્લોનિંગ તેમનાં માલીક કરાવી ચુક્યા છે. કોરીયાની ''સુઆમ'' કંપની અને તેનાં સ્થાપક ડો. વાંગ વુ શુક  વિશ્વવિખ્યાત છે. બ્રિટિશ દંપતીએ કુતરાનાં ક્લોનિંગ માટે ૬૭ હજાર પાઉન્ડ ખર્ચ્યા છે. 'ડૉલી' ક્લોનિંગની ઘટનાનાં બે દાયકા બાદ, આજે શું ક્લોનિંગ શું સ્થિતિ છે ?

ક્લોનિંગ પાથવે ''ડોલી'':- ફ્લેશ બેક

જીવવિજ્ઞાનમાં 'ક્લોનિંગ'નો અર્થ થાય જીનેટીકલી એકસરખા સજીવને પેદા કરવા. કુદરતમાં પણ ''ક્લોનિંગ'' થાય છે. બાયોટેકનોલોજીવાળા ક્લોનિંગનો અર્થ ડિએનએનાં ટુકડાની નકલ પેદા કરવાની ટેકનીક માટે વાપરે છે. જો કે 'ક્લોનિંગ' શબ્દનો ઉપયોગ પ્રથમવાર જે.બી.એસ. હાલ્ડેન નામનાં બ્રિટિશ જીવરસાયણશાસ્ત્રીએ વાપર્યો હતો. જેમણે ભારતમાં પણ સંશોધન કાર્ય કર્યું હતું. સામાન્ય રીતે જૈવિક સમાગમ વગર, માદા કે નરનાં કોષોનું જીનેટિક મટિરીઅલ્સ વાપરીને નવો સજીવ પેદા કરવામાં આવે તેને 'ક્લોનિંગ' કહે છે. ટેકનિકલ ભાષામાં તે 'ઓર્ગાનીઝમ ક્લોનિંગ' છે. ઘણીવાર કેટલીક ''માદાઓ'' નર સાથેનાં સમાગમ વગર બચ્ચાનો 'વર્જીન' જન્મ આપે છે. જેને 'પાર્થેનોજીનેસીસ' કહે છે.
હાન્સ સોમાનને ૧૯૩૫માં તબીબી શાસ્ત્રનું નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું હતું. જે ક્લોનિંગ માટે એવોર્ડ વિનીંગ પ્રથમ ઘટના હતી. બહુચર્ચિત 'ડૉલી' ઘેટીનો જન્મ જુલાઇ ૧૯૯૬માં કરવામાં આવ્યો હતો. ક્લોનિંગની જાહેરાત ૧૯૯૭માં કરવામાં આવી હતી. ક્લોનિંગ એ જટિલ પ્રક્રીયા છે અને  સેંકડો પ્રયત્નો બાદ એકાદ સફળતા મળે છે.
ઈરા લેવીને ધ બોયઝ ફ્રોમ બ્રાઝીલ, નામની નવલકથાનાં ક્લોનિંગનીં વાત કરી છે. સાયન્સ ફિકશનમાં ક્લોનિંગ ઉપર સેંકડો કથા લખાઇ છે. હોલિવૂડની ફિલ્મો જેવી કે જુરાસીક પાર્ક, ધ સિક્સ્થ ડે, રેસિડેન્ટ એવીલ, સ્ટાર વૉર્સ, ધ આઇલેન્ડ જેવી ફિલ્મોમાં પણ ક્લોનિંગનો ઉલ્લેખ છે. વુડી એલને ક્લોનિંગનો કોમેડી તરીકે ઉપયોગ 'ધ સ્લીપર' ફિલ્મમાં કર્યો છે.

બોયાલાઈફ:ક્લોનિંગનો ચાઈનીઝ 'અવતાર'

બોયાલાઈફ નામની 'ક્લોનિંગ' કરનારી, રાક્ષસી સંસ્થા ચીનનાં ટીઆનજીન બંદર પાસે આવેલી છે. દર વર્ષે અહીં દસ લાખ ગાયોનું ક્લોનિંગ ટેકનીકલ વડે પેદા કરવામાં આવે છે. ક્લોનિંગ અહીં 'માંસ'નો પુરવઠો પુરો પાડવા માટે અને વિશિષ્ટ સંશોધન અર્થે કરવામાં આવે છે. આજે ક્લોનિંગ ક્ષેત્રે ચીનની ''બોયાલાઈફ'' અને દ.કોરીયાની ''સુઆમ'' ખ્યાતનામ બનેલ છે. બંને કંપની વચ્ચે ભાગીદારી છે. જ્યારે ચાઈનીઝ એકેડમી ઓફ સાયન્સ તેમને નાણાકીય સહાય પણ કરે છે.
પોલીસ અને લશ્કરી હેતુ માટે ઉપયોગી સર્ચ એન્ડ સ્નાઈફર ડોગ અને રેસ માટેનાં ઉમદા ઘોડાઓનું ક્લોનિંગ બોયાલાઈફ કરવાની છે. અહીં વાંદરાઓનું ક્લોનિંગ પણ વિવિધ દવાઓનાં તબીબી ટેસ્ટ માટે કરવામાં આવે છે. વાંદરાનું ક્લોનિંગ સફળ થયું છે. એટલે માનવું પડે કે મનુષ્યનું ક્લોનિંગ માત્ર એક જ ડગલું આગળ ચાલવાથી થઇ શકે તેમ છે. જો કે તેનાં ચીફ એક્ઝીક્યુટિવ કહે છે કે ''અમે માનવ ક્લોનિંગ કરવાનાં નથી. ટેકનોલોજીકલી અમે આગળ છીએ.'' અત્યાર સુધી બોયાલાઈફ ૬૦૦ જેટલાં બોમ્બ-સ્નીફિંગ કુતરાંઓને ક્લોનિંગ વડે પેદા કરી ચુકી છે. જે વૈશ્વિક ત્રાસવાદ ઘટાડવામાં ઉપયોગી થાય છે. (પછી ભલે વિટો વાપરીને ભારતની ત્રાસવાદીઓને ભારત સોંપવાની માંગણી ઉપર ઠંડું પાણી રેડી નાખે) બોયાલાઈફમાં તૈયાર થયેલાં ''ક્લોન્ડ'' એનિમલ્સ હાવર્ડ અને પીંકીંગ યુનિવર્સિટીમાં પ્રયોગો માટે વપરાય છે.

વાંગ વું-શુક :- પ્રાઈડ ઓફ કોરીયા

વાંગ વું-શુક હાલનાં ક્લોનિંગ ટેકનોલોજીનાં માસ્ટર આર્ટિસ્ટ ગણાય છે. 'નેચર' મેગેજીનમાં ક્લોનિંગ વિશે તેમનું સંશોધન પ્રકાશિત થયું હતું. તેમાં રજુ થયેલા તારણો ફેબ્રિકેટેડ હોવાનું જણાતાં ૨૦૦૬માં મોટો હોબાળો થયો હતો. તેમનાં બે ઉત્કૃષ્ટ આર્ટિકલ ૨૦૦૪ અને ૨૦૦૫માં સાયન્સ મેગેજીનમાં પ્રકાશિત થયા હતાં. ક્લોનિંગ ટેકનોલોજી વાપરીને તેમણે હ્યુમન એમ્બ્રીયોનિક સ્ટેમ સેલ વિકસાવવાનો દાવો રજુ કર્યો હતો. જો આવા સેલને નિયત અવધી સુધી વિકસવા દેવામાં આવે તો 'મનુષ્ય'નું ક્લોનિંગ થયું ગણાય. જેનાં પર નિષેધ છે.
૧૯૯૯માં યેઓન્ગચેંગ - નામની વધુ દૂધ આપે તેવી ગાયનું ક્લોનિંગ કરી, વાંગ વું-શુક દ. કોરીયાનાં મીડિયા જગતમાં દબાઇ ગયા હતાં. દ.કોરીયાનાં અગ્રણી વૈજ્ઞાનિકોમાં વાંગ વું-શુકનું નામ આવે છે. તેમનાં જીવતાં જીવ દ.કોરીયાએ ટપાલ ટિકિટ બહાર પાડી છે. એ બતાવે છે કે દ.કોરીયામાં તેમનું કેટલું માન અને મોભો હશે ! કોરીયન એર કંપની દ્વારા વાંગ વું-શુકને દસ વર્ષ માટે ફર્સ્ટક્લાસની ફ્રી ટિકિટ ઓફર કરી હતી. ૬૦ને પાર કરી ગયેલાં વું-શુક સવારે છ વાગ્યાથી 'ધંધે' લાગી જાય છે.મધરાત સુધી કામ કરે છે. પત્નીને મળવા માટે પણ માત્ર રાત્રે જ જાય છે. તેઓ કહે છે મારું કામ અને મારી દીનચર્યા મારી હેબીટ અને હોબી છે. તેમણે સુઆમ બાયોટેક રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના કરેલ છે. સિયોલનાં દક્ષિણ પર્વતીય વિસ્તારમાં સુઆમનું પાંચ માળનું બિલ્ડીંગ આવેલ છે. એક લાખ ડૉલરમાં વાંગ-શુક તમે કહો તે પ્રાણીનું ક્લોનિંગ કરી આપે છે. મોટાભાગે લોકો તેમના પાલતું પ્રાણીઓનાં ક્લોનિંગ તેમનાં મૃત્યુ બાદ કરાવે છે. આ રીતે વાંગ વું-શુકનાં રાઇઝ બાદ ફોલ અને ત્યારબાદ ફરી 'રાઇઝ' / ઉદય થયો છે.

ક્લોનિંગ - મેગા પ્રોજેક્ટ

જુરાસીક પાર્ક ફિલ્મ આવ્યા બાદ, વૈજ્ઞાનિકોમાં પણ જેનો અસ્તિત્વલોપ થઇ ગયો છે તેવાં પ્રાચીન 'રેર' પ્રાણીઓનાં ક્લોનિંગ કરવાની તાલાવેલી જાગી છે. જોકે જીવીત પ્રાણીઓનાં કોષમાંથી ક્લોનિંગ કરવું અલગ વાત છે. જ્યારે હજારો વર્ષ પહેલાં નાશ પામેલ પ્રાણી પ્રજાતીને ફરી જીવંત કરવા એ ખુબ જ મુશ્કેલ કામ છે છતાં વૈજ્ઞાનિકો ક્લોનિંગનાં આવા મેગા-પ્રોજેક્ટ પર કાર્યરત છે.
ટી-રેક્ષ (ડાયનોસૌર):- ૨૦૦૫માં સંશોધકોને માદા ટી-રેક્ષનાં અશ્મીઓ મળ્યાં છે. આમ તો અશ્મીઓ માદાનાં છે કે નરનાં તે કહેવું મુશ્કેલ હોય છે. વૈજ્ઞાનિકોએ પક્ષીઓમાં માદામાં જોવા મળતાં 'મોડયુલર બોન' ઉપરથી ટી-રેક્ષ માદાનાં અશ્મીઓ મેળવ્યાં છે. જે લગભગ ૬ કરોડ વર્ષ પ્રાચીન છે. જેમાં 'DNA’ સારી અવસ્થામાં સચવાયેલું માનવામાં આવે છે. વૈજ્ઞાનિકો માટે આ 'અશ્મી' ડાયનોસૌરને ફરી પૃથ્વી પર લાવવા માટેનો મેગા પ્રોજેક્ટ બની શકે છે.
કેવ લાયન (પત્થર યુગ):- ગુફામાં વસનાર સિંહની પ્રજાતી પત્થર યુગથી ચાલી આવે છે. દસ હજાર વર્ષ પહેલાં તે પ્રજાતી નામશેષ થઇ ગયેલ છે. સાઇબીરીયામાંથી કેવ લાયનનાં બચ્ચાનાં ખુબ જ સારી હાલતમાં જળવાયેલા (થિજી ગયેલી હાલતમાં મળેલ) અશ્મીઓ મળ્યાં છે. જેનો ઉપયોગ કરી વાંગ-શુક વું  કેવ લાયનનું ક્લોનિંગ કરવા માંગે છે.
ટુમેટ (ડોગ):- રશિયાની સ્યાલાખ નદી કિનારેથી 'મમી' અવસ્થામાં જળવાયેલ કુતરાની એક લુપ્ત પ્રજાતીનાં અશ્મીઓ મળી આવ્યા છે. ૨૦૧૧ અને ૨૦૧૫માં બે ગલુડીયાનાં અશ્મીઓ મળ્યાં છે. જેમાં ૮૦% અંગો સારી રીતે જળવાયેલાં છે. કુતરાનું મગજ પણ સારી હાલતમાં જળવાયેલ છે. વાંગ-વુ શુક આ 'ટુમેટ' કુતરાને પણ ફરીવાર પેદા કરવા કટીબધ્ધ બન્યા છે.
૨૦૦૯માં લુપ્ત થયેલ પ્રજાતી પિરેનિઅન ઈબેક્સને ક્લોનિંગ વડે જીવંત કરવાનો પ્રયત્ન વૈજ્ઞાનિકોએ કર્યો હતો. પ્રાણી તેનાં જન્મ બાદ ફેફસાની તકલીફ થતાં મૃત્યુ પામ્યું હતું. જોકે આધુનિક ટેકનોલોજી વડે લુપ્ત થયેલ પ્રજાતીઓને પુનઃ અવતાર આપવાનાં 'ચાન્સીસ' વધી ગયાં છે.
કેટલાંક જાણીતા પ્રાણીઓનાં ક્લોનિંગની વિગતો
પ્રાણી અને નામ
ક્લોનિંગ કરનાર
વર્ષ
ડૉલી-ઘેટી
ઈઆન વિલ્મુર
૧૯૯૬
ઘોડો-પ્રોમેટા
લેબોરેટરી ઓફ રિપ્રોડકટિવ ટેકનો.
૨૦૦૩
ઉંદર
સોવિયેત રશિયા
૧૯૮૬
ઉંટ-ઈન્જાજ
કેમલ રિપ્રોડકશન સેન્ટર, દુબાઇ
૨૦૦૯
કાર્પ માછલી
ટોંન્ગ ડિજોરું
૧૯૬૩
બિલાડી
ટેક્સાસ એ એન્ડ એમ યુનિવર્સિટી
૨૦૦૧
હરણ (ડેવેય)
ટેક્સાસ એ એન્ડ એમ યુનિવર્સિટી
૨૦૦૩
કુતરો (સ્નફી)
વાંગ-વું-શુક-સુઆમ
૨૦૦૫
ભારતીય વાનર-ટેટ્રા
જીરાલ્ડ કોરોન
૧૯૯૯-૨૦૦૭
ગ્રેવૃલ્ફ (વરૃ)
વાંગ-વું શુક
૨૦૦૫

Wednesday 13 April 2016

એરિયા -૫૧ રહસ્ય ખુલશે ? કે... વધારે ઘેરું બનશે? UFO અને એલીયન્સ સંબંધોથી વગોવાયેલો વિસ્તાર...

નવેમ્બર ૨૦૧૬માં અમેરીકામાં પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાવાની છે. તેમાં ડેમોક્રેટિક પાર્ટીનાં ઉમેદવાર છે શ્રીમતી હિલેરી ક્લિન્ટન અને જ્યારે રિપબ્લીકન પાર્ટીનાં ઉમેદવારનું નામ છે. ''બર્ની સેન્ડર''. હિલેરી ક્લીન્ટર હાલમાં સેક્રેટરી ઓફ સ્ટેટ તરીકેની સેવા બજાવે છે. તેમણે એક જબરજસ્ત જાહેરાત કરી છે, જેનો સંબંધ પોલિટિક્સ સાથે નહી પણ, છેલ્લા કેટલાંક દાયકાથી ચાલી આવતા રહસ્યમય 'યુફો' અને 'એલિયન'ને લગતી કોન્સ્પીરન્સી થિયરીનાં જન્મસ્થાન એવાં 'એરીયા-૫૧' સાથે છે. જીમી કિમેલના ટોક શોમાં હિલારી ક્લિન્ટને જાહેર કર્યું છે કે ''જો તેઓ અમેરીકાનાં સંભવિત પ્રમુખપદની ચૂંટણી જીતી જશે તો, એરીયા-૫૧ને લગતી ફાઈલોને ડિ-ક્લાસીફાઈડ કરી લોકો સમક્ષ મુકશે.આમ કરતાં પહેલાં બધી જ ફાઈલોનું તે અધ્યયન કરશે અને રાષ્ટ્રીય સુરક્ષા સામે ખતરો ન હોય તેવી ફાઈલો-પેપર લોકભોગ્ય બનાવશે. શા માટે 'એરીયા-૫૧' જેવો મુદ્દો, આવનારી અમેરિકન ચૂંટણીઓ માટે મહત્ત્વનો બની ગયો છે? આખરે એરીયા-૫૧માં રહસ્યમય બાબત કઈ છે? ઘણા લોકો અફવા-જેવી ફિક્શન કથાઓમાંથી ફેક્ટ/હકીકતો અલગ તારવવા માટે મથી ચુક્યા છે પરંતુ તેમને સફળતા મળી નથી. શું આખરે એરિયા- ૫૧ઉપર પડેલ રહસ્યમય પડદો ઉચકાતાં યુફો કે એલીયનનાં દર્શન થશે ખરાં?

યુફો અને એલિયન્સ કનેક્શન
૧૯૫૦ના દાયકાની વાત છે. એરીયા-૫૧ઉપર નાગરીક વિમાનો ૨૦ હજાર કરતાં નીચેના લેવલે એરોપ્લેન ઉડતાં જોવા મળ્યા હતા. જ્યારે લશ્કરી વિમાનો ૪૦ હજાર ફૂટ કરતાં નીચે ઉડતા હતાં. અમેરિકાનું U-2  પ્લેન વિકાસ તબક્કામાં હતું. જે ૬૦ હજાર ફૂટ ઊંચાઈ પર ઉડતું હતું. તેનાં પાયલોટે 'ઉડતી રકાબી' જેને આપણે અન આઈડેન્ટીફાઈડ ઓબ્જેક્ટ (UFO) કહીએ છીએ તેને જોઈ હતી. સાંજના સમયે અનેકવાર  "UFO" જોવા મળ્યાના રિપોર્ટ મળવા લાગ્યા હતાં. છતાં કોઈ મગનું નામ મરી પાડતું ન હતું. એરીયા-૫૧આજુબાજુ રહસ્યના જાળાં ગુંથાવા લાગ્યા હતા અને તેમાંથી UFO, એલીયન અને કોન્સ્પીરન્સી થિયરીનો ત્રિવેણી સંગમ શરૃ થઈ ગયો. લોકોની કલ્પનાઓને પાંખો આવી ગઈ. 'એરીયા-૫૧' ચર્ચાસ્પદ અને રહસ્યમય બનવા લાગ્યો. 
'એરીયા-૫૧'અમેરિકાના નેવાડા રાજ્યનાં દક્ષિણ ભાગમાં આવેલ છે. જ્યાંથી જુગારની નગરી ગણાતું લાસવેગાસ ૧૩૪ કિ.મી. દૂર છે. તેનાં દક્ષિણ કાંઠે ગુ્રમ લેક છે. જે લશ્કરી હવાઈદળનું મોટું 'એરફિલ્ડ' છે. ૧૯૫૫માં અમેરિકન એરફોર્સ દ્વારા આ વિસ્તાર કબજે કરવામાં આવ્યો હતો. જ્યાં લોકહિડ માર્ટીનનો U-2 એરક્રાફ્ટનું ટેસ્ટીંગ થતું હતું. અહીંથી પસાર થતાં એક હાઈવેનું નામ છે એક્સ્ટ્રા ટેરેસ્ટ્રીઅલ હાઈવે. જેના ઉપર 'રાચેલ' નામનું નાનું ગામડું, પ્રવાસીઓ માટે પોપ્યુલર ડેસ્ટીનેશન છે. વિએતનામ યુધ્ધ સમયથી આ વિસ્તાર એરીયા-૫૧ તરીકે ઓળખાય છે.
સામાન્ય માણસ 'યુફો' અને 'એલિયન્સ'ની વાત કરે ત્યારે, લોકો તેને ગંભીરતાથી લે નહી, પરંતુ અહીં એક લેખક પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કર્યું કે તેણે 'યુફો' અને એલિયેન્સ જોયા છે. જેન્ટલમેન ગણાતા 'એલિયન્સ' તેની મદદે આવે છે અને તેમણે મને ચેતવણી આપી છે કે ''પૃથ્વી પર ખતરો છે''. આવું વિધાન કરનાર લેખક છે -માઈક ઓરામ,  માઈક ઓરામ બાળ સાહિત્ય લખનાર બ્રિટિશ લેખક છે. જેમણે "સ્ટ્રેન્જ વર્લ્ડ ઓફ જીમ્મી હેવઝ" અને 'ધ મેન ઓફ ધ બેન' લખી છે. તેમણે મને એમની પત્ની ફ્રેરાન ઓરામે 'એરીયા-૫૧'ની મુલાકાત લીધી ત્યારે તેમને કડવો અનુભવ થયાની વાત કરી હતી. તેમના કારનાં ટાયરમાં પંચર પાડવામાં આવ્યું હતું. તેમનો પીછો એક ટ્રકે કર્યો હતો. જે ત્યારબાદ રહસ્યમય રીતે અદ્રશ્ય થઈ ગઈ. આ સમયે પરગ્રહવાસી જેને ઓરામ 'સ્પેસ બ્રધર' કહે છે તેણે મદદ કરી હતી. અને એરીયા-૫૧ નાં રહસ્યમય વિસ્તારમાંથી તેમને બહાર કાઢ્યા હતાં. કાર્લ સગાન નામના વિજ્ઞાાન લેખકે,  માઈક ઓરામની વાતને બકવાસ ગણાવી હતી...!

કોન્સપીરન્સી થિયરી : અર્ધ સત્ય કે અસત્ય?

અંતરીક્ષ યુગનો આપણે આભાર માનવો જોઈએ કે આપણને નવી નવી ટેકનોલોજી રોજબરોજનાં ઉપયોગ માટે મળવા લાગી છે. પરંતુ વિચારો કે સ્ટીલ્થ ફાઈટર પ્લેન અને કેવલર જેવા મજબુત પદાર્થની ભેટ આપણને કોણે આપી છે? અલબત્ત, પરગ્રહવાસી એટલે કે એલીયન્સ તરફથી મળી છે. કોન્સપરન્સી થિયરીનાં નિષ્ણાતો ઉપર મુજબની રજુઆત કરે છે. ચંદ્રમાના ૫૦ વર્ષ પુરા થયા ત્યારે 'ટાઈમ' મેગેઝીન દ્વારા દસ થિયરી રજુ કરવામાં આવી હતી. જે લોકમાનસ પર સવાર હતી. કેટલાંક લોકો એવું ઠસાવવા માંગતા હતા કે માનવી ચંદ્ર ઉપર ગયો જ નથી? કેટલાક લોકો માને છે કે પૃથ્વીનું સંચાલન કેટલી ભૂગર્ભ સંસ્થાઓ (સીક્રેટ-સોસાયટી) દ્વારા થાય છે? આવા સવાલોનું ખંડન 'સેપરેટીંગ ફેક્ટ ફ્રોમ ફીક્શન' દ્વારા કરી હતી. જેમાં એરીયા-૫૧ માં UFO અને એલીયન્સની હાજરી છે. એ સવાલ પણ સામેલ હતો.
કોન્સ્પીયરન્સી થિયરીવાળા કહે છે કે પરગ્રહવાસીઓના તૂટેલા સ્પેસક્રાફ્ટના ટુકડાઓ એરીયા-૫૧ માં સાચવવામાં આવ્યા છે. જ્યાં રિવર્સ એન્જીનીયરિંગની કમાલ વડે અમેરિકાએ સ્ટીલ્થ ટેકનોલોજી અને કેવલર જેવું સૌથી મજબુત મટિરીઅલ વિકસાવ્યું છે. સવાલ એવો ધારદાર છે કે વિજ્ઞાાન જાણનારા પણ એકવાર કોન્સપરન્સી થિયરીમાં માનતા થઈ જાય અને... જ્યાં સુધી આવી થિયરીનું સત્તાવાર રીતે ખંડન કરવામાં ન આવે ત્યાં સુધી 'કોન્સપરન્સી થિયરી' લોકોને આકર્ષતી રહે છે. કારણ કે તેમાં રહસ્ય અકબંધ રહેલું છે. એરીયા-૫૧ ની બાબતે પણ આવું જ થયું હતું.
આર્મીના એક રિટાયર્ડ કર્નલે એરીયા-૫૧ અને UFOનાં ઈતિહાસનાં સૌથી ચર્ચાસ્પદ પ્રકરણ 'રોઝવેલ UFO' સાથે જોડીને ઉમેર્યું કે એરીયા-૫૧ માં તેમને રોઝવેલ ખાતે તુટી પડેલા એલીયન સ્પેસક્રાફ્ટનાં ભંગારને તપાસવા અને ચકાસવા માટે મંજુરી આપવામાં આવી હતી. કેટલાંક લોકો માને છે કે એરીયા-૫ભમાં સરકાર 'ટાઈમ ટ્રાવેલ'નાં પ્રયોગો કરે છે. એરીયા-૫૧ ને 'નેશનલ સિક્યુરીટી'ને ધ્યાનમાં રાખીને અમેરિકાએ ગુપ્ત રાખ્યો છે. જેનાં કારણે રહસ્ય વધારે ઘેરું બનતું ગયું હતું. એક વાતનો ખુલાસો થઈ ચુક્યો છે કે એરીયા-૫૧ ખાતે, એરફોર્સને લગતાં લશ્કરી વિમાનોને લગતું સંશોધન જરૃર થાય છે. એટલે એરીયા-૫૧ નાં આકાશમાંથી વાતાવરણ છોડી અંતરીક્ષની શરૃઆત ક્યાંથી થાય છે? એ સવાલ મહત્વનો છે.

એરીયા-૫૧ અને એલીયન્સ બંનેનું અસ્તિત્વ છે: નાસાની પોઝિટિવ જાહેરાત

બ્રિટિશ શાળાનાં બાળકો સાથે નાસાનાં એડમીનીસ્ટ્રેટર મેજર ચાર્લ્સ બોલ્ડેન જણાવે છે કે એરીયા-૫૧ નું અસ્તિત્વ છે અને એક્સ્ટ્રા-ટેરેસ્ટ્રીઅલ લાઈફ એટલે કે પૃથ્વી સીવાય બહાર પણ સજીવનું અસ્તિત્વ છે. આ પ્રકારનાં એલીયન્સ સુક્ષ્મ જીવાણુ એટલે કે માઈક્રો ઓર્ગેનિઝમથી માંડીને આપણી કલ્પના બહારનો આકાર ધરાવતા સજીવો હોઈ શકે છે. કારણ કે પૃથ્વી સિવાય સુર્ય માળા બહાર ૨૦૦૦ કરતાં વધારે એક્ઝો-પ્લેનેટ શોધાયેલાં છે. ''મહત્ત્વની વાત એ છે કે એરીયા-૫૧ અને એલીયન્સ વચ્ચે કોઈ સંબંધ નથી. એરીયા-૫૧ માં પરગ્રહવાસીને સાચવવામાં આવ્યા નથી.''
આ પ્રકારનો ખુલાસો મેજર ચાર્લ્સ બોલ્ડેને કર્યો હતો. હું એરીયા-૫૧માં હતો ત્યારે મેં કોઈ પરગ્રહવાસીનું સ્પેસક્રાફ્ટ કે પરગ્રહવાસીને ત્યાં જોયો નથી.એરોનોટીકલ ક્ષેત્રે કામ લાગે તેવી ટેકનોલોજી અહીં વિકસાવવામાં આવતી હોવાથી એરીયા-૫૧ વિશે રહસ્ય જાળવી રાખવામાં આવે છે જેનાં કારણે લોકોને પોતાની કલ્પનાનાં ઘોડા મન ફાવે તેમ દોડાવવાની આસાન સગવડ મળે છે. અહીં એક સવાલ એ પણ થાય છે કે એરીયા-૫૧ સિવાય અન્ય સ્થળે પણ એરોનોટીકલ અને સ્પેસ ટેકનોલોજીનાં સંશોધનો થાય છે. છતાં એવા સ્થળોએ 'એરીયા-૫૧' જેટલી સિક્રસી/રહસ્ય જાળવવામાં આવતું નથી. શા માટે? એરિયા- ૫૧ નાં અસ્તિત્વ અને તેનાં નેવાડામાં આવેલ 'લોકેશન'ની જાણકારી પણ છેક છેલ્લે ૨૦૧૩માં સીઆઈએ દ્વારા આપવામાં આવી હતી. આટલું રહસ્ય શા માટે?
એરીયા-૫૧ માં શું ચાલી રહ્યું છે તેની સત્તાવાર માહિતી નથી છતાં આધારભૂત માહિતી પ્રમાણે, અહીં ભૂતકાળમાં U-2 સ્પાય પ્લેન, એ-૧૨ ઓક્સકાર્ડ, SR-71 બ્લેક બર્ડ, બર્ડ ઓફ પ્રે, બ્લેક મન્ટા, ઓટોરા બ્લેક સ્ટાર વગેરેનો સમાવેશ થાય છે. એરિયા- ૫૧ નામ કઈ રીતે પડયું? નેવાડા ન્યુક્લીયર ટેસ્ટ સાઈટને ગ્રીડમાં વહેંચી નાખવામાં આવી છે જેને ૧ થી ૩૦ ભાગમાં વહેંચી નાખ્યું છે. જેનો એરીયા-૧૫ તેની સીમારેખા પર છે. નંબરને ઉલટાવીને એરીયા-૫૧ નામ આપવામાં આવ્યું છે.

એરીયા- ૫૧ : રહસ્યને ઘુટીને વધારે ઘેરી બનાવવામાં આવે છે

એરીયા-૫૧ની નજીક નેવાડા ન્યુક્લીયર ટેસ્ટ સાઈટ આવેલી છે. ઈ.સ. ૨૦૦૦માં સોવિયેત યુનિયનનાં ઉપગ્રહે લીધેલ ફોટોગ્રાફ ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટીસ્ટની વેબ સાઈટ પર મુકવામાં આવ્યા હતાં. અહીંનો એરફોર્સ બેઝ ડ્રાય લેક બેડ એટલે કે સુકાયેલા સરોવરનું તળીયું છે જે ગુ્રમ લેક તરીકે જાણીતું છે. ૩૬,૦૦૦ હેક્ટર જેવા વિશાળ વિસ્તાર સામાન્ય લોકો માટે પ્રતિબંધીત છે. વિવિધ સંસ્થાનું હાઈ સિક્યોરીટી કલીયર મળે તો જ સરકારી અમલદાર કે વ્યક્તિ એરીયા-૫૧માં પ્રવેશી શકે છે.
બીજા વિશ્વ અને પ્રમુખ રૃઝવેલના સમયથી એરીયા-૫૧ અસ્તિત્વમાં આવ્યો હતો. જુની અને નવી તસ્વીરો તપાસતા માલુમ પડે છે કે અહીં નવી સુવિધાઓ વાળી બિલ્ડીંગો અને એરબેઝ વિકસાવવામાં આવ્યા છે. પ્લેનને મુકવા માટેનાં હેંગર છે. વિવિધ જગ્યાએ રડાર એન્ટેના લાગેલા છે. રહેવા માટેના બિલ્ડીંગ, રસોઈઘર, ઓફિસ અને રન વે પણ વિકસાવાયેલા છે. અહીં 'સ્કુટ એન્ડ હાઈડ' બિલ્ડીંગ છે. જ્યારે કોઈ સેટેલાઈટ આ વિસ્તાર પરથી પસાર થાય ત્યારે, એરક્રાફ્ટને ઝડપથી સંતાડવા માટેની સગવડ છે. લોકો કહે છે સપાટી પર દેખાતી રચનાઓ માત્ર આઈઝબર્ગ/તરતાં બરફનાં પહાડની ટોચ જેવાં છે. વિશાળ ફેસિલિટીતો ભૂગર્ભમાં ઉભી કરવામાં આવી છે. અન્ડરગ્રાઉન્ડ રેલ્વે એરીયા-૫૧ને લોસઆલમોસ, વ્હાઈટ સેન્ડ અને લોસ એન્જલ્સ સાથે જોડે છે.

એરીયા-૫૧માં કામ કરનાર વ્યક્તિ સામાન્ય નાગરીક હોય કે લશ્કર સાથે સંકળાયેલ મિલિટરીમેન હોય, અહીં પ્રવેશતા પહેલાં ''પ્રતિજ્ઞાા લેવી પડે છે કે ''અહીં ચાલતી પ્રવૃત્તી વિશે તે મૌન રહેશે અને રહસ્ય જાળવી રાખશે.'' ડિફેન્સ કોન્ટ્રેક્ટરની માલિકીનાં લાસ વેગાસ ખાતે આવેલ એરપોર્ટ પરથી નિશાની વગરના બોઈંગ- ૭૩૭ અથવા ૭૨૭ વડે સિક્યોરીટી ક્લીયરન્સ મેળવેલ વ્યક્તિને એરીયા-૫૧માં પ્રવેશ આપવામાં આવે છે. દરેક પ્લેનને 'જેનેટ' તરીકે ઓળખવામાં આવે છે જેની પાછળ ત્રણ અંકો ધરાવતો આંકડો હોય છે. જે એરપોર્ટ સંચાલન માટે આપવામાં આવે છે. એરીયા-૫૧ R-૪૮૦૮શ તરીકે જાણીતો છે. અહીંથી વ્યાપારી કે લશ્કરી વિમાનની ફલાઈટ ઉડાડવા માટે પણ પ્રતિબંધ છે. બફરનોન ધરાવતા વિસ્તાર પર એરીયા-૫૧નાં પાયલોટ પણ તેમનું પ્લેન ઉડાડી શકતા નથી. આવું કરનારને શિક્ષા કરવામાં આવે છે.

Sunday 3 April 2016

ગુરૃત્વાકર્ષણના તરંગો બાદ,ડાર્ક મેટરની શોધ હાથવેંત છેટી છે ?


 એક બ્લેક હોલ તેના નજીકના તારાનું દ્રવ્ય પોતાનામાં ખેચી રહ્યો હતો. આ ઘટના બની ત્યારે, ક્ષર્ણાધ માટે લાલ રંગનો પ્રકાશનો ફુવારો છુટયો હોય તેવો પ્રકાશપુંજ દેખાયો હતો. પ્રકાશની તીવ્રતા આપણા સૂર્યના પ્રકાશ કરતા હજાર ગણી વધારે હતી. ઘટનામાં જોવા મળેલ બ્લેકહોલ F404  સિગ્ની તરીકે ઓળખાય છે. જે પૃથ્વીથી ૭૮૦૦ પ્રકાશવર્ષ દૂર છે. બ્લેકહોલ દ્વારાં ભોજન આરોગતો હોય તેમ, તારાનું દ્રવ્ય ખેચવાની પ્રક્રિયા ગયા જૂન મહિનાથી જોવા મળી હતી. પ્રકાશનો તેજ ફૂવારો સેકન્ડના માત્ર ચાલીસમાં ભાગ પુરતો જ જોવા મળ્યો હતો.આ સમય આપણે પાંપણ ઝપકાવીએ તેના કરતાં દસ ગણી વધારે ઝડપી હતો. લીમાનાં કેનેરી આઇલેન્ડ પર રાખેલ લા પાલ્માના વિલીયમ હર્ષ ટેલિસ્કોપ વડે ઘટનાની તસ્વીરો લેવામાં આવી છે. તસ્વીરો ખેચવા માટે અલ્ટ્રાકેમ ફાસ્ટ ઇમેજીગ કેમેરાઓ વપરાયા હતા. બ્લેકહોલ માટે ડૉ.છોટુભાઇ સુથારે 'શ્યામવિવર' નામનો સુંદર શબ્દ પ્રયોજ્યો છે. થોડા સમય પહેલા 'લીગો'ની ટીમ દ્વારા, એકવીસમી સદીની મહાન શોધ એટલે કે ગુરૃત્વાકર્ષણના તરંગો શોધાયા હતા. ગુરૃત્વાકર્ષણના તરંગોની સૈધાન્તિક શોધ આઇનસ્ટાઇનની થિયરી ઓફ રિલેટીવિટીમાં રહેલી છે. જ્યારે તેના ભૌતિક પુરાવાઓ 'લીગો'ની ટીમે શોધી કાઢ્યા હતા.

આખરે 'ડાર્ક મેટર' શું છે ?


બ્રહ્માંડમાં અદ્રશ્ય પદાર્થના જથ્થાને વૈજ્ઞાાનિકો ડાર્ક મેટર તરીકે ઓળખાવે છે. બ્રહ્માંડનો ૮૫% હિસ્સો ડાર્ક મેટરથી બનેલો માનવામાં આવે છે. આ પદાર્થ પ્રકાશ આધારીત ટેલિસ્કોપથી જોઇ શકાતો નથી. અદ્રશ્ય પદાર્થની દ્રશ્યમાન પદાર્થ પર થતી ગુરૃત્વાકર્ષણ બળની અસર વડે 'ડાર્ક મેટર'ની અદ્રશ્ય સાબિતી મળે છે. યુરોપિયન સ્પેસ એજન્સી કહે છે કે 'જો અંધારામાં ટોર્ચ/ બેટરીની રોશની કરવામાં આવે તો માત્ર ટોર્ચનો પ્રકાશ જ જોઇ શકાય. એનો અર્થ એ નથી કે રૃમમાં અન્ય ચીજ વસ્તુનું અસ્તિત્વ નથી. એ જ પ્રમાણે વૈજ્ઞાાનિકો જાણે છે કે બ્રહ્માંડમાં 'ડાર્ક મેટર' છે. પરંતુ તેના સીધા પુરાવાઓ મળ્યા નથી. વૈજ્ઞાાનિકો એ પણ નથી જાણતા કે ડાર્ક મેટર તરીકે ઓળખાતો રહસ્યમય અંધારીઓ પદાર્થ શેનો બનેલો છે ?
એક અંદાજ મુજબ ડાર્ક મેટર ગુરૃત્વાકર્ષણ આધારીત એવો ગુંદર છે. જે બ્રહ્માંડમાં આવેલ વિવિધ આકાશગંગાઓને એકબીજા સાથે બાંધી રાખે છે. આપણા બ્રહ્માંડમાં દશ્યમાન પદાર્થનો હિસ્સો માત્ર ૫ ટકા જેટલો જ છે. આ  વિઝિબલ મેટરના અવલોકનોના આધારે આપણું ભૌતિકશાસ્ત્ર વિકસ્યુ છે. પરમાણુ તેમની રચના કરનાર અવપરમાણ્વીક કણો અને અવપરમાણ્વીક કણોની રચના કરનાર ક્વાર્ક જેવા આદી કણોની થિયરી આપણે વિકસાવી છે. ડાર્ક મેટરની સાબિતી આપણે ગ્રેવિટેશન લેન્સીંગ અને કોસ્મીક માઇક્રોવેવ બેકગ્રાઉન્ડ રેડિયેશન ઉપરથી પારખી છે. ડાર્ક મેટર અને ડાર્ક એનર્જી બંને અલગ અલગ વસ્તુ છે છતાં બંનેનો સરવાળો ૮૫% જેટલો થાય છે. ટૂંકમાં બ્રહ્માંડમાં દ્રશ્યમાન પદાર્થ કરતા અદ્રશ્ય પદાર્થ પર ઉર્જાનું પ્રમાણ વધારે છે.
૧૯૨૨માં ડાર્ક મેટરને લગતી પ્રથમ સંકલ્પના ડચ ખગોળશાસ્ત્રી જેકોબસ કોટેને આપી હતી. ૧૯૩૨માં ડચ ખગોળ શાસ્ત્રી અને રેડિયો એસ્ટ્રોનોમીના પ્રણેતા એવા વૈજ્ઞાાનિક  ઉર્ટ દ્વારા પણ 'ડાર્ક મેટર'ની સૈધાન્તિક અસ્તિત્વની વાદ આગળ ધરવામાં આવી હતી. બ્રહ્માંડમાં ખુટતા દ્રવ્યના જથ્થાની ગણતરી કરતા અદ્રશ્ય પદાર્થ/ ડાર્ક મેટરની સંભાવના ઉભરીને સપાટી પર આવી હતી.

બ્રહ્માંડના ખુટતા દ્રવ્યના જથ્થાનો તાળો મેળવી આપવામાં ''લીગો''ના ડિટેક્ટર સફળ થશે ?


થોડા સમય પહેલાં, ગુરૃત્વાકર્ષણના તરંગોની શોધ થઇ હતી. જેને આ સદીની સૌથી મોટી શોધ તરીકે ઓળખવામાં આવી હતી. આ તરંગો લેસર ઇન્ટરફેરોમીટર ગ્રેવિટેશનલ વેટઝ ઓબ્ઝર વેટરી (LIGO)  દ્વારા શોધી કાઢવામાં આવ્યા હતો. ૧.૩૦ અબજ વર્ષ પહેલા બ્રહ્માંડમાં એક અજબ અને અદ્ભૂત ઘટના બની હતી. જેમાં બે બ્લેકહોલ એકબીજા સાથે ટકરાઇને એક વિશાળ બ્લેક હોલ બન્યો હતો. આ ઘટનાના સાક્ષી જેવા ગુરૃત્વતરંગો બ્રહ્માંડમાં ફેલાયા હતા. આ તરંગોમાં જોવા મળતી અનિયમિતતા 'લીગો'નો અગ્નિ સંવેદનશીલ ઉપકરણોએ પકડી પાડી હતી. આ ઘટના પરથી બોધપાઠ લઇને વૈજ્ઞાાનિકોની એક ટીમ કહે છે કે આવનારાં સમયમાં બ્રહ્માંડનો રહસ્યમય પદાર્થ જેને વૈજ્ઞાાનિકો ડાર્ક મેટર તરીકે ઓળખે છે તેનો જવાબ મળશે. ડાર્ક મેટરને લગતું રહસ્ય આખરે ઉકેલાશે.

જ્હોન હોપકીન્સ યુનિવર્સિટીના ડૉ.સીમીઓન બર્ડ કહે છે કે 'લીગો' દ્વારા જે બે બ્લેક હોલના ગુરૃત્વાકર્ષણના તરંગો પકડી પાડવામાં આવ્યા હતા. તે આદીકાળના બ્લેક હોલ હોવા જોઇએ. આપણે જેને પરંપરાગત બ્લેક હોલ કહીએ છીએ તે શ્રેણીમાં તે આવતા ન પણ હોય. સામાન્ય સંજોગોમાં જ્યારે તારાનું મૃત્યુ થઇને દ્રવ્ય તુટી પડે છે. ત્યારે બ્લેક હોલનું સર્જન થાય છે. જ્યારે 'લીગો' દ્વારા શોધવામાં આવેલ બ્લેક હોલ 'મહાવિસ્ફોટ' લીગબેંગની ઘટના બાદ, હાજર અતિશય ઘનતાવાળા પદાર્થમાંથી સર્જાયા હોવા જોઇએ. જો આવા બ્લેક હોલ્સ ખરેખર અસ્તિત્વમાં હોય તો તેઓ ડાર્ક મેટરનો એકભાગ સ્વરૃપે હોવા જોઇએ. એક અંદાજ મુજબ બ્રહ્માંડમાં રહેતા દ્રવ્યનો ૮૫ ટકા જથ્થો, બ્રહ્માંડમાં ન ઓળખાયેલા અદ્રશ્ય 'ડાર્ક મેટર' સ્વરૃપે છે. લીગો દ્વારા શોધાયેલા બ્લેક હોલ્સ, આદીકાળમાં બ્લેક હોલ વડે બનેલ ''ડાર્ક મેટર''ની થિયરીને સાચી પાડે તેટલો પરફેક્ટ માસ / પૂર્ણ દ્રવ્ય જથ્થો ધરાવે છે. જો કે ડાર્ક મેટરના અસ્તિત્વનાં સબળ પુરાવાઓ મળ્યા નથી.

ગુરૃત્વાકર્ષણને લગતી થિયરી બદલવાનો સમય પાકી ગયો છે?


બ્રહ્માંડના સંદર્ભમાં ડાર્ક મેટરને અલગ સ્વરૃપે વર્ણવવામાં આવે છે. જ્યારે સૌર મંડળમાં આપણો અનુભવ કંઇક અલગ વાત કહે છે. બ્રહ્માંડમાં જોવા મળતા પદાર્થને વૈજ્ઞાાનિકો 'બેરીયોનીક મેટર' કહે છે. જે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેકટ્રોનના સમન્વયથી બનેલ છે. ૧૯૫૦ના દાયકામાં ખગોળશાસ્ત્રના અવલોકનો એક વાત, બુમ બરાડા પાડીને જણાવતા હતા કે બ્રહ્માંડમાં આપણે જોઇએ છીએ તેના કરતાં વધારે 'મેટર'નુ અસ્તિત્વ છે. તો પછી તેમનું અસ્તિત્વ પકડાતું કેમ નથી ? આ અદ્રશ્ય પદાર્થના સંભવિત ઉમેદવારોના  લિસ્ટમાં, ઝાંખા બ્રાઉન ડવાર્ફ, વ્હાઇટ ડ્વાર્ફ, ન્યુટોન સ્ટાર અને સુપર મેસીવ બ્લેક હોલ્સની ગણના કરવામાં આવે છે.
આપણું સૌરમંડળ, સામાન્ય બેરીયોનીક મેટરનું બનેલું છે. જેમાં ગ્રહ, તેનો ચંદ્ર, ડસ્ટ, પ્લાઝમાં અને અન્ય આંતરતારાકીય વધેલો કચરાનો સમાવેશ થાય છે. પરંતુ ડાર્ક મેટર આમાંની કોઇ એક ચીજનો બનેલો નથી. પાર્ટીકલ ફીજીક્સના સ્ટાન્ડર્ડ મોડેલમાં 'ડાર્ક મેટર'નો સમાવેશ થતો નથી. ભૌતિકશાસ્ત્રનું સ્ટાન્ડર્ડ મોડેલ આપણા પ્રયોગોના પરિણામ અને દૂરંદેશી વડે વિકસ્યુ છે. બ્રહ્માંડમાં જોવા મળતી ગુરૃત્વાકર્ષણની અસર અને સૌર મંડળમાં વરતાતી ગુરૃત્વાકર્ષણની અસરમાં અતિ સુક્ષ્મ સ્તરે તફાવત જોવા મળે છે. જે નેનોમીટર પ્રતિ સેકન્ડના વર્ગ જેટલો છે. જેમ જેમ નાના ખગોળીય પીંડથી માંડીને, અતિશય વિશાળકાય આકાશગંગા તરફ આગળ વધતાં જઇએ ત્યારે બે શક્યતાઓ સામે આવે છે. (૧) આપણે હાલમાં રહેલ પ્રવર્તમાન ગુરૃત્વાકર્ષણ વિશેનાં ખ્યાલોમાં બદલાવ લાવવાની જરૃર છે અથવા બ્રહ્માંડમાં અદ્રશ્ય પદાર્થનું અસ્તિત્વ છે.

એક શક્યતા એ પણ છે કે સૌરમંડળ બહાર વર્તાતા ગુરૃત્વાકર્ષણ અને સૌરમંડળના ગુરૃત્વાકર્ષણ વચ્ચે જે સુક્ષ્મ તફાવત નજરે પડે છે. તેના કારણે ન્યુટને આપેલ બળનું ડાયનેમિક્સ બદલવાની જરૃર છે. જે ફિનોમીનાં 'મોન્ડ' તરીકે ઓળખાય છે. (મોડીફાઇડ ન્યુટોનીઅન ડાયનેમિક્સ) જો આપણે ન્યુટને આપેલ ગુરૃત્વાકર્ષણના નિયમોને બદલી નાખીએ તો, સમજાશે કે ''બ્રહ્માંડમાં ડાર્ક મેટરનું અસ્તિત્વ જ નથી ?'' MOND ફીનોમીના ૧૯૮૧માં પ્રથમ વાર મિલ્ગ્રોમ નામના સંશોધકે નિહાળ્યો હતો.

મોડીફાઇડ ન્યુટોનીઅન ડાયનેમિક્સ :


આધુનિક ભૌતિકશાસ્ત્રના પાયારૃપ સિધ્ધાતો આઇઝેક ન્યુટને તેના ગતિના નિયમો વડે આપ્યા હતા. તેના ગતિના નિયમો અને ગુરૃત્વાકર્ષણના નિયમોએ બ્રહ્માંડને સમજવાની ચાવી આપી હતી. આલ્બર્ટ આઇનસ્ટાઇને ન્યુટનના કાર્યને વિશાળ ફલક પર મુકવાનું હોય તેમ સાપેક્ષતાવાદ નો સિદ્ધાંત આપ્યો હતો. જેમાં સ્પેસ- ટાઇમની કલ્પના અને ગ્રેવિટીને ખુલવામાં આવી ન હતી. સાદીભાષામાં કહીએ તો બ્રહ્માંડને ન્યુટન અને આઇનસ્ટાઇના સંશોધન વડે સંપૂર્ણ રીવ્યુ સમજી શકાય. છતાં ખગોળશાસ્ત્રીઓ એ જોયું કે આકાશગંગામાં રહેલા તારાઓની ગતિ, ન્યુટનના મિકેનિક્સ પ્રમાણે હોવું જોઇએ. ખરેખર એવું જોવા મળ્યું નહી. તારાઓની ગતિ ન્યુટને આપેલા નિયમો કરતા વધારે હતી.
૧૯૮૩માં ઇઝરાયેલના ભૌતિકશાસ્ત્રી મોરડાઇ મિલગ્રોમને લાગ્યું કે ન્યુટનના ગતિશાસ્ત્રના નિયમોને થોડાક બદલવામાં આવે તો, આકાશગંગામાં રહે. વિવિધ તારાઓની ઝડપનો અવલોકીત અવલોકનો સાથે મેળ બેસી જાય છે. ન્યુટનની ગતિનો બીજો નિયમ, કેન્દ્રવર્તી પ્રવેગ અને ન્યુટનના ગુરૃત્વાકર્ષણના નિયમોને સાંકળે છે. નવી મોડીફાઇડ થિયરીને વિજ્ઞાાન મોડીફાઇડ ન્યુટોનીથન ડાયનેમિક્સ કહે છે. (MOND)  જે મોડીફાઇડ ગ્રેવીટી થિયરી તરીકે પણ ઓળખાય છે. આમ સુધારા કર્યા છતાં પણ બ્રહ્માંડના લાર્જ સ્કેલ મોડેલમાં આકાશગંગાઓના સમૂહ / ગેલેક્સી કલસ્ટર અને મોર્ડન કોસ્મોલોજીકલ મોડેલને સંપૂર્ણ રીતે સમજાવવામાં નિષ્ફળ જાય છે. આજની તારીખે પરમાણુથી નાની  કક્ષાએ ક્વોન્ટમ મિકેનીઝસ અને બ્રહ્માંડની વિશાળ રચનાઓ માટે આઇનસ્ટાઇનનો સાપેક્ષવાદ લાગુ પાડવો પડે છે.

બ્રહ્માંડમાં લાગતા બધા જ બળોને સાથે રાખીને સમજાવી શકાય તેવી ગ્રાઉન્ડ યુનિફાઇડ થિયરી, સૈધ્ધાન્તિક રીતે વિકસાવવામાં, ભૌતિકશાસ્ત્રનું સ્ટાન્ડર્ડ મોડેલ નિષ્ફળ જતું લાગે છે. 'મોન્ડ' થિયરી પણ બ્રહ્માંડમાં રહેલ 'ડાર્ક મેટર'ની સંભાવનાને સંપૂર્ણ નકારી શકતી નથી. ફરક એટલો પડે છે કે ન્યુટનના નિયમો પ્રમાણ બ્રહ્માંડમાં ખુટતા પદાર્થ/ મેટરનો જથ્થો ખુબ જ વિશાળ આવે છે જ્યારે મોડીફાઇડ ન્યુટોનીયન ડાયનેનીઝક્સના સમીકરણોથી ખુટતા પદાર્થનો જથ્થો પાંચ ગણો ઓછો આવે છે. ''મોન્ડમાં'' પણ એ અન્ય ત્રુટીઓ નજરે પડવા લાગી છે. કદાચ હવે ડાર્ક મેટર અને મોન્ડ સંબંધી વધારે પુરાવા 'લીગો'ના ઉપકરણો વડે જ મળે તેમ છે.