Sunday 17 April 2016

''ડૉલી'' કોણ હતી ? ક્લોનિંગના બે દાયકા બાદ...


દુનિયાની સૌથી વિશાળ ક્લોનિંગ ફેકટરી પાસે ''માનવ ક્લોનિંગ'' કરવાની ક્ષમતા છે. પરંતુ ભવિષ્યમાં તે મનુષ્યનું ક્લોનિંગ કરશે ? આ સવાલ આજે ''ડૉલી'' નામની ઘેટીનાં ક્લોનિંગનાં બે દાયકા બાદ પણ એમને એમ ઉત્તરવિહીન ઊભો છે. લગભગ વિજ્ઞાનક્ષેત્રે આગળ રહેલાં દેશોમાં માનવ ક્લોનિંગ ઉપર પ્રતિબંધ છે. બ્રિટનનાં રોઝાલીંડ ઈન્સ્ટીટયુટનાં વૈજ્ઞાનિક ઈઆન વિલ્મુટ અને ટીમે, વિશ્વની પ્રથમ સ્તન્યવંશી પ્રાણીનું ક્લોનિંગ કરીને ઈતિહાસ સર્જી બતાવ્યો હતો. લોકો કહેતા હતાં કે આજે ઘેટાનું ક્લોનિંગ થયું છે તો આવતી કાલે ભરવાડનું ક્લોનિંગ થશે.
જો કે મનુષ્યનું ક્લોનિંગ થાય એવી ''આવતીકાલ'' હજી આવી નથી. પ્રાણીઓનાં ક્લોનિંગ માટે હવે વ્યાપારી સેવાઓ પણ ઉપલબ્ધ બની છે. બ્રિટનનાં એક બિલ્ડર દંપતિએ તેમનાં વ્હાલાં કુતરાંનાં મૃત્યુનાં પંદર દિવસ બાદ ક્લોનિંગ કરાવીને બોક્સર જાતીનાં કુતરાનાં ગલુડીયાને જન્મ આપ્યો છે. અત્યાર સુધી ૭૦૦ જેટલાં પાલતું કુતરાઓનું ક્લોનિંગ તેમનાં માલીક કરાવી ચુક્યા છે. કોરીયાની ''સુઆમ'' કંપની અને તેનાં સ્થાપક ડો. વાંગ વુ શુક  વિશ્વવિખ્યાત છે. બ્રિટિશ દંપતીએ કુતરાનાં ક્લોનિંગ માટે ૬૭ હજાર પાઉન્ડ ખર્ચ્યા છે. 'ડૉલી' ક્લોનિંગની ઘટનાનાં બે દાયકા બાદ, આજે શું ક્લોનિંગ શું સ્થિતિ છે ?

ક્લોનિંગ પાથવે ''ડોલી'':- ફ્લેશ બેક

જીવવિજ્ઞાનમાં 'ક્લોનિંગ'નો અર્થ થાય જીનેટીકલી એકસરખા સજીવને પેદા કરવા. કુદરતમાં પણ ''ક્લોનિંગ'' થાય છે. બાયોટેકનોલોજીવાળા ક્લોનિંગનો અર્થ ડિએનએનાં ટુકડાની નકલ પેદા કરવાની ટેકનીક માટે વાપરે છે. જો કે 'ક્લોનિંગ' શબ્દનો ઉપયોગ પ્રથમવાર જે.બી.એસ. હાલ્ડેન નામનાં બ્રિટિશ જીવરસાયણશાસ્ત્રીએ વાપર્યો હતો. જેમણે ભારતમાં પણ સંશોધન કાર્ય કર્યું હતું. સામાન્ય રીતે જૈવિક સમાગમ વગર, માદા કે નરનાં કોષોનું જીનેટિક મટિરીઅલ્સ વાપરીને નવો સજીવ પેદા કરવામાં આવે તેને 'ક્લોનિંગ' કહે છે. ટેકનિકલ ભાષામાં તે 'ઓર્ગાનીઝમ ક્લોનિંગ' છે. ઘણીવાર કેટલીક ''માદાઓ'' નર સાથેનાં સમાગમ વગર બચ્ચાનો 'વર્જીન' જન્મ આપે છે. જેને 'પાર્થેનોજીનેસીસ' કહે છે.
હાન્સ સોમાનને ૧૯૩૫માં તબીબી શાસ્ત્રનું નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું હતું. જે ક્લોનિંગ માટે એવોર્ડ વિનીંગ પ્રથમ ઘટના હતી. બહુચર્ચિત 'ડૉલી' ઘેટીનો જન્મ જુલાઇ ૧૯૯૬માં કરવામાં આવ્યો હતો. ક્લોનિંગની જાહેરાત ૧૯૯૭માં કરવામાં આવી હતી. ક્લોનિંગ એ જટિલ પ્રક્રીયા છે અને  સેંકડો પ્રયત્નો બાદ એકાદ સફળતા મળે છે.
ઈરા લેવીને ધ બોયઝ ફ્રોમ બ્રાઝીલ, નામની નવલકથાનાં ક્લોનિંગનીં વાત કરી છે. સાયન્સ ફિકશનમાં ક્લોનિંગ ઉપર સેંકડો કથા લખાઇ છે. હોલિવૂડની ફિલ્મો જેવી કે જુરાસીક પાર્ક, ધ સિક્સ્થ ડે, રેસિડેન્ટ એવીલ, સ્ટાર વૉર્સ, ધ આઇલેન્ડ જેવી ફિલ્મોમાં પણ ક્લોનિંગનો ઉલ્લેખ છે. વુડી એલને ક્લોનિંગનો કોમેડી તરીકે ઉપયોગ 'ધ સ્લીપર' ફિલ્મમાં કર્યો છે.

બોયાલાઈફ:ક્લોનિંગનો ચાઈનીઝ 'અવતાર'

બોયાલાઈફ નામની 'ક્લોનિંગ' કરનારી, રાક્ષસી સંસ્થા ચીનનાં ટીઆનજીન બંદર પાસે આવેલી છે. દર વર્ષે અહીં દસ લાખ ગાયોનું ક્લોનિંગ ટેકનીકલ વડે પેદા કરવામાં આવે છે. ક્લોનિંગ અહીં 'માંસ'નો પુરવઠો પુરો પાડવા માટે અને વિશિષ્ટ સંશોધન અર્થે કરવામાં આવે છે. આજે ક્લોનિંગ ક્ષેત્રે ચીનની ''બોયાલાઈફ'' અને દ.કોરીયાની ''સુઆમ'' ખ્યાતનામ બનેલ છે. બંને કંપની વચ્ચે ભાગીદારી છે. જ્યારે ચાઈનીઝ એકેડમી ઓફ સાયન્સ તેમને નાણાકીય સહાય પણ કરે છે.
પોલીસ અને લશ્કરી હેતુ માટે ઉપયોગી સર્ચ એન્ડ સ્નાઈફર ડોગ અને રેસ માટેનાં ઉમદા ઘોડાઓનું ક્લોનિંગ બોયાલાઈફ કરવાની છે. અહીં વાંદરાઓનું ક્લોનિંગ પણ વિવિધ દવાઓનાં તબીબી ટેસ્ટ માટે કરવામાં આવે છે. વાંદરાનું ક્લોનિંગ સફળ થયું છે. એટલે માનવું પડે કે મનુષ્યનું ક્લોનિંગ માત્ર એક જ ડગલું આગળ ચાલવાથી થઇ શકે તેમ છે. જો કે તેનાં ચીફ એક્ઝીક્યુટિવ કહે છે કે ''અમે માનવ ક્લોનિંગ કરવાનાં નથી. ટેકનોલોજીકલી અમે આગળ છીએ.'' અત્યાર સુધી બોયાલાઈફ ૬૦૦ જેટલાં બોમ્બ-સ્નીફિંગ કુતરાંઓને ક્લોનિંગ વડે પેદા કરી ચુકી છે. જે વૈશ્વિક ત્રાસવાદ ઘટાડવામાં ઉપયોગી થાય છે. (પછી ભલે વિટો વાપરીને ભારતની ત્રાસવાદીઓને ભારત સોંપવાની માંગણી ઉપર ઠંડું પાણી રેડી નાખે) બોયાલાઈફમાં તૈયાર થયેલાં ''ક્લોન્ડ'' એનિમલ્સ હાવર્ડ અને પીંકીંગ યુનિવર્સિટીમાં પ્રયોગો માટે વપરાય છે.

વાંગ વું-શુક :- પ્રાઈડ ઓફ કોરીયા

વાંગ વું-શુક હાલનાં ક્લોનિંગ ટેકનોલોજીનાં માસ્ટર આર્ટિસ્ટ ગણાય છે. 'નેચર' મેગેજીનમાં ક્લોનિંગ વિશે તેમનું સંશોધન પ્રકાશિત થયું હતું. તેમાં રજુ થયેલા તારણો ફેબ્રિકેટેડ હોવાનું જણાતાં ૨૦૦૬માં મોટો હોબાળો થયો હતો. તેમનાં બે ઉત્કૃષ્ટ આર્ટિકલ ૨૦૦૪ અને ૨૦૦૫માં સાયન્સ મેગેજીનમાં પ્રકાશિત થયા હતાં. ક્લોનિંગ ટેકનોલોજી વાપરીને તેમણે હ્યુમન એમ્બ્રીયોનિક સ્ટેમ સેલ વિકસાવવાનો દાવો રજુ કર્યો હતો. જો આવા સેલને નિયત અવધી સુધી વિકસવા દેવામાં આવે તો 'મનુષ્ય'નું ક્લોનિંગ થયું ગણાય. જેનાં પર નિષેધ છે.
૧૯૯૯માં યેઓન્ગચેંગ - નામની વધુ દૂધ આપે તેવી ગાયનું ક્લોનિંગ કરી, વાંગ વું-શુક દ. કોરીયાનાં મીડિયા જગતમાં દબાઇ ગયા હતાં. દ.કોરીયાનાં અગ્રણી વૈજ્ઞાનિકોમાં વાંગ વું-શુકનું નામ આવે છે. તેમનાં જીવતાં જીવ દ.કોરીયાએ ટપાલ ટિકિટ બહાર પાડી છે. એ બતાવે છે કે દ.કોરીયામાં તેમનું કેટલું માન અને મોભો હશે ! કોરીયન એર કંપની દ્વારા વાંગ વું-શુકને દસ વર્ષ માટે ફર્સ્ટક્લાસની ફ્રી ટિકિટ ઓફર કરી હતી. ૬૦ને પાર કરી ગયેલાં વું-શુક સવારે છ વાગ્યાથી 'ધંધે' લાગી જાય છે.મધરાત સુધી કામ કરે છે. પત્નીને મળવા માટે પણ માત્ર રાત્રે જ જાય છે. તેઓ કહે છે મારું કામ અને મારી દીનચર્યા મારી હેબીટ અને હોબી છે. તેમણે સુઆમ બાયોટેક રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના કરેલ છે. સિયોલનાં દક્ષિણ પર્વતીય વિસ્તારમાં સુઆમનું પાંચ માળનું બિલ્ડીંગ આવેલ છે. એક લાખ ડૉલરમાં વાંગ-શુક તમે કહો તે પ્રાણીનું ક્લોનિંગ કરી આપે છે. મોટાભાગે લોકો તેમના પાલતું પ્રાણીઓનાં ક્લોનિંગ તેમનાં મૃત્યુ બાદ કરાવે છે. આ રીતે વાંગ વું-શુકનાં રાઇઝ બાદ ફોલ અને ત્યારબાદ ફરી 'રાઇઝ' / ઉદય થયો છે.

ક્લોનિંગ - મેગા પ્રોજેક્ટ

જુરાસીક પાર્ક ફિલ્મ આવ્યા બાદ, વૈજ્ઞાનિકોમાં પણ જેનો અસ્તિત્વલોપ થઇ ગયો છે તેવાં પ્રાચીન 'રેર' પ્રાણીઓનાં ક્લોનિંગ કરવાની તાલાવેલી જાગી છે. જોકે જીવીત પ્રાણીઓનાં કોષમાંથી ક્લોનિંગ કરવું અલગ વાત છે. જ્યારે હજારો વર્ષ પહેલાં નાશ પામેલ પ્રાણી પ્રજાતીને ફરી જીવંત કરવા એ ખુબ જ મુશ્કેલ કામ છે છતાં વૈજ્ઞાનિકો ક્લોનિંગનાં આવા મેગા-પ્રોજેક્ટ પર કાર્યરત છે.
ટી-રેક્ષ (ડાયનોસૌર):- ૨૦૦૫માં સંશોધકોને માદા ટી-રેક્ષનાં અશ્મીઓ મળ્યાં છે. આમ તો અશ્મીઓ માદાનાં છે કે નરનાં તે કહેવું મુશ્કેલ હોય છે. વૈજ્ઞાનિકોએ પક્ષીઓમાં માદામાં જોવા મળતાં 'મોડયુલર બોન' ઉપરથી ટી-રેક્ષ માદાનાં અશ્મીઓ મેળવ્યાં છે. જે લગભગ ૬ કરોડ વર્ષ પ્રાચીન છે. જેમાં 'DNA’ સારી અવસ્થામાં સચવાયેલું માનવામાં આવે છે. વૈજ્ઞાનિકો માટે આ 'અશ્મી' ડાયનોસૌરને ફરી પૃથ્વી પર લાવવા માટેનો મેગા પ્રોજેક્ટ બની શકે છે.
કેવ લાયન (પત્થર યુગ):- ગુફામાં વસનાર સિંહની પ્રજાતી પત્થર યુગથી ચાલી આવે છે. દસ હજાર વર્ષ પહેલાં તે પ્રજાતી નામશેષ થઇ ગયેલ છે. સાઇબીરીયામાંથી કેવ લાયનનાં બચ્ચાનાં ખુબ જ સારી હાલતમાં જળવાયેલા (થિજી ગયેલી હાલતમાં મળેલ) અશ્મીઓ મળ્યાં છે. જેનો ઉપયોગ કરી વાંગ-શુક વું  કેવ લાયનનું ક્લોનિંગ કરવા માંગે છે.
ટુમેટ (ડોગ):- રશિયાની સ્યાલાખ નદી કિનારેથી 'મમી' અવસ્થામાં જળવાયેલ કુતરાની એક લુપ્ત પ્રજાતીનાં અશ્મીઓ મળી આવ્યા છે. ૨૦૧૧ અને ૨૦૧૫માં બે ગલુડીયાનાં અશ્મીઓ મળ્યાં છે. જેમાં ૮૦% અંગો સારી રીતે જળવાયેલાં છે. કુતરાનું મગજ પણ સારી હાલતમાં જળવાયેલ છે. વાંગ-વુ શુક આ 'ટુમેટ' કુતરાને પણ ફરીવાર પેદા કરવા કટીબધ્ધ બન્યા છે.
૨૦૦૯માં લુપ્ત થયેલ પ્રજાતી પિરેનિઅન ઈબેક્સને ક્લોનિંગ વડે જીવંત કરવાનો પ્રયત્ન વૈજ્ઞાનિકોએ કર્યો હતો. પ્રાણી તેનાં જન્મ બાદ ફેફસાની તકલીફ થતાં મૃત્યુ પામ્યું હતું. જોકે આધુનિક ટેકનોલોજી વડે લુપ્ત થયેલ પ્રજાતીઓને પુનઃ અવતાર આપવાનાં 'ચાન્સીસ' વધી ગયાં છે.
કેટલાંક જાણીતા પ્રાણીઓનાં ક્લોનિંગની વિગતો
પ્રાણી અને નામ
ક્લોનિંગ કરનાર
વર્ષ
ડૉલી-ઘેટી
ઈઆન વિલ્મુર
૧૯૯૬
ઘોડો-પ્રોમેટા
લેબોરેટરી ઓફ રિપ્રોડકટિવ ટેકનો.
૨૦૦૩
ઉંદર
સોવિયેત રશિયા
૧૯૮૬
ઉંટ-ઈન્જાજ
કેમલ રિપ્રોડકશન સેન્ટર, દુબાઇ
૨૦૦૯
કાર્પ માછલી
ટોંન્ગ ડિજોરું
૧૯૬૩
બિલાડી
ટેક્સાસ એ એન્ડ એમ યુનિવર્સિટી
૨૦૦૧
હરણ (ડેવેય)
ટેક્સાસ એ એન્ડ એમ યુનિવર્સિટી
૨૦૦૩
કુતરો (સ્નફી)
વાંગ-વું-શુક-સુઆમ
૨૦૦૫
ભારતીય વાનર-ટેટ્રા
જીરાલ્ડ કોરોન
૧૯૯૯-૨૦૦૭
ગ્રેવૃલ્ફ (વરૃ)
વાંગ-વું શુક
૨૦૦૫

No comments: